ડિયર ઝિંદગી

દાસ્તાન-એ-ઝિંદગી

***

અઢી કલાકની ‘ડિયર ઝિંદગી’ કોઈ ફિલ્મ કરતાં એક સાઇકાયટ્રિસ્ટના લાંબા સૅશન જેવી વધારે લાગે છે.

***

પૃથ્વીના નકશા પર જે દેશનું નામ શોધવું પણ અઘરું પડે એવા કોઈ દેશમાંથી આવેલી ફિલ્મ કોઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચાલતી હોય. ફિલ્મ આમ સરસ હોય, પણ પડદા પર ખાસ કશું બનતું ન હોય. તેનાં મુખ્ય પાત્રો પણ જાણે વડાપ્રધાન સાથે મીટિંગ કરવા આવ્યાં હોય તેમ વાતો જ કર્યે જતા હોય. તમને અંદરથી થતું હોય કે ‘હા ભઈ, સમજી ગયા. હવે આગળ વધો ને’, પણ ડિરેક્ટર તો પાણી પર તરતી મૂકેલી કાગળની હોડીની સ્પીડમાં જ ફિલ્મ આગળ ધપાવવાના મૂડમાં હોય. છતાં બે અઢી કલાકે ફિલ્મ પતે પછી ઠીકઠાક સંતોષ પણ થાય કે ચલો જીવનમાં ક્યાંક કામ લાગે એવું જાણવા તો મળ્યું. ગૌરી શિંદેની ‘ડિયર ઝિંદગી’ ડિટ્ટો આવી જ ફિલ્મ છે. ઇવન કોઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવાનાં અરમાન હોય તેમ આ ફિલ્મમાં અંગ્રેજી સબટાઇટલ્સ પણ ઉમેરવામાં આવ્યાં છે.

ઝૂમ ઇન દર્દ

કાયરા (આલિયા ભટ્ટ) એક ટેલેન્ટેડ સ્ટ્રગલિંગ સિનેમેટોગ્રાફર છે. કેમેરાની ફ્રેમમાં એને પર્ફેક્ટ દૃશ્ય પકડતાં આવડે છે, પણ જ્યાં વાત પોતાની લાઇફ પર ફોકસ કરવાની આવે ત્યાં પીડા અને દર્દ જ ઝૂમ ઇન થયા કરે. આવી એક દર્દીલી અવસ્થામાં એ પોતાના ઘરે ગોવા રિટર્ન થાય છે. ત્યાં એને થાય છે કે આ જૂની પીડાનું પોટલું માથે લઇને ફરવા કરતાં એક સારા સાઇકાયટ્રિસ્ટને બતાવીએ તો સમું પડે એમ છે. એટલે એ પહોંચી જાય છે ડૉ. જહાંગીર ખાન (શાહરુખ ખાન) પાસે. જહાંગીર અલગ અલગ સૅશનમાં બહુ ધીરજથી કાયરાની વાતો સાંભળે છે, પોતાની રમતિયાળ સ્ટાઇલોમાં એની અંદરના જૂના ઘા સાફ કરીને તેના પર મલમ લગાવે છે. અમુક સેશન્સ પછી એક નવી જ કાયરા બહાર આવે છે, જે કોન્ફિડન્ટ છે અને ડિયર ઝિંદગી સાથે દો દો હાથ કરવા માટે તૈયાર છે.

ઍન્ટર ધ લાઇફ

સિનેમાનો એક બૅઝિક નિયમ છે, ‘શૉ, ડૉન્ટ ટૅલ.’ મતલબ કે તમારી પાસે કેમેરા છે તો દૃશ્યને બોલવા દો ને, પાત્રોએ આખો વખત ચપડ ચપડ કરવાની ક્યાં જરૂર છે? ‘ડિયર ઝિંદગી’ જોયા પછી પહેલો સવાલ આ જ થાય. ફિલ્મનો મોટા ભાગનો સમય શાહરુખ- ધ સાઇકાયટ્રિસ્ટ અને આલિયા- ધ બ્રોકનહાર્ટ-ઇન્સોમ્નિઍક-ડિપ્રેસ્ડ પૅશન્ટ વચ્ચેના કાઉન્સેલિંગમાં જ પસાર થાય છે. જાણે કોઈ મનોચિકિત્સકની ક્લિનિકની અંદર કેમેરા મૂકી દીધો હોય એવી જ ફીલ આવ્યા કરે. દિગ્દર્શિકા ગૌરી શિંદેએ પોતાના કોઈ સાઇકાયટ્રિસ્ટ મિત્ર સાથેની વાતો પરથી કે પોતાના અનુભવો પરથી બનાવી હોય એ હદે આ ફિલ્મમાંથી આત્મીયતા ઝલકે છે. ફિલ્મમાં કાયરા પોતાનાં બાળપણના અનુભવોને કારણે એક કોશેટામાં પુરાઈ ગઈ છે અને હવે સતત એક બીકમાં ફર્યા કરે છે. ડૉ. જહાંગીર ખાન ઝાડની ડાળીમાં ફસાયેલી પતંગની માવજતથી કાયરાને તે કોશેટામાંથી બહાર કાઢે છે અને પોતાના આકાશમાં મુક્ત કરે છે. આ ફિલ્મનું પૅકેજિંગ, પાત્રો, એમની વચ્ચેની વાતચીત, એમની લાઇફસ્ટાઇલ બધું જ હાડોહાડ અર્બન છે. કાયરા અત્યારના અર્બન યુથનું પ્રતિનિધિત્વ કરે છે. એવું યુથ જે સતત લવ-બ્રેકઅપ્સનાં અપડાઉનમાં ફસાયેલું છે. એટલે પોતાની અંદર આ પ્રકારનું દર્દ લઇને ફરતા લોકોને આ ફિલ્મમાં પિરસાયેલું જ્ઞાન અપીલ કરી શકે. ઘટનાઓને બદલે માત્ર ફિલોસોફિકલ વાતચીત જ હોવા છતાં પોતાની લવલાઇફ કે ભૂતકાળની લાઇફથી પરેશાન લોકો આ ફિલ્મને બાબાજીના પ્રેરકવચનની જેમ ગળે ઉતારી જાય. પરંતુ બાકીના લોકો સતત ધીમે ધીમે ચાલ્યા કરતી આ પ્રવચનમાળાથી કંટાળી જાય એવું પણ બનશે.

ભૂતકાળની કડવી યાદોમાંથી કેવી રીતે બહાર નીકળવું, પોતાની જાતને-પોતાનાં માતાપિતાને કે આપણને નુકસાન પહોંચાડનારા તમામ લોકોને માફ કરીને કઈ રીતે આગળ વધવું, જેમ શરીરને ડૉક્ટરની જરૂર પડે તેમ મનને પણ ડૉક્ટરની જરૂર પડે અને તેમાં કશી જ શરમ જેવી વાત નથી એવી કેટલીયે વાતો માત્ર બોલીને સમજાવવાને બદલે કંઇક નવી જ સ્ટાઇલમાં પ્રેક્ટિકલી કરી બતાવી હોત તો ફિલ્મ ક્યાંય રસપ્રદ બની જાત. ભૂતકાળમાં બાસુ ચૅટર્જીની ‘છોટી સી બાત’માં, રાજકુમાર હિરાણીની ‘મુન્નાભાઈ’ અને ‘3 ઇડિયટ્સ’માં આ વસ્તુ બહુ અસરકારક રીતે ઍક્ઝિક્યુટ થઈ હતી.

અર્બન અને ઑફબીટ એવી આ ફિલ્મ ઇન્ટરેસ્ટિંગ બની છે, તેનો સૌથી મોટો શ્રેય આલિયાને આપવો પડે. એના કૅરેક્ટરમાં ઇન્સિક્યોરિટી, પ્રેમી તરીકે એક સિક્યોર વ્યક્તિનો સાથ મેળવવાની ઝંખના, ડિપ્રેશન, ઊંડે ધરબાયેલો ગુસ્સો, મહત્ત્વાકાંક્ષા, ઉદ્ધતાઈ, ચીડિયાપણું, સમાજના દંભ સામે અકળામણ એવા કેટલાય શૅડ્સ છે, અને એ છોકરીએ બધી જ ફીલિંગ્સને જબરદસ્ત કાબેલિયતથી વ્યક્ત કરી બતાવી છે. પોતાના બાળપણની વાત કહેતો એનો એક લાંબો મોનોલોગ, ‘હાઇવે’ ફિલ્મની યાદ અપાવતો એનો ગુસ્સાનો જ્વાળામુખી ફાટતી વખતનો સીન જેવાં કેટલાંય દૃશ્યોમાં એની એક્ટિંગ જુઓ તો આલિયાના નામનો એક પણ જોક ફોરવર્ડ કરવાની ઇચ્છા ન થાય. સામે પક્ષે શાહરુખે પણ ફાલતુ હીરોગીરીમાંથી વેલકમ બ્રેક લઇને આવો પર્ફોર્મન્સ ઓરિએન્ટેડ રોલ કર્યો છે, જે એની ઉંમર અને પર્સનાલિટી બંનેને એકદમ ટૅલરમૅડ સૂટ કરે છે. લોકોને ગમે કે ન ગમે તે પછીની વાત છે, પરંતુ લીડ સ્ટાર્સ સાથે આવી ઍક્સપરિમેન્ટલ ફિલ્મ બને તે બદલ પણ બ્રૅવરી અવૉર્ડ આપવો પડે.

‘ડિયર ઝિંદગી’ની સપોર્ટિંગ કાસ્ટ પણ એકદમ હુંફાળી છે. ખાસ કરીને કાયરાની બહેનપણીઓ બનતી ‘આઇશા’ ફેમ ઇરા દુબે અને ‘ફોબિયા’ ફેમ યશસ્વિની દાયમા યંગસ્ટર્સને ચ્યુઇંગમની જેમ ચિપકી જશે. કેમકે, એકદમ નૅચરલ ઍક્ટિંગ ઉપરાંત ચૅટિંગની ભાષામાં એમની વાતચીત, ‘કોકો’, ‘જૅકી’, ‘ફૅટી’ જેવાં એમનાં ફન્કી નિકનૅમ બધું યંગસ્ટર્સને અપનેવાલેની ફીલ આપે તેવું જ છે. થોડાક મૅલ શોવિનિસ્ટ શૅડ ધરાવતા પાત્રમાં પોની ટેઇલ્ડ કુણાલ કપૂર ઘણા સમયે નોંધપાત્ર ફિલ્મમાં દેખાયો છે. ફિલ્મની શરૂઆતમાં સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતું ડિસ્ક્લેમર દેખાય એટલે શંકા જાય કે આ ફિલ્મમાં કોઈ પાકિસ્તાની ઍક્ટર હોવો જોઇએ. ત્યાં જ ગિટાર ખખડાવતો અલી ઝફર દેખાય. અલબત્ત, એણે ગાયેલું ‘તારીફોં સે તૂ નહીં માનનેવાલી’ ગીત ખરેખર સરસ છે. થૅન્ક્સ ટુ, સંગીતકાર અમિત ત્રિવેદી અને ગીતકાર કૌસર મુનીર.

ગૌરી-બાલ્કી દંપતી ઍડ્વર્ટાઇઝિંગ વર્લ્ડમાંથી આવે છે. એટલે જ બડી ચાલાકીથી એ બંને પોતાની ફિલ્મોમાં પ્રોડક્ટ મૂકી દે છે. અહીં પણ ત્રણ ઠેકાણે ઈ-કોમર્સ સાઇટ ‘ઇ-બે’નું બેશરમ પ્રોડક્ટ પ્લેસમેન્ટ છે (જસ્ટ એ બતાવવા માટે કે આલિયા કમ્પલ્સિવ બાયર બની ગઈ છે, એ પ્લેનમાં બેઠાં બેઠાં ઈ-બે પરથી વસ્તુઓ ઑર્ડર કરે, ઘરે પહોંચે ત્યાં સુધીમાં આવી પણ જાય. એટલું જ નહીં, પાછળથી ઈ-બેમાંથી કસ્ટમર સેટિસ્ફેક્શનનો ફોન પણ આવે! વાહ! હા, નવી આવેલી બુકને જે રીતે આલિયા સૂંઘે છે એ આપણને ગમ્યું!). એક ઠેકાણે તો ‘ઇરોસ’માં પોતાની જ ‘કી એન્ડ કા’ ચાલતી દેખાય છે અને એક ડાયલોગમાં ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ શબ્દપ્રયોગ પણ થયો છે. આવું બધું શોધવાનો પુષ્કળ ટાઇમ મળી રહે છે કેમકે ફિલ્મ અઢી કલાકની તોતિંગ લંબાઈ ધરાવે છે.

વેલકમ ઝિંદગી

‘ડિયર ઝિંદગી’ ફિલ્મ તરીકે તો ખાસ્સી ધીમી, પ્રીડિક્ટેબલ અને ઍવરેજ છે. અગાઉ ન કહેવાઈ હોય તેવી કોઈ નવી વાત પણ તેમાં નથી. પરંતુ તમને તે કેવીક ગમે છે તે તમારી પોતાની મનોસ્થિતિ, ટેસ્ટ અને ધીરજ પર આધાર રાખે છે. મંજે એક વખત આ ફિલ્મને તક આપવામાં કોઈ જ વાંધો નથી. કોને ખબર તમને પણ જૂના ઘાવ ભરવાનો મલમ કે આગળ વધવા માટેની પાંખો આ ફિલ્મમાંથી જડી આવે? કંઈ નહીં તો બ્યુટિફુલ લૉકેશન્સ જોઇને ગોવાની ટિકિટ કઢાવવાની તો ઇચ્છા થઈ જ આવશે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Breakfast Longing

આજકાલ કરતાં અમદાવાદમાં બાર વર્ષ થયાં (ના, આ કોન્ગ્રેચ્યુલેશન્સ ઉઘરાવવાની પોસ્ટ નથી!). વાળમાં ચોંટેલી ચ્યુઇંગગમની જેમ ચીપકી ગયેલા આ શહેર સાથે મારો લવહેટનો વહેવાર ચાલતો રહે છે. આ શહેરની મને ન ગમતી એકાદ કરોડ બાબતો પૈકીની બે એટલે અહીંનું એક્સ્ટ્રીમ વેધર અને શહેરનો ADHDના પેશન્ટ જેવો રેસ્ટલેસ સ્વભાવ. સવારના સાતેક વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી લોકો સતત ક્યાંક જવા માટે ભાગતા જ હોય. પહેલી વાર ગોવા ગયેલો ત્યારે બે મિનિટ તો પણજીની રોડસાઇડે ઊભા રહીને મેં ટ્રાફિક જોયેલો. રીતસર સ્લોમોશનમાં ચાલતાં વાહનોમાં કોઇને ક્યાંય પહોંચવાની ઉતાવળ જ નહીં. ઇવન તમે રસ્તાની વચ્ચે આવી જાઓ કે કોઈ વાહનને ઊભા રહેવું પડે, તોય બીજી જ સૅકન્ડે હૉર્ન મારીને ચેંચેંપેંપેં કરવાની ફિતરત પણ નહીં. આગળના ટ્રાફિકને શાંતિથી ક્લિયર થવા દે. ડિટ્ટો હિલસ્ટેશનોમાં પણ એવું. એક શાંત સોફ્ટ ઇન્સ્ટ્રુમેન્ટલ પીસની જેમ દિવસ શરૂ થાય અને સૂધિંગ રોમેન્ટિક સોંગની જેમ આગળ વધતો રહે. જ્યારે અમદાવાદમાં દિવસ સીધો ક્રેસેન્ડોથી જ શરૂ થાય અને એનાથીયે ઊંચા નૉટ્સ પર પહોંચવાની ટ્રાય કરતો રહે.

એમાં ક્યારેક બહાર અર્લી મોર્નિંગ બ્રેકફાસ્ટનું વિચારીએ તો આખું ‘ઝોમેટો’ ઊલેચી નાખીએ પણ ફાઇવસ્ટાર હૉટેલોને બાદ કરતાં કોઈ સારા ઑપ્શન જ ન મળે. હા, ઑફિસોવાળા એરિયાની આસપાસ કામચલાઉ ખાઉગલીઓ ફૂટી નીકળી હોય, પણ ત્યાં ઊભા રહીને ખાતા કૉર્પોરેટ એમ્પ્લોયીઝને જોઇએ લાગે કે ‘પેટનો ખાડો પૂરવો’ એ કહેવત જેણે પણ બનાવી હશે એ માણસ ટાઇમટ્રાવેલ કરીને અમદાવાદ આવ્યો હોવો જોઇએ. ૪૫-૪૮ ડિગ્રી સે. ભઠ્ઠીમાં વડાપાઉં, ચોળાફળી, દાળવડાં, ગાંઠિયા, પૌંઆ, ઇડલીના નામે નાયલોનનો ડૂચો અને સાંભારના નામે ખારું-તીખું પાણી ખાતા, સોરી ગળચતા લોકોની હોજરી વિશે વિચારીએ તો લાગે કે ‘અસહિષ્ણુતા’ની બૂમો પાડનારા ખરેખર ખોટ્ટાડા છે. અને દરેક વસ્તુની ઉપર ચીઝના ડુંગરા (‘ચીઝ ઇડલી’, કેન યુ બિલીવ?!). જપાનીઓએ ચા પીવા, જાજરૂ જવાથી લઇને આત્મહત્યા (સેપ્પુકુ, હારાકીરી) કરવાની પણ વિધિઓ બનાવી હતી. અહીંયા ત્રણેયની ભેળસેળ થઈ ગઈ હોય એવું લાગે.

ઇરાની, ઉડીપી કૅફેની જેમ જેની પોતાની એક પર્સનાલિટી હોય, કાઉન્ટરની પેલે પાર ઊભીને બધાં જ ટેબલો પર નજર રાખતી વ્યક્તિએ ફિલ્મની જેમ નજર સામે એક સ્થળેથી આખી બદલાતી દુનિયા જોઈ હોય (જે પોતાને ત્યાંના ટેસ્ટ અને ક્વૉલિટી બાબતે પઝેસિવ હોય), જ્યાંના માલિક અને આવતા લોકો એકબીજાને ઓળખતા હોય, ગ્રાહક પ્રત્યે ‘જે છે તે આ છે’ ટાઇપનો એટિટ્યુડ ન હોય, જ્યાં ફ્રી વાઈફાઈની બબાલ ન હોય, બહાર ઊછળતા સ્ટ્રેસના મહાસાગરની વચ્ચે જે મૅડિટેશનના ટાપુ જેવી હોય એ ટાઇપની જગ્યાઓ અહીં બહુ ઓછી છે. ના, CCD ટાઇપનાં સો કૉલ્ડ અર્બન, કૃત્રિમ ઠંડક અને ઘોંઘાટિયા મ્યુઝિકવાળાં હાડોહાડ આર્ટિફિશિયલ કૅફે આમાં ક્વૉલિફાય ન થાય (જ્યાં ગ્રાહક હોય તો જસ્ટિન બીબર વાગે અને ગ્રાહકો ન હોય, તો તરત જ ‘ઝી સિનેમા’ પર ‘ફૂલ ઔર અંગાર’ મુકાઈ જાય). મારી સાથે ડિસઅગ્રી થતા લોકો પાસે પોતાનાં લોકેશન્સ હશે, પણ જગ્યાઓ, ત્યાં પિરસાતી વાનગીઓ પાસેથી મારી અપેક્ષા વધારે હોય છે, જે પૂરી નથી થતી.

મન થાય છે કે રસ્કિન બોન્ડ અને બહેરામ કોન્ટ્રાક્ટર (‘બિઝી બી’)નાં લખાણોમાં કૂદકો મારીને ગાયબ થઈ જાઉં અને પછી ક્યારેય બહાર જ ન નીકળું!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Annamalai Karu

અન્નામલાઈ કરુ, કોમનમેન જેવા ચેક્સવાળા શર્ટમાં.
અન્નામલાઈ કરુ, કોમનમેન જેવા ચેક્સવાળા શર્ટમાં.

આજની ‘સાલા ખડૂસ’ની રિલીઝે મને થોડાક ફ્લેશબૅકમાં જવા મજબૂર કરી દીધો… (ઇમેજિન કરો આપણે ફ્લૅશબૅકમાં જઈ રહ્યા છીએ…)
***
કટ ટુઃ FTII થિયેટર
ટાઇમઃ જૂન, ૨૦૧૩
ફિલ્મ અપ્રિશિયેશન કોર્સ (FAC)ની પૂર્ણાહૂતિ વખતે (જેમને ભારતમાં ક્યારેક ડર લાગે છે એવાં) કિરણ રાવના હસ્તે અમારા સૌનો ફેલિસિટેશન વિધિ ચાલતો હતો. વન બાય વન સૌનાં નામ બોલાય, સર્ટિફિકેટ મળે અને તાળીઓ પડે એવો ક્રમ. પરંતુ એક નામ એનાઉન્સ થયું કે દસગણું વધારે ચિયર થયું અને સ્ટેન્ડિંગ ઑવેશન પણ અપાયું. એ નામ હતું, અન્નામલાઈ કરુ. ઇવન કિરણ રાવે પણ આશ્ચર્યથી પૂછ્યું કે, ‘આ ભાઈ કોઈ સેલિબ્રિટી છે કે શું?’

એ જાણવા માટે ફ્લૅશબૅકના પણ ફ્લૅશબૅકમાં જવું પડશે.
***
કટ ટુ FTII ક્લાસરૂમ થિયેટર,
ટાઇમઃ અમારા FACના પહેલા દિવસનું એન્ડિંગ
કલ્ચરલ એમાલ્ગામેશન જેવા કોર્સના એ પહેલા દિવસે સૌનાં ઇન્ટ્રો-બિન્ટ્રો થયા, લાંબાં લેક્ચર્સ ભરીને સૌ થાક્યા. પછી રાત્રે બૅક ટુ બૅક બે ફિલ્મો જોઈ. એટલે ઓર ટેં થઈ ગયા. પરંતુ હળવો ટ્વિસ્ટ બીજા દિવસે હતો.

કટ ટુ FTII ક્લાસરૂમ થિયેટર,
ટાઇમઃ FACના બીજા દિવસની સવાર
બધા એક બીજાને પૂછતા હતા કે આ અન્નામલાઈ કરુ કોણ છે? આપણી જ બૅચમાં છે? કે પછી અહીં FTIIના મેનેજમેન્ટનું કોઈ છે?

એનું કારણ એ હતું કે પહેલા દિવસે બધાં લેક્ચર્સમાં જે જે ફિલ્મોનાં નામોનો ઉલ્લેખ થયેલો એ તમામનું મસ્ત લિસ્ટ તે દરેકની યુટ્યુબ લિંક્સ સાથે અમારા FACના ગૂગલ ગ્રૂપમાં મેઇલ થઈ ગયેલું હતું! ઇવન રેફરન્સ બુક્સનાં નામ, લેખક વગેરેની ડિટેલ્સ પણ એમાં હતી!

પછી ખબર પડી કે અન્નામલાઈ કરુ એટલે આપણો બૅચમેટ ફ્રોમ ચેન્નઈ. એકદમ સ્ટુડિયસ બૉય જેવો દેખાવ, સિમ્પલ ડ્રેસિંગ અને જેન્યુઇન સ્માઇલ. અભિમાનનો એકેય છાંટો વર્તાય નહીં. વાતો માંડે તો દૂર તલક જાયે. લોચો માત્ર એક જ, હિન્દીમાં બોલો તો પ્રેમથી કહેશે, ‘સોરી, પ્લીઝ ઇંગ્લિશ!’ (આમેય આપણું તમિળ તો પહેલેથી જ કાચું!)

એ પછી તો FACમાં રોજનો ક્રમ થયો. દિવસ પતે એટલે તે દિવસે મૅન્શન થયેલી તમામ ફિલ્મો, બુક્સ, આર્ટિસ્ટ્સની લિંક્સ સાથેની ડિટેલ્સ લેક્ચરવાઇઝ ગોઠવાઇને અમારાં સૌનાં ઇનબૉક્સમાં પહોંચી જ ગઈ હોય. બધાને એ જ સવાલ થાય કે રાત્રે બાર-એક વાગ્યે અમારા સૌના કિલોમીટર પૂરા થઈ ગયા હોય ત્યારે આ માણસ આટલું બધું કરે છે ક્યારે અને કઈ રીતે?! (અને આવી ખાલીપીલી મજૂરી, કાયકુ?!)

નેચરલી, અન્નામલાઈ કરુ અમારા FACનો મોસ્ટ પોપ્યુલર સ્ટુડન્ટ.
***
પછી તો હું જેટલી વાર IFFI, GOA ગયો ત્યાં પણ એ હાજર હોય, એ પણ પૂરેપૂરા દસેય દિવસ. આ વખતે તો એણે અમારું એક વ્હોટ્સએપ ગ્રૂપ બનાવ્યું અને પોતે જે જે ફિલ્મો જોઈ (અને બહુ બધી જોઈ), એનાં નામ-ઠામ અને ઇમોજી સાથેનો ક્વિક રિવ્યૂ ફટાફટ સેન્ડ કરતો રહે. કોઈ સુપર્બ મુવીનું રિ-સ્ક્રીનિંગ હોય તો એનીયે જાણ કરે.
***
એ બધી અવરજવર દરમ્યાન વાત થયેલી કે એ ચેન્નઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં AD (આસિસ્ટન્ટ ડિરેક્ટર) છે અને ‘ગોલમાલ’ની કોઈ રિમેકમાં અને અમુક અન્ય ફિલ્મોમાં એણે કામ કર્યું છે. પરંતુ આ વખતે IFFIમાં એણે અમને જસ્ટ એમ જ કહેલું કે જાન્યુઆરીમાં અમારી માધવન સ્ટારર ‘સાલા ખડૂસ’ આવે છે (ના, એ એનો ડિરેક્ટર નથી, પણ ચારેક એસોસિએટ ડિરેક્ટર્સમાંનો એક છે). પરંતુ ‘બોસ, આપણે આઈ ગયા છીએ’ એવી કોઈ ગુલબાંગો નહીં. ઇવન એ FB-ટ્વિટર પર ખાસ એક્ટિવ પણ નથી.

પરંતુ આજે મેં ‘સાલા ખડૂસ’ જોયું અને એમાં ટાઇટલ (અને એન્ડ) ક્રેડિટ્સમાં એનું નામ જોયું, તો આમ જરાક પ્રાઉડ જેવી ફીલિંગ આવી. ત્યાં ‘ઝલ્લી પટાખા’ સોંગમાં તો ભાઈ સદેહે એક નાનકડા કેમિયોમાં દેખાયા. એના સ્ક્રીનશોટ્સ મૂક્યા છે, જેમાં એ ‘કોમનમેન’ સ્ટાઇલના શર્ટમાં ચશ્માં સાથે દેખાય છે.

બસ, આટલી અમથી વાત. લાઇફમાં એક મસ્ત માણસને મળ્યાનો આનંદ અને એની પ્રગતિ જોઇને પ્રાઉડ ટાઇપની ફીલિંગ!
Carry on Annamalai Karu!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

International Film Festival Of India (IFFI), 2015

મને આળસ આવી જાય અને સાવ રહી જાય તે પહેલાં આ વખતના IFFI એટલે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનાં મારાં ઑબ્ઝર્વેશન્સ અને મેં જોયેલી કેટલીક ફિલ્મોની વાત.

– આ વખતે ડેલિગેટ ફી ૩૦૦ રૂપિયાથી વધારીને સીધી ૧૦૦૦ કરી દેવાઈ. કદાચ તેને લીધે પણ ત્યાં આવેલા ડેલિગેટ્સની સંખ્યા પણ થોડી ઓછી દેખાતી હતી.

– ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા હોવા છતાં ૨૦૧૩ કરતાં આ વખતે ડેકોરેશનમાં પણ ખાસ્સી ઉદાસીનતા દેખાતી હતી. ઇવન ગોવાના લોકો પણ કહેતા હતા કે હવે તો ઇફ્ફી ક્યારે આવે છે અને ક્યારે જાય છે તે અમને જ ખબર પડતી નથી.

– મૅગી તો કેમ્પસમાંથી ગાયબ હતી, પણ હમણાં સુધી વીસેક રૂપિયામાં મળતાં ચા-કૉફી સીધાં ૬૦-૭૦થી શરૂ થતાં હતાં. જેની સામે એ જ કૅમ્પસમાં કિંગફિશરના સ્ટૉલમાંથી ૪૦ રૂપિયામાં બીયર મળી જાય. ટૂંકમાં ચા-કૉફીને બદલે દારૂ પીઓ!

– સવારે સાડા આઠ વાગ્યાથી શરૂ કરીને રાત્રે એક-દોઢ વાગ્યા સુધીના સમયગાળામાં અમે રોજની સરેરાશ છ ફિલ્મો જોઈ. કોઈ શૉર્ટફિલ્મ

We @ IFFI, 2015
We @ IFFI, 2015

હોય તો સંખ્યા વધી જાય. ૧૧:૩૦-૧૧:૪૫ના લેટનાઇટ શૉને બાદ કરતાં ઓલમોસ્ટ બધા જ શૉઝ હાઉસફુલ રહેતા હતા. ડૅલિગેટ્સને રોજની મૅક્સિમમ ત્રણ જ મુવી જોવા મળે. તેમ છતાં આંટાફેરામાં ટાઇમ બરબાદ કર્યા વિના ટિકિટ વિનાનાઓની ‘રશ ક્યૂ’માં વહેલાસર ઊભા રહી જાઓ તો તમને શક્ય તેટલી બધી જ ફિલ્મો જોવા મળી જાય.

– શિડ્યુલ તૈયાર કરનારાઓએ વખણાયેલી ફિલ્મોને નાનાં ઑડિટોરિયમ આપ્યાં, બીજી સારી ફિલ્મોની સામે ક્લૅશ થાય તે રીતે ગોઠવી અને રિપીટ શૉઝ પણ ન રાખ્યા. તેને લીધે પણ ઘણી મસ્ત ફિલ્મો જોવાની રહી ગઈ.

– આ વખતે એક જ ફિલ્મમાં એવું બન્યું કે ક્યૂમાં ઊભા રહેવા છતાં વારો ન આવ્યો હોય. તે હતી ફ્રેન્ચ ફિલ્મ ‘તાજ મહલ.’ મુંબઈ પરના ૨૬/૧૧ના હુમલામાં તાજ મહલ હૉટેલમાં એક યુવતી ફસાઈ જાય અને એને કેવા અનુભવ થાય તેની એકદમ ગ્રિપિંગ-હૉન્ટિંગ સ્ટોરી આ ફિલ્મમાં હતી. (આપણે રામુની ફિલ્મને બાદ કરતાં આ ઘટના પર એકેય સારી ફિલ્મ બનાવી શક્યા નથી એ જસ્ટ જાણ સારુ. રામુની ફિલ્મ પણ હુમલા પર નહીં, બલકે કસાબ પર હતી.)

– આખા ફેસ્ટમાં જોયેલી બેસ્ટંબેસ્ટ ફિલ્મ હતી ટર્કિશ ફિલ્મ ‘મશ્ટેંગ.’ મા-બાપ વિનાની અને કાકા-દાદીની સાથે રહેતી પાંચ ટીનએજર બહેનોની વાત. એમની તોફાન મસ્તી, બળવાખોર મિજાજ, સ્વતંત્રતાની ઝંખના, એમની વચ્ચેની કેમિસ્ટ્રી, સ્ત્રીઓને કેદ કરીને રાખવાની વાહિયાત રૂઢિચુસ્તતા સામે બંડ પોકારવાની આ ફિલ્મ એકેય તબક્કે પોતાની હાર્ટવૉર્મિંગનેસ અને હળવાશ ગુમાવતી નથી. આ ફિલ્મ પતી ત્યારે પહેલી વાર ઇફ્ફીમાં સળંગ તાળીઓ અને સીટીઓનો સિલસિલો જોયો. આ પાંચેય છોકરીઓને સહિયારો બેસ્ટ એક્ટર ફીમેલનો અવૉર્ડ મળ્યો. જો તમે આ ફિલ્મ જોયા વિના મરશો તો તમારા આત્માને શાંતિ નહીં મળે, જાવ શાપ આપ્યો!

– મારા મતે સેકન્ડ બૅસ્ટ ફિલ્મ એટલે પાકિસ્તાનની ‘મૂર’ (જેનું સ્ટેટસ અગાઉ મૂકી ગયો છું). મેં જોયેલી બેસ્ટ નોન-ઇંગ્લિશ ટ્રેન મુવી. મ્યુઝિક, મેસેજ, સિનેમેટોગ્રાફી, એક્ટિંગ, લોકેશન્સ બધું જ લાજવાબ. ભારતને ભાંડવાની તક હોવા છતાં કડવાશ ઘોળી નથી. ઉપરથી માતા-પત્ની-માશુકા ગાઇડિંગ સ્ટાર-ધ્રુવ તારો બની હોય તેવી આલા દરજ્જાની વાત પણ તેના કેન્દ્રસ્થાને છે.

– એ સિવાય એક મસ્ત ફિલ્મ હતી જૅપનીસ ‘સ્વીટ રેડ બીન પેસ્ટ.’ એક વૃદ્ધ સ્ત્રીના હાથમાં એવો જાદુ છે કે વર્લ્ડ બેસ્ટ સ્વીટ રેડ બીન પેસ્ટ બનાવી શકે છે, પણ એના એ જ હાથે એને નાનપણથી જ એકલવાયી બનાવી દીધી છે. ખોરાક સાથે વાત કરવાની, અબોલ પક્ષીઓનાં મન જાણવાની કુમાશ અને આપણી નિષ્ઠુરતાની ગલીઓમાંથી લઈ જતી આ ફિલ્મ પતે એટલે તમારે ગળે બાઝેલો ડુમો ઊતારવા પાણી પીવું પડે.

– ત્યારપછી મને ગમી ઇન્ડોનેશિયન ફિલ્મ ‘ફિલોસોફી કૉપી.’ આ યુથફુલ ફિલ્મની એકેએક ફ્રેમમાંથી કૉફીપ્રેમ છલકે છે. બાય ધ વે, આપણે ત્યાં ચાનું આટલું બધું ઉત્પાદન થાય છે, પણ ચાને કેન્દ્રમાં રાખીને કોઈ ઝક્કાસ ફિલ્મ બની છે ખરી?

– વધુ એક સુપર્બ ફિલ્મ ‘ધ સૅકન્ડ મધર.’ એક ફીમેલ સેલિબ્રિટીના ઘરની આધેડ કામવાળીની જુવાન દીકરી ત્યાં રહેવા આવે છે અને એનો બિનધાસ્ત એટિટ્યૂડ બધું ઉથલપાથલ કરી નાખે છે. સુપર્બ એક્ટિંગ, સ્ક્રિપ્ટ અને સોશ્યલ કમેન્ટ.

– જોઇને મોંમાંથી ‘વાહ! મસ્ત ફિલ્મ હતી!’ એવું નીકળી ગયું હોય તેવી અન્ય ફિલ્મો હતી બૅટલ ફોર સેવાસ્તોપોલ (અમેરિકન સ્નાઇપરનું એનાથીયે મસ્ત રશિયન ફીમેલ વર્ઝન), ફેન્સર (ભૂતપૂર્વ જર્મનોને ખતમ કરતા સોવિયેત રશિયનોની વચ્ચે પણ બાળકોને ફેન્સિંગ શીખવતા ટીચરની વાત કહેતી પૉલિશ ફિલ્મ), લૅન્ડ ઑફ માઇન (બીજા વિશ્વયુદ્ધ પછી જર્મન યુદ્ધકેદીઓ પાસે લાખો જીવતી લૅન્ડમાઇન ડિફ્યુઝ કરાવતા ડૅનિશ સૈનિકોની એકદમ હૉન્ટિંગ દાસ્તાન) {આ ત્રણેય ફિલ્મો ટ્રુ સ્ટોરી પરથી બનેલી છે}, ધ બ્રૅન્ડ ન્યુ ટેસ્ટામેન્ટ (ધારો કે ઇશ્વરની રચેલી દુનિયાની તમામ વાયડાઇઓ કોઈ દૂર કરી દે તો?), વર્જિન માઉન્ટેન (ચાલીસ વર્ષના મેન-ચાઇલ્ડની મસ્ત રોમકોમ), કોતી (ટ્રાન્સજેન્ડર બાળક સાથે આપણો સમાજ કેવી રીતે વર્તે છે એની વાત કહેતી મરાઠી ફિલ્મ), લાસ્ટ રીલ (આ કમ્બોડિયન મુવી ‘ફિલ્મ વિધિન ફિલ્મ’ છે. એક ફિલ્મની છેલ્લી રીલ ગાયબ છે અને તે રીલ પાછળ યુદ્ધનો અત્યંત ખોફનાક ઇતિહાસ છુપાયેલો છે), રેડિયોપેટ્ટી (એક દાદાને અચાનક કાનમાં જૂના જમાનાના રેડિયો પ્રોગ્રામ સંભળાવા લાગે છે. શું કામ?) વગેરે ઇત્યાદિ એટસેટરા.

– મારી લાખ ઇચ્છા છતાં ગૂંગા પહલવાન, ધ સાઇલન્સ (મરાઠી), વાઇલ્ડ ટેલ્સ, એમ્બ્રેસ ઑફ ધ સર્પન્ટ, ધ ડાર્ક હૉર્સ, ધ ક્લાન, નવાઝુદ્દીનની અનવર કા અજબ કિસ્સા, મારી ફિલ્મ અપ્રિશિયેશન કોર્સની ક્લાસમેટ નિહારિકા સિંઘની બંગાળી ફિલ્મ સોહરા બ્રિજ, સિનેમાવાલા (બંગાળી) હું જોઈ ન શક્યો. ગમે ત્યાંથી ખેલ તો પાડવાનો જ છું!

– એક ઑબ્ઝર્વેશનઃ ઘણી ફિલ્મોમાં હોમોસેક્સ્યુઆલિટીની થીમ/સબ થીમ હતી. જેમ કે, ડૅનિશ ગર્લ, કોતી, ડેમિમોન્ડ, બૅડ એજ્યુકેશન, આઇઝેન્સ્ટાઇન ઇન ગ્વાનાજુઆટો વગેરે. સામે પક્ષે આપણા દેશનો હોમોસેક્સ્યુઆલિટી તરફનો અભિગમ આપણે જાણીએ છીએ. દંભ?

– શંકર મહાદેવન અને એક્ટર સચિન જેના પ્રમોશન માટે ત્યાં આવેલા એવી તેમની અને સચિન પિલગાંવકરની એક્ટિંગવાળી મરાઠી ફિલ્મ ‘કટ્યાર કાળજાત ઘુસલી’ અત્યારે ચાલી રહી છે.

– એક થ્રીડી હાર્ડકોર ફ્રેન્ચ પૉર્ન ફિલ્મ ‘લવ’ જોવા માટે પ્રચંડ લાંબી લાઇનો લાગેલી. કાન ફિલ્મ ફેસ્ટિવલની જેમ જ આ ફિલ્મનો પણ અહીં રાત્રે બાર વાગ્યે ‘મિડનાઇટ મૅડનેસ’ સેગમેન્ટમાં શૉ હતો. ના, મેં હજુ નથી જોઈ!

– સંખ્યાબંધ ફિલ્મો ‘કાન’ અને ‘ટોરોન્ટો’ ફિલ્મ ફેસ્ટ્સમાં સિલેક્ટ થયેલી કે જીતેલી હતી. શૉર્ટકટ?

– પાર વિનાની ફિલ્મોમાં વર્લ્ડ વૉર, સિવિલ વૉર, કૉલ્ડ વૉરની જ પૃષ્ઠભૂ હતી.

– ઓલમોસ્ટ બધી જ ફિલ્મો બ્લુ રે ફોર્મેટમાં અને પલ્ઝ ઑડિયો સિસ્ટમથી રજૂ થતી હતી. તેની પિક્ચર ક્વૉલિટી, બ્રાઇટનેસ અને સાઉન્ડની ક્લૅરિટી જુઓ તો અહીંની પીવીઆર કે સિનેપોલિસ જેવી ચેઇન પણ પાની કમ ચાય લાગે!

– ઘણા લોકોને ફિલ્મ ફેસ્ટ અટેન્ડ કરવા એ કચરાપટ્ટી, સમય-પૈસાનો બગાડ, ગાંડપણ કે ફોગટની શૉબાજી લાગે છે. પરંતુ જેમને ખરેખર ફિલ્મો જોવાનું પૅશન હોય, હૉલીવુડ-બૉલીવુડની વાડાબંધીમાંથી બહાર નીકળીને માઇન્ડસૅટ બ્રોડ કરવા હોય, દેશ-વિદેશના સિનેફાઇલ્સ-સર્જકોને મળવું હોય એમણે સ્વાનુભવ માટે પણ એકવાર પૂરી શિસ્તથી સારી ક્વૉલિટીના ફિલ્મ ફેસ્ટિવલ અટેન્ડ કરવા જોઇએ.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Goa & Mario Miranda

mario-miranda

મારિયો મિરાન્ડા અને ગોવા બંને એકબીજામાં એટલા બધા ભળી ગયા છે કે અલગ જ ન પાડી શકાય. પણજીની શાકમાર્કેટમાં મારિયો મિરાન્ડાનાં કાર્ટૂન્સનાં આવાં ત્રણ જાયન્ટ કોલાજ પેઇન્ટ કરવામાં આવ્યાં છે. ઈવન અહીંના મડગાંવ રેલવે સ્ટેશનની દીવાલો પણ મિરાન્ડાનાં કાર્ટૂન્સથી ભરચક છે. અલબત્ત, તેને લોકલ આર્ટિસ્ટ પાસે મીરાન્ડાની સ્ટાઈલમાં બનાવાયા છે. સ્ટેશનમાં જયારે પણ કલરકામ થાય, આ કાર્ટૂન્સને કાળજીપૂર્વક સાચવી લેવામાં આવે.

Advertisements

You know you are in Goa when…

iffi-beerCoffee ₹ 70
Tea ₹ 60
And
Beer ₹ 40
You are in GOA!

Advertisements

Moor – Pakistan we never knew

હજી તો મારા ઇફ્ફી-ઓત્સવના ત્રીજા દિવસે પહોંચ્યો છું અને વન ઑફ ધ બેસ્ટ મુવીઝમાં મૂકી શકાય એવી સુપર્બ ફિલ્મ જોઈ છે, પાકિસ્તાનની ‘મૂર’. મૂર એટલે મધર-માતા. વાર્તા છે બ્લૂચિસ્તાનમાં કેવી રીતે ત્યાંની ભ્રષ્ટ સરકારે અંગ્રેજોના સમયની ટ્રેઈન સેવા ક્રમશઃ બંધ કરી દીધી અને બંધ પડેલી રેલવેની પ્રોપર્ટી વેચીને અમુક લુચ્ચાઓ માલદાર થઇ રહ્યા છે. પણ હજી અમુક જૂના સ્ટેશન માસ્ટરો પોતાની ફરજ પર તૈનાત છે.

પણ આટલું વાંચીને તમને આ ફિલ્મ કેટલી વિઝ્યુઅલી અને ઇમોશનલી રિચ છે તેનો ખ્યાલ નહીં આવે. આંખો પહોળી થઇ જાય એવા બર્ફીલા લેન્ડસ્કેપ અને સ્ટનિંગ સિનેમેટોગ્રાફી. પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે આ ફિલ્મનો મેસેજ. ફિલ્મના હીરો છેક છેલ્લે સુધી સચ્ચાઈનો, પ્રમાણિક્તાનો સાથ છોડતા નથી. આ ફિલ્મના ડિરેક્ટર જામી બહુ બોલ્ડલી બોલે છે કે આપણો દેશ પાકિસ્તાન ધીમે ધીમે ખતમ થઇ રહ્યો છે અને આપણા કરપ્ટ નેતાઓમાંથી મોટાભાગનાની પાસે ફેક ડિગ્રીઓ છે જેમને ગોડનો સ્પેલિંગ પણ લખતા નથી આવડતું. ક્લિયરલી, સચ્ચાઈ અને પ્રમાણિક્તાનો ઠેકો આપણે ઇન્ડિયનોએ જ નથી લઇ રાખ્યો. આપણે જેને એક જ આંખે જોવા ટેવાયેલા છીએ તે પાકિસ્તાનીઓ પણ ગાંધીજી જેવી વાત કરી શકે.

આ મુવી હજી રિલીઝ થયું છે કે નહીં એ તો ખબર નથી, પણ તક મળે તો જરાય ચૂકવા જેવું નથી. ત્યાં સુધી આ ફિલ્મનું સ્ટ્રીન્ગ્સ ગ્રુપનું એકદમ મસ્ત મ્યુઝિક તો સાંભળી જ શકો! સાંભળવાની ઇચ્છા થાય તો આ રહી લિંકઃ

http://www.saavn.com/s/album/urdu/Moor-2015/UKTLPxVm5Tc_

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements