Spider Man: Homecoming

 • 90o1bvtzs73zનાનપણમાં મારા માટે મોસ્ટ બોરિંગ વસ્તુ હતી મહા પરાણે જ્ઞાતિના લગ્નપ્રસંગોમાં જવું. કેમકે ત્યાં મોટાભાગના લોકોનો ફેવરિટ પાસટાઇમ એક જ હોય ‘ગોસ્સિપ!’: ‘ફલાણા ભાઈની દીકરીને તો ઢીંકણા ભાઈના દીકરા વેરે આપી છે ને?’ ‘ના ના હવે, એને તો મંગળ છે એટલે ક્યાં થયું છે? તમે જે ભાઈના દીકરાની વાત કરો છો એનું તો એની સોસાયટીની એક છોકરી હારે લફરું હતું. બાપાએ ના પાડી તો ભાગીને લગન કરી લીધા ને છાપે ચડીને ભવાડા કર્યા’તા…’ અને હું કોઈ ફાલતુ ટીવી સિરિયલ જોતો હોઉં એમ અગેઇન મહા પરાણે મારો ગુસ્સો કંટ્રોલ કરીને જોઈ રહું (અને પ્રાર્થના કરું કે ક્યારે જમવાનું સ્ટાર્ટ થાય ને હું ખાઇ-ખપૂચીને ત્યાંથી સટકી જાઉં)!
 • આટલી બધી નહીં, પણ કંઇક અંશે આવી સ્થિતિ ‘માર્વેલ’, ‘DC’ યુનિવર્સની ફિલ્મો જોતી વખતે પણ હોય છે. બે-ચાર વર્ષ પહેલાંનાં કોઈ મુવીમાં આપણા સુપરહીરોલોગે કોઈ કાંડ કર્યો હોય એનું સળગતું હવે આવે એટલે આયમ લાઇક ‘અબ યે કૌન હૈ, યાર?’ લેકિન નવી ઘોડી નવો દાવ જેવી ‘રિબૂટ’ ટાઇપની ફિલ્મોમાં એ સુખ. બૅઝિક સ્ટોરીલાઇનની આછીપાતળી ખબર હોય એટલે આપણું ગાડું ચાલે.
 • આ ‘મક્કડ માનવ કી ઘરવાપસી’ એટલે કે ‘સ્પાઇડર મેનઃ હોમકમિંગ’નું પણ એવું જ છે. આપણને એટલી તો ખબર છે કે એક લેબોરેટરીમાં રેડિયોઍક્ટિવ કરોળિયાએ બચકું ભર્યું એટલે સ્પાઇડરમેન કાંડાંમાંથી મજબૂત જાળાં પેદા કરતો સુપરહીરો બની ગયો. એટલા પ્રિમાઇસ પછી હવે એ પંદર વર્ષનો ટીનએજર છે અને હાઇસ્કૂલમાં ભણે છે. ભાઇને કોઇપણ ભોગે ‘એવેન્જર્સ’ના ભાગ બનવું છે. આ રિબૂટ છે, છતાં તેનું અગાઉની મોસ્ટ્લી બે ફિલ્મો સાથે કનેક્શન છે. એક તો ગયા વર્ષની ‘કૅપ્ટન અમેરિકા સિવિલ વૉર’ના ક્લાઇમેક્સમાં સ્પાઇડીએ ફ્લાઇંગ સ્ક્વૉડની જેમ સરપ્રાઇઝ એન્ટ્રી મારીને જલવા બિખેરેલા. એ વખતે ચાલુ ફાઇટે પણ એણે ‘વાઉ, તારી પાસે સ્ટિલનો હાથ છે?!’, ‘તમારી પાંખો કાર્બન ફાઇબરની છે?!’ જેવા સવાલો પૂછીને પોતાની ટીનએજ ક્યુરિયોસિટી બતાવી હતી. એ ક્યુરિયસ કૅટ જેવો સ્વભાવ અહીં ‘હોમકમિંગ’માં પણ બરકરાર રહ્યો છે.
 • બીજું કનેક્શન અને વાર્તાનું સ્ટાર્ટિંગ (2012ની) ‘ધ એવેન્જર્સ’ના ક્લાઇમેક્સ પછીથી છે. એવેન્જર્સે ન્યુ યૉર્ક સિટીમાં જે ભાંગફોડ મચાવી છે તેનું રિપેરિંગ કામકાજ ઍડ્રિયન ટૂમ્સ (‘બર્ડમેન’ ફૅમ માઇકલ કીટન) કરી રહ્યો છે. વચ્ચે ‘આયર્નમેન’ની કંપની ભાંજી મારીને કોન્ટ્રાક્ટ પોતાના હસ્તક લઈ લે એટલે ઍડ્રિયનની છટકે. બસ, ત્યાંથી એક વિલન પેદા થાય.
 • ‘સ્પાઇડર મેન હોમકમિંગ’ની મજા કહો કે મર્યાદા એ છે કે તે ટિપિકલ ઓલ્ડ સ્કૂલ કોમિક બુક ટાઇપ સ્ટોરી ધરાવે છે. એક તરફ સ્પાઇડી (યંગ ઍક્ટર ટૉમ હોલેન્ડ) પોતાના સુપરપાવર્સ એક્સપ્લોર કરી રહ્યો છે. એને સુપરહીરોઝની લીગમાં સામેલ થવું છે, પણ પૅટ્રનાઇઝિંગ ટૉની સ્ટાર્ક (યાને કે આયર્નમેન) (રૉબર્ટ ડાઉની જુનિયર) એને હજી કચ્ચા ખિલાડી સમજે છે. બીજી બાજુ એ એક ઇન્ટ્રોવર્ટ હાઇસ્કૂલ સ્ટુડન્ટ છે, જે કોઇપણ ભોગે ક્લાસમાં એને ગમતી છોકરીને ઇમ્પ્રેસ કરવા માગે છે. પોતાની આઇડેન્ટિટી છૂપી રાખવાની મથામણ કરે છે. આખરે કઈ રીતે એ પર્સનલ પ્રેફરન્સિસને બાજુ પર રાખીને ‘વિથ ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી’ સમજે છે અને ‘કચ્ચા ખિલાડી’માંથી ‘પક્કા ખિલાડી’ બને છે તેની ઘણે અંશે કમિંગ ઑફ ઍજ ટાઇપની ફિલ્મ એટલે ‘સ્પાઇડર મેન હોમકમિંગ’. (જોકે, ગ્રેટ પાવર અને રિસ્પોન્સિબિલિટીવાળી આ લાઇન ફિલ્મમાં નથી.)
 • ફિલ્મના પોઝિટિવ પોઇન્ટ્સઃ સૌથી પહેલો પ્લસ પોઇન્ટ તો એ છે કે કે આ રિબૂટ હોવાને નાતે તેમાં અગાઉની ફિલ્મોનાં ક્રોસ કનેક્શન્સ ખાસ યાદ રાખવાની જરૂર પડતી નથી. એટલે હળવાફુલ થઈને આ ફિલ્મ ઍન્જોય કરી શકાય છે. * બીજી મજા એ છે કે એક ટિપિકલ ટીનએજ મુવીની જેમ આ ફિલ્મ હળવી-કોમિકલ છે. ટીનએજરોની ઇનસિક્યોરિટીઝ, એમની સિલી લાગતી વાતો, નર્ડી છોકરાઓનું એમની જ દુનિયામાં ખોવાયેલા રહેવું, કોઈ માથાભારે છોકરા દ્વારા થતું બુલિઇંગ બધું જ આ માહોલમાં પર્ફેક્ટ ફિટ બેસી જાય છે. * ફિલ્મની એક્શન સિક્વન્સીસઃ ક્યાંક સ્પાઇડી બૅન્ક ATM લૂંટાતું બચાવે, ક્યાંક એ દરિયા વચ્ચે જતી આખી ફૅરીના બે ટુકડા થતા રોકે, ક્યાંક એ વૉશિંગ્ટન મેમોરિયલમાં ફસાયેલા પોતાના દોસ્તારોને બચાવે, મોંઘેરાં હથિયારો લૂંટાતાં બચાવે, અલગ અલગ મકાનો પરથી દોડતો જાય અને ત્યાં ચાલતી વસ્તુઓમાં પોતાની ચોંચ ઘુસાડતો જાય… એ બધું જ ટિપિકલ સુપરહીરો ટાઇપ છે. ગમે તો મજા પડે નહીંતર લાગે કે આમાં નવું શું છે?! * લગભગ દરેક સુપરહીરો ફિલ્મમાં હોય છે તેનાથી વિપરિત અહીં આખી દુનિયા પર ખતરો નથી. હીરોની જેમ વિલન પણ હજી પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યો છે, એટલે ડિસ્ટ્રક્શન ઓલમોસ્ટ લોકલ લેવલે જ રહે છે. * સ્પાઇડરમેનના કોશ્ચ્યુમમાં નવીનતા આવે અને નવાં ગેજેટ્સ ઉમેરાય એ જોવું ગમે, પરંતુ સ્પાઇડી પણ ‘આયર્ન મેન’ના ‘જાર્વિસ’ જેવો બનતો જાય એ થોડું ખટકે.
 • નૅગેટિવ પોઇન્ટ્સઃ આમ જુઓ તો સ્ટોરીમાં કશું જ નવું નથી અને એટલે જ એ પ્રીડિક્ટેબલ છે. * ઍક્શન સિક્વન્સીસ અને અમુક સ્માર્ટ સીન્સને બાદ કરતાં વચ્ચેની ફિલ્મ અતિશય બોરિંગ છે. જેનું ઍડિટિંગ કરાયું હોત તો ફિલ્મ થોડી ફાસ્ટ લાગત. કમ ઑન, આ સુપરહીરો મસાલા ફિલ્મ છે, તેને સ્લો થવું ન પાલવે. * વિલન બનેલા માઇકલ કીટનની મજા એ છે કે એ કોઇપણ ગેજેટ કે સો કૉલ્ડ સુપરપાવર-કોશ્ચ્યુમ વિના પણ ખૂંખરા વિલન લાગી શકે છે. પીટર પારકરને ધમકાવે છે એ સીન્સમાં એનો એ પરચો બખૂબી દેખાઈ આવે છે. લેકિન અફસોસ એમના ભાગે ખાસ ખોફનાકગીરી કરવાની આવી નથી. એમનો ક્લાઇમેક્સ પણ અતિશય અન્ડરવેલ્મિંગ છે. જાણે પરાણે ખેંચ્યો હોય અને સમય થતાં પૂરો જાહેર કરી દીધો હોય એવું લાગે. બાય ધ વે, એમને જે વિંગસૂટ અપાયો છે એ ‘બર્ડમેન’નું જ સુપરહીરો વર્ઝન લાગે છે. એ રીતે જોતાં આ ફિલ્મનું નામ ‘સ્પાઇડર મેન વર્સસ બર્ડમેન’ હોવું જોઇતું’તું.
 • એટલે ટિપિકલ સુપરહીરો ફિલ્મ એવી આ નવી સ્પાઇડરમેન ફિલ્મ નૅચરલી ડાઇહાર્ડ સુપરહીરો ફૅન્સને વધુ ગમશે અને અપેક્ષાઓનું બૅગેજ લઇને ગયેલા લોકો થોડા નિરાશ થશે.
 • અહીં પણ માર્વેલની પ્રથા પ્રમાણે સ્ટૅન લીનો કૅમિયો છે, મિડ અને પોસ્ટ ક્રેડિટ સીન છે અને ઢેર સારે ઇસ્ટરSpider Man ઍગ્સ છે. ઇસ્ટર ઍગ્સ તો ખેર જાતે શોધીને જોવાની જ મજા છે. પરંતુ વધુ એક ઇન્ટરેસ્ટિંગ વાત જુદી છે. એક સીનમાં ટૉની સ્ટાર્કને કોઈ જ દેખીતા કારણ વિના ભારતીય વેડિંગ અટેન્ડ કરતો બતાવાયો છે. બૅકગ્રાઉન્ડમાં ભારતીયો આંટા મારે છે અને ટ્રેડિશનલ ઇન્ડિયન સ્ટાઇલમાં સ્ટાર્કે કુર્તો પહેર્યો છે (એટલે નીચે પાયજામો પણ પહેર્યો જ હશે, આઇ ગૅસ!). અફ કોર્સ, ઇન્ડિન ઑડિયન્સને ખુશ કરવા. ઇન્ટરનેટ પરથી ખાંખાંખોળાં કરતાં મને જાણવા મળ્યું કે પીટર પારકર જે સ્ટોરમાં બ્રેડ લેવા જાય છે, તે ગ્રોસરી સ્ટોરના લાલ રંગના છજા પર લખ્યું છે, ‘અપુ સંસાર’. સત્યજિત રાયની ‘અપુ ટ્રિલજી’ની ત્રીજી ફિલ્મ ‘અપુર સંસાર’ને ટ્રિબ્યુટ ગણી શકાય. તેમાં પણ અપુ (સૌમિત્ર ચૅટર્જી) એક બાળકમાંથી પોતાની જવાબદારી સમજતો મૅચ્યોર યુવાન બને છે (કમિંગ ઑફ ઍજ સ્ટોરી), જ્યારે અહીં પણ પીટર પારકરની સફર પણ કંઇક એવી જ છે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Wonder Woman

 • wonder_woman_ver8_xlgગયા વર્ષે ‘બૅટમેન વર્સસ સુપરમેન’ જોતી વખતે ક્લાઇમેક્સમાં જ્યારે બૅટમેનની ગાડી ખોટકાયેલી અને એની બરાબરની વાટ લાગેલી ત્યારે આકાશમાંથી વીજળી પડે એમ એક બાનુની એન્ટ્રી થઈ હતી. એને જોઇને ઑડિયન્સે જાણે ‘બાહુબલિકા’ પાછી મળી હોય એમ ચિચિયારીઓ બોલાવેલી. ‘બાહુબલિ બાહુબલિ’ની જેમ ‘વન્ડર વુમન’ના પોકારો પણ થયેલા. ત્યારે થયેલું કે મારી બેટી છે તો જોરદાર બાકી! બૅટમેન ને સુપરમેન પોતપોતાના ‘ક્રાઇમ માસ્ટર ગોગો’ જેવા ‘ઘાઘરા’ સાચવીને પાછળ ઊભા હોય અને બંનેની આગળ મોરચો સંભાળીને ઊભેલી વન્ડર વુમનને જોઇને મારીય આંખ પર બરફના ક્યુબ મૂક્યા હોય એવી ટાઢક થયેલી. હવે કટ ટુ 2017ની ‘વન્ડર વુમન’.
 • અહીં વન્ડર વુમન બનેલી ઇઝરાયેલી એક્ટ્રેસ ગાલ ગડોટ એટલી બધી ક્યુટ, બ્યુટિફુલ અને વન્ડરફુલ છે કે
  screen-shot-2017-03-20-at-4-28-28-pm
  ‘મિસ ઇઝરાયેલ’ રહી ચૂકેલી ગાલ ગડોટ

  એની દિલધડક બ્યુટિની શાનમાં આખો શબ્દકોશ ઊલેચી નાખવાનું મન થાય. જો ‘વન્ડર વુમન’માં કોઈ જ સ્ટોરી ન હોત અને અઢી કલાક સુધી એ કેમેરા સામે સ્માઇલ જ કરતી રહી હોત તોય મારા જેવાને એટલી જ મજા પડી હોત (કદાચ વધુ મજા આવી હોત)! એ જો ‘મોસાદ’માં હોય તો પોતાની બ્યુટિથી જ દુશ્મનોનો ખેલ ખતમ કરી શકે!

 • લગાતાર ઘણી બધી સુપરહીરો મુવીઝ જોયા પછી નવી ફિલ્મ જોવાના ઉત્સાહમાં થોડી ઓટ આવે છે. કેમ કે, એક તો બધી ફિલ્મોના પાયામાં એ જ જમાના જૂની ‘ગુડ વર્સસ ઇવિલ’ની બબાલ હોય. ક્યાંકથી કોઈ પડછંદ દૈત્ય આવીને વિનાશનું સુનામી વેરવા માંડે. એટલે દુનિયાને બચાવવાની જવાબદારી સુપરહીરોલોગ પર આવી પડે. પાછું સુપરહીરોઝની નાતમાં પણ ‘માર્વેલ’ અને ‘DC’ એમ બે ચોકા હોય અને દરેકની બૅકસ્ટોરી અને ઇન્ટર્નલ કોન્ફ્લિક્ટ્સ. એટલે દર વખતે નવી સુપરહીરો ફિલ્મ જોવા જતાં પહેલાં થોડું ‘હોમવર્ક’ કરવું પડે. આખી ફિલ્મ આર્ટિફિશ્યલ-અંધારિયા CGIથી ઊભરાતી હોય અને છેલ્લે કાન ફાડી નાખે એવા ધડાકા-ભડાકા સાથે ફિલ્મ પૂરી થાય. પરંતુ થૅન્ક ગૉડ ઑફ ઑલ ગૉડ્સ, ‘વન્ડર વુમન’માં એવું નથી. વેલ, મોસ્ટ્લી!
 • ‘બૅટમેન વર્સસ સુપરમેન’માં દેખાયેલા એક ફોટોગ્રાફથી શરૂઆતમાં જ આખી ફિલ્મ એક સૈકા પહેલાંના ફ્લૅશબેકમાં સરી પડે છે. એ સાથે જ શરૂ થાય છે ‘વન્ડર વુમન’ના ઑરિજિનની સ્ટોરી. દુનિયાના હોકાયંત્રમાં ક્યાંય પકડાય નહીં એવા એક ટાપુ નામે ‘થેમિસ્કિરા’ પર માત્ર સ્ત્રીઓનું જ રાજ છે. ‘એમેઝોન’ પ્રજાતિની એ સ્ત્રીઓની અને એ ટાપુની રચના ખુદ ભગવાને કરેલી છે અને એમનું નામ ઈશ્વરના વંઠેલ સંતાન એવા ‘એરિસ’થી માનવજાતને બચાવવાનું છે. જબરદસ્ત લડાયક એવી આ એમેઝોન સ્ત્રીઓની રાણી ‘ક્વીન હિપોલિતા’એ માટીમાંથી એક દીકરી બનાવેલી, જેમાં ખુદ ઈશ્વર ‘ઝિયસે’ પ્રાણ પૂરેલા. એ દીકરી એટલે ‘પ્રિન્સેસ ડાયાના’. પોતાની માતાની મરજી વિરુદ્ધ ડાયાના પોતાની માસી ‘એન્ટિઓપી’ પાસે યુદ્ધની તાલીમ લે.વર્ષો પછી એક દિવસ આ ટાપુ પર એક પુરુષની એન્ટ્રી થાય, એની સાથે આવેલા કટકની સાથે ભીષણ યુદ્ધ કર્યા બાદ ડાયાનાને ખ્યાલ આવે કે આ ટાપુની બહાર પણ એક દુનિયા છે, જ્યાં વધુ એક ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. એ યુદ્ધ એટલે ‘ધ ગ્રેટ વૉર’, જેને આપણે ‘પહેલું વિશ્વયુદ્ધ’ કહીએ છીએ. ત્યારપછી ‘પુરુષોની દુનિયા’માં ‘પ્રિન્સેસ ડાયાના’ પ્રેમ, વિરહ, ભય, ભૂખ, પીડા, મૃત્યુ, યુદ્ધ, સારા-નરસા માણસો બધાનો અનુભવ કરે અને એક બાળસહજ ‘પ્રિન્સેસ’માંથી મૅચ્યોર ‘વન્ડર વુમન’માં કન્વર્ટ થાય. અને હા, પેલો એરિસ પણ ક્યાંક છે, પણ કોણ છે એ? અને એ શું કરવાની ફિરાકમાં છે?
 • લગભગ અઢી કલાકની ‘વન્ડર વુમન’ છેલ્લાં થોડાં વર્ષોમાં આવેલી બેસ્ટ સુપરહીરો મુવી છે (અફ કોર્સ, બિસાઇડ્સ ‘ડૅડપૂલ’!). પહેલી રિફ્રેશિંગ વાત છે રોલ રિવર્સલ. નૅચરલી અહીં સુપરહીરોને બદલે ‘સુપરહીરોઇન’ કેન્દ્રમાં છે. એટલે જ જ્યારે હીરો મુશ્કેલીમાં હોય ત્યારે એને દરિયાના પેટાળમાંથી પણ હિરોઇન બહાર ખેંચી લાવે. પોતાના પર કે નિર્દોષ લોકો પર હુમલો થાય ત્યારે સ્ત્રીઓ આગેવાની લઇને યુદ્ધે ચડે. જ્યારે સૈનિકો મચ્છરોની જેમ મરતા હોય ત્યારે તમામ જોખમોને અવગણીને પણ આ વન્ડર વુમન મોરચો સંભાળે અને યુદ્ધ પર શાંતિનું બરાબરનું બૂચ મારી દે.
 • આ ફિલ્મમાં સુપરહિરોઇનની સ્ટોરી છે અને ફિલ્મની ડિરેક્ટર પણ એક સ્ત્રી (પૅટી જેનકિન્સ)એ ડિરેક્ટ કરેલી છે. એટલે નૅચરલી તેમાં ફેમિનિઝમની પણ હિન્ટ છે. પહેલા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ રાજનેતાઓની ચર્ચામાં એક સ્ત્રીની હાજરી માત્રથી એ લોકો બેબાકળા થઈ ઊઠે અને એમાંય સ્ત્રી જ્યારે પોતાનો એકદમ ફ્રેન્ક ઑપિનિયન વ્યક્ત કરે એટલે તો હાહાકાર! ડાયાના માટે જ્યારે પ્રોપર કપડાં ખરીદવાનાં થાય તે વખતે સ્ત્રીઓનાં શરીરને કોર્સેટમાં બાંધીને એક ચોક્કસ ફિગર મેન્ટેઇન રાખવાની માનસિકતા પર પણ એક કમેન્ટ છે. પુરુષો જ્યારે પોતાની તાકાત પર મુસ્તાક હોય ત્યારે અચાનક એક સ્ત્રી આવીને એમને ભોંય ભેગા કરી દે ત્યારે આપણનેય થાય કે અમારા તરફથી પણ એક ઊંધા હાથની ચોડી દે! પોતાને જે યોગ્ય-સાચું લાગે તે કરવામાં પ્રિન્સેસ ડાયાના કોઈ પુરુષની પરવાનગીની રાહ જોતી નથી.
 • મોટા ભાગની ફિલ્મનો ટૉન હળવો છે, એટલે ક્યાંય કંટાળવા જેવી મોમેન્ટ્સ નથી. સ્ટોરી પ્રોગ્રેશન એટલું મસ્ત છે કે ખાસ્સી લાંબી હોવા છતાં ક્યાં ઇન્ટરવલ આવે એય ખ્યાલ રહેતો નથી. હા, ઇન્ટરવલ પછી ફિલ્મ થોડી લાંબી લાગે છે ખરી. CGIથી ભરેલા ક્લાઇમેક્સના સીનને બાદ કરતાં ફિલ્મની બધી જ ઍક્શન સિક્વન્સ ખરેખર થ્રિલિંગ છે. એમાંય થેમિસ્કિરા ટાપુ પર સ્ત્રીઓ દ્વારા થતી ઍથ્લેટિક ફાઇટ (જેમાં આપણને ‘બાહુબલિ’ યાદ આવ્યા વિના રહે નહીં!) અને યુદ્ધ વખતની સિક્વન્સીસ તો ખાસ.
 • પ્રિન્સેસ ડાયાના ‘ટારઝન’, ‘જ્યોર્જ (ઑફ ધ જંગલ)’, ‘મોર્ક એન્ડ મિન્ડી’ના રોબિન વિલિયમ્સ કે એના પરથી આવેલા આપણા ‘પીકે’ની જેમ બહારની પ્રેક્ટિકલ દુનિયા અને તેની રીતરસમોથી અજાણ છે. એ ક્લૅશ ઑફ કલ્ચર્સમાંથી પણ હળવીફૂલ કોમેડી પેદા કરાઈ છે.
 • ઔદ્યોગિક ક્રાંતિના નામે ચારેકોર આવેલી ફેક્ટરીઓ-મિલોમાંથી ધુમાડો ઓકતા ઓગણીસમી સદીના લગભગ ડિસ્ટોપિયન લંડનને જોઇને ડાયાના કહે છે, ‘હિડિયસ’ યાને કે અત્યંત કદરૂપું (વિચારો, અત્યારે આપણે તો એના કરતાંય ક્યાંય વધુ પ્રદૂષિત અને ગંદા વાતાવરણમાં જીવીએ છીએ!). ‘ધ ગ્રેટ વૉર’ વિશે ફિલ્મમાં કહેવાય છે કે એ ‘ધ વૉર ટુ એન્ડ ઑલ વૉર્સ’. ત્યારે આપણને કડવું હસવું પણ આવે કે માનવજાતને ક્યારેય યુદ્ધ વગર ચાલ્યું છે? ઘરથી લઇને વિશ્વ સુધી કોઇપણ ઠેકાણે આપણે ‘લડ, નહીં તો લડનારો દે’ ટાઇપની ફિલોસોફીમાં જ વિશ્વાસ કરતા આવ્યા છીએ.
 • પૌરાણિક કથાઓ આપણી હોય કે ગ્રીક, ક્યાંક તો છેડા અડતા જ હોય. જેમ કે, અહીં વન્ડર વુમનના જન્મની સ્ટોરી આપણે ત્યાં પાર્વતીએ ગણેશનું સર્જન કરેલું એવી જ છે. પ્રિન્સેસ ડાયાના જ્યારે યુદ્ધક્ષેત્રમાં જાય છે અને ત્યાં પહેલીવાર એ હાથ-પગ ગુમાવેલા, લોહી નીંગળતા સૈનિકો, ભૂખે-તરસે તરફડતી સ્ત્રીઓ-બાળકો, મરતા લોકો જુએ છે ત્યારે હચમચી ઊઠે છે. આ એની ડિટ્ટો ‘સિદ્ધાર્થ’માંથી ‘બુદ્ધ’ બનવા જેવા જ રિયલાઇઝેશનની સફર છે.
 • ડિરેક્ટરની સૂઝ કહો કે અભિનેત્રી ગાલ ગડોટની દિલધડક બ્યુટિનો કમાલ કહો, ક્યાંય આપણને ‘વન્ડર વુમન’ પુરુષોની નજરે જોવાતા સેક્સ સિમ્બોલ જેવી લાગતી નથી. એને બદલે એ જ્યારે સ્ક્રીન પર હોય ત્યારે આપણને એક અજીબ ધરપત રહે છે.
 • અહીં વન્ડર વુમને લીડમાં રહેવાનું હતું અને એટલે જ ફિલ્મના લીડ એક્ટર ક્રિસ પાઇનની ભૂમિકા ખાસ્સીthis_is_as_good_as_it_gets_in_that_trailer-850x560 ટ્રિકી હતી. એ નબળો કે ડબ્બુ પણ ન દેખાવો જોઇએ કે વન્ડર વુમન પર છવાઈ જનારો પણ ન લાગવો જોઇએ. છતાં એની બહાદૂરી પણ બહાર આવવી જોઇએ. અહીં એ બધી જ વાતોનું બરાબર ધ્યાન રખાયું છે. ઇવન ડાયાના અને ક્રિસની લવસ્ટોરી પણ પરાણે ઠૂંસી હોય એવું લાગ્યા વિના આકાર લે છે. બાય ધ વે, ક્રિસ પાઇનની બ્લ્યુ આંખો, જાણે ચમકતા બ્લ્યુ LED!
 • દર સુપરહીરો ફિલ્મમાં મને એક કુતૂહલ રહ્યા કરે કે સુપરહીરોઝ તો અમર્ત્ય છે, વન્ડર વુમન પણ. આપણને ખબર છે કે એ ક્યારેય હારવાના નથી, તો પછી એમની સામે લડવા માટે હવે કેવા નવા વિલન લાવશે? વિલન શું કરશે, જેથી ‘મૅચ ફિક્સ’ હોવા છતાં આપણી થ્રિલ બરકરાર રહે? અહીં એક ઇવિલ જર્મન આર્મી જનરલ માનવજાતનો ખાત્મો બોલાવી દેવા માટે પોતાની સહયોગી ‘ડૉક્ટર ઇઝાબેલ મારુ’ ઉર્ફ ‘ડૉક્ટર પોઇઝન’ પાસે ઝેરી-અતિશય ઝેરી ગૅસ બનાવડાવી રહ્યો છે. હજી એ ઓછું હોય તેમ એક સિક્રેટ વિલન પણ છે, જેને અત્યારે સિક્રેટ જ રહેવા દઇએ.
 • સુપરહીરો ફિલ્મોમાં પોતાનાં લોજિક હોય છે, આપણો સિલેબસ ત્યાં કામ ન કરે. જેમ કે, મને સવાલ થાય કે વન્ડર વુમન પાસે એક પ્રચંડ ધડાકો કરવાની તાકાત છે, તો પછી એ આપણા ‘શહેનશાહ’ની જેમ હાથ પર ગોળીઓ ઝીલવાની મહેનત શા માટે કરે છે? એક ધડાકે વાત કેમ પૂરી કરતી નથી? ચારેકોર ઝેરી ગૅસ ફેલાયો હોય તો એ બાજુમાં જ ઊભેલાં અન્ય પાત્રોને કેમ અસર ન કરે?
 • ઇવન સેન્સર બૉર્ડનાં પણ પોતાનાં લોજિક છે. જેમ કે, એક દૃશ્યમાં ક્રિસ પાઇનના નંગુપંગુ શરીર પર એવું ગંદુગોબરું કાળું ધાબું માર્યું છે કે છૂટ્ટું ખાસડું ફેંકવાની ઇચ્છા થાય. આખી ફિલ્મની સ્પેશ્યલ ઇફેક્ટ્સ એક તરફ અને એ ફાટેલા કપડા પર કોન્ટ્રાસ્ટ મૅચિંગવાળું થીગડું માર્યું હોય એવું ધાબું બીજી તરફ. મોટા અક્ષરોમાં લખાયેલી ‘સ્મોકિંગ કિલ્સ’ની ઍડવાઇઝરી પણ એટલી બધી વખત આવે છે કે ઘણી વાર તો સ્ક્રીન પર કોણ સિગારેટ પીવે છે એ શોધવું પડે (મોસ્ટ્લી તો એ દેખાતું પણ નથી) {નિહલાની સાહેબે એવું લોજિક લગાવ્યું હશે કે આ હીરો તો અગાઉ સિગારેટ પીતો’તો એટલે અહીંયે એના ખિસ્સામાં પણ સિગારેટ તો પડી જ હશે ને? ભલેને દેખાતી ન હોય, એય નુકસાન તો કરે જ ને!}.
 • ગાલ ગડોટ ‘વન્ડર વુમન’ બનીને જ્યારે હવામાં જમ્પ લગાવે છે, જે સ્ફૂર્તિથી-સ્ટાઇલથી એ દીવાલ તોડીને એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ઢાલ લઇને ઍન્ટ્રી મારે છે, જે રીતે એ પોતાનો સુપરહિરોઇન ગણવેશ ધારણ કરે છે, જે રીતે એ લલકાર કરે છે ‘આઈ એમ ડાયાના, પ્રિન્સેસ ઑફ ધ એમેઝોન્સ’ અને જે કાતિલાના અદાથી એ સ્માઇલ કરે છે… આઈ જસ્ટ લવ ધિસ વન્ડર વુમન.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Dr Strange

doctor-strange-comic-con-poster– સ્મૉલ સાઇઝના જીવનનું એક એક્સ્ટ્રા સ્મૉલ સાઇઝનું દખ શું છે ખબર છે? નક્કી કર્યું હોય કે ‘માર્વેલ’નું નવું મુવી ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ તેના ઑરિજિનલ ઇંગ્લિશ વર્ઝનમાં જ જોવું છે. પરંતુ ગુરુવારની રાત્રે ‘બુક માય શૉ’ ખોલીને જુઓ ત્યારે ખબર પડે કે આવું વિચારનારા બીજા પાંચસો જણા છે, અને એ જ કારણે ઇંગ્લિશ વર્ઝનમાં સવારના બધા જ શૉ હાઉસફુલ છે. નછૂટકે તમારે હિન્દી વર્ઝનમાં બેસવું પડે (યુ નૉ, હમ ટો ઑન્લી ઇંગ્લિશ વર્ઝન હી ડેખટા!). મુવી સ્ટાર્ટ થયા પછી એ સ્મૉલ દખ સળવળીને મોટું થઈ જાય, જ્યારે તમને ખબર પડે કે ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ યાને કે એક્ટર બેનેડિક્ટ કમ્બરબૅચ માટે આપણા મોહન કપૂરે અવાજ આપ્યો છે. જ્યારે પણ બેનેડિક્ટ મોઢું ખોલે કે એ મોહન કપૂર જ દેખાયા કરે. આખી ફિલ્મમાં સતત એ બીક રહે કે હમણાં ફિલ્મની ઐસીતૈસી કરીને એ બોલી ઊઠશે, ‘ભારત ઔર ઝી ટીવી કી ઓર સે મૈં મોહન કપૂર આપકા સ્વાગત કરતા હૂં, ઉસ શૉ મેં જિસકા નામ હૈ સાંપ સીડી! ફિસસસસસસસસ…..’ (ઑન અ સિરિયસ નૉટ, મને મોહન કપૂરનો હસ્કી અવાજ ગમે છે. બિચારો માણસ પણ વિનમ્ર છે. ગઇકાલે રાત્રે મેં કન્ફર્મેશન માટે એને ટ્વીટ કરીને પૂછ્યું તો એકદમ નમ્રતાથી જવાબ પણ આપી દીધો (સ્ક્રીનશૉટ પહેલી કમેન્ટમાં મૂક્યો છે). આ તો ઑરિજિનલ સ્ટારમાં બીજો જાણીતો અવાજ સંભળાય એટલે મૂળ સ્ટારને બદલે એ જ ચહેરો યાદ આવ્યા કરે! યે બાબુરાવ ગણપતરાવ આપ્ટે કી સમસ્યા હૈ, રે બાબા!)

– લોકોને સમજાય એવું ટ્રાન્સલેશન-ટ્રાન્સક્રિએશન અઘરી કળા છે, છતાંય ‘ક્લૉક ઑફ લેવિટેશન’ને બદલે ‘માયાવી ચોલા’ સાંભળીએ તો કેવી ફીલિંગ આવે? જાણે ગમે તે ઘડીએ બેનેડિક્ટની પાછળથી નીના ગુપ્તા એન્ડ કંપની ‘કૂકૂ કૂકૂ’ કરતી નીકળી પડશે અને ગાશે, ‘ચોલા કે અંદર ક્યા હૈ?!’

– બહુ ઓછી એવી ફિલ્મો હોય છે જે 3D હોય અને 3D ઇફેક્ટ્સનો પૂરેપૂરો કસ કાઢ્યો હોય. અંગ્રેજીમાં ક્લિશૅ થઈ ગયેલું વાક્ય વાપરીને કહીએ તો ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઇઝ એન ઑર્જી ઑફ સ્પેશ્યલ ઇફેક્ટ્સ.’ ‘ઇન્સેપ્શન’માં ક્ષિતિજેથી કાટખૂણે ઊભું થતું શહેર-રસ્તા-બિલ્ડિંગો જોઇને આશ્ચર્ય પામી ગયા હો તો આ ડૉક્ટર સ્ટ્રેન્જ એવી ગૂગલ મૅપ્સની ઐસીતૈસી કરી નાખતી કલાઇડોસ્કોપિક સ્પેશ્યલ ઇફેક્ટ્સથી લિટરલી ફાટ ફાટ થાય છે. સ્ટોરી-બોરી બધું તડકે મૂકો અને ખાલી સ્પેશ્યલ ઇફેક્ટ્સ માટે આ ફિલ્મ જોવા જાઓ તોય પૈહા વસૂલ થાય એવું છે. થોડા વધુ પૈહા હોય તો આઇમૅક્સમાં જ જોવાય. પણ અહીં અમદાવાદની ‘સિનેમૅક્સ’માં એ લોકોએ ઘરનું આઇમૅક્સ ઊભું કરેલું. કોઈ ભેદી કારણોસર અમુક ટકા પ્રોજેક્શન તો સીટો-પ્રેક્ષકો પર પણ પડતું હતું. મતલબ કે ડૉક્ટર સ્ટ્રેન્જનો માયાવી ચોલો અમારા બધાની ઉપર થઇને ઊડાઊડ કરતો હોય.

– મેં અગાઉ પણ સ્વીકારેલું કે ‘માર્વેલ સિનેમેટિક યુનિવર્સ’નું હું એક નવું પ્રવેશેલું અને નાનકડું ‘કણ’ છું. એટલે સતત ચાલતી સ્ટોરીનો આગળ-પાછળનો ટાંગામેળ બેસાડતા વાર લાગે (અચ્છા, આ થોર ને લોકી ભાઈ થાય! અને આ કેપ્ટન અમેરિકાની ગર્લફ્રેન્ડ ડોશી કેમની થઈ ગઈ? આહા, એ વર્ષો સુધી કોમામાં હતો? અને આ બૅટમેન-સુપરમેનની વચ્ચે શેનો વાંધો પડ્યો છે? ઓકે ઓકે, હમજી ગ્યો, એ તો ‘DC કોમિક્સ’નો માલ છે, ‘માર્વેલ’નો નહીં!) પરંતુ આ ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ આ યુનિવર્સમાં મારી જેમ નવી એન્ટ્રી છે, એટલે બૅક સ્ટોરીની જરૂર નહીં પડે. એક અત્યંત કાબેલ પણ જબરદસ્ત ઘમંડી ન્યુરોસર્જન ડૉ. સ્ટિફન સ્ટ્રેન્જ એક ઍક્સિડન્ટમાં પોતાના હાથની વાટ લગાવી બેસે. જ્યાં મૅડિકલ સાયન્સ કામ ન લાગે ત્યાં એ નેપાળ જઇને પ્રાચીન ગૂઢ વિદ્યાની મદદથી હાથમાં ઇલેક્ટ્રિક કરન્ટ પાછો લાવે. એમાં જ એને હાથમાંથી તારામંડળ ફોડતો હોય એવા તણખા કાઢતા પણ આવડી જાય ને શરીરની બહાર નીકળીને ગમે તેના બૅડરૂમમાં ઘૂસીને આઉટ ઑફ ધ બૉડી એક્સપિરિયન્સ કરતા પણ આવડી જાય, હવામાં તણખાનું કુંડાળું બનાવીને વગર વિઝા-પૈસાએ દુનિયા ફરી શકે (આપણને એમાં રસ પડ્યો!) અને એક માદળિયું પહેરીને સમયની ઘડિયળને આગળ-પાછળ પણ ફેરવી શકે. આવા બધા સુપરપાવર્સની સાથે માત્ર દુનિયા જ નહીં, બલકે આખા બ્રહ્માંડને બચાવવાની સુપર રિસ્પોન્સિબિલિટી પણ આવી પડે (સૅવિંગ ધ વર્લ્ડ ઇઝ સો મિડલક્લાસ, મોનિશા!)

– પરંતુ મને ડૉ. સ્ટ્રેન્જની સ્ટોરી ડૅડપૂલ, આયર્નમેન જેવી લાગી. સ્પેશ્યલ ઇફેક્ટ્સ ‘ઇન્સેપ્શન’ જેવી અને ‘માયાવી ચોલા’ તેના માલિકને પસંદ કરે એ વાત ‘હૅરી પોટર’નો ‘વૉન્ડ’ની યાદ અપાવી ગઈ. થોડુંક વિચારીએ તો અમુક સિક્વન્સીસમાં પાંડવોના ‘જળ ત્યાં સ્થળ’ના દૃષ્ટિભ્રમવાળો પેલેસ પણ યાદ આવી જાય (એમ તો આ ફિલ્મનું પોસ્ટર પણ ‘હૅપી ન્યુ યર’ જેવું લાગે છે). પરંતુ સ્ટોરીની દૃષ્ટિએ ફિલ્મમાં એઝ સચ કશું જ નવું નથી. એની એ જ ‘ગુડ વર્સસ ઇવિલ’ની વાત, માત્ર આ વખતે તે પ્રાચીન ગૂઢ વિદ્યાના પૅકિંગમાં છે. આખી ફિલ્મમાં હ્યુમર વેરાયેલી પડી છે, જે ડૅડપૂલ જેવી સ્માર્ટ તો નથી, પણ તોય હસાવે છે ખરી. ખાસ કરીને લાઇબ્રેરીવાળા તમામ સીન. એ લાઇબ્રેરિયનનું નામ પણ બેનેડિક્ટ જ છે, બેનેડિક્ટ વૉંગ.

– ફિલ્મમાં એવું કહે છે કે એ મિસ્ટિક વિદ્યા શીખવા માટે ડૉ. સ્ટ્રેન્જે પોતાનો એવરેસ્ટ જેવો ઇગો-નૉલેજ છોડીને આવવું પડશે. પરંતુ કસમ સે, એ કશું જ છોડતો નથી, અને મૅગી, સોરી, પતંજલિ નૂડલ્સ બનતી હોય એ ઝડપે તમામ વિદ્યાઓ શીખી જાય છે (એ જેટલા સમયમાં એ ગૂઢ વિદ્યા શીખે છે એના કરતાં વધુ સમય તો મને આ સ્ટેટસ લખતા થયો છે).

– યાર, ડૉ. સ્ટ્રેન્જની કલીગ-ગર્લફ્રેન્ડ બનતી રાચેલ મૅકઍડમ્સ કેવી સુપ્પક હૉટ છે! (એના સીન આવે એ વખતે થિયેટરમાં ગરમી ગરમી લાગવા માંડતી હતી, ખરેખર!) પરંતુ દયા મને ચીવેટલ ઇજિઓફોર નામના એક્ટરની આવી. એક તો બચાડો વર્ષોથી ત્યાં નેપાળમાં ‘ગુરુમા’ની ચાકરી કરતો હોય, અને આ ઇમ્પોર્ટેડ ડૉક્ટર સ્ટ્રેન્જ ત્યાં આવીને થોડા જ સમયમાં બૉસ બની જાય! મીન્સ એના પ્રમોશનના કોઈ ચાન્સ જ નહીં! પાછી તો આ ’12 યર્સ અ સ્લૅવ’ સ્ટારની આંખો એવી ભાવવાહી છે કે એવું જ લાગે કે આ હમણાં રડી પડશે! બાય ધ વે, બહુ ટાઇમે કોઈ હૉલિવૂડ મુવીમાં મેં બૅકગ્રાઉન્ડમાં તબલા વાગતાં સાંભળ્યા.

– આમ તો આ ફિલ્મમાં ‘ઇસ્ટર ઍગ્સ’ કહેવાતા ઝાઝા સરપ્રાઇઝ દેખાયા નહીં (હશે તો ખરા જ). પણ હા, માર્વેલના પિતામહ સ્ટૅન લીનો કૅમિયો તો આમાં પણ છે. એ કઈ જગ્યાએ આવે છે એ કહીને તમારી મજા કિરકિરી નથી કરવી. એક ઠેકાણે ડૉ. સ્ટ્રેન્જ એક ઝાટકે લંડનની બહાર નીકળે છે, ત્યારે એની આંખ સામે ‘બૅકર સ્ટ્રીટ’નું પાટિયું આવે છે. જો ’21 બૅકર સ્ટ્રીટ’ રાખ્યું હોત તો મસ્ત ઇસ્ટર ઍગ બનત.

– આવી ‘માર્વેલ’ની સુપરહીરો ફિલ્મ હોય એટલે મિડ ક્રેડિટ સીન અને પોસ્ટ ક્રેડિટ સીન જોવા માટે ફિલ્મ પૂરી થયા પછીયે ટિકાવીને બેસવાનું જ હોય. એક સરપ્રાઇઝ સાથેનો મિડ ક્રેડિટ સીન તો પટ્ દઇને આવી જાય છે, પણ પોસ્ટ ક્રેડિટ સીન આવતાં સુધીમાં આપણે તો ઠીક, પેલા પ્રોજેક્શનવાળા હાંફી જાય છે. અંકે સાડા આઠ મિનિટ ચાલતા અડધી દુનિયાની વસ્તી જેટલાં નામો જોયાં પછી જ્યારે પોસ્ટ ક્રેડિટ સીન સ્ટાર્ટ થાય, અને એ જ ક્ષણે પેલો પ્રોજેક્શનવાળો સ્ક્રીન બંધ કરી દે, ત્યારે જે ખુન્નસ ચડે! (એ સાલાને તો પ્રિમૅચ્યોર ઇજેક્યુલેશન જ થવું જોઇએ, એટલે ખબર પડે કે જેની રાહ જોઇને બેઠા હોઇએ અને એ પહેલાં જ ગેમ ઑવર થઈ જાય તો કેવી ખીજ ચડે!)

– ટિપિકલ સુપરહીરો ફિલ્મ બનાવવાને બદલે નેક્સ્ટ ટાઇમ કંઇક વધુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બનાવે તો કંઇક મજા આવે. ત્યાં સુધી આ ફિલ્મ પણ કંઈ ખોટી નથી.

રૅટિંગઃ *** (ત્રણ સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

અ ફ્લાઇંગ જટ્ટ

ઉડતા પંજાબી

***

પંજાબી બૅકડ્રોપના અતિરેકવાળી આ અત્યંત નબળી ફિલ્મમાં લોકોને બોર થતાં ખુદ સુપરહીરો પણ બચાવી શકે તેમ નથી.

***

616850‘સુપરમેન’ના મોસાળ ‘ક્રિપ્ટન’ ગ્રહ પરથી મળી આવેલી હસ્તપ્રતોમાંથી જાણવા મળ્યું છે કે સુપરહીરો મુવીઝ બનાવવી અઘરી છે. એમાંય બાળકોની ફિલ્મો બનાવવી તો એનાથીયે અઘરી છે. કેમકે બાળકો નબળી ફિલ્મ કદાચ ચલાવી લે, પરંતુ બાલિશ ફિલ્મો ક્યારેય નહીં. ડાન્સ કરતાં-કરાવતાં ફિલ્મો બનાવવા પર ચડી ગયેલા રૅમો ડિસોઝાની ટાઇગર શ્રોફ સ્ટારર ‘અ ફ્લાઇંગ જટ્ટ’ આવી જ એક બાલિશ સુપરહીરો ફિલ્મ છે. જો તેમાં થોડીક મૅચ્યોર સ્ટોરી નાખવાની મહેનત કરી હોત તો તેમાં હૉલીવુડની ‘ડૅડપૂલ’ જેવી સુપરહીરો ફિલ્મોની ખિલ્લી ઉડાવતી સ્પૂફ ફિલ્મ બનવાની શક્યતા હતી. અફસોસ કે એવું થયું નથી અને આ પ્રચંડ લાંબી ફિલ્મ જોઇને બાળકો પણ કહી ઊઠશે કે, ‘ચલ ચલ, બચ્ચા સમઝ રખ્ખા હૈ ક્યા?’

માં દા લાડલા સુપરહીરો બન ગયા

પંજાબમાં કોઈ ઠેકાણે નદીકિનારે એક જાયન્ટ સાઇઝના બોન્સાઈ જેવું એક વૃક્ષ છે. એ વૃક્ષને અડીને એક સોસાયટી છે. તે સોસાયટીની માથાભારે અર્નબ ગોસ્વામી કરતાં પણ ઊંચો અવાજ ધરાવતી માલિકણ છે મિસિસ ધિલ્લોં (અમૃતા સિંઘ). એમના સ્વર્ગસ્થ પતિદેવ છેક ચીન જઇને શાઓલિન કુંગ ફુ શીખી આવેલા. તેના પ્રતાપે આજે એમનો દીકરો અમન (ટાઇગર શ્રોફ) પણ માર્શલ આર્ટ શીખેલો છે અને દિપા કરમાકર કરતાં પણ વધુ ઊંચા જમ્પ મારે છે. પરંતુ આ જગ્યા પર ચમકતી ટાઈ પહેરેલા નામ વિનાના એક ઉદ્યોગપતિ મલ્હોત્રા (કે. કે. મેનન)ની નજર પડે છે. હવે આ લાતોં કે ભૂતને ભગાવવા માટે મલ્હોત્રા એક વિદેશી રાક્ષસ રાકા (નાથન જોન્સ)ને ત્યાં મોકલે છે. બરાબર એ જ સમયે ક્લાઉડમાંથી અમનના શરીરમાં સુપરપાવર્સ ઇન્સ્ટૉલ થઈ જાય છે. આ સુપરપાવર સાથે આપણો હીરો ચાઇનીઝ ભેળ જેવો સુપરહીરો બની જાય છે. બીજી બાજુ પેલા વિલનમાં પણ કોઈ વાઇરસવાળો સુપરહીરો પ્રોગ્રામ ઇન્સ્ટૉલ થઈ જાય છે અને એ સુપરવિલન બની જાય છે. પ્રદૂષિત હવા-પાણીની આ વિલન પર બૉર્નવિટા-કોમ્પ્લાન જેવી અસર થાય છે. સાંઢની જેમ ભાંભરતો ભાંભરતો એ સુપરવિલન આપણા બ્લ્યુ ચાદરવાળા સુપરહીરો સાથે બાખડે છે. જથ્થાબંધ ગાડીઓ અને પબ્લિક પ્રોપર્ટીનો કચ્ચરઘાણ વળે છે અને આખરે એ વિલનને લિટરલી આ પૃથ્વી પરથી તડીપાર કરવામાં આવે છે. આપણો હીરો એકલો ડિપ્રેસ ન થઈ જાય એટલા માટે એના માટે કીર્તિ (જૅકલિન ફર્નાન્ડીઝ) નામની એક શાશ્વત બબલી ગર્લને પણ ફિલ્મમાં ઇન્સ્ટૉલ કરાઈ છે.

પંજાબ દા ટાઇગર પુત્તર

હૉલીવુડમાં દરેક સુપરહીરોને મંત્રીઓનાં ખાતાંની જેમ અલાયદા સુપરપાવર ફાળવવામાં આવે છે. જ્યારે આપણે ત્યાં બધા જ પૉર્ટફોલિયો એક જ સુપરહીરો સંભાળે છે. એટલે જ ઉડતા પંજાબનો આ દેશી સુપરહીરો ‘સુપરમેન’ની જેમ ઊડે છે, ‘ધ ઇન્ક્રેડિબલ્સ’ના પાત્ર ‘ડૅશ’ની જેમ પુરપાટ દોડી શકે છે અને એના જેવી જ પટ્ટી આંખ પર પહેરે છે, ‘એક્સ મેન’ના ‘ક્વિકસિલ્વર’ની જેમ સમયને રોકી શકે છે, ‘બ્રુસ ઑલમાઇટી’ની જેમ દુનિયાનાં તમામ દુઃખિયારાંના આર્તનાદ સાંભળી શકે છે. એટલું જ નહીં, સની લિયોનીથી લઇને માઇકલ જૅક્સન સુધીની રૅન્જમાં ડાન્સ પણ કરી શકે છે (બસ, એક ઍક્ટિંગ જ કરી શકતો નથી). ફિલ્મમાં સીધોસાદો અમન ‘સ્પાઇડરમેન’ની સ્ટાઇલમાં ‘ફ્લાઇંગ જટ્ટ’ નામના સુપરહીરોમાં કન્વર્ટ થઈ જાય છે. એ એટલો બધો સંસ્કારી ભારતીય છે કે એની મમ્મીના હાથના આલુ કે પરાઠે, ગાજર કા હલવા કે ખીર ખાઇને આશીર્વાદ લઈ લીધા હોત તોય તેનામાં અતીન્દ્રિય શક્તિઓ આવી જાત. અલબત્ત, હૉલીવુડના અને આપણા સુપરહીરોમાં એક તફાવત એ છે કે ત્યાં પ્રેમિકા છૂટી જાય તોય એ પોતાની ઓળખ છત્તી ન કરે, જ્યારે અહીં તો સુપરહીરો પોતાની હિરોઇન માટે બીજી જ સૅકન્ડે કોશ્ચ્યુમ ફગાવીને શાહરુખનો પૉઝ આપી દે છે.

આમ જોવા જાઓ તો આ ફિલ્મ પાછળ રેમો ડિસોઝાનો ઇરાદો નેક છે. એમણે ‘સ્વચ્છ ભારત અભિયાન’ કે ‘ગ્રીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા’ની થીમ પર ફિલ્મ બનાવી હોય એટલા બધા મેસેજ તેમાં ભભરાવ્યા છે. એટલે જ તો એમનો સુપરહીરો વૃક્ષમાંથી શક્તિ મેળવે છે અને સુપરવિલન પ્રદૂષણમાંથી. પરંતુ બાકીના લોકો પણ આ સુપરહીરોને એવી સહજતાથી સ્વીકારી લે છે જાણે એને ‘પ્રધાનમંત્રી દુનિયા બચાઓ યોજના’નો બ્રૅન્ડ એમ્બેસેડર બનાવ્યો હોય. મેસેજ આપવાનો ડિરેક્ટરનો ઉત્સાહ એટલો બધો છે કે ફિલ્મના અંતે ખુદ ડિરેક્ટરનો ક્વૉટ પણ અવતરિત થાય છેઃ ‘હે પૃથ્વીવાસીઓ, આ જગતમાં સર્વે ચીજોનો વિકલ્પ છે, પરંતુ પૃથ્વીનો કોઈ વિકલ્પ નથી.-રૅમો.’ આ ઉત્સાહના અતિરેકમાં વૃક્ષની માનતા માનવાથી સૌ સારાંવાનાં થઈ જાય એ અંધશ્રદ્ધા પાછલા બારણેથી ઘૂસી ગઈ છે એ એમને ખ્યાલ નથી રહ્યો.

ટાઇગરમાં સુપરપાવર્સ આવ્યા પછીના અમુક સીન ખરેખર સરસ બન્યા છે. જેમ કે, ઉંચાઇના ડરને લીધે એ નીચે રહીને ઊડે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે, ઘરનાં બાવાજાળાં સાફ કરે, બહારથી દૂધી લેતો આવે એવી મોમેન્ટ્સ મસ્ત છે. પરંતુ બાકીની આખી ફિલ્મ ‘શક્તિમાન’, ‘બાલવીર’ કે ‘છોટા ભીમ’ જોતા હોઇએ એવી જ ફીલ આપે છે. સ્ટોરી અને તેનું ઍક્ઝિક્યુશન એટલું બાલિશ છે કે અઢી કલાકની આ ફિલ્મ અઢી દાયકા જેટલી લાંબી લાગે છે. ઉપરથી ફિલ્મની સ્પેશ્યલ ઇફેક્ટ્સ એ હદે નબળી છે કે એની સામે ‘બાલવીર’ પણ હૉલીવુડ ફિલ્મ જેવું લાગે. ફિલ્મમાં જૅકલિન ફર્નાન્ડીઝની હાજરીને જસ્ટિફાય કરવા માટે નખાયેલાં વણજોઇતાં ગીતો તેની લંબાઈમાં ઓર વધારો કરે છે. બાળકો માટેની ફિલ્મમાં સજેસ્ટિવ ચેનચાળાવાળું ‘બીટ પે બૂટી’ જેવું ગીત શું કામ છે એવું નહીં પૂછવાનું. આજકાલનાં બાળકો બધું સમજે છે, સમજ્યા?

આ ફિલ્મમાં સમ ખાવા પૂરતા એક પાત્રમાં પણ આંગળીનું ટેરવું ડૂબે એટલુંયે ઊંડાણ નથી. અમૃતા સિંઘ તો કંઇકેય જીવંત લાગે છે, પરંતુ કે. કે. મેનન, જૅકલિન, ટાઇગર અને સાત ફૂટિયો પરદેશી નાથન જોન્સ બધાં જ તદ્દન કાર્ડબૉર્ડિયાં અને કૅરિકેચરિશ છે. જો બાળકોનાં મનોરંજનાર્થે માત્ર પર્યાવરણને બચાવવા પૂરતા જ સીમિત રહ્યા હોત તો હજુ ચાલી જાત. પરંતુ અહીં તો ફિલ્મને માત્ર પંજાબી ઑડિયન્સ માટે જ બનાવી હોય તેમ ઑવર પંજાબીફિકેશન કરી નાખ્યું છે. આ સુપરહીરો એટલો બધો પંજાબી છે કે અત્યારે પંજાબમાં ચૂંટણી લડે તોય જીતી જાય.

બોરિંગ જટ્ટ

ગણ્યા ગાંઠ્યા સીનને બાદ કરતાં આ ‘ફ્લાઇંગ જટ્ટ’માં મજા પડે એવું કશું જ નથી. આશા રાખીએ કે આ ફિલ્મની સિક્વલ ન આવે તો સારું. હા, ઘરનાં બચ્ચાંલોગ જીદ કરતાં હોય તો તેમને આ ફિલ્મ જોવા લઈ જવાં તે પણ પેરેન્ટિંગનો જ એક ભાગ છે. ઘરે આવીને ફિલ્મના મૅસેજના ભાગરૂપે આ ચોમાસે એક છોડ વાવી દો તો ધક્કો લેખે લાગશે.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

X-Men: Apocalyspe

(આ લખાણમાં ઇત્તુ સા સ્પોઇલર કદાચ હોઈ શકે. હઇમજા હવે, વાંચી નાખો ને, યાર!)

mv5bmju1odm1mzyxn15bml5banbnxkftztgwota4nde2ode-_v1_uy1200_cr9106301200_al_– ‘કૅપ્ટન અમેરિકાઃ સિવિલ વૉર’ની વાત જ્યાંથી શરૂ કરેલી ત્યાંથી જ આનાં પણ શ્રીગણેશ કરીએ. ‘એક્સ મૅનઃ અપોકલિપ્સ’માં સ્ટૅન લીનો કૅમિયો માર્ક કર્યો? ન કર્યો હોય અને જોવાની બાકી હોય, તો લોકેશન છેલ્લે આપ્યું છે.

– એક્ચ્યુઅલી, મારા જેવા આ સુપરહીરો મુવીઝની ગાડીમાં મોડેથી ચડ્યા હોય એમની હાલત પ્રૌઢશિક્ષણના વર્ગના વિદ્યાર્થી જેવી હોય છે. ફિલ્મ જોતી વખતે એવુંય પૂછી ન શકીએ કે આ ટનાટન ‘મિસ્ટિક’ને ‘ઉજાલા’ ગળીથી નવડાવી હોય એવી બ્લુ બ્લુ કેમ લાગે છે? આ ‘ક્વિકસિલ્વર’ આપણી ઇન્ડિયન ફિલ્મી પુલિસથી એક્સ્ટ્રીમ અપોઝિટ કોઇપણ મૌકા-એ-વારદાત પર એડ્વાન્સમાં કેવી રીતે પહોંચી જાય છે અને સંસદની જેમ બધું પૉઝ કેમ કરી દે છે? પેલા મોટી સાઇડબર્નવાળા ભાઇના હાથમાંથી ખીલા કેમ નીકળે છે (બરડો વલુરવા)? અહીંયા મોબાઇલના ટાવર પકડાતા નથી, ને પેલો વ્હીલચેરવાળો આખી દુનિયાના મ્યુટન્ટ-લોકો સાથે એક ઘામાં કઈ રીતે કનેક્ટ થઈ જાય છે? પણ ટાણે સવાલો નહીં પૂછવાના, ઘરે આવીને ‘વિકિપીડિયા’ની હિટ્સ વધારવાની, બીજું શું?! એમાંય પાછું આપણે ઇંગ્લિશ વર્ઝનમાં ગુડાણા હોઇએ, એટલે મોઢે આંગળી ને કાન ખુલ્લા.

– એક્ચ્યુઅલી, ઑરિજિનલ ‘મહાભારત’ સિરિયલની જેમ આમાંય ફિલ્મના સ્ટાર્ટિંગમાં હરીશ ભીમાણી સ્ટાઇલમાં કમેન્ટ્રી આવવી જોઇએ, કેઃ ‘મૈં માર્વેલ યુનિવર્સ હૂં. પિછલી કડી મેં આપને દેખા કિ કૈસે નુકીલે ચાકુવાલે વુલ્વરિન બીતે હુએ સમય મેં યાત્રા કરકે સન 1973 મેં જાતે હૈ ઔર સમગ્ર માનવ સભ્યતા કો બચા લેતે હૈ…’ એક્ચ્યુઅલી, જે રીતે સ્ટૅન લી બધી માર્વેલની ફિલ્મોમાં હિચકોક જેવી હાઉકલી કરી જાય છે, એ રીતે ફિલ્મના એન્ડમાંય એમને અશોક કુમાર સ્ટાઇલમાં પોસ્ટ ક્રેડિટ સીન સમજાવવા બેસાડવા જોઇએઃ ‘ઇસ બાર, અપોકલિપ્સ કો તો એક્સ મૅન ને ચિત્ત કર દિયા, લેકિન યે ક્યા? યે લોગ કૌન હૈ? યે કૌન સી ચીઝ ચુરા રહે હૈ? ક્યા યે માનવ સભ્યતા કે વિરુદ્ધ કોઈ ઔર ખતરનાક યુદ્ધ છેડનેવાલે હૈ? યે સબ દેખેંગે… હમલોગ!’

– અમદાવાદના ઉનાળા કરતાંય લાંબી આ ફિલ્મમાં એટલા બધા સુપરહીરો છે કે મસ્ટર લઇને જવું પડે એમ છે. [મિસ્ટિક? ‘યસ ટીચર’. પ્રોફેસર એક્સ? ‘યસ મિસ્ટર’. (હંમમમ, લુકિંગ યંગ!) સાઇક્લોપ્સ? તું આંખે ડાબલાં પહેરેલાં જ રાખ, ભાઈ! ખાલી ખોટાં ઝાડવાં બાળતો ફરે છે. વુલ્વરિન? ‘સર, એની પ્રોક્સિ પૂરવાની છે!’]

– લેકિન માનના પડે, સ્ટાર્ટિંગનો પ્રાચીન ઇજિપ્તનો હિસ્સો ખરેખર સુપર્બ છે. વિથ જબરદસ્ત વિઝ્યુઅલ ઇફેક્ટ્સ. આ ફિલ્મમાં છુપાયેલાં ઇસ્ટર ઍગ્સવાળો વીડિયો કહે છે કે નવું શરીર મેળવીને અમરત્વ મેળવવાની એ ઇજિપ્શિયન સિક્વન્સ 1955ની ફિલ્મ ‘લૅન્ડ ઑફ ફારોહ’થી ઇન્સ્પાયર્ડ છે. એમાંય પિરામિડની અંદર એવા જ લંબચોરસ પથ્થરો લપસતા હતા. પણ મને તો માત્ર એ જ નહીં, અપોકલિપ્સનો આખો ટ્રેક ‘ધ મમી’ની યાદ અપાવી ગયો. સતત થયા કરતું’તું કે હમણાં ક્યાંકથી ‘જ્યોર્જ ઑફ ધ જંગલ’ની જેમ બ્રેન્ડન ફ્રેઝર કૂદકો મારીને આવી જશે! ખાલી એ જ નહીં, મને તો સ્કૂલ ફોર ગિફ્ટેડમાં ‘હેરી પોટર’, CIA ઍજન્ટના ખાંખાખોળામાં ‘ઇન્ડિયાના જોન્સ’, મ્યુટન્ટ્સના એસેમ્બલિંગમાં ‘એવેન્જર્સ’, એક મ્યુટન્ટ પોતાના સુપર પાવર્સ છુપાવીને સામાન્ય માણસની જેમ મજૂરી કરતો હોય એ જોઇને ‘ધ ઇન્ક્રેડિબલ્સ’ અને ઑબ્વિયસ રેફરન્સથી ‘સ્ટાર વૉર્સ’ યાદ આવી ગઈ. આ આખી ફિલ્મ 1983માં આકાર લે છે, એટલે એક સીનમાં જુવાનડાઓ ‘સ્ટાર વૉર્સઃ રિટર્ન ઑફ ધ જેડાઈ’ જોઇને નીકળે છે, ને પાછા પોતાની ને એવી જ બધી સિક્વલોની વાતુંય કરે કે, ‘દરેક ફ્રેન્ચાઇઝમાં ત્રીજી ફિલ્મ સૌથી ડાર્ક અને સૌથી ભંગાર હોય!’ (હરિ હરિ!) ઉપરથી ડાર્ક સાઇડ તરફ આકર્ષાવાનો ‘ધ ફોર્સ અવેકન્સ’વાળો રેફરન્સ પણ ખરો.

– પોતાના જ સુપરપાવર્સ સાથે સ્ટ્રગલ કરતા સુપરહીરોઝ-મ્યુટન્ટ્સને જોવાની તો ઓબ્વિયસલી મજા પડે જ. આમેય અત્યાર સુધી જે થિયરીમાં જ હોય એને પ્રેક્ટિકલમાં જોવું કોને ન ગમે? એય ને ક્વિકસિલ્વર સરકારી ફાઇલોની જેમ બધું જામ કરી દ્યે (ને એમાં પોતાના લોકોને બચાવવા માટે બધું આઘુંપાછુંય કરી નાખે), માલ્યાની જેમ ગમે ત્યાંથી લોકો સૅફ જગ્યાએ ટેલિપોર્ટ થઈ જાય, પહોંચેલા માથાભારે માણસની જેમ ટેલિકાઇનેસિસથી ગમે તેને ઊંચકી લે, ધાણાદાળ આપતા હોય એમ ગમે એને એમ્નેશિયા આપી દ્યે, બસની સીટમાં ચ્યુઇંગમ ચોડતા હોય એમ આખેઆખો માણસ દીવાલમાં ધરબી દે, પહલાજ નિહલાની ફિલ્મોને કાપતા હોય એમ લોકોના મુંડાં વધેરી નાખે… ટૂ મચ ફન, આઇ સૅ!

– લેકિન પ્રોબ્લેમ એ છે કે આ લંબુસ ફિલ્મ એકદમ જાડી ગુડ વર્સસ ઇવિલ બનીને રહી ગઈ છે. ફિલોસોફિકલ મગજમારીમાં રાઇટર-ડિરેક્ટર પડ્યા જ નથી. પેલો જોરદાર ટકલુ વિલન આપણા ‘પીકે’ની જેમ ટીવી પર હાથ મૂકીને આખી દુનિયાની બધી જ ઘટનાઓ જાણી લે છે, પણ એમાં એને ન્યુક્લિયર વેપન્સની સામે શું વાંધો પડ્યો એ સમજાયું નહીં. ભલે દિવાળીનાં રૉકેટોની જેમ એ મિસાઇલો ફાયર થઈ, પણ પછી એનાં રેડિયેશનનું શું? અને ‘ડેડપૂલિયા’એ જે સુપરહીરો મુવીઝની બૅન્ડ બજાવેલી એવી જ ‘TMT સરિયા’ની ઍડ જેવી ડિમોલિશન ફાઇટો છે, પણ એમાં લોકો ક્યાં? બંને બાજુ યોદ્ધાઓની ભરતી થઈ, પણ છેલ્લો જંગ જોઇએ તેવો જામ્યો નહીં. હા, હ્યુમર હતી ફિલ્મમાં સારી એવી.

– પરંતુ સચ્ચી બોલું? લોકો ભલે કંટાળ્યા હોય, આપણને તો મજા આવી. રાઇટ ફ્રોમ ધ ફર્સ્ટ સીન, ટુ છે…એ…ક છેલ્લે આવતા પોસ્ટ ક્રેડિટ સીન સુધી. રાત્રે પોણા બે વાગ્યે અડધું થિયેટર પોસ્ટ ક્રેડિટ સીનની રાહમાં બેસી રહેલું, કૅન યુ બિલીવ?!

– આપણે તો હવે વીરપ્પન, ફોબિયા અને ઍન્ગ્રી બર્ડ્સનાં ચાકાં સજાવી લીધાં છે. બોલો, સ્ટૅન લી બાબા કી… જય!

{સ્પોઇલર અલર્ટઃ
ફિલ્મમાં સ્ટૅન લીના કૅમિયોનું લોકેશનઃ જે સીનમાં એકસાથે સંખ્યાબંધ ન્યુક્લિયર મિસાઇલો વછૂટે છે, અને લોકો ડરીને આકાશ તરફ જુએ છે, ત્યારે સ્ટૅન લી પત્ની જૉન લીને વળગીને ઊભેલા દેખાય છે. (એક ડોસો ડોસીને હજુયે…!)}

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Captain America Civil War

SPOILERS AHEAD…

captain-america-civil-war-imax-poster– ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, કેટલા લોકોએ આ નવા સુપરહીરો-કોમિકકોનમાં સ્ટૅન લીનો કેમિયો માર્ક કર્યો? છડ્ડો જી, હમીંચ બતા દેતે હૈ. ‘ફેડએક્સ’નું પાર્સલ લઇને જે બાપા આવે છે એ જ તો વળી! બોસ, ૯૩ વર્ષના દાદા અને થોર-લોકી, હલ્ક, સ્પાઇડર મેન, આયર્નમેન, એક્સમેન, ફેન્ટાસ્ટિક ફોર જેવા અઢળક હીરો-વિલનલોગના પપ્પા. એમને જોઇને મને આ ફિલ્મના પહેલા ટ્રેલરમાં સ્પાઇડીને જોયા કરતાંય વધુ હરખ થયેલો, ટચ-વાઇબ્રેનિયમ!

– સચ્ચી બોલું? આ સિવિલ વૉરમાં મજ્જા મજ્જા તો આવી, પણ આમ જે જલસો ‘એવેન્જર્સ-૧’માં પડેલો એવું આમ ગૂઝબમ્પ ગૂઝબમ્પ ન થયું. કદાચ મને થોડો ઘણો સુપરહીરો ફટિગ લાગ્યો હશે. અલગ અલગ સુપરહીરોના ઇન્ટ્રો, એમની વચ્ચેની નોકઝોંક, પછી જરૂર પડે ત્યારે બધા એકસાથે અલગ અલગ સાઇઝના ખભેખભા મિલાવીને ઊભા રહે એ બધું અહીં મિસિંગ લાગ્યું. આઈ નૉ, આ ફિલ્મ માર્વેલના સુપરહીરો વરઘોડામાં એ સ્ટેજથી આગળ નીકળી ગઈ છે, તોય!

– અહીં મેં નિક ફ્યુરી, બટકબોલો AI જાર્વિસ, હથોડાધારી થોર અને સૌથી વધુ હલ્કને મિસ કર્યો (બ્લેક વિડો કરતાંય વધારે! સ્કાર્લેટ, આઇ એમ વિથ યુ, બૅબી!). અગેઇન, આઈ નૉ, કે આ એવેન્જર્સ-૩ નથી, પણ તોય આખી જાન જોડી છે તો બે હાટુ શું કામ બાકી રાખ્યું, હેં? (આ લગનગાળામાં એમને કંકોતરી નહીં મળી હોય?!) કદાચ આવતી ફિલ્મમાં નિક ફ્યુરી આવીને કહેશે પણ ખરો કે, ‘હમ થોડે સે ગાયબ ક્યા હુએ, તુમ તો સિવિલ વૉર પે ઉતર આયે, અં?!’

– એક તો મને એ સમજાતું નથી કે એક્ઝેક્ટ્લી કેટલા સ્પાઇડર મેન છે અને એમની ઉંમર શું છે? દર બીજી-ત્રીજી ફિલ્મમાં નવો સ્પાઇડી આવીને જ્યાં ત્યાંથી પિચકારીઓ મારવા માંડે છે! દર વખતે સ્પાઇડીનું નવું રિબૂટ? એમાંય આ વખતે તો ટેણિયો લાવ્યા છે. મારો બેટો છે જબરો, પણ એની આન્ટીય જબરી જુવાન થઈ ગઈ છે (કદાચ પતંજલિની દવામાં બોળીને રિવાઇટલ ખાતી હશે)! એ એકલો એકલો પોતાના રૂમમાં (કરોળિયાના જાળાની) પિચકારીઓ છોડતો હોય અને ત્યાંથી પેલો ટોની એને ઊંચકીને સીધો જ સુપરહીરોલોગનું સામૈયું કરવા ઊભો રાખી દે અને ત્યારે એને જે રોમાંચ થાય એ સીધો આપણનેય ટ્રાન્સફર થાય છે. એક બીજો બટકબોલો એન્ટમેન પણ આવી ગયો છે, એય જબરો જગ્યા જોઇને નાનો મોટો થાય છે.

– આઈ પૂરેપૂરું નૉ કે આટલા ડઝનેક સુપરહીરો એક જ બારદાનમાં ઠાંસીને ભર્યા હોય એમાં બધાને પૂરતી સ્ક્રીન સ્પેસ આપવી એ પતંજલિની જાહેરખબર વગર ટીવી જોવા જેટલું અઘરું કામ છે. પણ તોય, કેટલીયે વાર સુધી સ્કાર્લુ સોરી, સ્કાર્લેટ (થોડી પર્સનલતા આવી ગઈ!) વગેરે સ્ક્રીન પરથી ગાયબ રહે તો ફડકો પેસે કે આ લોકો ભૂલી નથી ગ્યા ને કે અગાળ ઉપર એનેય લીધી’તી ફિલ્મમાં?

– શાશ્વત ગુડ વર્સસ ઇવિલમાં આ લોકો સમ્રાટ અશોક ટાઇપનું ગિલ્ટ ભેળવે (નિર્દોષોના ભોગે મળતી જીત) અને એના પાછા પોલિટિકલ છેડા પણ અડાડે, આ બધામાં આ હોલિવૂડિયાવની કોહલીછાપ માસ્ટરી છે. એમાંય આ વેળા દોસ્તી-દુશ્મની, સુપરહીરો પણ વિનાશ માટે અકાઉન્ટેબલ ગણાય કે કેમ, પર્સનલ રિવેન્જ, દોસ્ત કા દોસ્ત દુશ્મન હોય તો? વગેરેની પણ ટેસ્ટી ભેળપૂરી છે.

– ફિલ્મની એકેએક એક્શન સિક્વન્સ બિયોન્ડ ગેલેક્સી સુપર્બ છે. એમાંય એરપોર્ટ ઉપર જે ભમાભમી બોલે છે, એ સૌથી મસ્ત છે. (ન્યાંય મેં હલ્કને મિસ કર્યો! હલ્કની ગેરહાજરીમાં આ વખતે સ્કાર્લુ, સોરી, સ્કાર્લેટને કેપ્ટન અમેરિકાને ભેટીને કામ ચલાવવું પડ્યું, બોલો!)

– UN-USAને એવું થાય કે આ સુપરહીરો મારા બેટા બહુ ફાટ્યા છે, એટલે એમની વચ્ચે રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડી દઇએ અને એમાં કેપ્ટન અમેરિકા આડો ફાટે કે ‘હમેં ચાહિયે આઝાદી, સોકોવિયા અકોર્ડ્સ સે આઝાદી’ એ તો જાણે સમજાયું. પણ ‘શીલ્ડ’ના કોઈ વડાની ગેરહાજરીમાં જ બધું બારોબાર પતી જાય? પણ આવી ખૂબી-ખામીઓ જ સુપર હીરો મુવીઝને બિલિવેબલ બનાવે છે.

– એક્ચ્યુઅલી, આ ફિલ્મનો પથારો બહુ મોટો છે, બે-ત્રણ ફિલ્મ જેટલો તો ખરો જ. એટલે જામો પડે જામો પડે ત્યાં જ આ લોકો ડકવર્થ લુઇસ પદ્ધતિથી ફિલ્મ પૂરી જાહેર કરી દે. લેકિન લેકિન, મિડ ક્રેડિટ સીન છે અને એ પછી બધા જ, રિપીટ બધ્ધા જ ક્રેડિટ્સ પતી જાય પછી પણ એક પોસ્ટ ક્રેડિટ સીન છે જ. એટલે હિલ્લને કી કોશિશ મત કરના (સ્ક્રીનમાં મજા આવે, આપણા જેવા ટનબંધ જુવાનિયાંવ એ પોસ્ટ ક્રેડિટ સીન જોવા માટે રીતસર ધરણાં પર બેસી ગયા હોય! #રિસ્પેક્ટ!)

– મને આ ફિલ્મમાં હ્યુમર અને સુપર ડુપર સ્માર્ટ વનલાઇનર્સ અને વિઝ્યુઅલ કોમેડીની પણ થોડી કમી વર્તાઈ. (ફટીગ?) કંઈ નહીં, હજી ‘X-મેન’ જોઇને થોડો ફટીગ વધારીએ અને પછી ‘સુસાઇડ સ્ક્વૉડ’ જોઇને થાક ઉતારશું! આ સ્પોઇલરનું પાટિયું વાંચીને પણ આટલું વાંચી નાખ્યું હોય, તો મીન્સ કે તમે આ ફિલમ જોઇને બેઠા છો. નહીંતર હજીયે કંઈ અમે એવું દૂધમાં મેળવણ નથી નાખ્યું. હડી કાઢો ઝટ. મેં તો આ બધી જ માર્વેલ કોમિક્સની ફિલ્મો જોવાનું નિમ લીધું છે, એટલે બેન્કમાં એક અલગથી માર્વેલના નામનું સેવિંગ્સ અકાઉન્ટ પણ ખોલાવી લીધું છે!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Deadpool

બ્વોય ઓ બ્વોય!
– એક રેગ્યુલર દર્શક તરીકે આ ફિલ્મ જોવા ગયા હોઇએ તો વન મોર સુપર હીરો મુવી, બ્યુટી એન્ડ ધ બીસ્ટ, એડલ્ટ મજાકો અને સુપર્બ એક્શનથી જ ઓડકાર આવી જાય.

– પણ ‘ધ બિગ બેંગ થિયરી’નો રેડિયોએક્ટિવ ‘ગીકી’ કીડો મને ક્યારનોયે કાટેલો છે, એટલે ‘ડેડપૂલ’ની અલ્ટ્રા સુપર્બ સેલ્ફ ડેપ્રિકેટિંગ ફ્રીઝ ફ્રેમવાળી ટાઇટલ ક્રેડિટ્સ જોઇને જ લાગેલું કે આગળની રાઇડ તોફાની જ રહેવાની છે. ‘X મેન’ હોય કે ‘એવેન્જર્સ’, સુપરહીરો મુવીઝ લગભગ બીબાંઢાળ બની ગઈ છે (નો નોલાન! વ્હાય સો સિરિયસ?!). ગુડ વર્સસ ઇવિલ અને દુનિયા ખતરે મેં હૈ ટાઇપની મગજમારી, ભયંકર ડિસટ્રક્શનવાળી ફાઇટ અને વધુ એક સિક્વલની હિન્ટ સાથે ખેલ ખતમ. પણ ડેડપૂલ પર્સનલ રિવેન્જની વાત છે. આપણે થોડા થોડા ગીકી એટલે ‘ભાઈ, કોઈ સારો સુપરહીરો ડ્રેસ બનાવજે’, (ગ્રીન લેન્ટર્નની જેમ લીલો) કે સ્પેશિયલ ઇફેક્ટવાળો નહીં, થોર જેવી સુપરહીરો એન્ટ્રી, ક્લાઇમેક્સની ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ-7’ જેવી ફાઇટ, પોસ્ટ એન્ડ ક્રેડિટ્સ સીન, રાયન રેનોલ્ડ્સનો ‘પીપલ’ મેગેઝિનનો ‘સેક્સીએસ્ટ મેન અલાઇવ’વાળો ઈશ્યૂ, સ્ટાર વોર્સ જોક, ‘પૂલ, ડેડપૂલ’ (બોન્ડ, જેમ્સ બોન્ડ) આદિ ઇત્યાદિ રેફરન્સીસ પકડી પાડ્યા…

– પણ બ્વોય, ઘરે આવીને ખણખોદ કરી તો મારી આંખો આઇમેક્સના પડદાની જેમ પહોળી થઈ ગઈ. આખી ડેડપૂલ માર્વેલના સુપરહીરો, એના સર્જકો, હ્યુ જેકમેન, ખુદ રાયન રેનોલ્ડ્સ, ‘વૅમ!’નું મ્યુઝિક અને આ બધાના સમયની બીજી કેટલીયે બાબતોના સંદર્ભોથી ફાટ ફાટ થતી હતી! ગીક વર્લ્ડમાં રહેતા અમુક ખેપાનીઓ તો આવા 100, રિપીટ 100થીયે વધુ રેફરન્સીસ ગોતી લાવ્યા છે! (એની લિંક્સ પહેલી કમેન્ટમાં મૂકું છું. ફિલ્મ ન જોઈ હોય તો હમણાં ન જોશો!) હવે હું ડેડપૂલની સારી પ્રિન્ટમાં ડીવીડી આવવાની રાહ જોઈ રહ્યો છું. (એકેએક રેફરન્સ કો ચૂન ચૂન કે ગોતુંગા!) સસુર કે નાતી, ઐસન સ્ક્રીનપ્લે લિખને કા જિગરા કિથ્થે મિલે હૈ?! કૌનો દવાઈ આવત હૈ કા?!

– થિયેટર બેકગ્રાઉન્ડવાળા સિવાયના લોકો માટે થોડો નવો, પણ એકચ્યુઅલી જૂનો શબ્દ આ ફિલ્મની વાત કરતી વખતે વાપરવો પડે એમ છે. એ છે, ‘બ્રેકિંગ ધ ફોર્થ વૉલ’. સ્ટેજ પર ભજવાતા નાટકના સેટની ત્રણ દીવાલો ઉપરાંત ચોથી અદૃશ્ય દીવાલ પાત્રો અને પ્રેક્ષકો વચ્ચે હોય છે. એને તોડીને કોઈ પાત્ર આપણી એટલે કે પ્રેક્ષકો સાથે વાત કરવા માંડે એ થયું બ્રેકિંગ ધ ફોર્થ વૉલ. આપણા સિદ્ધાર્થ રાંદેરિયા એના માટે જાણીતા છે. ‘ઘર હો તો ઐસા’ના કાદર ખાન, ‘પરવરિશ’માં અને ‘અમર અકબર એન્થની’ના ‘અનહોની કો હોની કર દે’ સોંગમાં કેમેરાને આંખ મારતા બિગબી વગેરે આનાં ફેમસ એક્ઝામ્પલ્સ છે. (‘દિલ તો પાગલ હૈ’ના સ્ટાર્ટિંગમાં તો ખુદ યશ ચોપરા જ શાહરુખ-માધુરીને પૂછે છે, ‘મહોબ્બત ક્યા હૈ?’!) {હજી આવાં બીજાં એક્ઝામ્પલ્સ શોધો, મજા આવશે!} તો આ ડેડપૂલ દર થોડી વારે આ ચોથી દીવાલની ઐસીતૈસી કરી નાખે છે. (મને પર્સનલી સૌથી વધુ ગમેલો આ ફિલ્મનો એવો જોક, ‘તમારામાંથી જે લોકોએ 127 અવર્સ ન જોઈ હોય એમના માટે સ્પોઇલર અલર્ટ…!’

– આ ફિલ્મની સુપર ઇન્ટેલિજન્ટ એડલ્ટ હ્યુમર (kkhh, મસ્તીઝાદે વાલે બૂડબક, ઇસે કહત રહી એડલ્ટ કોમેડી!). ટોઇલેટ ફાડ કે શૌચાલય કર દિત્તા, યાર! ‘હાલો, હવે hole પૂરવાનો ટાઇમ થયો’ કહીને એવી બૉલ થ્રોઇંગની ગેમ રમવાની, કે (આર્નોલ્ડ અને સંસ્કારી આલોક નાથના લવ ચાઇલ્ડ જેવો) સુપરહીરો કલોસસ, સ્તનસ્વિની એંજલ ડસ્ટને કહે, ‘અલી, તારું પેલું દેખાય છે!’ કે પછી ‘મિડલ ફિંગર’ વગેરે પણ સુપર ઇન્ટેલિજન્ટ છે. ડેડપૂલ બેઠો બેઠો ટેક્સીની બારી ઉપરનીચે કરે એવો સજેસ્ટિવ ચાળો તો સેન્સરે ડિલીટ કરી નાખ્યો છે! ડેડપૂલની વિકિડ હ્યુમરથી મને મારી ટીનએજનો ‘ધ માસ્ક’ યાદ આવી ગયો! (P-A-R-T-Why?!)

– ‘ડોપિન્દર’ ટેક્સીવાળાની ગાડીમાં વાગતાં ‘મેરા જૂતા હૈ જાપાની’ અને ‘તુમસે અચ્છા કૌન હૈ’ ગીતો! (ટિમ મિલર, તેરા માથા ચૂમને દે, બેટે!) {‘મુલાં રૂઝ’, ‘ઇટરનલ સનશાઇન ઓફ ધ સ્પોટલેસ માઇન્ડ’ આદિ મેં એક ઔર નામ જુડ ગયા!)

– ડેડપૂલ જોઇને પહેલું કામ ‘સેવ અવર સિનેમા ડોટ ઇન’ પર જઇને ડિટ્ટો નેટ ન્યુટ્રાલિટી જેવો જ એક મેઇલ શ્યામ બેનેગલ કમિટીને નાખી આવો! સાલી ડેડપૂલની તો ‘માર્વેલ-ડીસી’ એક કરી નાખી છે! 18+નું મુવી છે તોય એક ગોળીએ તીન શિકારવાળો સુપર ઇમેજિનેટિવ સીન કાપી નાખ્યો, બારીનો શોટ કાપ્યો અને એવો જ બીજો આંગળીવાળો ઈશારો રાખ્યો! ‘ફક’ મ્યુટ કરવાનું ને ‘ફકિંગ’ રાખવાનું! વ્હોટ ધ બીપ?! ને આખા kkhh, મસ્તીઝાદે પસાર થઈ જાય! બીપ બીપર બીપેસ્ટ!

– આ માર્વેલની મુવી છે, એટલે બધા એન્ડ ક્રેડિટ પતી જાય, તોય હલતા નહીં. ભલે પેલા હાઉસકીપિંગવાળા કકળાટ કરી મૂકે, લેકિન હિલને કા નહીં! ક્યોંકિ પિક્ચર અભી બાકી હૈ મેરે, દોસ્ત! એક સુપર ફની, ઇન્ટેલિજન્ટ અને અગેઇન, રેફરન્સીસથી ભરેલો સીન, જેમાં એ ડેડપૂલિયો ફરી પાછો ચોથી દીવાલના ભૂકા બોલાવશે!

– મેં આ ફિલ્મ જોઈ ત્યારે શૉ હાઉસફૂલ હતો. આખા ઓડિટોરિયમની એવરેજ એજ 24.73 વર્ષ હતી. પણ એકેય વખત, નોટ ઇવન ફોર અ સેકન્ડ, એકેય મોબાઇલ ચાલુ નહોતો થયો! મેરી તો આં…ખેં ભર આઈ થી, સચ્ચી!

– ડેડપૂલ, મેં જોયેલી સૌથી સ્માર્ટ સુપરહીરો મુવી. નૉટી, સેલ્ફ અવેર, સેલ્ફ ડેપ્રિકેટિંગ, ઇન્ટેલિજન્ટ, સુપરફની, હાઇપરલિંક મુવી (મારે મન). આના પરથી ‘ધ બિગ બેંગ થિયરી’નો આખો એપિસોડ બનાવી શકાય!
તો અગર આપ ‘ગર્વ સે કહો હમ ગીક હૈ’ બ્રિગેડમાં આવતા હો, તો ‘ક્વિક સિલ્વર’ની જેમ હડી કાઢો! ચલો, ગો ગો ગોઓઓઓ!
***
ઓકે કટ.
“ડીવીડી આવી, ડેડપૂલની, ડીવીડી?! એચડી પ્રિન્ટમાં, હોં! ના ના, સબટાઇટલ્સ તો હું ડાઉનલોડ કરી લઇશ!”
(ફેડ આઉટ)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.