બેફિક્રે

ઘિસાપિટા કિસિંગ ફેસ્ટિવલ

***

દિલકશ મ્યુઝિક અને જથ્થાબંધ કિસિંગ-બૅડરૂમ સીન સિવાય આ ફિલ્મમાં કશું જ નવું નથી.

***

befikre759કહે છે કે ચાર્લી ચૅપ્લિન એક વખત પોતાના ડુપ્લિકેટ બનવાની સ્પર્ધામાં ગયેલા અને એમાં એમનો ત્રીજો નંબર આવેલો. ‘બેફિકરે’માં આદિત્ય ચોપરાની હાલત કંઇક એવી જ થઈ છે. એણે DDLJ જેવી કલ્ટ રોમેન્ટિક ફિલ્મ બનાવી. એ જ ફિલ્મમાં શાહરુખના દોસ્તારનો રોલ કરી ચૂકેલા કરણ જૌહરે પછી ‘કુછ કુછ હોતા હૈ’ જેવી બીજી એક્સપાયરી ડૅટ વિનાની રોમેન્ટિક ફિલ્મ સર્જી. એ પછી ખુદ આ બંનેના પ્રોડક્શન હાઉસમાંથી જ ઢગલાબંધ ફિલ્મો બહાર પડી જેમાં આ બંને ફિલ્મોનું જ પ્રતિબિંબ હતું. નવી પેઢીમાં ઇમ્તિઆઝ અલીની લગભગ બધી જ ફિલ્મો, પ્લસ ‘દિલ ચાહતા હૈ’, ‘યે જવાની હૈ દીવાની’, ‘કોકટેલ’, ‘વેકઅપ સિદ’, ‘હેપ્પી એન્ડિંગ’, ‘જાને તુ યા જાને ના’, ‘સલામ નમસ્તે’થી લઇને મણિ રત્નમની છેલ્લે આવેલી તમિળ ફિલ્મ ‘ઓ કાધલ કન્મની’ (જેની ‘ઓકે જાનુ’ નામે હિન્દી રિમેક બની રહી છે) વગેરે તમામ ફિલ્મોમાં એક લ.સા.અ. જેવી વાત હતી કે છોકરા-છોકરી પ્રેમમાં પડે, પરંતુ કોઈ કારણસર છૂટા પડ્યા પછી એ પ્રેમનું ભાન થાય. હૉલીવુડની પણ આવી અનેક ફિલ્મો ગણાવી શકો. લેકિન આ થીમ પરની મોટા ભાગની ફિલ્મોમાં તે ઉપરાંત પણ કોઈ ને કોઈ સબપ્લોટ, મેસેજ હતો. આજે એ જ આદિત્ય ચોપરાની ‘બેફિકરે’માં એ જ ઘસાયેલી સિંગલ લાઇન સ્ટોરી છે, પણ નવીનતાના નામે કંઈ કહેતા કંઈ જ નથી.

ફ્રોમ પૅરિસ વિથ કન્ફ્યુઝન

ધરમ ગુલાટી (રણવીર સિંઘ) સ્ટેન્ડઅપ કોમેડિયન બનવા દિલ્હીથી પૅરિસ આવે છે. પરંતુ કોમેડિયન બનતાં પહેલાં એ પ્રેમી બની જાય છે અને સાંગોપાંગ શાયરા ગિલ (વાણી કપૂર)માં ડૂબી જાય છે. બેઉ જણાં મળીને આખું પૅરિસ રીતસર માથે લે છે. પોલીસને લાફો મારી દે, રખડે, ડાન્સ કરે, હોટેલમાં નંગુપંગુ પકડાય, લાઇબ્રેરીમાં-પાર્ટીઓમાં ઉઘાડા ડાન્સ કરે, રાતોરાત લિવર ફેઇલ થઈ જાય એટલો દારૂ પીવે, ગિનેસ બુકવાળા રેકોર્ડ ફાડી આપે એટલાં બધાં ચુંબનો કરે, સેન્સર કૃપાથી બંને પારવિનાનો સેક્સ કરે અને મા-બાપને અંગૂઠો બતાવીને લિવઇનમાં પણ રહે. પછી એઝ યુઝવલ બંને ઝઘડે, અલગ થાય, બીજાં પાત્રો શોધે. પછી સવાલ થાય કે હવે જે ફીલિંગ થઈ રહી છે એ સાચો પ્રેમ છે?

અર્બન, માય ફૂટ

આદિત્ય ચોપરા સાહેબે આ ફિલ્મ વિશે કહ્યું છે કે ‘બેફિકરે’માં તેઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા છે. તદ્દન ખોટ્ટી વાત છે. આ ફિલ્મનું માત્ર ક્લેવર અર્બન, યંગ છે. બાકી તે આપણી ફિલ્મોમાં વર્ષોથી થતી આવેલી એની એ જ વાત કરે છે. અને ધારો કે દર બીજા દિવસે ગમે તેની સાથે સેક્સ કરતા ફરવું, દારૂ પીને પાર્ટી વગેરેમાં ધમાલ કરવી, મજા ખાતર પોલીસને થપ્પડો મારવી, કરિયરને તો ઠીક મારા ભૈ સમજવું… યુવાનો એવું જ કરતા હોય, તો પછી બોસ, તમે આજની યુવાપેઢી વિશે ગંભીર અને અફકોર્સ ફૉલ્ટી રિમાર્ક પેશ કરી રહ્યા છો. એટલે આ ફિલ્મની લીડિંગ જોડીની કેરફ્રી લાઇફસ્ટાઇલ તમને બે ઘડી મજા કરાવી શકે, પણ એ લોકો અત્યારના યંગસ્ટર્સનું પ્રતિનિધિત્વ નથી કરતા એ યાદ રાખવું પડે.

આજના યુવાનોનો આવો ક્લિશૅ ચહેરો પેશ કરતી ‘બેફિકરે’ બે કલાક ઉપર ચાલ્યા કરતી મોટી ‘ટ્રુથ ઑર ડૅર’ની ગેમ જ છે. જેના છેલ્લા દૃશ્યનો ડાયલોગ પણ માત્ર ટ્રેલર જોઇને કળી શકાય તેમ છે. બેફિકરે આ હદે પ્રીડિક્ટેબલ છે. પોતે અગાઉની રોમેન્ટિક ફિલ્મો જેવી રોનાધોના ટાઇપ નથી એવું જાતે જ સાબિત કરવા મથે છે અને એ પ્રયત્નમાં એ તદ્દન ફારસ બની જાય છે. પરિણામે બંને પાત્રોની એકબીજા માટેની ફીલિંગ આપણને સ્પર્શતી નથી. જેવાં એ બંને છે એ જોઇને આપણને ગળા સુધીની ખાતરી થઈ જાય કે એ બંને છૂટાં પડતાં હોય તો છો પડતાં, સાંજ પડ્યે બીજું કોઇક શોધી જ લેવાનાં છે. તેમ છતાં અલ્ટિમેટલી તો એ ટ્રેડિશનલ જ બની રહે છે.

‘બાજીરાવ’ જેવા છૂટક રોલને બાદ કરતાં રણવીર સિંઘ ફરી પાછો પોતાના ઑરિજિનલ ‘દિલ્લી કા લૌંડા’ના રોલમાં આવી ગયો છે. એની ઍનર્જી, કોમિક ટાઇમિંગ, વખતોવખત ગલુડિયામાં કન્વર્ટ થઈ જતું એનું ડાચું વગેરે અપીલ કરે છે, આપણને હસાવે પણ છે, લેકિન આપણે એના દુઃખે દુઃખી થઇએ એવું જરાય બનતું નથી. યંગસ્ટર્સને અપીલ કરે તે માટે રણવીર અહીં સ્ટેન્ડઅપ કોમેડિયન બન્યો છે. પરંતુ જો તમે અત્યારના સ્ટેન્ડઅપ કોમેડિયનોના વીડિયો જોતા હશો તો સમજાશે કે રણવીર એમાં સ્ટેન્ડ અપ કોમેડિયન કરતાં ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ના નાના પાટેકરની નબળી આવૃત્તિ જેવો વધારે લાગે છે.

ડિટ્ટો હિરોઇન વાણી કપૂર. આ બડે મૂંહવાલી હિરોઇનનું મૂંહફટ કેરેક્ટર આદિત્ય ચોપરાના મતે ઍમ્પાવર્ડ વુમનનું અને NRI પરિવારના કન્ફ્યુઝ્ડ સંતાનનું પ્રતીક હશે, પણ એની ઉદ્ધતાઈ એની કોઈ જ ફીલિંગ આપણા સુધી પહોંચવા દેતું નથી. જો એ પાત્રની ઉદ્ધતાઈ પાછળ ‘પૅરિસ બોર્ન કન્ફ્યુઝ્ડ દેશી’ ટાઇપનો ઍન્ગલ હોત તો એક નવું ડાયમેન્શન ઉમેરાયું હોત. પાત્રોમાં આવું કોઈ ઉંડાણ તો નથી જ, પરંતુ બંને કલાકાર વચ્ચેની કેમેસ્ટ્રીમાં પણ ખાસ જામતું નથી. હા, એટલું ખરું કે વાણી-રણવીર સુપર્બ ઍનર્જેટિક ડાન્સ કરે છે. એમને જોઇને ડાન્સ ક્લાસીસના ગ્રાહકો વધે તો નવાઈ નહીં.

ઇન ફૅક્ટ, બેફિકરેમાં જો વિશાલ-શેખરનું ધમ્માલ મ્યુઝિક ન હોત, તો આ ફિલ્મ અસહ્ય બની ગઈ હોત. ટાઇટલ ટ્રેક, ‘નશે સી ચડ ગઈ’, ફ્રેન્ચ સોંગ વગેરે બધાં જ ગીતો લૂપમાં સાંભળવાં કે તેના પર ડાન્સ કરવાનું મન થાય એવાં બન્યાં છે. ફિલ્મ માટે વખતસર પહોંચી જાઓ તો જયદીપ સાહનીએ દિલકશ શબ્દોથી સજાવેલું (અને ચુંબનોથી ભરચક એવું) ‘લબોં કા કારોબાર’ ગીત પણ સાંભળવા જેવું છે. બેફિકરેનું મિકી મૅકલિઅરીએ આપેલું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક તેને ‘ઍમિલી’ જેવી કોઈ ફ્રેન્ચ ફિલ્મની ફીલ આપે છે. એ જ રીતે ફિલ્મને ગ્લોબલ લુક આપવા માટે આદિત્ય ચોપરાએ ફ્રેન્ચ-જૅપનીસ સિનેમેટોગ્રાફર કાનામી ઓનોયામાની મદદ લીધી છે. તેને કારણે વિઝ્યુઅલી તો આ ફિલ્મ જબરદસ્ત રીતે શૂટ થઈ છે, પરંતુ આદિસરના ઝેનોફોબિક રાઇટિંગે આ ફીલની ચટણી કરી નાખી છે. કેમકે અર્બન બનાવવાની લ્હાયમાં આદિત્ય ચોપરાનાં પાત્રો બીજાનાં ડિફરન્ટ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનની, કલ્ચરની મજાક ઉડાવે છે. ઇવન એમની જ સો કૉલ્ડ પ્રોગ્રેસિવ હિરોઇન ફિલ્મમાં બીજા સ્ત્રીપાત્રનું એના વિદેશી હોવા માત્રથી કેરેક્ટર સર્ટિફિકેટ પણ ફાડી આપે છે. એ જ રીતે યુવાનોને વ્હાલા થવા માટે આદિત્ય ચોપરાએ પોતાની જ DDLJના મોસ્ટ ફેમસ સીનને વલ્ગર ટર્ન આપી દીધો છે (DDLJના ચાહકો હિંમત રાખે). આખી ‘બેફિકરે’ પૅરિસમાં છે, પણ જાણે ટુરિઝમનો વીડિયો જોતા હોઇએ એ રીતે શૂટ થયેલી આ ફિલ્મમાં પૅરિસ એક પાત્ર તરીકે ઊપસીને આવતું નથી (જેવું ‘ક્વીન’માં થોડા ભાગમાં પણ કરી શકાયું હતું).

આપણા સંસ્કારી અને સગવડિયા સેન્સર બૉર્ડે પણ બડા બૅનરની આ ફિલ્મ માટે જે સગવડિયો અપ્રોચ લીધો છે તે ખાસ્સો શૉકિંગ છે. ટ્રક ભરીને ચુંબનો, ગાડું ભરીને બૅડરૂમ સીન અને એટલું પૂરતું ન હોય તેમ રણવીરનો તદ્દન ઉઘાડો પિછવાડો પણ ઓકે થઈ ગયો છે.

કુછ નયા લાઓ, યાર

સદૈવ અદૃશ્ય રહેતા આદિત્ય ચોપરા પોતે પોતાના બૅનરની કે અત્યારની બૉલીવુડની ફિલ્મો જોતા હશે કે કેમ ખબર નહીં, પરંતુ એમની આ ફિલ્મ પૂરેપૂરી ક્લિશૅ અને કન્ફ્યુઝ્ડ છે. તેઓ પોતે રોમ-કોમ, કમિંગ ઑફ ઍજ ફિલ્મ બનાવવા માગે છે, પ્યોર રોમેન્ટિક કે ખાલી કોમેડી બનાવવી છે કે પછી એવી ફિલ્મોની પૅરડી બનાવવી છે એ જ સમજાતું નથી. ફિલ્મના પાત્રો જેટલી જ આ ફિલ્મ અને તેના મૅકર પણ કન્ફ્યુઝ્ડ છે. પરંતુ થૅન્ક ગૉડ, આપણા માટે કોઈ કન્ફ્યુઝન નથી. કમિટમેન્ટ ફોબિક યુવાનોની આ ઘિસિપિટી અર્બન ગાથા સંપૂર્ણપણે અવગણી શકાય તેવી છે. રણવીર સિંઘના ફૅન હો તો એકાદ વખત કોઈ જ અપેક્ષા વિના માત્ર ટાઇમપાસ માટે એકવીસમી સદીના અંત સુધીમાં ગમે ત્યારે જોશો તોય કશું ખાટુંમોળું થવાનું નથી. ઇન ફૅક્ટ, આના કરતાં વધુ એકવાર DDLJ જોઈ લેવી વધુ ફાયદાનો સોદો છે.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

DDLJ= દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Aditya Chopra: From DDLJ to Befikre

DDLJ મારી લાઇફની પહેલી એવી ફિલ્મ હતી જે મેં ટૉકિઝમાં બે વખત જોઈ હોય. હું હતો તેર વર્ષનો. નાઇન્ટીઝના કોઇપણ ટીનએજરની જેમ હું પણ ઘાયલ હતો રાજ-સિમરનની લવસ્ટોરીથી. લાઇક એવરી ટીનએજર ઑફ ધેટ ટાઇમ, આપણનેય અંદરખાને એવી ફીલિંગ કે આપણે રાજ મલ્હોત્રા જેવા દિલફેંક, ડૅશિંગ ન હોઇએ તો કંઈ નહીં, પણ એક સિમરન તો હોવી જ જોઇએ લાઇફમાં, ક્યું સૅનોરિટા?!

 

81sdhlyn1cl

‘મરાઠા મંદિર’માં DDLJ જેટલી ચાલી છે, મારા પર આ ફિલ્મનો ખુમાર પણ એટલો જ રહ્યો છે. પરંતુ અત્યારે વાત મારી નહીં, આદિત્ય ચોપરાની કરવી છે. વરસમાં નહીં, દાયકામાં પણ માંડ એકાદી ફિલ્મ લઇને આવતો આ યશપુત્ર ‘ઇન્વિઝબલ’ ચોપરા પોતાની માંડ ચોથી ફિલ્મ લઇને આવતો હોય ત્યારે એકાદું આસોપાલવનું તોરણિયું બાંધવું તો બનતા હૈ, બૉસ! એટલે મેં કબાટ ખોલીને એમાંથી કાઢી આ દિવાળીની ખરીદી એવી બુક ‘આદિત્ય ચોપરા રિલિવ્સ… દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે.’ મસ્ત બાઇન્ડિંગ, સુપર્બ બિહાઇન્ડ ધ સીન ફોટોગ્રાફ્સ અને નસરીન મુન્ની કબીરને ‘આદિ’એ કહેલી DDLJના મૅકિંગ પાછળની સુપર ઇન્ટરેસ્ટિંગ દાસ્તાન. હિન્દી સિનેમા અને DDLJના ચાહક પાસે હોવી જ જોઇએ એવી આ બુકની છાપેલી કિંમત તો અંકે રૂપિયા 2 હજાર છે. લેકિન ‘એમેઝોન’ના દિવાળી સેલમાં અપુન કો મિલી 99 રુપીઝ વૉન્લી મેં! હજીયે ખરીદવી હોય તો જસ્ટ 200 રૂપિયામાં અવેલેબલ છે. ઍની વે…

 

NRI ઑડિયન્સને ધ્યાનમાં રાખીને બનેલી આ પહેલી હિન્દી ફિલ્મને આપણે ભલે ‘DDLJ’ કહેતા હોઇએ, પણ આદિત્ય ચોપરા એને ‘દિલવાલે’ કહે છે. એનો ઑરિજિનલ આઇડિયા હતો ટૉમ ક્રૂઝ અને કાજોલને લઇને એક ઇંગ્લિશ ફિલ્મ બનાવવાનો! પછી ટૉમ ક્રૂઝના ભારતીય વર્ઝન જેવા હીરોને લઇને ફિલ્મ બનાવવાનો આઇડિયા એણે પાપા યશ ચોપરાને સંભળાવ્યો ત્યારે એણે એવી લાઇન કહી, ‘તુમ્હેં યહાં સે લે જાઉંગા તભી, જબ તુમ્હારે બાઉજી ખુદ તુમ્હારા હાથ મેરે હાથ મેં દેંગે.’ એ વખતે આદિત્ય ચોપરાના દિમાગમાં બત્તી થઈ કે એને એક નવા જ પ્રકારની હિન્દી ફિલ્મનો આઇડિયા સૂઝ્યો છે. એવી સ્ટોરી જે નવી અને જૂની પેઢીને જોડતો પૂલ છે. અહીં સ્ટાર ક્રોસ્ડ લવર્સ છે, પણ ‘એક દુજે કે લિયે’ કે ‘કયામત સે કયામત તક’ જેવો બળવો નથી કરવાનો, બલકે લડકી કે બાઉજીને મનાવીને દુલ્હન કા હાથ અપને હાથ મેં દે તેની રાહ જોવાની છે.

befikre-poster-4ફાઇન. DDLJ ફિલ્મ હતી જેનાં હીરો-હિરોઇન લંડનમાં મોટાં થયાં હોય, તોય વો જાનતે થે કિ ‘એક હિન્દુસ્તાની લડકી કી ઇઝ્ઝત ક્યા હોતી હૈ!’ ગ્લોબલાઇઝેશનના સ્ટાર્ટિંગના સમયમાં આવી હોવા છતાં આ લાઇન અને અત્યારે એ જ આદિ ચોપરાએ પકડેલી લાઇન ખાસ્સી ઇન્ટરેસ્ટિંગ છે. એ વખતે લડકી ક્યારેય શરાબને હાથ નહોતી લગાડતી. લડકા-લડકી એક કમરે મેં રાત ગુઝારે તોય નો સૅક્સ. કમ્પ્લિટલી ફરબિડન ફ્રૂટ. હીરો પોતાની છાતી પર લિપસ્ટિકનાં નિશાન બનાવીને ચીડવે તોય હિરોઇન રડી પડે! એ જ આદિ ચોપરા હવે ‘બેફિકરે’માં એના કહેવા પ્રમાણે અગાઉનું બધું અનલર્ન કરીને પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી રહ્યો છે. આજે એનાં હીરો-હિરોઇન ‘નૅવર સૅ આઈ લવ યુ’ની વાત કરતાં દેખાય છે. અને આઈ લવ યુ? યક્! આખા ટ્રેલરમાં બંને એટલાં બધાં સેક્સ્યુઅલી ચાર્જ્ડ દેખાય છે કે ફિલ્મનું નામ ‘Befikre’ને બદલે ‘Be-fuckre’ હોવું જોઇતું હતું! ઇવન અત્યારે તો આખી ફિલ્મ મને ‘ટ્રૂથ ઑર ડૅર’ના એક્સ રેટેડ વર્ઝન જેવી લાગી રહી છે. જેમાં હીરો-હિરોઇન બંને એકબીજાને ભળતી જ વસ્તુ ડૅર કર્યા કરે. આઈ ડૅર યુ, પોલીસને થપ્પડ મારી આવ, આઈ ડૅર યુ પ્લૅબૉયનો જાંગિયો પહેરીને પાર્ટીમાં કૅટવૉક કરી બતાવ, આઈ ડૅર યુ પબ્લિક લાઇબ્રેરીમાં સ્ટ્રિપટિઝ કરી બતાવ, આઈ ડૅર યુ કોઈ સ્ટેજ શૉમાં ઘૂસ મારીને ડાન્સ કરી આવ, આઈ ડૅર યુ ઉત્તેજક પૉલ ડાન્સ કરી બતાવ, આઈ ડૅર યુ ફાઇવ સ્ટાર હૉટેલમાં ઘૂસ મારીને ડિંગડોંગ કરીએ તો?, આઈ ડૅર યુ, અભી ઇસી વક્ત ઇસી જગહ… આઈ ડૅર યુ ટુ કિસ ઍનીવ્હેર પોસિબલ અન્ડર ધ સ્કાય…!

