Rock On 2

પુરાની જિન્સ ઔર ગિટાર

***

આ ફેઇથફુલ મ્યુઝિકલ સિક્વલ સાથે આઠ વર્ષ જૂનું બૅન્ડ તો રિયુનાઇટ થયું છે, પણ તેમાં અગાઉના જેવો ‘મૅજિક’ નથી.

***

masterદક્ષિણ કોરિયાની ‘ધ હૅપી લાઇફ’ પરથી પોસ્ટર સહિત ઇન્સ્પાયર થઇને અભિષેક કપૂરે આઠ વર્ષ પહેલાં ‘રૉક ઑન’ બનાવેલી. ઑફ બીટ સ્ટોરી અને સ્ટારકાસ્ટ, રિયલ બૅન્ડની ફીલ, ખરેખરી મ્યુઝિકલ મુવી અને પેડેસ્ટ્રિયન શબ્દોવાળાં ગીતો સહિતનું બધું જ લોકો સાથે એવું કનેક્ટ થયું કે ‘રૉક ઑન’ રાતોરાત સ્લીપર હિટ થઈ ગઈ. હવે ‘રૉક ઑન-2’ સ્વરૂપે તેની એકદમ ફેઇથફુલ સિક્વલ આવી છે, જેમાં નોસ્ટેલ્જિક ફીલ તો છે પણ ઑરિજિનલ ફિલ્મ જેવો જાદુ ક્યાંક મિસિંગ છે.

આઠ સાલ બાદ

આજે આઠ વર્ષ પછી રોબ (લ્યુક કૅની) તો જાણે સ્વર્ગવાસી થઈ ગયો છે, એટલે ‘મૅજિક’ બૅન્ડના લીડ સિંગર આદિત્ય શ્રોફ (ફરહાન અખ્તર)એ પોતાના દીકરાને એની જ યાદમાં ‘રોબ’ નામ આપ્યું છે. પરંતુ આદિત્ય કોઈ પસ્તાવાની આગમાં સળગી રહ્યો છે, એટલે જ મેઘાલયના કોઈ ગામડામાં રહીને ખેડૂતોની મદદ કરી રહ્યો છે. એક સમયે કારમી નાણાંભીડ અનુભવતો જોસેફ મસ્કરન્હાસ ઉર્ફ ‘જો’ (અર્જુન રામપાલ) હવે સફળ ક્લબનો માલિક છે અને રિયાલિટી શૉઝનો જજ છે. કેદાર ઝવેરી ઉર્ફ ‘કે.ડી.’ ઉર્ફ ‘કિલર ડ્રમર’ (પુરબ કોહલી) પોતાના સ્ટુડિયોમાં બીજા લોકો માટે મ્યુઝિક બનાવી આપે છે. બૅન્ડ ઝાંખું પડ્યું છે, પણ દોસ્તી હજી એવી જ અકબંધ છે. અચાનક આ લોકોની લાઇફમાં એક સરોદવાદક પંડિત વિભૂતિ શર્મા (કુમુદ મિશ્રા)ની દીકરી જિયા (શ્રદ્ધા કપૂર)ની એન્ટ્રી થાય છે. પીડા અને મ્યુઝિકનું પૅશન એની રગોમાં પણ વહે છે. આ તમામ લોકોની પર્સનલ, પ્રોફેશનલ અને સોશ્યલ લાઇફમાં બહુ બધા પડકારો આવીને ઊભા રહે છે જેનો જવાબ એક જ છે, મ્યુઝિક.

રિશ્તા વહી, ફીલ નહીં

‘રૉક ઑન-2’ જોવી તે આપણા કોઈ જૂના દોસ્તારને મળવા જેવી ફીલ આપે છે. કોઈ જૂના ફ્રેન્ડને વર્ષો પછી મળીએ ત્યારે આપણી અપેક્ષા અગાઉના જેવી જ ઉષ્માભરી ફીલ મેળવવાની હોય, પણ એ ઉષ્મા પર સમયની રાખ બાઝી જાય છે. ‘રૉક ઑન-2’નાં પાત્રો એ જ છે, પણ હવે એ બદલાઈ ગયાં છે. અગાઉ તેઓ પોતાના ટ્રુ કૉલિંગ એવા મ્યુઝિકને ભૂલીને બીજી લાઇફ જીવવા મજબૂર હતા. હવે એમની લાઇફમાં એવી કોઈ સ્ટ્રગલ નથી, છતાં એમનામાં મ્યુઝિક પ્રત્યેની ખરેખરી છટપટાહટ, એવું ઝનૂન દેખાતું નથી. મ્યુઝિક હવે એમની લાઇફમાં ક્યાંય પાછળ ધકેલાઈ ગયું છે. આપણને આવું ફીલ થાય છે તેનું કારણ છે આ ફિલ્મની આડા ફાટેલા રૉકેટની જેમ આમ તેમ ફંટાયા કરતી અને અવાસ્તવિક લાગે તેવી સ્ટોરી. પોતાનું પૅશન એક્સ્પ્લોર કર્યા પછી મુંબઈની પૉશ લાઇફ, પરિવાર છોડીને હીરો મેઘાલયના કોઈ ગામડામાં ખેડૂતોનો મસીહા બનીને રહેતો હોય અને એમના માટે ગમે તેવાં જોખમો ઉઠાવતો ફરતો હોય એ જરાય ગળે ઊતરે તેવું નથી. ફિલ્મની મૂળ વાર્તા અને શ્રદ્ધા કપૂરના ટ્રેક વચ્ચે ગુંદરપટ્ટીથી પરાણે મારેલો સાંધો દેખાઈ આવે છે. મૅજિક બૅન્ડના દોસ્તો, એમની પર્સનલ લાઇફ, હીરોની હીરોગીરી, શ્રદ્ધા કપૂરની સ્ટોરી આ બધું લશ્કર એટલા બધા મોરચે લડે છે કે તેને જોડવા માટે પણ સતત પૂરબ કોહલીના વોઇસ ઑવરની જરૂર પડે છે.

મ્યુઝિક એ ‘રૉક ઑન’નો આત્મા છે. પહેલા ભાગમાં જાવેદ અખ્તરે લખેલાં શંકર-એહસાન-લોયે કમ્પોઝ કરેલાં ગીતો આજે પણ એટલાં જ ફ્રેશ લાગે છે. લેકિન અફસોસ આ મ્યુઝિશ્યન ટ્રાયો આ પાર્ટમાં એવો જાદુ ક્રિએટ નથી કરી શક્યા. ઑરિજિનલ ટાઇટલ સોંગ ઉપરાંત ‘મંઝર નયા’ જેવું એકાદું સોંગ જ અપીલિંગ છે. ઇવન એક ગીત ‘ચલો ચલો’માં ઉષા ઉથુપ પણ (એમના ટ્રેડમાર્ક જાયન્ટ ચાંદલા વિના) સ્ક્રીન પર દેખાય છે. પરંતુ ઑવરઑલ ફિલ્મનું મ્યુઝિક અત્યંત નબળું છે, જે આ ૨ કલાક ૨૦ મિનિટની ફિલ્મને જબ્બર લાંબી બનાવી દે છે.

છતાં ‘રૉક ઑન-2’માં આપણને અપીલ કરી જાય એવી ઘણી બધી મોમેન્ટ્સ છે. જેમ કે, એક તો મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મોમાં ઈસ્ટ ઇન્ડિયા સંપૂર્ણપણે અવગણવામાં આવે છે. જ્યારે આ ફિલ્મની સ્ટોરીનો મોટો હિસ્સો મેઘાલયમાં જ શૂટ થયો છે અને ત્યાંના જ લોકોની વાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં શિલોંગ, ચેરાપુંજીનાં દૃશ્યો જોઇને આવતા વેકેશનમાં ત્યાં જવા માટે પડાપડી થાય તો નવાઈ નહીં. એ જ રીતે શાસ્ત્રીય સંગીતના સમારંભો પૂરતું મર્યાદિત રહી જતું સરોદ જેવું વાદ્ય પણ અહીં એકદમ કૂલ સ્વરૂપે પેશ થયું છે.

