ન્યુટન

ન્યુટન જોવાનાં 5 કારણો

***

ન્યુટનને ઑસ્કર મળે કે ન મળે, જોયા વિના ચાલે તેમ નથી.

***

રેટિંગઃ ***1/2

***

dcmura7waaazxz6પરમાણુ શસ્ત્રો-ન્યુક્લિયર રિએક્ટરમાં બળતણ તરીકે વપરાતાં યુરેનિયમ-પ્લુટોનિયમ જેવાં તત્ત્વો ‘રેડિયોએક્ટિવ’ કહેવાય છે. કોઇને જરૂર હોય કે ન હોય, પણ ટપકતા નળની જેમ આવાં રેડિયોએક્ટિવ તત્ત્વોમાંથી સતત વિકિરણો-ઍનર્જીનું ઉત્સર્જન થતું રહે છે. કેટલીક ફિલ્મો પણ રેડિયોએક્ટિવ તત્ત્વ જેવી હોય છે. એવી એક ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ છે. નામ છે, ‘ન્યુટન.’ હાથમાં EVM અને માથા પર હેલમેટ પહેરીને દોડતા રાજકુમાર રાવને ચમકાવતું ‘ન્યુટન’નું પોસ્ટર રિલીઝ થયું ત્યારથી જ લાગતું હતું કે કુછ તો બાત હૈ ઇસ ફિલ્મ મેં. પછી તો ભેદી રીતે ઐન મૌકે પર એટલે કે બરાબર એની રિલીઝના દિવસે જ ફિલ્મને ઑસ્કર માટેની ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે સિલેક્ટ કરાયાના ન્યુઝ આવ્યા (જેને કારણે નેચરલી તેની નવેસરથી એક બઝ ઊભી થઈ અને બૉક્સઑફિસ પર પણ તેની અસર દેખાશે જ).

બીજું એક ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ છે, એક ઇરાનિયન ફિલ્મ ‘સિક્રેટ બૅલટ’ના પ્લોટ સાથે ન્યુટનની સામ્યતા. બંનેમાં ફિલ્મનું મુખ્ય પાત્ર આર્મીના જવાનની મદદથી અત્યંત જોખમી અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોના વોટ એકઠા કરવા જાય છે. આ બંને વાતો સાઇડમાં મૂકીએ તો પણ ‘ન્યુટન’ એક ફિલ્મ તરીકે એકદમ મસ્ટ વૉચ છે. પાંચ કારણો છે, જે આ ફિલ્મને મસ્ટ વૉચની કેટેગરીમાં મૂકી આપે છે.

કારણ નં. 1. રાજકુમાર રાવ

ફિલ્મમાં પહેલીવાર જ્યારે આપણે રાજકુમાર રાવને જોઇએ છીએ ત્યારે એ દીવાલને ટેકો દઇને કશુંક વાંચી રહ્યો છે. સાથોસાથ સફરજન પણ ખાઈ રહ્યો છે. (જો પોસ્ટર્સ ન જોયાં હોય, તો) એ વખતે આપણને ખબર નથી કે આ મહાશયનું નામ ન્યુટન છે. હા, સફરજન સાથે તેનો તાળો મેળવી શકાય ખરો! એ જ ફ્રેમમાં દીવાલની પેલે પાર બીજા રૂમમાં એનાં માતાપિતા છત્તીસગઢના કોઈ ગામડામાં ચૂંટણીપ્રચાર માટે નીકળેલા નેતાની નક્સલવાદીઓએ કરેલી હિંસાના સમાચાર આવી રહ્યા છે. પરંતુ ન્યુટન માટે એની બુક-ઇલેક્શન કમિશનની રુલ બુક જ વધુ મહત્ત્વની છે.

ખતરનાક ફોર્મમાં ચાલી રહેલો રાજકુમાર રાવ ન્યુટનના કેરેક્ટરમાં એ હદે ઘૂસી ગયો છે કે એના કર્લી વાળની સ્ટાઇલ તો ઠીક, એણે આંખ પટપટાવવાની સ્ટાઇલ માર્ક કરજો. આવી નાનકડી ખાસિયતો જ એક પાત્રને જીવંત બનાવે છે. ટ્રેલરમાં કહે છે એમ, મા-બાપે ‘નૂતનકુમાર’ નામ રાખેલું એટલે ભાઇએ મેટ્રિકથી ‘ન્યુટન’ કરી નાખ્યું. એ ન્યુટન નખશિખ પ્રામાણિક માણસ છે. યાને કે ડાયનોસોરની જેમ લુપ્ત થયેલું પ્રાણી છે. કોઇપણ કામ કરવા માટે નિયમો નક્કી થયેલાં હોય, તો તે પ્રમાણે જ કામ થવું જોઇએ. એ નિયમો ફોર્માલિટી ખાતર જ લખેલા હોય-ચાવવાના અલગ ને બતાવવાના અલગ એવું ન્યુટનના સિલેબસમાં ન આવે. ગમે તેવો જોખમી વિસ્તાર હોય, ભલે મુઠ્ઠીભર મતદારો હોય, પરંતુ મતદાન નિયમ અનુસાર જ થવું જોઇએ, સવારે આઠ વાગ્યે શરૂ થઈને બપોરે ત્રણ વાગ્યે પૂરું થવાનું હોય તો એમ જ થવું જોઇએ. મતદારોને ધમકાવવાના-લલચાવવાના નહીં ને મતદાન મથકની પણ સેંક્ટિટી-પવિત્રતા જળવાવી જોઇએ. આ બધામાં સામે લશ્કરના અધિકારી હોય તોય પીછે નહીં હટવાનું.

કારણ નં. 2. મૅચ્યોરિટી

ફિલ્મના પહેલા જ દૃશ્યમાં એક નેતાજી છત્તીસગઢના કોઈ ગામડા-ગામમાં રોડશૉ કરી રહ્યા છે. વિકાસના વાયદા કરે છે ને યુવાનોને એક હાથમાં મોબાઇલ ને બીજા હાથમાં લેપટોપ આપવાનાં સપનાં બતાવે છે (એ જ વખતે યુવાનો મોબાઇલથી એમને શૂટ કરતા દેખાય છે!). એ વિસ્તારમાં લૅપટોપ કરતાં રસ્તા-પાણી-વીજળી-નોકરી-સિક્યોરિટીની વધુ જરૂર છે એ વગર કહ્યે દેખાઈ જાય છે.

બીજા એક સીનમાં જંગલમાં રહેતા આદિવાસીઓને એમના વિસ્તારના ઉમેદવારોની માહિતી અપાઈ રહી છે (છેક વોટિંગ વખતે!). એ વખતે ઉમેદવારોનાં કટઆઉટ્સ, પોસ્ટર્સ, બૅનર્સ, ટીશર્ટ્સ, માસ્ક દેખાય છે, પણ ક્યાંય સાચો-જીવતો જાગતો ઉમેદવાર દેખાતો નથી. કદાચ એ લોકો માટે સાચુકલા ઉમેદવારનું કોઈ મહત્ત્વ પણ નથી, કેમકે એ પોસ્ટર્સમાંથી બહાર નીકળીને એમની મદદ માટે ક્યારેય આવવાનો પણ નથી.

એક તબક્કે નક્સલવાદી હુમલાના ભયે મતદાન મથકેથી કર્મચારીઓ વોટિંગ મશીન અને અન્ય સામાન સમેટીને ભાગે છે. ‘મતકૂટિર’ (Polling Booth) લખેલું પૂંઠું જમીન પર પડેલું દેખાય છે. કોઈ જ ટીકા-ટિપ્પણ વિના ગ્રાસરૂટ લેવલ પર ઇલેક્શન-વોટિંગ સિસ્ટમ-ડેમોક્રસીની વાસ્તવિકતા શું છે તે બરાબર ક્લિયર થઈ જાય છે.

***

નક્સલવાદીઓ પોતાનો અજેન્ડા ચલાવે છે, રાજકારણીઓ પોતાનો. કોન્ફ્લિક્ટ ઝોન છે એટલે આર્મીનો પંજો પણ એકદમ ટાઇટ છે. વચ્ચે પીસાય છે સામાન્ય લોકો, જેમની હાલત કપાઈને થાળીમાં પીરસાતી મરઘીથી વિશેષ નથી (એ દૃશ્ય-જક્સ્ટાપોઝિશન જબરદસ્ત છેઃ એક તરફ મતદાન કરવા માટે લશ્કરના સૈનિકો લોકોને પકડી રહ્યા છે અને બીજી બાજુ આ જ સૈનિકોને ખવડાવવા માટે ગામની કોઈ સ્ત્રી ભાગી રહેલી મરઘીને પકડી રહી છે).

***

માત્ર 106 મિનિટની આ ફિલ્મમાં ન્યુટનની પર્સનાલિટી અને એના કામની ઓળખ થઈ ગયા બાદ પોણી ફિલ્મ સવારે ચાર વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યાનો ઘટનાક્રમ જ કહે છે. પરંતુ ધીમે ધીમે તે કલાઇડોસ્કોપની જેમ અલગ લગ પર્સ્પેક્ટિવ આપણી સામે મૂકતી રહે છે. એક જબરદસ્ત પર્સ્પેક્ટિવ છે આર્મીનો. વર્ષોથી આપણને આર્મીનો ‘સરહદ પે હમારે જવાન લડ રહે હૈ’ ટાઇપનો ચહેરો જ બતાવવામાં આવ્યો છે (આમેય ભક્તિભાવની એન્ટ્રી થાય ત્યાં લોજિકનો છેદ ઊડી જાય). અહીંયા આર્મીનો ચહેરો છે CRPF અધિકારી આત્મા સિંહ (સુપ્રીમલી ટેલેન્ટેડ એક્ટર પંકજ ત્રિપાઠી). એનું પોતાનું, ઇલેક્શન કમિશનના અધિકારીઓ સાથેનું, ગામલોકો સાથેનું એનું વર્તન, એના વિચારો જોઇએ તો લાગે કે શા માટે દેશમાં ક્યારેય લશ્કરી શાસન ન સ્થપાવું જોઇએ. એને એય ખબર છે કે જ્યાં દેશના નેતાઓને-દેશના લોકોને પોતાનાથી અમુક કિલોમીટરના અંતરે રહેતા લોકો કઈ હાલતમાં જીવે છે એ જાણવાની સુદ્ધાં દરકાર ન હોય, ત્યાં ચૂંટણીપ્રક્રિયા એક ફારસથી વધારે કંઈ જ નથી. નક્સલવાદને ખતમ કરવામાં સૂકા ભેગું લીલું બળે, ગામલોકોને કોનાથી વધુ હેરાનગતિ છે એ નક્કી કરવું અઘરું થઈ પડે, ત્યારે એક સૈનિક બોલે કે, ‘યે (મશીનગન) દેશ કા ભાર હૈ, જો હમારે કંધે પે હૈ’, એ હકીકત હોવા છતાં એમાં ભારોભાર એરોગન્સ છે. લશ્કરના ઉલ્લેખમાત્રથી ભારતકુમાર થઈ જતા લોકોની સામે કરાયેલો એસિડિક કટાક્ષ છે.

***

ફિલ્મનું રાઇટિંગ મૅચ્યોર હોય એટલે પ્રયાસ વિના પણ સંવાદોમાં રિફ્લેક્ટ થવા જ માંડે. ‘અરે દેખ તો સિર્ફ હમારી હી બીજલી ગઈ હૈ કિ સબ કી ગઈ હૈ?’, ‘યે સરકારી (બુલેટપ્રૂફ) જેકેટ હૈ, જરા કસ કે બાંધના વર્ના ગોલી આરપાર નીકલ જાયેગી’, ‘યે દંડકારણ્ય હૈ, સીતા કા હરણ ભી યહીં સે હુઆ થા, પુષ્પક વિમાન મેં. રાવણ વિશ્વ કા સબસે પહલા પાઇલટ થા’, ‘જી, મૈં(ને તો યે પોસ્ટિંગ ઇસિલિયે લી કિ મૈં) તો હેલિકોપ્ટર મેં બૈઠના ચાહતા થા’, ‘કમાલ હૈ ના, આપ યહાં સે કુછ હી ઘંટે કી દૂરી પે રહતે હો લેકિન આપકો હમારે બારે મેં કુછ ભી નહીં પતા…’ ફિલ્મમાં આ વાક્યો જ્યાં જ્યાં બોલાયાં છે, તે તમે જુઓ એટલે તેની પાછળનું થિન્કિંગ સમજાવા માંડે.

***

મૅચ્યોરિટીનો વધુ એક પુરાવો એટલે ફિલ્મમાં બતાવાયેલું એમ્બેડેડ જર્નલિઝમ. કોઈ વિદેશી મહિલા પત્રકાર ઉચ્ચ પોલીસ અધિકારી સાથે અંતરિયાળ વિસ્તારમાં માત્ર 76 મતદારો માટે ચાલી રહેલી વોટિંગ પ્રોસેસ જોવા આવી રહી છે. CRPF જવાનને વાયરલેસ પર મેસેજ મળે છે અને અચાનક જ સુસ્ત વાતાવરણમાં હરકત આવી જાય છે. મતદારોને ખેંચી ખેંચીને પકડી લાવવામાં આવે છે, મતદાન શરૂ થઈ જાય છે ને ફોરેન કોરસપોન્ડન્ટ વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વની સાક્ષી બને છે (એ મતદારોમાંથી કોઇએ ક્યારેય EVM જોયું નથી, ને એમને કોઈ જ ઉમેદવાર વિશે ખબર સુદ્ધાં નથી એ અલગ વાત છે).

કારણ નં. ૩. ઑનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પૉલિસી. રિયલી?

કવિ ટર્ન્ડ રાજકારણી કુમાર વિશ્વાસની ફેમસ લાઇન છેઃ ‘પ્રેમ હમારે યહાં ઐસા વિષય હૈ જિસકી સિર્ફ થિયોરી કી ક્લાસ હી ચલતી હૈ.’ પ્રામાણિકતાનું પણ એવું જ છે. પણ ધારો કે કોઈ માણસ નક્કી કરે તો કે સવારથી રાત સુધી પ્રામાણિકતાના રસ્તે જ ચાલવું? જે સાચું હોય એ જ કહી દેવું, તો? ન્યુટન એવું કરે છે. એટલે જ એ સગીર વયની છોકરી સાથે સગાઈ કરવાની ના પાડી દે છે, દહેજ લેવાની પણ, એટલે જ એ પોતાના પિતા સાથે કડવા વિવાદમાં સપડાય છે. ઇલેક્શન પ્રોસેસમાં જરાય ગેરરીતિ ચલાવી લેતો નથી, ભલે એ માટે ગમે તેવું ગંભીર પરિણામ ભોગવવું પડે અને ભલે પ્રામાણિક રીતે વોટ આપવાથી લોકોની સ્થિતિમાં એક ટકોય ફરક પડવાનો ન હોય. સંજય મિશ્રાના પાત્ર દ્વારા ફિલ્મમાં ન્યુટનને મળેલી સૂચના દરેક ભારતીયે કોતરી રાખવા જેવી છે, ‘પ્રામાણિક બનીને-રહીને તમે કોઇના પર ઉપકાર નથી કરતા. એ તમારી પાસેથી અપેક્ષિત જ છે. તમે જો પ્રામાણિકતાથી તમારું કામ કરતા રહેશો તો દેશનું ભલું આપોઆપ થવા લાગશે.’

કારણ નં. 4. ડૉક્યુડ્રામા ફીલ

ફિલ્મના પહેલા જ સીનથી લઇને ‘ન્યુટન’માં એવા સંખ્યાબંધ દૃશ્યો છે જે એક ડૉક્યુમેન્ટરી ફિલ્મની ફીલ આપે છે. પ્લસ, એમાં ફિલ્માવવામાં આવેલા સીન પણ એ રીતે મુકાયા છે જે જાણે ડૉક્યુડ્રામા (નાટ્ય રૂપાંતર સાથેની ડૉક્યુમેન્ટરી ફિલ્મ) જોતા હોઇએ એવી છાપ છોડે છે. વધુ રસપ્રદ વાત એ છે કે આટલી બધી લૅયર્ડ વાતો કરી હોવા છતાં ‘ન્યુટન’ કોઈનો પક્ષ લેતી નથી કે નથી સીધી રીતે કોઇને વિલન સાબિત કરતી. જે આપણને વિલન લાગે તેનો (એટલે કે ભારતીય આર્મીનો) પોઇન્ટ ઑફ વ્યુ પણ માત્ર એક જ વાક્યથી સમજાઈ જાય છે. ભારતીય ચૂંટણી પ્રક્રિયાની જટિલતા, ચીવટ અને ફૂવડ નેતાગીરીને કારણે અનેક લોકો માટે તેની વ્યર્થતા, નીતિથી કામ કરવા માગતા માણસની કફોડી હાલત, ભગવાન ભરોસે છોડી દેવાયેલા છેવાડાના લોકોની બેબસી… બધાં જ પાસાં આપણી સામે ખોલીને મૂકી દે છે. ફિલ્મ ક્યાંક કડવું હસાવે છે, ડાર્ક હ્યુમર પીરસે છે, કોઈ સોલ્યુશન નથી આપતી છતાં વિચારોનું ટ્રિગર તો દબાવે જ છે. રોમેન્સ પણ આ ફિલ્મમાં એટલો સટલ અને ઇન્ડિકેટિવ છે કે બાકીનું બધું આપણા પર છોડી દેવાયું છે. હા, કદાચ આ જ ક્વાયતમાં ફિલ્મ અનહદ સ્લો થઈ ગઈ છે. મતદારોની રાહ જોતાં બેઠેલા ચૂંટણી કર્મચારીઓની સાથે થિયેટરમાં પણ સમય થંભી ગયો હોય એવું લાગે છે. એ ખાલી જગ્યાઓ વધુ સારી રીતે ભરાઈ હોત તો ફિલ્મ ઓર ભરચક બની શકી હોત.

કારણ નં. 5. પર્ફોર્મન્સીસ

જો મહાટેલેન્ટેડ લોકોની ટીમ ‘ન્યુટન’માં ન હોત તો તે કોઈ આર્ટ ફિલ્મ બનીને ક્યાંય અંધારામાં ધકેલાઈ ગઈ હોત. રાજકુમાર રાવ ઉપરાંત ટેરિફિક પંકજ ત્રિપાઠી, માત્ર બે સીન માટે દેખાતા સંજય મિશ્રા, રઘુવીર યાદવ, સ્થાનિક આદિવાસી શિક્ષિકા બનતી અંજલિ પાટિલ… આ બધાં લોકો એટલાં નૅચરલ છે કે ક્યાંય પ્રયાસપૂર્વક ઍક્ટિંગ કરતા હોય એવું લાગતું નથી. પંકજ ત્રિપાઠીની ઍફર્ટલેસ કરડકી, સંજય મિશ્રાની ઇલેક્શન પ્રોસેસમાં સામેલ થતા રિઝર્વ કર્મચારીઓમાં મહાન કાર્યનો ભાગ બની રહ્યા હોવાની ભાવના ઇન્જેક્ટ કરવાની ક્વાયત કે ગુરુજ્ઞાન આપવાની પદ્ધતિ, રઘુવીર યાદવની જાણે ‘ઇલેક્શન પિકનિક’માં આવ્યા હોય એવી બેફિકરાઈ કે અંજલિ પાટિલની ખુદ્દારી, કોઇપણ સ્થાનિકને નક્સલવાદીમાં કે નક્સલવાદીના જાસૂસમાં ખપાવી દેવાની આર્મીની ફિતરત સામે ભભૂકતો જ્વાળામુખી અને હિન્દી-સ્થાનિક ભાષામાં થતું સ્વિચઑવર બધું જ ભયંકર સ્મૂધ-સટલ છે. અફ કોર્સ, આ માટે ડિરેક્ટર અમિત મસુરકર અને રાઇટર મયંક તિવારીની મહેનત પણ જવાબદાર છે. અમિત મસુરકરે અગાઉ ‘સુલેમાની કીડા’ નામની મસ્ત લૉ બજેટ ઇન્ડી મુવી બનાવેલી (જે ન જોઈ હોય તો ગમે ત્યાંથી મેળવીને જોઈ લેવા જેવી છે). ફિલ્મના એક દૃશ્યમાં દેખાતા સહ-લેખક મયંક તિવારીએ સુલેમાની કીડામાં એક્ટિંગ પણ કરેલી.

આટલાં વખાણ છતાં બહુ બધા લોકોને મજા પડે એવી આ ફિલ્મ નથી જ. પૂરતું લોબીઇંગ ન થાય કે વધુ સારી ફિલ્મો સાથે ટક્કર થાય તો ઑસ્કરમાં ‘ન્યુટન’નો ગજ ન વાગે તે પણ પોસિબલ છે. છતાં સારી ફિલ્મો અવૉર્ડ્સની મોહતાજ નથી હોતી (અને અવૉર્ડ વિનર ફિલ્મો સારી જ હોય એવુંય જરૂરી નથી!). એક સારી ફિલ્મ જોયાનો સંતોષ લેવો હોય તો ‘ન્યુટન’ ચૂકવા જેવી નથી.

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Trapped

 • trapped-hindi-movie-poster2013માં ‘FTII’માં ‘ફિલ્મ અપ્રિશિયેશન કોર્સ’ કરવા ગયો ત્યારે ત્યાં ‘NFAI’માં કમલ કે. એમ. નામના ડિરેક્ટર પોતાની ફિલ્મ ‘I.D.’ બતાવવા આવેલા. સાથે ફિલ્મની અભિનેત્રી ગીતાંજલિ થાપા પણ હાજર હતી. ફિલ્મમાં એવી સ્ટોરી હતી કે મુંબઈમાં નવી નવી શિફ્ટ થયેલી એકલી યુવતીના ફ્લૅટમાં કલરકામ કરનારો એક કારીગર આવે છે અને સ્ટ્રોકને કારણે મૃત્યુ પામે છે. એ કારીગરની કોઈ જ ઓળખ નહીં. દયાથી પ્રેરાઇને યુવતી તે કારીગરના પરિવારને શોધવા આખું મુંબઈ ઊલેચી નાખે છે. ફિલ્મ નો ડાઉટ સરસ હતી, પણ જોઇને મેં ડિરેક્ટરને પહેલો સવાલ એ પૂછ્યો કે આવું તે કંઈ હોતું હશે? એક ઉચ્ચ મધ્યમવર્ગીય યુવતી સામાન્ય કારીગરના પરિવારને શોધવા માટે આટલી હાલાકી ભોગવે તે લોજિકલ નથી. ત્યારે ડિરેક્ટરે અને અમારી એક ક્લાસમેટે મને સમજાવ્યું કે અમુક સંજોગોમાં માણસ કઈ રીતે રિએક્ટ કરશે તે ક્યારેય નક્કી હોતું નથી. ડિટ્ટો આવું જ રિએક્શન વિક્રમાદિત્ય મોટવાણેની રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ‘ટ્રૅપ્ડ’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારે મોટાભાગના લોકોનું હતું. મુંબઈ જેવા ભરચક શહેરમાં કોઈ માણસ એક ફ્લૅટમાં ભૂલથી કેદ થઈ જાય એવું થોડું બને? ઉપરથી ટ્રેલરમાં રાજકુમાર રાવનો મોબાઇલ પણ ચાર્જ થતો બતાવાયો હતો. અને કયો દરવાજો અંદરથી ન ખૂલે? પરંતુ એ તમામ સવાલોના સજ્જડ જવાબ ૧૦૨ મિનિટની આ સર્વાઇવલ ડ્રામા ફિલ્મમાં મળે છે. ઉપરથી I.D. ફિલ્મની ક્યુટ હિરોઇન ગીતાંજલિ થાપા પણ અહીં છે. એક ટ્રેડિશનલ સર્વાઇવલ થ્રિલર-ડ્રામા ફિલ્મ હોવા ઉપરાંત આ ફિલ્મ મેસેજ અને મૅટાફરથી પણ ભરચક છે.
 • પહેલા સીનથી જ ટ્રૅપ્ડ મેઇન ટ્રેક પર આવી જાય છે અને પોતાની મૂળ સ્ટોરીને વળગી રહે છે. આપણને દેખાય છે કે ટ્રાવેલ કંપનીમાં કામ કરતા એક માણસ નામે શૌર્ય (રાજકુમાર રાવ)ને પોતાની જ ઑફિસમાં પોતાનાથી માંડ ચારેક ફૂટ દૂર બેસતી યુવતી નૂરી (ગીતાંજલિ થાપા) ગમે છે. પણ નાની અમથી વાત કરવામાં પણ એને પરસેવો છૂટી જાય છે અને તતપપ થવા માંડે છે. એટલે એ ફોન પર વાત શરૂ કરે છે. વાત આગળ વધે, ડેસ્પરેશન એન્ટર થાય અને સ્ટોરી આવી પહોંચે મુંબઈના પ્રભાદેવીમાં આવેલી હાઇરાઇઝ બિલ્ડિંગના 35મા માળે. બિલ્ડિંગ બે વર્ષથી બનેલી તૈયાર પડી છે, પરંતુ કોઈ રહેવા નથી આવ્યું કેમ કે ઑક્યુપન્સી સર્ટિફિકેટના લોચા છે. છતાં આપણો ‘આર. રાજકુમાર’ એટલે કે રાજકુમાર રાવ અહીં આવે છે. એક નાનકડો લોચો અને ભાઈ ટ્રૅપ્ડ. દૂર દૂર સુધી એનો અવાજ સાંભળે તેવું કોઈ નહીં. એકમાત્ર ઘરડો વૉચમેન, જે અડધો બહેરો છે. ઘરમાં ફર્નિચરના નામે પણ ગણીગાંઠી વસ્તુઓ. ઉપરથી વીજળી, પાણી કે ખોરાક પણ નહીં. હવે? બસ, અહીંથી જ શરૂ થાય છે એની સર્વાઇવલ સ્ટ્રગલ, જિજીવિષા.
 • આવી મુશ્કેલીમાં કોઈ ફસાય એટલે તેનાં સ્ટેજ હોય. પહેલા સ્ટેજમાં માણસ પૅનિક થઈ જાય, બેબાકળો-મરણિયો થઇને ભાગી છૂટવાના પ્રયાસ કરે. એમાં નિષ્ફળતા મળે એટલે બીજું સ્ટેજ શરૂ થાય. એ પરિસ્થિતિને સ્વીકારે અને પોતાની આસપાસની સ્થિતિનું-પાસે રહેલી વસ્તુઓનું અવલોકન કરે અને શાંતિથી ત્યાંથી બહાર નીકળવાના રસ્તા વિચારે (સર્વાઇવલ ગાઇડ પણ આ જ કહે છે). જો તેમાં સફળતા મળે તો ઠીક છે, નહીંતર પરિસ્થિતિ સામે હથિયાર હેઠાં મૂકીને બધું ઈશ્વર પર છોડી દે. અથવા તો જે થશે તે જોયું જશે એમ વિચારીને કેસરિયાં કરે. ‘ટ્રૅપ્ડ’માં ડિરેક્ટર વિક્રમાદિત્ય તથા રાઇટર જોડી અમિત જોશી- (‘અમદાવાદમાં ફેમસ’ ફેમ) હાર્દિક મહેતાએ ફસાયેલા માણસની એ મનોસ્થિતિ બખૂબી બતાવી છે.
 • ઓછા બજેટમાં બનેલી, નાની સ્ક્રીનસાઇઝ ધરાવતી ટ્રૅપ્ડમાં સિનેમાના બધા જ ડિપાર્ટમેન્ટ એકસાથે પર્ફેક્ટ સિન્ક્રોનાઇઝેશનમાં કામે લાગ્યા છે. મિનિમમ ડાયલોગ્સ સાથે ઓલમોસ્ટ સાઇલન્ટ લાગતી આ ફિલ્મને કમ્પેલિંગ વૉચ બનાવનારું બિગેસ્ટ ઍલિમેન્ટ છે રાજકુમાર રાવની ઍક્ટિંગ. અંતર્મુખી વ્યક્તિત્વ, ડર, ફ્રસ્ટ્રેશન, પૅનિક, આનંદ, આક્રોશ, સાહસ, દુઃખ, એકલતા, નિઃસહાયપણું… તમામ હાવભાવ તમે ડાયલોગ્સની ગેરહાજરીમાં પણ જબરદસ્ત ઇન્ટેન્સિટીથી અનુભવી શકો. રાજ કુમાર રાવના પોઇન્ટ ઑફ વ્યુથી કહેવાઈ હોવાને કારણે આ ફિલ્મ આપણને પણ એ જ ફ્લૅટમાં પૂરી દે છે. સિનેમેટોગ્રાફર સિદ્ધાર્થ દીવાનનો કમાલ પણ છે, તે ફ્લૅટનું ડરામણું ક્લસ્ટરોફોબિક વાતાવરણ આપણને પણ બહાર નીકળવા માટેટ અકળાવી મૂકે. પ્લસ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક. તેની અસરકારકતા કેવી હશે તે જણાવવા માટે એક જ ઍક્ઝામ્પલ કાફી છે કે લોકોનું ધ્યાન ખેંચવા માટે રાજકુમાર રાવ બાલ્કનીની લોખંડી ગ્રિલ પર સ્ટીલની તપેલી પછાડે છે, તે સાઉન્ડ હળવેકથી બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં કન્વર્ટ થઈ જાય છે!
 • ક્યારેક શહેરની વચ્ચેના ‘કાસ્ટ અવે’, ક્યારેક ‘127 અવર્સ’ તો ક્યારેક જીતેન્દ્ર-જયાપ્રદાની ‘સપનોં કા મંદિર’trapped-movie-poster ફિલ્મની (ક્યારેક ‘લાયન’, ‘એસ્કેપ ફ્રોમ અલ્કતરાઝ’, ‘અ મેન એસ્કેપ્ડ’ની પણ) યાદ અપાવી દેતી ‘ટ્રૅપ્ડ’માં સિનેમેટિક મૅટાફર અને બ્લૅક હ્યુમર પણ ઠાંસીને ભર્યાં છે. ખુદ વિક્રમાદિત્ય મોટવાણેના જણાવ્યા પ્રમાણે ‘ટ્રૅપ્ડ’માં મુંબઈમાં એક માણસનું હાઇરાઇઝ બિલ્ડિંગમાં એક ફ્લૅટમાં સપડાઈ જવું એ આપણી અર્બન લાઇફની ક્રૂર વાસ્તવિકતાનો મૅટાફર છે. રાવ ‘સ્વર્ગ’ નામની બિલ્ડિંગમાં ફસાય છે. મારે પણ એક સ્વર્ગ જેવું ઘર હોય એવી લાલસામાં આપણે આપણી જાતને જ એક ઘરના કોશેટામાં-કેદખાનામાં પૂરી દઇએ છીએ. એક્સ્ટ્રીમ સલામતીની એ ભાવના-ઘર એ જાતે સ્વીકારેલું પાંજરું છે. ચારેકોર લોખંડી જાળીઓ તો દેખીતાં પાંજરાં જ છે. એમાંથી આવતાં કબૂતરાં આપણાં કરતાં વધુ મુક્ત છે. (પોતાના જ પરપોટામાં કેદ થવાની વાત ‘રૉક ઑન-2’માં અને કોરિયન ફિલ્મ ‘અ ટ્રેઇન ટુ બુસાન’માં પણ હતી.)
 • અને એવું જરાય નથી કે તમે એકલા હો ત્યારે જ ટ્રૅપ્ડ હો. હજારો લોકોની વચ્ચે પણ ટ્રૅપ્ડ હોઈ શકો છો. તમારી એકલતાના બબલમાં.
 • બાલ્કનીમાંથી મદદ માટે જોયા કરતા રાવની આંખ સામે મુંબઈની સ્કાયલાઇનમાં સવારની સાંજ અને રાત થાય, પણ કોઇનેય સામે જોવાની ફુરસદ ન હોય. મોબાઇલ જેવી એકાદી ટેકણલાકડીથી આપણે જીવતાજાગતા લોકોથી એટલા બધા દૂર થઈ ગયા હોઇએ, ચારેકોર એટલો બધો ઘોંઘાટ કરી મૂક્યો હોય કે કોઇના કાને આપણો કે પછી આપણા કાને કોઈ જરૂરિયાતમંદનો અવાજ ન પહોંચે. ધારો કે પહોંચે અને કોઈ તમારી મદદ માટે આગળ આવે તોય એ પોતાની સૅફ્ટીની બાઉન્ડરી વટાવે નહીં.
 • ‘ટ્રૅપ્ડ’માં રાજકુમાર રાવનું નામ શૌર્ય છે, પણ એ ઉંદર-કોક્રોચથી પણ ડરે છે. ભયંકર અંતર્મુખી છે, ઇનસિક્યોરિટીથી-આત્મવિશ્વાસના અભાવથી-લઘુતાગ્રંથિથી પીડાય છે. છતાં ફિલ્મ એ વાત મસ્ત રીતે મૂકે છે કે તમે ગમે તે સ્થિતિમાં હો, ગમે તેવા ભયથી પીડાતા હો, તેમાંથી બહાર તો તમારે જાતે જ નીકળવું પડશે. કોઈ બહારથી આવીને તમને હાથ પકડીને ખેંચશે નહીં.
 • મરતા ક્યા ન કરતા એ ન્યાયે રાવ જીવતા રહેવા માટે જે સ્ટ્રેટેજીઓ અપનાવે છે તે ખરેખર ઇનોવેટિવ છે. એ વિચારવા માટે લેખકોએ પોતે પુરાયેલા માણસના પોઇન્ટ ઑફ વ્યુથી વિચાર્યું હશે.
 • પાત્રનું નામ શૌર્ય હોય પણ એ ડરપોક હોય, ટ્રાવેલ કંપનીમાં જોબ કરતો હોય પણ અનેક કાલ્પનિક-વાસ્તવિક પાંજરાંમાં પુરાયેલો હોય, ક્યારેક ધર્મ તો ક્યારેક પિઅર પ્રેશરના નામે અમુક સ્વીકારી લીધેલી ગ્રંથિઓ વખત આવ્યે ભાંગીને ભુક્કો થઈ જાય, નૈતિકતાનું ફીંડલું વળી જાય, ક્યારે શું શીખેલું ક્યાં કામમાં આવી જાય એ સ્ટિવ જોબ્સની ફિલસૂફી જેવી અનેક આઇરોનિકલ બાબતો આ ફિલ્મમાં કહ્યા વિના વેરાયેલી પડી છે. સ્ક્રીન પર પાત્રની વાટ લાગેલી હોય અને આપણને એની સ્થિતિ જોઇને હસવું આવે એવી ‘બ્લૅક કોમેડી’ ઉપરાંત ડરથી પેટમાં આંટી ચડી જાય એવી પણ ઘણી બધી ક્ષણો અહીં છે.
 • ‘ટ્રૅપ્ડ’માં રાવ એક્ઝેક્ટ્લી કેટલા સમય સુધી પુરાયેલો રહે છે તે ક્લિયર થતું નથી. પૂરતા ખોરાકના અભાવે માણસનું શરીર પોતાની સ્ટોર કરેલી ચરબી વાપરવા માંડે. પરંતુ અહીં રાવની દાઢીમાં વધારાને બાદ કરતાં એના શરીરમાં ખાસ ઘટાડો થતો દેખાતો નથી. આમ તો આખી ફિલ્મ એકદમ ચુસ્ત છે, છતાં અમુક દૃશ્યો રિપિટ થતાં હોય એવું લાગ્યા કરે છે. ક્લાઇમૅક્સમાં CGI પણ હજુ સ્ટ્રોંગ, હજુ વર્ટિગો પ્રેરે તેવી બનાવી શકાઈ હોત.
 • આવા અમુક ઇઝીલી અવગણી શકાય તેવા માઇનસ પોઇન્ટ્સ છતાં ‘ટ્રૅપ્ડ’ સુપર્બ સર્વાઇવલ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મ આપણને વૅક્યુમ ક્લિનરની જેમ એવી અંદર ખેંચી લે છે કે તેમાં ઇન્ટરવલ નથી એ પણ ખ્યાલ નથી આવતો! થૅન્ક ગૉડ, બજેટ, બૉક્સઑફિસ કલેક્શન વગેરેની ચિંતા કર્યા વિના આવી પ્યૉર સિનેમા જેવી ફિલ્મો પણ બનતી રહે છે. બેધડક જોઈ નાખો અને ઘરે આવ્યા પછી એક વખત તો તાળું-દરવાજા ચૅક કર્યા વિના નહીં રહો!

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits

હમારી અધૂરી કહાની

દર્દ-એ-દિલ, દર્દ-એ-દિમાગ

***

દર્દ કા હદ સે બઢ જાના દવા નહીં ક્યારેક ફારસ પણ બની જાય. પાત્રોને પરાણે અને વધુ પડતાં દુઃખી કરવાની ક્વાયત લોજિક અને લાગણીનો પાલવ છોડી દે છે.

***

hamari_adhuri_kahani_official_posterપીડા અને એમાંય અધૂરા પ્રેમની પીડા આપણે ત્યાં ગરમાગરમ ભજિયાની જેમ વેચાતી આવી છે. રિક્ષાની પાછળ બેવફા પ્રેમિકાઓને ઉદ્દેશીને લખાયેલી શાયરીઓથી લઇને ‘દેવદાસ’ જેવી અમર કૃતિઓ તેની સાબિતી છે. દિગ્દર્શક મોહિત સૂરિને આપણી પીડાની આ દુખતી રગ બરાબરની હાથમાં આવી ગઈ છે. દિલમાં દર્દની દુકાન લઇને ફરતો હીરો દર્દભરે નગમે ગાયા કરે અને લોકો રૂમાલથી આંસુડાં લૂછતાં રહે. એમની પાછલી બે ફિલ્મો ‘આશિકી-૨’ અને ‘એક વિલન’માં હીરોની હાલત આવી જ હતી. જ્યારે હવે આવેલી ‘હમારી અધૂરી કહાની’માં લગભગ બધાં જ પાત્રો ‘દેવદાસ સિન્ડ્રોમ’થી પિડાય છે. એટલે અમુક હદ પછી આપણને વાર્તાની દિશા અને પાત્રોનાં નિર્ણયો તદ્દન તર્કહીન લાગવા માંડે. એ જ ઘડીએ એમની પીડાથી આપણા છૂટાછેડા થઈ જાય.

દુઃખી મન મેરે

આ એક એવા દુઃખીસ્તાનની કહાણી છે, જ્યાં બધાં જ દુઃખી છે. વસુધા પ્રસાદ (વિદ્યા બાલન) એક ફાઇવસ્ટાર હૉટેલમાં ફ્લોરિસ્ટ છે, જે બૈરીને પાંવ કી જૂતી સમજતા મૅલ શોવિનિસ્ટ પતિ હરિ (રાજકુમાર રાવ) સાથે પરણીને દુઃખી છે. હરિયો પાંચ વર્ષથી ક્યાંક ગાયબ છે. કહે છે કે એ આતંકવાદી બની ગયો છે. હૉટેલમાં ફૂલો ગોઠવતાં ગોઠવતાં તેના માલિક આરવ રૂપારેલ (ઇમરાન હાશ્મી) અને આ વસુધા વચ્ચે પ્રેમનાં પુષ્પો ખીલી ઊઠે છે. ૧૦૮ હૉટેલોનો ધણી આરવ પણ દુઃખી છે. એની ભગ્નહૃદયી મમ્મી (અમલા)નું દુઃખ હજીયે એના દિલની હાર્ડડિસ્કમાં ખાસ્સી એવી જગ્યા રોકીને બેઠું છે.

હવે વસુધા અને આરવ મીન્સ કે વિદ્યા બાલન અને ઇમરાન હાશ્મી પ્રેમના પુષ્પને લગ્નની ફુલદાનીમાં ગોઠવવાની અણી પર જ હોય છે ત્યારે વિદ્યાનો જૂનો પતિ અચાનક ગુમડાની જેમ ફૂટી નીકળે છે. સરવાળે દુઃખનો ગુણાકાર થવા માંડે છે.

ગુમડાનો કરીએ ગુલાલ

દિગ્દર્શક મોહિત સૂરિનું પોતાનું એક વિશ્વ છે. એ વિશ્વમાં આગળ કહ્યું એમ હીરો સતત પીડામાં જ જીવતો હોય. જાણે દુઃખી રહેવામાં અને લોકોની સહાનુભૂતિ ઉઘરાવવામાં એને મજા પડવા લાગે છે. એ પીડાની સાઇડ ઇફેક્ટને કારણે એ દરેક ઠેકાણેથી કોઈ ફિલોસોફી નિચેવી કાઢે છે. ધારો કે એના પાત્રને તાવ આવે કે ઘરમાં દૂધ ઊભરાઈ જશે તોય એ એને પોતાની પીડા સાથે જોડી દેશે અને કોઈક ફિલોસોફી ઠપકારી દેશેઃ ‘આંસૂ જબ જિસ્મ મેં જમ જાતે હૈ તબ વો બુખાર કી તરહ પૂરે બદન કો જલાને લગતે હૈ’ અથવા તો ‘ગમ હો યા દૂધ, કભી તો ઉબલ કર બાહર આ હી જાતા હૈ.’ એ તાવની દવા નહીં કરાવે કે ઊભરાયેલા દૂધ પર પોતું ફેરવીને આગળ નહીં વધે. વળી, સાચા પ્રેમમાં પડ્યા હોવાના પુરાવા રૂપે એ મગજનો ઉપયોગ કરવાનું બંધ કરીને કહેવાતી લાગણીની ધૂંસરીથી ખેંચાતો ચાલ્યો જશે. લોજિકલ વાત કરીને એના દોસ્તાર જેવી કોઈ ઠરેલ વ્યક્તિ એને ટપારવાનો પ્રયત્ન કરશે પણ અલ્ટિમેટલી એ મોહિત સૂરિનો હીરો છે એટલે દર્દના દરિયામાં જ ખાબકવાનો છે.

કહે છેકે આ ફિલ્મ મહેશ ભટ્ટ સાહેબના પપ્પા નાનાભાઈ ભટ્ટની લવસ્ટોરી પર આધારિત છે (બાય ધ વે, મહેશ ભટ્ટ પાસે હજી કેટલી પર્સનલ ટ્રેજેડીઓ કહેવાની બાકી રહી ગઈ છે?). એટલે જ આ ફિલ્મમાં લેખક તરીકે ભટ્ટસાહેબનું નામ બોલે છે. પરંતુ ચોખ્ખું દેખાઈ આવે છે કે આ ફિલ્મ અધકચરી લખાયેલી છે અને તે બિલકુલ નિરાશાવાદી અભિગમ ધરાવે છે. શાંત ચિત્તે વિચારીએ તો સમજાય છે કે વિદ્યા બાલન તથા ઇમરાન હાશ્મીનાં પાત્રોને સુખી થવું જ નથી. જાણે સુસાઇડલ અભિગમ ધરાવતા હોય એમ બંને પોતાની પીડામાંથી જાણી જોઇને બહાર આવતાં નથી. એટલા માટે જ ફિલ્મની શરૂઆતમાં એ બંને પાત્રો સાથે પ્રેક્ષકોને લાગણીનો જે તંતુ બંધાય છે, એ એમનો દેવદાસ ટાઇપનો અપ્રોચ જોઇને તૂટી જાય છે. હૉલીવુડની ‘પર્લહાર્બર’ અને ‘ટાઇટેનિક’ તથા આપણી ઋષિકપૂરવાળી ‘દીવાના’ ફિલ્મનાં પાત્રો કંઇક આવી જ પરિસ્થિતિમાં મુકાયાં હતાં, પરંતુ એમણે પોઝિટિવ અભિગમ રાખેલો. પીડા કુદરતી રીતે આવેલી હોય તો તેના પ્રત્યે સહાનુભૂતિ થાય, પેટ ચોળીને ઊભી કરેલી હોય ત્યારે ન થાય. અહીં બધાં જ પાત્રોની પ્રેમકહાની અધૂરી છે, જે કોઇન્સિડન્સ તો કઈ રીતે હોય?

એક તો બધી વાતમાં ઑવર મેલોડ્રામેટિક થઈ જતું બિહેવિયર અને તેમાં ઉપરથી લેખિકા શગુફ્તા રફીકનાં ફિલોસોફીથી ફાટફાટ થતા સંવાદો. મોટાભાગનાં દૃશ્યોમાં પાત્રો મોઢું ખોલે કે એમના મુખકમળમાંથી ફોફલી ફિલોસોફી જ સરી પડેઃ ‘જિસ બગીચે મેં મુરઝાયે હુએ ફૂલ ન હો, વો બગીચા બગીચા નહીં હોતા’, ‘મેરી હાલત રેગિસ્તાન મેં ફંસે ઉસ મુસાફિર જૈસી હૈ, જિસે પાની નઝર તો આતા હૈ લેકિન હોતા વૉહ સિર્ફ મેહરાબ હૈ’, ‘પ્યાર એક ઝિમ્મેદારી હૈ જિસે તકદીરવાલે હી ઉઠાયા કરતે હૈં’, ‘સચ્ચે પ્યાર કી કહાની કા કોઈ અંત નહીં હોતા’… આ ઢગલો શું કામ કરાયો છે એ તો લખનારા જાણે, પરંતુ ક્યારેક તે અનઇન્ટેન્શનલ લાફ્ટર ઊભું કરી દે છે. જેમ કે, અમલા જ્યારે વિદ્યા બાલનને પહેલીવાર જુએ છે ત્યારે તે કોઈ જ સંદર્ભ વિના બોલી ઊઠે છે, ‘યે બંજારન કૌન હૈ, જો અપની સી લગતી હૈ?’ ગંભીર સીન હોવા છતાં આવું વિચિત્ર વાક્ય સાંભળીને પ્રેક્ષકોમાં હાસ્યનું મોજું ફરી વળે છે.

લોજિકનાં ચશ્માંમાંથી જુઓ તો પોતાના દીકરા ખાતર પણ વિદ્યા ઇમરાન સાથે લગ્ન શા માટે કરતી નથી, ઇમરાન હાથે કરીને જોખમી વિસ્તારમાં જાતે શા માટે જાય છે, ત્યાંથી લઇને એકવીસ વર્ષ પહેલાં પણ આઇ પૅડ-મોબાઇલ ફોન ક્યાંથી આવ્યા એવા સહજ પ્રશ્નો થાય જ. અરે, વિદ્યાના ચહેરા પર ગુલાબ ફેરવતા ઇમરાનને જોઇને ‘મુઘલ-એ-આઝમ’ યાદ આવે, તો રંગોળી વીખીને લહેરાતી સાડીએ દોડતી વિદ્યા (ભણસાલીના) ‘દેવદાસ’ની ‘પારો’ લાગે. આ જ વિદ્યા અહીં ‘કહાની’ના ક્લાઇમૅક્સની પણ યાદ અપાવે છે.

પીડાના પાર્ટનર

ફિલ્મ સાથે તમે કનેક્ટ થાઓ કે નહીં, પરંતુ એટલું તો માનવું પડે કે ઇમરાન, વિદ્યા અને રાજકુમાર રાવ ત્રણેયે પોતાના પાત્રમાં જીવ રેડી દીધો છે. એક પછી એક નવા સૂટ પહેર્યા કરતો ઇમરાન આટલો હેન્ડસમ ભાગ્યે જ કોઈ ફિલ્મમાં દેખાયો છે. દક્ષિણની હિરોઇન અમલા અક્કીનેની (‘શિવા’ ફેમ) બે વર્ષ પછી ફિલ્મમાં દેખાઈ છે. અને બોસ, એ એટલી જ ખૂબસૂરત લાગે છે. ટચવૂડ. વચ્ચે વચ્ચે સુહાસિની મૂળે, યતિન કર્યેકર અને ‘હૈદર’ના પિતા બનેલા અફલાતૂન અવાજના માલિક નરેન્દ્ર ઝા જેવાં સિનિયર કલાકારો પણ હાઉકલી કરી જાય છે. મોહિત સૂરિની ફિલ્મોનું સૌથી સ્ટ્રોંગ પાસું હોય છે તેનું દિલકશ મ્યુઝિક. અહીં ત્રણ સંગીતકારો (મિથૂન, જીત ગાંગુલી અને અમી મિશ્રા) છે અને સંગીત પણ સાંભળવું ગમે તેવું છે, પરંતુ તેમાં ‘એક વિલન’નાં ગીતોની છાંટ વર્તાયા કરે છે.

તમે પીડાપ્રેમી છો?

એક ફિલ્મની દૃષ્ટિએ જોઇએ તો ‘હમારી અધૂરી કહાની’માં જથ્થાબંધ ઊણપો છે. તેમ છતાં તમે જો ઇમરાન હાશ્મી કે વિદ્યા બાલનના ફૅનની કેટેગરીમાં આવતા હો, તમને દર્દીલી દાસ્તાનના બૅકગ્રાઉન્ડમાં દર્દભરે નગમે ચાલતાં હોય એવી વાર્તા ગમતી અથવા તો પ્રેમને ખાતર જાત કુરબાન કરતાં પાત્રો પ્રત્યે લગાવ હોય તો આ ફિલ્મ જોવા લાંબા થઈ શકાય. હા, જાઓ તો સાથે એક સારામાંનો રૂમાલ સાથે રાખજો.

રેટિંગઃ ** (બે સ્ટાર)

પોસ્ટ સ્ક્રિપ્ટઃ – રાજકુમાર રાવ ‘ક્વીન’માં કંગનાની પાછળ પડી ગયો હતો કે, “અલી મારા નામનું ટેટૂ કરાય ને!’’ તે આ ફિલ્મમાં (ભલે વિદ્યાને) કરાવીને જ ઝંપ્યો બોલો!

આ ફિલ્મમાં કરાવેલી દુબઈ, શિમલા, કોલકાતાની ટૂરો પણ લગભગ અર્થહીન છે. દુબઈની હૉટેલના બગીચામાં ઇમરાન વિદ્યાને માત્ર એટલા માટે જ લઈ જાય છે જેથી વિદ્યા પેલો ‘મુરઝાયે હુએ ફુલ-પત્તે’વાળો ડાયલોગ ફટકારી શકે. કે કોલકાતાય એટલા સારુ જ ઘુસાડ્યું છે કે વિદ્યાને મારવા ધસી આવેલા રાજકુમારને પાછળ દુર્ગા મા દેખાય અને સ્ત્રીશક્તિથી ડરીને એ પાછો વળી જાય.

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ડૉલી કી ડોલી

લૂટેરી દુલ્હન

***

આ ફિલ્મ જોવા માટેની ફોર્મ્યૂલા સિમ્પલ છેઃ આને કા, ફિલિમ દેખને કા, હંસને કા ઔર જાને કા, લેકિન દિમાગ નહીં ચલાને કા!

***

dolly-ki-doli-2nd-look-embeપહેલી જ વાર ડિરેક્ટરની ખુરશી પર બેઠેલા અભિષેક ડોગરાની ફિલ્મ ‘ડૉલી કી ડોલી’ પાસેથી લોકોને પાણીપુરીની લારીવાળા જેટલી જ અપેક્ષા હોય. મન થયું, તો ખાઈ લીધી. પૌષ્ટિક ન હોય તો કંઈ નહીં, બે ઘડી મજા આવવી જોઇએ. એ પછી લટકામાં મળતી ‘સૂખા પૂરી’ જેવું નાનકડું સરપ્રાઇઝ મળી જાય તો ગંગા નાહ્યા.

શાદી કે બાદ

ડૉલી (સોનમ કપૂર) એવી કામણગારી કન્યા છે, જે પ્રેમ કા ગેમ ખેલીને માલેતુજાર જુવાનિયાંવને લટ્ટુ બનાવે છે, શાદી બનાવે છે અને પછી ઉલ્લુ બનાવે છે. સુહાગરાતના બીજા દિવસે જ સાસરિયાંને ઊંઘતા છોડીને ઘર સાફ કરીને નૌ દો ગ્યારહ થઈ જાય છે. એની આ ગેમમાં દુબેજી (મનોજ જોશી), બાબુ (મોહમ્મદ ઝીશન અય્યુબ) અને બીજા લોકો પણ સામેલ છે. ડૉલીના પતિ થઇને પતી ગયેલી પાર્ટીઓ સોનુ સેહરાવત (રાજકુમાર રાવ) અને મનજોત સિંઘ ચઢ્ઢા (વરુણ શર્મા) ડૉલીને બરાક ઓબામાના સ્નિફર ડૉગની જેમ શોધી રહ્યા છે. બીજી બાજુ પોલીસ પણ હરકતમાં આવે છે અને ડૉલીને શોધી કાઢવાનો કેસ સોંપાય છે સલમાન જેવી સ્ટાઇલો મારતા પોલીસમેન રોબિન સિંઘ (પુલકિત સમ્રાટ)ને. આગળ શું થાય છે એ જાણવા માટે તમારે વગર કંકોતરીએ પહોંચી જવાનું ડૉલી કી બારાતમાં.

બેન્ડ બાજા બારાત

સલમાનભાઈના બડે ભાઈ અરબાઝ ખાને પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ માત્ર સો મિનિટની જ છે, મતલબ કે દોઢ કલાક પ્લસ દસ મિનિટ. એટલે ફિલ્મની સ્ટોરી ફટાફટ ભાગે છે. આપણે હજી કંટાળવાનું વિચારતા હોઇએ ત્યાં તો ઇન્ટરવલ પડી જાય. ફરી પાછો કંટાળો ડોકિયું કરવાની હિંમત કરે ત્યાં તો થિયેટરવાળા આપણને બેટરી બતાવીને કહે કે, ‘સાબ, જાને કા ટેમ હો ગયા!’ ફિલ્મનો ઇન્ટરવલ પહેલાંનો ભાગ ટ્રેલરમાં બતાવે છે એવો જ એન્ટરટેનિંગ છે, જ્યારે સેકન્ડ હાફમાં દિલ્હીના રાજકારણ જેવી વિચિત્રતાઓ ફૂટી નીકળે છે.

પરંતુ ફિલ્મમાં સૌથી વધુ મજા કરાવે છે રાજકુમાર રાવ તથા વરુણ શર્મા (‘ફુકરે’ ફિલ્મનો ‘ચૂચો’)ની સુપર્બ કોમિક ટાઇમિંગવાળી એક્ટિંગ. રાજકુમાર રાવ લંબી રેસનો ઘોડો છે અને સખત વર્સેટાઇલ એક્ટર છે. એ ‘શાહિદ’ અને ‘કાઇપો છે’ જેવા ઇન્ટેન્સ રોલ કરી જાણે છે, તો અહીં ‘ડૉલી કી ડોલી’માં પાગલ મજનુ દીવાના બનીને કોમેડીથી લઇને ઠુમકા લગાવવામાં પણ એકદમ પાવરધો લાગે છે. હરિયાણવી બોલીમાં તો એ એટલો નેચરલ લાગે છે કે એની સામે ‘પીકે’નો ભોજપુરિયા આમિર ખાન પણ સિન્થેટિક લાગે. અને વરુણ શર્મા. વરુણ આ ફિલ્મનો અનસંગ હીરો છે. સૌથી વધુ લાફ્ટર એ ખેંચી જાય છે અને વિવેચકો બીજા કલાકારોને પોંખવામાંથી ઊંચા નથી આવતા. પરંતુ એ જો આવા બાઘા જુવાનિયાના એકસરખા જ રોલ કર્યા કરશે, તો ‘થ્રી ઇડિયટ્સ’ના ‘ચતુર મહાલિંગમ’ એટલે કે ઓમી વૈદ્યની જેમ ફેંકાઈ જશે.

આ દેશમાં સોનમ કપૂરના ચાહકોની સંખ્યા કેજરીવાલના સમર્થકો કરતાં પણ વધારે છે. એ દર બીજી ફિલ્મમાં રંગરંગ વાદળિયાં જેવાં કપડાં પહેરીને ચુલબુલી ગર્લની એકસરખી એક્ટિંગ કરે છે તોય લોકોને આનંદ આવતો રહે છે. ચરિત્ર અભિનેતા રાજેશ શર્મા અહીં હીરોના શોખીન મિજાજના હરિયાણવી પપ્પાની ભૂમિકામાં છે. એમને બહુ ઓછી સ્ક્રીનસ્પેસ મળી છે, પણ બધા જ સીનમાં છવાઈ જાય છે. બીજો હીરો પુલકિત સમ્રાટ દેખાવે રૂડોરૂપાળો છે, પણ જેટલી વાર એને જોઇએ એટલી વાર ‘દબંગ’નો સલમાન જ યાદ આવે છે. મનોજ જોશી એમની રાબેતા મુજબની એક્ટિંગ સાથે ફિલ્મમાં છે. એમ તો અર્ચના પુરણ સિંહ પણ અચાનક વાવાઝોડાની જેમ આવીને ફિલ્મમાં ઘોંઘાટનું લેવલ ઊંચું લાવી દે છે.

ફિલ્મની સૌથી મોટી નિરાશા હોય, તો તે છે મોહમ્મદ ઝીશન ઐયુબ. ‘રાંઝણા’ ફિલ્મમાં હીરો ધનુષના દોસ્તાર ‘મુરારી’ તરીકે આખી ફિલ્મમાં છવાઈ જનારો આ ટેલેન્ટેડ કલાકાર અહીં સાવ નીરસ લાગે છે. જાણે એની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય એ રીતે એની એક્ટિંગમાં કોઈ સ્પાર્ક જ દેખાતો નથી.

હવે બે શબ્દ સંગીતકારો સાજિભાઈ-વાજિદભાઈની શાનમાં. આ લોકો હવે બધી જ ફિલ્મોમાં ‘દબંગ’નું જ બીબું વાપરે છે. એક આઇટેમ સોંગ (જેમાં પાછા પ્રોડ્યુસર મલાઇકા અરોરાએ જ ઠુમકા લગાવ્યા હોય!), એક નૈના સોંગ (સિંગરઃ વિના અપવાદે રાહત ફતેહ અલી ખાન), એક છમિયા સોંગ, એક પાર્ટી સોંગ અને એક લવ સોંગ. ધેટ્સ ઑલ. કુછ નયા સોચો યાર!

ચાંલ્લો કેટલો?

જેમ લગ્નમાં મુહૂર્ત વીતી ગયું હોય અને ગોરમહારાજ ફાસ્ટ ફોરવર્ડમાં વિધિ પતાવી દે એ રીતે ડિરેક્ટર સાહેબે વાર્તાનો વીંટો વાળી દીધો છે. એટલે ફિલ્મમાં લોજિકનો પાલવ પકડશો તો બહુ બધા સવાલો થશે (જેમ કે, આ ડૉલીનો એકેય ફોટો કોઈ પાસે કેમ ન હોય? બધા લોકો પોતાના દાગીના ઇસ્ત્રી કરેલાં કપડાંની જેમ ખુલ્લા કબાટમાં શા માટે રાખે? બધા લોકો એક જ ટ્રિકથી કઈ રીતે ફસાઈ જાય? પોલીસ આમ અક્કલ વગરની જેમ શા માટે વર્તે છે? વગેરે), અને સરવાળે દુખી થશો. એના કરતાં ફિલ્મમાં ઘણી બધી લાફ્ટર મોમેન્ટ્સ છે, એમાં હસીને ખુશ થજો. ખુશ જ થવું હોય તો ફિલ્મમાં એક નાનકડું સરપ્રાઇઝ પણ છે! અને હા, તમે જો ‘સોનમ કપૂર ફેન ક્લબ’ના સભ્ય ન હો, તો ડીવીડી બહાર પડે ત્યાં સુધી પણ રાહ જોવામાં વાંધી નથી.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

સિટીલાઇટ્સ

પેટ કરાવે વેઠ

***

હંસલ મહેતાની સિટીલાઇટ્સ માત્ર મનોરંજન માટે કે ફ્રેશ થવા માટે ફિલ્મો જોવા જતા લોકો માટે નથી.

***

02-citylightsગરીબી આપણી ફિલ્મોનું ‘ગિલ્ટિ પ્લેઝર’ છે. ગરીબો કેવી હાલાકી ભોગવીને જીવે છે એનું ત્રાસ થઈ જાય એ હદે ચિત્રણ કરતી કૃતિઓ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સર્કિટમાં રાતોરાત હિટ થઈ જાય છે. એનાં ‘દો બીઘા ઝમીન’થી લઈને ‘સલામ બોમ્બે’ અને ‘સ્લમડોગ મિલ્યનેર’ સુધીનાં ઉદાહરણોનો ઢગલો આપણી પાસે પડ્યો છે. હંસલ મહેતાની સિટીલાઇટ્સ એ જ માળાનો વધુ એક મણકો છે. આપણને માત્ર દુઃખી કરવા માટે જ જાણે આ ફિલ્મ બનાવી હોય એમ તેમાં સમ ખાવા પૂરતી હળવાશ સુદ્ધાં હળવાશ ડિરેક્ટરે મૂકી નથી.

રોટલા અને ઓટલાનું વિષચક્ર

દિપક સિંઘ (રાજકુમાર યાદવ) પત્ની રાખી (પત્રલેખા) અને ચારેક વર્ષની દીકરી સાથે રાજસ્થાનના એક નાનકડા ગામડામાં રહે છે. દિપક અગાઉ લશ્કરમાં ડ્રાઈવરની નોકરી કરતો, પણ હવે ગામડામાં સાડીઓની નાનકડી દુકાન ચલાવે છે. આમદની ચવન્ની અને ખર્ચા દસ રૂપિયા જેવા ઘાટને કારણે શાહુકારો એની દુકાન પચાવી પાડે છે. એટલે રોટલાની તલાશમાં દીપકનો પરિવાર મુંબઈની વાટ પકડે છે. પગ મૂકતાંવેંત મુંબઈ પોતાનો પરચો બતાવે છે. હવે આ પરિવાર પાસે નથી રોટલો, નથી ઓટલો કે નથી પૈસા. મજૂરી કરીને પણ કેટલા દિવસ કામ ચાલે?

નછૂટકે રાખી બિયર બારમાં ડાન્સર બને છે. બીજી બાજુ દિપકને પણ એક સિક્યોરિટી કંપનીમાં નોકરી મળી જાય છે. દિપકની હાલત પર દયા ખાઈને વિષ્ણુ (માનવ કૌલ) એને નોકરીએ રખાવી દે છે. એ સિક્યોરિટી એજન્સીનું કામ એવું કે એક પાર્ટી પાસેથી બોક્સ લઈને બીજી પાર્ટીને પહોંચતું કરવાનું. તોડવાની કોશિશ કરો તો બ્લાસ્ટ થાય એ રીતે સીલપેક એવા એ બોક્સમાં પૈસા હોય કે ડ્રગ્સ એની સાથે આ લોકોને કશી લેવાદેવા નહીં. પણ હા, જીવનું જોખમ સતત લટકતું રહે.

ધીમે ધીમે દિપક અને એના બોસ વિષ્ણુ વચ્ચે દોસ્તી જામે છે. વિષ્ણુ પોતાનું ભાડે લીધેલું ઘર પણ વિષ્ણુને આપી દે છે. ત્યાં જ વિષ્ણુ દિપક સામે એવી ઑફર મૂકે છે, જે બધાંની જિંદગી કાયમ માટે બદલી નાખે છે. દિપક સામે તો ઈધર કૂંઆ ઉધર ખાઈ જેવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે.

પીડાનો ઓવરડોઝ

હંસલ મહેતાની સિટીલાઇટ્સ ગયા વર્ષે આવેલી બ્રિટીશ ફિલ્મ ‘મેટ્રો મનિલા’ની રિમેક છે. મેટ્રો મનિલાને દુનિયાભરના વિવેચકોએ વખાણેલી. પરંતુ અહીં આખી ફિલ્મમાંથી સતત પીડા ટપકતી રહે તેનું હંસલ મહેતાએ ખાસ ધ્યાન રાખ્યું છે. ગરીબ હોવા છતાં આ નાનકડો પરિવાર સુખી છે એવું અલપ ઝલપ બતાવ્યાં પછી સતત એમની માથે દુઃખના ડુંગરો તૂટતા રહે છે. વળી, ફિલ્મની ટ્રીટમેન્ટ પણ રિયલિસ્ટિક કહેવાય એ પ્રકારની રખાઈ છે. એટલે બે ટંક ભોજન માટે પણ ટળવળતો પરિવાર ઉકરડે પડી રહે, બિયર બારમાં કામ માગવા જાય ત્યારે યુવતીના આખા શરીરને છેક સુધી ચકાસવામાં આવે, ફરિયાદ નોંધવાને બદલે વીડિયોગેમ રમ્યે રાખતા પોલીસવાળા… આ બધું એટલી સહજતાથી બતાવાય છે કે આપણા મગજની નસો તણાઈ જાય. ઉપરથી ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર્સના ફેવરિટ એવા સતત હલહલ થતા કેમેરા એન્ગલ્સ અને ખાસ્સી વાર સુધી સહેજ પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વિના ચાલતા સીન આપણી ધીરજની કસોટી કરી લે.

ધીમી ગતિએ લગભગ અનુમાન લગાવી શકાય એવા પાટા પર જતી આ ફિલ્મની સ્ટોરીનું પોત અત્યંત પાતળું છે. 126 મિનિટ્સની સિટી લાઇટ્સમાં ઉદાસીને ખંખેરે એવા હળવા સીન પણ નાખ્યા નથી. મતલબ સાફ છે, આ ફિલ્મ મનોરંજન માટે નહીં બલકે હચમચાવવા માટે જ બનાવાઈ છે. વાર્તામાં એક પછી એક બનતા બનાવો આપણને સતત એ બીકમાં રાખે કે હમણાં કંઈક માઠા સમચાર આવશે. અને મોટે ભાગે આપણે સાચા પડીએ.

કડવી દવાની જેમ ઘૂંટડે ઘૂંટડે હતાશામાં ગરકાવ કરતી જતી સિટીલાઇટ્સ એક સીનમાં ‘દો બીઘા ઝમીન’ની તો અમુક સીનમાં ‘લંચબોક્સ’ની યાદ અપાવે છે. રાજકુમાર રાવ આ ફિલ્મનો ઓક્સિજન છે. જે સહેલાઈથી એણે ગરીબ મજબૂર રાજસ્થાનીના પાત્રને આત્મસાત્ કર્યું છે, એ જોતાં આવતા વર્ષે પણ એ નેશનલ એવોર્ડ ખૂંચવી જાય તો નવાઈ નહીં. રાજકુમારની રિયલ લાઈફ ગર્લફ્રેન્ડ પત્રલેખાનો અભિનય સારો છે, પણ આ જ પ્રકારની એક્ટિંગ કરનારી (કોંકણા સેન, રાઈમા સેન, તનિષ્ઠા ચેટર્જી જેવી) અભિનેત્રીઓથી કશું અલગ તે આપતી નથી. ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ છે, વિષ્ણુ બનતા અભિનેતા માનવ કૌલ (જેને આપણે ‘કાઈપો છે’માં ‘બિટ્ટુ મામા’ના રોલમાં જોયેલા). એમની સતત કડક અને સાથોસાથ ઈમોશનલ એક્ટિંગ એના પાત્રની આસપાસ રહસ્યનું વર્તુળ સતત ફરતું રાખે છે.

પાવરફુલ પરફોર્મન્સ ઉપરાંત બીજું સશક્ત પાસું છે જિત ગાંગુલીનું આહલાદક મ્યુઝિક. ફિલ્મનાં લગભગ બધાં જ ગીતો શાંત રાત્રિએ સાંભળવા ગમે એવાં સોલફુલ બન્યાં છે. ખાસ કરીને, ‘એક ચિરૈયા’ તથા ‘મુસ્કુરાને કી વજહ’. બંનેમાં અરિજિત સિંઘનો અવાજ કમાલ કરે છે. આટલું સારું સંગીત હોવા છતાં તે જ ફિલ્મનું દુશ્મન બન્યું છે. ગીતોની સંખ્યામાં પ્રમાણભાન જળવાયું નથી, અને દર થોડી વારે ટપકી પડતાં ગીતો (સારાં હોવા છતાં) ઓલરેડી સ્લો ફિલ્મને ઓર ધીમી પાડી દે છે.

સિટીલાઇટ્સ ઑન કે ઑફ્ફ?

ખુશ થવાને બદલે દુઃખી દુઃખી કરી મૂકતી આ ફિલ્મ દરેક જણ માટે નથી. જો તમને આર્ટ ફિલ્મો જોવી ગમતી હોય, કારમી ગરીબીમાં જીવતા રહેવાનો સંઘર્ષ કરતા પરિવારની પીડા અનુભવવી હોય, મુંબઈની ચમકદમક પાછળનો કદરૂપો ચહેરો જોવો હોય અથવા તો તમે રાજકુમાર રાવની એક્ટિંગના ફેન હો, તો આ ફિલ્મની ટિકિટ ખરીદજો. આટલી ‘વૈધાનિક ચેતાવની’ વાંચ્યા પછી જ ફિલ્મ જોવાની હિંમત કરશો જેથી બહાર નીકળીને ‘સાલો, મૂડ ઑફ્ફ થઈ ગયો’ એવી ફરિયાદ ન રહે!

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ક્વીન

કાળા વાદળની રૂપેરી કોર

***

હોલિવૂડની ઇટ પ્રે લવના ભારતીય જવાબ સમી કંગના રણૌતની ક્વીન પરફેક્ટ વુમન્સ ડે ફિલ્મ છે. ગો ફોર ઇટ!

***

queen-poster_139291112600એલિઝાબેથ ગિલ્બર્ટ નામની અમેરિકન લેખિકાના પતિએ એને ડિવોર્સ આપી દીધા પછી ભાંગી પડેલી એલિઝાબેથે ભારત સહિત ત્રણ દેશની મુસાફરી કરી. ત્યાં એને જે અનુભવો થયા- જે મિત્રો મળ્યાં, એના પરથી એણે પુસ્તક લખ્યું, ‘ઇટ પ્રે લવ’. આ પુસ્તક સુપર બેસ્ટસેલર બન્યું અને એના પરથી જુલિયા રોબર્ટ્સને લઇને એ જ નામની ફિલ્મ પણ બની. ‘લિઝ’ તરીકે ઓળખાતી એલિઝાબેથ રાતોરાત સ્ટાર લેખિકા બની ગઇ. જો ડિવોર્સ ન થયા હોત તો એલિઝાબેથની જિંદગી આ હદે પલટાઇ ન હોત. વિકાસ બહલે કંગના રણૌતને લઇને બનાવેલી ‘ક્વીન’ જાણે ‘ઇટ પ્રે લવ’નો જડબાતોડ ભારતીય જવાબ હોય એવી અદભુત ફિલ્મ છે.

કહતા હૈ દિલ, જી લે ઝરા…

દિલ્હીમાં રહેતી રાની (કંગના રણૌત) ચોવીસ વર્ષની કોડીલી કન્યા છે, જેના હાથમાં લગ્નની મહેંદી મુકાઇ રહી છે. ઘરમાં લગ્નની બધી જ તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચૂક્યો છે. પરંતુ છેક છેલ્લી ઘડીએ રાનીનો મંગેતર વિજય (રાજકુમાર રાવ) આવીને કંગનાને કહે છે કે મારે તારી સાથે લગ્ન નથી કરવાં, યુ આર નોટ માય ટાઇપ. રાની અને એના પરિવારજનોની માથે આકાશ તૂટી પડે છે. બિચારીએ તો પેરિસ-આમ્સટર્ડેમ હનિમૂનમાં જવાનું બુકિંગ પણ કરાવી નાખેલું.

પરંતુ અચાનક આંસુ લૂંછીને કંગના કહે છે, ભલે મારાં લગ્ન ન થયાં, પણ હું એકલી હનિમૂનમાં જઇશ. અને એ ઉપડી જાય છે. પેરિસની હોટલમાં એ ભારતીય મૂળની હોટલ એમ્પ્લોયી વિજયાલક્ષ્મી (લિઝા હેડન)ને મળે છે અને એની સાથે દોસ્તી થઇ જાય છે. વિજયાલક્ષ્મી સાથે પેરિસ જોયા બાદ એ ત્યાંથી આમ્સર્ડેમ જાય છે. પરંતુ ત્યાં એને ત્રણ જુવાનિયાંવ સાથે રૂમ શેર કરવો પડે છે. જેપનીસ, રશિયન અને એક બ્લેક ફ્રેન્ચ યુવાન સાથે એ એક રૂમમાં રહેવા માટે પહેલાં તો ખચકાય છે, પણ ધીમે ધીમે એમની સાથે એની દોસ્તી થઇ જાય છે. આ સફરમાં રાની એટલે કે કંગના એક ઇટાલિયન રેસ્ટોરાં ઑનર અને એક પાકિસ્તાની મૂળની પ્રોસ્ટિટ્યૂટને પણ મળે છે.

આ દરમિયાન અચાનક એના મંગેતર વિજયનું હૃદયપરિવર્તન થઇ જાય છે અને એ કંગનાને ‘સોરી સોરી’ કહીને ફરીથી એની સાથે લગ્ન કરવા વિનવવા માંડે છે. પરંતુ આ આખી સફરમાં અજાણી જગ્યાએ અજાણ્યાં લોકોની વચ્ચે રહીને કંગના પોતાની જાતને પારખે છે, અને એનું રૂપાંતર એક ભીરૂ યુવતીમાંથી કોન્ફિડન્ટ, ઇન્ડિપેન્ડન્ટ યુવતીમાં એનું ટ્રાન્સફોર્મેશન થાય છે.

લોગ જુડતે ગયે કારવાં બનતા ગયા

વુમન્સ ડે નિમિત્તે આ વખતે ‘ગુલાબ ગેંગ’ની સાથે રિલીઝ થયેલી કંગના રણૌતની ફિલ્મ ‘ક્વીન’ બીજી વુમન ઓરિએન્ટેડ મુવી છે. કંગના એકલા હાથે કેટલી અસરકારકતાથી આખી ફિલ્મ ઊંચકી શકે છે એનો ‘ક્વીન’ પરફેક્ટ દાખલો છે. બોલવાની લઢણ, શરૂઆતમાં ભીરુ અને પછી ક્રમશઃ કોન્ફિડન્ટ થતી જતી બોડી લેંગ્વેજ, દારૂના નશામાં એની બોલવાની ઢબ, એનું કોમિક ટાઇમિંગ, કશું ન બોલીને પણ વાત કહી દેવાની કળા… આ બધામાં કંગના પૂરેપૂરા માર્ક્સ લઇ જાય છે.

આ ફિલ્મ કમિંગ ઓફ એજ પ્રકારની ફિલ્મ છે. મતલબ કે અનુભવોની કસોટીમાંથી પસાર થતું જતું પાત્ર ધીમે ધીમે મેચ્યોર થઇને નવું જ વ્યક્તિત્વ ધારણ કરે છે. પરંતુ આ મેસેજ ફિલ્મમાં ક્યાંય ખોટી ડાયલોગબાજીથી ઘોંઘાટિયા રીતે નથી કહેવાયો, બલકે કશું જ કહ્યા વિના આપી દેવાયો છે. ઇટ પ્રે લવ ઉપરાંત ઘણા લોકોને આ ફિલ્મમાં અગાઉ આવી ચૂકેલી કોકટેઇલ, જબ વી મેટ કે ઇંગ્લિશ વિંગ્લિશની પણ છાંટ દેખાશે. પરંતુ આ ફિલ્મ જરાય ફિલ્મી થયા વિના એકદમ નેચરલી કેવી રીતે એક સતત પ્રોટેક્ટિવ શિલ્ડમાં ઉછરેલી યુવતી પોતાની જાતને ઓળખે છે તેની વાત કરે છે. ઇન ફેક્ટ, ફિલ્મમાં ઘણા મેસેજ એકદમ સટલી (subtly) અપાયા છે, જો તમે એ બધા સંદેશા ઝીલી શકો તો એ તમારા જ ફાયદામાં છે.

જાણ્યે અજાણ્યે આપણને (ખાસ કરીને દીકરીઓને) એવું શીખવવામાં આવે છે કે એણે દબાઇને, ચુમાઇને રહેવું. અજાણ્યા લોકો સાથે ઝાઝું હળવા મળવાનું નહીં. આને કારણે બહારની દુનિયાથી આપણે એક અજાણ્યો ભય અનુભવવા માંડીએ છીએ અને સતત કોઇની છત્રછાયામાં જીવવાનું મન થયે રાખે છે. આ ક્વીન ફિલ્મ આપણને એ અજાણ્યા ભયના સકંજામાંથી મુક્ત થવાનો મેસેજ પણ આપે છે. આપણી અંદર શું પડ્યું છે એ આપણે બહાર નીકળીએ તો જ ખબર પડે.

કો-પેસેન્જર્સ

ફિલ્મમાં એક પછી એક પાત્રો ધીમે ધીમે આવતાં જાય છે, પરંતુ પડદા પર ક્યાંય ગિર્દી લાગતી નથી અને દરેક પાત્ર એટલું સુંદર રીતે લખાયેલું છે કે એ પડદા પર ન હોય ત્યારે તમે રીતસર એને મિસ કરો. કંગનાનાં વિદેશી મિત્રો, એની દાદી, એનો છોટુમોટુ ભાઇ… બધા જ. અહીં કંગનાના મંગેતર બનતા રાજકુમાર રાવનો ખાસ ઉલ્લેખ કરવો પડે, કેમ કે એના ભાગે ખાસ કશું કરવાનું આવ્યું નથી, તેમ છતાં એણે આવો રોલ સ્વીકાર્યો એ બદલ એને દાદ આપવી પડે. એ પણ કાય પો છે અને શાહિદમાં અદભુત એક્ટિંગ કર્યા પછી તો ખાસ.

ફિલ્મમાં કંગનાએ ડાયલોગ રાઇટિંગમાં અને પ્રોડ્યુસર અનુરાગ કશ્યપે એડિટિંગમાં પણ હાથ અજમાવ્યા છે, એ બદલ એ બંનેને પણ માર્ક્સ આપવા પડે. હા, ફિલ્મ થોડી સ્લો છે અને એવરેજ દર્શકોને તો ખાસ્સી સ્લો લાગશે. થોડું એડિટિંગ કરાયું હોત તો માસ અને ક્લાસ બંનેને સંતોષી શકાયા હોત. અમિત ત્રિવેદીએ અગેઇન એકદમ ફ્રેશ મ્યુઝિક આપ્યું છે, પરંતુ એ શબ્દોના ઉચ્ચારો થોડા સંભળાય અને સમજાય એવા કરે, તો વધુ મજા પડે.

ક્વીનની સવારીને પોંખવી કે નહીં?

બિલકુલ, આ ક્વીન આપણે ત્યાં અત્યંત દુર્લભ છે એવી મેચ્યોર પ્રકારની ફિલ્મ છે. બિલકુલ ઓપન માઇન્ડથી શાંતચિત્તે આ ફિલ્મ જોવા જશો તો ખાસ્સા નવા ઉદાર વિચારો લઇને બહાર નીકળશો. એટલું જ નહીં, કંગના રણૌતને એક જોરદાર ટેલેન્ટેડ એક્ટર તરીકે પણ માનભેર જોતા થઇ જશો. આ ક્વીન કહે છે કે જો તમારે ખરેખર કશુંક કરવું જ હોય, તો કોઇ તમને રોકી શકતું નથી. અત્યારે કરવા જેવું કામ એ છે કે, આ ફિલ્મ જોઇ આવો! હાઇવે પછી આવેલી બીજી અદભુત ફિલ્મ.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

શાહિદ

સીધી બાત, નો બકવાસ

***

બહુ ઓછી ફિલ્મો જજમેન્ટલ થયા વિના આપણને વિચારતાં કરી મૂકે છે. શાહિદ તેમાંની એક છે.

***

1387367060_shahiddvdfront2010ના ફેબ્રુઆરીમાં કુર્લાની ટેક્સી મેન કોલોનીમાં આવેલી એક વકીલની ઓફિસમાં ચાર બંદૂકધારીઓ ઘુસી આવ્યા અને 32 વર્ષના યુવા વકીલ શાહિદ આઝમી પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ છોડીને ફરાર થઇ ગયા. કોણ હતો શાહિદ આઝમી? શા માટે થઇ એની હત્યા? કોણે કરી એની હત્યા? હંસલ મહેતાની ‘કાય પો છે’ ફેઇમ રાજકુમાર (યાદવ)ને ચમકાવતી ફિલ્મ ‘શાહિદ’ આ સવાલોના જવાબો તો શોધે જ છે, પરંતુ સહેજ પણ જજમેન્ટલ થયા વિના આપણને વિચારતા કરી મૂકે છે.

સવારનો ભૂલેલો

‘શાહિદ’ વાત છે મુંબઇના ગરીબ ઘરના યુવાન શાહિદ આઝમી (રાજકુમાર રાવ)ની. બાબરી ધ્વંસ પછી ફાટી નીકળેલા કોમી રમખાણોમાં દિશા ભૂલેલા ઘણા યુવાનો પૈકી શાહિદ પણ એક હતો. એ કાશ્મીર જાય છે અને બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે)માં આવેલા ત્રાસવાદી કેમ્પમાં સામેલ થાય છે. પરંતુ ત્યાં ધર્મના નામે થતું બ્રેઇનવોશિંગ અને નિર્દોષની હત્યા જોઇને તે ઘરે પરત ભાગી આવે છે. પણ ત્રાસવાદીની ડાયરીમાં એનું નામ નીકળતાં એને ટાડામાં અંદર ધકેલી દેવાય છે. ભારે ટોર્ચર પછી એને સાત વર્ષની સજા થાય છે. જેલમાં જઇને બધા વધુ રીઢા ગુનેગાર જ થઇને બહાર આવે એવું જરૂરી નથી. જેલવાસ દરમિયાન શાહિદને કે. કે. મેનન જેવા રિફોર્મિસ્ટની સલાહ મળે છે કે આ દેશની સિસ્ટમને ગાળો દેવાથી કશું વળવાનું નથી. સિસ્ટમ બદલવી હોય તો એના ભાગ બનવું પડે. આ માર્ગદર્શનથી એ જેલમાં રહીને કોલેજનું ભણતર પૂરું કરે છે.

બહાર નીકળીને વકીલ બને છે. પરંતુ અનુભવે એ જુએ છે કે ત્રાસવાદના નામે ઘણા બધા નિર્દોષ લોકો પણ જેલમાં સબડી રહ્યા છે. શાહિદ એને છોડાવવાનું બીડું ઝડપે છે. આ દરમિયાન એ મરિયમ નામની એક ડિવોર્સી સ્ત્રીના પ્રેમમાં પડે છે અને પરણે છે. પરંતુ જેમના પર ત્રાસવાદીનું લેબલ લાગી ગયું હોય એવા લોકોને છોડાવવા બદલ એને મારી નાખવાની ધમકીઓ મળવાનું ચાલુ થાય છે, પરંતુ શાહિદ પોતાના રસ્તેથી પાછા વળવાનું મુનાસિબ માનતો નથી. પરિણામે શાહિદને પોતાના જાનથી હાથ ધોવા પડે છે.

સોચતે રહ જાઓગે

એક રિયલ લાઇફ સ્ટોરીનું નાટ્ય રૂપાંતર હોવા છતાં શાહિદમાં બધું જ રિયલિસ્ટિક લાગે તેવી રીતે કથા કહેવામાં ડિરેક્ટર હંસલ મહેતા સફળ થયા છે. પછી તે કોમી રમખાણો હોય કે ટેરરિસ્ટ ટ્રેનિંગ કેમ્પ હોય, પોલીસનું ટોર્ચર હોય કે કોર્ટરૂમ સીન્સ હોય. એક પણ ઠેકાણે આ ફિલ્મ ‘ફિલ્મી’ કે ક્લિશે-ચવાયેલી લાગતી નથી.

‘શાહિદ’ની બીજી અને સૌથી મોટી સફળતા એ છે કે અત્યંત સંવેદનશીલ વિષયની વાત કરતી હોવા છતાં આ ફિલ્મ ક્યાંય જજમેન્ટલ બનતી નથી. ભારે હિંમતભેર આ ફિલ્મ સમાજના એક ભાગ તરીકે આપણું પર્સેપ્શન, આપણા ન્યાયતંત્રની ખૂબી-ખામીઓ, દેશમાં સત્ય બોલવાનું પરિણામ, ઇસ્લામની રૂઢિચુસ્તતા, આપણા મીડિયાની ખામીઓ વગેરે બાબતો પર આપણું ધ્યાન દોરે છે. એક દૃશ્યમાં શાહિદની વાતનો સંદર્ભ સજ્યા વિના ઉશ્કેરાયેલા કેટલાંક તત્ત્વો એના મોઢા પર મેશ ચોપડી જાય છે, પરંતુ ફિલ્મમાં ક્યાંય એ સંગઠનનું (ભલે કાલ્પનિક) નામ લઇને ફિલ્મને કોન્ટ્રોવર્શિયલ બનાવવાનો પ્રયાસ પણ નથી થયો.

મજાની વાત એ છે કે આપણે વાર્તાના પ્રવાહમાં વહેતા રહીએ છીએ અને ફિલ્મમાંથી બહાર નીકળીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો આપણા મગજમાં ચકરાવા લેવા માંડે છે. જેમ કે, શું ટાડા (કે પોટા) જેવા કાયદા હેઠળ પોલીસ કોઇની ધરપકડ કરે એટલા માત્રથી વ્યક્તિ ત્રાસવાદી કે ગુનેગાર સાબિત થઇ જાય? એકવાર જેલમાં જઇ આવેલી વ્યક્તિને શા માટે સમાજ કાયમ માટે ગુનેગાર જ માની લે છે? મીડિયાની જવાબદારીઓ શું છે? સમાચારોના નામે શું આડકતરી રીતે લોકોના મનમાં પૂર્વગ્રહો ઠાલવવાનું કામ થઇ રહ્યું છે? શું ઇસ્લામ અને સુધારાવાદી-પ્રગતિવાદી હોવું એ બંને વિરોધી બાબતો છે? શા માટે આપણે દર વખતે વ્યક્તિને એના ભૂતકાળની ફૂટપટ્ટીથી જ માપીએ છીએ?  શા માટે આપણે આપણા કરતાં અલગ ધર્મની વ્યક્તિને માત્ર એના ધર્મને કારણે એને ધિક્કારવા લાગીએ છીએ? આપણા કાયદાની ચક્કી ભલે બારીક દળે, પણ અત્યંત ધીમું દળે છે એના ઉપાય રૂપે શું કરી શકાય? શા માટે આપણા દેશમાં સાચું બોલતા, સત્ય માટે લડતા લોકોને બંદૂકની અણીએ ખામોશ કરી દેવામાં આવે છે?

ફિલ્મના સંવાદો પણ એટલી પરિપક્વ છે કે મેલોડ્રામેટિક થયા વિના સીધાસટ ચાબખા મારી દેવાયા છે. જેમ કે, એઝ અ મીડિયા પર્સન મૈં આપસે યે એક્સપેક્ટ નહીં કરતા કિ આપ કો સચ્ચાઇ પતા હો, લેકિન આપ ઉસકે નઝદીક તો હોની ચાહિયે ના…

અહીં જબરદસ્ત કોર્ટરૂમ ડ્રામા પણ છે, પરંતુ ‘તારીખ પે તારીખ’ ટાઇપના નાટ્યાત્મક સંવાદો ગેરહાજર છે. જ્યાં વાત ‘લાઉડ’ બને ત્યાં તરત જ જજ વકીલોને અટકાવી દે છે. ફિલ્મના દરેક સીનમાં કટ્સ પણ એવી જ રીતે અધવચ્ચે વાગે છે, કે દરેક સીનને અંતે એમાં ખરેખર શું થયું હશે એ આપણે પછીનો સીન જોઇએ ત્યારે જ સમજાય.

બીજાં ડિપાર્ટમેન્ટ્સ

‘શાહિદ’માં લગભગ મહેમાન કલાકાર તરીકેની ભૂમિકામાં કે. કે. મેનન અને તિગ્માંશુ ધુલિયા જેવા ઉમદા કલાકારો છે, પરંતુ આપણું ધ્યાન ખેંચે છે, રાજકુમાર યાદવ, એનો મોટો ભાઇ બનતો મોહમ્મદ ઝિશન અય્યુબ (રાંઝણાનો બોલકો ‘મુરારી’) અને મરિયમની ભૂમિકા ભજવતી પ્રભલિન સંધુ. રાજકુમારે જે આત્મવિશ્વાસથી આખી ફિલ્મ પોતાના ખભે ઉપાડી છે એ જોતાં બિનધાસ્ત કહી શકાય કે એ લાંબી રેસનો ઘોડો છે. ફિલ્મમાં સ્ટોરીને આડા પાટે ચડાવતાં કે ફિલ્મી બનાવી દેતાં ગીતો નથી. જે બે કર્ણપ્રિય ગીતો છે, એ બેકગ્રાઉન્ડમાં શાંતિથી વાગ્યા કરે છે.

કુલ મિલાકે

આપણા ન્યાયતંત્ર માટે કહેવાય છે કે સો દોષી ભલે છૂટી જાય પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઇએ. પરંતુ જ્યારે નિર્દોષ ખોટી રીતે જેલમાં સબડતો હોય, ટોર્ચર સહન કરતો હોય, ત્યારે એને છોડાવવા માટે કામ કરતા શાહિદ જેવા માણસની સ્ટોરી બહાર લાવતી અને આપણને વિચારતા કરી મૂકતી ફિલ્મો બને તે સરાહનીય છે. દરેક વિચારતા ભારતીયે જોવા જેવી ફિલ્મ. બ્રાવો હંસલ મહેતા!

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements