મુન્ના માઇકલ

ડાન્સપન્તી

***

આ મહાકંગાળ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની હેરસ્ટાઇલ સિવાય કશું જ નવું નથી.

***

munna-michael-posters-1એક નવજાત બૅબી કજિયે ચડ્યું છે. થોડી વાર પહેલાં જ એને કચરાપેટીમાંથી ઉઠાવીને પોતાના ઘેર લાવેલો માણસ એને શાંત રાખવા માટે તમામ ટ્રિક્સ અજમાવે છે, પરંતુ બાળકનો કજિયો ચાલુ જ રહે છે. તે બૅબી છાનું રહે છે માઇકલ જૅક્સનના (જેવા લાગતા) સોંગથી. જી હા, ટૅપરેકોર્ડર પર માઇકલ જૅક્સન (ટાઇપ)નું સોંગ વાગે અને બૅબીના ચહેરા પર સ્માઇલ આવી જાય. એક સળંગ ચાલતી મ્યુઝિકલ સિક્વન્સમાં તે બાળક મોટું થાય ક્લાસરૂમ, ગલીઓ, સ્થાનિક ઉત્સવો વગેરેમાં નાચતાં નાચતાં એ બાળકનું રૂપાંતર એક ગઠ્ઠાદાર બૉડી ધરાવતા યુવાનમાં થઈ જાય. લગભગ પાંચેક મિનિટની આ સિક્વન્સ આખી ફિલ્મની મોસ્ટ ક્રિએટિવ પાંચ મિનિટ છે. તે સિવાયની આખી ‘મુન્ના માઇકલ’ ફિલ્મ ક્લિશૅ, કંટાળો, ઘોંઘાટ, બોરિંગ સોંગ્સ અને ચવાઈ ગયેલા ડાન્સ રિયાલિટી શૉના ભૂસાથી જ ભરેલી છે.

નાચ મેરી જાં નાચ

દિલ્હીના એક લૅન્ડ માફિયા, હૉટેલિયર મહિન્દર ફૌજી (નવાઝુદ્દીન સિદ્દીકી)ને એક ક્લબ ડાન્સર ડૉલી (નીધિ અગરવાલ)ને ઇમ્પ્રેસ કરવા માટે ડાન્સ શીખવો છે. ડૉલીને પોતાના પિતા સામે જાતને પ્રૂવ કરવા માટે એક ડાન્સ રિયાલિટી શૉ જીતવો છે. મુન્ના (ટાઇગર શ્રોફ)ને પોતાના પિતાનો ઇલાજ કરાવવા માટે પૈસાની જરૂર છે. હીરો છે એટલે પ્રેમનીયે જરૂર છે. એટલે સાહેબ બંનેને મદદ કરે છે. બસ, ઝડપથી મુવી પૂરું કરીને આપણી જ મદદ નથી કરતો.

હૅલિકોપ્ટર ડાન્સ

દરઅસલ, ડિરેક્ટર શબ્બીર ખાને બનાવેલી ટાઇગર શ્રોફની દરેક ફિલ્મ (‘હીરોપન્તી’, ‘બાગી’ અને હવે ‘મુન્ના માઇકલ’)ની સ્ટોરી કંઇક આવી હોય છેઃ ‘ડાન્સ સે ટાઇગર કી એન્ટ્રી હોતી હૈ. ફિર ટાઇગર ફાઇટ કરતા હૈ. ઉસકે બાદ એક સોંગ પે વો ડાન્સ કરતા હૈ. ડાન્સ કે બાદ લડકી કો બચાને કે લિયે ટાઇગર ફાઇટ કરતા હૈ. ફિર લવ સોંગ મેં ટાઇગર કા ડાન્સ. ફિર વિલન કે સાથ ફાઇટ ઔર ટાઇગર કે ડાન્સ કે સાથ ફિલ્મ ખતમ.’ બાકીની ખાલી જગ્યામાં શું ભભરાવો છો તેના પરથી ટાઇગર કઈ ફિલ્મ કરે છે તે નક્કી થાય. અહીં ‘હીરોપન્તી’, ‘આર.. રાજકુમાર’ અને ‘ABCD’નો ટ્રેક ભભરાવ્યો એટલે ‘મુન્ના માઇકલ’નું અવતરણ થયું.

મતલબ કે ફિલ્મમાં કોઈ સિચ્યુએશન એવી નહીં કે જે આપણને જકડી રાખે, મજા કરાવે કે આગળ શું થશે તેવી ઇન્તેજારી જગાવે. ફિલ્મની એકેક સૅકન્ડ પ્રીડિક્ટેબલ અને બોરિંગ. સ્વાભાવિક છે, ટાઇગર શ્રોફ જિમ્નેશિયમમાં પેદા થયેલો ઍક્ટર છે. એટલે જ ફિલ્મમાં એની એન્ટ્રી ચહેરા કે પગથી નહીં, બલકે એના સિક્સ કે એઇટ પૅક એબ્સથી પડે છે. હિરોઇન કરતાં વધુ અંગપ્રદર્શન એ કરે છે. એક સર્વે પ્રમાણે ભારતની ૩૭.૯ ટકા જનતા એ નક્કી નથી કરી શકતી કે ટાઇગરનું ડાન્સ સ્ટેપ કયું છે અને ફાઇટ સ્ટેપ કયું છે. એમના માટે એક સિમ્પલ સોલ્યુશન એ છે કે ટાઇગર હૅલિકોપ્ટરની જેમ પગ ફેલાવીને હવામાં ઊછળે અને જો એ કોઈ માણસ પર લૅન્ડ થાય તો તે ફાઇટ કરી રહ્યો છે અને જમીન પર જ સહીસલામત ઊતરાણ કરે તો તે એની નૃત્યકળાનો નમૂનો છે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે ડાન્સ અને ફાઇટ સિવાયનાં દૃશ્યોમાં શું કરવું એ વિશે બિચારો સતત કન્ફ્યુઝ્ડ દેખાય છે. એટલે એને અને દર્શકોને (‘કોમિક રિલીફ’ની જેમ) ‘ઍક્ટિંગ રિલીફ’ આપવા માટે અહીં નવાઝુદ્દીન સિદ્દીકીને ઇન્જેક્ટ કરવામાં આવ્યા છે.

સોબતની અસર આવી હોય કે ગમે તે, પણ અહીં નવાઝુદ્દીને પણ દિલથી હૅમ, લાઉડ અને વિચિત્ર ઍક્ટિંગ કરીmunna-michael-poster-4 છે. જો થોડી ગંભીરતાથી આ ફિલ્મ લખાઈ હોત તો નવાઝુદ્દીનનું પાત્ર મસ્ત લૅયર્ડ બની શક્યું હોત. કેમ કે, એ ગરીબીમાંથી ઊઠેલો હરિયાણવી લૅન્ડ શાર્ક છે. ખાસ ભણેલો નથી, સ્ટાઇલ, ટેસ્ટ, નજાકત સાથે એને દૂર દૂર સુધી કોઈ જ લેવાદેવા નથી. વળી, માથાભારે પિતાએ એને પરાણે પરણાવી દીધો છે. હવે એ માણસ કોઈ દિલધડક બ્યુટિને આકર્ષવા નીકળે ત્યારે એ કઈ રીતે વર્તે? અહીં હાઈસોસાયટીને અપીલ કરવા માટે એણે હૉટેલમાં વિક્ટોરિયન યુગનાં જાયન્ટ સાઇઝનાં પેઇન્ટિંગ ટાંગ્યાં છે. તેમ છતાં ઘરે તો એ પોતાની માના હાથની થપ્પડો જ ખાય છે ને પલાંઠી વાળીને જમવા બેસે છે. ‘માસ’માંથી ‘ક્લાસ’માં ઘૂસવા માટેની એની છટપટાહટ આ ફિલ્મમાં માત્ર ફારસ બનીને રહી ગઈ છે. કદાચ એવું બતાવવાનો ડિરેક્ટરનો ઇરાદો પણ નથી. ડિરેક્ટરે એની પાસે અઘરા ડાન્સ સ્ટેપ કરાવ્યાં છે. એવી એક સિક્વન્સમાં ચોખ્ખી ખબર પડી જાય છે કે જ્યાં ચહેરો દેખાતો નથી તે શરીર પણ નવાઝનું નથી. એક સવાલ એ થાય કે નવાઝુદ્દીન સિદ્દીકી જેવા ટેલેન્ટેડ એક્ટરને આવી ફિલ્મ કરવાની શી જરૂર પડી હશે? એક વિચાર એવો પણ આવે છે કે એણે આપણી સોંગ એન્ડ ડાન્સ ફોર્મ્યુલા ફિલ્મોની ખિલ્લી ઉડાવવા જ આ ફિલ્મ કરી હોય તો?

અફ કૉર્સ, જ્યાં સ્ટોરીનાં ઠેકાણાં ન હોય ત્યાં લોજિક તો ક્યાંથી હયાત હોવાનું? એક મસ્ત સૅમ્પલ જુઓઃ દિલ્હીના પાદરમાં વિલનલોગની ધમાચકડી વચ્ચે ટાઇગરના જમણા પગમાં ગોળી વાગે છે. હૉસ્પિટલ? નો. હિરોઇનનો ડાન્સ શૉ વધુ મહત્ત્વનો છે. મુંબઈમાં ડાન્સ શૉનું ફાઇનલ સ્ટાર્ટ થાય છે, ટાઇગરભાઈ ઝીરો ગ્રૅવિટી અવસ્થામાં ડાન્સ કરે છે, ગોળી વાગી છે ત્યાં હિરોઇન પગ મૂકીને એના ખભા પર પણ ચડે છે, ક્લાઇમૅક્સ સ્ટાર્ટ થાય છે, પૂરો થાય છે. છેક સુધી ટાઇગરના પગમાં ઘૂસેલી બંદૂકની ગોળી કાઢવામાં કોઇને રસ પડતો નથી.

‘જગ્ગા જાસૂસ’ ન હોવા છતાં આ ફિલ્મમાં નવેક ગીતો છે અને એટલા જ સંગીતકારો છે. એક ગીતના શબ્દો છેઃ ‘મેરીવાલી ડિંગ ડાંગ કરતી હૈ’. આ લૅવલથી ફિલ્મનું મ્યુઝિક એક સૅન્ટિમીટર પણ ઉપર ઊઠી શક્યું નથી.

નવાઝુદ્દીન અને પંકજ ત્રિપાઠી જેવા એક્ટિંગની ઇન્સ્ટિટ્યુટ જેવા અદાકારોને જોકરવેડા કરતાં જોઇને દુઃખ થાય, એટલું જ દુઃખ બ્યુટિફુલ નીધિ અગરવાલને ડૅબ્યુ માટે આવી નબળી ફિલ્મ મળી એ માટે થાય (તમે માનશો? ફિલ્મમાં ડાન્સ રિયાલિટી શૉની સ્પર્ધક એ છે, પરંતુ ફાઇનલ પર્ફોર્મન્સ મુન્નાનું બતાવાય છે અને એ તો લિટરલી સાઇડમાં ધકેલાઈ જાય છે). અરે હા, ફિલ્મમાં રોનિત રોય પણ છે. ફિલ્મ કહે છે કે એ ઈ.સ. ૧૯૯૫માં ગોવિંદાની ફિલ્મમાં બૅકઅપ ડાન્સર હતો. લાંબા વાળ, હાથમાં દારૂની બાટલી, ફિલ્મી ખ્રિસ્તી બોલી અને કોઈ ભેદી બીમારી સાથે રોનિત રોયને જુઓ તો વિશ્વાસ જ ન આવે કે આ એ એક્ટર છે જેણે ‘ઉડાન’ કે ‘અગ્લી’માં માત્ર એક્ટિંગથી ખોફ પેદા કરી દીધેલો.

વાઘ આવ્યો રે વાઘ

‘મુન્ના માઇકલ’ ફિલ્મ જેટલી જ વાહિયાત વાત એ છે કે કોમેડીના ભાગરૂપે તે કહે છે કે આપણો સ્વાર્થ કાઢવો હોય તો એરલાઇનમાં નનામો કૉલ કરીને બોમ્બની અફવા ફેલાવી શકાય, ટ્રેનની સાંકળ પણ ખેંચી શકાય. આ બધું ઇગ્નોર કરીએ તોય ‘મુન્ના માઇકલ’ માત્ર ટાઇગર શ્રોફ ડાન્સ, ફાઇટ કે જ્યાં ત્યાં પડી આખડીને ‘પાર્કર’ (Parkour) કરી શકે છે તે બતાવવા માટે જ બનાવી હોય તેવી લગભગ અઢી કલાક લાંબી બાલિશ ફિલ્મ છે. આ ફિલ્મને ભૂલીને અઢી કલાક મસ્ત ઊંઘ ખેંચી લેવી કે પરિવાર સાથે લોંગ ડ્રાઇવ પર નીકળી પડવું તે બેસ્ટ વિકલ્પ છે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

સરકાર-3

ઇડિયટ્સ-૩

***

જૂની ગુડવિલ, ગળે ન ઊતરે તેવો પ્લોટ, પૂરતું ન દેખાય તેવા કેમેરા ઍન્ગલ્સ અને બહેરા કરી મૂકે તેવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો સરવાળો એટલે રામ ગોપાલ વર્માની આ નવી ફિલ્મ.

***


વિવિધ અવાજોને તીવ્રતાના ચડતા ક્રમમાં કંઇક આમ ગોઠવી શકાયઃ મચ્છરનો ગણગણાટ, પક્ષીઓનો કલબલાટ, માણસનો અવાજ, ટેલિવિઝનનો સાઉન્ડ, પાટા પર દોડતી ટ્રેન, જસ્ટિન બીબરના કોન્સર્ટનાં સ્પીકર, ટેક ઑફ થતું પ્લેન, સુપરસોનિક વિમાનની સોનિક બૂમનો ધડાકો અને ત્યારપછી રામ ગોપાલ વર્માની ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક. એમની આ ‘સરકાર-૩’નું મ્યુઝિક એટલું બધું ઘોંઘાટિયું છે કે ફિલ્મની શરૂઆતમાં ઍન્ટિ સ્મોકિંગની સાથોસાથ કાનની સલામતીની પણ જાહેરાત મૂકવા જેવી છે. બૅકગ્રાઉન્ડ નોઇઝ ઉપરાંત પણ ફિલ્મમાં ઘણા બધા પ્રોબ્લેમ છે.

ઍન્ગ્રી ઓલ્ડ મેન

બે ફિલ્મોમાં બબ્બે દીકરા-વહુ ગુમાવ્યાનાં વર્ષો પછીયે સુભાષ નાગરે (અમિતાભ બચ્ચન)નો ‘સરકાર’ તરીકેનો દબદબો બરકરાર છે. કેટલાક વિશ્વાસુ માણસો સાથે તેઓ પોતાના અંધારિયા ઘરમાં બીમાર પત્ની (સુપ્રિયા પાઠક) સાથે રહે છે. પહેલા પાર્ટમાં ટ્રાઇસિકલ ચલાવતો છોકરો ચીકુ હવે યુવાન શિવાજી (અમિત સાધ) બનીને પાછો આવ્યો છે. પરંતુ એનાં લખ્ખણ સારાં નથી. ઉપરથી ગોકુલ (રોનિત રોય) જેવા એકલ-દોકલ વફાદારોને બાદ કરતાં મુંબઈથી દુબઈ સુધીના લોકો સરકારના દુશ્મન છે. દુબઈનો એક પાણી અને પ્રાણીપ્રેમી ડૉન માઇકલ વાલ્યા (જૅકી શ્રોફ), રાજકારણી મા-બેટા રક્કુબાઈ (રોહિણી હતંગડી) અને ગોવિંદ દેશપાંડે (મનોજ બાજપાઈ), કાજળધારી અન્નુ (યામી ગૌતમ), યુનિયન લીડર ગોરખ (ભરત દાભોળકર) વગેરે ‘સરકાર હૅટર્સ’ નામની IPL ટીમ બનાવી શકાય એટલા બધા લોકો એમની સામે પડ્યા છે. ૧૩૨ મિનિટની આ ‘કાનલેવા’ ફિલ્મમાં સરકારનું શું થશે?

લાઉડ, કેમેરા, એક્શન

એક સમય હતો જ્યારે પોસ્ટરમાં ‘અ રામ ગોપાલ વર્મા ફિલ્મ’ જોઇને લોકો થિયેટર ભણી દોટ મૂકતા. જ્યારે હવે આ જ શબ્દપ્રયોગ લોકોને ડરાવવા માટે વપરાય છે. કેમ કે, ફિલ્મ ગમે તે હોય અમુક તત્ત્વો વિના અપવાદે સરખા જ રહેવાનાં. જેમ કે, ફિલ્મના કેન્દ્રમાં કોઈ નકારાત્મક પાત્ર જ હશે અને એના દ્વારા બદલાની ભાવનાથી કરાયેલી હિંસાને જસ્ટિફાય કરાઈ હશે. CCTV કે જાસૂસી કેમેરાની જાહેરખબર માટે વાપરી શકાય તેવા ગાંડાઘેલા કેમેરા ઍન્ગલ્સ હશે, બહાર આવ્યા પછી ગરમ તેલમાં કકડાવેલાં લસણનાં ટીપાં નાખવા પડે એવું ગગનભેદી બૅકગ્રાઉન્ડ મ્યુઝિક હશે, મચ્છરની જેમ લોકો મરતા હશે ને ફિલ્મ જોયા પછી આ દુનિયા હવે જીવવા જેવી રહી જ નથી એવો વિષાદયોગ છવાઈ જશે. આ તમામનો વધુ એક સરવાળો એટલે ‘સરકાર-૩’.

‘ગોડફાધર’ના ભારતીય વર્ઝન તરીકે દાયકા પહેલાં રજૂ થયેલી ‘સરકાર’માં રામ ગોપાલ વર્મા પાસે નવું કહેવા માટે કશું જ નથી. ઇન ફૅક્ટ, ઘણે અંશે આ ફિલ્મ ‘સરકાર-૧’ની રિમેક જેવી જ છે. પરંતુ જેમ એક સ્ટારનો ચાર્મ જતો રહે અને તે પોતાના ભવ્ય ભૂતકાળના પડછાયા જેવો બનીને રહી જાય એવું આ ફિલ્મનું થયું છે. ‘સરકાર-૧’ની પહેલી દસ-પંદર મિનિટમાં જ સરકાર અને અન્ય પાત્રો એસ્ટાબ્લિશ થઈ જતાં હતાં. મ્યુઝિક, કેમેરા ઍન્ગલ્સ અને પાત્રોની નજર બધું જ તેને પૂરક હતું. જ્યારે આ ફિલ્મ રામુજીએ પોતાની જ પૅરડી બનાવી હોય તેવી લાગે છે.

અહીં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને ‘ગોવિંદા ગોવિંદા’ની સિગ્નેચર ટ્યુન કોઈ જ કારણ વિના એટલી લાઉડ છે કે સરહદ પર વગાડ્યાં હોય તો ત્રાસવાદીઓ એના ડરથી જ ભાગી જાય. અમિતાભ સહિત તમામ પાત્રો દરેક વખતે કંઇક અગત્યનું જ બોલે છે એવું પુરવાર કરવા માટે સૌ શબ્દે શબ્દ છૂટા પાડીને ભાર દઈ દઈને બોલે છે. શૂટિંગ પહેલાં સૌને કડક કાથા-ચૂના જેવું કંઇક ખવડાવી દીધું હોય એમ બધાના અવાજને ખખરી બાઝી ગઈ છે. અગાઉ સરકાર પોતાના વિશ્વાસુ લોકો સામે સૂચક નજરે જુએ તેની પાછળ કોઈ સંદેશ-આદેશ છુપાયેલો રહેતો. અહીં બધા જ લોકો જાણે આંખમાંથી લૅસર કિરણો કાઢવાની પ્રેક્ટિસ કરતા હોય એ રીતે ડોળા કાઢીને જોયા કરે છે. આ બધું શા માટે? રામુ જાણે.

‘સરકાર-૩’માં સૌથી વધુ ક્રિએટિવિટી દાખવી છે સિનેમેટોગ્રાફરે. ઓશિકાની પડખે, પડદા પાછળ, સ્ટ્રેચર નીચે, ચાના કપના નાકાની આરપાર, થેપલાંની ડિશ લંબાવતા હોય એ રીતે ડાઇનિંગ ટેબલ પર, શાર્ક માછલીની નીચે, ટેલિવિઝન-મોબાઇલ ફોનની પાછળ… ટૂંકમાં તમે કલ્પના પણ ન કરી શકો એવા સ્થળોએ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. શા માટે? રામુ જાણે. વળી, પાત્રો જ્યારે કોઈ ખૂંખાર પ્લાન બનાવતા હોય કે ગંભીર વાત ચર્ચતા હોય ત્યારે એમની પાસે કરાવવું શું? રામુ પાસે સિમ્પલ સોલ્યુશન છે, કુછ ભી પીવડાવી દો. સરકાર રકાબી મોઢે માંડીને સ્ટિરિયોફોનિક સબડકા લે ત્યાં સુધી બરાબર છે, પરંતુ આ તો ખુદ સરકાર બબ્બે વખત ચા બનાવે, દૂધ પીવે, બાકીના લોકો વિના અપવાદે ચા-કૉફી પીવે, વાઇન-વ્હિસ્કી પીવે, અને આખી ફિલ્મ યુ નૉ, આપણું બ્લડ પીવે. વિના અપવાદે બધાનાં ઘરોમાં ઘોર અંધારાં. સરકારના ઘરનું અંધારું કદાચ એકલા પડી ગયા બાદ સરકારની લાઇફમાં વ્યાપેલા અંધકારનો મૅટાફર હોય, પરંતુ બાકીના લોકો શુંકામ અંધારે કુટાય છે? એમના રૂમમાં પણ દૂર ક્યાંક કોઈ ઝાંખો પીળો બલ્બ ચાલતો હોય એવું ઝાંખું અજવાળું આવ્યા કરે. એટલો પ્રકાશ પણ ખમાતો ન હોય, એમ પાછા અંદર પણ કાળા ગોગલ્સ પહેરી રાખે, TV જોતી વખતે પણ.

આખી ફિલ્મમાં માત્ર એક જ ટ્વિસ્ટ રસપ્રદ છે (જોકે એનુંય પૂરું જસ્ટિફિકેશન તો નથી જ). બાકીની પોણા ભાગની ફિલ્મનું રાઇટિંગ અનહદ કંગાળ છે. અગાઉ સરકાર નિષ્ફળ ગયેલી સિસ્ટમનો સમાંતર વિકલ્પ અને એક વિચારધારા હતો. અહીં એવું કશું જ નથી. કાર્ટૂન જેવા અડધો ડઝન વિલનો ભેગા મળીને પણ સરકારને કે એમની સોચને ખતમ કરવાનો એક પર્ફેક્ટ પ્લાન ઘડી શકતા નથી. મળે છે તો  માત્ર આવા ડાયલોગઃ ‘મછલી કિતની ભી તેઝ ક્યૂં ન હો, ઉસકી આવાઝ નહીં આતી, પતા હૈ ક્યોં? પાની કી વજહ સે’, ‘અગર તૂ ઔર મૈં દોનો સમઝ ગયે તો સમઝ કા ક્યા ફાયદા?’ બોલો, તમને સમજાયું કંઈ? આ બંને મહાન ડાયલોગ બોલાયેલા છે આ ફિલ્મના સૌથી ખૂંખાર અને સૌથી અનઇન્ટેન્શનલ કોમિક પાત્ર ટાઇગર પિતા જૅકી શ્રોફના મુખે. આખી ફિલ્મમાં તેઓ વિવિધ જળચર પ્રાણીઓ અને એક અલ્પ વસ્ત્રધારી કન્યા સાથે રહીને ઇન્ટરનેશનલ કૉલિંગ જ કર્યા કરે છે. ધેટ્સ ઇટ.

અમિતાભ બચ્ચનની હાલત ડૂબતા જહાજના કૅપ્ટન જેવી થઈ છે. સારા ડાયલોગ્સ કે સ્ક્રિપ્ટ ન મળે તો સરકારને પણ કયા સરકાર બચાવે? અમિત સાધના ભાગે ફિલ્મમાં ફૂંફાડા મારવા સિવાય ખાસ કંઈ આવ્યું નથી. યામી ગૌતમને તો સીધી જ ‘ફેર એન્ડ લવલી’ની ઍડમાંથી ઊંચકીને ‘નજર સુરક્ષા કવચ’ના પાત્રમાં બેસાડી દીધી હોય તેવી બિહામણી લાગે છે. એક્ટિંગની તો વાત જ નથી થતી. વધુ પડતાં પાત્રો અને ફાલતુ સીનમાં રોનિત રોય જેવો ઉમદા એક્ટર વેડફાઈ ગયો છે. રોહિણી હતંગડી થોડી વાર માટે દેખાયાં અને એક ગ્લાસ દારૂ પીને ગાયબ થઈ ગયાં. એકમાત્ર મનોજ બાજપાઈ ફોર્મમાં દેખાય છે. સુપ્રિયા પાઠકનું મરાઠી સમજવા માટે કોઈ દુભાષિયાની જરૂર પડે એવું છે. હા, અભિષેક બચ્ચન પણ તસવીર સ્વરૂપે ફિલ્મમાં છે (છતાંય એના ચહેરા પર જ્હોન અબ્રાહમ કરતાં વધુ એક્સપ્રેશન્સ દેખાય છે, બોલો).

‘સરકાર-૩’માં વધુ એક વાંધો ગાંધીજીના દુરુપયોગ સામે પણ લઈ શકાય. એક તો અહીં ગાંધીજીનું પૂતળું ‘લગે રહો મુન્નાભાઈ’ના દિલીપ પ્રભાવલકર જેવું દેખાય છે. ઉપરથી એક માફિયા પાત્રની અટક ગાંધી છે, જેને યામી ગૌતમ ‘ગાંધીજી ગાંધીજી’ કહીને બોલાવે છે. આટલું પૂરતું ન હોય તેમ ફિલ્મમાં બાપુના લક્ષ્ય અને સાધનશુદ્ધિના વિચારને પણ તોડી-મરોડીને વિકૃત રીતે પેશ કરાયો છે. આ બધું શા માટે, ભઈ?

બસ કરો, રામુ

‘સરકાર-૩’ એક સરસ ફિલ્મશ્રેણીને હાસ્યાસ્પદ કેવી રીતે બનાવી શકાય તેનો પર્ફેક્ટ નમૂનો છે. અમિતાભ બચ્ચનનો પ્રામાણિક પ્રયત્ન, મનોજ બાજપાઈના બે-ત્રણ લાઉડ-કેરિકેચરિશ છતાં ઇમ્પ્રેસિવ સીન અને એકાદ જગ્યાએ સરસ કટ્સ દ્વારા થયેલું જક્સ્ટાપોઝિશન, આવા જૂજ પૉઝિટિવ્સને બાદ કરતાં આખી ફિલ્મ ટૉર્ચર મટિરિયલ છે. આશા રાખીએ કે આ ‘સરકાર’ હવે અહીં જ પડી ભાંગે. અને હા, તમારે આ ફિલ્મ જોવી હોય તો ઘરે TV પર જ જોજો, કમ સે કમ તેમાં વોલ્યુમ ધીમું તો કરી શકાય.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

કાબિલ

નાકાબિલે બર્દાશ્ત

***

આ રિવેન્જ ડ્રામામાં હૃતિક રોશન એકમાત્ર સિલ્વર લાઇન છે, બાકી કાળોડિબાંગ અંધકાર જ છે.

***

kaabil-2016-official-trailer-1સુભાષિતોમાં ભલે કહેવાતું હોય કે ‘ન શમે વેર વેરથી’, પરંતુ કોઈ ભગવાનના માણસ સાથે શેતાન જેવું કામ કરી જાય અને એ ભગવાનનો માણસ શેતાનને ખંજરનો જવાબ તલવારથી આપે ત્યારે જોવાની જબરદસ્ત મજા આવે. આવી તામસિક વાર્તાઓમાં વધુ એક ઉમેરો એટલે પાપા રાકેશ રોશને બેટા હૃતિક રોશન માટે પ્રોડ્યુસ કરેલી અને સાઉથ કોરિયન ફિલ્મોના દીવાના સંજય ગુપ્તાની ફિલ્મ ‘કાબિલ’. હૃતિક રોશનના પ્રામાણિક પ્રયત્ન છતાં ભંગાર રાઇટિંગ, બાલિશ ઍક્ઝિક્યુશન અને સરકારી ફાઇલો જેવી ધીમી ગતિને કારણે કાબિલ સહનશક્તિની કસોટી કરનારી ફિલ્મ બનીને રહી ગઈ છે.

ન દેખ્યાનું દખ

ટેલેન્ટેડ ડબિંગ આર્ટિસ્ટ રોહન ભટનાગર (હૃતિક રોશન) જોઈ શકતો નથી. એક NGOમાં કામ કરતી સુપ્રિયા (યામી ગૌતમ) પણ જોઈ શકતી નથી. છતાં બંનેને એકબીજા સાથે પહેલી નજરનો પ્રેમ થઈ જાય છે. પરીકથા જેવી એમની લવસ્ટોરી લગ્નના પગથિયે પહોંચે છે, ત્યાં જ એક રાક્ષસ નામે અમિત (રોહિત રોય) ત્રાટકે છે અને એમનો માળો ખેદાનમેદાન કરી નાખે છે. એ રાક્ષસ પોતાના પહોંચેલા રાજકારણી ભાઈ માધવરાવ (રોનિત રોય)ના ખીલે કૂદે છે. હવે રોહનને પોતાના બરબાદ થયેલા નશેમનનું વેર વાળવું છે, પણ કઈ રીતે? એ તો જોઈ શકતો નથી. છતાં એ કઈ રીતે પોતાનો વેરાગ્નિ શાંત કરે છે એ જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે.

પર્ફેક્ટ ક્રાઇમ

‘ક્રાઇમ નેવર પેય્ઝ’ યાને કે ગુનો ક્યારેય ફળતો નથી. આ વિભાવનાની સામે બીજો એક કન્સેપ્ટ છે ‘પર્ફેક્ટ ક્રાઇમ’નો. અત્યંત બારીક પ્લાનિંગથી એવો ક્રાઇમ આચરવામાં આવે કે પોલીસ સાત જન્મે પણ અપરાધીને શોધી ન શકે. એક બ્લાઇન્ડ વ્યક્તિ આવો પર્ફેક્ટ ક્રાઇમ કઈ રીતે આચરી શકે તે બતાવતી અફલાતૂન ફિલ્મ ‘કત્લ’ ઈ.સ. 1986માં આવેલી. તેમાં અંધ વ્યક્તિ બનેલા સંજીવ કુમારે પોતાની બેવફા પત્ની (સારિકા)ને આવા જ પર્ફેક્ટ ક્રાઇમથી બરાબરની મજા ચખાડેલી. ‘કાબિલ’ જોઇને આપણને સહેજે ‘કત્લ’ની (કે અમિતાભ-અક્ષય કુમાર સ્ટારર ‘આંખે’) યાદ આવી જાય. પરંતુ એવો પર્ફેક્ટ ક્રાઇમ બતાવવા માટે સ્ક્રિપ્ટ લેવલે જે સ્માર્ટનેસ જોઇએ તે કાબિલમાં ક્યાંય નથી. રિવેન્જની થીમને કારણે ‘કાબિલ’ જોતાં જોતાં આમિરની ‘ગજિની’ પણ યાદ અપાવતો પાઇપ ઢસડવાનો અવાજ પણ અહીં છે. પરંતુ ‘ગજિની’ જેવી ઇન્ટેન્સિટી ગજિનીમાં આમિરના વાળની જેમ જ ગાયબ છે.

એક રિવેન્જ થ્રિલરને છાજે એવી સ્પીડ કાબિલમાં તદ્દન ગેરહાજર છે. હીરો-હિરોઇન એકબીજાંને મળે, પ્રેમમાં પડે, ગીતો ગાય, ડાન્સ કરે, ‘ઇમેજિકા’ થીમ પાર્કમાં જઇને ઊછળકૂદ કરે… ટૂંકમાં નિરાંતે ટાઇમપાસ કરે. બેઘડી તો શંકા જાય કે ટ્રેલર રિલીઝ કર્યા પછી સંજય ગુપ્તાએ થ્રિલરનો આઇડિયા ડ્રોપ કરીને રોમેન્ટિક ફિલ્મ બનાવી નાખી છે કે શું? થ્રિલરના પાટે ચડતાં સુધીમાં લગભગ અડધી ફિલ્મ જતી રહે છે.

એકવાર હૃતિકનું પાત્ર ‘બદલાપુર’ની બસ પકડી લે એ પછીયે સંજય ગુપ્તાની ગાડી ફાસ્ટ ટ્રેકમાં આવતી નથી. પર્ફેક્ટ ક્રાઇમના પ્લાનિંગ તરીકે હૃતિક માત્ર કરિયાણું લેવા નીકળ્યો હોય એમ શૉપિંગ કરવા સિવાય ખાસ કશું કરતો નથી. આ માણસ ખરેખર બદલો લેવા માટે મરણિયો થયો છે એવું એના ચહેરા કે વર્તન પરથી લાગતું નથી. સામે પક્ષે રિયલ લાઇફના ભ્રાતાઓ રોહિત અને રોનિત રોય ટિપિકલ વિલનના પાત્રમાં છે. ડિરેક્ટરે એકને વંઠેલ મવાલીનું અને બીજાને ખૂંખાર નેતાનું પાત્ર પકડાવી દીધું છે. જે એમણે કોઈ જાતનું દિમાગ વાપર્યા વિના નિભાવી નાખ્યાં હોય એવું લાગે છે. કેમ કે, એમનાં પાત્રોમાં સ્માર્ટનેસનો છાંટોય દેખાતો નથી. રીઢા ગુનેગાર હોવા છતાં કોઈ આત્યંતિક કામ કરતાં પહેલાં ક્રોસ ચૅક કરવું જોઇએ એવી વાતમાં એ લોકો માનતા નથી અને ફિલ્મને બાલિશતાની ખાઈમાં ધકેલી દે છે. થિયેટરમાં બેઠાં બેઠાં જે ટ્રિક્સ, ટ્વિસ્ટ આપણને બાર ગાઉ છેટેથી દેખાઈ જાય, તે વિલનલોગને લિટરલી પગ તળે આવ્યા પછીયે ન દેખાય. ફિલ્મનો પર્ફેક્ટ ક્રાઇમ ખરેખર પર્ફેક્ટ છે કે કેમ તે વિશે ન્યુઝ ચૅનલમાં ડિબેટ બેસાડવી પડે.

જો ફિલ્મના મુખ્ય પાત્ર સાથે કોઈ ગમખ્વાર ઘટના બની હોય, તો પ્રેક્ષક તરીકે આપણને પણ એ પીડા હચમચાવી મૂકવી જોઇએ અને એ પીડા સતત ફિલ્મમાં વહેતી રહેવી જોઇએ. અહીં હીરો-હિરોઇન ખુશ થાય તો ગીત ગાય એ સમજમાં આવે, પરંતુ હીરો દુઃખી થાય તોય ગીત આવે, વિલન ખુશ થાય તો વળી આખા ગમગીન મૂડની ઐસી તૈસી કરીને ‘સારા ઝમાના’ જેવું રિમિક્સ આઇટેમ સોંગ આવી જાય. ફરી પાછું યાદ આવે કે બદલો લેવાનો તો હજી બાકી જ છે, એટલે ફરી પાછું બૅક ટુ બદલાપુર.

કાબિલના રાઇટર-ડિરેક્ટરને પોતાનાં પાત્રો તો ઠીક, આપણી સમજશક્તિ પર પણ ભારોભાર શંકા છે. એટલે જ એમણે એકેક ટ્રિકને સમજાવવાનું રાખ્યું છે. ધારો કે, હીરો પોલીસના પહેરા હેઠળથી કેવી રીતે છટકી ગયો તે એક ઝલકમાં ખબર પડી જતી હોવા છતાં આપણને ડિટેઇલમાં સમજાવવામાં આવે.

તેમ છતાં અમાસના અંધકાર જેવી આ ફિલ્મની સિલ્વર લાઇનિંગ છે પાપા રોશનનો હોનહાર બેટો હૃતિક. મૅચ હારવાના છીએ એ ખબર હોવા છતાં એક બૅટ્સમેન લગનથી રમ્યે જાય અને સેન્ચુરી મારે એવું જ હૃતિકે કર્યું છે. ઍક્ટિંગમાં ક્યાંય એણે વેઠ ઉતારી નથી. બ્લાઇન્ડ વ્યક્તિની બૉડી લૅંગ્વેજ, એનો ડાન્સ, જાતભાતના અવાજો કાઢતી વખતના એના હાવભાવ, આંખને સ્થિર રાખવા છતાં એના ચહેરા પર બદલાતાં એક્સપ્રેશન્સ બધું જ કાબિલે તારીફ છે. યામી ગૌતમના ભાગે અગેઇન ‘ફેર એન્ડ લવલી’ બનવાનું જ આવ્યું છે. રોનિત રોયે ટૂંકો કુર્તો પહેરીને લાંબો મૅલોડ્રામા કર્યો છે, પરંતુ ખોફ ઊભો કરી શક્યા નથી. અદભુત અવાજના માલિક નરેન્દ્ર ઝાની આ એક જ દિવસે બીજી રિલીઝ છે. ‘રઈસ’માં ડૉનનું પાત્ર ભજવ્યા બાદ અહીં ‘કાબિલ’માં તેઓ પોલીસ અધિકારીના પાત્રમાં દેખાયા છે. પરંતુ એમના ભાગે ‘તે હેં હૃતિક, તેં પેલું કઈ રીતે કર્યું એ તો કહે’ પ્રકારના સંવાદો જ આવ્યા છે. ‘દંગલ’માં આમિર ખાનને પૂરી દેનારા લુચ્ચા કોચ ગિરીશ કુલકર્ણીએ અહીં હૃતિકને પણ બરાબરનો હેરાન કર્યો છે.

ઘણા લોકોને આ ફિલ્મમાં બ્લાઇન્ડ લોકો માટે વપરાયેલા શબ્દો કદાચ નહીં ગમે. પરંતુ આપણા ફિલ્મકારો બ્લાઇન્ડ લોકોની દુનિયા એમના પોઇન્ટ ઑફ વ્યુથી જોઈ જ શકતા નથી તે વધુ એકવાર પુરવાર થયું છે. એમના ઘરમાં કોઈ વિશેષ મોડિફિકેશન ન હોય કે એમની ટેવો પણ આપણા જેવી જ હોય (જેમ કે, એકબીજાને સ્પર્શીને ઓળખતાં હીરો-હિરોઇનના ઘરમાં સ્પર્શીને ‘જોઈ’ શકાય તેવી સજોડે તસવીર કેમ ન હોય?). જોકે ફિલ્મને ન્યાય કરવા સારું એટલું કહી શકાય કે શરૂઆતમાં દેખાતી સાઇકલ રિપેર કરવી, ગંધ પરથી વ્યક્તિ પારખી જવી, અવાજ પરથી નિશાન વીંધી દેવું, અવાજ બદલીને ડબિંગ કરવું, ડગલાં ગણીને જોખમ પારખી જવા જેવી સામાન્ય ઘટનાઓનો ક્લાઇમૅક્સમાં બખૂબી ઉપયોગ થયો છે.

ફોર હૃતિક ઑન્લી

આ ફિલ્મને જોવા માટેનું એકમાત્ર કારણ હૃતિક રોશન છે. લેકિન અફસોસ કે એને એકદમ કડક સ્ક્રિપ્ટની મદદ મળી નથી. આ પ્રીડિક્ટેબલ ક્રાઇમ થ્રિલર આ લોંગ વીકએન્ડમાં વન ટાઇમ વૉચ બની શકે, પરંતુ તેને બદલે સંજીવ કુમારની ‘કત્લ’ જોઈ કાઢો તો આનાથી અનેકગણી વધુ મજા આવશે તે ગૅરન્ટીડ વાત છે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

અગ્લી

કદરૂપા સંબંધો, એવરેજ ફિલ્મ

***

માણસની અંદર ધરબાયેલી લાગણીઓને આપણને અકળાવી મૂકે એવા ‘અગ્લી’ પેકેટમાં રજૂ કરતી અનુરાગ કશ્યપની આ ફિલ્મ એક પરફેક્ટ થ્રિલર બનવામાં ખાસ્સી ઊણી ઊતરે છે.

***

ugly-movie-poster_596478ભારતમાં અઢળક સિનેપ્રેમીઓ એવા છે જેમને અનુરાગ કશ્યપનું નામ સાંભળીને સલમાનની જેમ ‘કિક’ વાગે છે. પરંતુ અનુરાગ કશ્યપના પાછલા રેકોર્ડની સરખામણીએ એની આ ફિલ્મ એક એવરેજ થ્રિલર બનીને રહી જાય છે. ફિલ્મના નામ પ્રમાણે જ સતત બિભત્સ રસ ટપકાવતી આ ફિલ્મ ઘણે ઠેકાણે અવાચક કરી મૂકે છે, તો ઘણા સવાલોના જવાબો આપતી નથી અને કેટલીયે બાબતો દિમાગના દરવાજાની અંદર પ્રવેશી શકતી નથી.

યે અગ્લી અગ્લી ક્યા હૈ?

એક કડકાબાલુસ સ્ટ્રગલિંગ એક્ટર પિતા રાહુલ (રાહુલ ભટ), ફ્રસ્ટ્રેટેડ માતા શાલિની (તેજસ્વિની કોલ્હાપુરે) અને ઓરમાન પિતા આઈપીએસ ઑફિસર શૌમિક બોઝ (રોનિત રોય)ની વચ્ચે ફંગોળાતી દસ વર્ષની કલ્લી (બાળ કલાકાર અંશિકા શ્રીવાસ્તવ) ભરબજારમાંથી ગાયબ થઈ જાય છે. પછી શરૂ થાય છે અહં, દગો, લાચારી, લાલચ જેવી દરેક પાત્રમાં ધરબાયેલી લાગણીઓની સાઠમારી. કલ્લીનો બાયોલોજિકલ ફાધર પોલીસની નિષ્ક્રિયતાથી ત્રાસીને પોતે જ કાયદો હાથમાં લઈને દીકરીને શોધવા નીકળી પડે છે. સાથોસાથ પોતાના જ ઘરમાંથી પત્નીની દીકરી ગાયબ થતાં શૌમિક એટલે કે રોનિત રોય માટે નાકનો સવાલ થઈ જાય છે, એટલે એ પણ આખી પોલીસ ફોર્સને દોડતી કરી મૂકે છે. આ બધાની આસપાસ રહેલાં બધાં જ પાત્રો પોતપોતાના સ્વાર્થ માટે આ પરિસ્થિતિનો ભરપુર ઉપયોગ કરવા માંડે છે. પરંતુ સવાલ એ છે કે નાનકડી કલ્લી છે ક્યાં?

અનુરાગ કશ્યપનો સિક્કો ગાયબ

‘અગ્લી’ ફિલ્મમાં સ્મોકિંગનાં દૃશ્યોમાં સૂચના ન મૂકવા દેવા માટે રાઇટર ડિરેક્ટર અનુરાગ કશ્યપે એક વર્ષ સુધી લડત આપી અને આખરે હાર્યો. ગંદી ગાળો અને ક્રૂરતા માટે આ ફિલ્મને સેન્સરે ‘એ’ સર્ટિફિકેટ આપીને પાસ કરી. કશ્યપ પોતે અને ઘણા વિવેચકો ‘અગ્લી’ને તેની અત્યાર સુધીની સૌથી સારી ફિલ્મ ગણાવી રહ્યા છે. પરંતુ અમુક બાબતોને બાદ કરતાં ફિલ્મ એવરેજ ડાર્ક ક્રાઇમ થ્રિલર બનીને રહી જાય છે. પહેલા વાત કરીએ ફિલ્મની પોઝિટિવ બાબતોની.

અનુરાગ કશ્યપની ટેવ એવી કે ફિલ્મને વાસ્તવિકતાની લગોલગ લાવીને મૂકી દેવી. એટલે જ ફિલ્મમાં હલકડોલક થતા કેમેરા હોય, ઓછામાં ઓછું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, કલાકારોને મેકઅપ મિનિમમ કર્યો હોય, પાત્રો છૂટથી ગંદી ગાળો વેરતા હોય, મારધાડ કરતા હોય અને રોજબરોજની લાઇફનું એવું ચિત્રણ કર્યું હોય કે હોરર ફિલ્મ ન હોવા છતાં આપણને બીક લાગવા માંડે, કે હાઇલા, દુનિયા આટલી બધી ખરાબ છે? (આવી જ બીક રામ ગોપાલ વર્માની ફિલ્મો જોતી વખતે પણ લાગે.) ‘અગ્લી’ની સ્ટોરી આમ તો સિમ્પલ છે કે ભઈ, એક ગુમ થયેલી બાળકીને શોધવાની છે, પરંતુ આટલી વાતમાં અનુરાગે દરેક પાત્રની અંદર ધરબાયેલી લાગણીઓને બખૂબી વણી લીધી છે. એક બાળકીના ગુમ થવાની ઘટનાને તેની આસપાસ રહેલા લોકો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરવા માંડે છે. એ જોઈને એવો જ વિચાર આવે કે જરૂરિયાત એ માત્ર શોધખોળની જ નહીં, બલકે પાપની પણ જનની છે. ભાંગેલાં પરિવારોમાં બાળકોની શી હાલત થતી હશે તે વાત પણ અનુરાગ જરાય ઉપદેશાત્મક થયા વિના કહી દે છે.

પરંતુ અનુરાગ કશ્યપે જેને ‘ઈમોશનલ થ્રિલર’ ફિલ્મ કહી છે તેના માટે આટલું પૂરતું છે? જી નહીં. પહેલી વાત તો એ કે આવી અઢળક કથાઓ આપણે સોની ટીવી પર આવતા કાર્યક્રમ ‘ક્રાઈમ પેટ્રોલ’માં જોઈ ચૂક્યા છીએ. જાહેરખબરો તથા હોસ્ટ અનુપ સોનીને બાદ કરતાં જે અસરકારકતાથી તેમાં કલાક-દોઢ કલાકમાં વાત કહેવાઈ જાય છે, તે કહેવા માટે અનુરાગે બે કલાક કરતાં પણ વધારે સમય લીધો છે. વળી, બાળકીને શોધવાના હેતુસર શરૂ થયેલી ફિલ્મ એ જ મુખ્ય ટ્રેક પર આગળ વધતી રહેવાને બદલે વિવિધ પાત્રોની પોતાની સ્ટોરીઓની ગલીઓમાં ફંટાતી રહે છે. એટલે જેને અંગ્રેજીમાં ‘ઍજ ઑફ સીટ થ્રિલર’ કહે છે એવો નખ ચાવી જઇએ એવો રોમાંચ ઊભો જ નથી થતો.

વધુ પડતું રિયલિસ્ટિક બનવાની લાલચ હોય કે ગમે તે, પણ ઘણા સીન એટલા લંબાઈ ગયા છે કે અલ્ટિમેટલી ગંભીર સ્થિતિમાં પણ દર્શકોને હસાવી દે છે. ઘણાં દૃશ્યોમાં એવું લાગે કે આ જ વાત ગંદી ગાળો બોલ્યા વિના પણ એટલી જ પ્રભાવક રીતે કહી જ શકાઈ હોત. એ જ રીતે ઘણા સવાલોના જવાબો આખી ફિલ્મ પતે પછીયે મળતા નથી. જેમ કે, ફિલ્મમાં રોનિત રોય પોતાની પત્નીનો પણ વિશ્વાસ ન કરે એવો ખડુસ પોલીસવાળો છે. એક તો એ સાવ સનકી અને ફાટેલ મગજનો શા માટે છે એનું કોઈ કારણ મળતું નથી. અચ્છા, ચલો માની લઈએ કે એના દિમાગમાં કોઈ જન્મજાત કેમિકલ લોચો છે, પરંતુ એ બહુ સ્માર્ટ પોલીસ ઑફિસર હોવા છતાં એના નાક નીચે ગેમ રમાતી હોય એ તેને કેમ દેખાતું નથી? અમુક પાત્રો જાણે વેકેશન ગાળવા આવતા હોય એ રીતે જેલની અંદર-બહાર શા માટે થતાં રહે છે એનું પણ કોઈ ક્લેરિફિકેશન મળતું નથી. બધી વાતોને અનુરાગ કશ્યપના ફિલ્મમેકિંગની મહાનતા ગણીને છોડી દેવી પડે છે.

ફિલ્મની શરૂઆતમાં કશ્યપબાબુ કહે છે કે આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે. પરંતુ એ ઘટના કઈ છે અને ફિલ્મમાં તેમાંથી કેટલું સાચું છે અને કેટલી કલ્પના છે એની કશે ચોખવટ કરાઈ નથી. ફિલ્મને વાસ્તવિક પણ બનાવવી છે અને વિગતો પણ સંતાડવી છે એ તો છાશ લેવા જવું અને દોણી સંતાડવા જેવો ઘાટ થયો.

રોનિત રોયઃ ટચાકાવાળાં ઓવારણાં

આમ જોવા જઇએ તો ‘અગ્લી’માં પણ રોનિત રોયે ‘ઉડાન’,  ‘ટુ સ્ટેટ્સ’, ‘બોસ’  જેવી ફિલ્મોમાં  કરેલો એવો ખડૂસ, સનકી દિમાગના પિતા-પતિ-પોલીસ ઑફિસરનો રોલ જ રિપીટ કર્યો છે. પરંતુ આ રોલમાં એ એટલો બધો પરફેક્ટ લાગે છે એ સ્ક્રીન પર હોય એટલો સમય સતત એક ભયનો માહોલ હવામાં તર્યા કરે. પોતાના ફાટેલ મગજનો પરચો બતાવવા માટે એને હાસ્યાસ્પદ ગાંડા કાઢવાની પણ જરૂર નથી, બલકે એ ચૂપ રહીને માત્ર આંખોથી પણ ફફડાટ પેદા કરી દે છે. પરંતુ એટલું ચોક્કસ કે એને હવે કંઇક અલગ કરવાની જરૂર છે.

અગ્લી’ના બીજા ચહેરા

ઘણા સમયે પડદા પર દેખાયેલી તેજસ્વિની કોલ્હાપુરેને આ ફિલ્મમાં અસરકારક અભિનય કરવા માટે મેકઅપની જરૂર પડી નથી. રાહુલ ભટ, સુરવીન ચાવલા ઓકે ઓકે છે. પણ હા, યાદ રહી જાય એવી એક્ટિંગ ફિલ્મમાં ‘ચૈતન્ય’ બનતા વિનીત કુમાર સિંઘ અને ‘ઇન્સ્પેક્ટર જાધવ’ બનતા મરાઠી એક્ટર ગિરીશ કુલકર્ણીની છે. એમ તો માત્ર બે જ દૃશ્યોમાં દેખાવા છતાં બાળ કલાકાર અંશિકા શ્રીવાસ્તવ વિશે પણ આપણને થાય કે આ બેબલી વધુ દેખાઈ હોત તો? આ ફિલ્મમાં શક્તિ કપૂરનો દીકરો સિદ્ધાંત પણ છે, પરંતુ એની એક્ટિંગ યાદ રહેવાને બદલે આપણને સતત એ જ સવાલ થાય છે કે એનો અવાજ એક્ટર રાજકુમાર રાવે કેમ ડબ કર્યો હશે?

અગલી ફિલ્મ અગ્લી?

અનુરાગ કશ્યપના પંખાઓ (ફૅન્સ!) તો જાણે આ ફિલ્મ જોવા હડી કાઢવાના જ છે. પરંતુ તમને જો કદરૂપી દુનિયાની એક ઝલક આપતી, જરાય હળવાશનો મોકો ન આપતી, એક એવરેજ ડાર્ક થ્રિલર જોવી ગમતી હોય તો ‘અગ્લી’ને એક ચાન્સ આપી શકાય. બાકી, ક્રાઇમ પેટ્રોલ તો દર અઠવાડિયે ટીવી પર આવે જ છે!

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

2 સ્ટેટ્સ

લોચા-એ-ટ્રાન્ઝિશન  હો ગયા!

***

નવલકથા કરતાં કશુંક નવું આપવાના ડિપાર્ટમેન્ટમાં નિષ્ફળ નીવડેલી આ ફિલ્મ  એન્ટરટેઇનિંગ  હોવા છતાં માંડ ‘ફાઈવ પોઈન્ટ સમવન’ માર્ક્સ જ મેળવે છે.

***

2_states_posterઆપણે ત્યાં કહેવત છે કે પારકી મા જ કાન વીંધે. જો ચેતન ભગતને આ કહેવતની ખબર હોત તો એ પોતાની નોવેલ પરથી બનનારી ફિલ્મનો સ્ક્રીનપ્લે જાતે ક્યારેય ન લખત. એમની સૌથી સારી લખાયેલી નવલકથા ‘2 સ્ટેટ્સ’ પરથી એ જ નામે બનેલી આ ફિલ્મમાં એમનો પોતાની નોવેલ પ્રત્યેનો એક દુજે કે લિયેનાં વાસુ-સપના જેવો અપાર પ્રેમ ચોખ્ખો દેખાઈ આવે છે. કેમ કે આખી ફિલ્મ જાણે નોવેલનું જ પેજ બાય પેજ મુવી વર્ઝન હોય એવું લાગે છે. દરેક સિચ્યુએશન અને ડાયલોગ્સ સુદ્ધાંમાં એક ટકોય ક્રિયેટિવિટી ઉમેરવામાં આવી નથી. પરિણામે જેમણે નવલકથા જોઈ હોય એમના માટે ફિલ્મ કશું જ નવું ઓફર કરતી નથી, જ્યારે જેમણે 2 સ્ટેટ્સ નવલકથા ન વાંચી હોય, એ લોકોને આ ફિલ્મ હેપ્પી એન્ડિંગવાળી ‘એક દુજે કે લિયે’ની રિમેક જ લાગશે.

નોર્થ વેડ્સ સાઉથ

ક્રિશ મલ્હોત્રા (અર્જુન કપૂર) અને અનન્યા સ્વામીનાથન (આલિયા ભટ્ટ) આઈઆઈએમ, અમદાવાદમાં ભણે છે અને બંનેનું એમબીએ પૂરું થાય એ પહેલાં તો પ્રેમમાં પડી જાય છે. બંનેને એકબીજા સાથે લગ્ન તો કરવાં છે, પણ લોચો એ છે કે ઉત્તર-દક્ષિણ જેવો કલ્ચરલ ડિફરન્સ ધરાવતા એમના પરિવારો માનવા જોઈએને. એટલે ડીડીએલજે સ્ટાઈલમાં ક્રિશ અને અનન્યા નક્કી કરે છે કે આપણે બંનેએ વારાફરતી એકબીજાનાં ઘરે જવું અને ડીડીએલજે સ્ટાઈલમાં પેરેન્ટ્સનાં દિલ જીતવાં.

ક્રિશ તો પોતાનાં ભાવિ સાસુ રાધા (રેવતી) અને સસરા શિવ સ્વામીનાથન (શિવ કુમાર સુબ્રહ્મણિયમ)ને પટાવી લેવામાં સફળ રહે છે, પરંતુ બિચારી અનન્યાનો મરો થાય છે. કેમ કે, એક તો એનાં ભાવિ સાસુ કવિતા (અમૃતા સિંઘ)ને સાઉથ ઈન્ડિયન લોકો પ્રત્યે સુંડલો ભરીને પૂર્વગ્રહો છે. વળી, ટિપિકલ પંજાબી મેન્ટાલિટી પ્રમાણેની એમની ગાડું ભરીને અપેક્ષાઓ છે, જે અનન્યા સંતોષી શકે એમ નથી. અધૂરામાં પૂરું, ક્રિશના પપ્પા વિક્રમ મલ્હોત્રા (રોનિત રોય) રિટાયર્ડ મિલિટરી ઓફિસર છે, અને એમનો દિમાગ અમદાવાદની ગરમી કરતાં પણ વધારે ગરમ છે. વારે વારે હાથ ઉપાડો કરતા એ પપ્પા સાથે ક્રિશને ઊભે બનતું નથી.

નતીજા? બંને પરિવારો વચ્ચે ભારત-પાકિસ્તાન જેવું ટેન્શન અને ક્રિશ બિચારો સીધો પહોંચે છે સાઈકાયટ્રિસ્ટની ચેમ્બરમાં. હવે? નોર્થ-સાઉથનું મિલન થશે ખરું? વેલ, આ ચેતન ભગતની રોમકોમ છે એટલે હેપ્પી એન્ડિંગ તો હોવાનું જ. જોવાનું એ છે કે એમનો પ્રેમ મંજિલે કેવી રીતે પહોંચે છે!

નવલકથા  સારી, પણ સ્ક્રીનપ્લે ક્યાં?

પહેલી વાત, આ ફિલ્મ અત્યંત કંગાળ નથી. પરિવાર સાથે જોઈ શકાય એવી હળવીફુલ વેકેશન એન્ટરટેઈનર ફિલ્મ છે. વળી, વેકેશન ઓડિયન્સનો અને ચેતન ભગતના જૂના તથા આલિયા ભટ્ટના નવા ચાહકોનો લાભ પણ 2 સ્ટેટ્સને મળશે. પરંતુ તમે એક અત્યંત સફળ અને લાખોની સંખ્યામાં વેચાયેલી નવલકથા પરથી ફિલ્મ બનાવો, ત્યારે દર્શકોને કશુંક નવું આપવાની તમારી જવાબદારી અત્યંત વધી જાય છે. નવલકથા કરતાં કશુંક નવું આપવાના ડિપાર્ટમેન્ટમાં આ ફિલ્મ ‘ફાઈવ પોઈન્ટ સમવન’ માર્ક્સ પણ મેળવતી નથી! કઈ રીતે? આવો જોઈએ…

લોચો-1 ઝીરો ક્રિયેટિવિટી

આ ફિલ્મમાં સ્ક્રીનપ્લે રાઈટર તરીકે ચેતન ભગતનું નામ વંચાય છે, પરંતુ ફિલ્મ માટે એણે એક વાક્ય પણ નવું લખ્યું હોય એવું લાગતું નથી. જાણે ફિલ્મના સેટ પર બધાને 2 સ્ટેટ્સ નોવેલની એક એક કોપી આપી દીધી હોય અને કહ્યું હોય કે આ વાંચીને એનું હિન્દી કરીને ડાયલોગ્સ બોલવા માંડો! ફિલ્મ માટે કોઈ પુસ્તકનું એડપ્ટેશન એ અનોખી કળા છે અને એટલે જ હોલિવૂડમાં એ માટેનો અલાયદો ઓસ્કર એવોર્ડ પણ છે. જો પુસ્તકને કોપી પેસ્ટ કરીને જ પડદા પર મૂકવું હોય તો સ્ક્રીનપ્લેની જરૂર શી છે? ચેતન ભગતના સ્માર્ટ પંચનો જાદૂ એની નવલકથા માટે પરફેક્ટ છે, પણ ફિલ્મ માટેની જરૂરિયાત અલગ હોય છે.

લોચો-2 રોંગ કાસ્ટિંગ

અર્જુન કપૂર એક પણ તબક્કે આઈઆઈએમનો સ્ટુડન્ટ, કોર્પોરેટ સેક્ટરનો એમ્પ્લોયી કે સ્યુસાઈડ કરવાની અણીએ આવેલો ફ્ર્સ્ટ્રેટેડ પ્રેમી લાગતો નથી. બલકે અઠવાડિયાની વધેલી દાઢીમાં એ સતત પીધેલો લાગે છે. એના ચહેરા પર ગણીને એકાદ-બે હાવભાવ આવે છે, પણ એટલાથી કામ ચાલે એવું નથી. હાઈવેની પટાખા ગુડ્ડી આલિયા ક્યુટ લાગે છે, પણ બબલી ગર્લ ટાઈપનો જે સ્પાર્ક અનન્યાના કેરેક્ટરમાં દેખાવો જોઈએ તે ક્યાંક મિસિંગ છે. વળી, આ લીડિંગ જોડી વચ્ચે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી કે ઈવન લવ-ઓ-લોજી પણ દેખાતી નથી. લીડિંગ પેર તરીકે રણબીર-દીપિકા અથવા તો આયુષ્માન ખુરાના-પરિણીતી ચોપરા પરફેક્ટ લાગત.  હા, એટલું કહેવું પડે કે રેવતી, અમૃતા સિંઘ અને રોનિત રોયનું કાસ્ટિંગ એકદમ પરફેક્ટ છે.

લોચો-3 કંગાળ ગીતો

શંકર-એહસાન-લોયે માત્ર ‘ચાંદનિયા’ અને ‘મસ્ત મગન’ એ બે ગીતો પર જ મહેનત કરી હોય એવું લાગે છે. બાકીનાં ગીતો ફેમિલી માટે પોપકોર્ન ખરીદવા જવા માટે અને બચ્ચાંલોગને સૂસૂ માટે લઈ જવાનાં ખપનાં જ છે!

લોચો-4 એનાકોન્ડા છાપ લંબાઈ

નોવેલનું હાર્દ લઈને ક્રિયેટિવિટી ભભરાવીને બનાવી હોત તો ફિલ્મ આટલી બધી લાંબી અને ડોલ્ફિનની જેમ વચ્ચે વચ્ચે પાણીમાં પેસી ન જતી હોત. આગળ કહ્યું એમ, ખુદ ચેતન ભગતે પોતાની નવલકથાના દરેક સીનને એઝ ઈટ ઈઝ ફિલ્મમાં લેવાની લાલચ ત્યજી હોત તો ફિલ્મ વધારે ફાસ્ટ અને ક્રિસ્પ બનત. બાય ધ વે, લેપટોપ અને લેટેસ્ટ સ્માર્ટ ફોન લઈને ફરતો હીરો નવલકથા લખવા માટે જૂનવાણી એવું ટાઈપરાઈટર શા માટે વાપરતો હશે, એ ચેતનબાબુ કહેશે?

મગર ફિર ભી

જો તમે નવલકથા વિશે વિચાર્યા વિના ફિલ્મના પ્રવાહમાં વહેતા રહો, તો તમને આલિયા ભટ્ટની ક્યુટનેસ, અર્જુન-રોનિત રોયનાં બાપ-દીકરાનાં પાત્રો વચ્ચે થતું ઘર્ષણ, ફિલ્મનાં ગીતો, બે સંસ્કૃતિઓ વચ્ચેના ઘર્ષણથી પેદા થતી કોમેડી વગેરે પાસાં મજા કરાવી શકે.

લેકિન ઈટ્સ વેકેશન ભૈયા!

ઇન શૉર્ટ, એક ફિલ્મની રીતે અને એડપ્ટેડ સ્ક્રીનપ્લેના પોઈન્ટ ઓફ વ્યૂથી ફિલ્મમાં ઘણા લોચા છે, પરંતુ ગરમી, વેકેશન, ઈલેક્શનના માહોલમાં બચ્ચે-યંગસ્ટર્સ ફિલ્મ ના દેખેં તો હો જાયેંગે બોર! વળી, ઘણા સમયે ટાઈડ પ્લસ ડિટર્જન્ટથી ધોઈ હોય એવી સાફસૂથરી ફેમિલી ફિલ્મ આવી છે. તો પછી મેળ પાડીને જઈ આવો તમતમારે. હા, નવલકથા વાંચી હોય અને એની અપેક્ષાઓનો ભાર લઈને જશો તો અમારી જેમ કકળાટ કરતાં બહાર આવશો! 

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

બોસ

બોસ, કરે છે બોર!

***

આર્ટ ફિલ્મેં તો યૂં હી બદનામ હૈ, તકલીફ તો (બોસ જૈસી) કમર્શિયલ મુવીઝ દેતી હૈ!

***

329664xcitefun-boss-posterમાત્ર સ્ટાર પાવરને વટાવી ખાવા અને એક જ વીકએન્ડમાં થાય એટલો વકરો ઉસેટી લેવા માટે બનાવાયેલી વધુ એક માઇન્ડલેસ, સો કોલ્ડ મસાલા મુવી. રોનિત રોયની સરપ્રાઇઝ સુપર્બ એક્ટિંગને બાદ કરતાં આ બોરિંગ અને પ્રીડિક્ટેબલ ફિલ્મ કશું જ નવું ઓફર કરતી નથી. બલકે, આવી એકસરખી, બીબાંઢાળ અને દક્ષિણની રિમેક ફિલ્મોનો ક્રેઝ પૂરો થાય તો સારી વાત છે!

બોસ ઇઝ નોટ રાઇટ

અમિતાભ બચ્ચનના વોઇસ ઓવરથી શરૂ થતી ફિલ્મ ‘બોસ’માં સ્ટોરી છે હરિયાણાના એક ગાંધીવાદી સ્કૂલ ટીચર (સત્યકાંત શાસ્ત્રી)ના મોટા દીકરાની. એ માથા પર પ્રેશર કૂકર લઇને જન્મ્યો હોય એવો ક્રોધી છે. એના પપ્પાના સહેજ પણ અપમાન સામે એ ઢીકાપાટું પર ઊતરી આવે છે. આવી જ એક નાની માથાકૂટમાંથી મામલો બિચકે છે અને ગાંદીવાદી પપ્પા પોતાના મોટા દીકરાને કાઢી મૂકે છે. એને બિગ બોસ (ના, પેલા સલમાનના પ્રોગ્રામવાળા નહીં, ડેની ડેન્ઝોંગ્પા) નામના કોન્ટ્રાક્ટ કિલર આશરો આપે છે અને એની બહાદૂરી જોઇને બોસ નામ આપીને પોતાનો ઉત્તરાધિકારી નીમે છે.

પંદર વર્ષ પછી જ્યારે બોસ મોટો થઇને અક્ષય કુમાર બની જાય છે ત્યારે તે ટ્રાન્સપોર્ટના ધંધાની આડમાં કોન્ટ્રાક્ટ કિલિંગની દુનિયાનો બોસ બની ચૂક્યો હોય છે. બોસ અક્ષય કુમારનો નાનો ભાઇ શિવ (શિવ પંડિત) દિલ્હી જઇને લાલ બિકિની પહેરીને ફરતી અંકિતા (અદિતી રાવ હૈદરી)ના પ્રેમમાં પડી જાય છે. એટલું જ નહીં, એના પ્રોટેક્શન માટે રાજ્યના ગૃહમંત્રીના દીકરાને પણ ધીબેડી નાખે છે. અદિતીનો મોટો ભાઇ આયુષ્માન ઠાકુર (રોનિત રોય) પુલિસ ઇન્સ્પેક્ટર છે, અને એના દિમાગની જગ્યાએ તો આખું બોઇલર ફિટ કરેલું છે. એનો એક જ નિયમ છે, એના રસ્તામાં જે કોઇ આવે એને જંગલમાં લઇ જઇ, મારી, ખાડો ખોદીને દાટી દેવાનું, એટલે કચરો સાફ. ગૃહમંત્રી (ગોવિંદ નામદેવ)ના ઇશારે નાચતો રોનિત રોય અક્ષય કુમારના નાના ભાઇ શિવને જેલમાં નાખી અને ધોબીઘાટના કપડાંની જેમ ટીપી નાખે છે.

એને બચાવવામાં અસહાય બનેલા એના પપ્પા મિથુન બોસને એટલે કે અક્ષયને દીકરાને બચાવવાની સુપારી આપે છે. બીજી બાજુ ગૃહમંત્રી શિવને પતાવી નાખવાની સુપારી પણ અક્કીને જ આપે છે. એટલે અક્કી મંત્રીજીની સુપારીને પાનની જેમ થૂંકી નાખે છે અને પોતાના ભાઇને બચાવવા નીકળી પડે છે. આ સંઘર્ષમાં રોનિત રોય અને અક્ષય-ધ બોસ સામસામે આવી જાય છે.

અપણે કો તો સિર્ફ બોર હોના હૈ!

2010માં આવેલી મમૂટી અભિનિત મલયાલમ ફિલ્મ ‘પોકિરી રાજા’ની રિમેક એવી એન્થની ડિસોઝા દિગ્દર્શિત ‘બોસ’ની સ્ટોરી એટલી બધી પ્રીડિક્ટેબલ અને ચવાયેલી છે કે આની સામે કુંભના મેળામાં વિખુટા પડતા બે ભાઇઓની સ્ટોરી વધારે નવીન લાગે! અક્ષય કુમારની લુખ્ખી હિરોગીરી, સાજિદ-ફરહાદે લખેલા બિલો ધ બેલ્ટ ડાયલોગ્સ અને સીન્સ, આજુબાજુ વિદેશી કન્યાઓ નાચતી હોય એવું આઇટેમ સોંગ, યો યો હની સિંઘ નામના પ્રાણીનું વાંધાજનક શબ્દોવાળું ગીત, પ્રભુદેવાનો શરીરના સાંધા ઢીલા થઇ જાય એવો ડાન્સ, સોનાક્ષીની મહેમાન ભૂમિકા, ન્યૂટનને આત્મહત્યા કરવાની ઇચ્છા થઇ આવે એવી ‘ગ્રેવિટી ડિફાઇંગ’ ફાઇટ સિક્વન્સીસ… બસ, આ બધા એકના એક મસાલા તપેલામાં નાખીને ચૂલે ચડાવો અને અઢી કલાક પછી જે વાનગી તૈયાર થાય એને ‘બોસ’ ફિલ્મનું નામ આપી શકાય, જે એટલી બધી પકાઉ છે કે તમારા પેટને બદલે મગજમાં અપચો થઇ જાય!

અક્ષય કુમારે ‘સ્પેશિયલ 26’માં પુરવાર કરી આપ્યું છે કે એ ધારે તો સારી એક્ટિંગ કરી શકે છે, પણ કોણ જાણે કેમ એ થોડી અલગ ભૂમિકાઓનું જોખમ લેવાને બદલે રાઉડી રાઠૌર, ખિલાડી 786, વન્સ અપોન  અ ટાઇમ ઇન મુંબઇ દોબારા જેવી બીબાંઢાળ ફિલ્મો જ કર્યા કરે છે.

જોકે આ ફિલ્મનું સરપ્રાઇઝ પેકેજ છે, રોનિત રોય. પોતાની કરડાકીવાળી સંતુલિત એક્ટિંગથી રોનિત રોય પડદા પર જે ખોફ ઊભો કરે છે, એની સામે અક્ષય કુમારના ગાંડાવેડાવાળી હીરોગીરી પણ ઝાંખી પડતી લાગે છે. જો સિંઘમ અને રાઉડી રાઠૌર સત્ય માટે લડતા સુપર કોપ હોય તો અસત્યની પડખે ઊભો રહેલો આયુષ્માન ઠાકુર (રોનિત) પરફેક્ટ કરપ્ટ કોપ છે. નાના પડદે એ  (‘અદાલત’ સિરિયલમાં) વકીલ કે.ડી.ની ભૂમિકામાં પોતાની શક્તિ વેડફે એના કરતાં મોટા પડદે આવી સશક્ત ભૂમિકાઓ ભજવે એ વધારે આવકાર્ય છે.

ઢીંકાપાટું એ જ કલ્યાણ

આ ફિલ્મને વખોડવાલાયક બનાવતી બાબત હોય તો તે છે હિંસાની ખુલ્લેઆમ તરફેણ. ગાંધીજી જેવાં ચશ્માં પહેરતા ગાંધીવાદી મિથુન આમ તો અહિંસાને વરેલા છે, પણ જ્યારે પોતાના દીકરાને પોલીસ પકડી જાય છે ત્યારે તે એક પણ સેકન્ડનો વિલંબ કર્યા વિના કોન્ટ્રાક્ટ કિલર એવા અક્ષયને પોતાના દીકરાને બચાવવાની સુપારી આપી આવે છે. ફિલ્મના બીજા એક દૃશ્યમાં પણ જે દીવાલ પર ‘અહિંસા’ લખ્યું હોય એની આગળ જ લોહિયાળ જંગ ખેલાય છે. દરેક વાતનું સોલ્યુશન હિંસા છે એવો મેસેજ લોકોમાં જાય છે એ વાત ખરેખર દુઃખદ છે.

વગેરે વગેરે

આ ફિલ્મમાં અદિતી રાવ હૈદરી, શિવ પંડિત, ડેની ડેન્ઝોંગ્પા, પરીક્ષિત સાહની, સંજય મિશ્રા, જ્હોની લીવર, મુકેશ તિવારી જેવાં કલાકારો પણ છે, પરંતુ અક્ષય કુમારને ધ્યાનમાં રાખીને લખાયેલી આ ફિલ્મમાં એ લોકો માત્ર એની આસપાસ ગરબા જ ગાયા કરે છે. સારું છે આ ફિલ્મમાં અક્ષયની અપોઝિટ કોઇ હિરોઇન નથી, નહીંતર એનું પણ પડદા પર ગિર્દી કરવા સિવાય કશું કામ ન રહેત. ઝાઝા રસોઇયા રસોઇ બગાડે એમ આ ફિલ્મમાં ચાર સંગીતકારો છે, પણ એકેય ગીતમાં મજા પડે એવું નથી. ઊલટું મનહર ઉધાસનું જાંબાઝ ફિલ્મનું ‘હર કિસી કો નહીં મિલતા’ ગીતનું રિમિક્સ કર્યું છે પણ મ્યુઝિક લવર્સને તમ્મર ચડી જાય એવું છે. અધૂરામાં પૂરું યો યો હની સિંઘે જે ‘આન્ટી પુલિસ બુલા લેગી’ નામનું ગીત ગાયું-બનાવ્યું છે એ બદલ તો જાહેર હિતની અરજી કરીને એના પર પ્રતિબંધ મૂકી દેવો જોઇએ! (અહીં તો એ સદેહે પણ દેખાય છે!)

કુલ મિલા કે

‘બોસ’માં જેમ્સ બોન્ડની ‘કેસિનો રોયાલ’થી પ્રેરિત એક ચેઝ સિક્વન્સ છે તે સારી બની છે. અને સલમાન, અજય, સન્ની દેઓલની ઠેકડી ઉડાડતો એક સીન સારો બન્યો છે. તે ઉપરાંત રોનિત રોયની ઇસ્ત્રી કરેલા કપડા જેવી કડક એક્ટિંગ અને અક્ષયના ગાંડાવેડા. આવા થોડાઘણા મસાલાને કારણે ફિલ્મ દરમિયાન જાગતા રહેવું શક્ય બન્યું છે. જો દિવાળીની સાફસૂફી પતી ગઇ હોય અને થાક ઉતારવો હોય તો જોવા જઇ શકાય!

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.