તુમ્હારી સુલુ

સુલુ ડેફિનેટલી કર સકતી હૈ

***

નો બોરિંગ ઉપદેશ, બટ એકદમ મસ્તી સાથે ફેમિનિઝમ અને પૉઝિટિવિટીની વાતો કહેતી આ ફિલ્મ કમ્પ્લિટલી મસ્ટ વૉચ છે.

***

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

***

tumhari-sulu-poster_016 નવેમ્બર ગુરુવારે રાત્રે નવી ગુજરાતી ફિલ્મ ‘લવની ભવાઈ’ના પ્રીમિયર શૉમાંથી બહાર નીકળ્યા ત્યારે મગજમાં બે વાતો ડ્રોનની જેમ ચકરાવા લઈ રહી હતી. એક તો યોગાનુયોગની કે એક જ દિવસે (17 નવેમ્બર, શુક્રવારે) રિલીઝ થઈ રહેલી ગુજરાતી અને હિન્દી એમ બે ભાષાની ફિલ્મોનું સેન્ટ્રલ કેરેક્ટર એક સ્ત્રી છે અને બંને RJ એટલે કે રેડિયો જોકી જ છે (FB પર મૂકેલું મારું આ ઑબ્ઝર્વેશન તો બહુ બધા લોકોએ ઉઠાવીને પોતાના નામે ચડાવ્યું!). બીજી વાત એ કે રેડિયો જોકીની એક ફન્કી-બબલી ચૅટરબૉક્સ યંગસ્ટર અને જાણે સતત કોઈ માદક પદાર્થની અસર હેઠળ ‘હાઈ’ હોય એ ટાઇપની ઇમેજ બહુ થઈ, ચવાઈ ગઈ, કહો કે ક્લિશૅ થઈ ગઈ. શું બધા રેડિયો જોકી એવા જ હોય? રેડિયોના એક કૂલ-અદૃશ્ય પરપોટાની બહાર એમની કોઈ લાઇફ જ નહીં હોય? એમને આપણા જેવા રિયલ લાઇફ પ્રશ્નો નહીં થતા હોય? RJની ફન-હેપનિંગ જોબની વરવી વાસ્તવિકતા- જેમ કે, રેડિયો જોકી બનવાની સ્ટ્રગલ, FM સ્ટેશનના લોકોએ પણ જાહેરખબરોની આવક રળવા માટે ક્લાયન્ટની ધૂન પર નાગિન ડાન્સ કરવો પડે છે-એવું કંઈ કેમ બતાવી ન શકાય? અને કોઈ અનલાઇકલી-જેની આપણે કલ્પના જ ન કરી શકીએ એવી વ્યક્તિની RJ બનવાની સ્ટ્રગલ કેમ બતાવી ન શકાય?

આ સવાલોના જવાબો મેળવવા માટે મારે પૂરા બાર કલાકની પણ રાહ ન જોવી પડી. કેમ કે, સવારે મોર્નિંગ શૉમાં જોયેલી ડિરેક્ટર સુરેશ ત્રિવેણીની વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘તુમ્હારી સુલુ’માં એમાંની ઘણી બધી બાબતો આવરી લેવાઈ હતી! ‘તુમ્હારીન સુલુ’ની વાત ડિટેઇલમાં માંડતા પહેલાં એટલું તો ગળું ખોંખારીને કહી શકાય કે હિન્દી સિનેમાની ફ્રેશનેસ, ફ્લેવર, ક્વૉલિટી બધું જ ‘તુમ્હારી સુલુ’ જેવી સ્મૉલ બજેટ ફિલ્મોએ જ જાળવી રાખ્યાં છે.

ફ્રીડમવાલે સપને

મુંબઈની સુલોચના ઉર્ફ સુલુ પર જો એની ટીનએજમાં ફિલ્મ બની હોત તો તે ‘કભી હાં કભી ના’, ‘વેક અપ સિદ’ કે ‘લક્ષ્ય’ જેવી જ બની હોત. જે લોકો ‘તુમ્હારી સુલુ’ની સુલુ (વિદ્યા બાલન)ને હજી મળ્યા નથી એમના માટે સુલુનો એક પરિચય. સુલુ એટલિસ્ટ 40 વર્ષની એક મિડલક્લાસ ગૃહિણી છે. ના, ફિલ્મમાં ક્યાંય એની ઉંમર કહેવાતી નથી, પરંતુ અમે કેલ્ક્યુલેશન કર્યું છે કે બારમાની ત્રીજી ટ્રાય વખતે એ પોતાના ભાવિ પતિ અશોક (માનવ કૌલ)ને મળેલી, પ્રેમમાં પડેલી અને અત્યારે એમનો 11 વર્ષનો એક દીકરો પણ છે. સુલુ એના પિયરનું પંચિંગ બૅગ છે. કેમ કે એક તો એણે બૉયફ્રેન્ડ ટર્ન્ડ પતિ સાથે મળીને-બહેનો પાસેથી 30 હજાર રૂપિયા ઉછીના લઇને ચિટ ફંડ શરૂ કરેલું, જે ‘સ્ટાર્ટઅપ’ ડૂબી ગયું (એનાં મહેણાં આજે પણ એ સાંભળે છે). ઉપરથી એણે બારમામાં ત્રણ વખત નિષ્ફળ ટ્રાય મારી. આજે પણ એની બે મોટી જુડવા બહેનો અને પપ્પા આ મુદ્દે સુલુનું રેગિંગ કર્યા કરે છે. એક્ચ્યુઅલી, એનો પરિવાર ભારતના લાખો પરિવારો જેવો જ હતો, જે બૉર્ડ એક્ઝામને જ બાળકનાં ભવિષ્ય અને ટેલેન્ટનું સર્ટિફિકેટ ગણી લે અને બૅન્ક જેવી ‘સિક્યોર’ જોબને જ ફ્યુચરનો-કરિયર પર્યાય માની લે. એટલે એમની દૃષ્ટિએ તો સુલુ એક ફેઇલ્ડ ચાઇલ્ડ છે.

ખરેખર તો સુલુ એક મિસઅન્ડરસ્ટુડ ચાઇલ્ડ છે. જાતભાતની એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં એની માસ્ટરી છે. લીંબુ ચમચીની રેસથી લઇને લતા મંગેશકરનાં સૅડ સોંગ્સ અને જાતભાતના સવાલોના જવાબો આપવાની સ્પર્ધાઓમાં એ જીતતી રહે છે. એના શબ્દોમાં જ કહીએ તો ‘મૈં વિનર હૈ.’ એક્ચ્યુઅલી, સુલુમાં એક આંત્રપ્રેનર-ઇન્ડિપેન્ડન્ટ વુમન બનવાનાં તમામ લક્ષણો છે, પણ એ ઘરની ચાર દીવાલોમાં કેદ થઈ ગઈ છે. એના ઘરના મુખ્ય દરવાજાના જેલની કોટડી જેવા ઊભા સળિયા આ કેદની ચાડી ખાય છે. પાંજરે પુરાયેલા પોપટની જેમ એ પોતે જ પોતાનો દરવાજો બંધ કરી દે છે. પણ એને બહારના ખુલ્લા આકાશમાં ઊડવું છે, પોતાની જાતને પ્રૂવ કરવી છે. જાતને પ્રૂવ કરવાની આ જદ્દોજહદને કારણે જ એ જાતભાતની સ્પર્ધાઓમાં ભાગ લેતી રહે છે, નિતનવા બિઝનેસના પ્લાન બનાવતી રહે છે. મિડલક્લાસ ગૃહિણી સુલુના ઘરની એક્ઝેક્ટ સામેના ફ્લૅટમાં બે એરહોસ્ટેસ રહે છે. સુલુ એમની સાથે વાતો કરવાના પ્રયત્નો કર્યા કરે. અંદરખાને ઇચ્છા તો એવી કે પોતે પણ એમની જેમ હવાહવાઈ બનીને-પવન પાવડી પગમાં પહેરીને આકાશે ઊડે. ઘરમાં એમની જેમ ખભે પર્સ લટકાવીને અરીસા સામે સ્ટાઇલો પણ મારે. એ જે અપાર્ટમેન્ટમાં રહે છે તેના નામ ‘જલપદ્મ’ની જેમ એ પોતે પણ નોટ સો ક્લીન પાણીમાં ઊગેલું કમળ છે જે વધુ સારી પ્લેસ મેળવવાને હકદાર છે.

પણ ના, સુલુ સૅડ નથી. લાઇફની એકેએક મોમેન્ટ માણતા એને આવડે છે. વાયડા સિક્યોરિટી ગાર્ડની કે ગ્રોસરી સ્ટોરના દુકાનદારની મસ્તી પણ કરી લે ને ઝાડ પરથી ફૂલો ખરે તો એમાં ફિલ્મી ડ્રીમ સિક્વન્સનો આનંદ પણ માણી લે. આખો વખત ઘરમાં જ રહેતી હોવા છતાં એના આત્મવિશ્વાસમાં જરાય ઊણપ નથી. ઘરમાંથી પણ ગમે તેટલો વિરોધ થાય, એને જે સાચું લાગે તે જ એ કરે છે-કહે છે. અવળચંડા પુરુષોને સીધા કરતા પણ એને આવડે છે અને સ્ત્રીઓની સીટ પર બેસવા માટે અચકાતા એક કિન્નરને પણ એ પ્રેમથી પોતાની બાજુની સીટ પર બેસાડે એવી બ્રોડમાઇન્ડેડ પણ ખરી.  પાછી સુલુ એક નંબરની ફિલ્મી છે. જાતભાતનાં ફિલ્મી ગીતો એની જીભ પર રમતાં હોય, પતિને એ સવારે શ્રીદેવીની ‘ચાલબાઝ’ સ્ટાઇલમાં ‘બલ…મા’ કહીને ઉઠાડે. ઘરની બારીએ આવતા કબૂતરનું નામ એણે ‘ભાગ્યશ્રી’ પાડ્યું છે (રિમેમ્બર, ‘કબૂતર જા જા જા..’?). એ કબૂતર જોકે ઘરમાં પુરાયેલી સુલુનું મૅટાફર છે, જે એને ઉડાન મળે ત્યારે ઊડે છે અને એક તબક્કે ઊડીને ફરી પાછું બારી પર પણ આવી જાય છે. એની જીભને પણ જરાય બ્રેક નથી. મનમાં જે હોય તે વગર વિચાર્યે બોલી નાખે છે અને પતિ સાથે પણ ગમે તેવો ઝઘડો થાય, એ ઝાઝો વખત અબોલા પણ રાખી શકતી નથી. ટૂંકમાં કહીએ તો સુલુ સાડીમાં લપેટાયેલી એક ધસમસતી નદી છે.

ફોર્ચ્યુનેટલી, એનો પતિ અશોક પણ એકદમ સપોર્ટિવ છે. એ અશોકની પાછી ડિફરન્ટ સ્ટોરી છે. અશોકમાં આત્મવિશ્વાસની તાણ છે, થોડો બીકણ પણ ખરો. નોકરી બદલીને બહારની દુનિયા સામે બથોડા લેવાને બદલે એ ‘મથુરાદાસ એન્ડ સન્સ’ નામની ટેલરિંગ ફર્મમાં બાર વર્ષથી કામ કરે છે. આ એણે સ્વીકારેલી અદૃશ્ય કેદ છે. એ જગ્યા એટલા બધા બુઢ્ઢાઓથી ભરેલી છે કે એમની ઉંમર જાણવા માટે સીધું એમનું રેડિયોમેટ્રિક ડેટિંગ જ કરવું પડે. એના બુઢિયા માલિકોની દવાઓના ટાઇમના અલાર્મ પણ એ મૂકી રાખે છે અને યાદ કરીને એમને દવાઓ પણ ખવડાવે છે. હવે તો મથુરાદાસની ચોથી પેઢીનો વછેરો આવીને અશોક પર તબલાં વગાડવા માંડ્યો છે. પણ અશોકમાં હિંમત નથી કે એ પોતાના માટેય અવાજ ઉઠાવે. ફ્રસ્ટ્રેશન વધી જાય તો પીને ઘરે આવે. સ્વભાવે ચીકણો પણ છે. બગડેલા ટીવીના રિપ્લેસમેન્ટ માટે કૉલ સેન્ટરમાં રોજ ફોન કરે છે. ત્યાં ‘1’ નંબર પર હિન્દીને બદલે ઇંગ્લિશ બોલતો એક્ઝિક્યુટિવ શા માટે આવે છે એ મુદ્દે પણ કચકચ કરે છે. અશોક સુલુના એક ફ્રી વુમન બનવાના પ્લાન્સને સપોર્ટ કરે છે, ક્યારેક મજાકમાં પણ ઉડાવી દે. પરંતુ એ સુલુના પ્રેમમાં ગળાડૂબ. સુલુ કહે તો પ્રેમથી એના પગ પણ દબાવી આપે. એનું સર્ટિફિકેટ ફાડતાં સુલુ પોતાની બૉસને કહે છે, ‘મેરા અશોક તો ગાય હૈ ગાય..!’ સુલુ અશોકના પ્લસ-માઇનસ પોઇન્ટ્સને બરાબર જાણે છે, છતાં એને કોઈ જ ફરિયાદ નથી. કદાચ સુલુનો કોન્ફિડન્સ અને અશોકનો લૅક ઑફ કોન્ફિડન્સ બંને એકબીજાનાં પૂરક છે.

એમનો અગિયાર વર્ષનો દીકરો પ્રણવ (ચાઇલ્ડ એક્ટર અભિષેક શર્મા) આમ તો મીઠડો છે. ઘરમાં બધા લોકોનાં સિક્રેટના વટાણા વેરતો ફરે છે, પણ પોતે દફતરમાં એક સિક્રેટ લઇને ફરે છે.

આ સુલુના ડ્રીમને ટૅક ઑફ મળે છે એક રેડિયો સ્ટેશનના RJ યાને કે ‘રેડિયો જોકી’ હન્ટમાં. ઘરે પુષ્કળ FM સાંભળી ચૂકેલી સુલુને ખાતરી છે કે RJની જોબ ‘વો કર સકતી હૈ.’ કેમ કે (ક્યારેક પ્લેફુલ, તો ક્યારેક માદક અને ક્યારેક ડરામણી રેન્જવાળો) અવાજ તો એની પાસે છે જ, કૉન્ફિડન્સ પણ માશાઅલ્લાહ છે જ, ફિલ્મોનું-ગીતોનું નૉલેજ પણ છે અને સેન્સ ઑફ હ્યુમર પણ છે (યાને કે એક RJ માટે તો એ ઑવરક્વોલિફાઇડ છે!)… જરૂર છે બસ એક ચાન્સની. પણ અહીં બબલી-ચિબાવલી RJનું કામ નથી, બલકે મોડી રાત્રે પોતાના પ્રિયપાત્રને મિસ કરતા એકલવાયા પુરુષોની સાથે માદક અવાજે વાતો કરવાની છે, ‘તુમ્હારી સુલુ’ બનીને.

હવે ધારો કે એ રેડિયો જોકી બની પણ ગઈ તો સફર આસાન છે ખરી? દરરોજ વિરારથી BKC (બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ) આવવાનું. અલબત્ત, ‘રેડિયો WOW!’ આવવા-જવાની ટેક્સી પૂરી પાડે, પણ ઘરનું કામ પતાવીને સાંજે એટલિસ્ટ 65 કિલોમીટરનું અંતર કાપીને ઑફિસે આવવાનું. શૉ પતાવીને મોડી રાત્રે ફરીથી બીજા 65 કિલોમીટર કાપીને ઘરે પહોંચવાનું. એટલે પોતાનું જમવાનું પણ ઑફિસે પતાવવું પડે, બીજા દિવસનું શાક પણ ઑફિસે જ સમારવું પડે. પત્ની આ રીતે એકાએક નોકરી કરતી થાય-એ પણ રાતની-એટલે ઘરનાં શાંત પાણીમાં પણ વમળો સર્જાય, રૂઢિચુસ્ત પિયરિયાં પણ નાકનાં ટીચકાં ચડાવે-ઉતારી પાડે…

સેન્સ, સેન્સિટિવ એન્ડ સેન્સિબિલિટી

અગાઉ 2015ના ક્રિકેટ વર્લ્ડ કપ વખતે સુપર હિટ ‘મૌકા મૌકા’ સિરીઝની જાહેરખબરો બનાવી ચૂકેલા ઍડ ફિલ્મમૅકર સુરેશ ત્રિવેણીએ પોતાના પહેલા જ બૉલે સિક્સર મારી છે એવું કહીએ તો કોઈ કહેશે, ‘ક્લિશૅ ક્લિશૅ’! પરંતુ હકીકત જ એ છે કે એમણે બડી નજાકતથી અને ઘરેણાં બનાવતા કારીગરની નજાકતથી સુલુનું પાત્ર સર્જ્યું છે. એક ઍડ ફિલ્મમૅકર હોવાને નાતે એક જ સીનમાં-વાક્યમાં ઘણું બધું કહી દેવાની ઇકોનોમિકલ ટેવ એમનામાં ઇન-બિલ્ટ છે. એ કારણે પણ આ ફિલ્મ રિચ બની છે. આમ જોવા જાઓ તો ‘તુમ્હારી સુલુ’ એક સામાન્ય વ્યક્તિને અસામાન્ય સંજોગોમાં મૂકી દેવાની કે એક અન્ડરડૉગની જ સ્ટોરી છે. છતાં એમણે અને ફિલ્મના ડાયલોગ રાઇટર વિજય મૌર્યે (જે ફિલ્મમાં પંકજ રાય ‘બાગી’ કવિની ભૂમિકામાં દેખાય છે) જે ડિટેલિંગ આપ્યું છે અને જે લૅયર્સ ઉમેર્યાં છે એનાથી આ ફિલ્મની રિચનેસ ક્યાંય વધી ગઈ છે. ભલે લાંબી થાય, પણ નિરાંતે વાત કરીએ.

આગળ ઉપર આપણે સુલુની પર્સનાલિટીનાં ઘણાં પાસાં વિશે વાત કરી જ ગયા છીએ. છતાં એક ગૃહિણી તરીકે સુલુની ચીવટ, દીકરાના અભ્યાસમાં ધ્યાન આપવાની એક માતા તરીકેની ફરજ, નોકરી કરવા જાય ત્યારે પણ ઘરનું બૅલેન્સ ન ખોરવાય તેની કાળજી એ બધું પણ માર્ક કરવા જેવું છે.

બે અલગ અલગ ઇમેજ-વિઝ્યુઅલને સાથે રાખીને કરાતું જક્સ્ટાપોઝિશન અને મૅટાફર-રૂપકનો પણ ડિરેક્ટર સાહેબે બરાબર ઉપયોગ કર્યો છે. જેમ કે, એક ગૃહિણીની રોજિંદી જદ્દોજહદનું પાર્કર (Parkour) સાથે સરખાવવું (‘ફર્રાટા’ સોંગમાં), આગળ લખ્યું તેમ ઘરમાં કેદ અને પછી ઊડતી સુલુની કબૂતર અને પછી સુપરમેન સાથે સરખામણી, વર્ષોની વફાદારી છતાં કોઈ કારણ વિના સતત અપમાનિત થતા અશોકની દુકાનની બહાર રાખેલા મૅનિકિન સાથે કમ્પેરિઝન, એ જ અશોક-જેનામાં નોકરી છોડવાની હિંમત નથી એટલે એ- કાગળનું વિમાન ઉડાડીને સંતોષ માને છે, RJ બનવાનું સપનું સુલુની ઘરની ડાયરીના એક પાના પર હોય અને તેની આગળના પાને ઘરનો કરિયાણાનો હિસાબ લખેલો હોય, ટેક્સીમાં વાગતો FM રેડિયો બંધ થાય ત્યારે અચાનક બહારના ટ્રાફિકનો ઘોંઘાટ ઘેરી વળે-યાને કે FMનું મ્યુઝિક તમને બહારની વાસ્તવિકતાથી ડિસકનેક્ટ કરી દે (અથવા તો સૂધિંગ આનંદ આપે), રેડિયો પર સૂફિયાણી વાત કહેવાતી હોય કે ‘ઘિસતે ઘિસતે હી હીરા ચમકતા હૈ’ અને ત્યારે સુલુ હલવો બનાવવા માટે ગાજર છીણતી હોય (મીનિંગ સમજાવવાની જરૂર ખરી?)…

ડિટેલિંગ અને ડાયલોગ્સ એવા જબરદસ્ત છે કે જો સભાન ન હોઇએ તો ડિરેક્ટરે ક્યાં કઈ વાત કહી દીધી એનો ખ્યાલ પણ ન આવે. જેમ કે, પરંપરાગત અર્થમાં પોતે કદાચ ‘સૅક્સી’ નથી એવું માનતી સુલુને બહારથી કહેવામાં આવે કે એનો અવાજ ‘સૅક્સી’ છે, ત્યારે એ વાતનો પરચો એ મૅલ શૉવિનિસ્ટ-ઠરકી દુકાનદારને બતાવી દે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનાં છોકરાં હિન્દીમાં ઝઘડે તો ટીચર ખીજાઇને કહે, ‘બૉય્ઝ, ઇંગ્લિશ!’, ભલે હિટ હોય પણ રમતિયાળ પર્સનાલિટી રિફ્લેક્ટ કરવા માટે ‘અલબેલી’ જેવું લટકણિયું લગાવીને ફરતી RJ અંજલિ (RJ મલિશ્કા મેન્ડોન્સા), જ્યારે કોઈ અણગમતી વ્યક્તિ રેડિયો પર કૉલ કરે ત્યારે ફટ્ દઇને ચૅન્જ થતા ‘અલબેલી’ના હાવભાવ-કટ્ કરાતો ફોન અને એમાંથી રિફ્લેક્ટ થતો એનો બૉર્ડરલાઇન દંભ (અને ચુલબુલા RJ લોગની રિયાલિટી), ‘મૈં કોન્વેન્ટ મેં પઢેલી હૂં ઔર દાલ-ચાવલ કી બાતે કરું તો અચ્છા લગતા હૈ?’ કહેતી દંભી ફેમિનિઝમના પ્રતિક જેવી રિસેપ્શનિસ્ટ, પતિની નોકરી જોખમમાં છે એવું વગર કહ્યે સમજી લઇને સુલુનું એક જિમમાં રિસેપ્શનિસ્ટની નોકરી શોધવા જવું (ત્યાં પણ વર્તમાન રિસેપ્શનિસ્ટ પ્રેગ્નન્ટ છે એટલે વેકેન્સી પડી છે તેવું પણ વગર કહ્યે કહી દેવું), મિડલ ક્લાસ ઘરનું ડિટેલિંગ એવું બારીક કે ઘરના દરવાજે (મોસ્ટ્લી) દૂધ માટે થેલી પણ લટકાવેલી હોય, પોતે કંઈ ટ્રેનમાં રૂમાલ-કાંસકા નથી વેચતા-બલકે એક વિદ્રોહી કવિ છે એવું કહેતા પ્રોગ્રામ પ્રોડ્યુસર (વિજય મૌર્ય) પછી જરાય ભાવ ન દેતા ક્લાયન્ટની ફરમાયેશ પર પાપડ વેચવાનાં જિંગલ લખતો હોય, મોબાઇલ ફોન કેવી રીતે બાળકોને બગાડી રહ્યો છે, રેડિયોની ફન, હૅપનિંગ દુનિયાનું વર્કિંગ પહેલીવાર જોઇને (જેમાં ઑફિસમાં બે કર્મચારી ટેબલ ટેનિસ રમી રહ્યા છે) સુલુના ચહેરા પરના આશ્ચર્ય-એક્સાઇટમેન્ટના ભાવ, પત્નીને કામ કરવા માટે સપોર્ટ કરતા પતિમાં પણ કેવું વખત આવ્યે મૅલ શૉવિનિઝમ જાગી જાય-એની ઇનસિક્યોરિટી ફૂંફાડો મારી બેસે, જો સુલુ પગભર-પોપ્યુલર થાય તો પોતાનો ઇગો હર્ટ થાય એવી અદેખાઈથી બળી મરતી મોટી બહેનો કોઇપણ વાતને એની (સો કૉલ્ડ ‘ગંદી’) નોકરી સાથે જોડી દે, બાળકો સાચવવાનું-એમને સંસ્કાર આપવાનું કામ તો માત્ર માતાનું જ હોય એવી આઉટડેટેડ પૅટ્રિયાર્કિયલ મેન્ટાલિટી, સુલુ પોતાના જ પ્રોગ્રામનો પ્રોમો રેડિયો પર સાંભળતી હોય, ઑફિસની પાર્ટીમાં વોડકા, ટકીલા, બીયરનાં પીપડાં જ ભરેલાં હોય, કામવાળી સામે પૈસાની વાત નીકળે તો ઘરના લોકો એને ત્યાંથી તગેડી મૂકે, એક સ્ત્રી નવી નવી બહારની દુનિયામાં પગ મૂકે ત્યારે જે ફિઅર-બદલાવ આવે તેને ઇગ્નોર કરવા માટે સમજુ બૉસ-FM સ્ટેશન હૅડ મરિયા સૂદ (નેહા ધુપિયા) દ્વારા અપાતી સલાહ, ‘ઉપર ચડતે વક્ત નીચે મત દેખો, ડર જાઓગી…’, ‘ફિલ્મી લોગ હૈ, નહાતે ધોતે હૈ નહીં’ (એટલે જ ડિઓ લગાવીને ફરે) એવા ડાયલોગમાં પતિની થોડી જલન, ઇનસિક્યોરિટી અને ફિલ્મસ્ટાર્સ પ્રત્યેની માનસિકતા રિફ્લેક્ટ થાય… આવા જથ્થાબંધ ડિટેલિંગ ઉપરાંત વધુ એક મસ્ત વાત છે બેસ્ટ પ્રોડક્ટ પ્લેસમેન્ટનું.

બાકીની ફિલ્મોની જેમ ખર્ચો કાઢવા માટે અહીં પણ ‘પ્રેસ્ટિજ’ પ્રેશર કૂકર, ‘બોરોસિલ’ ક્રોકરી, એક જ્વેલરી બ્રાન્ડ, અદાણી રિઅલ્ટીનું BKC ખાતે આવેલું ‘ઇન્સ્પાયર’ નામનું કોમ્પ્લેક્સ જેવી સ્પોન્સર્ડ આઇટેમ્સ દેખાય છે. પણ બેસ્ટ પ્રોડક્ટ પ્લેસમેન્ટ છે ‘ઓલા’ ટેક્સીનું. કંપની સુલુને રાત્રે ઘરેથી પિકઅપ-ડ્રોપ માટે ‘ઓલા’ ટેક્સીની સર્વિસ આપે છે. એક તો તે ટેક્સી એક સ્ત્રી ચલાવે છે અને રખે ને કોઈ મવાલીએ દાદાગીરી કરી, તો સેફ્ટી માટે એ મહિલા ડ્રાઇવર પાસે પૅપર સ્પ્રે પણ છે. યાને કે લોકોને ખ્યાલ પણ ન આવે કે કંપનીની જાહેરાત થઈ ગઈ અને અદૃશ્ય રીતે આપણને તે ટેક્સી ડ્રાઇવર-ટેક્સી સર્વિસ વિશે હુંફાળી ફીલ આવવા માંડે. પાકિસ્તાની સ્ટાર્સ-સિંગર્સ પ્રત્યે આપણો દંભી વિરોધ પણ તે મહિલા ટેક્સી ડ્રાઇવર દ્વારા બોલાતા એક જ ડાયલોગમાં કહી દેવાયો છે, ‘યે પાકિસ્તાની લોગ ક્યા મસ્ત ગાતે હૈ… લેકિન મૈંને ના વો ગાને બજાના બંદ કર દિયા હૈ… ક્યા પતા કબ કોઈ ભી આ કે કાચ-બિચ તોડ દે…’

***

મને ઘણા સમયથી થતું હતું કે RJની લાઇફ પર ફિલ્મ બને તો તેમાં સ્ટોરીને અનુરૂપ વચ્ચે વચ્ચે જૂની ફિલ્મોનાં સોંગ્સ પ્લે કરવાં જોઇએ. એક્ઝેક્ટ તો નહીં, પણ કંઇક અંશે અહીં મારું એ ડ્રીમ પણ પૂરું થયું છે. જેમ કે, અહીં ‘હવા હવાઈ’, ‘કોયલ સી તેરી બોલી’ (જે સુલુનો રિંગટોન છે અને પોતાના અવાજ વિશે એનો ‘હમ્બલ’ ઓપિનિયન પણ છે), ‘ધીરે ધીરે સે મેરી ઝિંદગી મેં આના’, ‘અદાયેં ભી હૈ’, ‘દિલ હૈ કિ માનતા નહીં’, ‘મેરે રંગ મેં રંગને વાલી’, ‘મેરે દિલ ગાયે જા ઝુબી ઝુબી’ અને ‘હિફાઝત’નું ક્વર્કી સોંગ ‘બટાટાવડા’… ‘ટી-સિરીઝ’ આ ફિલ્મનું પ્રોડ્યુસર છે એટલે એમના રાઇટ્સવાળા સોંગ્સ જ પ્લે થયાં છે એ જસ્ટ નોંધવા ખાતર.

***

નૅચરલી, વિદ્યા બાલન આ ફિલ્મની કરોડરજ્જુ છે. એની અને માનવ કૌલની જોડી કદાચ ‘ઑડ કપલ’ જેવી લાગી શકે, પરંતુ એ બંને વચ્ચેની કેમિસ્ટ્રી ડિરેક્ટરે જે રીતે ક્રિએટ કરી છે, એ જોઇને બંને ખરેખરું 12 વર્ષથી સાથે જીવતું કપલ જ લાગે. પાણી જેવી સ્વાભાવિકતાથી વિદ્યા અને માનવ પોતાનાં પાત્રોમાં ઢળી ગયાં છે. અને સ્પેશિયલ મૅન્શન ‘બાગી’ કવિ બનતા વિજય મૌર્ય (ફન ફૅક્ટઃ ‘જબ વી મૅટ’માં ‘હૉટેલ ડિસન્ટ’ના ‘એકદમ કડક’ ફૅમ રિસેપ્શનિસ્ટ કલાકાર ટેડી મૌર્ય અને વિજય મૌર્ય ભાઇઓ થાય.) પાત્રાલેખન એટલું જબરદસ્ત છે કે સુલુની બહેનો, ગ્રોસરી સ્ટોરનો માલિક, મહિલા ટેક્સી ડ્રાઇવર, FM સ્ટેશનની રિસેપ્શનિસ્ટ જેવાં નાનકડાં પાત્રો પણ યાદ રહી જાય એવાં બન્યાં છે.

***

આટલી લાં…બી વાતો કરી હોય એટલે સહેજે લાગે કે આ તો અમારા મતે ઑલ ટાઇમગ્રેટ ક્લાસિક મુવીમાં સ્થાન પામે તેવી હશે. પરંતુ બહુ લિબરલ થઇને વિચારીએ તોય સૅકન્ડ હાફમાં આવતા સબપ્લોટ્સ ખાસ્સા લાંબા અને પરાણે ઘુસાડેલા લાગે છે. તેને કારણે સૅકન્ડ તો હાફ સ્લો પડ્યો જ છે, ફિલ્મ પણ 2 કલાક ને 20 મિનિટની થઈ ગઈ છે. વધારે ઝીણું કાંતીએ તો લાગે કે ‘તુમ્હારી સુલુ’ની ઑલરેડી પ્રીડિક્ટેબલ વાર્તામાં ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રસ્તો જ પસંદ કરાયો છે. દીકરાના સબપ્લોટને બદલે કંઇક બીજું પણ પસંદ કરી શકાયું હોય.

***

લવિંગ કેરી લાકડીથી ફટકારવા જેવા આ નુક્સ કાઢ્યા છતાં ‘તુમ્હારી સુલુ’ એક પર્ફેક્ટ સ્લાઇસ ઑફ લાઇફ મુવી છે. કશી જ દંભી વાતો કર્યા વિના, ઉપદેશો આપ્યા વિના આ ફિલ્મ ‘ફેમિનિઝમ’નો મસ્ત સંદેશો આપી જાય છે ને કોઇને પણ ઉત્સાહ-પૉઝિટિવિટીનાં ઇન્જેક્શન આપે તેવી ફિલ્મ બની છે. છેલ્લા દૃશ્યમાં સુલુને કારની અને લાઇફની ડ્રાઇવિંગ સીટ પર બેસે એનાથી સુધિંગ-પર્ફેક્ટ ક્લાઇમેક્સ બીજો કોઈ હોઈ પણ ન શકત.

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

જોલી LLB-2

વકીલોં કા ખિલાડી

***

સ્ટારકાસ્ટ, રાઇટિંગ, ઍક્ટિંગ બધા મામલે સરસ હોવા છતાં આ કોર્ટરૂમ ડ્રામાની સિક્વલ નવીનતાના અભાવે તેના અગાઉના વર્ઝનની સરખામણીએ થોડી ફિક્કી લાગે છે.

***

jolly-llb-2-poster-1મજબૂત રાઇટિંગ અને ખમતીધર એક્ટિંગ એક એવરેજ ફિલ્મને પણ કેવી રીતે ઊંચકી શકે છે તેનું પર્ફેક્ટ ઉદાહરણ એટલે રાઇટર ડિરેક્ટર સુભાષ કપૂરની સિક્વલ ફિલ્મ ‘(ધ સ્ટેટ વર્સસ) જોલી LLB 2’. આમ જોવા જાઓ તો આ સિક્વલ ૨૦૧૩માં અર્શદ વારસીને જગદીશ ત્યાગી ઉર્ફ ‘જોલી’ તરીકે ચમકાવતી પ્રિક્વલની ઝેરોક્સ કૉપી જેવી જ છે. છતાં ફિલ્મની ઑવરઑલ ટ્રીટમેન્ટ મનોરંજનનું લેવલ ઓછું થવા દેતી નથી.

ઇન્સાફ કૌન કરેગા

મોટા ભાગની કૉર્ટરૂમ ડ્રામા ફિલ્મોમાં હોય છે એવી જ સ્ટોરી અહીં છે. એક તરફ છે પૈસા અને પાવરના હાથીની અંબાડીએ બેઠેલા લોકો. બીજી તરફ છે એ જ હાથી નીચે કચડાઈ જનાર ભારતનો કોઇપણ આમઆદમી. એક જ આશા છે સાડાત્રણ કરોડ કૅસોના ભાર નીચે દબાયેલી આપણી કૉર્ટ. પરંતુ ત્યાં પણ એ જ સ્થિતિ, મની પ્લસ મસલ પાવરથી આરોપી છટકી જાય. તો છે કોઈ એમને બચાવનાર? જી હા. ઍન્ટર, જગદીશ્વર મિશ્રા ઉર્ફ ‘જોલી’ (અક્ષય કુમાર). એક મોટા ઍડવોકેટને ત્યાં પટાવાળો બનીને રહી ગયેલા જોલીને પણ ઇચ્છા છે કે એય તે નામીચો વકીલ બને. પરંતુ એનો સ્વાર્થ એના અંતરાત્મા પર એવો ઘા કરે છે એ અંબાડીએ બેઠેલા લોકોની સામે જીવના જોખમે બાથ ભીડવા તૈયાર થઈ જાય છે. તમને શું લાગે છે એ નિષ્પક્ષ ન્યાય અપાવી શકશે? સોચ લો ઠાકુર, એમના હરીફ વકીલ પ્રમોદ માથુર (અન્નુ કપૂર) પહોંચેલી માયા છે. જ્યારે જસ્ટિસ સુંદરલાલ ત્રિપાઠી (સૌરભ શુક્લા) માટે કહેવાય છે કે એ ભલે ટેડી બૅર જેવા દેખાતા હોય, પણ ખડૂસ આદમી છે. ચુકાદો જાણવા માટે તમારે બસ ૨ કલાક ને ૧૮ મિનિટ જ ઇન્વેસ્ટ કરવાની છે.

મેરે કાબિલ દોસ્ત

‘જોલી LLB’ના સાચા હીરો હતા રાઇટર-ડિરેક્ટર સુભાષ કપૂર. અહીં તેની સિક્વલમાં પણ એમના રાઇટિંગ, ડિટેલિંગ અને તમામ કલાકારો પાસેથી લીધેલી ઍક્ટિંગ બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ તો સુભાષ કપૂરને જ આપવો પડે. એમણે સર્જેલું જોલી એક એવું પાત્ર છે જે મહત્ત્વાકાંક્ષી છે, ભયંકર પ્રેક્ટિકલ છે અને કોઇનું ‘કરી નાખવામાં’ એનું રૂંવાડુંય ન ફરકે એવો સ્ટ્રીટ સ્માર્ટ લુચ્ચો છે. ફિલ્મની શરૂઆતમાં જ ડિરેક્ટરે આ વાત આપણને બૉર્ડની પરીક્ષાના માસ કૉપીઇંગ સીનમાં બતાવી દીધી છે. જો આપણી અંદર સહેજ પણ પ્રામાણિકતા બચી હોય, તો એ સીન જોઇને ‘હાય હાય’ નીકળી જાય, પરંતુ બે વર્ષ પહેલાં બિહારથી આવેલાં સામુહિક ચોરી કરો અભિયાનનાં દૃશ્યો યાદ કરીએ એટલે થાય કે વાસ્તવિકતા આનાથી કંઈ ખાસ અલગ તો નથી જ.

સુભાષ કપૂરે જે કૉર્ટ અને તેનાં પાત્રો સરજ્યાં છે તે આપણે જોવા ટેવાયેલા છીએ તેનાથી ક્યાંય અલગ અને વધુ રિયલ છે.saurabh-shukla-759 તેમાં ટિપિકલ કૉર્ટરૂમ ટર્મિનોલોજીની ફેંકાફેંક નથી. અત્યંત ગંભીર વાત છતાં એક હળવો ટોન સતત બરકરાર રહે છે. અહીં કૉર્ટ ફાઇલોથી લદાયેલી છે, ખુદ જજ માટે લાઇટિંગની યોગ્ય વ્યવસ્થા નથી. એ જજ (ધ બેસ્ટ સૌરભ શુક્લા) પણ દિલ્હીથી ટ્રાન્સફર થઇને આવ્યા છે. એ સતત મજાકમસ્તીના મૂડમાં હોય છે. દીકરીનાં લગ્નમાં કરવાનો ડાન્સ કરતાં કરતાં કે ક્યારેક જોગિંગ કરતાં કરતાં કૉર્ટમાં પ્રવેશે છે. ડ્રાયફ્રૂટ્સ અને હાર્ટની ગોળીઓ ગળતા રહે છે. દર થોડી વારે ટેબલ પરના છોડને પાણી આપતા રહે છે. દીકરીનાં લગ્નની કંકોતરીનું પ્રૂફરીડિંગ પણ કૉર્ટમાં બેસીને જ કરે છે. પરંતુ ભયંકર અનપ્રીડિક્ટેબલ છે. કોઇની સાડાબારી રાખતા નથી અને પોતાની કૉર્ટમાં પોતાના સિવાય કોઇનેય હાવી થવા દેતા નથી. જસ્ટિસ ત્રિપાઠીનું અત્યંત બારીક ડિટેલિંગથી લખાયેલું પાત્ર અને તેમાં સૌરભ શુક્લાનું ટેરિફિક પર્ફોર્મન્સ આ ફિલ્મનું સૌથી બેસ્ટ પાસું છે.

પહેલી ફિલ્મમાંથી અર્શદ વારસીની જગ્યાએ અક્ષય કુમારને લેવાનો નિર્ણય પૂરેપૂરો માર્કેટ ઑરિએન્ટેડ હોવાનું દેખાઈ આવે છે. નો ડાઉટ, અક્ષય અહીં પણ ફુલ ફોર્મમાં છે અને બરાબરનો ખીલ્યો છે. મારો પર્સનલ ઓપિનિયન અક્ષયના ચાહકોને કદાચ નહીં ગમે, પરંતુ સૌરભ શુક્લા અને બમન ઇરાની જેવાં ધરખમ અદાકારોની વચ્ચે ઘેરાયેલા હોવા છતાં અર્શદે અલગ તરી આવવા માટે પોતાનો અવાજ ઊંચો કરવાની જરૂર નહોતી પડી. અહીં અક્ષયે એ જ સૌરભ શુક્લા અને અન્નુ કપૂરની વચ્ચે પોતે સ્ટાર છે પુરવાર કરવા માટે સતત ઘોંઘાટ કરતા રહેવું પડે છે. જ્યારે એ જ સીનમાં ઊભેલા અન્નુ કપૂર પણ પોતાની સ્ટાઇલમાં ડાયલોગ બોલે છે અને સીન ખાઈ જાય છે.

‘જોલી-૧’માં હિટ એન્ડ રન કૅસ હતો જ્યારે અહીં ફેક એન્કાઉન્ટર છે. એ સિવાય લગભગ સરખા જ રસ્તેથી પસાર થતી આ ફિલ્મ સુભાષ કપૂરના બારીક કોતરણીવાળાં પાત્રોને લીધે જીવંત લાગે છે. અક્ષયનો લુક હોય, સતત પાન ખાવાને લીધે લાલ થયેલા દાંત હોય, દારૂ પીતી વખતે એ જનોઈ કાન ઉપર ચડાવતો હોય, બહાર ગામનું કરી નાખતો હોય પણ ઘરે પત્નીથી થોડો ડરતો હોય અને એને રસોઈ બનાવીને જમાડતો હોય, પત્ની પણ બ્રૅન્ડેડ કપડાંની દીવાની હોય, આલ્કોહોલિક હોય, પહોંચેલા વકીલને ત્યાં ઇન્ટરનેટ-કૅબલની જેમ કૅસ લડવાનાં પણ અલગ અલગ પૅકેજ હોય, કૉર્ટમાં ચૅમ્બરોની સોદાબાજી થતી હોય અને ખર્ચો કાઢવા માટે વકીલો સાઇડમાં પાન બનાવીને પણ વેચતાં હોય, ક્યાંક ઘૂંઘટ ઇલેવન વર્સસ બુરખા ઇલેવનની ક્રિકેટ મૅચ ચાલતી હોય… આ બધાને લીધે ફિલ્મ એકદમ ભરચક લાગે છે, પાત્રો કાર્ડબોડિયાં બની જવામાંથી બચી ગયાં છે અને ફિલ્મની ઘણી ત્રુટિઓ ઢંકાઈ ગઈ છે. જેમ કે, ફિલ્મનાં ગીતો અત્યંત નબળાં છે અને ફિલ્મની ગતિને ભયંકર રીતે બ્રેક મારે છે. કૅસમાં અહીં તહીંથી નવાં નવાં પાત્રો આવતાં રહે છે અને ગાયબ થતાં રહે છે. જેમાં ખાસ ટેન્શન અનુભવાતું નથી. જ્યાં જ્યાં હીરોનો પનો ટૂંકો પડતો લાગે, ત્યાં ત્યાં કોઈ નવું પાત્ર હાજર કરીરીને થીગડું મારી દેવાયું છે. વધુ પડતી હળવાશ ઊભી કરવાની લ્હાયમાં ફિલ્મ ખાસ્સી ઑવર ડ્રામેટિક પણ બની ગઈ છે. ગીતો અને અમુક સીન કાપીને આ ફિલ્મને ચુસ્ત બનાવવા જેવી હતી.

મુખ્ય પાત્રો ઉપરાંત કુમુદ મિશ્રા, માનવ કૌલ, સયાની ગુપ્તા, ઇનામુલ હક, વિનોદ નાગપાલ, બ્રિજેન્દ્ર કલા, ગુરપાલ, રાજીવ ગુપ્તા અને સંજય મિશ્રા જેવા પોણો ડઝન કલાકારો છે. સ્વાભાવિક છે, બધાને યોગ્ય ફૂટેજ મળ્યું નથી. ‘જોલી-૧’માં અર્શદના અંતરાત્માને ઢંઢોળવાનું કામ હિરોઇન અમ્રિતા રાવનું હતું. જ્યારે આ જોલી પાર્ટ ટુ તો સ્ટાર છે, એટલે એમનો અંતરાત્મા જગાડવા માટે કોઈ ડિવાઇન ઇન્ટરવેન્શન જોઇએ. આમાં જ હુમા કુરેશીના ભાગે એક પણ નક્કર સીન નથી આવ્યો. પહોંચેલા વકીલની ભૂમિકામાં અન્નુ કપૂર પર્ફેક્ટ છે, પરંતુ જે ખોફ બમન ઇરાનીએ ઊભો કરેલો એ અન્નુ કપૂરમાં નથી દેખાતો. ઓવરઓલ ભયનો જે ઓથાર ‘પિંક’માં હતો તે પણ અહીં ગાયબ છે. શાહરુખ-સલમાન-સની દેઓલથી લઇને આલિયા ભટ્ટ અને ઑરિજિનલ ‘જોલી’ને પણ ડિરેક્ટર સુભાષ કપૂરે હ્યુમરસ અંજલિઓ આપી છે. જોકે ગનીમત છે કે ‘જોલી-૨’નો કૉર્ટરૂમ ડ્રામા ‘રૂસ્તમ’ની જેમ સાવ ફારસ નથી બની ગયો.

મઝા-એ-મનોરંજન

‘જોલી LLB 2’ એક બુદ્ધુ, શીખાઉ, ચલતા પુર્જા ટાઇપ વકીલનું માનવતાવાદી અને પ્રામાણિક લડવૈયામાં રૂપાંતર બતાવતી સ્ટોરી હોવી જોઇતી હતી. તેને બદલે એક સ્ટાર કેવી રીતે જીવનું જોખમ ખેડીને હીરો બને છે એ વાત જ આ ફિલ્મમાંથી બહાર આવે છે. એટલે આપણા ન્યાયતંત્ર પર અમુક યોગ્ય કમેન્ટ્સ અને હિન્દુ-મુસ્લિમ ભાઈચારાના મેસેજને બાદ કરતાં આ ફિલ્મ મેઇનસ્ટ્રીમ મનોરંજન માટે જ જુઓ તો વધુ બહેતર રહેશે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

જય ગંગાજલ

It’s ‘Madhur Bhandarkar-ization’ of Prakash Jha!

– પ્રકાશ ઝાની ફિલ્મોમાંથી સાંગોપાંગ હેમખેમ પાર ઊતરી જવા માટે તમારી પાસે સ્પેશ્યલ ટેલેન્ટ હોવી જોઇએ, કહો કે સુપરપાવર્સ હોવા જોઇએ. જેમ કે, તમારામાં અખૂટ ધીરજ હોવી જોઇએ, બિગ બૅન્ગ જેવો ધડાકો અથવા અર્નબનો પ્રોગ્રામ ફુલ વોલ્યુમ પર સાંભળી શકો એવી મજબૂત શ્રવણ શક્તિ, ઘણી બધી સ્થિતપ્રજ્ઞતા એટ સેટરા.

– પહેલી વાત એ કે આ ફિલ્મ પ્રિયંકા ચોપરાની નહીં, બલકે ખુદ પ્રકાશ ઝાની છે, જે આ ફિલ્મમાં ખાખી વર્દી ચડાવીને કેમેરાની સામે આવી ગયા છે (અને બધાને એલચી ખવડાવતા ફરે છે). ફિલ્મમાં ખાસ્સી વારે પ્રિયંકાની એન્ટ્રી થાય છે અને સારો એવો સમય ગાયબ પણ રહે છે.

– પણ સરપ્રાઇઝ! બોસ, પ્રકાશ ઝાને એક્ટિંગ કરતાં આવડે છે! એમના ચહેરા પર ઝાઝાં એક્સપ્રેશન્સ આવતાં નથી, પણ તોય એમને એક્ટિંગ કરતા જોવા તો ગમે છે. આમ જોવા જાઓ તો એમનું પોતાનું પાત્ર જ સૌથી સારી રીતે લખાયેલું છે, જેમાં તમને વિવિધ શૅડ્સ જોવા મળે. (ટ્રિવિયાઃ ફિલ્મના રાઇટર પ્રકાશભાઈ પોતે જ છે!) રિયલ રાજકારણમાં ફેલ ગયા પછી હવે એ કહે છે એમ, આ ફિલ્મો થકી એ રાજકારણ કરે છે. પરંતુ એમાં આપણો શો વાંક? એના કરતાં એ કંઇક નવું કરે અથવા તો બીજા સારા ડિરેક્ટરના હાથ નીચે એક્ટિંગ કરે તોય મજા આવે.

– કહેવા પૂરતી જ આ ‘ગંગાજલ’ની સિક્વલ છે, લેકિન ઇસમેં નયા ક્યા હૈ? આમ તો રિમેક છે. બિહારને બદલે અહીં મધ્યપ્રદેશ છે, પણ તો સામે અજયને બદલે પ્રિયંકા છે, મોહન જોશીની જગ્યાએ માનવ કૌલ છે, યશપાલ શર્માને બદલે નિનાદ કામત છે, થોડા ફેરફાર સાથે મુકેશ તિવારીને સ્થાને પ્રકાશ ઝા છે. ઇવન નવા SPના ઇન્ટ્રોડક્શનનો સીન પણ ડિટ્ટો એવો જ છે. તો જબ નયા કુછ કહને કો થા હી નહીં, તો કાહે ઈ ફિલિમ બના કે બવાલ મચાયે હો?!

– એક વાત નોટિસ કરજો, પ્રકાશ ઝાનું ‘મધુર ભંડારકરાઇઝેશન’ થઈ ગયું છે. એ પણ હવે છાપાંનાં કટિંગ્સ ભેગાં કરીને એકની એક ‘રિયલિસ્ટિક’ વાર્તા પધરાવતા થઈ ગયા છે. રંગરસિયા હવે આટલેથી અટકો!

– પડદા પર ગામડું તો હવે જોકે પ્રકાશ ઝાની ફિલ્મોમાં જ બચ્યું છે, પણ ઝા સાહેબની આવી ડિસ્ટોપિયન ફિલ્મો જોઇને એવું ડિપ્રેશન આવી જાય કે, ક્યાંકથી કિરણ રાવનો નંબર મળી જાય તો પૂછી લઇએ કે, ‘ભાભી, તમે દેશ છોડીને જવાનાં હો, ને એકાદ જણનો મેળ પડતો હોય તો આપણો વિચાર છે!’

– પ્રિયંકા સિમ્પ્લી સુપર્બ છે. એક્શન-ચેઝ-ડ્રામેટિક બધા જ સીનમાં એ એકદમ રિયલ લાગે છે. ‘ક્વૉન્ટિકો’ની ટ્રેનિંગ બરાબરની કામ લાગી રહી છે! બાય ધ વે, આખી ફિલ્મમાં પ્રિયંકા એક, ચલો દોઢ સીનમાં સિવિલ ડ્રેસમાં દેખાય છે, બસ! બાકી ફુલ ઑન ખાખી વર્દી.

– આમ તો જાતભાતની ફિલ્મો જોઇને હવે મારામાં ધીરજ ખાસ્સી કેળવાઈ ગઈ છે, પણ તોય આ ફિલ્મનો ફર્સ્ટ હાફ (ઇન્ટરેસ્ટિંગ હોવા છતાં તે) જોતાં હું થાકી ગયેલો. અઢી કલાક ઉપર લાંબી આ ફિલ્મ કોઈ જ કારણ વિના ખેંચી છે. તે જેટલી ધીમી છે, એટલી જ પ્રીડિક્ટેબલ પણ છે. ખાસ કોઈ ગીત, રોમેન્ટિક જેવા અન્ય ટ્રેક કે કોમિક રિલીફ વિના આ પીડા ઓર વધી જાય છે.

– આ લાઉડ ફિલ્મમાં મને ‘સુસાઇડ ટુરિઝમ’ શબ્દ ગમ્યો. ફિલ્મના પહેલા સીનમાં જે સટલ્ટીથી, એક પણ શબ્દ બોલ્યા વિના પ્રકાશ ઝાના પાત્રનું નામ, એની સંપત્તિ, એનું પારિવારિક બૅકગ્રાઉન્ડ કહી દીધું છે, એ મસ્ત છે. અફસોસ, કે એવી સટલ્ટી પછી આખી ફિલ્મમાં ક્યાંય નથી.

– ‘મૅડમ સર’ પ્રિયંકા ગુંડાઓને ઠપકારતી હોય, ત્યારે બે ઘડી આપણને જોશ ચડી જાય, પરંતુ સામાન્ય લોકો કાયદો હાથમાં લે, મોબ લિન્ચિંગ કરીને વિજિલાન્ટે જસ્ટિસ કરવા માંડે, અને એ બધું જોઇને થિયેટરમાં બેઠેલા લોકો ચિયર કરે, ત્યારે મારા જેવાનું તો પા શેર લોહી બળી જાય. ફિલ્મોની સમાજ પર કેટલી અસર થાય છે એ દલીલનો કે રિસર્ચનો વિષય હશે, પણ વિજિલાન્ટે જસ્ટિસ તો પ્રમોટ ન જ થવું જોઇએ.

– માનવ કૌલ તો માત્ર સામે જોઇને આંખોથી જ ખૌફ પેદા કરી શકે છે, અહીં એમણે એવું જ કર્યું છે. પણ મારા જેવા નેવુંના દાયકામાં મોટા થયેલાને ‘કેમ્પસ’વાળા નિનાદ કામત તરફ વધારે પક્ષપાત હોય. અહીં એ હેન્ચમેનના ટિપિકલ રોલમાં પણ બરાબરનો ખીલ્યો છે, જોકે એ હવે સાવ ‘કુંગ ફુ પાન્ડા’ જેવો જાડિયો થઈ ગયો છે. ઉતારે તો સારી વાત છે.

– ટૂંકમાં ‘ગલત મિસગાઇડ’ ન થશો. આ ફિલ્મ નહીં જોઇએ તો ખાસ કશું ગુમાવવા જેવું નથી. જોવી હોય તો માત્ર બધાંની (ભલે લાઉડ પણ) એક્ટિંગ માટે નિરાંતે જોઈ શકાય. આપણા તરફથી અઢી સ્ટાર (**1/2).

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

સિટીલાઇટ્સ

પેટ કરાવે વેઠ

***

હંસલ મહેતાની સિટીલાઇટ્સ માત્ર મનોરંજન માટે કે ફ્રેશ થવા માટે ફિલ્મો જોવા જતા લોકો માટે નથી.

***

02-citylightsગરીબી આપણી ફિલ્મોનું ‘ગિલ્ટિ પ્લેઝર’ છે. ગરીબો કેવી હાલાકી ભોગવીને જીવે છે એનું ત્રાસ થઈ જાય એ હદે ચિત્રણ કરતી કૃતિઓ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સર્કિટમાં રાતોરાત હિટ થઈ જાય છે. એનાં ‘દો બીઘા ઝમીન’થી લઈને ‘સલામ બોમ્બે’ અને ‘સ્લમડોગ મિલ્યનેર’ સુધીનાં ઉદાહરણોનો ઢગલો આપણી પાસે પડ્યો છે. હંસલ મહેતાની સિટીલાઇટ્સ એ જ માળાનો વધુ એક મણકો છે. આપણને માત્ર દુઃખી કરવા માટે જ જાણે આ ફિલ્મ બનાવી હોય એમ તેમાં સમ ખાવા પૂરતી હળવાશ સુદ્ધાં હળવાશ ડિરેક્ટરે મૂકી નથી.

રોટલા અને ઓટલાનું વિષચક્ર

દિપક સિંઘ (રાજકુમાર યાદવ) પત્ની રાખી (પત્રલેખા) અને ચારેક વર્ષની દીકરી સાથે રાજસ્થાનના એક નાનકડા ગામડામાં રહે છે. દિપક અગાઉ લશ્કરમાં ડ્રાઈવરની નોકરી કરતો, પણ હવે ગામડામાં સાડીઓની નાનકડી દુકાન ચલાવે છે. આમદની ચવન્ની અને ખર્ચા દસ રૂપિયા જેવા ઘાટને કારણે શાહુકારો એની દુકાન પચાવી પાડે છે. એટલે રોટલાની તલાશમાં દીપકનો પરિવાર મુંબઈની વાટ પકડે છે. પગ મૂકતાંવેંત મુંબઈ પોતાનો પરચો બતાવે છે. હવે આ પરિવાર પાસે નથી રોટલો, નથી ઓટલો કે નથી પૈસા. મજૂરી કરીને પણ કેટલા દિવસ કામ ચાલે?

નછૂટકે રાખી બિયર બારમાં ડાન્સર બને છે. બીજી બાજુ દિપકને પણ એક સિક્યોરિટી કંપનીમાં નોકરી મળી જાય છે. દિપકની હાલત પર દયા ખાઈને વિષ્ણુ (માનવ કૌલ) એને નોકરીએ રખાવી દે છે. એ સિક્યોરિટી એજન્સીનું કામ એવું કે એક પાર્ટી પાસેથી બોક્સ લઈને બીજી પાર્ટીને પહોંચતું કરવાનું. તોડવાની કોશિશ કરો તો બ્લાસ્ટ થાય એ રીતે સીલપેક એવા એ બોક્સમાં પૈસા હોય કે ડ્રગ્સ એની સાથે આ લોકોને કશી લેવાદેવા નહીં. પણ હા, જીવનું જોખમ સતત લટકતું રહે.

ધીમે ધીમે દિપક અને એના બોસ વિષ્ણુ વચ્ચે દોસ્તી જામે છે. વિષ્ણુ પોતાનું ભાડે લીધેલું ઘર પણ વિષ્ણુને આપી દે છે. ત્યાં જ વિષ્ણુ દિપક સામે એવી ઑફર મૂકે છે, જે બધાંની જિંદગી કાયમ માટે બદલી નાખે છે. દિપક સામે તો ઈધર કૂંઆ ઉધર ખાઈ જેવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે.

પીડાનો ઓવરડોઝ

હંસલ મહેતાની સિટીલાઇટ્સ ગયા વર્ષે આવેલી બ્રિટીશ ફિલ્મ ‘મેટ્રો મનિલા’ની રિમેક છે. મેટ્રો મનિલાને દુનિયાભરના વિવેચકોએ વખાણેલી. પરંતુ અહીં આખી ફિલ્મમાંથી સતત પીડા ટપકતી રહે તેનું હંસલ મહેતાએ ખાસ ધ્યાન રાખ્યું છે. ગરીબ હોવા છતાં આ નાનકડો પરિવાર સુખી છે એવું અલપ ઝલપ બતાવ્યાં પછી સતત એમની માથે દુઃખના ડુંગરો તૂટતા રહે છે. વળી, ફિલ્મની ટ્રીટમેન્ટ પણ રિયલિસ્ટિક કહેવાય એ પ્રકારની રખાઈ છે. એટલે બે ટંક ભોજન માટે પણ ટળવળતો પરિવાર ઉકરડે પડી રહે, બિયર બારમાં કામ માગવા જાય ત્યારે યુવતીના આખા શરીરને છેક સુધી ચકાસવામાં આવે, ફરિયાદ નોંધવાને બદલે વીડિયોગેમ રમ્યે રાખતા પોલીસવાળા… આ બધું એટલી સહજતાથી બતાવાય છે કે આપણા મગજની નસો તણાઈ જાય. ઉપરથી ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર્સના ફેવરિટ એવા સતત હલહલ થતા કેમેરા એન્ગલ્સ અને ખાસ્સી વાર સુધી સહેજ પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વિના ચાલતા સીન આપણી ધીરજની કસોટી કરી લે.

ધીમી ગતિએ લગભગ અનુમાન લગાવી શકાય એવા પાટા પર જતી આ ફિલ્મની સ્ટોરીનું પોત અત્યંત પાતળું છે. 126 મિનિટ્સની સિટી લાઇટ્સમાં ઉદાસીને ખંખેરે એવા હળવા સીન પણ નાખ્યા નથી. મતલબ સાફ છે, આ ફિલ્મ મનોરંજન માટે નહીં બલકે હચમચાવવા માટે જ બનાવાઈ છે. વાર્તામાં એક પછી એક બનતા બનાવો આપણને સતત એ બીકમાં રાખે કે હમણાં કંઈક માઠા સમચાર આવશે. અને મોટે ભાગે આપણે સાચા પડીએ.

કડવી દવાની જેમ ઘૂંટડે ઘૂંટડે હતાશામાં ગરકાવ કરતી જતી સિટીલાઇટ્સ એક સીનમાં ‘દો બીઘા ઝમીન’ની તો અમુક સીનમાં ‘લંચબોક્સ’ની યાદ અપાવે છે. રાજકુમાર રાવ આ ફિલ્મનો ઓક્સિજન છે. જે સહેલાઈથી એણે ગરીબ મજબૂર રાજસ્થાનીના પાત્રને આત્મસાત્ કર્યું છે, એ જોતાં આવતા વર્ષે પણ એ નેશનલ એવોર્ડ ખૂંચવી જાય તો નવાઈ નહીં. રાજકુમારની રિયલ લાઈફ ગર્લફ્રેન્ડ પત્રલેખાનો અભિનય સારો છે, પણ આ જ પ્રકારની એક્ટિંગ કરનારી (કોંકણા સેન, રાઈમા સેન, તનિષ્ઠા ચેટર્જી જેવી) અભિનેત્રીઓથી કશું અલગ તે આપતી નથી. ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ છે, વિષ્ણુ બનતા અભિનેતા માનવ કૌલ (જેને આપણે ‘કાઈપો છે’માં ‘બિટ્ટુ મામા’ના રોલમાં જોયેલા). એમની સતત કડક અને સાથોસાથ ઈમોશનલ એક્ટિંગ એના પાત્રની આસપાસ રહસ્યનું વર્તુળ સતત ફરતું રાખે છે.

પાવરફુલ પરફોર્મન્સ ઉપરાંત બીજું સશક્ત પાસું છે જિત ગાંગુલીનું આહલાદક મ્યુઝિક. ફિલ્મનાં લગભગ બધાં જ ગીતો શાંત રાત્રિએ સાંભળવા ગમે એવાં સોલફુલ બન્યાં છે. ખાસ કરીને, ‘એક ચિરૈયા’ તથા ‘મુસ્કુરાને કી વજહ’. બંનેમાં અરિજિત સિંઘનો અવાજ કમાલ કરે છે. આટલું સારું સંગીત હોવા છતાં તે જ ફિલ્મનું દુશ્મન બન્યું છે. ગીતોની સંખ્યામાં પ્રમાણભાન જળવાયું નથી, અને દર થોડી વારે ટપકી પડતાં ગીતો (સારાં હોવા છતાં) ઓલરેડી સ્લો ફિલ્મને ઓર ધીમી પાડી દે છે.

સિટીલાઇટ્સ ઑન કે ઑફ્ફ?

ખુશ થવાને બદલે દુઃખી દુઃખી કરી મૂકતી આ ફિલ્મ દરેક જણ માટે નથી. જો તમને આર્ટ ફિલ્મો જોવી ગમતી હોય, કારમી ગરીબીમાં જીવતા રહેવાનો સંઘર્ષ કરતા પરિવારની પીડા અનુભવવી હોય, મુંબઈની ચમકદમક પાછળનો કદરૂપો ચહેરો જોવો હોય અથવા તો તમે રાજકુમાર રાવની એક્ટિંગના ફેન હો, તો આ ફિલ્મની ટિકિટ ખરીદજો. આટલી ‘વૈધાનિક ચેતાવની’ વાંચ્યા પછી જ ફિલ્મ જોવાની હિંમત કરશો જેથી બહાર નીકળીને ‘સાલો, મૂડ ઑફ્ફ થઈ ગયો’ એવી ફરિયાદ ન રહે!

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.