મુબારકાં

 દિમાગ દી લસ્સી

***

તાજેતરના વરસાદમાં પાણીથી ફાટ ફાટ થતા ધરોઈ ડૅમ પર ઊંધે માથે લટકાવ્યા પછી માણસની જે હાલત થાય તે કદાચ આ ફિલ્મ જોઇને નીકળેલા દર્શક કરતાં તો સારી જ હશે.

***

mubarakan-title-song-track-lyrics-mp3-hd-video-online-image-1ડિરેક્ટર અનીસ બઝમીની ફિલ્મો પાસેથી આમ તો ગાદી પર બેસતા રાજકારણીઓ જેટલી જ અપેક્ષા હોય, કે ભઈ, આ ખાસ કશું ઉકાળવાના છે નહીં, પરંતુ પ્રથા છે એટલે પાલન કરવું પડે છે. પરંતુ આ લેટેસ્ટ ‘મુબારકાં’ સહનશક્તિના લિટમસ ટેસ્ટ તરીકે વાપરી શકાય તે હદે ત્રાસદાયક છે. ઉપરથી પ્રેક્ષક તરીકે તમે એકલા છો અને સામે પડદા પર હુમલો બોલાવવા માટે આખી કપૂર આર્મી છે.

કમઠાણનો કરામત વિનાનો કસબ

આમ તો આ ફિલ્મની સ્ટોરી સમજાવવી એ ‘વ્યાપમ’ કૅસની આંટીઘૂંટીઓ સમજવા કરતાં પણ અઘરું કામ છે. છતાં વાત એટલી છે કે બે અલગ અલગ સગાં પાસે લંડન અને ચંડીગઢમાં મોટા થયેલા બે ભાઇઓ કરન અને ચરન (બંને અર્જુન કપૂર)ને પૈણ ઊપડ્યું છે. આમ બંને લંબચોરસ થઈ જાય એ હદે પઠ્ઠા જેવા છે, પણ પોતપોતાના વડીલોને કહેવામાં એમની જીભને કાંટા વાગે છે. એટલે એમના ચાચા કમ મામા કરતાર સિંઘ (અનિલ કપૂર)ની મદદથી જાતભાતની ચક્રમ જેવી સ્કીમો વિચારતા રહે છે અને કન્ફ્યુઝનનો કાટમાળ ખડકતા રહે છે.

હાનિકારક હાસ્ય

‘મુબારકાં’નાં ઍન્ડ ક્રેડિટ્સમાં પડદા પાછળનાં દૃશ્યો જોઇને આપણને ખ્યાલ આવે છે કે ફિલ્મના કલાકારોને પણ એકબીજાનાં નામો યાદ રાખવામાં ફેં ફાટતી હતી. ત્રણ અલગ અલગ દિશામાં ફેલાયેલા એટલા બધા લોકો આ ફિલ્મમાં છે કે કોણ કોનું શું થાય અને કોનું લશ્કર ક્યાં શા માટે લડે છે તે સમજવા માટે ફિલ્મની ટિકિટની સાથે એક ફ્લોચાર્ટ આપવા જેવો હતો. અહીંયા અર્જુન કપૂર છે, અનિલ કપૂર છે, છોટે ભૈયા સંજય કપૂર પણ ‘હું રહી ગયો’ એમ કહીને આંટો મારી જાય છે. તો પછી લગે હાથ શ્રીદેવીભાભી અને એમની કુડીનાં પણ કંકુ પગલાં કરાવી નાખ્યાં હોત તો? આ ફિલ્મને સરસ ફેમિલી આલ્બમની જેમ જોઈ શકાત ને?

પહેલી વાત તો એ કે અહીંયા અર્જુન કપૂરના ડબલ રોલની શી જરૂર હતી? એમના ડબલ રોલને છાજે એવી એક પણ સિક્વન્સ નથી. હશે ચાલો, અપના બચ્ચા હૈ, થોડા હસ ખેલ લિયા. કોઈ ગલ નહીં. પરંતુ અનીસ બઝમીની ફિલ્મ પાસે ‘વેલકમ’ જેવી બાય ફ્લૂક સારી બની ગયેલી કોમેડીની અપેક્ષા હોય. પરંતુ અહીં કોમેડીનું બાલિશ સ્તર કેવું છે તેનાં સૅમ્પલ જુઓઃ એક અત્યંત ગંભીર સીનમાં પવન મલ્હોત્રા જેવો દમદાર એક્ટર કહે છે, ‘તેં મને કૂતરો કહ્યો? જા તું કૂતરો.’ આ જ પવન મલ્હોત્રા અન્ય પાત્રો વાત ન કરી શકે એ માટે મોટા અવાજે કોગળા કરીને કોમેડી પેદા કરે છે. બે જોડિયાં બાળકોનાં છૂટા પડવા વિશે (વિજય રાઝ દ્વારા બોલાયેલો) વોઇસ ઑવર કહે છે, ‘ટ્વિન્સ કો ટ્વિન ટાવર કી તરહ અલગ કર દિયા.’ (રિયલી? ૨૧મી સદીની સૌથી ટ્રેજિક ઘટનાનો જસ્ટ પ્રાસ મેળવવા માટે કોમેડીમાં ઉપયોગ?) ‘યે મૂલી હૈ પર મામુલી નહીં.’ જજમેન્ટલ થવા બદલ સોરી, પરંતુ આ સ્તરની કોમેડીમાં ખડખડાટ હસનારા લોકોને શૂન્યથી ત્રણ વર્ષનાં બાળકો માટે બનેલાં રમકડાંથી રમવામાં પણ એટલી જ મજા પડતી હશે.

પંજાબી ક્લિશૅનું તો આ ફિલ્મ શૅડકાર્ડ છે. એટલે જ કોઈ જ કારણ વિના ફિલ્મમાં દર પાંચ મિનિટે ગુરુદ્વારા આવ્યા કરે, પંજાબીઓ હાથમાં વ્હિસ્કીના ગ્લાસ કે એ ન હોય તો લસ્સીના ગ્લાસ વગર વાત ન કરી શકે, પંજાબીઓને કાં તો કારની ડીલરશિપ હોય અથવા તો પાંચ-પચીસ ડઝન ટ્રેક્ટરોના માલિક હોય, એ લોકો વિરામચિહનોની જગ્યાએ ‘પૈરી પૌના’, ‘જિઉંદા રેહ’ વાપરતા હોય, પંજાબમાં દરેક ગલી-દરેક ખેતરમાં લોકો ભાંગડા અને જાતભાતનાં કરતબો જ કરતા હોય વગેરે વગેરે. સ્ટોરી પંજાબમાં ચાલી રહી છે કે લંડનમાં તે જણાવવા માટે બંનેના એટલા બધા ઍરિયલ શૉટ્સ મુકાયા છે જો એ કાઢી નખાય તો ફિલ્મની લંબાઈ કદાચ અડધો કલાક ઘટી જાય.

પરંતુ ખરો પ્રોબ્લેમ છે આ ફિલ્મનો અન્ડરટોન. એક તો તેના પઠ્ઠા જેવા ગભરુ જવાન હીરોલોગમાં એટલી ત્રેવડ નથી કે તે પોતે જેને પ્રેમ કરે છે તેને માતાપિતા સાથે મળાવી શકે. ઉપરથી કોમેડીના નામે ત્રણ યુવતીઓ રીતસર ‘ચલક ચલાણું, ઓલે ઘેર ભાણું’ની જેમ અહીંથી તહીં ફંગોળાતી રહે છે. સૌથી ખરાબ સ્થિતિ થઈ છે નેહા શર્માની. ટ્રેલરમાં ક્યાંય ન દેખાયેલી આ ક્યુટ હિરોઇન ફિલ્મનું એકમાત્ર વર્કિંગ વુમન કેરેક્ટર છે. પરંતુ તેને આપણો મહાન હીરો માત્ર એટલા માટે રિજેક્ટ કરે છે કેમ કે એ મુસ્લિમ છે. યુ નૉ, ‘પાપાજી કો બહુ કે તૌર પર એક શીખની હી ચાહિયે.’ એટલે સચ્ચા પ્યારના કૉટિંગ હેઠળ એના પાત્રને બીજા કોઈ સાથે લિટરલી વળગાડીને ફિલ્મમાંથી રવાના કરી દેવાય છે. જસ્ટ લાઇક ધેટ. કન્યાના પિતા પાસેથી લગ્નના દરેક ખર્ચા બદલ દર થોડી વારે બૅન્ક કાર્ડ માગવામાં આવે એ પણ જસ્ટ કોમેડી સારુ.

આ ફિલ્મની લંબાઈ પૂરા ૨ કલાક ને ૩૬ મિનિટ છે. ફિલ્મની સ્ટોરી એવી છે કે મન પડે ત્યાં સુધી સૌ કન્ફ્યુઝન-કન્ફ્યુઝન રમે અને પછી થાય કે ચાલો હવે પૅક અપ હોં, એટલે ફિલ્મ સંકેલી લેવામાં આવે. થિયેટરમાં નાસ્તાનો કારોબાર ચાલતો રહે એ જ એકમાત્ર હેતુથી અહીં દર થોડી વારે ઘોંઘાટિયાં ગીતો આવે છે. ગીતો અને ફિલ્મની સ્ટોરીને રીતસર કોઈ જ લેવાદેવા નહીં. એટલે સુધી કે ‘હવા હવા’ સોંગની પહેલાં હિરોઇન ઇલિઆના ડીક્રૂઝ કોઈ વાતે રિસાયેલી છે. વચ્ચે એ કમર હલાવીને ગીત ગાઈ લે છે. ગીત પછી ફરી પાછાં રિસામણાં ચાલુ.

ફિલ્મમાં અડધાં પાત્રો તો શા માટે ધક્કામુક્કી કરવા મુકાયાં છે એ જ સમજાય એવું નથી. પરંતુ આશ્ચર્ય એ વાતનું થાય કે પવન મલ્હોત્રા કે રત્ના પાઠક શાહ સરીખા કલાકારો શું માત્ર ગિલ્ટી પ્લેઝર માટે જ આવી ફિલ્મો કરતા હશે? ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’માં ટૉપ ક્લાસ કોમેડી કરનારાં રત્ના પાઠકે અહીં લિટરલી પડી-આખડીને અને કૃત્રિમ પંજાબી બોલીને કોમેડી કરવી પડે? એકમાત્ર અનિલ કપૂરે પોતાની એક્ટિંગની ટચલી આંગળી પર આ ઘોંઘાટિયા ફિલ્મનો ગોવર્ધન ઊંચક્યો છે. પરંતુ એમના કૅલિબરના એક્ટર આના કરતાં હજાર દરજ્જે સારી ફિલ્મો ડિઝર્વ કરે છે. અથિયા શેટ્ટી પણ ફિલ્મમાં માત્ર ‘નૅપોટિઝમ રૉક્સ’ બોલવા માટે જ આવી હોય એવું લાગે છે.

હાસ્યનો આઇડિયા

આખું અઠવાડિયું નોકરી-ધંધાની મગજમારીઓ કરીને કંટાળ્યા છીએ, ગમે તેમ કરીને હસવું છે પછી ભલે ગમે તે સ્તરની કોમેડી હોય અને ફેંકી દેવા માટે ત્રણ કલાક ને બહુ બધા પૈસા ફાજલ પડ્યા હોય, તો આ ફિલ્મ તમારા વીકએન્ડનો એક વિકલ્પ બની શકે. બાકી આ નાયગ્રા ધોધ કરતાં પણ લાઉડ અને મગજ વિનાની ફિલ્મ જોવા કરતાં બૉક્સ ઑફિસ પર બીજા ઘણા સારા વિકલ્પો ઉપલબ્ધ છે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

હાફ ગર્લફ્રેન્ડ

Fake ગર્લફ્રેન્ડ

***

જૂની, ચવાયેલી, ઢીલી અને પ્રીડિક્ટેબલ સ્ટોરી ધરાવતી આ ફિલ્મ એટલી લાંબી લાગે છે કે તેને ‘હાફ’ નહીં, બલકે ‘હાંફ ગર્લફ્રેન્ડ’ કહેવાની ઇચ્છા થઈ આવે.

***

maxresdefault2ચેતન ભગતનાં પુસ્તકોની ટીકા કરીને ઇન્ટલેક્ચ્યુઅલ દેખાવું એ ઘણા બધા લોકોનો ફેવરિટ પાસટાઇમ છે. પરંતુ ચેતન ભાઉ નબળી નવલકથા લખે અને પોતે જ પૈસા ઓરીને તેના પરથી PVCના પાઇપ જેવી આર્ટિફિશ્યલ અને ખોખલી ફિલ્મ પ્રોડ્યુસ કરે ત્યારે એના પ્રશંસકો પણ કોપભવનમાં બિરાજમાન થઈ જાય. આમ તો આ ફિલ્મનું પૂરું નામ કોઈ રેડિયો જાહેરખબર જેવું ‘હાફ ગર્લફ્રેન્ડ – દોસ્ત સે ઝ્યાદા ગર્લફ્રેન્ડ સે કમ’ એવું છે. પરંતુ આખી ફિલ્મમાં એટલી બધી નકલી લાગે તેવી બેતુકી વાતો ભરી છે કે ફિલ્મનું નામ બદલીને ‘Fake ગર્લફ્રેન્ડ-ફિલ્મી ઝ્યાદા દિમાગ સે કમ’ કરી દેવા જેવું હતું.

હાફ હાર્ટેડ લવ સ્ટોરી

મોટા ભાગના લોકોએ ચેતન ભગતની નવલકથા ‘હાફ ગર્લફ્રેન્ડ’ વાંચી જ હશે. છતાં ઘણા એવા ખુશનસીબ લોકો હશે જેઓ આ બુક વાંચવાથી વંચિત રહ્યા હશે. એમના લાભાર્થે એમને ફિલમમાં શું સહન કરવાનું છે તેની ઝલકઃ બિહારના સિમરાવ ગામના રાજવી પરિવારનો ફરજંદ માધવ ઝા (અર્જુન કપૂર) સોશ્યોલોજીમાં BA કરવા માટે દિલ્હીની મશહૂર કોલેજમાં ઍડમિશન લે છે. એક પણ પિરિયડ ભર્યા પહેલાં એને રિયા સોમાણી (શ્રદ્ધા કપૂર) નામની કોલેજની સૌથી હૉટ છોકરી સાથે ઇશકવા થઈ જાય છે. મમ્મીને ફોન કરીને પણ કહી દે છે કે આપણી લાઇફ સેટ છે હવે. રિયા એની સાથે બાસ્કેટ બૉલ રમે છે, ડિનર પર-ફિલ્મ જોવા જાય છે, દારૂ પીવે છે, પપ્પીઓ કરે છે, એના રૂમમાં આરામ કરવા પણ આવે છે, છતાં એક ભેદી ફોર્મ્યુલા કાઢીને કહે છે કે એ એની ‘હાફ ગર્લફ્રેન્ડ’ છે. એક દિવસ એ એને કંકોતરી આપીને ગાયબ થઈ જાય છે. પછી બેએક વર્ષ પછી ડૉલ્ફિનની જેમ ફરી સપાટી પર આવે છે અને એ જ રીતે ગાયબ થઈ જાય છે. આ બાજુ માધવ ‘રિયા ક્યાંય નથી જીવનમાં’ ગાતો ગાતો એને શોધવા નીકળે છે.

દોસ્તી માઇનસ પ્યાર બરાબર કંટાળો

‘૩ ઇડિયટ્સ’ વખતે રાજુ હિરાણી એન્ડ કંપનીએ ચેતન ભગતને ફિલ્મમાં યોગ્ય ક્રેડિટ નહોતી આપી અને ચેતને જબરી રડારોળ મચાવેલી. આજે આઠ વર્ષ પછી એ જ ચેતન ભગતે પોતાની જ બુક પરથી બનેલી ફિલ્મ કૉ-પ્રોડ્યુસ પણ કરી છે. એટલું જ નહીં, ટાઇટલમાં ચાર અને ઍન્ડમાં એક એમ કુલ પાંચ વખત ક્રેડિટ પણ લીધી છે. ‘કેહ કે લૂંગા’ તે આનું નામ. થૅન્ક ગૉડ, કે નવલકથાની જેમ ચેતનભાઈએ પોતાની ફિલ્મમાં મહેમાન ભૂમિકા નથી કરી. પરંતુ ચેતન ભગતની એ નવલકથામાં જે કાગળ પર તે છપાઈ હતી તે સિવાયનું કશું જ અસલી નહોતું. હવે એમાં ઉમેરો કરવા માટે ડિરેક્ટર મોહિત સૂરિએ પોતાનો યથાશક્તિ ફાળો આપ્યો છે.

