M S Dhoni – The Untold Story

હૅલિકોપ્ટર શૉટ, ફૅન ફિલ્મ

***

નીરજ પાંડેના ખંતીલા ડિરેક્શનથી સજેલી આ લાંબી ફિલ્મ એક બાયોપિક કરતાં ફૅન ફિલ્મ વધારે લાગે છે.

***

1471862258_sushant-singh-rajputs-m-s-dhoni-untold-story-movie-poster‘બાયોપિક’ પ્રકારની ફિલ્મનું કામકાજ આત્મકથા લખવા જેવું છે. જો જરાય શેહશરમ રાખ્યા વિના ઉઘાડેછોગ બધું જ આત્મકથામાં લખી નાખવામાં આવે તો વિવાદના મધપૂડાને કચકચાવીને લાત મારવા જેવું થાય. પરંતુ ફિલ્મ જો મહેન્દ્ર સિંહ ધોની જેવા સેલિબ્રેટેડ અને હજીયે ઍક્ટિવ ક્રિકેટર પર બનતી હોય, તો તેમાં દેવો આકાશમાંથી પુષ્પવર્ષા કરે છે એટલું જ બતાવવાનું બાકી રહે. કાબેલ ડિરેક્ટર નીરજ પાંડેએ બનાવેલી ‘એમ. એસ. ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી’ સરસ મનોરંજક ફિલ્મ હોવા છતાં તેમાં ધોનીના જય જયકાર સિવાય ભાગ્યે જ કશું દેખાય છે.

સ્મૉલ ટાઉન બિગ ડ્રીમ્સ

રાંચીના ક્રિકેટ સ્ટેડિયમમાં પમ્પમેનની નોકરી કરતા પાન સિંહ ધોની (અનુપમ ખેર)ના દીકરા મહેન્દ્ર સિંહ ધોની (સુશાંત સિંહ રાજપૂત)ને નાનપણથી જ ક્લાસરૂમ કરતાં મેદાન વધારે આકર્ષે. સ્કૂલની ફૂટબૉલ ટીમમાંથી ક્રિકેટમાં શિફ્ટ થયેલા આ છોકરાનું ટૅલેન્ટ અને એનાં સપનાં ધીમે ધીમે એવાં મોટાં થતાં ગયાં કે આખા દેશને એણે ફરી એકવાર વર્લ્ડકપ જીત્યાની ખુશી અપાવી. પરંતુ એમ કંઈ નૅશનલ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવું સહેલું થોડું છે? ‘માહી’એ ‘કૅપ્ટન કૂલ’ બનવા માટે પોતાનાં પૅપર અધૂરાં છોડવા પડ્યાં, ખડગપુર સ્ટેશન પર ટિકિટ કલેક્ટરની નોકરી કરવી પડી, થકવી દેનારી નોકરી પછી પણ સતત પ્રૅક્ટિસ અને મૅચો રમવી પડી અને સતત પોતાની જાતને સાબિત કરવી પડી. આ સફરમાં એની સાથે મહા ટ્રૅજિક ઘટના પણ બની. તેમ છતાં ધોનીની લાઇફ સ્ટોરી એ વાત સાબિત કરે છે કે તમારામાં ટૅલેન્ટ હોય, પૂરી ધગશ અને નિષ્ઠાથી મંડ્યા રહો તો સફળતા આપોઆપ તમને શોધતી આવે છે.

બહેતરીન શૉટ

એક જમાનો હતો જ્યારે ‘મુઘલ એ આઝમ’ અને ‘શોલે’ જેવી ફિલ્મો ત્રણ કલાક ઉપર ચાલે તો લોકો ઇડરિયો ગઢ જીત્યો હોય એવી ઉપલબ્ધિની જેમ ગણાવે. જ્યારે હવે ફિલ્મ બે કલાકની ઉપર જાય તોય લોકો મોબાઇલ ખોલીને ચૅટિંગ ચાલુ કરી દે. એવા ADHDના જમાનામાં નીરજ પાંડેની આ ફિલ્મ પૂરી ૧૯૦ મિનિટ એટલે કે ૩:૧૦ કલાક લાંબી છે. તેમ છતાં લોકો ભાગ્યે જ મોબાઇલ કાઢવા માટે ખિસ્સામાં હાથ નાખે છે. તેનું મુખ્ય કારણ છે નીરજ પાંડેનું સ્ટોરી ટેલિંગ અને ડિટેલિંગ. એમના આ જ ખંતને કારણે ફિલ્મનો ઇન્ટરવલ પહેલાંનો ફર્સ્ટ હાફ કોહલીની ફિટનેસ જેવો ચુસ્ત અને ધોનીની રનિંગ બિટવિન ધ વિકેટ્સ જેવો ફાસ્ટ બન્યો છે.

