rsvp‘સંજુ’ ફિલ્મને વખોડનારાઓએ પોતે જોવા માગતા હોય એવી તમામ બાબતો ઉમેરીને ‘સંજુ ધ રિયલ સ્ટોરી’ નામની બીજી ફિલ્મ બનાવવી જોઈએ, જેની ટેગલાઈન હોય, ‘વ્હોટ રાજકુમાર હિરાણી ડિડન્ટ શૉ યુ’!

જે રીતે દિવસ ને રાત છે, આદમ ને ઈવ છે, દેવ ને દાનવ છે, માર્વેલ ને DC છે, સરતાજ ને ગાયતોંડે છે, ભાજપ ને દેશદ્રોહીઓ છે… બસ એ જ રીતે 29 જૂનથી આ દેશમાં પણ બે પ્રકારના લોકો થઈ ગયા છે. એક, જે ‘સંજુ’ જોઈને આંખનો ભીનો થયેલો ખૂણો લૂછતાં લૂછતાં સીટી મારે છે અને બીજા કાશ્મીરી તોફાનીઓની જેમ સંજુ ને તેના મૅકર્સ પર શાબ્દિક પથ્થરમારો કરી રહ્યા છે!

શુક્રવારસ્ય પ્રથમ શૉમાં મુવી જોયું ને એનો ક્વિક રિવ્યુ આપ્યો એ પછી તાત્કાલિક હું સંજુ વિશે લખી શક્યો નહીં. લેકિન બે દિવસમાં તો ઑડિયન્સનાં બે ફાડિયાં થઈ ગયાં. એકબાજુ બૉક્સઑફિસ પર સંજુએ મારફાડ બૅટિંગ કરવા માંડી (લેટેસ્ટ ફિગરઃ ભારતમાં 295 કરોડ સહિત વર્લ્ડવાઈડ 500 કરોડ રૂપિયાનું કલેક્શન). તો બીજી બાજુ સંજુ હેટર્સ સવાલોનો મારો કરવા માંડ્યા. એટલે મને જલસો પડ્યો. એક બાજુ રાજકુમાર હિરાણી ફોર્મ્યૂલા ફરી પાછી વર્ક કરી, મેં જે ફીલ કરેલું, કહેલું એવું જ થયું ને બીજી બાજુ સવાલો વિશે પણ વિચારવા માંડ્યું.

મેં કહેલું એમ, સંજુ એ સંજય દત્ત માટે ‘સર્ફ’ વૉશિંગ પાઉડરની ઍડ જેવી છે. દાગ અચ્છે હૈ. યાને કે સંજુમાં લાખ એબ હશે, પણ એ બિચારો ખરાબ ચોઈસીસ, સંજોગો, કંપની ને એહસાન ફરામોશ મીડિયાનો ભોગ બન્યો છે. પાપી મીડિયાએ જ સંજુને આતંકવાદી તરીકે ચીતરી માર્યો છે, એવું (લિટરલી) ગાઈ-વગાડીને ‘સંજુ’ ફિલ્મે કહ્યું. આખું ગીત પણ મીડિયાને ડેડિકેટ કર્યું. એટલે ભલભલા લોકો ઊકળી ઊઠ્યા, ‘હાઉ ડૅર યુ?’ ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે? આ બ્રહ્માંડની તમામ બાબતો વિશે પોતાનો અભિપ્રાય ધરાવતા લોકો એક પછી એક પોઈન્ટ્સ ઉઠાવવા લાગ્યા. એમના સવાલો અને રિલેટેડ ડિસ્કશન ખરેખર ઈન્ટરેસ્ટિંગ થાય તેવું છે.

પહેલો સવાલ એવો હતો કે સંજુ પર બાયોપિક બનાવી જ શા માટે? સોરી, સવાલ એવો હતો કે સંજુ જેવા ત્રાસવાદી, ગુનાહિત માનસ ધરાવતા માણસ પર બાયોપિક શા માટે બનાવી? એક ચલતાપુર્જા યુટ્યુબ ચેનલવાળાએ તો સલાહ પણ આપી કે બાયોપિક જ બનાવવી હતી તો શિવાજી મહારાજ, ડૉ. અબ્દુલ કલામ, રાકેશ શર્મા પર બનાવો. (એ વીડિયો ત્રણ જ દિવસમાં બે મિલિયન જોવાઈ ગયો, એ જ આમ તો સાબિત કરે છે કે સંજુ પર ફિલ્મ શા માટે બની? એની વે…) હૃષિકેશ મુખર્જીની જૂની ‘ગોલમાલ’માં એક સીન હતો, જેમાં બિંદિયા ગોસ્વામી કોલેજના નાટકમાં લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ થયેલી યુવતીનું પાત્ર ભજવી રહી છે, જે જોઈને એની ફોઈ કહે છે, ‘લેકિન ઐસા અશુભ નાટક તુમ્હેં કરના હી ક્યોં હૈ? અગર નાટક હી કરના હૈ તો ભક્ત પ્રહલાદ, જય સંતોષી માં ઐસે નાટક કરને ચાહિયે!’ બસ, આવું જ કંઈક બાલિશ લોજિક છે આ. એમાં જ બીજા એક પેટા લોજિકવાળો મીમ (meme) માર્કેટમાં ફરતો હતો કે, હોલિવૂડવાળાઓએ શ્રીનિવાસન રામાનુજન પર બાયોપિક બનાવી, અને આપણે એક ક્રિમિનલ સંજુ પર. તો બાય ધ વે, એ શ્રીનિવાસન રામાનુજનની બાયોપિક (‘ધ મેન હૂ ન્યૂ ઈન્ફિનિટી’)માં એક ગુજરાતી પોયરો દેવ પટેલ હતો એ ફિલ્મ આપણે ત્યાં જોઈ કેટલાએ?!

આ જ વાતને આગળ વધારીએ તો આપણે ત્યાં ‘રઈસ’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’, ‘અઝહર’, ‘ડર્ટી પિક્ચર’, ‘બેન્ડિટ ક્વીન’ જેવી ‘બાયોપિક્સ’ બની ચૂકી છે, જેના વિશે બધાને ખબર છે, અને મોટાભાગનાએ તે જોઈ પણ છે. લેકિન ‘ગૌર હરિ દાસ્તાન’, ‘હરિશ્ચંદ્રાચી ફેક્ટરી’, ‘શાહિદ’, ‘રંગરસિયા’, ‘માંઝી’ કેટલાએ જોઈ હશે? સર્વે કરાવવાની છૂટ છે. એટલે જવાબ સાફ છે કે આપણી ઓડિયન્સને નેગેટિવિટી-ડાર્કનેસ આકર્ષે છે. અને ‘કેચ મી ઈફ યુ કેન’માં ચોર છેલ્લે સુધરીને સુરક્ષા એજન્સીને મદદ કરી શકે, આપણે ત્યાં ‘સ્પેશિયલ 26’માં ચોર દુબઈમાં જલસા કરતો હોય ને CBI અધિકારી ફીફાં ખાંડતો રહી જાય.

આમેય સંજુની લાઈફ જેટલો ડ્રામા બહુ ઓછા લોકોની લાઈફમાં હોય છે. સિનેમાની કેટલીયે થિયરીઓ એણે જીવી જાણી છે. સંજુનો પોતાની જાત સાથે, એના પિતા સાથે, પોતાના એડિક્શન સાથે, પોતાની ગર્લફ્રેન્ડ્સ સાથે અને પછી ગુનાખોરી, કાયદા, સમાજ, મીડિયા સાથે સંઘર્ષ એ મસાલેદાર મુવી માટે પર્ફેક્ટ ઈન્ગ્રેડિયન્ટ્સ છે. એક નાદાન ઈમ્મૅચ્યોર યુવાનમાંથી મૅચ્યોર (જો અત્યારે એ થયો હોય તો) બનવા સુધીની એની ‘કમિંગ ઓફ ઍજ’ જર્ની, ફ્રેન્ડશિપ અને પિતા-પુત્રની રિલેશનશિપ્સ… કોઈ શું કામ એની લાઈફ પર ફિલ્મ ન બનાવે?!

કોઈ કહે કે સંજુ જેવા ચરિત્રહીન યુવાનની કથા જોઈને યુવાપેઢી એમાંથી શું શીખે? અચ્છા? મીન્સ, પંજાબ ‘ઉડતા પંજાબ’ જોયા પછી ડ્રગ્સના રવાડે ચડ્યું? ‘ચક દે…’ જોયા પછી હોકી, ‘મેરી કોમ’ પછી બોક્સિંગ ને ‘દંગલ’ જોયા પછી કુસ્તીના ક્રેઝ ફાટી નીકળ્યા? અને જેને વ્યસનના ભોગ બનવું હોય એ તેના પરની ફિલ્મ રિલીઝ થવાની રાહ જોશે?

એ જ ક્રમમાં પુછાયું કે ફિલ્મમાં સંજુ પ્રત્યે સિમ્પથી શું કામ ઊભી કરાઈ છે? પણ તો ખરેખર એકાદ ફિલ્મથી પર્મનન્ટ્લી કોઈની ઈમેજ પર્મનન્ટ્લી બદલાય છે ખરી? અઝહર, હાજી મસ્તાન, દાઉદ, ફૂલન, લતીફને ગ્લેમરાઈઝ કરતી ફિલ્મો જોઈને આપણે એમને સંત-મહાત્મા-વિક્ટિમ માનવા લાગ્યા ખરા? એક્ચ્યુઅલી, ‘સંજુ’ હિરાણી-જોશી દ્વારા કહેવાયેલું સંજય દત્તનું પોતાનું જ વર્ઝન છે, જે મને લાગે છે કે એને પેશ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. ફિલ્મના પહેલા જ સીનમાં દરિયાનાં મોજાં પર સંજુ લખાયેલું આવે તે જ મેસેજ છે કે સંજુ સંજોગોની થપાટોથી અહીંથી તહીં ફંગોળાથો રહેલો માણસ છે. પછી ખુદ સંજુ જ બોલે કે ‘મૈં બહોત હી મિસઅન્ડરસ્ટૂડ ઈન્સાન હૂં…’ જો પારખુ નજર હોય તો ફિલ્મ જોતી વખતે જ ખબર પડી જાય કે વિની ડાયસ (અનુષ્કા શર્મા)નું પાત્ર એ ફિલ્મમેકિંગની ભાષામાં સ્ટોરી ટેલિંગની એક ‘ડિવાઈસ’ માત્ર છે, જેનું કામ સંજય દત્તની લાઈફના વિવિધ પ્રસંગોને એક દોરામાં પરોવવાનું જ છે. અને એ વિની ડાયસ એટલે હિરાણી-અભિજાત પોતે. જેના માટે ફિલ્મમાં માન્યતા (દિયા મિર્ઝા) કહે છે કે, ‘તુમ કાર્ટૂન રાઈટર્સ કે પાસ જાઓગે તો ઐસા હી હોગા… બૅડ ચોઈસીસ મેક ગુડ સ્ટોરી, કોઈ તો રાઈટર હોગા જો ઈસ બાત કો સમઝેગા!’ ફિલ્મની આ સૌપ્રથમ સિક્વન્સ આખી ફિલ્મ બનાવવાનું જસ્ટિફિકેશન છે.

સિમ્પથીની વાત પરથી યાદ આવ્યું, તમે ‘નાર્કોસ’ જોઈ છે? ‘નેટફ્લિક્સ’ની વેબ સિરીઝ? ‘નાર્કોસ’ એ વિશ્વના સૌથી ડેન્જરસ એવા કોલમ્બિયન ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબારની બાયોગ્રાફિકલ વેબ સિરીઝ છે. દુનિયામાં એના જેટલું ડ્રગ કોઈએ સ્મગલ નહીં કર્યું હોય. પાર વિનાની હિંસાઓ ને સ્ત્રીઓ સાથે સંબંધો… છતાં એના પરિવારની સ્થિતિ અને એની માનસિક સ્થિતિ વિશે એ સિરીઝમાં જોઈએ તો આપણને એસ્કોબાર પ્રત્યે પણ સિમ્પથી થવા માંડે… દરઅસલ, ગમે તેવા નઠારા માણસની થોડીક પણ સંવેદનશીલ બાજુ આપણને બતાવવામાં આવે એટલે તરત જ આપણને એના પ્રત્યે સોફ્ટ કોર્નર થાય તે સિનેમા-સ્ટોરીટેલિંગનો નિયમ છે. એટલે ‘સંજુ’ એમાં કંઈ પહેલી કે નવી વાત નથી.

આપણે ત્યાં ‘ટેલ ઑલ’ પ્રકારની સ્ટોરી-આત્મકથા કહેવાનું ચલણ છે જ નહીં. બરાબર યાદ કરો કે આ પહેલાં આપણે ત્યાં જાહેર જીવનમાં રહેલી કઈ વ્યક્તિએ પોતે ડ્રગ એડિક્ટ, વુમનાઈઝર, દારૂડિયો, બેજવાબદાર, ફેઇલ્ડ પ્રેમી-સંતાન-દોસ્ત છે, ગુનેગાર છે, પોતે જેલમાં શું વેઠ્યું છે, ભીખ માગી છે, દોસ્તની ગર્લફ્રેન્ડ પર નજર બગાડી છે… આવી સંવેદનશીલ કબૂલાતો કરી છે?     

એવી પણ ફરિયાદો થઈ કે સંજુમાં એનો હોસ્ટેલનો ફેઝ, એની બે પત્નીઓ, દીકરી ત્રિશલા, એની બહેનો-બનેવી સાથેના એના ખાટા-મીઠા સંબંધો, એની ફિલ્મો-અભિનેત્રીઓ સાથેના સંબંધો, એની પાસે ઓલરેડી ત્રણ ગન્સ હતી, ભાઈલોગ સાથે એ વાતો કરતો વગેરે બધું કેમ ન બતાવ્યું? તો જનાબ, આ વેબસિરીઝ છે? વળી, ફિલ્મમેકરે શું બતાવવું-શું ન બતાવવું એ કોણ નક્કી કરશે? કરણી સેના? અને આગળ કહ્યું તેમ, આ સંજય દત્તનું પોતાના વિશેનું પોતાનું વર્ઝન છે. હૉલિવૂડના ફિલ્મમેકર ક્વેન્ટિન ટેરેન્ટિનોએ કહેલું કે એ બાયોપિક્સને ધિક્કારે છે. જો કોઈ વ્યક્તિની આખી લાઈફ પર ફિલ્મ બનાવવી હોય તો એ સાવ કોમિકબુક વર્ઝન બનીને રહી જાય. બહુ બહુ તો એની લાઈફના કોઈ મહત્ત્વના દિવસ કે પ્રસંગ પર ફિલ્મ બની શકે. અને આમેય ‘ગાંધી’ ફિલ્મના ગાંધી ને ‘ગાંધી માય ફાધર’ના કે ‘મેકિંગ ઓફ મહાત્મા’ પરના ગાંધીજી અલગ જ હોવાના (આ ઉદાહરણ સરખામણી માટે નહીં, જસ્ટ સ્ટોરી ટેલિંગ માટે લખ્યું છે). આ જ ટેરેન્ટિનોની ‘ઈન્ગ્લોરિયસ બાસ્ટર્ડ્સ’ જોઈ છે? એમાં તો એણે હિટલરને એક થિયેટરમાં પૂરીને મારી નાખેલો. આપણે ત્યાં એ ટાઈપની ‘ઓલ્ટરનેટિવ હિસ્ટરી’વાળી ફિલ્મ બનાવી હોય તો?

