ઉડતા પંજાબ

કોલમઃ ફિલ્મ રિવ્યૂ

ફિલ્મઃ ઉડતા પંજાબ

હેડિંગઃ નસોમાં દોડતું ઝેર

ઇન્ટ્રોઃ આ ફિલ્મ અફલાતૂન, ડાર્ક, વિકરાળ, ક્રૂર, સુપર્બ ઍક્ટિંગ અને મ્યુઝિકથી છલોછલ છે તેમાં કશો જ વિવાદ નથી.

ડિરેક્ટર અભિષેક ચૌબેની ‘ઉડતા પંજાબ’માં એક દૃશ્ય છે. ડ્રગ્સના બંધાણી રૉકસ્ટાર શાહિદ કપૂરને પોલીસે જેલમાં ઠૂંસ્યો છે. Udta_Punjabએ જ કોટડીમાં પુરાયેલા કેદીઓમાં બે ટીનેજરો પણ છે. પોતાના ફેવરિટ સ્ટારને જેલમાં જોઇને એ છોકરાવ એનું જ ગીત ગાય છે અને કહે છે કે, ‘તમારાં ગીતો સાંભળીને જ તો અમે ડ્રગ્સના શૉટ મારતા શીખ્યા છીએ.’ પછી જ્યારે એમનો ગુનો સાંભળે છે ત્યારે રૉકસ્ટારની આંખો ફાટી જાય છે. નશાની ઉન્માદી દુનિયામાંથી એ સીધો જ વાસ્તવિકતાની ધરતી પર ઊંધે કાંધ પટકાય છે. પહેલીવાર એને ભાન થાય છે કે એણે પોતાનું તો ઠીક એક આખી પેઢીનું કેટલું મોટું નખ્ખોદ વાળ્યું છે.

ભલું થજો હાઈ કૉર્ટનું કે આપણને એક નાનકડા કટ અને ત્રણ ડિસ્ક્લેમરને બાદ કરતાં આખી અકબંધ ફિલ્મ જોવા મળી. પ્રોડ્યુસર અનુરાગ કશ્યપે આ ફિલ્મને આપણા સુધી પેટીપેક ફિલ્મ પહોંચાડવા માટે જે ધમપછાડા કર્યા તે હવે દુનિયા જાણે છે. ફિલ્મ જોયા પછી ખબર પડે કે એ તમામ ધમપછાડા યોગ્ય જ હતા. આ ફિલ્મથી સૌથી સારી વાત એ થઈ કે પંજાબમાં ડ્રગ્સનો આટલો મોટો દાનવ ફૂંફાડા મારે છે તેની આખા દેશને ખબર પડી.

નશા નશા, નશે મેં હમ

એક તરફ છે ટૉમી સિંઘ ઉર્ફ ગબરુ (શાહિદ કપૂર). પંજાબનો રૉકસ્ટાર (યો યો હની સિંઘ?!). નસકોરાંમાં ડ્રગ્સની ભૂકી જાય પછી જ એને સ્ટેજ પર જઇને તરખાટ મચાવવાનું ઝનૂન ચડે. બીજી બાજુ છે, પંજાબમાં ખેતમજૂરી કરતી એક બિહારી છોકરી (આલિયા ભટ્ટ). પાકિસ્તાન બૉર્ડર પાસેથી એના હાથમાં ત્રણ કિલોગ્રામ હેરોઇનનું પૅકેટ આવી ચડ્યું. એ જોઇને લાલચ થઈ કે આ પૅકેટ વેચી મારું તો બધાં દુઃખોનો એકઝાટકે અંત આવી જાય. ત્રીજા મોરચે છે કરપ્ટ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સરતાજ સિંઘ (દિલજિત દોસાંજ). પોતાનો દસ હજાર રૂપિયાનો કટ લઇને ગમે તેવી ડ્રગ્સ ભરેલી ટ્રકને જવા દે.

આ ડ્રગ્સ જ ત્રણેયની લાઇફની વાટ લગાડે છે. પોલીસનો પોલાદી પંજો પડ્યો કે ગબરુની આબરુનો ભાજીપાલો થઈ ગયો. ભાગવા માટે એને પંજાબ નાનું થઈ પડ્યું. ડ્રગ્સનો સોદો કરવા જતાં બિહારીબાળા ડ્રગ્સનાં ગીધડાંની અડફેટે આવી ગઈ. ડ્રગ્સ ભરેલી જે ટ્રકોને સરતાજ જવા દેતો, એનો નાનો ભાઈ એ જ ડ્રગ્સનો બંધાણી બની ગયો. ભલું થજો કે ડૉ. પ્રીત સાહની (કરીના કપૂર)નું કે એના ભાઈનો જીવ જતાં સહેજમાં અટક્યો. કોણ છે આ ડ્રગ્સના કારોબારની પાછળ? ડ્રગ્સના દલદલમાં ફસાયેલાં આ પાત્રો સાંગોપાંગ તેમાંથી નીકળી શકશે ખરાં?

નશાની પાંખો, પતનનું પાતાળ

પંજાબ કઈ હદ સુધી નશાની ચુંગાલમાં છે તે બતાવતી એક અફલાતૂન ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘ગ્લટ’ પાંચ વર્ષ પહેલાં આવેલી. તેમાં હતી તે તમામ વાતો કાબેલ ડિરેક્ટર અભિષેક ચૌબે અહીં માત્ર એક જ ગીતમાં બતાવી દે છે. કેવી રીતે પાકિસ્તાનથી બૉર્ડર કુદાવીને ડ્રગ્સનાં પૅકેટ ભારતમાં ફેંકાય છે, કૅરિયર તરીકે ઓળખાતા માણસો તેને લઇને આગળ વહેતું કરે છે, તે ડ્રગ્સ પંજાબનાં યુવાનોની નસોમાં પહોંચે છે. રાજ્યના ખૂણેખાંચરે લોકો એના નશામાં પડ્યા રહે છે. પોલીસ, ઇન્ટેલિજન્સ, રાજકારણીઓની આમાં મિલીભગત છે અને આ જ ડ્રગ્સ ચૂંટણી જીતવાનું એક હથિયાર બની રહ્યું છે. ઠેરઠેર ગેરકાયદે ફાર્મસીઓમાં પ્રતિબંધિત દવાઓ વેચાય છે, તો બીજી બાજુ રિહેબિલિટેશન સેન્ટરોમાં બંધાણીઓ જાત સામેનો જંગ લડે છે. ચાર મિનિટના ગીતમાં એકેય શબ્દ બોલ્યા વિના આ બધું જ આપણને ધડાધડ સમજાઈ જાય છે.

આ ફિલ્મમૅકિંગનો જ કમાલ છે કે એકસાથે ત્રણ સ્ટોરી પૅરેલલ ચાલતી હોવા છતાં ક્યાંય કોઈ કન્ફ્યુઝન અનુભવાતી નથી. ડિરેક્ટરે આપણને યશ ચોપરાની ફિલ્મો જેવું રોમેન્ટિક પંજાબ બતાવવાને બદલે તેનો એકદમ રિયલિસ્ટિક અને ક્રૂર ચહેરો બતાવ્યો છે. લોકો ઇન્જેક્શનથી પોતાની નસોમાં ઝેર ભરતા હોય, રાજકારણીઓ આ નશાનો પોતાની સત્તા મેળવવા અને ટકાવી રાખવા માટે ઉપયોગ કરતા હોય, પોલીસને પણ માત્ર પોતાની કટકીમાં જ રસ હોય, સ્ત્રીનું બેફામ શોષણ થતું હોય, ખુલ્લેઆમ દારૂ પીવાતો હોય… આ ફિલ્મ તમને ક્યાંય ગુડી ગુડી રાહત આપવાનો પ્રયાસ કરતી નથી. ક્યાંક અત્યંત ક્રૂર હિંસા, ક્યાંક માત્ર શર્ટ ઉતારવાના દૃશ્યથી સ્ત્રીના શોષણની વાત, બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વગર ચાલતો ખૂની ખેલ, ચૂંટણીની સભાઓમાં ચાલતું નાચ-ગાનનું સર્કસ અને ડ્રગ્સનાબૂદીની ખોખલી વાતો, આવા તો કેટલાય સીન છે જ્યાં કેમેરા ફરે અને આંખ સામે આવતી રિયાલિટી જોઇને અકળામણ થવા માંડે. ડ્રગ્સ લોહીમાં ભળે અને પછી જે માનસિક સ્થિતિ થાય અથવા તો ડ્રગ્સના અભાવે વિથડ્રોઅલ સિમ્પ્ટમ્સ આવે એ પણ આબેહૂબ ઝિલાયું છે.

‘ઉડતા પંજાબ’નું સૌથી સ્ટ્રોંગ પાસું છે તેના કલાકારોની પાવરપૅક્ડ એક્ટિંગ. સતત ડ્રગ્સના નશામાં ચૂર રહેતા શાહિદને જોઇને એક સૅકન્ડ માટે પણ તે સોબર હોય તેવું લાગે નહીં. એનું અચાનક હાઇપર થઈ જવું, આંખો પહોળી કરીને જોવું, લવારીએ ચડી જવું, નશામાં સ્ટેજ પર પર્ફોર્મ કરવું, મોનોલોગ બોલવો… ‘હૈદર’ પછીની આ શાહિદની બેસ્ટ એક્ટિંગ છે. શાહિદ કરતાંય પાંચ માર્ક વધારે આપવા પડે આલિયા ભટ્ટને. એક તો જે પ્રકારનો ડિગ્લેમરસ અને પોતાના પર થતા અબ્યુઝવાળો રોલ એણે સ્વીકાર્યો છે એટલા ખાતર જ એની હિંમતને દાદ દેવી પડે. બધા જ સીનમાં આલિયા અફલાતૂન રહી છે. ડિરેક્ટરે માત્ર કેમેરાના એક જ ઍન્ગલથી આલિયાના ભૂતકાળની જે હિન્ટ આપી છે માર્ક કરવા જેવું છે. ફિલ્મમાં ક્યાંય આલિયા પાત્રનું નામ ખોંખારીને બોલાતું નથી. છેલ્લે એ હસીને કહે છે, ‘મૅરી જેન’, જે ગાંજા માટે વપરાય છે. પંજાબી એક્ટર દિલજીત દોસાંજ માટે હિન્દી ફિલ્મમાં ભલે ‘ઇન્ટ્રોડ્યુસિંગ’ લખાયું હોય, પણ પંજાબમાં એ સુપરસ્ટાર એક્ટર-સિંગર છે. આ વાત એની કૉન્ફિડન્ટ ઍક્ટિંગ પરથી કળી શકાય છે. કરીનાના ભાગે ફિલ્મમાં ગુડી ગુડી રોલ જ આવ્યો છે, પણ ક્યાંય એની સિન્સિયારિટીમાં ઓટ દેખાતી નથી.

‘સ્લમડૉગ મિલ્યનેર’વાળા ડેની બોયલે ઈ.સ. ૧૯૯૬માં ડ્રગ અબ્યુઝ પર જ ‘ટ્રેઇનસ્પોટિંગ’ નામની ડાર્ક કોમેડી ફિલ્મ બનાવેલી. તેને અંજલિ આપતા ટોઇલેટવાળા એક સીન સાથેની ‘ઉડતા પંજાબ’માં ઠેકઠેકાણે બ્લૅક કોમેડી વેરાયેલી છે. (એમ તો દિલજીત દોસાંજનો પોતાના ભાઈ સાથેનો ટ્રેક રેસિઝમના મુદ્દા પર બનેલી ‘અમેરિકન હિસ્ટરી X’ની અને અલગ અલગ ત્રણ પોઇન્ટ ઑફ વ્યૂથી પેરેલલ ચાલતી વાર્તાઓની સ્ટાઇલ સ્ટિવન સોડેરબર્ગની ‘ટ્રાફિક’ની પણ ઑબ્વિયસ યાદ અપાવે છે). પાત્રોની વાટ લાગેલી હોય અને છતાં આપણને હસવું આવે તેવાં એ દૃશ્યોની મજા ફિલ્મમાં અચાનક જોઇએ તેમાં જ છે. વિરાટ કોહલીની જેમ અમિત ત્રિવેદી પણ ફુલ ફોર્મમાં છે. એના મિડાસ ટચવાળાં સુપર્બ ગીતોમાં અભિષેક ચૌબેએ વાર્તાને સરસ રીતે પરોવી લીધી છે. જેથી તમને ગીત દરમ્યાન પણ આઘાપાછા થવાની ઇચ્છા ન થાય.

પરંતુ ફિલ્મની બહાર જેટલા પ્રોબ્લેમ થયેલા એના કરતાં થોડા ઓછા, પણ પ્રોબ્લેમ તો આ ફિલ્મની અંદર પણ છે. આટલાં બધાં પાત્રોમાં પથરાયેલી હોવા છતાં અઢી કલાકની આ ફિલ્મ ખાસ્સી લાંબી લાગે છે. ઘણે ઠેકાણે લાઉડ તો ક્યાંક સીન ખેંચાતા લાગે છે. શરૂઆતની રિયાલિટી ઇન્ટરવલ પછી ફિલ્મી રોમેન્સમાં ખોવાવા લાગે છે અને ફિલ્મ પંજાબના ડ્રગ્સ કાર્ટેલમાંથી ચાર પાત્રો પર જ ફોકસ થઈ જાય છે. જાણે એકાદ સાંસદ-ધારાસભ્યને પકડાવવાથી આખો પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનો હોય, તેમ આખી વાર્તા સિમ્પ્લિફાય થઈ જાય છે. ઇવન ફિલ્મને કોઈ કારણ વગર અચાનક પૂરી કરીને ઑપનએન્ડેડ રખાઈ છે, જે જોઇને મોટાભાગના દર્શકો કકળાટ કરી મૂકશે. આખી ફિલ્મ સતત ડ્રગ્સ વિરોધી મેસેજ આપતી હોવા છતાં આનો ઉકેલ શું તેની ખાસ કશી ચર્ચા કરવાનું રાઇટર-ડિરેક્ટરે મુનાસિબ માન્યું નથી.

આ ફિલ્મમાં ગાડું ભરીને ગંદી ગાળો છે એ તો સેન્સરકૃપાથી આપણને ખબર છે. પરંતુ આ ફિલ્મના અઢળક સંવાદો પંજાબીમાં છે. એટલું ખરું કે એ પંજાબી ક્યાંય કૃત્રિમ કે ફિલ્મી લાગતું નથી. પરંતુ દર્શકોનો પ્રોબ્લેમ હળવો કરવા માટે આખી ફિલ્મ અંગ્રેજી સબટાઇટલ્સ સાથે છે. તે વાંચવાની તૈયારી રાખવી.

દૌડતી ઑડિયન્સ

અત્યંત ડાર્ક અને ક્રૂર હોવા છતાં ‘ઉડતા પંજાબ’ સતત ડ્રગ્સથી છૂટવાનો અને પૉઝિટિવિટીનો મેસેજ આપતી રહે છે. તમામ મુખ્ય પાત્રોને ડ્રગ્સની ભયાનકતા પામીને તેનાથી દૂર ભાગવાનો પ્રયાસ કરતા બતાવાયાં છે. ઇવન પંજાબને આ દૈત્યમાંથી છોડાવવા માટે કશું જ ન કરતા રાજકારણીઓ સામે પણ આ ફિલ્મ સજ્જડ સવાલ ઊભો કરે છે. અફસોસની વાત છે કે સૅન્સર બૉર્ડને આ ફિલ્મની પોઝિટિવિટી નહીં, બલકે તેમાં રહેલી ગાળો અને નોન ઇશ્યૂ મુદ્દા જ દેખાયા. સારી ફિલ્મો જોવા માગતા અને વયથી જ નહીં, બલકે દિમાગથી પણ પુખ્ત લોકોએ અવશ્ય જોવા જેવી ફિલ્મ.

રેટિંગઃ ***1/2 (સાડાત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

શાનદાર

શાનદાર હથોડો

***

શાહિદ-આલિયાની ક્યુટનેસને બાદ કરી નાખો તો આ ફિલ્મ એક ભયંકર ઍબ્સર્ડ અનુભવથી વિશેષ કશું જ નથી.

***

shaandaar-first-look-posterશુદ્ધ સોનાનો ઢોળ ચડાવેલા ચાંદીના વાડકામાં બે ચમચી પાંઉભાજી, ચાર ચમચી શ્રીખંડ, એક ટેબલસ્પૂન ખાટું અથાણું, સાડાચાર ટીપાં કઢી નાખીને તેને બરાબર મિક્સ કરો અને તેના પર કોથમીર, ચાંદીના વરખ અને ડુંગળીની કતરણથી ગાર્નિશ કરો તો કેવી ડિશ બને? ઍબ્સર્ડ, વિચિત્ર ખરું ને? છેલ્લે કંગનાવાળી ‘ક્વીન’થી છવાઈ ગયેલા વિકાસ બહલની લેટેસ્ટ ફિલ્મ ‘શાનદાર’નું પણ એવું જ છે. અહીં એકસાથે એટલું બધું ઠપકાર્યું છે કે કંસાર કે થૂલું બેમાંથી કશું જ બન્યું નથી.

પરીકથાની પીપૂડી

બિપિનભાઈ (પંકજ કપૂર) ક્યાંકથી એક અનાથ છોકરી આલિયા (આલિયા ભટ્ટ)ને પોતાના મહેલ જેવા ઘરમાં લઈ આવે છે, જ્યાં દાદી (સુષમા શેઠ)ની દાદાગીરી ચાલે છે. સુપરક્યુટ હોવા છતાં આલિયાને સૌ હડે હડે કર્યા કરે છે. એમાં જ બિચારી મુંબઈ શહેર જેવી થઈ ગઈ છે, એ ક્યારેય સૂતી જ નથી. બિપિનભાઈની પોતાની એક ગોળમટોળ છોકરી ઈશા (સાના કપૂર) પણ છે, પરંતુ ખાનદાનને રોડ પર આવી જતું બચાવવા માટે તેઓ ઈશાને એક ચક્રમ સિંધી કરોડપતિ ફંડવાની (સંજય કપૂર)ના ચક્રમ પાર્ટ ટુ ભાઈ સાથે પરણાવી રહ્યા છે. ડેસ્ટિનેશન વેડિંગ તરીકે ઇંગ્લૅન્ડ બાજુનો કોઈ બંગલો પસંદ કરાય છે. ત્યાં એન્ટ્રી થાય છે ડૅશિંગ વેડિંગ પ્લાનર જગજિંદર જોગિંદર (શાહિદ કપૂર)ની. ઈશાનાં લગનની સાથોસાથ આલિયા-જોગિંદરની લવસ્ટોરી સ્ટાર્ટ થઈ જાય છે. જાણે ગાંડપણનો વાઇરસ ફેલાયો હોય તેમ સતત ચક્રમવેડા ચાલુ રહે છે અને ખીચડીમાં ઘી ઢોળાશે તેવી આશામાં ફિલ્મ પૂરી થાય છે.

ભેળસેળિયા લવસ્ટોરી

દિવાળીની વાનગીઓમાં પણ જેટલી ભેળસેળ નહીં હોય એટલી બધી ભેળસેળ આ ફિલ્મની સ્ટોરીમાં છે. એક તો ફિલ્મ છે વિકાસ બહલની, પરંતુ પહેલા જ સીનથી આપણે ‘ડિઝની’ની ‘સિન્ડ્રેલા’ ટાઇપની પરીકથા જોતા હોઇએ એવી ફીલ આવે છે. અહીં પણ એક અનાથ બાળકી છે, એને બધાં ધિક્કારે છે, એક ક્રૂર મમ્મી છે, કારણ વગર સ્ક્રીન પર આવતી ટ્વિન્સ છે, મહેલ છે, એક રાજકુમાર છે અને એની સાથે નાચગાના પણ છે. પરંતુ આ પરીકથામાં ‘ફ્રોગ પ્રિન્સેસ’વાળી બાળવાર્તાની ભેળસેળ છે. પ્રિન્સેસ એક દેડકાને પપ્પી કરે તો તેમાંથી રાજકુમાર બની જાય એ વાર્તાની જેમ અહીં આલિયાબૅબી એક ‘અશોક’ નામના ઍનિમેટેડ દેડકાને લઇને ફર્યા કરે છે. માત્ર દેડકો જ નહીં, ડિઝનીની ફિલ્મ હોય એવું સરસ ઍનિમેશન પણ અહીં છે. સ્ટાઇલ મારવા માટે આખેઆખો ફ્લેશબૅક ઍનિમેશનમાં જ બતાવાયો છે. તે ઍનિમેશનમાં પાછી કોમેન્ટેટર તરીકે નસીરુદ્દીન શાહના અવાજની ભેળસેળ છે.

ટ્રેલર પરથી લાગતું હતું કે આ એક સરસ રોમેન્ટિક કોમેડી ફિલ્મ હશે. પરંતુ રોમેન્સ કે કોમેડી બેમાંથી એકેય શરૂ થાય તે પહેલાં ઑવરએક્ટિંગની દુકાન લઇને સંજય કપૂરની પધરામણી થાય છે અને ફિલ્મ તરત જ ફારસ બની જાય છે. હાથમાં ‘જેમ્સ બોન્ડ’ના વિલન જેવી ગોલ્ડન ગન લઇને ફરતા સિંધી બિઝનેસ ટાયકૂનનું પાત્ર ભજવતા સંજય કપૂરને લિમોઝિનથી લઇને અંદરની ચડ્ડી સુધીનું બધું જ ગોલ્ડન અપાયું છે. પરંતુ સંજય કપૂરના ગેટઅપમાં લિબિયાના ભૂતપૂર્વ સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીના લુકની ભેળસેળ છે.

અડધો-પોણો ડઝન લોકોના ગાંડાવેડા ઓછા ન હોય, તેમ ફિલ્મમાં અધવચ્ચે કરન જૌહરની એન્ટ્રી થાય છે અને સૌ ‘કૉફી વિથ કરન’ રમવા માંડે છે. ગુજરાતી સંગીતકાર અમિત ત્રિવેદીના એક સારા ગીતની સામે ચાર નબળાં ગીતોની ભેળસેળ છે. તો સ્ટોરીની વચ્ચે અચાનક ‘નીંદ ના મુઝકો આયે’ અને ‘ઈના મીના ડીકા’ જેવાં જૂનાં ગીતો ક્યાંકથી ટપકી પડે છે. એ ગીતમાં હૉલીવુડની ‘સ્ટાર વૉર્સ’ સ્ટાઇલની લાઇટવાળી તલવારબાજી પણ છે. આજ તો જાણે ઍબ્સર્ડિટીના ગરબા જ ગાવા છે એવું નક્કી કર્યું હોય તેમ ઑપેરાના ઑડિટોરિયમમાં કવ્વાલી ગવાય છે અને એ કવ્વાલીમાં સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે.

લગભગ અઢી કલાકની આ ફિલ્મમાં વધુ એક ટ્વિસ્ટ એક મૃત્યુ સાથે આવે છે. પરંતુ તે ડેડબોડી જોઇને સૌ દુખી થવાને બદલે ખિખિયાટા કરીને હસવા માંડે છે. હજી એ ડેડબૉડીની આગળ ‘જાને ભી દો યારો’ પ્રકારની જે હાલત થાય છે એની સામે તો દશેરાના રાવણની સ્થિતિ પણ સારી હોય. એક તરફ દીકરીઓની સંવેદનશીલ વાતો અને બીજી બાજુ મોત પર ખિખિયાટા?

ક્યુટનેસ ઑવરલોડેડ

આ ફિલ્મ પર કરન જૌહરનો હાથ ફર્યો છે એટલે તેમાં ક્યુટનેસની કોઈ કમી નથી. દાઢીવાળો શાહિદ ક્યુટ છે. બિકિનીવાળી આલિયા સુપરક્યુટ છે. આલિયાના પપ્પા બનતા શાહિદના પપ્પા એવા પંકજ કપૂર પણ ક્યુટ પપ્પા છે, જે દીકરીને રોજ એક ક્યુટ સપનું આપે છે. શાહિદ કપૂરની રિયલ લાઇફ બહેન એવી સાના કપૂરની આ ફિલ્મથી એન્ટ્રી થઈ છે. એ પણ બહુ ક્યુટ છે. ‘હમલોગ’ અને ‘દેખ ભાઈ દેખ’નાં ક્યુટ દાદી સુષમા શેઠ બહુ લાંબા ટાઇમે સ્ક્રીન પર દેખાયાં છે. આ ઉંમરે પણ એમનો ઠસ્સો એવો જ બરકરાર છે. ઇવન એક ક્યુટ અને ગૅ ફેશન ડિઝાઇનર પણ છે (કરન જૌહર ઇફેક્ટ?). એક સમયે માધુરી દીક્ષિતની ડુપ્લિકેટ કહેવાતી નીકિ અનેજા અને બીજી એક ક્યુટ અદાકારા અંજના સુખાણી પણ અહીં છે. જાણે ફર્નિચર હોય તેમ આ બંનેને જરાય સ્ક્રીનસ્પેસ મળી નથી. એમાંય અંજના સુખાણી પાસે એકાદું વાક્ય બોલાવવાની વાત તો દૂર રહી, એનો ચહેરો પણ સરખો બતાવાયો નથી. આ ક્યુટનેસના કાર્નિવલમાં નથી કોઈ પાત્ર પ્રોપર્લી લખાયું કે નથી તેમાં કોઈ યાદગાર ડાયલોગ.

દશેરાએ ભલે આ ફિલ્મનું ઘોડું દોડ્યું ન હોય, પરંતુ આપણે બુરાઈને બદલે થોડી અચ્છાઈ પર ફોકસ કરીએ. શાહિદ-આલિયાની ઑનસ્ક્રીન કેમિસ્ટ્રી મસ્ત લાગે છે. એક બાપ અને બે દીકરીઓ વચ્ચેની સ્ટોરી ઘણે અંશે હૈયે થપ્પો કરી જાય છે. કંઇક વિચિત્ર ટેસ્ટની હોવા છતાં કેટલેક ઠેકાણે આ ફિલ્મની કોમેડી હસાવી પણ જાય છે. લોજિક સાથે છેડા અડતા નથી, પણ અહીં સ્ત્રી કોઈ કોમોડિટી નથી કે તે તેના બાહ્ય દેખાવની પણ મોહતાજ નથી એવો મેસેજ અપાયો છે, તેનો અડધો માર્ક મળી શકે.

શાનદાર મેસેજ, ઊંઘી જજો

‘શાનદાર’ ફિલ્મમાં શાહિદ અને આલિયા બંનેને ઊંઘ ન આવવાની બીમારી છે અને તોય બંને આખી ફિલ્મમાં શાંતિથી ઊંઘતાં રહે છે. આ બંને સ્ટાર્સના ફૅન હો અથવા તો તહેવારમાં બચ્ચાંપાર્ટી સાથે આ ફિલ્મ જોવા જઈ ચડો, તો તમારા માટે પણ આ જ ક્યુટ મેસેજ છે, મસ્ત ઊંઘ ખેંચી લેજો.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

હૈદર

ન શમે વેર વેરથી

***

શેક્સપિયરની કૃતિને કાશ્મીરના વાઘા પહેરાવીને રજૂ કરાયેલી આ ફિલ્મ ક્લાસિક સિનેમાનું ઝળહળતું ઉદાહરણ છે.

***

haider-movie-hd-posterબહુ ઓછી એવી ફિલ્મો બનતી હોય છે જે સિનેમાની દૃષ્ટિએ એટલી સમૃદ્ધ હોય કે એક બાજુ બત્રીસે કોઠે આનંદ આપી જાય, તો સાથોસાથ આપણા મનને ખળભળાવી મૂકે, વિચારતા કરી મૂકે. વિશાલ ભારદ્વાજની શેક્સપિયરના નાટક ‘હેમલેટ’નું એડપ્ટેશન એવી ‘હૈદર’ આવી જ એક ફિલ્મ છે. સ્વાભાવિકપણે જ આ ફિલ્મ બધાને માફક આવે એવી નથી. સો કોલ્ડ, ‘૧૦૦ કરોડ ક્લબ’માં તો ક્યારેય સામેલ થઈ શકશે નહીં, પરંતુ કાળજે ટાઢક થાય એવી વાત એ છે કે આવી ફિલ્મો હજી પણ આપણે ત્યાં બને છે.

વેદનાનું વૈવિધ્ય

વાત છે ૧૯૯૫ના ત્રાસવાદગ્રસ્ત કાશ્મીરની. ગંભીર એપેન્ડિક્સથી પીડાતા એક આતંકવાદીને પોતાના ઘરે આશરો આપવા બદલ ડૉ. હિલાલ મીર (નરેન્દ્ર ઝા)ને ભારતીય આર્મી પકડીને લઈ જાય છે. આ રીતે ગાયબ થયેલા અને ક્યારેય પાછા ન ફરતા કાશ્મીરીઓમાં વધુ એકનો ઉમેરો થાય છે. આ સમાચાર સાંભળીને અલીગઢ ભણવા ગયેલો તેમનો પુત્ર હૈદર (શાહિદ કપૂર) પોતાને ગામ પાછો ફરે છે. પિતાના ગાયબ થવાની પીડા ઉપરાંત વધારે પીડા એને એ વાતે થાય છે કે એની મા ગઝાલા (તબ્બુ) એમના શૌહરના ગાયબ થવાનો માતમ મનાવવાને બદલે એના કાકા ખુર્રમ (કે. કે. મેનન)ની નજીક જઈ રહી છે.

પોતાની પ્રેમિકા આર્શિયા (શ્રદ્ધા કપૂર), જે પત્રકાર છે અને એક સિનિયર પોલીસ અધિકારી છે, તેની મદદથી હૈદર કાશ્મીરની ગલીએ ગલીમાં પિતાના સગડ શોધતો ફરે છે. ત્યાં જ એક રહસ્યમય વ્યક્તિ નામે રૂહદાર (ઈરફાન ખાન)ની એન્ટ્રી થાય છે અને એ શાહિદને મેસેજ આપે છે કે તારા પિતાને રિબાવી રિબાવીને મારી નખાયા છે. એટલું જ નહીં, એ માટે જવાબદાર હૈદરનો કાકો અને એમનો સગ્ગો ભાઈ ખુર્રમ (કે. કે. મેનન) જ છે. એટલે હૈદર (શાહિદ)ને એના મરહૂમ પિતાનો અધૂરો બદલો લેવાનું કામ સોંપાય છે. હવે ક્રોધથી સળગી રહેલા હૈદરને એ સમજાતું નથી કે એ કોનો વિશ્વાસ કરે અને કોનો નહીં. જે હોય તે, પણ પરિણામ લોહિયાળ આવે છે.

બારીક નકશીકામ

શેક્સપિયર પ્રેમી વિશાલ ભારદ્વાજ અને કાશ્મીરના હોનહાર સર્જક બશરત પીરે મળીને હૈદરની વાર્તાનું અત્યંત બારીક નકશીકામ કર્યું છે. જો આપણને કહેવામાં ન આવે કે આ મૂળ શેક્સપિયરની કૃતિ પરથી બનેલી ફિલ્મ છે, તો આપણા માન્યામાં જ ન આવે એટલી હદે તે ઓરિજિનલ બની છે. દરઅસલ આ ફિલ્મ એક કલાઇડોસ્કોપ જેવી છે. જેમ તમે એને ફેરવી ફેરવીને જોતા જાઓ, તેમ તેમ એમાં નવી નવી ભાત ઉપસતી જાય. વિશાલ ભારદ્વાજે હૈદરમાં કાશ્મીરનો એવો ચહેરો બતાવ્યો છે જે આપણે ક્યારેય જોવા માગતા નથી, કે આપણને બતાવવામાં પણ નથી આવતો. ભારત-પાકિસ્તાનની ઘંટીના બે પડ વચ્ચે પિસાતા કાશ્મીરીઓની વેદના મુઠ્ઠીભર ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર્સ કે લેખકો સુધી સીમિત રહી છે, તેને વિશાલ મેઇન સ્ટ્રીમમાં લાવ્યા છે.

આ ઉપરાંત ફિલ્મમાં મિલિટરીનો ક્રૂર પંજો, તેમાં પિસાતા કાશ્મીરીઓ, એ બધું જોઈ જોઈને ગેરમાર્ગે દોરવાતા ત્યાંના યુવાનો, પિસ્તોલથી લઇને કાલાશનિકોવ જેવાં રોજિંદી જિંદગીમાં સામેલ થઈ ગયેલાં હથિયારો, આખા કાશ્મીરને (અને પૂર્વીય ભારતનાં રાજ્યોને પણ) એક વિરાટ કેદખાનામાં બદલી નાખતો AFSPA (આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ) નામનો કાયદો, સતત માર ખાઈ ખાઈને બુઠ્ઠી થઈ ગયેલી ત્યાંના લોકોની સંવેદનાઓ અને એકેએક સીનમાંથી તાજા ઘાવમાંથી ટપકતી હોય એમ નીતરતી વેદના. વળી, તમે ફિલ્મના કલાઇડોસ્કોપને ફેરવી ફેરવીને જુઓ તો સૌથી પહેલા દેખાય એકદમ ઑથેન્ટિક કાશ્મીર. ત્યાંના સ્વર્ગ જેવા ખૂબસૂરત બર્ફીલા લેન્ડસ્કેપ, મોંમાંથી નીકળતી વરાળ, લગ્નથી લઇને દફનવિધિ સુધીની રસમો, ત્યાંનું સંગીત-વાદ્યો, ચિનારનાં વૃક્ષો, દલ લેક, શિકારાવાળું કાશ્મીર. પછી સહેજ વધારે ફેરવતાં જઇએ એટલે શાહિદનું એની મા તબ્બુ પ્રત્યેનું આકર્ષણ (ઈડિપસ કોમ્પલેક્સ), સત્તા લાલસા, દગાખોરી, નિર્દોષ પ્રેમ, બદલો-વેરભાવના, ક્ષમા, હિંસાથી લઇને ગાંધીજી, ઓશો રજનીશ, ફૈઝ અહમદ ફૈઝ, મેહદી હસન, કાશ્મીરી સર્જક અખ્તર મોહિનુદ્દીન વગેરે બધું પણ દેખાતું જાય.

વિશાલ ભારદ્વાજે લખેલા હૈયા સોંસરવા ઊતરી જાય એવા સંવાદોની પણ નોંધ લીધા વગર ચાલે એવું નથી. જરા ટેસ્ટ કરો, ‘પૂરા કશ્મીર એક કૈદખાના હૈ’; ‘કશ્મીર મેં ઉપર ખુદા હૈ, નીચે ફૌજ’, ‘જબ તક હમ અપને ઈન્તકામ (વેરભાવના) સે આઝાદ નહીં હોતે, તબ તક હમેં આઝાદી નહીં મિલતી.’

પડદાની પેલે પાર

આ ફિલ્મનું કાશ્મીરના કેસર નાખેલા કાવા જેવું છે, અફલાતૂન હોવા છતાં બધા લોકોને ન ભાવે. એક તો મૂળ વાર્તાને વફાદાર રહેવામાં ફિલ્મ ૧૬૨ મિનિટ જેટલી લાંબી થઈ ગઈ છે. ઉપરથી શરાબના નશાની જેમ ધીમે ધીમે ચડતી આ ફિલ્મની ગતિ રેગ્યુલર ધૂમધડાકા ફિલ્મ જોનારાઓને અકળાવી મૂકે એવી છે. પરંતુ હા, એક વાર તમે તેનાં પાત્રો સાથે એકરસ થઈ જાઓ, પછી દલ લેકમાં ફરતા શિકારાઓની જેમ તેમાં વહેતા જ જાઓ. વિશાલ ભારદ્વાજે સતત એટલી પીડા વહાવ્યે રાખી છે કે હળવાશનો કોઈ સ્કોપ જ રખાયો નથી. એટલે ફિલ્મ ભારેખમ પણ ખાસ્સી બની ગઈ છે. અને સૌથી અગત્યનું, ભારતની પોલીસ અને આર્મીનો આવો વિકરાળ ચહેરો આપણે લગભગ ક્યારેય જોયો જ નથી. એટલે કાશ્મીર અને સૈન્યનો રેગ્યુલર હીરો સ્ટાઇલનો ચહેરો જોવા ટેવાયેલા લોકો આવું સ્વીકારી જ ન શકે તેવી પૂરી શક્યતા છે. ખરેખર તો આ પ્રકારનાં દૃશ્યો આપણા સેન્સર બોર્ડમાંથી પાસ થઈ ગયા એ જ એક મોટું આશ્ચર્ય છે! કોઇને ભારતીય આર્મીનું આવું ચિત્રણ એકપક્ષીય પણ લાગી શકે.

ફિલ્મના લગભગ બધા જ કલાકારો પાસેથી વિશાલે એકદમ પાવરપેક્ટ અભિનય કરાવ્યો છે. પરંતુ શાહિદ અને ખાસ કરીને તબ્બુની અદાકારી તો કાળજું વીંધીને આરપાર નીકળી જાય એટલી ધારદાર છે. ઈરફાન ખાનની અને કે. કે. મેનનની એક્ટિંગ તો દર વખતની જેમ લાજવાબ હોવાની જ! આ ફિલ્મમાં કરુણ રસની સાથોસાથ ભયાનક રસ પણ સતત વહેતો રહે છે. શાહિદ કપૂરના બળેલા ઘરનો કાટમાળ હોય, તબ્બુ અને શાહિદની આંખોના કોન્ટેક્ટ લેન્સ હોય, ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, ઠંડા કલેજે નિર્દોષો પર ગુજારાતા અત્યાચાર હોય કે કબર ખોદનારાઓની વાતો તથા એમનું ગુલઝારે લખેલું ગીત ‘સો જાઓ’ હોય, આ બધું એટલું બિહામણું ભાસે છે કે ભયથી આપણાં રૂંવાડા ઊભા કરી દે છે.

હૈદરનાં ગીતોમાં ફૈઝ અહમદ ફૈઝ તથા ગુલઝારની કલમનો બખૂબી ઉપયોગ કરાયો છે. વિશાલ ભારદ્વાજે પોતે એવું મ્યુઝિક કમ્પોઝ કર્યું છે કે એકેય ગીત વધારાનું કે પરાણે ઘુસાડેલું હોય એવું લાગતું નથી. એમાંય ‘બિસમિલ બિસમિલ’ ગીતની કોરિયોગ્રાફી માટે તો વિશાલે ખાસ નોર્વેથી કોરિયોગ્રાફર બોલાવેલા. આખી ફિલ્મને એક મહાકાવ્યની અને ક્યાંક ક્યાંક ડોક્યુડ્રામા ફીલ આપતી પંકજ કુમારની સિનેમેટોગ્રાફીનો પણ ઉલ્લેખ કરવો પડે. વિશાલ ભારદ્વાજે ફિલ્મની વચ્ચે વચ્ચે સળગતા કાશ્મીરનાં ઓરિજિનલ દૃશ્યો પણ ઉમેર્યાં છે. હૈદરમાં વીડિયો લાઇબ્રેરી ચલાવતાં બે પાત્રો સલમાન ખાનના ફેન્સ છે. એમનાં નામ પણ સલમાન અને સલમાન છે. પરંતુ જે રીતે ફિલ્મમાં સલમાન ખાનની ફિલ્મો, એનાં ગીતો, સંવાદોનો ઉપયોગ કરાયો છે, એ જોઇને સલમાન ખાનના ફેન્સ તો અકળાઈ જવાના!

ચાલો, વ્યથાનાં વીતક જોવાં

જે લોકો માત્ર મનોરંજન માટે કે ટાઇમપાસ કરવા ખાતર ફિલ્મો જોતા હોય તે લોકો આ ફિલ્મથી દૂર રહે તે ઈચ્છનીય છે. પરંતુ જેમને ખરેખર કશું અર્થપૂર્ણ જોવું હોય એમણે આ ફિલ્મ અવશ્ય જોવી જ જોઇએ. હા એક ટિપ, શેક્સપિયરની હેમલેટ જેમણે વાંચી હશે એમને આ ફિલ્મ જોવાની વધારે મજા પડશે. એવું ન હોય અને એટલિસ્ટ ઈન્ટરનેટ પરથી મૂળ હેમલેટની વાર્તા વાંચીને ગયા હોઇએ તો એ વાર્તાને વિશાલ ભારદ્વાજે કેવી ખૂબીપૂર્વક કાશ્મીરમાં ઢાળી છે એ જોવાની મજાનો ગુણાકાર થશે.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

P.S. ફિલ્મમાં અરિજિત સિંઘના કંઠે ગવાયેલી ગઝલ ‘ગુલોં મેં રંગ ભરે’નું મેહદી હસને ગાયેલું ઑરિજિનલ વર્ઝન સાંભળવું હોય તો આ રહ્યુંઃ

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

આર… રાજકુમાર

અરરર… રાજકુમાર!

***

રંગ રંગ વાદળિયાં જેવી પ્રભુદેવાની વધુ એક બીબાંઢાળ ફિલ્મ જોવા કરતાં ચ્યવનપ્રાશનો એક ડબ્બો ખરીદીને ખાવો વધારે ફાયદાકારક છે!

***

એક જમાનો હતો જ્યારે પ્રભુદેવા ભારતના માઇકલ જેક્સન ગણાતા અને શરીરમાં જાણે હાડકાંને બદલે ઇલાસ્ટિકવાળું રબર ફિટ કરેલું હોય એવો ડાન્સ કરતા. ડાન્સ તો એ હજી કરે છે, પરંતુ પછીથી એમને ફિલ્મો ડિરેક્ટ કરવાનો ચેપ લાગી ગયો. દક્ષિણથી શરૂ થયેલો એમનો ચેપ હવે બોલિવૂડ સુધી પહોંચ્યો છે. જાણે ઝેરોક્સની દુકાન ખોલી હોય એમ એક પછી એક સરખી જ બીબાંઢાળ ફિલ્મો આપ્યે જાય છે. શાહિદ કપૂર અને સોનાક્ષી સિંહા (બીજું તો કોણ હોય!)ને લઇને બનાવેલી ‘આર… રાજકુમાર’ પ્રભુદેવાની વધુ એક રંગ રંગ વાદળિયાં છાપ ઝેરોક્સ કોપી છે, જેમાં કશું જ નવું કે ઇવન જોવા જેવું પણ નથી.

પિક્ચર પ્રભુદેવા સ્ટાઇલ

ધરતીપુર નામનું એક ગામ છે. એ ભારતના કયા ભાગમાં આવેલું છે એ તો ખબર નથી, પણ ત્યાં ખુલ્લેઆમ અફીણની ખેતી અને અફીણનો કારોબાર થાય છે. અહીંનું અફીણ વિદેશ રવાના કરાય છે. અફીણના એ કારોબાર પર કબજો જમાવવા માટે શિવરાજ (સોનુ સૂદ) અને માનિક પરમાર (આશિષ વિદ્યાર્થી) વચ્ચે દુશ્મની ચાલે છે. એ માથાકૂટમાં કોઇ લેવાદેવા વગર રોમિયો રાજકુમાર (શાહિદ કપૂર) સામેલ થઇ જાય છે. શાહિદ સોનુ સૂદનો વિશ્વાસ જીતીને એના માટે કામ કરવા માંડે છે. ત્યાં જ ગામાં જ્યાં ત્યાં આંટાફેરા કરતી અને મવાલીઓનાં માથાં પર બાટલીઓ ફોડતી ચંદા (સોનાક્ષી સિંહા) શાહિદને દેખાઇ જાય છે. શાહિદ ઇન્સ્ટન્ટ્લી એના પ્રેમમાં પડી જાય છે અને બે-ત્રણ ગીતો ગાઇ નાખે છે. એ સોનાક્ષી આશિષ વિદ્યાર્થીની ભત્રીજી નીકળે છે.

પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ એવો આવે છે કે સોનુ પણ સોનાક્ષીના પ્રેમમાં પડી જાય છે. એટલે સોનાક્ષી માટે સોનુ અને આશિષ બંને એક થઇ જાય છે. પરંતુ સોનાક્ષી કહે છે કે હું તો શાહિદને જ પરણવાની, જે કરવું હોય તે કરી લો. એટલે શાહિદ અને સોનુ બંને એકબીજાને ખતમ કરવા અને સોનાક્ષીને ખુશ કરવામાં પડી જાય છે. અને આ ભાંજગડમાં જ પિક્ચર પૂરું થઇ જાય છે!

પ્રભુદેવાનાં રોમિયો-જુલિયેટ?

આ ફિલ્મ કંઇક અંશે રોમિયો જુલિયેટની સ્ટોરીનું પ્રભુદેવા સ્ટાઇલનું એડપ્ટેશન લાગે. અહીં શાહિદનું નામ પણ ‘રોમિયો રાજકુમાર’ છે. અને ઇન્ટરવલ પછી તો ફિલ્મ બિલકુલ ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારા’ જેવી જ બની જાય છે. એમાં પણ સોનાક્ષીને કારણે અક્ષય અને ઇમરાન ઝઘડેલા, જ્યારે અહીં  એ જ સોનાક્ષીને કારણે શાહિદ અને સોનુ એકબીજાના ખૂનના પ્યાસા બની જાય છે.

પ્રભુદેવાની ફિલ્મ હોય એટલે અમુક બાબતો લ.સા.અ.ની જેમ એકસરખી જ રહેવાનીઃ સ્ટોરી એવી હોય કે જો મગજ લઇને થિયેટરમાં ગયા તો મગજ ખરાબ થવાની પૂરેપૂરી શક્યતા, રંગબેરંગી પેન્ટ પહેરીને જ્યાં ત્યાં ડાન્સ કરતા હીરો, નજીવી બાબતે થતી માથાકૂટમાં ગુરુત્વાકર્ષણની ઐસીતૈસી કરીને ફાઇટિંગ કરતા હિરોલોગ, જેને માત્ર સુંદર દેખાવા સિવાય કશું જ ન કરવાનું હોય એવી હિરોઇન (જે મોટેભાગે સોનાક્ષી સિંહા જ હોય!), રાધર આખી ફિલ્મ જ પુરુષોની હોય, એમાં સ્ત્રીઓનું કશું કામ જ ન હોય, અને હા, બે-ચાર કેચી અને સુપર્બ ડાન્સવાળાં ગીતો હોય. આ બધું એક તપેલામાં નાખીને હલાવો એટલે પ્રભુદેવાની કોઇપણ ફિલ્મ તૈયાર થઇ જાય!

નો સ્ટફ, ઓન્લી મસાલા

આર.. રાજકુમારની સ્ટોરી એટલી જરીપુરાણી અને બાલિશ છે કે નાનું બચ્ચું પણ એમાં આગળ શું થશે એ કહી શકે. ઉપરથી આપણને હસાવવા માટે મેકર્સ એટલી બધી મહેનત કરે છે, અરે, એમાં અમુક વર્ગને મજા પડે એટલા માટે ડબલ મીનિંગવાળાં વાક્યો પણ ઠપકારે છે, પણ ભાગ્યે જ હસવું આવે છે.

મોટે ભાગે વચ્ચે વચ્ચે આવતાં ગીતો ફિલ્મની સ્ટોરી અને ગતિમાં પંક્ચર પાડતાં હોય છે, જ્યારે અહીં તદ્દન ઊલટું છે. ફિલ્મ સાવ બોરિંગ છે અને પ્રીતમનાં ગીતો એકદમ કેચી અને ધમ્માલ છે. એટલે ગીતો ફિલ્મને અસહ્ય બનતી અટકાવે છે. એમાંય ‘ગંદી બાત’, ‘સાડી કે ફોલ સા’ અને ‘મત મારી’ તો યંગ ક્રાઉડમાં રીતસર સીટીઓ ઉઘરાવી લાવે તેવાં છે. એટલે ફિલ્મમાં સંગીતકાર પ્રીતમની મહેનત દેખાઇ આવે છે.

બીજો સિન્સિયર પ્રયાસ છે શાહિદ કપૂરનો. આ બંદો એક્ટિંગ સરસ કરે છે, કોમેડી માટે એને ગાંડાવેડા કરતો જોવો પણ ગમે છે, પરંતુ એ ફિલ્મોની પસંદગી કરવામાં માર ખાય છે, અથવા તો નસીબ એનો સાથ આપતું નથી. એટલે પોતાના પાર્ટમાં સેન્ચુરી મારવા છતાં આખું ટીમવર્ક કંગાળ હોઇ, અંતે તો મેચ હારી જ જાય છે. મતલબ કે ફિલ્મ પિટાઇ જાય છે.

અગાઉ ‘બુલેટરાજા’ વખતે કહેલું એમ, સોનાક્ષી જો આવા ગુડ ફોર નથિંગ રોલ જ કરતી રહેશે તો એની એક્ટિંગ ટેલન્ટ (જો હોય તો) ક્યારેય બહાર નહીં આવે, અને એ હાલતીચાલતી મેનિકિન બનીને જ રહી જશે.

હા, ફિલ્મમાં સોનુ સૂદનું કામ સરસ છે, પણ અગેઇન એ પણ દરેક ફિલ્મમાં એકસરખો જ રોલ કરે છે એટલે બીબાંઢાળ થઇ ગયો છે. અહીં ભરત દાભોળકર પણ છે, પરંતુ તદ્દન વેડફાયા છે.

‘ગુસ્સે સે બોલેગી તો નહીં જાઉગા, પ્યાર સે બોલેગી તો મર ભી જાઉગા’, ‘સાયલન્ટ હો જા વરના મૈં વાયલન્ટ હો જાઉગા’ જેવાં છૂટાંછવાયાં વનલાઇનર્સ ઇન્ટરેસ્ટિંગ છે, પણ અફસોસ, એ છૂટાંછવાયાં જ છે!

ઇન શોર્ટ

માત્ર પહેલા વીકએન્ડના ખીલે કૂદવા માટે બનાવાતી આવી એકસરખી બીબાંઢાળ અને બોરિંગ ફિલ્મોનો ટ્રેન્ડ પૂરો થાય તો સારી વાત છે. એક ડાન્સર તરીકે પ્રભુદેવા પ્રત્યે આપણને માન છે, પરંતુ તેનો ગેરલાભ ઉઠાવીને એ આપણી માથે આવી ભંગાર ફિલ્મો મારે એ તો જરાય ન ચલાવી લેવાય. માસ માટેનું મુવી હોય એટલે એમાં જાતભાતના મસાલા ભભરાવેલા હોય એ સમજી શકાય, પરંતુ માસનો પણ એક ક્લાસ હોવો જોઇએ. માત્ર મસાલાથી જ ફિલ્મ ન બને એ પ્રભુજીએ સમજવું જોઇએ. અને હા, શાહિદ અને સોનાક્ષી માટે તો હવે કારકિર્દીમાં મનોમંથનનો સમય પાકી ગયો છે. એટલે જે લોકો ખરેખરા સાહસિકો હોય અથવા તો શાહિદના ફેન હોય કે પછી ટીવી-રેડિયો પર હિટ એવાં બે-ત્રણ ગીતોને મોટા પડદે જોવામાં રસ ધરાવતા લોકોએ જ આ ફિલ્મ જોવા જવાની તસદી લેવી. બાકીના લોકો ટિકિટના પૈસા બચાવીને ચ્યવનપ્રાશ ખરીદીને ખાશે તો આ શિયાળે વધારે ફાયદો થશે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ફટા પોસ્ટર નિકલા હીરો

સંતોષી બની ગયા શેટ્ટી

***

‘અંદાઝ અપના અપના’ની યાદ અપાવે તેની રાજકુમાર સંતોષીની આ ‘ગૂફી’ ફિલ્મનું પેકેજિંગ અદ્દલ રોહિત શેટ્ટી સ્ટાઇલ છે.

***

14719-phata20poster20nikla20hero202013કળાની દુનિયામાં કહેવાય છે કે સર્જક પાસે જ્યારે સર્જકતા ખૂટી પડે છે, ત્યારે તે પોતાની જાતને જ રિપીટ કરવા માંડે છે. એક સમયે ઘાયલ, દામિની, ઘાતક, પુકાર, લજ્જા અને લેજન્ડ ઓફ ભગતસિંઘ જેવી ફિલ્મો બનાવી ચુકેલા રાજકુમાર હવે ખાસ્સા ‘સંતોષી’ થઇ ગયા લાગે છે. કેમ કે, એક તો એમણે ખાસ્સાં ચાર વર્ષ પછી ફિલ્મ બનાવી અને એ પણ પોતાની જ અંદાઝ અપના અપના અને અજબ પ્રેમ કી ગજબ કહાનીના હેંગઓવર જેવી ફટા પોસ્ટર નિકલા હીરો.

પહેલા વીકએન્ડનો શેટ્ટી ફોર્મ્યૂલા

પાછલાં ચાર વર્ષમાં રાજકુમાર સંતોષીએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહેલી રોહિત શેટ્ટીની ગોલમાલ છાપ અને સલમાનની દબંગ છાપ ફિલ્મો જોઇ જોઇને વિચાર્યું હશે કે બોસ, આવી ફારસ ટાઇપની ફિલ્મ તો આપણે છેક 1994માં જ્યારે સલમાન અને આમિર ‘ઉઇ મા’ અને  ‘હાઇલા’ કરતા હતા ત્યારે જ બનાવી ચૂક્યા છીએ. તો પછી શા માટે સિરિયસ ફિલ્મો પર ખૂબ બધું રિસર્ચ કરવાનું? અને એય પાછું એવી ફિલ્મો હીટ જવાની તો ગેરન્ટી ન જ હોય! આવી ફિલ્મો ભલે એકાદ અઠવાડિયું ખેંચે પણ ત્યાં સુધીમાં ચાલીસેક કરોડ રૂપિયા ઉસેટી લાવે તોય ઘણું! મતલબ કે આમાં ચટ રિલીઝ અને પટ કમાણી એવું લોજિક હોય તો પણ નવાઇ નહીં.

કોમેડી ઓફ એરર્સ

સાવિત્રીબેન (પદ્મિની કોલ્હાપુરે) મહારાષ્ટ્રના એક ગામડામાં રહે છે અને ઓટોરિક્ષા ચલાવીને પોતાના ઇકલૌતા દીકરાને ઉછેરે છે. એનો વર મુકેશ તિવારી એક ભ્રષ્ટ પોલીસ અધિકારી હતો અને એક ગુનામાં અકસ્માતે મૃત્યુ પામેલો. એટલે જ સાવિત્રીબુનને પોતાના દીકરાને એક ઇમાનદાર પુલિસ ઇન્સ્પેક્ટર બનાવવો છે, પણ દીકરા વિશ્વાસ રાવ (શાહિદ કપૂર)ના મગજમાં તો ફિલ્મી હીરો બનવાનું ભૂત ભરાયું છે. એટલે એને જ્યારે મુંબઇ જઇને પોલીસ ખાતામાં ભરતી થવાનો ચાન્સ મળે છે, ત્યારે એ પોલીસ બનવાને બદલે ફિલ્મ સ્ટુડિયોના આંટાફેરા કરતો થઇ જાય છે. એમાં એક દિવસ એને પોલીસના ગેટઅપમાં આંટા મારતો જોઇને એક ફૂટડી સોશિયલ વર્કર કાજલ (ઇલિઆના ડી ક્રૂઝ) એને કહે છે કે એ પોલીસવાળા સાહેબ, ત્યાં એક મોલની બહાર ગુંડાઓ છોકરીયુંની છેડતી કરે છે. આ ભાઇ પણ તાનમાં આવીને દબંગ સ્ટાઇલમાં ઊછળી ઊછળીને ગુંડાઓની હડ્ડીપસલી એક કરી નાખે છે.

હવે એ ગુંડાઓ સ્થાનિક ડોન ગુંડપ્પા (સૌરભ શુક્લા)ના આદમીઓ હોય છે. એ એરિયાનો અસલી પોલીસ ઇન્સ્પેક્ટર ઘોરપડે (ઝાકીર હુસૈન, સરકાર ફિલ્મનો રશીદ) એ ગુંડપ્પા પાસેથી કિલોગ્રામના હિસાબે હજાર હજારની અસલી નોટો લાંચ તરીકે લે છે એટલે એ ગુંડાઓને બદલે શાહિદ કપૂરને પકડવાના કામે લાગી જાય છે. હવે શાહિદે પોતાની મમ્મીને ખોટેખોટું કહી દીધું છે કે પોતે પોલીસ બની ગયો છે. એટલે ખાખીવર્દીમાં પોતાના દીકરાને જોવા માટે પદ્મિનીબેન મુંબઇ આવવાનું નક્કી કરે છે ત્યારે ડરી ગયેલો શાહિદ પોલીસ પોલીસ રમવાનું ચાલુ કરે છે. વચ્ચે પાછા બેત્રણ વાર ગુંડપ્પાના ગુંડાઓની પણ ધોલાઇ કરી લે છે. હવે સાચી પોલીસના કમિશનર શિવાનંદ ખરે (દર્શન જરીવાલા) અને પેલી ગુંડપ્પા-ઘોરપડે એન્ડ કંપની એમ બંને પાર્ટીઓ વિચારમાં પડે છે કે આ વળી કયો નવો પોલીસવાળો આવ્યો છે જેની આપણને પણ ખબર નથી?!

ત્યાં કહાનીમાં એકસાથે બે ટ્વિસ્ટ આવે છે. એક તો પદ્મિની કોલ્હાપુરેને ખબર પડી જાય છે કે એનો દીકરો એને અલીબાગથી આવેલી સમજીને બેવકૂફ બનાવે છે અને બિચારીને સખત આઘાત લાગે છે. બીજી બાજુ ગુંડપ્પાનો પણ બોસ એવો નેપોલિયન વિદેશથી મુંબઇમાં એક મહા ભયંકર એવું ‘ઓપરેશન વ્હાઇટ એલિફન્ટ’ પાર પાડવા આવી રહ્યો છે. પછી ધમાચકડી, ધબાધબી અને હસાહસી…

જૂની રસોઇનું ટેસ્ટી રિસાઇકલિંગ

નસિરુદ્દીન શાહની ફિલ્મ ‘હીરો હિરાલાલ’ના ડાયલોગમાંથી આ ફિલ્મનું નામ ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ રાખવામાં આવ્યું છે એ તો સૌ જાણે છે. પરંતુ ફિલ્મ જોયા પછી ખબર પડે છે કે આ ફિલ્મમાં તો બીજી ઘણી બધી ફિલ્મોના સંદર્ભો ઠપકારવામાં આવ્યા છે. જેમ કે, અંદાઝ અપના અપનાના સલમાન ખાનની ફિલ્મી હીરો બનવાની ઘેલછા અહીં છે. તો ખુદ સાચુકલો સલમાન ખાન ગેસ્ટ અપિયરન્સ પણ કરે છે અને આમિર ખાનની ફિરકી પણ લે છે. અજબ પ્રેમ કી ગજબ કહાનીનો કોમિક્સ જેવો લુક અને ગુંચવાડાવાળો ક્લાઇમેક્સ પણ અહીં છે. મુન્નાભાઇ એમબીબીએસના સંજુબાબા જે રીતે નકલી ડોક્ટર બનીને પિતા સુનિલ દત્તને મુરખ બનાવે છે, એ જ રીતે શાહિદ પણ પોતાની મમ્મી પદ્મિનીને નકલી પોલીસ બનીને મુરખ બનાવે છે. જેમ્સ બોન્ડની ફિલ્મો જેવાં ચિત્રવિચિત્ર ગેજેટ્સ પણ અહીં છે, તો હોલિવૂડની કોઇ સુપરહીરો ફિલ્મ જેવાં બાયોલિજકલ વેપનથી હુમલો કરવાની વાત પણ અહીં છે. અને અત્યારની બધી મસાલા ફિલ્મોની જેમ ન્યુટનને પણ ચક્કર આવી જાય એવી ગ્રેવિટીની ઐસી તૈસી કરીને કરાયેલી ફાઇટિંગ પણ છે. પાછા તો શાણા એવા કે બધી ફિલ્મોના પ્લોટ ઉઠાવે અને દોઢ ડાહ્યા થઇને એનો ઉલ્લેખ પણ કરી દે!

‘અજબ પ્રેમ કી…’માં હતાં એવા જ ગીતો સંગીતકાર પ્રીતમે બનાવવાની કોશિશ કરી છે અને ગાયકમાં પણ એ જ આતિફ અસલમનો શરદી થઇ હોય એવો અવાજ સંભળાયે રાખે છે. હા, અત્યારે માર્કેટમાં મિકા ચાલે છે એટલે મિકાનું ‘અગલ બગલ’વાળું સોંગ નખાયું છે, પણ એને બાદ કરતાં બધાં ગીતો તદ્દન કંગાળ અને ફિલ્મની ગતિને સજ્જડ બ્રેક લગાવે એવાં છે.  પેલી ‘રોકસ્ટાર’વાળી નરગિસ ફખરીનું એક આઇટેમસોંગ પણ છે, પરંતુ એ પણ એના કરતાં તો એ ગીત પછી શાહિદ કપૂર જે ગાંડા કાઢે છે એ જોવાની વધારે મજા આવે છે!

ટેલેન્ટથી ભરચક એવા રાજકુમાર સંતોષી જાણે રહી રહીને પોતાના જ પ્રેમમાં પડી ગયા હોય એમ પોતાની જ ફિલ્મોનાં પોસ્ટર ફડાવે, પોતાનાં જ ગીતો વગાડે અને પોતાની જ ફિલ્મોનાં સંદર્ભો ટાંકે એ બધું વધારે પડતું લાગે છે.

બાકી એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં શાહિદ કપૂર, સૌરભ શુક્લા, ઝાકિર હુસૈન, દર્શન જરીવાલા અને સંજય મિશ્રા ખરેખર મજા કરાવી દે છે. જ્યારે છેલ્લે બરફીમાં દેખાયેલી ઇલિનાના ભાગે ગીતો ગાવા સિવાય ખાસ કશું કામ છે નહીં.

દિમાગ ઘરે મૂકીને જજો

ઇન શોર્ટ, આ ફિલ્મમાં કશું જ નવું નથી, પરંતુ ગઇ રાતની ખીચડી લસણ નાખીને ફરીથી વઘારીને ખાઇએ તો મજા આવે. એ રીતે જૂનો માલ ઠપકાર્યો હોવા છતાં લગભગ બધી જ સિચ્યુએશનમાં આ ફિલ્મ હસાવવામાં સફળ જાય છે. બીજું, આ ફિલ્મ કોમેડી ઓફ એરર્સ પ્રકારની ટાઇમપાસ એન્ટરટેનર છે. એટલે એમાં ‘આવું કંઇ થોડું હોય’ એવા પ્રકારનું લોજિક શોધવા જવાની ભૂલ ન કરશો. અહીં ખૂનખાર વિલન પણ સેન્ટિમેન્ટલ થઇ જાય છે અને પોલીસ કમિશનર પણ નાના બચ્ચાની જેમ બેવકુફ બની જાય છે. ફિલ્મમાં બધું જેમ છે તે જ રીતે સ્વીકારી લેશો તો વધારે મજા આવશે. અને સૌથી મહત્ત્વનો પોઇન્ટ, આ ફિલ્મ એકદમ સાફસૂથરી ફેમિલી ફિલ્મ છે. ફિલ્મમાં ગંદા બેડરૂમ સીન કે ડબલ મિનીંગ ડાયલોગ્સ વગેરે કશું જ નથી. એક કિસિંગ સીન છે, પણ એય તદ્દન સાત્ત્વિક આયુર્વેદિક પ્રકારનો. ધેટ્સ ઓલ!

એટલે ફિલ્મ વિવેચકો આ ફિલ્મ બોગસ છે એવું કહીને એના પર માછલાં ધોશે, પરંતુ તમારે જો આખા અઠવાડિયાનો થાક ઉતારવો હોય કે બચ્ચાંલોગને લઇને એક સારી સાંજ પસાર કરવી હોય, તો આ ફિલ્મ ફાયદાનો સોદો છે. જોઇ આવો તમ તમારે!

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.