રૉક ઑનના પહેલા પાર્ટમાં પોતાની અંદરના અવાજને સાંભળવાની વાત હતી. અહીં પણ એ વાત તો છે જ. એટલે જ એક ઠેકાણે કહેવાયું છે કે માર્કેટમાં જે વેચાય તે જ અંદરનો અવાજ બની જાય એવું ન હોવું જોઇએ. એ ઉપરાંત અહીં ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં જીવવાની, પોતાનાથી અલગને સ્વીકારવાની, બીજાને માફ કરવાની વાતો પણ છે. આપણે આપણી આસપાસ સલામતીનો એવો અદૃશ્ય પરપોટો રચીને જીવીએ છીએ કે એ સિવાયના વિશ્વમાં શું થાય છે તેની આપણને કશી જ પરવા નથી હોતી. જરા ઝીણી આંખ કરીને ફિલ્મ જોઇએ તો એવું પણ દેખાય કે ખરેખરો રૉકસ્ટાર એ નથી જે ડ્રગ્સનો નશો કરીને સ્ટૅજ પર આવે, લોકોને મિડલ ફિંગર બતાવે, સ્ટેજ પરથી પેશાબ કરે, આખી રાત દારૂ પીને પાર્ટી કરવાનાં અને છોકરીઓ પટાવવાનાં વાહિયાત ગીતો ગાય. બલકે એનાં ગીતો સાંભળીને લોકોને પોતાના આત્માનો અવાજ સંભળાવા લાગે, બીજા માટે કંઇક કરી છૂટવાની અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની લાગણી ફૂંફાડા મારીને બેઠી થઈ જાય, જે મ્યુઝિક સાંભળીને ઉત્સાહનાં ઇન્જેક્શન લાગે એવો જાદુ એના સંગીતમાં, એના અવાજમાં હોવો જોઇએ. પરંતુ આમાંનું લગભગ કશું જ ઑડિયન્સ સુધી પહોંચતું નથી. મેઘાલયના લોકોની ટ્રેજેડી પણ આપણને સ્પર્શતી નથી. તેમાં પૂરેપૂરો વાંક ફિલ્મના નબળા રાઇટિંગનો કાઢી શકાય. ઇવન સ્ટોરી સતત ભૂતકાળ અને વર્તમાન વચ્ચે શટલકૉક થયા કરે છે, એને લીધે પણ પાત્રોની લાગણીઓનાં સંપેતરાં આપણા સુધી પહોંચતાં નથી. ખરેખર તો મૅજિક ગ્રૂપ ઇસ્ટના કોઈ રાજ્યમાંથી નવું ટેલેન્ટ શોધીને દુનિયાની સામે લાવે એવી કોઇક સ્ટોરી રાખી હોત તો આખી વાર્તા મ્યુઝિકને વધુ વફાદાર રહેત.

અગાઉની જેમ જ આ સિક્વલનું કાસ્ટિંગ પણ એકદમ પર્ફેક્ટ છે. ફરહાન, અર્જુન, પૂરબ કોહલી ત્રણેય એકસરખા ચાર્મિંગ અને ઇફેક્ટિવ લાગે છે. એમની દોસ્તી, એમની વચ્ચે થતી બોલાચાલી બધું જ એકદમ રિયલ લાગે છે. ઇવન ફરહાન અખ્તરે લખેલા ડાયલોગ્સ પણ એટલા જ સ્માર્ટ છે. એમાં ફરહાને ‘મિસ્ટર ઇન્ડિયા’ની ‘જબ ભૂખ લગતી હૈ તો કૈસા લગતા હૈ’ની લાઇન લખીને પપ્પા જાવેદ અખ્તરને પણ અંજલિ આપી છે. ક્યુટ પૂરબ કોહલી સતત આ મિત્રોના ઇનર વોઇસ તરીકે વર્તીને એમને સાચી વાત કહેતો રહે છે. ફિલ્મની બેસ્ટ નવી એન્ટ્રી શ્રદ્ધા કપૂર છે. એ છોકરી મસ્ત ડાન્સરની સાથોસાથ જબરદસ્ત એક્ટર છે, જેની સાબિતી એના ક્યુટ ચહેરા પર સતત બદલાતા અને અફલાતૂન રીતે રિફ્લેક્ટ થતા હાવભાવ પરથી મળી જાય છે. બસ, એની પાસે પરાણે ગીતો ગવડાવવાની જિદ્દ નહોતી કરવા જેવી. સરોદ વાદક પંડિત વિભૂતિ શર્મા તરીકે એવર ડિપેન્ડેબલ કુમુદ મિશ્રા પણ પર્ફેક્ટ છે. બસ, શાલ ઓઢીને ફરતા સદમાગ્રસ્ત સંગીતકાર પિતા તરીકે એ સતત ‘હમ દિલ દે ચૂકે સનમ’ના વિક્રમ ગોખલેની યાદ અપાવ્યા કરે છે. એમ તો ફિલ્મમાં ‘તિતલી’ ફેઇમ શશાંક અરોરા પણ છે, પણ એ બિચારાના ભાગે સરોદ લઇને ફરવા સિવાય ખાસ કશું આવ્યું નથી.

નિરાશાનો સૂર

‘રૉક ઑન-2’નો પ્રોબ્લેમ એ છે કે તેની સરખામણી તેની જ દમદાર પ્રિક્વલ સાથે થાય છે અને ત્યાં જ તે માર ખાઈ જાય છે. બાકી, ઘરની અંદર ફરહાન સ્ટવ સળગાવવાની કોશિશ કરતો હોય અને બહાર આખું જંગલ-ગામ ભડકે બળતું હોય તેવી ઘણી સિનેમેટિક મોમેન્ટ્સ આ ફિલ્મમાં વેરાયેલી છે. નોસ્ટેલ્જિયા માટે આ ફિલ્મને એકવાર જોઈ શકાય, પરંતુ એક સ્વતંત્ર ફિલ્મ તરીકે આ ફિલ્મ ખાસ્સી નિરાશ કરે છે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Mirzya

હૈ યે વો આતિશ ગાલિબ

***

સ્ટાઇલ, સંગીત, સિનેમેટોગ્રાફી સુપર્બ, પણ સરવાળે સ્ટારક્રોસ્ડ લવર્સની એ જ સદીઓ જૂની સૅડ સ્ટોરી.

***

mirzya-posterજનાબ મિર્ઝા ગાલિબે ઇશ્કને ‘આતિશ’ એટલે કે આગ કહેલો. કોઈ કાળે આપણી પૃથ્વી આગના દરિયા જેવા સૂર્યના પ્રેમમાં પડેલી, પણ બંને ‘પ્રેમીઓ’એ અલગ થવું પડ્યું. આજે પણ ધરતી પોતાના પેટાળમાં સૂર્યના ઇશ્કનો આતિશ ધરબીને એ જ સૂર્યની આસપાસ ફર્યા કરે છે… આટલું વાંચીને બે પ્રકારનાં રિએક્શન આવી શકે. એક તો, ‘શું વેવલી લવારી માંડી છે, યાર? ફિલ્મની વાત કરો ને’, અથવા તો ‘વાહ, કવિએ જમાવટ કરી છે, પણ એક્ચ્યુઅલી કવિ કહેવા શું માગે છે?’ બસ, રાકેશ ઓમપ્રકાશ મહેરાની ‘મિર્ઝ્યા’ જોઇને ડિટ્ટો આવાં જ રિએક્શન આવે છે. પંજાબમાં થઈ ગયેલાં મિર્ઝા-સાહિબાંની રોમિયો-જુલિયેટ જેવી લવસ્ટોરીનું એકદમ સ્ટાઇલિશ-મ્યુઝિકલ રિટેલિંગ એટલે આ ‘મિર્ઝ્યા’. પરંતુ પ્રેમીઓની એ દાસ્તાન આપણા દિલ સુધી પહોંચતાં પહેલાં જ ક્યાંક ડિસકનેક્ટ થઈ જાય છે.

મોહબ્બત કા નામ આજ ભી મોહબ્બત હૈ

સદીઓ પહેલાં પણ એવું જ થયેલું અને આજે પણ એવું જ થઈ રહ્યું છે. આદિલ મિર્ઝા (હર્ષવર્ધન કપૂર) અને સુચિત્રા (સૈયામી ખેર) ચાઇલ્ડહૂડ લવર્સ છે. એકને ઘા વાગે તો બીજાને દર્દ થાય એવા પાક્કા પ્રેમીઓ. પરંતુ વક્ત ને કિયા સિતમ અને બંને વચ્ચે હજારો કિલોમીટરોનો ફાસલો. વર્ષો પછી જ્યારે બંને જવાનીની દહેલીઝ પર કદમ રાખે છે ત્યારે સુચિત્રા રાજસ્થાનના કોઈ યુવરાજ સાથે પરણવાની તૈયારીમાં છે અને મિર્ઝ્યા ત્યાં ઘોડા સાચવવાનું કામ કરે છે. પરંતુ બંને વચ્ચેના પ્રેમના આતિશ પર જે સમયની રાખ ચડી ગયેલી અચાનક એને નિકટતાની હવા મળે છે અને ભડકો થાય છે. આ ભડકામાં કોણ દાઝશે?

આત્મા વિનાનું ખોળિયું

દૂર દૂર સુધી ફેલાયેલી હિમાલયની પર્વતમાળાની વચ્ચે જાંબાઝ ઘોડેસવારો એક રાજકુમારીને મેળવવા માટે જીવસટોસટની બાજી લગાવી રહ્યા છે. સ્લો મોશનમાં ઘોડા દોડે છે, તીર છૂટે છે, આકાશમાંથી આગના ગોળા વરસે છે અને ગ્રીક સુંદરી જેવી લાગતી સૈયામી ખેર યાને કે સાહિબાં પોતાના મિર્ઝ્યાના સાહસને ગૌરવભરી આંખે નિહાળતી રહે છે. છેક સુધી આપણને ખ્યાલ ન આવે કે તે કથા કયા કાળખંડમાં ચાલી રહી છે. લદ્દાખના કોઈ પ્રાચીન આદિવાસી કબીલાઓની સાઠમારી છે કે પછી મોંગોલ પ્રજાતિના લોકો વચ્ચે કશુંક ચાલી રહ્યું છે કે પછી દેશી-વિદેશી લડવૈયા એક યુવતી માટે જીવ દાવ પર લગાવી રહ્યા છે. પણ જોવાની ભરપુર મજા આવે. દરઅસલ, ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરાએ ‘રંગ દે બસંતી’માં ઇતિહાસ અને વર્તમાન બંનેની સ્ટોરી સમાંતરે ચાલતી હોય તેવો પ્રયોગ કરેલો. લોકો એ પ્રયોગ પર આફરીન થઈ ગયા એટલે આ વખતે ફરીથી એ જ સ્ટાઇલમાં એમણે મિર્ઝા-સાહિબાંની વાર્તા માંડી છે. એક તરફ સંવાદો વિનાની એ પ્રાચીન લવસ્ટોરી ચાલે અને બીજી બાજુ વર્તમાનમાં એનું રિટેલિંગ ચાલે. બંનેના બૅકગ્રાઉન્ડમાં દલેર મહેંદીનો ગગનભેદી અવાજ ગૂંજ્યા કરે.

રાકેશ મહેરાએ જાણે ગુલઝાર સાહેબની સંગતમાં પોએટ્રી અને પીળા પદાર્થની સંગાથે ઉત્તેજિત થઇને બનાવી નાખી હોય એવી આ ફિલ્મ છે. જાણે આપણી સામે પડદા પર ફિલ્મ નહીં, બલકે સ્ટૅજ પર મ્યુઝિકલ નાટક ભજવાતું હોય એ રીતે એક પછી એક ગીતો આવ્યા કરે. શંકર-એહસાન-લોયે ગીતો એવી લિજ્જતથી કમ્પોઝ કર્યાં છે કે એક વખત એ ગીતોનો કૅફ ચડે કે ઊતરવાનું નામ ન લે. મ્યુઝિક આપણા કાનનો કબ્જો લે, તો બીજી બાજુ સુપર્બ સિનેમેટોગ્રાફી આપણી આંખોને બાંધી રાખે. પૉલેન્ડના સિનેમેટોગ્રાફર પૉવેલ ડાયલસે કેમેરા જાણે વાદળ પર બેસાડીને ફિલ્મ શૂટ કરી હોય એ રીતે કેમેરા સતત અહીંથી તહીં ઊડતો રહે છે.

જરા ચૂંચવી આંખ કરીને વાંચ્યું હોય, તો આંખો પહોળી થઈ જાય એવી એક માહિતી સામે આવે કે આ ફિલ્મ તો જનાબ ગુલઝાર સાહેબે લખી છે. એટલે થાય કે ચલો, આપણે સારા માણસોની સંગતમાં છીએ, ફિલ્મમાં જામો પડવાનો છે.

ધીમે ધીમે તમને સીટ પર કીડીઓ ચટકા ભરતી હોય એવી ફીલિંગ થવા માંડે અને અંદરથી કમર્શિયલ બ્રેકની જેમ સવાલો પોપઅપ થવા માંડે કે, ‘બરાબર છે, ફિલ્મ જોરદાર લાગી રહી છે, પણ એક્ઝેક્ટ્લી તમે કહેવા શું માગો છો, કવિરાજ?’ ત્યારે રાકેશ મહેરા પોતાની દાઢી ખંજવાળીને કહી દે કે, ‘બસ, આ જ કે બાળપણના પ્રેમીઓને આ જાલિમ જમાનો-બેદર્દ દુનિયા એક થવા નથી દેતી.’ ત્યારે તમને ડાબા પગનું ખાસડું કાઢીને છૂટ્ટું મારવાની ઇચ્છા થઈ આવે કે આ તો શૅક્સપિયરના ‘રોમિયો-જુલિયટ’ની ‘સ્ટારક્રોસ્ડ લવર્સ’ ટાઇપની સ્ટોરી છે. આ જ સ્ટોરી પર આપણા ફિલ્મમેકરોએ ‘મુઘલ-એ-આઝમ’, ‘દેવદાસ’, ‘બૉબી’, ‘એક દુજે કે લિયે’થી લઇને ‘કયામત સે કયામત તક’, ‘ઇશકઝાદે’, ‘રામલીલા’, ‘બાજીરાવ-મસ્તાની’ જેવી ફિલ્મો છાપ છાપ કરી છે. ઇસમેં નયા ક્યા હૈ? તો જવાબ મળે, કંઈ કહેતા કંઈ  જ નહીં.

પ્રોબ્લેમ એ છે કે રાકેશ મહેરા પાસે કહેવા માટે સ્ટાઇલિશ પ્રેઝન્ટેશન સિવાય કશું જ નવું નથી. ફિલ્મનાં પાત્રો પણ જાણે કંટાળી ગયાં હોય તેમ ઝાઝી કશી વાત કર્યા વગર, વિચાર્યા વગર બેવકૂફની જેમ ભાગાભાગી કરી મૂકે છે. મિર્ઝા-સાહિબાંની જોડી એકબીજાના તો ગળાડૂબ પ્રેમમાં બતાવાઈ છે, પણ એ પ્રેમ ભંગાર ટૅલિકોમ નેટવર્કની જેમ આપણા હૃદય સુધી કનેક્ટ થતો જ નથી. એમની કોઈ જ આગવી પર્સનાલિટી આપણી સામે આવતી નથી. શૅક્સપિયરને અંજલિ આપવા માટે ગુલઝાર સાહેબે ‘યુ ટૂ, બ્રુટસ?’ જેવા સાહિત્યિક સંવાદો મૂક્યા છે, પણ વાર્તાને આગળ વધારે અને યાદ રહી જાય એવા ચોટદાર સંવાદો લદ્દાખના પહાડોમાં જ ક્યાંક ખોવાઈ ગયા છે. સ્ટાર્ટ ટુ ફિનિશ આખી ફિલ્મ એ હદે પ્રીડિક્ટેબલ છે કે તમે પહેલી પાંચ મિનિટમાં જ તેનો અંત કળી શકો.

એટલું માનવું પડે કે અનિલ કપૂરનો દીકરો હર્ષવર્ધન કપૂર એકદમ કૉન્ફિડન્ટ લાગે છે. અલબત્ત, ચહેરા પર ઊગેલી

anjali-patil-smiling
અંજલિ પાટિલ

કેશવાળીમાં એના ચહેરા પરના હાવભાવ ઓછા દેખાય છે. બીજા સારા રોલમાં એનો આવો જ કૉન્ફિડન્સ દેખાય તો ખબર પડે કે એ લંબી રેસનો ઘોડો છે કે કેમ. સૈયામી ખેર પણ ફિલ્મની સિનેમેટોગ્રાફીની જેમ એકદમ ગોર્જિયસ દેખાય છે. જોકે સૈયામી ખેર કરતાં પણ આપણું ધ્યાન ખેંચે એવી એક યુવતી નામે અંજલિ પાટિલ આ ફિલ્મમાં ‘ઝીનત’ના પાત્રમાં છે. પોતાની અંદરની પીડા બખૂબી વ્યક્ત કરી શકતી એ છોકરી આ ફિલ્મની સાચી ડિસ્કવરી છે. રજવાડી ઠાઠમાં ફરતા કે. કે. રૈના, આર્ટ મલિક, જમ્પ મારીને ઘોડા પર ચડી જતો અનુજ ચૌધરી વગેરે પણ આ ફિલ્મમાં છે, પરંતુ એ લોકો ઍક્ટર કરતાં ‘માન્યવર’ના મૉડલ વધારે લાગે છે. ઓમ પુરીએ આ ફિલ્મમાં પડદા પાછળથી કોમેન્ટરી કરી છે અને પડદા પર હથોડા ફટકાર્યા છે (કેમ કે ફિલ્મમાં એ લુહાર છે).

 

ઝિંદગી ગુલઝાર હૈ

સીધી ને સટ વાત છે, મ્યુઝિકલ ફિલ્મો પચાવી ન શકતા લોકો માટે આ ફિલ્મ નથી. જબરદસ્ત સિનેમેટોગ્રાફી અને ગુલઝારે લખેલાં તથા આર્ટિસ્ટિક રીતે ફિલ્માવાયેલાં એક ડઝન કરતાં પણ વધુ ગીતો માણવાની ઇચ્છા હોય તો આ ફિલ્મ માટે લાંબા થઈ શકાય. નહીંતર, આ ફિલ્મ કરતાં નવરાત્રિના પાસનો બંદોબસ્ત કરશો તો તમારી લવસ્ટોરીને વધુ ફાયદો થશે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

કટ્ટી બટ્ટી

ઑન્લી કટ્ટી, નો બટ્ટી

***

ના, કંગના કે ઇમ્પ્રેસિવ પ્રોમોના નામે પણ આ બોરિંગ ફિલ્મમાં ભંગાવા જેવું નથી.

***

katti-batti-poster-3ડિરેક્ટર નિખિલ અડવાણી અત્યંત બહાદૂર માણસ છે. કહો કે, ૫૫.૯૯ ઇંચની છાતીવાળા. હજુ ગયા શુક્રવારે જ તેઓ ‘હીરો’ નામનો રિમેક હથોડો આપણા પર ફટકારી ચૂક્યા છે. એ ફિલ્મથી લોકો એવા ત્રાહિમામ પોકારી ગયા કે એક જ અઠવાડિયામાં તેનાં પાટિયાં પડી ગયાં. પરંતુ બહાદૂર નિખિલભાઇએ તરત જ બીજા શુક્રવારે એનાથીયે મોટો હથોડો આપણા પર માર્યો છે, જેનું નામ છે ‘કટ્ટી બટ્ટી.’ કંગનાની બિનધાસ્ત અદાઓ અને કલરફુલ ક્રિયેટિવ ટ્રેલર જોઇને બહુ બધા લોકો અંજાઈ ગયા હતા. પરંતુ હકીકત એ છે કે ફિલ્મમાં મજા આવે એવું માત્ર ટ્રેલરમાં હતું એટલું જ છે. બાકીની આખી ફિલ્મ પ્લાસ્ટિકનાં ફૂલોથી વિશેષ કશું જ નથી.

રોમાન્સ, કોમેડી વિનાની રોમ-કોમ

માધવ કાબરા ઉર્ફ મૅડી (ઇમરાન ખાન) અને પાયલ (કંગના રણૌત) અમદાવાદની કોઈ ડિઝાઇન કમ આર્કિટેક્ચર સ્કૂલમાં ભણે છે. કંગનાએ બનાવેલાં કાગળનાં વિમાનોથી ઘાયલ થયેલો ઇમરાન તાત્કાલિક અસરથી એના પ્રેમમાં પડી જાય છે. લેકિન અડધી દુનિયાના બૉયફ્રેન્ડ્સની અનુભવી કંગના પ્રેમ-બેમના મૂડમાં નથી અને બંને ચાઇનીઝ પ્રોડક્ટ જેવો ટાઇમપાસ પ્રેમ શરૂ કરે છે. મામલો થોડો ગંભીર થાય છે અને બંને લિવ-ઈન રિલેશનશિપ સ્ટાર્ટ કરે છે. પરંતુ વન નૉટ સો ફાઇન મૉર્નિંગ કંગના મૅગી નૂડલ્સની જેમ માર્કેટમાંથી ગાયબ થઈ જાય છે અને ઇમરાન એને ‘અચ્છે દિન’ની જેમ શોધવા માંડે છે. કંગનાની યાદમાં દેવદાસ થયેલો ઇમરાન એને શોધી તો કાઢે છે, પણ ખબર પડે છે કે એ કંગના તો રાકેશ આહુજા (વિવાન ભતેના) નામના ભટૂરિયા સાથે લગ્ન કરી રહી છે. થોડી વારે એક નવું ગિયર પડે છે અને કહાનીમાં નવો ને વધુ બોરિંગ એવો ટ્વિસ્ટ આવે છે.

દિમાગ કી છુટ્ટી

જો ફિલ્મોના ટાઇટલ્સ વાંચવાની ટેવ હશે તો કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાનું નામ એકાદ વાર આંખે પડ્યું હશે. ફિલ્મોના કલાકારોની પસંદગી માટે આ ભાઇએ ‘કટ્ટી બટ્ટી’ની મુખ્ય જોડી તરીકે કંગના અને આમિરના ભાણિયા ઇમરાનને લીધાં છે, પણ બંને એકેય ઍન્ગલથી પ્રેમી-પ્રેમિકા લાગતાં નથી. ક્યુટ ગલુડિયા જેવા લાગતા ઇમરાનની સામે કંગના આખી ફિલ્મમાં વીફરેલી વાઘણની જેમ ઘૂરકિયાં કર્યાં કરે છે. એવું જ લાગે, જાણે એ ફરીથી ‘તનુ વેડ્સ મનુ’ના સૅટ પરથી ભાગીને અહીં આવી ગઈ છે. પ્રેમની વાત તો દૂર રહી, જે રીતે કંગના ખડૂસ ક્લાસટીચરની જેમ ઇમરાનને ખખડાવતી રહે છે, એ જોતાં એની સાથે દોસ્તી કરવાની પણ કોઈ હિંમત ન કરે.

આ ફિલ્મનું ટાર્ગેટ ઑડિયન્સ શહેરોનાં મલ્ટિપ્લેક્સમાં જતાં યંગ જુવાનિયાંવ છે. એટલે એમને ગમે એવી રોમ-કોમ ફિલ્મના તમામ ટિપિકલ મસાલા અહીં ઠૂંસવામાં આવ્યા છે. જેમ કે, બૉય મીટ્સ ગર્લ, ચકાચક કોલેજ, ડિઝાઇનર કપડાં, પૉશ કાર, વિમાનમાં ઊડાઊડ, ‘એપલ’નાં લેપટોપ અને ફોન, ઉત્સાહી ફ્રેન્ડ્સ, કૂલ મમ્મી-પપ્પા, હીરોની ચિબાવલી બહેન, ગિટાર, કલરફુલ ઑફિસ, થોડા અશ્લીલ જોક્સ, દારૂ-બારૂ, પાર્ટી સોંગ, રોના-ધોના એટસેટરા. પરંતુ આ બધું ભયંકર કૃત્રિમ લાગે છે. એ જોતાં ફિલ્મોને બદલે ડિરેક્ટર નિખિલ અડવાણી પ્લાસ્ટિકનો સામાન બનાવવાની ફેક્ટરી નાખે, તો તેમાંથી નીકળતી પ્રોડક્ટ્સમાં પણ વધારે જીવંતતા હોય.

ફર્સ્ટ હાફમાં સ્ટોરી શરૂ થવાની રાહમાં જ ઇન્ટરવલ પડી જાય છે. ત્યારપછી ગાંડીઘેલી દોડાદોડ અને ઇમોશનલ વેવલાવેડામાં ફિલ્મ પૂરું થવાનું નામ જ લેતી નથી. ફિલ્મમાં તો જાણે એટન્ટરટેન્મેન્ટનો છાંટોય નથી, પણ તમે (જો ભૂલથી થિયેટરમાં ઘૂસી ગયા, તો) તમારું પોતાનું મનોરંજન પેદા કરી શકો છો. મતલબ કે કાઉન્ટ કરો કો આ ફિલ્મમાં કંગના કુલ કેટલી હેરસ્ટાઇલો ચૅન્જ કરે છે?, એમાં અંગ્રેજી ફિલ્મ ‘પલ્પ ફિક્શન’ની ઉમા થર્મન જેવી હેરસ્ટાઇલ કઈ છે?, કંગના અને ઇમરાનના શરીર પર કયાં અને કેટલાં ટૅટૂ છે?, કંગનાનો ડાન્સ વધારે કૃત્રિમ છે કે એની નિતનવી વિગ?, આખી ફિલ્મમાં જાજરૂનું કમોડ કુલ કેટલી વાર આવે છે?, કાચબાને કુલ કેટલીવાર ખાવાનું ખવડાવવામાં આવ્યું છે?, કાચબાનું નામ ‘મિલ્ખા’ રાખવાનો જિનિયસ આઇડિયા કોનો હોઈ શકે?, કેટલીવાર તમને જેન્યુઇન હસવું (કે રડવું) આવે છે?, હીરો-હિરોઇન કેવી ગંભીર બાબતો પર ઝઘડે છે? (સૅમ્પલઃ તું સૂ-સૂ કેમ પ્રોપર્લી કરતો નથી? તું કાચબાને કેમ ખવડાવતો નથી? તને પડદા બદલ્યા તે કેમ ભાન પડતી નથી? તું મારી સાથે વાત કેમ કરતો નથી? સચીનની છેલ્લી હોય તો શું થયું, તું મૅચ કેમ જુએ છે?), ‘દેવદાસ’વાળો સીન ‘જાને ભી દો યારો’થી કઈ રીતે પ્રેરિત છે?, બીયર પીવાથી માણસ આખી રાત અને આખો દિવસ કઈ રીતે ઘેનમાં રહી શકે?, (ડ્રાય ગુજરાતના) અમદાવાદની કોલેજમાં બિનધાસ્ત બીયર પીને ટલ્લી કઈ રીતે થઈ શકાય? તમે દેવદાસિયા પ્રેમીઓનું પોપબૅન્ડ જોયું છે ખરું?, એ પોપબૅન્ડમાં રહેલી બૉયકટવાળ ધરાવતી છોકરી ‘એરટેલ 4G’ની જાહેરખબરવાળી જ છે કે કેમ?, આખી ફિલ્મમાં ઇમરાન કુલ કેટલીવાર ‘પ્લીઝ’ અને ‘સોરી’ બોલે છે? ફિલ્મમાં કયાં કયાં પાત્રોનો સ્ક્રૂ ઢીલો લાગે છે? ટૂંકમાં તમારી જિજ્ઞાસાને સંતોષવાના આ ફિલ્મમાં પૂરેપૂરા સ્કોપ છે.

જુઓ, ડિરેક્ટર નિખિલ અડવાણી સાથે આપણને કોઈ ખાનદાની દુશ્મની તો છે નહીં. એટલે મોટું મન રાખીને એટલું કહી શકાય કે ‘કટ્ટી બટ્ટી’નાં ‘મૈં ભી સરફિરા’, ‘લિપ ટુ લિપ દે કિસ્સિયાં’, ‘ઓવે જાણિયા’ જેવાં ગીતો સાંભળવાં ગમે છે. તેમાં મ્યુઝિક ડિરેક્ટર શંકર-એહસાન-લૉયનો ટચ  વર્તાઈ આવે છે. ‘મૈં ભી સરફિરા’ ગીત થોડું વધારે ક્રિયેટિવ થઈ ગયું છે, એટલે તે જોવાની મજા પડે છે, પણ ફિલ્મની બહારનું હોય તેવું લાગે છે.

કમ્પ્લિટ કટ્ટી

હૉલીવુડની ફિલ્મો જોનારા કહે છે કે આ તો ‘500 ડેય્ઝ ઑફ સમર’ અને ‘ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સ’ જેવી ફિલ્મોની ખીચડી છે. જ્યારે હિન્દીવાળા કહે છે કે નિખિલભાઇએ અહીંના જ જૂના માલની ભેળપુરી બનાવી કાઢી છે. આપણા માટે સાર એટલો જ કે ભલે તમે કંગનાના દિલોજાનથી આશિક હો અને ભલે તમને ઇમરાન ક્યુટ લાગતો હોય, પણ અંતે પૈસા આપણે જ ખર્ચવાના છે. એટલે એક કામ કરો, ચેતન ભગત, દુર્જોય દત્તા જેવા લેખકોની એકાદી રોમ-કોમ બુક લો અને સેવ-મમરા સાથે વાંચી કાઢો. દોઢસો રૂપિયામાં મસ્ત ટાઇમપાસ થઈ જશે. શું કહ્યું, ફિલ્મ? એ તો ટીવી પર આવે ત્યારે શાક સમારતાં, વાળમાં ડાઈ કરાવતાં કે કપડાંને ઇસ્ત્રી કરતાં કરતાં જોઈ નાખજો ને તમતમારે.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

દિલ ધડકને દો

ઊંચી દુકાન ફીકા પકવાન

***

જો ‘ટાઇટેનિક’ ડૂબી ન હોત અને તેના પર સાસ-બહૂ છાપ મગજમારીઓ જ ચાલ્યા કરી હોત, તો એ બેશક આના જેવી જ કંટાળાજનક ફિલ્મ બની હોત.

***

dil-dhadakne-do-movie-poster-6‘બાઝીગર’ ફિલ્મનો પેલો સીન યાદ છે? જેમાં ઘરે આવેલા મહેમાનને આપવા માટે જ્હોની લીવર મોટે ઉપાડે જાતે ચા બનાવે છે અને ચાની ભૂકી નાખવાનું જ ભૂલી જાય છે. એવી ફિક્કી ચા પીતી વખતે મહેમાન દિનેશ હિંગુનો દીકરો મોં બગાડે છે, ત્યારે દિનેશ હિંગુ એની પરિચિત સ્ટાઇલમાં અટ્ટહાસ્ય કરીને કહે છે, ‘પી જા પી જા, બેટે. બડે લોગોં કી ચાય ઐસી હી હોતી હૈ.’ બસ, ડિટ્ટો એવી જ સ્થિતિ ઝોયા અખ્તરની આ ‘દિલ ધડકને દો’ની છે. એય ને, કરોડોમાં આળોટતા ઉદ્યોગપતિઓ, લક્ઝરી ક્રુઝ શિપની સફર એમની વચ્ચે સંબંધોની સાઠમારીઓ… બધું સાચું, પણ બડે લોગોની આ ચાય મોઢે માંડીએ તો એવી જ ફિક્કી લાગે છે. આપણે કંઈ મદન ચોપડા સાહેબના ઘરમાં દીકરી દેવાની છે નહીં, કે આ ફિક્કી ચાયને અમૃત સમજીને ગટગટાવી જઇએ.

ઊંચે લોગ, ઊંચી નાપસંદ

કમલ મેહરા (અનીલ કપૂર) દિલ્હીના એક કાબરચીતરા વાળ ધરાવતા અબજપતિ બિઝનેસમેન છે. એમના પારિવારિક સંબંધોની સાથે એમની કંપની પણ ખોટમાં ચાલી રહી છે. પત્ની નીલમ (શેફાલી શાહ) સાથે એના સંબંધો નોર્મલ નથી. મોટી દીકરી આયેશા (પ્રિયંકા ચોપરા)ને માનવ (રાહુલ બોઝ) નામના એક નમૂના સાથે પરણાવીને મુંબઈ પાર્સલ કરી દીધી છે. જોકે આયેશા એકદમ સ્માર્ટ બિઝનેસમેન છે. એટલે એણે એકલેપંડે ‘મુસાફિર.કોમ’ નામની ટ્રાવેલ વેબસાઇટ ખડી કરીને ‘ફોર્ચ્યૂન’ મેગેઝિનમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. આ કાબરચીતરા કમલભાઈના દીકરા કબીર (રણવીર સિંહ)ને પ્લેન ઉડાડવાનો શોખ છે, પરંતુ બાપાને આખા બિઝનેસની કોકપિટમાં દીકરાને બેસાડી દેવો છે, જે દીકરાને પસંદ નથી. આ કમલ-નીલમ દંપતી પોતાનાં લગ્નની સાલગિરહ બડે લોગને છાજે એમ સેલિબ્રેટ કરવા એક લક્ઝરી ક્રૂઝમાં અઠવાડિયાની સફરે નીકળે છે, એ પણ આખી જાન જોડીને.

આ ટિપિકલ ફેમિલી ડ્રામાનો બીજો એન્ગલ એવો છે કે કાબરચીતરા અનીલ કપૂર જો પોતાના હરીફ બિઝનેસમેનની દીકરી સાથે પોતાના દીકરાને પરણાવી દે તો એની કંપની ટાઇટેનિકની જેમ ડૂબતાં બચી શકે એમ છે. પરંતુ દીકરો ક્રૂઝ પરની એક ડાન્સર કન્યા ફારાહ અલી (અનુષ્કા શર્મા)ના પ્રેમમાં ડૂબી જાય છે. અડધી ફિલ્મે આપણને ખબર પડે છે કે કાબરચીતરા અનીલ કપૂરના મેનેજરના દીકરા સન્ની (ફરહાન અખ્તર) સાથે પોતાની દીકરીને પ્રેમ થઈ ગયેલો એટલે અનીલે એને અમેરિકા ભણવા મોકલીને દીકરીનાં બીજે લગ્ન કરાવી દીધેલાં. લગભગ ત્રણ કલાક સુધી આ બધી મગજમારીઓ ચાલ્યા કરે છે.

બોરિંગ સી કહાની, આમિર કી ઝુબાની

મોટી નવલકથાઓની જેમ આ ફિલ્મની ટિકિટની સાથે પણ ફિલ્મમાં આવતા પરિવારોની એક વંશાવળી આપવા જેવી હતી. કેમકે આ ફિલ્મમાં એટલાં બધાં પાત્રો છે કે એની ઓળખપરેડમાં જ અડધો-પોણો કલાક નીકળી જાય છે. એ ઓળખપરેડ કરાવાઈ છે ‘પ્લુટો’ નામના એક ડૉગીના મુખે, જેનો વોઇસઓવર મહામહિમ આમિર ખાન સાહેબના કંઠે અપાયો છે. હવે આમિર ખાન ફિલ્મમાં ભલે માત્ર અવાજ સ્વરૂપે હોય, પરંતુ એ ફૂટેજ તો ખાઈ જ જવાનો. અહીં અડધોઅડધ સ્ટોરી પર એ હાવી થઈ ગયો છે. એક્ચ્યુઅલી, એક નાનકડા પરિવાર વચ્ચે માત્ર ત્રણ જ વાક્યની આપ-લેથી પતી જાય એવી સ્ટોરી માટે આટલા લાંબા નરેશનની કે આટલી લાંબી ફિલ્મની પણ જરૂર નહોતી. ઇવન બિનજરૂરી પાત્રોની પણ જરૂર નહોતી. હજી તો ફિલ્મમાં પરમીત શેઠી, દિવ્યા શેઠ, ઝરીના વહાબ, મનોજ પાહવા, વિક્રમ મૅસી, રિદ્ધિમા સૂદ જેવાં જાણ્યાં અજાણ્યાં કલાકારોની ફોજ છે, જે સ્ક્રીન પર ગિર્દી કરવા સિવાય ખાસ કશું કામ કરતાં નથી.

વળી, આ ફિલ્મની વાર્તા પણ આપણે છેલ્લા દોઢેક દાયકાથી સાસ-બહુની સિરિયલોમાં જોતા આવ્યા છીએ એવા જ પ્રકારની છે. તેમાં કોઈ જ નવી વાત કહેવાઈ નથી. ફિલ્મનાં ચાર મુખ્ય પાત્રો વચ્ચેના મતભેદો દૂર કરવા માટે એક જ સીન કાફી હતો, જે કશા દેખીતા કારણ વિના છેક પોણા ત્રણ કલાક પછી લાવવામાં આવ્યો છે.