સૌપ્રથમ તો આ ફિલ્મ સાથે હિન્દી સિનેમામાં વર્ષો પછી ઉર્દૂમાં ફિલ્મનું ટાઇટલ જોવા મળ્યું છે. રાંચીના એક સીધાસાદા પમ્પમેનની લાઇફ નીરજ પાંડેએ બખૂબી કૅપ્ચર કરી છે. મોબાઇલ-ઇન્ટરનેટના આગમન પહેલાંની સિમ્પલ લાઇફ, નાનકડા સ્ટાફ ક્વાર્ટરમાં રહેતો મિડલક્લાસ પરિવાર, એમનાં મિડલક્લાસ સપનાં વગેરે બધું જ ખરેખર કોઇના ઘરમાં કેમેરા ગોઠવી દીધો હોય એ હદે વાસ્તવિક લાગે છે. ફિલ્મનું ડિટેલિંગ કેવું બારીક છે એ જુઓઃ સાચુકલા ધોનીની ડાબી આંખ નીચે નાનકડો મસો છે. અહીં સ્ક્રીન પરના ધોની એવા સુશાંતના ચહેરા પર પણ એ બર્થમાર્ક દેખાય એ ધ્યાન રખાયું છે. એ વખતનું કોલકાતાનું દમ દમ એરપોર્ટ, ઘરમાં રાખેલું જૂના મૉડલનું TV, નેવુંના દાયકામાં લોકપ્રિય એવી ‘અતારી’ વીડિયો ગૅમ, પૅજર, ધોનીની ‘યામાહા’ બાઇક અને તેની નંબર પ્લૅટ પરનું ‘The One’ લખાણ, પૂર્વ ભારતમાં સમોસા માટે વપરાતો ‘શિંગાડા’ શબ્દ એટ સેટરા. ધોનીના કૉચ બંગાળી હોય તો એમના જૂનવાણી સ્કૂટરનો નંબર પણ ‘WB’થી શરૂ થતો હોય. ઇવન દડાને બૅટ વડે ફટકારતી વખતે જે સાઉન્ડ આવે એ પણ એટલો જ ઑથેન્ટિક લાગે છે. કેમેરા પણ ફિલ્મમાં ધોનીના શૉટ્સની જેમ જ હવામાં તરતો હોય એ રીતે ફરે છે, જે આપણને સીધા ધોનીની લાઇફમાં ટેલિપોર્ટ કરી આપે છે.

પાવિત્ર્ય ઔર ભક્તિરસ સે ભરપુર

ધોનીની આ બાયોપિક એના મૅકિંગ પાછળના લોકોને અંજલિ જેવી વધારે છે. એના માતા-પિતા, એની બહેન, એના મિત્રો, એના કોચ, ટૅલેન્ટ પારખીને ચાન્સ આપતા રેલવેના અને કૉલ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ, સાથે નોકરી કરતા લોકો, ટીમ મેનેજમેન્ટ, એનાં પ્રિયપાત્રો વગેરે બધા જ લોકો અહીં ધોનીની લાઇફમાં કશુંક કન્સ્ટ્રક્ટિવ કામ કરે છે. ધોનીને શરાબથી નફરત છે, એ નજીકના લોકોની સામે પણ પોતાનાં ઇમોશન્સ વ્યક્ત કરતો નથી, સફળતા મળવા છતાં એના દિમાગમાં રાઈ ભરાઈ નથી, એનામાં ક્વિન્ટલના હિસાબે કૉન્ફિડન્સ છે, દેશ માટે ગમે તેવાં આકરાં પગલાં લેતાં પણ ખચકાતો નથી… ટૂંકમાં રાંચીમાં ધોનીનું મંદિર બનશે તો તેમાં પ્રસાદ તરીકે આ ફિલ્મની DVD વહેંચવામાં આવશે.

આખો દેશ જાણે છે કે ધોનીની સાથે ઘણા બધા વિવાદો જોડાયેલા છે, પરંતુ આ ફિલ્મમાં એ બધું જ પૉલિટિક્સ વાળીચોળીને જાજમ નીચે ધરબી દેવામાં આવ્યું છે. માત્ર એક ઠેકાણે ‘ત્રણ’ સિનિયર ખેલાડીઓને ટીમની બહાર કાઢવાની વાત છે, ત્યાં પણ એમનાં નામ મ્યુટ કરી દેવાયાં છે. ફિલ્મમાં ધોનીની આઇડેન્ટિટી બની ગયેલો ‘હૅલિકોપ્ટર શૉટ’ ક્યાંથી આવ્યો એ વાત છે, પરંતુ ‘થપ્પડ શૉટ’માંથી તે ‘હૅલિકોપ્ટર શૉટ’ કેવી રીતે બન્યો તેની કોઈ ચોખવટ નથી. આખી ફિલ્મમાં ધોની માત્ર બાઉન્ડરી કૂદાવી દેતા શૉટ્સ જ મારે છે અને વિકેટકીપિંગ પણ ભાગ્યે જ કરે છે. ફિલ્મ ધોની-ધ મૅન પર એટલી બધી ફોકસ્ડ છે કે મૅચનાં ઑરિજિનલ દૃશ્યોને બાદ કરતાં એના સિવાયના કોઈ ખેલાડી ભાગ્યે જ દેખાય છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પહેલી વાર જ્યારે ધોની યુવરાજ સિંહને મળે છે એ સિક્વન્સને બાદ કરતાં ધોનીના દિમાગની અંદર પણ ભાગ્યે જ ડોકિયું કરાયું છે. અરે, ધોનીના મોટાભાઈ નરેન્દ્ર સિંહનું પાત્ર પણ ફિલ્મમાં નથી.

ટ્વેન્ટી ટ્વેન્ટીની જેમ ભાગતો ફર્સ્ટ હાફ ઇન્ટરવલ પછી સીધો ટેસ્ટ મૅચમાં તબદીલ થઈ જાય છે. કેમ કે અહીં ક્રિકેટર ધોની પણ સીધો બૉલીવુડ સ્ટાર ધોનીમાં કન્વર્ટ થઈ જાય છે. એ એકદમ ફિલ્મી સ્ટાઇલમાં પ્રેમમાં પડે, વિદેશમાં ગીતો ગાય, સાથ જીને-મરને કી કસમેં ખાય વગૈરહ. નો ડાઉટ, ધોનીના બંને લવ ટ્રૅક ક્યુટ છે, પરંતુ તે ફિલ્મની લંબાઈમાં વધારો જ કરે છે.

મેન-વિમેન ઑફ ધ મૅચ

આ ફિલ્મનું કાસ્ટિંગ એટલું જબરદસ્ત છે કે તેમાં ક્યાં રિયલ લાઇફ પૂરી થાય અને ક્યાં રીલ લાઇફ સ્ટાર્ટ થાય એ તમને ખબર જ ન પડે. મૅચનાં દૃશ્યોમાં તો જાણે કમ્પ્યુટર ગ્રાફિક્સથી સુશાંતનો ચહેરો સુપર ઇમ્પોઝ કરાયો છે, પરંતુ ખુદ ધોનીથી લઇને યુવરાજ સિંહ અને જગમોહન દાલમિયા જેવાં પાત્રો માટે પણ એવાં પર્ફેક્ટ કલાકારો સિલેક્ટ કરાયા છે કે તે ઑરિજિનલ જ લાગે. ખાસ કરીને યુવીના પાત્રમાં એનો ડુપ્લિકેટ હૅરી ટાંગરી આપણા ચહેરા પર સ્માઇલ લાવી દે એ હદે ઑરિજિનલ લાગે છે.

ફિલ્મની કરોડરજ્જુ છે સુશાંત સિંહ રાજપૂત. અહીં એ બધી જ ફ્રેમમાં ધોની છે. ક્રિકેટર ધોનીની બૅટિંગ સ્ટાઇલ, એની બૉડી લૅંગ્વેજ, ફિઝિક, ધોનીની હૅલમેટમાંથી પરસેવો લૂછવાની કે દાંતવડે નખ કરડવાની ટેવ, ટીશર્ટ પહેરવાની-ચાલવાની ઢબ ડિટ્ટો ધોની. દીકરાના કરિયર વિશે સતત ચિંતા કરતા પિતા તરીકે અનુપમ ખેર, બોલ્યા વગર જ બધું સમજી જતી બહેન તરીકે ભૂમિકા ચાવલા, પહેલા કોચ તરીકે રાજેશ શર્મા, કુમુદ મિશ્રા વગેરે બધા કલાકારો મૅચમાં કોમેન્ટરીની જેમ પર્ફેક્ટ્લી ઓગળી ગયા છે. ધોનીની પ્રિયતમાઓ બનતી કિયારા અડવાણી અને દિશા પટ્ટણી અનબિલિવેબલી ક્યુટ લાગે છે. અરે હા, ‘ચીની કમ’ ફિલ્મની ટબુડી સ્વિની ખારા પણ અહીં છે, ઓળખી બતાવો તો જાણીએ.

ધોની… ધોની…

દેખીતી વાત છે, આ ફિલ્મ ધોનીના ફૅન્સને ધ્યાનમાં રાખીને જ બનાવાઈ છે. એટલે જ ધોનીને પહેલી વાર ટીમ ઇન્ડિયાનું બ્લ્યુ જર્સી મળે ત્યારથી લઇને વર્લ્ડ કપની ફાઇનલ સિક્સ સુધી સંખ્યાબંધ ચિયરવર્ધી મોમેન્ટ્સ મુકાઈ છે. સતત ચાલતી રવિ શાસ્ત્રીની કમેન્ટ્રીમાં ક્યારે થિયેટરનું રૂપાંતર ક્રિકેટ સ્ટેડિયમમાં થઈ જાય એ પણ ખબર ન પડે. ધોનીની લાઇફની ચૂંટેલી મોમેન્ટ્સને પેશ કરતી આ ફિલ્મ પર્ફેક્ટ બાયોપિક નથી જ. લેકિન અસહ્ય લાંબી હોવા છતાં તે એક સરસ મનોરંજક ફિલ્મ જરૂર છે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

ADHD= અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવિટી ડિસઑર્ડર

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ઇક્કીસ તોપોં કી સલામી

વી ધ (કોમન) પીપલ ઑફ ઇન્ડિયા

 ***

અતિશય લાંબી અને નક્કામી ચરબીથી ભરેલી હોવા છતાં આ ફિલ્મ ભારતની વર્તમાન સ્થિતિ પર મીઠાના પાણીમાં બોળેલા ચાબખા મારે છે.

***

ekkees-toppon-ki-salaami-posterરાજકારણીઓ પગથી માથા સુધી ભ્રષ્ટાચારના ખાબોચિયામાં ગરકાવ હોય અને મીડિયા ન્યૂઝને નામે કદરૂપું મનોરંજન પીરસતું હોય ત્યારે એક સામાન્ય માણસ ગરીબ રહેવા છતાં પ્રામાણિક રહી શકે? અને ધારો કે એ પ્રામાણિક રહે પણ ખરો, તો એને એની પ્રામાણિકતાનો શિરપાવ મળે ખરો? આવા કડવી દવા જેવા સાત્ત્વિક સવાલો પૂછે છે રવીન્દ્ર ગૌતમે ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘ઇક્કીસ તોપોં કી સલામી’. પરંતુ માર્કેટમાં ફિલ્મનો માલ વેચવા માટે એમણે અંદર જે તામસિક મસાલા ઠાલવ્યા છે એમાં આખી ફિલ્મનો સ્વાદ કંઇક વિચિત્ર થઈ ગયો છે. ઉપરથી ફિલ્મ એટલી લાંબી થઈ ગઈ છે કે માલગાડીની જેમ પૂરી જ નથી થતી!

પ્રામાણિકતાની કિંમત

પુરુષોત્તમ નારાયણ જોશી (અનુપમ ખેર) મુંબઈ મહાનગરપાલિકાના નખશિખ પ્રામાણિક કર્મચારી છે. સાડા ત્રણ દાયકાથી એમનું એક જ કામ રહ્યું છે ખભે ફોગિંગ મશીન ઊંચકીને આ મોહમયી નગરીની ગલીઓમાં-ગટરોમાં મચ્છર ભગાડતો ધુમાડો મારવાનું. પરંતુ એમના બે દીકરા શેખર (મનુ ઋષિ ચઢ્ઢા) અને સુભાષ (દિવ્યેન્દુ શર્મા) દીવા તળે અંધારા જેવા છે. એ બંને દૃઢપણે માને છે કે અત્યારે તો ભ્રષ્ટાચારની ચમચીથી જ ઘી નીકળે.

હવે આખી જિંદગી પ્રામાણિકતાનો ધુમાડો ફેંકતા રહેલા જોશીભાઉ એટલે કે અનુપમ ખેરને બરાબર નોકરીના છેલ્લા દિવસે ભ્રષ્ટાચારનો મચ્છર કરડી જાય છે. એમના પર ફોગિંગ મશીન વેચી મારવાનો આરોપ આવે છે અને એમને સસ્પેન્ડ કરાય છે. આઘાતના માર્યા જોશીભાઉ શ્રીજીચરણ પામે છે. લેકિન મરતાં મરતાં દીકરાઓને કહી જાય છે કે મને મારું આત્મસન્માન પાછું અપાવો અને એક-બે નહીં, પૂરી એકવીસ તોપોની સલામી અપાવો. હવે અત્યારના સમયમાં કદાચ બંદૂકડી મળી જાય, પણ તોપ ક્યાંથી કાઢવી? પરંતુ બંને દીકરા ગાંઠ વાળે છે કે બાપુજીને સન્માનભેર આ દુનિયામાંથી વિદાય આપવી. ત્યાં જ રાજકીય ઘટનાક્રમ એવો બને છે કે બાપુજીને તોપોની સલામી આપવાનો એક ચાન્સ મળે છે.

સીધી બાત, બહોત સારા બકવાસ

આ ફિલ્મ એક પોલિટિકલ સટાયર છે. એટલે કે આપણા દેશની તદ્દન ખાડે ગયેલી રાજકીય વ્યવસ્થા પર કરાયેલાં વ્યંગબાણોનો પ્રહાર છે. પરંતુ પહેલી પંદરેક મિનિટમાં બધાં જ પાત્રોની ઓળખપરેડ પૂરી થઈ ગયા પછી છેક ઇન્ટરવલ સુધી નક્કામાં ગીતો અને લાંબા સીન ચાલ્યા જ કરે છે. હીરો દિવ્યેન્દુની લવસ્ટોરી, ભ્રષ્ટ નેતા દયાશંકર પાંડે (બ્રિલિયન્ટ રાજેશ શર્મા)નું એમની પ્રેમિકા જયાપ્રભા (નેહા ધુપિયા) સાથે અફેર અને એ બધાંનાં ગીતો પરાણે ઘુસાડ્યાં છે. ઇવન બાપુજીને એકવીસ તોપોની સલામી અપાવવાની પ્રક્રિયા પણ ઇન્ટરવલ પછી એનાકોન્ડાની જેમ લંબાઈ ગઈ છે. પરિણામે આખી ફિલ્મ અધધધ લાગે એવી 140 મિનિટની લાંબી થઈ ગઈ છે. આ ફિલ્મને એટલિસ્ટ અડધા કલાક જેટલી કાપકૂપ કરીને રિલીઝ કરાઈ હોત તો એક મસ્ત એન્ટરટેનિંગ સટાયરિકલ ફિલ્મ બની શકે તેવો દારૂગોળો ફિલ્મમાં છે.

કલ્ટ બ્લેક કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યારો’માં સતીશ શાહના મૃતદેહને લઇને ચાલતી ધમાચકડી બતાવાઈ હતી. અદ્દલ આવું જ કામ અનુપમ ખેર આ અગાઉ પણ એકાદ-બે ફિલ્મમાં કરી ચૂક્યા છે. અહીં પણ એમણે એ જ કર્યું છે. એટલે જ કદાચ આંખો ખુલ્લી રાખીને મૃતદેહનો અભિનય કરવામાં એમને હવે માસ્ટરી આવી ગઈ છે. એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં અનુપમ ખેર ઉપરાંત બીજાં ત્રણ કલાકારો આપણું ધ્યાન ખેંચે છે. એક તો દિવ્યેન્દુ શર્મા, ભ્રષ્ટ નેતા બનેલા રાજેશ શર્મા અને એનાં રાજકીય સ્વાર્થ ધરાવતાં મમ્મી બનેલાં સિનિયર અદાકારા ઉત્તરા બાઓકર.

અગાઉ ‘દો દૂની ચાર’માં મસ્ત રાઇટિંગ કરનારા રાહિલ કાઝીએ આ ફિલ્મનો આખો રાઇટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળ્યો છે. તેમાં અમુક અમુક સીન્સ તો ખરેખર સુપર્બ બન્યા છે. જેમ કે, એક રાજકારણી એની ગંદીગોબરી ભાષામાં સ્પીચ લખાવે અને તેના રાઇટર તેને ડાહીડમરી ભાષામાં મઠારીને પેશ કરે. ન્યૂઝના નામે એબ્સર્ડ મનોરંજન પિરસનારા મીડિયા પર પણ રાહિલ કાઝીએ દાઢી કરવાની બ્લેડ જેવા ધારદાર સંવાદો આપ્યા છે. એક ઉલ્લેખ એ પણ કરવો પડે કે ફિલ્મમાં ખરેખરું મુંબઈ પણ મસ્ત રીતે ઝીલાયું છે. અને હા, ફિલ્મમાં એક ન્યૂઝ એન્કર અર્ણવ ગોસ્વામી (એક્ટર આસિફ શેખ) પણ છે!

લેકિન ઓલરેડી લાંબી ફિલ્મમાં એટલો બધો મેલોડ્રામા ઠપકાર્યો છે કે મૂળ વાત હાંસિયામાં ધકેલાઈ જાય છે. એ જ રીતે બાપના મૃતદેહ પર ઝઘડતા દીકરાઓ અને દીકરાના મૃતદેહ પર સ્વાર્થી રાજકારણ ખેલતી માતાનાં દૃશ્યો સીધાં એબ્સર્ડિટીના ખાનામાં ગોઠવાય છે.

આમ તો ફિલ્મમાં રામ સંપતે અમસ્તા જ સંગીત આપ્યું હોય એવું ઓકે ઓકે મ્યુઝિક છે, પરંતુ રાજેશ શર્મા અને નેહા ધુપિયા પર ફિલ્માવાયેલું ગીત ‘યૂં ના દેખો સાંવરિયા ઘૂર ઘૂર કે’નું પિક્ચરાઇઝેશન  ઇન્ટરેસ્ટિંગ છે. એમાં હિન્દી ફિલ્મોનાં સુપરહીટ ગીતોની સિચ્યુએશન્સ લીધી છે. પરંતુ ફિલ્મમાં તો આ ગીતની જરૂર જ નહોતી.

આડી ફાટેલી તોપ

આગળ‌ કહ્યું એમ આ ફિલ્મમાં એક અફલાતૂન પોલિટિકલ સટાયર બનવાનો પૂરેપૂરો દારૂગોળો હતો, પરંતુ પોપ્યુલર બનાવવાની લાલચમાં આ તોપનું સૂરસૂરિયું થઈ ગયું છે. ફિલ્મનો મેસેજ સારો હોવા છતાં તે પૈસા ખર્ચીને જોવા જવા જેવી બની શકી નથી. હા, ટીવી પર અવશ્ય જોવી જોઇએ.

રેટિંગ: ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

પિત્ઝા 3D

આ પિત્ઝા ડિલિશિયસ છે!

***

થ્રીડીના ટોપિંગ સાથે આવેલો આ મસાલેદાર પિત્ઝા જોયા પછી તમને પિત્ઝા જોઈને જ બીક લાગશે!

***

હોરર ફિલ્મોના નામે આપણે ત્યાં મોટે ભાગે એ જ ઘિસીપિટી ફિલ્મો રજૂ થતી હોય છે. ચીતરી ચડે એવા ચહેરા ધરાવતા ભૂતો, છૂટ્ટાવાળવાળી ચૂડેલ, ભૂતબંગલો, ભેદી તાંત્રિક અને અચાનક આવીને ડરાવતી શોકિંગ મોમેન્ટ્સ. આનાથી આગળ લગભગ હિન્દી હોરર ફિલ્મોમાં કશું હોતું નથી. આ ઉપરાંત એક હોરર ફિલ્મને બીજી હોરર ફિલ્મથી જુદી પાડવા માટે એમાં દમદાર સ્ટોરી હોવી જોઈએ તેવું આપણા ફિલ્મકારો ભૂલી જાય છે. આ શુક્રવારે રિલીઝ થયેલી તમિળ ફિલ્મની રિમેક એવી હોરર ફિલ્મ ‘પિત્ઝા’માં એ બધાં જ ટિપિકલ એલિમેન્ટ્સ હોવા ઉપરાંત તેમાં એક દમદાર સસ્પેન્સફુલ સ્ટોરી પણ છે.

બોન ચિલિંગ પિત્ઝા

કુણાલ (અક્ષય ઓબેરોય) અને નિકિતા (પાર્વતી ઓમનાકુટ્ટન) એક ક્યુટ પતિપત્ની છે. કુણાલ એક પિઝેરિયામાં પિત્ઝા ડિલિવરીનું કામ કરે છે, જ્યારે નિકિતા રાઇટર છે અને ઘરે બેઠી બેઠી હોરર સ્ટોરીઝ લખ્યા કરે છે. એક દિવસ કુણાલને એક બંગલામાં પિત્ઝા ડિલિવર કરવા જવાનું થાય છે. પરંતુ છુટ્ટા પૈસા લેવા ગયેલી બંગલાની પ્રેગ્નન્ટ માલિકણ (દિપાનિતા શર્મા)ની ઉપરના માળે અત્યંત ભયાનક હત્યા થઈ જાય છે. અધૂરામાં પૂરું ભેદી રીતે કુણાલ પણ એ બંગલામાં લોક થઈ જાય છે. ત્યાં જ બંગલામાં જાતભાતના અવાજો આવવા શરૂ થાય છે. એક નાની બેબીનું ભૂત પણ કુણાલને કનડવા આવી જાય છે. ત્યાં જ બહારથી બંગલાનો માલિક (અરુણોદય સિંહ) આવે છે અને બહારથી દરવાજો ખખડાવવા માંડે છે. પરંતુ થોડી વાર પછી એની લાશ પણ એ જ બંગલાના બાથરૂમમાં મળી આવે છે. કુણાલ ઘરની બહાર નીકળી શકે એમ નથી અને ફોનનું નેટવર્ક પણ મળી રહ્યું નથી. આખરે જેમ તેમ કરીને એ બંગલાની બહાર નીકળે છે, ત્યાં એને ખબર પડે છે કે એની પત્ની ગાયબ છે. ક્યાં ગઈ એની પત્ની? એવું તે શું હતું એ બંગલામાં? એ માટે કરોડરજ્જુમાંથી એક ધ્રુજારી પસાર થઈ જાય એવું સસ્પેન્સ સૌની રાહ જોઈને બેઠું હોય છે.

ડરના મના હૈ!

બિજોય નામ્બિઆર અને યુટીવીએ પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મમાં (સ્પેશ્યલ 26 ફેઇમ) રાજેશ શર્મા અને અરુણોદય સિંહ સિવાય કોઈ જાણીતા કલાકારો નથી, પરંતુ અર્બન સેટઅપમાં એક સરસ સ્ટોરીને હોરરના તાંતણે કેવી રીતે બાંધી શકાય તેનો આ ફિલ્મ પુરાવો છે. આમ જોવા જાઓ તો આ ફિલ્મમાં પેલી ટિપિકલ ભૂતિયા ફિલ્મોમાં હોય છે એવું બધું જ છે. અરે, અમુક સીન્સમાં તો ઝોમ્બી પણ આંટા મારી જાય છે. પરંતુ માંડ બે કલાકની આ ફિલ્મમાં આપણી આંખો સામે જે કંઈ થતું રહે છે, તેને કારણે આપણે છેક સુધી વિચારતા રહીએ કે આનો તોડ શું નીકળશે. પડદા પર જે કંઈ થઈ રહ્યું છે તેમાં હવે આગળ શું શું થઈ શકે તેના વિકલ્પો આપણે વિચારતા જઈએ. ત્યાં તો છેલ્લી વીસેક મિનિટ્સમાં આખી ફિલ્મની સ્ટોરીનું શીર્ષાસન થઈ જાય છે. આખા હોરર ટોપિંગ્સવાળા પિત્ઝામાં સસ્પેન્સનું એલિમેન્ટ નીકળે અને આપણને થાય કે હાઇલા આવો વિચાર તો આપણને આવ્યો જ નહીં! આ માટે મૂળ તેલુગુ ફિલ્મના લેખક-ડિરેક્ટર કાર્તિક સુબ્બારાજ અને આ હિન્દી રિમેકના ડિરેક્ટર અક્ષય અક્કીનેનીને ક્રેડિટ આપવી રહી.

મુખ્ય ભૂમિકામાં રહેલો અક્ષય ઓબેરોય ડબ્બુ જેવો લાગે છે, પણ ફિલ્મમાં એના આ રોલને એ પરફેક્ટ સૂટ થાય છે. 2008ની મિસ ઈન્ડિયા રહી ચૂકેલી પાર્વતી ઓમનાકુટ્ટન મોટા કાચવાળાં ચશ્માંમાં ક્યૂટ દેખાય છે, પણ એના ચહેરા પર એક્સ્પ્રેશન્સ લાવતાં એને હજી વાર લાગશે. રાજેશ શર્મા પિઝેરિયાના માલિકના રોલમાં છે, જેમણે પોતાની રૂટિન એક્ટિંગથી ખાસ કશું હટ કે કર્યું નથી. જોકે એ આવી ઓફ બીટ ફિલ્મો કરતા રહે છે એ મજાની વાત છે. પરંતુ આ ફિલ્મમાં સૌથી વધુ મજા કરાવે છે સતત હવામાં ઝળુંબતા રહેતો પ્રશ્ન, હવે શું થશે? જે છેક સુધી તમારી સાથે રહે છે.

ફિલ્મમાં બેએક સોંગ્સ છે, પણ થેન્ક ગોડ, તે ફિલ્મની ગતિને સ્પીડબ્રેકરની જેમ રૂંધી નાખતાં નથી. થ્રીડી ઈફેક્ટ્સ ઓકે ઓકે છે. એકાદ-બે સીન્સને બાદ કરતાં ફિલ્મના પડદા પરથી ભૂતડાં આપણા પર આવી જતા હોય એવી થ્રિલિંગ ફીલિંગ આવતી નથી. એટલે વધારાનો ખર્ચો કર્યા વિના ટુ-ડીમાં પણ ફિલ્મ જોશો તો કંઈ ગુમાવવા જેવું નથી.

આ પિત્ઝા ઓર્ડર કરાય?

બેશક. જેમ ઈન્ડિયન ટેસ્ટના નામે આપણાં એ જ રૂટિન શાકભાજીને મસ્ત ટોપિંગ તરીકે પિત્ઝા પર ભભરાવીને આપણને પેશ કરવામાં આવે અને ખાવાની પણ મજા પડે એવું આ ફિલ્મમાં છે. હોરરની સાથોસાથ સસ્પેન્સની પણ મજા આપતી આ ફિલ્મ આ વીકએન્ડમાં જોવાનો પ્લાન બનાવી શકાય. પણ હા, આ ફિલ્મ જોયા પછી પિત્ઝા ખાવા તો દૂર ડિલિવરી બોયને જોઈને પણ ડર લાગશે. એટલું જ નહીં, ડિલિવરી બોય્ઝ આ ફિલ્મ જોશે તો એ લોકો તો રાજીનામાં આપી દે એવું પણ બને!

રેટિંગઃ *** (થ્રી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

B.A. Pass

પાસ ક્લાસ

***

ઇરોટિક પૅકિંગમાં પૅક થયેલી હોવા છતાં આ ઍડલ્ટ ફિલ્મ ‘Noir’ જેવા ફિલ્મ પ્રકારનું સરસ ઉદાહરણ છે.

***

1367782268_26_ba-pass-exclusive-new-poster_13675652750ધારો કે તમે સર્જક હો, તો આસપાસની સુંદરતમ ચીજો તમને પહેલી આકર્ષે. ગંદકી, ગરીબી, કુરુપતા વગેરે બાબતો આંખ સામે હોવા છતાં સામાન્ય રીતે આપણી આંખો તેને અવગણી નાખે છે. શહેરી ચકાચૌંધ પાછળ થઇ રહેલું નીતિમત્તાનું પતન અને ગરીબી તમારી પાસે કેવું કેવું કામ કરાવી શકે એના પર કેમેરા માંડ્યો છે દિગ્દર્શક અજય બહલે ફિલ્મ ‘બી.એ. પાસ’માં. પોસ્ટર્સ પરથી તો એવું જ લાગે કે આ ફિલ્મ પણ ગયા અઠવાડિયે આવેલી ‘નશા’ જેવી સોફ્ટ પોર્નોગ્રાફિક પ્રકારની જ હશે. સાચી વાત છે, અહીં પણ વાસનાનો જ કીડો ખદબદે છે, પરંતુ આ ફિલ્મ ગલગલિયાંને બદલે કેટલાક સવાલો ઊભા કરે છે…

ગરીબી અને વાસનાનું જીવલેણ કોકટેઇલ

ગરીબ મુકેશ (શાદાબ કમલ) ગામડેથી પોતાનાં ફોઇને ઘરે દિલ્હી બી.એ. કરવા આવ્યો છે. ફોઇ પણ પાક્કી છે. મુકેશ પાસેથી એના ખર્ચના પૈસા તો લે જ છે, સાથોસાથ પોતાની કિટ્ટી પાર્ટીઓમાં નોકરની જેમ ચાકરી પણ કરાવે છે. પાર્ટીમાં આવેલી એક સારિકા આન્ટીની નજર મુકેશ પર ઠરે છે અને મફતિયાં સફરજન લેવાના બહાને એને પોતાના ઘરે બોલાવે છે. હવે આ સારિકા આન્ટી (‘ચક દે ઇન્ડિયા’ ફેમ શિલ્પા શુક્લા) સવિતાભાભી ટાઇપ શૈય્યાસુખથી વંચિત ડેસ્પરેટ હાઉસવાઇફ છે. એ મુકેશને પોતાના શરીરનાં વળાંકોમાં ડુબાડી દે છે. ચેસ રમવાનો શોખીન મુકેશ સારિકા આન્ટીની વાસનાના દાવ સામે સીધો ચેક મેટ થઇ જાય છે. આ મુકેશનો એક ફ્રેન્ડ ફિલોસોફર ગાઇડ ટાઇપનો દોસ્તાર પણ છે, જ્હોની (દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય). જ્હોની કબ્રસ્તાનમાં કોફિન બનાવવાનું કામ કરે છે, નવરાશમાં મુકેશ સાથે ચેસ રમે છે, રાત્રે દારુ પીવે છે અને પાર્ટટાઇમમાં મોરેશિયસ ભેગા થઇ જવાનાં સપનાં જુવે છે.

આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી રહેલો મુકેશ સવિતાભાભી, સોરી, સારિકા આન્ટીની ‘બાયોલોજી’માં એવો ફસાય છે કે એની આખી ભૂગોળ એની આસપાસ જ ફરવા લાગે છે. ત્યાં જ બે ઘટનાઓ બને છે. એક તો મુકેશની બંને બહેનોને નારીગૃહમાં રાખવાની નોબત આવે છે, જ્યાં ઓલરેડી અવળા ધંધા ચાલે છે. બીજી બાજુ, સારિકા આન્ટી એને પોતાનાં જેવી જ બીજી વંચિત આન્ટીઓને સંતોષવાનું કામ સોંપે છે, જેના બદલામાં એ પૈસા કમાય છે. મતલબ કે સારિકા આન્ટી એને ગિગોલો યાને કે પુરુષ વેશ્યા બનાવી દે છે. આ કામ ગમતું ન હોવા છતાં, પોતાની બહેનોને નારીગૃહમાંથી છોડાવીને સ્વતંત્ર ભાડે ઘરમાં રાખવાની ઇચ્છાએ આ કામ કર્યે જાય છે. પણ અચાનક એક દિવસ સારિકા આન્ટીના પતિ ખન્ના (‘સ્પેશિયલ 26’ ફેમ રાજેશ શર્મા) બંનેને રંગેહાથ ઝડપી લે છે અને કહાની લેતી હૈ એક નયા મોડ…

નૈતિકતાનું મર્ડર

લેખક મોહન સિક્કાની ‘રેલવે આન્ટી’ નામની વાર્તા પરથી આ ફિલ્મ બની છે, જે ‘દિલ્હી નોઇર’ પુસ્તકમાં સંકલિત થઇ છે. વિવિધ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં નવેક અવોર્ડ્સ જીતી ચૂકેલી આ ડાર્ક ફિલ્મ સ્વાભાવિક રીતે જ બધા માટે નથી. વારંવાર બેધડકપણે આવતાં સેક્સ સીન્સ ગલગલિયાં નથી કરાવતાં બલકે ડિસ્ટર્બ કરી મૂકે છે. ક્યારેક તો ઘૃણા થઇ આવે છે. ‘દેવ ડી’ પછી આ ‘બી.એ. પાસ’માં પણ દિલ્હીના બદનામ પહાડગંજ વિસ્તારમાં ચાલતા ગોરખધંધાઓની વાત થઇ છે. ઘણે ઠેકાણે ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ નથી. આપણા આશ્ચર્ય વચ્ચે ફિલ્મમાં દીપ્તિ નવલ પણ આવે છે, પરંતુ એ પોતાની દુઃખભરી દાસ્તાન સંભળાવીને ચાલ્યાં જાય છે.

ચારેય મુખ્ય કલાકારો (શિલ્પા શુક્લા, શાદાબ કમલ, દિવ્યેન્દુ અને રાજેશ શર્મા)ની એક્ટિંગ સરસ છે, પણ એમની અને ફિલ્મની બોલ્ડનેસ, નૈતિકતાનું મર્ડર અને અંતે થતી દગાખોરી આપણને વિચલિત કરી મૂકે છે. જો આવો છોછ ન હોય તો પ્રયોગ ખાતર આ ફિલ્મ જોઇ શકાય. આમાં મોટા પડદાના આકર્ષણ જેવું કશું નથી, એટલે ઓરિજિનલ ડીવીડી રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવામાં પણ કંઇ વાંધો નથી.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.