જે યશરાજ ફિલ્મ્સ પ્રેમના ઢાઈ અક્ષરના પાયા પર ઊભું છે એનો મેઇન કર્તા હર્તા અત્યારે પોતાનાં લીડ પાત્રો દ્વારા એવું બોલાવડાવે છે કે આપણે ક્યારેય આઈ લવ યુ બોલવાનું નથી. પરંતુ મેં જોયું છે કે ગમે તેટલી રિવોલ્યુશનરી વાતો કરે, લીડ કેરેક્ટર્સ ગમે તેટલાં કમિટમેન્ટ ફોબિક હોય, પણ અલ્ટિમેટલી તો સ્ટોરી ટ્રેડિશનલ ખાનામાં જ જઇને પડે છે. પછી એ ફરહાનની ‘દિલ ચાહતા હૈ’ હોય, સિદ્ધાર્થ આનંદની ‘સલામ નમસ્તે’ હોય, ઝોયાની ‘ZNMD’ હોય, ઇમ્તિઆઝની ‘લવ આજકલ’ હોય કે અયાનની ‘YJHD’ હોય. ઇવન મણિ રત્નમે પણ ‘ઓ કાધલ કન્મની’માં નવી પેઢીના રોમાન્સ-કમિટમેન્ટ પર ફોકસ કર્યું અને છેવટે તો એવું જ સાબિત કર્યું કે યંગસ્ટર્સ ગમે તેટલાં આધુનિક થાય અલ્ટિમેટલી તો ટ્રેડિશનલ પાથ જ પકડે છે. ટૂંકમાં, ‘મોહબ્બત કા નામ આજ ભી મોહબ્બત હૈ!’ રિમેમ્બર, DDLJનો રાજ પણ ખાલી વાતો ‘મુઝે તો આજ તક યે સમઝ નહીં આયા કિ લોગ એક હી લડકી કે સાથ પૂરી ઝિંદગી કૈસે ગુઝાર લેતે હૈ? દુનિયા મેં ઇતની સુંદર સુંદર લડકિયાં હૈ, કિસી કી આંખે અચ્છી, કિસી કે હોઠ અચ્છે…’ની કરતો, ‘લવ-શવ મેરે બસ કી બાત નહીં હૈ’ એવું એ ખાલી બોલતો, પણ હતો પૂરેપૂરો રોમેન્ટિક, લવમાં ફૉલ થવા એકદમ રૅડી! હવે એ જ આદિત્ય ચોપરાનો હીરો કે પછી ઍમ્પાવર્ડ હિરોઇન કયો રસ્તો પકડે છે એ જોવાનું રહે. બની શકે કે એનાં પાત્રો ક્લાઇમૅક્સમાં એકબીજાને એવું કહી શકે કે, ‘આઈ ડૅર યુ ટુ મૅરી મી!’

નવા મિલેનિયમમાં સમજણી થયેલી જનરેશનને ‘DDLJ’નો યુફોરિયા કદાચ નહીં સમજાય. ક્યારેક તો એવુંય થાય કે બિચ્ચારાઓ ઑરિજિનલ DDLJને બદલે ‘હમ્પ્ટી શર્મા’ જેવી એની Nth રિમેક જોઇને જ મોટાં થયાં છે.  પણ બેફિકરેથી મને જે બીક છે તે એ છે કે આ નવી જનરેશનને વ્હાલા થવા માટે આદિ પોતાની જ એ ફિલ્મો-ફિલોસોફીની મજાક ન ઉડાવે. જેવું એણે ટ્રેલરમાં છેલ્લે ‘પલટ’વાળો સીન ઉમેરીને કર્યું છે કે, ‘પલટને કા ઇન્તેઝાર તો નાઇન્ટીઝ મેં કિયા કરતે થે, આઇ વૉઝ જસ્ટ ચૅકિંગ આઉટ હિઝ એસ!’ તમે મને ઑલ્ડી કહી શકો, પણ શાહરુખના એ ‘પલટ’માં જે કશિશ હતી, જે રોમાન્સ હતો અને સિમરન પલટીને રાજ સામે સ્માઇલ કરે ત્યારે જે ઉન્માદ હતો, એ ‘કોઈ હન્કની એસને ચૅક આઉટ’ કરવામાં નથી.

બાય ધ વે, આદિત્ય ચોપરાને DDLJમાં એ ‘પલટ’વાળો સીન મૂકવાનો આઇડિયા ક્લિન્ટ ઇસ્ટવૂડની ૧૯૯૩માં આવેલી ફિલ્મ ‘ઇન ધ લાઇન ઑફ ફાયર’ના એક સીન પરથી આવેલો. ઇસ્ટવૂડ અને રૅની રુસ્સો લિંકન મેમોરિયલનાં પગથિયે બેઠાં બેઠાં આઇસક્રીમ ખાઈ રહ્યાં છે. રૅની આઇસક્રીમ માટે થેન્ક્સ કહીને પોતાની એક ડૅટ માટે ચાલી નીકળે છે. એને જતી જોઇને ઇસ્ટવૂડ (જે ત્યારે 63 વર્ષના હતા) ચમચી આઇસક્રીમ મોંમાં મૂકતાં કહે છે, ‘ઇફ શી લુક્સ બૅક, ધેટ મીન્સ શી ઇઝ ઇન્ટરેસ્ટેડ’. વેલ, તમે કલ્પના કરી શકો છો કે પેલીએ પાછા વળીને જોયું હશે કે નહીં! એટલું કહી શકું કે ઇસ્ટવૂડના ચહેરા પર પણ શાહરુખ જેવું જ સ્માઇલ હતું!

***

DDLJ માટે આદિત્ય ચોપરાએ કૅચલાઇન લખેલી, ‘કમ… ફૉલ ઇન લવ.’ હવે આજે એ જ આદિત્ય ચોપરાની ફિલ્મની કૅચલાઇન છે, ‘ધોઝ હુ ડૅર ટુ લવ.’ બે દાયકામાં આટલો ફેર પડ્યો છે. ત્યારે પ્રેમમાં પડવું એક સેલિબ્રેશન હતું. રાજ-સિમરનની સાથે આપણે પણ પ્રેમમાં પડતા હતા. અત્યારે ધરમ-શાયરાને પ્રેમમાં પડવાની હિંમત કરવી પડે છે. તો એક્ચ્યુઅલી, આપણે આગળ ગયા કે પાછળ?! વેલ, આવતીકાલે ‘બેફિકરે’ જોયા પછી ખબર!

PS. 1 DDLJમાં શાહરુખ-કાજોલનો ‘પલટ’વાળો સીન:

PS. 2 આદિત્ય ચોપરાને એ સીનની પ્રેરણા જ્યાંથી મળી તે ક્લિન્ટ ઇસ્ટવૂડ સ્ટારર ફિલ્મ ‘ઇન ધ લાઇન ઑફ ફાયર’નો સીનઃ

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

બાજીરાવ મસ્તાની

સલામ-એ-ઈશ્ક

***

સંજય લીલા ભણસાલીની વધુ એક લાર્જર ધેન લાઇફ લવસ્ટોરી અપેક્ષા પ્રમાણેનો જ જલ્સો કરાવે છે.

***

bajirao-mastaniઅંગ્રેજીમાં ‘સ્ટારક્રોસ્ડ લવર્સ’ નામનો એક શબ્દપ્રયોગ છે. રોમિયો-જુલિયેટ ટાઇપનાં એવાં પ્રેમીઓ એક ન થાય એટલા માટે આખી દુનિયા એમની પાછળ આદુ ખાઈને પડી ગઈ હોય. વિશ્વમાં એવી વાર્તાઓની કમી નથી. ખુદ સંજયભાઇએ જ પોતાની મોટાભાગની ફિલ્મોમાં એ જ થીમ પર બનાવી છે. એમની આ નવી ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ ડિટ્ટો એ જ વાત કરે છે, પણ ભણસાલી સ્ટાઇલમાં. એયને આંખો પહોળી થઈ જાય એવા જાયન્ટ સેટ, હિસ્ટરી ચેનલમાં ઘૂસી ગયા હોઇએ એવા પહેરવેશ, નજર પહોંચે ત્યાં સુધી પથરાઇને બાખડતું સૈન્ય, સામસામી તલવારબાજી જેવા વાક્યે વાક્યે આવતા ધારદાર સંવાદો અને દરેક લાગણીનો ઉત્સવ મનાવાતો હોય એવાં જાજરમાન ગીતો. બાજીરાવ મસ્તાનીમાં આ બધાં જ ઍલિમેન્ટ પિરસવામાં સંજયભાઈ બરાબરના ખીલ્યા છે.

ચીતે કી ચાલ, બાઝ કી નઝર ઔર બાજીરાવ કી તલવાર

૧૮મી સદીની શરૂઆતનો સમય છે. પૂનાના પેશ્વા બાજીરાવ (રણવીર સિંહ) ભારે પરાક્રમી શાસક છે. એક પછી એક યુદ્ધો જીતતા જાય છે અને મરાઠા સામ્રાજ્યનો ભગવો ધ્વજ લહેરાવતા જાય છે. એમની પત્ની કાશીબાઈ (પ્રિયંકા ચોપરા) સાથે એ સુખી છે. એક યુદ્ધ મેદાનમાં અચાનક બુંદેલખંડની રાજકુમારી મસ્તાની (દીપિકા પાદુકોણ) દુશ્મનો સામે બાજીરાવની મદદ માગે છે અને બાજીરાવ કરે પણ છે. બસ, આ યુદ્ધ પછી બાજીરાવ અને મસ્તાની વચ્ચે કટારની ધાર પર પ્રેમ પાંગરે છે. પરંતુ મસ્તાની તો હિન્દુ રાજા છત્રસાલની મુસ્લિમ નર્તક પત્ની રુહાની બાઈની દીકરી. બીજી બાજુ બાજીરાવ પણ બચરવાળ રાજા. છતાં બાજીરાવ પરિવાર, રિવાજ ને સમગ્ર રાજ્યની વિરુદ્ધ જઇને મસ્તાનીને પત્ની જાહેર કરે છે. દુશ્મવો સામે સતત અજેય રહેલા બાજીરાવના આ પ્રેમની આડે સતત એમના પરિવારના જ લોકો અંતરાય ઊભો કરે છે.

પ્યાર, પેશન ને પરિવાર

શરૂઆતમાં કહ્યું એમ સંજય ભણસાલી એકની એક વાર્તા જ ફરી ફરીને કહેતા રહે છે. પછી એ સમીર-નંદિની હોય કે દેવદાસ-પારો હોય કે પછી રામ-લીલા હોય. બે પ્રેમી આ ભવે ભેળા થાય તો ધરતી રસાતળ જાય. ઇવન ‘ગુઝારિશ’માં પણ હૃતિક-ઐશ્વર્યાની આડે બીમારીનો અંતરાય હતો. તેમ છતાં ભણસાલી એવા પૅશનથી વાર્તા કહે કે એમની ફિલ્મની એકેક ફ્રેમમાંથી આપણને તે ઝનૂન ટપકતું દેખાય.

‘રામલીલા’માં વિરોધનો સામનો કરી ચૂકેલા સંજયભાઈએ આ વખતે ફિલ્મની શરૂઆતમાં જ ‘મિચ્છામી દુક્કડમ’ પ્રકારની લાંબી ચોખવટ કરીને કહ્યું છે કે જુઓ, અમે આ ફિલ્મ નાગનાથ ઇનામદાર નામના મરાઠી લેખકની નવલકથા ‘રાઉ’ પરથી બનાવી છે. ઐતિહાસિક તથ્યોનું ધ્યાન રાખવાનો પૂરો પ્રયત્ન કર્યો છે, તેમ છતાં ભૂલચૂક લેવીદેવી. એટલે એ રીતે જોતાં આ ફિલ્મને આપણે પણ ઐતિહાસિક દસ્તાવેજને બદલે પેશ્વા બાજીરાવ પહેલાના ફિક્શનલાઇઝ્ડ વર્ઝન તરીકે જ જોવી જોઇએ.

૧૫૮ મિનિટની આ ફિલ્મમાં સૌથી પહેલું ધ્યાન ખેંચે દમદાર એક્ટર ઇરફાન ખાનનો વોઇસ ઓવર. એ પછી તરત જ પેશ્વા બનવા માટે પોતાની દાવેદારી નોંધાવતા બાજીરાવ યાને કે રણવીર સિંહની એન્ટ્રી પડે અને આપણે એની એનર્જીના મેગ્નેટિક ફીલ્ડમાં કેદ થઈ જઇએ. આ એક્ટર રિયલ લાઇફમાં જેટલા ગાંડા કાઢે છે, એનાથી તદ્દન વિપરિત એનું દમદાર પર્ફોર્મન્સ છે. પૂરેપૂરો બાજીરાવના બીબામાં ઢળી ગયેલો રણવીર પાત્ર પ્રમાણે લાઉડ થાય છે, પણ એનામાં ક્યાંય ઓવરએક્ટિંગ દેખાતી નથી. એની હાજરી માત્રથી સ્ક્રીન ભરચક લાગે છે અને ધીમી પડતી ફિલ્મ પણ કંટાળાજનક લાગતી નથી.

ફિલ્મમાં સતત જલસો કરાવતા રહે છે પ્રકાશ કાપડિયાએ લખેલા બાજીરાવની તલવાર જેવા જ ધારદાર સંવાદો. ‘બાજીરાવને મસ્તાની સે મોહબ્બત કી હૈ, ઐયાશી નહીં’, ‘જબ દીવારોં સે ઝ્યાદા દૂરી દિલોં મેં આ જાયે તો છત નહીં ટિકતી’, ‘યોદ્ધા હૂં, ઠોકર પથ્થર સે ભી લગે તો હાથ તલવાર પર હી જાતા હૈ’… આવા સીટી બજાઉ ડાયલોગ્સ દર બીજી મિનિટે આવતા રહે છે. માત્ર ડાયલોગ માણવા માટે પણ તમે અલગથી ફિલ્મ જોઈ શકો. સારી વાત એ છે કે આ ડાયલોગ કૃત્રિમ કે નાટકીય નથી લાગતા, બલકે ફિલ્મની ઓવરઑલ ઇમ્પેક્ટમાં વધારો કરે છે.

ભણસાલીની તમામ ફિલ્મોમાં સ્ત્રીઓનાં પાત્રો એકદમ સશક્ત અને અલગ તરી આવે તેવાં પાવરપૅક્ડ હોય છે. અહીં પ્રિયંકા અને દીપિકા બંનેની તદ્દન વિરોધાભાસી પર્સનાલિટીને સફળતાપૂર્વક એસ્ટાબ્લિશ થઈ શકી છે. પ્રિયંકા જેટલી ઠસ્સાદાર અને જાજરમાન છતાં ગભરુ મરાઠી મુલગી લાગે છે, તો સામે પક્ષે દીપિકા પણ જેના રૂપ અને કૌવતને બાજીરાવ જેવો જ કોઈ વીર ઝીલી શકે એવી ‘ફેમ ફેટલ’ લાગે છે. આ ભણસાલીનો જ કમાલ છે કે આ બે દમદાર અભિનેત્રીઓ હોવા છતાં ફિલ્મમાં બાજીરાવનાં માતા બનતાં તન્વી આઝમી પણ એટલા જ પ્રભાવશાળી લાગે છે.

આજે નહીં તો કાલે, પણ આ ફિલ્મને સારું પ્રોજેક્શન ધરાવતા થિયેટરમાં જ જોવાની મજા પડે તેવું પાસું છે તેની અફલાતૂન સેટ ડિઝાઇન અને કેમેરાવર્ક. ‘બાહુબલી’ની યાદ અપાવે તેવાં જાયન્ટ મહેલો-કિલ્લા-મેદાન, વિરાટ સૈન્ય, એક જ ફ્રેમમાં સહેજે સો-બસ્સો લોકો દેખાય એવું લાર્જ કૅન્વસ અને આ બધાને પક્ષીની જેમ હવામાં તરીને કેદ કરતો કેમેરા. અરે, ઘણાં દૃશ્યો તો જાણે આપણે રાજા રવિ વર્માએ દોરેલું કોઈ પેઇન્ટિંગ જોતા હોઇએ એવી જ ફીલ આપે છે. એક રિચ પિરિયડ ડ્રામાની ભરચક ફીલિંગ આપવા માટે આટલું પૂરતું છે.

જોકે ‘બાજીરાવ મસ્તાની’ પર આપણે આખું મુંબઈ-પુણે ઓવારી જઇએ એવી મહાન ફિલ્મ તો નથી જ. છેલ્લા લગભગ દોઢ દાયકાથી સંજય ભણસાલી આ ફિલ્મ બનાવવા માગતા હતા. પરંતુ મેળ પડ્યો નહીં અને વચ્ચે એમણે ‘દેવદાસ’થી લઇને ‘રામલીલા’ બનાવી કાઢી. કદાચ એટલે જ આ ફિલ્મમાં ‘પિંગા’ કે ‘મોહે રંગ દો લાલ’ જેવાં ગીતો પર ‘દેવદાસ’ની, ‘મલ્હારી’ પર ‘રામલીલા’ના ‘તતડ તતડ’ની અને રણવીરના ડ્રામેટિક મોનોલોગ્સમાં ‘રામલીલા’નું સ્પષ્ટ રિપીટેશન દેખાય છે. ઇવન એક તબક્કા પછી બિનજરૂરી રીતે ખેંચાઈ જતી આ ફિલ્મ ધડ દઇને ‘દેવદાસ’ના ખાનામાં જઈ પડે છે. વિરોધનો ભય હોય કે કેમ પણ બાજીરાવ અને મસ્તાનીનો રોમાન્સ જોઇએ તેવો ખીલ્યો નથી. સાબિતી વગર સ્વીકારી લેવાના પ્રમેયની જેમ આપણે બંનેને પ્રેમમાં પડેલાં સ્વીકારી લેવાનાં રહે છે. ઇવન આ ડ્રામેટિક ફિલ્મનો ક્લાઇમૅક્સ પણ કોઈ આર્ટફિલ્મના જેવો લાગે છે, જે તડ ને ફડવાળા દર્શકોને પૂરેપૂરો ગળે ન પણ ઊતરે.

‘સાંવરિયા’ અને ‘રામલીલા’ની જેમ અહીં પણ મ્યુઝિક ડિપાર્ટમેન્ટ ખુદ ભણસાલીએ જ સંભાળ્યો છે. આખું આલબમ ગ્રેટ તો નથી, પણ લોંગ ડ્રાઇવ પર જતાં કારમાં સાંભળવાની મજા પડે એવું તો છે જ. કેરેક્ટર એક્ટર યતીન કર્યેકરનો કદાચ આ સૌથી દમદાર રોલ હશે. ફિલ્મમાં મિલિંદ સોમણ, મહેશ માંજરેકર, બેન્જામિન ગિલાની, રઝા મુરાદ અને બે સીન પૂરતા આદિત્ય પંચોલી છે, એ જસ્ટ જનરલ નૉલેજ ખાતર.

બાજીરાવનો જય હો

લાગણીઓને રેડિયોએક્ટિવ તત્ત્વની શિદ્દતથી વ્યક્ત કરવામાં સંજય લીલા ભણસાલીનો જોટો જડે તેમ નથી. તમને જો એમની આ પ્રકારની પિરિયડ ડ્રામા ફિલ્મ ગમતી હશે તો ‘બાજીરાવ મસ્તાની’ તમારા માટે છે. હવે આશા રાખીએ કે સંજયભાઈ આ પ્રકારના સ્ટારક્રોસ્ડ લવર્સની વાર્તાઓમાંથી બહાર આવીને કશુંક સાવ નવું પીરસે.

રેટિંગઃ ***1/2 (સાડાત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

દિલ ધડકને દો

ઊંચી દુકાન ફીકા પકવાન

***

જો ‘ટાઇટેનિક’ ડૂબી ન હોત અને તેના પર સાસ-બહૂ છાપ મગજમારીઓ જ ચાલ્યા કરી હોત, તો એ બેશક આના જેવી જ કંટાળાજનક ફિલ્મ બની હોત.

***

dil-dhadakne-do-movie-poster-6‘બાઝીગર’ ફિલ્મનો પેલો સીન યાદ છે? જેમાં ઘરે આવેલા મહેમાનને આપવા માટે જ્હોની લીવર મોટે ઉપાડે જાતે ચા બનાવે છે અને ચાની ભૂકી નાખવાનું જ ભૂલી જાય છે. એવી ફિક્કી ચા પીતી વખતે મહેમાન દિનેશ હિંગુનો દીકરો મોં બગાડે છે, ત્યારે દિનેશ હિંગુ એની પરિચિત સ્ટાઇલમાં અટ્ટહાસ્ય કરીને કહે છે, ‘પી જા પી જા, બેટે. બડે લોગોં કી ચાય ઐસી હી હોતી હૈ.’ બસ, ડિટ્ટો એવી જ સ્થિતિ ઝોયા અખ્તરની આ ‘દિલ ધડકને દો’ની છે. એય ને, કરોડોમાં આળોટતા ઉદ્યોગપતિઓ, લક્ઝરી ક્રુઝ શિપની સફર એમની વચ્ચે સંબંધોની સાઠમારીઓ… બધું સાચું, પણ બડે લોગોની આ ચાય મોઢે માંડીએ તો એવી જ ફિક્કી લાગે છે. આપણે કંઈ મદન ચોપડા સાહેબના ઘરમાં દીકરી દેવાની છે નહીં, કે આ ફિક્કી ચાયને અમૃત સમજીને ગટગટાવી જઇએ.

ઊંચે લોગ, ઊંચી નાપસંદ

કમલ મેહરા (અનીલ કપૂર) દિલ્હીના એક કાબરચીતરા વાળ ધરાવતા અબજપતિ બિઝનેસમેન છે. એમના પારિવારિક સંબંધોની સાથે એમની કંપની પણ ખોટમાં ચાલી રહી છે. પત્ની નીલમ (શેફાલી શાહ) સાથે એના સંબંધો નોર્મલ નથી. મોટી દીકરી આયેશા (પ્રિયંકા ચોપરા)ને માનવ (રાહુલ બોઝ) નામના એક નમૂના સાથે પરણાવીને મુંબઈ પાર્સલ કરી દીધી છે. જોકે આયેશા એકદમ સ્માર્ટ બિઝનેસમેન છે. એટલે એણે એકલેપંડે ‘મુસાફિર.કોમ’ નામની ટ્રાવેલ વેબસાઇટ ખડી કરીને ‘ફોર્ચ્યૂન’ મેગેઝિનમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. આ કાબરચીતરા કમલભાઈના દીકરા કબીર (રણવીર સિંહ)ને પ્લેન ઉડાડવાનો શોખ છે, પરંતુ બાપાને આખા બિઝનેસની કોકપિટમાં દીકરાને બેસાડી દેવો છે, જે દીકરાને પસંદ નથી. આ કમલ-નીલમ દંપતી પોતાનાં લગ્નની સાલગિરહ બડે લોગને છાજે એમ સેલિબ્રેટ કરવા એક લક્ઝરી ક્રૂઝમાં અઠવાડિયાની સફરે નીકળે છે, એ પણ આખી જાન જોડીને.

આ ટિપિકલ ફેમિલી ડ્રામાનો બીજો એન્ગલ એવો છે કે કાબરચીતરા અનીલ કપૂર જો પોતાના હરીફ બિઝનેસમેનની દીકરી સાથે પોતાના દીકરાને પરણાવી દે તો એની કંપની ટાઇટેનિકની જેમ ડૂબતાં બચી શકે એમ છે. પરંતુ દીકરો ક્રૂઝ પરની એક ડાન્સર કન્યા ફારાહ અલી (અનુષ્કા શર્મા)ના પ્રેમમાં ડૂબી જાય છે. અડધી ફિલ્મે આપણને ખબર પડે છે કે કાબરચીતરા અનીલ કપૂરના મેનેજરના દીકરા સન્ની (ફરહાન અખ્તર) સાથે પોતાની દીકરીને પ્રેમ થઈ ગયેલો એટલે અનીલે એને અમેરિકા ભણવા મોકલીને દીકરીનાં બીજે લગ્ન કરાવી દીધેલાં. લગભગ ત્રણ કલાક સુધી આ બધી મગજમારીઓ ચાલ્યા કરે છે.

બોરિંગ સી કહાની, આમિર કી ઝુબાની

મોટી નવલકથાઓની જેમ આ ફિલ્મની ટિકિટની સાથે પણ ફિલ્મમાં આવતા પરિવારોની એક વંશાવળી આપવા જેવી હતી. કેમકે આ ફિલ્મમાં એટલાં બધાં પાત્રો છે કે એની ઓળખપરેડમાં જ અડધો-પોણો કલાક નીકળી જાય છે. એ ઓળખપરેડ કરાવાઈ છે ‘પ્લુટો’ નામના એક ડૉગીના મુખે, જેનો વોઇસઓવર મહામહિમ આમિર ખાન સાહેબના કંઠે અપાયો છે. હવે આમિર ખાન ફિલ્મમાં ભલે માત્ર અવાજ સ્વરૂપે હોય, પરંતુ એ ફૂટેજ તો ખાઈ જ જવાનો. અહીં અડધોઅડધ સ્ટોરી પર એ હાવી થઈ ગયો છે. એક્ચ્યુઅલી, એક નાનકડા પરિવાર વચ્ચે માત્ર ત્રણ જ વાક્યની આપ-લેથી પતી જાય એવી સ્ટોરી માટે આટલા લાંબા નરેશનની કે આટલી લાંબી ફિલ્મની પણ જરૂર નહોતી. ઇવન બિનજરૂરી પાત્રોની પણ જરૂર નહોતી. હજી તો ફિલ્મમાં પરમીત શેઠી, દિવ્યા શેઠ, ઝરીના વહાબ, મનોજ પાહવા, વિક્રમ મૅસી, રિદ્ધિમા સૂદ જેવાં જાણ્યાં અજાણ્યાં કલાકારોની ફોજ છે, જે સ્ક્રીન પર ગિર્દી કરવા સિવાય ખાસ કશું કામ કરતાં નથી.

વળી, આ ફિલ્મની વાર્તા પણ આપણે છેલ્લા દોઢેક દાયકાથી સાસ-બહુની સિરિયલોમાં જોતા આવ્યા છીએ એવા જ પ્રકારની છે. તેમાં કોઈ જ નવી વાત કહેવાઈ નથી. ફિલ્મનાં ચાર મુખ્ય પાત્રો વચ્ચેના મતભેદો દૂર કરવા માટે એક જ સીન કાફી હતો, જે કશા દેખીતા કારણ વિના છેક પોણા ત્રણ કલાક પછી લાવવામાં આવ્યો છે.

ગાયબ થયેલાં લંગર

ઢગલાબંધ પાત્રોને એક જ ફિલ્મમાં લેવામાં અખ્તર પરિવારની હથોટી છે. પરંતુ ‘આન્સામ્બલ કાસ્ટ’ કહેવાતા આ સેલિબ્રિટીઓના મેળાવડામાં દરેકને પૂરતી સ્ક્રીન સ્પેસ મળે અને ખાસ તો ફિલ્મ જોતી વખતે કોઈ પાત્ર લાંબા સમય સુધી પડદા પરથી ગાયબ ન લાગવું જોઇએ. અહીં ક્યાંક અનુષ્કા તો ક્યાંક પ્રિયંકા અચાનક ગાયબ થઈ જાય છે અને પછી એકાએક ડૉલ્ફિનની જેમ પાણીમાંથી બહાર આવી જાય છે. એમાંય સ્પેશ્યલ અપિયરન્સના નામે ફરહાન અખ્તરની તો છેક ઇન્ટરવલ બાદ એન્ટ્રી થાય છે.

ફિલ્મનાં પાત્રોનું બેન્ક બેલેન્સ ગમે તે હોય, પરંતુ તેમનાં ઇમોશન્સ આપણી એટલે કે પ્રેક્ષકોની સાથે પૂરા લોજિક સાથે કનેક્ટ થવાં જોઇએ, જે અહીં થતાં નથી. ફોર એક્ઝામ્પલ, ‘ફોર્ચ્યુન’ જેવા મેગેઝિનમાં સ્થાન પામતી સફળ યુવા આંત્રપ્રેન્યોર પોતાના છુટાછેડાની વાત ન કરી શકે? પોતાની સાથે થઈ રહેલા જૅન્ડર બાયસની સામે અવાજ ન ઊઠાવી શકે? પારકી છોકરીને ગમતા છોકરા સાથે પરણાવવા માટે પોતાની ખોટી સગાઈનું નાટ કરી શકતો યુવાન ખુદને ગમતી છોકરીની વાત પિતા સાથે કેમ ન કરી શકે? અને જ્યારે કહે ત્યારે પાંચ જ મિનિટમાં ખાધું-પીધું ને રાજ કર્યુંની જેમ સ્ટોરી હેપ્પીલી એન્ડ થઈ જાય? આટલી અમથી વાત કહેવા માટે લગભગ ત્રણ કલાકની ક્રિમિનલ લંબાઈ? બહોત ના ઇન્સાફી હૈ. આ ફિલ્મમાં બબ્બે એડિટર છે, પરંતુ એડિટિંગનું કામ એકેયે કર્યું હોય એવું લાગતું નથી. મ્યુઝિક આ ફિલ્મનો બીજો એક મોટો ખોટનો સોદો છે. શંકર-એહસાન-લોયનું હોવા છતાં એકેય ગીત એવું નથી કે આપણને યાદ રહી જાય.

હિન્દી ફિલ્મોમાં લક્ઝરી ક્રૂઝ શિપ આપણે ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’ અને ‘મન’ જેવી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ. જેમાં અવનવાં સ્થળો અને એક રસપ્રદ સ્ટોરીનું પરફેક્ટ કોમ્બિનેશન હોય એવી ‘રોડમુવી’ ઝોયા અખ્તરે પણ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ બનાવી જ છે. પરંતુ અહીં આખો કાફલો એક લક્ઝરી ક્રૂઝ પર વિશ્વનાં જે સ્થળોએ ફરે છે તેનું પણ વ્યવસ્થિત રીતે ચિત્રણ થઈ શક્યું નથી.

ઇવન રાઇટિંગ ડિપાર્ટમેન્ટમાં અખ્તર પરિવાર પ્લસ રિમા કાગતીનાં નામો દેખાય છે, પરંતુ ‘અગર શાહજહાં પ્રેક્ટિકલ હોતા તો તાજ મહાલ કૌન બનાતા?’ જેવાં અપવાદરૂપ વનલાઇનર્સને બાદ કરતાં સમ ખાવા માટેય કોઈ સ્માર્ટ ડાયલોગ નથી. ફિલ્મમાં ‘લોગ ક્યા કહેંગે’ ટાઇપની લાઇનો તો કેટલી વાર બોલાય છે એ ગણવા માટે તો એસીપી પ્રદ્યુમ્નને કામે લગાડવા પડે એવું છે. ફિલ્મનો હળવો ટોન ઢગલામોઢે આવતી ડ્રામેબાજીમાં ક્યાંક તણાઈ જાય છે.

સુકૂન કે પલ

થેન્ક ગૉડ, આ ફિલ્મમાં રણવીર સિંઘે ઝાઝી નાટકબાજી કર્યા વગર મસ્ત એક્ટિંગ કરી છે. ફિલ્મના બધા જ બેસ્ટ સીન એના તરફથી જ આવ્યા છે. અનીલ કપૂરને બે જુવાન સંતાનોના પિતા બતાવવા માટે ‘લમ્હેં’ની જેમ ગોબરા કાબરચીતરા વાળ કરવાની જરૂર નહોતી. પરંતુ એમણે અને ખાસ તો શેફાલી શાહે લાજ રાખી છે. બાકી, પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર, અનુષ્કા શર્મા કે રાહુલ બોઝ ખબર નહીં કેમ પણ ફિલ્મમાં પરાણે એક્ટિંગ કરતાં હોય એવું લાગ્યા કરે છે.

ક્રૂઝ પે ચલે?

ત્રણ કલાકની ‘દિલ ધડકને દો’માં ચાલતી પંચાતો-મગજમારીઓ જોઇને આપણને સતત એવી ફીલ થયા કરે છે કે આપણે કોઈ મોટા લોકોના ફંક્શનમાં સલવાઈ ગયા છીએ અને એમની ઝાકઝમાળ વચ્ચે બોર થઈ રહ્યા છીએ. એટલે તમે જો આ આસમાની સ્ટારકાસ્ટમાંથી કોઇના ફૅન હો તો વધારી દેવાયેલી ટિકિટો ખર્ચીને લાંબા થઈ શકો. નહીંતર ક્રુઝની સફરો તો ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રાફિક જેવી ચેનલોમાં ઘેરબેઠાં પણ થઈ શકે છે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

કિલ દિલ

ગુંડે રિટર્ન્સ

***

યશરાજ ફિલ્મ્સની જ અગાઉ આવેલી ગુંડે ફિલ્મની વધીઘટી સ્ક્રિપ્ટમાંથી બનાવી હોય એવી કિલ દિલમાં કશો ભલીવાર નથી.

***

kill-dil-vertical-posterયશરાજ પ્રોડક્શન્સ જો ફિલ્મો બનાવવા ઉપરાંત રિસાઇકલિંગનો પણ બિઝનેસ શરૂ કરે તો સરસ ચાલી શકે તેવું છે. આ જ વર્ષે આવેલી અને ખુદ યશરાજ પ્રોડક્શન્સે જ બનાવેલી ફિલ્મ ‘ગુંડે’નો વધ્યોઘટ્યો મસાલો ફરીથી વઘારીને પિરસી દીધો હોય એવી વાસ આ ‘કિલ દિલ’માંથી આવે છે. એક તો ફિલ્મમાં નવીનતાના નામે કશું નથી, ઉપરથી હવાઈ ગયેલા પાપડ જેવી સ્ક્રિપ્ટ બગાસાં પ્લસ કંટાળાનો તીવ્ર હુમલો લાવે છે.

દિલ, દોસ્તી ઔર ઢીશ્ક્યાઉં

વર્ષો પહેલાંની વાત છે. દિલ્હીના શાર્પશૂટર ભૈયાજી (ગોવિંદા)ને કચરાપેટીમાં બે નવજાત બાળકો મળી આવ્યાં હતાં. ભૈયાજીએ દયા ખાઈને બંનેને સગ્ગા દીકરાની જેમ ઊછેર્યાં. એ બંને મોટા થઈને બન્યાં દેવ (રણવીર સિંહ) અને ટુટુ (અલી ઝફર). ફિલ્મમાં કહે છે એમ, ધૃતરાષ્ટ્રના દીકરા કૌરવ જ બને. એ રીતે ‘એ ફોર એપલ’ શીખવાની ઉંમરે બંને ‘ડી ફોર ઢીશ્ક્યાઉં’ શીખવા માંડ્યા અને મૂછનો દોરો ફૂટ્યો ત્યાં તો બેઉ જણા ભૈયાજી માટે કામ કરતા ખૂનખાર કિલર્સ બની ગયા. હવે બંને જાણે મચ્છર મારતા હોય તેમ લોકોને ગોળીએ દેતા ફરે છે.

ત્યાં જ દેવબાબુને એક ચુલબુલી દિશા (પરિણીતી ચોપડા) સાથે પહલા પહલા પ્યાર થઈ જાય છે. દિશાના પ્રેમમાં પડતાં જ દેવબાબુ કહે છે કે બહુ થયો આ લોહિયાળ જંગ. ભલે વીમાની પોલિસી વેચીશ, પણ હવે તો હુંય તે અચ્છો આદમી બનીને બતાવીશ. આ બંદૂક સાથે હવે મારે કોઈ લેવાદેવા નથી. ત્યાં જ ભૈયાજી પોતાનું ત્રીજું નેત્ર ખોલે છે અને બરાડી ઊઠે છે કે મેરા બિલ્લા ઔર મુઝ સે મ્યાંઉ? હવે તો તમારી દિશા ને દશા બેય નો બગાડું તો મારું નામ ભૈયાજી નહીં. બસ, એટલે આપણે પડદાની સામે બેઠાંબેઠાં એ વિચારવાનું કે આ અચ્છાઈ અને બુરાઈની કબડ્ડી મેચમાં કોણ જીતે છે!

કિલ દિલ, દિમાગ, ટાઇમ અને લોજિક

હોલિવૂડના ડિરેક્ટર ક્વેન્ટીન ટેરેન્ટીનોની કલ્ટ ગણાતી ક્રાઇમ ફિલ્મો ‘કિલ બિલ’ જેવું નામ રાખવા પાછળનું લોજિક તો જાણે સમજ્યા કે જરા હટ કે અસર ઊભી કરી શકાય. પરંતુ એક પણ તબક્કે જરાય ઇમ્પ્રેસ ન કરી શકે તેવી પત્તાંના મહેલ જેવી તકલાદી સ્ક્રિપ્ટ ધરાવતી આ ફિલ્મ બનાવવા પાછળનું એક પણ લોજિક સમજાય એવું નથી. પહેલી વાત, આ જ રણવીર સિંહને લઇને આ જ વર્ષે આ જ આદિત્ય ચોપડા આ જ ટાઇપની ફિલ્મ ‘ગુંડે’ બનાવી ચૂક્યા છે. જેમાં બે અનાથ બાળકો મોટાં થઇને ગુંડા બની જાય છે. ફરક માત્ર એટલો કે તેમાં બંનેને એક જ છોકરી (પ્રિયંકા ચોપડા) સાથે પ્રેમ થયો અને અહીં એક ગુંડા (રણવીર)ને પ્રેમ થયો એમાં મોટા ગુંડા (ગોવિંદા)ના પેટમાં તેલ રેડાયું. એટલું જ થયું. બાકીની આખી ‘કિલ દિલ’ ફિલ્મમાં ગોવિંદા કુર્તાના ખિસ્સામાંથી ફોટા કાઢે છે, બંને હોરોલોગ બંદૂકડીમાંથી પોપકોર્નની જેમ ગોળીઓ ફોડે છે અને રણવીર સસ્તાં વનલાઇનર્સની ફેંકાફેંક કરીને પરિણીતીની આગળપાછળ ફર્યા કરે છે. ધેટ્સ ઑલ.

ફિલ્મો કે વાર્તામાં જ્યારે ઘિસીપિટી વાતો આવે તેના માટે અંગ્રેજીમાં ‘ક્લિશે’ એવો શબ્દપ્રયોગ છે. આવા ક્લિશેથી આ ફિલ્મ ફાટફાટ થાય છે. જેમ કે, કચરાપેટીમાં પડેલાં બાળકોને કોઈ ગુંડો ઊછેરે, હીરો ડિસ્કોથેકમાં જાય તો એને ત્યાં હિરોઇન મળી જાય, સચ્ચાઈની મિસાઇલ જેવી હિરોઇન સાથે રહીને ગુંડા હીરોમાં પણ પવિત્રતાની સરવાણીઓ ફૂટી નીકળે, ખુશ થાય કે દુઃખી થાય બધાં દયા અને જેઠાની જેમ ગીતો ગાવા મંડી પડે, હીરોને ગમે ત્યાં ગોળી વાગે તોય એ બે જ મિનિટમાં પાછો ઘોડાની જેમ હણહણવા માંડે, દિલ્હી ભલે સલામત શહેર ન મનાતું હોય, પણ પોલીસનું તો જાણે અસ્તિત્વ જ ન લાગે… ઉફ્ફ. આ ફિલ્મમાં બધું જોઇને તમને એવો પણ વિચાર આવી જાય કે અત્યારે ખરેખર ૨૦૧૪ ચાલે છે કે ૧૯૮૦ના દાયકાનું કોઈ વર્ષ?

કિલ દિલને ગોવિંદાની કમબેક ફિલ્મ ગણાવવામાં આવતી હતી, એ પણ નેગેટિવ શેડમાં. નો ડાઉટ, ગોવિંદાને આવા અલગ અંદાજમાં જોવો ગમે છે, પણ ફિલ્મમાં બિચારાની પાસે કરાવવા માટે કશું જ નથી. ઇવન આખી ફિલ્મમાં એ એકપણ વખત પોતાના ‘અડ્ડા’ની બહાર સુધ્ધાં નીકળતો નથી. પોતાની પહેલી ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી લઇને બધી જ ફિલ્મમાં રણવીર સિંહે એકસરખાં જ પાત્રો કર્યાં છે. એ પડદા પર હોય કે ઑફ સ્ક્રીન, બધે જ એ સરખા ગાંડાવેડા કરે છે, બેશરમ સંવાદો બોલે છે અને છોકરીઓ સાથે ફ્લર્ટ કરે છે. કોઈ માને કે ન માને, પણ એ આવા ‘દિલ્લી કા લૌંડા’ ટાઇપનાં પાત્રોમાં ટાઇપકાસ્ટ થઈ ગયો છે.

સોનાક્ષીની જેમ શરીર વધારવામાં જરાય પાછીપાની ન કરતી પરિણીતી ચોપડાએ પણ આ ફિલ્મ કરવા ખાતર જ કરી હોય એવું લાગે છે. ફિલ્મમાં એ કંઇક ગુનેગારોને સુધારવાની સમાજસેવા કરે છે અને પોર્શે જેવી મોંઘી ગાડીઓમાં ફરફર કરે છે. એ એટલી બધી ધનાઢ્ય છે કે દિલ્હીમાં રહેતી પરિણીતીને સરપ્રાઇઝ બર્થડે પાર્ટી આપવા માટે બધા પાંચ જ મિનિટમાં લવાસા સિટી પહોંચી જાય છે!

પાકિસ્તાની એક્ટર-સિંગર અલી ઝફર જોવા-સાંભળવામાં સારો લાગે છે, પણ કોઈ મ્યુઝિક બેન્ડમાંથી ભાગીને હાથમાં ગિટારને બદલે બંદૂકડી પકડી લીધી હોય એવી સતત ફીલ આવ્યા કરે છે. આ સિવાય આ ફિલ્મમાં ઉલ્લેખ કરવા જેવું પણ કોઈનું પાત્ર નથી. હા, અડધી-પોણી ફિલ્મ પતે એટલે બાબુજી આલોક નાથની ગેસ્ટ એન્ટ્રી થાય છે. ‘જીવન સંબંધ’ નામની વીમા કંપની ચલાવતા બાબુજી અમસ્તા જ પોતાની ઑફિસની દીવાલ પર નિરુપા રૉયનો ફોટો ટાંગી રાખે છે, તમે માનશો?

આ દિલને કિલ કરી નાખો

આ ફિલ્મમાં સારી બાબત તરીકે માત્ર તેનાં ગુલઝારે લખેલાં અને શંકર-એહસાન-લોયે કમ્પોઝ કરેલાં બે-એક ગીતો અને વચ્ચે ઘૂંટાયેલા સ્વરમાં ગૂંજતો ગુલઝાર સાહેબનો અવાજ, બસ એટલું જ છે. રસપ્રદ વાત એ છે કે આ પિક્ચરના ટાઇટલ સોંગમાં વાગતી વ્હિસલ સતત ‘શોલે’ ફિલ્મની આર.ડી બર્મને કમ્પોઝ કરેલી ટ્યૂનની જ યાદ અપાવે છે. પરંતુ કિલ દિલનાં ગીતો તો આપણે મોબાઈલમાં પણ સાંભળી શકીએ, એના માટે કંઈ પૈસા, સમય અને મગજ બગાડવા થિયેટર સુધી લાંબા ન થવાય. મોટા બેનરની હોવા છતાં આવી જૂનો ગંધાયેલો માલ પધરાવતી ફિલ્મો શ્રીલંકાની બેટિંગની જેમ ફ્લોપ જવી જ જોઇએ, તો જ ફિલ્મોના નામે પિરસાતો આવો કચરો સાફ થશે. આવી ફિલ્મ ન જોવી એ પણ ‘સ્વચ્છ ભારત અભિયાન’ને ટેકો આપવા જેવું જ દેશસેવાનું કામ છે!

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ફાઇન્ડિંગ ફેની

ફાઈન્ડિંગ ફન્ની!

***

 

ફેનીની તલાશમાં નીકળેલાં પાંચ પાત્રોની આ ફિલ્મ ખોટા રસ્તે ચડી ગયેલી કંટાળાજનક મુસાફરી જેવી બોરિંગ છે.

*** 

poster-2-finding-fanny01ઈમેજિન કરો એક ફોરેન મેઇડ વિન્ટેજ કાર. તમને કહેવામાં આવે કે આપણે આ કારમાં ફરવા જવાનું છે. પરંતુ ફરવા જતાં પહેલાં કારના માલિકશ્રી આપણને એ કારના એકેએક પાર્ટ વિશે એટલું બધું વર્ણન કરે કે આપણે કંટાળીને કહીએ કે ભાઈ હવે તારે ગાડી સ્ટાર્ટ કરવી છે કે નહીં? પછી ધીમે ધીમે બળદગાડાની જેમ કાર સ્ટાર્ટ થાય. જેમતેમ કાર અડધા રસ્તે પહોંચે. વચ્ચે આવતાં કેટલાંક સ્થળો જોવાની મજા પણ પડે. ત્યાં જ અચાનક કારમાલિક જાહેર કરે કે ભાઈઓ અને બહેનો, આપણે ખોટા રસ્તે ચડી ગયાં છીએ. પરંતુ ડોન્ટ વરી, હવે આપણે જ્યાં જવાનું હતું એ મંજિલને મૂકો તડકે, અને એવું માની લો કે અત્યારે આપણે જ્યાં પહોંચ્યા છીએ એ જ આપણી મંજિલ છે! ત્યારે આપણી જે સ્થિતિ થાય, બસ એવી જ ફીલિંગ હોમી અડાજણિયાની ‘ફાઇન્ડિંગ ફેની’ જોઇને થાય છે.

પ્રેમની શોધમાં

ગોવાના ખોબા જેવડા ગામ પોકોલીમાં ફર્ડિનાન્ડ નામનો એક પોસ્ટમેન (નસીરુદ્દીન શાહ) રહે છે. છેક 46 વર્ષ પહેલાં એણે પોતાની પ્રિયતમા સ્ટેફની ફર્નાન્ડિઝ ઉર્ફ ફેની ને પ્રપોઝ કરતો પ્રેમ નીતરતો પત્ર લખેલો, જે એને પહોંચ્યા વિના અચાનક પાછો આવ્યો. એટલે ફર્ડિનાન્ડને દેવદાસ જેવો અટેક આવે છે. ફર્ડિનાન્ડ સાથે લગાવ ધરાવતી નાજુકડી એન્જેલિના (દીપિકા પાદુકોણ)થી એનું દુ:ખ જોવાતું નથી. એટલે એ નક્કી કરે છે કે ફર્ડિનાન્ડને એની ફેની શોધી કાઢવામાં મદદ કરવી.

હવે આ એન્જેલિનાની પણ સ્ટોરી છે. એનો પતિ ગાબો (રણવીર સિંઘ) લગ્નના જ દિવસે ઢબી ગયેલો. ત્યારથી એ વિધવા બનીને પોતાની સાસુ રોઝેલિન ઉર્ફ રોઝી (ડિમ્પલ કાપડિયા) સાથે રહે છે. રોઝીનો પતિ પણ વર્ષો પહેલાં ગુજરી ગયો હોવાનું કહેવાય છે. ત્યાં વાર્તામાં એન્ટ્રી થાય છે ચિત્રકાર દોન પેદ્રો (પંકજ કપુર)ની. પેદ્રો એક પરફેક્ટ પેઇન્ટિંગ માટે સ્ત્રી શરીરની શોધમાં છે, જે એને ડિમ્પલ કાપડિયામાં દેખાય છે. એટલે એ ચિત્રની લાલચે એ પણ ફેનીની તલાશમાં જોડાય છે. જોકે એનું મહત્ત્વનું કારણ એ છે કે એની પાસે કાર છે! હવે એ કાર ચલાવે કોણ? એટલે ડ્રાઇવર તરીકે દીપિકાના અને એના સદગત પતિના જૂના દોસ્તાર સાવિઓ (અર્જુન કપૂર)નો પ્રવેશ થાય છે. સાવિઓ હૃદયના એક નાનકડા ખૂણામાં દીપિકા પ્રત્યેનો પ્રેમ લઇને ફરતો હતો. અચાનક વર્ષો પછી એ પ્રેમ ફરી પાછો અંકુરિત થવા માંડે છે. પાંચ જણાંનો આ કાફલો ફેનીની શોધમાં નીકળે છે. પરંતુ લગભગ અડધી સદી પછી ફેની ક્યાં હશે, કેવી હશે? વેલ, ઓવર ટુ મુવી…

કોમેડીના નામે કંટાળો

અગાઉ ‘કોકટેઇલ’ જેવી મસાલા રોમ-કોમ ફિલ્મ આપ્યા પછી ડિરેક્ટર હોમી અડાજણિયા ફરી પાછા પોતાની પહેલી ફિલ્મ ‘બીઇંગ સાયરસ’ જેવી વિચિત્ર ફિલ્મ લઈને આવ્યા છે. પ્રોમો જોઇને એવી ફીલ આવતી હતી કે આ ફિલ્મમાં તો નસીરુદ્દીન શાહ અને પંકજ કપુર જેવા ધુરંધર કલાકારો એકસાથે છે અને લટકામાં નમણી દીપિકા પાદુકોણ પણ છે. તો ખરેખર મજા પડશે. પરંતુ અમુક મજેદાર સીન્સને બાદ કરતાં આ આખી ફિલ્મ એટલી બધી બોરિંગ છે કે રૂંવેરૂંવે કંટાળાની કીડીઓ ચટકા ભરવા માંડે!

ઇવન ફિલ્મ શરૂ થાય ત્યારે શરૂઆતની દસેક મિનિટ એવી આશાઓ પણ બાંધે છે કે હવે તો હસાહસીનો હાહાકાર ફેલાઈ જશે. ત્યાં જ દીપિકાના વોઇસઓવરમાં દરેક પાત્રની ઓળખપરેડ શરૂ થાય, જે લગભગ છેક ઈન્ટરવલ સુધી પૂરી થવાનું નામ જ ન લે. આખી ફિલ્મ માંડ 105 મિનિટની છે એટલે કે પૂરા બે કલાકની પણ નથી. તેમ છતાં ફિલ્મની મુખ્ય થીમ એટલે કે ફેની કી તલાશ છેક ઈન્ટરવલ સુધી શરૂ જ નથી થતી.  ફિલ્મને ઈન્ટેલિજન્ટ ફીલ આપવા માટે તેને 16 એમએમના કેમેરાની જેમ નાનકડી સ્ક્રીન પર પેશ કરાઈ છે.

નો ડાઉટ, ફિલ્મમાં સિઝન્ડ એક્ટર્સ નસીરુદ્દીન, પંકજ કપુર, ડિમ્પલ અને દીપિકાની સુપર્બ એક્ટિંગ છે. વળી, અમુક અમુક સીન્સ ખરેખર લાજવાબ છે. જેમ કે, પંકજ કપૂર ડિમ્પલ કાપડિયાનું ચિત્ર દોરે છે એ દૃશ્ય. પરંતુ એવા સીન્સ અત્યંત ઓછા છે અને કોઇ ક્લાસિક બ્રિટીશ કોમેડીની જેમ અત્યંત સૂક્ષ્મ છે. આપણી જાડું હ્યુમર જોવા ટેવાયેલી આંખોને તો તેમાંથી હાસ્ય શોધવા માટે માઇક્રોસ્કોપ આપવું પડે. બાકી હતું તે સેન્સર બોર્ડે દીપિકાના એક સેક્સ સીન પર કાતર ફેરવી દીધી છે. પરંતુ ઓવરઓલ ફિલ્મ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસની બોરિંગ રાઇડ જેવી છે. સૌ જાણે છે તેમ આ ફિલ્મ મૂળ અંગ્રેજીમાં બનાવાઈ છે, અને તેને વધુ ઓડિયન્સ સુધી પહોંચાડવા માટે હિન્દીમાં ડબ કરાઈ છે. આ ભાષાંતરમાં કેટલાય જોક્સનું દુ:ખદ અવસાન થઈ જાય છે. કશુંક શોધવા નીકળ્યા હોય એવી ટ્રેઝર હન્ટની થીમમાં છેલ્લે કશુંક આશ્ચર્યજનક રહસ્ય ખૂલે એ અપેક્ષિત હોય છે. જ્યારે એવું ન થાય, ત્યારે અધૂરા ભાણે ઊભા થઈ ગયા હોઇએ એવું લાગે. અહીં ફાઇન્ડિંગ ફેનીમાં કંઇક એવું જ થાય છે.

હા, એટલું સ્વીકારવું પડે કે ફિલ્મનું ટાઇટલ સોંગ ‘ઓ ફેની રે’ એકદમ મસ્ત બન્યું છે. બાકી છેલ્લે આવતું ‘શેક યૉર બુટિયા’ જોવા જેટલી ધીરજ લોકોમાં બચશે તેવું માનવું વધારે પડતું છે!

આ ફેનીને શોધવા જવાય?

જો તમને ગ્રીન ટી જેવી માઇલ્ડ ટેસ્ટવાળી કોમેડી ગમતી હોય, તો કદાચ તમને આ ફિલ્મ ગમી શકે. અથવા તો ફિલ્મની સ્ટોરી અને પાત્રોમાંથી જીવનમાં પ્રેમની તલાશ, જે છૂટી ગયું છે તેને બદલે જે છે તેનો ઓચ્છવ મનાવવો જોઇએ કે માત્ર ઈચ્છા કરવાથી કશું ન મળે, શોધવા નીકળીએ તો મળે… એવા બધા મેટાફર શોધવા ગમતા હોય તો કદાચ તમને આ ફિલ્મ થોડી ગમી શકે. નહીંતર આ ફિલ્મ પોણા બે કલાકનો કંટાળોત્સવ જ છે!

રેટિંગ: ** (બેસ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ગુન્ડે

વોહી પુરાને ઠંડે ફંડે

ઇન્ટ્રોઃ ગુન્ડે ફિલ્મ રામ ગોપાલ વર્માની કંપનીમાં લવ ટ્રાયેંગલનું અટામણ નાખીને બનાવાઇ છે, પણ બોર કરી મૂકે છે.

આજથી એક્ઝેક્ટ 110 વર્ષ પહેલાં અમેરિકન સંશોધકબંધુઓ ઓરવિલ અને વિલ્બર રાઇટે જ્યારે પહેલું ‘વિમાન’ હવામાં ઉડાડ્યું, ત્યારે લાખ પ્રયત્નો છતાં 59 સેકન્ડ્સમાં જ જમીન પર પટકાયું હતું. આ વેલેન્ટાઇન્સ ડે પર રિલીઝ થયેલી અલી અબ્બાસ ઝફરની બડ્ડી મુવી ‘ગુન્ડે’નું પણ એવું જ છે. ફિલ્મના એન્જિનમાં ભરચક મસાલા નાખીને તેને ઉડાડવાનો પ્રયત્ન કરાયો છે, પણ ફિલ્મ ટેક ઓફ થયા ભેગી જ લેન્ડ થઇ જાય છે.

થોડે કચ્ચે હૈ, પર બંદે અચ્છે હૈ!

ગુન્ડે વાર્તા છે બાંગ્લાદેશના સર્જન સાથે રેફ્યુજી હોવાનું દર્દ લઇને કલકત્તામાં ફરતા બે અનાથ ટાબરિયાં બિક્રમ અને બાલાની. પેટનો ખાડો પૂરવા માટે બેય દોસ્તાર માલવાહક ટ્રેનોમાંથી કોલસાની ચોરી કરવા માંડે છે. મોટા થયા પછી બિક્રમ (રણવીર સિંહ) અને બાલા (અર્જુન કપૂર) કોલસા ઉપરાંત હિલ્સા માછલીઓ, બર્માનું ઇમારતી લાકડું, એલપીજી ગેસ, અનાજ બધાંનું બ્લેકમાર્કેટિંગ કરીને કલકત્તાના સૌથી મોટા ગુંડા બની જાય છે. એ બંને ગુંડા ખરા, પણ આમ ગુડ એટ હાર્ટ, યાની કિ રોબિન હૂડ ટાઇપના સારા માણસ! એમનો ત્રાસ દૂર કરવા માટે પોલીસ એસીપી સત્યજિત સરકાર (ઇરફાન ખાન)ને આખો કેસ સોંપે છે. ઇરફાન આ બંને જય-વીરુની બેન્ડ બજાવવાનું શરૂ કરે છે, ત્યાં જ એ બંનેની પુંગી બજાવી દેનારી એક કેબ્રે ડાન્સર નંદિની (પ્રિયંકા ચોપરા)ની એન્ટ્રી થાય છે.

પ્રિયંકાની એન્ટ્રી સાથે આ બંનેના દિલમાં એકસાથે ઘંટી વાગે છે અને બેય એના પ્રેમમાં પડી જાય છે. પરંતુ છેક ‘સંગમ’ અને ‘સાજન’ના જમાનાથી ચાલ્યું આવે છે એમ બર્મ્યુડા ટ્રાયેંગલ જેવો ગમખ્વાર લવ ટ્રાયેંગલ સર્જાય છે. એમાંય જ્યારે બાલિયાને ખબર પડે છે કે આ નંદિની તો બિક્રમિયાની સંગિની બનવા માગે છે, એટલે એના રૂંવેરૂંવે આગ લાગે છે. એ ‘દોસ્ત દોસ્ત ના રહા’ જેવું સેડ સોંગ ગાઇને ચલાવી લેવાને બદલે આખું કલકત્તા જલાવી દેવાની કસમ ખાય છે. ત્યાં જ મિથુન ચક્રવર્તીની નેવુંના દાયકાની સી ગ્રેડ ફિલ્મોમાં આવતો એવો ટ્વિસ્ટ આવે છે અને ફિલ્મ કલકત્તાથી શિફ્ટ થઇને ધનબાદની કોલસાની ખાણોમાં ભટકવા માંડે છે.

ચલો, ગુન્ડે કે પ્લસ પોઇન્ટ્સ ઢૂંઢે

‘મેરે બ્રધર કી દુલ્હન’ બનાવી ચૂકેલા અલી અબ્બાસ ઝફર હોલિવૂડની સ્પઘેટી વેસ્ટર્ન પ્રકારની ફિલ્મોથી ભારે પ્રભાવિત હોય એવું લાગે છે. કેમ કે, આ ફિલ્મની આખી રફ ફીલ એ (આપણી ‘શોલે’ હતી એવી) સ્પઘેટી વેસ્ટર્ન પ્રકારની જ આવે છે. આ ઉપરાંત એમાં રિચર્ડ ગેર અભિનિત ‘શિકાગો’ અને બ્રુસ લીની ‘એન્ટર ધ ડ્રેગન’ ટાઇપની ફાઇટનો ફાળો પણ ખરો. પરંતુ ચાલો, અપુન મોકળું મન રાખીને ગુન્ડે કે પોઝિટિવ ફન્ડે ઢૂંઢે…

પોઇન્ટ નંબર-1: બાંગ્લાદેશના સર્જન વખતની પરિસ્થિતિ અને સિત્તેર-એંસીના દાયકાનું કોલકાતા ઝફરકુમારે અબાદ ઝીલ્યું છે. થિયેટરમાં ઝંજીરથી લઇને મિસ્ટર ઇન્ડિયા ચાલતી હોય કે રેડિયોમાં વિવિધ ભારતી પર ‘ચલો દિલદાર ચલો’ ગીત વાગતું હોય કે પછી હીરોગીરી ઝાડવા માટે રાજેશ ખન્નાના નામનો ઉપયોગ હોય… બધું એકદમ મસ્ત લાગે છે. ઇવન, ધનબાદની ખાણોની તમામ સિક્વન્સ પણ અનુરાગ કશ્યપની ‘ગેંગ્સ ઓફ વસેપુર’ની જેમ ખાસ્સી રસપ્રદ લાગે છે. મતલબ કે આર્ટ ડિરેક્શન ડિપાર્ટમેન્ટને ફુલ માર્ક્સ.

પોઇન્ટ નંબર-2: ઇરફાન ખાન. ઇરફાનને એક્ટિંગ કરતો જુઓ એટલે તમને ખબર પડે કે હીરો અને એક્ટર વચ્ચે શું ફરક હોય છે. પોતાની ટેલેન્ટ બતાવવા માટે ઇરફાનને સિક્સ પેક એબ્સ બનાવવાની કે રંગબેરંગી ચશ્માં પહેરવાની કે પછી પોતાનાં કપડાં ફાડીને વિલનલોગને એક મુક્કે ઉડાડવાની જરૂર નથી પડતી. એ માત્ર પોતાની હાજરીથી, આંખોથી કે સિમ્પલ ડાયલોગ ડિલિવરીથી જ તમારા પર છવાઇ જાય છે.

પોઇન્ટ નંબર-3: ભલે છૂટાછવાયા, પણ દમદાર ડાયલોગ્સના ચમકારા. અલી અબ્બાસ ઝફરે પોતે લખેલા સંવાદોમાં શ્રાવણ મહિનાનાં સરવડાંની જેમ મજા પડી જાય એવા સુપર્બ ડાયલોગ્સનાં ઝાપટાં પડી જાય છે. જેમ કે, યે વક્ત ઐસા થા, જબ બંદૂકેં ગિનતી મેં ઇન્સાનોં સે ઝ્યાદા થી; પિસ્તૌલ કી ગોલી ઔર લૌંડિયા કી બોલી, દોનોં હી મેં જાન કા ખતરા રહતા હૈ; જિસ બંગાલી કો ફૂટબૉલ પસંદ નહીં, ઉસ પે સાલા ભરોસા હી નહીં કરના ચાહિયે…

પોઇન્ટ નંબર-4: કેમિસ્ટ્રી. ના, હીરો-હિરોઇન વચ્ચેની નહીં, ફિલ્મના બંને લીડિંગ એન્ટિ હીરો રણવીર સિંહ અને અર્જુન કપૂર વચ્ચેની જોરદાર ફિઝિક્સથી ભરચક કેમિસ્ટ્રી. ઘણા સમય પછી આવેલી બે દોસ્તારવાળી ‘બડ્ડી મુવી’માં બેય જોડીદાર એક સિક્કાની બે બાજુ હોય એવા એકબીજાના સજ્જડ પૂરક લાગે છે.

ગુન્ડે કે માઇનસ ફન્ડે

માઇનસ નંબર-1: ખાલી પેકેજિંગ જોરદાર, બાકી એ જ લવ ટ્રાયેંગલની ઘિસીપિટી સ્ટોરી. જાણે રામ ગોપાલ વર્માંની ફિલ્મ ‘કંપની’માં પ્રેમનું અટામણ નાખીને બનાવાઇ હોય એવી જ આ વાર્તામાં થ્રિલ ક્યાંક મિસિંગ છે. બધા જ કલાકારો દાંત ભીંસીને રાડો પાડી પાડીને ઓવર એક્ટિંગથી ભરચક ડાયલોગ્સ બોલે છે, પણ પેટમાં પતંગિયા બોલે એવી થ્રિલ ક્યાંય આવતી જ નથી.

માઇનસ નંબર-2: ફિલ્મની લંબાઇ અને ઢગલાબંધ ગીતો. 153 મિનિટની લંબાઇ ધરાવતી આ ફિલ્મમાં 42 મિનિટનાં તો ગીતો ઠપકારાયાં છે, જે અજગર જેવી ફિલ્મને એનાકોન્ડા જેવી લાંબી બનાવી દે છે. સોહેલ સેનનાં એકાદ-બે ગીત સારાં છે, પણ બિનજરૂરી સોંગ્સ ફિલ્મની ગતિ ગોકળગાય જેવી બનાવી દે છે. પોણી ફિલ્મ પતી જાય પછી છેક કહાનીમાં (પ્રીડિક્ટેબલ!) ટ્વિસ્ટ આવે છે, પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ચૂક્યું હોય છે.

માઇનસ નંબર-3: ઓર્ડિનરી એક્ટિંગ. જસ્ટ જિમ્નેશિયમમાંથી બહાર નીકળ્યા હોય એવા બંને લીડિંગ હીરો જોવા ગમે છે, પણ એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં માંડ ચઢાવો પાસ થાય છે. એમાંય રણવીર સિંહ તો ‘રામ-લીલા’ની જ એક્ટિંગ રિપીટ કરી રહ્યો છે, જે તેની એક્ટિંગની મર્યાદા બતાવે છે. પ્રિયંકાએ પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહીને જ એક્ટિંગ બતાવી છે. માત્ર ઇરફાન જ તમને ઇમ્પ્રેસ કરે છે. પરંતુ ઇન્ટરવલ પછી એ ભાગ્યે જ સ્ક્રીન પર દેખાય છે. એ એકલો જ આ ફિલ્મને બચાવી શક્યો હોત, પણ એના ભાગે સ્ક્રીન પ્રેઝન્સ તદ્દન ઓછું આવ્યું છે. ફિલ્મમાં સૌરભ શુક્લા અને વિક્ટર બેનર્જી જેવા ધરખમ અદાકારો પણ છે, પણ એ બિચારા આ બોડી બિલ્ડરોની માથાકૂટમાં હાંશિયામાં ધકેલાઇ ગયા છે.

માઇનસ નંબર-4: શરણાર્થી બાળ કલાકારોની એક્ટિંગ અને એમના મોઢે બોલાયેલા સંવાદો કન્વિન્સિંગ નથી લાગતા. ખાલીપીલી ભાંજગડમાં ઊતરતા બંને હીરો કલકત્તાના સૌથી મોટા ગુંડા હોય એવું લાગતું જ નથી. શરૂઆતમાં કહેવાય છે કે આ બંનેના હૃદયમાં શરણાર્થી હોવાનું દર્દ છુપાયેલું છે, પણ ઇન્ટરવલ પછી એ દર્દ ધનબાદની કોલસાની ખાણમાં ક્યાંક ધકેલાઇ જાય છે. અરે, ફિલ્મની શરૂઆતમાં ઇરફાન સૂત્રધાર બતાવાયો છે, પરંતુ ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં સૂત્રધાર બદલાઇને અર્જુન કપૂર થઇ જાય છે, એવું કેવું?!

ગુન્ડે કો કિતને અંડે?

બે દોસ્તાર મળીને કાનૂનને ઠેબે ચડાવતા હોય એવી ‘બડ્ડી મુવીઝ’ પ્રકારની સ્ટોરી જો તમને ગમતી હોય, તો હોલિવૂડમાં 1969માં આવેલી ફિલ્મ ‘બચ કેસિડી એન્ડ સનડેન્સ કિડ’ જોવી. અધકચરી પાકેલી વાનગી જેવી આ ફિલ્મ ‘ગુન્ડે’ તમને અમુક પાર્ટ્સમાં મજા કરાવશે, પણ અઢી કલાકને અંતે તમે કંટાળીને જ બહાર નીકળવાના.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements