ટ્યુબલાઇટ

લૉ વોલ્ટેજ

***

સલમાનની પ્રામાણિક મહેનત છતાં નબળું રાઇટિંગ અને ઑવર સિમ્પ્લિસ્ટિક ટ્રીટમેન્ટને કારણે ‘ટ્યુબલાઇટ’માં જોઇએ તેટલો સ્પાર્ક નથી.

***

tubelight_posterઆપણે ત્યાં બાળકોની ફિલ્મો શા માટે બનતી નથી? જવાબ છે, તેને બદલે સલમાનભાઈની એમને મેન-ચાઇલ્ડ તરીકે પેશ કરતી ફિલ્મો બને છે એટલે. દુનિયાની કોઇપણ ફિલ્મનું ‘સલમાનીફિકેશન’ કરો એટલે તેનો હીરો આપોઆપ ‘પ્યોર મેન વિથ ગોલ્ડન હાર્ટ’માં કન્વર્ટ થઈ જાય. એ જ ક્રમમાં ‘બજરંગી ભાઈજાન’ના સલમાનને હજી વધુ બાળસહજ બનાવો એટલે ‘ટ્યુબલાઇટ’નો સલમાન મળી આવે. પરંતુ યોગ્ય રીતે લખાઈ ન હોય, તો સલમાનની ક્યુટનેસ પણ ફિલ્મની ટ્યુબલાઇટને ફ્યુઝ થતાં બચાવી શકે નહીં.

વૉર, પીસ એન્ડ યકીન

‘ટ્યુબલાઇટ’ વાર્તા છે કુમાઉંના એક નાનકડા ગામ જગતપુરમાં રહેતા બે ભાઈ લક્ષ્મણ (સલમાન ખાન) અને ભરત (સોહૈલ ખાન)ની. લક્ષ્મણ દિલ સે કમ્પ્લિટલી બચ્ચા હૈ જી, એટલે જ ગામમાં સૌ એને ‘ટ્યુબલાઇટ’ કહીને ઉતારી પાડે છે. ધિંગામસ્તી કરતાં બંને ભાઈ મોટા થાય છે, ત્યાં જ ઈ.સ. ૧૯૬૨માં ભારત-ચીનનું યુદ્ધ છેડાય છે. ભારતમાતાની હાકલ પડે છે એટલે અહીં ભરતને વનવાસ થાય છે. એટલે કે એ યુદ્ધમાં લડવા જાય છે અને ત્યાં જ ફસાઈ જાય છે. આ બાજુ ભાઈની પાદુકા એટલે કે એનાં શૂઝ લઇને ફરતો લક્ષ્મણ ગામના વડીલ બન્ને ચાચા (ઓમ પુરી) પાસેથી યકીન કી તાકત વિશે જાણે છે. પોતાના ભાઈને પાછો લાવવાના યકીનની તાકત કેળવવામાં એ ત્યાં રહેતાં ચાઇનીઝ મૂળનાં મા-દીકરા સાથે દોસ્તી કરે છે અને ‘મુન્નાભાઈ’ની જેમ ગાંધીજીના સિદ્ધાંતો પણ જાણે છે. લેકિન આ બધાથી એનો ભાઈ પાછો આવશે?

(બહોત સારે) સંદેશે આતે હૈ

આપણી હિન્દી ફિલ્મો ક્યાંકથી ઉઠાંતરી કરે અને મૂળ સ્રોતને ક્રેડિટ પણ આપે તે આકાશમાં કોઈ ધૂમકેતુ દેખાય એના જેવી દુર્લભ વાત છે. કબીર ખાનની ‘ટ્યુબલાઇટ’ બે વર્ષ પહેલાં આવેલી ઇંગ્લિશ ફિલ્મ ‘લિટલ બૉય’ની ઑફિશ્યલ રિમેક છે. એટલે તેને યોગ્ય ક્રેડિટ પણ અપાઈ છે. મૂળ ફિલ્મમાં તેના નામ પ્રમાણે નાનો ટાબરિયો કેન્દ્રમાં હતો, જે માત્ર મનથી જ નહીં, તનથી પણ ટેણિયું હતો. ઇંગ્લિશમાંથી હિન્દીમાં આવતાં ફિલ્મની મૂળ એસેન્સ કેવી રીતે ઊડી જાય, તેનું આ ‘ટ્યુબલાઇટ’ પર્ફેક્ટ એક્ઝામ્પલ છે. ‘લિટલ બૉય’માં બીજા વિશ્વયુદ્ધમાં જપાનીઓ સામે લડવા માટે મોરચે ગયેલા પિતાને પાછા લાવવા માટે પેપર નામનો ટેણિયો રીતસર પહાડ હલાવી નાખે છે. પરંતુ એ પહેલાં દીકરામાં આત્મવિશ્વાસ પૂરવા માટે એના પપ્પા એને એક કોમિકબુક હીરોના માધ્યમથી શ્રદ્ધનું માહાત્મ્ય સમજાવે છે. ટ્યુબલાઇટમાં એ વાત સલમાન અને સોહૈલ વચ્ચેના ‘ક્યા તુમ્હે યકીન હૈ?’ ટાઇપનાં વાક્યોમાં જ રહી જાય છે (જ્યારે યકીનની જામગરી ચાંપવા માટે બીજા એક સુપરસ્ટારે અવતરવું પડે છે). મૂળ ફિલ્મમાં ચર્ચના પાદરી નાના બાળકને બાઇબલના સિદ્ધાંતોની મદદથી ફરીથી શ્રદ્ધાનું બળ સમજાવે છે. અહીં બડી સ્માર્ટનેસથી ત્યાં ગાંધીજીના સિદ્ધાંતો મૂકી દેવાયા છે. પરંતુ ફિલ્મનું જ એક પાત્ર કહે છે તેમ આ સિદ્ધાંતો માત્ર ‘ટાઇમપાસ’ માટે જ છે. ફિલ્મની વાર્તાને આગળ વધારવામાં કે સલમાન ‘ટ્યુબલાઇટ’ ખાનમાં ‘યકીન’નું બળ પૂરવામાં કોઈ જ ભાગ ભજવતું નથી. રાધર, સલમાનની પોતાના ભાઈને પાછો લાવવાની ક્વાયત અને આ તરફ એની દોડધામ બંને વચ્ચે કોઈ જ કનેક્શન દેખાતું નથી. બાય ધ વે, ગાંધીજીનો એક મુખ્ય સિદ્ધાંત અહિંસા પણ હતો, પરંતુ સલમાન ભાઇને અહીં એની જરૂર નથી અને એટલે જ એ લાફાવાળી પણ કરી શકે છે.

ફિલ્મના એક સબપ્લોટ તરીકે ત્રણ પેઢીથી ભારતમાં રહેતા ચાઇનીઝ મૂળના એક મા-દીકરાની સ્ટોરી પણ છે (અંગ્રેજી ફિલ્મમાં ત્યાં જૅપનીસ વ્યક્તિ હતી). માત્ર તેમનાં મૂળિયાંને કારણે એમને ધિક્કારાય નહીં અને ‘અલ્ટ્રા નેશનાલિઝમ’થી કેવી રીતે બચી શકાય તે મેસેજ આ સબ પ્લોટમાંથી બરાબર બહાર આવે છે. પરંતુ તેને મૂળ સ્ટોરી સાથે કશી જ લેવાદેવા નથી. વળી, તેમનું ચાઇનીઝ વંશજ હોવું તે ગામલોકોના ધિક્કારનું કારણ બને છે તે વાત પણ બહાર આવતી નથી. કેમ કે, એક વ્યક્તિ સિવાય કોઈ એમને ધિક્કારતું નથી. હકીકતમાં આ આખો ટ્રેક પરાણે ઘુસાડેલો અને થિગડું મારેલો છે. તેમાં ચાઇનીઝ અભિનેત્રી ઝુ ઝુ અને એક ક્યુટ ટેણિયો નામે મતિન રે તાંગુએ મુખ્ય ભૂમિકા ભજવી છે. વક્રતા એ છે કે ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’નો મેસેજ આપવા જતાં ફિલ્મ પોતે ચાઇનીઝ નામોની મજાક ઉડાવે છે. બીજું, આપણે ત્યાં ઓલરેડી નોર્થ-ઇસ્ટના લોકોને ‘ચાઇનીઝ’ કહીને હડધૂત કરવાનું કુત્સિત રેસિઝમ ચાલે છે. ત્યારે એક અરુણાચલના બાળકને ચાઇનીઝ તરીકે કાસ્ટ કરવો એ આડકતરું રેસિઝમ નથી તો બીજું શું છે?

સલમાનના બાળકબુદ્ધિ પાત્રના પોઇન્ટ ઑફ વ્યૂથી કહેવાઈ હોવાના કારણે હોય કે ગમે તે, પણ ‘ટ્યુબલાઇટ’ અતિશય સિમ્પ્લિસ્ટિક છે. જાણે ‘એક ગામ હતું’ ટાઇપની બાળવાર્તા જ જોઈ લો. બધાં પાત્રો પણ નિર્દોષ બાળક, આદર્શ ભાઈ, વાહિયાત યુવાન (જેનો ફુલ ટાઇમ બિઝનેસ લોકોને હેરાન કરવાનો હોય) , યુદ્ધનો ભોગ બનેલા નિરાશ્રિત, મૂડ સ્વિંગ કરતો આર્મી ઑફિસર, ફિલોસોફર કાકા, પ્રેમાળ દુકાનદાર એવા સિંગલ રંગે જ રંગાયેલાં છે. કોઇના મનમાં શું ચાલતું હશે કે અમુક અનુભવો પરથી કોઇનામાં કંઇક પરિવર્તન આવે એવું કશું જ ઊંડાણ નહીં. ઇવન આપણને સલમાનના પાત્ર પ્રત્યે સહાનુભૂતિ થાય એ માટે જ કોઈ કારણ વિના અન્ય લોકો સલમાનને હડધૂત કરે છે તેવું લાગ્યા કરે. વાર્તા એક નાનકડા ગામમાં આકાર લેતી હોવાને કારણે એકનાં એક લોકેશન્સ પણ વારંવાર અથડાયા કરે. જેમ કે, પહાડ, ટાવર, દુકાન, બાંકડો, ક્લિફ અને નદી, ગામનો ચોક ધેટ્સ ઇટ.

જાતભાતના સંદેશા આપતી ‘ટ્યુબલાઇટ’નો વધુ એક પ્રોબ્લેમ છે તેની સ્લો પૅસ અને હાઈ મૅલોડ્રામેટિક રડારોળ. સાઇકલ લઇને અહીંથી તહીં ફરતા રહેતા સલમાન પાસે એટલું બધું રડાવ્યું છે એકાદ વખત આપણનેય (કંટાળીને) રડવાની ઇચ્છા થઈ આવે. પરંતુ એક તબક્કે આપણો સલમાનના પાત્ર સાથેનો ઇમોશનલ બંધ તૂટી જાય, એટલે પછીની તમામ રડારોળ ફિઝૂલ લાગવા માંડે. એમના ફૅન્સને દુઃખ થશે, પણ અહીં સલમાન ભાઈ ક્યાંય શર્ટ ઉતારતા નથી કે વિલનલોગની ધોલાઈ કરતા નથી. ચ્યુઇંગ ગમની પેઠે ચીપકી જાય એવું એકેય ગીત પણ ફિલ્મમાં નથી.

છતાં ફિલ્મની કેટલીક પૉઝિટિવ બાબતોને પણ નોંધવી જ પડે. જેમ કે, સલમાન અને નાનકડા ટાબરિયા (મતિનsalman-khan-tubelight-matin-rey-tangu-759 રે તાંગુ) સાથેના મોટાભાગના સીન મસ્ત છે. ખાસ કરીને કોમેડી સીન. સલમાનને મેન ચાઇલ્ડ બનવામાં અને આપણને હસાવવા-રડાવવામાં મહેનત કરવી પડે છે, આઠેક વર્ષનો ટેણિયો  બધું એકદમ સહજતાથી કરી બતાવે છે. સલમાનનો સોહૈલ સાથેનો વિદાયનો ‘સદમા’ની યાદ અપાવે તેવો સીન પણ સરસ બન્યો છે. લદ્દાખમાં શૂટ થયેલાં યુદ્ધનાં દૃશ્યોમાં યુદ્ધની ભયાનકતા કરતાં લદ્દાખનું સૌંદર્ય વધુ ધ્યાન ખેંચે છે.

આ ફિલ્મનો સૌથી મોટો ગુનેગાર તેનું ભંગાર રાઇટિંગ જ છે. તેમ છતાં ‘પિતાજી કો શરાબને માર ડાલા, માં કો ગમ ને ઔર ગાંધીજી કો હમને’ જેવાં ગણ્યાં ગાંઠ્યાં વનલાઇનર્સમાં સ્માર્ટનેસનો ચમકારો દેખાય છે ખરો. એ જ રીતે મોટા અવાજે ‘ભારત માતા કી જય’ બોલવું એ જ દેશભક્ત હોવાની સાબિતી નથી, કે પછી બે-ત્રણ પેઢી પહેલાંનું કનેક્શન કે દેખાવ તમને ઓછા ભારતીય નથી બનાવી દેતો એ મેસેજ પણ ક્યુટ રીતે બહાર આવે છે.

સોહૈલ ખાન, મોહમ્મદ ઝીશન ઐયુબ, યશપાલ શર્મા, બ્રિજેન્દ્ર કાલા કે ચાઇનીઝ ઝુ ઝુ જેવા અદાકારો માત્ર પોતાને ફાળે આવેલું પાત્ર ભજવી ગયા છે. પરંતુ સલમાનની ઍક્ટિંગ કરતાં આપણે વધુ ઇમોશનલ ઓમ પુરી સાહેબને પડદા પર જોઇને થઈ જઇએ, કે હવે તેઓ ફરી ક્યારેય આ રીતે જોવા નહીં મળે.

ફિલ્મની સ્લો પૅસને કારણે આપણને એવા સવાલોય થાય કે, ચાલીસીમાં પહોંચ્યા પછીયે સોહૈલે પણ લગ્ન કેમ નથી કર્યાં? એક શહીદની શબપેટી પર ‘મુરલી પ્રસાદ દત્ત’ લખીને ‘મુન્નાભાઈ’માં સંજય દત્તના પાત્રને સળી શા માટે કરાઈ છે? ઈ.સ. ૧૯૯૩માં બહાર પડેલો ઇન્ડિયન પોસ્ટનો લોગો ઈ.સ. ૧૯૬૨માં શા માટે દેખાય છે? બૉટલથી લઇને પહાડ હલાવવા માટે સલમાન કબજિયાતના દર્દી જેવો અવાજ શા માટે કાઢે છે? કોઈ માણસ અડધી મિનિટની અંદર કોમામાંથી બહાર શી રીતે આવી જાય છે?

ક્યા આપકો યકીન હૈ?

‘ટ્યુબલાઇટ’ની શરૂઆતમાં જ આપણને ખબર પડે છે કે આ ફિલ્મ આગામી દિવસોમાં ‘સ્ટાર ગોલ્ડ’ પર અને ઇન્ટરનેટમાં ‘એમેઝોન પ્રાઇમ’ પર આવવાની છે. સલમાનના નામે અત્યારે ટિકિટના ભાવો વધારી દેવાયા છે. એટલે જો તમે ‘ભાઈ કા ફૅન’ નામની બિનસત્તાવાર ઉપાધિ ન ધરાવતા હો, તો આ રિવ્યુનો મેસેજ શું છે એ બરાબર સમજાઈ ગયું હશે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

******************************************************************************

Extended Reading, Spoilers Ahead

960આપણી હીરો સેન્ટ્રિક ઇન્ડસ્ટ્રીમાં જ્યારે એક વિદેશી કૃતિને અડૅપ્ટ કરવામાં આવે ત્યારે ‘લોસ્ટ ઇન ટ્રાન્સલેશન’ જેવો ઘાટ કઈ રીતે થાય તેનું ‘ટ્યુબલાઇટ’ પર્ફેક્ટ એક્ઝામ્પલ છે. હૉલિવૂડની મૂળ કૃતિ, જેના પરથી ટ્યુબલાઇટ બની છે, તે ‘લિટલ બૉય’ એક એવરેજ ફિલ્મ હોવા છતાં ખાસ્સી સંવેદનશીલ છે. લિટલ બૉયના કેન્દ્રમાં છે આઠ વર્ષનો ટેણિયો પેપર, જેની હાઇટ જોઇએ તેવી વધી રહી નથી. એટલે જ બધા એને ‘લિટલ બૉય’ કહીને ખીજવે છે. આપણે ત્યાં સલમાન ભાઈની હાઇટ વિશે તો કોઈ કમેન્ટ કરી શકાય નહીં, એટલે એમને માનસિક રીતે બાળક બતાવવા પડે. એ રીતે જોકે ‘ટ્યુબલાઇટ’ નામ પર્ફેક્ટ છે. લિટલ બૉયનો લિટલ બૉય (ચાઇલ્ડ એક્ટર જેકબ સેલ્વેટી) પણ છે એવો ક્યુટ કે પરાણે વહાલો લાગે અને એનાં તમામ એક્સપ્રેશન્સ સીધાં આપણી અંદર ઊતરી જાય. એ ટાબરિયાના કિસ્સામાં જે નૅચરલી આવે છે, તેના માટે સલમાને પ્રયાસ કરવો પડે છે અને છતાં એ સ્વાભાવિક નથી લાગતો.

ઓછી હાઇટને કારણે લિટલ બૉય પેપર માથાભારે છોકરાઓના બુલિઇંગનો ભોગ બને છે અને એનો આત્મવિશ્વાસ તળિયે છે. દીકરાનો આત્મવિશ્વાસ બુલંદ કરવા માટે એના પિતા એને ‘બેન ઇગલ’ નામના જાદુગર-સુપરહીરોની કોમિક બુક્સ વંચાવે છે-તેની ફિલ્મો બતાવે છે. એ ‘બેન ઇગલ’નો તકિયાકલામ છે, જે દર વખતે કટોકટીની સ્થિતિમાં પોતાના સાઇડકિકને કહેતો રહે છે કે, ‘ડુ યુ બિલીવ પાર્ટનર, યુ કેન ડુ ધિસ?’ ‘બેન ઇગલ’નું એ પાત્ર આખી ફિલ્મમાં નાનકડા પેપરની સાથે રહે છે. બે હાથ લંબાવીને જાદુ કરવાની સ્ટાઇલ પણ એની જ છે. નાનકડો પેપર બેન ઇગલની કોમિક બુકસ વાંચે, એની ફિલ્મો જોવા જાય અને એના લાઇવ શોમાં પણ હાજરી આપે, એટલે ‘ફેઇથ’ અને ‘બિલીવ’વાળી વાત મૂળ સ્ટોરીમાં એકદમ સ્વાભાવિક રીતે મર્જ થઈ જાય છે. પરંતુ ‘ટ્યુબલાઇટ’માં એવું કશું કર્યું નહીં, એટલે જ ‘કેપ્ટન જૅક સ્પેરો’ જેવા ગેટઅપમાં શાહરુખને મહેમાન કલાકાર બનાવીને લાવવો પડ્યો. એ જાદુગર કમ અને મોટિવેશનલ સ્પીકર વધારે લાગે છે.

‘લિટલ બૉય’ના પેપરને બુલી-હેરાન કરતા જાડિયા છોકરાના ડૉક્ટર પિતા (જેની પાસે પેપરની હાઇટ વધારવાની દવા ચાલી રહી છે), તેનો ડોળો પણ પેપરની મમ્મી પર છે. એટલે પેપરને એ ડૉક્ટર બાપ-બેટામાંથી કોઈ દીઠા નથી ગમતા.

‘લિટલ બૉય’માં પિતા બીજા વિશ્વયુદ્ધમાં લડવા જાય છે. ખરેખર તો પેપરના મોટાભાઈ લંડનને જવું હતું પણ ‘ફ્લૅટ ફીટ’ને કારણે એ જઈ ન શક્યો (‘ટ્યુબલાઇટ’માં મોહમ્મદ ઝીશન અય્યુબને ‘knock knees’ હોય છે).  દરેક પરિવારમાંથી એટલિસ્ટ એક વ્યક્તિ યુદ્ધ લડવા જાય. મોટો દીકરો ન જઈ શક્યો એટલે ૪૦ વર્ષના પિતાએ જવું પડે છે. આ માટે  મોટો દીકરો પોતાની જાતને બ્લૅમ કરતો રહે છે અને ધૂંધવાયેલો ફરતો રહે છે. એના આ ધૂંધવાટનો ભોગ એનો નાનો ભાઈ અને એની માતા પણ બને છે. ‘ટ્યુબલાઇટ’માં એકાવન વર્ષના ‘ભાઈ’ના પિતા તો યુદ્ધમાં જઈ શકે નહીં, એટલે એના ભાઈને લડવા મોકલવો પડે છે. બિગ બ્રધર લંડન અને લિટલ બૉય પેપરના પિતા જપાનીઓ સામે લડવા ગયા છે અને પ્રિઝનર ઑફ વૉર તરીકે કેદ થઈ ગયા છે. એટલે જ જ્યારે નાનો ભાઈ પેપર પોતાનું ‘ફેઇથ’નું લિસ્ટ પૂરું કરવા માટે ગામમાં રહેતા એક જૅપનીસ સાથે દોસ્તી કરે છે ત્યારે મોટો ભાઈ ગુસ્સે થઇને એનું ઘર સળગાવવા પેટ્રોલ બોમ્બ પણ ફેંકે છે (કેમ કે પર્લહાર્બરમાં જૅપનીસોએ કરેલા હુમલામાં પોતાના દીકરાને ગુમાવી ચૂકેલા અન્ય એક આધેડ એને ઉશ્કેરે છે). એક જાહેર કન્ફ્રન્ટેશનમાં નાનો ભાઈ જૅપનીસનો પક્ષ લે એમાં ઇગો પર આવીને મોટો ભાઈ એને આખો પહાડ હલાવી દવા કહે છે અને એ જ વખતે યોગાનુયોગ ધરતીકંપ આવે છે.

ટ્યુબલાઇટમાં આપણા ‘લિટલ બૉય’ સલમાનને હેરાન કરતા બુલી અને મોટાભાઇનો રોલ મર્જ કરીને ગામના એક નવરીબજાર યુવાન નારાયણ (મોહમ્મદ ઝીશન અય્યુબ)નું પાત્ર ઊભું કર્યું. એ જ સલમાનને હેરાન કરે અને એ જ પહાડ હલાવી દેવા માટે પણ ફોર્સ કરે. પરંતુ આવું કરવા માટે એની પાસે કોઈ પર્સનલ રિઝન કે નક્કર મોટિવેશન નથી, સિવાય કે હાઇપર નેશનલિઝમ. ઇવન એના પાત્રમાં યુદ્ધમાં ન જઈ શકવાનો અફસોસ પણ દેખાતો નથી. એટલે જ મોહમ્મદ ઝીશન જ્યારે સલમાનને કે ગામમાં રહેતાં ચાઇનીઝ મા-દીકરાને હેરાન કરે તે વધારે પડતું અને તદ્દન આર્ટિફિશ્યલ લાગે છે. હદ તો એ છે કે ગામમાં એના સિવાય કોઇનેય એ ચાઇનીઝ પરિવાર સામે વાંધો નથી.

એટલે લિટલ બૉયમાં ફેઇથ-યકીન-વિશ્વાસની વાત ઑર્ગેનિકલી જન્મે છે અને સ્ટોરીની સાથે આગળ વધતી રહે છે. પહેલાં એના પિતાએ કહ્યું એટલે પેપરે વિશ્વાસ કર્યો, પછી ખુદ બેન ઇગલે એની પાસે બૉટલ હલાવડાવી એટલે એનો વિશ્વાસ વધુ દૃઢ થયો. પછી સ્થાનિક પાદરીના (જેના રોલમાં અહીં ઓમ પુરી છે) કહેવાથી એ પ્રાચીન વિઝ્ડમના નિયમોનું પાલન કરે છે (ભૂખ્યાને ભોજન આપવું, બેઘરને આશરો આપવો, જેલના કેદીઓને મળવા જવું, નિર્વસ્ત્રને કપડાં આપવાં, બીમારની સેવા કરવી અને મૃત્યુ પામેલાને દફનાવવા), આખું ગામ જેને (અલબત્ત ખોટી રીતે અને માત્ર એના જૅપનીસ હોવાથી) ધિક્કારે છે એ હાશિમોતો સાથે દોસ્તી પણ કરે છે, એક તબક્કે જોગાનુજોગ એેના ફેઇથની કસોટી વખતે (ધરતીકંપથી) પહાડ હલબલી ઊઠે છે, એના વૃદ્ધ જૅપનીસ મિત્ર હાશિમોતો કહે છે કે એ ધરતીકંપ કોઈ ચમત્કારથી નહીં, બલકે કો-ઇન્સિડન્સથી આવેલો, તેમ છતાં નાનકડો પેપર પોતાની ‘શક્તિ’થી યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો રોજેરોજ કરતો જ રહે છે. એક તબક્કે તે જૅપનીસ માણસ અને ગામનો પાદરી પાનાંની ગેમ રમતાં રમતાં ચર્ચા કરે છે કે, ‘અત્યારે એ બાળકના પિતાને પાછા લાવવા માટે તમે તમારા કાલ્પનિક મિત્ર (ઈશ્વર)ના નામે વિશ્વાસની લોલીપોપ આપી છે, પણ ધારો કે એના પિતા યુદ્ધમાં ખપી ગયા અને ક્યારેય પાછા ન આવ્યા તો? ત્યારે એના તૂટી ગયેલા વિશ્વાસને કઈ રીતે સાંધશો?’ ત્યારે પાદરી કહે છે, ‘મારો એ ઇમેજિનરી ફ્રેન્ડ જ એને એમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.’ જૅપનીસ જવાબ આપે છે, ‘એ બાળકને અટકાવો, નહીંતર એ પોતાની જાતમાંથી વિશ્વાસ કરવાનું બંધ કરી દેશે.’ કહેવાનો અર્થ એ છે કે આખી ફિલ્મમાં વિશ્વાસની તાકાતની વાત સમાંતરે ચાલતી રહે છે અને ક્યાંય આર્ટિફિશ્યલ નથી લાગતી, જેવું ટ્યુબલાઇટમાં થાય છે. ‘ભગવદ્ ગીતા’ના ‘સંશયાત્મા વિનશ્યતિ’વાળા શ્લોકનો પર્ફેક્ટ પડઘો ‘લિટલ બૉય’માં પડે છે, ‘ટ્યુબલાઇટ’માં એ વાત ઊડી ગઈ છે. વળી ફિલ્મની ઘટનાઓ પણ એ રીતે બને છે કે જેથી આપણે સતત એ વિચારતા રહીએ કે જે કંઈ થઈ રહ્યું છે તે ‘લિટલ બૉય’ના વિશ્વાસની તાકાત અને એના બે હાથ લંબાવીને કરાતા પ્રયત્નોને કારણે શક્ય બન્યું છે કે પછી માત્ર જોગાનુજોગ છે? ‘લાઇફ ઑફ પાઇ’ની જેમ આપણને પહેલો વિકલ્પ વધુ પસંદ આવે છે.

‘લિટલ બૉય’ એ ‘ટ્યુબલાઇટ’ કરતાં ક્યાંય વધુ મૅચ્યોર ફિલ્મ છે, તેનાં અન્ય કારણો પણ છે. જેમ કે, અહીં એ વખતે ફિલ્મોની પહેલાં બતાવવામાં આવતી પ્રોપેગન્ડા ફિલ્મોની અસર કેવી થાય તેની પણ ચર્ચા કરાઈ છે. એ ફિલ્મોને કારણે જ લોકો પોતાની આસપાસના જૅપનીસો પર શંકા કરતા થઈ જાય છે. એ પ્રોપેગન્ડા ફિલ્મો અને યુદ્ધની ભયાનકતાની નાનકડા બાળકના મન પર કેવી થાય તેની પણ અહીં ચર્ચા કરાઈ છે. જેમ કે, એ બધું જોઈ-સાંભળીને એ ટેણિયો પણ કહેવા માંડે છે, ‘એ જૅપ્સ (જૅપનીસો માટે વપરાતો તુચ્છકારવાચક શબ્દ) મારા હાથમાં આવે તો હું મારા બે હાથે એમને મસળી નાખું.’ ત્યારે એ જિંદગીમાં કોઈ જૅપનીસને મળ્યો પણ ન હોય. ‘લિટલ બૉય’માં યુદ્ધની સમાપ્તિ વખતનો પ્રાસ બેસાડીને ગામલોકો યુદ્ધનો અંત આણવાનું શ્રેય એ ટાબરિયાને આપે છે. કેમ કે હિરોશિમા પર ફેંકાયેલા પરમાણુ બોમ્બનું નામ હતું ‘લિટલ બૉય’ અને અખબારોની હેડલાઇન બનેલી ‘લિટલ બૉય એન્ડ્સ ધ વૉર’. (અહીં ‘ટ્યુબલાઇટ’માં એ વાતમાં લક્ષ્મણના નામ પરથી ભારત અને ચીન વચ્ચે ‘લક્ષ્મણ રેખા’ અંકિત થઈ એ વાત છે. જોકે આપણે અક્સાઈ ચીન ગુમાવ્યું તેનો કોઈ ઉલ્લેખ નથી.) પરંતુ લિટલ બૉય અખબારો-ન્યુઝ રીલમાં હિરોશિમાની તારાજીનાં દૃશ્યો જોઇને હચમચી ઊઠે છે. અને જ્યારે એને એ કહેવામાં આવે છે કે આખું ગામ સાફ કરી નાખે તેવા બોમ્બમાં કદાચ POW તરીકે રહેલા તારા પિતા પણ માર્યા ગયા હોય, ત્યારે એ આડકતરી રીતે પોતાના વિશ્વાસને પણ બ્લેમ કરે છે.

લિટલ બૉયના વૃદ્ધ જૅપનીસ મિત્ર હાશિમોતો એને જૅપનીસ કલ્ચર વિશે પણ સમજાવે છે, જેના પરથી લિટલ બૉયને સમજાય છે કે યુદ્ધમાં એના પિતા સામે લડનારા અને અહીં એની સાથે રહેતા જૅપનીસમાં ફરક છે. એ માટે એ જ દેશના બધા-નિર્દોષ લોકોને ધિક્કારવાનો કોઈ અર્થ નથી (આ વાત ચીનીઓના સંદર્ભમાં ‘ટ્યુબલાઇટ’માં છે જ નહીં). એ જૅપનીસ હાશિમોતોની પણ એક ટ્રેજિક બૅક સ્ટોરી છે (જેને ‘ટ્યુબલાઇટ’માં બાળવાર્તા જેવી સિમ્પ્લિસ્ટિક બનાવી દેવાઈ છે). એ હાશિમોતો જ લિટલ બૉયને સમજાવે છે કે વિશ્વાસ કરવા માટે પણ હિંમત જોઇએ.

‘લિટલ બૉય’માં પૈસાની તંગીને કારણે પોતાના માટે શૂઝ નહીં લઈ શકેલા પિતા માટે નાનો દીકરો પૈસા એકઠા કરે છે અને તેમાંથી બૂટ ખરીદે છે. એનો ઇરાદો એવો કે પિતા યુદ્ધમાંથી પાછા આવે તો એને એ બૂટ ગિફ્ટમાં આપશે. POW કેમ્પમાંથી ભાગતી વખતે પિતા પોતાનું બૂટ સાથી સૈનિક સાથે બદલાવે છે, જેથી એટલિસ્ટ પોતાની એક નિશાની તો ઘરે પહોંચે. એ બદલાયેલા બૂટને કારણે ઓળખવામાં ઊભી થતી કન્ફ્યુઝન અને લિટલ બૉયે ખરીદી રાખેલાં બૂટના આખા ટ્રેકમાંથી ઇમોશન્સની ‘ટ્યુબલાઇટ’માં બાદબાકી થઈ ગઈ છે. વળી, પઠ્ઠા જેવા બે આધેડ ભાઈ કશું કમાતા ન હોય અને પોતાના માટે બૂટ પણ ખરીદી ન શકે તે વાત ગળે ઊતરે તેવી જ નથી.

‘લિટલ બૉય’ મુવી પણ ખાસ્સું ઇમોશનલ છે, પરંતુ નાનકડા પેપરની સાથે ઇમોશન્સનું પાર્સલ સીધું જ આપણા સુધી પહોંચી જાય છે. આમાંનું લગભગ કશું જ ‘ટ્યુબલાઇટ’માં કનેક્ટ નથી થયું, અને એટલે જ ભાઈ લિટરના હિસાબે આંસુડાં સારતાં હોવા છતાં આપણને તે રડાવતાં નથી.

***

પર્સનલી મને લાગે છે કે સલમાનને લઇને યુદ્ધના બૅકડ્રોપમાં જ ફિલ્મ બનાવવી હતી, તો ‘લિટલ બૉય’ કરતાં ‘હૅકસો રિજ’ જેવી સ્ટોરી પરથી પ્રેરણા લેવાનું વધુ યોગ્ય સાબિત થયું હોત. આ ઑસ્કર વિનર ફિલ્મમાં ડૅસમંડ ડોસ નામના યુદ્ધમાં જતા તબીબી સહાયકની સત્યકથા છે, જે પૅસિફિસ્ટ યાને કે યુદ્ધ વિરોધી હતો અને એણે હથિયારને હાથ સુદ્ધાં ન અડાડવાનું પ્રણ લીધું હતું. તેમ છતાં બીજા વિશ્વયુદ્ધમાં એણે એક પણ ગોળી ચલાવ્યા વિના યુદ્ધમોરચેથી ૭૫ સૈનિકોના જીવ બચાવ્યા હતા. તેના પરથી ઈ.સ. 2004માં ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ બની હતી. જો આ સ્ટોરી પરથી સલમાનને ‘કોન્શિયસ ઓબ્જેક્ટર’ કે ‘પેસિફિસ્ટ’ તરીકે પ્રોજેક્ટ કરીને ફિલ્મ બનાવાઈ હોત તો વધુ અસરકારક ફિલ્મ બની હોત.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

 

Advertisements

હાફ ગર્લફ્રેન્ડ

Fake ગર્લફ્રેન્ડ

***

જૂની, ચવાયેલી, ઢીલી અને પ્રીડિક્ટેબલ સ્ટોરી ધરાવતી આ ફિલ્મ એટલી લાંબી લાગે છે કે તેને ‘હાફ’ નહીં, બલકે ‘હાંફ ગર્લફ્રેન્ડ’ કહેવાની ઇચ્છા થઈ આવે.

***

maxresdefault2ચેતન ભગતનાં પુસ્તકોની ટીકા કરીને ઇન્ટલેક્ચ્યુઅલ દેખાવું એ ઘણા બધા લોકોનો ફેવરિટ પાસટાઇમ છે. પરંતુ ચેતન ભાઉ નબળી નવલકથા લખે અને પોતે જ પૈસા ઓરીને તેના પરથી PVCના પાઇપ જેવી આર્ટિફિશ્યલ અને ખોખલી ફિલ્મ પ્રોડ્યુસ કરે ત્યારે એના પ્રશંસકો પણ કોપભવનમાં બિરાજમાન થઈ જાય. આમ તો આ ફિલ્મનું પૂરું નામ કોઈ રેડિયો જાહેરખબર જેવું ‘હાફ ગર્લફ્રેન્ડ – દોસ્ત સે ઝ્યાદા ગર્લફ્રેન્ડ સે કમ’ એવું છે. પરંતુ આખી ફિલ્મમાં એટલી બધી નકલી લાગે તેવી બેતુકી વાતો ભરી છે કે ફિલ્મનું નામ બદલીને ‘Fake ગર્લફ્રેન્ડ-ફિલ્મી ઝ્યાદા દિમાગ સે કમ’ કરી દેવા જેવું હતું.

હાફ હાર્ટેડ લવ સ્ટોરી

મોટા ભાગના લોકોએ ચેતન ભગતની નવલકથા ‘હાફ ગર્લફ્રેન્ડ’ વાંચી જ હશે. છતાં ઘણા એવા ખુશનસીબ લોકો હશે જેઓ આ બુક વાંચવાથી વંચિત રહ્યા હશે. એમના લાભાર્થે એમને ફિલમમાં શું સહન કરવાનું છે તેની ઝલકઃ બિહારના સિમરાવ ગામના રાજવી પરિવારનો ફરજંદ માધવ ઝા (અર્જુન કપૂર) સોશ્યોલોજીમાં BA કરવા માટે દિલ્હીની મશહૂર કોલેજમાં ઍડમિશન લે છે. એક પણ પિરિયડ ભર્યા પહેલાં એને રિયા સોમાણી (શ્રદ્ધા કપૂર) નામની કોલેજની સૌથી હૉટ છોકરી સાથે ઇશકવા થઈ જાય છે. મમ્મીને ફોન કરીને પણ કહી દે છે કે આપણી લાઇફ સેટ છે હવે. રિયા એની સાથે બાસ્કેટ બૉલ રમે છે, ડિનર પર-ફિલ્મ જોવા જાય છે, દારૂ પીવે છે, પપ્પીઓ કરે છે, એના રૂમમાં આરામ કરવા પણ આવે છે, છતાં એક ભેદી ફોર્મ્યુલા કાઢીને કહે છે કે એ એની ‘હાફ ગર્લફ્રેન્ડ’ છે. એક દિવસ એ એને કંકોતરી આપીને ગાયબ થઈ જાય છે. પછી બેએક વર્ષ પછી ડૉલ્ફિનની જેમ ફરી સપાટી પર આવે છે અને એ જ રીતે ગાયબ થઈ જાય છે. આ બાજુ માધવ ‘રિયા ક્યાંય નથી જીવનમાં’ ગાતો ગાતો એને શોધવા નીકળે છે.

દોસ્તી માઇનસ પ્યાર બરાબર કંટાળો

‘૩ ઇડિયટ્સ’ વખતે રાજુ હિરાણી એન્ડ કંપનીએ ચેતન ભગતને ફિલ્મમાં યોગ્ય ક્રેડિટ નહોતી આપી અને ચેતને જબરી રડારોળ મચાવેલી. આજે આઠ વર્ષ પછી એ જ ચેતન ભગતે પોતાની જ બુક પરથી બનેલી ફિલ્મ કૉ-પ્રોડ્યુસ પણ કરી છે. એટલું જ નહીં, ટાઇટલમાં ચાર અને ઍન્ડમાં એક એમ કુલ પાંચ વખત ક્રેડિટ પણ લીધી છે. ‘કેહ કે લૂંગા’ તે આનું નામ. થૅન્ક ગૉડ, કે નવલકથાની જેમ ચેતનભાઈએ પોતાની ફિલ્મમાં મહેમાન ભૂમિકા નથી કરી. પરંતુ ચેતન ભગતની એ નવલકથામાં જે કાગળ પર તે છપાઈ હતી તે સિવાયનું કશું જ અસલી નહોતું. હવે એમાં ઉમેરો કરવા માટે ડિરેક્ટર મોહિત સૂરિએ પોતાનો યથાશક્તિ ફાળો આપ્યો છે.

આ ફિલ્મમાં રહેલી તદ્દન ફૅક બાબતોની યાદી બહુ મોટી છે. લિસ્ટ આ રહ્યું: શ્રદ્ધા કપૂરની બાર્બી ડૉલ છાપ ક્યુટનેસ, એનું ગિટાર ખંજવાળવું, ગાતી વખતે એના ફફડતા હોઠ અને એનું બૉટલથી પાણી પીવું (જેમાં હોઠ સિવાયનો એકેય સ્નાયુ હલે નહીં), સાવ ટૂંકાં લગભગ પારદર્શક નાઇટવેર પહેરીને એણે રમેલું શીખાઉ બાસ્કેટબૉલ, એનાં મમ્મી-પપ્પાની હિંસક મગજમારી, શ્રદ્ધાએ અર્જુનને કરેલી બરફગોળો ચૂસતી હોય એવી ઑર્ગેનિક કિસ, અર્જુન કપૂરની ચાઇનીઝ માલ જેવી બિહારી બોલી, એનું ખોટેખોટું બોલાયેલું ખોટું ઇંગ્લિશ, એના કાલ્પનિક ગામની સ્કૂલ- જ્યાં સ્કૂલ એકદમ ચકાચક તાજ્જી પેઇન્ટ કરેલી હોય પણ એમાં ટોઇલેટ જ ન બનાવેલું હોય, દિલ્હીની કોલેજના કાર્ટૂન જેવા ઇન્ટરવ્યૂઅરો, સવારે 9-20એ વાગતા ઘડિયાળના ડંકા, અર્જુન કપૂરની બકવાસ ઇંગ્લિશમાં બોલાયેલી સ્પીચ અને એ સાંભળીને ખાલીખોટા ઇમ્પ્રેસ થયેલા નકલી બિલ ગૅટ્સ. જી હા, આ ફિલ્મનું સૌથી ફૅક અને હાસ્યાસ્પદ પાત્ર છે ‘માઇક્રોસોફ્ટ’ના સર્વેસર્વા બિલ ગૅટ્સ. ફિલ્મમાં કોઈ વ્હાઇટ કલાકારને ચશ્માં પહેરાવીને તેના મોં પર બિલ ગૅટ્સનો ચહેરો ચોંટાડી દીધો છે. તે ચહેરો જાણે સ્ટિકર ચોંટાડ્યું હોય તેવો તદ્દન કાર્ટૂનિશ, ડરામણો અને ગંદો લાગે છે. આના કરતાં તો કોઈ સસ્તી ભોજપુરી ફિલ્મની સ્પેશ્યલ ઇફેક્ટ કે ‘સ્નૅપચેટ’નું ફૅસ સ્વૉપ ફીચર વધુ વાસ્તવિક લાગે. જો સ્કૂલમાં જાજરૂ બનાવવા માટે ફંડ જોઇતું હતું, તો અત્યારે દેશભરમાં ચાલી રહેલી ‘સ્વચ્છ ભારત મિશન’ ઝુંબેશ હેઠળ બનાવાય ને? એમાં બિલ ગૅટ્સને હેરાન કરવાની ક્યાં જરૂર હતી?

ચેતન ભગતે એક ગિમિક તરીકે અને પોતાની નવલકથાઓને એક આંકડાથી શરૂ કરવા માટે ‘હાફ ગર્લફ્રેન્ડ’નું નામકરણ કરેલું. નવલકથામાં તો તે હજીયે જસ્ટિફાય થયેલું. પરંતુ અહીં જ્યારે રિયા-માધવને મળવા માટે બાલ્કની કૂદી જતી હોય, આખો વખત એની સાથે જ રહેતી હોય, આગળ કહ્યું એમ એને કિસ કરતી હોય, એની સાથે એના બૉય્ઝ હૉસ્ટેલના રૂમમાં (બારી ખુલ્લી હોવા છતાં) સૂવા આવતી હોય, પોતાનાં પેરેન્ટ્સને પણ મળાવતી હોય, છતાં એ કહે કે, ‘ભૂમિતિમાં લખ્યા પ્રમાણે હું તો તારી હાફ ગર્લફ્રેન્ડ જ છું’, તો એ કોને ગળે ઊતરે?

સદા ‘હું ક્યુટ છું’ એવા હાવભાવ લઇને ફરતી શ્રદ્ધા કપૂર જે રીતે દરેક ફિલ્મમાં ભરતડકે પણ વરસાદ લાવતી ફરે છે, એ જોતાં એને દર ઉનાળે ભારતભ્રમણ કરાવવું જોઇએ. દેશની પાણીની સમસ્યા ચૂટકિયોં મેં દૂર થઈ જાય. બીજા જ દૃશ્યથી છેક સવા બે કલાક છેટેના ક્લાઇમેક્સ સુધીનું ક્લિયર જોઈ શકાય એટલી આ ફિલ્મ પ્રીડિક્ટેબલ છે. પરંતુ ડાઇજેસ્ટિબલ નથી. ફોર એક્ઝામ્પલ, આટલી પ્રચંડ સિક્યોરિટી છતાં લડકા-લડકી માત્ર હૅંગઆઉટ કરવા માટે ઇન્ડિયા ગૅટની ઉપર કઈ રીતે ચડી શકે? એ પણ વારંવાર. શ્રદ્ધાની મદદથી અર્જુન કપૂર અંગ્રેજી શીખે અને કિન્ડર ગાર્ટનના વિદ્યાર્થી જેવી સ્પીચ આપે ને એ સાંભળીને બિલ ગૅટ્સ પાંચ વર્ષમાં ૧ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપે એ જેટલું અપથ્ય છે, એના કરતાં ક્યાંય વધુ અનકન્વિન્સિંગ વાત એ છે કે એવા ડબ્બુને અમરિકામાં યુનાઇટેડ નૅશન્સની ઇન્ટર્નશિપ પણ મળી જાય.

જોકે ગણિતના પૅપરમાં ખોટા જવાબ છતાં સ્ટૅપ્સના માર્ક આપવા પડે એ રીતે થોડીક સારી બાબતો પણ છે. જેમ કે, અહીં સ્ટોરી સતત આગળ-પાછળ ભટક્યા કરે છે, પરંતુ એક પુસ્તક પરથી ફિલ્મ બનાવી છે તેવો ભાર વર્તાતો નથી. એક સળંગ દૃશ્યમાં ચાલતાં ચાલતાં ત્રણ ઋતુઓ બદલાઈ જાય એ દૃશ્ય ખરેખર ઇન્ટેલિજન્ટ છે. અર્જુન કપૂરની ઍક્ટિંગ તો પ્લાયવૂડને પણ હંફાવી દે એવી નૅચરલ છે. પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચે છે એનો દોસ્ત શૈલેષ બનતો એક્ટર વિક્રાંત મૅસી. એ હેન્ડસમ તો છે જ, પ્લસ એનો ચહેરો પણ અંદર ચાલતા હાવભાવ કળી શકાય એવો પારદર્શક છે. ભારે કુશળતાથી એણે બિહારી અને અંગ્રેજી બોલીના ટ્રેક ચૅન્જ કર્યા છે. પૂરી ફિલ્મમાં શ્રદ્ધા જેટલી નૅચરલ નથી લાગી એના કરતાં ક્યાંય વધુ સ્વાભાવિક, હૉટ અને ભાવવાહી નાનકડા રોલમાં રિયા ચક્રવર્તી લાગી છે. વરિષ્ઠ અદાકારા સીમા બિશ્વાસના ભાગે સ્કૂલનું રજિસ્ટર છાતીસરસું ચાંપીને ફરવા સિવાય કશું જ નથી આવ્યું.

કર્ણપ્રિય મ્યુઝિક મોહિત સૂરિની ફિલ્મોનું મજબૂત પાસું રહ્યું છે. આ ઢીલી ફિલ્મમાં પોણો ડઝન જેટલાં ગીતો છે, એટલે કમર્શિયલ બ્રેકની જેમ વારેવારે ટપકી પડે છે. મોટાભાગનાં સોંગ્સ એકસરખાં જ લાગે છે. એમાંનાં ‘બારિશ’ અને અરિજિતે ગાયેલું ‘ફિર ભી તુમકો ચાહૂંગા’ થોડા સમયમાં દેશભરની ટેક્સીઓમાં વાગતાં થઈ જશે.

નો મીન્સ નો

‘પિંક’માં બચ્ચન સાહેબ કહી કહીને થાકી ગયા કે છોકરી ના પાડે એટલે છોકરાએ સમજીને અટકી જવાનું હોય. અહીં રિયા માધવને વારંવાર ના પાડીને જતી રહે છે, પરંતુ આ મહાશય એનો પીછો છોડતા જ નથી. આવી હેરાનગતિને અંગ્રેજીમાં ‘સ્ટૉકિંગ’ કહે છે, જે અત્યારના સંજોગોમાં આપણી ફિલ્મોમાં પ્રમોટ ન જ થવું જોઇએ. આમ તો આવી ચવાયેલી સ્ટોરી ધરાવતી ફિલ્મો પણ ન બનવી જોઇએ. પરંતુ દેશ સ્વતંત્ર છે, એટલે આપણે શું કરવું તે આપણને ખ્યાલ છે.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Inferno

 • inferno_ver6‘ધ બિગ બૅંગ થિયરી’ના એક ઍપિસોડમાં ગીક ઍમી શૅલ્ડન કૂપર સામે એક બોમ્બ ફોડે છે, જેની અસરથી બાકીની નર્ડમંડળી ઘાયલ થઈ જાય છે. બોમ્બ એવો કે, ‘ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ રેઇડર્સ ઑફ ધ લૉસ્ટ આર્કમાં ઇન્ડિયાના જોન્સનો કોઈ ફાળો હતો જ નહીં. જો એ ન હોત તોય નાઝીઓ આર્ક શોધી જ લેવાના હતા.’ રૉન હૉવાર્ડની ‘ઇન્ફર્નો’નું કામકાજ પણ એવું જ છે. રૉબર્ટ લૅંગ્ડન પોતાની બૅલેન્સમાં રહેલી CL-PL વાપરીને રજા પર ઊતરી ગયા હોત તોય ફિલ્મની મદામ સિએના બ્રૂક્સ આખો કૅસ સોલ્વ કરી જ નાખવાની હતી.
 • આમ તો ૨૦૧૩માં રાઇટર-ઍડિટર મનુ જોસેફે ડૅન બ્રાઉનની ‘ઇન્ફર્નો’ના દિલથી છોતરાં ફાડી નાખ્યાં હતાં. એટલે મનમાં ACP પ્રદ્યુમ્નની જેમ ગરબડની શંકા તો હતી જ. છતાં ટૉમ હેન્ક્સ અને ઇરફાન બંને એકસાથે એક જ ફિલ્મમાં હોય એટલે અમારે વહેવાર સાચવવા પણ શુક્રવારની સવારે પહેલી રિક્ષા પકડીને પહોંચી જવું પડે.
 • એક સાઇકો સાયન્ટિસ્ટે ઉધઈની જેમ વધી રહેલી દુનિયાની વસ્તી પર વૅક્યુમ ક્લિનર ફેરવવા માટે જોરદાર ‘બાઝીગર’છાપ આઇડિયા શોધી કાઢ્યો છેઃ ‘કભી કભી જીને કે લિયે કિસી કો મારના ભી પડતા હૈ!’ એણે પ્લૅગનો એક ખૂંખાર વાઇરસ બનાવ્યો છે. ૧૪મી સદીના ‘બ્લૅક ડૅથ’ની જેમ આ વાઇરસ પણ અડધી દુનિયાની વસ્તીને ડિલીટ કરીને રિસાઇકલ બિનમાં નાખી દેશે, એટલે અડધા પ્રોબ્લેમ્સ રાતોરાત ગાયબ! (વ્હાટ ઍ લાજિક, સરજી!) પણ આ વાઇરસ સીધો ફેલાવી દેવાને બદલે એણે તેને પ્લાસ્ટિકના ઝભલામાં નાખીને ક્યાંક સંતાડી રાખ્યો છે (લિટરલી, કોથમીર-મરચાં સાથે ફ્રીમાં આવે એવું ઝભલું!). એનું સરનામું કો’કને આપી રાખવાને બદલે સાહેબે ‘તીતર કે દો આગે તીતર’ જેવી ટ્રેઝર હન્ટ ક્રિએટ કરી છે (રામ જાણે શું લેવા?). હવે એ ઊકેલવા માટે ક્રિપ્ટોલોજિસ્ટ-સિમ્બોલોજિસ્ટ રૉબર્ટ લૅંગ્ડન કામે લાગે છે. એ યુનિવર્સિટીનો પ્રોફેસર હોવા છતાંય અમુક લોકો એની પાછળ પડી ગયા છે. એના પર એક હુમલો, એની યાદદાસ્તનો ભાજીપાલો એન્ડ ઑલ. તો ક્યા રૉબર્ટ લૅંગ્ડન દુનિયા કો બચા પાયેંગે? યે દેખોગે, તુમલોગ! (હમ તો દેખ ચુકે, બરખુરદાર!)
 • ફિલ્મની શરૂઆત લૅંગ્ડનના ‘મૈં કહાં હૂં?’ ટાઇપના કકળાટથી થાય છે. એ જોઇને જ મને બીક લાગી કે જો આ લૅંગ્ડનિયો પ્રોફેશનલ આસાસિન નીકળ્યો, તો ‘બૉર્ન આઇડેન્ટિટી’નું પ્રૌઢ વર્ઝન શરૂ થઈ જશે. લેકિન થૅન્ક ગોડ, એને થોડું ઘણું યાદ આવી ગયું કે એ માણસોને નહીં, બલકે ગમે તેવું અઘરું લખાણ ઊકેલી આપતો કોઈ ‘–લોજિસ્ટ’ છે. (મને તો પૂરેપૂરી ખાતરી છે કે એ લૅંગ્ડન ઇન્ડિયા આવીને આપણા ડૉક્ટરોનાં લખેલાં પ્રિસ્ક્રિપ્શન વાંચે તો તરત જ અશોકના શિલાલેખ પરથી પાનની પિચકારીના ડાઘા લૂછીને કહી આપે કે ‘પશાકાકાના ખેતરની માલીપા સોનાનો ચરૂ દાટેલો છે! ભેગી વ્યાપમની ફાઇલો, સ્વિસ બૅન્ક અકાઉન્ટ્સની ડિટેલ્સ અને સર્જિકલ સ્ટ્રાઇકના વીડિયોની પેનડ્રાઇવ પણ છે!’
 • હા, એટલે અહીં લૅંગ્ડન ભલે સુગરફ્રી ખાંડ ખાતો, પણ એની સાથે ફરતી નમણી ફેલિસિટી જોન્સ એના કરતાં દેઢશાણી છે. મૅડિકલ ડૉક્ટર હોવા ઉપરાંત એણે દાન્તેને પણ (પ)ચાવી નાખ્યા છે, ઍનાગ્રામ પણ ઊકેલતા આવડે છે, એનાં ઇતિહાસ-જ્યોગ્રાફી પણ જોરદાર અને જીનિયસ લોકો જેવું માઇલ્ડ OCD પણ ખરું (જોકે એ ત્યાં ઇટાલીના છાપામાં કોલમ લખતી કે કેમ એની કોઈ ચોખવટ ડૅન બ્રાઉને કરી નથી!). ખાલીપીલી લૅંગ્ડનનું રિટાયરમેન્ટ ખરાબ કર્યું છે.
 • એક તો આ દુનિયાને બચાવવાવાળી વાત મને ક્યારેય પલ્લે પડતી નથી. આપણે અહીંયા મહિનાને અંતે પગાર બચતો ન હોય, અને આ લોકો ‘એક જનાવર ઇતું, ને પૂંછડ પાણી પીતું’ જેવું ઉખાણું સોલ્વ કરીને પણ દુનિયા બચાવી લે! નો ડાઉટ, ટૉમ હેન્ક્સને જોઇને આપણને લાગે કે એ વાળમાં ધોળી ડાઈ લગાવીને નદીમાં પ્લૅન લૅન્ડ કરાવી શકતો હશે, એરપોર્ટના ટર્મિનલ પર કે કોઈ નિર્જન ટાપુ પર જીવતો રહી શકતો હશે, કે પછી LOC જેવા ગોળીબારની વચ્ચે કોઈ ‘પ્રાઇવેટ રાયન’ને બચાવી પણ શકતો હશે. અને આ ઉખાણાં ઊકેલવાનું કામ તો બૅલેન્સમાં પડેલી રજાઓ વાપરવા માટે જ કરતો હશે.
 • ભલે ખાસ્સી વારે, પણ ઇરફાનની એન્ટ્રી પડી એટલે મને થયું કે જોરથી સીટી વગાડું, પણ અડધા ભરેલા ઑડિટોરિયમમાં કોઈ સળવળ્યું જ નહીં {એટલે મેંય સીટી મારવા માટે મોઢામાં નાખેલી થૂંકવાળી આંગળીઓ (મારા પોતાના જ) પૅન્ટ પર લૂછી નાખી!}. ઇન્ટરવલ પહેલાં…

************ ઇન્ટરવલ***************

(આપણે ત્યાં હૉલીવુડની ફિલ્મોમાં આ જ રીતે ઍબ્રપ્ટ્લી ઇન્ટરવલ પડે છે!)

 • હાં, તો ઇન્ટરવલ પહેલાં ઇરફાન માત્ર આટલું જ કરે છેઃ કમ્પ્યુટરમાંથી માથું ઊંચકે છે, ચશ્માં કાઢે છે અને એક વીડિયો જુએ છે! ઇરફાનમાંય મને બીક લાગી કે એ કોઈ ખૂફિયા જગ્યાએ ‘ડાયનોસોર ઉત્પાદન કેન્દ્ર’ ચલાવતો હશે. પણ ના. એ ખૂફિયા જગ્યાએ ખૂફિયા સિક્યોરિટીનું કંઇક કરે છે. જોકે ઇન્ટરવલ પછી એ મેદાનમાં આવ્યો ખરો, એ પણ ફુલ ફોર્મમાં! (ટૉમ હેન્ક્સને એટલું જ કહેવાનું બાકી રાખેલું, ‘હમ ઇન્ડિયા કે વો એક્ટર હૈ, જિસકે બારે મેં સ્પીલબર્ગને તુમ્હેં નહીં બતાયા!’) લેકિન બૉસ, ઇરફાનની એક વાત આપણને હૃદયના વાલ્વ સુધી ટચ્ચ કરી ગઈ, બાય ગોડ! ‘એણે ફોવેનવ લાગવા માઠે ફૅક ઍક્સેન્ટ નથી ઝાડી.’ (ક્યા ભૈયે, હમ તો ઐસે હી બોલતે હૈ! રોલ દેતા હૈ તો દે, વરના કટ લે!)
 • જાસ્તી દિમાગ ન ચલાવો અને તમારા ‘દાન્તે’ ખોતરતાં ખોતરતાં ‘ઇન્ફર્નો’ જોયા કરો, તો મૉડરેટલી મજા પડી શકે. અગાઉની ફિલ્મોની જેમ જ ક્યાં ફૅક્ટની સીમ પૂરી થાય અને ફિક્શનનો વગડો શરૂ થાય, એ પતાઈચ નહીં ચલતા. માથા પર ઇજા પામેલા લૅંગ્ડનને દેખાતાં ‘વિઝન્સ’ ખરેખર સ્કૅરી છે. જોકે મુખ્ય સ્ટૉરીમાં એનું શું કામ છે એ શોધવા માટે ‘શેરલોક હૉમ્સ’, ‘ફેલુદા’ અને ‘સૅમ ડિસિલ્વા’ને કામે લગાડવા પડે. ‘પ્રોફેસર લોકોની ‘બૉર્ન’ ફિલ્મ બનતાં રહી ગયેલી ‘ઇન્ફર્નો’ ખાસ કશા ઍડ્વેન્ચર વિનાની ‘ઇન્ડિયાના જોન્સ’ છે. ‘લોસ્ટ આર્ક’માં સાપથી ડરતો ‘ઇન્ડિ’ બોલે છે, ‘આ દર વખતે સાપ જ શું કામ ગુડાતા હશે?’ ડિટ્ટો, રૉબર્ટ લૅંગ્ડન પણ અહીં કહે છે, ‘વ્હાય ઇઝ ઇટ ઑલ્વેઝ દાન્તે?’ અહીં તો એની સાથીદાર પણ ફેલિસિટી ‘જોન્સ’ છે! (બાય ધ વે, સિટીમાં ઇન્ડિયાના જોન્સનું ફેલિસિટેશન થાય તો એને ‘ફેલિસિટી જોન્સ’ કહેવાય? બૅડ જૉક. ઓકે, સૉરી!)
 • મને એ સમજાયું નહીં કે પૃથ્વીનો સૌથી મોટો રોગ માનવજાત પોતે જ હોય અને એને બર્ડફ્લુની મરઘીઓની જેમ સાફ કરવાથી જ પ્રોબ્લેમ સોલ્વ થવાનો હોય, તોય એ માટે કોઈ સાઇકો સાયન્ટિસ્ટે પ્લૅગ ફેલાવવાની ક્યાં જરૂર છે? આતંકવાદીઓ ઑલરેડી એ કામ કરી જ રહ્યા છે, મહાસત્તાઓએ ગ્લૉબલ વૉર્મિંગ પેદા કરીને પણ એ કામ સ્ટાર્ટ કરી દીધું છે, હિલેરી બુનને ચિંતા છે કે પાકિસ્તાનનાં ન્યુક્લિયર વૅપન્સ આતંકવાદીઓના હાથમાં પડી શકે તેમ છે અને સ્ટિફન હૉકિંગ બચાડા કેદા’ડાના કહી રહ્યા છે કે આ પૃથ્વી પર હવે બહુ કસ રહ્યો નહીં, બિસ્તરા પોટલાં બાંધો અને બીજા કો’ક ગ્રહની વાટ પકડો! હશે, બડે લોગોં કી ચાય ઐસી હી હોતી હોએંગી! પી જાવ તમતમારે, બે સ્ટાર સાથે.
  (‘ઇન્ફર્નો’ના મનુ જોસેફના મસ્ત રિવ્યૂ માટે અને ‘ઇન્ડિયાના જોન્સ’ના ‘Why did it have to be snakes?’વાળા સીન માટેની લિંક્સ પહેલી કમેન્ટમાં આપી છે.)

  Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

***

Related Links:

મનુ જોસેફનો લેખઃ

http://www.openthemagazine.com/article/voices/infernal-lessons

ઇન્ડિયાના જોન્સનો સીનઃ

Advertisements

બોમ્બે વેલ્વેટ

જરકસી પૅકિંગ, કંતાનનું સ્ટફિંગ

***

અનુરાગ કશ્યપની મહત્ત્વાકાંક્ષી કહેવાતી ‘બોમ્બે વેલ્વેટ’ બન્યા પહેલાં અને રિલીઝ થયા પછી કંઇક આવાં દૃશ્યો સર્જાયાં હશે.

***

bombay_velvet_ver5_xxlgદૃશ્ય-૧
સ્થળઃ અનુરાગ કશ્યપની ઑફિસ
પાત્રોઃ અનુરાગ કશ્યપ અને એમનો કોઈ દેઢ શાણો આસિસ્ટન્ટ.

ધુમાડાનાં વાદળ વચ્ચે કેમેરા ઝૂમ ઇન થઇને સળગી રહેલી સિગારેટ પર ફોકસ થાય છે. મિલના ભૂંગળાની જેમ બે હોઠ વચ્ચેથી વધુ એક ધુમ્રસેર નીકળે છે. ધુમાડાનો ટ્રાફિક ક્લિયર થયા પછી ખબર પડે છે કે એ તો જનાબ અનુરાગ કશ્યપના હોઠ હતા. તેમાંથી હમણાં કોઈ મહામૂલાં વચનામૃત નીકળશે એવી આશાએ એમનો એક આસિસ્ટન્ટ દર્શન ખૂલવાની આશાએ ગર્ભગૃહ તરફ જોઇ રહેલા ભક્ત જેવી આસ્થા સાથે તાકી રહ્યો છે.

અચાનક અનુરાગ હાથમાં એક ચોપડી લઇને ટેબલ પર પછાડે છે અને કહે છે, ‘આ જો લેખક જ્ઞાન પ્રકાશની ‘મુંબઈ ફેબલ્સ’. આને કહેવાય બુક. સાલું, આપણે ત્યાં મીડિયોક્રિટી એટલી ચાલે છે કે કોઈ આવી અફલાતૂન બુક પરથી ફિલ્મ બનાવતું જ નથી. પણ હું બનાવીશ. યુ ટેઇક ઇટ, આ મારો ડ્રીમ પ્રોજેક્ટ હશે, બોમ્બે વેલ્વેટ.’

આસિસ્ટન્ટઃ ‘વાઉ સર, સીમ્સ માઇન્ડ બ્લોઇંગ, પણ એવું તે શું છે આ બુકમાં?’

અનુરાગઃ ‘ધ સ્ટોરી ઑફ બોમ્બે. જ્યારે સાત ટાપુઓને પૂરીને મુંબઈ શહેર બનેલું. લૅન્ડ માફિયાઓ મોકાની જમીનો કબ્જે કરવાની ફિરાકમાં હતા. બસ, એ જ સિક્સ્ટીઝના દાયકામાં ભાગલા પછી પાકિસ્તાનથી ભાગીને ભારત આવેલો એક ટેણિયો બલરાજ. ફૉકલેન્ડ રોડ પરનાં વેશ્યાગૃહોમાં મોટો થઈને એ બને છે રણબીર કપૂર. ‘ધ રોઅરિંગ ટ્વેન્ટીઝ’ જેવી હમ્ફ્રી બોગાર્ટની ફિલ્મ જોઇને એ નક્કી કરે છે કે અપુન કો બિગ શૉટ બનને કા હૈ. આ બિગ શૉટ બનવાના ચક્કરમાં એ ભટકાઈ જાય છે એક મીડિયા મુઘલ કૈઝાદ ખંબાટાને. અહીં હું એક એક્સપરિમેન્ટ કરીશ. આઇ વિલ ઇન્ટ્રોડ્યુસ કરણ જોહર એઝ અ શ્રૂડ મીડિયા બૅરન.’

આસિસ્ટન્ટઃ ‘બટ સર, કરણ જોહર તો ડીડીએલજેમાં આવી ચૂક્યો છે, અને ઉપરથી એ તો…’

અનુરાગઃ ‘નોનસેન્સ, એ વિલન તરીકે રિ-ઇન્ટ્રોડ્યુસ થશે અને અહીં હું પહેલી જ વાર ગૅ વિલન બતાવવાનો છું.’

આસિસ્ટન્ટઃ ‘વાઉ સર. અને હિરોઇન? દીપિકા, કેટરીના?’

અનુરાગઃ ‘ડૉન્ટ ટૉક નોનસેન્સ.’ અનુરાગે નવી સિગારેટને અગ્નિદાહ આપ્યો, ‘આ હિરોઇન રોઝી નોરોન્હા જૅઝ સિંગર છે. એટલે એમાં હું અનુષ્કા શર્માને લઇશ. હું આખું સિક્સ્ટીઝનું મુંબઈ ક્રિયેટ કરીશ.’ (મનમાં: દિબાકર બેનર્જી શું સમજે છે કે એ જ રેટ્રો કોલકાતા ક્રિયેટ કરી શકે છે?) ‘મુંબઈની પ્રાઇમ પ્રોપર્ટી માટે લડતા બિઝનેસ બૅરન, ટ્રામ, બેસ્ટની ડબલડેકર બસો, સ્ટિમ એન્જિન અને ધુમાડા કાઢતી મિલો, ટેબ્લોઇડ ન્યૂઝ પેપર વૉર્સ, ઇરાની કૅફે, જૅઝ સિંગર, વિન્ટેજ કાર્સ…’ અનુરાગ કશ્યપ એક્ઝેક્ટ ૮૩ અંશના ખૂણે ઊંચે જોઇને હવામાં ધુમાડાની જથ્થાબંધ રિંગો છોડે છે અને આસિસ્ટન્ટ એના દરેક વાક્યે ‘સુપર્બ સર’, ‘માઇન્ડબ્લોઇંગ સર’ની માળા જપે છે.

***

દૃશ્ય-૨
સ્થળઃ એક મલ્ટિપ્લેક્સના ફૉયરમાં
બોમ્બે વેલ્વેટનો શૉ જસ્ટ છૂટ્યો છે.
પાત્રોઃ ચહેરા પરથી પરસેવાની જેમ ઇન્ટેલેક્ચ્યુઆલિટી ટપકતી હોય એવા એક ભાઈ અને વ્હોટ્સએપમાંથી ડાઉનલોડ કર્યો હોય એવો એક જુવાનિયો.

ઇન્ટેલેક્ચ્યુઅલ અંકલઃ ‘બ્રાવો, બ્રાવો અનુરાગ, બ્રાવો. સાલી, શું ફિલ્મ બનાવી છે, વાહ!’

વ્હોટ્સએપ ડ્યુડઃ ‘એક્સક્યુઝ મી, અંકલ. તમને આ ફિલ્મ ગમી ગઈ, જીઇઇઇઝ? અમે તો રણબીરના નામે ‘રૉય’માં પણ ભંગાયા હતા અને હવે આ ‘બોમ્બે વેલ્વેટ’માં. એવું તે શું ભાળી ગયા તમે આમાં?’

અંકલઃ ‘ધેટ્સ ધ પ્રોબ્લેમ ઑફ યૉર જનરેશન. માસ્ટરપીસને ઓળખી જ શકતા નથી. હવે જો આ જ ફિલ્મ હૉલીવુડમાં માર્ટિન સ્કોર્સેઝી, ઑલિવર સ્ટોન, ડેની બૉયલ કે ક્વેન્ટીન ટેરેન્ટિનો જેવા કોઈ ડિરેક્ટરે બનાવી હોય તો તમે લોકો જ ટૉરેન્ટ પરથી ડાઉનલોડ કરી કરીને જુઓ.’

ડ્યુડઃ ‘ચલો ચલો, કુછ ભી મત ફેંકો, અંકલ. આમાં આવું બધું જૂનું જૂનું નાખ્યું છે એ હટાવી દો, તો આવી જ ફિલ્મ હમણાં ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’ આવેલી જ ને. હમણાં થોડા દિવસ પહેલાં જ મારા પપ્પા ટીવી પર અમિતાભ બચ્ચનની ‘નસીબ’ ફિલ્મ જોતા હતા. એમાંય અમિતાભ આ જ રીતે પાંજરામાં પુરાઈને એક પહેલવાનની ધોલાઈ કરતો હતો.’

અંકલના ચહેરા પર રાહુલ ગાંધી જેવા હાવભાવ છવાઈ જાય છે. બીજી જ સેકન્ડે તેને ખંખેરીને ફરી પાછા એ અર્નબ ગોસ્વામીના મૂડમાં આવી જાય છે, ‘લુક સન, ભવિષ્ય જાણવા માટે આપણે આપણો ભૂતકાળ જાણવો જરૂરી છે. આ ફિલ્મમાં બોમ્બેનો ભૂતકાળ છે.’

ડ્યુડઃ ‘યુ મીન ટુ સે કે મુંબઈ ખાલી આવું પૈસાદારોનું અને માફિયાઓનું જ હતું? એમાં કોઈ મહેનતકશ લોકો હતા જ નહીં? અને એક મિનિટ, આ ફિલ્મ ટ્રુ સ્ટોરી પરથી બનેલી છે? તો પછી ક્યાંય એવી ચોખવટ કેમ નથી? અને બાય ધ વે, તમે હૉલીવુડની ફિલ્મોની વાત કરો છોને. તો આ ફિલ્મમાં રણબીરનું જેવું કેરેક્ટર છે ડિટ્ટો એવું જ કેરેક્ટર હૉલીવુડની ફેમસ ફિલ્મ ‘સ્કારફેસ’માં એક્ટર અલ પચીનોનું હતું. ઇવન ‘સ્કારફેસ’ અને ‘બોમ્બે વેલ્વેટ’ બંનેનો ક્લાઇમેક્સ એક્ઝેક્ટ સરખો છે. બંનેમાં એ જ રીતે હીરો હાથમાં બંદૂકડીઓ લઇને ધાણીફૂટ ગોળીબાર કરીને આગળ ધસી જાય છે. પોતાની પર્સનલ ટ્રેજેડીને પહેલવાનના હાથનો માર ખાઇને ભુલાવવાનો ટ્રાય કરતો હીરો તમે નામ લીધું એ જ માર્ટિન સ્કોર્સેઝીની ‘રેજિંગ બુલ’ ફિલ્મમાં પણ હતો, એ પણ ‘શમિતાભ’માં અમિતાભ જેને જોઇને ગાંડા કાઢે છે એ રોબર્ટ દ નીરો. તમે હૉલીવુડની જ વાત છેડી છે તો કહી દઉં કે ‘બોમ્બે વેલ્વેટ’ના અક્ષરો ડિટ્ટો ૨૦૦૨માં આવેલી મ્યુઝિકલ ફિલ્મ ‘શિકાગો’ જેવા જ લાગે છે.’

અંકલની હાલત સ્ટિંગ ઑપરેશનમાં પકડાયેલા નેતા જેવી થઈ જાય છે. એટલે એ સ્વસ્થતા ધારણ કરીને નવેસરથી બચાવ માંડે છે, ‘કબૂલ, પણ તું એક્ટિંગ જો. રાજ કપૂર જેવા વાળ અને મૂછોમાં રણબીર એકદમ સ્માર્ટી નથી લાગતો?’ (જવાબમાં ડ્યુડે ડચકારો બોલાવીને ખભા ઊલાળ્યા.) ‘અને જૅઝ સિંગરના રોલમાં સતત ડરેલી રહેતી અનુષ્કા, એકદમ લુચ્ચો અને ક્રૂર કરણ જોહર. અને હા, ઓલ્વેઝ રિલાયેબલ એવો કે. કે. મેનન. અહીં તો એ હૅટ અને સિગાર સાથે એ ડિટ્ટો અશોક કુમાર જ લાગે છે.’

ડ્યુડઃ ‘લેકિન અંકલ, આ ફિલ્મમાં એટલા બધા કલાકારો છે કે હું તો કન્ફ્યુઝ થઈ ગયો કે કોણ શું છે અને શું કામ છે? વચ્ચે પાછા રેમો ફર્નાન્ડીઝ, રવીના ટંડન, નસીરુદ્દીન શાહનો દીકરો વિવાન શાહ, ‘રૉકેટ સિંઘ’ ફેમ મનીષ ચૌધરી પણ છે. એ તો સમજ્યા, પણ અહીં તો વચ્ચે કેબીસી વાળા સિદ્ધાર્થ બસુ, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા, (અદિતી રાવ હૈદરીનો એક્સ હસબંડ) સત્યદીપ મિશ્રા અને પેલો સ્ટેન્ડ અપ કોમેડિયન વરુણ ગ્રોવર પણ આવે છે. આ જ વરુણ ગ્રોવરે ‘દમ લગા કે હૈશા’નાં ગીતો લખેલાં.’ અંકલને લાગ્યું કે એણે ખોટા જુવાનિયા સાથે પંગો લઈ લીધો છે. પણ હવે આ જુવાનિયો ગેમ ઑવર કરવાના મૂડમાં હતો, ‘એક તો સ્ટોરીમાં કશું નવું નહીં. માત્ર તમે કેવું રેટ્રો-વિન્ટેજ મુંબઈ ક્રિયેટ કરી શકો છો અને કેવી કેવી હૉલીવુડ ફિલ્મોને અંજલિઓ આપી શકો છો એવી ઇન્ટેલેક્ચ્યુઅલ ખુજલી શાંત પાડવા માટે જ આવી ફિલ્મ બનાવવાની? એ પણ અઢી કલાકથીયે વધારે લાંબી? ખાલી એટલું માનવું પડે કે ફિલ્મનું જૅઝ સ્ટાઇલનું મ્યુઝિક મસ્ત હતું. આ મ્યુઝિક જ આખી ફિલ્મને મ્યુઝિકલ ફિલ્મની ફીલ આપે છે. પણ એ તો બોસ, અમિત ત્રિવેદી હોય એટલે મ્યુઝિક ધાંસુ હોય જ. આખરે આપણો ગુજ્જુ બૉય છે.’

ફિલ્મની થોડી પોઝિટિવ વાત આવી એટલે અંકલ બોલી ઊઠ્યા, ‘હા હોં, એમાંય પેલું ‘જાતા કહાં હૈ દીવાને’ ગીત આવ્યું ત્યારે તો હું ડોલી ઊઠેલો.’

ડ્યુડઃ ‘લેકિન અંકલ, ઓન્લી મ્યુઝિક માટે આ ફિલ્મ જોવા ન જવાય, ભલેને અનુરાગ કશ્યપે બનાવી હોય.’ ત્યાં જ ડ્યુડના વ્હોટ્સએપમાંથી કોઈ કન્યાએ ‘હાઇઇઇઇ’ લખેલું ટપક્યું એટલે ડ્યુડ ‘ઑકે અંકલ, ઇટ વૉઝ નાઇસ ટૉકિંગ ટુ યુ’ કહીને વ્હોટ્સએપમાં ડૂબી ગયો.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits

Advertisements

કુછ કુછ લોચા હૈ

ગુજ્જુભાઈએ ત્રાસ વર્તાવ્યો

***

‘લગે રહો ગુજ્જુભાઈ’ નાટકની મોટા પડદાની આવૃત્તિ જેવી આ ત્રાસદાયક ફિલ્મને સની લિયોનીનાં શરીરનાં વળાંકો પણ સહ્ય બનાવી શકે તેમ નથી.

***

cexymssukaam6n9તમે રામ કપૂર જેવો ટેલેન્ટેડ એક્ટર લો, લોકોને ગલગલિયાં કરાવવા માટે સની લિયોનીને લો ઉપરથી ડબલ મીનિંગ-વલ્ગર જોક્સ ભભરાવો, પણ જો આમાંથી એકેય ચીજમાં કશો ભલીવાર ન હોય, તો આખી ફિલ્મ રામ કપૂર જેવા એક જાયન્ટ સાઇઝના ભવાડાથી વિશેષ કશું જ રહેતી નથી. ‘કુછ કુછ લોચા હૈ’ ફિલ્મ આવો જ એક ભવાડો છે.

પતિ, પત્ની ઓર સની લિયોની

પ્રવીણ પટેલ ઉર્ફ પીપી (રામ કપૂર) મલેશિયાના ક્વાલાલુમ્પુરમાં ગ્રોસરી ચલાવતા ગુજ્જુભાઈ છે. એમની દયા ગડા જેવી ગરબા ક્વીન પત્ની કોકિલા (સુચેતા ત્રિવેદી) આખો દિવસ પૂજાપાઠમાં મગ્ન રહે છે. જિગર (નવોદિત નવદીપ છાબડા) નામનો એક જુવાન દીકરો છે, જેને ગિટાર ખંજવાળવામાં અને બાજુમાં રહેતી નૈના (એવલિન શર્મા)ની સાથે ગુટરગૂં કરવામાંથી ફુરસદ મળતી નથી. બસ, એટલે આ રંગીલા પીપી બેઠાં બેઠાં ફિલ્મ સ્ટાર શનાયા (સની લિયોની)નાં સપનાં જોયા કરે છે.

એક દિવસ એમનાં સપનાં હકીકતમાં પલટાઈ જાય છે, જ્યારે એક ચંબુ જેવો ગેમ શો જીતીને એ શનાયાને મળે છે. પોતાની આગામી ફિલ્મના એક ગુજરાતી પાત્રની રિસર્ચ માટે શનાયા સામેથી પીપીભાઈના ઘેર પધરામણી કરે છે અને લોચાઓની હારમાળા સર્જાય છે.

ભવાડોત્સવ

એક હાડોહાડ થર્ડક્લાસ ફિલ્મમાં હોય તેવા તમામ ચવાયેલા ટ્રેક અહીં ઠૂંસવામાં આવ્યા છે. એ જોતાં ગલગલિયાં કરાવતી ફિલ્મ પણ કેવી ન બનાવવી જોઇએ એ માટે આ ‘કુછ કુછ લોચા હૈ’ પાઠ્યપુસ્તક જેવી ફિલ્મ છે. આ લિસ્ટ જોઇને કહો કે આમાંથી કયો ટ્રેક તમને નવો લાગે છેઃ એક ગુજરાતી પરિવાર છે જે ગ્રોસરી સ્ટોર ચલાવે છે. એ લોકો સવાર-સાંજ ખમણ-ઢોકળાં-હાંડવો-ફાફડા ખાય છે. પત્ની રોજ સવારે ગરબા ગાય છે. પતિ પોતાની પત્નીને ડફોળ સમજે છે અને બધા જ પુરુષોને મન સ્ત્રીમાત્ર સેક્સને પાત્ર એવું જ સમીકરણ વસેલું છે. સની લિયોની ફિલ્મ સ્ટાર છે અને આડકતરી રીતે આપણને ભાષણ આપતી ફરે છે કે હું પડદા પર જે કંઈ કરું છું એ બધું મારા પ્રોફેશનના ભાગરૂપે છે, બાકી હું કંઈ એવી છોકરી નથી. પરંતુ જેવી તક મળે છે કે સની પોતાનાં કપડાં જાણે અંદર માંકડ ચટકા ભરતા હોય એમ કાઢી નાખે છે. સાંભળીએ તો હસવું આવવાને બદલે ચીડ ચડે એવા ડબલ મીનિંગ જોક્સ આવે છે. એક ગે પાત્ર આવે છે, જેના ચેનચાળા જોઇને એક ઊંધા હાથની અડબોથ ઝીંકવાનું મન થાય. એક નકલી બાપની સામે બબ્બે હાજર થઈ જાય છે વગેરે વગેરે. આ બધા ટ્રેક્સ એટલા ચવાઈ ગયા છે કે એને ચ્યુઇંગમ સાથે સરખાવીએ તો ચ્યુઇંગમ પણ બદનક્ષીનો દાવો ઠોકી દે.

ફિલ્મની શરૂઆતમાં આપણને કહેવાય છે કે આ ફિલ્મ ‘બાબાચી ગર્લફ્રેન્ડ’ નામના મરાઠી નાટકનું ઍડપ્ટેશન છે. પરંતુ આપણે તો ડિટ્ટો આ જ સ્ટોરીલાઇન પર બનેલું સિદ્ધાર્થ રાંદેરિયાનું ‘લગે રહો ગુજ્જુભાઈ’ નાટક જોયું છે, એટલે આપણને તો એ જ યાદ આવે. પરંતુ એ નાટક આખું સિદ્ધાર્થભાઈએ પોતાના ખભે ઊંચકેલું હતું. અહીં રામ કપૂરના ખભા એમના શરીર જેવા જ વિશાળ હોવા છતાં એ ફિલ્મને ઊંચકી શક્યા નથી. એક તો તેઓ ગુજ્જુ લાગતા નથી. એમના પરાણે કાઢેલા ગુજરાતી ઉચ્ચારોમાંય કૃત્રિમતા દેખાય છે. બીજા એક સિનિયર ગુજરાતી કલાકાર મેહુલ બુચે પણ આ ફિલ્મમાં એવો રોલ કર્યો છે કે આપણા મોંમાંથી ‘હાયહાય, મેહુલભાઈ, સાવ આવું?’ નીકળી જાય.

આ ફિલ્મ જોવા થિયેટર સુધી લાંબા થયેલા લોકોને ખેંચી લાવવાનું એકમાત્ર કારણ છે સની લિયોની. એક તો એ સિલિકોન બ્યુટિને એક્ટિંગ આવડતી નથી. બીજું, એને જે આવડે છે એ જ એ દર બીજી ફિલ્મમાં રિપીટ કર્યા કરે છે, જે ક્યાં સુધી સહન થાય? હા, મજા પડે એવું નવીન એ થયું છે કે અહીં સની લિયોનીએ ગુજરાતી સાડી પહેરી છે, ગરબા ગાયા છે, ‘ડોબા’ અને ‘આવડે છે’ જેવા પરચુરણ ગુજરાતી શબ્દોય બોલ્યા છે. સની લિયોની માટે તો આટલું પરફોર્મન્સ ઓસ્કરવર્ધી કહેવાય, ખરું ને?

આખી ફિલ્મમાં એકમાત્ર પોઝિટિવ પોઇન્ટ હોય, તો તે છે અન્ડરરેટેડ ગુજરાતી અભિનેત્રી સુચેતા ત્રિવેદી. ફિલ્મની શરૂઆતને એ પોતાના ગુજરાતી ગૃહિણીના ઠસ્સાદાર અભિનયથી લિટરલી હાઇજૅક કરી લે છે. પરંતુ ડિરેક્ટર દેવાંગ ધોળકિયાથી આપણો બે ઘડીનો આનંદ સહન ન થતો હોય તેમ એ સુચેતાબેનને ગાયબ કરી દે છે, તે છેક છેલ્લે લાવે છે. તે દરમિયાન આખી ફિલ્મમાં જથ્થાબંધ ગીતો, ટનબંધ ભવાડા અને કમ્પ્લિટ ત્રાસ સિવાય કશું જ નથી. અસહ્ય ગરમીની વચ્ચે ક્યારેક કમોસમી માવઠું પડી જાય એમ કોઈ સીનમાં ભવાડા એ હદ વટાવી જાય કે આપણે હસી પડીએ. પરંતુ હદ તો ત્યાં થાય છે, કે બતાવવા માટે કશું જ ન હોવા છતાં આ ફિલ્મ અઢી કલાક સુધી માલગાડીના ડબ્બાઓની જેમ લંબાયે જ જાય છે. વચ્ચે ગરમીમાં ફૂટી નીકળેલાં વંદાઓની જેમ ફૂટી નીકળતાં ભંકસ ગીતો. હા, એકમાત્ર આર. ડી. બર્મને કમ્પોઝ કરેલું ‘આઓ ના ગલે લગાઓ ના’ આવીને આપણી બળતરા પર થોડો બર્નોલ લગાવે છે એટલું જ. સુચેતા ત્રિવેદી સિવાય કોઈની એક્ટિંગમા કશો ભલીવાર નથી. એમાંય નવોદિત નવદીપ છાબડા તો એ હદે દયામણો છે કે ફિલ્મમાં ગિટારિસ્ટ હોવા છતાં એને સરખું ગિટાર પકડતાં પણ નથી આવડતું.

ટૉર્ચર મટિરિયલ

‘રામ ગોપાલ વર્મા કી આગ’ કે  ‘હમશકલ્સ’ જેવી ફિલ્મો મીડિયામાં વગોવાઈ જાય છે, પરંતુ આવી જમીનમાં દટાયેલી સુરંગ જેવી ફિલ્મો ગમે ત્યારે ગમે તેને હડફેટે લઈ લે છે. આ ફિલ્મ માત્ર ત્રણ જ સંજોગોમાં સહન કરી શકાયઃ એક, તો તમે કોઈની સામે દુશ્મની કાઢવા માગતા હો અને તેને આ ફિલ્મની ટિકિટો ગિફ્ટ કરી શકો. બે, તમને આ ગરમીમાં લૂ લાગી ગઈ હોય અને તમારું દિમાગ બહેર મારી ગયું હોય. ત્રણ, તમે ઝાલિમ જમાનાથી ત્રાસીને આ ફાની દુનિયા એસીની ઠંડકમાં છોડી જવા ઈચ્છતા હો. એના કરતાં ‘ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું’ વધુ એકવાર જોઈ કાઢો એ વધારે હિતાવહ છે.

રેટિંગઃ (અડધો સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits

Advertisements

ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી

કુછ તો ગડબડ હૈ, બક્ષીબાબુ

***

સ્ટાઇલ, સેટિંગ ઇન્ટરેસ્ટિંગ. ફિલ્મ? બોરિંગ.

***

detectivebyomkeshbakshy1‘બ્યોમકેશ બક્ષી’ નામ પડે એટલે જાસૂસી વાર્તાશોખીનોના કાન સરવા થઈ જાય. કેમ કે, નેવુંના દાયકામાં બાસુ ચેટર્જીએ રજિત કપૂરને લઇને જે ટેલિવિઝન સિરીઝ બનાવેલી તે આજે યુટ્યૂબ પર પણ એટલી જ પોપ્યુલર છે. શરદિંદુ બંદોપાધ્યાય નામના બંગાળી લેખકે આર્થર કોનન ડોયલના ‘શેરલોક હોમ્સ’ પરથી પ્રેરણા લઇને ડિટેક્ટિવ પાત્ર સર્જેલું, ‘બ્યોમકેશ બક્ષી.’ (જોકે બ્યોમકેશ પોતાની જાતને ‘ડિટેક્ટિવ’ નહીં, બલકે ‘સત્યાન્વેશી’ કહેવડાવવાનું વધારે પસંદ કરે છે.) આ પાત્ર આજે આઠ દાયકા પછીયે એટલું પોપ્યુલર છે કે બંગાળીમાં તેની ત્રણ ફિલ્મોની ટ્રિલજી ચાલી રહી છે, જ્યારે બે વર્ષ પહેલાં ટેલેન્ટેડ ફિલ્મકાર ઋતુપર્ણો ઘોષ તેના પર ‘સત્યાન્વેશી’ ફિલ્મ બનાવીને ગુજરી ગયેલા. હવે ખબર પડે કે હિન્દી ફિલ્મોમાં ટેલેન્ટનો તરખાટ મચાવનારા દિબાકર બેનર્જી પણ બ્યોમકેશ બક્ષી પર ફિલ્મ બનાવી રહ્યા છે, ત્યારે ચાહકો ‘દયા ટપુ કે પાપા ગડા’ની જેમ ગરબાનો એક આંટો મારી લે. શુક્રવારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉમાં ફિલ્મ જોયા પછી બે તદ્દન વિરોધાભાસી પ્રતિક્રિયાઓ સામે આવે. વિવેચકો ‘ખૂબ ભાલો, ખૂબ ભાલો’ કરતાં ફિલ્મ પર ઓવારી ગયા હોય, જ્યારે થિયેટરમાં શૉ ચાલુ કરવા પૂરતા પાંચ જણા પણ મળતા ન હોય. ત્યારે આપણે ‘દયા’ને બદલે ‘એસીપી પ્રદ્યુમ્ન’ની જેમ પૂછી બેસીએ કે, ‘કુછ તો ગરબડ હૈ, બાબુમોશાય.’

ક્લુ મિલતે ગયે, સિક્રેટ ખૂલતા ગયા

વાત છે, ઈ.સ. ૧૯૪૨ના કોલકાતાની. અજિત બેનર્જી (આનંદ તિવારી) નામનો જુવાનિયો બીજા એક જુવાનિયા બ્યોમકેશ બક્ષી (સુશાંત સિંઘ રાજપૂત) પાસે આવીને કહે છે કે મારા પપ્પા બે મહિનાથી ગાયબ છે, શોધી આપ. એટલે શીખાઉ જાસૂસ એવા બ્યોમકેશનું દિમાગ કામે લાગી જાય છે. એ એક પછી એક અંકોડા મેળવવા માંડે છે, પરંતુ એક જવાબ નવા સવાલો અને હત્યાઓ લઇને સામે આવે છે. છેલ્લે જ્યારે આખી બાજી છત્તી થાય છે, ત્યારે ખબર પડે છે કે આખાયે ખૂની ખેલની ચોપાટ બહુ મોટી હતી.

આમાર શોનાર કલકત્તા

આપણે ભલે ઝાઝી હૉલીવુડની ફિલ્મો જોતા ન હોઇએ, પરંતુ જાણવા જેવી વાત એ છે કે ત્યાં ગાય રિચી નામના ટેલેન્ટેડ ડિરેક્ટરે ‘આયર્ન મેન’ ફેમ અભિનેતા રૉબર્ટ ડાઉની જુનિયરને લઇને ‘શેરલોક હોમ્સ’ની ફિલ્મસિરીઝ ફરીથી શરૂ કરી છે. આ ફિલ્મોમાં અત્યારના યુગની સ્ટાઇલો સાથે વિક્ટોરિયન યુગનું ઇંગ્લેન્ડ જીવંત કરવામાં આવ્યું છે. કંઇક આવી જ ગણતરી ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ના ડિરેક્ટર દિબાકર બેનર્જીના દિમાગમાં પણ ચાલતી લાગે છે. દિબાકરનો બ્યોમકેશ બીજા વિશ્વયુદ્ધના ગાળામાં કેસ સોલ્વ કરે છે, પરંતુ વચ્ચે આવતાં ગીતો અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અત્યારની કોઈ સ્ટાઇલિશ થ્રિલરની જ યાદ અપાવે છે. થિયેટરની સીટ જાણે કોઈ ટાઇમ ટ્રાવેલ મશીન હોય એ રીતે આપણે સાત દાયકા પહેલાંના કોલકાતામાં પહોંચી જઇએ છીએ. ટ્રામ, ઘોડાગાડી, માણસ દ્વારા ખેંચાતી રિક્ષા, વિન્ટેજ ગાડીઓ, મિલનાં ભૂંગળાં, હવાઈ બોમ્બમારા પહેલાં વાગતી સાઇરનો, ‘લાઇફ’ અને ‘ઇન્સાઇડ ડિટેક્ટિવ’ જેવાં મેગેઝિનો, એ સમયની જાહેરખબરો-ફિલ્મો આ બધાંથી છલકાતું ઑથેન્ટિક કલકત્તા. ફિલ્મનો સ્ક્રીન જાણે કેનવાસ હોય એ રીતે બેનર્જીએ વીતેલા યુગનું કલકત્તા ચીતર્યું છે. એટલે આર્ટ ડિરેક્શનને ફુલ માર્ક્સ. અલગ અલગ એન્ગલ્સથી શૉટ્સ ઝીલતી સિનેમેટોગ્રાફી પણ એકદમ મસ્ત છે.

થ્રિલ કિધર હૈ, બાંગડુ?

આજે તમે ૧૯૯૩માં આવેલી બાસુ ચેટર્જીની ‘બ્યોમકેશ બક્ષી’ સિરિયલનો કોઈ પણ હપ્તો યુટ્યૂબ પર જોવાનું શરૂ કરો એટલે પાંચેક મિનિટમાં તો તમે રીતસર તેમાં ખૂંપી જાઓ. અફસોસ, કે બેનર્જીની આ ફિલ્મમાં એવું કશું થતું નથી. ફિલ્મની શરૂઆતમાં એક ગુનો થતો બતાવાય, પરંતુ ત્યારપછી ફિલ્મ આપણે ફ્રસ્ટ્રેટ થઈ જઇએ એટલી ધીમી ગતિએ આગળ વધે છે. વચ્ચે એક્સાઇટમેન્ટના છુટાછવાયા ચમકારા આવે, પરંતુ અઢી કલાક લાંબી આ ફિલ્મ ભારે પીડાદાયક સાબિત થાય છે. આ પ્રકારની મર્ડર મિસ્ટ્રી ફિલ્મમાં હોવી જોઇએ એવી થ્રિલ અહીં જરાય અનુભવાતી નથી. ક્લાઇમેક્સ આવતાં સુધીમાં રહસ્ય શું હતું તે જાણવાની આપણી ઈચ્છા લગભગ મરી પરવારે છે. ફિલ્મને રિયલિસ્ટિક બનાવવાની લાલચમાં ઘણાં બધાં દૃશ્યોમાં કોઈપણ જાતનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક મુકાયું નથી. તેને કારણે ફિલ્મ ઓર શુષ્ક લાગે છે.

જાસૂસી વાર્તાઓની મજા એ હોય છે કે જાસૂસની સાથોસાથ દર્શક પણ સતત વિચારતો રહે. જ્યારે અહીં બેનર્જીએ અને એમની સહલેખિકા ઉર્મિ જુવેકરે શરદિંદુ બંદોપાધ્યાયની પહેલી વાર્તા ‘સત્યાન્વેશી’ પર એટલા બધા ઇન્ટરનેશનલ વળ ચડાવ્યા છે કે કયો છેડો ક્યાં અડે છે એ પૂરેપૂરું સમજવા માટે તમારે આખી ફિલ્મ બીજી વાર જોવી પડે. છતાંય કેટલાક સવાલો તો વણઉકલ્યા જ રહી જાય. ઉપરથી યાદ રહી જાય એવા સ્માર્ટ વનલાઇનર્સ પણ અહીં શોધ્યા જડતાં નથી.

યે વોહ બ્યોમકેશ નહીં હૈ

ડિરેક્ટર દિબાકર બેનર્જીના કહેવા પ્રમાણે આ બ્યોમકેશ બક્ષીની ‘કમિંગ ઑફ એજ’ એટલે કે મુખ્ય પાત્ર બાળસહજમાંથી મૅચ્યોર થાય તેવી ફિલ્મ છે. કંઇક અંશે ‘મૅકિંગ ઑફ બ્યોમકેશ બક્ષી’ જેવી. પરંતુ આપણે જે બ્યોમકેશને જોયો છે (ખાસ કરીને સુપર્બ રજિત કપૂર તરીકે), એ સ્માર્ટ છે, ડૅશિંગ છે, બહાદૂર છે અને બેવકૂફ તો જરાય નથી. જ્યારે આ સુશાંત સિંઘવાળા બ્યોમકેશને તો લાશ જોઇને જ ઊલટી થવા માંડે છે. એક ઝાપટભેગો જમીનદોસ્ત થઈ જાય છે. એને કોઈ આરામથી ગેરમાર્ગે દોરી શકે છે. અને રામજાણે આ બ્યોમકેશની આઇબ્રો આટલી ગંદી રીતે જોડાયેલી શા માટે રાખી હશે? કોઈ ગમે તે કહે, એક ડિટેક્ટિવ જેવો તેજસ્વી હોવો જોઇએ એવું તેજ સુશાંત સિંઘના ચહેરા પરના એકેય ખૂણેથી ટપકતું નથી. તોય પોતાનું નામ બોલે ત્યારે ‘જેમ્સ બોન્ડ’ની સ્ટાઇલ મારીને કહે, ‘બક્ષી, બ્યોમકેશ બક્ષી.’ દિબાકર બેનર્જીએ કહ્યું છે કે મારે વીતેલા જમાનાના સોશિયો-પોલિટિકલ માહોલ પર કોઈ ટિપ્પણી નથી કરવી. તેમ છતાં ફિલ્મમાં બ્યોમકેશ બક્ષી પહેલું જ વાક્ય ગાંધીજીની વિરુદ્ધનું બોલે છે કે, ‘ગાંધીજી જેલમાં જાય કે બહાર રહે, એનાથી મને કશો ફરક પડતો નથી.’ શા માટે ભઈ?

શેરલોક અને એનો આસિસ્ટન્ટ ડૉ. વૉટસન હોય કે બાસુ ચેટર્જીના રજિત કપૂરના આસિસ્ટન્ટ બનેલા ટેલેન્ટેડ કે. કે. રૈના હોય, એ બંને વચ્ચેની કેમિસ્ટ્રી એકદમ પરફેક્ટ હતી. જ્યારે અહીં ‘બ્યોમકેશ’ અને ‘અજિત’ વચ્ચે કોઈ મેલજોલ દેખાતો નથી. આ કંઈ ડિટેક્ટિવ સિરિયલ થોડી છે કે આગળના હપ્તાઓમાં એ કેમિસ્ટ્રી વિકસવાનો ટાઇમ મળે? ‘અજિત બેનર્જી’ બનેલા અદાકાર આનંદ તિવારીનું કોમિક ટાઇમિંગ અને એક્ટિંગ સુપર્બ છે, પણ અહીં એમાંનું કશું જ દેખાતું નથી.

એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં માત્ર એક જ વ્યક્તિ યાદ રહે છે, અને તે છે અદાકાર નીરજ કવિ. નીરજભાઇને આપણે ગુજરાતી આનંદ ગાંધીની ‘શિપ ઑફ થિસિયસ’માં જૈન સાધુના પાત્રમાં જોયેલા. એક્ચ્યુઅલી, ઓછાં દૃશ્યો છતાં એમનું પાત્ર એટલું સશક્ત રીતે લખાયું છે કે તે ખુદ બ્યોમકેશ કરતાં પણ વધારે સ્માર્ટ અને જાંબાઝ લાગે છે. ઉપરથી કસાયેલા અભિનેતા નીરજે જે શૅડ્સ ઉપસાવ્યા છે, એની સામે બિચારા સુશાંતની હાલત વાવાઝોડામાં સૂકા પાંદડા જેવી થઈ છે. ફિલ્મમાં સ્ટાઇલ ઉમેરવા માટે દિબાકર બેનર્જીએ સ્નેહા ખાનવલકર તથા અન્ય સંગીતકારો પાસેથી એક્સપરિમેન્ટલ મ્યુઝિક તૈયાર કરાવ્યું છે, જે ઘણા લોકોને શીખંડમાં કોકમ નાખ્યું હોય એવું વિચિત્ર લાગશે.

ડિફેક્ટિવ ડિટેક્ટિવ

વિવેચકો ભલે આ ફિલ્મને સૂંડલા ભરી ભરીને સ્ટાર્સની લહાણી કરે, પરંતુ આપણા માટે ચુકાદો સ્પષ્ટ છે. ભલે આ ફિલ્મ ટેલેન્ટેડ દિબાકર બેનર્જીની હોય, નખશિખ જાસૂસી ફિલ્મ હોય, ભલે તેમાં વીતેલા યુગના કલકત્તાની મસ્ત ટાઇમટ્રાવેલ હોય, પરંતુ આખી ફિલ્મ અત્યંત ધીમી, કન્ફ્યુઝિંગ અને લાંબી છે. એના કરતાં બાસુ ચૅટર્જીની રજિત કપૂર સ્ટારર ‘બ્યોમકેશ બક્ષી’ સિરિયલ આજે પણ એટલી જ પાવરફુલ છે. હજી તો આ ફિલ્મની સિક્વલનું પણ ગાજર પણ લટકાવી રાખ્યું છે. આશા રાખીએ તેમાં બ્યોમકેશ બક્ષી મૅચ્યોર થઈ ગયો હોય.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

બદલાપુર

વેદનાનું ઘોડાપુર

***

શ્રીરામ રાઘવનની ‘બદલાપુર’ સીધો સવાલ પૂછે છે કે જો ગુનો ક્યારેય ફળતો ન હોય, તો બદલો-વેર ક્યારેય ફળે ખરું?

***

badlapur_ver2_xxlg‘બદલાપુર’ ફિલ્મની સ્ટોરી ઇટાલિયન ક્રાઇમ કથાઓના લેખક માસિમો કાર્લોત્તોની એક વાર્તા પરથી લેવામાં આવી છે. આ લેખકે એક મુલાકાતમાં કહ્યું છે કે, ‘(વાર્તાને અંતે) સારાં પાત્રો જીતે ને ખરાબ પાત્રો હારે જ એમાં મને જરાય રસ નથી. મને રસ છે વાસ્તવિકતામાં.’ આવી જ ગડમથલમાં મૂકી દે છે અગાઉ ‘એક હસીના થી’, ‘જ્હોની ગદ્દાર’ જેવી અફલાતૂન ફિલ્મો બનાવી ચૂકેલા શ્રીરામ રાઘવનની નવી પેશકશ ‘બદલાપુર’. આ ફિલ્મ જોઇને આપણને પહેલો સવાલ જ એ થાય કે સાચે જ વેરથી વેર શમે ખરું? બદલો લીધા પછી નાયક અને ખલનાયક, સારા અને નરસા વચ્ચે કોઈ ભેદ રહે છે ખરો?

કુહાડી પોતાનો ઘા ભૂલે, પણ ઝાડ ભૂલે ખરું?

પુણેમાં બે ગુનેગાર લાએક (નવાઝુદ્દીન સિદ્દીકી) અને હર્મન (વિનય પાઠક) બંને એક બૅંક લૂંટીને ભાગી રહ્યા છે. એમાં રાઘવ ઉર્ફ રઘુ (વરુણ ધવન)ની પત્ની મીશા (યામી ગૌતમ) અને ટેણિયો દીકરો અડફેટે આવી જાય છે. એક જ પળમાં બધું જ ગુમાવી બેઠેલો રઘુ બદલો લેવા નીકળી પડે છે. મુંબઈની સેન્ટ્રલ લાઇન પરના ‘બદલાપુર’ સ્ટેશન પર ઊતરીને ત્યાં એક ઘર રાખીને રહી પડે છે. આ તરફ નવાઝુદ્દીન પકડાય છે. એને વીસ વર્ષ જેલની સજા થાય છે, પણ રઘુ કશું ભૂલતો નથી કેમકે હિસાબ અધૂરો છે. વર્ષો વીતે છે. નવાઝુદ્દીન જેલમાંથી છૂટે છે અને રઘુના વેરનું તીર પણ પણછમાંથી છૂટે છે. ખૂબ બધું લોહી વહે છે, પણ આખરે કોના હાથમાં શું આવે છે?

દૂઝતો ઘા, ટપકતી વેદના

અગાઉનાં વર્ષોમાં ફિલ્મની જાહેરખબર સાથે એવું લટકણિયું આવતું કે, ‘શરૂઆત ચૂકશો નહીં, ને અંત કોઈને કહેશો નહીં.’ ‘બદલાપુર’ની ટૅગલાઇન પણ એ જ છે, ‘ડૉન્ટ મિસ ધ બિગિનિંગ’. ફિલ્મના પહેલા જ સીનમાં, શરૂ થયાની પહેલી ત્રણેકે મિનિટમાં જ આપણને આખી ફિલ્મનો સૌથી મોટો આઘાત લાગે છે. આ આઘાતની વેદના ફિલ્મના દરેક સીનમાંથી લોહીની જેમ સતત ટપકતી રહે છે. સ્વજનોને ગુમાવવાનો દુઝતો ઘા લઇને હીરો વરુણ આખી ફિલ્મમાં ભટકતો રહે છે, અને એની સાથે ઇમોશનલી જોડાવા માટે આપણે પણ આ ફિલ્મને છેક ‘નંબરિયાં પડે’ ત્યારથી જોવી ફરજિયાત છે.

‘બદલાપુર’ ગુડ વર્સસ ઇવિલનો જંગ હોવા છતાં તેનાથી એક ડગલું આગળ છે. અંત આવતાં સુધીમાં શેતરંજની બાજી પલટાઈ જાય અને આપણે ત્રિશંકુની જેમ કન્ફ્યુઝનમાં રહી જઇએ કે આમાં સારું કોણ ને નઠારું કોણ? હીરો જીતે તો ખુશ થઇએ, પણ વિલન હારે તેનો આપણને આનંદ ન થાય તો? ફ્રેન્ચમાં જેના માટે ‘નિઓ નુઆર’ એટલે કે ‘ન્યૂ બ્લૅક’ શબ્દપ્રયોગ થાય છે, તેવી આ બદલાપુર ફિલ્મ જોવા માટેનાં એકથી વધુ કારણો છે.

કારણ નં. ૧. નવાઝુદ્દીન સિદ્દીકી. આ અદાકાર જો દક્ષિણ ભારતમાં જન્મ્યો હોત તો અત્યાર સુધીમાં એનાં દોઢેક ડઝન જેટલાં મંદિરો બની ચૂક્યાં હોત. એક વિકૃત, અડિયલ, ક્રૂર, સનકી ક્રિમિનલના પાત્રમાં એ એટલો ડીપલી ઘૂસી ગયો છે કે તમારું રોમેરોમ એને ધિક્કારવા માંડે. એને ક્યાંય પોતાના કર્યા પર પસ્તાવો થતો નથી. પોતાની જિદ્દ, પોતાની ટણી એ છેક સુધી છોડતો નથી. ‘શમિતાભ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન કહે છે કે ‘હાથ-પગ, મ્યુઝિક, સ્પેશ્યલ ઇફેક્ટ્સથી તો કોઈ પણ એક્ટિંગ કરી જાણે. માત્ર બોલીને એક્ટિંગ કરે એ સાચો અભિનેતા.’ એ વ્યાખ્યા શબ્દશઃ ‘બદલાપુર’ના નવાઝુદ્દીનને લાગુ પડે છે. ફિલ્મના મોટાભાગના સીનમાં જ્યાં તાળીઓ પડે છે, તે નવાઝુદ્દીનના ખાતે જ જમા થાય છે.

કારણ નં. ૨. શ્રીરામ રાઘવન. આ માણસ પાસે દર વર્ષે કાન પકડીને એકથી એક ચડિયાતી ફિલ્મો બનાવડાવવી જોઇએ. એક સિમ્પલ ક્રાઇમ થ્રિલરમાં બારીક નકશીકામ કરીને તેને મનોવૈજ્ઞાનિક સ્તરે લઈ ગયા છે રાઘવન અન્ના. ગયા વર્ષે આવેલી મોહિત સૂરીની ફિલ્મ ‘એક વિલન’ જે કોરિયન ફિલ્મ પરથી બનેલી તે ‘આઈ સૉ ધ ડેવિલ’ પણ આ જ પ્રકારની રિવેન્જ સાગા હતી. તેમાં વિલનને મારવા માટે મરણિયા થયેલા હીરોને કહેવામાં આવે છે કે, ‘જો ભાઈ, રાક્ષસને મારવા માટે આપણે રાક્ષસ બનવાની જરૂર નહીં.’ પરંતુ ક્રિમિનલની સાઇકોલોજી સમજવા માટે સર્જકે તો વિલનની જેમ વિચારવું જ પડે. ડિરેક્ટરે હીરો પાસે એવાં કામ કરાવ્યાં છે, જે જોઇને આપણું ટ્રેડિશનલ દિમાગ કકળી ઊઠે. ઝાઝી બકબક કર્યા વિના એક માણસ લોહી નિંગળતો છરો ધોતો હોય એ જોઈને આપણને ખબર પડી જાય કે હવે પછી આપણને શું જોવા મળવાનું છે. આવા બોલ્યા વિના કહી જતા ઘણાં દૃશ્યો ફિલ્મમાં વેરાયેલાં પડ્યાં છે. ઉપરાંત દરેક પાત્રની પાછળ રહેલી પોતીકી બૅકસ્ટોરી અને એમનાં આંતરસંબંધો. માશાઅલ્લાહ! ઇવન એમણે ફિલ્મમાં મ્યુઝિક પણ ફિલ્મ વેચવા માટે નહીં, બલકે સચિન-જિગર પાસેથી ફિલ્મની સ્ટોરીને આગળ ધપાવવા માટે લીધું હોય એ રીતે પરફેક્ટ્લી બ્લૅન્ડ કરીને મૂક્યું છે.

કારણ નં. ૩. એક્ટિંગ. સારો ડિરેક્ટર એને જ કહેવાય જે પથ્થર પાસેથી પણ ઈમોશન્સ ઓકાવી શકે. અહીં શ્રીરામ રાઘવને સ્વીટ, ઇનોસન્ટ, ચાર્મિંગ વરુણ ધવનને હળવેકથી એક સાઇકોપેથમાં કન્વર્ટ થતો બતાવ્યો છે. એ પૂરેપૂરો કન્વિન્સિંગ નથી લાગતો છતાં તદ્દન મિસકાસ્ટ પણ નથી જ. ફિલ્મમાં બધાં જ ફીમેલ કેરેક્ટર્સઃ પારેવા જેવી નિર્દોષ ગૃહિણી-મા (યામી ગૌતમ), એક ક્રિમિનલને ગળાડૂબ પ્રેમ કરતી ગણિકા (હુમા કુરેશી), પતિના ભૂતકાળથી અજાણ અને તેમ છતાં એને બચાવવા કોઈ પણ હદ સુધી જતી પત્ની (રાધિકા આપ્ટે), એ જ ક્રિમિનલને બહાર કાઢવા મથતી કાર્યકર (દિવ્યા દત્તા), દીકરો સાવ ખોટો સિક્કો છે એ જાણવા છતાં એને બચાવવા સંઘર્ષ કરતી પ્રૌઢા (પ્રતિમા કાઝ્મી), પોતે આખા દિવસમાં જેટલું કમાય છે એના કરતાં વધારે તો એક ગણિકા બે કલાકમાં કમાઈ લે છે એવું બેધડક સ્વીકારી લેતી ડિટેક્ટિવ (અશ્વિની પાંડે)… આ બધી જ સ્ત્રીઓના એકેએક સીનના હાવભાવ પર નજર રાખવા જેવી છે, જે ક્યાંય નકલી નથી લાગતા. ફિલ્મમાં ઇન્સ્પેક્ટર બનતા કુમુદ મિશ્રાનું સાધારણ લાગતું પાત્ર પણ ફિલ્મના અંતે જે રંગ બદલે છે અને જ્યારે તે ઊંધું વાગે છે ત્યારના તેના એક્સપ્રેશન્સ માર્ક કરજો. ઉમદા અભિનેતા વિનય પાઠકના ભાગે ઝાઝું કામ નથી આવ્યું, પણ એની લાચારી બયાન કરતો એક સીન- જે આપણા માટે બ્લેક કોમેડી સર્જે છે- તેમાં તેની હાજરી વસૂલ થઈ જાય છે.

કારણ નં. ૪. અનિલ મહેતાની સિનેમેટોગ્રાફી. સિનેમેટોગ્રાફી આખી ફિલ્મમાં ક્યાંય વાર્તા પર હાવી નથી થતી. પરંતુ તેને વાસ્તવિક ટચ આપવા માટે હલનચલન વગરના દૂરથી લેવાયેલા લૉ લેવલ લૉંગ શોટ્સ, સીસીટીવી કેમેરાની જેમ રૂમના કોઈ ખૂણેથી નજર રાખતા અને ટૉપ એન્ગલ કેમેરા એન્ગલ્સ ફિલ્મના ભયમાં વધારો કરે છે. ફિલ્મના પહેલા અને એક દૃશ્યમાં જેલમાંથી ભાગતા પાત્રને દૂરથી એક જ પ્રયત્નમાં દીવાલ ચડતો, કૂદતો બતાવ્યો છે, તે આખો સીન પણ એકેય કટ માર્યા વિના સળંગ ફિલ્માવ્યો છે, તે સિનેમેટોગ્રાફર અને ડિરેક્ટર બંનેની હિંમતનો એક પુરાવો માત્ર છે. ઈવન મુંબઈ-પુણે હાઈવેની આસપાસનું ધુમ્મસી-વરસાદી વાતાવરણ પણ ફિલ્મના હીરોની માનસિક સ્થિતિનું જ પ્રતિબિંબ પાડે છે.

કારણ નં. ૫. ડિટેઇલિંગ. બદલાપુર જોવા જાઓ તો માર્ક કરજો કે શરૂઆતની સ્ટોરી આજથી પંદર વર્ષ પહેલાંની છે એટલે ત્યારે વરુણ ધવન પાસે નોકિયાનો પથરાછાપ જૂનો ફીચર ફોન છે. પછી એ જ્યારે ‘બદલાપુર’ રહેવા જાય છે ત્યારે એના રૂમમાં એના જીવન જેવો જ ખાલીપો છે. એની રૂટિન લાઇફની ચાડી ખાતાં લૉન્ડ્રીમાંથી આવેલાં કપડાં પૅક થઇને પડ્યાં છે, બ્રેડનું પેકેટ પડ્યું છે, લાઇટોનાં ઠેકાણાં નથી એટલે મીણબત્તીઓ ટેબલ પર અને વાંચવા કાઢેલી બુક્સ પર ચોંટાડેલી છે. એ પણ એની પત્ની મીશાની જેમ ક્રાઇમ થ્રિલરો વાંચે છે એની એ ચાડી ખાય છે (અને કદાચ ખૂન કરતી વખતે રાખવાની સાવધાનીઓ પણ એ એમાંથી જ શીખ્યો હોઈ શકે). અહીં રાઘવને બ્રિટિશ લેખિકા ડેફની ડુ મોરિયેને અંજલિ આપી છે (પાત્રોને એની બુક ‘ડૉન્ટ લુક નાઉ’ વાંચતાં બતાવીને). ‘જ્હોની ગદ્દાર’માં નીલ નીતિન મુકેશ ‘જેમ્સ હેડલી ચેઝ’ વાંચતો હતો એ તો યાદ છેને?

પહેલીવાર જ્યારે વરુણ ધવન રાધિકા આપ્ટેને રૂમમાં લઈ જાય છે ત્યારે રાધિકા આપ્ટેના ચહેરા પરનાં એક્સપ્રેશન્સ, હુમા કુરેશીને પહેલીવાર ડાન્સ કરાવે છે ત્યારના પરાણે ડાન્સ કરતી વખતે એનાં એક્સપ્રેશન્સ, ઇન્સ્પેક્ટર દિવ્યા દત્તાને ‘આ કામ અઘરું નથી લાગતું?’ પૂછે છે ત્યારનાં દિવ્યાનાં એક્સપ્રેશન્સ અને એ જ ઇન્સ્પેક્ટરના હાથમાંથી જ્યારે એક દલ્લો સરકી જાય છે ત્યારે જીવ પર આવી જતી વખતે એનાં એક્સપ્રેશન્સ… નવાઝના પાત્રના દિમાગમાં આવતું પરિવર્તન, ઝાકિર હુસૈન ગૅલરીમાંથી જવાનું નામ લેતો નથી, જે રીતે વરુણનાં મમ્મી-પપ્પા વરુણનાં ઇન લૉઝ વિશે વાત કરે છે ત્યાં એમનાં પ્રેમલગ્ન પ્રત્યે ડોકાતો છૂપો-હળવો અણગમો, વીતી ગયેલાં વર્ષોને પાછાં વાળવાનાં નવાઝનાં હવાતિયાં… આ બધું જ ડિરેક્ટરની પ્રો-પરફેક્શન નજર જ બતાવે છે.

ટિકિટ ટુ બદલાપુર?

પુખ્ત વયના લોકો માટેનું સેન્સર સર્ટિફિકેટ ધરાવતી ‘બદલાપુર’માં આપણે જે જોવા ટેવાયેલા છીએ, તેવું કશું જ નહીં થાય. પાત્રો આપણા ધાર્યા પ્રમાણે વર્તશે નહીં અને ફિલ્મ જોઇને બહાર નીકળ્યા પછી જંગ જીત્યા જેવો આનંદ પણ નહીં થાય. બીજો એક મુદ્દો એ છે કે ઇન્ટરવલ પછી સ્ટૉરી ‘બદલાપુર’ને બદલે ‘દિલ-બદલાપુર’ તરફ ફંટાઈ જાય છે અને ફિલ્મ થોડી ધીમી પડે એવી ફીલ આવે છે. આ ઉપરાંત લોજિકની એરણે અમુક સવાલો પણ વણઉકલ્યા રહે છે.

તેમ છતાં જો ફિલ્મ જોયા પછી ડિરેક્ટર પર ગુસ્સો આવે (કે હીરો આવું થોડો કરે? વિલનનું આમ કેમ થઈ ગયું?), તો સમજવું કે આપણે પણ ફિલ્મના હીરોની જેમ ‘બદલાપુર’ નામના માનસિક સ્ટેશનમાં કેદ થઈ ગયા છીએ અને આપણે જેને ધિક્કારતા હતા, એ વિલન તો ક્યારનોયે તેમાંથી આઝાદ થઈ ગયો છે. બંને પક્ષે જીત તો ફિલ્મ બનાવનારની જ થાય છે. એટલે સારા-ખરાબનાં લેબલ વગર સંજોગો અને આવેશને વશ થઈ જતાં પાત્રોની ડાર્ક થ્રિલર કથામાં રસ હોય તો આ ‘બદલાપુર’ તમારી રાહ જોઈ રહ્યું છે.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements