ટ્યુબલાઇટ

લૉ વોલ્ટેજ

***

સલમાનની પ્રામાણિક મહેનત છતાં નબળું રાઇટિંગ અને ઑવર સિમ્પ્લિસ્ટિક ટ્રીટમેન્ટને કારણે ‘ટ્યુબલાઇટ’માં જોઇએ તેટલો સ્પાર્ક નથી.

***

tubelight_posterઆપણે ત્યાં બાળકોની ફિલ્મો શા માટે બનતી નથી? જવાબ છે, તેને બદલે સલમાનભાઈની એમને મેન-ચાઇલ્ડ તરીકે પેશ કરતી ફિલ્મો બને છે એટલે. દુનિયાની કોઇપણ ફિલ્મનું ‘સલમાનીફિકેશન’ કરો એટલે તેનો હીરો આપોઆપ ‘પ્યોર મેન વિથ ગોલ્ડન હાર્ટ’માં કન્વર્ટ થઈ જાય. એ જ ક્રમમાં ‘બજરંગી ભાઈજાન’ના સલમાનને હજી વધુ બાળસહજ બનાવો એટલે ‘ટ્યુબલાઇટ’નો સલમાન મળી આવે. પરંતુ યોગ્ય રીતે લખાઈ ન હોય, તો સલમાનની ક્યુટનેસ પણ ફિલ્મની ટ્યુબલાઇટને ફ્યુઝ થતાં બચાવી શકે નહીં.

વૉર, પીસ એન્ડ યકીન

‘ટ્યુબલાઇટ’ વાર્તા છે કુમાઉંના એક નાનકડા ગામ જગતપુરમાં રહેતા બે ભાઈ લક્ષ્મણ (સલમાન ખાન) અને ભરત (સોહૈલ ખાન)ની. લક્ષ્મણ દિલ સે કમ્પ્લિટલી બચ્ચા હૈ જી, એટલે જ ગામમાં સૌ એને ‘ટ્યુબલાઇટ’ કહીને ઉતારી પાડે છે. ધિંગામસ્તી કરતાં બંને ભાઈ મોટા થાય છે, ત્યાં જ ઈ.સ. ૧૯૬૨માં ભારત-ચીનનું યુદ્ધ છેડાય છે. ભારતમાતાની હાકલ પડે છે એટલે અહીં ભરતને વનવાસ થાય છે. એટલે કે એ યુદ્ધમાં લડવા જાય છે અને ત્યાં જ ફસાઈ જાય છે. આ બાજુ ભાઈની પાદુકા એટલે કે એનાં શૂઝ લઇને ફરતો લક્ષ્મણ ગામના વડીલ બન્ને ચાચા (ઓમ પુરી) પાસેથી યકીન કી તાકત વિશે જાણે છે. પોતાના ભાઈને પાછો લાવવાના યકીનની તાકત કેળવવામાં એ ત્યાં રહેતાં ચાઇનીઝ મૂળનાં મા-દીકરા સાથે દોસ્તી કરે છે અને ‘મુન્નાભાઈ’ની જેમ ગાંધીજીના સિદ્ધાંતો પણ જાણે છે. લેકિન આ બધાથી એનો ભાઈ પાછો આવશે?

(બહોત સારે) સંદેશે આતે હૈ

આપણી હિન્દી ફિલ્મો ક્યાંકથી ઉઠાંતરી કરે અને મૂળ સ્રોતને ક્રેડિટ પણ આપે તે આકાશમાં કોઈ ધૂમકેતુ દેખાય એના જેવી દુર્લભ વાત છે. કબીર ખાનની ‘ટ્યુબલાઇટ’ બે વર્ષ પહેલાં આવેલી ઇંગ્લિશ ફિલ્મ ‘લિટલ બૉય’ની ઑફિશ્યલ રિમેક છે. એટલે તેને યોગ્ય ક્રેડિટ પણ અપાઈ છે. મૂળ ફિલ્મમાં તેના નામ પ્રમાણે નાનો ટાબરિયો કેન્દ્રમાં હતો, જે માત્ર મનથી જ નહીં, તનથી પણ ટેણિયું હતો. ઇંગ્લિશમાંથી હિન્દીમાં આવતાં ફિલ્મની મૂળ એસેન્સ કેવી રીતે ઊડી જાય, તેનું આ ‘ટ્યુબલાઇટ’ પર્ફેક્ટ એક્ઝામ્પલ છે. ‘લિટલ બૉય’માં બીજા વિશ્વયુદ્ધમાં જપાનીઓ સામે લડવા માટે મોરચે ગયેલા પિતાને પાછા લાવવા માટે પેપર નામનો ટેણિયો રીતસર પહાડ હલાવી નાખે છે. પરંતુ એ પહેલાં દીકરામાં આત્મવિશ્વાસ પૂરવા માટે એના પપ્પા એને એક કોમિકબુક હીરોના માધ્યમથી શ્રદ્ધનું માહાત્મ્ય સમજાવે છે. ટ્યુબલાઇટમાં એ વાત સલમાન અને સોહૈલ વચ્ચેના ‘ક્યા તુમ્હે યકીન હૈ?’ ટાઇપનાં વાક્યોમાં જ રહી જાય છે (જ્યારે યકીનની જામગરી ચાંપવા માટે બીજા એક સુપરસ્ટારે અવતરવું પડે છે). મૂળ ફિલ્મમાં ચર્ચના પાદરી નાના બાળકને બાઇબલના સિદ્ધાંતોની મદદથી ફરીથી શ્રદ્ધાનું બળ સમજાવે છે. અહીં બડી સ્માર્ટનેસથી ત્યાં ગાંધીજીના સિદ્ધાંતો મૂકી દેવાયા છે. પરંતુ ફિલ્મનું જ એક પાત્ર કહે છે તેમ આ સિદ્ધાંતો માત્ર ‘ટાઇમપાસ’ માટે જ છે. ફિલ્મની વાર્તાને આગળ વધારવામાં કે સલમાન ‘ટ્યુબલાઇટ’ ખાનમાં ‘યકીન’નું બળ પૂરવામાં કોઈ જ ભાગ ભજવતું નથી. રાધર, સલમાનની પોતાના ભાઈને પાછો લાવવાની ક્વાયત અને આ તરફ એની દોડધામ બંને વચ્ચે કોઈ જ કનેક્શન દેખાતું નથી. બાય ધ વે, ગાંધીજીનો એક મુખ્ય સિદ્ધાંત અહિંસા પણ હતો, પરંતુ સલમાન ભાઇને અહીં એની જરૂર નથી અને એટલે જ એ લાફાવાળી પણ કરી શકે છે.

ફિલ્મના એક સબપ્લોટ તરીકે ત્રણ પેઢીથી ભારતમાં રહેતા ચાઇનીઝ મૂળના એક મા-દીકરાની સ્ટોરી પણ છે (અંગ્રેજી ફિલ્મમાં ત્યાં જૅપનીસ વ્યક્તિ હતી). માત્ર તેમનાં મૂળિયાંને કારણે એમને ધિક્કારાય નહીં અને ‘અલ્ટ્રા નેશનાલિઝમ’થી કેવી રીતે બચી શકાય તે મેસેજ આ સબ પ્લોટમાંથી બરાબર બહાર આવે છે. પરંતુ તેને મૂળ સ્ટોરી સાથે કશી જ લેવાદેવા નથી. વળી, તેમનું ચાઇનીઝ વંશજ હોવું તે ગામલોકોના ધિક્કારનું કારણ બને છે તે વાત પણ બહાર આવતી નથી. કેમ કે, એક વ્યક્તિ સિવાય કોઈ એમને ધિક્કારતું નથી. હકીકતમાં આ આખો ટ્રેક પરાણે ઘુસાડેલો અને થિગડું મારેલો છે. તેમાં ચાઇનીઝ અભિનેત્રી ઝુ ઝુ અને એક ક્યુટ ટેણિયો નામે મતિન રે તાંગુએ મુખ્ય ભૂમિકા ભજવી છે. વક્રતા એ છે કે ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’નો મેસેજ આપવા જતાં ફિલ્મ પોતે ચાઇનીઝ નામોની મજાક ઉડાવે છે. બીજું, આપણે ત્યાં ઓલરેડી નોર્થ-ઇસ્ટના લોકોને ‘ચાઇનીઝ’ કહીને હડધૂત કરવાનું કુત્સિત રેસિઝમ ચાલે છે. ત્યારે એક અરુણાચલના બાળકને ચાઇનીઝ તરીકે કાસ્ટ કરવો એ આડકતરું રેસિઝમ નથી તો બીજું શું છે?

સલમાનના બાળકબુદ્ધિ પાત્રના પોઇન્ટ ઑફ વ્યૂથી કહેવાઈ હોવાના કારણે હોય કે ગમે તે, પણ ‘ટ્યુબલાઇટ’ અતિશય સિમ્પ્લિસ્ટિક છે. જાણે ‘એક ગામ હતું’ ટાઇપની બાળવાર્તા જ જોઈ લો. બધાં પાત્રો પણ નિર્દોષ બાળક, આદર્શ ભાઈ, વાહિયાત યુવાન (જેનો ફુલ ટાઇમ બિઝનેસ લોકોને હેરાન કરવાનો હોય) , યુદ્ધનો ભોગ બનેલા નિરાશ્રિત, મૂડ સ્વિંગ કરતો આર્મી ઑફિસર, ફિલોસોફર કાકા, પ્રેમાળ દુકાનદાર એવા સિંગલ રંગે જ રંગાયેલાં છે. કોઇના મનમાં શું ચાલતું હશે કે અમુક અનુભવો પરથી કોઇનામાં કંઇક પરિવર્તન આવે એવું કશું જ ઊંડાણ નહીં. ઇવન આપણને સલમાનના પાત્ર પ્રત્યે સહાનુભૂતિ થાય એ માટે જ કોઈ કારણ વિના અન્ય લોકો સલમાનને હડધૂત કરે છે તેવું લાગ્યા કરે. વાર્તા એક નાનકડા ગામમાં આકાર લેતી હોવાને કારણે એકનાં એક લોકેશન્સ પણ વારંવાર અથડાયા કરે. જેમ કે, પહાડ, ટાવર, દુકાન, બાંકડો, ક્લિફ અને નદી, ગામનો ચોક ધેટ્સ ઇટ.

જાતભાતના સંદેશા આપતી ‘ટ્યુબલાઇટ’નો વધુ એક પ્રોબ્લેમ છે તેની સ્લો પૅસ અને હાઈ મૅલોડ્રામેટિક રડારોળ. સાઇકલ લઇને અહીંથી તહીં ફરતા રહેતા સલમાન પાસે એટલું બધું રડાવ્યું છે એકાદ વખત આપણનેય (કંટાળીને) રડવાની ઇચ્છા થઈ આવે. પરંતુ એક તબક્કે આપણો સલમાનના પાત્ર સાથેનો ઇમોશનલ બંધ તૂટી જાય, એટલે પછીની તમામ રડારોળ ફિઝૂલ લાગવા માંડે. એમના ફૅન્સને દુઃખ થશે, પણ અહીં સલમાન ભાઈ ક્યાંય શર્ટ ઉતારતા નથી કે વિલનલોગની ધોલાઈ કરતા નથી. ચ્યુઇંગ ગમની પેઠે ચીપકી જાય એવું એકેય ગીત પણ ફિલ્મમાં નથી.

છતાં ફિલ્મની કેટલીક પૉઝિટિવ બાબતોને પણ નોંધવી જ પડે. જેમ કે, સલમાન અને નાનકડા ટાબરિયા (મતિનsalman-khan-tubelight-matin-rey-tangu-759 રે તાંગુ) સાથેના મોટાભાગના સીન મસ્ત છે. ખાસ કરીને કોમેડી સીન. સલમાનને મેન ચાઇલ્ડ બનવામાં અને આપણને હસાવવા-રડાવવામાં મહેનત કરવી પડે છે, આઠેક વર્ષનો ટેણિયો  બધું એકદમ સહજતાથી કરી બતાવે છે. સલમાનનો સોહૈલ સાથેનો વિદાયનો ‘સદમા’ની યાદ અપાવે તેવો સીન પણ સરસ બન્યો છે. લદ્દાખમાં શૂટ થયેલાં યુદ્ધનાં દૃશ્યોમાં યુદ્ધની ભયાનકતા કરતાં લદ્દાખનું સૌંદર્ય વધુ ધ્યાન ખેંચે છે.

આ ફિલ્મનો સૌથી મોટો ગુનેગાર તેનું ભંગાર રાઇટિંગ જ છે. તેમ છતાં ‘પિતાજી કો શરાબને માર ડાલા, માં કો ગમ ને ઔર ગાંધીજી કો હમને’ જેવાં ગણ્યાં ગાંઠ્યાં વનલાઇનર્સમાં સ્માર્ટનેસનો ચમકારો દેખાય છે ખરો. એ જ રીતે મોટા અવાજે ‘ભારત માતા કી જય’ બોલવું એ જ દેશભક્ત હોવાની સાબિતી નથી, કે પછી બે-ત્રણ પેઢી પહેલાંનું કનેક્શન કે દેખાવ તમને ઓછા ભારતીય નથી બનાવી દેતો એ મેસેજ પણ ક્યુટ રીતે બહાર આવે છે.

સોહૈલ ખાન, મોહમ્મદ ઝીશન ઐયુબ, યશપાલ શર્મા, બ્રિજેન્દ્ર કાલા કે ચાઇનીઝ ઝુ ઝુ જેવા અદાકારો માત્ર પોતાને ફાળે આવેલું પાત્ર ભજવી ગયા છે. પરંતુ સલમાનની ઍક્ટિંગ કરતાં આપણે વધુ ઇમોશનલ ઓમ પુરી સાહેબને પડદા પર જોઇને થઈ જઇએ, કે હવે તેઓ ફરી ક્યારેય આ રીતે જોવા નહીં મળે.

ફિલ્મની સ્લો પૅસને કારણે આપણને એવા સવાલોય થાય કે, ચાલીસીમાં પહોંચ્યા પછીયે સોહૈલે પણ લગ્ન કેમ નથી કર્યાં? એક શહીદની શબપેટી પર ‘મુરલી પ્રસાદ દત્ત’ લખીને ‘મુન્નાભાઈ’માં સંજય દત્તના પાત્રને સળી શા માટે કરાઈ છે? ઈ.સ. ૧૯૯૩માં બહાર પડેલો ઇન્ડિયન પોસ્ટનો લોગો ઈ.સ. ૧૯૬૨માં શા માટે દેખાય છે? બૉટલથી લઇને પહાડ હલાવવા માટે સલમાન કબજિયાતના દર્દી જેવો અવાજ શા માટે કાઢે છે? કોઈ માણસ અડધી મિનિટની અંદર કોમામાંથી બહાર શી રીતે આવી જાય છે?

ક્યા આપકો યકીન હૈ?

‘ટ્યુબલાઇટ’ની શરૂઆતમાં જ આપણને ખબર પડે છે કે આ ફિલ્મ આગામી દિવસોમાં ‘સ્ટાર ગોલ્ડ’ પર અને ઇન્ટરનેટમાં ‘એમેઝોન પ્રાઇમ’ પર આવવાની છે. સલમાનના નામે અત્યારે ટિકિટના ભાવો વધારી દેવાયા છે. એટલે જો તમે ‘ભાઈ કા ફૅન’ નામની બિનસત્તાવાર ઉપાધિ ન ધરાવતા હો, તો આ રિવ્યુનો મેસેજ શું છે એ બરાબર સમજાઈ ગયું હશે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

******************************************************************************

Extended Reading, Spoilers Ahead

960આપણી હીરો સેન્ટ્રિક ઇન્ડસ્ટ્રીમાં જ્યારે એક વિદેશી કૃતિને અડૅપ્ટ કરવામાં આવે ત્યારે ‘લોસ્ટ ઇન ટ્રાન્સલેશન’ જેવો ઘાટ કઈ રીતે થાય તેનું ‘ટ્યુબલાઇટ’ પર્ફેક્ટ એક્ઝામ્પલ છે. હૉલિવૂડની મૂળ કૃતિ, જેના પરથી ટ્યુબલાઇટ બની છે, તે ‘લિટલ બૉય’ એક એવરેજ ફિલ્મ હોવા છતાં ખાસ્સી સંવેદનશીલ છે. લિટલ બૉયના કેન્દ્રમાં છે આઠ વર્ષનો ટેણિયો પેપર, જેની હાઇટ જોઇએ તેવી વધી રહી નથી. એટલે જ બધા એને ‘લિટલ બૉય’ કહીને ખીજવે છે. આપણે ત્યાં સલમાન ભાઈની હાઇટ વિશે તો કોઈ કમેન્ટ કરી શકાય નહીં, એટલે એમને માનસિક રીતે બાળક બતાવવા પડે. એ રીતે જોકે ‘ટ્યુબલાઇટ’ નામ પર્ફેક્ટ છે. લિટલ બૉયનો લિટલ બૉય (ચાઇલ્ડ એક્ટર જેકબ સેલ્વેટી) પણ છે એવો ક્યુટ કે પરાણે વહાલો લાગે અને એનાં તમામ એક્સપ્રેશન્સ સીધાં આપણી અંદર ઊતરી જાય. એ ટાબરિયાના કિસ્સામાં જે નૅચરલી આવે છે, તેના માટે સલમાને પ્રયાસ કરવો પડે છે અને છતાં એ સ્વાભાવિક નથી લાગતો.

ઓછી હાઇટને કારણે લિટલ બૉય પેપર માથાભારે છોકરાઓના બુલિઇંગનો ભોગ બને છે અને એનો આત્મવિશ્વાસ તળિયે છે. દીકરાનો આત્મવિશ્વાસ બુલંદ કરવા માટે એના પિતા એને ‘બેન ઇગલ’ નામના જાદુગર-સુપરહીરોની કોમિક બુક્સ વંચાવે છે-તેની ફિલ્મો બતાવે છે. એ ‘બેન ઇગલ’નો તકિયાકલામ છે, જે દર વખતે કટોકટીની સ્થિતિમાં પોતાના સાઇડકિકને કહેતો રહે છે કે, ‘ડુ યુ બિલીવ પાર્ટનર, યુ કેન ડુ ધિસ?’ ‘બેન ઇગલ’નું એ પાત્ર આખી ફિલ્મમાં નાનકડા પેપરની સાથે રહે છે. બે હાથ લંબાવીને જાદુ કરવાની સ્ટાઇલ પણ એની જ છે. નાનકડો પેપર બેન ઇગલની કોમિક બુકસ વાંચે, એની ફિલ્મો જોવા જાય અને એના લાઇવ શોમાં પણ હાજરી આપે, એટલે ‘ફેઇથ’ અને ‘બિલીવ’વાળી વાત મૂળ સ્ટોરીમાં એકદમ સ્વાભાવિક રીતે મર્જ થઈ જાય છે. પરંતુ ‘ટ્યુબલાઇટ’માં એવું કશું કર્યું નહીં, એટલે જ ‘કેપ્ટન જૅક સ્પેરો’ જેવા ગેટઅપમાં શાહરુખને મહેમાન કલાકાર બનાવીને લાવવો પડ્યો. એ જાદુગર કમ અને મોટિવેશનલ સ્પીકર વધારે લાગે છે.

‘લિટલ બૉય’ના પેપરને બુલી-હેરાન કરતા જાડિયા છોકરાના ડૉક્ટર પિતા (જેની પાસે પેપરની હાઇટ વધારવાની દવા ચાલી રહી છે), તેનો ડોળો પણ પેપરની મમ્મી પર છે. એટલે પેપરને એ ડૉક્ટર બાપ-બેટામાંથી કોઈ દીઠા નથી ગમતા.

‘લિટલ બૉય’માં પિતા બીજા વિશ્વયુદ્ધમાં લડવા જાય છે. ખરેખર તો પેપરના મોટાભાઈ લંડનને જવું હતું પણ ‘ફ્લૅટ ફીટ’ને કારણે એ જઈ ન શક્યો (‘ટ્યુબલાઇટ’માં મોહમ્મદ ઝીશન અય્યુબને ‘knock knees’ હોય છે).  દરેક પરિવારમાંથી એટલિસ્ટ એક વ્યક્તિ યુદ્ધ લડવા જાય. મોટો દીકરો ન જઈ શક્યો એટલે ૪૦ વર્ષના પિતાએ જવું પડે છે. આ માટે  મોટો દીકરો પોતાની જાતને બ્લૅમ કરતો રહે છે અને ધૂંધવાયેલો ફરતો રહે છે. એના આ ધૂંધવાટનો ભોગ એનો નાનો ભાઈ અને એની માતા પણ બને છે. ‘ટ્યુબલાઇટ’માં એકાવન વર્ષના ‘ભાઈ’ના પિતા તો યુદ્ધમાં જઈ શકે નહીં, એટલે એના ભાઈને લડવા મોકલવો પડે છે. બિગ બ્રધર લંડન અને લિટલ બૉય પેપરના પિતા જપાનીઓ સામે લડવા ગયા છે અને પ્રિઝનર ઑફ વૉર તરીકે કેદ થઈ ગયા છે. એટલે જ જ્યારે નાનો ભાઈ પેપર પોતાનું ‘ફેઇથ’નું લિસ્ટ પૂરું કરવા માટે ગામમાં રહેતા એક જૅપનીસ સાથે દોસ્તી કરે છે ત્યારે મોટો ભાઈ ગુસ્સે થઇને એનું ઘર સળગાવવા પેટ્રોલ બોમ્બ પણ ફેંકે છે (કેમ કે પર્લહાર્બરમાં જૅપનીસોએ કરેલા હુમલામાં પોતાના દીકરાને ગુમાવી ચૂકેલા અન્ય એક આધેડ એને ઉશ્કેરે છે). એક જાહેર કન્ફ્રન્ટેશનમાં નાનો ભાઈ જૅપનીસનો પક્ષ લે એમાં ઇગો પર આવીને મોટો ભાઈ એને આખો પહાડ હલાવી દવા કહે છે અને એ જ વખતે યોગાનુયોગ ધરતીકંપ આવે છે.

ટ્યુબલાઇટમાં આપણા ‘લિટલ બૉય’ સલમાનને હેરાન કરતા બુલી અને મોટાભાઇનો રોલ મર્જ કરીને ગામના એક નવરીબજાર યુવાન નારાયણ (મોહમ્મદ ઝીશન અય્યુબ)નું પાત્ર ઊભું કર્યું. એ જ સલમાનને હેરાન કરે અને એ જ પહાડ હલાવી દેવા માટે પણ ફોર્સ કરે. પરંતુ આવું કરવા માટે એની પાસે કોઈ પર્સનલ રિઝન કે નક્કર મોટિવેશન નથી, સિવાય કે હાઇપર નેશનલિઝમ. ઇવન એના પાત્રમાં યુદ્ધમાં ન જઈ શકવાનો અફસોસ પણ દેખાતો નથી. એટલે જ મોહમ્મદ ઝીશન જ્યારે સલમાનને કે ગામમાં રહેતાં ચાઇનીઝ મા-દીકરાને હેરાન કરે તે વધારે પડતું અને તદ્દન આર્ટિફિશ્યલ લાગે છે. હદ તો એ છે કે ગામમાં એના સિવાય કોઇનેય એ ચાઇનીઝ પરિવાર સામે વાંધો નથી.

એટલે લિટલ બૉયમાં ફેઇથ-યકીન-વિશ્વાસની વાત ઑર્ગેનિકલી જન્મે છે અને સ્ટોરીની સાથે આગળ વધતી રહે છે. પહેલાં એના પિતાએ કહ્યું એટલે પેપરે વિશ્વાસ કર્યો, પછી ખુદ બેન ઇગલે એની પાસે બૉટલ હલાવડાવી એટલે એનો વિશ્વાસ વધુ દૃઢ થયો. પછી સ્થાનિક પાદરીના (જેના રોલમાં અહીં ઓમ પુરી છે) કહેવાથી એ પ્રાચીન વિઝ્ડમના નિયમોનું પાલન કરે છે (ભૂખ્યાને ભોજન આપવું, બેઘરને આશરો આપવો, જેલના કેદીઓને મળવા જવું, નિર્વસ્ત્રને કપડાં આપવાં, બીમારની સેવા કરવી અને મૃત્યુ પામેલાને દફનાવવા), આખું ગામ જેને (અલબત્ત ખોટી રીતે અને માત્ર એના જૅપનીસ હોવાથી) ધિક્કારે છે એ હાશિમોતો સાથે દોસ્તી પણ કરે છે, એક તબક્કે જોગાનુજોગ એેના ફેઇથની કસોટી વખતે (ધરતીકંપથી) પહાડ હલબલી ઊઠે છે, એના વૃદ્ધ જૅપનીસ મિત્ર હાશિમોતો કહે છે કે એ ધરતીકંપ કોઈ ચમત્કારથી નહીં, બલકે કો-ઇન્સિડન્સથી આવેલો, તેમ છતાં નાનકડો પેપર પોતાની ‘શક્તિ’થી યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો રોજેરોજ કરતો જ રહે છે. એક તબક્કે તે જૅપનીસ માણસ અને ગામનો પાદરી પાનાંની ગેમ રમતાં રમતાં ચર્ચા કરે છે કે, ‘અત્યારે એ બાળકના પિતાને પાછા લાવવા માટે તમે તમારા કાલ્પનિક મિત્ર (ઈશ્વર)ના નામે વિશ્વાસની લોલીપોપ આપી છે, પણ ધારો કે એના પિતા યુદ્ધમાં ખપી ગયા અને ક્યારેય પાછા ન આવ્યા તો? ત્યારે એના તૂટી ગયેલા વિશ્વાસને કઈ રીતે સાંધશો?’ ત્યારે પાદરી કહે છે, ‘મારો એ ઇમેજિનરી ફ્રેન્ડ જ એને એમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.’ જૅપનીસ જવાબ આપે છે, ‘એ બાળકને અટકાવો, નહીંતર એ પોતાની જાતમાંથી વિશ્વાસ કરવાનું બંધ કરી દેશે.’ કહેવાનો અર્થ એ છે કે આખી ફિલ્મમાં વિશ્વાસની તાકાતની વાત સમાંતરે ચાલતી રહે છે અને ક્યાંય આર્ટિફિશ્યલ નથી લાગતી, જેવું ટ્યુબલાઇટમાં થાય છે. ‘ભગવદ્ ગીતા’ના ‘સંશયાત્મા વિનશ્યતિ’વાળા શ્લોકનો પર્ફેક્ટ પડઘો ‘લિટલ બૉય’માં પડે છે, ‘ટ્યુબલાઇટ’માં એ વાત ઊડી ગઈ છે. વળી ફિલ્મની ઘટનાઓ પણ એ રીતે બને છે કે જેથી આપણે સતત એ વિચારતા રહીએ કે જે કંઈ થઈ રહ્યું છે તે ‘લિટલ બૉય’ના વિશ્વાસની તાકાત અને એના બે હાથ લંબાવીને કરાતા પ્રયત્નોને કારણે શક્ય બન્યું છે કે પછી માત્ર જોગાનુજોગ છે? ‘લાઇફ ઑફ પાઇ’ની જેમ આપણને પહેલો વિકલ્પ વધુ પસંદ આવે છે.

‘લિટલ બૉય’ એ ‘ટ્યુબલાઇટ’ કરતાં ક્યાંય વધુ મૅચ્યોર ફિલ્મ છે, તેનાં અન્ય કારણો પણ છે. જેમ કે, અહીં એ વખતે ફિલ્મોની પહેલાં બતાવવામાં આવતી પ્રોપેગન્ડા ફિલ્મોની અસર કેવી થાય તેની પણ ચર્ચા કરાઈ છે. એ ફિલ્મોને કારણે જ લોકો પોતાની આસપાસના જૅપનીસો પર શંકા કરતા થઈ જાય છે. એ પ્રોપેગન્ડા ફિલ્મો અને યુદ્ધની ભયાનકતાની નાનકડા બાળકના મન પર કેવી થાય તેની પણ અહીં ચર્ચા કરાઈ છે. જેમ કે, એ બધું જોઈ-સાંભળીને એ ટેણિયો પણ કહેવા માંડે છે, ‘એ જૅપ્સ (જૅપનીસો માટે વપરાતો તુચ્છકારવાચક શબ્દ) મારા હાથમાં આવે તો હું મારા બે હાથે એમને મસળી નાખું.’ ત્યારે એ જિંદગીમાં કોઈ જૅપનીસને મળ્યો પણ ન હોય. ‘લિટલ બૉય’માં યુદ્ધની સમાપ્તિ વખતનો પ્રાસ બેસાડીને ગામલોકો યુદ્ધનો અંત આણવાનું શ્રેય એ ટાબરિયાને આપે છે. કેમ કે હિરોશિમા પર ફેંકાયેલા પરમાણુ બોમ્બનું નામ હતું ‘લિટલ બૉય’ અને અખબારોની હેડલાઇન બનેલી ‘લિટલ બૉય એન્ડ્સ ધ વૉર’. (અહીં ‘ટ્યુબલાઇટ’માં એ વાતમાં લક્ષ્મણના નામ પરથી ભારત અને ચીન વચ્ચે ‘લક્ષ્મણ રેખા’ અંકિત થઈ એ વાત છે. જોકે આપણે અક્સાઈ ચીન ગુમાવ્યું તેનો કોઈ ઉલ્લેખ નથી.) પરંતુ લિટલ બૉય અખબારો-ન્યુઝ રીલમાં હિરોશિમાની તારાજીનાં દૃશ્યો જોઇને હચમચી ઊઠે છે. અને જ્યારે એને એ કહેવામાં આવે છે કે આખું ગામ સાફ કરી નાખે તેવા બોમ્બમાં કદાચ POW તરીકે રહેલા તારા પિતા પણ માર્યા ગયા હોય, ત્યારે એ આડકતરી રીતે પોતાના વિશ્વાસને પણ બ્લેમ કરે છે.

લિટલ બૉયના વૃદ્ધ જૅપનીસ મિત્ર હાશિમોતો એને જૅપનીસ કલ્ચર વિશે પણ સમજાવે છે, જેના પરથી લિટલ બૉયને સમજાય છે કે યુદ્ધમાં એના પિતા સામે લડનારા અને અહીં એની સાથે રહેતા જૅપનીસમાં ફરક છે. એ માટે એ જ દેશના બધા-નિર્દોષ લોકોને ધિક્કારવાનો કોઈ અર્થ નથી (આ વાત ચીનીઓના સંદર્ભમાં ‘ટ્યુબલાઇટ’માં છે જ નહીં). એ જૅપનીસ હાશિમોતોની પણ એક ટ્રેજિક બૅક સ્ટોરી છે (જેને ‘ટ્યુબલાઇટ’માં બાળવાર્તા જેવી સિમ્પ્લિસ્ટિક બનાવી દેવાઈ છે). એ હાશિમોતો જ લિટલ બૉયને સમજાવે છે કે વિશ્વાસ કરવા માટે પણ હિંમત જોઇએ.

‘લિટલ બૉય’માં પૈસાની તંગીને કારણે પોતાના માટે શૂઝ નહીં લઈ શકેલા પિતા માટે નાનો દીકરો પૈસા એકઠા કરે છે અને તેમાંથી બૂટ ખરીદે છે. એનો ઇરાદો એવો કે પિતા યુદ્ધમાંથી પાછા આવે તો એને એ બૂટ ગિફ્ટમાં આપશે. POW કેમ્પમાંથી ભાગતી વખતે પિતા પોતાનું બૂટ સાથી સૈનિક સાથે બદલાવે છે, જેથી એટલિસ્ટ પોતાની એક નિશાની તો ઘરે પહોંચે. એ બદલાયેલા બૂટને કારણે ઓળખવામાં ઊભી થતી કન્ફ્યુઝન અને લિટલ બૉયે ખરીદી રાખેલાં બૂટના આખા ટ્રેકમાંથી ઇમોશન્સની ‘ટ્યુબલાઇટ’માં બાદબાકી થઈ ગઈ છે. વળી, પઠ્ઠા જેવા બે આધેડ ભાઈ કશું કમાતા ન હોય અને પોતાના માટે બૂટ પણ ખરીદી ન શકે તે વાત ગળે ઊતરે તેવી જ નથી.

‘લિટલ બૉય’ મુવી પણ ખાસ્સું ઇમોશનલ છે, પરંતુ નાનકડા પેપરની સાથે ઇમોશન્સનું પાર્સલ સીધું જ આપણા સુધી પહોંચી જાય છે. આમાંનું લગભગ કશું જ ‘ટ્યુબલાઇટ’માં કનેક્ટ નથી થયું, અને એટલે જ ભાઈ લિટરના હિસાબે આંસુડાં સારતાં હોવા છતાં આપણને તે રડાવતાં નથી.

***

પર્સનલી મને લાગે છે કે સલમાનને લઇને યુદ્ધના બૅકડ્રોપમાં જ ફિલ્મ બનાવવી હતી, તો ‘લિટલ બૉય’ કરતાં ‘હૅકસો રિજ’ જેવી સ્ટોરી પરથી પ્રેરણા લેવાનું વધુ યોગ્ય સાબિત થયું હોત. આ ઑસ્કર વિનર ફિલ્મમાં ડૅસમંડ ડોસ નામના યુદ્ધમાં જતા તબીબી સહાયકની સત્યકથા છે, જે પૅસિફિસ્ટ યાને કે યુદ્ધ વિરોધી હતો અને એણે હથિયારને હાથ સુદ્ધાં ન અડાડવાનું પ્રણ લીધું હતું. તેમ છતાં બીજા વિશ્વયુદ્ધમાં એણે એક પણ ગોળી ચલાવ્યા વિના યુદ્ધમોરચેથી ૭૫ સૈનિકોના જીવ બચાવ્યા હતા. તેના પરથી ઈ.સ. 2004માં ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ બની હતી. જો આ સ્ટોરી પરથી સલમાનને ‘કોન્શિયસ ઓબ્જેક્ટર’ કે ‘પેસિફિસ્ટ’ તરીકે પ્રોજેક્ટ કરીને ફિલ્મ બનાવાઈ હોત તો વધુ અસરકારક ફિલ્મ બની હોત.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

 

Wonder Woman

 • wonder_woman_ver8_xlgગયા વર્ષે ‘બૅટમેન વર્સસ સુપરમેન’ જોતી વખતે ક્લાઇમેક્સમાં જ્યારે બૅટમેનની ગાડી ખોટકાયેલી અને એની બરાબરની વાટ લાગેલી ત્યારે આકાશમાંથી વીજળી પડે એમ એક બાનુની એન્ટ્રી થઈ હતી. એને જોઇને ઑડિયન્સે જાણે ‘બાહુબલિકા’ પાછી મળી હોય એમ ચિચિયારીઓ બોલાવેલી. ‘બાહુબલિ બાહુબલિ’ની જેમ ‘વન્ડર વુમન’ના પોકારો પણ થયેલા. ત્યારે થયેલું કે મારી બેટી છે તો જોરદાર બાકી! બૅટમેન ને સુપરમેન પોતપોતાના ‘ક્રાઇમ માસ્ટર ગોગો’ જેવા ‘ઘાઘરા’ સાચવીને પાછળ ઊભા હોય અને બંનેની આગળ મોરચો સંભાળીને ઊભેલી વન્ડર વુમનને જોઇને મારીય આંખ પર બરફના ક્યુબ મૂક્યા હોય એવી ટાઢક થયેલી. હવે કટ ટુ 2017ની ‘વન્ડર વુમન’.
 • અહીં વન્ડર વુમન બનેલી ઇઝરાયેલી એક્ટ્રેસ ગાલ ગડોટ એટલી બધી ક્યુટ, બ્યુટિફુલ અને વન્ડરફુલ છે કે
  screen-shot-2017-03-20-at-4-28-28-pm
  ‘મિસ ઇઝરાયેલ’ રહી ચૂકેલી ગાલ ગડોટ

  એની દિલધડક બ્યુટિની શાનમાં આખો શબ્દકોશ ઊલેચી નાખવાનું મન થાય. જો ‘વન્ડર વુમન’માં કોઈ જ સ્ટોરી ન હોત અને અઢી કલાક સુધી એ કેમેરા સામે સ્માઇલ જ કરતી રહી હોત તોય મારા જેવાને એટલી જ મજા પડી હોત (કદાચ વધુ મજા આવી હોત)! એ જો ‘મોસાદ’માં હોય તો પોતાની બ્યુટિથી જ દુશ્મનોનો ખેલ ખતમ કરી શકે!

 • લગાતાર ઘણી બધી સુપરહીરો મુવીઝ જોયા પછી નવી ફિલ્મ જોવાના ઉત્સાહમાં થોડી ઓટ આવે છે. કેમ કે, એક તો બધી ફિલ્મોના પાયામાં એ જ જમાના જૂની ‘ગુડ વર્સસ ઇવિલ’ની બબાલ હોય. ક્યાંકથી કોઈ પડછંદ દૈત્ય આવીને વિનાશનું સુનામી વેરવા માંડે. એટલે દુનિયાને બચાવવાની જવાબદારી સુપરહીરોલોગ પર આવી પડે. પાછું સુપરહીરોઝની નાતમાં પણ ‘માર્વેલ’ અને ‘DC’ એમ બે ચોકા હોય અને દરેકની બૅકસ્ટોરી અને ઇન્ટર્નલ કોન્ફ્લિક્ટ્સ. એટલે દર વખતે નવી સુપરહીરો ફિલ્મ જોવા જતાં પહેલાં થોડું ‘હોમવર્ક’ કરવું પડે. આખી ફિલ્મ આર્ટિફિશ્યલ-અંધારિયા CGIથી ઊભરાતી હોય અને છેલ્લે કાન ફાડી નાખે એવા ધડાકા-ભડાકા સાથે ફિલ્મ પૂરી થાય. પરંતુ થૅન્ક ગૉડ ઑફ ઑલ ગૉડ્સ, ‘વન્ડર વુમન’માં એવું નથી. વેલ, મોસ્ટ્લી!
 • ‘બૅટમેન વર્સસ સુપરમેન’માં દેખાયેલા એક ફોટોગ્રાફથી શરૂઆતમાં જ આખી ફિલ્મ એક સૈકા પહેલાંના ફ્લૅશબેકમાં સરી પડે છે. એ સાથે જ શરૂ થાય છે ‘વન્ડર વુમન’ના ઑરિજિનની સ્ટોરી. દુનિયાના હોકાયંત્રમાં ક્યાંય પકડાય નહીં એવા એક ટાપુ નામે ‘થેમિસ્કિરા’ પર માત્ર સ્ત્રીઓનું જ રાજ છે. ‘એમેઝોન’ પ્રજાતિની એ સ્ત્રીઓની અને એ ટાપુની રચના ખુદ ભગવાને કરેલી છે અને એમનું નામ ઈશ્વરના વંઠેલ સંતાન એવા ‘એરિસ’થી માનવજાતને બચાવવાનું છે. જબરદસ્ત લડાયક એવી આ એમેઝોન સ્ત્રીઓની રાણી ‘ક્વીન હિપોલિતા’એ માટીમાંથી એક દીકરી બનાવેલી, જેમાં ખુદ ઈશ્વર ‘ઝિયસે’ પ્રાણ પૂરેલા. એ દીકરી એટલે ‘પ્રિન્સેસ ડાયાના’. પોતાની માતાની મરજી વિરુદ્ધ ડાયાના પોતાની માસી ‘એન્ટિઓપી’ પાસે યુદ્ધની તાલીમ લે.વર્ષો પછી એક દિવસ આ ટાપુ પર એક પુરુષની એન્ટ્રી થાય, એની સાથે આવેલા કટકની સાથે ભીષણ યુદ્ધ કર્યા બાદ ડાયાનાને ખ્યાલ આવે કે આ ટાપુની બહાર પણ એક દુનિયા છે, જ્યાં વધુ એક ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. એ યુદ્ધ એટલે ‘ધ ગ્રેટ વૉર’, જેને આપણે ‘પહેલું વિશ્વયુદ્ધ’ કહીએ છીએ. ત્યારપછી ‘પુરુષોની દુનિયા’માં ‘પ્રિન્સેસ ડાયાના’ પ્રેમ, વિરહ, ભય, ભૂખ, પીડા, મૃત્યુ, યુદ્ધ, સારા-નરસા માણસો બધાનો અનુભવ કરે અને એક બાળસહજ ‘પ્રિન્સેસ’માંથી મૅચ્યોર ‘વન્ડર વુમન’માં કન્વર્ટ થાય. અને હા, પેલો એરિસ પણ ક્યાંક છે, પણ કોણ છે એ? અને એ શું કરવાની ફિરાકમાં છે?
 • લગભગ અઢી કલાકની ‘વન્ડર વુમન’ છેલ્લાં થોડાં વર્ષોમાં આવેલી બેસ્ટ સુપરહીરો મુવી છે (અફ કોર્સ, બિસાઇડ્સ ‘ડૅડપૂલ’!). પહેલી રિફ્રેશિંગ વાત છે રોલ રિવર્સલ. નૅચરલી અહીં સુપરહીરોને બદલે ‘સુપરહીરોઇન’ કેન્દ્રમાં છે. એટલે જ જ્યારે હીરો મુશ્કેલીમાં હોય ત્યારે એને દરિયાના પેટાળમાંથી પણ હિરોઇન બહાર ખેંચી લાવે. પોતાના પર કે નિર્દોષ લોકો પર હુમલો થાય ત્યારે સ્ત્રીઓ આગેવાની લઇને યુદ્ધે ચડે. જ્યારે સૈનિકો મચ્છરોની જેમ મરતા હોય ત્યારે તમામ જોખમોને અવગણીને પણ આ વન્ડર વુમન મોરચો સંભાળે અને યુદ્ધ પર શાંતિનું બરાબરનું બૂચ મારી દે.
 • આ ફિલ્મમાં સુપરહિરોઇનની સ્ટોરી છે અને ફિલ્મની ડિરેક્ટર પણ એક સ્ત્રી (પૅટી જેનકિન્સ)એ ડિરેક્ટ કરેલી છે. એટલે નૅચરલી તેમાં ફેમિનિઝમની પણ હિન્ટ છે. પહેલા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ રાજનેતાઓની ચર્ચામાં એક સ્ત્રીની હાજરી માત્રથી એ લોકો બેબાકળા થઈ ઊઠે અને એમાંય સ્ત્રી જ્યારે પોતાનો એકદમ ફ્રેન્ક ઑપિનિયન વ્યક્ત કરે એટલે તો હાહાકાર! ડાયાના માટે જ્યારે પ્રોપર કપડાં ખરીદવાનાં થાય તે વખતે સ્ત્રીઓનાં શરીરને કોર્સેટમાં બાંધીને એક ચોક્કસ ફિગર મેન્ટેઇન રાખવાની માનસિકતા પર પણ એક કમેન્ટ છે. પુરુષો જ્યારે પોતાની તાકાત પર મુસ્તાક હોય ત્યારે અચાનક એક સ્ત્રી આવીને એમને ભોંય ભેગા કરી દે ત્યારે આપણનેય થાય કે અમારા તરફથી પણ એક ઊંધા હાથની ચોડી દે! પોતાને જે યોગ્ય-સાચું લાગે તે કરવામાં પ્રિન્સેસ ડાયાના કોઈ પુરુષની પરવાનગીની રાહ જોતી નથી.
 • મોટા ભાગની ફિલ્મનો ટૉન હળવો છે, એટલે ક્યાંય કંટાળવા જેવી મોમેન્ટ્સ નથી. સ્ટોરી પ્રોગ્રેશન એટલું મસ્ત છે કે ખાસ્સી લાંબી હોવા છતાં ક્યાં ઇન્ટરવલ આવે એય ખ્યાલ રહેતો નથી. હા, ઇન્ટરવલ પછી ફિલ્મ થોડી લાંબી લાગે છે ખરી. CGIથી ભરેલા ક્લાઇમેક્સના સીનને બાદ કરતાં ફિલ્મની બધી જ ઍક્શન સિક્વન્સ ખરેખર થ્રિલિંગ છે. એમાંય થેમિસ્કિરા ટાપુ પર સ્ત્રીઓ દ્વારા થતી ઍથ્લેટિક ફાઇટ (જેમાં આપણને ‘બાહુબલિ’ યાદ આવ્યા વિના રહે નહીં!) અને યુદ્ધ વખતની સિક્વન્સીસ તો ખાસ.
 • પ્રિન્સેસ ડાયાના ‘ટારઝન’, ‘જ્યોર્જ (ઑફ ધ જંગલ)’, ‘મોર્ક એન્ડ મિન્ડી’ના રોબિન વિલિયમ્સ કે એના પરથી આવેલા આપણા ‘પીકે’ની જેમ બહારની પ્રેક્ટિકલ દુનિયા અને તેની રીતરસમોથી અજાણ છે. એ ક્લૅશ ઑફ કલ્ચર્સમાંથી પણ હળવીફૂલ કોમેડી પેદા કરાઈ છે.
 • ઔદ્યોગિક ક્રાંતિના નામે ચારેકોર આવેલી ફેક્ટરીઓ-મિલોમાંથી ધુમાડો ઓકતા ઓગણીસમી સદીના લગભગ ડિસ્ટોપિયન લંડનને જોઇને ડાયાના કહે છે, ‘હિડિયસ’ યાને કે અત્યંત કદરૂપું (વિચારો, અત્યારે આપણે તો એના કરતાંય ક્યાંય વધુ પ્રદૂષિત અને ગંદા વાતાવરણમાં જીવીએ છીએ!). ‘ધ ગ્રેટ વૉર’ વિશે ફિલ્મમાં કહેવાય છે કે એ ‘ધ વૉર ટુ એન્ડ ઑલ વૉર્સ’. ત્યારે આપણને કડવું હસવું પણ આવે કે માનવજાતને ક્યારેય યુદ્ધ વગર ચાલ્યું છે? ઘરથી લઇને વિશ્વ સુધી કોઇપણ ઠેકાણે આપણે ‘લડ, નહીં તો લડનારો દે’ ટાઇપની ફિલોસોફીમાં જ વિશ્વાસ કરતા આવ્યા છીએ.
 • પૌરાણિક કથાઓ આપણી હોય કે ગ્રીક, ક્યાંક તો છેડા અડતા જ હોય. જેમ કે, અહીં વન્ડર વુમનના જન્મની સ્ટોરી આપણે ત્યાં પાર્વતીએ ગણેશનું સર્જન કરેલું એવી જ છે. પ્રિન્સેસ ડાયાના જ્યારે યુદ્ધક્ષેત્રમાં જાય છે અને ત્યાં પહેલીવાર એ હાથ-પગ ગુમાવેલા, લોહી નીંગળતા સૈનિકો, ભૂખે-તરસે તરફડતી સ્ત્રીઓ-બાળકો, મરતા લોકો જુએ છે ત્યારે હચમચી ઊઠે છે. આ એની ડિટ્ટો ‘સિદ્ધાર્થ’માંથી ‘બુદ્ધ’ બનવા જેવા જ રિયલાઇઝેશનની સફર છે.
 • ડિરેક્ટરની સૂઝ કહો કે અભિનેત્રી ગાલ ગડોટની દિલધડક બ્યુટિનો કમાલ કહો, ક્યાંય આપણને ‘વન્ડર વુમન’ પુરુષોની નજરે જોવાતા સેક્સ સિમ્બોલ જેવી લાગતી નથી. એને બદલે એ જ્યારે સ્ક્રીન પર હોય ત્યારે આપણને એક અજીબ ધરપત રહે છે.
 • અહીં વન્ડર વુમને લીડમાં રહેવાનું હતું અને એટલે જ ફિલ્મના લીડ એક્ટર ક્રિસ પાઇનની ભૂમિકા ખાસ્સીthis_is_as_good_as_it_gets_in_that_trailer-850x560 ટ્રિકી હતી. એ નબળો કે ડબ્બુ પણ ન દેખાવો જોઇએ કે વન્ડર વુમન પર છવાઈ જનારો પણ ન લાગવો જોઇએ. છતાં એની બહાદૂરી પણ બહાર આવવી જોઇએ. અહીં એ બધી જ વાતોનું બરાબર ધ્યાન રખાયું છે. ઇવન ડાયાના અને ક્રિસની લવસ્ટોરી પણ પરાણે ઠૂંસી હોય એવું લાગ્યા વિના આકાર લે છે. બાય ધ વે, ક્રિસ પાઇનની બ્લ્યુ આંખો, જાણે ચમકતા બ્લ્યુ LED!
 • દર સુપરહીરો ફિલ્મમાં મને એક કુતૂહલ રહ્યા કરે કે સુપરહીરોઝ તો અમર્ત્ય છે, વન્ડર વુમન પણ. આપણને ખબર છે કે એ ક્યારેય હારવાના નથી, તો પછી એમની સામે લડવા માટે હવે કેવા નવા વિલન લાવશે? વિલન શું કરશે, જેથી ‘મૅચ ફિક્સ’ હોવા છતાં આપણી થ્રિલ બરકરાર રહે? અહીં એક ઇવિલ જર્મન આર્મી જનરલ માનવજાતનો ખાત્મો બોલાવી દેવા માટે પોતાની સહયોગી ‘ડૉક્ટર ઇઝાબેલ મારુ’ ઉર્ફ ‘ડૉક્ટર પોઇઝન’ પાસે ઝેરી-અતિશય ઝેરી ગૅસ બનાવડાવી રહ્યો છે. હજી એ ઓછું હોય તેમ એક સિક્રેટ વિલન પણ છે, જેને અત્યારે સિક્રેટ જ રહેવા દઇએ.
 • સુપરહીરો ફિલ્મોમાં પોતાનાં લોજિક હોય છે, આપણો સિલેબસ ત્યાં કામ ન કરે. જેમ કે, મને સવાલ થાય કે વન્ડર વુમન પાસે એક પ્રચંડ ધડાકો કરવાની તાકાત છે, તો પછી એ આપણા ‘શહેનશાહ’ની જેમ હાથ પર ગોળીઓ ઝીલવાની મહેનત શા માટે કરે છે? એક ધડાકે વાત કેમ પૂરી કરતી નથી? ચારેકોર ઝેરી ગૅસ ફેલાયો હોય તો એ બાજુમાં જ ઊભેલાં અન્ય પાત્રોને કેમ અસર ન કરે?
 • ઇવન સેન્સર બૉર્ડનાં પણ પોતાનાં લોજિક છે. જેમ કે, એક દૃશ્યમાં ક્રિસ પાઇનના નંગુપંગુ શરીર પર એવું ગંદુગોબરું કાળું ધાબું માર્યું છે કે છૂટ્ટું ખાસડું ફેંકવાની ઇચ્છા થાય. આખી ફિલ્મની સ્પેશ્યલ ઇફેક્ટ્સ એક તરફ અને એ ફાટેલા કપડા પર કોન્ટ્રાસ્ટ મૅચિંગવાળું થીગડું માર્યું હોય એવું ધાબું બીજી તરફ. મોટા અક્ષરોમાં લખાયેલી ‘સ્મોકિંગ કિલ્સ’ની ઍડવાઇઝરી પણ એટલી બધી વખત આવે છે કે ઘણી વાર તો સ્ક્રીન પર કોણ સિગારેટ પીવે છે એ શોધવું પડે (મોસ્ટ્લી તો એ દેખાતું પણ નથી) {નિહલાની સાહેબે એવું લોજિક લગાવ્યું હશે કે આ હીરો તો અગાઉ સિગારેટ પીતો’તો એટલે અહીંયે એના ખિસ્સામાં પણ સિગારેટ તો પડી જ હશે ને? ભલેને દેખાતી ન હોય, એય નુકસાન તો કરે જ ને!}.
 • ગાલ ગડોટ ‘વન્ડર વુમન’ બનીને જ્યારે હવામાં જમ્પ લગાવે છે, જે સ્ફૂર્તિથી-સ્ટાઇલથી એ દીવાલ તોડીને એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ઢાલ લઇને ઍન્ટ્રી મારે છે, જે રીતે એ પોતાનો સુપરહિરોઇન ગણવેશ ધારણ કરે છે, જે રીતે એ લલકાર કરે છે ‘આઈ એમ ડાયાના, પ્રિન્સેસ ઑફ ધ એમેઝોન્સ’ અને જે કાતિલાના અદાથી એ સ્માઇલ કરે છે… આઈ જસ્ટ લવ ધિસ વન્ડર વુમન.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Baywatch

ડૉન્ટ વૉચ

***

આ ફિલ્મ જોવા કરતાં દુઃખતી દાઢ પડાવી આવો, ફાયદામાં રહેશો.

***

342008_m1464661063નેવુંના દાયકાની શરૂઆતમાં આપણે ત્યાં સેટેલાઇટ ચેનલોનું નવું નવું આગમન થયેલું. તેમાં ‘બેવૉચ’ નામની સિરિયલે શોખીન વડીલો અને જુવાનિયાંવને બરાબરનો ચસ્કો લગાડેલો. તેમાં ટેલિવિઝન સ્ક્રીન પર લાલ બિકિની પહેરીને દોડતી ચાર-પાંચ કમનીય સુંદરીઓને જોવા માટે કેટલાય લોકો ઉજાગરા કરતા. તે સિરિયલના એકેય હપ્તાની સ્ટોરી ભલે ન ખબર હોય, પણ પામેલા એન્ડરસનનું નામ અને એના ફિગર વિશેની માહિતી ન હોય તેવો યુવાન તમને ન મળે. તે સિરિયલને ફિલ્મ સ્વરૂપે ફરીથી જીવંત કરવાનો આઇડિયા કાગળ પર કદાચ રોમાંચક લાગી શકે, પરંતુ પડદા પર તે સડી ગયેલી કેરી જેવું લાગે છે.

તેરે મેરે બીચ મેં

ફ્લોરિડાના ‘ઍમરાલ્ડ બે’ બીચ પર લાલ સ્વિમિંગ કોશ્ચ્યુમ ધારી લાઇફ ગાર્ડ ઍજન્સી ‘બેવૉચ’માં ભરતી ચાલી રહી છે. લગભગ સરખી જ લંબાઈ અને પહોળાઈ ધરાવતો મિચ બ્યુકેનન (ડ્વેઇન જ્હોનસન) અને કેટલીક ચુસ્ત બદન ધરાવતી યુવતીઓ ત્રણ નવાં રિક્રુટમેન્ટ કરી રહ્યાં છે. આપણને અમેરિકામાં નોકરીઓની સ્થિતિ વિશે ચિંતા થઈ આવે એટલી મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ આ ત્રણ જગ્યા માટે ઊમટી પડ્યાં છે. થોડી એક્સરસાઇઝ અને બહુ બધા સ્કીન શૉ પછી તેમાં એક ભૂતપૂર્વ ઑલિમ્પિક સ્વિમર (ઝેક એફરોન), એક ચક્રમ અને એક યુવતીનું ટ્રેઇની લાઇફગાર્ડ તરીકે સિલેક્શન થઈ જાય છે. ત્યાં લાંબા-પહોળા મિચને શંકા જાય છે કે આ બીચ પર ડ્રગ્સની દાણચોરી ચાલી રહી છે. શંકા જાય છે ત્યાંના એક ક્લબની પહોંચેલી માલકિન વિક્ટોરિયા લીડ્સ (પ્રિયંકા ચોપરા) પર. હવે, આ વિક્ટોરિયાનું સિક્રેટ શું છે અને આ લાઇફગાર્ડ્સ ડૂબતા લોકોને બચાવવાની પોતાની ડ્યુટી છોડીને એસીપી પ્રદ્યુમ્ન જેવું કામ કરવામાં સફળ રહે છે કે કેમ એ જાણવા માટે તમારે પણ આ ફિલ્મમાં ઝંપલાવવાનું જોખમ ઉઠાવવું પડશે.

સમુંદર મેં નહા કે

આમ તો બહાર કાળઝાળ ગરમી પડતી હોય અને થિયેટરની અંદર મસ્ત ઠંડક હોય અને સામે ‘બેવૉચ’ જેવી ફિલ્મ ચાલી રહી હોય ત્યારે જાગતા રહેવું લગભગ અશક્ય છે. છતાં અનિદ્રા કે અન્ય મનો-શારીરિક કારણોસર તમે જાગતા રહો અને ફિલ્મ જુઓ તો તમને કંઇક આવાં દૃશ્યો દેખાય. સુપરહૉટ બિકિનીધારી યુવતીના સ્પર્શથી એક યુવાન એટલો બધો ઉત્તેજિત થઈ ગયો છે કે તેના શરીરનું ચોક્કસ અંગ ગુરુત્વાકર્ષણની અસરથી મુક્ત થઈ જાય છે. તે શરમથી બચવા માટે તે પાસે પડેલા એક બાંકડા પર ઝંપલાવે છે અને તે બેશરમ અંગ બાંકડામાં ફસાઈ જાય છે. લગભગ પાંચેક મિનિટ સુધી તે અંગને મુક્ત કરાવવાની ક્વાયત ચાલે છે. બીજું સેમ્પલ જુઓ, એક શબઘરમાં પોસ્ટમોર્ટમ કરેલા મડદાની તપાસ ચાલી રહી છે. ડ્વેઇન જ્હોનસન તેના સાથીદાર એફરોનની મસ્તી કરવા માટે તે મડદાના પ્રાઇવેટ પાર્ટનું પરીક્ષણ કરાવે છે. એટલું જ નહીં, તેના ફોટા પણ પાડે છે.

એક ‘સી’ ગ્રેડ કોમેડીમાં ચાલે તેવાં આ દૃશ્યો ખાસ કરીને યંગસ્ટર્સ પાસેથી સસ્તું હાસ્ય ઉઘરાવવા માટે મુકાયેલાં છે. પરંતુ તે એવાં ફૂવડ છે કે જો થિયેટરનાં એર કન્ડિશનમાંથી ઠંડી હવાની સાથોસાથ લાફિંગ ગૅસ પણ છોડવામાં આવે, તો જ તેમાં હસવું આવે. ફિલ્મનાં મોટાભાગનાં કોમિક દૃશ્યોની આ જ હાલત છે. જોકે ચીપ કોમેડી આ ફિલ્મનો મેઇન પ્રોબ્લેમ નથી. બેવૉચનો સૌથી મોટો ત્રાસ એ છે કે તેમાં ઑરિજિનાલિટી કે નવીનતા નામની કોઈ વસ્તુ જ નથી.

દર્શક તરીકે આપણને ખબર છે કે આ લોકો ભલે પ્રધાનમંત્રીની સામે ન જઈ શકે એવાં ટૂંકાં કપડાં પહેરીને ફરતાં હોય, પરંતુ તેમનું કામ દરિયામાં ડૂબતા લોકોનો જીવ બચાવવાનું છે. શરૂઆતમાં એક વખત એવું કરીને પણ બતાવે છે. પછી સીધા મુખ્ય વાત પર આવી જવાને બદલે ફરી પાછા કોઇકને બચાવવા જાય. એય પૂરતું ન હોય એમ દર થોડી વારે કંપનીના હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટે મોકલાવેલી વર્ક રિસ્પોન્સિબિલિટીની શીટ ભરતા હોય એમ પોતાનાં કામ ગણાવ્યે જ રાખે.

ફિલ્મના પુરુષો બેશરમની જેમ સ્ત્રીઓનાં સ્તનની સામે તાક્યા કરે, એવું સેક્સિઝમ પચાવી જાઓ તોય ફિમેલ priyanka-story-647_120916011839કેરેક્ટર્સના ભાગે સેક્સ સિમ્બોલ બનીને ફરવા સિવાય કશું કામ નથી આવ્યું એ વાત કઠ્યા કરે. ખાસ કરીને હૉલીવુડમાં આ ફિલ્મથી જેની એન્ટ્રી થઈ રહી છે તે પ્રિયંકા ચોપરા માટે આપણને લાગી આવે. ‘પિંક પેન્થર-2’ની ઐશ્વર્યા રાયની જેમ પ્રિયંકા પણ અહીં ઠીકઠાક નેગેટિવ રોલમાં છે. પરંતુ આખી ફિલ્મમાં નાદિરા સ્ટાઇલના આઠ-દસ સીનને બાદ કરતાં એ જ ક્યાંય દેખાતી નથી. (સંસ્કારી લોકોનાં મનમાં) નેગેટિવિટી ઊભી કરવા માટે પ્રિયંકા પાસે ક્લિવેજના પ્રદર્શન સિવાય કશું જ કરાવાયું નથી. એટલે બિચારીની સ્કિલને બદલે સ્કિન જ દેખાઈ છે (રાધર, એય પૂરતી નથી દેખાઈ).

તાકાત માત્ર પુરુષો પાસે જ હોય, કટોકટીની સ્થિતિમાં પુરુષો જ બચાવી શકે, સ્ત્રી માત્ર સેક્સને પાત્ર જેવું સેક્સિસ્ટ ચિત્રણ બાજુએ મૂકો તોય અહીં ક્લિશૅ દૃશ્યોનો પાર નથી. જેમ કે, આગમાંથી સ્ત્રીને બચાવવી, હીરોની પીઠ પાછળ જબ્બર બ્લાસ્ટ થાય અને હીરો એ તરફ મચ્છર મારવા જેટલું પણ ધ્યાન ન આપે, વિલનના અડ્ડામાં ઘૂસવા માટે હીરોએ કારણ વિના સ્ત્રીવેશ ધારણ કરવો પડે (કપિલ શર્મા શૉ ઇફેક્ટ?), દારૂ પીને સ્વિમિંગ પૂલમાં ખાબકવું, ફેસબુક પર સ્ટેટસ મૂકતા હોય એ સ્પીડે આખી સિસ્ટમ હૅક થઈ જાય, વિલનના આદમીલોગમાં પાવલીનીયે અક્કલ ન હોય, ખરે ટાણે હીરો સુપરમેનની જેમ પ્રગટ થઈ જાય વગેરે. એમાંય ડ્રગ્સના સ્મગલિંગની પદ્ધતિ જોઇને તો સિત્તેર-એંસીના દાયકાની હિન્દી ફિલ્મો જીનિયસ લાગવા માંડશે.

હા, એટલું ખરું કે કેટલાક જોક્સ આપણને હસાવવામાં સફળ રહે છે. જેમ કે, ડ્વેઇન જ્હોનસન ઝેક એફરોનને ‘હાઇસ્કૂલ મ્યુઝિકલ’ કહીને ખીજવે છે. અસલમાં એણે ‘હાઇસ્કૂલ મ્યુઝિકલ’ સિરીઝની ફિલ્મોમાં કામ કરેલું. ગિલ્ટી પ્લેઝર તરીકે જોઇએ તો અમુક વલ્ગર જોક્સમાં હસવું આવી શક્યું હોત, પરંતુ ત્યાં આપણા મહાન સેન્સર બૉર્ડે બેરહેમીથી કાતર ચલાવીને કેટલાંય જોક્સ-દૃશ્યોનો ફજેતો કરી નાખ્યો છે. એમણે આ ફિલ્મમાં બિકિની પહેરેલી યુવતીઓનાં શરીર બ્લર કેમ ન કર્યાં એ જ આશ્ચર્યની વાત છે.

આ કોઈ મહાન કૃતિનો પુનરાવતાર છે એવું જતાવવા માટે ફરી ફરીને તેની આઇકનિક સ્લો મોશન વૉકનાં ઓવારણાં લેવામાં આવે. મૂળ સિરીઝનાં બે અતિ જાણીતાં પાત્રોની મહેમાન ભૂમિકા પણ જોવા મળે. એ તો ઠીક, પણ આત્મવિશ્વાસના ઘોડાપુરમાં ફિલ્મની અંદર જ તેની સિક્વલની પણ જાહેરાત થાય. જેથી તમે નક્કી કરી શકો કે બેએક વર્ષ પછી કઈ ફિલ્મ નથી જોવાની.

માંહી પડ્યા તે મહાદુઃખ માણે

‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ સિરીઝમાં લંબચોરસ ડ્વેઇન જ્હોનસનની કોમેડી મોટો પ્લસ પોઇન્ટ છે. અહીં એણે પણ પરાણે કામ કર્યું હોય એવું લાગે છે. સ્ટોરી, મ્યુઝિક, ઍક્શન, કોમેડી, ઍક્ટિંગ કે ઇવન સ્પેશ્યલ ઇફેક્ટ્સ જેવા બધા જ મોરચે જળસમાધિ લેતી આ ફિલ્મ કદાચ તેમાં આમતેમ ફરતાં નર-નારી દેહો માટે જોવાની લાલચ થઈ શકે. પરંતુ એ માટે બીજા કયા વિકલ્પો છે તે જણાવવાની જરૂર ખરી?

રેટિંગઃ * (એક સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Life

 • vkeottiગ્રેટ ફિલ્મમૅકર સત્યજિત રાયે દાયકાઓ પહેલાં એક વાર્તા લખેલી. બંગાળીમાં તેનું નામ હતું, ‘બૃહચ્ચંચુ’. વાર્તા એવી કે કથાના નાયક દંડકારણ્યમાંથી એક નાનકડું ક્યુટ પંખીડું પોતાની સાથે પોતાના ઘરે લેતા આવે છે. પરંતુ એ પંખીડું લિટરલી દિવસે ન વધે એટલું રાત્રે વધવા લાગ્યું. ઉપરથી એણે આસપાસનાં પ્રાણી-પંખીઓનો શિકાર કરવાનું પણ શરૂ કરી દીધું. કેમ કે, નાયક મહાશયને ખબર નહોતી કે તે પંખીડું વાસ્તવમાં ‘ટેરર બર્ડ’ હતું. લાખો વર્ષ પૂર્વે આ ટેરર બર્ડ આપણી પૃથ્વી પર ડાયનોસોર જેવો જ આતંક વેરતાં હતાં. ‘માણેક દા’ ઉર્ફે સત્યજિતમોશાયે તે પંખીડાને જંગલમાં ક્યાંક ગાયબ કરીને વાર્તાનો ઍન્ડ ઑપન રાખેલો.
 • હવે આ અઠવાડિયાની હૉલિવૂડ રિલીઝ ‘લાઇફ’ પર. ફ્રેન્ક્લી ‘લાઇફ’ જોવા ગયો તે પહેલાં મેં તેનું ટ્રેલર સુદ્ધાં નહોતું જોયું. માત્ર એટલું જ માર્ક કરેલું કે આમાં તો રાયન રેનોલ્ડ્સ અને જૅક ગાયલેન્હાલ છે અને ‘બુક માય શૉ’માં 80 ટકા લોકોએ તેને ‘દલડું’ આપેલું. ફિલ્મ 3D પણ નહોતી, એટલે ઘોડાનાં ડાબલાં નહીં પહેરવા પડે તે વધુ એક આનંદ હતો. એટલે થયું કે ‘ફિર તો સ્વાગત બનિયાન હી લેની ચાહિયે!’ અમે હડી કાઢી અને સજોડે PVR પહોંચી ગયાં.
 • ‘લાઇફ’ વિશે મારી ઇમ્પ્રેશન એવી જ હતી કે આ કંઇક ‘ગ્રેવિટી’, ‘માર્શિયન’ના હૅંગઑવરમાં બનેલી એ જ ટાઇપની સાયન્સ ફિક્શન હશે, જેમાં કોઈ નવો થૉટ મુકાયો હશે. સ્ટોરી ‘ઇન્ટરનેશનલ સ્પૅસ સ્ટેશન’માં જ સ્ટાર્ટ થઈ એટલે શક યકીન મેં બદલ ગયા. પણ ધીમે ધીમે વાત આગળ વધતી ગઈ ત્યારે ખબર પડી કે આ તો સાયન્સ ફિક્શનની બાટલીને ધોયા વિના જ એમાં હોરરનું દ્રવ્ય ભરી દીધું હોય એવી ભેળસેળિયા ફિલ્મ છે. પ્લોટ ડિટ્ટો એ જ સત્યજિત રાયની ‘બૃહચ્ચંચુ’નો કે રિડલી સ્કોટની ક્લાસિક ‘ઍલિયન’નો. તમે જેને શરૂઆતમાં ક્યુટ-નિર્દોષ માનતા હો, તે એવું વિકરાળ બની જાય અને આખરે તમારી જ વાટ લગાવી દે. ‘મેન વર્સસ નૅચર’ના આ જ પ્લોટમાં ડાયનોસોર નાખી દો તો ‘જુરાસિક પાર્ક’ બની જાય. વળી, અહીં ‘સ્ટક ઇન ધ સ્પૅસ’વાળો ‘ગ્રૅવિટી’ ઍન્ગલ પણ ખરો.
 • અહીં સુધી મને વાંધો નહોતો. પરંતુ ડિરેક્ટર (ડૅનિયલ ઍસ્પિનોસા)ને કોઈ નવી વાત નવી રીતે કહેવામાં રસ જ નથી ત્યાં મને વાંકું પડ્યું. એમણે આપણને ડરાવવાની ‘રામસે બ્રધર્સ’ ટાઇપ તદ્દન ક્લિશે ‘શૉક ટ્રીટમેન્ટ’ની જ મદદ લીધી છે. પહેલીવાર આપણે ઊંઘતા ઝડપાઇએ એટલે ઝબકી જઇએ, પણ પછી ખબર જ હોય કે સ્ક્રીન પર શાંતિ છવાય એટલે ‘પેલું’ ગમે ત્યાંથી ત્રાટકવાનું જ છે.
 • વળી, ‘તે’ પણ જાણે સ્ટારફિશ અને ઑક્ટોપસની સંકર ઔલાદ હોય એવું કંઇક. આખી ફિલ્મ ‘ઝેનોફોબિયા’ એટલે કે અજાણી-ભેદી વસ્તુના ડરથી અને ટિપિકલ માર્શિયનની જમાના જૂની કલ્પનાથી ફાટફાટ થાય છે. વાર્તા છ અવકાશયાત્રીઓના પોઇન્ટ ઑફ વ્યૂથી કહેવાઈ છે એટલે તે ઍલિયન ટાઇપનું સજીવ શું છે, કઈ રીતે અચાનક મોટું થઈ જાય છે, એના મોઢાનાં ઠેકાણાં નથી તો તે ઇન્ટેલિજન્ટ શી રીતે બની જાય છે અને શા માટે એ ‘માણસ ગંધાય માણસ ખાઉં’ પર ઊતરી આવે છે એમાંથી કશું જ જણાવવામાં મૅકર્સને રસ નથી. એમને તો બસ ‘ભાંગી નાખું, તોડી નાખું, ભુક્કો કરી નાખું’માં જ ઇન્ટરેસ્ટ છે. સગવડ ખાતર એવું જાહેર કરી દેવાનું કે આ જીવડું તો મારું બેટું ભારે ખેપાની છે, હોં!
 • આખી ફિલ્મ ISSમાં છે એટલે સખત ક્લસ્ટરોફોબિક છે. શરૂઆતમાં પાંચેક મિનિટનો એક સિંગલ ટૅક સીન છે. એ પછી કેમેરા એવો ઊંધો ચત્તો થતો રહે છે કે ઘરે આવીને ગરદન પર આયોડેક્સ ઘસવો પડે. ઉપરથી એક ટિપિકલ હૉરર ફિલ્મને છાજે એવો ઘોંઘાટિયો બૅકગ્રાઉન્ડ સ્કોર (એટલે કાનમાં પણ ગરમ તેલનાં ટીપાં નાખવાં પડે!).
 • એક ટિપિકલ હૉલિવૂડિયન ડિઝાસ્ટર ફિલ્મની જેમ જ કટોકટીની ક્ષણે સેન્સિટિવ કાર્ડ પ્લે કરવાનું અને લાઇફની ફિલોસોફીની કે ફેમિલીની-બાળપણની કોઈ વાત માંડીને બેસવાનું. ફોર એક્ઝામ્પલ, હિમેશ રેશમિયાનું મુવી જોતી વખતે આપણી ભેગા આવેલાને ટિકિટ આપીને કહેવાનું કે જો હું આ ફિલ્મમાં ખપી જાઉં તો આ ટિકિટ મારા ઘરે પહોંચાડી દેજે… એવું કંઇક. આવું અહીં પણ છે. પરંતુ આપણે આ ફિલ્મનાં પાત્રો સાથે જરાય કનેક્ટ જ ન થઇએ એટલે એવી વાતોમાંય રસ નપડે. પ્લસ, એ લોકોની ભાષા, ગાળોનો ઉપયોગ, ઑવરઑલ બૉડી લૅંગ્વેજ, બિહેવિયર, એમનાં ડિસિઝન, તરત જ ઊછળતી ઍંક્ઝાયટી વગેરે જોઇને એક પણ તબક્કે એવું લાગતું નથી કે આ લોકો એસ્ટ્રૉનૉટ છે. પાછા આપણા બૉલિવૂડની જેમ વચ્ચે રોમેન્ટિક ટ્રેક પણ ખરો. ટૂંકમાં વિક્રમ ભટ્ટ માટે આ ફિલ્મની (નૅચરલી, અનઑફિશિયલ) હિન્દી રિમેક બનાવવાનો પૂરેપૂરો મસાલો છે.
 • ‘લાઇફ’માં રાયન રેનોલ્ડ્સ સરીખો એક્ટર છે પણ હરામ જો સેન્સ ઑફ હ્યુમરનો છાંટો હોય તો. સેન્સ ઑફ હ્યુમરના નામે આવી કમેન્ટ છેઃ ‘અલ્યા તું તો અહીં ગુડાણો છો, તો નીચે જન્મેલા તારા છોકરાનો બાપ કોણ છે?!’
 • માંડ ૧૦૦ મિનિટની હોવા છતાં આ ફિલ્મ પૂરી કરવામાં મને નાકે દમ આવી ગયો અને રાત્રે એક વાગ્યો હોવા છતાં બહાર નીકળીને ચા પીવી પડી. હવે સાંભળ્યું છે કે આ ફિલ્મની સિક્વલ પણ આવવાની છે. માથું, કાન, ગરદન અને કલ્પનાશક્તિ માટે હાનિકારક એવી આ ફિલ્મની સિક્વલ જોતાં પહેલાં ‘સેટ મૅક્સ’ પર દસેક વખત ‘સૂર્યવંશમ’ જોઇને ‘ફિલ્મપ્રતિકારકશક્તિ’ વધારવી પડશે!

P.S. ‘બુક માય શૉ’માં ફિલ્મની ટકાવારી જોઇને ફિલ્મ વિશે અભિપ્રાય બાંધવો નહીં. એમ તો ‘MSG-2’માં ‘બુક માય શૉ’માં 90 ટકા ઉપર લોકોએ સુપર્બ મુવી છે એવું કહેેલું!

રૅટિંગઃ * (એક સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Kong: Skull Island

 • kong-skull-island-poster-2મોન્સ્ટર ફિલ્મોની એક સૅટ ફોર્મ્યુલા હોય છે, કે આ પૃથ્વી કુદરતની પ્રયોગશાળા છે અને તેનો ઉત્ક્રાંતિ નામનો જાયન્ટ એક્સપરિમેન્ટ સતત ચાલતો રહે છે. એમાં તમે એના જ એક ક્રિએશન થઇને એની વચ્ચે ખણખોદિયું સ્ટાર્ટઅપ શરૂ કરો તો તમારી વાટ લાગવાની એ નક્કી વાત છે. ‘જુરાસિક પાર્ક’ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ‘કોંગઃ સ્કલ આઇલૅન્ડ’ પણ ઓલમોસ્ટ ‘મેન વર્સસ નૅચર’ની એ જ કેટેગરીમાં આવે છે, છતાં અધવચ્ચે એ લોકોની સ્ટોરીનું હૅલિકોપ્ટર ક્યાંક ગુમશુદા થઇને ભળતી જ ટેરિટરીમાં લૅન્ડ થઈ જાય છે.
 • નો ડાઉટ, મુકેશ અંબાણીના ‘ઍન્ટિલિયા’ની સાઇઝનો એક સુપર જાયન્ટ ગોરિલા સૂર્યને ઢાંકીને ઊભો હોય અને એની સામે ઊડતાં હૅલિકોપ્ટર મચ્છર જેવડાં દેખાતાં હોય એ કલ્પના જ જબરદસ્ત થ્રિલિંગ છે. તમે એની ટેરિટરીમાં ઘૂસીને પ્રયોગના નામે ધડાકા-ભડાકા કરવા માંડો એટલે નૅચરલી એની કમાન છટકે અને એ તમારાં હૅલિકોપ્ટરોને રીતસર મચ્છરની જેમ મસળી નાખે. (પછી એ કોંગને ખબર પડે કે અચ્છા, આ કાફલામાં તો એક ક્યુટ ઑસ્કર વિનર એક્ટ્રેસ પણ છે, એટલે એને બચાવવા માટે એ ખતરોં કા ખિલાડી બની જાય!)
 • ‘વર્લ્ડ વૉર-2’ની એક ઝલક અને ખાસ તો ‘વિયેતનામ વૉર’c3mtrhrwyaaz8yx-jpg-largeના અંતના સમયના બૅકડ્રોપમાં સૅટ થયેલી ‘કોંગ’ પરmovie_poster દેખીતી રીતે જ ફ્રાન્સિસ ફોર્ડ કપોલાની ‘અપોકલિપ્સ નાઉ’ની અસર છે. એ તમને ફિલ્મના મુખ્ય પોસ્ટર (જેમાં ઘટ્ટ નારંગી સૂર્યની આગળ એક ચહેરો છે
  અને સંખ્યાબંધ હૅલિકોપ્ટર ઊડતાં દેખાય છે), ફિલ્મનું ઑવરઑલ કલરિંગ, સ્થળનાં નામના ફોન્ટ્સ, કોઈ વિદેશી ટેરિટરી પર ધસી આવવું જાણે નવરાશના સમયમાં કરાતી પાર્ટી હોય એ રીતે હૅલિકોપ્ટરનાં ઝુંડ લાઉડ મ્યુઝિક સાથે બોમ્બમારો-ગોળીબાર શરૂ કરી દેવો, દર થોડી વારે વાગતાં સોંગ્સ, માણસને એની ઓકાત બતાવી દે તેવા અફાટ જંગલ-નદી-પહાડોનાં લાર્જ કૅન્વસ, આગની વિરાટ જ્વાળાઓ, વધુ એક ‘ઍક્સાઇટિંગ’ મિશન માટે તરસતો લશ્કરી અધિકારી, ચહેરા પર સફેદી ચોળેલા સ્થાનિક આદિવાસીઓ અને વિયેતનામ… વગેરે તમામ પાસાંમાં દેખાઈ આવશે.
 • આખું સળગતું કોકડું ઘુસાડનારા બિલ રૅન્ડાના પાત્રમાં ‘જુરાસિક પાર્ક’ના સફેદ દાઢીધારી રિચર્ડ ઍટનબરો દેખાયા વિના ન રહે. એવું પણ લાગે કે ‘હૉમાજ’ના નામે હમણાં એ બોલશે, ‘ખર્ચે મેં કોઈ કસર નહીં છોડી!’ (‘સ્પૅર્ડ નો એક્સપેન્સ!’) ઇવન, ‘જુરાસિક પાર્ક’માં જેમ પહેલી વાર ડાયનોસોર બતાવતાં પહેલાં વાતમાં મોણ નાખે અને એક્સાઇટમેન્ટ ઊભું કરે, એવું અહીં પણ છે. કોંગની ઍન્ટ્રી પડતાં પહેલાં બરાબરનું ટેન્શન-સસ્પેન્સ ઊભું કરાયું છે.
 • મોન્સ્ટર ફિલ્મોમાં જ્યારે કલ્પના કરવા બેઠા હોઇએ ત્યારે દલા તરવાડીની જેમ જરાય પાછી પાની કરવાની નહીં. માત્ર ગોરિલા જ શા માટે એક્સ્ટ્રા લાર્જ સાઇઝનો રાખવો? વિકરાળ ગરોળીઓ, કરોળિયા, ભેંસ, ઑક્ટોપસ અને ઇવન ખડમાંકડીને પણ આંખો ફાટીને આઇમૅક્સ થઈ જાય એવડી મોટી સાઇઝનાં બનાવવાનાં (સ્પેશ્યલ ઇફેક્ટ્સ મેં કોઈ કસર નહીં છોડી!). અજાણી ધરતી-પાણી ખૂંદતાં આ વિરાટ સજીવોને એકબીજા સાથે બાખડતાં જોવાની નૅચરલી મજા પડે. મૅકર્સને પણ કદાચ ખબર છે કે લોકોએ આ મોન્સ્ટર્સને જોવા માટે પૈહા ખરચ્યા છે એટલે એને તબ્યતથી બતાવો!
 • પણ ‘જુરાસિક પાર્ક’નો પાયો સાયન્સ ફિક્શનમાં હતો, મોન્સ્ટર મુવીમાં નહીં. ‘કોંગ’ જસ્ટ અનધર મોન્સ્ટર મસાલા એન્ટરટેનર છે. એટલે જ જ્યારે આપણને સવાલ થાય કે આ પૃથ્વી પર આવાં ગંજાવર પ્રાણીઓ કેવી રીતે અસ્તિત્વ ધરાવતાં હોઈ શકે? ત્યારે એવું કહીને કુતૂહલ પર તાળું મારી દેવામાં આવે કે, ‘ઈશ્વરે અહીં હજી ઉત્ક્રાંતિ/ક્રિએશનની પ્રક્રિયા પૂરી નથી કરી.’ ઓહ રિયલી? એમની જાણ સારું કે આખી દુનિયાના સજીવો આજની તારીખે પણ ઇવોલ્વ થઈ રહ્યા છે, કમનસીબે તેજ ગતિએ. ધારો કે, તે ટાપુ પર એવા મહાકાય સજીવો હોય, અને તે જમીન-પાણી-હવામાં રહેતા હોય, તો તે ટાપુની બહાર શા માટે નથી નીકળતા? બહારની દુનિયામાં કેમ નથી આવતા? હોમસિક હશે?!
 • જંગલમાં એક પ્રાણી બીજા પ્રાણીનો શિકાર કરે એ કુદરતે નક્કી કરેલી ફૂડ સાઇકલ છે. ઠીક છે, પહેલું ‘કિંગ કોંગ’ મુવી આવ્યું ત્યારથી તેનામાં એક હ્યુમન ઍન્ગલ નાખવાની પ્રથા ચાલી આવે છે. તેમ છતાં કોંગ સલમાનભાઈની જેમ દિલ કા અચ્છા હોય અને બાકીનાં પ્રાણીઓ જાણે આતંકવાદી હોય એ કેવું? આઈ મીન, ‘જુરાસિક પાર્ક’ હોય તો એમાં બ્રેકિયોસોરસ સારા અને ટાયરેનોસૉરસ રેક્સ દેશદ્રોહી એવું થોડું હોય? અહીં તો કોંગ પાછો હિરોઇનને જ બચાવે! ઠરકી ફેલો!
 • જે રીતે સૈનિકોનો આખો કાફલો અજાણ્યા ટાપુ પર ધસી જાય, બૅકગ્રાઉન્ડમાં સતત ફાસ્ટ મ્યુઝિક વાગતું રહે, કિંગ કોંગનો પહેલો હુમલો થાય, ફિલ્મની સ્પેશ્યલ ઇફેક્ટ્સ, સમયગાળો બતાવવા માટેના રેફરન્સીસ (લાઇફ મેગેઝિન, ‘નૅપામ ગર્લ’ના એક ફોટોગ્રાફે કેવી રીતે વિયેતનામ યુદ્ધ પલટી નાખેલું વગેરે), ફિલ્મના સટાયરિકલ ડાયલોગ્સ વગેરે બધું સરસ છે. કેમેરા વર્ક, બે સીન વચ્ચેનું જક્સ્ટાપૉઝિશન અને કટ્સ તો ખરેખર સુપર્બ છે. ‘અપૉકલિપ્સ નાઉ’ની શરૂઆતમાં સિલિંગ ફૅનમાંથી કન્વર્ટ થઇને હૅલિકોપ્ટરના પાંખિયા બની જાય, એ જ રીતે અહીં એક માણસ કોંગના મોઢામાં ધકેલાતો હોય એ દૃશ્ય પછી કટ થઇને સીધું જ બીજો એક માણસ પોતાના મોઢામાં સૅન્ડવિચ પધરાવતો હોય તે દેખાય.
 • એક વખત કયાં કયાં મોન્સ્ટર્સ તે ટાપુ પર છે તે સિક્રેટ્સ છતું થઈ જાય પછી મૅકર્સ પાસે કહેવા માટે કોઈ જ સ્ટોરી બચતી નથી. જથ્થાબંધ માણસો મર્યા કરે એમાં એક્ઝેક્ટ્લી કેટલા લોકો ગયેલા, કેટલા મર્યા, કોણ બચ્યું કશાનું ડિટેલિંગ નહીં. કોઇની સાથે આપણે ઇમોશનલી કનેક્ટ પણ ન થઇએ, જેથી માણસો મર્યાનું દુઃખ પણ ન થાય. અને એટલે જ સેમ્યુઅલ એલ. જેક્સનનું પાત્ર શું કામ બદલો લેવા માટે ઉધામા કરે છે એ આપણને ગળે ન ઊતરે. મોન્સ્ટર-ડિઝાસ્ટર મુવીનાં તમામ ક્લિશે પણ અહીં છે. જેમ કે, જેને સૌથી વેવલો થતો બતાવ્યો હોય, સમજી લેવાનું એ બારના ભાવમાં જવાનો છે. ‘કાસ્ટ અવે’ ટાઇપનો એક સબપ્લોટ પણ છે. એમાંય કોઈ જ ટેન્શન વિના એ મજેથી રહેતો બતાવાયો છે. લગભગ ૨૮ વર્ષથી એ રહેતો હોવા છતાં કોઈ જ ઇમોશનલ કનેક્શન નહીં. ઍન્ટિ વૉર ફોટોગ્રાફર તરીકે ઑસ્કર વિનર બ્રિ લાર્સન કોઈ જ લોજિક વિના માત્ર એક શંકાને આધારે પરાણે આ કાફલામાં ઘૂસે છે અને રૅન્ડમ ક્લિક કર્યા કરવા સિવાય એના ભાગે કશું જ આવ્યું નથી. અર્જુનના ભાથાનાં તીરની જેમ એના કેમેરાનો રોલ પણ ક્યારેય ખાલી થતો નથી! ટૉમ ‘લોકી’ હિડલસ્ટન અને સેમ્યુઅલ ‘નિક ફ્યુરી’ જેક્સન ફિલ્મમાં છે, પણ ના કોઈ દિમાગ હૈ, ના કોઈ પ્લાનિંગ હૈ! તમામ જોખમો છતાં ફિલ્મનાં પાત્રો એ જ મુર્ખામી કરે, જે તમામ ડિઝાસ્ટર મુવીનાં પાત્રો હંમેશથી કરતાં આવ્યાં છે. ન જવાનું હોય ત્યાં જાય, મૂંગા મરવાનું હોય ત્યાં લવારી કરે, ખબર છે કે આનો ઇલાજ ગોલિયાં નહીં, કાયમચૂર્ણ પણ નથી, છતાં ધાણીફૂટ કર્યા જ કરે. બધાં પાત્રો બરાબરનાં સલવાયાં હોય, છતાં એમને બહાર નીકળવા માટેનો રસ્તો રેડી જ હોય! વચ્ચે કોઈ મુશ્કેલી આવે તો કોંગ સની દેઓલની જેમ સાંકળો તોડીને બચાવવા આવી જાય (હિરોઇનને, અફ કોર્સ)!
 • આખા ઇન્ડિયામાં ‘જિયો’ના જેટલા સબસ્ક્રાઇબર્સ હશે એટલાં નામ એન્ડ ક્રેડિટ્સમાં જોયાં પછી ખાસ્સી વારે પોસ્ટ ક્રેડિટ્સ સીન પ્રગટ થાય છે (અમારી વખતે લેટ નાઇટ શૉમાં PVRના કર્મચારીઓ છેલ્લે અમને ચાવી આપીને ગયા કે તમે નીકળો તો તાળું મારતાં જજો!). એમાં આવનારી સિક્વલમાં શું બબાલ થવાની છે એનો અણસાર છે. એટલે ‘વૉર ફોર ધ પ્લેનેટ ઑફ ધ ઍપ્સ ઑફ ધ જંગલ ઇન ધ શૅડોઝ ઑફ ધ ડૉન ઇન ધ અવેકનિંગ આફ્ટર ધ નાઇટ ઇન ધ મોર્નિંગ ઇન વિચ કોંગ વર્સસ ગોડઝિલા વર્સસ સ્કલ ક્રૉલર્સ ફોર ધ મૅનકાઇન્ડ ઑફ…’ જેવી અનંત સિક્વલોનો સિલસિલો શરૂ થશે!
 • થોડી બ્રુટાલિટી ઘટાડીને આ ફિલ્મને પરીક્ષાને બદલે વેકેશનમાં રિલીઝ કરી હોત તો બાળકોનું ઑડિયન્સ મળી રહેત. અત્યારે તો એમને કાલ્પનિક કોંગ કરતાં પરીક્ષાનો કિંગ કોંગ ક્યાંય વધુ ડરાવતો હશે!

રેટિંગઃ **1/2

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits

Arrival

 • દર થોડાં વર્ષે ‘અરાઇવલ’ જેવી એક ફિલ્મ આવે, જેને જોતી વખતે આપણું મોં આઈ-મૅક્સના સ્ક્રીન જેવું પહોળું રહી જાય. બે-એક કલાકની અંદર તો તે આપણા દિમાગનો એવો કબ્જો લઈ લે કે ફિલ્મ જોઇને બહાર નીકળો તે પછી ફિલ્મમાં ઉઠાવેલી વાતો જ ચાલ્યા કરે. કેટલીયે વસ્તુઓ સમજાય નહીં, જેને જાણવા માટે તમે દોસ્તો સાથે અનલિમિટેડ કપ ચા-કૉફી (કે પસંદગીનાં કોઇપણ પીણાં) સાથે ડિસ્કશન્સનો દોર ચલાવો, ઇન્ટરનેટ ઊલેચી નાખો, બીજા સિનેફાઇલ્સ એ વિશે શું કહે છે તે જાણો. સાથોસાથ અમુક એવી વાતો પણ તમારા મગજમાં ટ્રિગર થાય, જે ક્યાંય કોઇએ ન કહી હોય પરંતુ ફિલ્મ જોયા પછી સિમ્પ્લી તમારા જ પર્સેપ્શનને આધારે તમને સૂઝી હોય. આવી એક ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ, ‘અરાઇવલ’ (એટલે કે આગમન). મેઇન સ્ટારકાસ્ટ ઍમી ઍડમ્સ અને જેરેમી રેનર. ફિલ્મની ઝોનરા એટલે કે પ્રકાર કહીએ તો પ્યોર સાયન્સ ફિક્શન-ઍલિયન મુવી. પરંતુ આ ફિલ્મ ‘ઇન્ડિપેન્ડન્સ ડે’ કે ‘મૅન ઇન બ્લૅક’ નથી. બલકે તેનાથી તદ્દન સામા છેડાની છે. ઘણે અંશે ‘2001: અ સ્પેસ ઑડિસી’, કે ‘ઇન્ટરસ્ટેલર’ની પણ નજીક જાય છે. કદાચ એ ફિલ્મો જેટલી મહાન ન લાગે, પરંતુ એમનાથી ખાસ ઊણી ઊતરે એવી તો નથી જ. એટલે ઍલિયન્સ, ટાઇમટ્રાવેલ પ્રકારની થીમ ધરાવતી સાયન્સ ફિક્શન ફિલ્મો જોવાનો શોખ હોય એમણે તો બીજાં બધાં પડતાં કામ મૂકીને પણ વહેલી તકે આ ફિલ્મ જોઈ પાડવી જોઇએ.
 • લુઇસ બૅન્ક્સ (ઍમી ઍડમ્સ) લિંગ્વિસ્ટ એટલે કે ભાષાશાસ્ત્રી છે અને અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાં ભણાવે છે. એને છાશવારે અમુક દૃશ્યો દેખાય છે, જેમાં એ પોતે એક નાનકડી બૅબી સાથે ઉંમરના અલગ અલગ તબક્કે હસી-રડી-રમી રહી છે. ત્યાં જ અચાનક પૃથ્વી પર બાર અલગ અલગ સ્થળોએ જાયન્ટ UFO (અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ) આવીને ગ્રેવિટીની ઐસીતૈસી કરીને જમીનથી થોડે ઉપર ઊભા રહી જાય છે. એટલું તો ક્લિયર છે કે પૃથ્વીવાસીઓનું આ કારસ્તાન નથી. તો પછી કોણ છે એ? અને શા માટે અહીં આવીને અડિંગો જમાવ્યો છે? તે આપણો નાશ કરવા આવ્યા છે? સ્વાભાવિક રીતે જ આ જવાબોના અભાવે આખી દુનિયામાં હાહાકાર ફેલાય છે અને તોપોનાં નાળચાં તે UFO સામે તકાય છે. પરંતુ એક તો તે ગંજાવર બહિર્ગોળ લૅન્સ જેવી દેખાતી UFOમાંથી કોઈ હલચલ થતી નથી. હા, દર ૧૮ કલાકે તેનો નીચેનો ભાગ ખૂલે છે, જેમાંથી અંદર જઈ શકાય તેવું છે. અધૂરામાં પૂરું અંદર જે કંઈ કે જે કોઈ છે તેની ભાષા કોઇને સમજાતી નથી. આથી એક નિર્ણય લેવાય છે કે આ લુઇસ બૅન્ક્સને અમુક બીજા લોકો સાથે તેની અંદર મોકલવી અને તે જે કોઈ છે તેમની સાથે કમ્યુનિકેટ કરાવવું. પછી જે થાય તે બાકીની ફિલ્મ.
 • આ ફિલ્મ વિશે પુષ્કળ વાતો કહી શકાય તેમ છે, પરંતુ કંઈ પણ કહીએ તોય સ્પોઇલર આપી દેવાનું જોખમ છે. છતાં આપણે સ્પોઇલરની બાઉન્ડરી વટાવ્યા વિના શક્ય તેટલી વાતો કરવાની ટ્રાય કરીએ.
 • મસ્ત અણિયાળું નાક ધરાવતી સુપરક્યુટ ઍમી ઍડમ્સને જો પોતાના કરિયર માટે ‘તુમ્હારે પાસ ક્યા હૈ?’ જેવા કોઈ સવાલના જવાબમાં પોતાની કોઈ એક જ ફિલ્મનું નામ આપવાનું થાય તો તે બિનધાસ્ત ‘અરાઇવલ’નું નામ આપી શકે. મિનિમમ ડાયલોગ્સ અને મૅક્સિમમ ઍક્સપ્રેશન્સ સાથે આ આખી ફિલ્મ લિટરલી એના જ ખભા પર ઊભી છે. ‘અરાઇવલ’ની સ્ટૉરી ઍમીના જ પોઇન્ટ ઑફ વ્યૂથી કહેવાઈ છે. એટલે તે જે જુએ-સાંભળે એટલું જ આપણને દેખાય-સંભળાય. ક્લાસરૂમમાં હાજરી આપવાને બદલે વિદ્યાર્થીઓ શા માટે બહાર ટેલિવિઝન સ્ક્રીનની સામે ટોળે વળ્યા છે તે આપણને ઍમી ન્યુઝ જુએ ત્યારે જ ખબર પડે. હૅલિકોપ્ટરના ઘોંઘાટમાં એને બીજા કોઇનો અવાજ ન સંભળાતો હોય અને હૅડફોન પહેરે પછી જ ક્લિયર સંભળાય, તો આપણને પણ ડિટ્ટો એ જ અનુભવ કરાવાય. ઇવન જાયન્ટ UFO પણ જ્યાં સુધી ઍમી ન જુએ ત્યાં સુધી આપણને પણ ન જોવા મળે (યાદ કરો ‘જુરાસિક પાર્ક-1’ જેમાં બે પૅલિએન્ટોલોજિસ્ટ્સ જ્યાં સુધી ડાયનોસોર ન જુએ ત્યાં સુધી આપણને પણ માત્ર ડાયનોસોરની વાતો જ સંભળાવાય. પછી પહેલી વાર જીવતો ડાયનોસોર (બ્રેકિયોસૉરસ) જુએ અને એમને જેવું આશ્ચર્ય થાય એવું આપણને પણ થાય!). એ જ રીતે એને જે દૃશ્યો દેખાય છે તે શું છે, તે UFOની અંદર શું છે એ જાણવા માટે પણ આપણે ઍમી ઍડમ્સ પર જ આધાર રાખવો પડે.
 • મિનિમમ હૅપનિંગ છતાં ફિલ્મનો ફર્સ્ટ હાફ એટલો બધો ગ્રિપિંગ અને ડરામણો છે કે ક્યારે ઇન્ટરવલ પડે એ જ ખબર પડે. હૉન્ટિંગ મ્યુઝિક, ડિમ લાઇટિંગ સાથે ફિલ્મમાં ‘ઝેનોફોબિયા’ (Xenophobia) એટલે કે ફિઅર ઑફ અનનૉનનું ઍલિમેન્ટ એટલું બધું તીવ્ર છે ગમે તે ઘડીએ કશુંક અણધાર્યું થવાની ધાસ્તી રહે (છતાં આ ફિલ્મ ઝેનોફોબિયાની સારવાર જેવી છે!). આમેય આપણે જેના વિશે જાણતા નથી અથવા તો જે આપણા કરતાં જુદા છે, જુદી ભાષા બોલે છે તેમનાથી ડરવું અને એની સાથે યુદ્ધે ચડી જવું તે આપણી હજારો વર્ષો જૂની મૅન્ટાલિટી છે. પરંતુ એવું ન કરવું હોય, તો બીજો કયો વિકલ્પ છે આપણી પાસે? રાઇટ, એમની સાથે સંવાદ સાધવાનો. એમની સાથે કેવી રીતે સંવાદ સાધશો? તો કહે, એમની ભાષા શીખીને. ઍક્ઝેક્ટ્લી એ જ વાત આ અરાઇવલ ફિલ્મ આપણને કહે છે. પરંતુ ધારો કે કોઇની ભાષા લૅંગ્વેજ વિશેના આપણા કન્સેપ્ટ કરતાં તદ્દન જુદી હોય તો? કહે છે કે નવી ભાષા શીખો તો તમારા મગજનું વાયરિંગ પણ નવેસરથી થવા માંડે. બે ભાષાશાસ્ત્રીઓએ આપેલી ‘સૅપિર-વ્હોર્ફ હાઇપોથિસિસ’ એવું પણ કહે છે કે લોકો જે રીતે વિચારે છે તેના પર એમની ભાષાનો જબ્બર પ્રભાવ હોય છે. તેને પણ આ ફિલ્મ સ્પર્શે છે. તો પછી ભાષા એ ટૂલ-સાધન છે કે હથિયાર? વેલ, સમજો તો ટૂલ, નહીંતર હથિયાર.
 • ‘અરાઇવલ’નો એક પાયાનો વિચાર છે કમ્યુનિકેશન. ધારો કે આપણે આ ફિલ્મમાં બતાવાયેલા UFOને કમ્યુનિકેશનના-સંઘર્ષના-મુશ્કેલીના-પરિવર્તનના-તકના કે કોઈ અજ્ઞાત પ્રશ્નના એક મૅટાફર તરીકે લઇએ તો? આપણે તેને સમજવાનો, તેની સાથે કમ્યુનિકેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે પછી સીધાં તેની સામે તોપનાં નાળચાં માંડીએ છીએ? જ્યારે પણ બે વ્યક્તિથી લઇને બે રાષ્ટ્રો વચ્ચે વિવાદ ઉપસ્થિત થાય એટલે પહેલો ભોગ કમ્યુનિકેશનનો લેવાય. વાતચીત બંધ થાય. પરિણામે બંને પક્ષ એકબીજાને સમજી શકે નહીં અને પ્રશ્ન ઊકલવાને બદલે વકરતો ચાલે. જ્યારે ઘણી વાર માત્ર વાત કરવાથી, એકબીજાને-એકબીજાના પોઇન્ટ ઑફ વ્યૂ સમજવાથી જ પ્રશ્નનું નિરાકરણ આવી જતું હોય છે. ફિલ્મમાં UFOની અંદર જે કંઈ છે તેની અને માણસોની વચ્ચે કમ્યુનિકેશન સ્ટાર્ટ થાય છે તે બંને વચ્ચે પારદર્શક કાચ જેવી એક અદૃશ્ય દીવાલ છે. એ જ આ ઇન્વિઝિબલ બૅરિયર છે, જે વિશ્વનાં મોટાભાગનાં પ્રશ્નોનું મૂળ છે.
 • ‘અરાઇવલ’માં UFO સાથે તો કમ્યુનિકેટ કરવાની અને તેમના દ્વારા આવતા સંદેશા સમજવાની માથાકૂટ છે જ, પરંતુ બીજી એક વાત એ છે કે આ UFO પૃથ્વી પર ૧૨ અલગ અલગ જગ્યાએ આવીને ઊભા રહે છે. એકબીજાથી તદ્દન અલગ ભાષાઓ બોલતા તે દેશોને પણ એકબીજા સાથે કમ્યુનિકેટ કરવાની, એમનું આ વિશેનું જ્ઞાન શૅર કરવાની ફરજ પડે છે. આ આખી વાતને વધુ એક્સ્પ્લોર કરવા માટે ‘ટાવર ઑફ બૅબેલ’ની દંતકથા અને (‘બર્ડમેન’, ‘રેવેનન્ટ’વાળા) ઍલેહાન્દ્રો ગોન્ઝાલેસ ઇનારિતુની ‘બૅબેલ’ ફિલ્મ પણ રિફર કરી શકો.
 • ત્રીજી એક વાત છે સમય. ટાઇમ તો આમેય સાયન્સ ફિક્શન રાઇટરોનો ફેવરિટ સબ્જેક્ટ રહ્યો છે. આ ફિલ્મમાં ટાઇમના કન્સેપ્ટને લઇને જે કહેવાયું છે તેની વાત કરવામાં તો ભારોભાર જોખમ છે જ. કેમકે ફિલ્મના અંતે જે સિક્રેટ આપણી સમક્ષ છત્તું થાય તેની મજા ત્યારે જોવામાં જ છે. પણ હા, એટલું જરૂર કહી શકાય કે આપણા હૃષિકેશ મુખર્જી ‘આનંદ’માં જે કહી ગયા છે તે સનાતન સત્ય છે. કોનું ‘અરાઇવલ’ ક્યારે થશે, ‘ડિપાર્ચર’ ક્યારે થશે તે કોને ખબર છે? તેના પર કોનો કંટ્રોલ છે? આપણા હાથમાં શું છે? તો કહે કે, આ ક્ષણ, વર્તમાન. આવી લાખો-કરોડો ક્ષણોને જીવીએ-માણીએ-વાગોળીએ એનો સરવાળો એ જ જીવન. અરાઇવલ-ડિપાર્ચરના ચક્કરમાં પડીને દુઃખી થઇશું કે તે ક્ષણોને જીવી જાણીને ખુશ રહીશું?
 • વિકિપીડિયા પરથી ખબર પડે છે કે આટલા બધા વિચારોનું ટ્રિગર દબાવતી આ ફિલ્મ ટૅડ ચિઆંગ નામના લેખકની લઘુનવલ ‘ધ સ્ટૉરી ઑફ યૉર લાઇફ’ પરથી અડૅપ્ટેડ છે. તે અવૉર્ડ વિનિંગ નૉવેલાનો અન્ય વાર્તાઓ સાથેનો સંગ્રહ લગભગ બે દાયકાથી અવેલેબલ છે, પરંતુ આપણને તેનું અસ્તિત્વ સુદ્ધાં ખબર નથી. એય ‘ટાવર ઑફ બૅબેલ’ પ્રકારની જ એક વક્રતા છે. તો પછી આપણે શું જાણતા હોવાનું અભિમાન કરવું?
 • જોકે અધવચ્ચે અરાઇવલ થોડી સ્લૉ લાગે છે. ઇવન જ્યાં કોઈ થ્રિલિંગ મોમેન્ટ આવવાની થાય, ત્યાં તે ઍક્શન બતાવવાને બદલે સીન કટ્ થઈ જાય જે એક દર્શક તરીકે આપણને અકળાવી મૂકે. ફિલ્મના પોસ્ટરમાં પુછાયેલો સવાલ (‘વ્હાય આર ધે હિયર?’)નો જવાબ મળશે, પરંતુ ધારો કે ફિલ્મમાં અમુક સવાલો વણઊકલ્યા લાગે તો અકળાયા વિના શાંતિથી ફિલ્મ પૂરી થવા દેજો, પૂરી થયા પછી એ વિશે વિચારજો-વાંચજો. શા માટે ઍમી ઍડમ્સના ચહેરા પર સતત એક ઉદાસી છવાયેલી રહે છે એ પણ જાણવા મળશે. ફિલ્મની બ્યુટિફુલ સિનેમેટોગ્રાફી, તેના લાર્જ લૅન્ડસ્કૅપ, આંખો આંજી નાખે તેવી ફ્રેમ્સ બધું જ અફલાતૂન છે અને મીનિંગફુલ છે. થૅન્ક ગોડ કે આમાં પરાણે 3D નથી ઘુસાડ્યું. હા, હિન્દી ડબિંગ કે ઇવન ઇંગ્લિશ સબટાઇટલ્સ અવેલેબલ નથી એટલો પ્રોબ્લેમ થશે. અગેઇન, એક સાયન્સ ફિક્શનની સાથોસાથ અનેક લેવલે વિચારતા કરી મૂકે તેવી આ ફિલ્મમાં અગાઉ જોયેલું કશું જ ક્લિશૅ કન્ટેન્ટ નથી. આ ફિલ્મ કોઈ કાળે ચૂકવા જેવી નથી અને શક્ય હોય તો થિયેટરમાં જ જોવી. ‘અરાઇવલ’ એટલિસ્ટ **** (ચાર સ્ટાર) અને તમારું અટૅન્શન ડિઝર્વ કરે છે.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits

Dr Strange

doctor-strange-comic-con-poster– સ્મૉલ સાઇઝના જીવનનું એક એક્સ્ટ્રા સ્મૉલ સાઇઝનું દખ શું છે ખબર છે? નક્કી કર્યું હોય કે ‘માર્વેલ’નું નવું મુવી ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ તેના ઑરિજિનલ ઇંગ્લિશ વર્ઝનમાં જ જોવું છે. પરંતુ ગુરુવારની રાત્રે ‘બુક માય શૉ’ ખોલીને જુઓ ત્યારે ખબર પડે કે આવું વિચારનારા બીજા પાંચસો જણા છે, અને એ જ કારણે ઇંગ્લિશ વર્ઝનમાં સવારના બધા જ શૉ હાઉસફુલ છે. નછૂટકે તમારે હિન્દી વર્ઝનમાં બેસવું પડે (યુ નૉ, હમ ટો ઑન્લી ઇંગ્લિશ વર્ઝન હી ડેખટા!). મુવી સ્ટાર્ટ થયા પછી એ સ્મૉલ દખ સળવળીને મોટું થઈ જાય, જ્યારે તમને ખબર પડે કે ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ યાને કે એક્ટર બેનેડિક્ટ કમ્બરબૅચ માટે આપણા મોહન કપૂરે અવાજ આપ્યો છે. જ્યારે પણ બેનેડિક્ટ મોઢું ખોલે કે એ મોહન કપૂર જ દેખાયા કરે. આખી ફિલ્મમાં સતત એ બીક રહે કે હમણાં ફિલ્મની ઐસીતૈસી કરીને એ બોલી ઊઠશે, ‘ભારત ઔર ઝી ટીવી કી ઓર સે મૈં મોહન કપૂર આપકા સ્વાગત કરતા હૂં, ઉસ શૉ મેં જિસકા નામ હૈ સાંપ સીડી! ફિસસસસસસસસ…..’ (ઑન અ સિરિયસ નૉટ, મને મોહન કપૂરનો હસ્કી અવાજ ગમે છે. બિચારો માણસ પણ વિનમ્ર છે. ગઇકાલે રાત્રે મેં કન્ફર્મેશન માટે એને ટ્વીટ કરીને પૂછ્યું તો એકદમ નમ્રતાથી જવાબ પણ આપી દીધો (સ્ક્રીનશૉટ પહેલી કમેન્ટમાં મૂક્યો છે). આ તો ઑરિજિનલ સ્ટારમાં બીજો જાણીતો અવાજ સંભળાય એટલે મૂળ સ્ટારને બદલે એ જ ચહેરો યાદ આવ્યા કરે! યે બાબુરાવ ગણપતરાવ આપ્ટે કી સમસ્યા હૈ, રે બાબા!)

– લોકોને સમજાય એવું ટ્રાન્સલેશન-ટ્રાન્સક્રિએશન અઘરી કળા છે, છતાંય ‘ક્લૉક ઑફ લેવિટેશન’ને બદલે ‘માયાવી ચોલા’ સાંભળીએ તો કેવી ફીલિંગ આવે? જાણે ગમે તે ઘડીએ બેનેડિક્ટની પાછળથી નીના ગુપ્તા એન્ડ કંપની ‘કૂકૂ કૂકૂ’ કરતી નીકળી પડશે અને ગાશે, ‘ચોલા કે અંદર ક્યા હૈ?!’

– બહુ ઓછી એવી ફિલ્મો હોય છે જે 3D હોય અને 3D ઇફેક્ટ્સનો પૂરેપૂરો કસ કાઢ્યો હોય. અંગ્રેજીમાં ક્લિશૅ થઈ ગયેલું વાક્ય વાપરીને કહીએ તો ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઇઝ એન ઑર્જી ઑફ સ્પેશ્યલ ઇફેક્ટ્સ.’ ‘ઇન્સેપ્શન’માં ક્ષિતિજેથી કાટખૂણે ઊભું થતું શહેર-રસ્તા-બિલ્ડિંગો જોઇને આશ્ચર્ય પામી ગયા હો તો આ ડૉક્ટર સ્ટ્રેન્જ એવી ગૂગલ મૅપ્સની ઐસીતૈસી કરી નાખતી કલાઇડોસ્કોપિક સ્પેશ્યલ ઇફેક્ટ્સથી લિટરલી ફાટ ફાટ થાય છે. સ્ટોરી-બોરી બધું તડકે મૂકો અને ખાલી સ્પેશ્યલ ઇફેક્ટ્સ માટે આ ફિલ્મ જોવા જાઓ તોય પૈહા વસૂલ થાય એવું છે. થોડા વધુ પૈહા હોય તો આઇમૅક્સમાં જ જોવાય. પણ અહીં અમદાવાદની ‘સિનેમૅક્સ’માં એ લોકોએ ઘરનું આઇમૅક્સ ઊભું કરેલું. કોઈ ભેદી કારણોસર અમુક ટકા પ્રોજેક્શન તો સીટો-પ્રેક્ષકો પર પણ પડતું હતું. મતલબ કે ડૉક્ટર સ્ટ્રેન્જનો માયાવી ચોલો અમારા બધાની ઉપર થઇને ઊડાઊડ કરતો હોય.

– મેં અગાઉ પણ સ્વીકારેલું કે ‘માર્વેલ સિનેમેટિક યુનિવર્સ’નું હું એક નવું પ્રવેશેલું અને નાનકડું ‘કણ’ છું. એટલે સતત ચાલતી સ્ટોરીનો આગળ-પાછળનો ટાંગામેળ બેસાડતા વાર લાગે (અચ્છા, આ થોર ને લોકી ભાઈ થાય! અને આ કેપ્ટન અમેરિકાની ગર્લફ્રેન્ડ ડોશી કેમની થઈ ગઈ? આહા, એ વર્ષો સુધી કોમામાં હતો? અને આ બૅટમેન-સુપરમેનની વચ્ચે શેનો વાંધો પડ્યો છે? ઓકે ઓકે, હમજી ગ્યો, એ તો ‘DC કોમિક્સ’નો માલ છે, ‘માર્વેલ’નો નહીં!) પરંતુ આ ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ આ યુનિવર્સમાં મારી જેમ નવી એન્ટ્રી છે, એટલે બૅક સ્ટોરીની જરૂર નહીં પડે. એક અત્યંત કાબેલ પણ જબરદસ્ત ઘમંડી ન્યુરોસર્જન ડૉ. સ્ટિફન સ્ટ્રેન્જ એક ઍક્સિડન્ટમાં પોતાના હાથની વાટ લગાવી બેસે. જ્યાં મૅડિકલ સાયન્સ કામ ન લાગે ત્યાં એ નેપાળ જઇને પ્રાચીન ગૂઢ વિદ્યાની મદદથી હાથમાં ઇલેક્ટ્રિક કરન્ટ પાછો લાવે. એમાં જ એને હાથમાંથી તારામંડળ ફોડતો હોય એવા તણખા કાઢતા પણ આવડી જાય ને શરીરની બહાર નીકળીને ગમે તેના બૅડરૂમમાં ઘૂસીને આઉટ ઑફ ધ બૉડી એક્સપિરિયન્સ કરતા પણ આવડી જાય, હવામાં તણખાનું કુંડાળું બનાવીને વગર વિઝા-પૈસાએ દુનિયા ફરી શકે (આપણને એમાં રસ પડ્યો!) અને એક માદળિયું પહેરીને સમયની ઘડિયળને આગળ-પાછળ પણ ફેરવી શકે. આવા બધા સુપરપાવર્સની સાથે માત્ર દુનિયા જ નહીં, બલકે આખા બ્રહ્માંડને બચાવવાની સુપર રિસ્પોન્સિબિલિટી પણ આવી પડે (સૅવિંગ ધ વર્લ્ડ ઇઝ સો મિડલક્લાસ, મોનિશા!)

– પરંતુ મને ડૉ. સ્ટ્રેન્જની સ્ટોરી ડૅડપૂલ, આયર્નમેન જેવી લાગી. સ્પેશ્યલ ઇફેક્ટ્સ ‘ઇન્સેપ્શન’ જેવી અને ‘માયાવી ચોલા’ તેના માલિકને પસંદ કરે એ વાત ‘હૅરી પોટર’નો ‘વૉન્ડ’ની યાદ અપાવી ગઈ. થોડુંક વિચારીએ તો અમુક સિક્વન્સીસમાં પાંડવોના ‘જળ ત્યાં સ્થળ’ના દૃષ્ટિભ્રમવાળો પેલેસ પણ યાદ આવી જાય (એમ તો આ ફિલ્મનું પોસ્ટર પણ ‘હૅપી ન્યુ યર’ જેવું લાગે છે). પરંતુ સ્ટોરીની દૃષ્ટિએ ફિલ્મમાં એઝ સચ કશું જ નવું નથી. એની એ જ ‘ગુડ વર્સસ ઇવિલ’ની વાત, માત્ર આ વખતે તે પ્રાચીન ગૂઢ વિદ્યાના પૅકિંગમાં છે. આખી ફિલ્મમાં હ્યુમર વેરાયેલી પડી છે, જે ડૅડપૂલ જેવી સ્માર્ટ તો નથી, પણ તોય હસાવે છે ખરી. ખાસ કરીને લાઇબ્રેરીવાળા તમામ સીન. એ લાઇબ્રેરિયનનું નામ પણ બેનેડિક્ટ જ છે, બેનેડિક્ટ વૉંગ.

– ફિલ્મમાં એવું કહે છે કે એ મિસ્ટિક વિદ્યા શીખવા માટે ડૉ. સ્ટ્રેન્જે પોતાનો એવરેસ્ટ જેવો ઇગો-નૉલેજ છોડીને આવવું પડશે. પરંતુ કસમ સે, એ કશું જ છોડતો નથી, અને મૅગી, સોરી, પતંજલિ નૂડલ્સ બનતી હોય એ ઝડપે તમામ વિદ્યાઓ શીખી જાય છે (એ જેટલા સમયમાં એ ગૂઢ વિદ્યા શીખે છે એના કરતાં વધુ સમય તો મને આ સ્ટેટસ લખતા થયો છે).

– યાર, ડૉ. સ્ટ્રેન્જની કલીગ-ગર્લફ્રેન્ડ બનતી રાચેલ મૅકઍડમ્સ કેવી સુપ્પક હૉટ છે! (એના સીન આવે એ વખતે થિયેટરમાં ગરમી ગરમી લાગવા માંડતી હતી, ખરેખર!) પરંતુ દયા મને ચીવેટલ ઇજિઓફોર નામના એક્ટરની આવી. એક તો બચાડો વર્ષોથી ત્યાં નેપાળમાં ‘ગુરુમા’ની ચાકરી કરતો હોય, અને આ ઇમ્પોર્ટેડ ડૉક્ટર સ્ટ્રેન્જ ત્યાં આવીને થોડા જ સમયમાં બૉસ બની જાય! મીન્સ એના પ્રમોશનના કોઈ ચાન્સ જ નહીં! પાછી તો આ ’12 યર્સ અ સ્લૅવ’ સ્ટારની આંખો એવી ભાવવાહી છે કે એવું જ લાગે કે આ હમણાં રડી પડશે! બાય ધ વે, બહુ ટાઇમે કોઈ હૉલિવૂડ મુવીમાં મેં બૅકગ્રાઉન્ડમાં તબલા વાગતાં સાંભળ્યા.

– આમ તો આ ફિલ્મમાં ‘ઇસ્ટર ઍગ્સ’ કહેવાતા ઝાઝા સરપ્રાઇઝ દેખાયા નહીં (હશે તો ખરા જ). પણ હા, માર્વેલના પિતામહ સ્ટૅન લીનો કૅમિયો તો આમાં પણ છે. એ કઈ જગ્યાએ આવે છે એ કહીને તમારી મજા કિરકિરી નથી કરવી. એક ઠેકાણે ડૉ. સ્ટ્રેન્જ એક ઝાટકે લંડનની બહાર નીકળે છે, ત્યારે એની આંખ સામે ‘બૅકર સ્ટ્રીટ’નું પાટિયું આવે છે. જો ’21 બૅકર સ્ટ્રીટ’ રાખ્યું હોત તો મસ્ત ઇસ્ટર ઍગ બનત.

– આવી ‘માર્વેલ’ની સુપરહીરો ફિલ્મ હોય એટલે મિડ ક્રેડિટ સીન અને પોસ્ટ ક્રેડિટ સીન જોવા માટે ફિલ્મ પૂરી થયા પછીયે ટિકાવીને બેસવાનું જ હોય. એક સરપ્રાઇઝ સાથેનો મિડ ક્રેડિટ સીન તો પટ્ દઇને આવી જાય છે, પણ પોસ્ટ ક્રેડિટ સીન આવતાં સુધીમાં આપણે તો ઠીક, પેલા પ્રોજેક્શનવાળા હાંફી જાય છે. અંકે સાડા આઠ મિનિટ ચાલતા અડધી દુનિયાની વસ્તી જેટલાં નામો જોયાં પછી જ્યારે પોસ્ટ ક્રેડિટ સીન સ્ટાર્ટ થાય, અને એ જ ક્ષણે પેલો પ્રોજેક્શનવાળો સ્ક્રીન બંધ કરી દે, ત્યારે જે ખુન્નસ ચડે! (એ સાલાને તો પ્રિમૅચ્યોર ઇજેક્યુલેશન જ થવું જોઇએ, એટલે ખબર પડે કે જેની રાહ જોઇને બેઠા હોઇએ અને એ પહેલાં જ ગેમ ઑવર થઈ જાય તો કેવી ખીજ ચડે!)

– ટિપિકલ સુપરહીરો ફિલ્મ બનાવવાને બદલે નેક્સ્ટ ટાઇમ કંઇક વધુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બનાવે તો કંઇક મજા આવે. ત્યાં સુધી આ ફિલ્મ પણ કંઈ ખોટી નથી.

રૅટિંગઃ *** (ત્રણ સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.