સરબજિત

હેડિંગઃ ટ્રેજિક કહાની, ફિલ્મી ઝુબાની

ઇન્ટ્રોઃ ફિલ્મી રોનાધોના, ડાયલોગબાજી, ગીતોના ભાર હેઠળ અસલી સરબજિત સિંઘની ટ્રેજિક દાસ્તાનની ઇમ્પેક્ટ દબાઈ ગઈ છે અને ફિલ્મ દલબીર કૌરની બનીને રહી ગઈ છે.

કોઈ મુદ્દો મીડિયાsarbjit-movie-trailerમાં અતિશય ચર્ચાયેલો હોય, છતાં તેના પરથી ફિલ્મ બનાવવાનું સળગતું હાથમાં લો, ત્યારે દર્શક તરીકે આપણી અપેક્ષા હોય કે ચલો કંઇક નવી વાત જાણવા મળશે, ક્યાંય ચર્ચાયા નથી એવા સવાલોના જવાબ મળશે. પરંતુ ઉમંગ કુમારની ‘સરબજિત’ ફિલ્મને આવા એકેય સવાલોના જવાબો શોધવામાં નહીં, બલકે આપણને બાલટી ભરીને રડાવવામાં જ રસ છે. જાણે સરબજિત સિંઘનું ‘વિકિપીડિયા’ પેજ વાંચીને બનાવી નાખી હોય તેમ આ ફિલ્મ એકેય નવી વાત કહેતી નથી. ઉપરથી છેક ફિલ્મના પહેલા સીનથી લઇને છેલ્લા સીન સુધી બધે જ ઠેકાણે સરબજિતની બહેન દલબીર કૌર જ છવાયેલી છે. એ હિસાબે તો ફિલ્મનું નામ ‘દલબીર’ જ રાખ્યું હોત તોય ચાલી જાત.

પિંજરની આરપાર

બે દીકરીઓનો બાપ, ભાઈ અને ગરીબ ખેડૂત સરબજિત સિંઘ (રણદીપ હૂડા) ઈ.સ. ૧૯૯૦ની એક રાતે દારૂના નશામાં બૉર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચી જાય છે. ત્યાં એને કોઈ ભળતા જ નામે પકડીને બોમ્બ બ્લાસ્ટનો આરોપી તથા ભારતીય જાસૂસ બનાવી દેવાય છે. આ બાજુ સરબજિતને શોધવા માટે એની બહેન દલબીર (ઐશ્વર્યા રાય), પત્ની સુખપ્રીત (રિચા ચઢ્ઢા) અને ગામલોકો આકાશ-પાતાળ એક કરી નાખે છે. મહિનાઓ પછી ખબર પડે છે કે એ તો પાકિસ્તાની જેલમાં છે. ત્યારથી એને છોડાવવા માટે દલબીર ‘માંઝી’ જેવું જ ભગીરથ કામ હાથમાં લે છે. ફાંસીની સજા પામેલો સરબજિત દુનિયાભરમાં ચર્ચાય છે. બહેન દલબીર પરિવાર સાથે ભાઈ સુધી પહોંચે છે, પણ…

ઝરા આંખ મેં ભર લો પાની

લુચ્ચા પાકિસ્તાને સરબજિતને પકડીને એના પર અત્યંત ગંભીર આરોપો લગાવેલા. એ વાતમાં હકીકત કેટલી હતી તે ક્યારેય બહાર આવવાનું નથી, પરંતુ બીજી માનવીય હકીકત એ છે કે એણે પોતાની જિંદગીના અઢી દાયકા અમાનુષી ત્રાસની વચ્ચે પાકિસ્તાની જેલમાં કાઢી નાખ્યા અને એવા જ કરુણ મોતે મર્યો. એ સ્ટોરી ગ્લિસરિનની બૉટલની મદદ વગર પણ રડવું આવે એવી ટ્રેજિક છે. પરંતુ અગાઉ ફિલ્મી ‘મૅરી કોમ’ બનાવી ચૂકેલા ઉમંગ કુમારને આપણી સંવેદનશીલતા પર કદાચ ભરોસો નહીં હોય. એટલે એક તો એમણે પર્પલ હોઠવાળી ઐશ્વર્યાને કાસ્ટ કરી અને એની લાલ આંખો કરીને એને પંજાબની પાંચેય નદીઓમાં પૂર આવી જાય એટલી રડાવી. ઐશ્વર્યાનો પ્રોબ્લેમ એ છે કે એ હવે સતત તાર સપ્તકમાં જ બોલે છે. ડિરેક્ટર ઉમંગ કુમારે એને બૉર્ડર પરથી ચીસો પડાવીને છેક કોટ લખપત જેલ સુધી એનો અવાજ ન પહોંચાડ્યો એ જ ગનીમત છે. અભિષેક બચ્ચનની જેમ હવે ઐશ્વર્યાની દર બીજી ફિલ્મ પણ ‘કમ બૅક ફિલ્મ’ જ ગણાય છે. એ કારણ હોય કે ગમે તે, પણ અહીં દિલ્હીથી લાહોર વાયા પંજાબ બધે ઐશ્વર્યા જ છવાયેલી છે. સરબજિતને શોધવાનું કામ પણ પિતા એને જ સોંપે, ટપાલો પણ એ જ લખે, દિલ્હીની હડિયાપટ્ટી અને આંદોલનો પણ એ જ કરે. એ તો ઠીક, પણ જાણે દુઃખ પણ એને એકલીને જ થાય. આ ‘હરિકેન ઐશ્વર્યા’માં રિચા ચઢ્ઢા જેવી પાવરફુલ એક્ટર રીતસર પરાણે દબાયેલી લાગે છે. એનું પાત્ર શું કામ દબાયેલું રહે છે એવી કોઈ ચોખવટ નથી. ઐશ્વર્યાનો કલબલાટ જોઇને આપણને સતત એવી બીક લાગ્યા કરે કે હમણાં રિચા ચઢ્ઢાનો મગજ જશે અને એ ઐશ્વર્યા કરતાંય મોટા અવાજે બૂમાબૂમ કરી મૂકશે. સૌથી ખરાબ બાબત એ છે કે આટલી રડારોળ છતાં, ધોળાવાળ-ચશ્માંના મૅકઅપ છતાં, અવાજના ટૉનમાં બદલાવ છતાં ઐશ્વર્યાની ઍક્ટિંગ-પીડા નેચરલ લાગતી નથી. ઊડીને સીધી આંખમાં ખૂંચી જાય એવી વાત એ છે કે ઉંમર ખાલી ઐશ્વર્યાની જ દેખાય છે, રિચા ચઢ્ઢા તો જાણે ‘પતંજલિ’ની પ્રોડક્ટ વાપરતી હોય એમ ગોરી ચિટ્ટી જ રહે છે. કદાચ મૅકઅપનું ફોકસ પણ ઍશ જ રહી છે.

પણ બૉસ, રણદીપ હૂડા અત્યારે કોહલી જેવા સુપર ફોર્મમાં છે. અહીં એક સૅકન્ડ માટે પણ એ સરબજિતના કૅરેક્ટરમાંથી બહાર નીકળતો નથી. જેલમાં એના પર થતું ખોફનાક ટૉર્ચર, વર્ષોની યાતના પછી એનાં શરીર, અવાજ અને બૉડી લૅંગ્વેજમાં આવતું પરિવર્તન એ બધું જ જૅન્યુઇન લાગે છે. સરબજિતનો પરિવાર જ્યારે એને વર્ષો પછી પહેલી વાર જેલમાં મળવા આવે છે, તે આખી ફિલ્મનો બેસ્ટ સીન છે. પરિવાર આવે એ પહેલાંની એની તૈયારીઓ, એ મેળાપ વખતના સંવાદો બધું જ (ઐશ્વર્યાની હાજરી છતાં) હચમચાવી મૂકે તેવું છે. એ સીનમાં સરબજિતની પત્ની અને બંને દીકરીઓ પણ હાજર છે, છતાં કેન્દ્રમાં તો ઍશ જ રહે છે. ઇવન સીટિંગ એરેન્જમેન્ટ પણ એવું જ છે.

આપણા ફિલ્મકારો કદાચ એવું માને છે કે લાગણીઓને ગીતમાં રજૂ નહીં કરીએ તો આ દેશના પાષાણ હૃદયી લોકો કદાચ સમજશે જ નહીં. એટલે જ જન્મ, લગ્ન, પીડા, એકલતા, વિરહ, દુવા બધા માટે એકેક ગીત ઠાલવ્યું છે. તેને કારણે આપણનેય આ ફિલ્મ સરબજિતની સજા જેવી જ લાંબી લાગવા માંડે છે.

આ ફિલ્મનું ફલક અઢી દાયકામાં પથરાયેલું છે. એટલે વીતતો સમય તથા તેની સાથે ઘટતી ઘટનાઓ સરબજિતના કૅસ પર કેવી અસર પાડે છે એ માટે પોખરણનાં પરમાણુ પરીક્ષણ, સંસદ પરનો તથા 26/11નો તાજ પરનો હુમલો, કસાબ-અફઝલ ગુરુની ફાંસી વગેરેના ન્યુઝ બતાવાય છે. આપણને મોટા સ્ક્રીન પર ‘દૂરદર્શન’નાં શમ્મી નારંગ અને કાવેરી મુખર્જી જેવાં વીતેલા યુગનાં ન્યુઝ રીડરને જોઇને ઑથેન્ટિક હરખ પણ થાય. પરંતુ ટાઇમલાઇનની જેમ ફટાફટ બનતી એ ઘટનાઓ વીતતાં વર્ષોનો આભાસ કરાવતી નથી. જાણે વિકિપીડિયા પૅજમાં હોય એટલે નેતા, એક્ટિવિસ્ટો, વકીલનાં પાત્રો અચાનક ફૂટી નીકળે. ફોર એક્ઝામ્પલ, અગાઉ ‘મૅરી કોમ’ અને ‘NH10’માં દેખાયેલો દર્શન કુમાર અહીં સરબજિતના પાકિસ્તાની વકીલ અવૈસ શેખના રોલમાં છે. દેશવાસીઓનો વિરોધ વેઠીને પણ એ સરબજિત માટે લડે છે. શા માટે એ આ ફિલ્મ કહેતી નથી. હા, આ ફિલ્મના પ્રમાણમાં ક્યાંય સારો એવો એનો એક સુપર સટાયરિકલ સીન છે, જેમાં એ પોતાનું જ પૂતળું બાળે છે. આખી ફિલ્મમાં એવી સ્માર્ટનેસ ક્યાંય નથી.

ભાઈને બચાવવા નીકળેલી ઐશ્વર્યા અચાનક કૅરિકેચરિશ મીડિયાની સામે ઇલેક્શનમાં ઊભી હોય એમ બે દેશની એકતાની વાતો કરવા માંડે અને અચાનક ત્યાંના સિક્યોરિટી ગાર્ડને પણ ‘ગદર’ના સની દેઓલની સ્ટાઇલમાં હાકલી નાખે, ત્યારે થાય કે અમાં યાર, યે કુછ ઝ્યાદા હો ગયા!

ફેંસલો તમારો

માત્ર રણદીપ હૂડાની ઍક્ટિંગ અને અમુક દૃશ્યોને બાદ કરતાં બાકીની ફિલ્મ વેઠવા માટે તમારે બે રૂનાં પૂમડાં અને એક સારામાંના રૂમાલની જરૂર પડશે. ફિલ્મને અંતે વાસ્તવિક સ્થિતિ બયાન કરતા કેટલાક ફૅક્ટની સાથોસાથ મહાનતાથી છલકાતો ડિરેક્ટરનો ક્વૉટ પણ ડિસ્પ્લે થશે. જેના પર વિશ્વાસ કરવા માટે તમારાં આંસુડાંથી ભીનો થયેલો રૂમાલ કામમાં આવશે.

રૅટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

લાલ રંગ

હેડિંગઃ લોહીનો રંગ કાળો

***

ઇન્ટ્રોઃ લોહીના બ્લૅકમાર્કેટનો બોલ્ડ સબ્જેક્ટ, ઑથેન્ટિક હરિયાણવી ફ્લેવર અને રણદીપ હૂડાનું ઝન્નાટેદાર પર્ફોર્મન્સ. ત્રણ મજબૂત કારણ છે આ ફિલ્મ જોવા માટેનાં.

***

ઑડિયન્સlaal-rang-official તરીકે આપણો મોટો પ્રોબ્લેમ એ છે કે આપણને નવું જોઇએ છે પણ જૂના જેવું જ. સહેજ અલગ વિષય, નોખી ટ્રીટમેન્ટવાળી કે મોટી સ્ટારકાસ્ટ વગરની ફિલ્મ આવે એટલે થિયેટરમાં ઑડિયન્સ કરતાં સ્ટાફની સંખ્યા વધી જાય. ખરેખર તે ફિલ્મ જોવા ઇચ્છતા બે-પાંચ લોકો માંડ નીકળે, જે પબ્લિકના અભાવે શૉ કેન્સલ થવાને કારણે ધોયેલા મૂળાની જેમ પાછા જાય. આ આખા કકળાટનું લેટેસ્ટ ઉદાહરણ છે ગઇકાલે રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલ રંગ.’ નામ પરથી લાગે કે આ તો કોઈ નક્સલવાદ પર બનેલી ફિલ્મ હશે, પણ એમાં જે વાત કહેવાઈ છે એ જોઇને ભલભલા લોકો થથરી જાય. કેમ કે, આપણા દેશમાં કંઈ પણ શક્ય છે.

લહૂ કે દો રંગ

ઍસ્ટ્રોનૉટ કલ્પના ચાવલા ફૅમ હરિયાણાના કર્નાલમાં શંકર મલિક (રણદીપ હૂડા) નામનો એક ‘ખૂન ચોર’ પોતાનું લોહીના બ્લેકમાર્કેટિંગનું લોહિયાળ રેકેટ ચલાવે છે. સરકારી દવાખાનાં, બ્લડ બૅન્કો અને બ્લડ ડૉનેશન કૅમ્પોમાંથી લોહીની તસ્કરી કરીને ખાનગી હૉસ્પિટલોને ઊંચા દામે પહોંચાડે. સામે રસ્તે રઝળતા પ્રોફેશનલ બ્લડ ડૉનરોને ચણા-મમરા જેવી રકમ આપીને એનું લોહી નિચોવી લે અને હૉસ્પિટલોને પધરાવી દે. લોહીના આ ધંધામાં રહેલી કાળી કમાણી જોઇને રાજેશ ધીમાન (અક્ષય ઓબેરોય) નામના જુવાનિયાને થયું કે આ તો ચરબીદાર ધંધો છે. વળી, એ લેબ ટેક્નોલોજીનું જ ભણે, એટલે મોસાળમાં જમણ અને મા પીરસનાર જેવો ઘાટ. બસ, બંનેની જોડી જામી ગઈ. સાઇડ ટ્રેકમાં બંનેની લવસ્ટોરી પણ ચાલે. એકની સફળ ને બીજાની ડબ્બાડૂલ. હવે, ઘડો પાપનો હોય કે લોહીનો હોય કે પછી લાલચનો, ભરાયા વિના રહે ખરો?

ખૂન કી કીમ

સૈયદ અહમદ અફઝલ નામના યંગ રાઇટર-ડિરેક્ટરે આ ફિલ્મ બનાવી છે (એણે જ અગાઉ ‘યંગિસ્તાન’ નામે ફિલ્મ બનાવેલી. આ તો જસ્ટ કોઈ પૂછે તો કહેવા માટે.) આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે તેનું ઑથેન્ટિક હરિયાણવી કલ્ચર. ત્યાંની સરકારી કચેરીઓ, હૉસ્પિટલો, ખાઇબદેલા ક્લર્કો, ચાની ટપરીઓ અને સાઇકલ રિક્ષાઓ, બધી વાતમાં જુગાડ કરતા ફાંદેબાજ લોકો, તોછડાઈથી દમ મારતા તાઉઓ, બટકબોલી છોકરીઓ અને સીધા હરિયાણામાં ટેલિપોર્ટ થઈ ગયા હોઇએ એવી ટિપિકલ હરિયાણવી બોલી.

જો આ ફિલ્મમાં રણદીપ હૂડા નામનો બાહુબલિ જેવો મજબૂત એક્ટર ન હોત તો આ ફિલ્મ કદાચ બોરિંગ ડૉક્યુડ્રામા બનીને રહી ગઈ હોત. આ એક્ટર આમ તો હરિયાણાનો જ છોરો છે એટલે એને ‘શંકર મલિક’નું આ પાત્ર ભજવવામાં ઝાઝી મહેનત નહીં પડી હોય. એનું પાત્ર એવું દિલથી લખાયું છે કે તેમાં દોસ્તી, આશિકી, ઉદારતા, લંપટતા, બહાદૂરી, લોહીનો વેપાર કરવાની ક્રિમિનલ વૃત્તિ પરંતુ અંદરથી ૨૪ કેરેટ સોનાનું હૃદય આ બધા જ ભાવ કોકટેલની જેમ પર્ફેક્ટ બ્લૅન્ડ થયા છે. બાઇક પર પીળા ગોગલ્સ, ચળકતાં કપડાં અને રિવોલ્વિંગ બક્કલવાળો બૅલ્ટ પહેરીને ફરતા હૂડાને ઑબ્ઝર્વ કરવા માટે જ આ ફિલ્મ ફરીથી જોવી પડે એવું છે. એની હરિયાણવી બોલી અને એમાં ડૂબાડેલા ‘ઇબ ક્યા તિલક કરાયેગા’, ‘પીસા’ (પૈસા), ‘ખસમ’, ‘કે ખબર હૈ’, ‘ઓ બેટ્ટે’ જેવા શબ્દપ્રયોગો સાંભળવા માત્રથી હરિયાણવી બોલીનો ક્રેશ કોર્સ થઈ જાય.

આ ફિલ્મ સરસ રીતે લખાયેલી તેનો લિટમસ ટેસ્ટ એ છે કે તેનાં નાનાંમાં નાનાં પાત્રો પણ યાદ રહી જાય તેવાં બન્યાં છે. પછી તે કામના સમયે ઑફિસમાં બેસીને ભીંડાં સમારતી લંપટ હૅડક્લર્ક હોય, ખોટું અંગ્રેજી બોલતી ચિબાવલી ગર્લફ્રેન્ડ હોય, રસ્તે રઝળતો બહુરૂપિયો હોય, હૉસ્પિટલનો લૅબ ટેક્નિશિયન હોય કે પછી હૉસ્પિટલનો વૉર્ડબૉય હોય. ફિલ્મના એકદમ શાર્પ ડાયલોગ્સ પણ સૅટાયર, ઑબ્ઝર્વેશન અને ફિલોસોફીથી ભરેલાં છે. જેમ કે, ‘તાઉ, નસબંદી સે બદન મેં કમજોરી ના આવે, દિમાગ મેં આવે’, ‘ડેન્ગી તો ફસલ હૈ, જો બોયી ભગવાન ને હૈ ઔર કાટતે હમ હૈ’, ‘જેલ મૈં ગયા, સુધર તુ ગયા.’

આપણે ત્યાં મોઢા પર મેકઅપના થપેડા લગાવીને રસ્તે રઝળતાં ભૂતપ્રેતવાળી ફિલ્મોને જ ‘હોરર ફિલ્મ’ કહેવાનો રિવાજ છે. પરંતુ જો આ ફિલ્મમાં કહેવાયેલી વાતમાં એક ટીપા જેટલી પણ સચ્ચાઈ હોય, તો તે કોઈ ખોફનાક હોરર ફિલ્મથી કમ નથી. આ ફિલ્મની શરૂઆતમાં જ કહેવાય છે કે, ‘જ્યાં સુધી આપણા કોઈ સ્વજનને લોહીની જરૂર ન હોય ત્યાં સુધી આપણને તેની કિંમત સમજાતી નથી.’ કટોકટીની સ્થિતિમાં કોઇનો જીવ બચી જાય એવી ઉમદા ભાવનાથી આપણે રક્તદાન કરીએ અને દરેક ક્ષેત્રમાં બને છે એમ એ લોહીની સોદાબાજી થવા માંડે તો? આપણા જ કોઈ સ્વજનના શરીરમાં ક્યાંકથી આવેલું ગંદું અને રોગિષ્ઠ લોહી ઘૂસી જાય તો? ઇન્ટરનેટ પર જરાક સર્ચ મારીએ તો આવા કિસ્સાઓથી ન્યૂઝ વેબસાઇટો ઉભરાય છે. ત્યારે આ ફિલ્મનું હોરર વધુ ઘટ્ટ બને છે. ફિલ્મના રાઇટિંગની મૅચ્યોરિટી એવી છે કે લોહી ચોરી લાવતા એક પાત્રનું હુલામણું નામ ‘ડ્રેકુલા’ છે. એ જ પાત્ર જ્યારે લોહી ભરેલી થેલીઓ છૂટ્ટી ફેંકે ત્યારે આપણી આંખો થીજીને સ્ક્રીન પર જ જામ થઈ જાય. અરે, સુભાષબાબુના ‘તુમ મુઝે ખૂન દો’નો આ ફિલ્મ જેવો ખોફનાક અર્થ તો કોઇએ નહીં વિચાર્યો હોય.

હવે આટલાં ઓવારણાં લીધાં પછી ચૂંટિયા ખણવાનો વારો. એક પલ્પ ફિક્શન જેવી આ ડાર્ક થ્રિલર એની ઍનાકોન્ડા છાપ લંબાઈને કારણે આપણને કંટાળાનું ઇન્જેક્શન મારી દે છે. લગભગ અઢી કલાકની આ ફિલ્મ ખાસ કરીને સૅકન્ડ હાફમાં કોઈ દેખીતા કારણ વગર લંબાયા કરે છે. જાણે આપણને જમાડીને ઘરે મોકલવાના હોય એમ ડિરેક્ટરને વાર્તા પતાવવાની કોઈ ઉતાવળ જ દેખાતી નથી. દર થોડીવારે ડ્રૉનથી લીધેલા એરિયલ શૉટ્સ આવ્યા કરે અને ફિલ્મ પૂરી થવાનું નામ ન લે. ‘બાવડી બૂચ કહે દિલ કી’ જેવાં આ ફિલ્મનાં ગીતમાંથી પણ હરિયાણાની માટીની સુગંધ આવે છે, પણ એ સુગંધ ફિલ્મની થ્રિલ મોળી પાડી દે છે. રણદીપ હૂડા સિવાયનાં કલાકારો સરસ છે, પણ તે ફિલ્મને ઊંચકી લે એવા મજબૂત નથી. ઇવન ગલુડિયા જેવો ચહેરો લઇને ફરતા સાઇડ હીરો અક્ષય ઓબેરોયના પાત્રનો ભય, પસ્તાવો પણ આપણા સુધી પહોંચતા નથી.

પરંતુ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એક બાજુ આ ફિલ્મ આટલો ગંભીર મુદ્દો ઉઠાવે છે અને બીજી બાજુ આપણને ક્યાંય એવું કહેવાતું નથી કે આ કથા સત્યઘટના પર આધારિત છે કે પછી કાલ્પનિક છે (જોકે ગૂગલ આપણા શકને યકીનમાં બદલી નાખે છે). ક્યાંય કોઈ ઑથેન્ટિક આંકડા, ન્યૂઝ કે બચવાના ઉપાયોની વાત થતી નથી (આની સામે ‘ઉડતા પંજાબ’ના ટ્રેલરમાં જ ડ્રગ એડિક્ટોના આંકડા વેરી દેવાયા છે). ઉપરાંત સૅકન્ડ હાફ પ્રીડિક્ટેબલ પણ એટલો જ છે.

બ્લડ ટેસ્ટ કરાવી આવો

એકદમ ઑફબીટ સબ્જેક્ટ ધરાવતી આ ફિલ્મમાં જાણીતા કલાકારોનું ન હોવું એ આપણે ત્યાં મોટો ‘ગુનો’ છે. પરંતુ તમે જો સ્ટાર કરતાં સબસ્ટન્સને વધુ મહત્ત્વ આપતા હો અને સારી ફિલ્મ જોવી એ જ તમારો એકમાત્ર હેતુ હોય તો આ ફિલ્મ તમારા માટે છે. ફિલ્મ જોઇને બૉલીવુડના અન્ડરરેટેડ એક્ટર એવા રણદીપ હૂડા માટે નવેસરથી માનનું શેર લોહી ચડી જશે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

મૈં ઔર ચાર્લ્સ

ચોર, પોલીસ અને વાયડાઈ

***

આ ફિલ્મ કરતાં ચાર્લ્સ શોભરાજનું વિકિપીડિયા પેજ વધારે થ્રિલિંગ છે.

***

ce8bb94e6be73e66f15f2acc726a48b6ડિરેક્ટર પ્રવાલ રામનની ‘મૈં ઔર ચાર્લ્સ’નાં એક દૃશ્યમાં જેલમાં જેલની અંદર બાકાયદા પાર્ટી ચાલી રહી છે. આખી જેલ કોઈ નાઇટ ક્લબમાં કન્વર્ટ થઈ ગઈ છે અને ડફોળ જેલર એક માદક યુવતીને ગૌરવભેર કહે છે, ‘આ મારી ચૅમ્બર છે, યુ નૉ.’ થોડા સમય પછી એ જ જેલના કેદી એવા સિરિયલ કિલર ચાર્લ્સની બર્થડેનું સેલિબ્રેશન થાય છે. ઉજવણીના ભાગરૂપે જેલમાં સૌને કસ્ટર્ડની બનેલી વાનગી ખવડાવવામાં આવે છે. લેકિન વાનગીમાં ઘેનની દવા ભેળવેલી છે. થોડીવાર પછી આખી જેલ બેહોશ પડી છે અને ચાર્લ્સ બિનધાસ્ત જેલમાંથી નીકળી જાય છે. જતાં જતાં જાણે ફરવા આવ્યો હોય તેમ જેલની અંદર બહાર ફોટા પણ પડાવે છે. આ બંને દૃશ્યો જોઇને આપણે આંખો ચોળીએ કે આપણી પોલીસે ખરેખર આવી મુર્ખામી કરી હશે? પરંતુ હા, ભારતે જોયેલો સૌથી મોટો ચોરટો ચાર્લ્સ શોભરાજ ઉર્ફ ‘બિકિની કિલર’ આ જ રીતે જેલમાંથી ભાગી છૂટેલો.

ચાર્લ્સ વિશે કહેવાય છે કે એ કોઇપણ છોકરીને લગભગ હિપ્નોટાઇઝ કરીને ભોળવી લેતો. કદાચ ડિરેક્ટર પ્રવાલ રામન સાથે પણ એવું જ થયું છે. આખી ફિલ્મ એમણે ચાર્લ્સના મોહમાં જ બનાવી છે, પરંતુ તેમાં ચોર-પોલીસ ટાઇપની ‘કૉન મુવી’માં હોવી જોઇએ એવી થ્રિલ ક્યાંય દેખાતી નથી.

કૅચ મી ઇફ યુ કૅન

આખી ફિલ્મમાં ક્યાંય ચાર્લ્સ (રણદીપ હૂડા)નું આખું નામ બોલાતું નથી. છતાં આપણે સમજી લેવાનું છે કે વાત કુખ્યાત ઠગ ચાર્લ્સ શોભરાજની થઈ રહી છે. થાઇલૅન્ડમાં એક પછી એક યુવતીઓની લાશ મળે છે, જે બંનેની સાથે જોડાયેલો છે ચાર્લ્સ નામનો ઠગ. થાઇલૅન્ડની પોલીસથી ભાગીને ચાર્લ્સ ભારત આવે છે અને અહીં મુખ્યત્વે પાસપોર્ટ માટે લોકોને ઠગવાનું શરૂ કરે છે. મોટે ભાગે એનો શિકાર યુવતીઓ અને હિપ્પીઓ હોય છે. દિલ્હીના એક ઉચ્ચ પોલીસ અધિકારી અમોદ કાન્ત (આદિલ હુસૈન) ચાર્લ્સને પકડવાની ગાંઠ વાળે છે અને મહા મહેનતે એને ધરબી લે છે. ચાર્લ્સ પકડાય છે, પોતાનો રેઝરશાર્પ દિમાગ વાપરીને છટકે છે, ફરી પકડાય છે અને એને સજા પણ થાય છે. ત્યાં સુધીમાં ચાર્લ્સ એક ઇન્ટરનેશનલ સેલિબ્રિટી બની ગયો છે, પોતાના ઇન્ટરવ્યૂઝ અને પોતાની લાઇફ પરથી ફિલ્મો બનાવવાના હકો વેચીને કરોડોપતિ થઈ ગયો છે. એટલું જ નહીં, છેલ્લે ચાર્લ્સની વધુ એક દિમાગી ચાલ ઉઘાડી પણ પડે છે.

ચોરી કરો, મગર સ્ટાઇલ સે

ચાર્લ્સ શોભરાજ તરીકે રણદીપ હૂડા લગભગ પર્ફેક્ટ લાગે છે. અલબત્ત, એની વિગ અને ઉપલા હોઠ નીચે દબાવેલું પ્રોસ્થેટિક ફિલર કૃત્રિમ લાગે છે. તેમ છતાં ફ્રેન્ચ છાંટવાળું અંગ્રેજી- હિન્દી, એનાં ડિઝાઇનર કપડાં, પીળા રંગનાં ગોગલ્સ, એના કિલર લુક્સ આ બધાનું કોમ્બિનેશન જોઇને લાગે કે અસલી ચાર્લ્સ કંઇક આવો જ લુચ્ચો હશે. પરંતુ પહેલી નજરે એકદમ સ્ટાઇલિશ લાગતી આ ફિલ્મમાં એક નહીં, અઢાર વાંધા છે.

આજથી તેર વર્ષ પહેલાં સ્ટિવન સ્પીલબર્ગે ચાર્લ્સ શોભરાજ જેવા જ ફ્રેન્ક એબેગ્નેલ નામના ગઠિયા પર ‘કૅચ મી ઇફ યુ કૅન’ નામની અદ્દલ આવી જ ફિલ્મ બનાવી હતી. તે સુપરહીટ ફિલ્મ અને પ્રવાલભાઈની આ ‘મૈં ઔર ચાર્લ્સ’ વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે સ્પીલબર્ગે ત્યારે કોઇનો પક્ષ નહોતો લીધો. જ્યારે અહીં પ્રવાલભાઈ દેખીતી રીતે જ ચાર્લ્સની પર્સનાલિટી અને પરાક્રમોથી અંજાયેલા લાગે છે. એટલે જ ચાર્લ્સના કૅસની તપાસ કરતા અધિકારી બનતા આદિલ હુસૈન સિવાય ફિલ્મનાં તમામ પાત્રો- ઇન્ક્લુડિંગ આદિલ હુસૈનની પત્ની બનતી ટિસ્કા ચોપરા- ચાર્લ્સથી પ્રભાવિત છે. દર બીજું વાક્ય ચાર્લ્સનાં ઓવારણાં લેતું જ લખાયું છે. કેવી રીતે ચાર્લ્સ જેલમાં ‘મૅટ્રોપોલિસ’ અને ‘ગ્રેટ એસ્કેપ’ જેવી ક્લાસિક ફિલ્મો જુએ છે, એ કેવો મહાન રીડર છે જે હિટલરની ‘મેઇન કામ્ફ’ જેવી બુક વાંચે છે, કાયદાનો જાણકાર છે એવી તારીફોના જ પુલ બાધવામાં આવ્યા છે. તેમ છતાં આ ફિલ્મ એક્ઝેક્ટ્લી ચાર્લ્સ શોભરાજ જેવા સિરિયલ કિલર-ઠગના માઇન્ડની અંદર જરા પણ ડોકિયું કરાવતી નથી. એ કઈ રીતે હત્યાઓ કરે છે, લોકોને છેતરે છે એવી કોઈ વાતનું ડિટેલિંગ અહીં નથી. ઇન ફૅક્ટ, ડિઝાઇનર કપડાં પહેરીને પૉઝ આપવા સિવાય આ ચાર્લ્સ ખાસ કશું જ કરતો નથી. એના ઉચ્ચારોથી અડધા અંગ્રેજી-ફ્રેન્ચમાં રહેલા સંવાદો પણ સમજાતા નથી.

સિત્તેર-એંસીના દાયકાનું ભારત ક્રિએટ કરવામાં પ્રવાલ રામને ખાસ્સી જહેમત લીધી છે. જૂના ફોન, ટીવી, સ્પૂલવાળાં ઑડિયો રેકોર્ડર, દૂરદર્શન, એરપોર્ટ, હિપ્પી કલ્ચર, ‘જબ છાયે મેરા જાદૂ’ જેવાં ગીતો વગાડતાં ક્લબ વગેરે એમણે આબાદ રીતે સર્જ્યાં છે. પરંતુ જેટલી સ્ટાઇલ ખુદ ચાર્લ્સની નહીં હોય એના કરતાં વધુ સ્ટાઇલ આ ફિલ્મના સ્ટોરી ટેલિંગમાં મરાઈ છે. ફિલ્મના સ્ટાર્ટિંગથી લઇને સતત એટલી બધી વાર વર્ષો આગળ-પાછળ થતાં રહે છે કે ખબર જ ન પડે કે એક્ઝેક્ટ્લી કયા સમયગાળામાં વાર્તા ચાલી રહી છે. ઉપરથી બનેલી ઘટનાઓ, બની શકી હોત તેવી ઘટનાઓ, ફ્લૅશબૅક વગેરે બધું જ એકસાથે ઠૂંસી દેવાયું છે. એટલે જરા પણ બેધ્યાન રહીએ તો લશ્કર ક્યાં લડે છે એ જ ખબર ન પડે.

આ ફિલ્મ કથિત રીતે તો ચાર્લ્સ શોભરાજની લાઇફ પરથી બની છે. પરંતુ આ તેની બાયોપિક હરગિજ નથી. એક્ચ્યુઅલી, શોભરાજની બાયોગ્રાફીના માત્ર બે જ પેરેગ્રાફ પર ફોકસ કરીને જ આ ફિલ્મ બનાવાઈ છે. એટલે જ શોભરાજની પત્ની, એનું બાળક, એનો ભાઈ, એણે ફ્રાન્સમાં કરેલાં પરાક્રમો કે ઇવન ભારતની જેલમાંથી છૂટ્યા પછી ફરી પાછાં ફ્રાન્સનાં પરાક્રમ, એ પછી નેપાળમાં એનું આગમન, ત્યાં એનાથી ખાસ્સી નાની ઉંમરની એની ગર્લફ્રેન્ડ નિહિતા બિશ્વાસ (જે પાછળથી ‘બિગ બૉસ-5’માં પણ આવેલી) વગેરે કોઈ જ બાબતોનો કશો જ ઉલ્લેખ આ ફિલ્મમાં નથી. અત્યારે ૭૧ વર્ષનો શોભરાજ નેપાળમાં આજીવન કારાવાસ ભોગવી રહ્યો છે, પણ ફિલ્મ જોઇને નીકળીએ તો એવું જ લાગે કે જાણે ચાર્લ્સ એક જ બુદ્ધિશાળી છે અને પોલીસ તો ધૂળ ફાકે છે. ઇવન પોલીસને ચાર્લ્સના ભૂતકાળની ખબર કેવી રીતે ન હોય તેવા લોજિકલ સવાલોના પણ કોઈ જ ઉત્તર નથી. ફિલ્મનું નામ ‘મૈં ઔર ચાર્લ્સ છે એટલે તેમાં ‘મૈં’ તરીકે પોલીસ અધિકારી આદિલ હુસૈન હોવા જોઇએ. પરંતુ ફિલ્મ જરાય આ ‘મૈં’ના પોઇન્ટ ઑફ વ્યૂથી કહેવાઈ નથી.

માત્ર બે કલાકની હોવા છતાં આ ફિલ્મ એક પણ તબક્કે થ્રિલનો અનુભવ કરાવતી નથી. ઉપરથી અત્યંત ધીમી અને કેટલાય બિનજરૂરી સીનથી ભરચક છે. હા, એટલું ખરું કે ફિલ્મનાં ત્રણ મુખ્ય કલાકાર રણદીપ હૂડા, આદિલ હુસૈન અને રિચા ચઢ્ઢાની મહેનત દેખાઈ આવે છે.

ડૅથ બાય બોરડમ

આ ફિલ્મના મુખ્ય વિલન તેનું ખાસ્સું લૅઝી રાઇટિંગ, અત્યંત ધીમું અને વધુ પડતી વાયડાઈ ભરેલું ઑવર સ્ટાઇલિશ સ્ટોરિટેલિંગ અને છદ્મ બાયોપિક ટાઇપનો અપ્રોચ છે. સૅટ ડિઝાઇનિંગ, કેમેરા એન્ગલ્સ, બૅકગ્રાઉન્ડમાં દૂરદર્શનની સિગ્નેચર ટ્યૂન કે ‘એક ચીડિયા’ જેવા (ઇરાદાપૂર્વક નખાયેલા) છૂટક પ્રયોગો અને ત્રણ અદાકારોની એક્ટિંગ માટે ‘એ’ સર્ટિફિકેટવાળી આ ફિલ્મ જોઈ શકાય. સમજીને નિર્ણય લેજો, નહીંતર તમે પણ આ ફિલ્મી ચાર્લ્સ શોભરાજની છેતરપીંડીના વધુ એક શિકાર બનશો.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ઉંગલી

સિસ્ટમ કો બદલ ડાલો

***

આ કંગાળ ફિલ્મ એક જ કુ-સંદેશ આપે છે, ભ્રષ્ટાચાર સામે લડવું હોય તો હવે એક જ રસ્તો બચ્યો છે, કાયદાની ઐસીતૈસી કરી નાખો.

***

362256xcitefun-ungli-movie-poster-1લગભગ એક દાયકા પહેલાં પેજ થ્રી ફિલ્મ આવી ત્યારે એવું કહેવાતું કે (દેશની સડી ગયેલી) સિસ્ટમને બદલવી હોય તો સિસ્ટમમાં રહીને જ આ કામ કરવું પડે. પરંતુ હવે આવી રહેલી એક પછી એક ફિલ્મોમાં એવો ડેન્જરસ મેસેજ આપવાનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કે આ દેશની ભંગાર થઈ ગયેલી સિસ્ટમ બદલાશે જ નહીં, માટે એને ભાંગીને ભુક્કો કરી નાખો. આવું જ પોલિટિકલી ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ આ શુક્રવારે રિલીઝ થયેલી ડિરેક્ટર રેન્સિલ ડીસિલ્વાની ફિલ્મ ‘ઉંગલી’. આ ફિલ્મ વિશે સૌથી મોટી પોઝિટિવ વાત એ જ છે કે કે માત્ર ૧૧૪ મિનિટની જ છે.

સિસ્ટમને ઉંગલી કરતી ગેંગ

અભય (રણદીપ હૂડા), માયા (કંગના રનોટ), કલીમ (અંગદ બેદી) અને ગૌતમ ઉર્ફ ગોટી (નીલ ભૂપાલમ), ચાર એવા દોસ્તો છે જે અલગ અલગ ક્ષેત્રોમાં સક્રિય છે, પરંતુ ભારતમાં કેન્સરની જેમ વ્યાપેલા ભ્રષ્ટાચાર અને લાગવગશાહીથી અત્યંત ત્રાસેલા છે. એટલે એ લોકો એક ‘ઉંગલી’ ગેંગ બનાવે છે. ચહેરા છુપાવીને પણ વીડિયો મીડિયામાં મોકલીને આ ગેંગ એવાં કારનામાં કરે છે કે ભ્રષ્ટાચારીઓને તો અડધી રાતે ધગધગતો સૂરજ દેખાઈ જાય. પરંતુ જ્યારે નેતાઓ પણ એમની અડફેટે ચડે છે ત્યારે પોલીસના પેટમાં તેલ રેડાય છે. ઉંગલી ગેંગને પકડવાનું કામ સોંપાય છે ઈમાનદાર એસીપી અશોક કાલે (સંજય દત્ત)ને. સંજય દત્ત આ કામની ખો આપે છે એક ફટકેલ દિમાગના પોલીસમેન નિખિલ અભયંકર (ઈમરાન હાશ્મી)ને. કામ પાર પાડવા આ નિખિલ પણ ઉંગલી ગેંગની જ ફિલોસોફી અપનાવે છે કે ઘી સીધી અને ટેઢી ઉંગલીથી ન નીકળે તો વચ્ચેનો રસ્તો અપનાવવો પડે છે. હવે સવાલ એ છે કે આ ગેંગ પકડાશે? દેશની સિસ્ટમ બદલાશે? અને બીજું કે ઉંગલી ગેંગને આવા ધંધા કરવાની જરૂર શા માટે પડી?

દિમાગને ઉંગલી કરતી ફિલ્મ

આ ફિલ્મના લેખક-ડિરેક્ટર રેન્સિલ ડીસિલ્વાએ અગાઉ કુરબાન જેવી હથોડાછાપ ફિલ્મ બનાવી હતી. એમના બાયોડેટામાં અક્સ, રંગ દે બસંતી અને સ્ટુડન્ટ ઑફ ધ યર જેવી ફિલ્મો પણ બોલે છે. પરંતુ આ ફિલ્મ બનાવતાં પહેલાં કાં તો એમણે ઝાઝું વિચાર્યું નથી અથવા તો કોઈએ એમને સમ આપીને પરાણે આ ફિલ્મ બનાવડાવી હોય એવું લાગે છે. કેમ કે આ ઉંગલીના લગભગ બધા જ ડિપાર્ટમેન્ટમાં આપણા દેશની સિસ્ટમ જેવી જ ઘોર બેદરકારી દેખાય છે.

પહેલી અને સૌથી મહત્ત્વની વાત, આપણા દેશની વર્તમાન સ્થિતિ પ્રત્યે ડોકાતો ભયંકર નિરાશાવાદ. છેક અમિતાભની અંધા કાનૂન કે શહેનશાહ, કમલ હાસનની હિન્દુસ્તાની અને અનિલ કપૂરની નાયકથી લઇને નસિરુદ્દીન શાહની અ વેન્સડે અને તાજેતરની સિંઘમ સુધીની ફિલ્મો ચોખ્ખો એવો મેસેજ આપતી ફરે છે કે હવે આપણા ભ્રષ્ટાચારથી ત્રસ્ત આપણા દેશમાં સામાન્ય લોકો જ્યાં સુધી કાયદો પોતાના હાથમાં નહીં લે ત્યાં સુધી પાંદડુંય હલવાનું નથી. એટલું જ નહીં, આવી ફિલ્મોમાં ગાંધીજીના શાશ્વત વિચારોને પણ છડેચોક ગાળો ભાંડવામાં આવે છે. આવી ફિલ્મો સામાજિક મુદ્દા ઉઠાવવાના નામે માત્ર ટોળાંશાહીને જ ઉત્તેજન આપે છે. બૉક્સ ઑફિસ પર તે કદાચ રૂપિયા રળી આપે, પણ સમાજમાં એવો સ્ટ્રોંગ મેસેજ આપે છે કે આ દેશનું હવે કશું થવાનું નથી. જો આ વાતમાં જરાય દમ હોત તો આપણા દેશની લોકશાહી ક્યારનીયે ભાંગી પડી હોત.

તમે દેશની વર્તમાન સ્થિતિની વાત કરતી ફિલ્મ બનાવતા હો, તો તેમાં લોજિક નામનું તત્ત્વ હોવું જોઇએ. આ ઉંગલીના દર બીજા સીનમાં એક એવી વાત આવે છે જ્યાં કોમનસેન્સના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ આવીને ઊભો રહી જાય છે. જેમ કે સ્પાઇડર મેન કે સુપર મેનની પાછળ હકીકતમાં કોણ છે તે શહેરમાં કોઈ જાણતું ન હોય, તેવું સુપરહીરો મુવીઝમાં ચાલે, પરંતુ મુંબઈમાં નેતાના બંગલામાં ઘૂસીને એની બૅન્ડ બજાવતા લોકો છેક સુધી કોઈની સામે જ ન આવે એ વાત તો કાયમચૂર્ણ લઇને ફિલ્મ જોઇએ તોય હજમ ન થાય.

આ ફિલ્મના એકેય કલાકારે જીવ રેડીને એક્ટિંગ કરી હોય એવું દેખાતું નથી. ઇમરાન હાશ્મી અને રણદીપ હૂડા તો ડિરેક્ટરે ‘કટ’ બોલ્યા પછી ફટાફટ ગાડીમાં બેસીને ભાગી ગયા હોય એવું સતત લાગ્યા કરે છે. ઈવન કંગના-જેણે આખી ક્વીન ફિલ્મ પોતાના ખભે ઉપાડેલી તે-પણ આખી ફિલ્મમાં અલપ ઝલપ દેખાય છે અને માત્ર ઇન્જેક્શનો આપવાનું જ કામ કરે છે. હીરો-હિરોઇન પ્રેમમાં ન પડે તો ફિલ્મ ચાલે જ નહીં એવું માનતા આપણા ફિલ્મમેકરોએ ઈમરાન-કંગનાને મેગી નૂડલ્સ બનાવતા હોય એ ઝડપે પ્રેમમાં પાડી દીધાં છે, જે સંજય દત્ત પ્રામાણિક પોલીસ અધિકારીની ભૂમિકા કરતો હોય એના જેટલું જ કૃત્રિમ લાગે છે. અને સંજય દત્ત આટલો થાકેલો અને ઘરડો તો અગાઉ ક્યારેય નહીં દેખાયો હોય. હા, હજી ફિલ્મમાં નેહા ધૂપિયા, મહેશ માંજરેકર, રીમા લાગૂ, રઝા મુરાદ, અરુણોદય સિંહ જેવાં કલાકારો પણ છે, પણ બધાં જ અનુક્રમે ટિપિકલ ન્યૂઝ ચેનલના પત્રકાર, માફિયા, મા, પોલીસ વડા, બોડી બિલ્ડર જેવા કેરિકેચરિશ રોલમાં છે.

સાવ ઊભડક રીતે શરૂ થઇને પૂરી થઈ જતી આ ફિલ્મમાં પાત્રો તો સરખાં એસ્ટાબ્લિશ થયાં નથી, સાથોસાથ ગીતોમાં પણ કંઈ દમ નથી. એક માત્ર શ્રદ્ધા કપૂરને ચમકાવતું ‘ડાન્સ બસંતી’ ગીત સારું બન્યું છે, પરંતુ ખરેખર તો આ ફિલ્મને ગીતોની જરૂર જ નહોતી. તદ્દન શીખાઉ રીતે લખાયેલી આ ફિલ્મમાં બાકીનો દાટ મિલાપ ઝવેરીના ચાલુ કિસમના સંવાદોએ વાળ્યો છે. સૅમ્પલ, ‘આપ (ઇન્સ્પેક્ટર) કાલે હૈ, તો હમ ભી દિલવાલે હૈં!’

ઉંગલીને બતાવો અંગૂઠો

આ ફિલ્મના કલાકારો મળીને અવનવી રીતે ભ્રષ્ટાચારીઓની જે દશા બગાડે છે એ જોવાની મજા પડે છે. આપણને થાય કે આવા પૈસાખાઉ લોકો સાથે તો આવું જ કરવું જોઇએ. પરંતુ સાથોસાથ એ પણ વિચાર આવે કે બધા લોકો પોતાનો ન્યાય જાતે જ તોળવા માંડશે, તો પછી આપણી કોર્ટો શું કરશે? બે કલાકથી પણ ઓછા મનોરંજન માટે પૈસા બગાડવા હોય તો થિયેટર સુધી લાંબા થજો, બાકી થોડા સમયમાં ટીવી પર તો આવવાની જ છે.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

રંગરસિયા

યે કૌન ચિત્રકાર હૈ?

***

એક અફલાતૂન કલાકૃતિ જેવી આ ફિલ્મ આટલાં વર્ષથી સેન્સરમાં અટવાયેલી હતી તે આપણા ફિલ્મ ઉદ્યોગની કમનસીબી છે.

***

pmkxkz7j5ajw33ew-d-0-nandana-sen-randeep-hooda-rang-rasiya-movie-new-posterઓશો રજનીશ કહેતા કે કોઈ વસ્તુને કોઇનાથી છુપાવવી હોય તો તેને બરાબર તેની નજર સામે જ મૂકી દો. વ્યંગમાં કહેવાયેલી આ વાત આપણા વારસાની બાબતમાં કરુણ રીતે સાચી ઠરે છે. હોલિવૂડની ફિલ્મોના પ્રતાપે આપણે ત્યાં લોકો લિયોનાર્દો દ વિન્ચી વિશે જેટલું જાણતા હશે એના કરતાં હજારમા ભાગનું પણ ઓગણીસમી સદીના ધરખમ ભારતીય ચિત્રકાર રાજા રવિ વર્મા વિશે નહીં જાણતા હોય. કરોડો ભારતીયો કેલેન્ડરમાં છપાયેલાં દેવી-દેવતાઓ તરીકે રોજિંદા ધોરણે એમનાં ચિત્રો નિહાળે છે-પૂજે છે, પરંતુ તેના સર્જક વિશે મુઠ્ઠીભર કળારસિકો સિવાય ભાગ્યે જ કોઈને ખબર હોય છે. ૨૦૦૮થી બનીને તૈયાર પડેલી કેતન મહેતાની ફિલ્મ ‘રંગ રસિયા’ ફાઇનલી છ વર્ષ પછી સેન્સર સાથેના સંઘર્ષ પછી રિલીઝ થઈ છે. સમયના કેન્વાસ પર રંગ, કળા, વિવાદ, વિચાર, શૃંગાર, ધર્મના લસરકા સાથેની આ ફિલ્મ સિનેમાના ચાહકોએ ચૂકવા જેવી નથી.

કળા વર્સસ સંસ્કૃતિ

 

a16qsqr2botl
રાજા રવિ વર્મા

૧૮૪૮માં ત્રાવણકોર (કેરળ)માં જન્મેલા રાજા રવિ વર્મા (રણદીપ હૂડા) એક અત્યંત પ્રતિભાશાળી ચિત્રકાર હતા. એમની કળા અને ઉપલબ્ધિઓથી ખુશ થઇને ત્રાવણકોરના મહારાજા (આશિષ વિદ્યાર્થી) એમને ‘રાજા’ની પદવી આપે છે. પરંતુ મહારાજાના અવસાન પછી રાજગાદીએ બિરાજેલા એના નાના ભાઈ (પ્રશાંત નારાયણન) સાથેના ખટરાગ અને પત્ની સાથેના સંબંધ વિચ્છેદથી વ્યથિત રવિ વર્મા મુંબઈની વાટ પકડે છે. ત્યાં તે બરોડા સ્ટેટના દીવાન (સચિન ખેડેકર)ને ત્યાં રહે છે. અહીં એમની મુલાકાત થાય છે સુગંધા (નંદના સેન) સાથે. તેનું અફાટ સૌંદર્ય રવિ વર્માને ચિત્રો બનાવવા માટે પ્રેરિત કરે છે. તે દરમિયાન વર્મા બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને ત્યાં રહીને ભારતીય સંસ્કૃતિની ગાથાઓ આલેખતાં ચિત્રો બનાવવાનું બીડું ઝડપે છે. ભારતના ભવ્ય વારસાને પ્રત્યક્ષ નિહાળ્યા બાદ તે સુગંધાને પ્રેરણામૂર્તિ તરીકે રાખીને ભારતીય દેવી-દેવતાઓનાં ચિત્રો દોરે છે. આ જ ચિત્રોના જાહેર એક્ઝિબિશન દરમિયાન રવિ વર્મા જુએ છે કે લોકોને એમણે તૈયાર કરેલાં દેવી-દેવતાઓમાં સાક્ષાત્ ઈશ્વરનાં દર્શન થાય છે. એટલે વર્મા એક જર્મન પ્રિન્ટર ફ્રિટ્ઝ લાઇઝર (જર્મન અભિનેતા જિમ બીવન) સાથે મળીને એક પ્રેસ શરૂ કરે છે અને પોતાનાં ચિત્રોને જથ્થાબંધ સંખ્યામાં છાપીને દેશના ખૂણેખૂણામાં પહોંચાડવાનું નક્કી કરે છે.

 

આ જ અરસામાં રવિ વર્માએ દોરેલાં કેટલાંક નગ્ન ચિત્રો વિવાદ પકડે છે. જ્યારે હિન્દુ રક્ષા સમિતિના વડા પંડિત ચિંતામણિ (દર્શન જરીવાલા) તરફથી પણ એમના પર કાયદેસર કેસ ચાલે છે કે આખરે ઈશ્વરનાં ચિત્રો બનાવવાની અને તેનું વેપારીકરણ કરવાની અનુમતિ રવિ વર્માને કોણે આપી? આ કેસની સાથે જ કળા, અભિવ્યક્તિ, ધર્મ, સંસ્કૃતિના પણ સવાલો ઉપસ્થિત થાય છે.

દરેક સ્ટ્રોકમાં સિક્સર

આપણા ગુજરાતી ફિલ્મમેકર કેતન મહેતાએ રાજા રવિ વર્માના જીવન અને ત્યારના ભારતને સજીવન કરવામાં ભારે જહેમત ઉઠાવી છે. તેને કારણે આ ફિલ્મ અલગ અલગ ઘણાં કારણોસર મસ્ટ વૉચ મુવીઝની કેટેગરીમાં આવીને બેસે છે. જેમ કે…

 

91dwdhanjjl-_sl1500_
રાજા રવિ વર્માએ સર્જેલું ‘સરસ્વતી’ દેવીનું વિખ્યાત પેઇન્ટિંગ

કારણ-૧ – રાજા રવિ વર્માનાં ચિત્રોઃ દેવી સરસ્વતી, લક્ષ્મીજી, રામાયણ-મહાભારતના પ્રસંગો, મેનકા દ્વારા વિશ્વામિત્રનો તપોભંગ, ઉર્વશી અને પુરુરવાની પ્રેમકહાણી, નળ-દમયંતી, યશોદા-બાલકૃષ્ણ, રાધા-કૃષ્ણ, દીવાન પર બેઠેલી સ્ત્રી વગેરે પ્રખ્યાત ચિત્રોનાં સર્જન પાછળથી કથાઓ અત્યંત રોમાંચક છે. નંદના સેનને મોડલ તરીકે રાખીને રિક્રિએટ થતાં આ ચિત્રો આપણી આંખ સામે સજીવન થઈ ઊઠે છે એ કળારસિકોના રૂંવાડા ઊભા કરી દેવા માટે સક્ષમ છે.

 

કારણ-૨ – આર્ટ ડિરેક્શન અને પ્રોડક્શનઃ પ્રોડક્શન ડિઝાઇનર નીતિન ચંદ્રકાન્ત દેસાઈ ફરીફરીને સાબિત કરતા આવ્યા છે કે આધુનિકતાની આપાધાપી વચ્ચે ઐતિહાસિક ભારત ખડું કરવામાં એમનો જોટો જડે તેમ નથી. અહીં પણ તેઓ જાણે આપણને ટાઇમટ્રાવેલ કરાવતા હોય એમ એમણે ઓગણીસમી સદીનું મુંબઈ, કેરળ ખડું કરી દીધું છે. આખી ‘રંગ રસિયા’ ફિલ્મમાં ત્યારનાં શહેરો, લોકોના પહેરવેશ, વાહનવ્યવહાર, રીત-રિવાજો, માન્યતાઓ, દક્ષિણ ભારતની માતૃ પ્રધાન સમાજ વ્યવસ્થા વગેરે આપણી સામે આંખ મરડીને બેઠું થઈ જાય છે. નીતિન દેસાઈનું આર્ટ ડિરેક્શન કહો કે કેતન મહેતાની કાબેલિયત કહો, આખી ફિલ્મ જાણે એક હાલતું ચાલતું પેઇન્ટિંગ હોય તેવું લાગે છે.

કારણ-૩ – સમાંતરે ચાલતી સંસ્કૃતિઓનો ઉદયઃ રાજા રવિ વર્મા જે કાળખંડમાં જીવી ગયા તે આપણી આઝાદી તથા પૂર્ણ સ્વરાજ્યની માગણીના, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના, ફોટોગ્રાફી અને સિનેમાના, ભારતમાં સિનેમાનાં પગરણના સૂર્યોદયનો સમય હતો. આથી જ રવિ વર્માની વાર્તાની સાથોસાથ લોકમાન્ય ટિળક પૂર્ણ સ્વરાજ્યની માગણી કરતા હોય, દાદાભાઈ નવરોજી પણ સ્વતંત્રતાની વાત કરતા હોય, તાજી સ્થપાયેલી કોંગ્રેસ ભાખોડિયાંભર ચાલતી હોય, સ્ટિલ કેમેરાથી ફોટા પડતા હોય, મોડર્ન સિનેમાના શોધકો લ્યુમિએર બ્રધર્સ મુંબઈની વોટસન હોટલમાં પોતાના ‘સિનેમેટોગ્રાફ’નું ડેમોન્સ્ટ્રેશન આપતા હોય, ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકે રવિ વર્માના આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હોય (જોકે પરેશ મોકાશીની પ્રખ્યાત મરાઠી ફિલ્મ ‘હરિશ્ચંદ્રાચી ફેક્ટરી’માં રાજા રવિ વર્માનો ઉલ્લેખ સુધ્ધાં નહોતો એ આશ્ચર્યજનક વાત છે.)… આ બધું જ મુખ્ય વાર્તાની સમાંતરે ચાલતું રહે છે, જે ફિલ્મના આનંદને ઓર નક્કર બનાવે છે.

કારણ-૪ – શૃંગાર રસઃ સુષ્ઠુ સુષ્ઠુ જોવા ટેવાયેલા આપણા દર્શકોને આઘાત લાગે તે રીતે કેતન મહેતાએ આ ફિલ્મમાં શૃંગાર રસનું નિરુપણ કર્યું છે. આપણી ફિલ્મોમાં કદાચ પહેલી જ વાર અહીં નારી દેહની ફ્રન્ટલ ન્યૂડિટી દેખાઈ છે. આ જ કારણોસર કેતન મહેતાએ સેન્સર બોર્ડ સામે લાંબી ફાઇટ પણ કરી છે. પરંતુ આ નગ્નતા જરાય અશ્લીલ કે બિભત્સ લાગતી નથી. બલકે નખશિખ પ્રેમ અને શૃંગારિક લાગે છે. આ ફિલ્મમેકરની સફળતા છે.

કારણ-૫ – વૈચારિક દ્વંદ્વઃ ‘રંગ રસિયા’ વર્તમાન સમયમાં રાજા રવિ વર્માનાં ચિત્રોની હરાજી વખતે ચાલી રહેલા હિંસક વિરોધથી શરૂ થાય છે અને બીજી જ સેકન્ડે તે ઓગણીસમી સદીમાં એવા તબક્કે પહોંચી જાય છે, જ્યાં આ જ (ચિત્રોમાં નગ્નતાનાં) કારણોસર એમના પર કાયદેસરની કાર્યવાહી ચાલેલી. આ જક્સ્ટાપોઝિશન છાપરે ચડીને કહી આપે છે કે ભલે સમય બદલાયો હોય, પરંતુ એક પ્રજા તરીકે આપણી માનસિકતા સહેજ પણ બદલાઈ નથી. વળી, તે સમયની સંકુચિત ધાર્મિક માન્યતાઓના સંવાદો સાંભળીને આપણી અત્યારની ઓડિયન્સ હસે છે, પરંતુ કરુણતા એ છે કે એવા જ ધર્માંધ ખ્યાલો આજે પણ જીવે છે, બલકે ઓર મજબૂત થઈ રહ્યા છે. ઉપરાંત ફિલ્મ આપણને એ વિચારતા કરી મૂકે છે કે શું વિશ્વમાં ધર્મ જ સૌથી વધુ વેચાય છે? શું આપણે આપણી કલ્પનાઓને પણ ભયના પાંજરામાં પૂરી દીધી છે? શું આપણી કામસૂત્ર અને ખજૂરાહોની મહાન સંસ્કૃતિ નારીદેહનાં પ્રદર્શન માત્રથી તૂટી જાય એટલી તકલાદી છે? આ ઉપરાંત એક કળાકાર-સર્જકનું તરંગીપણું, એના નખરા, એનું ફ્રસ્ટ્રેશન, એને થતી પ્રેરણાની પળો, દુનિયાદારીથી એની અલિપ્તતા વગેરે બધું જ કેતન મહેતાએ આબેહૂબ ઝિલ્યું છે.

ચિત્રના કાળજે ડાઘ

આ ફિલ્મ એક અફલાતૂન ક્લાસિક કૃતિ બની શકી હોત, પરંતુ અમુક બાબતોએ તેની આડે જાણે બર્લિન વૉલ ખડી કરી દીધી છે. રંગ રસિયા ફિલ્મ મરાઠી સર્જક રણજિત દેસાઈની નવલકથા ‘રાજા રવિ વર્મા’ પરથી બનાવાઈ છે. પરંતુ કોઈ સંભવિત વિવાદથી હાથ ધોઈ નાખવા માગતા હોય તેમ કેતન મહેતાએ ફિલ્મની શરૂઆતમાં એવું કહીને હાથ ઊંચા કરી દીધા છે કે આ ફિલ્મ રાજા રવિ વર્માનું સત્તાવાર બાયોપિક (જીવનવૃત્તાંત) નથી. પરંતુ ફિલ્મનાં સ્થળ-કાળ, પાત્રો બધું જ સાચુકલું છે. તો પછી એકે પ્રેક્ષક તરીકે આપણે હકીકત અને કલ્પના વચ્ચે ભેદરેખા ક્યાં દોરવાની? આ ચોખવટને કારણે તો સમગ્ર ફિલ્મની ઑથેન્ટિસિટી ઉપર સવાલ ખડા થઈ જાય છે. ઘણી હકીકતો પણ ફિલ્મમાંથી ગાયબ છે. જેમ કે, રવિ વર્માને બે ભાઈ અને એક બહેન હતાં, જ્યારે ફિલ્મમાં એમને માત્ર એક ભાઈ હોવાનું દર્શાવાયું છે. એમને બે દીકરા અને ત્રણ દીકરીઓ પણ હતાં, પરંતુ ફિલ્મમાં આ બધાં જ ગાયબ છે. વળી, ફિલ્મમાં રવિ વર્મા જે રીતે કામુક પુરુષ બતાવાયા છે, તેવા એ વાસ્તવમાં હતા ખરા? આમાંથી કશાનો ઉત્તર ફિલ્મમાંથી મળતો નથી. ફિલ્મમાં એકપણ ઠેકાણે સાચા રવિવર્માની તસવીર ડિસ્પ્લે કરાઈ નથી.

અન્ય કસબીઓની કળા

રાજા રવિ વર્માના પાત્રમાં રણદીપ હૂડાએ એના અભિનયની મર્યાદાઓ છતાં પાત્રમાં જીવ રેડી દીધો છે. મારકણી આંખોવાળી નંદના સેનની ડાયલોગ ડિલિવરીમાં થોડા લોચા છે, પરંતુ એણે જે રીતે બોલ્ડ દૃશ્યો આપ્યાં છે એ આંખો પહોળી કરી દે છે. ઉપરાંત ફિલ્મમાં રહેલાં જથ્થાબંધ કલાકારો જેવાં કે પરેશ રાવલ, દર્શન જરીવાલા, સચિન ખેડેકર, વિક્રમ ગોખલે, સુહાસિની મૂળે, આશિષ વિદ્યાર્થી, ચિરાગ વોરા, વિપિન શર્મા, ફેરિના વઝીર, રજત કપૂર વગેરે પણ એમની જગ્યાએ પરફેક્ટ લાગે છે. સંદેશ શાંડિલ્યનું જસ્ટ અબોવ એવરેજ મ્યુઝિક હોવા છતાં ફિલ્મનો ટાઇટલ ટ્રેક અને ‘અનહદ નાદ જગા દે’ ગીતો ખરેખર સારાં બન્યાં છે. અહીંયા ખાસ ઉલ્લેખ અનિલ મહેતા ઉપરાંત ફિલ્મના બે વિદેશી સિનેમેટોગ્રાફર્સ ક્રિસ્ટો બાકાલોવ અને રાલી રાલ્ત્સેવનો તથા કોશ્ચ્યૂમ ડિઝાઇનર્સનો પણ કરવો પડે.

જોઈ નાખો આ કલાકૃતિને

જો તમને ખરેખર કશુંક હટ કે માણવામાં રસ હોય અને ભારતીય વારસાને, એક મહાન ભારતીય ટેલેન્ટને પિછાણવાની ઈચ્છા હોય, તો તમારે વહેલી તકે ‘રંગ રસિયા’ જોવા જવું જોઇએ. હા, ન્યૂડિટીના દેખીતા કારણોસર આ ફિલ્મને ‘એ’ સર્ટિફિકેટ અપાયું છે એટલે બાળકોને તો ભૂલેચૂકે પણ સાથે રાખશો નહીં. સાથોસાથ તમારા દિમાગની ખિડકિયાં પણ ખુલ્લી રાખીને જજો.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

કિક

ભાઈનો જય હો!

***

સલમાનભાઈના ફેન્સને તો આ ફિલ્મથી કિક વાગશે જ, પરંતુ જેમને સલમાનની ધડમાથા વિનાની ફિલ્મો ગમતી ન હોય એ લોકો પણ આ ફિલ્મથી ખાસ દુઃખી નહીં થાય.

***

download-high-resolution-hd-poster-of-kick-movie-8668આમ તો સલમાન ખાનની ફિલ્મ હોય એટલે એમાં ઝાઝું વિચારવાનું હોતું નથી. સ્ટોરી, સ્ક્રીનપ્લે, સહકલાકારો કે ઈવન હિરોઇન સુદ્ધાં ફોર્માલિટી ખાતર જ હોય છે. કારણ કે સલમાનનો ક્રેઝ એટલો બધો છે કે ચાહકો સલમાનનું નામ સાંભળીને જ બોક્સઓફિસ છલકાવી મૂકે છે. પરંતુ આ શુક્રવારે આવેલી ‘કિક’ તમામ લોચા-લબાચા છતાં એટલિસ્ટ સલમાન ખાનની અગાઉની ફિલ્મો કરતાં તો ઘણી સારી છે.

થિંક ઑફ ધ ડેવિલ

દેવીલાલ સિંહ (સલમાન ખાન) એવો જુવાનિયો છે, જેની પાસે એન્જિનિયરિંગની ડિગ્રી છે, પણ અત્યાર સુધીમાં બાવીસ નોકરીઓ બદલી ચૂક્યો છે. કેમ કે એકેય કામમાં એને કિક નહોતી વાગતી. કિક માટે એ પ્રેમીપંખીડાંનાં લગ્ન કરાવી આપે, રસ્તા પરથી ભયંકર રીતે એની વર્ણસંકર પ્રકારની બાઇક ચલાવે, સીડીને બદલે ઘરની બારીમાંથી કૂદીને નીચે ઊતરે, લિવરનું રાજીનામું પડી જાય એટલો બધો દારૂ પીવે વગેરે. એ કિકના ચક્કરમાં જ ભાઈને ભારતીય ડિપ્લોમેટ (સૌરભ શુક્લા)ની સકાએટ્રિસ્ટ દીકરી ડૉ. શાયના મેહરા (જેકલિન ફર્નાન્ડિઝ) સાથે ઈશ્ક-વિશ્ક થઈ જાય છે. પરંતુ બંનેનો પ્રેમ એકાદા લવ સોંગ પૂરતો જ મર્યાદિત રહે છે. કોઈ દેખીતા કારણ વિના બંને અલગ થઈ જાય છે.

હવે કહાનીમાં ટ્વિસ્ટ એવો આવે છે કે આમ સોનાનું દિલ ધરાવતો દેવીલાલ સિંહ અચાનક ડેવિલ બની જાય છે અને ક્રિશ જેવો માસ્ક પહેરીને કરોડો રૂપિયા લૂંટવા માંડે છે. કોઇને સમજાતું નથી કે તે આવું શા માટે કરે છે. વળી, તે બધી જ ચોરી એટલી સફાઈથી કરે છે કે કોઈ તેને ચહેરે ઓળખતું પણ નથી. આથી જ આ કેસની તપાસ જાંબાઝ પોલીસ અધિકારી હિમાંશુ ત્યાગી (રણદીપ હુડા)ને સોંપાય છે.

અત્યાર સુધી દિલ્હીમાં ચાલી રહેલી સ્ટોરી સીધી પોલેન્ડના શહેર વોર્સોમાં શિફ્ટ થાય છે. હોમ મિનિસ્ટર અને એમનો સનકી તથા અત્યંત ક્રૂર ભત્રીજો શિવ ગજરા (નવાઝુદ્દીન સિદ્દીકી) અહીં એક દવાની જંગી ડીલ માટે આવ્યા છે. એટલે ઈન્સ્પેક્ટર હિમાંશુને ખાતરી છે કે ડેવિલ એ પૈસા લૂંટવા માટે અહીં પણ આવશે જ. જોગાનુજોગ રૂપાળી શાયના એટલે કે જેકલિન પણ હવે અહીં જ રહે છે. જેકલિનને જોવા માટે અને ડેવિલને પકડવા માટે હુડાભાઉ પોલેન્ડની વાટ પકડે છે. તમને શું લાગે છે, ડેવિલ અહીં આવશે? હુડા ડેવિલને પકડી શકશે? અને બાય ધ વે, આ જ્યોતિ બની જ્વાલાની જેમ દેવીલાલ સલમાન ડેવિલ શું કામ બન્યો હશે? વેલ, એના જવાબો તો અઢી કલાકની આ ફિલ્મમાં જ છુપાયેલા છે.

સલમાનોત્સવ

‘કિક’ 2009માં આવેલી આ જ નામની તેલુગુ ફિલ્મની રિમેક છે. એટલું જ નહીં, પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા આ ફિલ્મથી ડિરેક્ટર પણ બન્યા છે. સ્ટોરી અને સ્ક્રીનપ્લેની રીતે જોઇએ તો તેમાં એટલાં મોટાં મોટાં બાકોરાં છે કે તેમાંથી આખી બુલેટ ટ્રેન પસાર થઈ જાય. તેમ છતાં દબંગ, રેડી, બોડીગાર્ડ, એક થા ટાઇગર પ્રકારની તદ્દન હથોડાછાપ ફિલ્મોની સરખામણીએ તો આ ફિલ્મ સુપર કિક છે. આપણને થાય કે સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મ વર્ષો અગાઉ બનાવી નાખી હોત તો કદાચ સલમાનના નામે સાવ ગાંડીઘેલી ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ જ ન થયો હોત. એની વે, આ કિક (ફિલ્મમાં બોલે છે એમ) ‘ઝેલેબલ’ બની છે તેનું એક કારણ કદાચ એ પણ છે કે તેના લેખકોની ટીમમાં રજત અરોરા અને ચેતન ભગત જેવાં નિવડેલાં નામો છે.

સલમાન ફેનક્લબને મજા પડે એવું આ ફિલ્મમાં બધું જ છે. સલમાન ગાય છે, ડાન્સ કરે છે, રૂંવાડા ખડા થઈ જાય (અને ધૂમ-3ની યાદ આવી જાય) એવી એક્શન સિક્વન્સિસ કરે છે, બાવડાં પણ બતાવે છે, અન્યાયની સામે લડે છે, સીટીમાર ડાયલોગ્સ પણ બોલે છે અને કોમેડી પણ કરે છે. આ બધા ઉપરાંત જાણે સલમાનના સ્ટારડમને અંજલિ આપવાની હોય એમ દબંગના સંદર્ભો પણ આવે છે અને એની અગાઉની ફિલ્મોનાં ડાન્સ સ્ટેપ્સ પણ આવે છે. સલમાન રિયલ લાઇફમાં કેવો ઉમદા ‘બીઇંગ હ્યુમન’ છે એવું બતાડવાનો પણ અહીં ભરપુર પ્રયાસ કરાયો છે.

ઠીક કિક

ટોમ એન્ડ જેરીની પકડાપકડી જેવી આ ફિલ્મની સ્ટોરી આમ તો અત્યંત નાનકડી છે, કદાચ એ જ કારણ હોય કે કેમ પણ ફિલ્મ શરૂ થયાની પહેલી એકાદ કલાક સુધી હળવી રોમેન્ટિક કોમેડી જ ચાલ્યા કરે છે. ગાડી મૂળ પાટે ચડતી જ નથી. મ્યુઝિક ડિપાર્ટમેન્ટમાં હિમેશ રેશમિયા, મીત બ્રધર્સ અને યો યો હની સિંઘ જેવાં નામ છે, પણ ફિલ્મનું મ્યુઝિક જનરલી સલમાનની ફિલ્મોમાં હોય છે એવું ધમાકેદાર નથી. એમાંય વચ્ચે અચાનક ટપકી પડતું નરગિસ ફખરીવાળું આઇટેમ સોંગ (જે મૈંનુ યાર ના મિલે) અને જુમ્મે કી રાત તો ફિલ્મના માંડ ગતિ પકડી રહેલા ફ્લો પર જીવલેણ હુમલો કરવા સિવાય કશું જ નથી કરતાં. આ બે ગીતોથી ચોખ્ખું દેખાઈ આવે કે સલમાનના ચાહકોને રિઝવવા માટે પરાણે નાખવામાં આવેલો આ અનિવાર્ય મસાલો છે.

આ ફિલ્મનું એક મોટું આકર્ષણ છે નવાઝુદ્દીન સિદ્દીકી, જે પહેલીવાર મેજર નેગેટિવ રોલમાં દેખાયો છે. પરંતુ એની એન્ટ્રી ઈન્ટરવલ વીતી ગયાની ખાસ્સી વાર પછી પડે છે અને એના ભાગે આંગળીથી ગણી શકાય એટલા સીન્સ પણ માંડ આવ્યા છે. પરંતુ એટલા સીનમાં પણ એ એટલો બધો છવાઈ જાય છે કે જો એનો વધારે મોટો રોલ હોત તો એ રીતસર સલમાનને ટેન્શન કરાવી દેત. જો આ ફિલ્મ ‘ધ સલમાન ફેસ્ટિવલ’ને બદલે સલમાન વર્સસ નવાઝુદ્દીનના સંઘર્ષ તરીકે બનાવી હોત તો જોવાની મજા પડત.

સલમાન ખાન હાથમાં જે દૂધિયા રંગના લોકેટવાળું બ્રેસલેટ પહેરે છે એનાથીયે વધારે ઢીલીઢાલી સ્ટોરી કોઈ ઉત્તેજનાની ચરમસીમાએ પહોંચ્યા વિના જ પૂરી થઈ જાય છે. ઈવન બિચારી જેકલિન તો છેલ્લી સિક્વન્સમાં ક્યાંય દૂર દૂર સુધી દેખાતી નથી. હા, જુમ્મે કી રાત ગીતમાં એ ટૂંકાં કપડાં પહેરીને જબરદસ્ત ડાન્સ કરે છે, સલમાનની ફિલ્મની હિરોઇનને બીજું શું જોઇએ?!

વિવિધ ભારતીના ફરમાઈશી ગીતોના કાર્યક્રમમાં ગીતની પહેલાં તેની ફરમાઈશ કરનારાઓનાં જથ્થાબંધ નામ એનાઉન્સ થતાં હોય છે. એ જ રીતે અહીં એટલાં બધાં સપોર્ટિંગ કલાકારો છે કે જે એકાદ-બે સીનમાં દેખાઈને ગાયબ થઈ જાય છે. જેમ કે, મિથુન ચક્રવર્તી, અર્ચના પૂરણસિંહ, સૌરભ શુક્લા, સંજય મિશ્રા, વિપીન શર્મા, સુમોના ચક્રવર્તી, કવિન દવે, રજિત કપૂર, સુનીલ પાલ, (ગિપ્પી ફિલ્મ ફેઇમ) રિયા વિજ વગેરે. આમાંથી બે કલાકારને બાદ કરતાં તમામનો ભયંકર વેડફાટ થયો છે.

સુપર કિક

પરંતુ આગળ કહ્યું એમ આ ફિલ્મ સલમાનની માઇન્ડલેસ ફિલ્મો કરતાં તો સારી છે. તેનાં પણ ઘણાં કારણો છે. પહેલું તો ખુદ સલમાન. એનું મહાડેશિંગ સ્ક્રીન પ્રેઝન્સ અને બધી જ સ્ટાઇલો પ્રેક્ષકોને જલસો કરાવવા માટે પૂરતી છે. ઢીલી જતી સ્ટોરીમાં પણ વચ્ચે વચ્ચે આવતી સિક્વન્સીસ-પછી ભલે તે કોમિક હોય કે એક્શન-પરફેક્ટ્લી કામ કરી જાય છે. સૌરભ શુક્લા, સંજય મિશ્રા અને અબોવ ઑલ નવાઝુદ્દીન સિદ્દીકી, આ ત્રણેયે પોતાના નાના પણ રાયના દાણા જેવા દમદાર રોલમાં એવું પાવરપેક્ડ પરફોર્મન્સ આપ્યું છે કે ફિલ્મ તેનો ચાર્મ સતત જાળવી રાખે છે. રણદીપ હુડાના ભાગે ખાસ એક્સ્પ્રેશન્સ આપવાનાં નહોતાં એટલે એ પણ એની ભૂમિકામાં યોગ્ય લાગે છે. એકદમ નવાં જ ફોરેન લૉકેશન્સ અને તેમાં અયનન્કા બોઝની સિનેમેટોગ્રાફી તાજગી અને સાથોસાથ થ્રિલ બંને ઉમેરે છે.

ભાઈ કી ફિલ્મ હો જાય?

ઈદના પાક મોકે (પાંચ હજારથી વધુ સ્ક્રીન્સમાં) રિલીઝ થયેલી આ ફિલ્મને બમ્પર ઓપનિંગ મળશે એ તો જાણે નક્કી જ છે. આ ઉન્માદમાં ફિલ્મ જોવાનો પ્લાન બનાવવો હોય અને નસીબજોગે ટિકિટ પણ મળી જાય, તો એકવાર જોવામાં કશું ખોટું નથી. આખરે તો ભાઈ કી મુવી હૈ, ભાઈ!

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

હાઈવે

સંવેદનોનો રાજમાર્ગ

***

થોડી ધીરજ રાખીને, દિમાગથી નહીં, બલકે દિલથી જોશો તો ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મ તમને હચમચાવી જશે.

***

highway-poster-4આપણે ત્યાં બનતી મોટા ભાગની ફિલ્મો મગજ ઘરે મૂકીને જોવા જવું પડે એવી હોય છે, તો અમુક ફિલ્મો મગજનો ઉપયોગ કરવો પડે એવી હોય છે. ઇમ્તિયાઝ અલીની લેટેસ્ટ રિલીઝ ‘હાઇવે’ દિલથી જોવા જેવી ફિલ્મ છે. ધીમે ધીમે આપણાં સંવેદનતંત્ર પર કબ્જો જમાવતી આ ફિલ્મ જેમનું લાગણીતંત્ર હજી સાબૂત છે એવા લોકોએ તો ખાસ જોવા-અનુભવવા જેવી છે.

સિમ્પલ છતાં કોમ્પ્લિકેટેડ વાર્તા

દિલ્હીના એક અતિશ્રીમંત અને પહોંચેલા પરિવારની દીકરી વીરા ત્રિપાઠી (આલિયા ભટ્ટ) લગ્નના થોડા દિવસ પહેલાં અંધારી રાત્રે પોતાનાં મંગેતર સાથે કારમાં ચક્કર મારવા નીકળે છે, ત્યાં જ પેટ્રોલ પમ્પ પર ત્રાટકેલા કેટલાક ગુંડાઓ બંદૂકની અણીએ એનું અપહરણ કરી જાય છે. પોતાનું લોકેશન ટ્રેક ન થાય એટલા માટે તેઓ અલગ અલગ રાજ્યોમાં ફરતા રહે છે. એ ગુંડા ટોળકીનો સરદાર છે મહાબીર ભાટી (રણદીપ હૂડા). એકદમ રુક્ષ અને લગભગ જંગલી જેવો માણસ.

એક તરફ વીરાનો પરિવાર એને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યો છે, તો બીજી તરફ પરિવારના બંધનોથી આઝાદ થયેલી વીરા પોતાના કિડનેપિંગમાં પણ સ્વતંત્રતાનો અનુભવ કરે છે. નાળિયેરની છાલ જેવા કડક મહાબીર સાથે એને લાગણીનો કૂણો સંબંધ બંધાય છે. સરકતા રસ્તા અને બદલતાં રાજ્યો વચ્ચે ધીમે ધીમે આપણને આ બંને મુખ્ય પાત્રોની બેક સ્ટોરી ખબર પડે છે. જેને પાણી માગે ત્યાં કાયમ કેસરવાળું ગરમ દૂધ મળ્યું હોય એવી શ્રીમંતાઇમાં ઉછરેલી વીરાને શા માટે અહીં મુક્તિનો અહેસાસ થઇ રહ્યો છે? શા માટે તે એક ઘાતકી ક્રિમિનલ તરફ આકર્ષાઇ રહી છે? અને શા માટે એ ક્રિમિનલમાં પણ એક કુમાશનું ઝરણું ફૂટી રહ્યું છે?

માત્ર જોવાની નહીં, અનુભવવાની વાત

ઇમ્તિયાઝ અલીની અત્યાર સુધીની બધી જ ફિલ્મો હાડોહાડ કોમર્શિયલ રહી છે. દરેકમાં સેન્ટ્રલ થીમ તો એવી જ રહી છે કે છોકરો-છોકરી એકબીજાને પ્રેમ કરતાં હોય, પણ પોતાની લાગણીઓ અંગે અત્યંત કન્ફ્યુઝ્ડ હોય. જ્યારે આ વખતે ઇમ્તિયાઝ એકદમ એક્સપરિમેન્ટલ ફિલ્મ લઇને આવ્યા છે. અહીં હીરો અને હિરોઇન એકદમ ઓડ કપલ છે, મતલબ કે બંનેમાં બેકગ્રાઉન્ડ, ઉંમર, રીતભાત વગેરે એકેય વાતનો મેળ નથી ખાતો. આપણે સહેજે એવું માની લઇએ કે જેવું આપણી ફિલ્મોમાં થતું આવ્યું છે એમ, અપોઝિટ એટ્રેક્ટ્સના ન્યાયે આ બંને વચ્ચે પ્રેમનાં અંકુર ફૂટી નીકળે. પણ ના, અહીં જ આ ફિલ્મ જુદી પડે છે. બંને એકબીજા સાથે લાગણીના તંતુએ બંધાય છે, પણ એ માટે બંનેનાં કારણો અલગ છે. ઇવન લાગણી પણ અલગ છે. આ જ ફીલિંગના છેડા બંનેનાં બાળપણમાં જાય છે.

આપણે લોકો દર થોડી વારે એક ગીત, એકાદું આઇટેમ સોંગ, થોડી કોમેડી, રોમેન્સ, લાઉડ ફિલ્મી ડાયલોગ્સ, ગ્રેવિટીની ઐસીતૈસી કરી નાખે એવી ફાઇટિંગ વગેરે મરીમસાલા ધરાવતી ફિલ્મો જ જોવા ટેવાયેલા છીએ. જ્યારે અહીં આપણી એવી તામસિક ઇચ્છાઓને સંતોષે એવું કશું જ બનતું નથી. કેમેરા લો એન્ગલે રહે છે, દરેક પાત્રના ચહેરા પરના હાવભાવ નિરાંતે ઝીલે છે, ખાસ્સા લાંબા સમય સુધી ડાયલોગ્સ બોલાતા નથી, ફિલ્મમાં હાઇવે પર દોડતી ટ્રક બતાવાય છે, પણ ફિલ્મની વાર્તા અત્યંત ધીમી ગતિએ આગળ વધે છે, બધાં ગીતો પણ બેકગ્રાઉન્ડમાં આવે છે… ઇન શોર્ટ, એક સામાન્ય ફિલ્મદર્શક આ ‘હાઇવે’ની સફરમાં અત્યંત બોર થઇ જાય એની પૂરેપૂરી શક્યતા છે.

‘રોડ મુવી’ અને ‘કમિંગ ઓફ એજ મુવી’ જેવા ફિલ્મ પ્રકારના ખાનામાં બેસતી આ ફિલ્મ હકીકતમાં ઇમ્તિયાઝ અલીએ 1999માં ઝી ટીવી માટે ‘રિશ્તે’ ટીવી સિરીઝ માટે બનાવેલી આ જ નામની વાર્તાનું ફિલ્મ સ્વરૂપ છે. ઘણા ડાયલોગ્સ પણ એના એ જ રખાયા છે, પરંતુ ફિલ્મ માટે એ વાર્તાને ઇમ્તિયાઝે વધારે ફાઇન ટ્યૂન કરી છે. વાર્તાનો અંત પણ બદલ્યો છે.

ડાયરેક્ટરની નજરે

હાઇવે ફિલ્મ એક સામાન્ય દર્શકની જેમ મજા કરવા માટે જોવાની ફિલ્મ નથી. તેને એક વિચારશીલ માણસ તરીકે, દિગ્દર્શક શું બતાવવા માગે છે તે રીતે જોઇશું તો વધારે મજા આવશે. એ રીતે એમાં આપણા સમાજનો અન્યાયી, ક્રૂર, સ્વાર્થી, દંભી, કદરૂપો ચહેરો દેખાઇ આવશે. બહુ શાંત રીતે ઇમ્તિયાઝ અલી આપણને ગરીબોની આ સમાજે શી વલે કરી છે એ કહી જાય છે. એ પછી આપણા માથામાં ઘણની જેમ વાગે એ રીતે બાળકોના જાતીય શોષણની વાત કરે છે. કઇ રીતે આપણે સૌ એક સભ્ય સમાજના સંસ્કારી નાગરિક હોવાનું મહોરું પહેરીને જીવીએ છીએ અને એની પાછળ કેવો વિકરાળ ચહેરો છુપાયેલો છે. આપણી આંખ સામે કંઇક ખોટું થતું હોય, છતાં આપણે આપણા માન-મરતબાને આંચ ન આવે એ રીતે બધો કચરો જાજમ તળે છુપાવી દેવાની વૃત્તિ દાખવીએ છીએ. આપણે સીધું એવું ગણિત માંડી બેઠા છીએ કે સારાં કપડાં પહેરતાં લોકોનું ચારિત્ર્ય પણ બગલાની પાંખ જેવું સારું જ હોય, જ્યારે ફાટેલાં કપડાં પહેરતાં લોકો કેરેક્ટરલેસ જ હોય. હકીકતમાં ચારિત્ર્ય કપડાં કે સોશિયલ-ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડનું મોહતાજ નથી.

હાઇવે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કશુંક નવું અનુભવવાનો, નવી જગ્યાઓ જોવાનો, નવા લોકોને મળવાનો, નવી નજરે દુનિયાને માણવાનો પણ સંદેશો આપે છે.

સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી ચૂકેલા ઇમ્તિયાઝ અલીને સુપેરે ખ્યાલ હશે જ કે આ ફિલ્મ માસ માટેની નહીં, બલકે ક્લાસ માટેની છે. એટલે એણે માસને રિઝવવા માટે કોઇ પ્રયાસ કર્યો નથી. ક્યારેક ડોક્યુમેન્ટરી જેવી ફીલ આપતી હાઇવે દેખીતી રીતે જ દરેકને માફક આવે એવી ફિલ્મ નથી. દરેક શોટને નિરાંતે કેપ્ચર કરવો, ખાસ્સી ક્ષણો સુધી પડદા પર કશું જ ન બને, કે કોઇ કશું બોલે જ નહીં એવી આર્ટ ફિલ્મ ટાઇપની ટ્રીટમેન્ટ ધમાલિયા ફિલ્મોના દર્શકોને ‘હથોડા’ જેવી લાગશે. હા, જોકે ઇન્ટરવલ પહેલાં ફિલ્મને થોડો વેગ આપ્યો હોત, વિવિધ રાજ્યોમાંથી પસાર થતી વખતે દરેક રાજ્યનાં અનોખાં ઓબ્ઝર્વેશન્સ પણ ઉમેર્યાં હોત તો ફિલ્મ વધારે સમૃદ્ધ બનત.

ભારતીય સિનેમાની બાર્બી ડોલ તરીકે વધારે લાગતી આલિયા ભટ્ટ પાસેથી ઇમ્તિયાઝે અફલાતૂન અભિનય કરાવ્યો છે. જોકે હજી પણ ‘જબ વી મેટ’ની ગીતના પાત્રની અસરમાંથી ખુદ ઇમ્તિયાઝ અલી મુક્ત થયા હોય એવું લાગતું નથી. રણદીપ હુડા તો આમેય પોતાના ચહેરા પર એક પણ એક્સપ્રેશન ન આવે એવી એક્ટિંગ(!) માટે જાણીતો છે જ, એટલે એ રીતે કહી શકાય કે આ ફિલ્મમાં એણે નેચરલ એક્ટિંગ કરી છે. અહીં સપોર્ટિંગ કાસ્ટમાં કોઇ જાણીતો ચહેરો છે જ નહીં. બલકે ત્રીજું સૌથી મોટું પાત્ર છે, ખુદ હાઇવે! બે પાત્રો વચ્ચે રચાતા હુંફાળા સંબંધનો સાક્ષી એવો શાંત વહ્યો જતો રોડ.

એ. આર. રહેમાને આ ફિલ્મ માટે રોકસ્ટાર જેવું રોકિંગ મ્યુઝિક તો નથી આપ્યું, પણ ‘પટાખા ગુડ્ડી’ જેવાં અમુક ગીતો ખરેખર સારાં બન્યાં છે. હા, ‘સુના સાહા’થી ફિલ્મ સંગીતમાં ઘણા સમય પછી ફરી પાછું હાલરડું આવ્યું છે.

આ હાઇવે પર જવું કે નહીં?

હાઇવે એવી એક્સપરિમેન્ટલ ફિલ્મ છે જેના એકદમ વિરોધી પ્રતિભાવો મળશે. થોડી હટ કે અને લાગણીથી તરબતર ફિલ્મો જેમને ગમતી હોય એ લોકો આ ફિલ્મ પર ઓવારી જશે, જ્યારે મસાલા ફિલ્મોના શોખીનો અડધી ફિલ્મે બહાર નીકળી જાય એવું પણ બનશે. તેમ છતાં એક નવા પ્રયોગ તરીકે આપણે ત્યાં ભાગ્યે જ બનતી આવી ફિલ્મોને આવકારવી જોઇએ. થોડી ધીરજ માગી લેશે, ફીલિંગ્સના આ હાઇવે પર એક સફર તો દરેકે મારવી જ જોઇએ.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.