આ ફિલ્મમાં રહેલી તદ્દન ફૅક બાબતોની યાદી બહુ મોટી છે. લિસ્ટ આ રહ્યું: શ્રદ્ધા કપૂરની બાર્બી ડૉલ છાપ ક્યુટનેસ, એનું ગિટાર ખંજવાળવું, ગાતી વખતે એના ફફડતા હોઠ અને એનું બૉટલથી પાણી પીવું (જેમાં હોઠ સિવાયનો એકેય સ્નાયુ હલે નહીં), સાવ ટૂંકાં લગભગ પારદર્શક નાઇટવેર પહેરીને એણે રમેલું શીખાઉ બાસ્કેટબૉલ, એનાં મમ્મી-પપ્પાની હિંસક મગજમારી, શ્રદ્ધાએ અર્જુનને કરેલી બરફગોળો ચૂસતી હોય એવી ઑર્ગેનિક કિસ, અર્જુન કપૂરની ચાઇનીઝ માલ જેવી બિહારી બોલી, એનું ખોટેખોટું બોલાયેલું ખોટું ઇંગ્લિશ, એના કાલ્પનિક ગામની સ્કૂલ- જ્યાં સ્કૂલ એકદમ ચકાચક તાજ્જી પેઇન્ટ કરેલી હોય પણ એમાં ટોઇલેટ જ ન બનાવેલું હોય, દિલ્હીની કોલેજના કાર્ટૂન જેવા ઇન્ટરવ્યૂઅરો, સવારે 9-20એ વાગતા ઘડિયાળના ડંકા, અર્જુન કપૂરની બકવાસ ઇંગ્લિશમાં બોલાયેલી સ્પીચ અને એ સાંભળીને ખાલીખોટા ઇમ્પ્રેસ થયેલા નકલી બિલ ગૅટ્સ. જી હા, આ ફિલ્મનું સૌથી ફૅક અને હાસ્યાસ્પદ પાત્ર છે ‘માઇક્રોસોફ્ટ’ના સર્વેસર્વા બિલ ગૅટ્સ. ફિલ્મમાં કોઈ વ્હાઇટ કલાકારને ચશ્માં પહેરાવીને તેના મોં પર બિલ ગૅટ્સનો ચહેરો ચોંટાડી દીધો છે. તે ચહેરો જાણે સ્ટિકર ચોંટાડ્યું હોય તેવો તદ્દન કાર્ટૂનિશ, ડરામણો અને ગંદો લાગે છે. આના કરતાં તો કોઈ સસ્તી ભોજપુરી ફિલ્મની સ્પેશ્યલ ઇફેક્ટ કે ‘સ્નૅપચેટ’નું ફૅસ સ્વૉપ ફીચર વધુ વાસ્તવિક લાગે. જો સ્કૂલમાં જાજરૂ બનાવવા માટે ફંડ જોઇતું હતું, તો અત્યારે દેશભરમાં ચાલી રહેલી ‘સ્વચ્છ ભારત મિશન’ ઝુંબેશ હેઠળ બનાવાય ને? એમાં બિલ ગૅટ્સને હેરાન કરવાની ક્યાં જરૂર હતી?

ચેતન ભગતે એક ગિમિક તરીકે અને પોતાની નવલકથાઓને એક આંકડાથી શરૂ કરવા માટે ‘હાફ ગર્લફ્રેન્ડ’નું નામકરણ કરેલું. નવલકથામાં તો તે હજીયે જસ્ટિફાય થયેલું. પરંતુ અહીં જ્યારે રિયા-માધવને મળવા માટે બાલ્કની કૂદી જતી હોય, આખો વખત એની સાથે જ રહેતી હોય, આગળ કહ્યું એમ એને કિસ કરતી હોય, એની સાથે એના બૉય્ઝ હૉસ્ટેલના રૂમમાં (બારી ખુલ્લી હોવા છતાં) સૂવા આવતી હોય, પોતાનાં પેરેન્ટ્સને પણ મળાવતી હોય, છતાં એ કહે કે, ‘ભૂમિતિમાં લખ્યા પ્રમાણે હું તો તારી હાફ ગર્લફ્રેન્ડ જ છું’, તો એ કોને ગળે ઊતરે?

સદા ‘હું ક્યુટ છું’ એવા હાવભાવ લઇને ફરતી શ્રદ્ધા કપૂર જે રીતે દરેક ફિલ્મમાં ભરતડકે પણ વરસાદ લાવતી ફરે છે, એ જોતાં એને દર ઉનાળે ભારતભ્રમણ કરાવવું જોઇએ. દેશની પાણીની સમસ્યા ચૂટકિયોં મેં દૂર થઈ જાય. બીજા જ દૃશ્યથી છેક સવા બે કલાક છેટેના ક્લાઇમેક્સ સુધીનું ક્લિયર જોઈ શકાય એટલી આ ફિલ્મ પ્રીડિક્ટેબલ છે. પરંતુ ડાઇજેસ્ટિબલ નથી. ફોર એક્ઝામ્પલ, આટલી પ્રચંડ સિક્યોરિટી છતાં લડકા-લડકી માત્ર હૅંગઆઉટ કરવા માટે ઇન્ડિયા ગૅટની ઉપર કઈ રીતે ચડી શકે? એ પણ વારંવાર. શ્રદ્ધાની મદદથી અર્જુન કપૂર અંગ્રેજી શીખે અને કિન્ડર ગાર્ટનના વિદ્યાર્થી જેવી સ્પીચ આપે ને એ સાંભળીને બિલ ગૅટ્સ પાંચ વર્ષમાં ૧ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપે એ જેટલું અપથ્ય છે, એના કરતાં ક્યાંય વધુ અનકન્વિન્સિંગ વાત એ છે કે એવા ડબ્બુને અમરિકામાં યુનાઇટેડ નૅશન્સની ઇન્ટર્નશિપ પણ મળી જાય.

જોકે ગણિતના પૅપરમાં ખોટા જવાબ છતાં સ્ટૅપ્સના માર્ક આપવા પડે એ રીતે થોડીક સારી બાબતો પણ છે. જેમ કે, અહીં સ્ટોરી સતત આગળ-પાછળ ભટક્યા કરે છે, પરંતુ એક પુસ્તક પરથી ફિલ્મ બનાવી છે તેવો ભાર વર્તાતો નથી. એક સળંગ દૃશ્યમાં ચાલતાં ચાલતાં ત્રણ ઋતુઓ બદલાઈ જાય એ દૃશ્ય ખરેખર ઇન્ટેલિજન્ટ છે. અર્જુન કપૂરની ઍક્ટિંગ તો પ્લાયવૂડને પણ હંફાવી દે એવી નૅચરલ છે. પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચે છે એનો દોસ્ત શૈલેષ બનતો એક્ટર વિક્રાંત મૅસી. એ હેન્ડસમ તો છે જ, પ્લસ એનો ચહેરો પણ અંદર ચાલતા હાવભાવ કળી શકાય એવો પારદર્શક છે. ભારે કુશળતાથી એણે બિહારી અને અંગ્રેજી બોલીના ટ્રેક ચૅન્જ કર્યા છે. પૂરી ફિલ્મમાં શ્રદ્ધા જેટલી નૅચરલ નથી લાગી એના કરતાં ક્યાંય વધુ સ્વાભાવિક, હૉટ અને ભાવવાહી નાનકડા રોલમાં રિયા ચક્રવર્તી લાગી છે. વરિષ્ઠ અદાકારા સીમા બિશ્વાસના ભાગે સ્કૂલનું રજિસ્ટર છાતીસરસું ચાંપીને ફરવા સિવાય કશું જ નથી આવ્યું.

કર્ણપ્રિય મ્યુઝિક મોહિત સૂરિની ફિલ્મોનું મજબૂત પાસું રહ્યું છે. આ ઢીલી ફિલ્મમાં પોણો ડઝન જેટલાં ગીતો છે, એટલે કમર્શિયલ બ્રેકની જેમ વારેવારે ટપકી પડે છે. મોટાભાગનાં સોંગ્સ એકસરખાં જ લાગે છે. એમાંનાં ‘બારિશ’ અને અરિજિતે ગાયેલું ‘ફિર ભી તુમકો ચાહૂંગા’ થોડા સમયમાં દેશભરની ટેક્સીઓમાં વાગતાં થઈ જશે.

નો મીન્સ નો

‘પિંક’માં બચ્ચન સાહેબ કહી કહીને થાકી ગયા કે છોકરી ના પાડે એટલે છોકરાએ સમજીને અટકી જવાનું હોય. અહીં રિયા માધવને વારંવાર ના પાડીને જતી રહે છે, પરંતુ આ મહાશય એનો પીછો છોડતા જ નથી. આવી હેરાનગતિને અંગ્રેજીમાં ‘સ્ટૉકિંગ’ કહે છે, જે અત્યારના સંજોગોમાં આપણી ફિલ્મોમાં પ્રમોટ ન જ થવું જોઇએ. આમ તો આવી ચવાયેલી સ્ટોરી ધરાવતી ફિલ્મો પણ ન બનવી જોઇએ. પરંતુ દેશ સ્વતંત્ર છે, એટલે આપણે શું કરવું તે આપણને ખ્યાલ છે.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

તેવર

અર્જુન તેરા તેવર પુરાના

***

હિરોગીરીના તમામ તામસિક મરીમસાલાથી ફાટફાટ થતી આ ફિલ્મ એટલિસ્ટ એક દાયકા જેટલી વાસી લાગે છે.

***

tevar51એક ઓરિજિનલ કાગળની ઝેરોક્સની ઝેરોક્સની ઝેરોક્સની ઝેરોક્સ કાઢો તો એ નકલ કેવી હોય? બસ, આ શુક્રવારે રિલીઝ થયેલી અર્જુન કપૂર-સોનાક્ષી સિંહાની ‘તેવર’ જેવી, તદ્દન આઉટડેટેડ. ‘તેવર’ દરઅસલ મૂળ ૨૦૦૩માં બનેલી મહેશબાબુ-ભૂમિકા ચાવલાની ફિલ્મ ‘ઓક્કાડુ’ની પાંચમી રિમેક છે. એક દાયકામાં તો બે વાર દેશની સરકાર બદલાઈ જાય, ત્યારે આવી એકની એક સ્ટોરી લોકોની માથે મારવા પાછળ શું લોજિક હશે? યકીન માનો, એક ભાંગફોડિયા દબંગ હીરો, માથાભારે બાહુબલી નેતા અને પારેવા જેવી ગભરૂ હિરોઈનની મગજમારી સિવાય આ ફિલ્મમાં કશું જ નવીન નથી.

રાધા, કૃષ્ણ અને કંસ

મથુરા નગરીમાં એક લજામણીના છોડ જેવી ગભરુ બાળા રાધિકા (સોનાક્ષી સિંહા) પર ત્યાંના કંસ જેવા બાહુબલી નેતા ગજેન્દ્ર સિંહ (મનોજ બાજપાઈ) મોહી જાય છે. એ સીધું કન્યા પાસે જ માગું નાખી દે છે કે હવે તો તને પરણ્યે જ છૂટકો કરું. એનાથી બચવા ભાગતી ફરતી એ લજામણીકુમારી મારફાડ હીરો ઘનશ્યામ ઉર્ફ પિન્ટુ (અર્જુન કપૂર)ને ભટકાઈ જાય છે. ગામ આખાની મદદ કરવાનો હોલસેલ કોન્ટ્રેક્ટ લઇને બેઠેલો પિન્ટિયો આ બાળાને પણ બચાવવા નીકળી પડે છે.

વહી પુરાના ‘ફારમૂલા’

આ ‘તેવર’ જેવી ફિલ્મો ટિપિકલ મસાલા ફિલ્મોની કેટેગરીમાં આવે છે, જેમાં ઓલમોસ્ટ બધું જ એક નક્કી કરેલી ફોર્મ્યૂલા પ્રમાણે જ થાય. કોઇનાયે બાપાની સાડાબારી રાખ્યા વિના ઢીકાપાટું વળગાડતો હીરો હોય અને દેશ આખાની સિસ્ટમને બાપીકી જાગીર સમજીને ખિસ્સામાં લઈને ફરતો વિલન હોય. એ બંનેને ગમે તે કારણ ઊભું કરીને એકબીજા સાથે ભિડાવી દેવાના. અહીં એ કારણ છે હિરોઇન સોનાક્ષી સિંહા. પછી આગળની ફોર્મ્યૂલા પ્રમાણે બંનેની એન્ટ્રી પડે એટલે એક એક ગીત નાખવાનું. પછી સેવન કોર્સ ડિનરમાં જેમ સૂપ, સ્ટાર્ટર, મેઇનકોર્સ, ડિઝર્ટ વગેરે આવે એમ અહીં પણ એક આઇટેમ સોંગ, એક પાર્ટી સોંગ, એક લવ સોંગ, એક વિરહ ગીત ભભરાવાનાં. આપણે જોતાં થાકીએ પણ માર ખાઇનેય ન થાકે એવો ફોલાદી હીરો વિલનની આખી સેનાને ક્લિન બોલ્ડ કરી દે. અંતે ખાધું પીધું ને રાજ કર્યું જેવું હેપી એન્ડિંગ.

છતાં એવી ફિલ્મો સો-બસ્સો કરોડનો બિઝનેસ કરે છે એનાં મેઇન કારણ છે ફિલ્મના હીરોનો સ્ટાર પાવર અને વાર્તા કહેવાની સ્ટાઇલમાં નવીનતા. આ ‘તેવર’ પિક્ચરમાં હીરોગીરી નાના ગાદલામાં ઝાઝું રૂ ભરીએ એમ ઠાંસવામાં આવી છે, પરંતુ અર્જુન કપૂર બિચારો સલમાન, શાહરુખ કે આમિર નથી. એણે સિક્સ પૅક એબ્સ બનાવ્યા છે, પણ આખી ફિલ્મ એકલો ઉપાડી શકે એવા મજબૂત એના ખભા નથી. વળી એના દાઢીધારી ચહેરા પર રડ્યાંખડ્યાં બે-ચાર એક્સ્પ્રેશન્સ સિવાય ખાસ કશું આવતું પણ નથી.

હા, આ ફિલ્મમાં દિલ્હી-મુંબઈનાં ટિપિકલ લોકેશનોને બદલે આગ્રા-મથુરાનું બેકગ્રાઉન્ડ લેવામાં આવ્યું છે. એમાં થોડી નવીનતા લાગે છે. આ બેકગ્રાઉન્ડને છાજે એવા યુપીની માટીમાંથી ખોદી કાઢેલા (અને ઘણી વાર અશ્લીલ બની જતા) ડાયલોગ ફ્રેશ લાગે છે. ટીવીમાં ‘ઓરિયો’ બિસ્કિટની જાહેરખબરમાં રણબીર કપૂરની બહેન બનતી ચશ્મિસ્ટ છોકરી અહીં અર્જુન કપૂરની બટકબોલી બહેન બની છે. આ બંને ભાઈ-બહેનની નોંકઝોંકના સીન ઠંડીમાં તાપણાંની જેમ આહલાદક લાગે છે. ધેટ્સ ઑલ.

વિલન ફિલ્મને ખાઈ જાય તો?

અર્જુન કપૂરની કમનસીબી એ છે કે આ ફિલ્મમાં એની સામે વિલન તરીકે મનોજ બાજપાઈ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મુઠ્ઠીભર એવા એક્ટરો પણ છે જેમને પોતાની તાકાતનો પરચો બતાવવા માટે સિક્સ પૅક એબ્સ બનાવવાની જરૂર પડતી નથી. મનોજ બાજપાઈ એમાંનો એક છે. એની ધારદાર આંખો, ઠંડી ક્રૂરતાથી બોલાતા ડાયલોગ્સ અને જ્વાળામુખીની જેમ ક્યારે ફાટશે તેની અનિશ્ચિતતાવાળો એટિટ્યૂડ સ્ક્રીન પર એની હાજરીને જ ખોફનાક બનાવી નાખે છે. આ ફિલ્મમાં અર્જુન કપૂરને જીતતો જોવાને બદલે મનોજ બાજપાઈને હારતો જોવાની વધારે મજા પડે છે. ઈવન ફિલ્મમાં હીરો-હિરોઇન પ્રેમમાં પડે એ પહેલાં વિલન બડે આરામ સે હિરોઇનના પ્રેમમાં પડે છે. જ્યારે અર્જુન-સોનાક્ષીને પ્રેમમાં પાડવા માટે એટલો સમય મળ્યો જ નથી. બલકે એ પ્રેમમાં હોય એવુંય લાગતું નથી.

ગુંડાલોગ પાછળ પડ્યા હોય અને હિરોઇન ડરીને હીરોની સોડમાં ભરાઈ જાય એ પ્રકારના ગુડ ફોર નથિંગ રોલ કરવામાં એને એવી તો માસ્ટરી આવી ગઈ છે કે કાલે ઊઠીને એ એના પર આખું પુસ્તક પણ લખી શકશે. હા, આ ફિલ્મમાં સોનાક્ષી માટે એટલું કહી શકાય કે મનોજ બાજપાઈ એને પ્રપોઝ કરવા આવે છે એ સીનમાં એણે ઈજિપ્શિયન પ્રિન્ટવાળું શ્રગ સારું પહેર્યું છે!

આ ઓલમોસ્ટ આખી ફિલ્મમાં હીરો, હિરોઇન અને વિલનની જ ભાંજગડ ચાલ્યા કરે છે. એમાં સપોર્ટિંગ કાસ્ટના ભાગે સાવ ચટણી જેવું કામ આવ્યું છે. એવી ચટણીમાં રાજ બબ્બર, દીપ્તિ નવલ, રાજેશ શર્મા સરીખાં અદાકારોનું કચુંબર થઈ ગયું છે. એના કરતાં તો ‘કાકડા’ જેવું વિચિત્ર નામ ધરાવતો વિલનના આદમી (અભિનેતા સુબ્રત દત્તા)ને વધારે સ્ક્રીન સ્પેસ મળી છે.

આ ફિલ્મથી સંજય કપૂર પહેલી વાર પ્રોડ્યુસર બન્યા છે, તો અમિત શર્મા પહેલીવાર ડિરેક્ટરની ખુરશી પર બેઠા છે. પરંતુ અમિતભાઈ અગાઉ નવસો જેટલી ટેલિવિઝન જાહેરખબરો બનાવી ચૂક્યા છે. એટલે જ ફિલ્મમાં પણ એમણે બડી ચાલાકીથી જાહેરખબરો ઘુસાડી દીધી છે. બે ગીતને બાદ કરતાં સાજિદ-વાજિદના સંગીતે આ ફિલ્મને લાંબી કરવામાં સક્રિય ફાળો આપ્યો છે. એમણે પણ જૂનો માલ જ રિસાઇકલ કર્યો હોય એમ ‘મૅડમિયા’ સોંગમાં ‘દબંગ-૨’ના ‘ફેવિકોલ સે’ ગીતની અને ‘મૈં તો સુપરમેન’માં ‘જય હો’ના ‘અપના કામ બનતા ભાડ મેં જાયે જનતા’ની જ ગંધ આવ્યા કરે છે.

તેવરની ત્રેવડ કેટલી?

જુઓ, લગભગ આ જ પ્રકારની સ્ટોરી અને ટ્રીટમેન્ટ ધરાવતી ફિલ્મ આપણે શાહિદ કપૂરની ‘આર.. રાજકુમાર’માં અને સલમાનભાઈની ‘વૉન્ટેડ’માં જોઈ ચૂક્યા છીએ (જે અગેઇન દક્ષિણની ‘પોકિરી’ની રિમેક હતી). સ્પીડબ્રેકરની જેમ વારેવારે આવતાં ભંગાર ગીતો અને પોણા ત્રણ કલાક જેટલી લાંબી ફિલ્મમાંથી બહાર નીકળીએ ત્યારે આપણા ચહેરા પર પણ અર્જુન કપૂર જેવી જ દાઢી ઊગવા માંડી હોય એવું ફીલ થાય છે (લેડીઝલોગના નખ પણ વધી જશે, ડૉન્ટ વરી!). મનોજ બાજપાઈની સિમેન્ટ જેવી મજબૂત એક્ટિંગ માટે આપણને માન છે, પરંતુ સાથોસાથ ટિકિટના તોતિંગ ભાવનું પણ આપણને સુપેરે ભાન છે. એટલે ટીવી-ડીવીડી પર આવે ત્યાં સુધી આ તેવરને હોલ્ડ પર મૂકવામાં જ સાર છે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ફાઇન્ડિંગ ફેની

ફાઈન્ડિંગ ફન્ની!

***

 

ફેનીની તલાશમાં નીકળેલાં પાંચ પાત્રોની આ ફિલ્મ ખોટા રસ્તે ચડી ગયેલી કંટાળાજનક મુસાફરી જેવી બોરિંગ છે.

*** 

poster-2-finding-fanny01ઈમેજિન કરો એક ફોરેન મેઇડ વિન્ટેજ કાર. તમને કહેવામાં આવે કે આપણે આ કારમાં ફરવા જવાનું છે. પરંતુ ફરવા જતાં પહેલાં કારના માલિકશ્રી આપણને એ કારના એકેએક પાર્ટ વિશે એટલું બધું વર્ણન કરે કે આપણે કંટાળીને કહીએ કે ભાઈ હવે તારે ગાડી સ્ટાર્ટ કરવી છે કે નહીં? પછી ધીમે ધીમે બળદગાડાની જેમ કાર સ્ટાર્ટ થાય. જેમતેમ કાર અડધા રસ્તે પહોંચે. વચ્ચે આવતાં કેટલાંક સ્થળો જોવાની મજા પણ પડે. ત્યાં જ અચાનક કારમાલિક જાહેર કરે કે ભાઈઓ અને બહેનો, આપણે ખોટા રસ્તે ચડી ગયાં છીએ. પરંતુ ડોન્ટ વરી, હવે આપણે જ્યાં જવાનું હતું એ મંજિલને મૂકો તડકે, અને એવું માની લો કે અત્યારે આપણે જ્યાં પહોંચ્યા છીએ એ જ આપણી મંજિલ છે! ત્યારે આપણી જે સ્થિતિ થાય, બસ એવી જ ફીલિંગ હોમી અડાજણિયાની ‘ફાઇન્ડિંગ ફેની’ જોઇને થાય છે.

પ્રેમની શોધમાં

ગોવાના ખોબા જેવડા ગામ પોકોલીમાં ફર્ડિનાન્ડ નામનો એક પોસ્ટમેન (નસીરુદ્દીન શાહ) રહે છે. છેક 46 વર્ષ પહેલાં એણે પોતાની પ્રિયતમા સ્ટેફની ફર્નાન્ડિઝ ઉર્ફ ફેની ને પ્રપોઝ કરતો પ્રેમ નીતરતો પત્ર લખેલો, જે એને પહોંચ્યા વિના અચાનક પાછો આવ્યો. એટલે ફર્ડિનાન્ડને દેવદાસ જેવો અટેક આવે છે. ફર્ડિનાન્ડ સાથે લગાવ ધરાવતી નાજુકડી એન્જેલિના (દીપિકા પાદુકોણ)થી એનું દુ:ખ જોવાતું નથી. એટલે એ નક્કી કરે છે કે ફર્ડિનાન્ડને એની ફેની શોધી કાઢવામાં મદદ કરવી.

હવે આ એન્જેલિનાની પણ સ્ટોરી છે. એનો પતિ ગાબો (રણવીર સિંઘ) લગ્નના જ દિવસે ઢબી ગયેલો. ત્યારથી એ વિધવા બનીને પોતાની સાસુ રોઝેલિન ઉર્ફ રોઝી (ડિમ્પલ કાપડિયા) સાથે રહે છે. રોઝીનો પતિ પણ વર્ષો પહેલાં ગુજરી ગયો હોવાનું કહેવાય છે. ત્યાં વાર્તામાં એન્ટ્રી થાય છે ચિત્રકાર દોન પેદ્રો (પંકજ કપુર)ની. પેદ્રો એક પરફેક્ટ પેઇન્ટિંગ માટે સ્ત્રી શરીરની શોધમાં છે, જે એને ડિમ્પલ કાપડિયામાં દેખાય છે. એટલે એ ચિત્રની લાલચે એ પણ ફેનીની તલાશમાં જોડાય છે. જોકે એનું મહત્ત્વનું કારણ એ છે કે એની પાસે કાર છે! હવે એ કાર ચલાવે કોણ? એટલે ડ્રાઇવર તરીકે દીપિકાના અને એના સદગત પતિના જૂના દોસ્તાર સાવિઓ (અર્જુન કપૂર)નો પ્રવેશ થાય છે. સાવિઓ હૃદયના એક નાનકડા ખૂણામાં દીપિકા પ્રત્યેનો પ્રેમ લઇને ફરતો હતો. અચાનક વર્ષો પછી એ પ્રેમ ફરી પાછો અંકુરિત થવા માંડે છે. પાંચ જણાંનો આ કાફલો ફેનીની શોધમાં નીકળે છે. પરંતુ લગભગ અડધી સદી પછી ફેની ક્યાં હશે, કેવી હશે? વેલ, ઓવર ટુ મુવી…

કોમેડીના નામે કંટાળો

અગાઉ ‘કોકટેઇલ’ જેવી મસાલા રોમ-કોમ ફિલ્મ આપ્યા પછી ડિરેક્ટર હોમી અડાજણિયા ફરી પાછા પોતાની પહેલી ફિલ્મ ‘બીઇંગ સાયરસ’ જેવી વિચિત્ર ફિલ્મ લઈને આવ્યા છે. પ્રોમો જોઇને એવી ફીલ આવતી હતી કે આ ફિલ્મમાં તો નસીરુદ્દીન શાહ અને પંકજ કપુર જેવા ધુરંધર કલાકારો એકસાથે છે અને લટકામાં નમણી દીપિકા પાદુકોણ પણ છે. તો ખરેખર મજા પડશે. પરંતુ અમુક મજેદાર સીન્સને બાદ કરતાં આ આખી ફિલ્મ એટલી બધી બોરિંગ છે કે રૂંવેરૂંવે કંટાળાની કીડીઓ ચટકા ભરવા માંડે!

ઇવન ફિલ્મ શરૂ થાય ત્યારે શરૂઆતની દસેક મિનિટ એવી આશાઓ પણ બાંધે છે કે હવે તો હસાહસીનો હાહાકાર ફેલાઈ જશે. ત્યાં જ દીપિકાના વોઇસઓવરમાં દરેક પાત્રની ઓળખપરેડ શરૂ થાય, જે લગભગ છેક ઈન્ટરવલ સુધી પૂરી થવાનું નામ જ ન લે. આખી ફિલ્મ માંડ 105 મિનિટની છે એટલે કે પૂરા બે કલાકની પણ નથી. તેમ છતાં ફિલ્મની મુખ્ય થીમ એટલે કે ફેની કી તલાશ છેક ઈન્ટરવલ સુધી શરૂ જ નથી થતી.  ફિલ્મને ઈન્ટેલિજન્ટ ફીલ આપવા માટે તેને 16 એમએમના કેમેરાની જેમ નાનકડી સ્ક્રીન પર પેશ કરાઈ છે.

નો ડાઉટ, ફિલ્મમાં સિઝન્ડ એક્ટર્સ નસીરુદ્દીન, પંકજ કપુર, ડિમ્પલ અને દીપિકાની સુપર્બ એક્ટિંગ છે. વળી, અમુક અમુક સીન્સ ખરેખર લાજવાબ છે. જેમ કે, પંકજ કપૂર ડિમ્પલ કાપડિયાનું ચિત્ર દોરે છે એ દૃશ્ય. પરંતુ એવા સીન્સ અત્યંત ઓછા છે અને કોઇ ક્લાસિક બ્રિટીશ કોમેડીની જેમ અત્યંત સૂક્ષ્મ છે. આપણી જાડું હ્યુમર જોવા ટેવાયેલી આંખોને તો તેમાંથી હાસ્ય શોધવા માટે માઇક્રોસ્કોપ આપવું પડે. બાકી હતું તે સેન્સર બોર્ડે દીપિકાના એક સેક્સ સીન પર કાતર ફેરવી દીધી છે. પરંતુ ઓવરઓલ ફિલ્મ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસની બોરિંગ રાઇડ જેવી છે. સૌ જાણે છે તેમ આ ફિલ્મ મૂળ અંગ્રેજીમાં બનાવાઈ છે, અને તેને વધુ ઓડિયન્સ સુધી પહોંચાડવા માટે હિન્દીમાં ડબ કરાઈ છે. આ ભાષાંતરમાં કેટલાય જોક્સનું દુ:ખદ અવસાન થઈ જાય છે. કશુંક શોધવા નીકળ્યા હોય એવી ટ્રેઝર હન્ટની થીમમાં છેલ્લે કશુંક આશ્ચર્યજનક રહસ્ય ખૂલે એ અપેક્ષિત હોય છે. જ્યારે એવું ન થાય, ત્યારે અધૂરા ભાણે ઊભા થઈ ગયા હોઇએ એવું લાગે. અહીં ફાઇન્ડિંગ ફેનીમાં કંઇક એવું જ થાય છે.

હા, એટલું સ્વીકારવું પડે કે ફિલ્મનું ટાઇટલ સોંગ ‘ઓ ફેની રે’ એકદમ મસ્ત બન્યું છે. બાકી છેલ્લે આવતું ‘શેક યૉર બુટિયા’ જોવા જેટલી ધીરજ લોકોમાં બચશે તેવું માનવું વધારે પડતું છે!

આ ફેનીને શોધવા જવાય?

જો તમને ગ્રીન ટી જેવી માઇલ્ડ ટેસ્ટવાળી કોમેડી ગમતી હોય, તો કદાચ તમને આ ફિલ્મ ગમી શકે. અથવા તો ફિલ્મની સ્ટોરી અને પાત્રોમાંથી જીવનમાં પ્રેમની તલાશ, જે છૂટી ગયું છે તેને બદલે જે છે તેનો ઓચ્છવ મનાવવો જોઇએ કે માત્ર ઈચ્છા કરવાથી કશું ન મળે, શોધવા નીકળીએ તો મળે… એવા બધા મેટાફર શોધવા ગમતા હોય તો કદાચ તમને આ ફિલ્મ થોડી ગમી શકે. નહીંતર આ ફિલ્મ પોણા બે કલાકનો કંટાળોત્સવ જ છે!

રેટિંગ: ** (બેસ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

2 સ્ટેટ્સ

લોચા-એ-ટ્રાન્ઝિશન  હો ગયા!

***

નવલકથા કરતાં કશુંક નવું આપવાના ડિપાર્ટમેન્ટમાં નિષ્ફળ નીવડેલી આ ફિલ્મ  એન્ટરટેઇનિંગ  હોવા છતાં માંડ ‘ફાઈવ પોઈન્ટ સમવન’ માર્ક્સ જ મેળવે છે.

***

2_states_posterઆપણે ત્યાં કહેવત છે કે પારકી મા જ કાન વીંધે. જો ચેતન ભગતને આ કહેવતની ખબર હોત તો એ પોતાની નોવેલ પરથી બનનારી ફિલ્મનો સ્ક્રીનપ્લે જાતે ક્યારેય ન લખત. એમની સૌથી સારી લખાયેલી નવલકથા ‘2 સ્ટેટ્સ’ પરથી એ જ નામે બનેલી આ ફિલ્મમાં એમનો પોતાની નોવેલ પ્રત્યેનો એક દુજે કે લિયેનાં વાસુ-સપના જેવો અપાર પ્રેમ ચોખ્ખો દેખાઈ આવે છે. કેમ કે આખી ફિલ્મ જાણે નોવેલનું જ પેજ બાય પેજ મુવી વર્ઝન હોય એવું લાગે છે. દરેક સિચ્યુએશન અને ડાયલોગ્સ સુદ્ધાંમાં એક ટકોય ક્રિયેટિવિટી ઉમેરવામાં આવી નથી. પરિણામે જેમણે નવલકથા જોઈ હોય એમના માટે ફિલ્મ કશું જ નવું ઓફર કરતી નથી, જ્યારે જેમણે 2 સ્ટેટ્સ નવલકથા ન વાંચી હોય, એ લોકોને આ ફિલ્મ હેપ્પી એન્ડિંગવાળી ‘એક દુજે કે લિયે’ની રિમેક જ લાગશે.

નોર્થ વેડ્સ સાઉથ

ક્રિશ મલ્હોત્રા (અર્જુન કપૂર) અને અનન્યા સ્વામીનાથન (આલિયા ભટ્ટ) આઈઆઈએમ, અમદાવાદમાં ભણે છે અને બંનેનું એમબીએ પૂરું થાય એ પહેલાં તો પ્રેમમાં પડી જાય છે. બંનેને એકબીજા સાથે લગ્ન તો કરવાં છે, પણ લોચો એ છે કે ઉત્તર-દક્ષિણ જેવો કલ્ચરલ ડિફરન્સ ધરાવતા એમના પરિવારો માનવા જોઈએને. એટલે ડીડીએલજે સ્ટાઈલમાં ક્રિશ અને અનન્યા નક્કી કરે છે કે આપણે બંનેએ વારાફરતી એકબીજાનાં ઘરે જવું અને ડીડીએલજે સ્ટાઈલમાં પેરેન્ટ્સનાં દિલ જીતવાં.

ક્રિશ તો પોતાનાં ભાવિ સાસુ રાધા (રેવતી) અને સસરા શિવ સ્વામીનાથન (શિવ કુમાર સુબ્રહ્મણિયમ)ને પટાવી લેવામાં સફળ રહે છે, પરંતુ બિચારી અનન્યાનો મરો થાય છે. કેમ કે, એક તો એનાં ભાવિ સાસુ કવિતા (અમૃતા સિંઘ)ને સાઉથ ઈન્ડિયન લોકો પ્રત્યે સુંડલો ભરીને પૂર્વગ્રહો છે. વળી, ટિપિકલ પંજાબી મેન્ટાલિટી પ્રમાણેની એમની ગાડું ભરીને અપેક્ષાઓ છે, જે અનન્યા સંતોષી શકે એમ નથી. અધૂરામાં પૂરું, ક્રિશના પપ્પા વિક્રમ મલ્હોત્રા (રોનિત રોય) રિટાયર્ડ મિલિટરી ઓફિસર છે, અને એમનો દિમાગ અમદાવાદની ગરમી કરતાં પણ વધારે ગરમ છે. વારે વારે હાથ ઉપાડો કરતા એ પપ્પા સાથે ક્રિશને ઊભે બનતું નથી.

નતીજા? બંને પરિવારો વચ્ચે ભારત-પાકિસ્તાન જેવું ટેન્શન અને ક્રિશ બિચારો સીધો પહોંચે છે સાઈકાયટ્રિસ્ટની ચેમ્બરમાં. હવે? નોર્થ-સાઉથનું મિલન થશે ખરું? વેલ, આ ચેતન ભગતની રોમકોમ છે એટલે હેપ્પી એન્ડિંગ તો હોવાનું જ. જોવાનું એ છે કે એમનો પ્રેમ મંજિલે કેવી રીતે પહોંચે છે!

નવલકથા  સારી, પણ સ્ક્રીનપ્લે ક્યાં?

પહેલી વાત, આ ફિલ્મ અત્યંત કંગાળ નથી. પરિવાર સાથે જોઈ શકાય એવી હળવીફુલ વેકેશન એન્ટરટેઈનર ફિલ્મ છે. વળી, વેકેશન ઓડિયન્સનો અને ચેતન ભગતના જૂના તથા આલિયા ભટ્ટના નવા ચાહકોનો લાભ પણ 2 સ્ટેટ્સને મળશે. પરંતુ તમે એક અત્યંત સફળ અને લાખોની સંખ્યામાં વેચાયેલી નવલકથા પરથી ફિલ્મ બનાવો, ત્યારે દર્શકોને કશુંક નવું આપવાની તમારી જવાબદારી અત્યંત વધી જાય છે. નવલકથા કરતાં કશુંક નવું આપવાના ડિપાર્ટમેન્ટમાં આ ફિલ્મ ‘ફાઈવ પોઈન્ટ સમવન’ માર્ક્સ પણ મેળવતી નથી! કઈ રીતે? આવો જોઈએ…

લોચો-1 ઝીરો ક્રિયેટિવિટી

આ ફિલ્મમાં સ્ક્રીનપ્લે રાઈટર તરીકે ચેતન ભગતનું નામ વંચાય છે, પરંતુ ફિલ્મ માટે એણે એક વાક્ય પણ નવું લખ્યું હોય એવું લાગતું નથી. જાણે ફિલ્મના સેટ પર બધાને 2 સ્ટેટ્સ નોવેલની એક એક કોપી આપી દીધી હોય અને કહ્યું હોય કે આ વાંચીને એનું હિન્દી કરીને ડાયલોગ્સ બોલવા માંડો! ફિલ્મ માટે કોઈ પુસ્તકનું એડપ્ટેશન એ અનોખી કળા છે અને એટલે જ હોલિવૂડમાં એ માટેનો અલાયદો ઓસ્કર એવોર્ડ પણ છે. જો પુસ્તકને કોપી પેસ્ટ કરીને જ પડદા પર મૂકવું હોય તો સ્ક્રીનપ્લેની જરૂર શી છે? ચેતન ભગતના સ્માર્ટ પંચનો જાદૂ એની નવલકથા માટે પરફેક્ટ છે, પણ ફિલ્મ માટેની જરૂરિયાત અલગ હોય છે.

લોચો-2 રોંગ કાસ્ટિંગ

અર્જુન કપૂર એક પણ તબક્કે આઈઆઈએમનો સ્ટુડન્ટ, કોર્પોરેટ સેક્ટરનો એમ્પ્લોયી કે સ્યુસાઈડ કરવાની અણીએ આવેલો ફ્ર્સ્ટ્રેટેડ પ્રેમી લાગતો નથી. બલકે અઠવાડિયાની વધેલી દાઢીમાં એ સતત પીધેલો લાગે છે. એના ચહેરા પર ગણીને એકાદ-બે હાવભાવ આવે છે, પણ એટલાથી કામ ચાલે એવું નથી. હાઈવેની પટાખા ગુડ્ડી આલિયા ક્યુટ લાગે છે, પણ બબલી ગર્લ ટાઈપનો જે સ્પાર્ક અનન્યાના કેરેક્ટરમાં દેખાવો જોઈએ તે ક્યાંક મિસિંગ છે. વળી, આ લીડિંગ જોડી વચ્ચે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી કે ઈવન લવ-ઓ-લોજી પણ દેખાતી નથી. લીડિંગ પેર તરીકે રણબીર-દીપિકા અથવા તો આયુષ્માન ખુરાના-પરિણીતી ચોપરા પરફેક્ટ લાગત.  હા, એટલું કહેવું પડે કે રેવતી, અમૃતા સિંઘ અને રોનિત રોયનું કાસ્ટિંગ એકદમ પરફેક્ટ છે.

લોચો-3 કંગાળ ગીતો

શંકર-એહસાન-લોયે માત્ર ‘ચાંદનિયા’ અને ‘મસ્ત મગન’ એ બે ગીતો પર જ મહેનત કરી હોય એવું લાગે છે. બાકીનાં ગીતો ફેમિલી માટે પોપકોર્ન ખરીદવા જવા માટે અને બચ્ચાંલોગને સૂસૂ માટે લઈ જવાનાં ખપનાં જ છે!

લોચો-4 એનાકોન્ડા છાપ લંબાઈ

નોવેલનું હાર્દ લઈને ક્રિયેટિવિટી ભભરાવીને બનાવી હોત તો ફિલ્મ આટલી બધી લાંબી અને ડોલ્ફિનની જેમ વચ્ચે વચ્ચે પાણીમાં પેસી ન જતી હોત. આગળ કહ્યું એમ, ખુદ ચેતન ભગતે પોતાની નવલકથાના દરેક સીનને એઝ ઈટ ઈઝ ફિલ્મમાં લેવાની લાલચ ત્યજી હોત તો ફિલ્મ વધારે ફાસ્ટ અને ક્રિસ્પ બનત. બાય ધ વે, લેપટોપ અને લેટેસ્ટ સ્માર્ટ ફોન લઈને ફરતો હીરો નવલકથા લખવા માટે જૂનવાણી એવું ટાઈપરાઈટર શા માટે વાપરતો હશે, એ ચેતનબાબુ કહેશે?

મગર ફિર ભી

જો તમે નવલકથા વિશે વિચાર્યા વિના ફિલ્મના પ્રવાહમાં વહેતા રહો, તો તમને આલિયા ભટ્ટની ક્યુટનેસ, અર્જુન-રોનિત રોયનાં બાપ-દીકરાનાં પાત્રો વચ્ચે થતું ઘર્ષણ, ફિલ્મનાં ગીતો, બે સંસ્કૃતિઓ વચ્ચેના ઘર્ષણથી પેદા થતી કોમેડી વગેરે પાસાં મજા કરાવી શકે.

લેકિન ઈટ્સ વેકેશન ભૈયા!

ઇન શૉર્ટ, એક ફિલ્મની રીતે અને એડપ્ટેડ સ્ક્રીનપ્લેના પોઈન્ટ ઓફ વ્યૂથી ફિલ્મમાં ઘણા લોચા છે, પરંતુ ગરમી, વેકેશન, ઈલેક્શનના માહોલમાં બચ્ચે-યંગસ્ટર્સ ફિલ્મ ના દેખેં તો હો જાયેંગે બોર! વળી, ઘણા સમયે ટાઈડ પ્લસ ડિટર્જન્ટથી ધોઈ હોય એવી સાફસૂથરી ફેમિલી ફિલ્મ આવી છે. તો પછી મેળ પાડીને જઈ આવો તમતમારે. હા, નવલકથા વાંચી હોય અને એની અપેક્ષાઓનો ભાર લઈને જશો તો અમારી જેમ કકળાટ કરતાં બહાર આવશો! 

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

ગુન્ડે

વોહી પુરાને ઠંડે ફંડે

ઇન્ટ્રોઃ ગુન્ડે ફિલ્મ રામ ગોપાલ વર્માની કંપનીમાં લવ ટ્રાયેંગલનું અટામણ નાખીને બનાવાઇ છે, પણ બોર કરી મૂકે છે.

આજથી એક્ઝેક્ટ 110 વર્ષ પહેલાં અમેરિકન સંશોધકબંધુઓ ઓરવિલ અને વિલ્બર રાઇટે જ્યારે પહેલું ‘વિમાન’ હવામાં ઉડાડ્યું, ત્યારે લાખ પ્રયત્નો છતાં 59 સેકન્ડ્સમાં જ જમીન પર પટકાયું હતું. આ વેલેન્ટાઇન્સ ડે પર રિલીઝ થયેલી અલી અબ્બાસ ઝફરની બડ્ડી મુવી ‘ગુન્ડે’નું પણ એવું જ છે. ફિલ્મના એન્જિનમાં ભરચક મસાલા નાખીને તેને ઉડાડવાનો પ્રયત્ન કરાયો છે, પણ ફિલ્મ ટેક ઓફ થયા ભેગી જ લેન્ડ થઇ જાય છે.

થોડે કચ્ચે હૈ, પર બંદે અચ્છે હૈ!

ગુન્ડે વાર્તા છે બાંગ્લાદેશના સર્જન સાથે રેફ્યુજી હોવાનું દર્દ લઇને કલકત્તામાં ફરતા બે અનાથ ટાબરિયાં બિક્રમ અને બાલાની. પેટનો ખાડો પૂરવા માટે બેય દોસ્તાર માલવાહક ટ્રેનોમાંથી કોલસાની ચોરી કરવા માંડે છે. મોટા થયા પછી બિક્રમ (રણવીર સિંહ) અને બાલા (અર્જુન કપૂર) કોલસા ઉપરાંત હિલ્સા માછલીઓ, બર્માનું ઇમારતી લાકડું, એલપીજી ગેસ, અનાજ બધાંનું બ્લેકમાર્કેટિંગ કરીને કલકત્તાના સૌથી મોટા ગુંડા બની જાય છે. એ બંને ગુંડા ખરા, પણ આમ ગુડ એટ હાર્ટ, યાની કિ રોબિન હૂડ ટાઇપના સારા માણસ! એમનો ત્રાસ દૂર કરવા માટે પોલીસ એસીપી સત્યજિત સરકાર (ઇરફાન ખાન)ને આખો કેસ સોંપે છે. ઇરફાન આ બંને જય-વીરુની બેન્ડ બજાવવાનું શરૂ કરે છે, ત્યાં જ એ બંનેની પુંગી બજાવી દેનારી એક કેબ્રે ડાન્સર નંદિની (પ્રિયંકા ચોપરા)ની એન્ટ્રી થાય છે.

પ્રિયંકાની એન્ટ્રી સાથે આ બંનેના દિલમાં એકસાથે ઘંટી વાગે છે અને બેય એના પ્રેમમાં પડી જાય છે. પરંતુ છેક ‘સંગમ’ અને ‘સાજન’ના જમાનાથી ચાલ્યું આવે છે એમ બર્મ્યુડા ટ્રાયેંગલ જેવો ગમખ્વાર લવ ટ્રાયેંગલ સર્જાય છે. એમાંય જ્યારે બાલિયાને ખબર પડે છે કે આ નંદિની તો બિક્રમિયાની સંગિની બનવા માગે છે, એટલે એના રૂંવેરૂંવે આગ લાગે છે. એ ‘દોસ્ત દોસ્ત ના રહા’ જેવું સેડ સોંગ ગાઇને ચલાવી લેવાને બદલે આખું કલકત્તા જલાવી દેવાની કસમ ખાય છે. ત્યાં જ મિથુન ચક્રવર્તીની નેવુંના દાયકાની સી ગ્રેડ ફિલ્મોમાં આવતો એવો ટ્વિસ્ટ આવે છે અને ફિલ્મ કલકત્તાથી શિફ્ટ થઇને ધનબાદની કોલસાની ખાણોમાં ભટકવા માંડે છે.

ચલો, ગુન્ડે કે પ્લસ પોઇન્ટ્સ ઢૂંઢે

‘મેરે બ્રધર કી દુલ્હન’ બનાવી ચૂકેલા અલી અબ્બાસ ઝફર હોલિવૂડની સ્પઘેટી વેસ્ટર્ન પ્રકારની ફિલ્મોથી ભારે પ્રભાવિત હોય એવું લાગે છે. કેમ કે, આ ફિલ્મની આખી રફ ફીલ એ (આપણી ‘શોલે’ હતી એવી) સ્પઘેટી વેસ્ટર્ન પ્રકારની જ આવે છે. આ ઉપરાંત એમાં રિચર્ડ ગેર અભિનિત ‘શિકાગો’ અને બ્રુસ લીની ‘એન્ટર ધ ડ્રેગન’ ટાઇપની ફાઇટનો ફાળો પણ ખરો. પરંતુ ચાલો, અપુન મોકળું મન રાખીને ગુન્ડે કે પોઝિટિવ ફન્ડે ઢૂંઢે…

પોઇન્ટ નંબર-1: બાંગ્લાદેશના સર્જન વખતની પરિસ્થિતિ અને સિત્તેર-એંસીના દાયકાનું કોલકાતા ઝફરકુમારે અબાદ ઝીલ્યું છે. થિયેટરમાં ઝંજીરથી લઇને મિસ્ટર ઇન્ડિયા ચાલતી હોય કે રેડિયોમાં વિવિધ ભારતી પર ‘ચલો દિલદાર ચલો’ ગીત વાગતું હોય કે પછી હીરોગીરી ઝાડવા માટે રાજેશ ખન્નાના નામનો ઉપયોગ હોય… બધું એકદમ મસ્ત લાગે છે. ઇવન, ધનબાદની ખાણોની તમામ સિક્વન્સ પણ અનુરાગ કશ્યપની ‘ગેંગ્સ ઓફ વસેપુર’ની જેમ ખાસ્સી રસપ્રદ લાગે છે. મતલબ કે આર્ટ ડિરેક્શન ડિપાર્ટમેન્ટને ફુલ માર્ક્સ.

પોઇન્ટ નંબર-2: ઇરફાન ખાન. ઇરફાનને એક્ટિંગ કરતો જુઓ એટલે તમને ખબર પડે કે હીરો અને એક્ટર વચ્ચે શું ફરક હોય છે. પોતાની ટેલેન્ટ બતાવવા માટે ઇરફાનને સિક્સ પેક એબ્સ બનાવવાની કે રંગબેરંગી ચશ્માં પહેરવાની કે પછી પોતાનાં કપડાં ફાડીને વિલનલોગને એક મુક્કે ઉડાડવાની જરૂર નથી પડતી. એ માત્ર પોતાની હાજરીથી, આંખોથી કે સિમ્પલ ડાયલોગ ડિલિવરીથી જ તમારા પર છવાઇ જાય છે.

પોઇન્ટ નંબર-3: ભલે છૂટાછવાયા, પણ દમદાર ડાયલોગ્સના ચમકારા. અલી અબ્બાસ ઝફરે પોતે લખેલા સંવાદોમાં શ્રાવણ મહિનાનાં સરવડાંની જેમ મજા પડી જાય એવા સુપર્બ ડાયલોગ્સનાં ઝાપટાં પડી જાય છે. જેમ કે, યે વક્ત ઐસા થા, જબ બંદૂકેં ગિનતી મેં ઇન્સાનોં સે ઝ્યાદા થી; પિસ્તૌલ કી ગોલી ઔર લૌંડિયા કી બોલી, દોનોં હી મેં જાન કા ખતરા રહતા હૈ; જિસ બંગાલી કો ફૂટબૉલ પસંદ નહીં, ઉસ પે સાલા ભરોસા હી નહીં કરના ચાહિયે…

પોઇન્ટ નંબર-4: કેમિસ્ટ્રી. ના, હીરો-હિરોઇન વચ્ચેની નહીં, ફિલ્મના બંને લીડિંગ એન્ટિ હીરો રણવીર સિંહ અને અર્જુન કપૂર વચ્ચેની જોરદાર ફિઝિક્સથી ભરચક કેમિસ્ટ્રી. ઘણા સમય પછી આવેલી બે દોસ્તારવાળી ‘બડ્ડી મુવી’માં બેય જોડીદાર એક સિક્કાની બે બાજુ હોય એવા એકબીજાના સજ્જડ પૂરક લાગે છે.

ગુન્ડે કે માઇનસ ફન્ડે

માઇનસ નંબર-1: ખાલી પેકેજિંગ જોરદાર, બાકી એ જ લવ ટ્રાયેંગલની ઘિસીપિટી સ્ટોરી. જાણે રામ ગોપાલ વર્માંની ફિલ્મ ‘કંપની’માં પ્રેમનું અટામણ નાખીને બનાવાઇ હોય એવી જ આ વાર્તામાં થ્રિલ ક્યાંક મિસિંગ છે. બધા જ કલાકારો દાંત ભીંસીને રાડો પાડી પાડીને ઓવર એક્ટિંગથી ભરચક ડાયલોગ્સ બોલે છે, પણ પેટમાં પતંગિયા બોલે એવી થ્રિલ ક્યાંય આવતી જ નથી.

માઇનસ નંબર-2: ફિલ્મની લંબાઇ અને ઢગલાબંધ ગીતો. 153 મિનિટની લંબાઇ ધરાવતી આ ફિલ્મમાં 42 મિનિટનાં તો ગીતો ઠપકારાયાં છે, જે અજગર જેવી ફિલ્મને એનાકોન્ડા જેવી લાંબી બનાવી દે છે. સોહેલ સેનનાં એકાદ-બે ગીત સારાં છે, પણ બિનજરૂરી સોંગ્સ ફિલ્મની ગતિ ગોકળગાય જેવી બનાવી દે છે. પોણી ફિલ્મ પતી જાય પછી છેક કહાનીમાં (પ્રીડિક્ટેબલ!) ટ્વિસ્ટ આવે છે, પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ચૂક્યું હોય છે.

માઇનસ નંબર-3: ઓર્ડિનરી એક્ટિંગ. જસ્ટ જિમ્નેશિયમમાંથી બહાર નીકળ્યા હોય એવા બંને લીડિંગ હીરો જોવા ગમે છે, પણ એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં માંડ ચઢાવો પાસ થાય છે. એમાંય રણવીર સિંહ તો ‘રામ-લીલા’ની જ એક્ટિંગ રિપીટ કરી રહ્યો છે, જે તેની એક્ટિંગની મર્યાદા બતાવે છે. પ્રિયંકાએ પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહીને જ એક્ટિંગ બતાવી છે. માત્ર ઇરફાન જ તમને ઇમ્પ્રેસ કરે છે. પરંતુ ઇન્ટરવલ પછી એ ભાગ્યે જ સ્ક્રીન પર દેખાય છે. એ એકલો જ આ ફિલ્મને બચાવી શક્યો હોત, પણ એના ભાગે સ્ક્રીન પ્રેઝન્સ તદ્દન ઓછું આવ્યું છે. ફિલ્મમાં સૌરભ શુક્લા અને વિક્ટર બેનર્જી જેવા ધરખમ અદાકારો પણ છે, પણ એ બિચારા આ બોડી બિલ્ડરોની માથાકૂટમાં હાંશિયામાં ધકેલાઇ ગયા છે.

માઇનસ નંબર-4: શરણાર્થી બાળ કલાકારોની એક્ટિંગ અને એમના મોઢે બોલાયેલા સંવાદો કન્વિન્સિંગ નથી લાગતા. ખાલીપીલી ભાંજગડમાં ઊતરતા બંને હીરો કલકત્તાના સૌથી મોટા ગુંડા હોય એવું લાગતું જ નથી. શરૂઆતમાં કહેવાય છે કે આ બંનેના હૃદયમાં શરણાર્થી હોવાનું દર્દ છુપાયેલું છે, પણ ઇન્ટરવલ પછી એ દર્દ ધનબાદની કોલસાની ખાણમાં ક્યાંક ધકેલાઇ જાય છે. અરે, ફિલ્મની શરૂઆતમાં ઇરફાન સૂત્રધાર બતાવાયો છે, પરંતુ ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં સૂત્રધાર બદલાઇને અર્જુન કપૂર થઇ જાય છે, એવું કેવું?!

ગુન્ડે કો કિતને અંડે?

બે દોસ્તાર મળીને કાનૂનને ઠેબે ચડાવતા હોય એવી ‘બડ્ડી મુવીઝ’ પ્રકારની સ્ટોરી જો તમને ગમતી હોય, તો હોલિવૂડમાં 1969માં આવેલી ફિલ્મ ‘બચ કેસિડી એન્ડ સનડેન્સ કિડ’ જોવી. અધકચરી પાકેલી વાનગી જેવી આ ફિલ્મ ‘ગુન્ડે’ તમને અમુક પાર્ટ્સમાં મજા કરાવશે, પણ અઢી કલાકને અંતે તમે કંટાળીને જ બહાર નીકળવાના.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.