મીડિયા કાર્ટૂનગીરી કરે છે, ને સેન્શેનાલિઝમમાં સમાચારો પર કિચનકિંગ મસાલા છાંટીને પેશ કરે છે એમાં કોઈ ના પાડી શકે તેમ જ નથી. ટ્રાયલ બાય મીડિયાનો ખુદ મીડિયાને સંકોચ નથી, તો ક્યારેક કોઈ વ્યક્તિ-સર્જક ‘ટ્રાયલ ઑન મીડિયા’નો પ્રયાસ કરે તો એમને આટલી ચૂંક કાયકુ આવે છે, બાંગડુ? હા, પબ્લિક ડોમેઇનમાં રહેલી વિગતો સાથે છેડખાની થઈ હોય અને ફિલ્મમાં અખબારના તંત્રીને સાવ કાર્ટૂન બતાવ્યા હોય તો તે વિશે જરૂર ચર્ચા થઈ શકે, લેકિન સંજય દત્ત-મૅકર્સને એવું કહેવું હોય કે મીડિયાએ સંજુને અન્યાય કરેલો, ને હવે એની લાઈફની ઝીણામાં ઝીણી વાતોને મેગ્નિફાય કરીને આપવાનું બંધ કરો,  તો એ એનો હક હોય કે નહીં? બાય ધ વે, આપણે ત્યાં ફિલ્મો ક્યારથી દસ્તાવેજી પુરાવો ગણાવા લાગી? ક્યાંય ઈતિહાસની ટેક્સ્ટ બુકને બદલે ફિલ્મો ભણાવાતી હોય એવું સાંભળ્યું (ફિલ્મ સ્કૂલ્સ સિવાય)? દરઅસલ, આ મીડિયા સ્ટુડન્ટ્સ માટે ડિઝર્ટેશનનો મસ્ત વિષય છેઃ ‘1993 બોમ્બ બ્લાસ્ટ કેસ-AK 56 કેસમાં સંજય દત્તની સંડોવણી અને મીડિયામાં તેનું પ્રેઝન્ટેશન’.

એક સ્ટ્રોંગ દલીલ છે કે સંજુ જેવા ગુનેગાર પર શા માટે ફિલ્મ બનાવી? તો સાહેબ, એ બાકાયદા કોર્ટે સંભળાવેલી સજા કાપીને બહાર આવ્યો છે. એટલે હવે એ ગુનેગાર નથી. એટલિસ્ટ કાયદાની દૃષ્ટિએ તો ન જ ગણાય. જો એમાં કોર્ટની કાર્યવાહી સામે કોઈને વાંધો હોય તો એમને જનહિત યાચિકા દાખલ કરતા કોણે રોક્યા છે?!

સંજુ વેલ મેઇડ ફિલ્મ છે. સરસ રીતે લખાયેલી અને ઉમદા અભિનયવાળી ફિલ્મ છે. એટલે જ લોકોને અપીલ કરી રહી છે. યાદ રહે, આ સલમાન ખાનની ફિલ્મ નથી, કે ‘ભાઈ કી પિચ્ચર હૈ, ભાઈ!’ બોલતાં હડી કાઢે. રણબીરની અગાઉની ફિલ્મો (‘જગ્ગા જાસૂસ’, ‘એ દિલ હૈ મુશ્કિલ’, ‘તમાશા’, ‘બોમ્બે વેલ્વેટ’, ‘રોય’, ‘બેશરમ’) ફ્લોપ ગયેલી. એટલે આ ફિલ્મ પ્યોર કન્ટેન્ટ પર જ ચાલી છે.

જે લોકોને ‘સંજુ’ ફિલ્મના કન્ટેન્ટ સામે વાંધો હોય એમણે પહેલાં તો BBCએ બનાવેલી ડોક્યુમેન્ટરી ‘ટુ હેલ એન્ડ બેક-1996’ જોવી જોઈએ. અને પછી પોતે જોવા માગતા હોય એવી તમામ બાબતો ઉમેરીને ‘સંજુ ધ રિયલ સ્ટોરી’ નામની બીજી ફિલ્મ બનાવવી જોઈએ, જેની ટેગલાઈન હોય, ‘વ્હોટ રાજકુમાર હિરાણી ડિડન્ટ શૉ યુ.’

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Published in DivyaBhaskar.com

Leave a comment