ગોલમાલ અગેઇન

કુછ ભી ચલેગા

***

આ બાલિશ ફિલ્મમાં પણ હસવું જ હોય તો તમને કોણ રોકી શકવાનું છે?!

***

રેટિંગઃ ** (બે સ્ટાર)

***

golmal-again-2દિવાળીના દિવસોમાં આપણે ત્યાં ફૂડ સેફ્ટી ખાતું અચાનક હાઇપર એક્ટિવ મોડમાં આવી જાય છે. મીઠાઇની દુકાનો અને રેસ્ટોરાંમાં દરોડા પડે, ભેળસેળિયા વાનગીઓનાં સેમ્પલ એકઠા કરવામાં આવે અને અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આવી વાનગીઓ ઝાપટનારા લોકોને એનાથી કશો જ ફરક પડતો નથી. એમને માવા, ચીઝ, પનીરના નામે કુછ ભી ખવડાવી દો, એ લોકો બડે આરામ સે ખાઈ જશે. દિવાળીના ટાઇમે રિલીઝ થતી ‘ગોલમાલ અગેઇન’ જેવી ફિલ્મોનું પણ એવું જ છે. લોકો માત્ર એટલું જ પૂછશે, ‘કોમેડી છે?’ ‘નંગુપંગુ જોક્સ તો નથી ને?’ ‘લાવો ત્યારે, આપો દસ ટિકિટ!’

ભૂતિયાપા

ફોર અ ચૅન્જ રોહિત શેટ્ટીની આ ફિલ્મ ગોવાને બદલે ઊટીમાં આકાર લે છે (જોકે આ રોહિત શેટ્ટીનું ઊટી છે, એટલે ત્યાં જઇને ખૂણેખૂણો ફેંદી મારશો તોય તમને આ ફિલ્મ જેવું ઊટી તો નહીં જ દેખાય). બી. આર. ચોપરાના ‘મહાભારત’માં હરીશ ભીમાણીએ ‘સમય’ તરીકે જેટલી કોમેન્ટરી કરેલી, એના કરતાં સહેજ જ ઓછી કોમેન્ટરીમાં તબુ આપણને કહે છે કે ઊટીના અનાથાશ્રમમાં પાંચ બાળકો ઊછરીને મોટાં થયાં છે અને હવે અલગ અલગ ટીમો પાડીને બિલ્ડર લોકો માટે જમીનો ખાલી કરાવવાનું કામ કરે છે. તે ગેંગમાં એક છે ‘અંગુલિમાલ’ અજય દેવગણ (સ્પેલિંગ પ્રમાણે ‘દેવજ્ઞ’), અલગ અલગ ઍન્ગલથી આશ્ચર્ય પામતો રહેતો અર્શદ વારસી, જીભને ઊટીનું સાઇટસીઇંગ કરાવતો રહેતો શ્રેયસ તળપદે, માત્ર ‘ગોલમાલ’ સિરીઝની ફિલ્મોમાં અને સૈફના ઘરના પ્રસંગોએ જ દેખાતો કુણાલ ખેમુ અને ગોવિંદા પછી ‘અ આ ઈ’ની ભાષા બોલતો એકમાત્ર એક્ટર(?) તુષાર કપૂર. હજી આમાં ડુંગર પર ડંગરી પહેરીને ફરતી થાકેલી પરિણીતી ચોપરા, પાર્ટ ટાઇમમાં વોઇસ ઓવર આપતી તબુ અને અન્ય અડધો ડઝન કલાકારોનો પણ સમાવેશ થાય છે. એક મોત આ બધાં રખડતાં પાત્રોને એક છત નીચે લાવે છે. ત્યાં ખબર પડે છે કે એ મોતની પાછળ હત્યા અને એક ભટકતી આત્માનો ઍન્ગલ પણ છે.

ચાલો, ભૂત ભૂત રમીએ

આરોપીઓ ધરપકડથી બચવા આગોતરા જામીન મેળવી લે છે, એ જ રીતે રોહિત શેટ્ટીએ પણ ‘ઇસ દિવાલી, લોજિક નહીં, સિર્ફ મેજિક’ જેવી ટૅગલાઇન લખીને આગોતરા મેળવી લીધા છે. એ પછી એમને હસાવવાના નામે કુછ ભી ઠપકારવાની છૂટ મળી જાય છે. માત્ર ટાઇમપાસાર્થે આવેલા લોકોના ખિખિયાટા ઉઘરાવી લે એટલે સર્કિટ પૂરી પણ થઈ જાય છે (આમેય ભેળસેળિયા હવા, પાણી, ખોરાક, રાજકારણીઓ બધું જ પચાવી જતી ઑડિયન્સને બીજું શું જોઇએ, હેં?).

એક્ચ્યુઅલી, રોહિત શેટ્ટીએ અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતાં પાંચેક પાત્રો સફળતાપૂર્વક ડેવલપ કરેલાં. હવે એ એમને લઇને કુછ ભી રિમિક્સ ખીચડી પકાવ્યા કરે છે. આ સિરીઝની ફિલ્મોની મજા એ છે કે તેની દરેક લેટેસ્ટ રિલીઝને ‘અગાઉની ફિલ્મો કરતાં સારી’નું બિરુદ આપી શકાય છે! અત્યાર સુધીની તમામ ગોલમાલ ફિલ્મો ઉછીની સ્ટોરી પર આધારિત હતી (‘ગોલમાલ-1’ ગુજરાતી નાટક ‘અફલાતૂન’, ‘ગોલમાલ-2’ કિરણ કુમાર સ્ટારર ‘આજ કી તાઝા ખબર’, ‘ગોલમાલ-3’ જૂની હિંદી ફિલ્મ ‘ખટ્ટામીઠા’). હવે આ લેટેસ્ટ ફિલ્મ શેના પર આધારિત છે તેનો પુરાવો ન મળે ત્યાં સુધી તેને ઑરિજિનલ માનવામાં આવી રહી છે. પરંતુ એવું કહી શકાય કે આ ફિલ્મ કંઇક અંશે ‘ગોલમાલ’+‘એન્ટરટેનમેન્ટ’+‘ફિલ્લૌરી’ ટાઇપની ચાઇનીઝ ભેળ જેવું કંઇક છે.

ઑડિયન્સના IQને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઇને હસાવવા માટે રોહિત શેટ્ટી અને લેખકોએ દરેક પાત્રને અલાયદાં સિટકોમ ટાઇપની પર્સનાલિટી આપી દીધી છે. કોઈ આંગળી મરોડે, કોઈ ‘ઉં..આં’માં બોલે, કોઈ વારેવારે ભૂલીને ગાંડા કાઢવા માંડે, કોઈ જીભના વિશિષ્ટ મરોડ થકી ફની ઉચ્ચારો કાઢે વગેરે. બાકી જ્યાં કોમેડીનો મસાલો ઓછો પડતો લાગે ત્યાં ‘જોડકણાં સમ્રાટ’ રાઇટર બેલડી સાજિદ-ફરહાદને કામે લગાડવામાં આવે. જે આવા ‘સાંભાર હૈ તૌ ચટની હૈ, ઝ્યાદા ફૈલોગે તો પેન્ટ ફટની હૈ’, ‘નકલી ભૂતોં કે રામ ગોપાલ વર્મા, ચૂહોં કે જિમી શેરગિલ, ભૂતનિયોં કી બિપાશા બસુ’, ‘વાસ્તા… સડા હુઆ પાસ્તા’, ‘કલ્ટી નહીં, મૈં તો આજ-ટી પીઉંગા…’ ટાઇપની લાઇન્સનું એસેમ્બલી લાઇન પ્રોડક્શન કરી દે છે. આ લાઇનોને ફાસ્ટફૂડ પરના ચીઝની જેમ ભભરાવીને કામ ચલાવવામાં આવે છે.

હજી આ ઑલરેડી ક્રાઉડેડ ફિલ્મમાં ગિર્દી કરવા માટે અન્ય કલાકારો પણ ઠાંસવામાં આવ્યા છે. જેમ કે, પોતે હજી સ્ક્રિપ્ટ વિના પણ હસાવી શકે છે તેની ખાતરી કરાવતો જ્હોની લીવર, હું સિરિયસ એક્ટિંગ માત્ર સાઉથની ફિલ્મોમાં જ કરીશ (અને હિન્દીમાં તો ઑવરએક્ટિંગ જ કરીશ) એવી પ્રતિજ્ઞા લઇને આવેલો પ્રકાશ રાજ, વિશ્વનો એકમાત્ર ઇચ્છાધારી સાપ વ્રજેશ હિરજી, એક ‘મસાન’ એક ‘આંખો દેખી’ની સામે હું દસ ‘ગોલમાલ’ કરીશ એવી થિયરીમાં માનતા સંજય મિશ્રા, ‘મારે જેટલી એક્ટિંગ કરવાની હતી એ મેં પ્રકાશ ઝાની ફિલ્મોમાં કરી લીધી’ એવું સાબિત કરતો ‘વસૂલી ભાઈ’ મુકેશ તિવારી, ‘ગેમ ઑફ થ્રોન્સ’ને બદલે સુરજ બડજાત્યાની ફિલ્મોમાં પોતાનું ટેલેન્ટ પ્રદર્શિત કરનારો ત્રિનામધારી નીલ નીતિન મુકેશ, સરકારી આંખની હૉસ્પિટલમાંથી ચોરેલાં ડાર્ક ચશ્માં પહેરીને ફરતા સચિન ખેડેકર… સહિતના એટલા બધા કલાકારો છે કે ‘ગોલમાલ ઇલેવન’ વર્સસ ‘વર્લ્ડ ઇલેવન’ની મૅચ રમાડો તો ચિયર લીડર્સ અને ઑડિયન્સ સહિતના લોકો ભેગા થઈ જાય!

આમ તો લોજિક વાપરવાની મનાઈ છે, તેમ છતાં ભૂલથીયે સહેજ લોજિક વપરાઈ જાય તો ખ્યાલ આવે કે બદલો લોવા માટે ભટકતી પ્રેતાત્માએ ધાર્યું હોત તો તે પાંચેક મિનિટમાં જ વિલનલોગ અને ફિલ્મનો ખેલ ખતમ કરી ચૂકી હોત. પરંતુ એવું થાય તો આ ઑવરક્રાઉડેડ ફિલ્મનું શું થાય? વળી, આ ફિલ્મની ભટકતી પ્રેતાત્મા પણ ગજબ છે. તે ગુજરાતના ‘વિકાસ’ની જેમ માત્ર ‘જુબાં કેસરી’ ધરાવતા લોકોને જ દેખાય છે, બાકીના લોકો માટે તે સાબિતી વિના જ સ્વીકારી લેવાનો પ્રમેય બનીને રહી જાય છે. એક સીનમાં અજય દેવગણને ડરાવવા માટે બાકીના કલાકારો અમેરિકાના રાઇટ વિંગ એક્સ્ટ્રીમિસ્ટ ભાંગફોડિયા ગ્રૂપ ‘કુ ક્લક્સ ક્લાન’નો કોશ્ચ્યુમ પહેરીને આવે છે, જે ઑફેન્ડિંગ બની શકે, લેકિન નો. કારણ? આગોતરા જામીન! આમ તો રોહિત શેટ્ટી પોતે પણ અલગ પ્રકારનો ‘એક્સ્ટ્રીમિસ્ટ’ જ છે. એની આ ફિલ્મમાં (પણ) બધું એક્સ્ટ્રીમ જ છે. એશિયન પેઇન્ટ્સના શૅડકાર્ડ કરતાં પણ વધુ એક્સ્ટ્રીમ રંગો, એક્સ્ટ્રીમલી લાઉડ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, એક્સ્ટ્રીમલી ભંગાર રીતે રિમિક્સ કરાયેલાં ‘આતે જાતે’ અને ‘નીંદ ચુરાઈ મેરી’ જેવાં સોંગ્સ, એક્સ્ટ્રીમ ઑવરએક્ટિંગ અને અઢી કલાક ઉપરની ફિલ્મની એક્સ્ટ્રીમલી લોંગ લોંગર લોંગેસ્ટ લંબાઈ.

રોહિત શેટ્ટીની આ ફિલ્મ ખાસ્સી સેલ્ફ અવૅર પણ છે. એટલે કે તેમાં રિયલ લાઇફનાં, પોતે જે ભવાડા કરે છે તેનાં એક્ચ્યુઅલ રેફરન્સ પણ આવતા રહે. જેમ કે, અજય દેવગણ ‘સિંઘમ’ની સ્ટાઇલો મારે અને બીજા કલાકારો એને રોકે, અજય પરિણીતી પાછળ લટ્ટુ થાય ત્યારે બાકીના કલાકારો એના ઍજ ડિફરન્સને દર્શાવવા માટે ‘ફાધર+ફિગર-‘ચીની કમ’’ના જોક્સ મારે, અજય દેવગણ પોતાની જૂની ફિલ્મોની જેમ બે કાર પર ઊભો રહીને એન્ટ્રી મારે, ટાઇટલ સોંગમાં ખુદ રોહિત શેટ્ટી કાર ડ્રાઇવ કરતો હોય, નાના પાટેકરના જોક્સ+મિમિક્રી આવે… મીન્સ એ લોકોને ખબર છે કે તેઓ માત્ર ટાઇમપાસ મનોરંજન જ પીરસી રહ્યા છે. એટલે આપણે પણ ઝાઝા ઇમોશનલ થવાની જરૂર નથી. કેમ કે, બડી બેશર્મીથી પ્રોડ્યુસર લોકોએ ફિલ્મમાં ‘ઇન્ટેક્સ’, ‘ફિનોલેક્સ’, ‘બ્રાઇટ આઉટડૉર લાઇટ્સ’, ‘ચિંગ્સ સિક્રેટ’, ‘પેટીએમ’, ‘ક્વૉલિટી વૉલ્સ આઇસક્રીમ’, ‘બીઇંગ હ્યુમન બાઇસિકલ્સ’ વગેરેની આપણા માથા પર વાગે એ રીતે જાહેરખબરો લઈ લીધી છે. યાને કે ફિલ્મનો ખર્ચો નીકળી ચૂક્યો છે, આપણે તો બસ તેમને નફો જ કરાવી રહ્યા છીએ!

વ્હોટ્સ યૉર IQ?

એક્ચ્યુઅલી, ‘ગોલમાલ સિરીઝ’ હવે ‘સિક્વલ ફટીગ’થી પીડાવા લાગી છે. તેનાં પાત્રો શું કરશે તે આપણને ખબર જ છે, એટલે એમની હરકતો આપણને હસાવતી નથી. છતાં રોહિત શેટ્ટીની આ ‘બાળફિલ્મ’માં હસવું જ છે એવું નક્કી કરીને ગયા હો તો છૂટક છૂટક દૃશ્યોમાં હસવું આવી શકે. પરંતુ ગંભીરતાથી વિચારીએ તો સમજાય છે કે ઑડિયન્સ તરીકે આપણે વધુ સારી અને મૅચ્યોર કોમેડી ફિલ્મો મેળવવાને હદકાર છીએ, સાવ આવી ફૂવડ, ચાઇલ્ડિશ, ઇમ્મૅચ્યોર ફિલ્મો નહીં. ‘ગોલમાલ અગેઇન’ને અંતે દર્શાવાતી ગૅગ રીલ પત્યા પછી રોહિત શેટ્ટી અને એમની ટીમ જે આત્મવિશ્વાસથી ‘સી યુ સૂન’નું પાટિયું બતાડે છે એ જોતાં ભવિષ્યમાં એ ‘ગોલમાલ વન્સ અગેઇન’, ‘ગોલમાલ વન મોર ટાઇમ’ કે ‘ગોલમાલ ઇન્ફિનિટી’ લઇને આવશે જ!

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

હેપ્પી ભાગ જાયેગી

  • hbj-poster-livelyરિયો ઑલિમ્પિક્સમાં કોઇનેય આશા નહોતી કે આ વખતે આપણને એક પણ મૅડલ મળશે. ઇવન શોભા ડે જેવાં બુદ્ધિજીવીઓએ તો ટ્વિટર પર આગાહી પણ કરી નાખેલી કે આપણા ખેલાડીઓ તો સરકારી ખર્ચે બ્રાઝિલ ફરી-કારવીને અને સેલ્ફી પડાવીને જ પાછા આવવાના છે. પરંતુ સાક્ષી મલિક, પી વી સંધુએ મૅડલ અપાવ્યા અને દિપા કરમાકર સહેજમાં ચૂકી ગઈ. એવું જ કામકાજ આ હળવી કોમેડી ફિલ્મ ‘હેપ્પી ભાગ જાયેગી’નું પણ છે. આ ફિલ્મમાં ખાસ કશો દમ હશે તેવું કોઇને લાગતું નથી. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે આ ફિલ્મ શોભા ડેની આગાહી જેટલી ખરાબ નથી. હા, કોઈ મહાન ક્લાસિક કોમેડી ફિલ્મોના લિસ્ટમાં સામેલ થશે એવો મસાલો આમાં જરાય નથી, તેમ છતાં ફિલ્મ બોર તો નથી જ કરતી.
  • અમૃતસરની હેપ્પી (ડાયેના પેન્ટી)ને ગુડ્ડુ (અલી ફઝલ) સાથે પ્રેમ છે, પરંતુ હેપ્પીના પિતા (કંવલજિતસિંઘ) આ મુદ્દે અનહેપ્પી છે. એટલે એ દીકરીનાં લગ્ન સ્થાનિક કોર્પોરેટર દમનસિંઘ બગ્ગા (જિમી શેરગિલ) સાથે કરાવી રહ્યાં છે. એટલે પોતાની સગાઈની રાત્રે જ લાગ જોઇને હેપ્પી ભાગી છૂટે છે, પરંતુ જ્યારે જાગે છે ત્યારે ખબર પડે છે કે એ ભારતમાં નહીં, બલકે લાહોરમાં છે. એટલું જ નહીં, લાહોરના એક્સ ગવર્નરના ઘરમાં એના દીકરા બિલાલ અહમદ (અભય દેઓલ)ની સામે છે. બસ, પછી શરૂ થાય છે હેપ્પીને એના પ્રેમી સાથે મળાવવાની અને સુખરૂપ ભારત પાછી મોકલવાની કોમિક પળોજણ.
  • હેપ્પી ભાગ જાયેગી કોઇપણ ઍન્ગલથી ગ્રેટ ફિલ્મ નથી. ઇવન એનો ઍન્ડ શું હશે તે ફિલ્મની શરૂઆતથી જ કળી શકાય તેવું છે. આવા પ્રીડિક્ટેબલ પાથ પર જતી હોવા છતાં આ ઍન્જોયેબલ રાઇડ છે. તેનું સૌથી મોટું કારણ છે ફિલ્મનું રાઇટિંગ અને તેનાં લવલી કેરેક્ટર્સ. રાઇટર-ડિરેક્ટર મુદસ્સર અઝીઝે ફિલ્મના કેટલાય સીન એવા લખ્યા છે જે પ્યોર ડિલાઇટ છે. ખાસ કરીને પાકિસ્તાનમાં આકાર લેતા અને પીયૂષ મિશ્રાના તમામ સીન. એમાં પાકિસ્તાનને પ્રેમ કરતા હોવા છતાં ભારતની સારી સારી વસ્તુઓ ટેલેન્ટ વગેરેથી નિઃસાસા નાખ્યા કરતા પીયૂષ મિશ્રાનો રોલ ખરેખર જમાવટવાળો બન્યો છે. હા, વચ્ચે વચ્ચે ટપકી પડતાં નબળાં ગીતો બહુ ઇરિટેટ કરે છે અને કોમિક પૅસને સ્લો પાડી દે છે.
  • ડાયેના પેન્ટી બબલી માથાભારે પંજાબી ગર્લ બનવાની ભારે મહેનત કરે છે, પરંતુ એ પાછી પડે છે. અલબત્ત, એ અત્યંત સુંદર લાગે છે, પણ અલ્ટિમેટલી એ ગોખેલા ડાયલોગ્સ જ બોલે છે એ ખબર પડી જાય છે. અભય દેઓલ, જિમ્મી શેરગિલ અને અલી ફઝલના ભાગે રૂટિન સે હટકે ખાસ કશું આવ્યું નથી. એટલે ફિલ્મના અંતે આપણને પીયૂષ મિશ્રાનું પાત્ર જ યાદ રહી જાય છે.
  • એક સરબજિત પાકિસ્તાન પહોંચી જાય અને એ બિચારાની હાલત ખરાબ થઈ જાય, ત્યારે આ હેપ્પી પાકિસ્તાન પહોંચીને આખું લાહોર માથે લેતી હોય તેવું કઈ રીતે શક્ય બને તેવા સવાલો થતા હોય તો એ સવાલોને ફ્રીઝરમાં મૂકી દેવાના. કારણ કે આ ફિલ્મ મગજ ચલાવવાની નહીં, બલકે એન્જોય કરવાની છે. દર થોડા અંતરાલ પર એક પછી એક કોમિક સીન પેશ કર્યા કરતી આ ફિલ્મ થિયેટરમાં જોવા ન જાઓ તો કંઈ નહીં, પરંતુ ફુરસદે નિરાંતે એકવાર જોવા જેવી તો અવશ્ય બની છે. આ હળવીફુલ ફેમિલી કોમેડી ફિલ્મને અઢી સ્ટાર આપી શકાય.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

પોલમપોલ

– જે દિ’થી રંગ રંગ વાદળિયાં જેવું આ ફિલ્મનું પોસ્ટર જોયેલું, ત્યારથી જ નક્કી કરી નાખેલું કે ભલે મ્યુનિસિપાલટી મારા ઘરની આજુબાજુના બધા રસ્તા ખોદી નાખે, તોફાની છોકરાંવ મારા સ્કૂટરનાં બંને વ્હીલમાં પંક્ચર કરી નાખે, પણ આપણે ફર્સ્ટ ડેએ આ ફિલ્મ જોવા જવાના એટલે જવાના. ‘પોલમ પોલ’ની લીડિંગ લૅડી (જિનલ બેલાણી)ને માલુમ થાય કે આપણે પણ આપણા કમિટમેન્ટના બહુ પાક્કા છૈયે. શૉર્ટકટમાં બોલે તો જોઈ નાખ્યું.

– આ ફિલ્મની અંબુજા સિમેન્ટ જેવી વિરાટ સ્ટ્રેંથ છે એના કલાકારો. લગભગ બધાય થિયેટરનું સ્ટેજ થપથપાવી આવ્યા છે, ને કદાચ એટલે જ સૌની એક્ટિંગ, ડાયલોગ ડિલિવરી, એક્સપ્રેશન્સ બધુંય નેચરલ લાગે છે. સામે કેમેરા-બેમેરા ગોઠવ્યો હોય તો ‘અઠ્ઠે મારે’, કોન્શિયસ નહીં થવાનું. કોન્ફિડન્સ બકા, કોન્ફિડન્સ.

– એ જોઇને બે-ચાર હરખનાં આંસુડાં પણ સારી લીધાં કે ફિલ્મની હિરોઇન પણ ગોખેલા-કૃત્રિમ ડાયલોગ્સ બોલવાને બદલે નેચરલ એક્ટિંગ કરે છે! (એને ‘આઇવી છું’ ટાઇપનું ગુજરાતી બોલતી જોઇને બે કાનના કૌંસની વચ્ચે એવો વિચાર પણ આવેલો કે આ બુન મુંબઈનાં લાગે છે.) આ ફિલ્મ ‘ડિમ્પલોત્સવ’ પણ છે. બિગ સ્ક્રીનમાં જિનલ, પ્રેમ ગઢવી આણિનાં BRTS બસ પસાર થઈ જાય એવાં ખંજન જોઇને પણ રંજન થાય એવું છે.

– ફિલ્મના રાઇટિંગમાં થોડા ઝોલમઝોલ હોય, તોય સરસ પર્ફોર્મન્સથી ફિલ્મ ગ્રેવિટીની ઐસીતૈસી કરીને ઉપર ઊઠી શકે એ આ ‘પોલમપોલ’થી ખબર પડે. મારો અનુભવ એવો રહ્યો કે સૌથી વધુ લાફ્ટર ઝીણા ઝીણા ઉદગારોથી જ ક્રિએટ થતું’તું. જેમ કે, પાત્રો સ્વગત (મીન્સ કે મનમાં) બબડે ‘આ ટાણે જ ખંજવાળ આવે છે’, ‘સાલું, કોણ વચ્ચે દરવાજા મૂકી દે છે?’ એ બધું સ્ક્રીનપ્લેમાં અગાઉથી લખાયેલું હશે કે ઑન ધ સ્પોટ ઇમ્પ્રોવાઇઝેશન હશે? (રાઇટરો લાઇટની સ્વિચ ઑન કરે, પ્લીઝ!)

– ગળાને હૈડિયે ચપટી ભરીને કહું કે ટ્રેલર જોયા પછી તરત જ મને આ ફિલ્મ પ્રિયદર્શનની કે અનીસ બઝમીની હોય એવી ફીલ આવેલી. એમાંય એક સીન જોઇને તો ‘વેલકમ’ યાદ આવી ગયું. બસ, જિમિત ત્રિવેદીને બદલે વિજય રાઝ, પ્રેમ ગઢવીને બદલે નાના પાટેકર, જિનલ બેલાણીને બદલે મલ્લિકા શેરાવત અને ઘોડાને બદલે AMTSની બસ મૂકી દ્યો એટલી જ વાર. બાય ધ વે, AMTSની બસ પોરબંદર શું કામ જાય?! ને ફિલમમાં ઊતરતી ફિલમનો હીરો પૈસાવાળાનો દીકરો હોય, તો બસમાં શું કામ જાય, બાપાની ગાડી નો ફેરવે, હેં?! ના, આ તો એક વાત થાય છે.

– એમ તો હું સ્કૂલમાં હતો ત્યારે જોયેલી ‘દુનિયા દિલવાલોં કી’ (‘મુસ્તફા મુસ્તફા’ ગીતવાળી) પણ યાદ આવી ગઈ, ખોટું ન બોલાય!

– ટ્રેલર જોઇને લાગતું’તું કે આ ફિલ્મ તો હસાવી હસાવીને ગાભા કાઢી નાખશે. નો ડાઉટ, હસવું આવ્યું, પણ આમ મરક મરક ટાઇપનું. હસતાં હસતાં આંખો લૂછવી પડે એવું ફેફસાંફાડ નહીં. બધા કલાકારોનું કોમિક ટાઇમિંગ સુપર્બ છે, પણ કદાચ રામપુરી ચાકુ જેવી પંચલાઇન્સનો સ્ટોક ઓછો પડ્યો. તોય એક વાત મને એ ગમી કે ફિલ્મમાં ક્યાંય ડબલ મીનિંગ ડાયલોગ કે ચીપ જોક્સ નથી. એટલે મમ્મી-પપ્પાને લઇને ગયા હોઇએ, તો ‘અત્યારનાં જુવાનિયાંવને તો આવું જ ગમે’ એવા બહાના હેઠળ મોબાઇલમાં માથું ન ઘાલવું પડે.

– ગમે તે કહો, ફિલ્મ લાંબી છે જનાબ. સ્ટાર્ટિંગના સનત વ્યાસવાળા સીનથી લઇને બહુ બધા સીન ખાસ્સા ખેંચાયા છે. ક્યાંક વળી જોક્સને એક્સપ્લેઇન કરવામાં ટાઇમ બગડ્યો છે (બાય ધ વે, જોક્સ એક્સપ્લેઇન શું કામ કરો છો? એવું તો હવે જેઠાલાલ પણ નથી કરતા!)

– બહુ ટાઇમ પહેલાં મેં ઑબ્ઝર્વ કરેલું કે નવી ગુજરાતી ફિલ્મો જો ખાલી કોમેડી જ બનશે, તો પછી એ અત્યારે નાટકોમાં થયું છે એવી જ બનીને રહી જશે (આ લાઇન હવે ઘણા સિનિયરો પણ ટાંકવા માંડ્યા છે)! પણ GLF, ૨૦૧૬માં ફિલ્મમૅકર્સે ખોંખારો ખાઇને કબૂલી લીધું છે કે, ‘હમ તો કોમેડી કરેગા, ટાઇપકાસ્ટ સે નહીં ડરેગા!’ અને સામે પક્ષે લોકોનેય હસવું ગમે છે (ને અમારાય હોઠ ફાટેલા નથી કે પાઇલ્સ વગેરેથી પીડાતા નથી). એટલે થાવા દ્યો ત્યારે!

– ઑવરઓલ, ‘પોલમપોલ’ સરસ કોન્ફિડન્ટ પર્ફોર્મન્સીસ, ક્લીન કોમેડી, કૅચી ટાઇટલ ટ્રેક, નાઇસ પ્રોડક્શન વેલ્યૂ, સોંગ્સમાં દેખાયેલાં ચાંપાનેર-ઝૂલતાં મિનારા જેવાં ફ્રેશ લોકેશન્સ અને છેલ્લે એકાએક ફૂટી નીકળતા વિમેન એમ્પાવરમેન્ટના મેસેજ સાથેની ડિસન્ટ ફિલ્મ છે. મારા તરફથી ઉદાર હૈયે, આ ફિલ્મને થ્રી સ્ટાર્સ (***)નું થ્રી ચિયર્સ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ગુજ્જુભાઈ ધ ગ્રેટ

ગુજ્જુભાઈનો જય હો

***

ગુજ્જુભાઈનું આ પિક્ચર હસાવી હસાવીને તમારા ગાભા કાઢી નાખશે.

***

gujjubhai-the-great‘અલ્યા, આમ સવારના પહોરમાં ક્યાંથી હાલ્યો આવે છે?’

‘પિક્ચર જોવા ગયેલો, ગુજ્જુભાઈ ધ ગ્રેટ.’

‘યુ મીન ગુજરાતી મુવી? છટકી ગ્યું છે બે તારું? ગુજરાતી ફિલ્મો તે કંઈ જોવાતી હશે? હાઉ બોરિંગ.’

‘તું તારા દિમાગનું સૉફ્ટવેર અપડૅટ કરાય. આ આખું આમ ડિફરન્ટ ટાઇપનું પિક્ચર છે. ને બોરિંગ તો જરાય નથી.’

‘એમ? સ્ટોરી શું છે? યુ નૉ, સ્ટોરી-બોરી ખબર હોય, તો જરા ઠીક રહે.’

‘ઓકે, તો સાંભળ. અમદાવાદમાં એક છે હસમુખ ગાંધી ઉર્ફ ગુજ્જુભાઈ (સિદ્ધાર્થ રાંદેરિયા). રંગનો વેપાર કરે ને માણસેય રંગીલા. પીળું પ્રવાહી પીવે ને લાલ લૂગડું જોઇને એમનું દલડું ગુલાબીય થઈ જાય. એમને એકની એક જુવાન દીકરી છે તનીશા (દિપ્ના પટેલ). મુંબઈથી એ વળી એક નમૂનાને પકડી લાવે છે. પણ ગુજ્જુભાઈનો આઇડિયા એવો કે આપણે તો એવો જમાઈ શોધવો જે આપણી દીકરી ઉપરાંત આપણા બિઝનેસને પણ સંભાળી લે. એટલે એમનું ધ્યાન કેન્દ્રિત થાય છે એમના ફેવરિટ કર્મચારી બકુલ બૂચ (જિમિત ત્રિવેદી) પર. હવે લોચો એ છે કે એ બકુલ બૂચ કરતાં બોચિયો વધારે છે.’

‘એક મિનિટ, પછી ગુજ્જુભાઈ એ બકુલનો મૅકઓવર કરીને એને બોચિયામાંથી બિનધાસ્ત બનાવે છે અને બૉલીવુડની એક હિરોઇન સાથે એના અફેરની વાર્તા ઘડી કાઢે છે. એવું જ છેને?’

‘હાયલા, તને ખબર છે સ્ટોરી?’

‘હાસ્તો, આ તો ‘ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું’ નાટકની સ્ટોરી છે. મેં યુટ્યૂબ પર જોયેલું.’

‘હા તો આ એ જ નાટકનું ફિલ્મ તરીકે અડૅપ્ટેશન છે. પરંતુ આખો સ્ક્રીનપ્લે ગુજ્જુભાઈ બનતા સિદ્ધાર્થ રાંદેરિયાના દીકરા ઈશાન રાંદેરિયાએ નવેસરથી લખ્યો અને ડિરેક્ટ પણ કર્યો છે. અને બોસ, આખો સ્ક્રીનપ્લે એકથી એક ચડિયાતાં વનલાઇનર્સથી ફાટફાટ થાય છે. કોઇપણ બે પંચલાઇન કે કોમિક મોમેન્ટ વચ્ચે માંડ એકાદ-બે મિનિટ એવી જતી હશે, જ્યાં હસવું ન આવે. એક નાનકડું કેરેક્ટર માત્ર એક જ શબ્દપ્રયોગ બોલે, તોય એ ટાઇમિંગને કારણે હસાવી દે. બીજી મજાની વાત એ છે કે નાટકનું અડૅપ્ટેશન હોવા છતાં ક્યાંય એવું લાગતું નથી કે આ વાર્તા મૂળે નાટક માટે લખાઈ હશે.’

‘તું યાર આમ એક્સપર્ટો જેવી વાત ના કર. કંઇક આપણને હમજાય એવું બોલ.’

‘ઓકે, તો જસ્ટ ઇમેજિન કે તું એક ડાઇનિંગ હૉલમાં ગુજરાતી થાળી જમવા ગયો છો. તારી સામે જાયન્ટ સાઇઝની થાળીમાં અડધો-પોણો ડઝન વાડકીઓમાં ધડાધડ વાનગીઓ પિરસાઈ રહી છે. બે સ્વીટ ડિશ છે સિદ્ધાર્થ રાંદેરિયા અને જિમિત ત્રિવેદી. સુપર્બ કોમિક ટાઇમિંગ સાથે આ બંને જણા મોઢું ખોલે એટલે તમારા મોઢાથી લઇને પેટ સુધીના તમામ સ્નાયુઓ હલવા માંડે. આ બંનેના પ્લસ પોઇન્ટ એ છે કે એમની ડાયલોગ ડિલિવરી ક્યાંય કૃત્રિમ લાગતી નથી કે બેઉ જણા આપણને હસાવવા માટે મરણિયા બન્યા હોય એવો ભાર પણ વર્તાતો નથી. બસ, બેઉ વુડ બી સસરા-જમાઈ ગોટાળાઓની હારમાળા સર્જ્યે જાય છે અને એમાંથી જ ફ્લોલેસ કૉમેડી ઑફ એરર્સ સર્જાતી રહે છે. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ડાયલોગ્સમાં ખુદ સિદ્ધાર્થ રાંદેરિયાનું જ નામ છે અને એ ડિપાર્ટમેન્ટ જ સૌથી વધુ જલસો કરાવે છે.’

‘અચ્છા? કઈ રીતે?’

‘અરે ગાંડા, આ સેમ્પલિયાં ચાખઃ મને પાણીની ઘાત છે, મારી બાએ મને પાંચ વર્ષ સુધી નવડાયો નહોતો, તબિયતના ભોગે આપણે લગન નથી કરવાં, સોનિયા કપૂર તારી સાથે આવી લાક્ષણિક મુદ્રામાં?, અને સુપરહીટ એવું બાવા હિન્દી, ફિલ્મ કા નામ પાડા નહીં હૈ, તુમ્હારે મેં જીવદયા જૈસા કુછ નહીં હૈ?, હમારે મેં બાયડી સે મિલને કા અલાઉડ નહીં હૈ, આપને મેરી ફેંટ ક્યું પકડી હૈ?, હમ ગુજરાતી ઘાંટાઘાંટ નહીં, વાટાઘાટ કરતે હૈ…’

‘હા હા હા, સુપર્બ. અને બાકીની વાનગીઓનું શું? કે ખાલી સ્વીટથી જ પેટ ભરવાનું છે?’

‘હોતું હશે? આપણને ગુજરાતીઓને ફરસાણ વગર ચાલે? ચટપટા ટેસ્ટમાં છે ગુજ્જુભાભી પ્રમિલાબેન બનતાં સ્વાતિ શાહ અને મોટાં બા અન્નપૂર્ણા શુક્લ. આ બંનેના ભાગે આમ તો કોમ્પ્લિમેન્ટ કરવાનું જ આવ્યું છે, પણ લાફ્ટર ક્રિએટ કરવામાં એમણે ક્યાંય પાછીપાની કરી નથી. હા, અન્નપૂર્ણાબેન થોડાં લાઉડ થઈ જાય છે ખરાં, પણ એક ઠેકાણે કશું બોલ્યા વિના પણ હસાવી ગયાં છે. આ લૅડિઝ બ્રિગેડમાં અભિનેત્રી ભાવિની જાની પણ આવી જાય છે. જોકે ફિલ્મમાં એમનું નામ ‘ભારતી’ છે, તોય એક દૃશ્યમાં જ્યારે એમનો ફોન આવે છે, ત્યારે એમનું સાચું નામ (ભાવિની) જ ડિસ્પ્લે થઈ જાય છે.’

‘પણ બોસ, આપણી થાળી તો હજી વધારે ભરચક હોય.’

‘બહુ ભાઈ તમેરે કુ ઉતાવળ. જો ગૂફી ઇન્સ્પેક્ટર તરીકે ગોળમટોળ એક્ટર સુનીલ વિશરાણી મજા કરાવે છે. અને ગુજરાતી તખ્તાના દમદાર એક્ટર ધર્મેશ વ્યાસ તો દુબઈના ડૉન તરીકે રહી રહીને એન્ટ્રી મારે છે, પણ ક્રિસ ગૅલની જેમ ગેલ કરાવી દે છે.’

‘અને કંઈ ગીત-બીત છે કે ખાલી હસી હસીને જ પેટ ભરવાનું છે?’

‘છે, ભાઈ છે. ટાઇટલ સોંગ ‘ગુજ્જુભાઈ ઝૂલે છે’, આપણા બાળગીત પરથી બનેલું ‘એક બિલાડી જાડી’ અને લવસોંગ ‘ફીલિંગ અવનવી’ એ ત્રણેય મસ્ત છે. હા, સ્ટાર્ટિંગમાં એક હિન્દી-પંજાબી ‘ડાન્સ બૅબી’ નામનું પાર્ટી સોંગ આવે છે, એ સાવ કોકમ ચવાઈ ગયું હોય એવું લાગે છે. આપણે હિન્દીના હની સિંઘવાળા ગાડરિયા પ્રવાહમાં જવાની ક્યાં જરૂર છે?’

‘હમમ. પણ કંઈ આમ આખી થાળી પર્ફેક્ટ થોડી હોય? ક્યાંક તો થોડી કચાશ હશે જ ને?’

‘એવું સત્તર-અઢાર તો રહે જ ને. જેમ કે, ગુજરાતી હોવા છતાં અમુક પાત્રોનું ગુજરાતી કૃત્રિમ લાગે છે. આખી ફિલ્મ લગભગ અઢી કલાકની એટલે કે ખાસ્સી લાંબી છે. જ્યારે સ્ટાર્ટિંગમાં વાર્તાની માંડણી થતાં જ સારો એવો સમય વીતી જાય છે. અમુક સબપ્લોટ્સને (જેમ કે, બ્લેકમેલ કરતી ઠગ સ્ત્રી) એડિટ કરીને ફિલ્મ ટૂંકાવી શકાઈ હોત. પછી તોફાની ટાબરિયાઓ ડરપોક હીરોને બ્લૅકમેલ કરે એ સીન પર સુપરહીટ અંગ્રેજી સિરીઝ ‘સિલિકોન વૅલી’ની અને ડૅન્ટિસ્ટવાળા એક સીન પર ‘મિસ્ટર બીન’ની અસર દેખાય છે. અને જો તમે એકદમ શાંત-સટલ બ્રિટિશ ટાઇપની કોમેડીના ચાહક હશો, તો અહીંની કોમેડી ખાસ્સી લાઉડ લાગશે. થોડી વાઇફ બૅશિંગ મૅલ શોવિનિસ્ટ કોમેડી છે, પણ એટલું ખરું કે આખી ફિલ્મ સાફસૂથરી અને ફેમિલી સાથે જોવાય એવી છે.’

‘આ બધાના સરવાળા-બાદબાકી તો એવા થયા કે ફિલ્મ જોવા જેવી તો છેજ.’

‘બેશક, પણ પહેલાં એ કહે કે તને દાંતની, ફેફસાંની, પેટના સ્નાયુઓની, પાઇલ્સની, જૂની કબજિયાતની કે પછી પિક્ચરમાં કહે છે એમ મગજના ચિકનગુનિયાની કોઈ તકલીફ છે, ખરી?’

‘ના, કેમ?’

‘અરે, આ ફિલ્મના બંને મેઇન માણસ હસાવી હસાવીને તારા ગાભા કાઢી નાખશે. હસતાં હસતાં તારા એકેક સ્નાયુ એકદમ ડિસ્કો ડાન્સરની મુદ્રામાં આવી જશે.’

‘બસ ભાઈ બસ, હવે પહેલાં જોઈ આવવા દે પછી બીજી વાત.’

રેટિંગઃ ***1/2

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

વેલકમ બૅક

પ્લીઝ, ગો બૅક

***

છુટાછવાયાં વનલાઇનર્સને બાદ કરતાં આ ચ્યુઇંગમછાપ ફિલ્મ અઢી કલાકના ભવાડાથી વિશેષ કશું જ નથી.

***

poster_h1આ વર્ષે ‘MSG’, ‘મિસ્ટર એક્સ’ અને ‘કુછ કુછ લોચા હૈ’ જેવી ફિલ્મો આવી ત્યારે થયેલું કે હવે આ વર્ષનો ક્વોટા પૂરો. આનાથી વધારે બાલિશ અને રેઢિયાળ ફિલ્મ થોડી આવવાની? પણ ના. આપણા બૉલીવુડે જાયન્ટ સાઇઝનો હથોડો ઝીંકવા માટે ‘વેલકમ બૅક’ને બચાવી રાખેલી. જો ટીવી-ઇન્ટરનેટ પર બાબા રામરહીમની ‘MSG-2’નાં ટ્રેલર શરૂ ન થઈ ગયાં હોત તો ‘વેલકમ બૅક’ને આ વર્ષની સૌથી હાસ્યાસ્પદ ફિલ્મનો અવૉર્ડ આપી શકાત.

ભવાડાની સિક્વલ

દુબઈમાં રહેતા ડૉ. ઘૂંઘરુ (પરેશ રાવલ)ને એમની બૉયકટ પત્ની (સુપ્રિયા કર્ણિક) અચાનક બ્રૅકિંગ ન્યૂઝ આપે છે કે લગ્ન પહેલાંની ઇતર પ્રવૃત્તિથી એમને એક જુવાન દીકરો છે, જે મુંબઈમાં ડૉન અજ્જુભાઈ (જ્હોન અબ્રાહમ) તરીકે સૅટ છે. બીજી બાજુ ડૉનમાંથી શરીફ થઈ ગયેલા મજનુભાઈ (અનીલ કપૂર) અને ઉદય શેટ્ટી (નાના પાટેકર)ને એમના પપ્પા (સિનિયર નાના પાટેકર) સાઉથ ઇન્ડિયન લૅંગ્વેજમાં શૉક આપે છે કે તારી ત્રીજી મમ્મીથી તને એક જુવાન બહેન રંજના (શ્રુતિ હાસન) છે, જેનાં તારે લગ્ન કરવવાનાં છે.

આ ઉદય અને મજનુ બંને હજી વાંઢા છે. ગઈ ફિલ્મની મલ્લિકાની જેમ આ ફિલ્મમાં ચોટ્ટી મા-દીકરી (ડિમ્પલ કાપડિયા-નવોદિત અંકિતા શ્રીવાસ્તવ) આ બેય ભાઇઓને પ્રેમ કા ગેમમાં ફસાવીને બાટલીમાં ઉતારવાની ફિરાકમાં છે. ત્રીજી બાજુ ખૂનખાર અને સિલેક્ટિવ અંધ ડૉન વૉન્ટેડ ભાઈ (નસીરુદ્દીન શાહ)નો જુવાન દીકરો હની (શાઇની આહુજા) ઘરમાં બેઠો ગાંડા કાઢે છે કે પરણું તો ઓલી શ્રુતિ હાસનને જ પરણું વર્ના આપઘાત કરી લઉં.

ત્રિરંગી ઢોકળા નાખેલી આ ચાઇનીઝ ભેળમાં હજી કેટલાય નમૂનાઓ આવ-જા કરે છે, ગરબડ ગોટાળા થાય છે, ગીતો આવે છે. એક માત્ર પિક્ચર જ પૂરું થવાનું નામ નથી લેતું.

બાલિશોત્સવ

ડિરેક્ટર અનીસ બઝ્મી ફિલ્મોના નામે સુરતી ગોટાળા પિરસવા માટે કુખ્યાત છે. અગાઉ તેઓ ‘નૉ એન્ટ્રી’, ‘વેલકમ’, ‘સિંઘ ઇઝ કિંગ’, ‘નો પ્રોબ્લેમ’, ‘રેડી’, ‘થેન્ક યુ’ જેવી ફિલ્મો બનાવવાની જુર્રત કરી ચૂક્યા છે (જેવાં એમની ફિલ્મોનાં ટાઇટલ હોય છે, એ જોતાં આગળ જતાં તેઓ ‘હૉર્ન ઑકે પ્લીઝ’, ‘ઓકે ટાટા બાય બાય’, ‘બૂરી નઝર વાલે તેરા મૂંહ કાલા’, ‘કીપ સેફ ડિસ્ટન્સ’, ‘હમ દો હમારે દો’ જેવી ફિલ્મો પણ બનાવે તો નવાઈ નહીં).  પરંતુ હવે તેઓ સિક્વલના રવાડે ચડ્યા છે.

‘વેલકમ બૅક’ જેવી ફિલ્મમાં તમને મજા આવશે કે નહીં, તેનો આધાર તમે કઈ અપેક્ષા લઇને ફિલ્મ જોવા જાઓ છો તેના પર છે. જો તમને પાંચ-પચ્ચીસ ચબરાકિયાં સાંભળીને ખીખીયાટા છૂટી જતા હોય, ડબલ મીનિંગ ડાયલોગથી રોમરોમમાં ગલગલિયાં થવા માંડતાં હોય, ઢેકા ઉલાળતી બાઇઓનાં શરીરના વળાંકો જોઇને સીટીઓ મારવાનું મન થઈ જતું હોય, અને બહાર નીકળીને કોઈ પૂછે, તો જવાબમાં ‘આપણને તો બે ઘડી મોજ કરાવીને ફ્રેશ કરી દ્યે એવી ફિલ્મો બવ ગમે’ એવી વાયડાઈ કરવી ગમતી હોય, તો કસમ મજનુભૈયા કી, આ ફિલ્મ તમને હસાવી હસાવીને તમારા ગાભા કાઢી નાખશે.

‘વેલકમ બૅક’ને સિક્વલ તરીકે પ્રમોટ કરાઈ છે, પરંતુ હકીકતમાં તેની પ્રિક્વલ એવી અક્ષય કુમાર સ્ટારર ‘વેલકમ’ની રિમેક જ છે. અહીં એ જ રીતે ઉદય-મજનુ એક લેભાગુ લલનાના ઝાંસામાં આવે છે, એ જ રીતે ભાઈ વર્સસ-ઘૂંઘરુ અને ભાઈ વર્સસ બડે ભાઈની તડાફડી બોલે છે અને એવા જ ઘોંઘાટિયા ગરબડ ગોટાળા સાથે ફિલ્મ (માંડ) પૂરી થાય છે. ફિલ્મના એક સીનમાં એક પાત્ર નાના પાટેકર-અનીલ કપૂર માટે કહે છે, ‘ઓ ગુંડો કે લૉરેલ-હાર્ડી.’ ડિટ્ટો જો તમે એવી જ સિલી, સ્લૅપસ્ટિક ફિલ્મ તરીકે આ ફિલ્મને લો, તો તે તમને છૂટક છૂટક હસાવવામાં સફળ થાય છે ખરી. થેન્ક્સ ટુ, તેના ત્રણ ડિપેન્ડેબલ કલાકારો, નાના પાટેકર, અનીલ કપૂર અને પરેશ રાવલ. આ ત્રણેય કલાકારોનું કોમિક ટાઇમિંગ ગજબનાક છે. ગમે તેવા ફાલતુ સીનમાં પણ તેઓ પોતાની એક્ટિંગથી તમને હસાવી દે. જેમ કે, એક સીનમાં નાના-અનીલ કબ્રસ્તાનમાં ભૂતો સાથે અંતાક્ષરી રમે છે. માત્ર એક્ટિંગના જોરે જ એ સીન કોમેડીની પંગતમાં ગોઠવાયો છે. પરેશભાઇના ચહેરા પર હવે થોડી ઉંમર દેખાય છે, પરંતુ નાના પાટેકર અને અનીલ કપૂરને તો સત્વરે ‘સંતૂર’ સાબુના બ્રૅન્ડ એમ્બેસેડર બનાવી દેવા જોઇએ. એ બંનેને જોઇને એમની ઉમ્ર કા પતા હી નહીં ચલતા.

આ ફિલ્મનું ચોથું સરપ્રાઇઝ એલિમેન્ટ છે, તેનાં ઘણે ઠેકાણે દ્વિઅર્થી અને ક્યાંક સ્માર્ટ એવાં વનલાઇનર્સ. ‘વો ઇતને શરીફ હૈ કિ ઉનકે ઘર કી મખ્ખિયાં ભી દુપટ્ટા ઓઢ કે ઊડતી હૈ’ જેવાં સિલી વનલાઇનર્સથી લઇને ખાડો ખોદતો અનીલ બોલે છે, ‘યે તો દુબઈ હૈ ઇસલિયે ખોદના પડ રહા હૈ, ઇન્ડિયા હોતા તો વહાં ઇતને ખડ્ડે હૈ કિ…’ પહેલી ફિલ્મના ફિરોઝ ખાન પાછા થયા એટલે એમને ઠેકાણે અહીં નસીરુદ્દીન આવ્યા છે. એમણે પોતાની જૂની મૂડી ધોઈ નાખવાનો નિર્ધાર કર્યો હોય તેમ તેઓ એકથી એક વાહિયાત રોલ કરી રહ્યા છે. અહીં તેઓ બ્લાઇન્ડ ડૉન બન્યા છે. એમને બ્લાઇન્ડ માત્ર એટલા માટે જ બનાવાયા છે, જેથી તેઓ ક્લાઇમેક્સમાં એક સ્માર્ટ લાઇન બોલી શકે કે, ‘યહાં કાનૂન ભી હમ હૈ, ઔર અંધે ભી હમ હૈ.’

આ એક અનઅપેક્ષિત ફિલ્મ છે. અહીં ગમે ત્યારે ગમે તે આવતું રહે છે, ‘ધ એન્ડ’ સિવાય. બદ સે બદતર ગીતો, કાગડા, ઊંટ, જથ્થાબંધ હૅલિકોપ્ટર, ટૂંકાં કપડાંવાળી છોકરીઓ, પીકેની મિમિક્રી કંઇ પણ. અને કલાકારો તો જાણે ચુરમાના લાડુ પર ખસખસ ભભરાવ્યું હોય એટલા બધા છે. ખાલી નામ જ વાંચી લોઃ ડિમ્પલ કાપડિયા, રણજિત, રાજપાલ યાદવ, નીરજ વોરા, શાઇની આહૂજા, અદી ઇરાની, સ્નેહલ ડાભી, લૉરેન ગોટ્ટલિબ, સુરવીન ચાવલા, વિજય રાઝનો વોઇસઓવર ઉફ્ફ.

જ્હોન અબ્રાહમ માટે અનીલ કપૂર એક સીનમાં કહે છે, ‘યે સાલા, જિમ મેં પૈદા હુઆ લગતા હૈ.’ ખરેખર, બાવડાં બનાવવાની ફિરાકમાં જ્હોન બિચારો ભૂલી જ ગયો છે કે ઢીકાપાટું ઉલાળવા સિવાય એક્ટિંગમાં બીજું ઘણુંય કરવાનું હોય છે. અને એક સવાલઃ શ્રુતિ હાસન ખરેખર કમલ-સારિકાની જ દીકરી હશે? તો એને ગળથૂથી કોણે પાઈ હશે? મમ્મી પપ્પાની એક્ટિંગની એક ટકોય ટૅલેન્ટ એનામાં ઊતરી નથી.

ઇન્ટરવલ પછી આ ફિલ્મમાં ખરેખર કોઈ નક્કર ટ્રેક જ નથી. પરાણે ફિલ્મને અઢી કલાક ઉપર ખેંચી છે અને પછી અચાનક પૂરી થયેલી જાહેર કરી દેવાઈ છે. ખરેખર તો આ ફિલ્મમાં બફૂનરીનો માસ્ટર એવો અક્ષય કુમાર હોત, ફિલ્મને કાપીકૂપીને બે કલાકમાં સમેટી લેવાઈ હોત, ગીતો કંઇક ઠેકાણાંસરનાં હોત (આવાં તે કંઈ ગીત હોતાં હશેઃ ‘તુ બન્ટી હુઆ, મૈં બબલી હુઈ, ફિર બંદ કમરે મેં ટ્વેન્ટી ટ્વેન્ટી હુઈ’), સસ્તા દ્વિઅર્થી જોક્સનું પ્રમાણ ઓછું હોત, તો આ ‘વેલકમ બૅક’ પ્લેઝર રાઇડ બની શકી હોત. આના મૅકર્સને ખબર છે કે તેઓ બાલિશ ફિલ્મ બનાવે છે, એટલે જ ફિલ્મમાં શક્ય તેટલી હાસ્યાસ્પદ સ્પેશ્યલ ઇફેક્ટ્સ પણ ઠપકારાઈ છે.

નો એન્ટ્રી

આમ તો અનીસ બઝમીની ફિલ્મો થિયેટર સુધી લાંબા થવા જેવી હોતી જ નથી. આ ‘વેલકમ બૅક’નું પણ એવું જ છે. ગિલ્ટી પ્લેઝર તરીકે ટાઇમપાસમાં ટીવી પર આવતી હોય ત્યારે જોવાય. થિયેટરમાં પૈસા ન બગાડાય.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

તનુ વેડ્સ મનુ રિટર્ન્સ

સુપરહીટ ક્રેઝી શાદી

***

લોજિકના મામલે ઊણી ઊતરતી હોવા છતાં આ ફિલ્મ હિન્દી સિનેમાએ જોયેલી સૌથી પાવરફુલ સિક્વલોમાંની એક છે.

***

tanu-fullsize-story_032315071941સામાન્ય રીતે આપણે ત્યાં હિટ ફિલ્મને બોઘરણાં ભરીને દૂધ આપતી ગાયની જેમ ટ્રીટ કરવામાં આવે છે, જ્યાં સુધી દૂધ આપતી રહે, ત્યાં સુધી દોહ્યા કરો. નવું કશું કહેવાનું હોય કે નહીં, પૈસા બોલતા હૈ તો સિક્વલ બનતા હૈ. પછી એ ‘ક્રિશ’ હોય, ‘સિંઘમ’ હોય કે પછી ‘ગોલમાલ’ કે ‘હેરાફેરી’ હોય. પરંતુ હાફુસ કેરીના ઠંડા રસ જેવી મીઠી-મધુરી વાત એ છે કે ‘રાંઝણા’ બનાવનારા ડિરેક્ટર આનંદ એલ. રાય અલગ મિટ્ટીના બનેલા છે. ૨૦૧૧માં એમણે ‘તનુ વેડ્સ મનુ’ બનાવી, ત્યારે ભાગ્યે જ કોઇને લાગતું હતું કે આ ફિલ્મમાં સિક્વલ મટિરિયલ છે. પરંતુ શુદ્ધ દેશી ઘીની વાનગી જેવી ‘રાંઝણા’ પછી એમની આ સિક્વલ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ ‘આઈએસઆઈ’ના માર્કા જેવી ઑથેન્ટિક છે. એમાંય પાવરફુલ પંચલાઇન્સ અને પાવરપૅક્ડ પરફોર્મન્સનું એવું મસ્ત કોમ્બિનેશન થયું છે કે આ ફિલ્મ તાકીદે મસ્ટ વૉચની યાદીમાં આવી ગઈ છે.

મેરેજ રિ-અરેન્જ્ડ

તનુજા ત્રિવેદી (કંગના રણૌત) અને મનોજ શર્મા (આર. માધવન)નાં લગનિયાં સાથે પૂરી થયેલી સ્ટોરી હવે ચાર વર્ષ પછી આગળ વધે છે. લગ્નજીવનમાં બોરિયતનું લીંબું નીચોવાઈ ગયું છે અને એમાંથી પ્રેમનું પનીર બનાવવાની કોઈ ગુંજાઇશ રહી નથી. એટલે તલ્લાક તલ્લાકની તાલાવેલી સાથે બંને ઇન્ડિયાભેગાં થાય છે. ત્યાં જ મનુભાઈની નજર પડે છે એક હરિયાણવી એથ્લિટ કુસુમ સાંગવાન ઉર્ફ દત્તો પર. આ દત્તો ડિટ્ટો એની ભૂતપૂર્વ થવા જઈ રહેલી પત્ની તનુ જેવી જ દેખાય છે. ખાલી એ બૉયકટ વાળ રાખે છે અને આશિષ નેહરા જેવા દાંત સાથે મોઢું ખોલે ત્યારે હરિયાણવી બોલીનું પૂર વહાવે છે. તેમ છતાં સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે બંને પ્રેમમાં પડે છે. એમના પ્રેમની નૈયા બીચ ભંવર મેં પહોંચે ત્યાં જ ખબર પડે છે કે એનાં લગ્ન તો એક માથાભારે સાથે નક્કી થઈ ગયેલાં છે. એમાં પાછો ચિન્ટુ (મોહમ્મદ ઝીશન ઐયુબ) નામનો એક નારદ મુનિ આવીને બધે ઠેકાણે એકેક સળગતું લાકડું ખોંસી આવે છે એટલે ચારેકોર લોહીઉકાળા શરૂ. બસ, અહીંથી હવે સ્ટોરી ફિલ્મ માટે બાકી રાખીએ.

એન્ટરટેન્મેન્ટનું બુફે ડિનર

આ સિક્વલ એક્ઝેક્ટ બે કલાકની છે, પણ એમાં ક્રિયેટિવિટી એટલી ઠાંસી ઠાંસીને ભરી છે, કે જરાક નજર હટી કે કંઇક ગુમાવી બેસવાની દુર્ઘટના ઘટી. જેમ કે, સૌથી પહેલું તો તમે એ નોટિસ કરો કે હિન્દી ફિલ્મોમાં કેટલા યુગો પછી ફિલ્મનું નામ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ઉર્દૂમાં આવ્યું છે. જેમણે ‘તનુ વેડ્સ મનુ-૧’ ન જોઈ હોય એમના લાભાર્થે ફિલ્મનાં ટાઇટલ ક્રેડિટ્સ (નંબરિયા) સાથે તનુ-મનુની શાદીનો ક્વિક રિકેપ બતાવી દેવાય છે. એ પણ લગ્નની ટિપિકલ વીડિયો કેસેટની સ્ટાઇલમાં ‘સુન સાયબા સુન’ ગીત સાથે.

બસ, પછી શરૂ થાય છે ક્રિયેટિવિટી, કોમેડી અને કમાલની એક્ટિંગથી ફાટફાટ થતા ડાયલોગ્સની થ્રિલ રાઇડ. ખુદ રાઇટર-ડિરેક્ટર આનંદ એલ. રાય અને સહ-લેખક હિમાંશુ શર્માએ એવી તો કઈ ધારદાર બોલપેનથી ડાયલોગ્સ લખ્યા હશે કે દર થોડી વારે એક વનલાઇન ફૂટી નીકળે છે. સૅમ્પલઃ ‘સેન્સ ઑફ હ્યુમર ચાહિયેથી તો રાજુ શ્રીવાસ્તવ સે કરની થી ન શાદી’, ‘આપ ઇસ મોહલ્લે કી બૅટમેન હૈં, જિસ કે બસ કિસ્સે હી સુનાઈ દેતે હૈં’, ‘દિલ્લી કા આધા પોલ્યૂશન તો આશિકોં કી વજહ સે હૈ’, ‘હમ ક્યા સિર્ફ એક લિટર પેટ્રોલ ઔર હીરો હોન્ડા હૈ આપકે લિયે?’, ‘ઐસે જાહિલ લોગ હૈ, જો મર્દાનગી કો સ્પર્મ કાઉન્ટ સે નાપતે હૈ’… આવી બધી જ લાઇન્સ ગણાવવા બેસીએ તો આ રિવ્યૂ એમાં જ પૂરો થઈ જાય. માત્ર વનલાઇનર લખીને કામ પત્યું નથી. એ બધી જ લાઇન્સ એટલી સ્વાભાવિકતાથી, એટલી એનર્જીથી અને એટલા સુપર્બ ટાઇમિંગ સાથે બોલાઈ છે કે એનું સીધું કનેક્શન તમારા અટ્ટહાસ્ય સાથે જોડાઈ જાય. આ લેખકજોડીએ ‘રાંઝણા’ ફિલ્મમાં પણ આવાં વનલાઇનર્સ નાખેલાં, પરંતુ એ અમુક પાત્રો સુધી સીમિત હતાં. જ્યારે અહીં બધાં જ પાત્રોને પૂરી ઉદારતાથી પંચલાઇન્સનો પુરવઠો અપાયો છે. ડિરેક્ટરે મોટાભાગના સીન પર એટલું વર્ક કર્યું છે કે તે દરેક સીન સ્વતંત્ર કોમિક એક્ટ તરીકે ચાલી શકે તેવા પાવરફુલ છે.

ડિરેક્ટર આનંદ એલ. રાય એવા ખીલ્યા છે કે એમણે સરદારજીઓને કેડિયું-ચોરણી પહેરાવીને ગરબા કરાવ્યા છે, મોહમ્મદ ઝીશનના હાથમાં (મોટેભાગે વેદપ્રકાશ શર્માની) હિન્દી પોકેટ બુક ‘ખૂની મંગલસૂત્ર’ પકડાવીને માહોલ સેટ કર્યો છે, (‘બોમ્બે વેલ્વેટ’ પછી સળંગ બીજી વાર) ઓ. પી. નય્યરનું ઓરિજિનલ ગીત વાપર્યું છે, નાટ્યાત્મકતાથી ભરપુર હોવા છતાં માહોલ એકદમ ઑથેન્ટિક રાખ્યો છે… આ બધા માટે એમને ફુલ માર્ક્સ.

પરફોર્મન્સની બારાત

એક સારા ડિરેક્ટરની કાબેલિયત જ ત્યાં આવે છે કે એની ફિલ્મમાં બધા જ એક્ટર્સ ભરપુર ખીલે. અહીં એવું જ થયું છે. એક તો એટલા બધા ટેલેન્ટેડ અભિનેતાઓ એક જ ફિલ્મમાં અને બધા જ ફુલ ફોર્મમાં. શરૂઆત કંગનાથી. બટકબોલી તનુ અને સતત વાળ સરખા કર્યા કરતી હરિયાણવી દત્તો, બંને પાત્રની પર્સનાલિટીમાં મોદી અને કેજરીવાલ જેટલું પ્રચંડ અંતર છે, પરંતુ બેય પાત્રમાં કંગનાએ એકદમ ડીપલી ઘુસ કે એક્ટિંગ કરી છે. કંગનાનો ડબલ રોલ છે, પણ હરિયાણવી કંગનાને જોઇને એક સેકન્ડ માટે પણ વિચાર આવતો નથી કે આ એ જ છોકરી છે, જે કર્લી હેર સાથે તનુ બનીને ફરે છે. આટલી સશક્ત એક્ટિંગ જોઇને બિનધાસ્ત એવું કહી શકાય કે કંગના ખરેખર એક્ટિંગની ‘ક્વીન’ છે.

પરંતુ કંગનાની સાથોસાથ અહીં આપણને જે સૌથી વધુ જલસો કરાવે છે, તે છે દીપક ડોબ્રિયાલ અને મોહમ્મદ ઝીશન અય્યુબ. હીરોના દોસ્તાર તરીકે સતત એની સાથે ફરતો દીપક રીતસર આપણો કૉલર ઝાલીને આપણું ધ્યાન એના પર ચોંટાડી રાખે છે. આવો અફલાતૂન એક્ટર ગણીગાંઠી ફિલ્મો જ શું કામ કરતો હશે એ બર્મ્યુડા ટ્રાયેંગલ જેવું ભેદી રહસ્ય છે. દીપક ડોબ્રિયાલ જેવો જ ખીલ્યો છે, મોહમ્મદ ઝીશન અય્યુબ. ‘રાંઝણા’ ફિલ્મમાં હીરો ધનુષના બટકબોલા દોસ્તાર તરીકે વાહવાહી મેળવી ગયેલો આ અદાકાર અહીં ક્રિસ ગેલની જેમ ખીલ્યો છે. જોકે અડધી ફિલ્મ પછી એ રીતસર ગાયબ થઈ જાય છે. બહુ ઓછી ફિલ્મોમાં એવું બનતું હોય છે કે હીરો કરતાં એની આસપાસ રહેલાં પાત્રો વધારે હાવી થઈ જાય. શરૂઆતના પહેલા સીનને બાદ કરતાં આખી ફિલ્મમાં માધવન બિચારો અર્નબના શોમાં આવેલા ઓછાબોલા એક્સપર્ટની જેમ જેમ ખોવાયેલો જ લાગે છે.

ના, હજી અહીં પરફોર્મન્સની પાવર પરેડ પૂરી નથી થઈ. ડિરેક્ટરનો ફેવરિટ જિમી શેરગિલ છે, પણ એ અહીં પહેલા ભાગ જેવો ખીલ્યો નથી. એક નાનકડા (હરિયાણવી કંગનાના ભાઈના) રોલમાં ટેલેન્ટેડ એક્ટર રાજેશ શર્મા પણ છે, જે મોનોલોગ ટાઇપના એક સીનમાં આખી ‘રાંઝણા’ ફિલ્મના મૅલ શોવિનિઝમની હવા કાઢી નાખે છે. ‘તનુમનુ-૧’ અને ‘રાંઝણા’ની સાપેક્ષે અહીં બીજી ટેલેન્ટેડ અદાકારા સ્વરા ભાસ્કરને ઓછું ફૂટેજ મળ્યું છે, પણ એને તમે ઇગ્નોર તો ન જ કરી શકો. સિનિયર એક્ટર કે. કે. રૈના માત્ર એક સીનમાં સળગતી ટ્યૂબલાઇટ ફોડીને ઝળકી ઊઠે છે. અને હા, ઓ.પી. નૈયરનું જૂનું ‘જા જા જા જા બેવફા’,  અંગ્રેજી ગીત ‘ઑલ્ડ સ્કૂલ ગર્લ’ અને ‘બન્નો તેરા સ્વૅગર’ મજા કરાવે છે. ધેટ્સ ઑલ, મિ. લૉર્ડ.

ફટાણાં

લોજિકનાં ચશ્માં પહેરીને જોશો તો આ ફિલ્મની સ્ટોરીલાઇન ખાસ્સી અવાસ્તવિક અને નાટકીય લાગી શકે. માધવનનું પાત્ર ઇમ્તિયાઝ અલીની ફિલ્મોના હીરો કરતાંય વધારે કન્ફ્યુઝ્ડ લાગે છે. તનુ-મનુ વચ્ચેના ઝઘડા, ડિવોર્સનો નિર્ણય, માધવનનું ફરી પ્રેમમાં પડવું, આમાંથી કશુંય પચતું નથી. એમ તો ક્લાઇમેક્સ આવતાં સુધીમાં બિનજરૂરી ગીતો પણ સ્પીડમાં રોડાં નાખે છે. પરંતુ પાણીમાંથી પોરા કઢાય, કઢેલા દૂધમાંથી નહીં.

ચાંલ્લો કરો ત્યારે

આ ફિલ્મ સત્વરે જોવાનાં તમારી પાસે ઘણાં કારણો છેઃ એક ટિકિટમાં બે કંગના રણૌત, મોહમ્મદ ઝીશન અય્યુબ તથા દિપક ડોબ્રિયાલનાં ધમ્માલ પરફોર્મન્સ અને અબોવ ઑલ, ગાડું નહીં, ટ્રક ભરીને ઠલવાયેલાં એકદમ શાર્પ-હિલેરિયસ વનલાઇનર્સ. આવી અફલાતૂન હિન્દી સિક્વલ આપણે ભાગ્યે જ જોઈ છે.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits

pk

મનોરંજન પર હાવી થયો મેસેજ

***

આ ફિલ્મ આપણને સૌને સવાલ પૂછે છે કે માણસને બનાવનારો ઈશ્વર સાચો કે માણસે બનાવેલો ઈશ્વર સાચો?

***

pk-movie-aamir-khan-and-anushka-sharma-new-poster-imagesઈશ્વર કોણ છે? ક્યાં છે? ધર્મ એટલે શું? કોનો ધર્મ સાચો? ઈશ્વર ક્યારેય ડરાવે ખરો? નિર્દોષોની હત્યા કરવાની છૂટ આપે ખરો? અને આપણે કયા ઈશ્વરને માનવું, જેણે માણસને, આ પૃથ્વી-બ્રહ્માંડને બનાવ્યા છે એને કે પછી માણસે જેને પોતાની રીતે સર્જ્યો છે એવા ઈશ્વરને? અત્યારે દુનિયાને કઠી રહ્યા છે તેવા આ પાયાના સવાલો પૂછે છે રાજકુમાર હિરાણી, આમિર ખાન આણિ મંડળીની લેટેસ્ટ ફિલ્મ, પીકે. ફિલ્મ ખાસ્સી ઢીલી છે, પ્રીડિક્ટેબલ છે, પણ એ જે વાત કહે છે એ તો કાન દઈને સાંભળવા જેવી અને શાંતિથી વિચારીને જીવનમાં ઉતારવા જેવી છે.

ઈશ્વરની શોધમાં

પીકે (આમિર ખાન) એક ભેદી માણસ છે, જે ક્યાંથી આવ્યો છે એની કોઈને ખબર નથી. આ દુનિયાની રીત-રસમો એને સમજાતી નથી, પરંતુ એ જે સવાલો પૂછે છે તે આપણી સ્થાપિત વિચારસરણીના પાયામાં ઘા કરે છે. આ પીકે કશુંક શોધી રહ્યો છે, જે એને એના ઘરે પાછા જવામાં મદદ કરી શકે એમ છે. તે વસ્તુની શોધમાં એ રાજસ્થાનના ભૈરોસિંહ (સંજય દત્ત)ને મળે છે અને પછી ટપકે છે દિલ્હીમાં. ત્યાં એને ભેટી જાય છે, જગત જનની ઉર્ફ જગ્ગુ (અનુષ્કા શર્મા). જગ્ગુ એક ન્યૂઝ ચેનલમાં પત્રકાર છે અને પીકેમાં એને દેખાય છે એક મસાલેદાર સ્ટોરી. પીકેની સ્ટોરી જાણતાં જાણતાં ખબર પડે છે કે એ જે વસ્તુ શોધી રહ્યો છે તે તપસ્વી બાબા (સૌરભ શુક્લા) નામના એક પાખંડી બાબા પાસે છે. એ તપસ્વી બાબાથી તો આ જગ્ગુ પણ પરેશાન છે. બસ, વાર્તાનું ફાઇનલ એક્ટ એટલે પીકે વર્સસ તપસ્વી બાબા.

આસમાં પે હૈ ખુદા ઔર ઝમીં પે હમ

ફિલ્મમેકર કરણ જૌહરે હમણાં એક ટીવી ઈન્ટરવ્યૂમાં રાજકુમાર હિરાણીને જીનિયસ, સાધુ કહેલા. જૌહરની વાત ઘણે અંશે સાચી છે. કેમ કે જીવનનાં મૂળભૂત મૂલ્યોને એક મનોરંજક વાર્તામાં ભેળવીને ગરમાગરમ શીરાની જેમ ગળે ઊતરી જાય એ રીતે પિરસવાની જે આવડત હિરાણીમાં છે, તે અત્યારના ભાગ્યે જ બીજા કોઈ ફિલ્મમેકર પાસે છે. મેડિકલ ફિલ્ડમાં માનવીય સ્પર્શ, અત્યારે ગાંધીવિચારની પ્રસ્તુતતા અને એજ્યુકેશનલ સિસ્ટમમાં લાગેલી ઉધઈ પર માઇક્રોસ્કોપ ધર્યા પછી હવે હિરાણીભાઈએ ધર્મના નામે ચાલતા પાખંડો પર ફોકસ કર્યું છે.

ધારો કે એક માણસ એવો આવે કે જેના પર આપણે ત્યાંનાં ધર્મ-કોમ-જાત-દુનિયાદારી-લુચ્ચાઈનાં કલેવર ચડેલાં જ ન હોય, અને એ આપણને બિલકુલ પાયાના સવાલો પૂછે તો આપણે તેના જવાબો આપી શકીએ ખરા? જો બધા ધર્મો એક જ વાત કહેતા હોય તો વિશ્વમાં સૌ એને નામે ઝઘડે છે કેમ? જો બધા ધર્મો ખરેખર અલગ હોત તો ઉપરવાળો બાળકને ધર્મનો સિક્કો મારીને જ દુનિયામાં ન મોકલતો હોત? ઈશ્વરના એજન્ટ બનીને બેઠેલા ધર્મગુરુઓ પાસે જો બધા જ પ્રશ્નોનાં સોલ્યૂશન હોય તો એ લોકો ચપટી વગાડીને બધાંનાં દુઃખો દૂર કેમ કરી નથી નાખતા? આ જ વાતો બે વર્ષ પહેલાં ગુજરાતી સર્જક ઉમેશ શુક્લાની ફિલ્મ ‘ઓહ માય ગોડ’માં પુછાયેલા. અહીં રાજકુમાર હિરાણી અને સહલેખક અભિજાત જોશી એ જ બધા અણિયાળા સવાલો એમની એકદમ પારેવાની પાંખ જેવી હળવી સ્ટાઇલમાં આપણને પૂછે છે. ખાસ કરીને પેશાવરમાં જે રાક્ષસી કૃત્ય થયું એવા માહોલમાં આ સવાલોના જવાબો સ્વસ્થ મને શોધવા અત્યંત જરૂરી બની જાય છે.

પરંતુ આમિર ખાનનાં ભળતા-સળતા લુક અને ફિલ્મની વાર્તા શું છે તેના સસ્પેન્સનાં કુંડાળાની વચ્ચે રહેલી આ ફિલ્મ હિરાણીની બેસ્ટ ફિલ્મ છે? જવાબ છે, ના. ફિલ્મમાં કહેવાયેલી વાત તદ્દન સાચી છે. કહો કે, સો ટચના સોના જેવી છે. પરંતુ એ વાત એટલી લંબાઈ ગઈ છે કે લગભગ શરૂઆતની અડધી ફિલ્મ ખાઈ જાય છે. એક ઉદાહરણ આપીને નિયમ સમજાઈ જતો હોય, તો પછી ફરી ફરીને નવાં નવાં ઉદાહરણો આપ્યા કરવાનો શો અર્થ? જ્યારે ઈન્ટરવલ પછીની ફિલ્મ આખી વાર્તાને એક લોજિકલ એન્ડ સુધી પહોંચાડવાની મથામણમાં પૂરી થઈ જાય છે. જેમ જેમ ફિલ્મ આગળ વધતી જાય તેમ તેમ આપણી ધારણા પ્રમાણેના જ ટિપિકલ બોલિવુડિયન ટ્રેક પર ફિલ્મ આગળ વધતી જાય. આખી સ્ટોરીમાં આવતા ટ્વિસ્ટ એન્ડ ટર્ન પણ જાણે જિગસો પઝલની જેમ ચિત્ર પૂરું કરવા માટે એકબીજા સાથે જોડી કાઢ્યા હોય એવાં સગવડિયા છે.

૧૫૩ મિનિટની પીકેનું બીજું સૌથી નબળું પાસું છે એનું કંગાળ સંગીત. એક-બે નહીં, પણ ચાર ચાર સંગીતકારો હોવા છતાં ફિલ્મમાં એકેય ગીત જલસો કરાવી દે તેવું બન્યું નથી. ત્યારે આ ફિલ્મમાં કેટલાંક ગીતો અને ચ્યુઇંગ ગમની જેમ લંબાતાં દૃશ્યો પર કાતર ચલાવીને ફિલ્મને થોડી ક્રિસ્પ કરવાની જરૂર હતી. આ કામ ફિલ્મના ડિરેક્ટર રાજુ હિરાણી જ કરી શક્યા હોત, કેમ કે એ પોતે જ ફિલ્મના એડિટર પણ છે.

એક્ટિંગ વેક્ટિંગ

mork_mindy_tv_series-685149461-largeલોકોને પીકે જોવા માટે ખેંચતું સૌથી મોટું ચુંબક હતું, આમિર ખાન. મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર માટે કહેવાય છે કે એ એના કેરેક્ટરમાં ડીપલી ઘૂસ કે એક્ટિંગ કરે છે. રાઇટ, પણ અહીંયા સતત એવું લાગ્યા કરે છે કે એના પાત્ર પાસે વધારે શક્તિઓ હોવા છતાં આમિર ખાન જાણી જોઇને ડમ્બ-બબૂચક જેવી એક્ટિંગ કરે છે. આ પીકે ફિલ્મમાં એનું પાત્ર ૧૯૭૮માં આવેલી અમેરિકન કોમેડી સિરિયલ ‘મોર્ક એન્ડ મિન્ડી’માં રોબિન વિલિયમ્સે ભજવેલું. તે પાત્ર આમિરના પીકે કરતાં ક્યાંય વધારે નેચરલ અને જીવંત લાગતું હતું.

અનુષ્કા શર્મા એના ટિપિકલ બબલી રોલમાં છે. આ પ્રકારનું કેરેક્ટર આજકાલ દર બીજી અર્બન ફિલ્મમાં જોવા મળે છે. ફિલ્મમાં આમિર પછી સૌથી વધુ ધ્યાન ખેંચે એવું પાત્ર હોય તો તે નિર્મલ બાબા સ્ટાઇલની દુકાન ચલાવતા તપસ્વી બાબા બનતા સૌરભ શુક્લાનું છે. પરંતુ આવું જ પાત્ર એમણે લગે રહો મુન્નાભાઈમાં પણ ભજવેલું. એનાથી આગળ વધીને આ પાત્રમાં કશી જ નવીનતા ઉમેરાઈ નથી. મુન્નાભાઈ સંજય દત્તની એન્ટ્રી પડે છે ત્યારે આપણો કોઈ જૂનો દોસ્તાર આવ્યો હોય એવો ઉમળકો જાગે છે, પરંતુ એનું પાત્ર પણ ખાસ કશા શૅડ બતાવ્યા વિના મિસ્ટર ઈન્ડિયાની જેમ ગાયબ થઈ જાય છે.

હા, આ ફિલ્મમાં હિરાણી જેમને લકી ચાર્મ માને છે એવા બમન ઈરાની પણ છે, પરંતુ અલપ ઝલપ દૃશ્યોને બાદ કરતાં ફિલ્મમાં તેઓ તદ્દન વેડફાયા છે. એવું જ સુશાંત સિંહ રાજપુતનું છે. એ બિચારો શરૂઆતમાં એક રોમેન્ટિક સોંગ ગાયા પછી નૌ દો ગ્યારહ થાય છે, તે છેક ક્લાઇમેક્સમાં મોઢું બતાવે છે. પરંતુ ઓવરઓલ જોઇએ તો રાજકુમાર હિરાણી જે નાનાં નાનાં પરંતુ યાદ રહી જાય તેવાં પાત્રો સર્જવામાં માહેર છે, એવાં કોઈ પાત્રો અહીં સર્જાતાં નથી.

ક્યા કિયા જાયે?

સાફ વાત છે, પીકેમાં રાજકુમાર હિરાણીની અગાઉની ફિલ્મોની જેમ મેસેજ પ્લસ મનોરંજનનું તોફાની કોમ્બિનેશન નથી. આ વખતે મેસેજનો મસાલો વધારે પડી ગયો છે અને ફિલ્મ ચવાયેલી રેસિપી પર આગળ વધીને પૂરી થઈ જાય છે. તેમ છતાં એ મેસેજ સો ટચના સોના જેવો છે અને દરેકે શાંતિથી વિચારવા જેવો છે. આ સાફસૂથરી ફિલ્મમાં પીકે જે વાત કહેવા માગે છે તે જો વિશ્વમાં બધા સમજી જાય તો પેશાવર જેવી કોઈ ઘટના બને જ નહીં. ટિકિટોના ભાવ વધારીને રિલીઝ થયેલી આ ફિલ્મને જો એન્ટરટેઇનમેન્ટ ટેક્સ ફ્રી કરી દેવામાં આવે તો તે ઓર વધારે દર્શકો સુધી પહોંચી શકે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.