ગાયબ થયેલાં લંગર

ઢગલાબંધ પાત્રોને એક જ ફિલ્મમાં લેવામાં અખ્તર પરિવારની હથોટી છે. પરંતુ ‘આન્સામ્બલ કાસ્ટ’ કહેવાતા આ સેલિબ્રિટીઓના મેળાવડામાં દરેકને પૂરતી સ્ક્રીન સ્પેસ મળે અને ખાસ તો ફિલ્મ જોતી વખતે કોઈ પાત્ર લાંબા સમય સુધી પડદા પરથી ગાયબ ન લાગવું જોઇએ. અહીં ક્યાંક અનુષ્કા તો ક્યાંક પ્રિયંકા અચાનક ગાયબ થઈ જાય છે અને પછી એકાએક ડૉલ્ફિનની જેમ પાણીમાંથી બહાર આવી જાય છે. એમાંય સ્પેશ્યલ અપિયરન્સના નામે ફરહાન અખ્તરની તો છેક ઇન્ટરવલ બાદ એન્ટ્રી થાય છે.

ફિલ્મનાં પાત્રોનું બેન્ક બેલેન્સ ગમે તે હોય, પરંતુ તેમનાં ઇમોશન્સ આપણી એટલે કે પ્રેક્ષકોની સાથે પૂરા લોજિક સાથે કનેક્ટ થવાં જોઇએ, જે અહીં થતાં નથી. ફોર એક્ઝામ્પલ, ‘ફોર્ચ્યુન’ જેવા મેગેઝિનમાં સ્થાન પામતી સફળ યુવા આંત્રપ્રેન્યોર પોતાના છુટાછેડાની વાત ન કરી શકે? પોતાની સાથે થઈ રહેલા જૅન્ડર બાયસની સામે અવાજ ન ઊઠાવી શકે? પારકી છોકરીને ગમતા છોકરા સાથે પરણાવવા માટે પોતાની ખોટી સગાઈનું નાટ કરી શકતો યુવાન ખુદને ગમતી છોકરીની વાત પિતા સાથે કેમ ન કરી શકે? અને જ્યારે કહે ત્યારે પાંચ જ મિનિટમાં ખાધું-પીધું ને રાજ કર્યુંની જેમ સ્ટોરી હેપ્પીલી એન્ડ થઈ જાય? આટલી અમથી વાત કહેવા માટે લગભગ ત્રણ કલાકની ક્રિમિનલ લંબાઈ? બહોત ના ઇન્સાફી હૈ. આ ફિલ્મમાં બબ્બે એડિટર છે, પરંતુ એડિટિંગનું કામ એકેયે કર્યું હોય એવું લાગતું નથી. મ્યુઝિક આ ફિલ્મનો બીજો એક મોટો ખોટનો સોદો છે. શંકર-એહસાન-લોયનું હોવા છતાં એકેય ગીત એવું નથી કે આપણને યાદ રહી જાય.

હિન્દી ફિલ્મોમાં લક્ઝરી ક્રૂઝ શિપ આપણે ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’ અને ‘મન’ જેવી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ. જેમાં અવનવાં સ્થળો અને એક રસપ્રદ સ્ટોરીનું પરફેક્ટ કોમ્બિનેશન હોય એવી ‘રોડમુવી’ ઝોયા અખ્તરે પણ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ બનાવી જ છે. પરંતુ અહીં આખો કાફલો એક લક્ઝરી ક્રૂઝ પર વિશ્વનાં જે સ્થળોએ ફરે છે તેનું પણ વ્યવસ્થિત રીતે ચિત્રણ થઈ શક્યું નથી.

ઇવન રાઇટિંગ ડિપાર્ટમેન્ટમાં અખ્તર પરિવાર પ્લસ રિમા કાગતીનાં નામો દેખાય છે, પરંતુ ‘અગર શાહજહાં પ્રેક્ટિકલ હોતા તો તાજ મહાલ કૌન બનાતા?’ જેવાં અપવાદરૂપ વનલાઇનર્સને બાદ કરતાં સમ ખાવા માટેય કોઈ સ્માર્ટ ડાયલોગ નથી. ફિલ્મમાં ‘લોગ ક્યા કહેંગે’ ટાઇપની લાઇનો તો કેટલી વાર બોલાય છે એ ગણવા માટે તો એસીપી પ્રદ્યુમ્નને કામે લગાડવા પડે એવું છે. ફિલ્મનો હળવો ટોન ઢગલામોઢે આવતી ડ્રામેબાજીમાં ક્યાંક તણાઈ જાય છે.

સુકૂન કે પલ

થેન્ક ગૉડ, આ ફિલ્મમાં રણવીર સિંઘે ઝાઝી નાટકબાજી કર્યા વગર મસ્ત એક્ટિંગ કરી છે. ફિલ્મના બધા જ બેસ્ટ સીન એના તરફથી જ આવ્યા છે. અનીલ કપૂરને બે જુવાન સંતાનોના પિતા બતાવવા માટે ‘લમ્હેં’ની જેમ ગોબરા કાબરચીતરા વાળ કરવાની જરૂર નહોતી. પરંતુ એમણે અને ખાસ તો શેફાલી શાહે લાજ રાખી છે. બાકી, પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર, અનુષ્કા શર્મા કે રાહુલ બોઝ ખબર નહીં કેમ પણ ફિલ્મમાં પરાણે એક્ટિંગ કરતાં હોય એવું લાગ્યા કરે છે.

ક્રૂઝ પે ચલે?

ત્રણ કલાકની ‘દિલ ધડકને દો’માં ચાલતી પંચાતો-મગજમારીઓ જોઇને આપણને સતત એવી ફીલ થયા કરે છે કે આપણે કોઈ મોટા લોકોના ફંક્શનમાં સલવાઈ ગયા છીએ અને એમની ઝાકઝમાળ વચ્ચે બોર થઈ રહ્યા છીએ. એટલે તમે જો આ આસમાની સ્ટારકાસ્ટમાંથી કોઇના ફૅન હો તો વધારી દેવાયેલી ટિકિટો ખર્ચીને લાંબા થઈ શકો. નહીંતર ક્રુઝની સફરો તો ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રાફિક જેવી ચેનલોમાં ઘેરબેઠાં પણ થઈ શકે છે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

કિલ દિલ

ગુંડે રિટર્ન્સ

***

યશરાજ ફિલ્મ્સની જ અગાઉ આવેલી ગુંડે ફિલ્મની વધીઘટી સ્ક્રિપ્ટમાંથી બનાવી હોય એવી કિલ દિલમાં કશો ભલીવાર નથી.

***

kill-dil-vertical-posterયશરાજ પ્રોડક્શન્સ જો ફિલ્મો બનાવવા ઉપરાંત રિસાઇકલિંગનો પણ બિઝનેસ શરૂ કરે તો સરસ ચાલી શકે તેવું છે. આ જ વર્ષે આવેલી અને ખુદ યશરાજ પ્રોડક્શન્સે જ બનાવેલી ફિલ્મ ‘ગુંડે’નો વધ્યોઘટ્યો મસાલો ફરીથી વઘારીને પિરસી દીધો હોય એવી વાસ આ ‘કિલ દિલ’માંથી આવે છે. એક તો ફિલ્મમાં નવીનતાના નામે કશું નથી, ઉપરથી હવાઈ ગયેલા પાપડ જેવી સ્ક્રિપ્ટ બગાસાં પ્લસ કંટાળાનો તીવ્ર હુમલો લાવે છે.

દિલ, દોસ્તી ઔર ઢીશ્ક્યાઉં

વર્ષો પહેલાંની વાત છે. દિલ્હીના શાર્પશૂટર ભૈયાજી (ગોવિંદા)ને કચરાપેટીમાં બે નવજાત બાળકો મળી આવ્યાં હતાં. ભૈયાજીએ દયા ખાઈને બંનેને સગ્ગા દીકરાની જેમ ઊછેર્યાં. એ બંને મોટા થઈને બન્યાં દેવ (રણવીર સિંહ) અને ટુટુ (અલી ઝફર). ફિલ્મમાં કહે છે એમ, ધૃતરાષ્ટ્રના દીકરા કૌરવ જ બને. એ રીતે ‘એ ફોર એપલ’ શીખવાની ઉંમરે બંને ‘ડી ફોર ઢીશ્ક્યાઉં’ શીખવા માંડ્યા અને મૂછનો દોરો ફૂટ્યો ત્યાં તો બેઉ જણા ભૈયાજી માટે કામ કરતા ખૂનખાર કિલર્સ બની ગયા. હવે બંને જાણે મચ્છર મારતા હોય તેમ લોકોને ગોળીએ દેતા ફરે છે.

ત્યાં જ દેવબાબુને એક ચુલબુલી દિશા (પરિણીતી ચોપડા) સાથે પહલા પહલા પ્યાર થઈ જાય છે. દિશાના પ્રેમમાં પડતાં જ દેવબાબુ કહે છે કે બહુ થયો આ લોહિયાળ જંગ. ભલે વીમાની પોલિસી વેચીશ, પણ હવે તો હુંય તે અચ્છો આદમી બનીને બતાવીશ. આ બંદૂક સાથે હવે મારે કોઈ લેવાદેવા નથી. ત્યાં જ ભૈયાજી પોતાનું ત્રીજું નેત્ર ખોલે છે અને બરાડી ઊઠે છે કે મેરા બિલ્લા ઔર મુઝ સે મ્યાંઉ? હવે તો તમારી દિશા ને દશા બેય નો બગાડું તો મારું નામ ભૈયાજી નહીં. બસ, એટલે આપણે પડદાની સામે બેઠાંબેઠાં એ વિચારવાનું કે આ અચ્છાઈ અને બુરાઈની કબડ્ડી મેચમાં કોણ જીતે છે!

કિલ દિલ, દિમાગ, ટાઇમ અને લોજિક

હોલિવૂડના ડિરેક્ટર ક્વેન્ટીન ટેરેન્ટીનોની કલ્ટ ગણાતી ક્રાઇમ ફિલ્મો ‘કિલ બિલ’ જેવું નામ રાખવા પાછળનું લોજિક તો જાણે સમજ્યા કે જરા હટ કે અસર ઊભી કરી શકાય. પરંતુ એક પણ તબક્કે જરાય ઇમ્પ્રેસ ન કરી શકે તેવી પત્તાંના મહેલ જેવી તકલાદી સ્ક્રિપ્ટ ધરાવતી આ ફિલ્મ બનાવવા પાછળનું એક પણ લોજિક સમજાય એવું નથી. પહેલી વાત, આ જ રણવીર સિંહને લઇને આ જ વર્ષે આ જ આદિત્ય ચોપડા આ જ ટાઇપની ફિલ્મ ‘ગુંડે’ બનાવી ચૂક્યા છે. જેમાં બે અનાથ બાળકો મોટાં થઇને ગુંડા બની જાય છે. ફરક માત્ર એટલો કે તેમાં બંનેને એક જ છોકરી (પ્રિયંકા ચોપડા) સાથે પ્રેમ થયો અને અહીં એક ગુંડા (રણવીર)ને પ્રેમ થયો એમાં મોટા ગુંડા (ગોવિંદા)ના પેટમાં તેલ રેડાયું. એટલું જ થયું. બાકીની આખી ‘કિલ દિલ’ ફિલ્મમાં ગોવિંદા કુર્તાના ખિસ્સામાંથી ફોટા કાઢે છે, બંને હોરોલોગ બંદૂકડીમાંથી પોપકોર્નની જેમ ગોળીઓ ફોડે છે અને રણવીર સસ્તાં વનલાઇનર્સની ફેંકાફેંક કરીને પરિણીતીની આગળપાછળ ફર્યા કરે છે. ધેટ્સ ઑલ.

ફિલ્મો કે વાર્તામાં જ્યારે ઘિસીપિટી વાતો આવે તેના માટે અંગ્રેજીમાં ‘ક્લિશે’ એવો શબ્દપ્રયોગ છે. આવા ક્લિશેથી આ ફિલ્મ ફાટફાટ થાય છે. જેમ કે, કચરાપેટીમાં પડેલાં બાળકોને કોઈ ગુંડો ઊછેરે, હીરો ડિસ્કોથેકમાં જાય તો એને ત્યાં હિરોઇન મળી જાય, સચ્ચાઈની મિસાઇલ જેવી હિરોઇન સાથે રહીને ગુંડા હીરોમાં પણ પવિત્રતાની સરવાણીઓ ફૂટી નીકળે, ખુશ થાય કે દુઃખી થાય બધાં દયા અને જેઠાની જેમ ગીતો ગાવા મંડી પડે, હીરોને ગમે ત્યાં ગોળી વાગે તોય એ બે જ મિનિટમાં પાછો ઘોડાની જેમ હણહણવા માંડે, દિલ્હી ભલે સલામત શહેર ન મનાતું હોય, પણ પોલીસનું તો જાણે અસ્તિત્વ જ ન લાગે… ઉફ્ફ. આ ફિલ્મમાં બધું જોઇને તમને એવો પણ વિચાર આવી જાય કે અત્યારે ખરેખર ૨૦૧૪ ચાલે છે કે ૧૯૮૦ના દાયકાનું કોઈ વર્ષ?

કિલ દિલને ગોવિંદાની કમબેક ફિલ્મ ગણાવવામાં આવતી હતી, એ પણ નેગેટિવ શેડમાં. નો ડાઉટ, ગોવિંદાને આવા અલગ અંદાજમાં જોવો ગમે છે, પણ ફિલ્મમાં બિચારાની પાસે કરાવવા માટે કશું જ નથી. ઇવન આખી ફિલ્મમાં એ એકપણ વખત પોતાના ‘અડ્ડા’ની બહાર સુધ્ધાં નીકળતો નથી. પોતાની પહેલી ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી લઇને બધી જ ફિલ્મમાં રણવીર સિંહે એકસરખાં જ પાત્રો કર્યાં છે. એ પડદા પર હોય કે ઑફ સ્ક્રીન, બધે જ એ સરખા ગાંડાવેડા કરે છે, બેશરમ સંવાદો બોલે છે અને છોકરીઓ સાથે ફ્લર્ટ કરે છે. કોઈ માને કે ન માને, પણ એ આવા ‘દિલ્લી કા લૌંડા’ ટાઇપનાં પાત્રોમાં ટાઇપકાસ્ટ થઈ ગયો છે.

સોનાક્ષીની જેમ શરીર વધારવામાં જરાય પાછીપાની ન કરતી પરિણીતી ચોપડાએ પણ આ ફિલ્મ કરવા ખાતર જ કરી હોય એવું લાગે છે. ફિલ્મમાં એ કંઇક ગુનેગારોને સુધારવાની સમાજસેવા કરે છે અને પોર્શે જેવી મોંઘી ગાડીઓમાં ફરફર કરે છે. એ એટલી બધી ધનાઢ્ય છે કે દિલ્હીમાં રહેતી પરિણીતીને સરપ્રાઇઝ બર્થડે પાર્ટી આપવા માટે બધા પાંચ જ મિનિટમાં લવાસા સિટી પહોંચી જાય છે!

પાકિસ્તાની એક્ટર-સિંગર અલી ઝફર જોવા-સાંભળવામાં સારો લાગે છે, પણ કોઈ મ્યુઝિક બેન્ડમાંથી ભાગીને હાથમાં ગિટારને બદલે બંદૂકડી પકડી લીધી હોય એવી સતત ફીલ આવ્યા કરે છે. આ સિવાય આ ફિલ્મમાં ઉલ્લેખ કરવા જેવું પણ કોઈનું પાત્ર નથી. હા, અડધી-પોણી ફિલ્મ પતે એટલે બાબુજી આલોક નાથની ગેસ્ટ એન્ટ્રી થાય છે. ‘જીવન સંબંધ’ નામની વીમા કંપની ચલાવતા બાબુજી અમસ્તા જ પોતાની ઑફિસની દીવાલ પર નિરુપા રૉયનો ફોટો ટાંગી રાખે છે, તમે માનશો?

આ દિલને કિલ કરી નાખો

આ ફિલ્મમાં સારી બાબત તરીકે માત્ર તેનાં ગુલઝારે લખેલાં અને શંકર-એહસાન-લોયે કમ્પોઝ કરેલાં બે-એક ગીતો અને વચ્ચે ઘૂંટાયેલા સ્વરમાં ગૂંજતો ગુલઝાર સાહેબનો અવાજ, બસ એટલું જ છે. રસપ્રદ વાત એ છે કે આ પિક્ચરના ટાઇટલ સોંગમાં વાગતી વ્હિસલ સતત ‘શોલે’ ફિલ્મની આર.ડી બર્મને કમ્પોઝ કરેલી ટ્યૂનની જ યાદ અપાવે છે. પરંતુ કિલ દિલનાં ગીતો તો આપણે મોબાઈલમાં પણ સાંભળી શકીએ, એના માટે કંઈ પૈસા, સમય અને મગજ બગાડવા થિયેટર સુધી લાંબા ન થવાય. મોટા બેનરની હોવા છતાં આવી જૂનો ગંધાયેલો માલ પધરાવતી ફિલ્મો શ્રીલંકાની બેટિંગની જેમ ફ્લોપ જવી જ જોઇએ, તો જ ફિલ્મોના નામે પિરસાતો આવો કચરો સાફ થશે. આવી ફિલ્મ ન જોવી એ પણ ‘સ્વચ્છ ભારત અભિયાન’ને ટેકો આપવા જેવું જ દેશસેવાનું કામ છે!

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ભાગ મિલ્ખા ભાગ

વાહ મિલ્ખા વાહ!

***

જો પાનસિંહ તોમર ડકૈત ન બન્યો હોત તો એ મિલ્ખા સિંઘ બની શકત?

***

bmb2ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એક ઉજ્જડ થઇ ચૂકેલા ગામમાં બારેક વર્ષનો છોકરો પોતાનું ઘર ખોળતો ખોળતો પાછો ફરે છે. “માં… માં…” બૂમો પાડે છે પણ જવાબમાં સન્નાટા સિવાય કશું જ નહીં. અચાનક છોકરાનો પગ લપસે છે, જુએ છે તો એ લોહીના ખાબોચિયામાં પડ્યો છે. ડરી ગયેલો એ છોકરો ઊભો થઇને બે ડગલાં પાછો ચાલે છે, ત્યાં એ ફરી ગબડે છે અને આ વખતે એ છોકરાની સાથોસાથ આઘાત પામવાનો વારો આપણો પણ છે. એ પડે છે સીધો લાશોના ઢગલા પર…

***

ઉથ્થે ડૂબે ઇથ્થે નિકલે

આપણે ત્યાં હોલિવૂડની જેમ “બાયોપિક” પ્રકારની ફિલ્મો બહુ બનતી નથી. પરંતુ બને છે ત્યારે શું બને છે, બોસ! બેન્ડિટ ક્વીન, ગાંધી માય ફાધર, બોઝ ધ ફરગોટન હીરો, ગુરુ, ચક દે ઇન્ડિયા, પાન સિંહ તોમર અને હવે આવી છે રાકેશ ઓમપ્રકાશ મેહરાની મિલ્ખા સિંઘના જીવન પર બનેલી “ભાગ મિલ્ખા ભાગ”. પહેલા જ દડે સિક્સ જેવી ‘રંગ દે બસંતી’ બનાવ્યા પછી, ‘દિલ્હી-6’ જેવી કંગાળ ફિલ્મ બનાવ્યા બાદ તેજસ્વી ડાયરેક્ટર રાકેશ મહેરા ચાર વર્ષથી ગાયબ હતા. પરંતુ મોટી માછલી પાણીમાં ડૂબકી મારે તો તે ફરી પાછું માથું ઊંચકવા માટે જ હોય, એમ રાકેશ મેહરા મિલ્ખા સિંઘની કથા લઇને આવવાના હતા.

મિલ્ખા સિંઘઃ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

કેટલાક લોકો આ દુનિયા નામની સ્કૂલમાંથી જિંદગીના પાઠ શીખે છે. આવો જ એક વિદ્યાર્થી એટલે મિલ્ખા સિંઘ. ભાગલા પહેલાં અત્યારના પાકિસ્તાનમાં જન્મેલા મિલ્ખાના પરિવારને 1947માં ભાગલા વખતે એની નજર સામે જ રહેંસી નખાયેલો. એ કારમો ઘા લઇને બાળક મિલ્ખા દિલ્હી ભાગી આવ્યો. શરણાર્થી શિબિરોમાં એક એક રોટલી માટે સંઘર્ષ કરીને મિલ્ખા મોટો થયો. યુવાનીના ઉંબરે પ્રેમ થયો, પણ રખડુ યુવકનું મહેણું ભાંગવા લશ્કરમાં સામેલ થયો. એક ગ્લાસ દૂધ, બે કાચા ઇંડાં અને પરેડમાં થાકી ગયા તો સજામાંથી મુક્તિ, એ ઇનામની લાલચે મિલ્ખા છ માઇલની રેસ એવી દોડ્યો કે એના પરસેવાના રેલામાં એનું હીર પરખાઇ ગયું. પછી તો આકરી ટ્રેનિંગ અને ઓલિમ્પિક્સથી લઇને કોમનવેલ્થ ગેમ્સ તથા એશિયન ગેમ્સમાં ભાગ લેવાનો સિલસિલો શરૂ થયો. આજે 77 વર્ષના મિલ્ખા સિંઘ કોમનવેલ્થ ગેમ્સમાં ઇન્ડિવિઝ્યુઅલ એથ્લેટિક્સમાં ગોલ્ડમેડલ જીતનારા એકમાત્ર ભારતીય એથ્લિટ છે.

ફિલ્મ છે કે મેરેથોન રેસ?

‘ભાગ મિલ્ખા ભાગ’માં સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વસ્તુ છે ફરહાન અખ્તરનું એકદમ એથ્લિટ જેવું ટોન્ડ બોડી, જે સલમાનની જેમ શોઓફ્ફ કરવા માટે નહીં પણ એક ફૌજીનું ફૌલાદી બદન લાગે છે. મિલ્ખાના પાત્રને એણે એકદમ ડીપલી ઘુસ કે આત્મસાત્ કર્યું છે. એણે ફિલ્મની જેમ હકીકતમાં પણ બાલદી ભરીને પરસેવો વહાવ્યો છે, એ પરખાઇ આવે છે! બીજું આશ્ચર્ય છે પ્રસૂન જોશીની કલમ. ગીતકાર પ્રસૂને આ વખતે સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ માટે પણ કલમ ઉપાડી છે. મિલ્ખાના પાત્રને પૂરેપૂરો ન્યાય કરવા માટે પ્રસૂને એમની સાથે સારો એવો સમય ગાળ્યા બાદ સ્ક્રિપ્ટ લખી છે, પણ આ જ લાલચમાં ફિલ્મ ત્રણ કલાક અને દસ મિનિટ જેટલી મેરેથોન લાંબી થઇ ગઇ છે. એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં ફરહાન પછી સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હોય તો તે છે ‘મિલ્ખુ’ની બહેન બનતી દિવ્યા દત્તા અને ‘જવાન’ મિલ્ખાના ગુરુ બનતા પવન મલ્હોત્રાએ. કોચના રોલમાં ક્રિકેટર યુવરાજ સિંહના પપ્પા યોગરાજ સિંહ પહેલીવાર હિન્દી ફિલ્મોમાં દેખાયા છે. પંજાબી ફિલ્મોમાં તો એ જાણીતો ચહેરો છે જ (યોગરાજને જોઇને વિચાર આવે કે બરાબર છે જે માણસ યુવરાજ સિંહને પેદા કરી શકે એના હાથ નીચે મિલ્ખા તો પેદા થાય જ ને!). ફરહાનની સામે સોનમ કપૂર ફિલ્મમાં લિટરલી પાણી ભરે છે, એ પણ એક હાથમાં હાંડો અને બીજા હાથમાં બાલદી લઇને. એ સિવાય ફિલ્મમાં બિચારીનું કશું કામ નથી. ‘જયકાંત શિક્રે’ ટાઇપના રોલ કર્યે રાખતા પ્રકાશ રાજ મુચ્છડ ફૌજી અફ્સરના રોલમાં સારા લાગે છે. પરંતુ સૌથી હાસ્યાસ્પદ કાસ્ટિંગ હોય તો જવાહરલાલ નેહરુ બનતા દિલીપ તાહિલનું. ફિલ્મમાં શંકર એહસાન લોયનું મ્યુઝિક એવું જાનદાર છે કે કારમાં સાંભળતા હોઇએ તો ઉત્તેજનામાં આપણો પગ એક્સલરેટર પર દબાઇ જાય એવું બને.

રેસ જીવનની

રમખાણમાં હોમાતા પહેલાં મિલ્ખાના પિતા એને બૂમ પાડે છે, ‘ભાગ મિલ્ખા… ભાગ’, પરંતુ મિલ્ખાનું દોડવું એ ખરેખર તો એના જીવનનો સંઘર્ષ છે. બાળપણમાં એ જીવ બચાવવા દોડ્યો, પછી જીવતા રહેવા માટે દોડ્યો, પછી કશુંક બનવા માટે દોડ્યો, એ પછી દેશ માટે દોડ્યો અને આ દરેક તબક્કે એના કારમા ભૂતકાળની ભૂતાવળો એની પાછળ દોડતી રહે છે. રાકેશ મેહરાએ વર્તમાન અને ફ્લેશબેક એકસાથે કહેવાની પોતાની ‘રંગ દે બસંતી’ની જ સ્ટાઇલ અહીં વાપરી છે. અહીં તો ફ્લેશબેકમાં પણ ફ્લેશબેક છે. એટલે કોઇ તબક્કે આપણે ભૂલી જઇએ કે આપણે કયા સમયખંડમાં છીએ. એક મોટો લોચો એ છે કે લગભગ ભાગ મિલ્ખા… જેવી જ સ્ટોરી આપણે થોડા સમય પહેલાં ‘પાનસિંહ તોમર’માં જોયેલી, પણ પાનસિંહે હિંસાનો માર્ગ પકડી લીધો જ્યારે મિલ્ખાએ પોતાની ટ્રેક છોડી નહીં. એટલે જ આજે પાનસિંહ ડકૈત છે અને મિલ્ખા હીરો. જોકે પાન સિંહ તોમર જેટલી આ ફિલ્મ રિયલિસ્ટિક નથી લાગતી!

ઇન શોર્ટ, ‘ભાગ મિલ્ખા ભાગ’ આટલાં કારણોસર જોવી જ જોઇએઃ ફરહાનની મહેનત એક્ટિંગ અને બોડી બિલ્ડિંગ બંને માટે (સ્ક્રીન પર એકસાથે પચ્ચીસ-પચ્ચીસ પુશઅપ્સ કરવાં એ નાનીસૂની વાત નથી!), પ્રસૂન જોશીની કવિતા અને સ્ક્રીનપ્લે-ડાયલોગ્સ માટે, શંકર-અહેસાન-લોયના પંજાબી ફીલ આપતા સંગીત માટે અને એના મસ્ત પ્લેસિંગ માટે, 1950-60ના દાયકાનું ભારત જોવા માટે, બાળ મિલ્ખા સિંઘ બનતા બાળકલાકારની તથા દિવ્યા દત્તા અને પવન મલ્હોત્રાની એક્ટિંગ માટે, રાકેશ ઓમપ્રકાશ મેહરાના આ ફિલ્મ બનાવવા પાછળના ડેડિકેશન માટે (અને એક નાનકડા સીનમાં એમના ગેસ્ટ અપિયરન્સ માટે). પરંતુ હા, કકળાટિયા પબ્લિક આવવાની વકી હોય એવો શો પસંદ ના કરશો, નહીંતર તમારી ફિલ્મ જોવાની મજા મરી જશે!

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements