હું ઓફિસમાં હતો

સવારથી સાંજ, દસથી સાત,

આખો દી’, ને મનમાં આખી રાત,

હું ઓફિસમાં હતો
સોમથી શનિ જવાબદારીઓ ઉપાડી,

હસવાની તારીખ રવિવાર પર પાડી,

સાતેય દિવસ,

હું ઓફિસમાં હતો
મમ્મીના ચહેરાની કરચલી, 

પપ્પાના વાળની સફેદી,

દેખાય ક્યાંથી?

હું ઓફિસમાં હતો
દીકરીએ માંડ્યું ડગલું, ને દીકરો ‘પાપા’ બોલ્યો,

એનો તો બસ વીડિયો જ જોયો,

હું ઓફિસમાં હતો
‘મની પ્લાન્ટ’ના ચક્કરમાં,

ઋતુઓનો છેડો છૂટ્યો;

જ્યાં બારેમાસ શિયાળો હતો,

હું ઓફિસમાં હતો
ન હસ્યો, ન રડ્યો, 

ન ખુદનેય મળ્યો,

પ્રેમ પણ સાલ્લો વોટ્સએપથી કર્યો,

હું ઓફિસમાં હતો
નોકરીની ઉમરકેદમાં પેરોલ પર જ છૂટ્યો,

સાવ અધકચરું ઉપરછલ્લું જીવ્યો,

દર વખતે અક્કલમઠ્ઠો, 

ઓફિસમાં હતો!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

યૂં હોતા તો ક્યા હોતા?!

1
Photo by: Charmie Soni

આમ તો હું મને પોતાને એવો કોઈ પ્રાણીપ્રેમી માનતો નથી, પણ આજે એક ઘટના બની અને એ પછી જે મિક્સ્ડ ફીલિંગ્સ મનમાં આવી તો થયું કે શૅર કરવી જોઇએ.

અમારા અપાર્ટમેન્ટમાં જ જન્મીને મોટી થયેલી એક બિલાડીએ થોડા મહિનાઓ પહેલાં ત્રણ બચ્ચાંને જન્મ આપેલો. બિલ્લીઓની ઘર ટ્રાન્સફર કરવાની મેન્ટાલિટીમાં એ ત્રણેય બચ્ચાંને અમારા ફ્લૉર પર મૂકી ગયેલી. જેમાં એક અત્યંત નબળું હતું અને લગભગ ત્રણ-ચાર દિવસમાં જ ક્યાંક ગાયબ થઈ ગયેલું (અમે લોકોએ તર્ક લગાવ્યો કે એ ગુજરી ગયું હશે. પરંતુ જાતે ક્યાંય જઈ ન શકતું બચ્ચું ‘ગાયબ’ કેવી રીતે થઈ જાય એ સમજાયું નહીં). ગોલ્ડન કલર-વ્હાઇટ સ્ટ્રાઇપ્સ ધરાવતાં બાકીનાં બે બચ્ચાં ખાસ્સાં હેલધી અને એક્ટિવ હતાં. અપાર્ટમેન્ટનાં લોકો અને આવતાંજતાં દૂધવાળા પણ એમને દૂધ પીવડાવતા જાય એટલે એમની સાઇઝ પણ થોડા મહિનાઓમાં જ ઠીક ઠીક વધી ગયેલી. અપાર્ટમેન્ટની બચ્ચાંપાર્ટીને તો લાઇવ રમકડાં મળી ગયેલાં. મારાં મમ્મીમાં મેનકા ગાંધીનો પ્રાણીપ્રેમી સ્વભાવ ખરો, એટલે એ દરરોજ ભૂલ્યાં વગર એમને બે વખત દૂધ આપે અને માખણ ગરમ કર્યા પછીનું કીટું પણ એમને મળે (એ બચ્ચાં પણ લુચ્ચાં કે ટાઇમ થાય એટલે હકથી દરવાજે આવીને ઊભાં રહે. અરે, એ તો દરવાજો ખખડાવતાં પણ શીખી ગયેલાં!). બિલ્લીઓની નેચરલ ક્યુટનેસ ઉપરાંત લોકોના પેમ્પરિંગનું એક કારણ એ પણ ખરું કે એ બંને બચ્ચાંની માતાએ એમને થોડાં અઠવાડિયાંમાં જ ત્યજી દીધેલાં.

3
Photo by: Charmie Soni

હવે થોડા દિવસ પહેલાં બેમાંથી વધુ એક્ટિવ એવું એક બચ્ચું રાતોરાત ગાયબ થઈ ગયું. જ્યારે બીજું બચ્ચું ક્યાંક રણમેદાનમાંથી પાછલા પગે ઘાવ લઇને આવ્યું. આખો દિવસ નિમાણું થઇને પડ્યું રહે એટલે નેચરલી કરુણાની સરવાણીઓમાં વધારો થયો. અમેય તે વિચારેલું કે આને લઇને પ્રોપર પાટાપીંડી કરાવી આવીએ તો થોડા દિવસમાં ફરીથી દોડતું થઈ જશે. પણ અમે નોકરીનાં એવાં કામોમાં બિઝી રહ્યાં જે પહેલી નજરે ન કરીએ તો ધરતી રસાતળ જશે એવાં અગત્યનાં લાગે, પણ લાર્જર પિક્ચરમાં એનું કોઈ મહત્ત્વ જ ન હોય. અને એ બચ્ચાને વેટરિનરી ડૉક્ટર પાસે ન લઈ જવાયું. હવે ગઇકાલથી એ ઘાયલ પ્રાણી પણ રાતોરાત ગાયબ થઈ ગયું. આખા અપાર્ટમેન્ટમાં પણ ક્યાંય દેખાયું નહીં. બની શકે કે ઘાવને લીધે ચેપના ભયથી કોઈ એને બહાર મૂકી (વાંચો, ફેંકી) આવ્યું હોય. પણ આજે ઑફિસ જતી વખતે એ જ બચ્ચાને ઘરની પાસેના રોડની વચ્ચોવચ મરેલી હાલતમાં જોયું. એક કાગડો લિજ્જતથી એની જ્યાફત ઉડાવતો હતો.

પહેલાં તો ગિલ્ટનો તીવ્ર હુમલો આવ્યો કે મેક્સિમમ બે કલાકનું કામ હતું તેને પાટાપીંડી કરાવવા લઈ જવાનું, અમે વિચારેલું, છતાં ન કર્યું અને આખરે એ મરી ગયું. સામે પક્ષે એ ત્રણેક દિવસોમાં મેં એવાં કોઈ કામ નહોતાં કર્યાં જેનાથી દુનિયાને એક ટકોય ફરક પડવાનો હોય. પણ એમાંથી બે કલાક કાઢી હોત તો એક જીવ બચી ગયો હોત.
***
ખેર, હવે ગિલ્ટી ફીલ કરવા સિવાય આખી વાતનો કોઈ અર્થ નથી. અને લાર્જર પિક્ચરમાં જુઓ તો એક નાનકડું બિલાડીનું બચ્ચું જીવે કે મરે બ્રહ્માંડને એનાથી કોઈ જ ફરક પડતો નથી. રોજનાં કેટલાંય પ્રાણીઓ વાહનોની અડફેટે ચગદાઈને કરુણ મોતે મરે છે. એ જ તો કુદરતે સેટ કરેલું ગ્રાન્ડ લાઇફ-સાઇકલ છે. પણ કન્ફ્લિક્ટિંગ થૉટ્સ હવે આવે છે.

એક તો એ ઘાયલ બચ્ચું જાતે ચાલીને જઈ શકે તેમ નહોતું, એટલે કોઈ તેને પકડીને છેક બહાર મૂકી આવ્યું હશે તે નક્કી વાત છે. અને બહાર તે ચોવીસ કલાકમાં મરી જાત એ પણ નક્કી જ હતું. એટલે સ્વિસ બૅન્કનાં લોકર કરતાં માણસોનાં દિમાગ વધુ રહસ્યો સાચવીને બેઠાં હોય છે તે નક્કી વાત છે.

બીજો થૉટ એ આવ્યો કે હું પોતે લિજ્જતથી ઍગ્સ-ચિકનની વાનગીઓ ખાઉં છું (આપણે ત્યાં હદ બહારના દંભી માહોલમાં આ વાત કોઈ સ્વીકારતું નથી એ જુદી વાત છે). ત્યારે આવા વેવલા વિચારો કરું તે દંભ નથી? હું કોઈ પ્રાણી પર સવારી કરવાનું પસંદ કરતો નથી, નોટ ઇવન ઘોડાગાડી, કોઈ દુર્લભ પ્રાણી ન હોય તો બને ત્યાં સુધી ઝૂમાં પણ જતો નથી, ગયો હોઉં તો પ્રાણીને જોયા સિવાય ખાસ મજા આવતી નથી એ હકીકત છે. પણ હું હવે ફિશનો ટેસ્ટ કલ્ટિવેટ કરવા વિશે વિચારી રહ્યો છું. આવા વિરોધાભાસી વિચારોમાં ક્લેરિટી લાવવા અજબ સવાલોના ગજબ જવાબો આપનાર વેબસાઇટ ‘ક્વોરા’માં ખણખોદ કરી. મારા જેવી વિમાસણોમાં અટવાયેલા ઘણા મનુષ્યો તેમાં હતા (એ જાણીને થોડી રાહત પણ થઈ). તેમાં અપાયેલા જવાબોની દલીલો કંઇક આવી હતી…
– ફાર્મ એનિમલ્સ (ચિકન, લેમ્બ, પિગ વગેરે) અને કમ્પેનિયન એનિમલ્સ (ડૉગ્સ, કેટ્સ, પોપટ વગેરે) અલગ હોય છે. ફાર્મ એનિમલ્સને ખોરાકના હેતુસર જ ઉછેરવામાં આવે છે. એટલે એમને મારીને ખાવાનો હરખ-શોક ન હોય.
– જો દરેક પ્રાણીમાં તમે ફીલિંગ્સ આરોપિત કરો તો તમને કોક્રોચ સાથે પણ પ્રેમ થઈ જાય (અનેક ફિલ્મોમાં પણ આવું બતાવાયું છે). જો આ જ વીગન મેન્ટાલિટી એક્સપૅન્ડ કરો તો તમે શાકભાજી પણ ન ખાઈ શકો, કેમકે ડૉ. જગદીશચંદ્ર બોઝે સાબિત કરેલું છે કે વનસ્પતિમાં પણ જીવ હોય છે. ઇવન દહીં-છાશ-ઇડલી-ઢોકળાં પણ ન ખાઈ શકો, કેમ કે તેમાં અબજો બૅક્ટેરિયા હોય છે. અરે એ લોજિકથી તો તુલસીમાતાની પૂજા કરનારા આપણે તુલસીપાનનો ઉકાળો કે ચામાં નાખીને પણ કન્ઝ્યુમ કરવો જોઇએ નહીં.
– જો ફાર્મ એનિમલ્સને સ્લોટર થતા જુઓ તો તમે ક્યારેય નોનવેજ ન રહી શકો.
– પણ જો આખી દુનિયા શાકાહારી થઈ જાય તો ઑલરેડી ભૂખમરાથી પીડાતી દુનિયાને આપવા માટે પૂરતું ‘શાકાહારી’ પોષણક્ષમ-અનાજ આપણી પાસે છે ખરું?
– અઢળક પ્રાણીપ્રેમીઓ પોતે પણ નોનવેજ હોય છે, અથવા તો કરોડો નોનવેજ ખાનારાઓ પ્રાણીપ્રેમી હોય છે, અને એ લોકો દંભી નથી હોતા.
– પ્રાણીઓ પોતે પણ એકબીજાને મારે છે-ખાય છે, દુશ્મની માટે પણ મારે છે (અઢી-ત્રણ દાયકા પહેલાં અમારા ઘરમાં એક બિલાડીએ ત્રણ બચ્ચાંને જન્મ આપેલો, અને બે-ચાર દિવસમાં જ ખુલ્લી રહી ગયેલી બારીમાંથી બીજાં કોઈ બિલાડાંએ આવીને એ ત્રણેય બચ્ચાંને રીતસર ચીરી નાખેલાં.)
– KFCમાં બેસીને ચિકન લેગપીસ ખાનારો વધુ ગિલ્ટી કે નજર સામે ઘાયલ બિલ્લીને દવાખાને લઈ ન જનારો વધુ ગિલ્ટી? (મારા મતે મારા જેવો બીજો વધુ ગિલ્ટી છે.)
– કોણે શું ખાવું-શું ન ખાવું, કોણે કયા પ્રાણી પર પ્રેમ ઢોળવો એ બીજી કોઈ વ્યક્તિ નક્કી કરી શકે ખરી? કે પછી જે લોકો ખાતા હોય એમની ઇટિંગ હેબિટ વિશે એમને જજ કરી શકાય ખરી?
– કયું પ્રાણી શાકાહારી-કયું માંસાહારી છે તે આપણને ખબર છે. પણ માણસનું શું? તે હજારો વર્ષોથી મિશ્રાહારી રહ્યો છે. સાથોસાથ એ પ્રાણીપ્રેમી પણ રહ્યો છે.

આ ચર્ચામાં હજી બીજા ઍન્ગલ્સ પણ ઉમેરી શકાય, પણ પછી મૂળ મુદ્દો સાઇડમાં ધકેલાઈને ચર્ચા કમ્યુનલ-પોલિટિકલ થઈ જાય તેવી ધાસ્તી છે.
***
કદાચ માણસ જેવા અત્યંત કોમ્પ્લેક્સ અને વિચારતા પ્રાણી માટે આવી મિક્સ્ડ ફીલિંગ્સથી મૂંઝાતા રહેવું એ જ ડેસ્ટિની છે. છતાં એટલું તો કદાચ ક્લિયર જ છે કે નોનવેજ ખાનારા કરતાં કે ‘હું તો ઇંડાંને પણ હાથ જ લગાવતો નથી’-‘આજે મંગળવાર છે, હું નોનવેજ નહીં ખાઉં’ એવું કહીને બાકીના દિવસોએ છાનામાના નોનવેજ ઠૂંસી આવનારા દંભીઓ કરતાં… એક મૂંગા પ્રાણીને દિવસો સુધી નજર સામે તરફડતું જોવા છતાં તેને સારવાર માટે ન લઈ જનારા મારા જેવા ક્યાંય વધુ ગિલ્ટી છે.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Oxford Book Store, Darjeeling

1દાર્જીલિંગનાં ‘સાઇટ સીઇંગ’ના ફિક્સ્ડ પોઇન્ટ્સ, હેરિટેજ ‘ટોય ટ્રેન’ અને શોપિંગમાંથી ટાઇમ કાઢીને મૉલ રોડ કહેતા નેહરુ રોડ પર ટહેલવા નીકળો એટલે રોડના સામેના છેડે એક જબરદસ્ત ચોક આવે. ત્યાં એને ‘ચૌરસ્તા’ નામ અપાયું છે. ચીનના ‘ટિયાનનમેન સ્ક્વેર’ કરતાં સહેજ જ નાનો હશે! એયને મોટો ચોક, ચોકના એક છેડે વિશાળ એમ્ફિ થિયેટર, તેને અડીને અમદાવાદના કોઈ મલ્ટિપ્લેક્સ કરતાં જરાક મોટો સ્ક્રીન (જેના પર ટાટા સ્કાય કૃપાથી IPL ચાલતી હોય). અમે ગયાં ત્યારે કોઈ બંગાળી ફિલ્મના શૂટિંગ માટે દુર્ગાપૂજાનો વિશાળ પંડાલ ઊભો કરવાનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું હતું! ચોકની વચ્ચે ઘોડેસવારી કરાવનારાઓ રોકડી કરી લેવાની ફિરાકમાં હોય. સમગ્ર મૉલ રોડ અને ચૌરસ્તા પર વાહનોને નો એન્ટ્રી એટલે આખો વખત ‘હેપ્પી સ્ટ્રીટ’ જ ચાલતી હોય! તમે ચાહો તો મહાકાલ માર્કેટમાં ગરમ કપડાં જોઈ શકો, સ્ટ્રીટ વેન્ડર પાસેથી મોમો-ચાઉમીન-એગ રોલ ખરીદીને પેટમાં પધરાવી શકો કે પછી ચોકની બાઉન્ડરીએ બેસાડેલા બાંકડાઓ પર બેસીને શાંતિથી બ્લેક ટીની ચુસ્કીઓ લેતાં લેતાં આંખ સામેના આઈ મેક્સ દૃશ્યને દિમાગની મેમરીમાં ભરી શકો. આ બધુંય કરી લીધા પછી મારી આંખો ફોકસ થઈ સામે આવેલી પહાડી સ્ટાઇલની લીલા રંગની એક દુકાન પર. નામ હતું, ‘ઓક્સફર્ડ બુક્સ એન્ડ સ્ટેશનરી કંપની’. એકઝાટકે મોમોને મોંમાં ઓરીને ને પેન્ટની પાછળ હાથ લૂછીને સ્લો મોશનમાં હડી કાઢતો પહોંચી ગયો ત્યાં અંદર.
 
કસમથી કહું છું, બાજુમાં ચાર-પાંચ સારા લેખકોનાં પુસ્તકોની થપ્પી કરી રાખી હોય તો વાંચીએ નહીં તોય, કંઇક સારા લોકોની સોબતમાં છીએ એવી ટાઢક તો જરૂર થાય! જ્યારે અહીં તો ઉમળકાથી રડી પડીએ એટલો વિરાટ પુસ્તકોનો સંસાર મારી આંખ સામે હિલ્લોળા લઈ રહ્યો હતો. ભોંયતળિયાથી લઇને લિટરલી છતને અડે ત્યાં સુધી પુસ્તકો જ પુસ્તકો. ટ્રાવેલ અને એમાંય હિમાલયને કેન્દ્રમાં રાખીને લખાયેલાં પુસ્તકોનું જે વૈવિધ્ય ત્યાં હતું તે અત્યાર સુધી બીજે ક્યાંય જોયું નથી. ઇન્ટરનેટ ફેંદતાં જણાયું કે પહાડી સ્ટાઇલમાં બંધાયેલો આ સ્ટોર એટલિસ્ટ છ દાયકાથી ત્યાં ઊભો છે. ઇવન ત્યાંના સ્ટાફમાં પણ ચચ્ચાર દાયકાથી કામ કરતા માણસો મળી આવે. સ્ટોરની સજાવટ કે પ્રેઝન્ટેશનને બદલે પુસ્તકો જ ત્યાં કેન્દ્રમાં હતાં. બહાર સ્વેટરોની દુકાનમાં જેટલી ભીડ હતી તેના દસમા ભાગના લોકો પણ આ સ્ટોરમાં નહોતા. શૉપની અંદર એક પ્લેકાર્ડ પણ ઝૂલતું હતું, ‘વોન્ટેડ બ્રાઉઝર્સ, નો એક્સપિરિયન્સ રિક્વાયર્ડ.’ થોડી ખિન્નતા થઈ, પણ ત્યાં પ્રાઇમરી સ્કૂલની બે ટબુડીઓ જે રીતે પેંગ્વિન ક્લાસિક્સની એક પછી એક બુક હાથમાં લઇને એના વિશે ચર્ચા કરી રહી એ જોઇને હૈયે કાંચનજંઘા પર્વતનો મસ્ત ઠંડો બરફ પડ્યો.
 
શહેરી ચકાચૌંધથી દૂર નાનકડા સ્થળે આવો જબરદસ્ત બુક સ્ટોર જોઇને મને ગાડું ભરીને અદેખાઈ પણ આવી ગઈ કે મારા શહેરમાં આવો સ્ટોર કેમ ન હોય? (હા, અહીંયા ‘ક્રોસવર્ડ’ છે, બટ એ ઓક્સફર્ડ જેવા ડેડિકેટેડ સ્ટોરની વાત જ અલગ છે.) જો હોય તો હું મંદિરે જવાની નિયમિતતાથી ત્યાં આંટાફેરા કરતો રહું.
 
એ સ્ટોરમાં થોડી વારમાં તો હું ભૂલી ગયો કે હું ક્યાં છું. મારા ફેમિલી મેમ્બર્સને ખબર છે કે આના દિમાગની રેકર્ડમાં પિન એક ઠેકાણે ચોંટે પછી આગળ ખસવી મુશ્કેલ છે. એટલે ખૂબ બધું ચાલીને પણ એ લોકો ત્યાં ખાસ્સી વાર ટહેલતાં રહ્યાં અને મને અંકલ સ્ક્રૂજની જેમ પુસ્તકોના એ કુબેર ભંડારમાં ડૂબકીઓ મારવા દીધી (આમેય મને પરાણે ખેંચ્યો હોત તો ૩૫ વરસનો ઢાંઢો જમીન પર બેસીને પગ પછાડતો કજિયો કરતો હોય એ થોડું સારું લાગે?!).
 
બહાર અંધારું થવા માંડ્યું એટલે મને યાદ આવ્યું કે હજી હોટેલ પર પણ જવાનું છે. પરંતુ ખાલી હાથે તો એ મસ્ત સ્ટોરમાંથી કેવી રીતે નીકળાય? વળી, નવી મીઠી મૂંઝવણ શરૂ થઈ, કઈ બુક ખરીદવી? બધું જ ખરીદવા જેવું લાગે! કોઈ બુક હાથમાં લઇએ ત્યાં આપણો મિડલક્લાસ આત્મા પોકારી ઊઠે, ‘અલ્યા, આ બુકમાં તો એમેઝોન પર ૩૬ ટકા ડિસ્કાઉન્ટ છે!’ ખાસ્સી ગડમથલ કર્યા પછી થયું કે આમ તો મારો પાર જ નહીં આવે, હવે બ્રહ્માસ્ત્ર જ ચલાવવું પડશે. એ બ્રહ્માસ્ત્ર એટલે વન એન્ડ ઓન્લી ‘ધ રસ્કિન બોન્ડ’. ક્યારેય કોઇને, કોઇપણ ઉંમરની વ્યક્તિને ગિફ્ટમાં પુસ્તક આપવું હોય અને કયું પુસ્તક આપવું એ કન્ફ્યુઝન હોય તો બિનધાસ્ત રસ્કિન બોન્ડની કોઇપણ બુક આપી દેવાની. ‘તેરા વચન ન જાયે ખાલી’ની જેમ એને પસંદ પડશે જ પડશે.
 
2અને આમેય રસ્કિન બોન્ડ રહ્યા પહાડી માણસ. હિમાલયની ગોદમાં જ ઉછર્યા છે અને દાર્જીલિંગ જેવા જ મસૂરી પાસેના લેન્ડોરમાં તેઓ વસ્યા છે. પહાડી લાઇફ પર એમના જેવું આહલાદક ભાગ્યે જ બીજું કોઈ લખી શકે. પ્લસ, મસૂરીના આવા જ મૉલ રોડ પર આવેલા ‘કેમ્બ્રિજ બુક ડેપો’માં દર શનિવારે બોન્ડ સાહેબ શિરકત કરે છે અને એમના ચાહકો એમની રાહ જોઇને જ ઊભા હોય છે. એટલે મેં પસંદ કરી રસ્કિન બોન્ડની સંસ્મરણાત્મક બુક ‘સીન્સ ફ્રોમ અ રાઇટર્સ લાઇફ’. એમણે આ બુક પાછી મને ડેડિકેટ કરી છે, મીન્સ કે, એમણે અર્પણના પેજ પર ‘ફોર યુ, માય જેન્ટલ રીડર’ એવું લખ્યું છે! ઉપરથી દાર્જીલિંગના એ ‘ઓક્સફર્ડ બુક સ્ટોર’માંથી ખરીદ્યાની નિશાની તરીકે બુકમાં ત્યાંનો સ્ટેમ્પ અને ચાના બગીચાથી લહેરાતું એક લીલુંછમ બુકમાર્ક પણ છે. આજથી બે-ચાર દાયકા પછી જ્યારે આ બુકનાં પાનાં પર હાથ ફેરવીશ ત્યારે ઉપર લખેલી આખીયે વાત એટલી જ તીવ્રતાથી સજીવન થઈ જશે!34

 
લોંગ લિવ બુક્સ, લોંગ લિવ ધ રીડર!
હેપ્પી વર્લ્ડ બુક ડે.
Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Home Vs Hotel

– ‘એ દિલ હૈ મુશ્કિલ’માં બોલાતી એક લાઇન મારા દિમાગમાં વાળમાં ચ્યુઇંગગમની જેમ ચોંટી ગઈ છે. જરૂરી નથી કે હું કે ઇવન કોઇપણ તેની સાથે સહમત હોય, લેકિન એક થૉટ દેના તો બનતા હૈ! ના, એ લાઇન એટલે ‘એકતરફા પ્યાર…’વાળી નહીં, લેકિન આઃ

‘ઘર કિતના ઑવરરેટેડ હોતા હૈ, કાશ હૉટેલ હમારા ઘર હોતા!’

– કટ ટુ YJHDનાં બની-નૈનાઃ ‘એક હી શહર કે એક હી ઘર કે એક હી કમરે મેં તૂ અપની પૂરી લાઇફ ગુઝાર દેગી. સોચ કે ડર નહીં લગતા?’… ‘તૂને અભી તક દુનિયા નહીં દેખી હૈ, બૅબી. તુમ્હેં ક્યા પતા કિ દુનિયા કે અલગ અલગ દેશો મેં રહને કા નશા ક્યા હોતા હૈ?’ ‘ઔર તુમ્હેં ક્યા પતા કિ અપનોં કે સાથ રહના ક્યા હોતા હૈ!’… ‘તૂ રાઇટ નહીં હૈ, નૈના. બસ, મુઝસે બહોત અલગ હૈ!’

– યસ્સ, ઘર. ‘મારે પણ એક ઘર હોય’થી લઇને ‘યે તેરા ઘર યે મેરા ઘર’ અને ‘ધરતીનો છેડો’ એન્ડ ઑલ ધેટ. અડધી જિંદગી આ જ સપનું જોઇને કાઢવી, મરી મરીને પૈસા ભેગા કરવા, ઘર ખરીદવું, ફરી પાછું કોળિયામાંથી ટુકડા કાપીને એના હપ્તા ભરવા, પછી મકાનને ઘર બનાવવાની ક્વાયત કર્યા કરવી, રોજેરોજ, સતત. નિર્જીવ વસ્તુઓમાં ફીલિંગ્સ ઇન્જેક્ટ કરવાની અને એની સાથે લોકોની યાદો જોડવાની ક્વાયત. પપ્પાનું રિમોટ, મમ્મીનો હિંચકો, છોકરાંવનો બૅડરૂમ, ગિફ્ટમાં આવેલો શૉપીસ, દાયકાઓથી પડેલાં અને ક્યારેય ન વપરાતાં વાસણો, એના પર કોતરેલી તારીખો અને આપનારનાં નામ-પ્રસંગ, બધા હોય ત્યારે નાનું અને કૉઝી બની જતું અને કોઈ ન હોય ત્યારે અચાનક મોટું થઈ જતું ઘર, માળામાંથી પંખીડાંને ઊડી જતાં રોકવાની અને માળો વિખેરાઈ જતા રોકવાની ઠાલી-ભયંકર ફ્રસ્ટ્રેટિંગ મથામણ, ખાલી ખુરશીઓ-સોફા-પલંગમાં એમની હાજરી શોધવાની પેઇનફુલ જદ્દોજહદ, એક વસ્તુ રિપેર કરાવીએ ત્યાં બીજી બે વસ્તુ બગડવાની રાહ જોઇને જ બેઠી હોય એવું ઘર, બારી-બાલ્કનીમાંથી દેખાતું એ જ થીગડાં જેવડું આકાશ, સામેના ઘરની બાલ્કનીમાંથી સતત ડોકિયાં કરતી અને હાથ લાંબો કરીને વરસાદને મુઠ્ઠીમાં પકડવાની મથામણ કરતી બેબીને મોટી થતી ગયેલી જોવી અને બીજી જ સેકન્ડે આપણી કલમ પર આવી ગયેલી સફેદી જોવી… યસ્સ, ઘર. એક ઘરને પર્ફેક્ટ બનાવવાની, એની સાથે જોડાયેલી એકેએક ફીલિંગને મુઠ્ઠીમાં સજ્જડ બંધ કરી રાખવાની અને એમાં જ લાઇફ શોધવાની સુગંધને દાબડીમાં પૂરવા જેવી મથામણ… ઘર, જેના ખૂણેખૂણામાંથી વીતેલા સમયની, તૂટેલા સંબંધની, ગુમાવેલા સ્વજનની યાદો ચિત્કાર કરતી હોય… મુઠ્ઠીભર મીઠી યાદોની સાથે સૂંડલો ભરીને કડવી યાદો પણ ભળી ગઈ હોય!

– એન્ડ ધેન કમ્સ ટુ હૉટેલ. એની બારીમાંથી રોજ નવો વ્યૂ, રોજ નવું ઇન્ટિરિયર, તમારી કોઈ જ મહેનત વિના પણ તમને મળતી પર્ફેક્ટ ચાર દીવાલો. પર્ફેક્ટ ન હોય, તો એને પર્ફેક્ટ બનાવવાની કોઈ જ જવાબદારી નહીં. એક હૉટેલ ન ગમી? તો નવી હૉટેલ, નવો રૂમ, નવો વ્યૂ, નવું પર્ફેક્શન, નો અટેચમેન્ટ. યસ્સ, હૉટેલનો રૂમ ખાલી કરતી વેળા કવિને ખાસ વેદના નથી થતી. હા, વેદના થાય તો અહીં એક બટન દબાવતાં રૂમ સર્વિસમાં જમવાનું-ડ્રિંક્સ હાજર થઈ જાય છે એ ગુમાવવાની અને ઘરે જઇને ફરી પાછી એ જ હાડમારીવાળી લાઇફ જીવવાની હોઈ શકે. કદાચ હૉટેલનું મસમોટું બિલ ચૂકવવાની પણ પીડા હોઈ શકે, પણ એ તો કમાણીનો અડધો હિસ્સો કાપીને લૉનના હપ્તા ચૂકવવામાં પણ થતી હોય છે, ખાલી એ વેદના પર ‘માય હૉમ, માય યુનિવર્સ’નું શુગરી કૉટિંગ ચડી ગયું હોય છે એટલે ઝટ નજરે ચડતી નથી.

– અને કોણે કહ્યું હૉટેલના એ અજાણ્યા, અગાઉ કંઈ કેટલાય લોકોએ વાપરી લીધેલા એ ઓરડામાં મેમરીઝ ન હોય? હનીમૂન પર ગયેલા ત્યારે ઇમ્મટિરિયલ થઈ ગયેલો એ ઓરડો, જ્યાં સામે બર્ફીલા પહાડો, નીચે ધુમ્મસ ભરેલી ખીણ દેખાતી હોય એવી બાલ્કનીમાં સાથે બેસીને પીધેલી વ્હિસ્કીના ઘૂંટનો સ્વાદ (અને ચાર પેગ પછી કરેલા ‘થ્રો અપ’માં બગાડેલો રૂમ, બૅડશીટ), બાજુના રૂમમાંથી આવેલા ભળતા અવાજો… એ જ રૂમ-હૉટેલની બહાર પગ મૂકીએ એટલે દેખાતું નવું શહેર, નવા લોકો, નવા ચહેરા, નવી દુનિયા. હૉટેલમાં અપેક્ષાઓનો બોજ કે અપેક્ષાભંગની પીડા નથી હોતી. પાસે રહીને પણ ક્યારેય ન બોલાવતા પાડોશીઓ, સારા સમયે ટપકી પડતાં, ખરા ટાણે ખપ ન લાગતાં અને મોઢે સારું ને પીઠ પાછળ ટીકા કરતાં સગાં… આમાંનું કંઈ હૉટેલમાં એન્ટર થતું નથી. હૉટેલના એ રૂમમાં તમારી પસંદની જ કંપની હોય છે, જેને તમે એન્ટ્રી આપી હોય છે.

જે વ્યૂ જોવાની લાલચે બાલ્કનીવાળો ફ્લૅટ ખરીદ્યો હોય ત્યાં સામે મસમોટી બિલ્ડિંગ બની ગઈ હોય અને વ્યૂ બ્લોક થઈ ગયો હોય અને એ બાલ્કનીમાં ટુવાલ સૂકવવા સિવાય તમે ક્યારેય ન ગયા હો. ફલાણી દીવાલ પર ફલાણો વૉલપીસ લગાવીશું એવું વિચારીને ખરીદેલી એ વસ્તુ કબાટમાંથી ક્યારેય નીકળી જ ન હોય… પણ હૉટેલ સતત તમને પર્ફેક્ટ બનીને આવકારે, રોજ બેસ્ટ લાગે, ક્યારેય જૂની ન થાય, ‘જ્યારે પણ ખાઓ, કરકરી ને તાજી’!

‘મલ્ટિપલ પર્સનાલિટી ડિસઑર્ડર’ના દર્દીની જેમ ઘરે તમારી પિતા-પુત્ર-પતિ-ભાઈ, માતા-પુત્રી-પત્ની-બહેન જેવી અસંખ્ય ભૂમિકાઓ-જવાબદારીઓ હોય, પણ હૉટેલમાં, ઇટ્સ ઑન્લી યુ. તમે જેવા છો તેવા, કોઈ કૉટિંગ -કોઈ માસ્ક વિનાના. કોઈ બૅગેજ વિનાના.

ઘરની જેમ હૉટેલના રૂમને પકડી રાખવાની મશક્કત ક્યારેય કરવી પડતી નથી. આપોઆપ છૂટી જાય છે. અને ઘર આમ જુઓ તો ક્યારેય છૂટતું જ નથી, છોડ્યા પછીયે નહીં. જ્યારે હૉટેલ કદાચ ‘ઇશાવાસ્ય ઉપનિષદ’ના ‘તેન ત્યક્તેન ભુંજિથા’નું પર્ફેક્ટ એક્ઝામ્પલ છે.

આઈ નૉ, ‘ઘર છે તો હૉટેલનું મહત્ત્વ છે અને વાઇસે વર્સા’ જેવી આર્ગ્યુમેન્ટ્સ થઈ શકે. લેકિન જેમ YJHDના બનીએ કહેલું, ‘તૂ સહી નહીં હૈ, નૈના. બસ મુઝસે બહોત અલગ હૈ!’ અને આપણાથી અલગને સ્વીકારવું એ જ તો મુખ્ય અને આ દુનિયાની સૌથી અઘરી બાબત છે.

હેપ્પી ‘ડિફરન્ટ’ દિવાળી ફ્રેન્ડ્સ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Ballpens: લિખતે લિખતે લવ હો જાયે!

ballpen-collage29 સપ્ટેમ્બર, 2016ના દિવસે સવારના પહોરમાં લૅપટોપ ખોલ્યું અને એ દિવસનું ‘ગૂગલ ડૂડલ’ જોઇને સીધો જ નોસ્ટેલ્જિયાનો અટૅક આવી ગયો. ગૂગલે આધુનિક બૉલ પોઇન્ટ પૅનના શોધક લાઝલો જૉઝફ બિરો (કે બરો!)ના ૧૧૭મા બર્થડૅનું ડૂડલ મૂક્યું હતું. આમ તો હજી નર્મદ સ્ટાઇલમાં લમણે આંગળી મૂકીને નોસ્ટેલ્જિક થઈ જવા જેટલી ઉંમર નથી થઈ, છતાં એટલિસ્ટ બૉલપેનની બાબતમાં તો નૉસ્ટેલ્જિક થઈ જવા જેટલી સ્થિતિ આવી જ ગઈ છે. લખીને રોટલો રળવાના વ્યવસાયમાં આવ્યા પછી આજે રોજના સરેરાશ અઢી હજાર શબ્દો લખવાના થાય છે, છતાં હરામ બરાબર જો દિવસમાં એક વખત પણ બૉલપેન પકડવાની થતી હોય તો. હા, ક્યારેક ચૅક લખવાના થાય ખરા (ફિલ્મોમાં હિરોઇનનો બાપ હીરોને ચૅક આપે અને બીજા હાથમાં સિગાર સાથે કહી દે કે, ‘યે લો બ્લૅન્ક ચૅક ઔર મેરી બેટી કો હમેશા હમેશા કે લિયે ભૂલ જાઓ’ એવા ચૅક નહીં. આપણે તો ઇલેક્ટ્રિકનાં બિલ અને લોનના હપ્તાના ચૅક જ ફાડવાના હોય!). બાકી તો બૉલપેન બિચારી ટેબલ કે કબાટના કોઈ ખાનામાં મિડલ ક્લાસના માણસની જેમ ઉપેક્ષિત થઇને પડી હોય.

***

બાકી એ જમાનો યાદ છે, જ્યારે ત્રીજા ધોરણમાં જ અમે બૉલપેન વસાવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધેલી (કર્ટસીઃ કાકાની સ્ટેશનરીની દુકાન)! પરંતુ સ્કૂલમાં હજી સંપૂર્ણપણે બૉલપેનથી લખવાની છૂટ નહોતી મળી. પૅન્સિલ ઝિંદાબાદ. એટલે બૉલપેનથી લખવું હોય તો કાલા થઇને પૂછવું પડે, ‘ટીચર ટીચર, બૉલપેનથી લખીએ?’ એટલે ટીચર જાણે ત્રાસવાદી કૅમ્પો પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની પરવાનગી આપતાં હોય એમ ગંભીર થઇને કહે, ‘લખો, પણ ચેકચાક થઈ છે તો મર્યા સમજજો!’ એ વખતે ક્લાસમાં વળી જગદીશ નામનો છોકરો કંઇક લાઇટ પ્લસ ડિજિટલ ઘડિયાળવાળી પૅન લાવેલો ને જાદુના ખેલ બતાવતો હોય એમ આખા ક્લાસની રિસેસ બગાડેલી (પછી કોઇને ખબર ન પડે એમ ચાલુ પિરિયડે લંચબૉક્સમાંથી બુકડા ભરવા પડેલા)! પાછો તો એ જગદીશિયો દોઢડાહ્યો થાય, ‘મારા કાકા આ બૉલપેન સિંગાપોરથી લાવ્યા છે.’ આપણે પણ પાછા ઝટ ઇમ્પ્રેસ ન થઇએ {ત્યારે ખબર નહોતી કે (ઉંમરમાં) મોટો થઇને ફિલ્મોના રિવ્યૂ કરીશ!}. આપણે તો એવું વિચારીને જ મનમાં ડચકારો બોલાવેલો કે, ‘એમાં હું હવે? સિંગાપોર એટલે હશે કંઇક રેલવેના પૂલ નીચે દેખાતા જંગલ જેવી કોઈ જગ્યા! જેની નીચે બોલપેનું પાથરીને વેચવા બેસતા હશે!’

***

પછી તો જમણા હાથની બે આંગળી અને અંગૂઠા વચ્ચે બૉલપેન એવી ફિક્સ થઈ ગઈ કે લખવા માટેય સ્કૂલે જવાનું મન થવા લાગ્યું. ભાર સાથેના ભણતરની કૃપાથી અક્ષરોય એવા મસ્ત થઈ ગયેલા કે ક્લાસમાં બીજા કોઇના અક્ષર આપણા કરતાં સારા નીકળે તોય જૅલસીથી બળી મરીએ. પરીક્ષામાં ભલે આપણો ૭મો કે ૧૧મો નંબર આવતો હોય, તોય ટંગડી એવું કહીને ઊંચી રાખવાની કે, ‘હંહ, ઓલાનો પહેલો નંબર આવ્યો એમાં શું નવાઈ કરી? અક્ષર તો એના કરતાં મારા જ સારા થાય છે!’ ટીચરોય પાછાં એવાં નિષ્ઠુર કે સુલેખનની સ્પર્ધા સિવાય સારા અક્ષરોનો એકેય માર્ક એક્સ્ટ્રા ન આપે! બહુ બહુ તો ‘પાકી નોટ’ કે ‘સ્વાધ્યાય પોથી’માં પોતાની મિલકતમાંથી ભાગ આપતા હોય એમ ‘ગુડ’ કે ‘વેરી ગુડ’ લખી આપે, ધેટ્સઑલ!

***

જેમ અલગ અલગ પ્રકારના યુદ્ધ માટે જુદાં જુદાં હથિયારો હોય, એવું બૉલપેનનું પણ હોય. ‘રફ નોટ’માં લખવા માટે સાદી-૩૦ પૈસાની રિફિલવાળી પેન વાપરવાની. પાકી નોટ જાણે ‘મિસ ઇન્ડિયા.’ એના માટે થોડીક મોંઘી રિફિલવાળી પેન કામે લાગે. સાથે એના મૅકઅપ-સ્ટાઇલિંગ માટે બ્લૅક, ગ્રીન જેવા રંગોની પૅનની ફોજ ખિદમતમાં હાજર થાય (ના, લાલ પૅન ટીચરલોગ માટે રિઝર્વ્ડ જ હોય! એનો ઉપયોગ ‘નો મીન્સ નો’). પછી આવે સ્વાધ્યાયપોથી પૂરવાનો વારો. ‘નવનીત’વાળા પોતે જ સ્વાધ્યાયપોથી અને ગાઇડ બંને છાપતા હોય, બંનેમાં એક જ સવાલ છપાયો હોય, પણ સ્વાધ્યાયપોથીમાં જવાબ લખવા માટે ગણીને ચાર લાઇનની જગ્યા આપી હોય! અત્યારે ભલે અમે ‘મોહેંજો દારો’ની ખિલ્લી ઉડાવતા હોઇએ, પણ ત્યારે ‘હડપ્પા અને મોહેંજો દડોની નગરરચના સમજાવો’ એવી ટૂંકનોંધ આવે એટલે ગાઇડમાંથી સીધું જ ડિક્ટૅટ કરાવતાં ટીચર ફરમાન જારી કરે, ‘એક લાઇનમાં બે લાઇન કરીને લખજો.’ એટલે તરત જ કમ્પાસ ખૂલે અને અમારી પ્રાઇઝ્ડ પઝેશન એવી ‘રેનોલ્ડ્સ’ની પેન મેદાનમાં આવે.

રેનોલ્ડ્સની પેન માર્કેટમાં આવી એ પહેલાં અમારી હાલત DDLJના ‘રાજ’ જેવી હતીઃ ‘કિસી કી આંખે અચ્છી, કિસી કે હોઠ અચ્છે…’ પણ રેનોલ્ડ્સ એટલે રેનોલ્ડ્સ. એની એકદમ સ્લિમ-ટ્રિમ કાયા, સિમ્પલ યૅટ ઍલિગન્ટ એવો વ્હાઇટ-બ્લ્યુ કલર, લિસ્સી છતાં ફર્મ ગ્રિપ, અત્યારે સેલ્ફી પાડવા માટે છોકરીઓ ‘પાઉટ’ કરે છે એવી કમનીય વળાંકવાળી એની નિબ અને એમાંથી એકદમ પાતળી રેખામાં નીકળતા અક્ષરો… રેનોલ્ડ્સની પેન જો છોકરી હોત તો મેં બાળલગ્ન કરી લીધાં હોત, ટચવૂડ! એની સ્કાય બ્લ્યુ શાહીનો ક્રશ તો મને આજે પણ ગયો નથી. (એનું સુંવાળું નામ બદલીને આજે ‘રોરિટો’ જેવું ખરબચડું નામ કરી નાખ્યું છે. બોલીએ તો શરદીમાં ગળામાં કફ ખખડતો હોય એવું લાગે! છેહ!) હવે ધોનીની બાયોપિક ‘M S Dhoni – The Untold Story’ જોઇને ખબર પડી કે એય તે સ્કૂલમાં રેનોલ્ડની પેન જ વાપરતો હતો!

એકવાર રેનોલ્ડ્સની પેન કામે લાગે પછી આખેઆખી હડપ્પીય સંસ્કૃતિ કે ભારતની આઝાદીનો સંગ્રામ ચાર લાઇનોની જગ્યામાં સમાવી દઇએ (એ વખતે જો ચોખાના દાણા પર લખવાની પ્રૅક્ટિસ શરૂ કરી હોત તો આજે બે-ચાર ‘ગિનેસ રેકોર્ડ્સ’ મારા નામે બોલતા હોત)! ક્યારેક તો એક લાઇનમાં ત્રણ-ત્રણ લાઇનો લખી હોય, તોય એકેએક શબ્દ ચોખ્ખો વાંચી લો, કસમ સે (જોકે એ લખ્યા પછી અમે પોતેય એ લખાણ ક્યારેય વાંચતા નહીં એ અલગ ચર્ચા છે)! અત્યારે પેટ ભરીને પસ્તાવો થાય છે કે એ વખતની પાકી નોટો કે સ્વાધ્યાયપોથીઓ પસ્તીમાં પધરાવી દેવાને બદલે સાચવી રાખી હોત તો અમારા હૅન્ડરાઇટિંગનાય મીમ્સ (Memes) બનતા હોત!

ઍની વે, બૅક ટુ રેનોલ્ડ્સ. ખાસ્સા સંશોધન પછી અમે એવું શોધી કાઢેલું કે રેનોલ્ડ્સની જાદુઈ તાકાતનું સિક્રેટ એના ‘પોઇન્ટ’માં સમાયેલું છે. એટલે જ્યારે પણ રેનોલ્ડ્સની રિફિલ ખાલી થાય (જે બહુ ઓછું બનતું), ત્યારે દાંતનું પક્કડ બનાવીને પોઇન્ટ ખેંચી કાઢતા અને ૩૦ પૈસાવાળી ‘સાદી’ ‘ગરીબ’ રિફિલમાં એને ટ્રાન્સપ્લાન્ટ કરતા. ક્લાસમાં આજુબાજુની પબ્લિકને પણ કહી રાખેલું કે ખબરદાર જો રેનોલ્ડ્સની ખાલી રિફિલ ફેંકી દીધી છે તો! કોઇન કે ફિલાટેલિક કલેક્ટરની ચીવટથી અમે આવી ‘સ્યુડો રેનોલ્ડ્સ’ રિફિલોની આખી ‘મ્યુટન્ટ આર્મી’ ખડી કરેલી. એમાં કેટલીયે વાર બ્લ્યુ શાહીનો સ્વાદ ચાખેલો છે (લિટરલી!). એનું એક કારણ એ પણ હતું કે રેનોલ્ડ્સની રિફિલ સાડા ત્રણ રૂપિયાની તોતિંગ કિંમત ધરાવતી, જેનું બજૅટ અમારા જેવા પૉકેટ મની વિહોણા વિદ્યાર્થીઓને ક્યારેય પાસ થાય નહીં. એટલે જ રેનોલ્ડ્સની એક રિફિલ આખું સત્ર, ક્યારેક તો આખું વર્ષ ખેંચી કાઢતી. અને એટલે જ સ્યુડો રેનોલ્ડ્સની મ્યુટન્ટ આર્મી ખડી થાય! સામાજિક પિરામિડના ઊપલા ટોપકામાં બિરાજતા કેટલાક ક્લાસમૅટ્સ એ જ રેનોલ્ડ્સની ‘જૅટર’ નામની સ્પ્રિંગવાળી પેન પણ વાપરતા (જે એ વખતે 15 રૂપિયાની ત્રાહિમામ પોકારી જઇએ એવી પ્રચંડ મોંઘી આવતી). હદ તો ત્યારે થાય કે એની પાસે ‘રેનોલ્ડ્સ જૅટર’નો આખો સૅટ હોય અને કાઢતી વખતે આપણી સામે જોઇને પેન હાથમાં રમાડીને આપણને જલાવે! ખુન્નસ તો એવું ચડે કે સાલો, ક્યાંક એકલો મળી જાય તો ચોક્કસ જગ્યાએ લાત મારીને એની બધી જૅટરનું વિજય માલ્યા કરી નાખું (જોકે એવો મોકો ક્યારેય આવ્યો નહીં અને એવી હિંમત પણ ક્યારેય ચાલી નહીં!).

હા, મારા પક્ષે બ્લિસ એવું હતું કે કાકાની સ્ટેશનરીની દુકાન હતી, જ્યાં (વેકેશન ખૂલે ત્યારની) ‘સીઝન’માં હૅલ્પ કરાવવાના બદલામાં (આપણી ઔકાતમાં રહીને) ગમે તેટલી બૉલપેનોની ધાડ પાડવાની છૂટ રહેતી. એને કારણે કમ્પાસ બૉક્સમાં એટલી બધી બૉલપેનો ભેગી થયેલી કે એટલી તો આજે મારા ફોનમાં ઍપ્સ પણ નથી. તેમ છતાં ધારો કે કોઇએ લખવા માટે પેન માગી, તો એમાંથી સૌથી ભંગાર પેન જ આપવાની! અને કોઈ કાળ ચોઘડિયામાં કોઈ પેન ખોવાઈ, તો તો કયામત, પ્રલય, અપૉકલિપ્સ આવી જાય. લંચ બૉક્સ ભરેલું જ ઘરે આવે અને જિંદગી તો જાણે ‘સ્યાહી કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ!’

જ્યારે પણ કોઈ નવી પેન માર્કેટમાં આવે અને તરત જ કાકાની દુકાનનો આંટો મારી આવીએ, યુ નૉ એ પેન ટ્રાય કરવા! અને શક્ય હોય તો કાકાને પટાવીને એ પેન ઠપકારી લેવા! છોકરીઓને પટાવવા માટે મજનુઓ ‘પિકઅપ લાઇન્સ’ વાપરે છે, એમ મારી પાસે કાકાને પીગાળીને પેન મેળવી લેવાની પિકઅપ લાઇન પણ રેડી જ હતી. મને ગમતી બૉલપેન ખિસ્સામાં મૂકીને કાકાને કહેવાનું કે, ‘આ પેન મારા ખિસ્સામાં મસ્ત લાગે છે, નહીં?!’ {મને યાદ છે, ‘રોટોમૅક’ની (‘લિખતે લિખતે લવ હો જાયે’ની ઍડવાળી) બૉલપેન લૉન્ચ થઈ ત્યારે કાકા પાસેથી મેળવવા માટે મેં અભૂતપૂર્વ ધમપછાડા કરેલા અને મેળવીને જ છૂટકો કરેલો.}

***

ધોરણ 5-6-7માં અમારા ક્લાસમાં એક છોકરી ભણતી. દૂર સામેના છેડેની બૅન્ચમાં બેસે. મારી જગ્યાએથી એના ચહેરાનો સાઇડ પૉઝ જ દેખાય. એટલી બધી ક્યુટ કે એને લીધે જ અડધો ક્લાસ શિયાળામાં પણ નાહીને આવતો! આજે તો માત્ર એનું નામ, એના કર્લી બૉયકટ વાળ, ગોળમટોળ આંખો અને એની બૉલપેન જ યાદ છે. એ કાયમ ‘કમ્ફર્ટ’ નામની એક જ કંપનીની નોન-રિફિલેબલ પેન જ વાપરતી. એને કારણે અમે પણ અમારા મોબાઇલમાં એ પેનને માનભર્યું સ્થાન આપેલું!

***

પછી તો ધીમે ધીમે એ ક્લાસમૅટ્સ, એ બૉલપેનોનું કલેક્શન, એ કમ્પાસ બૉક્સ, નવી પેનો પ્રત્યેનું આકર્ષણ બધાં સાથેનું જોડાણ ઘટતું ગયું. એક સમયે માત્ર બૉલપેનથી લખવામાં મજા પડતી. તેને હાથમાં પકડીને શક્ય તેટલા મરોડદાર અક્ષરો કાઢવામાં જે લિજ્જત-થ્રિલ આવતી એનું સ્થાન બૉર્ડની પરીક્ષાઓના હાઉએ લઈ લીધું. બૉલપેનથી લખવાનો હેતુ, મજા માણવાનો નહીં, બલકે પરીક્ષામાં વધુ માર્ક મેળવવા પૂરતો જ મર્યાદિત થવા માંડ્યો. કઈ પેન વાપરવાથી પરીક્ષામાં ઝડપથી લખી શકાય, કઈ પેનમાં સારી ગ્રિપ આવે છે, પૅપરમાં એક એક લાઇન છોડીને લખવાનું અને દરેક શબ્દ નીચે અન્ડર લાઇન કરવાની જેથી પૅપર ચૅકરનું ધ્યાન પડે વગેરે. અરે, ટ્યુશનના સાહેબો પોતાના ‘સ્ટાર’ વિદ્યાર્થીઓની સાથે સ્પેશિયલ બૉલપેનની ખરીદીમાં પણ જતા! થોડાં ઓર વર્ષ વીત્યાં એટલે બૉલપેન સારા કરિયરનું, રોટલા રળવાનું માધ્યમ બની ગઈ અને રહીસહી થ્રિલ પણ વરાળ થઈ ગઈ.

***

આજે પણ કોઈ કારણોસર સ્ટેશનરી શૉપ પર કે ઝેરોક્સની દુકાને જવાનું થાય ત્યારે નાના બચ્ચાના કુતૂહલથી નવી બૉલપેનો પર આંગળી ફરી જાય. હવે આપણું ‘પૉકેટમની’ જાતે જ કમાતા થયા છીએ અને બૉલપેન લેતા પહેલાં પપ્પા કે કાકાની પરમિશન લેવાની રહેતી નથી, એટલે જસ્ટ મજા ખાતર જ પૅન ખરીદતો રહું છું (થોડા મહિનાઓ પહેલાં એ જ રીતે પેલી બૉલપેન કમ સ્ટાયલસ એવી ‘લિન્ક ટચ’ બૉલપેન લીધેલી). પરંતુ પેન ખરીદતી વખતે પણ ખબર જ હોય છે કે આ ભાગ્યે જ વપરાવાની છે, એની રિફિલ ક્યારેય ખાલી થવાની નથી અને એનાથી રૂપિયા-પૈસાના એવા જ હિસાબો લખાવાના છે, જેણે હાથમાં પેન તો પકડાવી, પણ એને પકડતી વખતે વખતે જે રોમાંચ થતો એ છીનવી લીધો.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Dear Monsoon

(૨૦૧૬ના ચોમાસામાં અમદાવાદમાં વરસાદ ખેંચાયો હતો. તેના પરથી એક સવારે સર્જેલું આ હળવું સ્ટેટસ, એટલે વરસાદને નામ પત્ર. ફેસબુક પર મૂકેલું આ સ્ટેટસ પ્રચંડ હદે વાઇરલ થયું, દિવસો સુધી દેશ-દુનિયાના ગુજરાતીઓમાં ફરતું રહ્યું અને લિટરલી હજારો લોકોએ પોતાના નામે ચડાવ્યું હતું. તમારા ફોનમાં પણ ક્યાંકથી ફરતું ફરતું આવ્યું હોય, તો અમને યાદ કરજો, કેમકે અમે એક આખી સવાર ખર્ચીને સર્જ્યું હતું.)

ડિયર મોન્સૂન,
કેરળ-તમિલનાડુથી ગુજરાત સુધી પહોંચતાં આટલી બધી વાર?
તારી પહેલાં તો અમારી છુક છુક ગાડીઓ પહોંચી જાય છે!
જલ્દી આય ભાઈ, અહીંયા એસીનાં બિલો વધે છે.

કોર્પોરેશનના નવા બનેલા રસ્તાઓ ધોવાઈ જવા માટે બેબાકળા બન્યા છે. કોન્ટ્રાક્ટરોનાં છોકરાં નવી ગાડી માટે કજિયો કરે છે, ને એના પપ્પાઓ ‘એક વરસાદ પડી જવા દે’ એવા વાયદાઓ કરે છે.
ઘણા બધાને સ્વિમિંગ શીખવું છે, પણ તું આવે, રસ્તા કેડ સમાં પાણીથી છલકાય એની રાહમાં છે.

‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ હેઠળ કેટલાય જુવાનિયાઓએ પલળેલી ગાડીઓ સ્ટાર્ટ કરવાના ક્રેશ કોર્સ કરી રાખ્યા છે. હાડકાંના ડૉક્ટરોની પણ કેટલીયે પ્રોપર્ટીની ખરીદી-ફોરેન ટ્રિપો અટકેલી પડી છે.
રેઇનકોટ-છત્રીઓ માર્કેટમાં ખડકાઈ ગયાં છે, પણ તારા અભાવે વકરો શરુ થવાને વાર છે, ને એમાં જ ચીનનો જીડીપી ઘટી રહ્યો છે (એટલે જ એ NSGમાં કનડે છે).
દાળવડાં-ભજિયાં વગર લોકોની આંતરડી કકળે છે. ફેસબુક પર સેલ્ફીઓ પણ સાવ નપાણિયા થઈ ગયા છે.
ટિટોડીનાં ઈંડાંમાંથી બચ્ચા પણ આવી ગયાં ને સૂકવેલા ગોટલાના મુખવાસ પણ બની ગયા.

તારા વગર ‘અમીછાંટણાં’, ‘ધડાકાભેર’, ‘મેઘસવારી’, ‘સર્વત્ર શ્રીકાર’, ‘નવી આવક’, ‘જળબંબાકાર’, ‘સાંબેલાધાર’, ‘ઓવરફ્લો’, ‘ખતરાના નિશાનથી ઉપર’, ‘ઉપરવાસમાં’, ‘નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ’, ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટના દાવા પોકળ’, ‘પ્રિમોન્સૂન પ્લાન ધોવાયો’, ‘ઠેર ઠેર ભૂવા પડ્યા’ જેવા મેઘધનુષી શબ્દપ્રયોગો વિના ગુજરાતી ભાષા નાભિએથી ઑક્સિજન લેવા માંડી છે. હજારો દેડકાઓ અને કરોડો કવિઓ પણ તારા વિના ટળવળે છે. તારા વિના ‘પલળેલાં ભીનાં બદન’નાં વર્ણનોવાળા લેખો સૂકાભઠ ચિંતનાત્મક થઈ ગયાં છે. તું મોડું કરીશ અને અમારી ભાષા મરી પરવારશે તો અમારે પૈસાની ભાષાથી જ ચલાવી લેવું પડશે એનું તને કંઈ ભાન છે?!

અમે તો ઠીક છે કે ‘અચ્છે દિન’ ને ’15 લાખ’ની આશામાં કપિલના શૉ જોતાં જોતાં દા’ડા કાઢી નાખીશું, પણ તું અકોણાઈ કરીશ તો તારા પર ‘દેશદ્રોહી’, ‘રાષ્ટ્રવિરોધી’, ‘માતૃભાષાવિરોધી’, ‘માનવતાવિરોધી’, ‘વિકાસવિરોધી’, ‘ખેડૂતવિરોધી’નાં લેબલો લાગી જશે! ‘સિડીશન’ના ચાર્જિસ લાગશે તો તારા જામીન આપવા કોઈ કાલિદાસ નહીં આવે. અને તું વરસમાં એકવાર આવવામાં પણ તારીખ સાચવતો નથી, કોર્ટની તારીખો કેવી રીતે સાચવીશ? કેજરીવાલ તારી પાસે વરસવાની ડિગ્રી માગશે કે સુબ્રહ્મણ્યમ સ્વામી તારી ભારતીયતા પર સવાલ ઉઠાવશે તો તારી પાસે તો ભારતનો વિઝા પણ નથી.
એટલે ભાઈ, તને પણ વિજય માલ્યાની જેમ ભાગેડુ જાહેર કરાય એ પહેલાં આવી જા.

આ ઝાપટા જેટલું લખ્યું છે, હેલી જેટલું સમજીને વાંચજે.

લિખિતંગ,
ટુવાલથી પરસેવા લૂછતો એક કોરોધાકોર ગુજરાતી.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Arts, Inner Voice & Passion

‘હલો જયેશભાઈ, ડિસ્ટર્બ તો નહીં કિયા ના?’ આજે વહેલી સવારે અમારા કૂકે ફોન પર બાંગ પોકારી અને બે ઘડી તો મને ‘એક્ઝોર્સિસ્ટ’ જોતો હોઉં એવી ફાળ પડી ગઈ, કે આજ ફિર ગાપચી મારને કી તમન્ના હૈ, ક્યા? પરંતુ મામલો જુદો હતો. મને કહે કે, ‘મારી દીકરીનું દસમાનું રિઝલ્ટ આવ્યું છે, પણ કેવી રીતે જોવું તે એક્ઝેક્ટ્લી ખબર નથી પડતી.’ આ એક જ વાક્ય બોલીને એણે મારા દિમાગનું પૅનિક બટન દબાવી દીધું. મને ખબર જ નહોતી કે આ પર્સન્ટાઇલની ગ્રીક લૅન્ગ્વેજ કઈ રીતે ડિકોડ કરાય છે. પછી એ સાહેબ ઘરે પધાર્યા (થૅન્ક ગોડ!) ત્યારે ક્લિયર થયું કે એની દીકરીને કંઇક પાસ ક્લાસ આવેલો. વાત સાંભળીને મને થયું કે, લો, આજે ‘ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીના ડિજિટલ ઇન્ડિયા’માં પણ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કાસ્ટિસ્ટ એજ્યુકેશન બઝાર’નો સિલેબસ જરાય બદલાયો નથી.

આજે જો મારે ટાઇમ ટ્રાવેલ કરીને દોઢ-પોણા બે દાયકા પહેલાંના સમયમાં જવાનું થાય, તો પહેલું કામ હું મારી સાયન્સ સ્ટ્રીમની પસંદગી બદલીને આર્ટ્સ કરવાનું કરું. કેમ કે, અત્યંત ઉદ્ધત અને ઘોર નિરસ સાહેબોના હાથ નીચે એસેમ્બલી લાઇન પ્રોડક્શનના વર્કરની જેમ સાયન્સ ભણવાથી ભયંકર જીવનમાં બીજું એકેય મોટું ટૉર્ચર નથી. ‘રૅન્ચો’એ કહેલું એમ જ, એજ્યુકેશનની બાબતમાં આપણી મૅન્ટાલિટી તદ્દન પૈસા ઓરિએન્ટેડ અને કાસ્ટિસ્ટ છે. ગામ આખાના ચતુરો સાયન્સમાં જાય, નૉટ સો ચતુર કૉમર્સના ચોપડા ચીતરે અને ત્યારબાદ દેશની આમ જનતા જેવા બિચારાઓ આર્ટ્સની બૅન્ચો ગરમ કરે. આ બધી જ પસંદગી ફ્યુચરમાં કમાણીની સૉ કૉલ્ડ સંભાવનાઓ પરથી જ નક્કી થાય.

મારા કેટલાય ‘ચતુર’ ક્લાસમૅટ્સ આજે ડૉક્ટરો બનીને ફેસબુક પર પોતાના દર્દીઓનાં સફળ ઑપરેશનોનાં બિહામણાં ફોટા મૂકતા થઈ ગયા છે. એમને તુંકારે બોલાવીએ તો કન્હૈયા કુમારને દેશભક્ત ગણાવ્યો હોય એવું એમને ખોટું લાગી જાય. પણ મને યાદ છે, એ જ બંદાઓ બારમામાં કૅમિસ્ટ્રીની અઢીસો ફોર્મ્યુલાઓ ગોખીને બેઠા’તા. મૅથ્સના દાખલા-પ્રમેયો એમને રકમ સાથે મોઢે હતા. જ્યારે મારા જેવાને છેક ફર્સ્ટ યરમાં કૅમિસ્ટ્રીની લૅબમાં જઇને કસનળીમાં પ્રવાહી રેડ્યું ત્યારે ખબર પડી કે લે, બૅન્ઝિન તો બીજા પ્રવાહી જેવું જ હોય, એ દેખાવમાં ષટ્કોણિયું ન હોય! વર્ષો સુધી એ જ બૅન્ઝિનમાંથી પાણીથી લઇને પરમાણુ બોમ્બ બની શકે એટલી બધી પ્રક્રિયાઓ કરી નાખી, પણ એ બધું કરવાથી રિયલ લાઇફમાં એનો ઉપયોગ શું તે એકેય સાહેબે સમજાવ્યું નહીં (કેમ કે, પરીક્ષામાં એ જરૂરી નહોતું). સાયન્સના વિષયોમાં ‘સેન્ટર’માં નંબર લાવનારા ‘તેજસ્વી તારલા’ઓને અંગ્રેજીમાં રોકડા 36 માર્ક લાવતા જોયા છે. આજે ભારતીય સંસ્કૃતિની મહાનતા સાબિત કરવા બસો-દુકાનો સળગાવતા, યંગ કપલ્સને ફટકારતા, વિવિધ ડેય્ઝનો વિરોધ કરતા લોકોની જાણ સારુ, કે દાયકાઓથી બૉર્ડના વિદ્યાર્થીઓ સંસ્કૃત માત્ર એટલા માટે જ રાખતા આવ્યા છે કેમ કે તે ‘સ્કોરિંગ સબ્જેક્ટ’ છે. કૅન યુ બિલીવ, મારી વખતે ૧૨ સાયન્સમાં સંસ્કૃતના પૅપરમાં સંસ્કૃતની દેવનાગરી લિપિમાં એક શબ્દ, રિપીટ એક શબ્દ પણ લખ્યા વિના 90 માર્ક્સ લઈ શકાતા હતા. આજે યુટ્યૂબમાં ‘ખાન એકેડમી’ ટાઇપના વીડિયો જોઇએ ત્યારે સમજાય કે પરીક્ષા માટે નહીં, બલકે ‘શીખવવા’ માટે ભણાવવું હોય, તો ફિઝિક્સ, મૅથ્સ, કેમિસ્ટ્રી જેવા વિષયો કેવા અફલાતૂન છે.

અધર્મનો નાશ કરવા શ્રીકૃષ્ણ જન્મે કે ન જન્મે, પણ દરેક સ્ટુડન્ટની લાઇફની વાટ લગાડતા ‘કપૂર સા’બો’નો નાશ કરવા માટે તો કૃષ્ણે પૃથ્વીલોકનો એક આંટો મારવો જ જોઇએ. આવા કપૂર સા’બોનાં સંતાનો નાઇન્ટીઝમાં માર્ક્સ લઈ આવે અને નર્વસ બીજાનાં સંતાનો થાય. એ કપૂર સા’બોના પાપે જ માબાપો એવા કાસ્ટિઝમમાં માનતા થઈ જાય છે કે બોસ, સ્કોપ (વાંચો, પૈસા) તો ખાલી સાયન્સમાં જ છે. જાણે આર્ટ્સમાંથી બહાર પડનારાનું પ્લેસમેન્ટ તો સીધું અન્ડરવર્લ્ડમાં જ થતું હોય! અને કહેવાતી ‘ખોટી લાઇન’ પસંદ કરવાથી કે પરીક્ષામાં ફેલ થવાથી કે ઇવન ઓછા ટકા આવવાથી ટીનએજ સ્ટુડન્ટ આપઘાત કરે એનાથી વધુ વલ્ગર, ડિસ્ટોપિયન સ્થિતિ દુનિયામાં બીજી એકેય નથી.

હવે રિયાલિટીનાં રૅકેટોની વચ્ચે શટલકૉક થયા પછી સમજાયું કે આર્ટ્સ કેટલો મહાન સ્ટ્રીમ છે. કુબરિક, કુરોસાવા, હિચકોક, વૂડી એલન, આલ્મોદોવારથી લઇને આપણા રાય, રામુ, રત્નમ સુધીનાઓની ફિલ્મો જુઓ એટલે સમજાય કે સાઇકોલોજી ક્યા ચીઝ હૈ! સિગ્મંડ ફ્રોઇડ ભણ્યા હોઇએ તો દિમાગના એકેએક ન્યુરોનમાંથી અફલાતૂન સ્ટોરી પોપઅપ થતી દેખાય. એયને એક ક્લાસમાં શૅક્સપિયર ભણીએ અને બીજા ક્લાસમાં પોલિટિકલ સાયન્સમાં ધુબાકા મારીએ (જેથી, જે લોકો માત્ર આપણું જ નહીં, પણ આખા દેશનું ભવિષ્ય નક્કી કરે છે એમની ચાલાકીઓ સમજાય અને નીતિ તથા પ્રોપેગન્ડા વચ્ચેનો ફરક ખબર પડે). ઇન્ડિયન કલ્ચર, સોશિયોલોજી કે હિસ્ટરી ભણીએ એટલે દિમાગમાં થોડાં વાઇપર ચાલે અને સમજાય કે આપણે જેવા છીએ તેવા એક્ઝેક્ટ્લી શા માટે છીએ. હવે (નૅચરલી!) વિદેશી સંશોધનો કહે છે કે નવી નવી ભાષાઓ શીખો તો અલ્ઝાઇમર્સ જેવા રોગ ન થાય. તો એય ને કંઇક નિતનવી દેશી-વિદેશી ભાષા શીખીને ‘ગામ’ને ઇમ્પ્રેસ કરતા અને દિમાગની બૅટરી ચાર્જ કરતા ફરતા હોત. ધૂળની ઍલર્જી હોવા છતાં લાઇબ્રેરીમાં જઇને ઉર્દૂ, પર્શિયન કે ઇસ્લામિક કલ્ચરનાં થોથાં ઉથલાવીને જાણવાનો પ્રયાસ કરત કે એક્ઝેક્ટ્લી લોચો ક્યાં છે? ઇવન થોડું ‘હૉમ સાયન્સ’ ભણ્યા હોત તો ઘરમાં કેટલાય મોરચે શાંતિનાં કબૂતરો ઊડતાં હોત!

કેમિસ્ટ્રીની લૅબમાં એસિડિક રસાયણોની ઍલર્જીથી વલૂરતાં વલૂરતાં કસનળીઓમાં ને ફિઝિક્સની લૅબમાં ગેલ્વેનોમીટરની છેડાછેડી જોડવામાં જવાની કાઢી, એના કરતાં ‘રોમિયો, ઓ રોમિયો’ના જવાબ આપતાં કે ‘ટુ બી ઓર નોટ ટુ બી…’ બોલતાં સમય પસાર કર્યો હોત, તો ક્યા હોતા એ વિચાર માત્રથી દિલમાં વિશાલ ભારદ્વાજ જેવી ફીલિંગ્સ આવવા લાગે છે!

આ વાંચીને દિમાગનો લોજિકલ વિચારતો ડાબી બાજુનો હિસ્સો કહેશે, ‘બરખુરદાર, ગાના તો હમ ભી ગાતે હૈ, ખાને કા ક્યા કરોગે?’ ત્યારે એ જ ડાબી બાજુના હિસ્સામાંથી જવાબ જડે છે કે જો રૂપિયા જ પૅરામીટર હોય, તો સંસદથી લઇને હૉલીવુડ સુધી, બુકરથી પુલિત્ઝર સુધી આર્ટ્સવાળા લોકો ટ્રેક્ટર ભરીને પૈસા કમાય છે. ક્યાંક ઍન્જિનિયરિંગ ભણેલા લોકો TVF બનાવીને દેશના યુવાનોને જલસા કરાવે છે, ઇવન પોતાના શોખ-પૅશન-ટેલેન્ટને ફોલો કરીને આગળ આવેલા સચિનો-કોહલીઓ ચારેકોર છવાયેલા છે. મારું એ જ લોજિકલ દિમાગ ખાનગીમાં કહે છે કે સૌથી વધુ જોક્સ એન્જિનિયરિંગવાળાઓના જ બને છે. ને યુ રિયલી હૅટ ધોઝ રુડ, ઇગોઇસ્ટિક, મની માઇન્ડેડ ડૉક્ટર્સ. એમની પાસે રેલો આવે ત્યારે જ જવું પડે, જ્યારે આર્ટ્સવાળાઓનાં ક્રિએશન ઓશિકાના ટેકે મૂકીને માણવાં ગમે.

સો, ઇમ્તિયાઝ અલીની ફિલ્મોની જેમ સાયન્સ સાથે લગ્ન કર્યાં પછી સમજાયું કે બોસ, આપણે તો આર્ટ્સના પ્રેમમાં હતાં અને આર્ટ્સ સાથેની આપણી લવ સ્ટોરી ‘સૈરાટ’ જેવી અઘરી હતી. સાયન્સની સુંદરીની પાછળ સ્પર્મ-દોટ મૂક્યા પછી સમજાયું કે ‘આર્ટ્સ’ નામની એક ક્યુટ ક્વીન ખૂણામાં ઊભી આપણને બોલાવતી’તી, લેકિન હમને કભી ‘દિલ કી આવાઝ કો સૂના હી નહીં થા!’ તો ક્યા હુઆ, કિ એ દોઢ દાયકો પાછો નહીં આવે. હિન્દુ મૅરેજ એક્ટ તો દર્દીલી દુનિયામાં લાગુ પડે, દિલ-દિમાગની સલ્તનતમાં તો ‘સાયન્સ’ની સાથે બીજી ‘આર્ટ્સવાળી’ને લઈ આવીએ તોય ‘થ્રીસમ’ની જેમ મોર ધ મૅરિયર જ હોય! અગાઉનાં ફરબિડન ફ્રૂટ જેવા આર્ટ્સના વિષયોનું ‘ભણવાનું’ તો મારે ક્યારનુંયે ચાલુ થઈ ગયું છે. બસ, કેજરીવાલ માગશે તોય મારી પાસે એની ડિગ્રી નહીં હોય! પણ દુનિયાને જોવા-સમજવાનો જે પર્સ્પેક્ટિવ ઘડાય છે, જે જલસો પડે છે, એ ક્યાં કોઈ ડિગ્રીમાં લખેલો હોય છે?!

તો, આપ કન્વિન્સ હો ગયે, યા મૈં ઔર બોલું?!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.