ટાઇગર ઝિંદા હૈ

ટાઇગર ઠંડા હૈ

***

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

***

 • Caution: Some spoilers ahead…tiger-zinda-hai-new-poster-salman-khan-and-katrina-kaif-hunt-to-kill-the-enemies
  ભવિષ્યમાં ક્યારેક એવી ફિલ્મ પણ આવશે, જેની સ્ટોરી કંઇક આવી હશેઃ સલમાન ખાનના ફૅન્સે મળીને સલમાનની ફિલ્મોના રિવ્યુ કરનારા (વાંચો, એમાંથી લોજિક શોધીને તેની ટીકા કરનારા) રિવ્યુઅરોને પકડીને બંધક બનાવ્યા હશે. એ રિવ્યુઅરોને ટોર્ચર કરવા માટે KRKના તમામ ‘રિવ્યુઝ’ બેક ટુ બેક બતાવવામાં આવતા આવશે! (ના, બંધકોમાં ખુદ KRK નહીં હોય, કેમ કે, એનું અપહરણ ત્યાં સુધીમાં કોઇક ને કોઇક ફિલ્મસ્ટારે તો કરી જ લીધું હશે!) પછી ખુદ સલમાનભાઈ ગળે ચેક્સવાળો ગમછો વીંટીને એન્ટ્રી મારશે અને એ રિવ્યુઅરોને છોડાવશે. પછી એમના ફૅન્સ જ કહેશે કે, ‘દેખો, ભાઈ કા દિલ ઉનકી ફિલ્મો કે ટોટલ કલેક્શન સે ભી બડા હૈ!’
 • કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ ગમે તે કહે, ‘કિક’ વાગે કે ન વાગે, ‘ટ્યુબલાઇટ’ જલે કે ન જલે, ભાઈ, દરવર્ષે પોતાની એકાદ-બે બાળફિલ્મ, સોરી ફિલ્મ લઇને આવી જ જાય છે. રિવ્યુઅરો અને સેન્સિબલ સિનેમાના ચાહકો માથાં પછાડ્યાં કરે ને ફૅન્સ પોતાના ભાઈની ફિલ્મ 100-200-500 કરોડના ક્લબમાં નાખ્યા કરે. અને જો આ જ રીતે મોટી ફિલ્મોની રિલીઝ વખતે ટિકિટોના ભાવ વધતા રહ્યા તો ભવિષ્યમાં ‘પ્રધાનમંત્રી સિનેચાહક યોજના’, ‘સિનેબંધુ કલ્યાણ યોજના’, ‘સિનેમા જાઓ, સિનેમા બઢાઓ’, ‘દો ટિકટ સિનેમા કી’ ટાઇપની સબસિડી યોજનાઓ શરૂ કરવી પડશે! એની વે, ઑવર ટુ ધ મુવી…
 • ભાઈએ જ્યારે પારકાં છોકરાંવને ઘરે પહોંચાડવાનું ‘ગુમશુદા તલાશ કેન્દ્ર’ (સરનામું: નઈ કોતવાલી, દરિયાગંજ, નયી દિલ્લી-110011) ચાલુ કર્યું ને સાઇડમાં લંગોટ બાંધીને શર્માજી કી લડકી માટે કુશ્તી કરવાનું ચાલુ કર્યું એ પહેલાં એ RAWમાં ‘ટાઇગર’ કોડનેમથી જાસૂસ હતા. એના પરથી 2012માં ‘એક થા ટાઇગર’ નામની જૅકી શ્રોફને ન ગમે તેવું નામ ધરાવતી ફિલ્મ પણ બનેલી.
 • અત્યારે જૅકી શ્રોફને આનંદ થાય તેવા સમાચાર એ છે કે ‘ટાઇગર ઝિંદા હૈ’. સ્પોન્સર્ડ ન્યુઝ ચેનલોના સૂત્રો કહે છે કે ટાઇગર અને એમની પાકિસ્તાની જાસૂસ બેગમ ઝોયા બંને છેલ્લાં આઠ વર્ષથી અજ્ઞાતવાસમાં છે. ટાઇગર આઠ વર્ષ ગાયબ શું થયો કે આખી દુનિયામાં ઊથલપાથલ મચી ગઈ! ઇરાક-સિરિયામાં ISIS, સોરી, ISCના આતંકવાદીઓએ ઉપાડો લઈ લીધો, બોલો! હદ તો ત્યારે થઈ કે એ લોકોએ 25 ભારતીય નર્સોને પણ બંધક બનાવી લીધી, અટામણમાં 15 પાકિસ્તાની નર્સો પણ અડફેટે આવી ગઈ (વ્હોટ્સએપ યુનિ.ના વિદ્યાર્થીઓ જોગ GK ફેક્ટઃ 2014માં ISISએ કુલ 46 નર્સોને બંધક બનાવેલી અને એ તમામ ભારતીય-મોસ્ટ્લી કેરળની હતી. ફિલ્મમાં પાકિસ્તાની નર્સો નાખવી પડી, કેમકે ઝોયાભાભી પાકિસ્તાની છે!) સાત દિવસમાં એમને જ્યાં બંધક બનાવાઈ છે ત્યાંથી છોડાવવામાં નહીં આવે તો અમેરિકા ત્યાં ડ્રોન-બોમ્બિંગના પ્રયોગો ચાલુ કરી દેશે. હવે? મિનિમમ દિવસમાં મૅક્સિમમ પર્ફોર્મન્સ આપવાનો રેકોર્ડ ‘ભાઈ’ના નામે જ છે, એટલે RAW પાસે ‘ભાઈ અલર્ટ’ આપ્યા સિવાય કોઈ છૂટકો જ નહોતો! (કિડનૅપ થાય એવી કોઈ નર્સો અસ્તિત્વ જ ધરાવતી નથી તેવો ‘2G સ્પેક્ટ્રમ સ્ટાઇલ’નો આઇડિયા ત્યારે શોધાયો નહોતો!) લેકિન ભાઈના ફોનમાં માત્ર આઉટગોઇંગ છે, ઇન કમિંગ નહીં. યાને કે ભાઈ કા કોન્ટેક્ટ તભી હો સકતા હૈ, જબ ભાઈ ચાહતે હૈ! આ તો સારું થયું કે ભાઈનો મૂડ હતો, ભાઈનો કોન્ટેક્ટ થઈ ગયો ને આખા અડદની દાળ બનાવતાં બનાવતાં ભાઇએ ‘હા’ પણ પાડી દીધી. નહીંતર ભારતીય નર્સોને બચાવવા કોણ જાત? આમેય સૈફે અગાઉ ‘ફેન્ટમ’માં ભગો કરેલો, અક્ષય કેન્દ્ર સરકારની યોજનાઓનાં ઇમ્પ્લિમેન્ટેશનમાં વ્યસ્ત છે, સની પાજીએ ડંકી ઉખાડ યોજનાઓ બંધ કરી દીધી છે! બચા કૌન? ઑન્લી ભાઈ!
 • સલમાન ભલે ઝાઝું ન બોલે, પણ એની આ ફિલ્મ જોઇને અમે એના મનની પીડા જાણી ગયા છીએ. એક્ચ્યુઅલી, ભાઇને એમના છાતીના સ્નાયુઓની પેલે પાર હૃદય તરીકે ઓળખાતા અંગના એક ખૂણે ખટકો છે કે એમને હૉલિવૂડની ‘એ’ ગ્રેડ ફિલ્મોમાં કામ કરવા કોઈ બોલાવતું નથી. એમનું ‘મૅરિગોલ્ડ’ કરમાયે જમાનો થઈ ગયો. ઐશ્વર્યા-પ્રિયંકા-દીપિકા ત્યાં કામ કરી આવ્યાં, આમિર પણ કાળી શેરવાની સિવડાવીને ઑસ્કરમાં આંટો મારી આવ્યો. અરે, પેલો બારમાસી દેવદાસ અલી ફઝલ પણ ‘ફાસ્ટ ફ્યુરિયસ’ ને ‘વિક્ટોરિયા અબ્દુલ’ જેવી ફિલ્મોમાં જઈ આવ્યો છે. જ્યારે ભાઈ તો માશાઅલ્લાહ, ચલતી ફિરતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. તો શું થયું કે હૉલિવૂડવાળા એમને ન બોલાવે, ભાઈએ એમની હૉલિવૂડ મુવી અહીં ઇન્ડિયા મેં હી ચ બના ડાલી છે. ધેટ ઇઝ ધીસ, ‘ટાઇગર ઝિંદા હૈ’. મને ખબર છે તમે નહીં જ માનો. સબૂત એ છે કે ‘ટાઇગર ઝિંદા હૈ’ની અડધી ફિલ્મ અંગ્રેજી ને ઇરાક બાજુની કોઈ ભાષામાંથી હિંદીમાં ડબ કરવામાં આવી છે. પ્રેઝન્ટેશન પણ એવું કે જાણે ‘બ્રહ્માંડ કે યોદ્ધા ઔર ભૂખે ભેડિયોં કા બદલા’ જેવી કોઈ ડબ્ડ હૉલિવૂડ મુવી ચાલતી હોય. (ખાનગી કારણ એવું છે કે ભાઈ કે ફૅન્સના બધા રૂપિયા ‘બીઇંગ હ્યુમન’ની પ્રોડક્ટ્સ ખરીદવામાં વપરાઈ ગયા છે, એટલે તેઓ ‘રેપિડેક્સ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ’ ખરીદી જ શક્યા નથી!) ઇવન ભૂલથીયે કોઈ ઇંગ્લિશ લાઇન બોલાઈ ગઈ હોય તો તરત જ એનું હિન્દી ટ્રાન્સલેશન પણ બોલી નાખવામાં આવે. યુ નૉ, કન્ફુજિયા ગયે તો બિલન્ડરવા હો જાયેગા! (બીજી એક માહિતી પ્રમાણે આ ફિલ્મનાં ડબ્ડ અને વિધાઉટ ડબિંગ એમ બે વર્ઝન ચાલી રહ્યાં છે. ઇંગ્લિશ જાણતા લોકોનેય ભાઈને ગમાડવાની ઇચ્છા હોય કે નહીં?)
 • હવે ભાઈને ભલે ISIS, સોરી, ISCની ચુંગાલમાં ફસાયેલી નર્સોને બચાવવાની હોય, પણ ફિલ્મમાં એની દૂધની થેલી લેવા ગયો હોય ત્યારે કે પછી અખબારની કુપનો ચોંટાડીને સાબુની ગોટી કે પા કિલો ચાની ભૂકી લેવા ગયો હોય એ વખતે એન્ટ્રી પડે તો થોડું સારું લાગે? ભાભીયે ભાઈની ટક્કરનાં છે એવું એસ્ટાબ્લિશ કરવા માટે બંનેને ચાક્કા જેવા એન્ટ્રી સીન જોઈએ. ભાઈ છુટ્ટા હાથે વરુઓ સાથે બાખડે. અરે, ભાઈની પકડમાં આવેલું વરુ પણ ડરીને બેહોશ થઈ જાય. હા, ભાભી કરિયાણું લેવા જાય ખરાં, પણ ત્યાંય તે કલમમાં તલવાર કરતાં વધુ તાકાત છે તેનો પરચો બતાવે. સી, આપણને કોઈ પ્રોબ્લેમ નથી (ટિકિટ ખર્ચીને આવ્યા છીએ, બતાવો તમતમારે નિરાંતે બધું). આ તો પેલી નર્સો રાહ જોઈ રહી છે એટલે થોડી ચિંતા થાય તે સ્વાભાવિક છે. પ્લસ આખી ફિલ્મમાં ભાઈ કા સ્વૅગ, ભાઈ કે કિલર લુક્સ, ભાઈ કી બૉડી, ભાઈ કે સ્ટન્ટ્સ, ભાઈ કે ડાયલોગ્સ, ભાઈ કા ATV-હૉર્સ ડ્રાઇવિંગ, ભાઈ કા સ્કીઇંગ બધું યથાશક્તિ સ્લો મોશન સાથે બતાવવાનું હોય… એટલે અમારા જેવા બેઠાં બેઠાં લોહી ઉકાળા કરે કે હાયલા ફિલ્મ 161 મિનિટ લાંબી છે (બહાર નીકળીશું ત્યારે ગામમાં બુલેટ ટ્રેન ફરતી થઈ ગઈ હશે!).
 • હવે કહને કો તો આ ફિલ્મ રિયલ લાઇફ ઇન્સિડન્ટ પર આધારિત છે, પણ આખા ઘટનાક્રમને એવો ક્યુટ ટ્વિસ્ટ આપ્યો છે કે સ્થિતિ એવી આવીને ઊભી રહે કે, ‘ભાઈ, તુસ્સી તે તોપ હો, સાડી ઑન્લી હોપ હો.’ આગળ કહ્યું એમ રિયલ લાઇફની 46 ભારતીયને બદલે 25 ભારતીય નર્સ અને લટકામાં 15 પાકિસ્તાની નર્સ પણ ઉમેરવામાં આવી છે (નાખો ને તમતમારે, આમેય એમને રોકકળ સિવાય કશું કરવાનું આવ્યું નથી). ISISનું ICE, તિકરિતનું ઇકરિત કરી નખાયું છે, ISISનો બ્લેક ફ્લેગ લાલ થઈ ગયો છે. એ તો ઠીક, પણ RAWનું નામ RAW છે એની સામે કોઈની લાગણી કેમ દુભાઈ નથી એ મોટો પ્રશ્ન છે. કેમ કે આ ડૅન્જરસ મિશન માટે RAW પાસે એક માત્ર 45 વર્ષનો (એવું ફિલ્મમાં બતાવે છે, અમે નિર્દોષ છીએ!), પ્રિઝ્યુમ્ડ ડેડ ઍજન્ટ જ હોય, ને એય મિશન પત્યે પાછો વિજય માલ્યાની જેમ અદૃશ્ય થઈ જવાનો હોય, તો યાર, આપણું કોણ? મોદીસાહેબ, બિચારા કેટલે પહોંચે? એમનેય તે 2019ની તૈયારી કરવાની હોય કે નહીં?!
 • આ ફિલ્મમાં સ્પાય એજન્ટોનો કોડવર્ડ છે, ‘તુ તુ તુ તુતુ તારા… આ ગયા દોસ્ત હમારા’. સાંભળીને અમને તો બચ્ચનસાહેબની ‘પરવરિશ’ યાદ આવી ગઈ. એમાંય આવો જ કોડવર્ડ હતો, ‘આસમાન મેં કિતને તારે હૈ?… અબ આપ હમારે હૈ.’ કસમથી નોસ્ટેલ્જિક કરી નાખ્યા! (Sob… Sob!)
 • આમ ફિલ્મની પ્રોડક્શન ડિઝાઇન સારી છે. એટલે કે જોતાં જોતાં આપણને લાગે કે ઇરાક-બિરાકના સેટ સારા ઊભા કર્યા છે. ફિલ્મમાં જમીન પર, હવામાં, વાહનોમાં ઘણે ઠેકાણે બ્લાસ્ટ થાય છે. એની સ્પેશિયલ ઇફેક્ટ્સ નવું નવું ‘ફોટોશોપ’ શીખેલા ગ્રાફિક ડિઝાઇનરે બનાવી હોય એવી લાગે છે. હા, જ્યારે ભાઈ પોતાનું ટીશર્ટ ફાડીને ટૉપલેસ થાય છે, ત્યારે એમનું ગઠ્ઠાદાર બૉડી બતાવવામાં જે સ્પેશિયલ ઇફેક્ટ વાપરી છે, એ જબરદસ્ત છે! ઉપ્સ!
 • ભારતીય નર્સોને બચાવી લાવવામાં કદાચ એટલી બધી દેશભક્તિ એસ્ટાબ્લિશ નહીં થઈ શકે એવું ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરને લાગ્યું હશે, એટલે એમણે બે દાયકા જૂનું દેશભક્તિનું પૅકેટ ખોલ્યું છે. ભારત અને પાકના ઍજન્ટો મળીને એ જ જે.પી. દત્તા સ્ટાઇલની ચર્ચાઓ કર્યા કરેઃ ‘સોચો અગર બટવારા ના હુઆ હોતા તો કિતના અચ્છા હોતા. સચિન-અક્રમ એક હી ટીમ સે ખેલતે, લતા ઔર આબિદા એક હી દેશ સે ગાતી…’ હજી ફીલ ન આવી હોય તો આવી લાઇન્સ પણ આવે, ‘ઇસ બૅગ મેં તિરંગા હૈ, યે ઉપર હી રહેગા…’, ‘RAW ઔર ISI પહલી બાર સાથ મેં મિશન મિશન કર રહે હૈ’… ભાભી ભાઈને કહી દે, ‘(ટાઇગર) તુમ મુઝસે ભી ઝ્યાદા પ્યાર અપને દેશ સે કરતે હો…’ અને એક તબક્કે ભારત-પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ ફરકતા દેખાય એટલે ભાઈના ભલભલા પ્રચ્છન્ન ફૅન્સ પણ કૅન્ડીફ્લોસ પૅટ્રિયોટિક થઈ જાય. પરંતુ થિયેટરમાં રાષ્ટ્રગીત વખતે ઊભા થવામાં પણ જેમને સંધિસુધા લગાવવી પડતી હોય એવા દેશદ્રોહી-ભાજપ વિરોધીઓને પરાસ્ત કરવા માટે ફિલ્મમાં દેશભક્તિનું એક બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું છે, પરેશ રાવલ. ફિલ્મમાં તેઓ પણ ભારત સરકારના ઍજન્ટની ભૂમિકામાં છે (હાઉ, રિયલિસ્ટિક!). જોકે એમનું કેરેક્ટર એટલું બધું લાઉડ છે કે સિક્રેટ ઍજન્ટને બદલે ‘બાબુભૈયા’ વધારે લાગે છે.
 • આઈ નૉ, સલમાનની ફિલ્મોમાંથી લોજિક શોધનારાઓને આપણા સમાજમાં માનભર્યું સ્થાન નથી મળતું. પરંતુ ભાઈનો પનારો ફિલ્મમાં જ કહે છે તેમ ‘દુનિયા કે સબસે ખતરનાક ટેરરિસ્ટ ઑર્ગેનાઇઝેશન’ સાથે પડે, ત્યારે થોડું રિઝનેબલ રાખવું જોઇએ એવું અમોને લાગે છે. આતંકવાદીઓના ગઢમાં-નર્સોને ગોંધી રાખી હોય તે હૉસ્પિટલમાં ઘૂસવું, ત્રાસવાદીઓને કાકડીની જેમ સમારી નાખવા, એમને બેવકૂફ બનાવવા વગેરે બધું અહીં એટલું ઇઝી બનાવી દેવાયું છે કે કોઈ થ્રિલ જેવું લાગે જ નહીં. ફિલ્મમાં જેટલી લોંગ રોપ આતંકવાદીઓએ ભાઈને આપી છે એટલી તો આપણી કૉર્ટોએ પણ નથી આપી. જસ્ટ ઇમેજિન, એક સાઇડ ભાઈ એકલા, સામે ડઝનબંધ આતંકવાદીઓ એમના પર ગોળીબાર કરી રહ્યા છે, લેકિન મજાલ છે એકેય ગોળી ભાઈને ટચ્ચ બી કરવાની હિંમત કરે?! આતંકવાદીઓનો સરગના અબુ ઉસ્માનના રોલમાં છે ઇરાનિયન એક્ટર સજ્જાદ ડેલફ્રૂઝ. એ ઇરાનિયન એક્ટર છે એટલે બાય ડિફૉલ્ટ ઇમ્પ્રેસિવ લાગે છે. પણ ફિલ્મમાં એ કિલર લુક્સ આપવા સિવાય ભાગ્યે જ કશું કરે છે. ‘બૅબી’ ફિલ્મમાં એ સાઉદી ડૉક્ટર બનેલો અને જે રીતે અક્ષય કુમાર એને બેવકૂફ બનાવી ગયેલો એ જોતાં મને ભાઈની સફળતા અંગે કોઈ જ ડાઉટ નહોતો. એમાંય અહીં તો એ ભાઈ સાથે આર્ગ્યુમેન્ટમાં ઊતરે છે, બોલો! ભાઈના કરિશ્મા ને વિશ્વમાં ટેરરિઝમના બિઝનેસની ચર્ચાઓ કરે. એક ગોળીથી કામ પતાવવાને બદલે ભાઈને મારવા માટે ઝહરીલી ગેસ છોડે. ખાલી ‘મુઘલ-એ-આઝમ’ સ્ટાઇલમાં ડાયલોગ જ બાકી રાખેલો, ‘પ્રોડ્યુસર તુમ્હેં મરને નહીં દેંગે ઔર હમ ટાઇગર, તુમ્હેં જીને નહીં દેંગે!’ અથવા તો ‘શાન’નો શાકાલ જોઈ લો, ‘યે ઝહરીલી ગૅસ ધીરે ધીરે મહેફિલ કો ઔર રંગીન બનાતી જાયેગી!’ અને ભાઈનો સ્વૅગ બી જોઈ લો, ‘વિશ્વના મોસ્ટ ડૅન્જરસ મેન’ને ચેલેન્જ મારે, ‘અગર ઉસકો (કૅટરિના કો) હાથ ભી લગાયા તો યહીં ઝિંદા ગાડ દૂંગા…’ અરે, એ ત્રાસવાદીઓના બૉસની હિંમત જુઓ, ભાઈને ચૅલેન્જ મારે, ‘ટાઇગર, દમ હૈ તો રોક લે!’ ઇડિયટ!
 • ઍક્ચ્યુઅલી, ગ્લોબલ ટેરરિઝમ, ઇન્ડિયન પૉલિટિક્સ, RAW, અમેરિકા, દેશભક્તિ, ઇન્ડિયા-પાક રિલેશન્સ એ બધાનો અહીં એવો બાલિશ અપ્રોચ છે કે ફિલ્મને પાંચ મિનિટ માટે પણ ટાઇમપાસ કેટેગરીથી ઉપર લઈ જઈ શકાય તેમ નથી.
 • આમ તો આખી ફિલ્મ ભાઈ કી ખાતિર જ છે, છતાં ભાઈને એકલું એકલું ન લાગે એ માટે અન્ય કલાકારો પણ લેવાયા છે. એમાં કૅટરિના, પરેશ રાવલ ઉપરાંત ‘પિંક’માં જેને ‘નો મીન્સ નો’ નહોતું સમજાયું એ અંગદ બેદી, પોતાના નામમાં ‘કુમાર’ ઉમેરાવીને આવેલા કુમુદ મિશ્રા, ફિલ્મમાં ઇન્ડિયા-અમેરિકા વચ્ચે અપ-ડાઉન કરતા ગિરિશ કર્નાડ, KBCમાંથી ફ્રી થયેલા સિદ્ધાર્થ બસુ એટસેટરાનો સમાવેશ થાય છે. કૅટરિના ફિલ્મમાં ઘણી બધી ભાષાઓ જાણે છે (હિન્દી સિવાય!).
 • ફિલ્મમાં રિયલ લાઇફ રેફરન્સિસ ધરાવતી મૅટા હ્યુમર પણ છે. જેમ કે, સલમાનનો ડાયલોગ છે, ‘શિકાર તો સબ કરતે હૈં, લેકિન ટાઇગર સે બહેતર શિકાર કોઈ નહીં કરતા’. એક સીનમાં પરેશભાઈ બોલે છે, ‘પ્રધાનમંત્રીજી કો યે બાત પતા હૈ?’ સૌથી વધુ મૅચ્યોરિટી આ બંને લાઇન્સમાં જ દેખાઈ છે!
 • રૅસ અગેન્સ્ટ ટાઇમ જેવી કોઈ થ્રિલ ફિલ્મમાં છે નહીં (એટલેસ્તો ‘એરસ્ટ્રાઇકને બે દિવસ બાકી’ ને ‘તમારી પાસે ચાર મિનિટ છે’ ને ‘લો આ સ્ટોપ વૉચ ચાલુ કરી’ ટાઇપની સિચ્યુએશન્સ મુકાઈ છે). પરિણામે છૂટક એક્શન સિક્વન્સીસમાંથી આપણી મતિ-શક્તિ પ્રમાણે થ્રિલ શોધી લેવાની રહે છે.
 • આમ તો હરિકથાની જેમ ભાઈકથા પણ અનંત છે, પરંતુ તમારી ધીરજની મર્યાદા છે. એટલે અમે અહીં જ રિવ્યુ-વિરામ જાહેર કરીએ છીએ. વાત એવી છે કે આ ફિલ્મ સંપૂર્ણપણે ‘ફૅન્સની, ફૅન્સ દ્વારા, ફૅન્સ માટે’ બનાવવામાં આવી છે. એટલે રિલીઝ વખતે ‘સર્જ પ્રાઇસ’માં ફિલ્મ ન જોવી હોય તો નિરાંતે DVD પર, ચૅનલ પર કે ‘એમેઝોન પ્રાઇમ’ પર આવે ત્યારે જોવામાં પણ કશો જ વાંધો નથી.
 • બેસ્ટ તો એ રહેશે કે ISIS દ્વારા ભારતીય નર્સોના કિડનૅપિંગ પર બનેલી સુપર્બ મલયાલમ થ્રિલર ફિલ્મ ‘ટૅક ઑફ’ જોઈ નાખો. ‘હૉટસ્ટાર’ પર ઇંગ્લિશ સબટાઇટલ્સ સાથે આ ફિલ્મ ઉપલબ્ધ છે. (તેના રિવ્યુ અને ફિલ્મની લિંક નીચે પોસ્ટ કરી છે.)
 • બાકી જે રીતે ભાઈ હવે ડૉમેસ્ટિક પ્રશ્નો સોલ્વ કરવાથી લઇને ભારત-પાક રિલેશન્સ અને હવે વિશ્વશાંતિ લાવવા સુધી પહોંચી ગયા છે, એ જોતાં એમને ‘એવેન્જર્સ’ના સુપરહીરોની ટીમમાં સામેલ કરીને સમગ્ર બ્રહ્માંડની રક્ષા કરવાનું કામ સોંપી દેવું જોઇએ. શું કહો છો?P.S.
  1. મલયાલમ મુવી ‘ટેઇક ઑફ’ના મેં કરેલા રિવ્યુની લિંકઃ https://jayeshadhyaru.wordpress.com/2017/03/28/take-off-malayalam-movie/
  2. ‘હોટસ્ટાર’ પર ‘ટેઇક ઑફ’ ફિલ્મ સબટાઇટલ્સ સાથે જોવા માટે ક્લિક કરો આ લિંકઃ http://www.hotstar.com/movies/take-off/1770015881

Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

જુડવા-2

ડબલ ટ્રબલ

***

કારણ વિનાની આ રિમેક અનફની, આઉટડેટેડ અને ઓફેન્સિવ પણ છે.

***

રેટિંગઃ ** (બે સ્ટાર)

***

dhfgmzqvwae6petઅમને ખબર છે કે ડેવિડ ધવનની ફિલ્મોની શરૂઆતમાં જાતભાતની સૂચનાઓની સાથોસાથ એવી અદૃશ્ય સૂચના પણ આવે જ છે કે, ‘આમ તો તમે તમારું મગજ ઘરે મૂકીને જ આવ્યા હશો, પણ જો ભૂલથી ભેગું આવી ગયું હોય તો મોબાઇલની સાથોસાથ દિમાગને પણ સાઇલન્ટ મૉડ પર મૂકી દેશો. નહીંતર દિમાગને કોઈ નુકસાન પહોંચશે તો તે માટે સંસ્થા જવાબદાર રહેશે નહીં.’

ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ સૂચના સિવાયનું ડેવિડ ધવનની ફિલ્મોનું તમામ મટિરિયલ આઉટડેટેડ થઈ ચૂક્યું છે. ઇન ફેક્ટ, ત્રણેક વર્ષ પહેલાં ડેવિડે દીકરા વરુણને લઇને ‘મૈં તેરા હીરો’ બનાવેલી, ત્યારે ખુદ વરુણે જ કહેલું કે, ‘અમારે એમને (ડેવિડ ધવનને) કહેવું પડતું કે, પાપા, યે આપ ફલાં ફલાં ફિલ્મ મેં કર ચૂકે હો.’ યાને કે પાપા ડેવિડનો કોમેડીનો સ્ટોક ખૂટી પડ્યો છે અને જ્યાં સુધી તેઓ નવું રિચાર્જ નહીં કરાવે ત્યાં સુધી એમની ફિલ્મોના હાલહવાલ ‘જુડવા-2’ જેવા જ થવાના છે, ભલે પછી એમાં એમનો મહા ડૅશિંગ, મહા ટેલેન્ટેડ દીકરો વરુણ ગમે તેટલાં મહેનતનાં મઠિયાં તળતો રહે.

હાઇલા, ડુપ્લિકેટ?

ઇતિહાસ ગવાહ છે કે આજ સે બીસ સાલ પહલે રિલીઝ હુઈ ફિલ્મ ‘જુડવા’ 1994ની નાગાર્જુન સ્ટારર તેલુગુ ફિલ્મ ‘હેલ્લો બ્રધર’ની રિમેક હતી, જે પોતે 1992ની જૅકી ચૅન સ્ટારર ફિલ્મ ‘ટ્વિન ડ્રેગન્સ’ની એકદમ જુડવા ફિલ્મ હતી. હવે એની પાછળ બગડે બે લગાવીને એ રીતે રિલીઝ કરાઈ છે જેથી આપણને લાગે કે આ ફિલ્મ સિક્વલ છે. લેકિન નો. કસમ હૈ રામ ઔર શ્યામ કી, સીતા ઔર ગીતા કી, કિશન ઔર કન્હૈયા કી, કે આ ફિલ્મ એકદમ-શત પ્રતિશત રિમેક છે. એટલે દિખાવોં પે ન જાઓ, અપની અક્લ લગાઓ.

હવે ધારો કે તમે આ નવા મિલેનિયમનું ફરજંદ હો કે પછી બે અઢી દાયકા બાદ તમારી યાદદાસ્ત પરત ફરી હોય, તો તમને આ ફિલ્મની સ્ટોરીનું ક્વિક પાન કરાવવું પડે. ‘જુડવા-2’ની સ્ટોરી એકદમ યુનિક છે. બે જુડવા ભાઈ (પ્રેમ અને રાજા, વરુણ અને ધવન) બચપનમાં જ બિછડી ગયા છે. એક લંડનમાં મોટો થાય ને બીજો મુંબઈની ઝૂંપડપટ્ટીમાં. પરંતુ ઈશ્વર નામના મિકેનિકે આ બંને ભાઇઓને ખાસ પ્રકારનું બ્લુટૂથ ઇન્સ્ટોલ કરીને મોકલ્યા છે. જેવા બંને ભાઈ એકબીજાની રેન્જમાં આવે કે બંનેની શારીરિક હરકતોનો ડૅટા એકબીજામાં ટ્રાન્સફર થવા લાગે! આ ઝેરોક્સગીરીને કારણે બંનેની લાઇફમાં ડબલ ટ્રબલ પેદા થાય છે ખરી, પરંતુ ડૉન્ટ વરી, ડિરેક્ટરે બંનેને સૅપરેટ ગર્લફ્રેન્ડો (તાપસી અને જૅકલિન) ફાળવી છે એટલે પ્રેમના કોઇપણ પ્રકારના ભૌમિતિક આકારો સર્જાતા નથી. હા, વિલનલોગની બબાલ છે ખરી. પરંતુ અગેઇન ઇતિહાસ ગવાહ છે કે ડૅવિડ ધવનની ફિલ્મો પોતે જ ઘીના ઠામમાં બને છે. એટલે ઘી પણ ઑબ્વિયસલી ઘીના ઠામમાં જ પડી રહેવાનું.

અનવૉન્ટેડ રિમેક

ઉત્ક્રાંતિનો એક નિયમ છે કે સમય વીતતો જાય તેમ પ્રાણીઓનાં બુદ્ધિ-શક્તિ-શરીર વિકસતાં જાય અને નકામી વસ્તુઓ નાશ પામવા લાગે. તે ઉત્ક્રાંતિ પ્રમાણે અત્યારે જૂની (એટલે કે માત્ર બે દાયકા પહેલાંની જ) ‘જુડવા’ જુઓ તો અત્યારે તમને હાડોહાડ સેક્સિસ્ટ અને ઑફેન્સિવ લાગે. એટલે જ આજે જ્યારે તેની રિમેક બનતી હોય અને આજે પણ આપણો હીરો છોકરીઓને જોઇને ‘કૂલે કૂલે થાપલીનો દાવ’ રમતો હોય, તો કોમેડીના નામે એવું ભાણામાં શા માટે પીરસાય છે તે વિશે નવેસરથી વિચારવું જોઇએ.

અફ કૉર્સ, અમને ખબર છે કે આ એક ટાઇમપાસ, માઇન્ડલેસ, ચાઇલ્ડિશ, એન્ટરટેનર ફિલ્મ છે. એમાં આવું આળું ન થવાનું હોય. પરંતુ દિમાગ સાઇલન્ટ મૉડ પર મૂકીને ફિલ્મ જોઈ હોવા છતાં હિરોઇનો માત્ર પૃષ્ઠ ભાગ પર ટપલીઓ ખાવા, પરાણે થતી પપ્પીઓ લેવા, શરીરના વળાંકો બતાવવા કે હેરાન કરવા માટે જ હોય, જુવાન દીકરીને એની મમ્મી જ સેક્સ ઑબ્જેક્ટ બનાવી રહી હોય, મમ્મીને પણ આપણો હીરો ‘ખટારો’ કહીને એની સાથે ભળતા ચેનચાળા કરતો હોય (અરે, પપ્પી ઠોકી લેતો હોય) અને બ્લૅક લોકોને ‘વેસ્ટ ઇન્ડિઝ કી ક્રિકેટ ટીમ’ કહેવામાં આવતી હોય, તો જનાબ યે એક્સેપ્ટેબલ નહીં હૈ! હા, અમને ખ્યાલ છે કે આની સામે એવી દલીલ થઈ શકે કે આમાંનું કશું જ સિરિયસલી લેવા માટે નથી અને માત્ર હસી નાખવા માટે જ છે. રાઇટ. તો હવે હસવાની વાત કરીએ.

ગરબાનું એક ચક્કર મારીને સ્વીકારવી પડે એવી એક કોન્ક્રિટ હકીકત એ છે કે વરુણ ધવનનું કોમિક ટાઇમિંગ જપાનની બુલેટ ટ્રેન જેવું પર્ફેક્ટ છે. એનો ફેરનેસ ક્રીમના મૉડલ જેવો ચહેરો, ટૂથપેસ્ટના મૉડલ જેવું સ્માઇલ, ચડ્ડી-બનિયનના મૉડલ જેવું ગઠ્ઠેદાર બૉડી, સૉફ્ટ ડ્રિંક્સના મૉડલ જેવી ખાલીપીલી ડાન્સિંગ-એક્શન અને ડિઑડરન્ટના મૉડલ જેવી હરકતો… યાને કે કમ્પ્લિટ સોલ્ડ આઉટ મટિરિયલ છે બંદો. મજાની વાત એ છે કે એ ‘બદલાપુર’ જેવી ઇન્ટેન્સ એક્ટિંગ અને ‘જુડવા-2’ જેવી બફૂનરી બંને એકસરખી સરળતાથી કરી શકે છે.

લેકિન ડૅન્જરસ વાત એ છે કે આ ફિલ્મને હસાવવાની મોટી જવાબદારી જેના પર છે તેવા તેના ડાયલોગ્સ જોડકણાં સમ્રાટ સાજિદ-ફરહાદે લખ્યા છે. એટલે જ ફિલ્મમાં ‘મેરી ઇઝ્ઝત સૌંદર્ય સાબુન કી ટિકિયા નહીં’, ‘કબ તક તેરે સાઇડકિક્સ કો કિક કરતા રહૂંગા’, ‘દુઆ મેં ઔર મુઆહ (કિસિંગ) મેં યાદ રખના’, ‘એ બોર્ન ફાયર મતલબ જનમજલી’, ‘હેય, સ્ટુડન્ટ ઑફ ધ ફિઅર’… જેવા PJ (પૂઅર જોક્સ) વનલાઇનર્સનો વોલ્કેનો ફાટ્યો છે. હા, એમાં ક્યાંક ક્યાંક હસવું આવે પણ ખરું, પણ ક્યાંક ક્યાંક! (રસ, રુચિ ને ટેસ્ટ અનુસાર!)

સબસે બડા પ્રોબ્લેમ એ છે કે રિમેક હોવા છતાં આ ફિલ્મને નવા જમાનાને અનુરૂપ અપડૅટેડ બનાવવામાં કોઈ જ મહેનત કરાઈ નથી (કમ ઑન, હવે તો આઈ ફોન પણ અપડૅટ થઈ ગયો છે!). એટલે જ ફિલ્મના જોક્સ, સ્ટોરી પ્રોગ્રેશન, ઍક્ટિંગ, વિલનલોગની વિલનગીરી, એમના દાવપેચ બધું જ ફૂગ ચડી ગયેલા જૂના અથાણા જેવું વાસી લાગે છે. અરે, હવે તો સેન્સર સર્ટિફિકેટમાં ફિલ્મની અઢી કલાકની તોતિંગ લંબાઈ જોઇને  જ ઑડિયન્સમાંથી સામુહિક ‘હાય હાય’ના ઉદગારો નીકળવા માંડે છે.

આમ તો આ ફિલ્મમાં જૂની ‘જુડવા’નાં પાત્રોનાં રિપ્લેસમેન્ટ જ બેસાડી દેવાયાં છે (સલમાનની જગ્યાએ વરુણ, કરિશ્મા-રંભાની જગ્યાએ જૅકલિન-તાપસી, દલિપ તાહિલની જગ્યાએ સચિન ખેડેકર, રીમા લાગુની જગ્યાએ પ્રાચી શાહ, તક્તી કપૂલ સોરી, શક્તિ કપૂરને સ્થાને રાજપાલ યાદવ, બિંદુની જગ્યાએ ઉપાસના સિંહ, કાદર ખાનને બદલે અનુપમ ખેર, મુકેશ રિશિને સ્થાને વિવાન ભતેના…). હજી આમાં ઝાકિર હુસૈન, જ્હોની લીવર, મનોજ પાહવા, પવન મલ્હોત્રા ઍટસેટરા લોકોનાં નામ તો ગણાવ્યાં જ નથી! (બ્રીધ ઇન… બ્રીધ આઉટ!) પ્રોબ્લેમ કલાકારોની આ વસ્તીગીચતાનો નહીં, પણ એમના દ્વારા કરાયેલી જાલિમ ઑવરઍક્ટિંગનો છે. જાણે એમને કહી દેવાયું હોય કે કુછ ભી કરો, લેકિન હસાઓ! (બાય ધ વે, અલી અસગર કોણ જાણે કેટલા યુગો પછી પુરુષ તરીકે જ સ્ક્રીન પર દેખાયો છે!)  ડેવિડ ધવનની આ આઉટડેટેડ, જુવેનાઇલ અને ઑફેન્સિવ ફિલ્મની કોમેડી માટે રમકડાંના બૉક્સ પર છપાતી સૂચના લખવી જોઇતી હતી, ‘5થી 10 વર્ષનાં બાળકો માટે!’

એક તો ફિલ્મ ઑલરેડી લાંબી છે, તેમાં પોપકોર્ન-સમોસાનો કારોબાર ચાલતો રહે તે માટે ગીતો પણ નાખવામાં આવ્યાં છે. રિમિક્સ ગીતો તો બે દાયકાથી હિટ છે, એટલે એમાં વાંધો નથી. પ્રોબ્લેમ છે નવાં ગીતોનો. નવાં ગીતો ફિલ્મ સાથે સીધી સ્પર્ધામાં છે કે વધુ કંગાળ શું છે, ફિલ્મ કે ગીતો?

જૂની ‘જુડવા’ જોઇને ખુશ થયેલા લોકોને પોતાના ‘વૃદ્ધત્વ’નો અહેસાસ કરાવવા માટે ફિલ્મમાં એક સરપ્રાઇઝ ગેસ્ટ અપિયરન્સ મુકાયું છે. એ સીનનું સાઉન્ડ રેકોર્ડિંગ એટલું ગંદું છે કે પાછળથી થીગડું મારવામાં આવ્યું હશે તેવું ચોખ્ખું ફીલ થાય છે.

ઑલ્ડ ઇઝ ગોલ્ડ

સવાલ એ છે કે કાયકુ બનાઈ યે ફિલ્મ? સલમાન હજી બૉક્સ ઑફિસ ધમધમાવે છે અને જૂની જુડવા જોનારાં છોકરાંવ હજી હેર ડાઈના ઘરાક બન્યાં નથી. તો આખિર ક્યોં, જજ સા’બ, આખિર ક્યોં?! ઇન શૉર્ટ, વરુણ માટે તમારા દિલના (ધ)વનમાં ‘ઑઑઑઑ, ચો ચ્વીટ…’ ટાઇપનાં ફૂલો ન ખીલતાં હોય, તો બેસ્ટ રસ્તો એ જ છે કે વધુ એક વખત જૂની ‘જુડવા’ અથવા તો જૅકી ચેનની ‘ટ્વિન ડ્રેગન્સ’ જોઈ કાઢો. અત્યારે બંને ફ્રીમાં અવેલેબલ છે!

(Reviewed for divyabhaskar.co.in)

P.S. વરુણ ધવનની ‘મૈં તેરા હીરો’નો રિવ્યુ વાંચવા માટે ક્લિક કરો અહીં.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ટ્યુબલાઇટ

લૉ વોલ્ટેજ

***

સલમાનની પ્રામાણિક મહેનત છતાં નબળું રાઇટિંગ અને ઑવર સિમ્પ્લિસ્ટિક ટ્રીટમેન્ટને કારણે ‘ટ્યુબલાઇટ’માં જોઇએ તેટલો સ્પાર્ક નથી.

***

tubelight_posterઆપણે ત્યાં બાળકોની ફિલ્મો શા માટે બનતી નથી? જવાબ છે, તેને બદલે સલમાનભાઈની એમને મેન-ચાઇલ્ડ તરીકે પેશ કરતી ફિલ્મો બને છે એટલે. દુનિયાની કોઇપણ ફિલ્મનું ‘સલમાનીફિકેશન’ કરો એટલે તેનો હીરો આપોઆપ ‘પ્યોર મેન વિથ ગોલ્ડન હાર્ટ’માં કન્વર્ટ થઈ જાય. એ જ ક્રમમાં ‘બજરંગી ભાઈજાન’ના સલમાનને હજી વધુ બાળસહજ બનાવો એટલે ‘ટ્યુબલાઇટ’નો સલમાન મળી આવે. પરંતુ યોગ્ય રીતે લખાઈ ન હોય, તો સલમાનની ક્યુટનેસ પણ ફિલ્મની ટ્યુબલાઇટને ફ્યુઝ થતાં બચાવી શકે નહીં.

વૉર, પીસ એન્ડ યકીન

‘ટ્યુબલાઇટ’ વાર્તા છે કુમાઉંના એક નાનકડા ગામ જગતપુરમાં રહેતા બે ભાઈ લક્ષ્મણ (સલમાન ખાન) અને ભરત (સોહૈલ ખાન)ની. લક્ષ્મણ દિલ સે કમ્પ્લિટલી બચ્ચા હૈ જી, એટલે જ ગામમાં સૌ એને ‘ટ્યુબલાઇટ’ કહીને ઉતારી પાડે છે. ધિંગામસ્તી કરતાં બંને ભાઈ મોટા થાય છે, ત્યાં જ ઈ.સ. ૧૯૬૨માં ભારત-ચીનનું યુદ્ધ છેડાય છે. ભારતમાતાની હાકલ પડે છે એટલે અહીં ભરતને વનવાસ થાય છે. એટલે કે એ યુદ્ધમાં લડવા જાય છે અને ત્યાં જ ફસાઈ જાય છે. આ બાજુ ભાઈની પાદુકા એટલે કે એનાં શૂઝ લઇને ફરતો લક્ષ્મણ ગામના વડીલ બન્ને ચાચા (ઓમ પુરી) પાસેથી યકીન કી તાકત વિશે જાણે છે. પોતાના ભાઈને પાછો લાવવાના યકીનની તાકત કેળવવામાં એ ત્યાં રહેતાં ચાઇનીઝ મૂળનાં મા-દીકરા સાથે દોસ્તી કરે છે અને ‘મુન્નાભાઈ’ની જેમ ગાંધીજીના સિદ્ધાંતો પણ જાણે છે. લેકિન આ બધાથી એનો ભાઈ પાછો આવશે?

(બહોત સારે) સંદેશે આતે હૈ

આપણી હિન્દી ફિલ્મો ક્યાંકથી ઉઠાંતરી કરે અને મૂળ સ્રોતને ક્રેડિટ પણ આપે તે આકાશમાં કોઈ ધૂમકેતુ દેખાય એના જેવી દુર્લભ વાત છે. કબીર ખાનની ‘ટ્યુબલાઇટ’ બે વર્ષ પહેલાં આવેલી ઇંગ્લિશ ફિલ્મ ‘લિટલ બૉય’ની ઑફિશ્યલ રિમેક છે. એટલે તેને યોગ્ય ક્રેડિટ પણ અપાઈ છે. મૂળ ફિલ્મમાં તેના નામ પ્રમાણે નાનો ટાબરિયો કેન્દ્રમાં હતો, જે માત્ર મનથી જ નહીં, તનથી પણ ટેણિયું હતો. ઇંગ્લિશમાંથી હિન્દીમાં આવતાં ફિલ્મની મૂળ એસેન્સ કેવી રીતે ઊડી જાય, તેનું આ ‘ટ્યુબલાઇટ’ પર્ફેક્ટ એક્ઝામ્પલ છે. ‘લિટલ બૉય’માં બીજા વિશ્વયુદ્ધમાં જપાનીઓ સામે લડવા માટે મોરચે ગયેલા પિતાને પાછા લાવવા માટે પેપર નામનો ટેણિયો રીતસર પહાડ હલાવી નાખે છે. પરંતુ એ પહેલાં દીકરામાં આત્મવિશ્વાસ પૂરવા માટે એના પપ્પા એને એક કોમિકબુક હીરોના માધ્યમથી શ્રદ્ધનું માહાત્મ્ય સમજાવે છે. ટ્યુબલાઇટમાં એ વાત સલમાન અને સોહૈલ વચ્ચેના ‘ક્યા તુમ્હે યકીન હૈ?’ ટાઇપનાં વાક્યોમાં જ રહી જાય છે (જ્યારે યકીનની જામગરી ચાંપવા માટે બીજા એક સુપરસ્ટારે અવતરવું પડે છે). મૂળ ફિલ્મમાં ચર્ચના પાદરી નાના બાળકને બાઇબલના સિદ્ધાંતોની મદદથી ફરીથી શ્રદ્ધાનું બળ સમજાવે છે. અહીં બડી સ્માર્ટનેસથી ત્યાં ગાંધીજીના સિદ્ધાંતો મૂકી દેવાયા છે. પરંતુ ફિલ્મનું જ એક પાત્ર કહે છે તેમ આ સિદ્ધાંતો માત્ર ‘ટાઇમપાસ’ માટે જ છે. ફિલ્મની વાર્તાને આગળ વધારવામાં કે સલમાન ‘ટ્યુબલાઇટ’ ખાનમાં ‘યકીન’નું બળ પૂરવામાં કોઈ જ ભાગ ભજવતું નથી. રાધર, સલમાનની પોતાના ભાઈને પાછો લાવવાની ક્વાયત અને આ તરફ એની દોડધામ બંને વચ્ચે કોઈ જ કનેક્શન દેખાતું નથી. બાય ધ વે, ગાંધીજીનો એક મુખ્ય સિદ્ધાંત અહિંસા પણ હતો, પરંતુ સલમાન ભાઇને અહીં એની જરૂર નથી અને એટલે જ એ લાફાવાળી પણ કરી શકે છે.

ફિલ્મના એક સબપ્લોટ તરીકે ત્રણ પેઢીથી ભારતમાં રહેતા ચાઇનીઝ મૂળના એક મા-દીકરાની સ્ટોરી પણ છે (અંગ્રેજી ફિલ્મમાં ત્યાં જૅપનીસ વ્યક્તિ હતી). માત્ર તેમનાં મૂળિયાંને કારણે એમને ધિક્કારાય નહીં અને ‘અલ્ટ્રા નેશનાલિઝમ’થી કેવી રીતે બચી શકાય તે મેસેજ આ સબ પ્લોટમાંથી બરાબર બહાર આવે છે. પરંતુ તેને મૂળ સ્ટોરી સાથે કશી જ લેવાદેવા નથી. વળી, તેમનું ચાઇનીઝ વંશજ હોવું તે ગામલોકોના ધિક્કારનું કારણ બને છે તે વાત પણ બહાર આવતી નથી. કેમ કે, એક વ્યક્તિ સિવાય કોઈ એમને ધિક્કારતું નથી. હકીકતમાં આ આખો ટ્રેક પરાણે ઘુસાડેલો અને થિગડું મારેલો છે. તેમાં ચાઇનીઝ અભિનેત્રી ઝુ ઝુ અને એક ક્યુટ ટેણિયો નામે મતિન રે તાંગુએ મુખ્ય ભૂમિકા ભજવી છે. વક્રતા એ છે કે ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’નો મેસેજ આપવા જતાં ફિલ્મ પોતે ચાઇનીઝ નામોની મજાક ઉડાવે છે. બીજું, આપણે ત્યાં ઓલરેડી નોર્થ-ઇસ્ટના લોકોને ‘ચાઇનીઝ’ કહીને હડધૂત કરવાનું કુત્સિત રેસિઝમ ચાલે છે. ત્યારે એક અરુણાચલના બાળકને ચાઇનીઝ તરીકે કાસ્ટ કરવો એ આડકતરું રેસિઝમ નથી તો બીજું શું છે?

સલમાનના બાળકબુદ્ધિ પાત્રના પોઇન્ટ ઑફ વ્યૂથી કહેવાઈ હોવાના કારણે હોય કે ગમે તે, પણ ‘ટ્યુબલાઇટ’ અતિશય સિમ્પ્લિસ્ટિક છે. જાણે ‘એક ગામ હતું’ ટાઇપની બાળવાર્તા જ જોઈ લો. બધાં પાત્રો પણ નિર્દોષ બાળક, આદર્શ ભાઈ, વાહિયાત યુવાન (જેનો ફુલ ટાઇમ બિઝનેસ લોકોને હેરાન કરવાનો હોય) , યુદ્ધનો ભોગ બનેલા નિરાશ્રિત, મૂડ સ્વિંગ કરતો આર્મી ઑફિસર, ફિલોસોફર કાકા, પ્રેમાળ દુકાનદાર એવા સિંગલ રંગે જ રંગાયેલાં છે. કોઇના મનમાં શું ચાલતું હશે કે અમુક અનુભવો પરથી કોઇનામાં કંઇક પરિવર્તન આવે એવું કશું જ ઊંડાણ નહીં. ઇવન આપણને સલમાનના પાત્ર પ્રત્યે સહાનુભૂતિ થાય એ માટે જ કોઈ કારણ વિના અન્ય લોકો સલમાનને હડધૂત કરે છે તેવું લાગ્યા કરે. વાર્તા એક નાનકડા ગામમાં આકાર લેતી હોવાને કારણે એકનાં એક લોકેશન્સ પણ વારંવાર અથડાયા કરે. જેમ કે, પહાડ, ટાવર, દુકાન, બાંકડો, ક્લિફ અને નદી, ગામનો ચોક ધેટ્સ ઇટ.

જાતભાતના સંદેશા આપતી ‘ટ્યુબલાઇટ’નો વધુ એક પ્રોબ્લેમ છે તેની સ્લો પૅસ અને હાઈ મૅલોડ્રામેટિક રડારોળ. સાઇકલ લઇને અહીંથી તહીં ફરતા રહેતા સલમાન પાસે એટલું બધું રડાવ્યું છે એકાદ વખત આપણનેય (કંટાળીને) રડવાની ઇચ્છા થઈ આવે. પરંતુ એક તબક્કે આપણો સલમાનના પાત્ર સાથેનો ઇમોશનલ બંધ તૂટી જાય, એટલે પછીની તમામ રડારોળ ફિઝૂલ લાગવા માંડે. એમના ફૅન્સને દુઃખ થશે, પણ અહીં સલમાન ભાઈ ક્યાંય શર્ટ ઉતારતા નથી કે વિલનલોગની ધોલાઈ કરતા નથી. ચ્યુઇંગ ગમની પેઠે ચીપકી જાય એવું એકેય ગીત પણ ફિલ્મમાં નથી.

છતાં ફિલ્મની કેટલીક પૉઝિટિવ બાબતોને પણ નોંધવી જ પડે. જેમ કે, સલમાન અને નાનકડા ટાબરિયા (મતિનsalman-khan-tubelight-matin-rey-tangu-759 રે તાંગુ) સાથેના મોટાભાગના સીન મસ્ત છે. ખાસ કરીને કોમેડી સીન. સલમાનને મેન ચાઇલ્ડ બનવામાં અને આપણને હસાવવા-રડાવવામાં મહેનત કરવી પડે છે, આઠેક વર્ષનો ટેણિયો  બધું એકદમ સહજતાથી કરી બતાવે છે. સલમાનનો સોહૈલ સાથેનો વિદાયનો ‘સદમા’ની યાદ અપાવે તેવો સીન પણ સરસ બન્યો છે. લદ્દાખમાં શૂટ થયેલાં યુદ્ધનાં દૃશ્યોમાં યુદ્ધની ભયાનકતા કરતાં લદ્દાખનું સૌંદર્ય વધુ ધ્યાન ખેંચે છે.

આ ફિલ્મનો સૌથી મોટો ગુનેગાર તેનું ભંગાર રાઇટિંગ જ છે. તેમ છતાં ‘પિતાજી કો શરાબને માર ડાલા, માં કો ગમ ને ઔર ગાંધીજી કો હમને’ જેવાં ગણ્યાં ગાંઠ્યાં વનલાઇનર્સમાં સ્માર્ટનેસનો ચમકારો દેખાય છે ખરો. એ જ રીતે મોટા અવાજે ‘ભારત માતા કી જય’ બોલવું એ જ દેશભક્ત હોવાની સાબિતી નથી, કે પછી બે-ત્રણ પેઢી પહેલાંનું કનેક્શન કે દેખાવ તમને ઓછા ભારતીય નથી બનાવી દેતો એ મેસેજ પણ ક્યુટ રીતે બહાર આવે છે.

સોહૈલ ખાન, મોહમ્મદ ઝીશન ઐયુબ, યશપાલ શર્મા, બ્રિજેન્દ્ર કાલા કે ચાઇનીઝ ઝુ ઝુ જેવા અદાકારો માત્ર પોતાને ફાળે આવેલું પાત્ર ભજવી ગયા છે. પરંતુ સલમાનની ઍક્ટિંગ કરતાં આપણે વધુ ઇમોશનલ ઓમ પુરી સાહેબને પડદા પર જોઇને થઈ જઇએ, કે હવે તેઓ ફરી ક્યારેય આ રીતે જોવા નહીં મળે.

ફિલ્મની સ્લો પૅસને કારણે આપણને એવા સવાલોય થાય કે, ચાલીસીમાં પહોંચ્યા પછીયે સોહૈલે પણ લગ્ન કેમ નથી કર્યાં? એક શહીદની શબપેટી પર ‘મુરલી પ્રસાદ દત્ત’ લખીને ‘મુન્નાભાઈ’માં સંજય દત્તના પાત્રને સળી શા માટે કરાઈ છે? ઈ.સ. ૧૯૯૩માં બહાર પડેલો ઇન્ડિયન પોસ્ટનો લોગો ઈ.સ. ૧૯૬૨માં શા માટે દેખાય છે? બૉટલથી લઇને પહાડ હલાવવા માટે સલમાન કબજિયાતના દર્દી જેવો અવાજ શા માટે કાઢે છે? કોઈ માણસ અડધી મિનિટની અંદર કોમામાંથી બહાર શી રીતે આવી જાય છે?

ક્યા આપકો યકીન હૈ?

‘ટ્યુબલાઇટ’ની શરૂઆતમાં જ આપણને ખબર પડે છે કે આ ફિલ્મ આગામી દિવસોમાં ‘સ્ટાર ગોલ્ડ’ પર અને ઇન્ટરનેટમાં ‘એમેઝોન પ્રાઇમ’ પર આવવાની છે. સલમાનના નામે અત્યારે ટિકિટના ભાવો વધારી દેવાયા છે. એટલે જો તમે ‘ભાઈ કા ફૅન’ નામની બિનસત્તાવાર ઉપાધિ ન ધરાવતા હો, તો આ રિવ્યુનો મેસેજ શું છે એ બરાબર સમજાઈ ગયું હશે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

******************************************************************************

Extended Reading, Spoilers Ahead

960આપણી હીરો સેન્ટ્રિક ઇન્ડસ્ટ્રીમાં જ્યારે એક વિદેશી કૃતિને અડૅપ્ટ કરવામાં આવે ત્યારે ‘લોસ્ટ ઇન ટ્રાન્સલેશન’ જેવો ઘાટ કઈ રીતે થાય તેનું ‘ટ્યુબલાઇટ’ પર્ફેક્ટ એક્ઝામ્પલ છે. હૉલિવૂડની મૂળ કૃતિ, જેના પરથી ટ્યુબલાઇટ બની છે, તે ‘લિટલ બૉય’ એક એવરેજ ફિલ્મ હોવા છતાં ખાસ્સી સંવેદનશીલ છે. લિટલ બૉયના કેન્દ્રમાં છે આઠ વર્ષનો ટેણિયો પેપર, જેની હાઇટ જોઇએ તેવી વધી રહી નથી. એટલે જ બધા એને ‘લિટલ બૉય’ કહીને ખીજવે છે. આપણે ત્યાં સલમાન ભાઈની હાઇટ વિશે તો કોઈ કમેન્ટ કરી શકાય નહીં, એટલે એમને માનસિક રીતે બાળક બતાવવા પડે. એ રીતે જોકે ‘ટ્યુબલાઇટ’ નામ પર્ફેક્ટ છે. લિટલ બૉયનો લિટલ બૉય (ચાઇલ્ડ એક્ટર જેકબ સેલ્વેટી) પણ છે એવો ક્યુટ કે પરાણે વહાલો લાગે અને એનાં તમામ એક્સપ્રેશન્સ સીધાં આપણી અંદર ઊતરી જાય. એ ટાબરિયાના કિસ્સામાં જે નૅચરલી આવે છે, તેના માટે સલમાને પ્રયાસ કરવો પડે છે અને છતાં એ સ્વાભાવિક નથી લાગતો.

ઓછી હાઇટને કારણે લિટલ બૉય પેપર માથાભારે છોકરાઓના બુલિઇંગનો ભોગ બને છે અને એનો આત્મવિશ્વાસ તળિયે છે. દીકરાનો આત્મવિશ્વાસ બુલંદ કરવા માટે એના પિતા એને ‘બેન ઇગલ’ નામના જાદુગર-સુપરહીરોની કોમિક બુક્સ વંચાવે છે-તેની ફિલ્મો બતાવે છે. એ ‘બેન ઇગલ’નો તકિયાકલામ છે, જે દર વખતે કટોકટીની સ્થિતિમાં પોતાના સાઇડકિકને કહેતો રહે છે કે, ‘ડુ યુ બિલીવ પાર્ટનર, યુ કેન ડુ ધિસ?’ ‘બેન ઇગલ’નું એ પાત્ર આખી ફિલ્મમાં નાનકડા પેપરની સાથે રહે છે. બે હાથ લંબાવીને જાદુ કરવાની સ્ટાઇલ પણ એની જ છે. નાનકડો પેપર બેન ઇગલની કોમિક બુકસ વાંચે, એની ફિલ્મો જોવા જાય અને એના લાઇવ શોમાં પણ હાજરી આપે, એટલે ‘ફેઇથ’ અને ‘બિલીવ’વાળી વાત મૂળ સ્ટોરીમાં એકદમ સ્વાભાવિક રીતે મર્જ થઈ જાય છે. પરંતુ ‘ટ્યુબલાઇટ’માં એવું કશું કર્યું નહીં, એટલે જ ‘કેપ્ટન જૅક સ્પેરો’ જેવા ગેટઅપમાં શાહરુખને મહેમાન કલાકાર બનાવીને લાવવો પડ્યો. એ જાદુગર કમ અને મોટિવેશનલ સ્પીકર વધારે લાગે છે.

‘લિટલ બૉય’ના પેપરને બુલી-હેરાન કરતા જાડિયા છોકરાના ડૉક્ટર પિતા (જેની પાસે પેપરની હાઇટ વધારવાની દવા ચાલી રહી છે), તેનો ડોળો પણ પેપરની મમ્મી પર છે. એટલે પેપરને એ ડૉક્ટર બાપ-બેટામાંથી કોઈ દીઠા નથી ગમતા.

‘લિટલ બૉય’માં પિતા બીજા વિશ્વયુદ્ધમાં લડવા જાય છે. ખરેખર તો પેપરના મોટાભાઈ લંડનને જવું હતું પણ ‘ફ્લૅટ ફીટ’ને કારણે એ જઈ ન શક્યો (‘ટ્યુબલાઇટ’માં મોહમ્મદ ઝીશન અય્યુબને ‘knock knees’ હોય છે).  દરેક પરિવારમાંથી એટલિસ્ટ એક વ્યક્તિ યુદ્ધ લડવા જાય. મોટો દીકરો ન જઈ શક્યો એટલે ૪૦ વર્ષના પિતાએ જવું પડે છે. આ માટે  મોટો દીકરો પોતાની જાતને બ્લૅમ કરતો રહે છે અને ધૂંધવાયેલો ફરતો રહે છે. એના આ ધૂંધવાટનો ભોગ એનો નાનો ભાઈ અને એની માતા પણ બને છે. ‘ટ્યુબલાઇટ’માં એકાવન વર્ષના ‘ભાઈ’ના પિતા તો યુદ્ધમાં જઈ શકે નહીં, એટલે એના ભાઈને લડવા મોકલવો પડે છે. બિગ બ્રધર લંડન અને લિટલ બૉય પેપરના પિતા જપાનીઓ સામે લડવા ગયા છે અને પ્રિઝનર ઑફ વૉર તરીકે કેદ થઈ ગયા છે. એટલે જ જ્યારે નાનો ભાઈ પેપર પોતાનું ‘ફેઇથ’નું લિસ્ટ પૂરું કરવા માટે ગામમાં રહેતા એક જૅપનીસ સાથે દોસ્તી કરે છે ત્યારે મોટો ભાઈ ગુસ્સે થઇને એનું ઘર સળગાવવા પેટ્રોલ બોમ્બ પણ ફેંકે છે (કેમ કે પર્લહાર્બરમાં જૅપનીસોએ કરેલા હુમલામાં પોતાના દીકરાને ગુમાવી ચૂકેલા અન્ય એક આધેડ એને ઉશ્કેરે છે). એક જાહેર કન્ફ્રન્ટેશનમાં નાનો ભાઈ જૅપનીસનો પક્ષ લે એમાં ઇગો પર આવીને મોટો ભાઈ એને આખો પહાડ હલાવી દવા કહે છે અને એ જ વખતે યોગાનુયોગ ધરતીકંપ આવે છે.

ટ્યુબલાઇટમાં આપણા ‘લિટલ બૉય’ સલમાનને હેરાન કરતા બુલી અને મોટાભાઇનો રોલ મર્જ કરીને ગામના એક નવરીબજાર યુવાન નારાયણ (મોહમ્મદ ઝીશન અય્યુબ)નું પાત્ર ઊભું કર્યું. એ જ સલમાનને હેરાન કરે અને એ જ પહાડ હલાવી દેવા માટે પણ ફોર્સ કરે. પરંતુ આવું કરવા માટે એની પાસે કોઈ પર્સનલ રિઝન કે નક્કર મોટિવેશન નથી, સિવાય કે હાઇપર નેશનલિઝમ. ઇવન એના પાત્રમાં યુદ્ધમાં ન જઈ શકવાનો અફસોસ પણ દેખાતો નથી. એટલે જ મોહમ્મદ ઝીશન જ્યારે સલમાનને કે ગામમાં રહેતાં ચાઇનીઝ મા-દીકરાને હેરાન કરે તે વધારે પડતું અને તદ્દન આર્ટિફિશ્યલ લાગે છે. હદ તો એ છે કે ગામમાં એના સિવાય કોઇનેય એ ચાઇનીઝ પરિવાર સામે વાંધો નથી.

એટલે લિટલ બૉયમાં ફેઇથ-યકીન-વિશ્વાસની વાત ઑર્ગેનિકલી જન્મે છે અને સ્ટોરીની સાથે આગળ વધતી રહે છે. પહેલાં એના પિતાએ કહ્યું એટલે પેપરે વિશ્વાસ કર્યો, પછી ખુદ બેન ઇગલે એની પાસે બૉટલ હલાવડાવી એટલે એનો વિશ્વાસ વધુ દૃઢ થયો. પછી સ્થાનિક પાદરીના (જેના રોલમાં અહીં ઓમ પુરી છે) કહેવાથી એ પ્રાચીન વિઝ્ડમના નિયમોનું પાલન કરે છે (ભૂખ્યાને ભોજન આપવું, બેઘરને આશરો આપવો, જેલના કેદીઓને મળવા જવું, નિર્વસ્ત્રને કપડાં આપવાં, બીમારની સેવા કરવી અને મૃત્યુ પામેલાને દફનાવવા), આખું ગામ જેને (અલબત્ત ખોટી રીતે અને માત્ર એના જૅપનીસ હોવાથી) ધિક્કારે છે એ હાશિમોતો સાથે દોસ્તી પણ કરે છે, એક તબક્કે જોગાનુજોગ એેના ફેઇથની કસોટી વખતે (ધરતીકંપથી) પહાડ હલબલી ઊઠે છે, એના વૃદ્ધ જૅપનીસ મિત્ર હાશિમોતો કહે છે કે એ ધરતીકંપ કોઈ ચમત્કારથી નહીં, બલકે કો-ઇન્સિડન્સથી આવેલો, તેમ છતાં નાનકડો પેપર પોતાની ‘શક્તિ’થી યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો રોજેરોજ કરતો જ રહે છે. એક તબક્કે તે જૅપનીસ માણસ અને ગામનો પાદરી પાનાંની ગેમ રમતાં રમતાં ચર્ચા કરે છે કે, ‘અત્યારે એ બાળકના પિતાને પાછા લાવવા માટે તમે તમારા કાલ્પનિક મિત્ર (ઈશ્વર)ના નામે વિશ્વાસની લોલીપોપ આપી છે, પણ ધારો કે એના પિતા યુદ્ધમાં ખપી ગયા અને ક્યારેય પાછા ન આવ્યા તો? ત્યારે એના તૂટી ગયેલા વિશ્વાસને કઈ રીતે સાંધશો?’ ત્યારે પાદરી કહે છે, ‘મારો એ ઇમેજિનરી ફ્રેન્ડ જ એને એમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.’ જૅપનીસ જવાબ આપે છે, ‘એ બાળકને અટકાવો, નહીંતર એ પોતાની જાતમાંથી વિશ્વાસ કરવાનું બંધ કરી દેશે.’ કહેવાનો અર્થ એ છે કે આખી ફિલ્મમાં વિશ્વાસની તાકાતની વાત સમાંતરે ચાલતી રહે છે અને ક્યાંય આર્ટિફિશ્યલ નથી લાગતી, જેવું ટ્યુબલાઇટમાં થાય છે. ‘ભગવદ્ ગીતા’ના ‘સંશયાત્મા વિનશ્યતિ’વાળા શ્લોકનો પર્ફેક્ટ પડઘો ‘લિટલ બૉય’માં પડે છે, ‘ટ્યુબલાઇટ’માં એ વાત ઊડી ગઈ છે. વળી ફિલ્મની ઘટનાઓ પણ એ રીતે બને છે કે જેથી આપણે સતત એ વિચારતા રહીએ કે જે કંઈ થઈ રહ્યું છે તે ‘લિટલ બૉય’ના વિશ્વાસની તાકાત અને એના બે હાથ લંબાવીને કરાતા પ્રયત્નોને કારણે શક્ય બન્યું છે કે પછી માત્ર જોગાનુજોગ છે? ‘લાઇફ ઑફ પાઇ’ની જેમ આપણને પહેલો વિકલ્પ વધુ પસંદ આવે છે.

‘લિટલ બૉય’ એ ‘ટ્યુબલાઇટ’ કરતાં ક્યાંય વધુ મૅચ્યોર ફિલ્મ છે, તેનાં અન્ય કારણો પણ છે. જેમ કે, અહીં એ વખતે ફિલ્મોની પહેલાં બતાવવામાં આવતી પ્રોપેગન્ડા ફિલ્મોની અસર કેવી થાય તેની પણ ચર્ચા કરાઈ છે. એ ફિલ્મોને કારણે જ લોકો પોતાની આસપાસના જૅપનીસો પર શંકા કરતા થઈ જાય છે. એ પ્રોપેગન્ડા ફિલ્મો અને યુદ્ધની ભયાનકતાની નાનકડા બાળકના મન પર કેવી થાય તેની પણ અહીં ચર્ચા કરાઈ છે. જેમ કે, એ બધું જોઈ-સાંભળીને એ ટેણિયો પણ કહેવા માંડે છે, ‘એ જૅપ્સ (જૅપનીસો માટે વપરાતો તુચ્છકારવાચક શબ્દ) મારા હાથમાં આવે તો હું મારા બે હાથે એમને મસળી નાખું.’ ત્યારે એ જિંદગીમાં કોઈ જૅપનીસને મળ્યો પણ ન હોય. ‘લિટલ બૉય’માં યુદ્ધની સમાપ્તિ વખતનો પ્રાસ બેસાડીને ગામલોકો યુદ્ધનો અંત આણવાનું શ્રેય એ ટાબરિયાને આપે છે. કેમ કે હિરોશિમા પર ફેંકાયેલા પરમાણુ બોમ્બનું નામ હતું ‘લિટલ બૉય’ અને અખબારોની હેડલાઇન બનેલી ‘લિટલ બૉય એન્ડ્સ ધ વૉર’. (અહીં ‘ટ્યુબલાઇટ’માં એ વાતમાં લક્ષ્મણના નામ પરથી ભારત અને ચીન વચ્ચે ‘લક્ષ્મણ રેખા’ અંકિત થઈ એ વાત છે. જોકે આપણે અક્સાઈ ચીન ગુમાવ્યું તેનો કોઈ ઉલ્લેખ નથી.) પરંતુ લિટલ બૉય અખબારો-ન્યુઝ રીલમાં હિરોશિમાની તારાજીનાં દૃશ્યો જોઇને હચમચી ઊઠે છે. અને જ્યારે એને એ કહેવામાં આવે છે કે આખું ગામ સાફ કરી નાખે તેવા બોમ્બમાં કદાચ POW તરીકે રહેલા તારા પિતા પણ માર્યા ગયા હોય, ત્યારે એ આડકતરી રીતે પોતાના વિશ્વાસને પણ બ્લેમ કરે છે.

લિટલ બૉયના વૃદ્ધ જૅપનીસ મિત્ર હાશિમોતો એને જૅપનીસ કલ્ચર વિશે પણ સમજાવે છે, જેના પરથી લિટલ બૉયને સમજાય છે કે યુદ્ધમાં એના પિતા સામે લડનારા અને અહીં એની સાથે રહેતા જૅપનીસમાં ફરક છે. એ માટે એ જ દેશના બધા-નિર્દોષ લોકોને ધિક્કારવાનો કોઈ અર્થ નથી (આ વાત ચીનીઓના સંદર્ભમાં ‘ટ્યુબલાઇટ’માં છે જ નહીં). એ જૅપનીસ હાશિમોતોની પણ એક ટ્રેજિક બૅક સ્ટોરી છે (જેને ‘ટ્યુબલાઇટ’માં બાળવાર્તા જેવી સિમ્પ્લિસ્ટિક બનાવી દેવાઈ છે). એ હાશિમોતો જ લિટલ બૉયને સમજાવે છે કે વિશ્વાસ કરવા માટે પણ હિંમત જોઇએ.

‘લિટલ બૉય’માં પૈસાની તંગીને કારણે પોતાના માટે શૂઝ નહીં લઈ શકેલા પિતા માટે નાનો દીકરો પૈસા એકઠા કરે છે અને તેમાંથી બૂટ ખરીદે છે. એનો ઇરાદો એવો કે પિતા યુદ્ધમાંથી પાછા આવે તો એને એ બૂટ ગિફ્ટમાં આપશે. POW કેમ્પમાંથી ભાગતી વખતે પિતા પોતાનું બૂટ સાથી સૈનિક સાથે બદલાવે છે, જેથી એટલિસ્ટ પોતાની એક નિશાની તો ઘરે પહોંચે. એ બદલાયેલા બૂટને કારણે ઓળખવામાં ઊભી થતી કન્ફ્યુઝન અને લિટલ બૉયે ખરીદી રાખેલાં બૂટના આખા ટ્રેકમાંથી ઇમોશન્સની ‘ટ્યુબલાઇટ’માં બાદબાકી થઈ ગઈ છે. વળી, પઠ્ઠા જેવા બે આધેડ ભાઈ કશું કમાતા ન હોય અને પોતાના માટે બૂટ પણ ખરીદી ન શકે તે વાત ગળે ઊતરે તેવી જ નથી.

‘લિટલ બૉય’ મુવી પણ ખાસ્સું ઇમોશનલ છે, પરંતુ નાનકડા પેપરની સાથે ઇમોશન્સનું પાર્સલ સીધું જ આપણા સુધી પહોંચી જાય છે. આમાંનું લગભગ કશું જ ‘ટ્યુબલાઇટ’માં કનેક્ટ નથી થયું, અને એટલે જ ભાઈ લિટરના હિસાબે આંસુડાં સારતાં હોવા છતાં આપણને તે રડાવતાં નથી.

***

પર્સનલી મને લાગે છે કે સલમાનને લઇને યુદ્ધના બૅકડ્રોપમાં જ ફિલ્મ બનાવવી હતી, તો ‘લિટલ બૉય’ કરતાં ‘હૅકસો રિજ’ જેવી સ્ટોરી પરથી પ્રેરણા લેવાનું વધુ યોગ્ય સાબિત થયું હોત. આ ઑસ્કર વિનર ફિલ્મમાં ડૅસમંડ ડોસ નામના યુદ્ધમાં જતા તબીબી સહાયકની સત્યકથા છે, જે પૅસિફિસ્ટ યાને કે યુદ્ધ વિરોધી હતો અને એણે હથિયારને હાથ સુદ્ધાં ન અડાડવાનું પ્રણ લીધું હતું. તેમ છતાં બીજા વિશ્વયુદ્ધમાં એણે એક પણ ગોળી ચલાવ્યા વિના યુદ્ધમોરચેથી ૭૫ સૈનિકોના જીવ બચાવ્યા હતા. તેના પરથી ઈ.સ. 2004માં ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ બની હતી. જો આ સ્ટોરી પરથી સલમાનને ‘કોન્શિયસ ઓબ્જેક્ટર’ કે ‘પેસિફિસ્ટ’ તરીકે પ્રોજેક્ટ કરીને ફિલ્મ બનાવાઈ હોત તો વધુ અસરકારક ફિલ્મ બની હોત.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

 

સુલતાન

હેડિંગઃ પ્રીડિક્ટેબલ દંગલ
***
ઇન્ટ્રોઃ ‘કુછ ભી કરને કા, લે
કિન સુલતાન ભાઈ કા ઇગો હર્ટ નહીં કરને કા.’ આ ક્વોટના પાયા પર આ વન ટાઇમ વૉચ ફિલ્મ ઊભી છે.

***

હવે કાયમનું થયું છેઃ ઇદ-દિવાળી જેવા મોટા તહેવાર પર સલમાનની ફિલ્મ આવે, અફઘાનિસ્તાનમાં લાદેનને પકડવા માટે અમેરિકાએ
કરેલું એવું જથ્થાબંધsultan-new-poster-2 શોઝનું આખા દેશનાં થિયેટરોમાં કાર્પેટ બોમ્બિંગ થાય, ટિકિટોના ભાવ કાળાબજારિયાઓને પણ આંખે અંધારાં આવી જાય એવા વધી જાય, છતાં લોકો ‘ભાઈ કી પિક્ચર’ જોવા માટે ધક્કામુક્કી કરી મૂકે, બે-ત્રણ દિવસમાં ૧૦૦ કરોડ ક્લબમાં ફિલ્મ સામેલ થઈ જાય અને એ ફિલ્મનો રિવ્યુ કરનારા પોતાનો કાન ખોતરતાં એક ખૂણામાં બેસી રહે. એવી જ વધુ એક ફિલ્મ છે આ ઈદની રિલીઝ ‘સુલતાન.’ સલમાન ખાનની છેલ્લી ઘણી ફિલ્મોની જેમ અહીં પણ એ જ વાત છે કે સ્વભાવે ફાઇટર એવા ‘ભાઈ’ એકદમ ‘બીઇંગ હ્યુમન’ છે અને ક્યારેક કશું ઊંધું ચત્તું કરી નાખે તો એમને મોટું મન રાખીને માફ કરી દેવા જોઇએ.

ધોબીપછાડ
આમ તો હરિયાણાના રેવાડીમાં રહેતા સુલતાન અલી ખાન (સલમાન ખાન)ને DTH કૅબલનો ધંધો (ઇવન એમની બાઇકની પાછળ પણ કેપ્ટન અમેરિકાની જેમ DTHની ડિશ લગાવેલી છે!), પણ જ્યારથી એણે કુસ્તીબાજ આરફા (અનુષ્કા શર્મા)ને જોઈ, ત્યારથી એના દિમાગનાં સિગ્નલ ખોરવાઈ ગયાં. દિલમાં બસ પ્રેમની જ ચૅનલ ચાલવા માંડી. ત્યાં જ આરફાએ પ્રેમનો પ્લગ ખેંચીને ભાઈનો ઇગો હર્ટ કરી નાખ્યો. આઇડેન્ટિટી પર સવાલ ઊઠે એટલે પછી ભાઈ બર્દાશ્ત કરે? બૉડી તો માશાઅલ્લાહ હતું જ. બસ, એક જ મહિનામાં કૅબલવાળામાંથી બલવાળા બાહુબલિ બનીને બતાવી દીધું અને છેક ઑલિમ્પિક સુધીના મૅડલ જીતી લીધા. મૅડલની સાથે આરફાનું દિલ પણ જીતાઈ ગયું. લેકિન બૉડીને બદલે ભાઈના દિમાગમાં ચરબી ચડી અને કહાની મેં ટ્વિસ્ટ.

પોતે એકદમ પાકીઝા છે એવું સાબિત કરવા માટે છેક દિલ્હીથી આકાશ ઓબેરોય (અમિત સાધ) એક ચાન્સ લઇને આવ્યો. એ ચાન્સ એટલે ‘મિક્સ્ડ માર્શલ આર્ટ’, ટૂંકમાં ઢીકાપાટું. બસ, ભાઈએ ચરબી ખંખેરી અને ફરી પાછું દે ધનાધન. ખાધું, પીધું ને… વેલ, ઑવર ટુ મુવી.

પૈસા, ઇમોશન, એન્ટરટેનમેન્ટ
સલમાન ખાને આ વખતે સત્તાવાર રીતે અન્ડરવેઅર પહેર્યો છે, બાકી એ પોતાની દરેક ફિલ્મમાં સુપરમૅન જ હોય છે. એની ફિલ્મ બનતી નથી, એની ઇમેજને, એના ફૅન્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવે છે. જેમ કે, સલમાનનો સૌથી મોટો USP છે એનું કસાયેલું શરીર. અલબત્ત, હવે એમાં ચરબીના વાટા ચડ્યા છે, સ્પેશ્યલ ઇફેક્ટના ઉપયોગ છતાં ભાંગ્યું તોય ભરૂચના ન્યાયે બદન ગઠિલું તો છે જ. એ બદનનાં દર્શન થાય એટલે પોણા ભાગની પબ્લિક તો ત્યાં જ ધન્ય થઈ જાય. ઉપરાંત સલમાનભાઈ ચડે, પડે ફરી ઊભા થાય, તડકે સૂકવવા મૂકેલાં ગાદલાંની જેમ પહેલવાનોને ટીપી નાખે. તોય એમની કસાયેલી કાયામાં અંકે ૨૪ કેરેટનું ‘બીઇંગ હ્યુમન’વાળું હૃદય ધબકતું હોય, એટલે એ હસે, રડે, ગીતો ગાય, અજાણ્યાનાં લગ્નમાં ઢેકાઉલાળ ડાન્સ કરે, જુવાનિયાંવ શરમાઇને અન્ડરગ્રાઉન્ડ થઈ જાય એવી સ્ફૂર્તિથી ‘પાર્કર’ નામની અગાશીઓ પર કૂદાકૂદ કરી મૂકે, જૅક વગર આખું ટ્રેક્ટર ઊંચકી લે, ‘મધર ઇન્ડિયા’ની જેમ ખેતર ખેડે. એટલે ઑડિયન્સ ખુશ. પૈસા વસૂલ. બીજું શું જોઇએ? લટકામાં થોડા પબ્લિક સર્વિસના મેસેજ પણ હોય. એટલે બચેકૂચે રિવ્યુઅર્સ પણ ખુશ.

તોતિંગ ૧૭૦ મિનિટ લાંબી આ ફિલ્મ સતત સલમાનની જ પાછળ ફુદરડી ફર્યા કરે છે. એનો પ્રેમ, એનો ઇગો, એની જીત, એની હાર, એનો સંઘર્ષ, એની પીડા. એનાં દરેક ઇમોશન માટે એકેક ગીત છે, પરંતુ હિરોઇનનાં ઇમોશન માટે એક પણ સોલો ગીત નથી. અલબત્ત, સલમાનની કદાવર પર્સનાલિટી એની આ જર્નીમાં તમને થાકવા દેતી નથી. જે કંઈ થકવી દે છે તે છે ફિલ્મની લંબાઈ અને પ્રીડિક્ટેબિલિટી.
એક તો આપણે ત્યાં સ્પોર્ટ્સ પરની બધી જ ફિલ્મો અન્ડરડૉગની થીમ પર જ હોય. એટલે ખબર જ હોય કે આ પ્રોટૅગનિસ્ટ ભલે અત્યારે ઊંધે કાંધ પછડાતો, છેલ્લે તો ધૂળ ખંખેરીને ઊભો થવાનો જ છે. આવી ક્લિશૅ થઈ ગયેલી થીમમાં એક લૂઝર કૉચ પણ હોય. અહીં રણદીપ હૂડા છે. સુલતાન માંડ એક-દોઢ મહિનો પ્રેક્ટિસ કરે અને છેક ઑલિમ્પિકમાં ગોલ્ડ મૅડલ લઈ આવે અથવા તો ઢીકાપાટુની પાંજરા ફાઇટમાં તરખાટ મચાવી દે. પરિણામે ફિલ્મ પ્રીડિક્ટેબલ બની જાય. ‘સુલતાન’નો પોણા ભાગનો હિસ્સો કુસ્તીબાજીએ રોક્યો છે, પરંતુ ક્યાંય કહેતાં ક્યાંય કોઈ સંઘર્ષ નથી. ઘરે નૂડલ્સ બને એ સરળતાથી સુલતાન હરીફોને ધૂળ ચટાડી દે. પરિણામે જે થ્રિલ અનુભવાવી જોઇએ તે અનુભવાતી નથી.

ફિલ્મ લાંબી છે અને લોકોને વારેવારે બહાર જવાની જરૂર પડે એ વિચાર્યું હોય કે ગમે તે, પણ ‘સુલતાન’માં દર થોડી વારે એક ગીત ટપકી પડે છે. વળી, ‘રે સુલતાન’ અને ‘જગ ઘૂમેયા’ સિવાય બાકીનાં ગીતોમાં ખાસ કશો ભલીવાર પણ નથી.

તેમ છતાં રાઇટર-ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મ કંટાળો નથી આપતી. એના સિલી જોક્સ પર પણ હસવું આવે, હીરોનાં સંઘર્ષ-દુઃખ-પ્રેમ પોતીકાં લાગે છે. તેનું એક કારણ છે ફિલ્મની સિમ્પ્લિસિટી. કોઈ બાળફિલ્મની જેમ એકેક ઇમોશન આપણને સિમ્પ્લિફાય કરીને સમજાવવામાં આવે. જેમ કે, સુલતાન કોઈ કામ માટે ફાળો એકઠો કરતો હોય, તો એણે બૅન્કમાં અકાઉન્ટ ખોલાવવાને બદલે ઘરમાં એ નામ લખેલી પિગી બૅન્કનો કબાટ ભર્યો હોય. એ કોઈ પહેલવાનને હરાવે, તો તેનો રિપ્લે પણ આવે. અરે, ‘તમારી સાચી લડાઈ તમારી જાત સામે જ હોય છે, એવું બતાવવા એક સીનમાં સલમાન ખુદ સલમાન સામે જ લડે છે! આવું સ્પૂનફીડિંગ આખી ફિલ્મમાં ભરચક છે. જો તેને ઇગ્નોર કરો તો તમે સુખી.

ફિલ્મની વાર્તામાં જરૂર ન હોવા છતાં ‘સુલતાન’માં અત્યંત બેશરમ થઇને વિવિધ પ્રોડક્ટની જાહેરખબરો મૂકી દેવાઈ છે. પાઇપ, ટ્રેક્ટર, ઑટો કંપની, બૉલપેન, ઘી, CCTV કેમેરા વગેરેની ઍડ્સ છે એટલું જ નહીં, અમુક ઠેકાણે તો તેનાં સ્લોગન સુદ્ધાં છે. મતલબ કે પબ્લિક-પ્રાયોજક બંને ઠેકાણેથી પૈસા પડાવવાના.

અમુક ઠેકાણે મૅટા હ્યુમર એટલે કે રિયલ લાઇફ કનેક્શનના હળવા ચમકારા પણ છે. જેમ કે, શાહરુખનું નામ લઇને સલમાન હરિયાણવી બોલીમાં કહે છે, ‘શાહરુખ કા મજાક મત ઉડાઓ, મને બહોત પસંદ હૈ.’ બીજા એક ઠેકાણે સલમાન ‘દંગલ’ શબ્દ પણ બોલે છે (જે આમિરની આગામી ફિલ્મનું નામ છે).

ઘણા બધા સુંદર ઍરિયલ શૉટ્સ સાથેની આ ફિલ્મ સલમાનની છે એટલે તેમાં રણદીપ હૂડા, કુમુદ મિશ્રા, અમિત સાધ, પરીક્ષિત સાહની જેવા એક્ટર સ્વાભાવિક રીતે જ વેડફાયા છે. (આ પરીક્ષિત સાહની સાહેબને બધી ફિલ્મોમાં લૂઝર દીકરા જ કેમ ભટકાતા હશે? પહેલાં જિમી શેરગિલ, પછી માધવન અને હવે અમિત સાધ!) હા, કુસ્તીની કોમેન્ટરીનાં દૃશ્યોમાં વીતેલાં વર્ષોના ‘દૂરદર્શન’ના ન્યુઝ રીડર શમ્મી નારંગને જોઇને હાઈડેફિનેશન આનંદ આવે છે. એવો જ (થોડો સાશંક) આનંદ ફિલ્મમાં બેટી બચાવો, શૌચાલય બનાવો જેવા મેસેજ જોઇને પણ આવે.* (See footnote, with some spoilers)

તોફાન પસાર થઈ જવા દો
આ ફિલ્મમાં એક પણ ઠેકાણે, રિપીટ એક પણ ઠેકાણે ઍન્ટિ સ્મોકિંગની ચેતવણી ડિસ્પ્લે થાય તેવો સીન નથી. ફિલ્મ જોઇને ખુદ ‘બાબુજી આલોક નાથ’ પણ કહી ઊઠે કે, ‘યાર, આટલો સંસ્કારી તો હું પણ નથી, જેટલી સંસ્કારી આ ફિલ્મ છે.’ ઇન શૉર્ટ, પાવિત્ર્ય ઔર ભક્તિરસ સે ભરપૂર. સરેરાશ એન્ટરટેનિંગ હોવા છતાં અત્યારે બૉક્સઑફિસ પર જે પ્રકારનું ઊંચા ભાવનું દંગલ ચાલી રહ્યું છે એ જોતાં રાહ જોવામાં કશું ખાટુંમોળું થાય તેમ નથી. વો ક્યા કહતે હૈ અંગરેજી મેં? ‘હાં, વેઇટ એન્ડ વૉચ!’

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)
——————————
* (Spoilers Ahead): ફ્રેન્કલી ફિલ્મમાં સલમાન કરતાં અનુષ્કાની સ્ટોરી ક્યાંય વધુ ઇનસ્પાયરિંગ છે. દીકરીઓને મોબાઈલ પણ ન રાખવા દેતા ‘ખાપ’વાળા હરિયાણામાં એક છોકરી કેવી રીતે ફાઇટર બનીને બતાવે એ વધુ દમદાર દંગલ છે. અહીં આફરા સુલતાન માટે પોતાનું કરિયર દાવ પર લગાવી દે છે. એને બદલે સુલતાન એવું કરે તો કંઇક વાત જામે. લેકિન વો દિન કહાં કિ ભાઈ કી મુવી મેં…?!

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

પ્રેમ રતન ધન પાયો

ટ્રેડિશન વાપસ આ ગયો

***

ક્યુટથી લઇને ક્લિશે, બોરિંગથી બ્યુટિફુલ, લાંબીથી લઇને લવલી જેવા વિરોધાભાસી પ્રતિભાવો વચ્ચે સલમાન પ્લસ સૂરજ બડજાત્યાની આ ફિલ્મ ટિપિકલ નાઇન્ટીઝના દાયકાની ટાઇમટ્રાવેલ કરાવે છે.

***

salman-sonam-braid‘અલ્યા એ, ઊઠ. ફિલ્મ પૂરી.’

‘હેં? હાશ. ફાઇનલી પતી. આટલી લાંબી ત્રણ કલાકની ફિલ્મ તે કંઈ હોતી હશે? આ હું સવારે દાઢી કરીને આવેલો ને પાછી વધી ગઈ.’

‘પત્યું. પાછો તારી અંદરનો ક્રિટિક જાગી ગયો. એલા, સલમાનભાઈ ‘કિક’માં જ કહી ચૂક્યા છે તેમ એ અને એમની ફિલ્મો દિલમાં આવે છે, સમજમાં નહીં. તો શું કામ તારું દિમાગ વાપરે છે અને દુઃખી થાય છે? આ જે લોકો સો-બસ્સો કરોડનો બિઝનેસ કરાવે છે એમને તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. તને જ બધાં ગૂમડાં થયાં કરે છે.’

‘આપણે બેસતા વર્ષની સવારે બસ્સો રૂપિયા ખર્ચીને ગયા હોઇએ તો કકળાટ કરવાનો અધિકાર ખરો કે નહીં? તું મને એમ કહે કે આ કયા જમાનાની સ્ટોરી છે? રાજા-રજવાડાં ગયાં, પણ આ લોકો હજી રાજ્યાભિષેક ને પ્રજા ને એવું બધું રમે છે. એકબાજુ આઇફોન-6 વાપરે ને બીજી બાજુ રાજગાદી માટે ભાઇઓ (સલમાન-નીલ નીતિન મુકેશ) કપાઈ મરે. ઘવાયેલા યુવરાજ  વિજય સિંહ (સલમાન)ની જગ્યાએ રમતાં રમતાં બીજો ડિટ્ટો ડુપ્લિકેટ પ્રેમ દિલવાલે (બીજો સલમાન) મળી જાય અને મૂળ યુવરાજની જગ્યાએ ગોઠવાઈ જાય. ‘કટપ્પા’ જેવો વફાદાર દીવાન (અનુપમ ખેર) આખી બાજી સંભાળી લે. યુવરાજની મંગેતર મૈથિલી (સોનમ કપૂર)ને નિરાંતે પટાવ્યા પછી અચાનક એને બ્રહ્મજ્ઞાન થાય કે અલ્ટિમેટલી આ તો રાજકુંવરી છે, આપણે તો એમને દૂરથી જ ‘ખમ્મા ઘણી’ કહેવાનું હોય. સતત છણકા કર્યે રાખતી બે સાવકી બહેનો (સ્વરા ભાસ્કર અને આશિકા ભાટિયા) સાથે પેલો યુવરાજ આટલાં વર્ષોમાં જે બુચ્ચા ન કરી શક્યો એ આ પ્રેમે ફેવિક્વિકની સ્ટાઇલમાં ચુટકી મેં કરી આપ્યું? શું ફેંકમફેંક છે, યાર?’

‘જો, એક વાત તો સાચી કે ફિલ્મનું રાઇટિંગ તદ્દન જૂનવાણી, ઉપરછલ્લું અને બાળફિલ્મ જેવું છે. હીરો, વિલન, સેવક, મિત્ર, સગાં વગેરે બધાં જ ટિપિકલ કૅરિકેચરિશ છે. એક્ચ્યુઅલી, તો આ ફિલ્મની ગંગોત્રી ૧૨૦ વર્ષ પહેલાં લખાયેલી બ્રિટિશ રાઇટર એન્થની હૉપની નવલકથા ‘પ્રિઝનર ઑફ ઝેન્ડા’માંથી નીકળે છે.’

‘સહી પકડે હૈ, લડ્ડુ કે ભૈયા. ખાલી વાર્તા જ નહીં, આમાં તો નડિયાદી ભૂસાની જેમ અહીં તહીંથી જ બધું ભેગું કર્યું છે. જો વાર્તાનું તો તેં કહ્યું. તે ઉપરાંત ‘હમ દિલ દે ચૂકે સનમ’ના અક્ષરોની સ્ટાઇલ, સલમાનની ઐશ્વર્યાને પ્રેમ કરવાની સ્ટાઇલ, ‘ખૂબસૂરત’ની સોનમનું મહારાણી ગાયત્રી દેવી વર્ઝન, ‘બાહુબલી’નો ટકલુ ‘કટપ્પા’ માઇનસ તલવાર, ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’નો હીરોનો દોસ્તાર દીપક ડોબ્રિયાલ અને અબોવ ઑલ ‘બજરંગી ભાઇજાન’નો નેકદિલ સલમાન. ફરક માત્ર એટલો છે કે અહીં એ હનુમાનભક્ત નહીં બલકે હનુમાન જેમના ભક્ત છે એ શ્રીરામનો ભક્ત બન્યો છે. ઇવન ક્લાઇમૅક્સમાં અરીસાવાળો સીન તો ડિટ્ટો બ્રુસ લીના ‘એન્ટર ધ ડ્રેગન’ની યાદ અપાવે છે.’

‘ભાવનાઓં કો સમઝો, બાંગડુ. આ ફિલ્મ પાછળ સૂરજ બડજાત્યાનો ઇરાદો સાફ દેખાઈ આવે છે. શરૂઆતમાં જ સલમાનના મોઢે ડાયલોગ મુકાયો છે કે, ‘તમને પરંપરાઓ, રીતિ-રિવાજ, સંસ્કાર મજાક લાગે છે?’ સૂરજ બડજાત્યા યંગસ્ટર્સને આપણા કલ્ચરનો આયનો ધરવા માગતા હોય એવું લાગે છે. એક પેટર્ન જો. ‘મૈંને પ્યાર કિયા’માં ફ્રેન્ડશિપ, ‘હમ આપકે હૈ કૌન’ અને ‘હમ સાથસાથ હૈ’માં પરિવાર તથા માતા-પિતા, ‘મૈં પ્રેમ કી દીવાની હૂં’માં બાપ-દીકરી, ‘વિવાહ’માં પતિ-પત્ની અને હવે ‘પ્રેમ રતન…’માં એણે ભાઈ-બહેનો વચ્ચેનાં રિલેશનની વાત કરી છે. એટલે એમની ટ્રીટમેન્ટ ભલે ગમે તેટલી જૂનવાણી લાગતી હોય, પરંતુ એમનો અજૅન્ડા એકદમ ક્લિયર છે. ફિલ્મમાં ભલે આલોક નાથ ન હોય, પણ છે એકદમ સંસ્કારી ફિલ્મ. ટ્રીટમેન્ટ ભલે જૂનવાણી લાગે, પણ આપણી સંસ્કૃતિ, વેલ્યૂઝ ક્યારેય આઉટડેટેડ થતી નથી.’

‘હા રે હા, આમાં તો બધું એટલું બધું ગળચટું છે કે, એન્ટિ સ્મોકિંગની જેમ એન્ટિ ડાયાબિટીઝની ચેતવણી મુકાવી જોઇએ કે ભઈ આ ફિલ્મ જોવાથી તમારું સુગરલેવલ વધી શકે છે. જોકે તારી વાતને ઓર ફાઇન ટ્યૂન કરીને જોઇએ તો લાગે છે કે સ્થૂળ રીતે ફિલ્મમાં ભલે સલમાનનો ડબલરોલ રહ્યો, પરંતુ પ્રેમ એ પ્રિન્સ સલમાનનો ‘ઑલ્ટર ઇગો’ છે. પ્રિન્સના સ્વભાવની તમામ મર્યાદાઓ પ્રેમ પૂરી કરે છે.’

‘વાહ, આજ તો તારી અંદરનો ક્રિટિક પૂરેપૂરો ચગ્યો છેને કંઈ.’

‘પણ યાર, આ ફિલ્મમાં બધા એટલી બધી વાર ‘દિલવાલે દિલવાલે’ બોલે છે કે શાહરુખની ‘દિલવાલે’નું પ્રમોશન કરતા હોય એવું લાગે છે. પ્રમોશન પરથી યાદ આવ્યું, રાજશ્રી જેવા મોટા બૅનરને પણ ‘હલ્દીરામ’ અને ‘ક્રોમા’ની જાહેરખબરો લેવા માટે ફિલ્મમાં સ્પેશ્યલ સીન નાખવા પડે?’

‘હવે બાકીની ભડાસ પણ કાઢી જ નાખ, નહીંતર તને સપરમા દહાડે એસિડિટી થશે.’

‘જો એક તો આ ફિલ્મ છે કે મ્યુઝિકલ ડ્રામા? આટલાં બધાં ગીતો હોતાં હશે? નો ડાઉટ, ટાઇટલ સોંગ અને શાને ગાયેલું ‘આજ ઉનસે મિલના હૈ’થી નાઇન્ટીઝના જમાનાની મેલોડિયસ ટ્યૂન સાંભળવા મળી છે. એક બાજુ હિમેશના અવાજ અને મીડિયોકર ગીતોનો ત્રાસ ને બીજી બાજુ બાપ-દીકરીની ઉંમરનાં હીરો-હિરોઇનનો ચ્યુઇંગમ છાપ રોમેન્સ. એના પર કાતર ચલાવીને સ્ટોરીમાં થોડાં લૅયર ઉમેર્યાં હોત, તો આ ફિલ્મ સાવ ‘પોટલી બાબા કી’નું મુવી વર્ઝન ન બની રહેત. આમ તો આવી ઓવર સિમ્પ્લિસ્ટિક ફિલ્મમાં લોજિક શોધવાનું ન હોય, પણ તોય સલમાનનો આખો પરિવાર પસાર થઈ જાય એટલાં મોટાં છીંડાં થોડાં સહન થાય? કેટલાય પ્રશ્નો છેક સુધી વણઊકલ્યા રહી જાય છે. અને કુંભલગઢથી ગોંડલ સુધીના ભવ્ય પેલેસોનું દર્શન કરાવ્યું, તો સ્પેશ્યલ ઇફેક્ટમાંય થોડો ખર્ચો કરવો તોને?’

‘તો તને આખી ફિલ્મમાં સલમાનનો ચાર્મ ન દેખાયો? રોજ ચારવાર સંતૂરથી નહાતો હોય એમ એની ઉંમર જ દેખાતી નથી. એની ઠસ્સાદાર પર્સનાલિટી જોઇને લાગે કે રાજા તો કંઇક આવો જ હોવો જોઇએ. લવ હોય કે એક્શન, ઇમોશન હોય કે કોમેડી, બધા જ સીનમાં અહીં એ પૂરેપૂરો ખીલ્યો છે. ઇવન જો સલમાન ન હોત તો આ ફિલ્મ પણ ‘શાનદાર’ની જેમ ઊંધેમાથે પટકાઈ હોત. એના કરિશ્માની સામે સોનમ કપૂર પણ એની કાઠી જેવી તદ્દન ફ્લૅટ લાગે છે.’

‘કબૂલ, પણ સ્વરા ભાસ્કર, નીલ નીતિન મુકેશ, સંજય મિશ્રા, દીપક ડોબ્રિયાલ, મનોજ જોશી, સુહાસિની મૂળે, બ્રિજેન્દ્ર કાલા, મેહુલ કજારિયાનો વેડફાટ થયો છે એ તને ન દેખાયું? ઇવન અનુપમ ખેરને પણ ‘પહેલી’ ફિલ્મનો ડ્રેસ પહેરાવીને એમનો ટિપિકલ સપોર્ટિંગ રોલ જ અપાયો છે. એક પણ શ્વાસ ચડ્યા વિના અસ્થમાનો અટેક આવે એવું આ ફિલ્મમાં પહેલીવાર જોયું. અને ખબર નહીં કેમ, પણ મમરાની ગૂણ જેવો અરમાન કોહલી તો અચાનક નાગ થઇને બદલો લેવા આવશે એવું જ લાગ્યા કરે છે. અરે, પણ તું આમ પાછો થિયેટરની અંદર ક્યાં ચાલ્યો?’

‘જો, અત્યારના પાર્ટી સોંગ અને દારૂની બાટલીઓવાળી ફિલ્મોની વચ્ચે આ એક કમ્પ્લિટ ફેમિલી એન્ટરટેનિંગ મુવી છે. ભલે સ્લો રહી, પણ અફલાતૂન સિનેમેટોગ્રાફી અને ઇન્ડિયન વેલ્યૂઝથી ભરચક છે. એટલે આખા ફેમિલી સાથે આ ફિલ્મ થિયેટરમાં જોવી એ દિવાળી સેલિબ્રેશનનો જ એક ભાગ છે. એટલે હું તો મારા આખા ફેમિલીની ટિકિટો લઈ રહ્યો છું.’

‘તો એક કામ કર, મારી ટિકિટોય ગણી લેજે. હું ત્યાં સુધીમાં નાસ્તાનો મેળ કરતો આવું. પૂરા ત્રણ કલાકની ફિલ્મ છે અને ફિલ્મના ગીતમાં જ કહે છે ને કે કુછ ચકલી-ચેવડા લેતેં ચલેં, કુછ ખટ્ટા-મીઠા લેતેં ચલેં…’

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

હિરો

મૈં હૂં ઝીરો

***

સ્ટારસંતાનોને લૉન્ચ કરવા માટે જ બનાવાયેલી આ ફિલ્મ જોવા કરતાં સુભાષ ઘઈની ઑરિજિનલ ‘હીરો’ ફરી એકવાર જોઈ લેવી ક્યાંય સારી.

***

hero1‘મિ. લૉર્ડ, આજનો કૅસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મારા અસીલનું કહેવું છે કે નિખિલ અડવાણીએ એમના યુવાનીકાળની ફિલ્મ ‘હીરો’ની જે કંગાળ રિમેક બનાવી છે તેનાથી તેઓ ડીપલી હર્ટ થઈ ગયા છે.’

‘હં, ઇન્ટરેસ્ટિંગ. વેલ, ડિફેન્સ ક્લિયર કરે કે એમણે સ્ટોરી એની એ જ રાખી છે કે ફેરફાર કર્યા છે?’

‘જજસા’બ, મેઇન સ્ટોરી તો એ જ છે. મુંબઈના ઇન્સ્પેક્ટર જનરલ શ્રીકાંત માથુર (તિગ્માંશુ ધુલિયા)એ ગુંડા સૂર્યકાંત પાશા (આદિત્ય પંચોલી) સામે ગંભીર ગુનાના પુરાવા એકઠા કરી લીધા છે. છેલ્લી સુનાવણી બાકી છે. ત્યાં જ જેલમાં બેઠો બેઠો પાશા પોતાના દીકરા જેવા બૉડી બિલ્ડર સૂરજ (સૂરજ)ને હુકમ કરે છે કે આ ઇન્સ્પેક્ટર જનરલની દીકરી રાધા (અથિયા શેટ્ટી)ને કિડનૅપ કરી લે. કહ્યાગરો બૉડીબિલ્ડર સૂરજ એના દોસ્તારો સાથે મળીને રાધાને એની સિક્યોરિટીના નામે કિડનૅપ કરી લે છે. આ સંતાકૂકડીમાં રાધા અને સૂરજ વચ્ચે ઇલુ ઇલુ થઈ જાય છે. પ્રેમના પ્રતાપે સૂરજ સુધરી જાય છે, ત્યાં લવસ્ટોરીમાં ફાચર મારવા માટે રણવિજય શેખાવત (વિવાન ભતેના) નામનો બીજો એક બૉડી બિલ્ડર આવે છે. થોડી ધબાધબી અને પછી ખાધું પીધું ને રાજ કર્યું. ઉપરથી આ ફિલ્મ ખુદ સુભાષ ઘઈ અને સલમાન ખાને પ્રોડ્યુસ કરી છે. ઇવન સલમાને તો તેનું ટાઇટલ સોંગ પણ ગાયું છે.’

‘લે, તો પછી આમાં વાંધો ક્યાં પડ્યો?’

‘જનાબ, વાંધા એક નહીં અનેક છે. પહેલો વાંધો છે કાસ્ટિંગ. આદિત્ય પંચોલીનો દીકરો સૂરજ દેખાવે સારો છે, પણ એણે ખાલી જિમમાં જ પરસેવો પાડ્યો છે. બાકી મોઢું ખોલે એટલે ગોખણિયા ડાયલોગ સિવાય કશું જ નીકળતું નથી. અને સર, સુનીલ શેટ્ટીની દીકરી અથિયા સતત સેલ્ફી માટે પૉઝ આપતી હોય એવો ગાલમાં ગોબાવાળો ચહેરો રાખવામાં ભૂલી જાય છે કે એણે નેચરલ એક્ટિંગ પણ કરવાની છે. જૂની ‘હીરો’માં જે સ્ટ્રોંગ સપોર્ટિંગ કાસ્ટ હતી (જેમ કે, શમ્મી કપૂર, સંજીવ કુમાર, અમરીશ પુરી, મદન પુરી), અહીં એમાંનું કશું જ નથી. જનાબ, ખુદ આદિત્ય પંચોલી વિલનના હૅન્ચમેન તરીકે ચાલે, પણ મેઇન વિલનમાં તો ગળે ઊતરે જ નહીં ને? તિગ્માંશુ ધુલિયા બહુ સારા રાઇટર-ડિરેક્ટર છે, પણ અહીં એને દીકરીના બાપ બનાવીને બેસાડી દીધા છે. આખી ફિલ્મમાં ધુંઆપુંઆ થવા સિવાય એમના ભાગે કશું જ આવ્યું નથી. સંજીવ કુમારની જગ્યાએ ટીવી એક્ટર શરદ કેલકર કે પછી શક્તિ કપૂરની જગ્યાએ વરઘોડામાંથી ભાગીને આવ્યો હોય એવો મૉડલ વિવાન ભતેના થોડો ચાલે? આ આખી કાસ્ટ સાવ પોલિથિન જેવી કૃત્રિમ લાગે છે.’

‘પણ આ તો નવા જમાનાની રિમેક છે. કશુંક તો નવું ઉમેર્યું હશે ને?’

‘અરે મિ. લૉર્ડ, નવું કરવાની વાત તો દૂર રહી, આખી ફિલ્મ સાવ ચવાઈ ગયેલા ક્લિશેથી ફાટ ફાટ થાય છે. ઇવન મારી પાસે તો આ ફિલ્મના ક્લિશેનું આખું લિસ્ટ છે. તમે કહો તો અદાલત સમક્ષ પેશ કરું?’

‘ઇજાઝત હૈ…’

‘મિ. લૉર્ડ, સાંભળતાં થાકો એટલે કહેજોઃ બૉડી બિલ્ડર હીરોની કસરત કરતાં કરતાં એન્ટ્રી પડે, એન્ટ્રી સાથે જ એક ફાલતુ ફાઇટ આવે, એ પછી તરત જ એક પાર્ટી સોંગ આવે, ત્યાં હીરો હિરોઇન મળે અને પહેલી નજરનો પ્રેમ થઈ જાય, હીરો હિરોઇનને માથાભારે બૉયફ્રેન્ડથી બચાવે, જૅકેટ ઓઢાડે, હીરો રોબિનહૂડ ટાઇપનો ગુંડો હોય, પોલીસ અને ગુનેગાર વચ્ચે ઇન્ટેન્સ લુક એક્સચેન્જ થાય, ન્યુઝ ચેનલના પત્રકારોનું ટોળું માઇક લઇને સવાલો પૂછે, હિરોઇન માત્ર પાર્ટીમાં જવા અને સેલ્ફી લેવા જેટલી જ મૉડર્ન હોય બાકી તો અબલા નારી હોય, હીરોને ઠેકાણે પાડવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા દોસ્તારો, ચિક્કાર બરફમાં પણ હીરો ખુલ્લા ડિલે કસરત કરે, જે જોઇને હિરોઇન ઇમ્પ્રેસ થઈ જાય અને બંને ‘ઈશ્કવાલા લવ’ ટાઇપનું ગીત ગાય, કિડનેપરના જ પ્રેમમાં પડવાનો સ્ટૉકહૉમ સિન્ડ્રોમ, હિરોઇન પહેલીવાર છાંટોપાણી કરીને ટાઇટ થઈ જાય, પછી એ કોઈ બીજા ધર્મના ઈશ્વર પાસે ઑકવર્ડ પ્રાર્થના કરે, જુવાન દીકરી પ્રેમમાં પડી છે એ જાણીને બાપ તાત્કાલિક એનાં લગ્ન ગોઠવી કાઢે, ગુસ્સો કાઢવા માટે હિરોઇન નાચાનાચી કરી મૂકે, વિદેશી ધરતી પર ડિપ્રેસ થઇને ફર્યા કરે, ફિલ્મની અંદર એક ગીતમાં એ જ ફિલ્મની સ્ટોરી આવે, પથ્થર જેવા પિતાને સમજાવવા માટે હીરો એક ઇમોશનલ સ્પીચ આપે, જે સાંભળીને બધાંનાં હૃદય પરિવર્તન થઈ જાય…’

‘બસ ભાઈ, બસ. આ તો ક્લિશેનો એન્સાઇક્લોપીડિયા ખોલ્યો હોય એવું લાગે છે.’

‘ન્યાયાધીશ મહોદય, મારા અસીલને બીજો એક વાંધો એ પડ્યો છે કે આ ફિલ્મમાંથી લોજિકની સાવ હાસ્યાસ્પદ રીતે બાદબાકી કરી નાખી છે. જેમ કે, આખું ચપ્પુ ખૂંચી જાય, ગોળીઓ વાગે, ઊંચેથી બાઇકસોતાં નદીમાં પડે, પણ ફિલ્મમાં કોઇને કશું જ ન થાય. હીરો સલમાન ખાનનો ચેલો છે એટલે સુધરવા માટે એ જિમ ખોલે એ સમજી શકાય, પણ કોઈ ખંડેરની વચ્ચે જિમ શું કામ ખોલે? ખૂનખાર ગુંડો પાશા કસ્ટડીમાં બેઠો બેઠો કેબલ ટીવી જુએ, જેલનું ટીવી તોડી નાખે તો બિનધાસ્ત નવું આવી જાય, પોલીસની ગિરફ્તમાંથી ભાગી જાય, નિરાંતે જીવવા માંડે અને પોલીસને કશી જ પડી ન હોય. ઇન્સ્પેક્ટર જનરલની દીકરીને બબ્બેવાર આરામથી કિડનૅપ કરી લેવામાં આવે…’

‘નોનસેન્સ. આ તો પોલીસની કોમનસેન્સનું પણ અપમાન છે.’

‘એક્ઝેક્ટ્લી જજસા’બ, અને નાનું બચ્ચુંય માને નહીં એવી વાત એ પણ છે કે અચાનક ભટુરિયા જેવો વિવાન ભતેના નામનો સૂટિંગ શર્ટિંગનો મૉડલ ફિલ્મનો મેઇન વિલન બની જાય. છેલ્લી ફાઇટિંગમાં એ પાછો પોતાનું ગંજી ફાડે, વધુ એક ક્લિશે સર.’

‘ઓકે ઓકે, આમ તો આટલી દલીલો પૂરતી છે. તેમ છતાં હજી કંઈ કહેવાનું રહી જાય છે?’

‘થોડી છૂટક આર્ગ્યુમેન્ટ્સ છે, મિ. લૉર્ડ. આખી ફિલ્મ એટલી કંગાળ રીતે લખાયેલી છે કે એમાં એકેય ડાયલોગ યાદ રહે એવો નથી. આ ફિલ્મ જૂની હીરોની રિમૅક છે એ જતાવવા માટે બે ઠેકાણે ‘વો તેરા સિંગ સોંગ, ડિંગ ડોંગ કરેગા’ અને ‘પ્યાર કરનેવાલે કભી ડરતે નહીં’ ટાઇપની લાઇન્સ નાખી દીધી છે. જૂની ‘હીરો’ની આના કરતાં વધારે ફીલ તો જૅકી શ્રોફના દીકરા ટાઇગરની પહેલી ફિલ્મ ‘હીરોપંતી’માં આવતી હતી.  ઑરિજિનલ ‘હીરો’ની સૌથી મોટી સ્ટ્રેંગ્થ હતી એનાં લક્ષ્મી-પ્યારે-આનંદ બક્ષીનાં ઇમ્મોર્ટલ ગીતો. અહીં ગીતો સાવ કંગાળ નથી, પણ બિનજરૂરી અને બિલો એવરેજ તો છે જ. એને કારણે જ આખી ફિલ્મ કોઈ ઠીકઠાક મ્યુઝિક વીડિયો જેવી લાગવા માંડે છે. એક ફિલ્મના અંતે સલમાન પોતે આવીને ‘મૈં હૂં હીરો તેરા’ ગીત ગાય છે ત્યારે છેક પબ્લિકને કોઈ વાતે ચિયર કરવાનો મોકો મળે છે. હવે તમે જ કહો સર, પોતાની ફેવરિટ ફિલ્મની આવી તદ્દન ડાબા હાથે બનેલી રિમેક જોઇને મારા અસીલનો જીવ બળે કે નહીં?’

‘અદાલત આ તમામ બયાનાત સાથે સહમત થાય છે અને તાકીદ કરે છે કે જેમને ઑરિજિનલ ‘હીરો’ ફિલ્મ ગમી હોય એમણે તેની આ સ્ટારપુત્રોને લૉન્ચ કરવા માટે બનાવાયેલી રિમૅકથી કોસોં દૂર રહેવું. જો આ વીકએન્ડ પર સમય પસાર કરવા માટે કશું ન હોય, તો જૂની ‘હીરો’ ફરી એકવાર જોઈ નાખવી. ફિલ્મમૅકરોને પણ તાકીદ કરે છે કે તેઓ માત્ર જૂની ગુડવિલને એનકૅશ કરવા માટે થઇને ભારતીય સિનેમાના માઇલસ્ટોન જેવી કૃતિઓ સાથે આવી છેડછાડ ન કરે. ધ કૉર્ટ ઇઝ એડજર્ન્ડ ટિલ નેક્સ્ટ રિલીઝ.’

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

બજરંગી ભાઈજાન

ત્રિરંગી પહચાન

***

હંમેશની જેમ મારફાડ કરવાને બદલે સલમાનભાઈ આ વખતે શાંતિદૂત બનીને આવ્યા છે.

***

cixgrpnukaaapmgજેવી રીતે સલમાન ખાનની ફિલ્મો સ્ટોરી, સ્ક્રિપ્ટ વગેરેની મોહતાજ નથી હોતી, એ જ રીતે તે રિવ્યૂની પણ મોહતાજ નથી હોતી. કારણ કે તે ‘ઑફ ધ સલમાન, બાય ધ સલમાન અને ફોર સલમાન ફૅન્સ’ હોય છે. તેમ છતાં જો તમે સિનેમાની ફૂટપટ્ટી લઇને સલમાનભાઈની ફિલ્મોનું વિવેચન કરવા બેસો, તો તમારી હાલત ‘વ્યાપમ કૌભાંડ’ના સાક્ષી જેવી થાય. દર વર્ષે બૉક્સ ઑફિસ પર ‘બાહુબલિ’ની જેમ ત્રાટકતી સલમાન ફિલ્મો કરતાં આ વખતે આવેલી ‘બજરંગી ભાઈજાન’ ખાસ્સી અલગ છે. ના, અહીં પણ હંમેશની જેમ સલમાન પોતે ‘બીઇંગ હ્યુમન’ જ છે, પરંતુ આ વખતે એણે કોમી એકતા, ભારત-પાકિસ્તાનના ભાઇચારા જેવાં શાંતિનાં કબૂતરો ઉડાડવાની વાતો કરી છે. જેનું ક્રેડિટ ડિરેક્ટર કબીર ખાનને પણ આપવું પડે.

ચાલો પાકિસ્તાન

પવનકુમાર ચતુર્વેદી ઉર્ફ બજરંગી (સલમાન ખાન) એક ગુડ ફોર નથિંગ છતાં પાવિત્ર્ય ઔર ભક્તિરસ સે ભરપુર હનુમાનભક્ત છે. પાકિસ્તાનથી પોતાની માતા સાથે હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહે માથું ટેકવા આવેલી બોલી ન શકતી પાંચ-છ વર્ષની બૅબી શાહિદા (સુપર ક્યુટ હર્ષાલી મલ્હોત્રા) ભૂલી પડી જાય છે અને સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે બજરંગી ભાઇજાન સાથે એનો ભેટો થઈ જાય છે. હવે જેનું પોતાનું દિલ્હીની પહેલવાનપુત્રી રસિકા (કરીના કપૂર) સાથે સેટિંગ અધ્ધર લટકે છે, ત્યાં એ આ બૅબીને શું મદદ કરવાનો? લેકિન નો. ભલે પોતાના પાસપોર્ટનાં ઠેકાણાં ન હોય, પણ એકબાર ભાઈને કમિટમેન્ટ કર દિયા તો ફિર વો પાકિસ્તાન એમ્બેસી કી ભી નહીં સૂનતે. ગેરકાયદે બોર્ડર ક્રોસ કરીને એ બૅબી સાથે પાકિસ્તાનમાં ઘૂસે છે. ત્યાં એને સ્થાનિક પત્રકાર ચાંદ નવાબ (નવાઝુદ્દીન સિદ્દીકી)ની મદદ મળે છે. આમ તો ભાઈ માટે કોઈ કામ અશક્ય નથી, પરંતુ પરાયા મુલ્કમાં આ પરાઈ અમાનતને એ એના પરિવાર સાથે મેળવી આપવામાં સફળ જશે?

યે સલમાન ઝરા દુજે કિસમ કે હૈ

સલમાન, શાહરુખને તમે કોઇપણ રોલમાં નાખો, અલ્ટિમેટલી તો એ સુપરસ્ટાર સલમાન ને શાહરુખ જ રહેવાના. એમાંય સલમાનની ફિલ્મોમાં હોય છે શું? એક સુપરહ્યુમન, જેની એક વિચિત્ર સેન્સ ઑફ હ્યુમર છે, સર્વગુણ સંપન્ન છે, આરપાર વીંધી નાખે એવી ધારદાર પંચલાઇન્સ બોલે છે, કોઈ ઉમદા કાર્ય માટે એ નઠારાં તત્ત્વોને ચુન ચુન કે ખતમ કરે છે. પરંતુ આ બજરંગી ભાઈજાન જરા અલગ કિસમનો સલમાન છે. એ એકદમ ભલોભોળો ને ભણવામાં ઢ છે, કોઇના પર હાથ નથી ઉપાડતો, કોઇનું દર્દ એનાથી જોવાતું નથી. ઇન શૉર્ટ, એકદમ ભગવાનનો માણસ છે. એક્ચ્યુઅલી, ‘કિક’ અને ‘બજરંગી ભાઈજાન’ જોઇને એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે રિયલ લાઇફમાં એના પર ચાલી રહેલા કૅસની સામે મજબૂત પુરાવા તરીકે મૂકી શકાય તે માટે સલમાન પોતાની ફિલ્મોમાં વિશ્વશાંતિનાં કબૂતરો ઉડાડી રહ્યો છે. જેથી દેશમાં એના પ્રત્યે એક સિમ્પથીની ફીલિંગ ઊભી થાય કે ભાઈ ક્યારેક પીને ગાડી ફૂટપાથ પર ચડાવી દે અથવા તો બ્લૅકબકનો શિકાર કરી નાખે, પરંતુ એ છે ખુદા કા નેક બંદા.

તેમ છતાં આખી વાતને પોઝિટિવલી લઇએ તો આ ફિલ્મ ખરેખર ભારત-પાકિસ્તાન અને હિન્દુ-મુસ્લિમોને એક કરવાનો જડબેસલાક મેસેજ આપે છે. એ પણ જરાય લાઉડ થયા વિના, પીંછું ફરતું હોય એવી હળવાશથી. આપણને આંખોનો ડાયાબિટીઝ થઈ જાય એટલી હદે સલમાનને મીઠડો (ને હેન્ડસમ) બતાવાયો છે. એટલે એ સામેવાળો કન્ફ્યુઝ થઈ જાય કે ક્યાંથી શ્વાસ લેવો અને ક્યાંથી વધારાનો વાયુ મુક્ત કરવો એવા કોઈ શારીરિક છિદ્રો પાડતો નથી. ઇન ફૅક્ટ, આખી ફિલ્મમાં સલમાનની પહેલી ફાઇટ એક્ઝેક્ટ સવા કલાકે આવે છે. તામસિક રસના શોખીનો માટે અફસોસ કે એ પહેલી અને છેલ્લી ફાઇટ છે.

અન્ય સલમાનફિલ્મોથી તદ્દન વિપરિત આ ફિલ્મ ગોકળગાયની ગતિએ ધીમે ધીમે આગળ વધ્યા કરે છે. એક પછી એક તદ્દન બિનજરૂરી અને અત્યંત કંગાળ ગીતો આવ્યાં કરે છે. હા, અદનાન સમીની કવ્વાલી ખરેખર હૃદયસ્પર્શી છે. સાચું પૂછો તો આ ફિલ્મમાં હિરોઇનની કશી જરૂર હતી જ નહીં. તેમ છતાં ભાઈ એટલિસ્ટ પડદા પર વાંઢો ન રહી જાય એટલા માટે કરીનાને ફિલ્મમાં લેવાઈ છે, જેનું કામ રેડીમેડ કપડાંના શૉરૂમની બહાર મુકાયેલાં મૅનિકિન કરતાં જરાય વિશેષ નથી. ઇવન એની અને સલમાનની લવસ્ટોરી દૂરદર્શનના સમાચાર કરતાંય વધારે બોરિંગ છે.

ઇન્ટવલ પછી જ્યારે સલ્લુભાઈ બૉર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચે છે અને નવાઝુદ્દીનની એન્ટ્રી પડે છે, ત્યારથી ફિલ્મ ફાસ્ટ ગિયરમાં આવે છે. ઇન્ટરનેટના બાશિંદાઓ તરત જ કહી દેશે કે નવાઝુદ્દીનનું પાત્ર (તેના નામ સહિત) યુટ્યૂબ પર વર્ષોથી ફરતા પાકિસ્તાનની ‘ઇન્ડસ ચેનલ’ના પત્રકારના મહાકોમેડી વીડિયો પરથી જ લેવાયેલું છે. એટલું જ નહીં, એ વીડિયોનો આખેઆખો સીન પણ અહીં રિક્રિએટ કરાયો છે. પરંતુ નવાઝુદ્દીનનું કામકાજ કેસર, વેનિલાની ફ્લેવર જેવું છે. આખી વાનગીમાં બે ટીપાં નાખો તોય પૂરી ડિશમાં એનો જ સ્વાદ આવે. અહીં પણ એવું જ થયું છે. અમુક સીનમાં એક્ટર નવાઝ હીરો સલમાન પર રીતસર છવાઈ ગયો છે.

જેના માટે ભાઈ પાકિસ્તાન લાંબો થાય છે તે બૅબી હર્ષાલી મલ્હોત્રા એટલી બધી ક્યુટ છે કે આખું કાશ્મીર એના પર કુર્બાન કરી દેવાની ઇચ્છા થઈ આવે. પરંતુ એને મૂગી બતાવીને પ્રેક્ષકોની સિમ્પથી ઉઘરાવવાને બદલે મણિરત્નમની ‘અંજલિ’ ફિલ્મની જેમ બાળસહજ ધમાલ બોલાવી હોત, તો સાવ ઝોલ ખાઈ ગયેલો ફર્સ્ટ હાફ ક્યાંય વધારે એન્ટરટેનિંગ બની શક્યો હોત. સલમાનની ફિલ્મોમાં બીજાં પાત્રોનું કામકાજ ખસખસના દાણાથી વિશેષ હોતું નથી. અહીં એવા ખસખસ જેવડા જ રોલમાં ઓમ પુરી, રાજેશ શર્મા, શરત સક્સેના જેવા કલાકારો આવી આવીને જતા રહે છે.

સલમાનની ફિલ્મોમાં લોજિક શોધવા જનારને મેન્ટલ હૉસ્પિટલભેગો કરવો પડે. એટલે જ અહીં પૂછવાનું નહીં કે સલમાનને ગેરકાયદે બૉર્ડર ક્રોસ કરતો જોઇને પણ કોઈ પકડતું કેમ નથી, એ આટલી આસાનીથી પાકિસ્તાનમાં અને ત્યાંથી પછી પાન ખાવા જતો હોય એવી સહેલાઈથી પાછો ભારતમાં કેવી રીતે આવી જાય છે, બધાં પાત્રો આમ દિમાગને બદલે દિલનો જ ઉપયોગ કરીને ઇમોશનલ શા માટે થઈ જાય છે વગેરે. મેલોડ્રામાના ઑવરડોઝવાળી પોણા ત્રણ કલાકની આ ફિલ્મ હજી લંબાયા કરી હોત, જો લોસ્ટ એન્ડ ફાઉન્ડનો ‘મનમોહન દેસાઈ એન્ગલ’ કામે ન લાગ્યો હોત. એમ તો ‘ફિલ્મીસ્તાન’ અને ‘વેલકમ ટુ કરાચી’ પછી પાકિસ્તાનને જીતાડવા ઉતરેલા શાહિદ અફ્રિદીનો સીન સતત ત્રીજીવાર અહીં રિપીટ કરાયો છે.

બૉક્સઑફિસની બૉર્ડર ક્રોસ કરવી કે નહીં?

તમારી જાતને કેટલાક સવાલો પૂછો. જેમ કે, તમે સલમાનભાઈના એકદમ ખૂનખાર ફૅન છો? તમને ભલે ક્યુટ દેખાતો પણ દબંગ સ્ટાઇલમાં કિક મારવાને બદલે બે હાથ જોડીને ‘જય શ્રી રામ’ બોલતો અને રડી પડતો સલમાન જોવો ગમે? આખી ફિલ્મમાં સલમાન એકેય વાર શર્ટ ફગાવી દઇને પોતાનું ગઠીલું બદન ન બતાવે તો ચાલે? ફિલ્મ ભલે ગમે તે સ્પીડે ચાલતી હોય, પડદા પર ભાઈ દેખાય એટલે ભયો ભયો એ ફિલોસોફી સાથે તમે સંમત છો? જો આ બધા સવાલોના જવાબો ‘હા, ભઈ હા’ હોય, તો આ ફિલ્મ એકવાર જોવી જરાય હાનિકારક નથી.

ઊલટું તમને એવાય પવિત્ર વિચારો આવશે કે હિન્દુ હોય કે મુસ્લિમ, ભારતીય હોય કે પાકિસ્તાની, પ્રેમને કોઈ ધર્મ કે સરહદનાં બંધન થોડાં નડે છે? મુઠ્ઠીભર આતંકવાદીઓ ભાંગફોડ કરે એમાં આખા દેશના નાગરિકોનો શો વાંક? બસ, બંને દેશના નાગરિકો આ વિચારો પર અમલ કરે એટલે ભયો ભયો. આ ડિટર્જન્ટથી ધોયેલી સંપૂર્ણ પારિવારિક ફિલ્મમાં એક લોચો એ છે કે સીટીઓ મારવા જેવી મોમેન્ટ્સ અત્યંત ઓછી છે. એની સામે ટિકિટના ભાવો અત્યંત વધારે છે. એટલે અત્યારે બૅન્ક બૅલેન્સ ઓછું કર્યા વિના ટિકિટના ભાવો નોર્મલ થયા પછી નિરાંતે જોવા જશો તોય કંઈ ખાટુંમોળું થવાનું નથી. ઇન ફૅક્ટ, ડીવીડી બહાર પડે ત્યારે જોશો તોય સલમાનભાઈને જરાય ખોટું નહીં લાગે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.