ટાઇગર ઝિંદા હૈ

ટાઇગર ઠંડા હૈ

***

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

***

 • Caution: Some spoilers ahead…tiger-zinda-hai-new-poster-salman-khan-and-katrina-kaif-hunt-to-kill-the-enemies
  ભવિષ્યમાં ક્યારેક એવી ફિલ્મ પણ આવશે, જેની સ્ટોરી કંઇક આવી હશેઃ સલમાન ખાનના ફૅન્સે મળીને સલમાનની ફિલ્મોના રિવ્યુ કરનારા (વાંચો, એમાંથી લોજિક શોધીને તેની ટીકા કરનારા) રિવ્યુઅરોને પકડીને બંધક બનાવ્યા હશે. એ રિવ્યુઅરોને ટોર્ચર કરવા માટે KRKના તમામ ‘રિવ્યુઝ’ બેક ટુ બેક બતાવવામાં આવતા આવશે! (ના, બંધકોમાં ખુદ KRK નહીં હોય, કેમ કે, એનું અપહરણ ત્યાં સુધીમાં કોઇક ને કોઇક ફિલ્મસ્ટારે તો કરી જ લીધું હશે!) પછી ખુદ સલમાનભાઈ ગળે ચેક્સવાળો ગમછો વીંટીને એન્ટ્રી મારશે અને એ રિવ્યુઅરોને છોડાવશે. પછી એમના ફૅન્સ જ કહેશે કે, ‘દેખો, ભાઈ કા દિલ ઉનકી ફિલ્મો કે ટોટલ કલેક્શન સે ભી બડા હૈ!’
 • કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ ગમે તે કહે, ‘કિક’ વાગે કે ન વાગે, ‘ટ્યુબલાઇટ’ જલે કે ન જલે, ભાઈ, દરવર્ષે પોતાની એકાદ-બે બાળફિલ્મ, સોરી ફિલ્મ લઇને આવી જ જાય છે. રિવ્યુઅરો અને સેન્સિબલ સિનેમાના ચાહકો માથાં પછાડ્યાં કરે ને ફૅન્સ પોતાના ભાઈની ફિલ્મ 100-200-500 કરોડના ક્લબમાં નાખ્યા કરે. અને જો આ જ રીતે મોટી ફિલ્મોની રિલીઝ વખતે ટિકિટોના ભાવ વધતા રહ્યા તો ભવિષ્યમાં ‘પ્રધાનમંત્રી સિનેચાહક યોજના’, ‘સિનેબંધુ કલ્યાણ યોજના’, ‘સિનેમા જાઓ, સિનેમા બઢાઓ’, ‘દો ટિકટ સિનેમા કી’ ટાઇપની સબસિડી યોજનાઓ શરૂ કરવી પડશે! એની વે, ઑવર ટુ ધ મુવી…
 • ભાઈએ જ્યારે પારકાં છોકરાંવને ઘરે પહોંચાડવાનું ‘ગુમશુદા તલાશ કેન્દ્ર’ (સરનામું: નઈ કોતવાલી, દરિયાગંજ, નયી દિલ્લી-110011) ચાલુ કર્યું ને સાઇડમાં લંગોટ બાંધીને શર્માજી કી લડકી માટે કુશ્તી કરવાનું ચાલુ કર્યું એ પહેલાં એ RAWમાં ‘ટાઇગર’ કોડનેમથી જાસૂસ હતા. એના પરથી 2012માં ‘એક થા ટાઇગર’ નામની જૅકી શ્રોફને ન ગમે તેવું નામ ધરાવતી ફિલ્મ પણ બનેલી.
 • અત્યારે જૅકી શ્રોફને આનંદ થાય તેવા સમાચાર એ છે કે ‘ટાઇગર ઝિંદા હૈ’. સ્પોન્સર્ડ ન્યુઝ ચેનલોના સૂત્રો કહે છે કે ટાઇગર અને એમની પાકિસ્તાની જાસૂસ બેગમ ઝોયા બંને છેલ્લાં આઠ વર્ષથી અજ્ઞાતવાસમાં છે. ટાઇગર આઠ વર્ષ ગાયબ શું થયો કે આખી દુનિયામાં ઊથલપાથલ મચી ગઈ! ઇરાક-સિરિયામાં ISIS, સોરી, ISCના આતંકવાદીઓએ ઉપાડો લઈ લીધો, બોલો! હદ તો ત્યારે થઈ કે એ લોકોએ 25 ભારતીય નર્સોને પણ બંધક બનાવી લીધી, અટામણમાં 15 પાકિસ્તાની નર્સો પણ અડફેટે આવી ગઈ (વ્હોટ્સએપ યુનિ.ના વિદ્યાર્થીઓ જોગ GK ફેક્ટઃ 2014માં ISISએ કુલ 46 નર્સોને બંધક બનાવેલી અને એ તમામ ભારતીય-મોસ્ટ્લી કેરળની હતી. ફિલ્મમાં પાકિસ્તાની નર્સો નાખવી પડી, કેમકે ઝોયાભાભી પાકિસ્તાની છે!) સાત દિવસમાં એમને જ્યાં બંધક બનાવાઈ છે ત્યાંથી છોડાવવામાં નહીં આવે તો અમેરિકા ત્યાં ડ્રોન-બોમ્બિંગના પ્રયોગો ચાલુ કરી દેશે. હવે? મિનિમમ દિવસમાં મૅક્સિમમ પર્ફોર્મન્સ આપવાનો રેકોર્ડ ‘ભાઈ’ના નામે જ છે, એટલે RAW પાસે ‘ભાઈ અલર્ટ’ આપ્યા સિવાય કોઈ છૂટકો જ નહોતો! (કિડનૅપ થાય એવી કોઈ નર્સો અસ્તિત્વ જ ધરાવતી નથી તેવો ‘2G સ્પેક્ટ્રમ સ્ટાઇલ’નો આઇડિયા ત્યારે શોધાયો નહોતો!) લેકિન ભાઈના ફોનમાં માત્ર આઉટગોઇંગ છે, ઇન કમિંગ નહીં. યાને કે ભાઈ કા કોન્ટેક્ટ તભી હો સકતા હૈ, જબ ભાઈ ચાહતે હૈ! આ તો સારું થયું કે ભાઈનો મૂડ હતો, ભાઈનો કોન્ટેક્ટ થઈ ગયો ને આખા અડદની દાળ બનાવતાં બનાવતાં ભાઇએ ‘હા’ પણ પાડી દીધી. નહીંતર ભારતીય નર્સોને બચાવવા કોણ જાત? આમેય સૈફે અગાઉ ‘ફેન્ટમ’માં ભગો કરેલો, અક્ષય કેન્દ્ર સરકારની યોજનાઓનાં ઇમ્પ્લિમેન્ટેશનમાં વ્યસ્ત છે, સની પાજીએ ડંકી ઉખાડ યોજનાઓ બંધ કરી દીધી છે! બચા કૌન? ઑન્લી ભાઈ!
 • સલમાન ભલે ઝાઝું ન બોલે, પણ એની આ ફિલ્મ જોઇને અમે એના મનની પીડા જાણી ગયા છીએ. એક્ચ્યુઅલી, ભાઇને એમના છાતીના સ્નાયુઓની પેલે પાર હૃદય તરીકે ઓળખાતા અંગના એક ખૂણે ખટકો છે કે એમને હૉલિવૂડની ‘એ’ ગ્રેડ ફિલ્મોમાં કામ કરવા કોઈ બોલાવતું નથી. એમનું ‘મૅરિગોલ્ડ’ કરમાયે જમાનો થઈ ગયો. ઐશ્વર્યા-પ્રિયંકા-દીપિકા ત્યાં કામ કરી આવ્યાં, આમિર પણ કાળી શેરવાની સિવડાવીને ઑસ્કરમાં આંટો મારી આવ્યો. અરે, પેલો બારમાસી દેવદાસ અલી ફઝલ પણ ‘ફાસ્ટ ફ્યુરિયસ’ ને ‘વિક્ટોરિયા અબ્દુલ’ જેવી ફિલ્મોમાં જઈ આવ્યો છે. જ્યારે ભાઈ તો માશાઅલ્લાહ, ચલતી ફિરતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. તો શું થયું કે હૉલિવૂડવાળા એમને ન બોલાવે, ભાઈએ એમની હૉલિવૂડ મુવી અહીં ઇન્ડિયા મેં હી ચ બના ડાલી છે. ધેટ ઇઝ ધીસ, ‘ટાઇગર ઝિંદા હૈ’. મને ખબર છે તમે નહીં જ માનો. સબૂત એ છે કે ‘ટાઇગર ઝિંદા હૈ’ની અડધી ફિલ્મ અંગ્રેજી ને ઇરાક બાજુની કોઈ ભાષામાંથી હિંદીમાં ડબ કરવામાં આવી છે. પ્રેઝન્ટેશન પણ એવું કે જાણે ‘બ્રહ્માંડ કે યોદ્ધા ઔર ભૂખે ભેડિયોં કા બદલા’ જેવી કોઈ ડબ્ડ હૉલિવૂડ મુવી ચાલતી હોય. (ખાનગી કારણ એવું છે કે ભાઈ કે ફૅન્સના બધા રૂપિયા ‘બીઇંગ હ્યુમન’ની પ્રોડક્ટ્સ ખરીદવામાં વપરાઈ ગયા છે, એટલે તેઓ ‘રેપિડેક્સ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ’ ખરીદી જ શક્યા નથી!) ઇવન ભૂલથીયે કોઈ ઇંગ્લિશ લાઇન બોલાઈ ગઈ હોય તો તરત જ એનું હિન્દી ટ્રાન્સલેશન પણ બોલી નાખવામાં આવે. યુ નૉ, કન્ફુજિયા ગયે તો બિલન્ડરવા હો જાયેગા! (બીજી એક માહિતી પ્રમાણે આ ફિલ્મનાં ડબ્ડ અને વિધાઉટ ડબિંગ એમ બે વર્ઝન ચાલી રહ્યાં છે. ઇંગ્લિશ જાણતા લોકોનેય ભાઈને ગમાડવાની ઇચ્છા હોય કે નહીં?)
 • હવે ભાઈને ભલે ISIS, સોરી, ISCની ચુંગાલમાં ફસાયેલી નર્સોને બચાવવાની હોય, પણ ફિલ્મમાં એની દૂધની થેલી લેવા ગયો હોય ત્યારે કે પછી અખબારની કુપનો ચોંટાડીને સાબુની ગોટી કે પા કિલો ચાની ભૂકી લેવા ગયો હોય એ વખતે એન્ટ્રી પડે તો થોડું સારું લાગે? ભાભીયે ભાઈની ટક્કરનાં છે એવું એસ્ટાબ્લિશ કરવા માટે બંનેને ચાક્કા જેવા એન્ટ્રી સીન જોઈએ. ભાઈ છુટ્ટા હાથે વરુઓ સાથે બાખડે. અરે, ભાઈની પકડમાં આવેલું વરુ પણ ડરીને બેહોશ થઈ જાય. હા, ભાભી કરિયાણું લેવા જાય ખરાં, પણ ત્યાંય તે કલમમાં તલવાર કરતાં વધુ તાકાત છે તેનો પરચો બતાવે. સી, આપણને કોઈ પ્રોબ્લેમ નથી (ટિકિટ ખર્ચીને આવ્યા છીએ, બતાવો તમતમારે નિરાંતે બધું). આ તો પેલી નર્સો રાહ જોઈ રહી છે એટલે થોડી ચિંતા થાય તે સ્વાભાવિક છે. પ્લસ આખી ફિલ્મમાં ભાઈ કા સ્વૅગ, ભાઈ કે કિલર લુક્સ, ભાઈ કી બૉડી, ભાઈ કે સ્ટન્ટ્સ, ભાઈ કે ડાયલોગ્સ, ભાઈ કા ATV-હૉર્સ ડ્રાઇવિંગ, ભાઈ કા સ્કીઇંગ બધું યથાશક્તિ સ્લો મોશન સાથે બતાવવાનું હોય… એટલે અમારા જેવા બેઠાં બેઠાં લોહી ઉકાળા કરે કે હાયલા ફિલ્મ 161 મિનિટ લાંબી છે (બહાર નીકળીશું ત્યારે ગામમાં બુલેટ ટ્રેન ફરતી થઈ ગઈ હશે!).
 • હવે કહને કો તો આ ફિલ્મ રિયલ લાઇફ ઇન્સિડન્ટ પર આધારિત છે, પણ આખા ઘટનાક્રમને એવો ક્યુટ ટ્વિસ્ટ આપ્યો છે કે સ્થિતિ એવી આવીને ઊભી રહે કે, ‘ભાઈ, તુસ્સી તે તોપ હો, સાડી ઑન્લી હોપ હો.’ આગળ કહ્યું એમ રિયલ લાઇફની 46 ભારતીયને બદલે 25 ભારતીય નર્સ અને લટકામાં 15 પાકિસ્તાની નર્સ પણ ઉમેરવામાં આવી છે (નાખો ને તમતમારે, આમેય એમને રોકકળ સિવાય કશું કરવાનું આવ્યું નથી). ISISનું ICE, તિકરિતનું ઇકરિત કરી નખાયું છે, ISISનો બ્લેક ફ્લેગ લાલ થઈ ગયો છે. એ તો ઠીક, પણ RAWનું નામ RAW છે એની સામે કોઈની લાગણી કેમ દુભાઈ નથી એ મોટો પ્રશ્ન છે. કેમ કે આ ડૅન્જરસ મિશન માટે RAW પાસે એક માત્ર 45 વર્ષનો (એવું ફિલ્મમાં બતાવે છે, અમે નિર્દોષ છીએ!), પ્રિઝ્યુમ્ડ ડેડ ઍજન્ટ જ હોય, ને એય મિશન પત્યે પાછો વિજય માલ્યાની જેમ અદૃશ્ય થઈ જવાનો હોય, તો યાર, આપણું કોણ? મોદીસાહેબ, બિચારા કેટલે પહોંચે? એમનેય તે 2019ની તૈયારી કરવાની હોય કે નહીં?!
 • આ ફિલ્મમાં સ્પાય એજન્ટોનો કોડવર્ડ છે, ‘તુ તુ તુ તુતુ તારા… આ ગયા દોસ્ત હમારા’. સાંભળીને અમને તો બચ્ચનસાહેબની ‘પરવરિશ’ યાદ આવી ગઈ. એમાંય આવો જ કોડવર્ડ હતો, ‘આસમાન મેં કિતને તારે હૈ?… અબ આપ હમારે હૈ.’ કસમથી નોસ્ટેલ્જિક કરી નાખ્યા! (Sob… Sob!)
 • આમ ફિલ્મની પ્રોડક્શન ડિઝાઇન સારી છે. એટલે કે જોતાં જોતાં આપણને લાગે કે ઇરાક-બિરાકના સેટ સારા ઊભા કર્યા છે. ફિલ્મમાં જમીન પર, હવામાં, વાહનોમાં ઘણે ઠેકાણે બ્લાસ્ટ થાય છે. એની સ્પેશિયલ ઇફેક્ટ્સ નવું નવું ‘ફોટોશોપ’ શીખેલા ગ્રાફિક ડિઝાઇનરે બનાવી હોય એવી લાગે છે. હા, જ્યારે ભાઈ પોતાનું ટીશર્ટ ફાડીને ટૉપલેસ થાય છે, ત્યારે એમનું ગઠ્ઠાદાર બૉડી બતાવવામાં જે સ્પેશિયલ ઇફેક્ટ વાપરી છે, એ જબરદસ્ત છે! ઉપ્સ!
 • ભારતીય નર્સોને બચાવી લાવવામાં કદાચ એટલી બધી દેશભક્તિ એસ્ટાબ્લિશ નહીં થઈ શકે એવું ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરને લાગ્યું હશે, એટલે એમણે બે દાયકા જૂનું દેશભક્તિનું પૅકેટ ખોલ્યું છે. ભારત અને પાકના ઍજન્ટો મળીને એ જ જે.પી. દત્તા સ્ટાઇલની ચર્ચાઓ કર્યા કરેઃ ‘સોચો અગર બટવારા ના હુઆ હોતા તો કિતના અચ્છા હોતા. સચિન-અક્રમ એક હી ટીમ સે ખેલતે, લતા ઔર આબિદા એક હી દેશ સે ગાતી…’ હજી ફીલ ન આવી હોય તો આવી લાઇન્સ પણ આવે, ‘ઇસ બૅગ મેં તિરંગા હૈ, યે ઉપર હી રહેગા…’, ‘RAW ઔર ISI પહલી બાર સાથ મેં મિશન મિશન કર રહે હૈ’… ભાભી ભાઈને કહી દે, ‘(ટાઇગર) તુમ મુઝસે ભી ઝ્યાદા પ્યાર અપને દેશ સે કરતે હો…’ અને એક તબક્કે ભારત-પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ ફરકતા દેખાય એટલે ભાઈના ભલભલા પ્રચ્છન્ન ફૅન્સ પણ કૅન્ડીફ્લોસ પૅટ્રિયોટિક થઈ જાય. પરંતુ થિયેટરમાં રાષ્ટ્રગીત વખતે ઊભા થવામાં પણ જેમને સંધિસુધા લગાવવી પડતી હોય એવા દેશદ્રોહી-ભાજપ વિરોધીઓને પરાસ્ત કરવા માટે ફિલ્મમાં દેશભક્તિનું એક બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું છે, પરેશ રાવલ. ફિલ્મમાં તેઓ પણ ભારત સરકારના ઍજન્ટની ભૂમિકામાં છે (હાઉ, રિયલિસ્ટિક!). જોકે એમનું કેરેક્ટર એટલું બધું લાઉડ છે કે સિક્રેટ ઍજન્ટને બદલે ‘બાબુભૈયા’ વધારે લાગે છે.
 • આઈ નૉ, સલમાનની ફિલ્મોમાંથી લોજિક શોધનારાઓને આપણા સમાજમાં માનભર્યું સ્થાન નથી મળતું. પરંતુ ભાઈનો પનારો ફિલ્મમાં જ કહે છે તેમ ‘દુનિયા કે સબસે ખતરનાક ટેરરિસ્ટ ઑર્ગેનાઇઝેશન’ સાથે પડે, ત્યારે થોડું રિઝનેબલ રાખવું જોઇએ એવું અમોને લાગે છે. આતંકવાદીઓના ગઢમાં-નર્સોને ગોંધી રાખી હોય તે હૉસ્પિટલમાં ઘૂસવું, ત્રાસવાદીઓને કાકડીની જેમ સમારી નાખવા, એમને બેવકૂફ બનાવવા વગેરે બધું અહીં એટલું ઇઝી બનાવી દેવાયું છે કે કોઈ થ્રિલ જેવું લાગે જ નહીં. ફિલ્મમાં જેટલી લોંગ રોપ આતંકવાદીઓએ ભાઈને આપી છે એટલી તો આપણી કૉર્ટોએ પણ નથી આપી. જસ્ટ ઇમેજિન, એક સાઇડ ભાઈ એકલા, સામે ડઝનબંધ આતંકવાદીઓ એમના પર ગોળીબાર કરી રહ્યા છે, લેકિન મજાલ છે એકેય ગોળી ભાઈને ટચ્ચ બી કરવાની હિંમત કરે?! આતંકવાદીઓનો સરગના અબુ ઉસ્માનના રોલમાં છે ઇરાનિયન એક્ટર સજ્જાદ ડેલફ્રૂઝ. એ ઇરાનિયન એક્ટર છે એટલે બાય ડિફૉલ્ટ ઇમ્પ્રેસિવ લાગે છે. પણ ફિલ્મમાં એ કિલર લુક્સ આપવા સિવાય ભાગ્યે જ કશું કરે છે. ‘બૅબી’ ફિલ્મમાં એ સાઉદી ડૉક્ટર બનેલો અને જે રીતે અક્ષય કુમાર એને બેવકૂફ બનાવી ગયેલો એ જોતાં મને ભાઈની સફળતા અંગે કોઈ જ ડાઉટ નહોતો. એમાંય અહીં તો એ ભાઈ સાથે આર્ગ્યુમેન્ટમાં ઊતરે છે, બોલો! ભાઈના કરિશ્મા ને વિશ્વમાં ટેરરિઝમના બિઝનેસની ચર્ચાઓ કરે. એક ગોળીથી કામ પતાવવાને બદલે ભાઈને મારવા માટે ઝહરીલી ગેસ છોડે. ખાલી ‘મુઘલ-એ-આઝમ’ સ્ટાઇલમાં ડાયલોગ જ બાકી રાખેલો, ‘પ્રોડ્યુસર તુમ્હેં મરને નહીં દેંગે ઔર હમ ટાઇગર, તુમ્હેં જીને નહીં દેંગે!’ અથવા તો ‘શાન’નો શાકાલ જોઈ લો, ‘યે ઝહરીલી ગૅસ ધીરે ધીરે મહેફિલ કો ઔર રંગીન બનાતી જાયેગી!’ અને ભાઈનો સ્વૅગ બી જોઈ લો, ‘વિશ્વના મોસ્ટ ડૅન્જરસ મેન’ને ચેલેન્જ મારે, ‘અગર ઉસકો (કૅટરિના કો) હાથ ભી લગાયા તો યહીં ઝિંદા ગાડ દૂંગા…’ અરે, એ ત્રાસવાદીઓના બૉસની હિંમત જુઓ, ભાઈને ચૅલેન્જ મારે, ‘ટાઇગર, દમ હૈ તો રોક લે!’ ઇડિયટ!
 • ઍક્ચ્યુઅલી, ગ્લોબલ ટેરરિઝમ, ઇન્ડિયન પૉલિટિક્સ, RAW, અમેરિકા, દેશભક્તિ, ઇન્ડિયા-પાક રિલેશન્સ એ બધાનો અહીં એવો બાલિશ અપ્રોચ છે કે ફિલ્મને પાંચ મિનિટ માટે પણ ટાઇમપાસ કેટેગરીથી ઉપર લઈ જઈ શકાય તેમ નથી.
 • આમ તો આખી ફિલ્મ ભાઈ કી ખાતિર જ છે, છતાં ભાઈને એકલું એકલું ન લાગે એ માટે અન્ય કલાકારો પણ લેવાયા છે. એમાં કૅટરિના, પરેશ રાવલ ઉપરાંત ‘પિંક’માં જેને ‘નો મીન્સ નો’ નહોતું સમજાયું એ અંગદ બેદી, પોતાના નામમાં ‘કુમાર’ ઉમેરાવીને આવેલા કુમુદ મિશ્રા, ફિલ્મમાં ઇન્ડિયા-અમેરિકા વચ્ચે અપ-ડાઉન કરતા ગિરિશ કર્નાડ, KBCમાંથી ફ્રી થયેલા સિદ્ધાર્થ બસુ એટસેટરાનો સમાવેશ થાય છે. કૅટરિના ફિલ્મમાં ઘણી બધી ભાષાઓ જાણે છે (હિન્દી સિવાય!).
 • ફિલ્મમાં રિયલ લાઇફ રેફરન્સિસ ધરાવતી મૅટા હ્યુમર પણ છે. જેમ કે, સલમાનનો ડાયલોગ છે, ‘શિકાર તો સબ કરતે હૈં, લેકિન ટાઇગર સે બહેતર શિકાર કોઈ નહીં કરતા’. એક સીનમાં પરેશભાઈ બોલે છે, ‘પ્રધાનમંત્રીજી કો યે બાત પતા હૈ?’ સૌથી વધુ મૅચ્યોરિટી આ બંને લાઇન્સમાં જ દેખાઈ છે!
 • રૅસ અગેન્સ્ટ ટાઇમ જેવી કોઈ થ્રિલ ફિલ્મમાં છે નહીં (એટલેસ્તો ‘એરસ્ટ્રાઇકને બે દિવસ બાકી’ ને ‘તમારી પાસે ચાર મિનિટ છે’ ને ‘લો આ સ્ટોપ વૉચ ચાલુ કરી’ ટાઇપની સિચ્યુએશન્સ મુકાઈ છે). પરિણામે છૂટક એક્શન સિક્વન્સીસમાંથી આપણી મતિ-શક્તિ પ્રમાણે થ્રિલ શોધી લેવાની રહે છે.
 • આમ તો હરિકથાની જેમ ભાઈકથા પણ અનંત છે, પરંતુ તમારી ધીરજની મર્યાદા છે. એટલે અમે અહીં જ રિવ્યુ-વિરામ જાહેર કરીએ છીએ. વાત એવી છે કે આ ફિલ્મ સંપૂર્ણપણે ‘ફૅન્સની, ફૅન્સ દ્વારા, ફૅન્સ માટે’ બનાવવામાં આવી છે. એટલે રિલીઝ વખતે ‘સર્જ પ્રાઇસ’માં ફિલ્મ ન જોવી હોય તો નિરાંતે DVD પર, ચૅનલ પર કે ‘એમેઝોન પ્રાઇમ’ પર આવે ત્યારે જોવામાં પણ કશો જ વાંધો નથી.
 • બેસ્ટ તો એ રહેશે કે ISIS દ્વારા ભારતીય નર્સોના કિડનૅપિંગ પર બનેલી સુપર્બ મલયાલમ થ્રિલર ફિલ્મ ‘ટૅક ઑફ’ જોઈ નાખો. ‘હૉટસ્ટાર’ પર ઇંગ્લિશ સબટાઇટલ્સ સાથે આ ફિલ્મ ઉપલબ્ધ છે. (તેના રિવ્યુ અને ફિલ્મની લિંક નીચે પોસ્ટ કરી છે.)
 • બાકી જે રીતે ભાઈ હવે ડૉમેસ્ટિક પ્રશ્નો સોલ્વ કરવાથી લઇને ભારત-પાક રિલેશન્સ અને હવે વિશ્વશાંતિ લાવવા સુધી પહોંચી ગયા છે, એ જોતાં એમને ‘એવેન્જર્સ’ના સુપરહીરોની ટીમમાં સામેલ કરીને સમગ્ર બ્રહ્માંડની રક્ષા કરવાનું કામ સોંપી દેવું જોઇએ. શું કહો છો?P.S.
  1. મલયાલમ મુવી ‘ટેઇક ઑફ’ના મેં કરેલા રિવ્યુની લિંકઃ https://jayeshadhyaru.wordpress.com/2017/03/28/take-off-malayalam-movie/
  2. ‘હોટસ્ટાર’ પર ‘ટેઇક ઑફ’ ફિલ્મ સબટાઇટલ્સ સાથે જોવા માટે ક્લિક કરો આ લિંકઃ http://www.hotstar.com/movies/take-off/1770015881

Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

જગ્ગા જાસૂસ

મ્યુઝિકલ કંટાળો

***

અનુરાગ બસુ એકસાથે ઘણું બધું એક્સપરિમેન્ટલ  એકસાથે કરવા ગયા તેમાં આ મ્યુઝિકલ થ્રિલર ફિલ્મ અતિશય લાંબી અને કંટાળાજનક બની ગઈ છે.

***

jagga-jasoos-poster_650x950_81482151534ખુલ્લાં હરિયાળાં ખેતરોમાં કંઇક શૂટિંગ ચાલી રહ્યું છે. દૂર પાટા પરથી એક ટ્રેન આવી રહી છે અને ઘાસની વચ્ચેથી કેમેરા આ બધું જોઈ રહ્યો છે. ફિલ્મોના જાણકાર લોકોને તરત જ લાઇટ થઈ જાય કે આ સીન તો સત્યજિત રાયની પહેલી ક્લાસિક ફિલ્મ ‘પથેર પાંચાલી’થી પ્રેરિત છે અથવા તેને અંજલિ આપવા માટે મુકાયો છે. આમેય આવી ‘અંજલિ’ઓ આપવા માટે અનુરાગ બાસુ કુખ્યાત છે. ‘જગ્ગા જાસૂસ’ની શરૂઆતમાં તેઓ રાજ કપૂરને અંજલિ આપે છે અને ત્યારપછી આવતું આ દૃશ્ય જોઇને એટલી તો ફાળ પડે જ કે આ ભાઈ કોઈ ક્લાસિક બનાવવાની ફિરાકમાં છે. આવું વિચારીને જ કદાચ બાસુદાએ આ ફિલ્મમાં શક્ય તેટલાં હટ કે ઍલિમેન્ટ્સ ઠૂંસ્યાં છે. તેને કારણે આ ફિલ્મ બે-ત્રણ ક્વિઝિન ભેગાં કરીને બનાવી હોય તેવી ભેળપુરી જેવી બની ગઈ છે.

હમ શેરલોક કે ઝમાને કે જાસૂસ હૈ

વાર્તા છે જગ્ગા (રણબીર કપૂર)ની. જગ્ગાનું ડાકુ જેવું નામ પાડીને એનાં માતાપિતા તો ક્યારનાંય ગુજરી ગયાં છે. આઠેક વર્ષના જગ્ગાને મળે છે પોતાને ‘ટૂટીફૂટી’ તરીકે ઓળખાવતો એક ભેદી માણસ (‘કહાની’ ફૅમ શાશ્વત ચૅટર્જી). ટૂટીફૂટી એને દત્તક લે, અને જીવન જીવતાં શીખવે. જગ્ગાનો એક પ્રોબ્લેમ એ કે એને સ્ટેમરિંગનો યાને કે જીભ અચકાવાની તકલીફ છે. ટૂટીફૂટી પાસે આઇડિયા છે, જો ભી બોલો સંગીત મેં બોલો. ત્યારથી જગ્ગા બધું જ ગાઇને બોલે છે. અચાનક એક દિવસ પોલીસ ટૂટીફૂટીને શોધતી આવે છે અને ટૂટીફૂટી જગ્ગાને હૉસ્ટેલમાં મૂકીને ગાયબ થઈ જાય છે. વર્ષો પછી ફરી એક દિવસ પોલીસ અધિકારી સિંહા (સૌરભ શુક્લા) ન્યુઝ આપે છે કે ટૂટીફૂટી યાને કે જગ્ગા કે પાપા અબ ઇસ દુનિયા મેં નહીં રહે. જગ્ગા કહે, ‘ખોટી વાત. મારી પાસે સબૂત છે.’ પોલીસ કંઇક એવી છડી ઘુમાવે છે કે જગ્ગા જાતે જ પોતાના પિતાને શોધવા નીકળી પડે છે. મીન્સ કે જગ્ગા ટૂટીફૂટી કે પીછે, પુલીસ જગ્ગા કે પીછે, ટૂ મચ ફન. રિયલી? જોઇએ.

બાર હાથની સ્ટોરી ને તેર હાથની ટ્રીટમેન્ટ

હૉલિવૂડવાળાઓના મતે આપણી બધી જ ફિલ્મો ‘મ્યુઝિકલ’ હોય છે. કેમ કે, આપણને આપણાં દરેક ઇમોશનને સેલિબ્રેટ-વ્યક્ત કરવા માટે ગીતોની જરૂર પડે છે. પરંતુ અનુરાગ બાસુએ વિચાર્યું કે આપણે ‘સિંગિંગ ઇન ધ રેઇન’, ‘મામ્મા મિયા’ કે ‘લા લા લૅન્ડ’ ટાઇપની બ્રૉડવે જેવી મ્યુઝિકલ ફિલ્મ બનાવીએ. પરંતુ કહાની મેં ટ્વિસ્ટ, એ રોમેન્ટિક નહીં, બલકે મ્યુઝિકલ થ્રિલર મિસ્ટ્રી ટાઇપની ફિલ્મ હશે. કહાની મેં એક ઓર ટ્વિસ્ટ, એ ફિલ્મનું ટાર્ગેટ ઑડિયન્સ હશે બાળકો. એટલે એમને હસાવવા ફિલ્મમાં સાઇલન્ટ ફિલ્મોના જમાનાની સ્લૅપસ્ટિક કોમેડી પણ હશે. હવે આ રુબિક્સ ક્યુબનાં અલગ અલગ પાસાં જેવી બાબતોને બૅલેન્સ કરતાં કરતાં બાસુદાએ જે રંગોળી બનાવી છે એનું જ નામ ‘જગ્ગા જાસૂસ’. આપણે એક પછી એક પાસું પકડીએ.

‘જગ્ગા જાસૂસ’ ફિલ્મ દેખીતી રીતે જ બૅલ્જિયમના કોમિક બુક્સના ટીનએજ ડિટેક્ટિવ પાત્ર ‘ટિનટિન’થી ઇન્સ્પાયર્ડ છે. રણબીર કપૂરની હેરસ્ટાઇલથી લઇને ફિલ્મની અનેક સિક્વન્સ તેના પરથી સીધી જ લઈ લેવામાં આવી છે (જોકે વાર્તાની ક્વૉલિટી ટિનટિનથી પચાસ પચાસ કોસ દૂર છે). ઇન્ટરનેટ પર ઘણા સમયથી તેની સરખામણીની તસવીરો ફરે છે. આ એક ફિલ્મમાં ટિનટિન કોમિક્સમાં હોય છે તેવી ત્રણ અલગ અલગ સ્ટોરીઝને સમાવવામાં આવી છે. પહેલી સ્ટોરી એસ્ટાબ્લિશ કરે છે કે જગ્ગા કેવોક ડિટેક્ટિવ છે. બીજી સ્ટોરી જગ્ગાને શ્રુતિ સેનગુપ્તા (કેટરિના કૈફ) સાથે મેળાપ કરાવી આપે છે. ત્રીજી સ્ટોરી એટલે જગ્ગાની પોતાના પિતાને શોધવા નીકળવાની જદ્દોજહદ. પ્રોબ્લેમ એ છે કે એક તો આ ત્રણેય વાર્તાઓને એકબીજા સાથે ખાસ સંબંધ નથી. બીજું, આ ત્રણેય વાર્તાઓને બહેલાવીને મ્યુઝિકલ સ્ટાઇલમાં કહેવાની લ્હાયમાં આ ફિલ્મ પોણા ત્રણ કલાક જેટલી લાંબી થઈ ગઈ છે. વળી, એમની વાર્તાઓ અહીંથી તહીં એટલી બધી જગ્યાએ દોડતી રહે છે કે સ્ક્રીન પર રીતસર અંધાધૂંધી ફેલાઈ જાય છે અને એક્ઝેક્ટ્લી શું થઈ રહ્યું છે એ જ સમજાતું નથી. પરિણામે છેલ્લે જ્યારે સિક્રેટ ખૂલે ત્યાં સુધીમાં આપણે જગ્ગાની ઇમોશનલ યાત્રાથી તદ્દન કપાઈ ગયા હોઇએ. વળી, બાળકોને ધ્યાનમાં રાખીને બનેલી આ ફિલ્મમાં બાળકોની ફિલ્મમાં ન હોવી જોઇએ એટલી ખૂનામરકી છે.

બીજો ઍન્ગલ છે મ્યુઝિકનો. ખરેખરી મ્યુઝિકલ ફિલ્મનો પાયો જ ગ્રેટ મ્યુઝિક અને તેને કેવી રીતે ફિલ્માવવામાં આવ્યું છે તેના પર હોય છે. ફોર એક્ઝામ્પલ, તમે સાડા છ દાયકા પહેલાંની ‘સિંગિંગ ઇન ધ રેઇન’નાં ગીતો સાંભળો કે તેનું પિક્ચરાઇઝેશન જુઓ તો આજે પણ તેમાં એટલી જ તાજગી અને તરવરાટ અનુભવાય. સંગીતકાર પ્રીતમે આ ફિલ્મ માટે કંઇક ત્રીસથી વધુ ગીતો કમ્પોઝ કર્યાં છે. નો ડાઉટ, તેમાં ‘ઉલ્લુ કા પઠ્ઠા’, ‘ટિમ્બકટુ’, ‘ખાના ખા કે’ જેવાં અમુક જ ગીત ખરેખર ઇન્ટરેસ્ટિંગ બન્યાં છે. બાકીનાં ગીતો ફિલ્મની સ્ટોરીને મ્યુઝિકલ સ્ટાઇલમાં આગળ વધારવા સિવાય ખાસ કામ આવ્યાં નથી. ક્યાંક ગીતોનો અતિરેક ફિલ્મ પર હાવી થયો છે, તો ક્યાંક ફિલ્મની અજગરછાપ લંબાઈ મ્યુઝિકને ગળી ગઈ છે. એમાંય પિક્ચરાઇઝેશનની દૃષ્ટિએ તો ખાસ ક્રિએટિવિટી નથી જ. અનુરાગ બસુ હજુયે ‘બરફી’ના હૅન્ગઑવરમાં હોય તેવું લાગે છે, કેમ કે ઘણાં દૃશ્યોમાં બરફીની ફીલ આવે છે.

ત્રીજો ઍન્ગલ છે કોમેડી. ટ્રેલર પરથી એટલું સમજાતું હતું કે આ ફિલ્મ સ્લૅપસ્ટિક ગૅગ્સથી ભરેલી કોમિક થ્રિલર હશે. પરંતુ શરૂઆતના તબક્કે આવેલાં થોડાંક ગૅગ્સ (કોમિક સિચ્યુએશન) પછી ફિલ્મમાં ભાગ્યે જ ક્યાંય તે દેખાય છે. મતલબ કે કોમેડી એકદમ વરાળ બનીને ઊડી જાય છે. આ કોમિક ટોન જો છેક સુધી બરકરાર રહ્યો હોત તો ફિલ્મ આટલી લાંબી કે અટપટી ન લાગી હોત. અગેઇન, બાળકોને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવાઈ હોય ત્યારે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇતું હતું.

હા, એક વાત માનવી પડે કે આ ફિલ્મ સિનેમેટોગ્રાફી અને કલર્સની દૃષ્ટિએ એકદમ ભરચક છે. દાર્જિલિંગ, મણિપુર, આસામ, કોલકાતાથી લઇને મોરોક્કો, થાઇલૅન્ડ વગેરેનાં લોકેશન્સ એટલાં અફલાતૂન છે કે ફિલ્મને મ્યુટ પર રાખીને માત્ર વિઝ્યુઅલ્સ જ જોયા કરીએ તોય આંખો ભરાઈ જાય. ફિલ્મની એક્ઝોટિક વેલ્યૂ વધારવા માટે જિરાફ, ચિત્તા, શાહમૃગ, મીરકેટ જેવાં દુર્લભ પ્રાણીઓ અને ગળામાં ડઝનેક રિંગ પહેરીને ફરતાં મ્યાનમારના આદિવાસીઓ વગેરેનાં વિઝ્યુઅલ્સ મુકાયાં છે. જોકે આ તમામ માત્ર ‘નૅશનલ જ્યોગ્રાફિક’ની બ્યુટિફુલ તસવીરો જેવાં બનીને રહી ગયાં છે. તે વાર્તામાં ક્યાંય મર્જ થતાં નથી. અને આમેય માત્ર વિઝ્યુઅલ્સથી પેટ ભરાતું નથી અને આપણને સંતોષનો ઓડકાર આવતો નથી.

એક વાત ગગનભેદી આલાપ લઇને સ્વીકારવી પડે કે રણબીર કપૂર આ ફિલ્મનો આત્મા છે. એકેક એક્સપ્રેશન એના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાય છે. ઇવન જીભ અચકાવાની એની ઍક્ટિંગ પણ ક્યાંય નકલી લાગતી નથી (દુઃખની વાત એ છે કે ફિલ્મમાં ઘણે ઠેકાણે અચકાતી જીભનો પણ કોમેડી પેદા કરવામાં ઉપયોગ કરાયો છે, જે ક્યારેય ન થવું જોઇએ). અફસોસ કે કેટરિના આ બાબતમાં તદ્દન અપોઝિટ છે. ચહેરા પર એક્સપ્રેશન સાથે તો એને કશી લેવાદેવા નથી એ જૂની વાત છે, પરંતુ એક્ટિંગ, સ્લૅપસ્ટિક કોમિક એક્ટરને છાજે તેવી સ્ફૂર્તિ એનામાં ક્યાંય દેખાતી નથી. અરે, એણે તો સંગીતમય ડાયલોગ્સમાં હોઠ ફફડાવવામાં પણ દાટ વાળ્યો છે. કેટરિના આ ફિલ્મમાં એક સુંદર ચહેરાથી વિશેષ કશું જ નથી. સૌરભ શુક્લા આ ફિલ્મમાં કોમેડી કરે છે કે વિલનગીરી એ નક્કી કરવામાં જ ફિલ્મ પૂરી થઈ જાય છે. હા, ધરખમ બંગાળી અભિનેતા શાશ્વત ચૅટર્જી (‘કહાની’ના બોબ બિશ્વાસ)ના અને નાનકડા જગ્ગાનાં દૃશ્યો ખરેખર હૃદયસ્પર્શી બન્યાં છે. આ ફિલ્મમાં નાનકડી લાગતી સયાની ગુપ્તા પણ છે, જેને શોધવા માટે કોઈ કોન્ટેસ્ટ રમાડવી પડે.

વધુ એક વાત, અહીં અનુરાગ બાસુએ જગ્ગાની સ્ટોરી સાથે ‘પુરુલિયા શસ્ત્રકાંડ’ અને ઇન્ટરનેશનલ આર્મ્સ પોલિટિક્સ, ત્રાસવાદ-નક્સલવાદને પણ નાખ્યો છે. મતલબ કે વાર્તામાં ઓર ખીચડો.

ફિલ્મની શરૂઆતમાં અનુરાગ બસુએ પોતાના પિતાની સાથોસાથ રાજ કપૂરને પણ અંજલિ અર્પી છે. ‘બરફી’માં એમણે અંજલિ આપવાના નામે જ અઢળક હૉલીવુડ મુવીઝમાંથી ફ્રેમ બાય ફ્રેમ દૃશ્યો ઉઠાવી લીધેલાં. અહીં પણ એવું જ કર્યું છે. છતાં આવા એકેય સ્રોતને અંજલિ આપવાની એમણે તસ્દી લીધી નથી.

હો ગઈ પિક્ચર ખતમ

એક ખરેખરી મ્યુઝિકલ-થ્રિલર અને બાળકો માટેની ફિલ્મ બનાવવાના પ્રયાસરૂપે ડિરેક્ટર અનુરાગ બાસુને દાદ દેવી પડે. પરંતુ તેને શક્ય તેટલી અદભુત બનાવવાની લાલચમાં મૂળ વાર્તા અને તેનો ફ્લો વિખેરાઈ ગયો છે. હા, એક એક્સપરિમેન્ટ તરીકે આ ફિલ્મને મોટા પડદે એક વખત અવશ્ય જોવી જોઇએ. ફિલ્મના ઍન્ડ પરથી ખબર પડે છે કે બાસુદા તેની સિક્વલ પણ બનાવી રહ્યા છે. આશા રાખીએ કે આ ભાગની ભૂલો સુધારીને પાર્ટ ટુમાં વધુ જાનદાર મુવી બને અને બૉલીવુડમાં એક નવી જ મ્યુઝિકલ પરંપરાનો પ્રારંભ થાય.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

બાર બાર દેખો

પૂર્ણ બોરિંગ ભવિષ્ય કાળ

***

અઢી મિનિટના ટ્રેલરમાં કહેવાઈ ગયેલી જમાનાજૂની વાતને પરાણે આ અઢી કલાકની ફિલ્મમાં ખેંચવામાં આવી છે.

***

baar-baar-dekho-movie-posterઆપણે ત્યાં છોકરાંવ હજી તો નોકરી-ધંધે ન ચડ્યાં હોય ત્યાં એમને પૈણવા ઊપડે છે. પરંતુ એકમાત્ર બૉલીવુડના હીરોલોગની પ્રજાતિ જ એવી છે જેમને યુગોયુગોથી કમિટમેન્ટ ફોબિયા સતાવતો આવ્યો છે. આ અઠવાડિયાની ફિલ્મ ‘બાર બાર દેખો’નો હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા એવું જ પ્રાણી છે. ઘરે લગનનાં ગીતો-ફટાણાં ગાવાનું શરૂ થઈ ગયું છે અને છેક છેલ્લી ઘડીએ ભાઈ ગ્રહણ ટાણે સાપ કાઢે છે કે ‘જાવ, મારે નથી પૈણવું.’ પહેલીવાર જેમણે ડિરેક્ટર તરીકેનું સળગતું પકડ્યું છે એવાં દિગ્દર્શિકા બાનુ નિત્યા મહેરાની આ ફિલ્મમાં દિમાગમાં ન ઊતરે એવું ઘણું બધું બન્યા કરે છે.

સંતાપ એનો સવારે સવારે

જય વર્મા (સિદ્ધાર્થ મલ્હોત્રા) અને દિયા કપૂર (કૅટરિના કૈફ) કિન્ડરગાર્ટનમાં હતાં ત્યારથી જ ફ્રેન્ડશિપ ડૅ મનાવતાં આવ્યાં છે. મોટાં થયાં પછી વેલેન્ટાઇન્સ ડૅ મનાવ્યો. ભવિષ્યમાં ઍનિવર્સરી મનાવી શકે એ માટે જ્યારે લગ્નનો વારો આવ્યો, ત્યારે અચાનક હીરોને થયું કે આ તો હાળું હલવાઈ ગયા. આમ તો બૈરી-છોકરાંમાં જ જિંદગી નીકળી જશે અને કરિયર અભેરાઈ પર ચડી જશે. લગ્નની આગલી સાંજે પાણીમાં બેસી ગયા બાદ બીજા દિવસે એ જાગ્યો તો એણે જોયું કે એનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને પોતે થાઈલૅન્ડમાં હનીમૂન મનાવી રહ્યો છે. ત્રીજા દિવસે સવારે એની પત્ની એક બાળકને જન્મ આપી રહી છે. ચોથા દિવસે એનાં બચ્ચાં સ્કૂલે જવા માંડ્યાં છે. પાંચમા દિવસે એને ધોળાં આવી ગયાં છે અને પત્ની… પરંતુ આવું શાને થાય છે? આ ટાઇમટ્રાવેલ છે કે પછી વધુ પડતા છાંટોપાણીની અસર? કે પછી ત્રીજું જ કોઈ ફૅક્ટર છે?

દિમાગ કી બત્તી બુઝા દે

વિચાર કરો વર્મા આન્ટી (સારિકા)નો એકનો એક દીકરો દિલ્હી યુનિવર્સિટીમાં મૅથેમેટિક્સનો પ્રોફેસર છે. થોડા સમયમાં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં એનું પ્લેસમેન્ટ થઈ જવાનું છે. વળી, હૅન્ડસમ તો એવો કે ક્લાસની બધી છોડીયું એનો લૅક્ચર ભરવા માટે ફેવિકોલ લગાવીને બેસી જ રહે (‘ઇન્ડિયાના જોન્સ’ની જેમ). ઉપરથી પોણું ઇન્ડિયા અદેખાઈથી બળી મરે એવી એની સ્ટેડી ગર્લફ્રેન્ડ તરીકે કૅટરિના કૈફ છે. હીરોના જીવનમાં એવી કોઈ મોટી ક્રાઇસિસ નથી જે એના મગજમાં સ્ટ્રેસના ફટાકડા ફોડે. તોય આ છોકરાને કમિટમેન્ટ ફોબિયા હેરાન કરે છે. શું કામ? ડિરેક્ટર સાહેબા જાણે. વળી, હીરો-હિરોઇન તો ચાઇલ્ડહૂડ સ્વીટહાર્ટ્સ છે. તો બંને વચ્ચે એટલીયે અન્ડરસ્ટેન્ડિંગ ન હોય કે થોડું ડિસ્કશન કરીને વાતનો નિવેડો લાવે? લેકિન નો. આ ફિલ્મના રાઇટરોની ટોળકીએ આપણા દિમાગની તમામ નસોની મજબૂતી ચૅક કરવાનું નક્કી કર્યું છે. એટલે જ તો આપણો હીરો કોઈ જ કારણ વિના બોરીવલી-ચર્ચગેટની ફાસ્ટ ટ્રેનમાં બેસતો હોય એનાથીયે ઝડપથી ટાઇમટ્રાવેલ પર નીકળી પડે છે. હૉલીવુડ હોય તો આ માટે કોઇક મશીન બનાવે, સંશોધન કરે. પરંતુ આપણા સંસ્કારી દેશનો હીરો છે એટલે તે કાંડે નાડાછડી બાંધે અને સાંજે છાંટોપાણી કરે એટલે એની ટાઇમટ્રાવેલ સ્ટાર્ટ.

મજાની નહીં, પરંતુ સજાની વાત એ છે કે આ ફિલ્મના ટ્રેલરમાં જે કંઈ બતાવી દીધેલું એની બહારનું આખી ફિલ્મમાં કશું જ કહેતાં કશું જ નથી. બસ, હીરો રોજ સવારે ઊઠે અને સાસ-બહુની સિરિયલની જેમ વાર્તાએ થોડાં વર્ષનો જમ્પ લઈ લીધો હોય. છેક છ દાયકા આગળ ગયા બાદ એને સમજાય છે કે ખરેખરી મજા તો પ્રેઝન્ટ ટેન્સમાં આવતા લાખો છોટે છોટે પલનો આનંદ માણવામાં જ હતી. બટ વેઇટ, આ વાત તો આજથી સાડાચાર દાયકા પહેલાં જ હૃષિકેશ મુખર્જીના ‘આનંદ’ અને ‘બાવરચી’ પણ કહી ગયા છે. ભવિષ્યમાં છ દાયકાની કન્ડક્ટેડ ટુર કર્યા પછીયે આ સિવાયનું આપણો હીરો કશું જ નવું શીખતો નથી.

લગભગ અઢી કલાકની આ ફિલ્મમાં સમય જમ્પ કર્યા કરે અને હીરો ઍસિડિટીના પેશન્ટની જેમ નિમાણો થઇને ફર્યા કરે. એ સિવાય કોઈ નવી વાત કે લાઇફની કોઈ નવી ફિલોસોફી પણ બહાર ન આવે. ઇવન કોઈ દમદાર વનલાઇનર્સ પણ કાને પડતાં નથી. દરઅસલ, ફ્યુચરિસ્ટિક ફૅન્ટેસી ફિલ્મ બનાવવા માટે હટકે ક્રિએટિવિટી જોઇએ. જ્યારે અહીં તો આઇડિયા એવો કે જ્યાં ત્યાં હાઇટેક સ્ક્રીન મૂકી દો એટલે ફ્યુચર આવી ગયું. બસ-કારની બારીમાં સ્ક્રીન, ઘરની દીવાલમાં સ્ક્રીન, ક્લાસના બૉર્ડ પર સ્ક્રીન, મોબાઇલ ફોનની બહાર હવામાં સ્ક્રીન. ‘ગૂગલ’વાળા અત્યારે સેલ્ફ ડ્રાઇવિંગ કાર ટેસ્ટ કરે છે, જ્યારે આપણી ફિલ્મોવાળા છ દાયકા પછીયે પોતાની કાર જાતે જ ઢસડે છે. દોઢ દાયકા પહેલાં હૉલીવુડમાં ‘અ બ્યુટિફુલ માઇન્ડ’ ફિલ્મમાં ગણિતના પ્રોફેસરે બારીના કાચ પર ગણિતનાં ચીતરામણાં કરેલાં. આપણા હીરો હજી એ જ સ્ટાઇલમાં બારીઓ બગાડે છે.

ભવિષ્યમાં ડોકિયું કરીને વર્તમાન સુધારવાનો આ ફિલ્મનો પાયાનો વિચાર હૉલીવુડની ‘ઇન્સેપ્શન’ ફિલ્મની જેમ જાયન્ટ સપનું હતો કે પછી કોઈ ચમત્કાર હતો તેની કોઈ જ ચોખવટ કરાઈ નથી. બની શકે કે ફિલ્મની દિગ્દર્શિકા આ ‘ઇન્સેપ્શન’ અને હૉલીવુડની જ ‘ક્લિક’ નામની બીજી કોમેડી ફિલ્મ જોતાં જોતાં ઊંઘી ગઈ હોય અને એને આ ફિલ્મ સપનામાં આવી હોય. જો એવું હોય, તોય આ ફિલ્મ એક કમિટમેન્ટ ફોબિક યુવાનના ફૉલ્ટી ફેમિનિસ્ટ ચિત્રણ સિવાય કશું જ નથી.

જોકે આ ફિલ્મ પરથી એટલું જાણવા મળે છે કે છ દાયકા પછીયે કૅટરિનાના ચહેરા પર કોઈ એક્સપ્રેશન્સ આવવાનાં નથી કે નથી એની ઍક્ટિંગ સુધરવાની. સિદ્ધાર્થ મલ્હોત્રા કાયમ આવો જ ક્યુટ અને ક્લુલેસ દેખાવાનો છે. એકદમ ચકાચક પૅકિંગમાં પેશ થયેલી ‘બાર બાર દેખો’ સારિકા, રામ કપૂર, રજિત કપૂર, સયાની ગુપ્તા જેવાં દમદાર કલાકારોનો અક્ષમ્ય વેડફાટ છે.

દેડકાની જેમ કૂદાકૂદ કરવા છતાં ગોકળગાયની ગતિએ ચાલતી આ ફિલ્મનું એકમાત્ર પોઝિટિવ પાસું છે તેનું મ્યુઝિક. પાંચ રસોઇયા એટલે કે સંગીતકારોએ મળીને એવું મસ્ત મ્યુઝિક આપ્યું છે કે આખું આલ્બમ ગમે ત્યારે, ગમે તેટલીવાર સાંભળવાની મજા પડે એવું બન્યું છે. પરંતુ એના માટે કંઈ થિયેટર સુધી લાંબા ન થવાય. એમ તો ફિલ્મનું હૉમ વીડિયો સ્ટાઇલનું ક્યુટ સ્ટાર્ટિંગ અને ઑવરઑલ પૈસાદાર ફીલ પણ બે ઘડી ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીમાં બેઠા હોઇએ એવી અનુભૂતિ કરાવે છે.

એક બાર ભી ક્યું દેખો?

વક્રતા છે કે આ ફિલ્મમાં હીરોની લાઇફ ફાસ્ટ ફોરવર્ડમાં ચાલે છે, પણ ફિલ્મ તદ્દન સ્લો મોશનમાં જ ચાલ્યા કરે છે. જો કૅટરિના-સિદ્ધાર્થના ફૅન હો, પૈસાદાર હો અથવા તદ્દન નવરા હો અને આ ફિલ્મમાં જાગતા બેસી રહ્યા હો, તો તમને સતત ઇચ્છા થશે કે કાશ આપણેય આ હીરોની જેમ ટાઇમ ટ્રાવેલ કરીને આ ફિલ્મ જોવાનો આઇડિયા કૅન્સલ કરી નાખીએ તો?

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ફિતૂર

આગ કા દરિયા, ડૂબ કે જાના

***

‘ફિતૂર’ જોયા પછી ખ્યાલ આવે કે વિશાલ ભારદ્વાજના પેંગડામાં પગ નાખવો પણ આસાન નથી.

***

fitoor_hindi_film_posterકોઈ નાટક, નવલકથા કે લોકવાર્તાને નવા જ સ્થળ-કાળમાં ફિલ્મ તરીકે અડૅપ્ટ કરો, એટલે સર્જકની જવાબદારી જંગી સ્કોર ચૅઝ કરતા બૅટ્સમેન જેવી વધી જાય. અગાઉ ડિરેક્ટર અભિષેક કપૂરે ચેતન ભગતની હાડોહાડ કમર્શિયલ ફિક્શન ‘થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ’ને ‘કાયપો છે’ તરીકે અડૅપ્ટ કરેલી. હવે એમણે ચાર્લ્સ ડિકન્સની ‘ગ્રેટ એક્સપેક્ટેશન્સ’નો વારો કાઢ્યો છે. પરંતુ ક્લાસિકનો આત્મા કાઢીને બૉલીવુડના કમર્શિયલ ખોળિયામાં પૂરવા માટે વિશાલ ભારદ્વાજ જેવો ઇલમ જોઇએ. આ ઇલમમાં મહારત મેળવવામાં અભિષેક કપૂરને હજી છેટું છે. તેમ છતાં ઇશ્કિયા મિજાજના ફકીરની જેમ દિલદાર હૈયું રાખીને જુઓ તો ફિલ્મમાં લુત્ફ ઉઠાવવા જેવી ઘણી બધી બાબતો મળી આવે તેમ છે.

કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા

આજથી દોઢ દાયકા પહેલાંનું કાશ્મીર. ત્યાંની માલીપા રહે હાથમાં કારીગરી અને કળાનો કસબ લઇને પેદા થયેલો નૂર નામનો ટાબરિયો. એ જ શ્રીનગરમાં એક રાણીસાહેબા બેગમ હઝરત જહાં (તબુ) પણ એમની નાનકડી દીકરી ફિરદૌસ સાથે રહે. ફિરદૌસ હતી જ એવી. જન્નતની હૂર. એક દિવસ બેગમસાહેબાએ નૂરને જોયો અને એ જ દિવસથી ફિરદૌસની સરભરામાં રાખી લીધો. આ બાજુ નૂર ફિરદૌસના ઇશ્કના કળણમાં ધસ્યો તો બીજી બાજુ ફિરદૌસ લંડન રવાના થઈ ગઈ. વર્ષો વીત્યાં. નૂર નિયાઝી (આદિત્ય રૉય કપૂર) હવે કાબેલ ચિત્રકાર અને શિલ્પકાર છે. બૅગમ હઝરત જહાં એને સ્કોલરશિપ પર દિલ્હી મોકલે છે, જ્યાં ભેદી રીતે રાતોરાત નૂરમિયાંના પરચમ લહેરાવા માંડે છે. દિલ્હીમાં જ નૂરને એના દિલનો ફિતૂર એવી ફિરદૌસ (કૅટરિના) મળે છે. બચપન કી મહોબ્બત તો ફિરદૌસને યાદ છે, પણ અત્યારે એની જિંદગી નવો મોડ લઈ ચૂકી છે.

પણ એક મિનિટ, બેગમ સાહેબા નૂર પર આટલાં મહેરબાન શા માટે છે? એ આખો વખત છાતી પર કોઈ ભાર વેંઢારતાં હોય તેમ માયૂસ કેમ રહે છે? નૂર એવો તે કયો કોહિનૂર હતો કે રાતોરાત છવાઈ ગયો? અને સૌથી મહત્ત્વનું, નૂરના ફિરદૌસ સાથેના ઇશ્કનો શિકારા ઝેલમને કાંઠે પહોંચશે ખરો?

દિલ-એ-નાદાં તુઝે હુઆ ક્યા હૈ

જો તમે ચાર્લ્સ ડિકન્સની એ ક્લાસિક નવલકથા ‘ગ્રેટ એક્સપેક્ટેશન્સ’ વાંચી હશે તો ફર્સ્ટ હાફ જોઇને તમારું દિલ મુઘલ ગાર્ડનની જેમ ખીલી ઊઠશે. પરંતુ ઇન્ટરવલ પછી ક્લાસિક કથા પર બૉલીવુડનો કલર ચડતો જોઇને નિરાશાનું એવલેન્ચ આવી જાય. ‘ફિતૂર’ને ધિક્કારવી હોય તો અનેક મુદ્દા મળી રહે તેમ છે. જેમ કે, એક ક્લાસિક નવલકથાનો આખો ધ્વનિ જ બદલાવી નાખ્યો છે. ચટ મંગની અને પટ બ્યાહ ટાઇપની ફાસ્ટફૂડ જેવી ફિલ્મો જોનારાઓને તો આ ફિલ્મ એક સ્કાયસ્ક્રેપર પરથી તરતા મૂકેલા પીંછા જેવી સ્લો લાગશે. બિલોરી કાચને થોડો આગળ પાછળ કરો તો એવુંય દેખાશે કે આ કૅટરિના દેખાય છે જબ્બર, પણ એના ચહેરા પર ક્યારેય કોઈ જેન્યુઇન એક્સપ્રેશન્સ દેખાતાં નથી. ઇવન ટાઇટલ જેવો ઈશ્કનો ફિતૂર પણ મિસિંગ છે. ઇવન કાશ્મીરમાં ફ્રીડમ ઑફ એક્સપ્રેશન અને મિયાંદાદને માફ કરી દેવાની વાત હોય, સંવેદનશીલ દર્શકો ત્યાંય કકળાટ કરી મૂકશે (દાઉદના વેવાઈને અમે શેના માફ કરીએ, હેં?).

કાશ્મીર અને તબુ હોય એટલે બહુ બધા લોકોને ‘હૈદર’ યાદ આવી જશે. કો’કને વળી (ઓ. હેનરીની ‘ધ લાસ્ટ લીફ’ પરથી બનેલી) ‘લૂટેરા’ પણ દેખાશે. અબોવ ઑલ, મિસ્ટર અભિષેક કપૂર એક ક્લાસિકને કચકડે ઉતારવાનું કમઠાણ લઇને બેઠા છે, એનો ભાર આ  ફિલ્મની એકેએક ફ્રેમમાં દેખાય છે. વધુ પડતો સ્લો મોશનનો અને લો એન્ગલ કેમેરાનો ઉપયોગ પણ એની ચાડી ખાય છે.

જનાબ, બધુંય કબૂલ. પરંતુ આપણે ગૌર ફરમાવીએ ફિલ્મની પોઝિટિવ બાબતો પર. એક તો આપણે ત્યાં પુસ્તકો પરથી ફિલ્મો બનાવવાની મજૂરી કરવાની જફામાં સર્જકો મોટે ભાગે પડતા નથી. એટલે માછલાં ધોવાશે જ એવી ખાતરી છતાં સળગતું હાથમાં લેવા બદલ પણ ડિરેક્ટર અભિષેક કપૂર અને એમના રાઇટર સુપાર્તિક સેનને ‘શુક્રિયા જનાબ’ કહેવું પડે. ફિલ્મને બહાને પણ જો ચાર લોકો ઑરિજિનલ કૃતિ વાંચે તો શું ખોટું? ફિલ્મ નબળી હશે તો આમેય ભુલાઈ જવાની છે.

પરંતુ આ ફિલ્મ પાછળ કરેલી મહેનત દેખાઈ આવે છે. એક તો અનય ગોસ્વામીના કેમેરાએ જે કશ્મીર ઝીલ્યું છે એ જોઇને જ ટિકિટના પૈસા વસૂલ થઈ જાય. એ સતત થતી બર્ફબારી, પાનખરની સિઝનમાં ચારેકોર છવાયેલાં ચિનારનાં લાલ રંગનાં સૂકાં પાંદડાં, ગરમાગરમ કાશ્મીરી કાવામાંથી ઊઠતી વરાળની સેરો, ચારેકોર છવાયેલું ડરામણું ધુમ્મસ, ઝેલમમાં હળવે હળવે સેલ્લારા મારતા શિકારા, બૅકગ્રાઉન્ડમાં સંભળાતા રબાબના સૂર, કાશ્મીરી કોતરણી, કાંગડીની ગર્માહટ, કાચનાં વિશાળ ઝુમ્મરો, જોઇને જ ડરની એક સિરહન પસાર થઈ જાય એવાં જમાનો જોઈ ચૂકેલાં મહેલનુમા ઘર વગેરે બધું જ તમને સીધું કાશ્મીરમાં ટેલિપોર્ટ કરી દેવા માટે પૂરતું છે.

કોણજાણે કેટલા સમયે આપણી ફિલ્મમાં આવી ખાલિસ ઉર્દુ ઝબાન સાંભળવા મળી છે. તસવ્વુર, મુખ્તલિફ, જઝબાત, નસીહત, જહન્નમ, ખાક, બરકત, કસીદે, નાકાબિલે બર્દાશ્ત, રફ્તાર, બદસલુક, હમિનસ્તો, યે ઇશ્ક નહીં આસાં… આવું અહીં બરફની જેમ વેરાયેલું પડ્યું છે. ઇવન ફિલ્મના કેટલાય સંવાદો શાયરીની ઝુબાનમાં જ લખાયેલા છે. મસલન, ‘જૂતોં સે આગે જહાં ઔર ભી હૈ’, ‘બૈઠે બૈઠે ખાક હો જાયેગા’, ‘આના પડતા હૈ, ઝિંદગી હૈ’, ‘હાલાત મુશ્કિલ હૈ, નાઉમ્મીદ નહીં’, ‘યે કમઝર્ફ દવાઇયાં જાન ભી તો નહીં લેતી’… આટલું બધું ઉર્દુ બોલાતું સાંભળીને લાગે કે નીચે ‘સ્મોકિંગ કિલ્સ’ની ચેતવણી પણ ઉર્દુમાં હોવી જોઇએ, કે ‘જિગર સે ઉઠતા ધુઆં આપ કો જન્નતનશીન કર સકતા હૈ.’

કળા-સાહિત્યના શોખીનોને ‘અ ટૅલ ઑફ ટુ સિટીઝ’નાં વાક્યો ક્વોટ થતાં સાંભળીને કે નૂરજહાંની ‘હમારી સાંસો મેં આજતક વો, હિના કી ખુશબૂ મહક રહી હૈ’ વાગતી સાંભળીને એમનાં દિલમાં મેઘધનુષ ખીલી ઊઠે.

‘શુભાનઅલ્લાહ’ બોલાવી દે તેવું ‘ફિતૂર’નું સૌથી મસ્ત પાસું છે અમિત ત્રિવેદીનું જબરદસ્ત મ્યુઝિક. જેમ પશ્મીના શૉલ વીંટીમાંથી પસાર થઈ જાય, એવી જ હળવાશથી આ ફિલ્મનું સંગીત કાનવાટે રૂહમાં ઊતરી જાય એવું બન્યું છે. લૂપમાં રાખીને એક શાંત રાતે સાંભળજો.

કૅટરિના કે આદિત્ય રૉય કપૂરની એક્ટિંગનાં વખાણ કરવાં પડે એવો સમય હજી આવ્યો નથી, પણ ફિલ્મમાં તબુ હોય એટલે ઓવારણાંનો અમુક સ્ટોક એના માટે અનામત રાખવો પડે. (હા, આ ફિલ્મ પછી સૂકાં ચિનાર જેવા લાલ રંગના વાળ અને ઉર્દૂમાં ટૅટૂ કરાવવાનો ક્રેઝ આવે તો નવાઈ નહીં.) કૅટરિના કરતાં ક્યાંય વધુ ખૂબસૂરત અને એક્સપ્રેસિવ એના બાળપણનો રોલ કરતી તનિશા શર્મા લાગે છે. અહીં બે સરપ્રાઇઝ ગેસ્ટ અપિયરન્સ પણ છે, પરંતુ દૂરદર્શન જોઇને મોટા થયેલા દર્શકોને એક લાંબા અરસા બાદ પડદા પર તલત અઝીઝને જોઇને વસ્લની રાહતનો અહેસાસ થશે.

આતિશ-એ-ઇશ્ક

શમાની લૌ જેવી એટલે કે દીવા જેવી સ્પષ્ટ વાત છે કે ‘ફિતૂર’ મોટા ભાગના લોકોને ગમવાની નથી. બે કલાકમાં તો બગાસાંની બારાત કાઢે એવું બહુધા લોકોના કિસ્સામાં બનશે. પરંતુ જેઓ ક્લાસિક લિટરેચર અને એના અડૅપ્ટેશનના ખેલા સાથે મહોબ્બત ધરાવતા હોય, જેમને ગાલિબથી ખુસરો સુધીના સર્જકો યાર-દિલદાર લાગતા હોય, જે આપણા ગુજ્જુ અમિત ત્રિવેદીના ફૅન હોય અને અબોવ ઑલ, જે દિલ-ઓ-દિમાગથી ઇશ્કિયાના મિજાજ ધરાવતા હોય એમને આ ફિલ્મ એટલિસ્ટ એકવાર તો અપીલ કરશે જ.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ફેન્ટમ

દિલ કે બહલાને કો કબીર, યે ખયાલ બચકાના હૈ

***

આ ફિલ્મથી એક વાત સ્પષ્ટ છે, કે ૨૬/૧૧ના હુમલાનો બદલો એટલિસ્ટ આ રીતે તો ન જ લેવાય.

***

phantom-posterઆપણાં બૅડલક જ ખરાબ છે. ઘોરખોદિયા જેવા ત્રાસવાદીઓ આપણે ત્યાં આવીને ભાંગફોડ કરી જાય અને પછી ભારતની બહાર ભાગી જઇને છછુંદરની જેમ સંતાઈ જાય. આપણા કાનૂન કે લંબે હાથ ક્યારેય એમના સુધી પહોંચી શકે નહીં. એટલે હવે આપણા સર્જકો ‘ધારો કે આપણે બદલો લીધો હોય, તો’ ટાઇપની કાલ્પનિક વાર્તાઓ ઘડી કાઢવા માંડ્યા છે. પોતાના સૈનિકો દુશ્મનોના દાંત કેવી રીતે ખાટા કરે છે તે કહેવા માટે અમેરિકા, ઇઝરાયેલ પાસે સાચુકલી વાર્તાઓ છે, જ્યારે આપણે બસ, ફિક્શનનો જ સહારો લેવો પડે છે. પરંતુ આપણને કાલ્પનિક બદલો લેતા પણ સરખી રીતે નથી આવડતું. અગાઉ ‘ડી-ડે’માં દાઉદ ઇબ્રાહિમને ભારત લાવવાની વાત હતી. એ પછી નીરજ પાંડેની ‘બૅબી’માં પણ આવી જ મનોહર કહાનિયાં હતી. આ વખતે ‘ફેન્ટમ’માં ૨૬/૧૧ના માસ્ટરમાઇન્ડ્સને ખતમ કરવાનો ખયાલી પુલાવ છે. યકીન માનો, મોટા ભાગની ફિલ્મ લાંબી, બોરિંગ, બાલિશ અને હાસ્યાસ્પદ છે.

ખૂન કા બદલા ખૂન

૨૬/૧૧ના આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય ખૂફિયા એજન્સી RAWના વડા રૉય (સબ્યસાચી ચક્રવર્તી)ને એક નવો નિશાળિયો સમિત (મોહમ્મદ ઝિશન ઐયુબ) આઇડિયા આપે છે કે આપણે આ કારમા ઘાનો જવાબ અમેરિકાની સ્ટાઇલમાં આપવો. આ હુમલાના ચારેય માસ્ટરમાઇન્ડ્સને એમના ઠેકાણે જઈ જઈને એવી રીતે ઠાર કરવા કે જેથી તેમનાં મોત કુદરતી લાગે. આ માટે ભારતીય આર્મીના એક બદનામ સૈનિક દાન્યાલ ખાન (સૈફ અલી ખાન)ની પસંદગી થાય છે. દાન્યાલને મદદ કરવા માટે સોશ્યલ વર્કર ટાઇપનું કંઇક કામ કરતી નવાઝ મિસ્ત્રી (કેટરિના કૈફ)ને પણ ધંધે લગાડવામાં આવે છે. પ્લાન કે મુતાબિક અડધું ઑપરેશન પાર પડ્યા પછી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIને ગંધ આવી જાય છે. પરંતુ ફિલ્મમૅકર્સને છેક ફિલ્મ રિલીઝ થયા પછીયે ગંધ આવતી નથી કે આ કંસાર કરવા જતાં થૂલું રંધાઈ ગયું છે.

ફેંકમ-FAKE

ડિરેક્ટર કબીર ખાનની ‘ફેન્ટમ’ જેના પરથી બની છે તે ક્રાઇમ રાઇટર એસ. હુસૈન ઝૈદીની નવલકથા ‘મુંબઈ એવેન્જર્સ’ વિશે લોકો એક શબ્દનો જ રિવ્યૂ આપતા ફરે છે, ‘ફિલ્મી.’ એ ફિલ્મી વાર્તા પરથી ખરેખર ફિલ્મ બને, ત્યારે એ ફિલ્મી ન હોય તો જ નવાઈ. એક તો આ ફિલ્મની શરૂઆતમાં ‘બોયાય નથી ને ચાયાય નથી’ ટાઇપનું ‘સમજૌતા એક્સપ્રેસ’ જેટલું લાંબું ડિક્લેરેશન સંભળાવવામાં આવે છે, એ જોઇને જ લાગે કે બસ આ જ કારણોસર આતંકવાદીઓ આપણા સકંજામાં નથી આવતા. રિલીઝ પહેલાં ૨૬/૧૧ના ખરેખરા માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદને ધમકીઓ આપ્યા પછી ફિલ્મમાં તેનું નામ બદલીને ‘હારિસ સઇદ’ કરી દેવાયું છે. આપણે તો ત્રાસવાદીઓની લાગણી ન દુભાય તેનોય ખ્યાલ રાખવાનો ને.

ખેર, પણ સૈફ અલી ખાન સ્ટારર ‘ફેન્ટમ’ એક અભાવગ્રસ્ત ફિલ્મ છે. તેમાં લોજિકનો અભાવ છે, ધારદાર પંચલાઇન્સનો અભાવ છે, કલાકારોનાં એક્સપ્રેશન્સનો અભાવ છે, એડિટિંગનો અભાવ છે અને પરિણામે ફિલ્મને લોકોની ધીરજના અભાવનો સામનો કરવો પડશે એ નક્કી છે. પહેલા વાત લોજિકની. RAWના વડા જે વાતે કન્વિન્સ ન હોય, તે મુદ્દે એક નાનકડું વછેરું લોલીપોપ માગતું હોય એ રીતે જિદ્દ કરે કે, હાલોને સર, આપણેય રિવેન્જ રિવેન્જ રમીએ. આમ હુમલાખોરોને મારવાનું નક્કી થાય. પરંતુ ખૂફિયા ઑપરેશન છે એટલે સૈફ માથે ગમછો બાંધીને કોને મારવા નીકળી પડ્યો છે તે આપણને મીન્સ કે પ્રેક્ષકોને એકેય તબક્કે કહેવામાં ન આવે. એટલે એ હત્યાઓ પાછળનું કનેક્શન પણ આપણને ખબર ન પડે. એક સમજુ પ્રેક્ષક તરીકે આપણે સ્વીકારી લેવાનું કે અમે જે કરીએ છીએ તે દેશના સારા માટે જ કરીએ છીએ. તમારે રોટલાથી કામ કે ટપાકાથી?

આ ફિલ્મમાં સૌથી મોટી ઊણપ વર્તાઈ સૈફના સાઇડકિકની, મતલબ કે સહયોગીની. વિદેશી ધરતી પર માણસો મેનેજ કરવાથી લઇને મર્ડરનું પ્લાનિંગ, બૅકઅપ વગેરે બધું જ બિચારા સૈફે એકલે હાથે જ કરવું પડે. હા, એની મદદ માટે કૅટરિના છે, પણ એ બિચારી પોતાની લિપસ્ટિક ટચઅપ કરે કે ઑપરેશન પાર પાડે? જો આખું મિશન ‘રૉ’એ ડિઝાઇન કર્યું હોય, તો તેનું અગાઉથી ઝીણવટભર્યું પ્લાનિંગ પણ થયું જ હોવું જોઇએ ને? જેમ કે, અહીં શરૂઆતમાં એવું નક્કી થાય છે કે બધી જ હત્યાઓ એક્સિડેન્ટલ ડૅથ લાગવી જોઇએ, પરંતુ અડધે રસ્તેથી ટ્રેક ચૅન્જ અને જેમ બને તેમ જલ્દી કામ પતાવો. શું આપણું ‘રૉ’ કલ્પનામાં પણ ફુલપ્રૂફ આયોજન ન કરી શકે? ભારતના લેવલેથી સૈફનો નકલી ફોટો મૅનેજ ન કરી શકવાથી લઇને પાકિસ્તાનમાંથી પોતાના એજન્ટને બહાર કાઢવા સુધીના કોઈપણ તબક્કે પ્લાનિંગ થયેલું નથી બતાવાયું. આના કરતાં વધુ તૈયારી તો બિહારમાં બૉર્ડની પરીક્ષાઓમાં ચોરી કરાવવા જતા પેરેન્ટ્સલોગ કરે છે. ઇવન ફિલ્મમાં મુખ્ય આરોપીને ઉડાડવા માટે જે બ્લાસ્ટ પ્લાન થાય છે, તે એટલો બધો ફુસ્સ છે કે તેના કરતાં ગઈ દિવાળીના ફટાકડા વધુ જોશભેર ફૂટે.

વધુમાં આ ફિલ્મમાં કેટલીયે વિદેશી ફિલ્મોના વણજોઇતા સંદર્ભો આવે છે. એક તો આખો પ્લોટ અને એકાદો બ્લાસ્ટ સ્ટીવન સ્પીલબર્ગની ‘મ્યુનિક’ની યાદ અપાવે છે. ઊંધા લટકેલા સૈફની એક સિક્વન્સ ટૉમ ક્રૂઝના ‘મિશન ઇમ્પોસિબલ’ની યાદ તાજી કરી દે છે. અરે, લાદેનને પકડવાના મિશન પર બનેલી ‘ઝીરો ડાર્ક થર્ટી’થી લઇને ‘ટાઇટેનિક’ સુધીના રેફરન્સિસ અહીં છે.

તેમ છતાં ફિલ્મને ન્યાય કરવા માટે એટલું કહેવું જોઇએ કે શરૂઆતના બે આતંકીઓને જેર કરવાની સિક્વન્સીસ ખરેખર થ્રિલિંગ છે અને આપણને નખ ચાવવા પર વિવશ કરી દે છે. પરંતુ પછી જ બોરિંગ બૅક સ્ટોરીઝ, વણજોઇતાં પાત્રોની મગજમારી, નક્કામાં ગીતો અને કંગાળ ગતિ આ ઑપરેશન ફેન્ટમને ફેલ કરી નાખે છે. વધુ પડતા દેશો ફરવા બદલ સૈફ અલી ખાન ‘ટ્રાવેલ એજન્ટ વિનોદ’ તરીકે વગોવાયો હતો. અહીં પણ કાશ્મીરથી અમેરિકા, લંડન, બૈરુત, સિરિયા, પાકિસ્તાન વાયા દિલ્હીની અઢળક કન્ડક્ટેડ ટૂર છે. એમાંય સિરિયા અને બૈરુત રખડવા ન ગયા હોત તો ફિલ્મ ક્યાંય વધુ ક્રિસ્પ બની હોત.

એક થ્રિલરને ધારદાર બનાવવા એક પછી એક ફટાફટ આવતી ટેન્શનવાળી સિક્વન્સ અને કાતિલ ડાયલોગ્સનું કિલર કોમ્બિનેશન હોવું જોઇએ. અહીં બેમાંથી એકેય નથી. કદાચ એડિટરનું કમ્પ્યુટર હૅંગ થઈ ગયું હશે. સૈફનું તો સમજ્યા, પણ કૅટરિના જેવું કોઈ સાથે હોવા છતાં આટલું જોખમી ઑપરેશન પાર પડી શકે તે વિચાર જ આશાવાદની ચરમસીમા જેવો લાગે છે. બચાડી માટે એટલું કહી શકાય કે કૅટરિનાના ચહેરા કરતા એક સીનમાં એના પેટે ઘણો સારો અભિનય કર્યો છે. ઘણે ઠેકાણે આ ફિલ્મ અનઇન્ટેન્શનલી ફન્ની બની રહે છે. અહીં એવા તમામ સીન સાવ વેડફાઈ ગયેલા મોહમ્મદ ઝીશન ઐયુબના ફાળે આવ્યા છે. ધારદાર બંગાળી એક્ટર સબ્યસાચી ચક્રવર્તીનો પણ આટલો વેસ્ટેજ તો આપણું બૉલીવુડ જ કરી શકે.

બિનજરૂરી ચરબીને લીધે રોળાઈ ગયેલી આ થ્રિલર ફિલ્મમાં ખરેખર તો ગીતોની જરૂર જ નહોતી. પણ હા, ‘અફઘાન જલેબી’ ‘એજન્ટ વિનોદ’ના ‘પુંગી બજા કે’ જેવું લાગતું હોવા છતાં ચ્યુઇંગ ગમ જેવું મસ્ત ચિપકુ છે.

નિષ્ફળ થ્રિલર

બે સિક્વન્સને બાદ કરતાં સાવ બોરિંગ બની ગયેલી આ ફિલ્મને ટીવી-DVD પર જ જોવાનું રાખો તો વધુ સારું. હા, અહીં જે અંગ્રેજી ફિલ્મોનાં નામ લીધાં છે, એ વહેલી તકે જોઈ પાડો.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

બૅન્ગ બૅન્ગ

ટ્રાવેલ એજન્ટ હૃતિક

***

આ ફિલ્મનું ટાઇટલ એ દરઅસલ ફિલ્મ જોતી વખતે આપણા મગજ પર પડતા હથોડાનો અવાજ છે!

***

bangbang-poster_650_070114093547આ વખતે બીજી ઓક્ટોબરે ગાંધીજીના બર્થડે કરતાંય વધુ ચર્ચા બોક્સ ઓફિસ પર હૃતિક-કેટરિનાની ‘બેન્ગ બેન્ગ’ અને વિશાલ ભારદ્વાજની ‘હૈદર’ની અથડામણની હતી. ટ્વિટર પર તો ‘બેન્ગ બેન્ગ સાઇક્લોન’ નામના ટોપિક પર પંચાતોય થવા માંડી હતી. આ સાઇક્લોને દેશભરમાં એવા જથ્થાબંધ શોઝ  ખડકી દીધા કે બીજી ફિલ્મોની હાલત તો વિસ્થાપિતો જેવી થઈ ગઈ. ઉપરથી ટિકિટોના ભાવમાં પણ વધારો ઠપકારી દેવામાં આવ્યો. આ બધાં પછીયે આપણે ફિલ્મ જોવા જઇએ તો આપણને શું મળે? તો કહે, બાબાજી કા ઠુલ્લુ! એટલી બોરિંગ અને ઢીલી કે હૃતિક-કેટરિનાના ફેન્સ પણ ચાલુ ફિલ્મે ઠંડા પડી જાય!

ચોરીની સ્ટોરી

ખૂનખાર આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઓમર ઝફર (ડેની ડેન્ઝોંગ્પા) લંડનમાં રહેલો આપણો કોહિનૂર હીરો ચોરવાની સાઝિશ રચે છે. પરંતુ એ પહેલાં જ બીજો એક માણસ રાજવીર નંદા (હૃતિક રોશન) એ હીરો ચોરીને ભાગે છે. એટલે હૃતિકની પાછળ ડેનીના ગુંડાઓ અને એ બંનેની પાછળ પોલીસ. એના આ પકડમપટ્ટીમાં શિમલામાં બેન્કની રિસેપ્શનિસ્ટ એવી હરલીન સાહની (કેટરિના કૈફ) નાહકની સલવાઈ જાય છે. એ બિચારીને સલામત રાખવા માટે હૃતિક એને પોતાની સાથે જ વર્લ્ડ ટુર કરાવતો ફરે છે અને એ બંને નિરાંતે પ્રેમમાં પણ પડે છે. પરંતુ હૃતિક આખરે કોહિનૂર હીરો શા માટે ચોરે છે? એ હીરાનું છેવટે શું થાય છે? આ બધા સવાલો પાછળ કાનખજૂરાના એક પગના વધી ગયેલા નખ જેવડું સસ્પેન્સ પણ છે, જેના માટે તમારે (કમનસીબે) આખી ફિલ્મ જોવી પડે!

એક્શન સારી, ફિલ્મ પકાઉ

‘બેન્ગ બેન્ગ’ ફિલ્મ હોલિવૂડની 2010માં આવેલી ટોમ ક્રૂઝ સ્ટારર ફિલ્મ ‘નાઇટ એન્ડ ડે’ની રિમેક છે. ‘બેન્ગ બેન્ગ’નાં ટ્રેલર જોઇને જરાય ખબર નહોતી પડતી કે એની સ્ટોરી શું હશે. પરંતુ યકીન માનો, આખી ફિલ્મ જોયા પછીયે આપણે એ જ સવાલ પૂછતા ફરીએ છીએ કે આમાં સ્ટોરી શું હતી?! ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની બોરિંગ ફિલ્મો આપવામાં માસ્ટરી છે. આ ફિલ્મમાં પણ એણે આપણને કંટાળો આપવા માટે ખાસ્સી એવી મહેનત કરી છે!

જુઓ, એક તો એણે ફિલ્મની લંબાઈ 156 મિનિટની રાખી, જેથી આપણને કંટાળવાનો પૂરેપૂરો ટાઇમ મળે. રાઇટિંગ ડિપાર્ટમેન્ટમાં પણ ‘જાને તૂ યા જાને ના’વાળા અબ્બાસ ટાયરવાલા અને ‘કહાની’ ફેઇમ ‘સુજોય ઘોષ’ છે, પરંતુ ફિલ્મની શરૂઆતમાં સ્માર્ટનેસના ચમકારા દેખાય છે. પછી સેકન્ડ હાફમાં તો સુજોયબાબુ-ટાયરવાલાના ટાયરમાંથી હવા નીકળી જાય છે. પહેલી દસેક મિનિટમાં ધડાધડ એક્શન આવે, પરંતુ પછી  ભેંસ પાણીમાં નહાવા પડી હોય એ રીતે સ્ટોરી બેસી જાય છે.

ફિલ્મમેકર્સને કદાચ લાગ્યું હશે કે બહુ મગજ વાપરીને સ્ટોરી લખીશું તો લોકોને કદાચ સમજમાં નહીં આવે, એટલે એ લોકોએ લોજિકને જ તડીપાર કરી દીધું. એટલે જ આખી ફિલ્મમાં સતત એવું બધું બનતું રહે છે જે ખોપડીની ઝોંપડીમાં ઊતરે જ નહીં. જેમ કે, ફિલ્મમાં કોહિનૂર હીરો તો જાણે કરિયાણાની દુકાનમાંથી નૂડલ્સનાં બે પેકેટ લેવાનાં હોય એ રીતે ફટાફટ ચોરાઈ જાય. કોહિનૂર હીરો પણ બગસરાના દાગીના વેચતી દુકાનમાંથી લીધો હોય એવો સોપારી કરતાં પણ નાનો (ફિલ્મ મેકર્સે ઓરિજિનલ કોહિનૂર જોયો જ નહીં હોય?). હૃતિક ગમે ત્યાંથી કૂદે પણ એને કશું ન થાય. અરે, એ પાંચેક માળની બિલ્ડિંગ પરથી કૂદે, પગ ભાંગે અને બીજા જ સીનમાં પ્રભુદેવાને લઘુતાગ્રંથિ થઈ જાય એવો ડાન્સ પણ કરવા માંડે! પોતાના પેટમાંથી બંદૂકની ગોળી ગબ્બરસિંઘ તમાકુની પોટલી ખિસ્સામાંથી કાઢતો હોય એટલી આસાનીથી કાઢી લ્યે! કેટરિના આટલી મોટી થયા પછીયે બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખીને નહાય, બોલો! આવું તો ઘણુંય છે ફિલ્મમાં.

વળી, દર થોડી વારે ફિલ્મમાં લોકેશન બદલાઈ જાય. સ્ટોરી શરૂ થાય ત્યારે લંડન હોય, બે મિનિટમાં પ્રાગ આવે, ત્યાંથી ગાડી દિલ્હી ઉપડે, પછી શિમલા, પછી મનાલી, પછી દહેરાદૂન પછી થાઈલેન્ડ, પછી અબુધાબી… બધી જ જગ્યાએ હૃતિક પાછો ટ્રાવેલ એજન્ટ હોય એ રીતે મિસ્ટર ઈન્ડિયાની જેમ પહોંચી જાય! અને હા, ફિલ્મનો ખર્ચો કાઢવા માટે લીધેલાં સ્પોન્સર્સનો બિયારણ છાંટ્યું હોય એ રીતે કરાયેલો છંટકાવ. સિમ્પ્લી ત્રાસ!

હા, એટલું ખરું કે ‘બેન્ગ બેન્ગ’ની એક્શન સિક્વન્સિઝ ધમાકેદાર છે. કાર ચેઝ, ફાઇટ સીન, સામસામા થતા ગોળીબાર અને શરીરના બધા જ સાંધા ઢીલા કરી નાખે એવી મારામારી. (માત્ર) એ બધાની વચ્ચે જળવાઈ રહેતો કોમિક ટોન. એક સિક્વન્સમાં તો હૃતિક દરિયાની વચ્ચે ડોલ્ફિનની જેમ કૂદકા મારે છે. એ બધું જોતાં જોતાં પોપકોર્ન ગળામાં અટવાઈ જાય એની પૂરી શક્યતા છે!

એમ તો સ્લિમ-ટ્રિમ લાગતો ગઠ્ઠાદાર સિક્સ પેક એબ્સવાળો હૃતિક ડાન્સ પણ મસ્ત કરે છે. કેટરિના થોડી ચબ્બી ચિક્સ લાગે છે, પરંતુ એના હિન્દીમાં વર્તાતી અંગ્રેજી છાંટ (હંમેશની જેમ) ઇરિટેટ કરે છે. મ્યુઝિક પરથી યાદ આવ્યું, વિશાલ-શેખરે પણ કંગાળ મ્યુઝિક બનાવવામાં યથાશક્તિ પ્રદાન કર્યું છે. તોય ભૂલથી ‘તૂ મેરી’ સોંગ સારું બની ગયું છે. આ ફિલ્મમાં ગીતોનું કામ ફિલ્મને આડા પાટે ચડાવવા સિવાય કશું જ નથી.

ડેની ડેન્ઝોંગ્પા, જાવેદ જાફરી, પવન મલ્હોત્રા, વિક્રમ ગોખલે, દીપ્તિ નવલ, કંવલજિત સિંહ વગેરે બધાંને વેડફાવાની પૂરી તક અપાઈ છે. ફિલ્મની શરૂઆતમાં જિમ્મી શેરગિલ પણ આવે છે, પરંતુ લોકો હજી પોતાની સીટ પર ગોઠવાતા હોય ત્યાં તો એ સ્ક્રીન પરથી અલોપ થઈ જાય છે!

દિખાવોં પે ન જાઓ, અપની અકલ લગાઓ

‘બેન્ગ બેન્ગ’ ફિલ્મનો ખાસ્સો હાઇપ ઊભો થયો છે. પરંતુ હાઇપ દર વખતે સાચો જ હોય એ જરૂરી નથી. જો તમે હૃતિક કે કેટરિનાના લોખંડી ફેન નહીં હો અને મનોરંજનની તલાશમાં જતા એક નિષ્પક્ષ પ્રેક્ષક હશો, તો આ ફિલ્મ તમને ઘોર નિરાશ કરશે. એટલે મોંઘવારીને ધ્યાનમાં રાખીને તમારા હિસાબે ને જોખમે નિર્ણય કરજો!

રેટિંગ: *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ધૂમ-3

ગ્રેટ ઇન્ડિયન ચીટિંગ

***

વર્ષની સૌથી મોટી રિલીઝ ગણાવાયેલી ધૂમ-3 સરેરાશ ફિલ્મ છે, એટલું જ નહીં, હોલિવૂડમાંથી પણ ઉદારતાથી પ્રેરણા લઇને બનાવાઇ છે.

***

dhoom_three_ver2ભારતની બહુ ઓછી સફળમાંની એક એવી મુવી ફ્રેન્ચાઇઝ ધૂમનો નવો હપ્તો, આમિર ખાન-અભિષેક બચ્ચન- કેટરિના કૈફ જેવાં મોટાં સ્ટાર્સ, યશરાજ ફિલ્મ્સ સરીખું બેનર, દેશભરમાં જથ્થાબંધ પ્રિન્ટ્સ સાથે રિલીઝનું કાર્પેટ બોમ્બિંગ, ફિલ્મની પાઇરસી (ચોરી) ન થાય એ માટેનાં પૂરતાં પગલાં, મલ્ટિપ્લેક્સિસમાં ટિકિટોના તોતિંગ વધારી દેવાયેલા ભાવ… આ બધું છતાં ફિલ્મ ઓકે ઓકે અને હોલિવૂડની ફિલ્મોની ઉઠાંતરીવાળી ભેળપુરી! વળી, જે લોકોએ ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ધ પ્રેસ્ટિજ’ જોઇ હશે એ લોકો તો કપાળ કૂટતાં બહાર આવશે.

તૂ ચોર મૈં સિપાહી

ઇકબાલ હારૂન ખાન (જેકી શ્રોફ) શિકાગોમાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ નામે જાદૂના ખેલ બતાવતું સર્કસ ચલાવે છે. પરંતુ એનું સર્કસ ચાલતું નથી. દરેક વાળ બેંક પાસેથી લીધેલા દેવામાં ડૂબેલો છે. આખરે ‘વેસ્ટર્ન બેન્ક ઓફ શિકાગો’ એના સર્કસને બંધ કરીને એ પ્રોપર્ટીને લીલામ કરવાનો હુકમ કરે છે. આ આઘાત જીરવી નહીં શકતા જેકી બાબુ બેન્ક અધિકારીઓ અને પોતાના નાનકડા દીકરા સાહિરની હાજરીમાં આત્મહત્યા કરી લે છે. હવે જે બેન્કને કારણે પોતાના પિતાનો જીવ ગયો એ બેન્કને જ ખતમ કરી દેવા માટે મોટો થઇને સાહિર (આમિર ખાન) વારંવાર એ બેન્કને લૂંટવાનું શરૂ કરે છે. વળી, બેન્કવાળાઓને ચેલેન્જ ફેંકતો હોય એમ એ તિજોરીની દીવાલ પર ‘બેન્કવાલોં તુમ્હારી ઐસી કી તૈસી’ લખીને અને એક જોકરનો ફોટો લગાવીને ગાયબ થઇ જાય છે.

આવા વિચિત્ર એશિયન ચોરને પકડવા માટે ભારતથી બે પોલીસકર્મીઓ એસીપી જય દીક્ષિત (અભિષેક બચ્ચન) અને અલી અકબર (ઉદય ચોપરા)ને શિકાગો બોલાવવામાં આવે છે. ત્યારે આમિર સામેથી અભિષેકને મળવા જાય છે અને એને ગેરમાર્ગે દોરે છે કે એક માણસ અમારા ગ્રૂપમાં હતો, જે કાયમ જોકરના વેશમાં જ ફરતો અને કશું બોલતો નહીં, એટલે જ મેં એનું નામ ‘ચૂપચાપ ચાર્લી’ પાડેલું. એના પર મને શંકા છે. ફરી ચોરી થાય છે અને અભિષેકને આમિર પર શંકા જાય છે, પરંતુ એની ધરપકડ કરવા માટે કાનૂન કો સબૂત ચાહિયે અને એમની પાસે સબૂત નહોતા. એ સબૂત જુટાવવા માટે અભિષેક જુટી જાય છે.

આ ભાંજગડ દરમિયાન આમિર પોતાના પિતાનું ડ્રીમ સર્કસ ફરીથી શરૂ કરે છે અને એમાં એક્રોબેટિક આર્ટિસ્ટ તરીકે આલિયા (કેટરિના કૈફ)ની પણ ભરતી કરે છે.

ઊંચી દુકાન ફીકા પકવાન

ત્રણ કલાક જેટલી તોતિંગ લાંબી ‘ધૂમ-3’ને આ વર્ષની સૌથી મોટી રિલીઝ ગણાવવામાં આવી હતી. આમિર ખાન અહીં નેગેટિવ ભૂમિકામાં છે એ પણ ‘ધૂમ-3’નો મોટો યુએસપી (યુનિક સેલિંગ પ્રપોઝિશન) ગણાવવામાં આવતો હતો. પરંતુ અગાઉ ‘ટશન’ જેવી મહાબોરિંગ ફિલ્મ બનાવી ચૂકેલા ડાયરેક્ટર વિજય કૃષ્ણ આચાર્યે ડિરેક્ટ કરેલી આ ફિલ્મનો માંહ્યલો જ ઉઠાંતરી કરેલો છે.

એક તો હોલિવૂડની ફિલ્મો જોવા ટેવાયેલા લોકોને ધૂમ-3માં ડાર્કનાઇટના જોકર-બેટમેન, ‘ઓશન્સ ઇલેવન’ ફિલ્મ સિરીઝની અસર દેખાશે. આમિર ખાન જે હેટ પહેરે છે, તે ચાર્લી ચેપ્લિનના પ્રસિદ્ધ પાત્ર ‘ધ ટ્રેમ્પ’ જેવી છે. ફિલ્મની ફાઇનલ એક્શન સિક્વન્સ ગ્લેડિયેટરની યાદ અપાવે છે. પરંતુ અહીં સૌથી આઘાતજનક બાબત એ છે કે ફિલ્મનો કેટલોક ભાગ ક્રિસ્ટોફર નોલાનની 2006માં આવેલી ફિલ્મ ‘ધ પ્રેસ્ટિજ’માંથી સીધો જ લઇ લેવામાં આવ્યો છે. મુદ્દો એ છે કે યશરાજ જેવું બેનર આટલા તોતિંગ ખર્ચા કરીને ફિલ્મ બનાવતું હોય, ત્યારે તે ઓરિજિનલ સ્ટોરી લખવા માટે મહેનત કેમ ન કરી શકે? અને ‘સત્યમેવ જયતે’ જેવા પ્રોગ્રામમાં સત્યની દુહાઇઓ દેતા ‘મિ. પરફેક્શનિસ્ટ’ આમિર ખાનને પણ આ ઉઠાંતરીનો ખ્યાલ નહીં આવ્યો હોય?

ધૂમ-3ની સ્ટોરીમાં કશું જ નવું નથી. બલકે એની અગાઉની કડી ધૂમ-2માં હતી એવી જ ચોર-પોલીસની પકડાપકડી છે. ફિલ્મ જે જે પાસાંમાં મજા કરાવે છે એ સુપર્બ સિનેમેટોગ્રાફી, ભારતીય સિનેમાએ લગભગ ક્યારેય ન જોઇ હોય એવી ચેઝ સિક્વન્સિસ અને અબોવ ઓલ આમિર ખાનની એક્ટિંગનો જ સમાવેશ થાય છે. શરૂઆતની એક કલાક તો બધાં કેરેક્ટર્સને એસ્ટાબ્લિશ કરવામાં જ નીકળી જાય છે.

ધૂમ-3ને તદ્દન સરેરાશ ફિલ્મ બનાવતું બીજું મહત્ત્વનું નેગેટિવ પાસું છે એનું નબળું સંગીત. ફિલ્મમાં એક પણ ગીત એવું નથી, જે આપણને થિયેટરની બહાર નીકળ્યા પછી યાદ રહે. ટાઇટલ સોંગ ‘ધૂમ મચા લે’ એનું એ જ છે, પરંતુ ગયા વખતે એમાં હૃતિકનો સુપર્બ ડાન્સ હતો. આ વખતે એક ગીતમાં આમિર પાસે ટેપ ડાન્સ કરાવવામાં આવ્યો છે, પરંતુ એ આમિરને જરાય ભળતો નથી. એ ડાન્સને બદલે જમીન પર પગ વડે ખીલી ખોડતો હોય એવું વધારે લાગે છે!

ધૂમ જેવી સુપરહીટ સિરીઝમાં છે એટલે અભિષેક અને ઉદય ચોપરા બાય ડિફોલ્ટ આ ફિલ્મમાં છે, બાકી આમિરની પ્રભાવશાળી એક્ટિંગ હેઠળ આ બંને રીતસર દબાઇ જાય છે. માત્ર યશરાજ બેનરની જ ફિલ્મોમાં દેખાતો ઉદય ચોપરા તો હજીયે ફિલ્મમાં કોમિક રિલીઝ આપે છે અને દર્શકોનું લાફ્ટર મેળવી જાય છે, જ્યારે અભિષેકના ફાળે તો સમ ખાવા પૂરતો એક પણ ઇમ્પ્રેસિવ સીન નથી આવ્યો.

અરે હા, કેટરિના પણ આ ફિલ્મમાં છે! પરંતુ બિચારીના ફાળે દોરડા પર ચડીને ડાન્સ કરવા સિવાય બીજું કશું કામ નથી આવ્યું. જોકે કેટરિનાની રબરબેન્ડની જેમ વળતી સરગવાની સિંગ જેવી કમનીય કાયા જોઇને કેટલાય જુવાનિયાઓ સિસકારા અને છોકરીઓ અદેખાઇથી હાયકારો બોલાવશે!

ફિલ્મમાં એક સસ્પેન્સ છે, પરંતુ તે ઇન્ટરવલ પહેલાં જ ખૂલી જાય છે, એટલે ઇન્ટરવલ પછી ફિલ્મ સીધી ઊંધેમાથે પટકાય છે. કેમ કે થ્રિલને બદલે બોરિંગ લવસ્ટોરી શરૂ થઇ જાય છે. ત્યારે તો આમિરની એક્ટિંગ અદ્દલ ‘થ્રી ઇડિયટ્સ’ના રેન્ચો જેવી જ લાગે છે!

ધૂમ છે કે બૂમ?
એક ફિલ્મ તરીકે ધૂમ નબળી ફિલ્મ છે. તેમ છતાં અમુક અણધાર્યા ટ્વિસ્ટ્સ, આમિરની એક્ટિંગ, સુપર્બ એક્શન-સિનેમેટોગ્રાફી અને ઉદય ચોપરાની હળવીફુલ એક્ટિંગને કારણે ફિલ્મ સહ્ય બને છે. પરંતુ યશરાજ બેનર પણ હોલિવૂડની જાણીતી ફિલ્મમાંથી ઉઠાંતરી કરી શકે એ વાત નિરાશ કરનારી છે.

ઇન શોર્ટ, જો તમે આમિરના કે ધૂમ સિરીઝના ફેન હો, માઇન્ડલેસ એક્શન અને ડાર્ક નાઇટ્સ સ્ટાઇલની ચેઝ સિક્વન્સિસમાં મજા પડતી હોય, તો આ ફિલ્મ જોવા જઇ શકાય. સિનેમેટોગ્રાફીના અનુભવ માટે આઇમેક્સમાં પણ આંટો મારી આવી શકાય, લેકિન કિન્તુ પરંતુ, અત્યારે ધૂમના હાઇપના નામે ટિકિટ્સના ભાવવધારામાં આપણું ખિસ્સું અને ફિલ્મ જોયા પછી જીવ બાળવો એના કરતાં એક અઠવાડિયું ખમી જાઓ, જુવાળ ઓસરી જવા દો, પછી આંટો મારી આવજો!

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.