શૅફ

ફીલ ગુડ, ફીલ ફૂડ

***

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

***

diiaodxv4aeb7neવગર વિઝાએ કોઇપણ વિદેશી વાનગી આપણા દેશમાં એન્ટ્રી મારે એટલે નામ સિવાય એ ડિશ પૂરેપૂરી ભારતીય થઈ જાય. છતાં ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ઑરિજિનલ-ઑથેન્ટિક વાનગીનો ચાહક આપણે ત્યાં આવીને તેની ઇન્ડિયન ઍડિશન ખાય તો કહે કે, ‘આ એ ડિશ તો બિલકુલ નથી, પણ મારી હાળી ટેસ્ટી તો છે, હોં!’ ડિટ્ટો આવી સિચ્યુએશન સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘શૅફ’માં થઈ છે. આગ્રાના પેઠા જેવી જાણીતી વાત એ છે કે ‘શૅફ’ એ ત્રણ વર્ષ પહેલાં આવેલી રાઇટર-ડિરેક્ટર-એક્ટર જોન ફૅવરોની એ જ નામની સુપર્બ ફેન્ટાબ્યુલસ હૉલિવૂડ ફિલ્મની ઑફિશિયલ રિમેક છે. કોઈ હિન્દી ફિલ્મની શરૂઆતમાં તેની મૂળ આવૃત્તિને ક્રેડિટ આપવામાં આવે એ આપણે ત્યાં રૅરેસ્ટ ઑફ ધ રૅર ઘટના છે, જે અહીં બની છે.

ફેમિલી રેસિપી

હૉલિવૂડની ટેસ્ટી ફિલ્મી વાનગીઓના શોખીનોએ જોન ફૅવરોની ‘શૅફ’ જોઈ જ હશે. ધારો કે ન જોઈ હોય તો આપણે ટ્રેલરની મર્યાદામાં રહીને જરા ફિલ્મમાં ઑફર થયેલી રેસિપીનું પાન કરી લઇએ. મૂળ દિલ્હીનો રોશન કાલરા (‘શૅફ’ અલી ખાન) ન્યુ યૉર્કમાં ત્રણ ‘મિશલિન સ્ટાર’ ધરાવતો શૅફ છે (ગૉડ, હિન્દી ફિલ્મોમાં કદાચ પહેલી જ વાર આ ‘મિશલિન સ્ટાર’નો ઉલ્લેખ સાંભળ્યો!). એની એક્સ વાઇફ રાધા (સાઉથની એક્ટ્રેસ પદ્મપ્રિયા) અને ટીનએજ દીકરો અરમાન (સ્વર કાંબલે) ઑલરેડી એનાથી ક્યાંય દૂર કોચિનમાં રહે છે. આ એકલો, ફ્રસ્ટ્રેટેડ અને ચીડિયો થઈ ગયેલો રોશન એક વાઇરલ ઝઘડા પછી શાહરુખની જેમ થોડા સમય માટે ‘સ્વદેશ’ પરત ફરે છે. એ પછી શરૂ થાય છે એક ફીલ ગુડ રોડ ટ્રિપ.

થોડી થોડી ટેસ્ટી ટેસ્ટી

‘શૅફ’ જેવી ફિલ્મોને અંગ્રેજીમાં ‘હાર્ટવૉર્મિંગ’, ‘ફીલ ગુડ’ ફિલ્મ કહે છે. ઝાઝાં અપ્સ એન્ડ ડાઉન્સ વગર આગળ વધતી પ્રીડિક્ટેબલ સ્ટોરી, જેને જોઇને આપણનેય એમને ભેટી પડવાનું મન થાય એવાં મસ્ત પાત્રો, હોઠ પર સ્માઇલ અને આંખમાં છૂટાછવાયા વાદળ જેવું નાનકડું આંસુનું ટીપું રમતું રહે, ફિલ્મને અંતે સૌ સારાં વાનાં થઈ જાય એવી ધરપત, થિયેટરમાંથી બહાર નીકળીએ ત્યારે આપણું હૈયું હરખથી ઑવરફ્લો થતું હોય ને જિંદગી એકદમ નવી સર્વિસ કરાવેલી ગાડીની જેમ ચકાચક લાગવા માંડે એવી ફીલિંગ… જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે આવી ફિલ્મો ઍન્ટિડિપ્રેશન્ટ દવાઓ જેવું કામ કરે છે. આપણે ત્યાં હૃષિકેશ મુખર્જી, બાસુ ચૅટર્જી અને સઈ પરાંજપેની આવી ફિલ્મો બનાવવામાં માસ્ટરી હતી. ઇંગ્લિશ શૅફ અદ્દલ આવી હાર્ટવૉર્મિંગ ફિલ્મ હતી, ડિરેક્ટર રાજા ક્રિશ્ના મેનનની હિન્દી ‘શૅફ’ ઘણે અંશે આવી ફિલ્મ છે (જો બકા, રિમેક છે અને જોન ફૅવરોના પેગડામાં પગ નાખ્યો છે એટલે સરખામણી તો થશે જ!).

આપણી આ ફિલ્મ એક ફૂડ મુવી પ્લસ રોડ મુવી પણ છે. ડિરેક્ટર રાજા ક્રિશ્ના મેનને જે ખૂબસૂરતીથી ઇન્ટરનેશનલ ક્વિઝિનને ઇન્ડિયન ટ્વિસ્ટ આપ્યો છે એના પર તો ચાંદની ચૌકની આખી પરાંઠેવાલી ગલી કુરબાન! (બાય ધ વે, Cuisineનો સાચો ઉચ્ચાર ‘ક્વિઝીન’ છે, ‘કુઝીન’ કે ‘ક્યુઝીન’ નહીં!) અમેરિકામાં પરદેશી વાનગીઓ બનાવતો શૅફ ભારત આવીને વર્ષો પછી દેશી ટેસ્ટ રિડિસ્કવર કરે, કેરળમાં ઊછરેલો દીકરો પિતાને ત્યાંની લોકલ વાનગીઓ ચખાડે ને પપ્પા પોતાના પુત્તરને પરાંઠેવાલી ગલીમાં લઈ જઇને છોલે-ભટુરે, દેશી થાલી વિથ લસ્સી ખવડાવે, દિલથી-પ્રેમથી કંઇક સારું બનાવીને ખવડાવવામાં જે આનંદ-સુકૂન મળે છે તેનો અમૃતસરના ગોલ્ડન ટેમ્પલના લંગરમાં લઈ જઇને અનુભવ કરાવે… આ બધી સિક્વન્સ ખરેખર હાર્ટવૉર્મિંગ છે. માત્ર પૈસા માટે નહીં, કમાવા માટે નહીં, ભલે ફ્રી હોય પણ કરવા ખાતર નહીં, બલકે પૅશનથી, પૂરા ડૅડિકેશનથી કામ કેવી રીતે થાય એવો સ્ટ્રોંગ મેસેજ પણ અહીં છે. મતભેદ, મનભેદ કે સમયભેદ જ નહીં, ખાવાનો ટેસ્ટ પણ ત્રણ પેઢીઓને કેવી રીતે અલગ પાડી દે છે અને એ જ ટેસ્ટ પાછા ભેગા પણ કરી શકે છે એ બતાવતા બે નાનકડા સબપ્લોટ્સ પણ હાર્ટટચિંગ છે.

ન્યુ યૉર્કથી ટેક ઑફ થયેલી સ્ટોરી સીધી કોચિન એરપોર્ટ પર લૅન્ડ થાય, ઑલ્ડ કોચિનની ગલીઓ, હેરિટેજ હૉટેલો, ચાઇનીઝ ફિશિંગ નૅટ્સ, જૂની બાંધણીનાં ઘરો, ધરતી પર કુદરતે બનાવેલી રક્તવાહિનીઓ જેવાં બૅકવૉટર્સના એરિયલ શૉટ્સ, ટ્રેડિશનલ હાઉસબૉટ્સ… પર્સનલ ટુરમાં આમાંનું બધું જ જોઈ ચૂક્યા હોઇએ તોય ફરી પાછા ઊડીને કેરળ પહોંચી જવાની તીવ્ર ઇચ્છા થઈ આવે. ડિરેક્ટર રાજા ક્રિશ્ના મેનન પોતે મલ્લુ એટલે કે મલયાલી છે એટલે એમણે આપણને ઇડિયપ્પમ અને કેળનાં પાનમાં પીરસાતી ફિશનો ટેસ્ટ તો કરાવ્યો જ છે, સાથોસાથ ભોજનની સાથે જાંબુડિયા રંગનું સ્વાસ્થ્યવર્ધક પીણું ‘ચેક્કુવેલ્લમ’ પિરસાય (ને બાંધેલો લોટ કપડાંથી ઢાંકી દેવાય) તેનો પણ ખ્યાલ રાખ્યો છે. કેરળમાં ચાલતી યુનિયનબાજીથી લઇને ઝૂંપડી જેવી રેસ્ટોરાં કમ પીઠામાં પણ શા માટે ઑથેન્ટિક ટેસ્ટ મળી શકે તેની પણ વાત કરી છે.

ડબલ ડૅકર બસને ટ્રાવેલિંગ રેસ્ટોરાંમાં કન્વર્ટ કરીને કેરળથી દિલ્હી વાયા ગોવાની રોડ ટ્રિપમાં ‘દિલ ચાહતા હૈ’ને પણ એકદમ ક્યુટ ‘મૅટા હ્યુમર’વાળી અંજલિ અપાઈ છે. તે અહીં કહેવા કરતાં ફિલ્મમાં જોઇએ એની જ મજા છે. (એમ તો ફિલ્મમાં પોસ્ટર સ્વરૂપે એક ઠેકાણે ‘મિર્ચ મસાલા’ ફિલ્મને પણ અંજલિ અપાઈ છે.)

શૅફની બીજી મજા છે તેનો હળવો ટૉન, મૅલોડ્રામાની ગેરહાજરી, વાતવાતમાં દીકરાને (ને આપણને પણ) અપાઈ જતાં લાઇફ લેસન્સ અને ટેરિફિક કલાકારોની કાસ્ટ. સૈફે શૅફ લાગવા માટે મહેનત કરી છે તેવું આપણને પણ દેખાય છે (એના શાકભાજી સમારવાના સીન જોઈ લેજો! બટ, જોન ફૅવરો ઈ જોન ફૅવરો!). ઍન્ડ, જાતભાતનાં કૅઝ્યુઅલ વેરમાં સૈફ ભુત જોલોકિયા કરતાં પણ વધુ હૉટ દેખાય છે, ટચવૂડ! ટીનએજર સ્વર કાંબલે પણ એકદમ કોન્ફિડન્ટ લાગે છે. સાઉથ ઇન્ડિયન ફિલ્મોનો ટેસ્ટ આપણને ઑરિજિનલ ફ્લેવરમાં સાઉથ ઇન્ડિયન વાનગીઓની જેમ દાઢે નથી વળગ્યો, એટલે અહીં આવેલી સધર્ન સ્ટાર પદ્મપ્રિયા જાનકીરામનનો આપણને પરિચય નથી (સાત વર્ષ પહેલાં એ હિન્દી ફિલ્મ ‘સ્ટ્રાઇકર’માં સિદ્ધાર્થની અપોઝિટ દેખાયેલી). એક નાનકડા ગેસ્ટ અપિયરન્સમાં મિલિંદ સોમણ પણ દેખાય છે (જેનો દિલધડક લુક જોઇને ભલભલા લોકોનાં બ્લડપ્રેશર વધી જશે!). હીરોના વફાદાર મિત્રના રોલમાં ચંદન રૉય સંન્યાલ પણ એકદમ ઍન્જોયેબલ છે. અહીં પતિ-પત્ની ડિવોર્સ્ડ છે છતાં બંને વચ્ચે એક હેલ્ધી મૈત્રી છે અને દીકરાના ઉછેર માટે બંને એકદમ સજાગ છે એ ટ્રેક પણ ખાસ્સો મૅચ્યોર છે.

ઑથેન્ટિક વર્સસ ઇન્ડિયન

ઑરિજિનલ ‘શૅફ’ મુવી સિમ્પલ ફીલ ગુડ ફિલ્મ હોવા છતાં ખાસ્સી લૅયર્ડ હતી. ડિવોર્સ ચાઇલ્ડ તરીકે વીકડેય્ઝ chef-5414ab2543177અને વીકએન્ડ્સમાં પિતા અને માતા વચ્ચે વહેંચાયેલા દીકરાની લાઇફ તેમાં હતી. પ્લસ, એક ક્રિટિક-ફૂડ ક્રિટિક જો પૂરું રિસર્ચ કર્યા વિના-ખુન્નસથી ઉતાવળિયો ‘રિવ્યુ’ આપે, ક્રિટિસિઝમ કરે તો કેવી સ્થિતિ સર્જાઈ શકે તેની પણ વાત હતી. સાચો સર્જક માત્ર સર્જન જ કર્યા કરે, પણ અત્યારની માગ પ્રમાણે જો પોતાનું માર્કેટિંગ ન કરી શકે તો શું થાય? અચ્છા, સર્જકે પોતે જે સર્જન કરવું છે (અહીં વાનગીઓના અર્થમાં) અને લોકોને ખવડાવવું છે તે ક્રિએટ કરવું કે પછી જે વેચાય-ઑલરેડી પોપ્યુલર છે-સૅફ ઑપ્શન છે, તે જ આપ્યા કરવું? અંદરનો અવાજ સાંભળવો કે માર્કેટનો? (કે પછી માર્કેટના અવાજને જ અંદરનો અવાજ બનાવી દેવો?) જોન ફૅવરોની ‘શૅફ’ બદલાતા સમય પ્રમાણે ન બદલાવાની ને પરિવર્તન ન સ્વીકારવાની સ્ટબર્નનેસ-જિદ્દીપણાની સામે પણ લાલબત્તી હતી. ઉપદ્રવ મચાવતું સોશ્યલ મીડિયા કોઇની કરિયર બરબાદ પણ કરી શકે ને પૉઝિટિવ ઉપયોગ કરાય તો કેવું મસ્ત પરિણામ લાવી શકે તેનીયે વાત હતી.

રાજા ક્રિશ્ના મેનનની ‘શૅફ’માં આ તમામ વાતોનું પડીકું વાળી દેવામાં આવ્યું છે. ક્રિટિકવાળો આખો ટ્રેક ગાયબ છે. સોશ્યલ મીડિયાના ઉપયોગની વાતને પણ માત્ર કોથમીરની જેમ ભભરાવવામાં આવી છે. તેને બદલે આખી ફિલ્મ પિતા-પુત્રના સંબંધ પર જ કેન્દ્રિત કરાઈ છે. જે નો ડાઉટ, જોવાની મજા પડે છે, પણ વાત અત્યંત સિમ્પલ બની ગઈ છે અને તેમાંથી ડૅપ્થ ગાયબ થઈ ગયું છે. પરીકથાની જેમ ઇઝી સોલ્યુશન આવી જાય છે. માર્કેટિંગ વર્સસ ક્રિએટિવિટીની ડિબૅટમાં માત્ર એક જ લાઇન મુકાઈ છે, ‘તુમ ક્રિએટિવ ટાઇપ્સ-કન્ટેન્ટ ઇઝ કિંગ ટાઇપ લોગોં કા યહી પ્રોબ્લેમ હૈ, માર્કેટિંગ સેન્સ તો હૈ હી નહીં…’ ઇન ફેક્ટ, ‘હમેં કસ્ટમર ચાહિયે, વો ભી ઝિંદા’ જેવાં અત્યંત સ્માર્ટ વનલાઇનર્સની પણ ખાસ્સી તંગી છે.

ફૂડ એક કેરેક્ટર

રેસ્ટોરાં, વાનગીઓ પર આધારિત ફિલ્મોમાં ‘ફૂડ પૉર્ન’ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. યાને કે રસોઈ બનાવવાની પ્રોસેસ અને વિવિધ ડિશિઝના એવા મસ્ત દિલકશ શૉટ્સ લેવામાં આવે કે આપણને થિયેટરમાં જોતાં જોતાં જ મોંમાં પાણી વછૂટવા લાગે. એટલું જ નહીં, આવી ફિલ્મોમાં વાનગીઓ પોતે પણ એક પાત્ર તરીકે ઉપસી આવે. શૅફ જાણે કોઈ કળાકૃતિનું સર્જન કરતો હોય એ રીતે રસોઈ બનાવે. સૈફે એમાં ખાસ્સી મહેનત કરી છે, લેકિન અફસોસ કે વાનગીઓ આપણને યાદ રહી જાય એ રીતે બહાર નથી આવી. એને બદલે અડધી ફિલ્મ ઓલમોસ્ટ ‘ઝાયકા ઇન્ડિયા કા’ બનીને રહી ગઈ છે. ખરેખર સૈફે સર્જેલી નવી વાનગી, જે એને પાન ઇન્ડિયા ફૅમસ ટ્રાવેલિંગ શૅફ બનાવી દે છે, તે એવી કોઈ યુનિક વસ્તુ છે જ નહીં જે દેશભરમાં તહેલકો મચાવી દે {સોરી, બટ ‘રોટ્ઝા’ (રોટી પિત્ઝા) એવી કોઈ યુનિક વાનગી નથી}.

છતાં મસ્ટ ટ્રાય ડિશ

તામસિક મસાલા જંકફૂડ ખાવા ટેવાયેલી જીભને અચાનક કોઈ પ્યોર સાત્ત્વિક વાનગી ચખાડવામાં આવે તો મજા ન પડે, એ રીતે રેગ્યુલર સિનેગોઅર્સને 133 મિનિટની આ ફિલ્મ સ્લો લાગી શકે તેવી પૂરી શક્યતા છે. ઉપરથી તેમાં સોંગ્સ પણ કાચા રહી ગયેલા કઠોળની જેમ દાંતે ચોંટે તેવા છે. છતાં સાફસૂથરી અને એકદમ પૉઝિટિવ ફીલ આપતી આ ફિલ્મ ટાઇમ કાઢીને ફેમિલી સાથે 100 ટકા જોવા જેવી છે. આપણને સતત થાય કે આ ફેમિલી ફરી પાછું ભેગું થઈ જાય તો કેવી મજા પડે?! એ આ ફિલ્મની સ્ટ્રોંગેસ્ટ વાત છે.

રેકમેન્ડેડ ડિશીઝ

જો વાનગીઓ પર બનેલી, ખાણી-પીણીને એક જીવતા જાગતા કેરેક્ટરની જેમ સ્થાન આપતી અને ખોરાકને ઇમોશન્સ સાથે જોડીને જીવનની અફલાતૂન ફિલોસોફી સમજાવતી ફિલ્મો જોવામાં રસ હોય તો જૅપનીસ ફિલ્મ ‘સ્વીટ બીન’, ઇન્ડોનેશિયન ફિલ્મ ‘ફિલોસોફી કૉપી’ (Filosofi Kopi), મલયાલમ ફિલ્મ ‘ઉસ્તાદ હૉટેલ’ જોવાની ખાસ ભલામણ છે.

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Spyder (Telugu)

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

spyder-3હીરોને લાર્જર ધેન લાઇફ એન્ટિટી તરીકે રજૂ કરવો, એની હીરોગીરીને પૂરેપૂરી બહાર લાવવી, ટિકિટ ખરીદીને થિયેટરમાં જોવા આવતા લોકોને કશુંક નવું- મોઢું પહોળું રહી જાય એવું કશુંક સ્પેક્ટેક્યુલર બતાવવું, એમને સિનેમેટિક એક્સપિરિયન્સ આપવો અને એ બધાની સાથોસાથ ક્વૉલિટી પણ જાળવી રાખવી… ભારતીય સિનેમાની આ એવી જગલરી છે જેમાં ભલભલા ફિલ્મમેકર્સ ઊંધે માથે પટકાય છે. સ્ટાર પાવર અને સિનેમેટિક એક્સપિરિયન્સને બેલેન્સ ન કરી શકવામાં જ ‘રાવન’નું દહન થાય છે, ‘ફૅન’ બંધ થઈ જાય છે ને ‘ટ્યુબલાઇટ’ ઊડી જાય છે. પરંતુ સિનેમેજિક ક્રિએટ કરવામાં એ. આર. મુરુગાદૌસની જબરદસ્ત માસ્ટરી છે. આ માસ્ટરીનું લેટેસ્ટ એક્ઝામ્પલ છે તેલુગુ સ્ટાર મહેશ બાબુને લઇને બનાવેલી થ્રિલર ફિલ્મ ‘સ્પાયડર (SPYder).’

ફિલ્મ ગુડ વર્સસ ઇવિલની ક્લાસિક સ્ટોરી છે. એક અજાણ્યો સિરિયલ કિલર આંધ્રપ્રદેશ-તેલંગણામાં હાહાકાર મચાવી રહ્યો છે. ઠંડા કલેજે લોકોને લિટરલી રહેંસી રહ્યો છે. આપણા હીરોનું કામ છે એને રોકવાનું. પરંતુ કેવી રીતે? હીરો પાસે દેખીતી રીતે કોઈ સુપરપાવર્સ નથી. તેમ છતાં એની પાસે છે એનું લાઇટનિંગ સ્પીડવાળું દિમાગ અને લેટેસ્ટ ટેક્નોલોજી. એક્ચ્યુઅલી, હીરો શિવા (મહેશ બાબુ) એક એવી કંપનીમાં કામ કરે છે, જે લોકોના ફોન કૉલ્સ સાંભળે છે, વ્હોટ્સએપ મેસેજિસ વાંચે છે અને ક્યાંય કોઈનો જીવ જોખમમાં હોય કે તરત જ પહોંચી જાય છે. યાને કે શિવા પોતાના ત્રીજા નેત્રનો બખૂબી ઉપયોગ કરે છે. શિવા પોતાના કામ માટે ઑવરક્વોલિફાઇડ છે. આ માટે શરૂઆતમાં જ એ પોતાના એક મિત્રને કહે છે કે, ‘હું પોલીસ કે ડૉક્ટર બની શક્યો હોત, પણ એ લોકો કશુંક ખરાબ બની ગયા પછી મદદમાં આવે છે. મારે તો લોકો સાથે કંઇક અનિષ્ટ થાય તે પહેલાં જ એમની મદદ કરવી છે’ (યાદ કરો સ્ટિવન સ્પીલબર્ગનું ટૉમ ક્રુઝ સ્ટારર ‘માઇનોરિટી રિપોર્ટ’).

ફિલ્મમાં મહેશ બાબુનો કોઈ ગ્રેટ એન્ટ્રી સીન નથી. એ માત્ર પોતાની ડેસ્ક પર બેસીને કમ્પ્યુટર પર કામ કરી રહ્યો છે. પરંતુ એ કેવો મહાન, બાહોશ છે એનું વર્ણન કરતું ઇન્ટરેસ્ટિંગ ટાઇટલ સોંગ મુકાયું છે. જેના શબ્દો પણ એકદમ રસપ્રદ છે, ‘એ ધરતીકંપની ગર્જના છે, ઇવિલ પેદા થયા પહેલાં જ તે એનો નાશ કરી નાખે છે… કોઈ એની વાત ન માને તો એ ભૂતકાળ બની જાય છે… એનાં પરાક્રમો વિશે જાણ્યા પછી જ માર્વેલ કોમિક્સ અસ્તિત્વમાં આવ્યાં છે, હૉગવર્ડ્સે પણ આ નરબંકાને સામેથી ડિગ્રી આપીને નવાજ્યો હોત… એક કીડીનો અવાજ પણ એના ધ્યાનબહાર રહેતો નથી ને જંતુઓ પણ એની પરવાનગી વિના ફેલાતા નથી…’ શરૂઆતમાં જ આવતા આ સોંગના પિક્ચરાઇઝેશનમાં મહેશ બાબુનાં પરાક્રમો અને એની ચાર્મિંગ પર્સનાલિટી સાથેસાથે ચાલે. ટૂંકમાં સ્ટોરીના ફ્લોને જરાય બ્રેક કર્યા વિના આપણને હીરોની પર્સનાલિટી અને બહાદૂરીનો પૂરેપૂરો પરિચય મળી જાય.

વિલન ખૂંખાર ન હોય તો હીરોની બહાદૂરી પણ ખૂલીને સામે ન આવે. શ્રીરામ એકલા ન હોય, એમની પત્ની

maxresdefault
‘સ્પાયડર’નો ‘જોકર’ એક્ટર એસ. જે. સૂર્યા

કિડનૅપ ન થઈ હોય, સામે રહેલો વિલન દસ માથાંવાળો, પ્રખર જ્ઞાની, બુદ્ધિશાળી, વિરાટ સેનાનો સ્વામી, અહંકારી અને મહાન લડવૈયો ન હોય, જે શ્રીરામની સામે જબરદસ્ત ચેલેન્જ ન ઊભી કરે તો શ્રીરામ પણ સુપરહીરો તરીકે બહાર ન આવે. અહીં મુરુગાદૌસે સરજ્યો છે એક કૂલ હેડેડ સાઇકોપેથ સિરિયલ કિલર. નાનપણથી જ લોકોનું રુદન સાંભળીને એ મોટો થયો છે. સ્વજન ગુમાવીને પારાવાર વિલાપ કરતા લોકોને જોઇને એને મજા આવે છે. શરીરમાંથી ગરમ લોહી વહેતું જોઇને એને શેર લોહી ચડે છે. એને પૈસા નહીં પરપીડનમાં પાશવી આનંદ મળે છે. ટૂંકમાં એ ક્રિસ્ટોફર નોલનની બૅટમેન સિરીઝનો ‘જોકર’ છે. ફિલ્મમાં હૉસ્પિટલની એક આખી સિક્વન્સ ‘ધ ડાર્ક નાઇટ’ની જ યાદ અપાવે છે. ‘ભૈરવુડુ’ (ભૈરવ)ના એ સિરિયલ કિલરના પાત્રમાં કલાકાર એસ. જે. સૂર્યાની એક્ટિંગ, એની બૉડી લેંગ્વેજ, એની ઠંડી ક્રૂરતા બધું જ જોકર (હીથ લેજર) ઉપરાંત, ‘નો કન્ટ્રી ફોર ઓલ્ડ મેન’ના જેવિઅર બાર્ડેમ કે રામ ગોપાલ વર્માની જૂની ‘શિવા’ના રઘુવરનની યાદ અપાવે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સાઇકોપેથ દેખાવા માટે એણે ક્યાંય ઑવરએક્ટિંગ નથી કરી. લોકોની પીડા-દુઃખમાંથી આનંદ લેતા અને એ આનંદ મેળવવા માટે ગમે તે હદ સુધી જતા એન્ટાગોનિસ્ટનું પાત્ર સર્જવા માટે જે બૅકસ્ટોરી દર્શાવી છે તે ખરેખર થથરાવી મૂકે તેવી છે.

 

જો સ્પોઇલર તરીકે ન જોઇએ તો ફિલ્મમાં વાત માત્ર એક જ માણસને શોધવાની છે. એક જ માણસ, જે લાખો લોકોની વચ્ચે છુપાઇને અત્યંત ઘૃણાસ્પદ ક્રાઇમ કરે છે. એ કોણ છે, ક્યાં રહે છે, ક્યાંથી-ક્યારે આવે છે ને કાંડ કર્યા બાદ ક્યાં ઓગળી જાય છે કોઇને કશી જ ખબર નથી. છતાં એ માણસ જબરદસ્ત ઉત્પાત મચાવી દે છે. બીજી રીતે જુઓ તો ‘સ્પાયડર’માં મહેશ બાબુ બૅટમેન છે અને વિલન જોકર છે, જે એની સામે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટાસ્ક મૂકી દે છે. એ ટાસ્ક આપણો બૅટમેન બાબુ જે ચમત્કૃતિથી પૂરાં કરે છે ત્યાં મુરુગાદૌસનો સિનેમેટિક ટચ આવે છે.

એક ટાસ્ક છે લાખો લોકોમાંથી એક માણસ-છૂપા સિરિયલ કિલરને આઇડેન્ટિફાય કરવાનું. બીજા એક ટાસ્કમાં કાતિલ હીરોના ઘરે પહોંચી ગયો છે-એના પરિવારને લિટરલી કાપી નાખવાની ધમકી આપે છે અને હીરો ત્યાં પહોંચી શકે તેમ નથી. હવે હીરો શું કરશે? હાથમાં આવીને છટકી ગયેલો સિરિયલ કિલર ક્યાંક સંતાઇને બેઠો છે. લેટેસ્ટ ઇન્ટરનેટ પ્લસ સેટેલાઇટ બ્રોડકાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીની કલાકોમાં એને કઈ રીતે પકડવો? એક ઇમારતમાં સેંકડો લોકો છે અને તે ઇમારત પર જ જોખમ છે. કોણ ક્યાં કેવી રીતે બચશે? અગેઇન, આપણો આ હીરો બાહુબલિ નથી, એની પાસે કોઈ સુપરપાવર્સ પણ નથી. છતાં એ પુરપાટ વેગે ભાગતા રોલરકોસ્ટર પર ફાઇટ કરે છે. એક ગંજાવર સાઇઝનો ખડક શહેરમાં ધસી આવે છે તેનાથી સૌને બચાવે પણ છે.

એક સિક્વન્સમાં હીરો મહેશબાબુ નોર્મલ ગૃહિણીઓને એક અત્યંત જોખમી અને થ્રિલિંગ કામે લગાડે છે. એ સિક્વન્સમાં રાઇટર તરીકે મુરુગાદૌસે બડી ખૂબીથી પ્રાદેશિક નેશનાલિઝમ વણી લીધું છે. માત્ર ફોનથી અંજામ અપાતી આખી લાંબી સિક્વન્સ (જે અમદાવાદમાં શૂટ થઈ છે), આપણને સીધી જ મુરુગાદૌસની ‘હૉલિડે’ (તેલુગુઃ ‘થુપ્પક્કી’)ની યાદ તાજી કરાવી દે તેવી છે.

આમાંની ઘણી ખરી સિક્વન્સ લોજિકની બાઉન્ડરી વટાવીને સીધી અતિશયોક્તિના પેવેલિયનમાં પડે છે. એ ખબર હોવા છતાં મુરુગાદૌસ મૅઇક બિલીવની એવી સૃષ્ટિ રચે છે કે આપણને ‘આવું થોડું હોય’ એવું વિચારવાનું મન થતું નથી. તેમાં કોમિક ઍલિમેન્ટ્સ હોવા છતાં તે ક્યાંય ગંભીરતા ગુમાવતી નથી કે હાસ્યાસ્પદ પણ બની જતી નથી (એ જ તો ફાઇન બેલેન્સ જાળવવાનો કમાલ છે).

આપણી કરુણા-દયાભાવના માત્ર કટોકટીની સ્થિતિમાં જ શા માટે જાગે છે અને બાકીના સમયમાં શા માટે મોબાઇલમાં સમાઈ જાય છે તેવો ઉમદા મેસેજ આપતી હોવા છતાં ‘સ્પાયડર’ આઉટ એન્ડ આઉટ મહેશ બાબુના સ્ટારડમનો જય જયકાર જ છે. નો ડાઉટ મહેશ બાબુ સુપર ક્યુટ ને ડુપર ડૅશિંગ છે. ધરતીકંપ આવે, સુનામી આવે, બિલ્ડિંગ ધરાશાયી થાય… પણ મજાલ છે કે એના વાળની એકેય લટ વિખાય કે ચહેરા પર પસીને કી એક બૂંદ ભી દેખાય! આવો ડૅશિંગ હીરો હોય એટલે હિરોઇન (રકુલ પ્રીત સિંઘ) પણ માત્ર શોભામાં અભિવૃદ્ધિ માટે જ હોય. હિરોઇન હોય એટલે હીરોએ એની સાથે ડ્યુએટ પણ ગાવાં પડે. ભલે પછી ફિલ્મની લંબાઈ વધે કે સ્પીડ પર બ્રેક વાગે.

ફિલ્મની એક શૉકિંગ વાત એ છે કે તે સિક્યોરિટી અને લોકોને ક્રાઇમ-દુર્ઘટનાથી બચાવવાના નામે લોકોનાં ફોનકૉલ્સ ગેરકાયદે ટૅપ કરવાની, એમના વ્હોટ્સએપ મેસેજ વાંચવાની અને એમનું લોકેશન ટ્રેક કરવાની વકીલાત કરે છે. ડિરેક્ટરે બડી ક્યુટનેસથી આવું તો તમારી સલામતી માટે જરૂરી છે તેવું ઠસાવી દીધું છે. બાકી આખી ફિલ્મ ‘રાઇટ ટુ પ્રાઇવસી’નો સરેઆમ ભંગ કરે છે એ રીતે પણ તેને જોઈ શકાય.

જાતભાતની ઍક્શન સિક્વન્સથી ભરચક આ ફિલ્મમાં સિનેમેટોગ્રાફર સંતોષ સિવનને પણ ફુલ ક્રેડિટ્સ આપવી પડે. હા, ઘણે ઠેકાણે સ્પેશ્યલ ઇફેક્ટ્સ ને કૅબલ જમ્પ નકલી લાગે ખરાં, છતાં જે રીતે ધરાશાયી થતી ઇમારતમાં ફાઇટ્સ અને બચાવ કામગીરી ચાલતી હોય તેની સિનેમેટોગ્રાફી જોવા જેવી છે.

‘સ્પાયડર’ મૂળ તેલુગુમાં બની છે અને તમિળમાં પણ તેને ખુદ મહેશ બાબુએ જાતે જ ડબ કરી છે. આપણા માટે આશ્વાસનની વાત એ છે કે તે ઇંગ્લિશ સબટાઇટલ્સ સાથે રિલીઝ થઈ છે. પ્રાદેશિક ભાષાની ફિલ્મને તેની જ ભાષામાં તેની જ ઑડિયન્સની વચ્ચે બેસીને જોવાની મજા જ કંઈ ઓર છે. બાકી, ફિલ્મ જોતાં એવું લાગે છે કે થોડા સમયમાં તેનું હિન્દી વર્ઝન (કદાચ અક્ષય કુમાર સાથે) આવી જ જવાનું છે.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

American Made

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

  • american-made-imax-landscape-1ટૉમ ક્રુઝની લેટેસ્ટ રિલીઝ ‘અમેરિકન મેઇડ’ (American Made) જોતી વખતે સતત એવો વિચાર આવતો હતો કે આવી ફિલ્મ આપણે ત્યાં બની શકે ખરી? એક્ચ્યુઅલ આર્કાઇવલ ફૂટેજ વાપરીને, સરકારની ખોખલી નીતિઓનાં, દંભનાં છોતરાં ફાડી નાખતું જક્સ્ટાપોઝિશન કરી શકે ખરી? અમેરિકન મેઇડ પ્રિસાઇસલી એ જ કરે છે.
  • અમેરિકન મેઇડ રિયલ લાઇફ સ્ટોરી છે બેરી સીલ નામના ‘TWA’ (ટ્રાન્સ વર્લ્ડ એરલાઇન્સ) પાઇલટની. નૅચરલી, બેરી સીલના પાત્રમાં છે ખુદ ટૉમ ક્રુઝ. 117 મિનિટની આ ફિલ્મની ફ્લાઇટ ટૅક ઑફ થાય છે એક ખુરાફાતી પાઇલટની બોરિંગ-મોનોટોનસ લાઇફથી. ત્યાંથી સાહેબ ડ્રગ સ્મગલર બને અને જીવ બચાવવા અમેરિકન સરકારનો પણ હાથો બને. ફિલ્મની અમુક વાતો સતત તમારા દિમાગમાં ફાઇટર પ્લેનની જેમ ચકરાવા મારતી રહે.

ચકરાવો નં. 1. ટૉમ ક્રુઝનો ચાર્મ

આ બંદો અંકે પૂરાં 55 વર્ષનો છે. છતાં આ જ ઉંમરના કોઈ ફદફદી ગયેલા અંકલ જેવો નહીં, બલકે સીધો ફાઉન્ટેનfirst-trailer-tom-cruise-is-american-made-696x464 ઑફ યૂથમાં ડૂબકી મારીને નીકળ્યો હોય એવો યંગ એન્ડ સુપર હૅન્ડસમ લાગે છે. અહીં તો ડાર્ક એવિએટર ગોગલ્સ સાથે એ બિલકુલ એની જ જૂની ફિલ્મ ‘ટૉપ ગન’ના મૉડમાં છે. અતિશય ગંભીર પરિસ્થિતિમાં પણ એ જે રીતે ખંધું હસે છે એ જોઇને લાગે કે આ બંદાના દિમાગમાં ખરેખર શેતાન અટ્ટહાસ્ય કરી રહ્યો છે.

ચકરાવો નં. 2. ફિલ્મનો હળવો ટૉન, બ્લેક હ્યુમર અને સ્માર્ટનેસ

ફિલ્મનું સ્ટાર્ટિંગ જ પેસેન્જર વિમાનની કોકપિટથી થાય છે. ક્રુઝ સાહેબ યુનિફોર્મમાં સજ્જ છે ને જાતભાતનાં કંટ્રોલ્સ સાથે અટખેલિઓ કરી રહ્યા છે. ધેટ્સ હાઉ વી નૉ કે સરજી પાઇલટ છે. પ્લૅન લૅન્ડ થયા પછી એક જ પૉઝમાં હાથ જોડીને વિદાય લઈ રહેલા મુસાફરોને કહી રહ્યા છે, ‘વેલકમ ટુ ફલાણા શહેર, વેલકમ ટુ ઢીંકણા શહેર…’ મીન્સ કે પાઇલટ તરીકે સાહેબની લાઇફ મોનોટોનસ છે. એ જ તબક્કે એક ખેપમાં ચાલુ ફ્લાઇટે કો-પાઇલટ ઘોરી ગયો છે. પેસેન્જર્સ પણ ઘોંટાઈ ગયા છે. એ જોઇને આ મહાશય ઑટોપાઇલટની સ્વિચ સાથે એવું અડપલું કરે છે કે આખું પ્લૅન ભયંકર ઝાટકો ખાય છે. મુસાફરોમાં હાહાકાર, ઑક્સિજનના માસ્ક લબડી પડે છે, કો-પાઇલટ સફાળો જાગી જાય છે, ને આ ભાઈ મોગેમ્બો જેવું હસે છે! યાને કે મહાશય છે બડા ખુરાફાતી.

કૉલ્ડ વૉરના એ સમયમાં એ અમેરિકામાં ચોરીછૂપે ક્યુબન સિગાર પણ ઘુસાડે છે. મતલબ કે એને રાતોરાત રિચ થઈ જવાનો કીડો પણ છે (એની આ જ લાલચનો ઉપયોગ પછી CIA કરે છે). એકપણ શબ્દનો ઉપયોગ કર્યા વિના માત્ર વિઝ્યુઅલ્સથી જ ડિરેક્ટર ડગ લિમન બેરી સીલનું કેરેક્ટર એસ્ટાબ્લિશ કરી દે છે. અઠંગ દાણચોર બન્યા પછી એને અમેરિકન ગેંગસ્ટર અલ કપોનની બાયોગ્રાફી પણ વાંચતો બતાવાયો છે.

ફિલ્મનો સબ્જેક્ટ અત્યંત સિરિયસ છે. કેવી રીતે અમેરિકા માત્ર પોતાના સ્વાર્થ માટે, બિઝનેસ માટે સ્પાઇંગ કરાવે એ તો સમજ્યા, પણ જે તે દેશના વિદ્રોહીઓને હથિયારો-દારૂ-પૉર્ન મેગેઝિન્સ ઍટસેટરા પણ સપ્લાય કરે. સાહેબ પાબ્લો એસ્કોબાર જેવા કુખ્યાત કોલંબિયન ડ્રગ લૉર્ડ પાસેથી કોકેઇન લઇને અમેરિકામાં ઘૂસાડતો હોય (એ પણ સરકારી પ્લેનમાં), ચિક્કાર પૈસા સાથે પકડાય, તોય એને ચુટકિયોંમાં છોડી મૂકવામાં આવે. અમેરિકાના દંભને ઉઘાડો પાડતો એ સીન જબરદસ્ત છે. થોડા સમય પહેલાં જ ડ્રગ ટ્રાફિકિંગમાંથી છૂટેલો બેરી સીલ વ્હાઇટ હાઉસમાં CIAના ઉચ્ચ અધિકારીઓને મળવાની રાહ જોઈ રહ્યો છે. અને બરાબર એ જ વખતે પ્રેસિડન્ટ રિચર્ડ નિક્સન મીડિયા સામે ડ્રગ ટ્રાફિકર્સને જરાય સાંખી લેવામાં નહીં આવે એવી બડાશો હાંકતા હોય! ત્યારે વિચાર આવે કે આ પ્રકારે (કોઈ પક્ષના કે વિચારધારાના ખોળામાં બેઠા વિના) સરકારી દંભને ઉઘાડો પાડતી ફિલ્મ બનાવવાની હિંમત આપણે ત્યાં કોઈ કરી શકે ખરું?

અમેરિકન બૉર્ડર પોલીસનું વિમાન ક્રુઝની પાછળ પડ્યું હોય, ક્રુઝનું પ્લૅન ક્રેશ થઈ રહ્યું હોય, પોલીસ ગમે ત્યારે રેડ પાડીને ભેજું ઉડાવી દેવાની ફિરાકમાં હોય અને ત્યારે મહાશય પૈસાની થેલી એકઠી કરી રહ્યા હોય, મારી મારીને ઠૂસ કાઢી નાખી હોય ને ત્યારે મહાશયનો એક દાંત ગાયબ થઈ ગયો હોય, ટૂંકા રનવે પરથી પ્લૅન ટેક ઑફ કરાવવાનું હોય અને પ્લેન ઊડશે કે ક્રેશ થઈ જશે એ મુદ્દે સટ્ટો લાગતો હોય, ડ્રગ્સની હેરાફેરીમાં એટલો પૈસો કમાતો હોય કે જ્યાં જુઓ ત્યાં ડૉલર્સની થપ્પીઓ જ દેખાતી હોય (ઘર, ગેરેજ, ગોડાઉન, ઘોડાનો તબેલો, બધે જ. એક તબક્કે તો પૈસા હેઠળ દબાઈ જાય એવી નોબત આવે!). અરે જૂતાં શોધવાં હોય તો પૈસા ભરેલાં બે બૉક્સ ઑપન કરે એ પછી ત્રીજા બૉક્સમાંથી જૂતાં નીકળે! આવી કેટલીયે બ્લૅક કોમેડીથી આખી ફિલ્મ ભરચક છે. ચારેકોર ઊછળતી પૈસાની છોળો અને તે પછીનું બેશરમ બિહેવિયર સહેજે ‘વુલ્ફ ઑફ વૉલ સ્ટ્રીટ’ની યાદ અપાવી દે. એક તબક્કે બેરી સીલને પોતાનું ભવિષ્ય ખબર પડી જાય એ પછીયે એ જરાય અપોલોજેટિક ફીલ નથી કરતો. રાધર, એણે તમામ પરિણામો ભોગવવાની તૈયારી સાથે જ ડબલ ક્રોસ કરવાની ગૅમનો ભાગ બન્યો હોય એવું લાગે.

ચકરાવો નં. 3. કેમેરા અને કલરટોન

‘અમેરિકન મેઇડ’ ખુદ બેરી સીલ એટલે કે ટૉમ ક્રુઝના વોઇસ ઑવરમાં છે. એ પોતે પોતાની લાઇફસ્ટોરી વીડિયો કેસેટ્સ (VHS)માં શૂટ કરી રહ્યો છે અને તેની થપ્પીઓ બનાવી રહ્યો છે. કદાચ એટલે જ આખી ફિલ્મનું કેમેરાવર્ક પણ એ રીતે રખાયું છે કે જાણે કોઈ સતત એની સાથે રહીને હેન્ડિકૅમથી શૂટ કરતું હોય. ડિટ્ટો ફિલ્મનો કલરટોન પણ જૂના જમાનાની વીડિયો કૅસેટ્સ જોતા હોઇએ એવો રખાયો છે. બાય ધ વે, ફિલ્મની સ્ટોરી ઈ.સ. 1978થી 1986 વચ્ચે આકાર લે છે.

‘અમેરિકન મેઇડ’ ગ્રેટ ફિલ્મ નથી. પરંતુ ક્રાઇમ, પોલિટિકલ ક્રાઇમ, વિશ્વના પડદા પાછળ ચાલતી ગંદી રાજરમતો, બે બિલાડાંને લડાવીને મલાઈ ખાઈ જવાની ટિપિકલ અમેરિકન ફિતરત અને અબોવ ઑલ ટૉમ ક્રુઝ માટે આ ફિલ્મ જોવી જોઇએ.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

જુડવા-2

ડબલ ટ્રબલ

***

કારણ વિનાની આ રિમેક અનફની, આઉટડેટેડ અને ઓફેન્સિવ પણ છે.

***

રેટિંગઃ ** (બે સ્ટાર)

***

dhfgmzqvwae6petઅમને ખબર છે કે ડેવિડ ધવનની ફિલ્મોની શરૂઆતમાં જાતભાતની સૂચનાઓની સાથોસાથ એવી અદૃશ્ય સૂચના પણ આવે જ છે કે, ‘આમ તો તમે તમારું મગજ ઘરે મૂકીને જ આવ્યા હશો, પણ જો ભૂલથી ભેગું આવી ગયું હોય તો મોબાઇલની સાથોસાથ દિમાગને પણ સાઇલન્ટ મૉડ પર મૂકી દેશો. નહીંતર દિમાગને કોઈ નુકસાન પહોંચશે તો તે માટે સંસ્થા જવાબદાર રહેશે નહીં.’

ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ સૂચના સિવાયનું ડેવિડ ધવનની ફિલ્મોનું તમામ મટિરિયલ આઉટડેટેડ થઈ ચૂક્યું છે. ઇન ફેક્ટ, ત્રણેક વર્ષ પહેલાં ડેવિડે દીકરા વરુણને લઇને ‘મૈં તેરા હીરો’ બનાવેલી, ત્યારે ખુદ વરુણે જ કહેલું કે, ‘અમારે એમને (ડેવિડ ધવનને) કહેવું પડતું કે, પાપા, યે આપ ફલાં ફલાં ફિલ્મ મેં કર ચૂકે હો.’ યાને કે પાપા ડેવિડનો કોમેડીનો સ્ટોક ખૂટી પડ્યો છે અને જ્યાં સુધી તેઓ નવું રિચાર્જ નહીં કરાવે ત્યાં સુધી એમની ફિલ્મોના હાલહવાલ ‘જુડવા-2’ જેવા જ થવાના છે, ભલે પછી એમાં એમનો મહા ડૅશિંગ, મહા ટેલેન્ટેડ દીકરો વરુણ ગમે તેટલાં મહેનતનાં મઠિયાં તળતો રહે.

હાઇલા, ડુપ્લિકેટ?

ઇતિહાસ ગવાહ છે કે આજ સે બીસ સાલ પહલે રિલીઝ હુઈ ફિલ્મ ‘જુડવા’ 1994ની નાગાર્જુન સ્ટારર તેલુગુ ફિલ્મ ‘હેલ્લો બ્રધર’ની રિમેક હતી, જે પોતે 1992ની જૅકી ચૅન સ્ટારર ફિલ્મ ‘ટ્વિન ડ્રેગન્સ’ની એકદમ જુડવા ફિલ્મ હતી. હવે એની પાછળ બગડે બે લગાવીને એ રીતે રિલીઝ કરાઈ છે જેથી આપણને લાગે કે આ ફિલ્મ સિક્વલ છે. લેકિન નો. કસમ હૈ રામ ઔર શ્યામ કી, સીતા ઔર ગીતા કી, કિશન ઔર કન્હૈયા કી, કે આ ફિલ્મ એકદમ-શત પ્રતિશત રિમેક છે. એટલે દિખાવોં પે ન જાઓ, અપની અક્લ લગાઓ.

હવે ધારો કે તમે આ નવા મિલેનિયમનું ફરજંદ હો કે પછી બે અઢી દાયકા બાદ તમારી યાદદાસ્ત પરત ફરી હોય, તો તમને આ ફિલ્મની સ્ટોરીનું ક્વિક પાન કરાવવું પડે. ‘જુડવા-2’ની સ્ટોરી એકદમ યુનિક છે. બે જુડવા ભાઈ (પ્રેમ અને રાજા, વરુણ અને ધવન) બચપનમાં જ બિછડી ગયા છે. એક લંડનમાં મોટો થાય ને બીજો મુંબઈની ઝૂંપડપટ્ટીમાં. પરંતુ ઈશ્વર નામના મિકેનિકે આ બંને ભાઇઓને ખાસ પ્રકારનું બ્લુટૂથ ઇન્સ્ટોલ કરીને મોકલ્યા છે. જેવા બંને ભાઈ એકબીજાની રેન્જમાં આવે કે બંનેની શારીરિક હરકતોનો ડૅટા એકબીજામાં ટ્રાન્સફર થવા લાગે! આ ઝેરોક્સગીરીને કારણે બંનેની લાઇફમાં ડબલ ટ્રબલ પેદા થાય છે ખરી, પરંતુ ડૉન્ટ વરી, ડિરેક્ટરે બંનેને સૅપરેટ ગર્લફ્રેન્ડો (તાપસી અને જૅકલિન) ફાળવી છે એટલે પ્રેમના કોઇપણ પ્રકારના ભૌમિતિક આકારો સર્જાતા નથી. હા, વિલનલોગની બબાલ છે ખરી. પરંતુ અગેઇન ઇતિહાસ ગવાહ છે કે ડૅવિડ ધવનની ફિલ્મો પોતે જ ઘીના ઠામમાં બને છે. એટલે ઘી પણ ઑબ્વિયસલી ઘીના ઠામમાં જ પડી રહેવાનું.

અનવૉન્ટેડ રિમેક

ઉત્ક્રાંતિનો એક નિયમ છે કે સમય વીતતો જાય તેમ પ્રાણીઓનાં બુદ્ધિ-શક્તિ-શરીર વિકસતાં જાય અને નકામી વસ્તુઓ નાશ પામવા લાગે. તે ઉત્ક્રાંતિ પ્રમાણે અત્યારે જૂની (એટલે કે માત્ર બે દાયકા પહેલાંની જ) ‘જુડવા’ જુઓ તો અત્યારે તમને હાડોહાડ સેક્સિસ્ટ અને ઑફેન્સિવ લાગે. એટલે જ આજે જ્યારે તેની રિમેક બનતી હોય અને આજે પણ આપણો હીરો છોકરીઓને જોઇને ‘કૂલે કૂલે થાપલીનો દાવ’ રમતો હોય, તો કોમેડીના નામે એવું ભાણામાં શા માટે પીરસાય છે તે વિશે નવેસરથી વિચારવું જોઇએ.

અફ કૉર્સ, અમને ખબર છે કે આ એક ટાઇમપાસ, માઇન્ડલેસ, ચાઇલ્ડિશ, એન્ટરટેનર ફિલ્મ છે. એમાં આવું આળું ન થવાનું હોય. પરંતુ દિમાગ સાઇલન્ટ મૉડ પર મૂકીને ફિલ્મ જોઈ હોવા છતાં હિરોઇનો માત્ર પૃષ્ઠ ભાગ પર ટપલીઓ ખાવા, પરાણે થતી પપ્પીઓ લેવા, શરીરના વળાંકો બતાવવા કે હેરાન કરવા માટે જ હોય, જુવાન દીકરીને એની મમ્મી જ સેક્સ ઑબ્જેક્ટ બનાવી રહી હોય, મમ્મીને પણ આપણો હીરો ‘ખટારો’ કહીને એની સાથે ભળતા ચેનચાળા કરતો હોય (અરે, પપ્પી ઠોકી લેતો હોય) અને બ્લૅક લોકોને ‘વેસ્ટ ઇન્ડિઝ કી ક્રિકેટ ટીમ’ કહેવામાં આવતી હોય, તો જનાબ યે એક્સેપ્ટેબલ નહીં હૈ! હા, અમને ખ્યાલ છે કે આની સામે એવી દલીલ થઈ શકે કે આમાંનું કશું જ સિરિયસલી લેવા માટે નથી અને માત્ર હસી નાખવા માટે જ છે. રાઇટ. તો હવે હસવાની વાત કરીએ.

ગરબાનું એક ચક્કર મારીને સ્વીકારવી પડે એવી એક કોન્ક્રિટ હકીકત એ છે કે વરુણ ધવનનું કોમિક ટાઇમિંગ જપાનની બુલેટ ટ્રેન જેવું પર્ફેક્ટ છે. એનો ફેરનેસ ક્રીમના મૉડલ જેવો ચહેરો, ટૂથપેસ્ટના મૉડલ જેવું સ્માઇલ, ચડ્ડી-બનિયનના મૉડલ જેવું ગઠ્ઠેદાર બૉડી, સૉફ્ટ ડ્રિંક્સના મૉડલ જેવી ખાલીપીલી ડાન્સિંગ-એક્શન અને ડિઑડરન્ટના મૉડલ જેવી હરકતો… યાને કે કમ્પ્લિટ સોલ્ડ આઉટ મટિરિયલ છે બંદો. મજાની વાત એ છે કે એ ‘બદલાપુર’ જેવી ઇન્ટેન્સ એક્ટિંગ અને ‘જુડવા-2’ જેવી બફૂનરી બંને એકસરખી સરળતાથી કરી શકે છે.

લેકિન ડૅન્જરસ વાત એ છે કે આ ફિલ્મને હસાવવાની મોટી જવાબદારી જેના પર છે તેવા તેના ડાયલોગ્સ જોડકણાં સમ્રાટ સાજિદ-ફરહાદે લખ્યા છે. એટલે જ ફિલ્મમાં ‘મેરી ઇઝ્ઝત સૌંદર્ય સાબુન કી ટિકિયા નહીં’, ‘કબ તક તેરે સાઇડકિક્સ કો કિક કરતા રહૂંગા’, ‘દુઆ મેં ઔર મુઆહ (કિસિંગ) મેં યાદ રખના’, ‘એ બોર્ન ફાયર મતલબ જનમજલી’, ‘હેય, સ્ટુડન્ટ ઑફ ધ ફિઅર’… જેવા PJ (પૂઅર જોક્સ) વનલાઇનર્સનો વોલ્કેનો ફાટ્યો છે. હા, એમાં ક્યાંક ક્યાંક હસવું આવે પણ ખરું, પણ ક્યાંક ક્યાંક! (રસ, રુચિ ને ટેસ્ટ અનુસાર!)

સબસે બડા પ્રોબ્લેમ એ છે કે રિમેક હોવા છતાં આ ફિલ્મને નવા જમાનાને અનુરૂપ અપડૅટેડ બનાવવામાં કોઈ જ મહેનત કરાઈ નથી (કમ ઑન, હવે તો આઈ ફોન પણ અપડૅટ થઈ ગયો છે!). એટલે જ ફિલ્મના જોક્સ, સ્ટોરી પ્રોગ્રેશન, ઍક્ટિંગ, વિલનલોગની વિલનગીરી, એમના દાવપેચ બધું જ ફૂગ ચડી ગયેલા જૂના અથાણા જેવું વાસી લાગે છે. અરે, હવે તો સેન્સર સર્ટિફિકેટમાં ફિલ્મની અઢી કલાકની તોતિંગ લંબાઈ જોઇને  જ ઑડિયન્સમાંથી સામુહિક ‘હાય હાય’ના ઉદગારો નીકળવા માંડે છે.

આમ તો આ ફિલ્મમાં જૂની ‘જુડવા’નાં પાત્રોનાં રિપ્લેસમેન્ટ જ બેસાડી દેવાયાં છે (સલમાનની જગ્યાએ વરુણ, કરિશ્મા-રંભાની જગ્યાએ જૅકલિન-તાપસી, દલિપ તાહિલની જગ્યાએ સચિન ખેડેકર, રીમા લાગુની જગ્યાએ પ્રાચી શાહ, તક્તી કપૂલ સોરી, શક્તિ કપૂરને સ્થાને રાજપાલ યાદવ, બિંદુની જગ્યાએ ઉપાસના સિંહ, કાદર ખાનને બદલે અનુપમ ખેર, મુકેશ રિશિને સ્થાને વિવાન ભતેના…). હજી આમાં ઝાકિર હુસૈન, જ્હોની લીવર, મનોજ પાહવા, પવન મલ્હોત્રા ઍટસેટરા લોકોનાં નામ તો ગણાવ્યાં જ નથી! (બ્રીધ ઇન… બ્રીધ આઉટ!) પ્રોબ્લેમ કલાકારોની આ વસ્તીગીચતાનો નહીં, પણ એમના દ્વારા કરાયેલી જાલિમ ઑવરઍક્ટિંગનો છે. જાણે એમને કહી દેવાયું હોય કે કુછ ભી કરો, લેકિન હસાઓ! (બાય ધ વે, અલી અસગર કોણ જાણે કેટલા યુગો પછી પુરુષ તરીકે જ સ્ક્રીન પર દેખાયો છે!)  ડેવિડ ધવનની આ આઉટડેટેડ, જુવેનાઇલ અને ઑફેન્સિવ ફિલ્મની કોમેડી માટે રમકડાંના બૉક્સ પર છપાતી સૂચના લખવી જોઇતી હતી, ‘5થી 10 વર્ષનાં બાળકો માટે!’

એક તો ફિલ્મ ઑલરેડી લાંબી છે, તેમાં પોપકોર્ન-સમોસાનો કારોબાર ચાલતો રહે તે માટે ગીતો પણ નાખવામાં આવ્યાં છે. રિમિક્સ ગીતો તો બે દાયકાથી હિટ છે, એટલે એમાં વાંધો નથી. પ્રોબ્લેમ છે નવાં ગીતોનો. નવાં ગીતો ફિલ્મ સાથે સીધી સ્પર્ધામાં છે કે વધુ કંગાળ શું છે, ફિલ્મ કે ગીતો?

જૂની ‘જુડવા’ જોઇને ખુશ થયેલા લોકોને પોતાના ‘વૃદ્ધત્વ’નો અહેસાસ કરાવવા માટે ફિલ્મમાં એક સરપ્રાઇઝ ગેસ્ટ અપિયરન્સ મુકાયું છે. એ સીનનું સાઉન્ડ રેકોર્ડિંગ એટલું ગંદું છે કે પાછળથી થીગડું મારવામાં આવ્યું હશે તેવું ચોખ્ખું ફીલ થાય છે.

ઑલ્ડ ઇઝ ગોલ્ડ

સવાલ એ છે કે કાયકુ બનાઈ યે ફિલ્મ? સલમાન હજી બૉક્સ ઑફિસ ધમધમાવે છે અને જૂની જુડવા જોનારાં છોકરાંવ હજી હેર ડાઈના ઘરાક બન્યાં નથી. તો આખિર ક્યોં, જજ સા’બ, આખિર ક્યોં?! ઇન શૉર્ટ, વરુણ માટે તમારા દિલના (ધ)વનમાં ‘ઑઑઑઑ, ચો ચ્વીટ…’ ટાઇપનાં ફૂલો ન ખીલતાં હોય, તો બેસ્ટ રસ્તો એ જ છે કે વધુ એક વખત જૂની ‘જુડવા’ અથવા તો જૅકી ચેનની ‘ટ્વિન ડ્રેગન્સ’ જોઈ કાઢો. અત્યારે બંને ફ્રીમાં અવેલેબલ છે!

(Reviewed for divyabhaskar.co.in)

P.S. વરુણ ધવનની ‘મૈં તેરા હીરો’નો રિવ્યુ વાંચવા માટે ક્લિક કરો અહીં.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ન્યુટન

ન્યુટન જોવાનાં 5 કારણો

***

ન્યુટનને ઑસ્કર મળે કે ન મળે, જોયા વિના ચાલે તેમ નથી.

***

રેટિંગઃ ***1/2

***

dcmura7waaazxz6પરમાણુ શસ્ત્રો-ન્યુક્લિયર રિએક્ટરમાં બળતણ તરીકે વપરાતાં યુરેનિયમ-પ્લુટોનિયમ જેવાં તત્ત્વો ‘રેડિયોએક્ટિવ’ કહેવાય છે. કોઇને જરૂર હોય કે ન હોય, પણ ટપકતા નળની જેમ આવાં રેડિયોએક્ટિવ તત્ત્વોમાંથી સતત વિકિરણો-ઍનર્જીનું ઉત્સર્જન થતું રહે છે. કેટલીક ફિલ્મો પણ રેડિયોએક્ટિવ તત્ત્વ જેવી હોય છે. એવી એક ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ છે. નામ છે, ‘ન્યુટન.’ હાથમાં EVM અને માથા પર હેલમેટ પહેરીને દોડતા રાજકુમાર રાવને ચમકાવતું ‘ન્યુટન’નું પોસ્ટર રિલીઝ થયું ત્યારથી જ લાગતું હતું કે કુછ તો બાત હૈ ઇસ ફિલ્મ મેં. પછી તો ભેદી રીતે ઐન મૌકે પર એટલે કે બરાબર એની રિલીઝના દિવસે જ ફિલ્મને ઑસ્કર માટેની ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે સિલેક્ટ કરાયાના ન્યુઝ આવ્યા (જેને કારણે નેચરલી તેની નવેસરથી એક બઝ ઊભી થઈ અને બૉક્સઑફિસ પર પણ તેની અસર દેખાશે જ).

બીજું એક ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ છે, એક ઇરાનિયન ફિલ્મ ‘સિક્રેટ બૅલટ’ના પ્લોટ સાથે ન્યુટનની સામ્યતા. બંનેમાં ફિલ્મનું મુખ્ય પાત્ર આર્મીના જવાનની મદદથી અત્યંત જોખમી અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોના વોટ એકઠા કરવા જાય છે. આ બંને વાતો સાઇડમાં મૂકીએ તો પણ ‘ન્યુટન’ એક ફિલ્મ તરીકે એકદમ મસ્ટ વૉચ છે. પાંચ કારણો છે, જે આ ફિલ્મને મસ્ટ વૉચની કેટેગરીમાં મૂકી આપે છે.

કારણ નં. 1. રાજકુમાર રાવ

ફિલ્મમાં પહેલીવાર જ્યારે આપણે રાજકુમાર રાવને જોઇએ છીએ ત્યારે એ દીવાલને ટેકો દઇને કશુંક વાંચી રહ્યો છે. સાથોસાથ સફરજન પણ ખાઈ રહ્યો છે. (જો પોસ્ટર્સ ન જોયાં હોય, તો) એ વખતે આપણને ખબર નથી કે આ મહાશયનું નામ ન્યુટન છે. હા, સફરજન સાથે તેનો તાળો મેળવી શકાય ખરો! એ જ ફ્રેમમાં દીવાલની પેલે પાર બીજા રૂમમાં એનાં માતાપિતા છત્તીસગઢના કોઈ ગામડામાં ચૂંટણીપ્રચાર માટે નીકળેલા નેતાની નક્સલવાદીઓએ કરેલી હિંસાના સમાચાર આવી રહ્યા છે. પરંતુ ન્યુટન માટે એની બુક-ઇલેક્શન કમિશનની રુલ બુક જ વધુ મહત્ત્વની છે.

ખતરનાક ફોર્મમાં ચાલી રહેલો રાજકુમાર રાવ ન્યુટનના કેરેક્ટરમાં એ હદે ઘૂસી ગયો છે કે એના કર્લી વાળની સ્ટાઇલ તો ઠીક, એણે આંખ પટપટાવવાની સ્ટાઇલ માર્ક કરજો. આવી નાનકડી ખાસિયતો જ એક પાત્રને જીવંત બનાવે છે. ટ્રેલરમાં કહે છે એમ, મા-બાપે ‘નૂતનકુમાર’ નામ રાખેલું એટલે ભાઇએ મેટ્રિકથી ‘ન્યુટન’ કરી નાખ્યું. એ ન્યુટન નખશિખ પ્રામાણિક માણસ છે. યાને કે ડાયનોસોરની જેમ લુપ્ત થયેલું પ્રાણી છે. કોઇપણ કામ કરવા માટે નિયમો નક્કી થયેલાં હોય, તો તે પ્રમાણે જ કામ થવું જોઇએ. એ નિયમો ફોર્માલિટી ખાતર જ લખેલા હોય-ચાવવાના અલગ ને બતાવવાના અલગ એવું ન્યુટનના સિલેબસમાં ન આવે. ગમે તેવો જોખમી વિસ્તાર હોય, ભલે મુઠ્ઠીભર મતદારો હોય, પરંતુ મતદાન નિયમ અનુસાર જ થવું જોઇએ, સવારે આઠ વાગ્યે શરૂ થઈને બપોરે ત્રણ વાગ્યે પૂરું થવાનું હોય તો એમ જ થવું જોઇએ. મતદારોને ધમકાવવાના-લલચાવવાના નહીં ને મતદાન મથકની પણ સેંક્ટિટી-પવિત્રતા જળવાવી જોઇએ. આ બધામાં સામે લશ્કરના અધિકારી હોય તોય પીછે નહીં હટવાનું.

કારણ નં. 2. મૅચ્યોરિટી

ફિલ્મના પહેલા જ દૃશ્યમાં એક નેતાજી છત્તીસગઢના કોઈ ગામડા-ગામમાં રોડશૉ કરી રહ્યા છે. વિકાસના વાયદા કરે છે ને યુવાનોને એક હાથમાં મોબાઇલ ને બીજા હાથમાં લેપટોપ આપવાનાં સપનાં બતાવે છે (એ જ વખતે યુવાનો મોબાઇલથી એમને શૂટ કરતા દેખાય છે!). એ વિસ્તારમાં લૅપટોપ કરતાં રસ્તા-પાણી-વીજળી-નોકરી-સિક્યોરિટીની વધુ જરૂર છે એ વગર કહ્યે દેખાઈ જાય છે.

બીજા એક સીનમાં જંગલમાં રહેતા આદિવાસીઓને એમના વિસ્તારના ઉમેદવારોની માહિતી અપાઈ રહી છે (છેક વોટિંગ વખતે!). એ વખતે ઉમેદવારોનાં કટઆઉટ્સ, પોસ્ટર્સ, બૅનર્સ, ટીશર્ટ્સ, માસ્ક દેખાય છે, પણ ક્યાંય સાચો-જીવતો જાગતો ઉમેદવાર દેખાતો નથી. કદાચ એ લોકો માટે સાચુકલા ઉમેદવારનું કોઈ મહત્ત્વ પણ નથી, કેમકે એ પોસ્ટર્સમાંથી બહાર નીકળીને એમની મદદ માટે ક્યારેય આવવાનો પણ નથી.

એક તબક્કે નક્સલવાદી હુમલાના ભયે મતદાન મથકેથી કર્મચારીઓ વોટિંગ મશીન અને અન્ય સામાન સમેટીને ભાગે છે. ‘મતકૂટિર’ (Polling Booth) લખેલું પૂંઠું જમીન પર પડેલું દેખાય છે. કોઈ જ ટીકા-ટિપ્પણ વિના ગ્રાસરૂટ લેવલ પર ઇલેક્શન-વોટિંગ સિસ્ટમ-ડેમોક્રસીની વાસ્તવિકતા શું છે તે બરાબર ક્લિયર થઈ જાય છે.

***

નક્સલવાદીઓ પોતાનો અજેન્ડા ચલાવે છે, રાજકારણીઓ પોતાનો. કોન્ફ્લિક્ટ ઝોન છે એટલે આર્મીનો પંજો પણ એકદમ ટાઇટ છે. વચ્ચે પીસાય છે સામાન્ય લોકો, જેમની હાલત કપાઈને થાળીમાં પીરસાતી મરઘીથી વિશેષ નથી (એ દૃશ્ય-જક્સ્ટાપોઝિશન જબરદસ્ત છેઃ એક તરફ મતદાન કરવા માટે લશ્કરના સૈનિકો લોકોને પકડી રહ્યા છે અને બીજી બાજુ આ જ સૈનિકોને ખવડાવવા માટે ગામની કોઈ સ્ત્રી ભાગી રહેલી મરઘીને પકડી રહી છે).

***

માત્ર 106 મિનિટની આ ફિલ્મમાં ન્યુટનની પર્સનાલિટી અને એના કામની ઓળખ થઈ ગયા બાદ પોણી ફિલ્મ સવારે ચાર વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યાનો ઘટનાક્રમ જ કહે છે. પરંતુ ધીમે ધીમે તે કલાઇડોસ્કોપની જેમ અલગ લગ પર્સ્પેક્ટિવ આપણી સામે મૂકતી રહે છે. એક જબરદસ્ત પર્સ્પેક્ટિવ છે આર્મીનો. વર્ષોથી આપણને આર્મીનો ‘સરહદ પે હમારે જવાન લડ રહે હૈ’ ટાઇપનો ચહેરો જ બતાવવામાં આવ્યો છે (આમેય ભક્તિભાવની એન્ટ્રી થાય ત્યાં લોજિકનો છેદ ઊડી જાય). અહીંયા આર્મીનો ચહેરો છે CRPF અધિકારી આત્મા સિંહ (સુપ્રીમલી ટેલેન્ટેડ એક્ટર પંકજ ત્રિપાઠી). એનું પોતાનું, ઇલેક્શન કમિશનના અધિકારીઓ સાથેનું, ગામલોકો સાથેનું એનું વર્તન, એના વિચારો જોઇએ તો લાગે કે શા માટે દેશમાં ક્યારેય લશ્કરી શાસન ન સ્થપાવું જોઇએ. એને એય ખબર છે કે જ્યાં દેશના નેતાઓને-દેશના લોકોને પોતાનાથી અમુક કિલોમીટરના અંતરે રહેતા લોકો કઈ હાલતમાં જીવે છે એ જાણવાની સુદ્ધાં દરકાર ન હોય, ત્યાં ચૂંટણીપ્રક્રિયા એક ફારસથી વધારે કંઈ જ નથી. નક્સલવાદને ખતમ કરવામાં સૂકા ભેગું લીલું બળે, ગામલોકોને કોનાથી વધુ હેરાનગતિ છે એ નક્કી કરવું અઘરું થઈ પડે, ત્યારે એક સૈનિક બોલે કે, ‘યે (મશીનગન) દેશ કા ભાર હૈ, જો હમારે કંધે પે હૈ’, એ હકીકત હોવા છતાં એમાં ભારોભાર એરોગન્સ છે. લશ્કરના ઉલ્લેખમાત્રથી ભારતકુમાર થઈ જતા લોકોની સામે કરાયેલો એસિડિક કટાક્ષ છે.

***

ફિલ્મનું રાઇટિંગ મૅચ્યોર હોય એટલે પ્રયાસ વિના પણ સંવાદોમાં રિફ્લેક્ટ થવા જ માંડે. ‘અરે દેખ તો સિર્ફ હમારી હી બીજલી ગઈ હૈ કિ સબ કી ગઈ હૈ?’, ‘યે સરકારી (બુલેટપ્રૂફ) જેકેટ હૈ, જરા કસ કે બાંધના વર્ના ગોલી આરપાર નીકલ જાયેગી’, ‘યે દંડકારણ્ય હૈ, સીતા કા હરણ ભી યહીં સે હુઆ થા, પુષ્પક વિમાન મેં. રાવણ વિશ્વ કા સબસે પહલા પાઇલટ થા’, ‘જી, મૈં(ને તો યે પોસ્ટિંગ ઇસિલિયે લી કિ મૈં) તો હેલિકોપ્ટર મેં બૈઠના ચાહતા થા’, ‘કમાલ હૈ ના, આપ યહાં સે કુછ હી ઘંટે કી દૂરી પે રહતે હો લેકિન આપકો હમારે બારે મેં કુછ ભી નહીં પતા…’ ફિલ્મમાં આ વાક્યો જ્યાં જ્યાં બોલાયાં છે, તે તમે જુઓ એટલે તેની પાછળનું થિન્કિંગ સમજાવા માંડે.

***

મૅચ્યોરિટીનો વધુ એક પુરાવો એટલે ફિલ્મમાં બતાવાયેલું એમ્બેડેડ જર્નલિઝમ. કોઈ વિદેશી મહિલા પત્રકાર ઉચ્ચ પોલીસ અધિકારી સાથે અંતરિયાળ વિસ્તારમાં માત્ર 76 મતદારો માટે ચાલી રહેલી વોટિંગ પ્રોસેસ જોવા આવી રહી છે. CRPF જવાનને વાયરલેસ પર મેસેજ મળે છે અને અચાનક જ સુસ્ત વાતાવરણમાં હરકત આવી જાય છે. મતદારોને ખેંચી ખેંચીને પકડી લાવવામાં આવે છે, મતદાન શરૂ થઈ જાય છે ને ફોરેન કોરસપોન્ડન્ટ વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વની સાક્ષી બને છે (એ મતદારોમાંથી કોઇએ ક્યારેય EVM જોયું નથી, ને એમને કોઈ જ ઉમેદવાર વિશે ખબર સુદ્ધાં નથી એ અલગ વાત છે).

કારણ નં. ૩. ઑનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પૉલિસી. રિયલી?

કવિ ટર્ન્ડ રાજકારણી કુમાર વિશ્વાસની ફેમસ લાઇન છેઃ ‘પ્રેમ હમારે યહાં ઐસા વિષય હૈ જિસકી સિર્ફ થિયોરી કી ક્લાસ હી ચલતી હૈ.’ પ્રામાણિકતાનું પણ એવું જ છે. પણ ધારો કે કોઈ માણસ નક્કી કરે તો કે સવારથી રાત સુધી પ્રામાણિકતાના રસ્તે જ ચાલવું? જે સાચું હોય એ જ કહી દેવું, તો? ન્યુટન એવું કરે છે. એટલે જ એ સગીર વયની છોકરી સાથે સગાઈ કરવાની ના પાડી દે છે, દહેજ લેવાની પણ, એટલે જ એ પોતાના પિતા સાથે કડવા વિવાદમાં સપડાય છે. ઇલેક્શન પ્રોસેસમાં જરાય ગેરરીતિ ચલાવી લેતો નથી, ભલે એ માટે ગમે તેવું ગંભીર પરિણામ ભોગવવું પડે અને ભલે પ્રામાણિક રીતે વોટ આપવાથી લોકોની સ્થિતિમાં એક ટકોય ફરક પડવાનો ન હોય. સંજય મિશ્રાના પાત્ર દ્વારા ફિલ્મમાં ન્યુટનને મળેલી સૂચના દરેક ભારતીયે કોતરી રાખવા જેવી છે, ‘પ્રામાણિક બનીને-રહીને તમે કોઇના પર ઉપકાર નથી કરતા. એ તમારી પાસેથી અપેક્ષિત જ છે. તમે જો પ્રામાણિકતાથી તમારું કામ કરતા રહેશો તો દેશનું ભલું આપોઆપ થવા લાગશે.’

કારણ નં. 4. ડૉક્યુડ્રામા ફીલ

ફિલ્મના પહેલા જ સીનથી લઇને ‘ન્યુટન’માં એવા સંખ્યાબંધ દૃશ્યો છે જે એક ડૉક્યુમેન્ટરી ફિલ્મની ફીલ આપે છે. પ્લસ, એમાં ફિલ્માવવામાં આવેલા સીન પણ એ રીતે મુકાયા છે જે જાણે ડૉક્યુડ્રામા (નાટ્ય રૂપાંતર સાથેની ડૉક્યુમેન્ટરી ફિલ્મ) જોતા હોઇએ એવી છાપ છોડે છે. વધુ રસપ્રદ વાત એ છે કે આટલી બધી લૅયર્ડ વાતો કરી હોવા છતાં ‘ન્યુટન’ કોઈનો પક્ષ લેતી નથી કે નથી સીધી રીતે કોઇને વિલન સાબિત કરતી. જે આપણને વિલન લાગે તેનો (એટલે કે ભારતીય આર્મીનો) પોઇન્ટ ઑફ વ્યુ પણ માત્ર એક જ વાક્યથી સમજાઈ જાય છે. ભારતીય ચૂંટણી પ્રક્રિયાની જટિલતા, ચીવટ અને ફૂવડ નેતાગીરીને કારણે અનેક લોકો માટે તેની વ્યર્થતા, નીતિથી કામ કરવા માગતા માણસની કફોડી હાલત, ભગવાન ભરોસે છોડી દેવાયેલા છેવાડાના લોકોની બેબસી… બધાં જ પાસાં આપણી સામે ખોલીને મૂકી દે છે. ફિલ્મ ક્યાંક કડવું હસાવે છે, ડાર્ક હ્યુમર પીરસે છે, કોઈ સોલ્યુશન નથી આપતી છતાં વિચારોનું ટ્રિગર તો દબાવે જ છે. રોમેન્સ પણ આ ફિલ્મમાં એટલો સટલ અને ઇન્ડિકેટિવ છે કે બાકીનું બધું આપણા પર છોડી દેવાયું છે. હા, કદાચ આ જ ક્વાયતમાં ફિલ્મ અનહદ સ્લો થઈ ગઈ છે. મતદારોની રાહ જોતાં બેઠેલા ચૂંટણી કર્મચારીઓની સાથે થિયેટરમાં પણ સમય થંભી ગયો હોય એવું લાગે છે. એ ખાલી જગ્યાઓ વધુ સારી રીતે ભરાઈ હોત તો ફિલ્મ ઓર ભરચક બની શકી હોત.

કારણ નં. 5. પર્ફોર્મન્સીસ

જો મહાટેલેન્ટેડ લોકોની ટીમ ‘ન્યુટન’માં ન હોત તો તે કોઈ આર્ટ ફિલ્મ બનીને ક્યાંય અંધારામાં ધકેલાઈ ગઈ હોત. રાજકુમાર રાવ ઉપરાંત ટેરિફિક પંકજ ત્રિપાઠી, માત્ર બે સીન માટે દેખાતા સંજય મિશ્રા, રઘુવીર યાદવ, સ્થાનિક આદિવાસી શિક્ષિકા બનતી અંજલિ પાટિલ… આ બધાં લોકો એટલાં નૅચરલ છે કે ક્યાંય પ્રયાસપૂર્વક ઍક્ટિંગ કરતા હોય એવું લાગતું નથી. પંકજ ત્રિપાઠીની ઍફર્ટલેસ કરડકી, સંજય મિશ્રાની ઇલેક્શન પ્રોસેસમાં સામેલ થતા રિઝર્વ કર્મચારીઓમાં મહાન કાર્યનો ભાગ બની રહ્યા હોવાની ભાવના ઇન્જેક્ટ કરવાની ક્વાયત કે ગુરુજ્ઞાન આપવાની પદ્ધતિ, રઘુવીર યાદવની જાણે ‘ઇલેક્શન પિકનિક’માં આવ્યા હોય એવી બેફિકરાઈ કે અંજલિ પાટિલની ખુદ્દારી, કોઇપણ સ્થાનિકને નક્સલવાદીમાં કે નક્સલવાદીના જાસૂસમાં ખપાવી દેવાની આર્મીની ફિતરત સામે ભભૂકતો જ્વાળામુખી અને હિન્દી-સ્થાનિક ભાષામાં થતું સ્વિચઑવર બધું જ ભયંકર સ્મૂધ-સટલ છે. અફ કોર્સ, આ માટે ડિરેક્ટર અમિત મસુરકર અને રાઇટર મયંક તિવારીની મહેનત પણ જવાબદાર છે. અમિત મસુરકરે અગાઉ ‘સુલેમાની કીડા’ નામની મસ્ત લૉ બજેટ ઇન્ડી મુવી બનાવેલી (જે ન જોઈ હોય તો ગમે ત્યાંથી મેળવીને જોઈ લેવા જેવી છે). ફિલ્મના એક દૃશ્યમાં દેખાતા સહ-લેખક મયંક તિવારીએ સુલેમાની કીડામાં એક્ટિંગ પણ કરેલી.

આટલાં વખાણ છતાં બહુ બધા લોકોને મજા પડે એવી આ ફિલ્મ નથી જ. પૂરતું લોબીઇંગ ન થાય કે વધુ સારી ફિલ્મો સાથે ટક્કર થાય તો ઑસ્કરમાં ‘ન્યુટન’નો ગજ ન વાગે તે પણ પોસિબલ છે. છતાં સારી ફિલ્મો અવૉર્ડ્સની મોહતાજ નથી હોતી (અને અવૉર્ડ વિનર ફિલ્મો સારી જ હોય એવુંય જરૂરી નથી!). એક સારી ફિલ્મ જોયાનો સંતોષ લેવો હોય તો ‘ન્યુટન’ ચૂકવા જેવી નથી.

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

સિમરન

બેન્ડિટ ક્વીન

***

આ ફિલ્મ ક્વીનની ભંગાર સિક્વલ બનીને રહી ગઈ છે.

***

રેટિંગઃ ** (બે સ્ટાર)

***

simranposter‘આર યુ ટાયર્ડ? બિકોઝ યુ આર રનિંગ ઇન માય માઇન્ડ!’ (‘તમે થાકેલા છો? કેમકે, મારા મનમાં તમે જ ચાલી રહ્યા છો!’) ‘લડકી પટાઓ સંહિતા’માં આ પ્રકારનાં વાક્યોને ‘પિકઅપ લાઇન્સ’ કહે છે. આવી એકદમ ચીકણી-ચીઝી લાઇન્સ માત્ર લડકાલોગનો જ ઇજારો રહી છે. આવી લાઇન્સ બોલાયા પછી દાળ ગળે તો મામલો ક્યારેક પ્યાર-ઇશ્ક-મોહબ્બત સુધી પહોંચે અથવા તો તેનું સીધું લક્ષ્ય બૅડરૂમ પણ હોઈ શકે. અહીં ‘સિમરન’ મુવીમાં લક્ષ્ય તો બૅડરૂમ જ છે, લેકિન લાઇન બોલાઈ છે કંગનાના મુખેથી. જે ફિલ્મ માટે કંગનાએ આટલા બધા ધમપછાડા કર્યા, ‘હરિકેન કંગના’ બનીને અડધો ડઝન લોકો પર ત્રાટકી એ ફિલ્મ કમનસીબે ખાસ્સી કંગાળ છે.

ઝિંદગી એક જુઆ

ઇન્ટરનેટના પ્રતાપે આપણને ખબર છે કે ‘સિમરન’ સંદીપ કૌર નામની NRI નર્સની લાઇફ પરથી બની છે. જુગારને રવાડે ચડી. બહુ બધા પૈસા હારી એટલે એ છોકરીએ બૅંકો લૂંટવાની શરૂ કરી અને અત્યારે અમેરિકન જેલમાં છે. નૅચરલી, આ ફિલ્મની સ્ટોરીલાઇન પણ એ જ છે. આપણે સ્ટોરીની ગલીમાં ઝાઝા ઊંડા ઊતર્યા વિના ઑબ્ઝર્વેશન્સના હાઇવે પર આવી જઇએ.

દિલ લે ગઈ કુડી ગુજરાત કી

‘સિમરન’માં કંગના બની છે એટલાન્ટામાં રહેતી ગુજરાતી ગર્લ પ્રફુલ પટેલ. રામ જાણે ત્રીસ વર્ષની યુવતીનું નામ કયા માતાપિતા ‘પ્રફુલ’ રાખે? પ્રફુલ પટેલ બોલો એટલે આંખ સામે NCPના જાડી મૂછોવાળા નેતા દેખાવા લાગે, અને ‘પ્રફુલ’ સાંભળીને ‘ખીચડી’ સિરિયલના ‘બાબુજી’ અનંગ દેસાઈનો અવાજ સંભળાય, ‘પ્રફુલ, તૂ તો ગધા હૈ ગધા!’ (અને એ પ્રફુલ હોય અમેઝિંગ એક્ટર રાજીવ મહેતા.) આપણને આવા કોઈ કુવિચારો ન આવે તે માટે આ ફીમેલ પ્રફુલને ‘પ્રફ’ જેવું ગ્લોસી નિકનેમ આપી દેવાયું છે. અને અડધી ફિલ્મે કંગના પ્રફમાંથી સિમરન બની જાય છે (એનો ઇન્સ્પિરેશન સોર્સ શું હશે એ સમજવા માટે ‘યશરાજ સ્ટુડિયો’ સુધી લાંબા થવાની જરૂર નથી જ!)

આ સિમરન ઉર્ફ પ્રફુલ ઉર્ફ પ્રફ ઉર્ફ ‘હરિકેન કંગના’નું કેરેક્ટર છે એકદમ ઇન્ટરેસ્ટિંગ. એ ડિવોર્સી છે, પણ એ વિશે દુઃખિયારી થઇને નથી ફરતી. લડકાલોગને સામેથી પટાવે છે (શરૂઆતમાં કહી એવી લાઇનો બોલી બોલીને) ને કહે છે કે ‘લડકે પટાના તો એક આર્ટ હૈ!’ મમ્મી-પપ્પા સાથે તડ ને ફડ કરે છે. અમેરિકાનું આકાશ પણ નાનું પડે એવા એના એના આઝાદ ખયાલો છે. એકલી હોવા છતાં પેરેન્ટ્સથી અલગ પોતાનું ઘર લેવાની ફિરાકમાં છે. ઘરમાં દેકારો મચ્યા બાદ રડીને બેસી રહેવાને બદલે કઝિન સાથે લાસ વેગસ ફરવા ઊપડી જાય છે અને ત્યાં બિનધાસ્ત દારૂ પીવે છે, જુગાર રમે છે, અજાણ્યા પુરુષો સાથે દોસ્તી કરે છે-સામેથી રોમેન્ટિક ઍડવાન્સમેન્ટ પણ કરે છે અને આપણા પહેલાજ નિહલાણી સાહેબને જે જોઇને પૅનિક અટેક આવી જાય એવી ક્રિયાઓ પણ કરે છે. એની સેક્સ્યુઅલ પોઝિશન પણ ‘વુમન ઑન ટૉપ’ છે! અને એ પછી પુરુષ નહીં, અહીંયા સ્ત્રી ચાલતી પકડે છે! એ ત્યાંની ‘હિલ્ટન’ હૉટેલમાં રૂમો વાળી-ચોળીને સાફ કરવાનું કામ કરે છે, પણ પોતાના કામની વાત નીકળે તો ગર્વથી કહે છે કે ‘હું તો હાઉસકીપિંગ ડિપાર્ટમેન્ટમાં છું.’ ટૂંકમાં જિંદગીના એકેય કામ માટે એ અપોલોજેટિક નથી, બેંક લૂંટવા માટે પણ નહીં.

ભલભલી સ્ટાર હિરોઇનોને જે પાત્ર વિશે જાણીને ધ્રુજારી છૂટી જાય એવું આ કેરેક્ટર કંગનાએ જે જીવંતતાથી, જે શિદ્દતથી અને જે એક્સપર્ટીઝથી નિભાવ્યું છે એ જોઇને આપણને ઇક્કીસ તોપોં કી સલામી દેવાનું મન થઈ જાય. જ્યારે એ પોતાના પપ્પા (હિતેન કુમાર) સાથે ઝઘડે છે, જે રીતે જુગારમાં હાર્યા પછી દારૂના નશામાં એ (અદ્દલ ‘ક્વીન’ સ્ટાઇલમાં) ભેંકડો તાણે છે, પહેલી ચોરી કર્યા પછી કારમાં એનાં એક્સપ્રેશન્સ ચેન્જ થાય છે, જે રીતે પોતાના પૈસા માટે ઘાંઘી થયા બાદ એ તોફાન મચાવે છે અને પછી અચાનક જ શાંત થઈ જાય છે… આપણને થાય કે બૉસ, એક્ટિંગની ઝાંસી કી રાની તો આ ‘ક્વીન’ કંગના પોતે જ છે. એને લઇને જ એની જ એક બાયોપિક બનાવવી જોઇએ!

125 મિનિટ એટલે કે બે કલાક ને માથે લટકાની પાંચ મિનિટની આ ફિલ્મમાંથી બે ઘડી કંગનાને બાજુ પર મૂકીએ તો બાકીની ફિલ્મ સાવ ખાલીખમ છે. પહેલો અને સૌથી મોટો લોચો છે ફિલ્મનું રાઇટિંગ અને કેરેક્ટરાઇઝેશન. રાઇટિંગ ક્રેડિટના મુદ્દે તો ફિલ્મના લેખક અપૂર્વ અસરાનીએ ફેસબુક પર આવીને કકળાટ કાઢેલો. ફિલ્મના સહ-લેખક અને ડાયલોગ્સમાં ખુદ ગબ્બર બહિન કંગનાએ પણ ક્રેડિટ લીધી છે. લેકિન હરામ બરાબર જો ક્યાંય આપણને મજા પડે એવા ડાયલોગ્સ આવે તો કંગનાનું નામ બદલીને કાયમ માટે ‘પ્રફુલ’ કરી નાખવાની છૂટ! અમદાવાદના ખાડાઓની જેમ એક પછી એક સીન આવ્યા કરે, પણ ન તો બે સીન વચ્ચે કોઈ અનુસંધાન મળે કે ન જથ્થાબંધ સીન-શોટ્સ મૂકવાનું લોજિકલ કારણ જડે. અરે, એ છોકરી વન બાય વન બેંકો લૂંટતી હોય એમાંય કોઈ જ થ્રિલ નહીં-પૅસ નહીં. ગંધિયાણું ખરીદવા જતી હોય એ રીતે લૂંટીને ચાલતી પકડે. કોઈ ઉતાવળ પણ નહીં. બે ઘડી તો આપણનેય થઈ આવે કે કરવા જેવો ખરેખરો ધંધો તો આ છે!

બીજો XXL સાઇઝનો માઇનસ પોઇન્ટ છે, કંગના સિવાય રસપ્રદ પાત્રોનો અભાવ. ફિલ્મમાં કંગનાનાં માતા-પિતા, મિત્રો, પ્રેમી, અગેઇન સમ ખાવા પૂરતું એક પણ પાત્ર એવું નથી કે જેને પડદા પર જોઇને આપણને હાશ થાય કે મજાની ફીલિંગ આવવા લાગે. હા, આપણા જાણીતા ને માનીતા ગુજરાતી એક્ટર હિતેન કુમાર અહીં કંગનાના પિતા તરીકે હાજર થયા છે. પરંતુ ભાગ્યે જ કોઈ એવો સીન છે જેમાં એમણે અતિશય ગુસ્સો ન કર્યો હોય (અને ‘પત્તર ફાડી છે’ શબ્દો ન બોલ્યા હોય!). અગાઉ ‘શિપ ઑફ થિસિયસ’માં દેખાયેલા સોહમ શાહ અહીં કંગનાના મંગેતર બન્યા છે. પરંતુ એક તો કંગના સાથે એમની જોડી તદ્દન મિસફિટ લાગે છે. કોઈ વિચિત્ર કારણોસર એમની ઍક્ટિંગ તદ્દન નકલી લાગે છે (એમનું નકલી હાસ્ય તો એસ્પાયરિંગ એક્ટર્સ માટે કૅસ સ્ટડી છે! કે ભઈ, આમ તો ન જ હસવું!). હજી આગળ વધીને કહીએ તો એમનું પાત્ર કોઈ જ કારણ વગર મિસ્ટિરિયસ લાગે છે. આખી ફિલ્મમાં સારા-સપોર્ટિંગ એક્ટર્સની એવી તાણ છે કે એક અજાણ્યો બાર ટેન્ડર થોડો ચિયરફુલી વર્તે તોય આપણને અમથા અમથા એને ભેટી પડવાનું મન થઈ આવે! હંસલભાઈએ અગાઉ ‘શાહિદ’ જેવી અફલાતૂન અને ‘સિટી લાઇટ્સ’ જેવી નોટ સો અફલાતૂન ફિલ્મો આપી છે, એટલે ગુજરાતી હોવાને નાતે અહીં એમની સામે એક ધોખો એ કરવાનો રહે કે ફિલ્મમાં આટલું નકલી ગુજરાતી શા માટે બોલાય છે? એકમાત્ર હિતેન કુમારનું ગુજરાતી સ્વાભાવિક છે (ઓબ્વિયસલી). બાકી ઇન્ક્લુડિંગ કંગના, જે કોઈ પાત્ર ‘સું કામ?’, ‘મારી સાથે’, ‘એટલે તો આવી છું’ આવાં પરચુરણ વાક્યો ગુજરાતીમાં બોલે એટલે જાણે ચાઇનીઝ પાતરા ખાતા હોઇએ એવી વર્ણસંકર ફીલ આવે છે. અને હંસલભાઈ પ્લીઝ, ગુજરાતીઓ ખાખરા, થેપલાં, ઢોકળાં સિવાય બીજું કશું ખાતા જ નથી એ સ્ટિરિયોટાઇપને એટલિસ્ટ તમે (એક ગુજરાતી તરીકે) શા માટે આગળ ધપાવો છો?

બીજો એક સવાલ એ થાય કે હંસલભાઈ આ ફિલ્મને ડ્રામા બનાવવા ગયા છે, થ્રિલ બનાવી છે કે કોમેડી કરવાની છે? હા, ક્યારેક એકાદી લાઇન પણ સિરિયસ મોમેન્ટમાં લાફ્ટર ઉમેરી દે છે (ચેક આઉટઃ ‘આઈ કેન ગો ટુ અનધર બૅન્ક!’). ફિલ્મની પૅસ પણ અત્યંત સ્લો અને દિશા એટલી બધી પ્રીડિક્ટેબલ છે કે રિયલ લાઇફ પાત્ર એવી સંદીપ કૌરની સ્ટોરી ન ખબર હોય તોય આપણે અંત કળી શકીએ.

આવી ફિલ્મમાં મ્યુઝિક મસ્ત હોવું જોઇતું હતું. લેકિન અફસોસ, ટાઇટલ સોંગને બાદ કરતાં બધાં જ ગીતોનો એકીપાણી-પોપકોર્ન-બગાસાં સિવાય કોઈ જ ઉપયોગ થઈ શકે તેમ નથી.

જા સિમરન જા!

હંસલ મહેતાની ‘સિમરન’ કંગનાનો વન વુમન શૉ છે. કહો કે ‘ઑફ ધ કંગના, ફોર ધ કંગના. બાય ધ કંગના’. કંગના સિવાય ફિલ્મમાં કોઈ જ ઍનર્જી નથી અને આખી મૅચમાં એક બેટ્સમેન ખેંચી ખેંચીને કેટલું ખેંચી શકે? કંગના માટે આ ફિલ્મ ઓબ્વિયસલી ટ્રાય કરી શકાય. પરંતુ જો તમે એનાં તાજેતરનાં તોફાની ઇન્ટરવ્યૂઝથી અજાણ હો તો એ જોઈ લો. આ ફિલ્મ કરતાં એ ક્યાંય વધુ થ્રિલિંગ, ચટાકેદાર છે ને એમાં કંગનાનું પર્ફોર્મન્સ વધુ જેન્યુઇન છે!

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Daddy

રોબિનહૂડ ગવળીઃ ઑપરેશન વ્હાઇટવૉશ

***

અરુણ ગવળીની આ બાયોપિકનું ડિટેલિંગ મસ્ત હોવા છતાં નૈતિક રીતે આ ફિલ્મ અત્યંત ખાડે ગયેલી છે.

***

રેટિંગઃ ** (બે સ્ટાર)

***

daddy_film_posterઆપણે ત્યાં બાયોપિક અને એમાંય અન્ડરવર્લ્ડ સાથે સંકળાયેલા લોકો પર બનેલી ફિલ્મોનું કામકાજ ‘શોલે’ના જય અને મૌસીના સીન જેવું હોય છે. મીન્સ કે…

જયઃ ‘અબ ક્યા બતાયેં મૌસી જી, ઇસ દેસ મેં ગરીબ ઘર મેં પૈદા હોના હી પાપ હૈ!’

મૌસીઃ ‘તો ક્યા લડકા ગરીબ હૈ?’

‘નહીં નહીં, વો તો બહોત પહલે કી બાત થી. લેકિન ભૂખે પેટ સે આદમી કો સહી-ગલત કા કહાં ખયાલ રહતા હૈ?’

‘હાય હાય, તો મતલબ લડકા ઉલટે-સીધે ધંધે ભી કરતા હૈ?’

‘અરે નહીં નહીં મૌસીજી, લેકિન અગર પુલિસ ખુદ સામને સે ગરીબોં કો સતાયે તો કોઈ હથિયાર ઉઠાને સે કબ તક બચ સકતા હૈ?’

‘લે, તો લડકા હથિયાર ભી ચલાતા હૈ?’

‘અરે મૌસીજી, અબ સ્મગલિંગ કરના હો, મુંબઈ પે રાજ ચલાના હો, કિસી કી સુપારી લેની હો, જબ અપને હી દુશ્મન બન જાયે, જાન કા ખતરા હો, તો અપને પ્રોટેક્શન કે લિયે કભી કભાર હથિયાર ચલાને ભી પડતે હૈ. લેકિન મેરા દોસ્ત દિલ કા બહોત અચ્છા હૈ.’

‘હે ભગવાન, લડકા સ્મગલિંગ કરતા હૈ, ગેંગસ્ટર હૈ, ગોલીબારી ભી કરતા હૈ, લેકિન ઉસકા કોઈ દોષ નહીં. વાહ!’

‘અરે અરે, મૌસીજી. આપ તો આપ તો મેરે દોસ્ત કો ગલત સમઝ રહીં હૈ. યે સબ તો કલ કી બાતેં હૈં. અબ તો વો એકદમ સુધર ગયા હૈ. સમાજસેવા ભી કરતા હૈ.’

‘એક બાત કી દાદ દૂંગી, બેટા. ભલે સૌ બુરાઇયાં હો તુમ્હારે દોસ્ત મેં, લેકિન તુમ્હારે મૂંહ સે ઉસકે લિયે તારીફેં હી નીકલતી હૈ!’

‘અબ ક્યા કરું, મૌસી, મેરા તો દિલ હી કુછ ઐસા હૈ! તો હમ યે બાયોપિક પક્કા સમજેં?’

***

આ આખેઆખો પ્રસંગ અર્જુન રામપાલ સ્ટારર ‘ડેડી’ને શબ્દશઃ લાગુ પાડી શકાય તેમ છે. ચારેકોર ઢોલ વગાડીને જાહેર કરવામાં આવ્યું છે તેમ, ડેડી મુંબઈના ગેંગસ્ટર અરુણ ગવળીની બાયોપિક છે. ફિલ્મ એવી છે કે એક્ટિંગ, ડિટેલિંગ, પ્રોડક્શનના મામલે પીઠ થાબડવી પડે, પણ ફિલ્મનો માંહ્યલો એવો હાડોહાડ કરપ્ટ છે કે પીઠ પર જોરથી ધબ્બો મારવો પડે. કેમકે, ‘બેઝ્ડ ઑન અ ટ્રુ સ્ટોરી’ અને ‘બાયોપિક’ના નામે આ ફિલ્મ અરુણ ગવળીના ક્રાઇમને ગ્લોરિફાય કરવાનો અને એને માત્ર પરિસ્થિતિનો શિકાર બતાવીને એનાં કારનામાં જસ્ટિફાય કરવાનો પ્રયત્ન વધારે છે.

હમ પંછી એક ચાલ કે

મુંબઈની દગડી ચાલમાં અમુક બિચારા લુખ્ખાઓ રહે છે (આવું ફિલ્મમાં ગવળીની જ એક નજીકની વ્યક્તિ બોલે છે). એ બિચારાઓના કેન્દ્રમાં છે અરુણ ગુલાબ ગવળી (અર્જુન રામપાલ). કેરમ રમીને અને લુખ્ખાગીરી કરીને થાકે એટલે છૂટક ક્રાઇમ કરી જાણે. એમાં સતત ગોગલ્સ પહેરી રાખતા એક બડે ભાઈનો હાથ પડ્યો એટલે આ લુખ્ખેશોની પ્રગતિ થઈ. એ લોકો કોન્ટ્રાક્ટ કિલર્સ બન્યા, ખંડણીખોર બન્યા. એમાં પાછો દગાખોરીનો, ફાટફૂટનો, ડબલ ક્રોસિંગનો રંગ ભળ્યો. ઉપરથી પોલીસે પણ પોતાના તરફથી યથાશક્તિ લોહીનો લાલ રંગ રેડ્યો.

આમ જુઓ તો ગવળીનો રાઇઝ, દાઉદ સાથેની એની દુશ્મની, શિવસેનાના ધારાસભ્યની હત્યાનો કૅસ, એનું રાજકારણમાં ઝંપલાવવું, ધારાસભ્ય બનવું અને જેલમાં જવું, આમાંથી કશું જ અજાણ્યું નથી. ઇન ફેક્ટ, સાવ નજીકના ભૂતકાળની જ આ ઘટનાઓ છે. એક સિમ્પલ વિકિપીડિયા સર્ચથી પણ તે મળી શકે તેમ છે. અહીં જે અલગ છે તે છે ફિલ્મની ટ્રીટમેન્ટ, તેનું ડિટેલિંગ અને ગવળીને એ જેવા રંગનાં કપડાં પહેરે છે તેવો જ ચીતરવાનો પ્રયાસ.

ઉપર ગાંધી ટોપી, નીચે ગોડસેગીરી

‘ડેડી’ના ડિરેક્ટર અશીમ આહલુવાલિયાએ અગાઉ નવાઝુદ્દીન સિદ્દીકીને લઇને ‘મિસ લવલી’ નામે એક ફિલ્મ બનાવેલી. ઈ.સ. 2012ના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં સિલેક્ટ થઇને સ્પર્ધાત્મક કેટેગરીમાં સામેલ થયેલી એ ફિલ્મ એંસીના દાયકાની સસ્તી ‘સી ગ્રેડ હોરર-પોર્ન મુવી ઇન્ડસ્ટ્રી પર આધારિત હતી. (એ ફિલ્મની મુખ્ય અભિનેત્રી નિહારિકા સિંઘ FTII ખાતે અમારી ક્લાસમેટ હતી અને ખુદ આહલુવાલિયા પોતાની આ ફિલ્મ બતાવવા આવેલા, એ જસ્ટ ખોંખારો ખાવા સારુ!) ઓછા બજેટમાં બનેલી આવી ફિલ્મોને ‘ઇન્ડી’ મુવી કહે છે. ‘ઇન્ડી’ યાને કે ‘ઇન્ડિપેન્ડન્ટ’, જેને કોઈ મોટા પ્રોડ્યુસર વગેરેનું બૅકિંગ ન હોય તેવી. પરંતુ અસીમભાઈની એ ફિલ્મમાં મુંબઈનો ગંદો-ગોબરો ચહેરો, અંધારિયાં ઘર-દુકાન, ઝાંખી બળતી લાલ-લીલી લાઇટો, મગજમાં જાતભાતની ખુરાફાતો લઇને ફરતા ગ્રે શૅડવાળાં પાત્રો, પૉર્નની કેટેગરીમાં જતું રહે તેવાં સેક્સ સીન, ક્રૂર હત્યાઓ એવી ‘નિઓ નુઆર’ (Neo Noir) પ્રકારની ફિલ્મો જેવી સામગ્રી હોય છે.

અશીમ આહલુવાલિયાની ‘ડેડી’ એમની જ ‘મિસ લવલી’નું બિગ બજેટ વર્ઝન જોતા હોઇએ એવું લાગે છે. એક સોંગ અને કેટલાંય દૃશ્યોમાં ડિટ્ટો ‘મિસ લવલી’ની જ છાંટ વર્તાય છે.

ફિલ્મમાં સૌથી વધુ અપીલ કરે તેવી પહેલી બાબત છે તેનું ડિટેલિંગઃ સિત્તેરના દાયકાથી શરૂ થતી આ સ્ટોરીમાં પાત્રોના દેખાવ, પહેરવેશ અને એમની આસપાસની ચીજો બધું જ સમય સાથે બદલાતું જાય છે. એ વખતની દગડી ચાલ (જોકે એક સીનમાં દગડી ચાલ અને બૅકગ્રાઉન્ડમાં મીલોનાં ભૂંગળાં બિલકુલ કમ્પ્યુટરથી બનાવેલાં લાગે છે), ત્યારની ગાડીઓ, ચલણી નોટો, હથિયારો, દાણચોરીમાં આવતી વસ્તુઓ (જેમાં ટેપ રેકોર્ડર, વીડિયો કેસેટ પ્લેયર, પર્ફ્યુમ જેવી ચીજો હોય), એ વખતનાં પોલીસ થાણાં-તેમાં ફાઇલોનાં થોથાં (એ જોકે હજી ખાસ બદલાયાં નથી), હવાલદારોના યુનિફોર્મ, મટકા-જુગારના અડ્ડા, સિનેમા થિયેટર, ક્યાંક દીવાલો પર દેખાતું ગુજરાતી લખાણ… મુંબઈ પણ એવું કે જેમાં ક્યાંય ગેટ વે ઑફ ઇન્ડિયા, તાજ હોટેલ, મરીન ડ્રાઇવ ન દેખાય, બલકે ગરીબ-ગીચ-ગંદા-અંધારિયા વિસ્તારો જ દેખાય. આ બધાને લીધે એક ઑથેન્ટિક ફીલ ઊભી થાય છે.

બીજો પ્લસ પોઇન્ટ છે અર્જુન રામપાલ સહિત મોટાભાગનાં પાત્રોનું કાસ્ટિંગ અને તેમની એક્ટિંગ. રામપાલે ખાસ કરીને પાછલી ઉંમરમાં (ગાંધી ટોપી આવ્યા પછીના) ગવળીનો લુક અને એની બૉડી લેંગ્વેજ આબાદ પકડી છે. હા, અસલી ગવળી ક્યાંય વધુ ‘આયેલા-ગયેલા’ ટાઇપનું ટપોરી હિન્દી બોલે છે. બીજી સૌથી જબરદસ્ત એક્ટિંગ છે ડિરેક્ટર કમ એક્ટર નિશિકાંત કામતની. એમણે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પોલીસ અધિકારી વિજયકર (રિયલ લાઇફના વિજય સાળસકર)ની ભૂમિકા ભજવી છે. જોકે, ખેંખલી નિશિકાંત એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કરતાં પાંડુ હવાલદાર વધુ લાગે છે એ જુદી વાત છે. એટલું ખરું કે ખરબચડી-ડાર્ક ચામડી, ચંબુછાપ ચશ્માં, ઠંડી ક્રૂરતા અને થોડી ખોડંગાતી ચાલ એ બધાને કારણે એ અત્યંત ડરામણા અને લગભગ ઓળખી ન શકાય તેવા લાગે છે. ગવળીની ‘B.R.A.’ ગેંગ (બાબુ, રામા, અરુણ)ના અન્ય મેમ્બર્સ રામા નાઇક (રાજેશ શ્રિંગારપુરે) અને બાબુ (ગોળમટોળ આનંદ ઇંગળે) પણ એટલા જ ઇફેક્ટિવ છે. ગવળીની પત્ની બનનારી તમિળ એક્ટ્રેસ ઐશ્વર્યા રાજેશ પણ વલ્નરેબલ છતાં ટફ લાગે છે. પરંતુ કાસ્ટિંગનો સૌથી મોટો લોચો છે, દાઉદની ભૂમિકા કરનારા સરપ્રાઇઝ એક્ટરનો. એ કોણ છે ગુપ્ત રખાયું છે એટલે તમે જાતે જ જાણી લેજો, પરંતુ એટલું ખરું કે એ અત્યાર સુધીનો સૌથી હસ્કી અવાજવાળો દાઉદ છે. (બાય ધ વે, આપણા ફિલમવાળાઓને દાઉદનું ભયંકર ઘેલું છે. અહીં પણ એને લાર્જર ધેન લાઇફ રીતે જ પેશ કરાયો છે, એ જાણે ગોગલ્સ સાથે જ જન્મ્યો હોય એ રીતે ઘરના અંધારામાં પણ ગોગલ્સ પહેરી રાખે, એ સતત સ્લો મોશનમાં જ બોલે-ચાલે… હા, એમનું સાચું નામ ન લેવામાં આવે!)

ક્યાંક સિત્તેરના દાયકાની ફિલ્મોની યાદ અપાવે તેવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક તો ક્યાંક લોહીના ખાબોચિયામાં પડેલી લાશને કૂતરાં ચાટતા હોય, ગવળી પોતાની ધાવણી દીકરીને એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ઘૂઘરો રાખીને રમાડતો હોય, દાઉદભાઈનું ખાવાનું શા માટે પહેલાં ટેસ્ટ કરાતું હોય, શા માટે અમુક સીન્સમાં નિશિકાંત કામત ખોડંગાતા હોય (જેનું કારણ પછી જાણવા મળે), જે રીતે જેલમાં ગાંજો સપ્લાય થાય, લિફ્ટ પર શૂટઆઉટ થાય… એવી ઘણી સટલ્ટી (Subtlety)વાળી મોમેન્ટ્સ આ ફિલ્મમાં વેરાયેલી પડી છે. લેકિન અફસોસ, મોટાભાગની ફિલ્મ વિશે આવું કહી શકાય તેમ નથી. બાળાસાહેબ ઠાકરેના ‘આમચે મુલે’વાળી વાતને પણ એક અખબારી હેડલાઇનમાં જ પતાવી દેવામાં આવી છે.

ફિલ્મનો સૌથી મોટો માઇનસ પોઇન્ટ છે, તેની પાછળનો ઇરાદો. ફિલ્મના ટ્રેલરથી લઇને સતત આપણને એવું ઠસાવવામાં આવે છે કે અરુણ ગવળી તો બિચારો સંજોગોનો શિકાર હતો, બાકી હતો એ એકદમ 24 કેરેટનું હૃદય ધરાવતો દિલદાર માણસ. બિચારાને પરિસ્થિતિએ ગુનાખોરીમાં ધકેલ્યો. એને તો ગુનાખોરીની દુનિયામાંથી બહાર નીકળવું હતું, પણ હરીફ માફિયાઓ સાથે મળેલી કરપ્ટ પોલીસ-સિસ્ટમે એને ફરી ફરીને ગુનેગાર બનાવ્યો. ફિલ્મમાં એવી લાઇનો પણ મુકાઈ છે કે, ‘મૈં બદલ ગયા પર તુમ લોગ બદલને નહીં દેતે.’ ધારાસભ્ય બનેલો ગવળી જ્યારે વિધાનસભામાં બેસવા જાય ત્યારે અન્ય ધારાસભ્યો એનાથી દૂર જતા રહે એ દૃશ્ય તો એ રીતે શૂટ થયું છે કે ગવળી જાણે ખરેખરી અસ્પૃશ્યતાનો શિકાર હોય! સૅકન્ડ હાફનો મૅજર પોર્શન જે છે અને જેના માટે ગવળી અત્યારે આજીવન કારાવાસમાં છે, તે ખૂનકેસને પણ એ રીતે રજૂ કરાયો છે કે જાણે ગવળીને ખોટો ફસાવી દેવામાં આવ્યો હોય.

મીડિયામાં અર્જુન-અશીમે દાવો કર્યો છે કે એમની આ ફિલ્મ રામ ગોપાલ વર્મા-અનુરાગ કશ્યપથી લઇને ક્વેન્ટિન ટેરેન્ટિનોના ચાહકોને પણ મજા પડે એ રીતે બનાવાઈ છે અને એ ટિપિકલ ગેંગસ્ટર મુવી નથી. પરંતુ યકીન માનો, આ ફિલ્મ પણ અગાઉ આવી ગયેલી ફિલ્મોથી જરાય અલગ નથી. ઊલટું અહીં તો અલગ અલગ પાત્રો (ગવળીની માતા, પત્ની, સાથીદારો વગેરે)ના માધ્યમથી ફ્લૅશબેકમાં વાર્તા કહેવાઈ છે. એટલે સ્ટોરી સતત સિત્તેર-એંસી-2000ના દાયકાઓમાં કૂદાકૂદ કરતી રહે છે અને આપણને કન્ફ્યુઝ કરતી રહે છે કે એક્ઝેક્ટ્લી કયા કાળમાં વાર્તા ચાલી રહી છે! પ્લસ ફિલ્મમાં એટલા બધા અજાણ્યા ચહેરાઓ છે કે કોણ કોના માટે કામ કરે છે ને કોણ કોનું શા માટે ઢીમ ઢાળે છે એ જ ન ખબર ન પડે. ગમે તે હોય, પણ આ ફિલ્મના સાઉન્ડમાં જબ્બર લોચો છે. સંખ્યાબંધ ડાયલોગ્સ સમજાતા નથી ને આપણે ‘હેં? શું બોલ્યો એ?’ એવું જ પૂછતા રહીએ છીએ. એક તરફ ગવળીને ‘રોબિનહૂડ’-લોકોનો નેતા ગણાવાયો છે, પણ બીજી બાજુ લોકો સાથેના એના ઇન્ટરએક્શનના ગણીને બે જ સીન બતાવ્યા છે. આટલું ઓછું હોય તેમ સવા બે કલાકની આ ફિલ્મ અતિશય સ્લો છે. સામાન્ય ફિલ્મોથી વિપરિત આ ફિલ્મનો ફર્સ્ટ હાફ ઠીચુક ઠીચુક ચાલે છે, જ્યારે બીજા હાફમાં યાને કે ઇન્ટરવલ પછી કહેવા માટે ખાસ કંઈ બચ્યું જ નથી. મંજે, ગોલિયાં ચલતી રહતી હૈ, ઔર હમ પકતે રહતે હૈ!

ક્રાઇમ કર, ફિલ્મોં મેં ડાલ

એક ડેડી હતી, મહેશ ભટ્ટની. એકદમ સંવેદનશીલ. અહીં સંવેદનો કરતાં બંદૂકની ગોળીઓ વધુ બોલે છે. કેરિકેચરિશ પાત્રોવાળી. રોબિનહૂડ ગેંગસ્ટર, ગ્લમરવાળા માફિયા ડોન, કરપ્ટ અને માફિયાઓની પંગતમાં બેસી ગયેલી પોલીસ, અપોર્ચ્યુનિસ્ટિક નેતાઓ, વલ્નરેબલ અને ઠેબે ચડતાં સ્ત્રીપાત્રો… નથિંગ ન્યુ. બોલિવુડિયા બાયોપિક્સમાં બનતું આવ્યું છે તેમ તેને જોવી હોય તો ટાઇમપાસ મનોરંજન તરીકે જોવી, તેને ગંભીરતાથી લેવાની કે હિસ્ટોરિકલ ફૅક્ટ તરીકે સાચી માનીને ઑપિનિયન બાંધવાની ભૂલ ક્યારેય ન કરવી.

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.