બૅન્ક ચોર

ચોર કરે બોર

***

કોમેડીનું ટ્રેલર બતાવીને થ્રિલર પકડાવી દેનારી આ ફિલ્મમાં નથી સરખી કોમેડી કે નથી ઠેકાણાસરનું થ્રિલ.

***

bankchor-2કુંદન શાહની કલ્ટ કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યારો’ના ક્લાઇમેક્સનો ‘મહાભારત’વાળો સીન યાદ છે? સ્ટેજ પર ‘મહાભારત’નું નાટક ભજવાતું હોય અને દર થોડી વારે નવાં નવાં પાત્રોની ઍન્ટ્રી થયા કરે. ગરબડ-ગોટાળા અને એવા ભવાડા થાય કે સિંહાસન પર બિરાજેલા ધૃતરાષ્ટ્ર બિચારા દર થોડીવારે બોલ્યા કરે, ‘યે સબ ક્યા હો રહા હૈ?’ ડિટ્ટો એવી જ સ્થિતિ આ ફિલ્મ ‘બૅન્ક ચોર’ જોતી વખતે થાય છે. એક તો ટ્રેલરમાં આપણને બતાવવામાં આવેલું કે આ ફિલ્મ આઉટ એન્ડ આઉટ કોમેડી ઑફ ઍરર્સ હશે. ડબલ મીનિંગ ટાઇટલ પરથી એવી પણ બીક હતી કે આ ફિલ્મ અશ્લીલ જોક્સની ભરમાર ધરાવતી પણ હોઈ શકે. લેકિન નો. આ ફિલ્મ બેમાંથી કશું જ નથી. સ્ટાર્ટિંગની થોડીવાર પછી આ ફિલ્મ એક સિરિયસ ક્રાઇમ થ્રિલરમાં કન્વર્ટ થઈ જાય છે અને આપણું માથું ચૂલા પર મૂકેલા પ્રેશર કૂકરમાં, જે ગમે ત્યારે ફાટી શકે છે.

બૅન્કનું નહીં, બુદ્ધિનું ઊઠમણું

ચંપક ચંદ્રકાંત ચિપલુણકર (રિતેશ દેશમુખ) નામનો મરાઠી માણુસ પોતાના બે ભાડુતી સાગરિતો સાથે એક બૅન્કમાં ઘૂસે છે. ઘોડા અને હાથીના માસ્ક પહેરીને આવેલા આ ત્રણેય વાસ્તવમાં બુદ્ધિના બળદિયા છે. એટલે બૅન્ક લૂંટવામાં લોચા પર લોચા મારે છે. બહાર મીડિયા, પોલીસ, CBIનું ‘પીપલી લાઇવ’ શરૂ થઈ જાય છે. બૅન્કમાં ધાડ પડ્યાના સમાચાર સાંભળીને રાજ્યના ગૃહ મંત્રીની પણ હવા ટાઇટ થઈ જાય છે. ગભરાયેલા ચોરલોકો નક્કી કરે છે કે ચૂલામાં ગઈ બૅન્ક રોબરી, પતલી ગલી સે છટકો અહીંથી. બહાર CBI ઑફિસર અમજદ ખાન (વિવેક ઓબેરોય) મૂછો મરડતો રહી જાય છે અને બૅન્કનું ઑપરેશન પાર પણ પડી જાય છે. બટ વેઇટ. બૅન્કમાંથી શું ચોરાયું? કોણે ચોર્યું? કેવી રીતે ચોરાયું? શા માટે ચોરાયું? જો તમારું દિમાગ ચોરાયું નહીં હોય તો ફિલ્મના અંતે આવતા ટ્વિસ્ટમાં આ સવાલોના જવાબ મળી જશે.

બમ્પી રાઇડ

આ ફિલ્મના ડિરેક્ટરનું નામ બમ્પી છે. એમના નામ કરતાં ક્યાંય વધુ બમ્પ આ ફિલ્મમાં છે અને એમાં જ ફિલ્મ ક્યાંય આગળ વધતી નથી. ફિલ્મની શરૂઆત ટિપિકલ ગૂફી કોમેડીથી અને સીધી બૅન્ક રોબરીથી જ થાય છે. બૅન્કનું નામ ‘બૅન્ક ઑફ ઇન્ડિયન્સ’ છે. ત્રણમાંથી બે ચોર દિલ્હી-NCRના છે અને એક ચોર બમ્બૈયા મરાઠી છે. ત્રણેય વચ્ચે સતત દિલ્હી વર્સસ મુંબઈ અને ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ની ‘માયા સારાભાઈ’ની સ્ટાઇલમાં ‘ફરિદાબાદ વર્સસ ગાઝિયાબાદ’ની નોકઝોક ચાલે છે. એક તબક્કે એ લોકો મુંબઈમાં આઉટસાઇડરો પર થતા હુમલાના મુદ્દે પણ સળી કરી લે છે. એકેય બૅન્ક લૂંટારૂની ગનમાં સરખી ગોળીઓ નથી, તો એક ચોર વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં માને છે. બૅન્કમાં બંધક બનાવાયેલા લોકોમાં બાબા સેહગલ પણ છે, એઝ હિમસેલ્ફ. એ પોતાની સ્ટાઇલમાં રૅપ સોંગ પણ ગાય છે અને અત્યારના ‘યો યો’ કરતા ગાયકોની પટ્ટી પણ ઉતારે છે. બહાર સતત મૂછે તાવ દીધે રાખતા CBI ઑફિસર અમજદ ખાનને પુછાય છે, ‘કિતને આદમી થે?’ હાઈ હીલ અને વધુ પડતું લૉ કટ ટૉપ પહેરીને રિપોર્ટિંગ કરતી ન્યુઝ ચૅનલની રિપોર્ટરનું નામ છે ગાયત્રી ગાંગુલી, જે પોતાને ‘ગાગા’ (એઝ ઇન લૅડી ગાગા) તરીકે ઓળખાવે છે. એનો રોલ મૉડલ છે ‘આર્ગો’ યાને કે અર્નબ ગોસ્વામી.

એટલું સ્વીકારવું પડે કે શરૂઆતની આ સિક્વન્સીસ આપણને હસાવે છે. આપણા મગજમાં સિતારના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે આપણને એવાય વિચારો આવવા માંડે કે જો આમ જ ચાલતું રહ્યું તો આ ફિલ્મ હૉલિવૂડની ‘ડૉગ ડે આફ્ટરનૂન’ જેવી સિરિયસ ફિલ્મની મસ્ત સ્પૂફ બની શકશે. ત્યાં જ ડિરેક્ટર બમ્પી એક બમ્પ લાવે છે. ફિલ્મમાં એક ભ્રષ્ટ નેતા (ઉપેન્દ્ર લિમયે) અને સાહિલ વૈદ્યની એન્ટ્રી થાય છે. ‘હમ્પ્ટી શર્મા’ અને ‘બદ્રીનાથ’ની દુલ્હનિયાઓમાં વરુણ ધવનનો ભાઇબંધ બનનારો સાહિલ અહીં વાળને બદલે દાઢી વધારીને આવ્યો છે. ઉપરથી કોમેડીને બદલે ગુંડાગીરી કરે છે. એ સાથે જ ફિલ્મ પ્યોર ક્રાઇમ થ્રિલરની ગલીમાં ઘૂસી જાય છે. લિટરલી કોઈ ભળતી સ્ક્રિપ્ટનાં પાનાં પર ભૂલથી શૂટિંગ થઈ ગયું હોય એવો ની જર્ક ટર્ન છે આ.

વધુ ઇરિટેશનની વાત એ છે કે ફિલ્મની સ્ટોરી આગળ વધવાને બદલે સીન બૅન્કની અંદર ને બહાર શટલકૉક થયા કરે છે. અને આપણે અગેઇન, ‘અરે ભાઈ, યે ક્યા હો રહા હૈ?’ નો ડાઉટ, સાહિલ વૈદ્ય એકદમ કૉન્ફિડન્સથી પોતાનો નેગેટિવ રોલ ભજવે છે, પરંતુ ફિલ્મના વચ્ચેના પોર્શનમાં એ એટલો બધો છવાઈ જાય છે કે રિતેશ દેશમુખ રીતસર સાઇડમાં ધકેલાઈ જાય છે. ફિલ્મનો સબપ્લોટ એવો કન્ફ્યુઝિંગ છે કે શું એક્ઝેક્ટ્લી શું થઈ રહ્યું છે, કોણ કોના માટે કામ કરે છે અને કોણ શું ચોરવા આવ્યું છે તે સમજાવવા માટે એક અલગ ગાઇડ બહાર પાડવી પડે.

પડદા પર થ્રિલ કે કોમેડી બંનેના અભાવે આપણું મન વિચારે ચડી જાય છે કે, રેગ્યુલર બૅન્ક રોબરીના કૅસમાં CBI શું કરે છે? અને CBI ક્યારથી મૌકા-એ-વારદાત પર ભડાકા કરવા માંડી? (જોકે, હવે CBIનો KRA બદલાયો છે એટલે હોઈ શકે કદાચ.) એક બાહોશ ગણાતો CBI ઑફિસર TV રિપોર્ટર પાસેથી હોસ્ટેજ ક્રાઇસિસ સોલ્વ કરવાની ટિપ્સ લે? જાણીતી ન્યુઝ ચૅનલ પર કોઇપણ વ્યક્તિ આવીને રિપોર્ટિંગ કરી જાય અને કોઇને ખબર પણ ન પડે? CBIવાળા બિનધાસ્ત કોઇપણ નેતા પર મીડિયા સમક્ષ આરોપ મૂકી શકે? મીડિયા પર્સનને ક્રાઇમ સીનમાં ઘુસાડી શકે? ગુનેગાર કોણ છે તે કોઇનેય છેક સુધી ખબર પણ ન પડે? બાબા સેહગલ હસાવતો હોવા છતાં શા માટે એને અધવચ્ચેથી જ વિદાય કરી દેવાયો?

આવા સવાલો અને ફિલ્મના લોજિક વિશે ચિંતન કરતા બેઠા હોઇએ ત્યારે જ ડિરેક્ટર વધુ એક બમ્પ લઈ આવે, ‘ટ્વિસ્ટ ઍન્ડિંગ’. રાઇટર લોગની મહત્ત્વાકાંક્ષા તમે જુઓ કે ટ્વિસ્ટ પણ સીધો હૉલિવૂડની ‘યુઝવલ સસ્પેક્ટ્સ’ કે ‘નાઉ યુ સી મી’ જેવી સુપર સ્માર્ટ ક્રાઇમ ફિલ્મોની યાદ અપાવે તેવો. એ ટ્વિસ્ટ જોઇને આપણા ચહેરા પર વધુ એક સ્મિત આવે. ત્યાં જ ટ્વિસ્ટની સમજૂતિ જોઇને ફરી પાછા કેટલાક સવાલો થવા માંડે. એ જ વખતે આપણા સદનસીબે ફિલ્મ પૂરી જાહેર કરી દેવામાં આવે અને આપણે પણ ફિલ્મના બંધકોની જેમ સહી સલામત બહાર આવી જઇએ, વેલ ઑલમોસ્ટ.

આખિર ક્યોં?

‘નેશન વૉન્ટ્સ ટુ નૉ’ જેવા સવાલ તો એ પણ છે કે શા માટે કરોડોના ખર્ચે આવી બાલિશ ફિલ્મો બને છે? અને શા માટે રિતેશ જેવો ટેલેન્ટેડ એક્ટર આવી વાહિયાત ફિલ્મોમાં પોતાની ટેલેન્ટ વેડફે છે? જોકે રાઇટિંગ ઑન ધ વૉલ ક્લિયર છે કે આ ફિલ્મથી સલામત અંતર જાળવવું. જોવી જ હોય તો ભવિષ્યમાં જ્યારે ટેલિવિઝન પર કે ઑનલાઇન જોવા મળે ત્યારે ગિલ્ટી પ્લેઝરના ભાગરૂપે જોઈ શકાય, પોતાના હિસાબે ને જોખમે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

બેંજો

 • 1471415129_riteish-deshmukhs-banjo-movie-poster‘બેંજો. એક ટાઇમ થા જબ રાસ્તે કે ઇસ મ્યુઝિક કા અપના હી વટ થા. લેકિન કિસ્મત ને અઇસા ટૉસ ઉડાયા, ના બેંજો કા સિક્કા ચલા, ના ઇસકો બજાનેવાલોં કા ઔર ના હી ઇસકે રિવ્યુ લિખનેવાલોં કા.’ આઈ મીન, કોઈ પૂછતાઇચ નહીં, કિ પિચ્ચર કઇસી હૈ, ગાને-બીને મસ્ત હૈ કિ નંઈ, દેખેં યા પતલી ગલી સે વટ લે? ચ્યાઇલા, છટ્! (હેશટેગ બસ ક્યા!)
 • લેકિન સચ્ચી બોલું? પહેલી વાર જ્યારે ‘બેંજો’નું ટ્રેલર જોયેલું ત્યારે હું રિઝનેબલી ઇમ્પ્રેસ થઈ ગયેલો. બાટલી, સોરી, બેંજો કી કસમ! એક તો ડિરેક્ટર રવિ જાધવનું પહેલું હિન્દી પિક્ચર. રવિ જાધવ મંજે મરાઠી કા ‘સૂરજઆદિત્યજૌહરભનસાલી’! એની ફિલ્મોનું લિસ્ટ જોઇએ ત્યાં જ ઇમોશનલ થઇને બોલી ઊઠીએ, ‘ભાઉ, આપ તો ગુરુ આદમી હો!’ ‘નટરંગ’, ‘બાલક પાલક’, ‘બાલગંધર્વ’, ‘ટાઇમપાસ’ આણિ ફિલ્મો. (હેશટેગ સલામી દે!)
 • અપુન કે લિયે બીજું ‘વાઉ ફેક્ટર’ હતું, બેંજો એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ. હાર્ડલી કોઈ ફિલ્મમાં બેંજો એક કેરેક્ટર તરીકે દેખાયું છે (રિડરલોગ, લાઇટ મારો રે!). ઉપરથી ટ્રેલરમાં એક બાજુ રિતેશ ગટરના મેનહોલમાંથી નીકળતો દેખાયો અને વોઇસઑવરમાં અભિષેક બચ્ચને ખોંખારીને કહ્યું કે, ‘તરાટ કો લાઇફ મેં એકહીચ ચીજ મંગતા, વો હૈ ઇજ્જત!’ એટલે અપુન સાલા વિધાઉટ બાટલી એક્સાઇટમેન્ટ મેં ટલ્લી, કે નરગિસ ફખરી હોય તો શું થયું, યે પિચ્ચર અચ્છી હોના મંગતા! લેકિન મૈંને માંગી સફેદી ઔર તૂને દી હાથોં કી જલન?! (હેશટેગ હાર્ટબ્રેક!)
 • એક તો ચાલુ રેસ્ટોરાંમાં ચિકન બિરિયાની કહીને ‘કૌવા બિરિયાની’ ખવડાવી દે એમ ટ્રેલરમાં અભિષેક બચ્ચનનો VO સંભળાવીને પિચ્ચરમાં વિજય રાઝ ઠપકારી દીધો (Btw, આઈ લાઇક વિજય રાઝ! હેશટેગ રિસ્પેક્ટ!). અને આ રિતેશ દેશમુખ પણ બડો ઉસ્તાદ માણુસ છે. મરાઠીમાં ‘લય ભારી’ અને ‘બાલક પાલક’ કરશે અને હિન્દીમાં ‘KKHH’, ‘ગ્રૅન્ડ મસ્તી’ અને ‘હમશકલ્સ’! છેહ! (હેશટેગ લુચ્ચો!)
 • ‘બેંજો’ જોઇને એટલી ખબર પડી કે ‘તરાટ’ મંજે ‘બેવડા.’ ના, ધોરણોવાળા નહીં, બાટલીવાલા બેવડા. દિન કો લોકલ પોલિટિશિયન કે લિયે વસૂલી કા કામ અને રાત કો બેંજોપાર્ટી. ટ્રેલરમાં અભિષેક બચ્ચન (જાણે પોતાની વ્યથા સંભળાવતો હોય એમ) ભલે કહેતો હોય કે, ‘તરાટ કો લાઇફ મેં ઇજ્જત મંગતા’, પણ એની ‘કાજુપાડા રહિવાસી સંઘ’ની ઝોંપડપટ્ટીમાં એની જબરદસ્ત ઇજ્જત. (હેશટેગ ધોખા)
 • તરાટના ત્રણ ટેલેન્ટેડ મ્યુઝિશિયન દોસ્તાર છેઃ ગ્રીઝ, પૅપર અને બાજા. ગ્રીઝ ગેરેજવાલા, પૅપર પૅપરવાલા અને બાજા પાનીવાલા. બધાનું કોમિક ટાઇમિંગ મસ્ત. ખાસ કરીને ‘ગ્રીઝ’ ધર્મેશ યેલન્ડે, ઓ સોરી, ‘ધર્મેશ સર’. એ લોકોની ઓળખ, બધી જ ડ્રીમ સિક્વન્સ, એકદમ કડક.
 • બાલ કી દુકાન રિતેશ બી મસ્ત (હેશટેગ કેશકાન્તિ). જોકે એની ઇજ્જતની સ્ટ્રગલ કંઈ બહાર આવતી નથી. પરંતુ ગણેશોત્સવમાં વગાડેલા બેંજોની ટેલેન્ટ બહાર છેક અમ્રિકા સુધી પહોંચી ગઈ. ત્યાં ક્રિસ નામે મ્યુઝિશિયન પાસે. ક્રિસ મંજે નરગિસ ફખરી (‘ક’ નહીં ‘ખ’, ફ્રોમ ધ એપિગ્લોટિસ, હેશટેગ ડર્ટી માઇન્ડ!). અને નરગિસ મંજે? મ્યુઝિશિયન છે, લેકિન DJની જેમ ફરે છે, નો ઇન્સ્ટ્રુમેન્ટ નીડેડ (એના ઓશિકા પાસે અરવિંદ અડિગાની ‘વ્હાઇટ ટાઇગર’ બી દેખાય છે, યુ નૉ!). અવર મિનિસ્ટર કહી કહીને ટાયર્ડ થઈ ગયા કે, ‘ફોરેનર્સ પ્લીઝ, ઇન્ડિયામાં શૉર્ટ સ્કર્ટ વેઅર નહીં કરો, અવર કલ્ચર સ્પોઇલ થઈ જાય છે!’ લેકિન યે નરગિસબાનુ ઇત્તુ સી ચડ્ડી પહિન કે અખ્ખા મુંબઈ કી ઝોંપડપટ્ટીયોં મેં ઘૂમતી, માલુમ? (કલ્ચર કા નહીં તો કમ સે કમ, ડેંગુ-મલેરિયા-ચિકનગુન્યા કા તો લિહાજ કિયા હોતા, મૈડમ!) {અહીંયા મને ઘરના ROમાં પાણીનો ટેસ્ટ સહેજ બદલાય તોય ટેન્શન થઈ જાય કે મૈં જૉન્ડિસ સે નહીં મરના ચાહતા, માં! અને એ નરગિસમહલ લારીમાંથી ઘપાઘપ ચાઇનીઝ ઉલાળી જાય છે! હેશટેગ બ્રેવ!} મુંબઈના પર્ટિક્યુલર બેંજોવાળાને શોધવા માટે એ ફાલતુ રિસર્ચનું કામ લે છે, જે ઑન્લી હંગ્રી પીપલ-પૂઅર પીપલના ફોટા જ પાડે છે! (હેશટેગ નોનસેન્સ!)
 • લેકિન નરગિસની એન્ટ્રી બાદ તરાટભાઈ એકદમ ‘રંગીલા’ કા મુન્ના બન જાતે હૈ. ઉસકે સાથ ડ્રીમ સિક્વન્સવાલા ગાના (‘ઉડન છૂ’) ઔર ઉસકી કોન્ટ્રાસ્ટ સિચ્યુએશનવાલી પિક્ચરાઇઝેશન, હેશટેગ મસ્ત!. ગીતો ઓલમોસ્ટ બધાં જ સરસ છે. મતલબ કે કોન્ટ્રોવર્શિયલ ટ્વીટ્સ કરવા ઉપરાંત વિશાલ દદલાણી એમના જોડીદાર શેખર સાથે મળીને ગીતો બી ઢીનચાક બનાવે છે! (હેશટેગ વાહ!) ખાલી બે પિક્ચરનાં ગીતો આ એકમાં જ ઠપકારી દીધાં છે!
 • મને હતું કે રવિ જાધવની ફિલ્મ છે તો બેંજો ભારતમાં શા માટે સાઇડમાં ફેંકાઈ ગયો, એને વગાડનારાઓની ઇજ્જત કાયકુ કચરે મેં ચલી ગઈ એવું કંઇક જાણવા મળશે અને એક અન્ડરડૉગની મ્યુઝિકલ સ્ટોરી માણવા મળશે. લેકિન બેંજો પ્લેયર્સની રાઇવલરી, બિલ્ડર-ડૉનની એક્સ્ટોર્શનની ઝિકઝિક, પુલિસ કા લફડા, રિસર્ચ એજન્સીના ફૂલિશ બૉસ સાથેની ગાલીગલોચ, મોહન કપૂરની કેરિકેચરિશ વાયડાઈ એમાં અખ્ખી ફિલ્મ કા ભાજીપાલા કર દિયા. ઉપર સે ગણપતિ સોંગ, સેલિબ્રેશન સોંગ, સૅડ સોંગ, રોમેન્ટિક સોંગ, કોન્ટેસ્ટ સોંગ જોઇને મુજને તો ‘ABCD-2’ યાદ આવી ગયું (અહીં બી ધર્મેશ સર હતા એટલે, હેશટેગ દેજા વુ!). અહીં ‘રૉક ઑન’વાળો લુક કેની બી છે, જોકે એણે માઇક પકડવા અને બીયર પીવા સિવાય કશું જ નથી કર્યું.
 • રવિ જાધવની ફિલ્મ છે એટલે એમાં નાની નાની ઘણી સ્માર્ટ મોમેન્ટ્સ વેરાયેલી છે. જેમ કે, ઝૂંપડપટ્ટીની ટુર કરાવતી વખતે ખાંસતો માણસ દેખાય તો તરાટ કહેશે, ‘યે હમારા કફ પરેડ!’ અલગ અલગ જગ્યાએ પાસઑન થતા ટેનિસ બૉલની સાથે આખા ગ્રાઉન્ડમાં થતી વિવિધ એક્ટિવિટીઝની ઓળખ અપાઈ જાય એ સિક્વન્સ. (હેશટેગ સ્માર્ટ!)
 • લેકિન અભી અપુન ભી ફિલ્મ કા માફિક લંબા નહીં ખિંચેગા. ઇલ્લોજિકલ ફિલ્મી મેલોડ્રામા અને ક્લિશૅ કન્ફ્યુઝ્ડ રાઇટિંગમાં એક સરસ પોટેન્શિયલ ધરાવતી ફિલ્મ વેડફાઈ ગઈ છે. મંજે ફિલ્મમાં કહે છે એમ, ‘ઝિંદગી દો ચોઇસ દેતા હૈ, યે ફિલ્મ મત દેખો, યા ફિર યે ફિલ્મ DVD પે દેખ લેને કા!’
  રેટિંગ: ** (દો સ્ટાર) (હેશટેગ ક્લિયર હૈ!)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

હાઉસફુલ-૩

કોલમઃ ફિલ્મ રિવ્યૂ

હેડિંગઃ પેઇનફુલ

ઇન્ટ્રોઃ આ ફિલ્મનું નામ ‘પેઇનફુલ’ જ હોવું જોઇતું હતું, કેમ કે જોયા પછી માથું, કાન, આંખો ઇવન વાળમાં પણ દુખાવો થવા માંડે છે, એ પણ ત્રણ ગણો.

‘પ્રેમ અને જંગમાં બધું જ ચાલે’ એ કહેવતમાં હવે એક ઉમેરો કરવાની જરૂર છે, તે છે ફુવડ કોમેડી. સાજિદ નામધારી ફિલ્મમૅકરોcheck-out-the-ensemble-cast-in-the-brand-new-posters-of-housefull-3-22, પછી તે સાજિદ ખાન હોય, સાજિદ નડિયાદવાલા હોય કે પછી સાજિદ-ફરહાદ હોય, તે એકવાર જિદ્દ લઇને બેસે કે લોકોનું જે થવાનું હોય તે થાય, આપણે તો હસાવીને જ છૂટકો કરવાના. બસ, પછી ‘હાઉસફુલ-૩’ જેવી ફિલ્મોનું જ ઉત્પાદન થાય. એટલે આ ફિલ્મનું ટ્રેલર જોયા પછીયે જો તમને ઍડવેન્ચર સ્પોર્ટ તરીકે તે જોવાના અભરખા થતા હોય, તો ટિકિટ ખરીદતાં પહેલાં આટલી વસ્તુઓ ચૅક કરી લેજોઃ કાનમાં નાખવાનાં રૂનાં પૂમડાં, માથાના દુખાવાની ગોળી અને તમારી મૅડિક્લેઇમ કે લાઇફ ઇન્સ્યોરન્સ પૉલિ
સી. સલામતી ખાતર હૅલમેટ પહેરીને ફિલ્મ જોશો તો બચવાના ચાન્સીસ વધી જશે. થોડાઘણા વાળ પણ શહીદ થતા બચી જશે.

લોઢાના લાડુ

લંડનની માલીપા ત્રણ વાંઢી કન્યાઓના એક ગુજરાતી બાપ બટૂક પટેલ (બમન ઇરાની) રહે છે. થેમ્સ નદીને કાંઠે રહેતી એમની ત્રણ દીકરીઓ ગંગા (જૅકલિન ફર્નાન્ડીઝ), જમના (લિઝા હૅડન) અને સરસ્વતી (નરગિસ ફખરી)નાં જોબનિયાં બે કાંઠે ઉછાળાં મારે છે. પરંતુ ખમણ ખાતા પિતાના ખોળિયામાં એક વહેમનો ખીલો ખોડાયેલો છે કે જો દીકરીઓનાં લગ્ન થશે તો તરત જ એમનાં ચૂડી-ચાંલ્લા ભાંગશે. લેકિન દીકરીઓએ તો ઑલરેડી ત્રણ મરદ મૂછમૂંડાઓને દલડાં દઈ દીધાં છે. બાપાની ટેક પૂરી કરવા એ ત્રણેય ભાયડાઓ સૅન્ડી (અક્ષય કુમાર), ટેડી (રિતેશ દેશમુખ) અને બન્ટી (અભિષેક બચ્ચન)ને અનુક્રમે વ્હીલચેર ગ્રસ્ત, અંધ અને મૂક બનાવીને ઢોકળા પટેલની સામે પેશ કરે છે. ઢોકળા પપ્પા એમનો ટેસ્ટ લઇને પાસ તો કરે જ છે, પરંતુ ક્યાંકથી ત્રણ વિલન અને મુંબઈના એક રિટાયર્ડ ડૉન ઊર્જા નાગરે (જૅકી શ્રોફ) ફૂટી નીકળે છે. દિમાગ બહારવટે ચડી જાય એવો ટ્વિસ્ટ આવે છે અને ભડાકે દઈ દેવાનું મન થાય એવી ભાંજગડ સાથે ફિલ્મનો ફાઇનલી અંત આવે છે.

ભાંગી નાખો, તોડી નાખો, ભુક્કો કરી નાખો

સામાન્ય રીતે ફિલ્મોમાં પહેલાં પાત્રો નક્કી થાય, એ પછી તે કેવી રીતે વર્તશે તે નક્કી થાય. અહીં છપ્પન વ્હોટ્સએપ ગ્રૂપોના ઍડમિન જેવા સાજિદ-ફરહાદે પોતાના મોબાઇલ ફોનમાં વહેતા જોક્સને આધારે પાત્રો તૈયાર કર્યાં છે. જેમ કે, લંડનમાં જ મોટી થઈ હોવા છતાં ત્રણેય હિરોઇનો તમામ અંગ્રેજી વાક્યોનું હિન્દી ટ્રાન્સલેશન કરે છે. ‘હમ લોગ બચ્ચે નહીં બના રહે’ મતલબ કે ‘વી આર નૉટ કિડિંગ’, ‘બાહર લટકતે હૈં’ યાને કે ‘હૅન્ગ આઉટ’, ‘સાંઢ કી આંખ માર દી’ એટલે ‘હિટ ધ બુલ્ઝ આઈ.’ જો તમને આમાં હસવું ન આવ્યું હોય, તો ડૉન્ટ વરી. કન્યાઓના પપ્પાના જોક્સ ટ્રાય કરો. એ બિચારા આજે પણ ત્રણ વર્ષ પહેલાંના જોક્સમાં અટકેલા છેઃ ‘આદમી સીધા હોના ચાહિયે, ઉલ્ટા તો તારક મહેતા કા ચશ્માં ભી હૈ’, ‘સંસ્કાર બડે હોને ચાહિયે, છોટા તો ભીમ ભી હૈ’… વળી, ડિરેક્ટરો કેવા સારા કે આમાંથી અમુક જોક્સ એમને કદાચ હાઈ લેવલના લાગ્યા હશે એટલે એને સમજાવ્યા પણ છે.

શું કહ્યું, આ જોક્સ સાંભળેલા છે? તો એમાં ગભરાઈ શું ગયા, સાજિદ-ફરહાદના મોબાઇલમાં 256 GB ભરીને જોક્સ છે. એમાંથી નીકળેલો રીતેશ દેશમુખ હિન્દી શબ્દો બોલવામાં લોચો મારે છે, એટલે બિચારો ‘વિરોધ’ને ‘નિરોધ’, ‘વાઇફ’ને ‘તવાયફ’, ‘હિસાબ’ને ‘પિશાબ’ એવું બધું કહી બેસે છે. બફૂનરીનો ખિલાડી અક્ષય કુમાર અહીં સ્પ્લિટ પર્સનાલિટીનો રોગી છે, ‘ઇન્ડિયન’ શબ્દ સાંભળતાં જ સૅન્ડીમાંથી ‘સુન્ડી’ થઇને ગાંડા કાઢવા માંડે છે. પાછળથી એન્ટ્રી મારતા ભીડુ જગ્ગુદાદા ‘ATM’ યાને કે ‘આજ તુઝે મારુંગા’ ટાઇપના જનરલ નૉલેજ વધારે એવા જોક્સ કરે છે. આ ગિર્દીમાં ચન્કી પાન્ડે પણ છે, જેમનું નામ છે ‘આખરી પાસ્તા.’

જો એક વખત પણ તમને વિચાર આવ્યો હોય કે આ શું ફુવડગીરી છે? તો હોલ્ડ ઑન, આ ફિલ્મમાં આ ઉપરાંત પણ રેસિસ્ટ, હોમોફોબિક, પોટી હ્યુમર, વિકલાંગો પરની મજાક જેવી જેના ઘરમાં દીકરી ન દેવાય એવી કોમેડી પણ છે. જેમ કે, ઘરની નોકરો બ્લેક સ્ત્રીઓ હોય અને એમની સાથે વિલન લોકોનો બળજબરીથી સૅક્સ કરાવી દેવાય. યુ નૉ, જસ્ટ ફોર ફન. ઇન્ડિયન છોકરાને સિંગલ સ્ક્રીન કહેવાય અને વિદેશી છોકરાને મલ્ટિપ્લેક્સ. જોઈ ન શકતી વ્યક્તિને ‘કાનૂન’ કહેવાય, કેમ કે યુ નૉ ‘અંધા કાનૂન.’

આ કમ્પ્લિટ ભવાડાપન્તીમાં કલાકારો જ્યારે પોતાના પર જ જૉક કરે છે ત્યારે હસવું આવે છે. અક્ષય પોતાની દેશભક્તિવાળી ફિલ્મોની ખિલ્લી ઉડાવે, રિતેશ જેનેલિયાને વચ્ચે લાવે, અભિષેક પપ્પા બિગબી અને પત્ની ઐશ્વર્યાના ટેકે કોમેડી કરે, ત્યારે બાય ગૉડ દિલના ચમનમાં મૅટા હ્યુમરની બહાર આવી જાય છે.

અક્ષય અને રિતેશને તો જાણે દર થોડા ટાઇમે આવી ગાંડીઘેલી ફિલ્મો કરવાનો અટૅક આવે છે, એટલે એનું તો સમજાય. પરંતુ અભિષેકને બિચારાને ટાઇમપાસ કરવા માટે કંઇક તો જોઇએ ને? (બધા કામે ગયા હોય તો ઘરે એકલો માણસ કરે શું? હવે તો દીકરી પણ સ્કૂલે જતી હશે.) એટલે આ ફિલ્મમાં એ પણ નાના બાબાને પરાણે વાળ કપાવવા બેસાડ્યો હોય એવું મોઢું કરીને ઍક્ટિંગ કરે છે. બમન ઇરાની ગુજરાતી બન્યા છે, પણ સુરતી પારસી જેવું કંઇક બોલે છે, પરંતુ સરવાળે તો ઘોંઘાટમાં વધારો જ કરે છે. ત્રણ હિરોઇનોનું ‘મૅડમ તુસ્સો’ના વૅક્સ મ્યુઝિયમ સાથે કંઇક કનેક્શન છે એટલે એ પૂતળાં પણ બનાવી જાણે છે. પરંતુ બિલીવ મી, કેટલાય સીનમાં ત્રણેય હિરોઇનો અને એ વૅક્સ સ્ટેચ્યુ વચ્ચેનો ફરક જ ખબર નથી પડતો. એકમાત્ર જૅકીભાઈની દાદાગીરી જોવી ગમે છે. આ બધા ભેગા મળીને આપણને હસાવવા માટે એટલા બધા ધમપછાડા કરે છે ક્યારેક આપણે જીવદયાથી પ્રેરાઇને પણ હસી પડીએ.

ડાયલોગ અને કહેવાતી સ્લૅપસ્ટિક કોમેડીનો ત્રાસ ઓછો હોય એમ આ ફિલ્મમાં ગીતોય છે. ગીતો પણ કેવાં, તો કહે ‘પ્યાર કી માં કી’ અને ‘ટાંગ ઉઠા કે.’ કોઇએ જોડો ઉઠા કે કેમ માર્યો નથી હજી એ જ સવાલ છે.

ખબર નહીં, ગુજરાતીઓને આવી ચક્કરબત્તી ફિલ્મો વધારે ગમે છે કે કેમ, પરંતુ આ ફિલ્મમાં એક લાંબો સીન ગુજરાતીમાં છે. જેમાં બધા કલાકારો ગુજરાતીમાં ભરડે છે. આશા રાખીએ કે આવી કોઈ ફિલ્મ એ લોકો ગુજરાતીમાં ન બનાવવાના હોય.

કમ્પ્લિટ નોનસેન્સ

સીધી વાત છે ‘AIB રૉસ્ટ’ જોવા ગયા હોઇએ ત્યાં સંસ્કારી કોમેડીની આશા ન રખાય, પરંતુ આ તન્મય ભટના લેટેસ્ટ ‘લતાજી-સચિન’વાળા વીડિયો જેવી ભંગાર કોમેડી છે. જો તમને આવી સડકછાપ કોમેડી ગમતી હોય અથવા તો તમારા દિમાગની કૅપેસિટી પર પૂરો વિશ્વાસ હોય, તો ઑલ ધ બેસ્ટ. બાકી ભલે તમે આમાંથી કોઈ સ્ટારના ફૅન હો, તેમ છતાં આ ‘હાઉસફુલ-૩’ જોવાનું જોખમ લેવા જેવું નથી. એના કરતાં જૂની ચાર્લી ચૅપ્લિન, બસ્ટર કીટન કે ઇવન ટૉમ એન્ડ જૅરીની ફિલ્મો જોઈ નાખો એ હજાર દરજ્જે બહેતર ઑપ્શન છે. આ ‘હાઉસફુલ-૩’ આખી ફિલ્મ કરતાં છેલ્લે આવતી ગૅગરીલ વધારે ફની છે, પણ એ જોવા માટે તમારે આખી ફિલ્મ જોવી પડશે. છોડો ત્યારે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ક્યા કૂલ હૈ હમ-૩

‘સસ્તા’ અનાજની દુકાન

***

આ વાહિયાત આઉટડેટેડ ફિલ્મ કરતાં વ્હોટ્સએપમાં ફરતા ગંદા જોક્સ ક્યાંય વધુ ફની હોય છે.

***

01_01_2016_14_59_34kyaa_kool_hain_hum_3_movie_2nd_poster‘ફેશન ટીવી’માં ‘આસ્થા’ ચેનલ જેવા કાર્યક્રમોની, મૅડિકલ સ્ટોરમાં પાંઉભાજીની કે પાકિસ્તાન પાસેથી વફાદારીની અપેક્ષા ન રખાય. એ જ ન્યાયે ‘ક્યા કૂલ હૈ હમ-૩’ જેવી હાડોહાડ વલ્ગર ફિલ્મ પાસેથી બાબા આલોક નાથ જેવા સંસ્કારોની અપેક્ષા રાખીએ તો કોઈ આપણા હાથમાં પાગલખાનાનો એન્ટ્રી પાસ પકડાવી જાય. પરંતુ ‘સૅક્સ કોમેડી’ હોવું એ આ ફિલ્મનો ગુનો નથી. બલકે તેનો સૌથી મોટો ક્રાઇમ છે અત્યંત કચ્ચરપટ્ટી સ્ક્રિપ્ટ, સીધા કમ્પોસ્ટ ખાતર તરીકે વાપરી શકાય તેવા સડી ગયેલા જોક્સ અને બે કલાક ચાલતો ભવાડોત્સવ. જેમાં કોમેડીના નામે મોટું મીંડું છે.

ડર્ટી પિક્ચર

કન્હૈયા (તુષાર કપૂર) અને એનો દોસ્તાર રૉકી (આફતાબ શિવદાસાણી) બંને કોઈ કામના નથી (હાઉ રિયલિસ્ટિક). નાનીના જન્મ દિવસે પણ અશ્લીલ કૅક લઈ આવે તેવા આ નમૂનાને એના બાપા પી. કે. લેલે (શક્તિ કપૂર) તગેડી મૂકે છે એટલે બંને રિસાઇને પોતાના ત્રીજા એક દોસ્તાર મિકી (ક્રિશ્ના અભિષેક) પાસે બેંગકોક ભાગી જાય છે. મિકી ત્યાં સુપરહીટ હિન્દી ફિલ્મોની અશ્લીલ રિમેક બનાવવાનો ધંધો ચલાવે છે. આ બંને નમૂના પણ એમાં જોડાઈ જાય છે. પરંતુ ત્યાં જ તુષારને શાલુ (મંદના કરિમી) નામની કોમલાંગિની કન્યા સાથે પ્રેમ થઈ જાય છે અને વાત શાદી સુધી પહોંચે છે. પરંતુ સાચાં માતાપિતાને બેંગકોક બોલાવવાને બદલે તુષાર ત્યાં જ રહેલાં પોર્ન એક્ટરોને પોતાનો પરિવાર બનાવીને શાલુના પિતા સૂર્યા કરજાત્યા (દર્શન જરીવાલા) સામે પેશ કરે છે. બસ, આ ભવાડાનો સિલસિલો છેક સુધી અટકતો નથી. વળી, તેમાં સુષ્મિતા મુખરજી, જિમી મોઝેસ, મેઘના નાયડુ અને એકાદા ગેસ્ટ અપિયરન્સ જેવા લોકોનો પણ ઉમેરો થાય છે.

આ તે ફિલ્મ છે કે તુષાર કપૂર રોજગાર યોજના?

હાસ્યના પ્રકારોનો અભ્યાસ એવું કહે છે કે અશ્લીલ જોક્સમાં પણ આપણને તેની અશ્લીલતા કરતાં તેમાં રહેલી સ્માર્ટનેસને કારણે વધારે હસવું આવે છે. મિલાપ ઝવેરી અને મુશ્તાક શેખે લખેલી તથા ઉમેશ ઘાટગેએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં અશ્લીલ હાસ્ય પીરસવાના તમામ નુસખા ટ્રાય કરી લેવામાં આવ્યા છે. લગભગ દરેક સીનમાં શરીરના ઉભાર બતાવતી સેક્સ ભૂખી ઉંહકારા કરતી સ્ત્રીઓ, એમના શરીર પર પટકાતા અને લાળ ટપકાવતા પુરુષો, ડબલ મીનિંગ વાક્યો, નિર્દોષ લાગતા શબ્દપ્રયોગોને પણ તોડી મરોડીને તેમાંથી કઢાતો અશ્લીલ અર્થ, ગૅ જોક્સ, પ્રાઇવેટ પાર્ટ્સને સજેસ્ટિવ રીતે બતાવવા, દર બીજા સીનમાં બ્રા ઊછળવી, મિડલ ફિંગર અને ‘પ્લેબૉય’નો બની દોરેલાં કપડાં પહેરવાં, કેળાં-આઇસક્રીમને પણ અશ્લીલ લાગે તે રીતે ખાવાં, વલ્ગર અવાજો અને ચેનચાળા, હિન્દી ફિલ્મોના ડાયલોગ્સની અશ્લીલ પેરોડી… તમે કલ્પના કરી શકો તે તમામ ગંદા મસાલા અહીં મોજુદ છે. પરંતુ સૌથી ગરીબ બાબત એ છેકે મોટા ભાગના જોક્સ તદ્દન આઉટડેટેડ અને પ્રીડિક્ટેબલ છે. આવી ‘પલંગતોડ’ કોશિશ કરવા છતાં લગભગ ક્યાંય હસવું આવતું નથી. અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે તમને કોઈ કોઈ ઠેકાણે છૂટક હસવું આવી જાય તો તમારા નસીબ.

જો અશ્લીલતાને બાજુ પર મૂકો તો અહીં જે પિરસવામાં આવ્યું છે તે આપણે ઑલરેડી સંખ્યાબંધ ફૂવડ કોમેડી ફિલ્મોમાં અને ‘કોમેડી સર્કસ’ જેવા કાર્યક્રમોમાં જોઈ જ ચૂક્યા છીએ. એટલે વાર્તાની રીતે પણ અહીં કશું જ નવું નથી. એક પછી એક પાત્રો કોઈ કારણ વિના એન્ટ્રી લેતાં જાય અને ભવાડામાં યથાશક્તિ ઉમેરો કરતાં જાય. ઇવન ‘ક્રેઝી કમીની હૂં મૈં’ જેવા શબ્દો ધરાવતાં ગીતોને સંગીતની કેટેગરીમાં મૂકવાં એ સંગીતનું તો ઠીક, ઘોંઘાટનું પણ અપમાન છે.

એકતા-શોભા કપૂરે આ ફિલ્મ માત્ર તુષાર કપૂરને કામ આપવા માટે જ બનાવી હોય તેવું લાગે છે. એની કે આફતાબ પાસેથી આમેય કોઇને એક્ટિંગની અપેક્ષા ન હોય, પરંતુ દર્શન જરીવાલા જેવા ઉમદા અભિનેતાને ‘મેરા પોપટ ખડા હો ગયા’ જેવા વલ્ગર ડાયલોગ બોલતા જોઇને સવાલ થાય કે એવી તે કઈ મજબૂરીમાં તેઓ આવી ભૂમિકાઓ સ્વીકારતા હશે? શક્તિ કપૂર હવે પોતાની સ્ક્રીન ઇમેજને બડી બેશર્મીથી વટાવી રહ્યા છે.

આ ફિલ્મ માત્ર અને માત્ર ક્વિક મની કમાઈ લેવા માટે જ બનાવાઈ છે, જેનાં બીજાં એક્ઝામ્પલ્સ છે તેમાં વારેઘડીએ નફ્ફટાઈથી આવતી શક્તિવર્ધક ગોળીઓ, ડાયમંડ, ઑનલાઇન શૉપિંગ, ફેશન બ્રૅન્ડ વગેરેની જાહેરખબરો.

ક્યા આપ કે દિમાગ મેં નમક હૈ?

શેરલોક હોમ્સ, બ્યોમકેશ બક્ષી કે ઇવન જેમ્સ બોન્ડને પણ કામે લગાડીએ તો પણ આ ફિલ્મમાંથી સમ ખાવા પૂરતો એકેય પ્લસ પોઇન્ટ શોધ્યો જડે તેમ નથી. ખરેખર તો સેક્સ કોમેડી પ્રકારની ફિલ્મો ‘ગિલ્ટી પ્લેઝર’ માટે બનતી હોય છે. જેને એકલા કે યાર-દોસ્તો સાથે પ્રાઇવેટ પાર્ટીમાં જોઇને હસી શકાય. પરંતુ આ ફિલ્મ એ કેટેગરીમાં પણ ક્વૉલિફાય થતી નથી. એટલે જો જરા પણ સેન્સ ઑફ હ્યુમર સાબુત બચી હોય, તો આ ફિલ્મથી સલામત અંતર રાખવામાં જ સાર છે.

રેટિંગઃ (ઝીરો સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

બૅંગિસ્તાન

મેસેજ મસ્ત, ફિલ્મ પસ્ત

***

ધડાધડ કટાક્ષનાં બાણ ચલાવ્યા બાદ આ ફિલ્મ અચાનક મેસેજ મોડમાં જતી રહે છે અને આપણાં બગાસાંનો સિલસિલો શરૂ થાય છે.

***

cf66a27124275f356b9b468aa1eb437cઆતંકવાદ અને ધર્માંધતા જેવા અસૂરોનો વિરોધ બે રીતે થઈ શકે, એક તો તેની સામે કાળો કકળાટ કાઢો અને જીવ બાળો, અથવા તો પછી તેના પર કટાક્ષનાં બાણ ચલાવીને તેને હસી કાઢો. ફિલ્મ વિવેચકમાંથી ફિલ્મમૅકર બનેલા કરણ અંશુમાને પોતાની પહેલી ફિલ્મમાં આ બીજો રસ્તો લીધો છે. આપણી સામે એક પછી એક પાત્રો ઇન્ટ્રોડ્યુસ થતાં જાય અને સાથે તીખા તમતમતા કટાક્ષનો વરસાદ પણ થતો રહે. પરંતુ એ પછી ડિરેક્ટરને અચાનક સર્વધર્મ સમભાવનો સંદેશો આપવાનું સૂઝી આવે છે અને ફિલ્મ સીધી જ ‘ઑહ માય ગોડ’, ‘પીકે’ અને ‘ધરમ સંકટ મેં’ની ગલીમાં ઘૂસી જાય છે. કટાક્ષના ડબ્બા ડૂલ થાય છે અને ફારસનો ફેસ્ટિવલ શરૂ થઈ જાય છે.

મઝહબ નહીં સીખાતા

આ વાર્તા છે બૅંગિસ્તાન નામના દેશની, જ્યાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સતત ઢીશુમ ઢીશુમ ચાલતું રહે છે. થોડા સમય પછી પૉલેન્ડમાં એક વિશ્વ ધર્મ પરિષદ ભરાવાની છે. બંને ધર્મના બની બેઠેલા લેભાગુ નુમાઇંદા (કુમુદ મિશ્રા, ડબલ રોલમાં) તેમાં બ્લાસ્ટ કરવા માટે બે જુવાનિયા હાફિઝ બિન અલી (રિતેશ દેશમુખ) અને પ્રવીણ ચતુર્વેદી (પુલકિત સમ્રાટ)ના દિમાગને ડિટર્જન્ટથી ધોઇને પૉલેન્ડ પાર્સલ કરે છે. હવે જોવાનું એ છે કે એ બંને જણા બ્લાસ્ટ કરશે ખરા?

ટાયર્ડ સટાયર

કટાક્ષ અને એ પણ ધર્મમાં ઘૂસેલાં દૂષણો પરનો કટાક્ષ એ વાઘની સવારી કરવા જેવું કામ છે. સહેજ ચૂક્યા, તો કોળિયો થતાં વાર ન લાગે. તેમ છતાં દિગ્દર્શક કરણ અંશુમાને આ બેધારી તલવાર પકડી છે. એક્ચ્યુઅલી આગળ કહ્યું તેમ પૂર્વાશ્રમમાં તેઓ ફિલ્મ વિવેચક હતા, એટલે કે આ રિવ્યૂની જેમ તેઓ પણ ફિલ્મોની ચીરફાડ કરતા. એટલે જ એમની ફિલ્મમાં સંખ્યાબંધ દેશી-વિદેશી ફિલ્મોના રેફરન્સિસ આવે છે. જેમ કે, ફિલ્મની કટાક્ષના મરીમસાલાથી ભરપુર શરૂઆત તથા બધાં પાત્રોની લાંબીલચ્ચ દાઢી સાશા બૅરન કોએનની સરમુખત્યારોની ખિલ્લી ઉડાવતી ફિલ્મ ‘ડિક્ટેટર’ની યાદ અપાવે છે. એક પોલીસમેન પોતાનું નામ ‘વાઈ કાર વૉંગ’ બોલે છે (સંદર્ભઃ દક્ષિણ કોરિયામાં વાંગ કાર વાઈ નામના દિગ્ગજ ફિલ્મમૅકર છે). આ ઉપરાંત અહીં ઑલ ટાઇમ ગ્રેટ ફિલ્મ ‘સિટિઝન કૅન’થી લઇને રૉબર્ટ ડી નિરોની ‘ટેક્સી ડ્રાઇવર’ સુધીની ફિલ્મોના સંદર્ભો અહીં વેરાયેલા પડ્યા છે. ઇવન સાયન્સ ફિક્શન ફિલ્મ સિરીઝ ‘સ્ટાર વૉર્સ’ને પણ અહીં એક ધર્મ તરીકે રજૂ કરાઈ છે. લોચો માત્ર એટલો જ છે કે તમે ઘાટઘાટની ફિલ્મોનાં પાણી પીધાં હોય, તોય તમને તેમાં હસવું તો આવતું જ નથી. એટલે આ બધી માત્ર ડિરેક્ટરની પોતાની અંજલિઓ બનીને રહી જાય છે.

અમુક સિક્વન્સિસ ખરેખર સારી બની છે. જેમ કે, ‘મૅકડોનલ્ડ્સ’ જેવી અમેરિકન ચેનમાં બેસીને તેનું ડ્રિંક પીતાં પીતાં જ કટ્ટર ધાર્મિક આગેવાન અમેરિકાના કહેવાતા પ્રોપેગન્ડાનો વિરોધ કરે છે. અમેરિકાના પ્રખ્યાત ‘આઇ વૉન્ટ યુ ફોર યુએસ આર્મી’ પોસ્ટરની તર્જ પર ‘આઇ વૉન્ટ યુ ફોર અલ કામ તમામ’ ત્રાસવાદી સંગઠનનું પોસ્ટર બને છે. ગેરકાયદે હથિયારો વેચતો રશિયન વેપારી ટેલિશોપિંગની સ્ટાઇલમાં સ્યુસાઇડ બોમ્બની એડ બતાવે છે. ‘કિપ કામ ઍન્ડ આઇ એમ નૉટ અ ટેરરિસ્ટ’ જેવું લખેલાં ટીશર્ટ પહેરીને વિદેશમાં મુસ્લિમો ફરે છે, જેથી એમને કોઈ ત્રાસવાદી ન ગણી લે વગેરે. હસતાં હસાવતાં આ ફિલ્મ આપણને કહી દે છે કે કેવી રીતે યંગસ્ટર્સને કહેવાતા ધાર્મિક નેતાઓ બ્રેઇનવૉશ કરી દે છે, બીજા ધર્મની વાત છોડો, આપણને આપણા જ ધર્મનું કશું જ્ઞાન નથી હોતું અને કાને પડતી સાચી-ખોટી વાતો સ્વીકારી લઇએ છીએ, કેવી રીતે જગતમાં ઇસ્લામોફોબિઆ ફેલાયેલો છે, પરાપૂર્વથી ચાલી આવતી પરંપરાઓને આપણે આપણા દિમાગનો એક ટકોય ઉપયોગ કર્યા વિના સ્વીકારી લઇએ છીએ, બહારનાં કપડાંમાં અને દાઢી-તિલકમાં ધર્મ શોધીએ છીએ ઇત્યાદિ. સારી વાત એ છે કે આવી અઢળક વાતો કહેવા માટે ફિલ્મ અમુકથી વધારે ઉપદેશાત્મક થઈ નથી.

પરંતુ હવાઈ ગયેલા ફટાકડાની જેમ ફિલ્મમાં શરૂઆતી તણખા પછી સૂરસૂરિયાં જ ભર્યાં છે. ચટાકેદાર કટાક્ષનો બધો જ સ્ટૉક ઇન્ટરવલ આવતાં સુધીમાં ખલાસ થઈ જાય છે. કદાચ તેની ભરપાઈ કરવા માટે જૅક્લિન ફર્નાન્ડિઝને કોઈ જ દેખીતા કારણ વિના ફિલ્મમાં આયાત કરવામાં આવે છે. જે દારૂ પીવડાવીને અને એકાદું નાચકણું કરીને જતી રહે છે. કટાક્ષ તો ગાયબ થઈ જ જાય છે, પરંતુ શરૂ કરેલી વાર્તાને જેમ તેમ પૂરી કરવા માટે સાવ હાસ્યાસ્પદ કહી શકાય તેવી ફારસછાપ સ્થિતિઓ મૂકવામાં આવી છે. ન તમને ક્યાંય એનર્જી મહેસૂસ થાય, કે ન આગળ શું થશે તે જાણવાની ઉત્સુકતા થાય. હિન્દુ-મુસ્લિમ એક છે અને બધાં ધર્મો શાંતિ, પ્રેમ, અહિંસા અને ભાઈચારાનો સંદેશો જ આપે છે એવો ઉપદેશ આપવાનો બાકી રહી ગયો હોય તેમ છેલ્લે પાછું રિતેશ પાસે એક નાનકડું પ્રવચન કરાવાયું છે. તમે બીજા ધર્મને જાણો નહીં ત્યાં સુધી તેની સારી વાતો તમને ખબર જ ન પડે તે મેસેજ આપવા માટે જ બંને હીરો પોતાનાથી વિરુદ્ધ ધર્મ સ્વીકારે છે તે ટ્રેક ઘુસાડાયો છે (જે બધું જ તમને ‘ધરમ સંકટ મેં’ની યાદ અપાવ્યા કરે). ઇવન ટાઇટલને બાદ કરતાં આખી ફિલ્મમાં ક્યાંય ‘બૅંગિસ્તાન’નો સંદર્ભ આવતો નથી.

નો ડાઉટ, રિતેશ દેશમુખનું કોમિક ટાઇમિંગ સરસ છે, પરંતુ બિચારા તેના એકલા પર જ આખી ફિલ્મનો ભાર નાખી દઇએ તો બાળમજૂરીનું પાપ લાગે. તેની સાથે ‘ફુકરે’ ફેમ પુલકિત સમ્રાટ છે, જે એક્ટિંગ કરતાં પોતાના લુક માટે વધારે સભાન હોય તેવું લાગ્યા કરે છે. હા, બંને બાજુના કટ્ટરપંથી તરીકે (‘રૉકસ્ટાર’ અને ‘બદલાપુર’ ફેમ) કુમુદ મિશ્રાને એક્ટિંગ કરતા જોવા ગમે છે, તો એમને ઝાઝું ફૂટેજ નથી અપાયું. એમ તો ફિલ્મમાં ટૉમ ઑલ્ટર પણ છે, પરંતુ ફિલ્મ શરૂ થયા પછી આવીને વહેલા જતા રહેતા લોકોને તો એમની હાજરીનો અહેસાસ સુધ્ધાં નહીં આવે. ચટણી જેવડો એક નાનકડો રોલ આર્ય બબ્બરને પણ અપાયો છે. આર્ય બબ્બર કોણ છે એ તો ખબર છેને? નહીં? તો જવા દો.

ફિલ્મમાં કશી જ જરૂર ન હોવા છતાં રામ સંપતે આ ફિલ્મ માટે મ્યુઝિક કંપોઝ કર્યું છે. તેમાં ખાસ કશું વખાણવાલાયક તો નથી, પરંતુ ‘હોગી ક્રાંતિ ચારો ઓર’, ‘મૌલા’ અને ‘મેરી ઝિદ હૈ જીને કી’ના શબ્દો ગીતકાર પુનીત ક્રિશ્નાએ ખરેખર સરસ લખ્યા છે.

નો સ્થાન ફોર બૅંગિસ્તાન

આખી પિંજણ વાંચ્યા પછી તમારા મનમા સવાલ થવાનો કે પૈસા ખર્ચીને આ ફિલ્મ જોવા જવાય? સીધો જવાબ છે, ના. ‘બૅંગિસ્તાન’નો મેસેજ ખરેખર ઉમદા છે એ વાત સાચી. તેના પર પ્રતિબંધ મૂકવાને બદલે ખરેખર તો તેને ટૅક્સ ફ્રી કરી દેવી જોઇએ. પરંતુ મોંઘીદાટ ટિકિટો ખર્ચીને થિયેટર સુધી લાંબા થવાને બદલે ફિલ્મની ડીવીડી બહાર પડે અથવા તો ફિલ્મ ચેનલ પર આવે ત્યાં સુધી રાહ જોવી જ હિતાવહ છે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

બાલક પાલક

bp_-_dvd_infrontbig૨૦૧૩ના જૂનમાં હું એફટીઆઈઆઈ, પુણેમાં ફિલ્મ અપ્રિશિયેશન કોર્સ કરવા ગયો, ત્યારે મારા બૅચમેટ્સમાંથી જે લોકો મહારાષ્ટ્રીયન હતા એ લોકો અમારા જેવા નોન-મરાઠીઓને ગર્વભેર પૂછતા હતા કે, ‘તમે બાલક-પાલક ફિલ્મ જોઈ?’ પહેલાં તો એવું થયેલું કે આ તો કોઈ બાલક પાલકની સબ્જી વિશે વાત કરતો હોય એવું નામ છે. હશે કોઈ બાળફિલ્મ. પણ પછી આ ફિલ્મ જોઈ.

તમે કલ્પના કરી શકો કે આ ફિલ્મ સેક્સ એજ્યુકેશન વિશે છે?! એમાંય ફિલ્મનાં પ્રોટાગનિસ્ટ તરીકે પાંચ ટીનેજર બાળકો, અને એમાંય પાછી બે છોકરીઓ. આખીયે સ્ટોરી એંસીના દાયકાની. મોબાઇલ, ઇન્ટરનેટના યુગ પહેલાંની. વાર્તા એવી કે ઍડોલેસન્ટ એજમાં પ્રવેશેલાં ચાર બાળકોને સેક્સ વિશે કુતૂહલ થાય, પણ પૂછવું કોને? એટલે પછી મદદ લેવાય ‘સસ્તા સાહિત્ય’ની. એ થિયરી પછી વારો આવે, ‘પ્રેક્ટિકલ’નો. એટલે આ ટીનેજરો વીસીઆર ભાડે લઇને ‘બીપી’ ફિલ્મ જુએ.

આટલું વાંચીને થાય કે છીછી, આવી ફિલ્મ છે? પણ બોસ, આ ફિલ્મમાં એક પણ, રિપિટ એક પણ સીન એવો નથી જ્યાં આપણી મહાન કહેવાતી સંસ્કૃતિના લોકોની લજામણી જેવી સુરુચિનો ભંગ થાય. માત્ર એક ઉદાહરણઃ એ છોકરાંવ જ્યારે બ્લ્યુ ફિલ્મ જોતાં હોય, ત્યારે આપણને ગલગલિયાં કરાવવા માટે પણ એકેય વાર ટીવીનો સ્ક્રીન બતાવાતો નથી. બલકે આખા સીનમાં એ બાળકોના ચહેરા પરના હાવભાવ અને બૉડી લેંગ્વેજ પર જ કેમેરા ફરે છે. અને એ ચહેરાઓ પર પણ તમને ‘શીપ ઇન ધ બિગ સિટી’ ટાઇપના જ હાવભાવ વંચાય.

આખી ફિલ્મ આઉટ એન્ડ આઉટ હ્યુમરસ છે. એકેય ઠેકાણે પ્રીચી-ઉપદેશાત્મક કે ડંખીલા થયા વિના સેક્સ એજ્યુકેશનના મુદ્દે આપણી પછાત માનસિકતાની-આપણા દંભની ખિલ્લી ઉડાડી છે, જે રીતે સેક્સ એજ્યુકેશન કે ઇન્ફેચ્યુએશનના મુદ્દાને હૅન્ડલ કર્યો છે, એ જોઈને ડિરેક્ટર રવિ જાધવને બે હાથે સલામ મારવાનું મન થાય. સેક્સના નામથી ભડકતા (અને પછી દેશને વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનાવતા) આપણા દેશમાં આ ફિલ્મ દરેક માબાપે તો ફરજિયાત જોવી જ જોઇએ.

મરાઠી ફિલ્મો એટલે માત્ર ‘શ્વાસ’ જ નહીં. આવી ફિલ્મો જ મરાઠી કે ફોર ધેટ મેટર કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રિચ બનાવે છે. એના માટે રોદણાં રોવાની કે લોકો ફિલ્મો જોતાં નથી એવો કકળાટ કરવાની જરૂર છે ખરી? મૅચ્યોર રાઇટિંગ અને સારી ટ્રીટમેન્ટ આપીને ફિલ્મ બનાવો અને પછી જુઓ કે લોકો જોવા આવે છે કે નહીં!

આ ફિલ્મ ‘બાલક પાલક’ યુટ્યૂબ પર છે. બે ભાગમાં છે, પણ આખી છે. હા, સબટાઇટલ નથી. પણ વાંધો નહીં, ફિલ્મની ભાષા એટલી સરળ છે કે એકેય પંચ મિસ નહીં થાય. મેં પણ અહીં જ જોઈ છે, અને મને મરાઠીમાં ‘અતા માઝી સટકલી’ જેવા થોડાક જુમલા સિવાય ઝાઝું કશું આવડતું નથી, એ જાણ સારું.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

એક વિલન

ફટા પોસ્ટર નિકલા વિલન

***

બધા જ ભારતીય ફિલ્મી મસાલાઓથી ભરપુર આ ફિલ્મ એક ટાઇમપાસ વીકએન્ડ એન્ટરટેઇનર છે.

***

ac793d5484e4a79c6102a335ba2e2df3આપણી એક ખાસિયત છે, ચાઈનીઝ, ઈટાલિયન, થાઈ… કોઈપણ વાનગી હોય, આપણા દેશમાં આવે એટલે તે ટિપિકલ દેશી બની જાય. તેમાં આપણા મસાલા અને આપણી ફ્લેવર એવી ભળે કે સૌને ઓરિજિનલ વાનગી કરતાં આપણું દેશી વર્ઝન જ વધારે ભાવે. ફિલ્મોનું પણ એવું જ છે. જેમ કે, આ શુક્રવારે રિલીઝ થયેલી ‘એક વિલન’નો બેઝિક પ્લોટ દક્ષિણ કોરિયાની 2010માં આવેલી ફિલ્મ ‘આઈ સૉ ધ ડેવિલ’થી ઈન્સ્પાયર છે, પણ એક વિલન આપણા દેશી મસાલા જેવા કે પ્યાર-મહોબ્બત, દર્દ-હમદર્દ, બદલા, જીને નહીં દૂંગા-મરને નહીં દૂંગા, એન્ટિ હીરો, કાન વાટે હૃદયમાં ઊતરી જાય એવાં ગીતો વગેરેથી ભરપુર છે. પરિણામ સ્પષ્ટ છે, અત્યારે પ્રેક્ષકો, ખાસ કરીને યંગસ્ટર્સ એક વિલનની ટિકિટો માટે પડાપડી કરી રહ્યા છે!

લવ, શૉક ઔર બદલા

ગુરુ (સિદ્ધાર્થ મલ્હોત્રા) ગોવાનો એક ગુંડો છે, જે દિવાસળી સળગાવવા જેટલી સહજતાથી કોઈનું મર્ડર કરી નાખે એવો ક્રૂર છે. ત્યાં જ એની જિંદગીમાં આઈશા (શ્રદ્ધા કપૂર)ની એન્ટ્રી થાય છે. એકદમ ક્યૂટ અને નિર્દોષ એવી આઈશા જબ વી મેટની કરીના, લગે રહો મુન્નાભાઈની વિદ્યા બાલન અને ગજિનીની અસિનનું કોમ્બિનેશન છે. પરંતુ બિચારી એક અસાધ્ય બીમારીથી પીડાઈ રહી છે, જેને કારણે એના હાથમાં હવે મુઠ્ઠીભર દિવસો જ બચ્યા છે. બાકી રહેલા દિવસોને દિલથી જીવી લેવા માટે આઈશાએ પોતાની ઈચ્છાઓનું એક ‘બકેટ લિસ્ટ’ બનાવ્યું છે, જેને તે વન બાય વન પૂરી કરી રહી છે. બંને વચ્ચે પ્રેમનું ઝરણું ફૂટી નીકળે છે અને વિલન જેવા ગુરુની અંદર રહેલો હીરો બહાર આવવા લાગે છે.

ત્યાં જ એક ખરેખરા વિલન રાકેશ મહાડકર (રિતેશ દેશમુખ)ની એન્ટ્રી થાય છે. રાકેશ જિંદગીમાં કશું જ ન ઉકાળી શકેલો ટેલિકોમ કંપનીનો કર્મચારી છે. ઈવન એની પત્ની સુલોચના (આમના શરીફ) પણ એને મહેણાં-ટોણા મારવામાં કશું બાકી નથી રાખતી. એટલે આ રિતેશ એની સામે આવતી જે સ્ત્રી એનું અપમાન કરે, એના ઘરે પહોંચી જઈને એને સ્ક્રૂ ડ્રાઈવર જેવા હથિયારથી તેની કરપીણ હત્યા કરી નાખે છે. પરંતુ એક દિવસ એ એવું કામ કરી નાખે છે, જેને કારણે સિદ્ધાર્થ અને રિતેશ બંને સામસામે આવી જાય છે.

ઢીલી, પણ સ્વાદિષ્ટ વાનગી

આશિકી-2ની સુપર સફળતા પછી એક વિલનનાં ગીતોએ પણ જલસો કરાવ્યો, એટલે એટલું તો સ્પષ્ટ હતું કે આ ફિલ્મને ઓપનિંગ તો સારું મળશે. ઉપરથી એના પ્રોમોએ પણ લોકોમાં આતુરતા જગાવેલી કે ફિલ્મમાં એક્ઝેક્ટ્લી છે શું. 129 મિનિટ્સની આ ફિલ્મ શરૂ થાય તેની પહેલી પંદર મિનિટમાં જ એવો આંચકો આપે છે કે લોકોનું કુતૂહલ મોંઘવારીની જેમ ઊંચું જતું રહે. એ પછી ડિરેક્ટર મોહિત સૂરી આપણને ફ્લેશબેક અને વર્તમાન વચ્ચે અપડાઉન કરાવતા રહે છે. જેમાં ભારતીય ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે એવા સિરિયલ કિલરની વાત આવે છે.

ગઠીલા બદનવાળા સિદ્ધાર્થ મલ્હોત્રાને જોઈને યુવતીઓ સિસકારા બોલાવે છે, તો શ્રદ્ધા કપૂરનો ઈનોસન્ટ ચાર્મ પણ યંગસ્ટર્સમાં બરાબર ક્લિક થઈ ગયો છે. ફિલ્મમાં ગોવાનાં બ્યુટિફુલ લોકેશન્સમાં ફિલ્માવાયેલી એ બંનેની લવસ્ટોરી જોવી ગમે તેવી છે. બંનેનો ટિપિકલ બોલિવૂડિયન કેન્ડી ફ્લોસ રોમેન્સ આપણે અનેકવાર જોઈ ચૂક્યા હોવા છતાં કર્ણપ્રિય ગીતોને કારણે એમાં કંટાળો નથી આવતો.

પરંતુ ઈન્ટરવલ આવતાં સુધીમાં સસ્પેન્સ અને થ્રિલનાં બધાં જ પાનાં ખુલ્લાં થઈ જાય છે. એટલે હવે શું થશે એવું કોઈ કુતૂહલ બાકી રહેતું નથી. એક આશા ઉંદર-બિલ્લી જેવી ચેઝ પર ટકી રહે છે, પરંતુ એવી થ્રિલિંગ ચેઝ પણ બીજા ભાગમાં જોવા મળતી નથી. ઉપરથી (પ્રાચી દેસાઈને ચમકાવતું) એક વણજોઇતું આઈટેમ સોંગ નાખીને ઢીલી પડેલી વાર્તાને ઓર રબ્બર જેવી કરી દેવાઈ છે. આ ફિલ્મ ફિલ્મી કો-ઈન્સિડન્સિસથી ભરપુર છે એટલે ‘આવું થોડું હોય?’ એવા  લોજિકની ગલીમાં ઘૂસવા જેવું નથી.

ઢીલા સેકન્ડ હાફને બાદ કરતાં ડિરેક્ટર મોહિત સૂરીની તમામ ગણતરીઓ સાચી પડી છે. ફિલ્મે રિલીઝ પહેલાં લોકોમાં કુતૂહલ જગાવ્યું અને થિયેટર સુધી ખેંચાઈ આવેલા લોકો નિરાશ થાય એવી તો ફિલ્મ જરાય નથી. ઉપરથી અંકિત તિવારી, મિથૂન અને સોચ બેન્ડ દ્વારા કમ્પોઝ થયેલાં મોટા ભાગનાં ગીતો હિટ થયાં છે. એમાંય અંકિત તિવારી અને શ્રદ્ધા કપૂરે ગાયેલું ‘તેરી ગલિયાં’ તો ઓલરેડી ચાર્ટ બસ્ટરની કેટેગરીમાં આવી ગયું છે.

ખિલેલા ગુલાબની પાંખડી પર ઝામેલા ઝાકળ જેવી માસૂમ લાગતી શ્રદ્ધા કપૂર જેટલી કન્વિન્સિંગ લાગે છે, એટલું જ સિદ્ધાર્થ મલ્હોત્રાને ગુંડો ગણવામાં મન માનતું નથી. ખબરબચડા ખૂનખાર ગુંડા કરતાં એ કોઈ પૈસાદાર બાપાનો દીકરો વધારે લાગે છે. પરંતુ ફિલ્મનું સૌથી મોટું સરપ્રાઈઝ પેકેજ છે રિતેશ દેશમુખ. ગયા અઠવાડિયે એને હમશકલ્સમાં ગાંડાવેડા કરતો જોયા પછી લાગતું હતું કે આની પાસે આનાથી વધારે ટેલેન્ટ નહીં હોય, પણ વિકૃત દિમાગના સિરિયલ કિલરના રોલમાં એ ખરેખર જામે છે. એટલું જ નહીં, એનું પાત્ર પણ સૌથી સારું લખાયેલું છે. જોકે એની ક્રૂરતા હજી વધારે ખૂલીને બહાર આવી હોત તો આ ફિલ્મમાં થ્રિલનું તત્ત્વ ઓર વધારે જામ્યું હોત.

ટ્વિટર પર જે સૌથી વધુ ગાળો ખાય છે એ ફ્લોપ એક્ટર કમાલ આર. ખાન (કેઆરકે) પણ આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકામાં છે. પોતાની ટ્વિટર પર્સનાલિટી જેવા જ રોલમાં રહેલો કેઆરકે જોકે એની વાહિયાત એક્ટિંગથી કોમિક રિલીફ પૂરું પાડે છે. ગેંગસ્ટર ‘સિઝર’ના રોલમાં ગાયક રેમો ફર્નાન્ડિઝ પણ એમનાં ટ્રેડમાર્ક ગોળ કાચવાળાં ગોગલ્સ પહેરીને આવી ગયા છે, પરંતુ રેમો પણ ધ્યાન ખેંચવામાં તો નિષ્ફળ જ રહ્યા છે. મિલાપ મિલન ઝવેરીએ એક વિલનના ડાયલોગ્સ લખ્યા છે, પરંતુ એણે ‘તુમ સે ઝ્યાદા કામ તો ઈસ ઓફિસ મેં ઝેરોક્સ મશીન કરતી હૈ’ ટાઈપના અલપ ઝલપ ચમકારાને બાદ કરતાં ચવાયેલા હિન્દી મસાલા ડાયલોગ્સ જ ઠપકાર્યા છે.

વીકએન્ડ ટાઇમપાસ

ઠંડા કલેજે હત્યાઓ કરતા સિરિયલ કિલરને બાદ કરતાં એક વિલનમાં એવું જ કશું જ નથી જે આપણે અગાઉ ન જોયું હોય. તેમ છતાં ‘ગજિની’ ટાઈપની આ રિવેન્જ સ્ટોરી એક સરસ વીક એન્ડ એન્ટરટેઇનર તો છે જ. પ્રીડિક્ટેબલ હોવા છતાં જરાય કંટાળો આપતી નથી. આપણી ઑડિયન્સને મજા પડે એવા તમામ મસાલાથી ભરપુર આ વાનગી એકવાર ટેસ્ટ કરવા જેવી ખરી.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.