sacred-games-1‘ધર્મોંં કા રૂપ યહી હૈ… પહલે રાહગીર કો પ્રેમ સે અપને પાસ બુલાઓ, આદર સે ભોજન ગ્રહણ કરાઓ, ફિર ઉસકી આત્મા પે કબ્ઝા કર લો…’

***

ધર્મ-સંપ્રદાય પર આટલો સચોટ અને ધારદાર કટાક્ષ છેલ્લે કયા પોપ્યુલર માસ મીડિયમમાં જોયો હતો? આપણે ત્યાં અત્યારે કડવું સત્ય બોલવાનો ઈજારો સ્ટેન્ડ અપ કોમેડિયનો પાસે જ બચ્યો હોય એવું લાગે છે. 6 જુલાઈથી ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસ ‘નેટફ્લિક્સ’ પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ મુંબઈ અન્ડરવર્લ્ડના બૅકડ્રોપમાં આકાર લેતી ક્રાઈમ કથા તો કહે જ છે, સાથોસાથ તે ધર્મ અને ધર્મના સ્વિસ નાઈફ જેવા ઉપયોગ પર પણ એકદમ લાઉડ અને બોલ્ડ સ્ટેટમેન્ટ્સ કરે છે. ગઈકાલથી ‘મૂડ ઈન્ડિગો’માં આપણે ‘સેક્રેડ ગેમ્સ’ પર વાત કરી રહ્યા છીએ.

ડિટેઇલમાં તેની વાત કરતાં પહેલાં સીધો સવાલઃ ‘સેક્રેડ ગેમ્સ’ કેવી છે? તેનો સીધો જવાબઃ અગાઉ ક્યારેય ન જોઈ હોય એવી અભૂતપૂર્વ તો નહીં જ, પરંતુ ગ્રિપિંગ અને નિઃશંકપણે મસ્ટ વૉચ. સેક્રેડ ગેમ્સની સ્ટોરીલાઈન શું છે અને 947 પાનાંની લેખક વિક્રમ ચંદ્રાની આ જ નામની નવલકથાને એપિસોડિક વેબ સિરીઝમાં કઈ રીતે અડૅપ્ટ કરવામાં આવી, તેની વાત આપણે ગઈ કાલે કરેલી. ‘સેક્રેડ ગેમ્સ’ જોતાં જોતાં બહુ બધા લોકોને ‘નેટફ્લિક્સ’ની જ મહાપોપ્યુલર વેબ સિરીઝ ‘નાર્કોસ’ યાદ આવી છે. સ્વાભાવિક છે. એક તો નેટફ્લિક્સે એવી જ ફ્લેવર ધરાવતી સિરીઝ બનાવવાની વરધી અનુરાગ-વિક્રમાદિત્ય આણિ મંડળીને આપેલી. એટલેસ્તો નાર્કોસ અને (અન્ય એક પ્રચંડ પોપ્યુલર ટીવી સિરીઝ) ‘ગેમ ઓફ થ્રોન્સ’નું મિશ્રણ કર્યું હોય તેવી ટાઈટલ ક્રેડિટ્સ, નાર્કોસની જેમ જ ચાલતું પેરેલલ સ્ટોરી ટેલિંગ, એ માટે સતત ચાલતો વોઈસ ઓવર અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટોરીટેલિંગ, સ્ટોરીની સાથોસાથ એક્ચ્યુઅલ ન્યુઝ ફૂટેજના ઉપયોગથી સ્ટોરીની વિશ્વસનીયતા અને ઈફેક્ટ વધારવાનો પ્રયાસ, નાર્કોસ જેવો જ એક એન્ટિ હીરો, તેની શોધમાં નીકળેલા પોલીસ અધિકારી, કેટ એન્ડ માઉસની ચેઝ, પ્રેમ-વ્યભિચાર, વફાદારી-દગાખોરી, દર થોડી વારે અને અચાનક થતી લોકોની કરપીણ હત્યાઓ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની આખી પૅટર્ન, પૈસા-પાવર-પોલિટિક્સનું કાતિલ કોકટેલ,ડીપ રૂટેડ કરપ્શન… આ બધું જ સેક્રેડ ગેમ્સમાં પણ ચાલે છે.

સવાલઃ ‘સેક્રેડ ગેમ્સ’ કેવી છે? તેનો સીધો જવાબઃ અગાઉ ક્યારેય ન જોઈ હોય એવી અભૂતપૂર્વ તો નહીં જ, પરંતુ ગ્રિપિંગ અને નિઃશંકપણે મસ્ટ વૉચ.

પરંતુ નાર્કોસના એન્ટિ હીરો પાબ્લો એસ્કોબાર (સુપર્બ એક્ટર વેગ્નર મોઉરા) અને ‘સેક્રેડ ગેમ્સ’ના ગણેશ એકનાથ ગાયતોંડેમાં એક મોટો તફાવત છે. એસ્કોબાર ખપ પૂરતું જ બોલતો અને મોટાભાગનું કામ ચહેરા અથવા હાથથી લેતો. જ્યારે ગાયતોંડે હાથ અને શરીરનાં અન્ય અંગોથી તો કામ લે જ છે, પણ એ અતિશય બોલે છે. અહીં ચૂપ રહેવાનું કામ સરતાજ સિંઘ બનેલા સૈફ અલી ખાનના ભાગે આવ્યું છે. નાર્કોસની જેમ સેક્રેડ ગેમ્સમાં પણ મજા એ છે કે દરેક કેરેક્ટરની પોતાની બૅક સ્ટોરી છે. મુખ્ય કેરેક્ટર એવા ગાયતોંડેની સ્ટોરી તો એણે પોતે જ કહી છે, કે ભઈ, કઈ રીતે એ મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં પોતાના પરિવારથી ત્રાસીને મુંબઈ આવ્યો અને કેવી રીતે એણે પોતાનું આખું સામ્રાજ્ય ઊભું કર્યું. એ શા માટે પોતાને ભગવાન સમજે છે એનું કારણ પણ એના પાસ્ટમાં પડ્યું છે.

બીજાં કેરેક્ટર્સની બેકસ્ટોરીઝ પણ એટલી જ અસરકારકતાથી કહેવાઈ છે. ફોર એક્ઝામ્પલ, સરતાજ સિંઘનો વફાદાર સાથીદાર કોન્સ્ટેબલ કાટેકર (મસ્ત એક્સપ્રેસિવ એક્ટર જીતેન્દ્ર જોશી) પોતાની લિમિટેડ આવકમાં મુંબઈની એક સાંકડી ખોલીમાં પોતાના બે દીકરા-પત્ની સાથે રહે છે, ઓછી મહત્ત્વાકાંક્ષાઓ અને ઓછી આવક સાથે એણે સમાધાન કરી લીધું છે. 26/11ના હુમલામાં એને ગોળી લાગેલી, તેનું ઓપરેશન કરાવવાનું છે, પણ પૈસા નથી. આ જ રીતે ગાયતોંડેના માણસો એવા બન્ટી, બડા-છોડા બદરિયા, પારિતોષભાઈ (મુનિ ઝા), કાન્તા બાઈ, અભિનેત્રી નયનિકા… પાત્રોની આવી ડૅપ્થને કારણે સ્ટોરી એકદમ ભરચક અને રિચ લાગે છે. એક માત્ર RAW ઑફિસર અંજલિ માથુર તરીકે રાધિકા આપ્ટેના પાત્રમાં ખાસ ઊંડાણ આવ્યું નથી એવું લાગે છે. એની પર્સનાલિટીમાં માત્ર સ્ત્રીઓને ડેસ્ક જોબ અને પુરુષોને ફીલ્ડ જોબ શા માટે અપાય છે તેનું ફ્રસ્ટ્રેશન એ જ એક આયામ છે. એ સિવાય એ શા માટે ડરી ડરીને કામ કરે છે અને એક RAW એજન્ટ જેવી એની પર્સનાલિટી શા માટે નથી તેની કોઈ ચોખવટ નથી.

પર્સનાલિટી પોર્ટ્રેયલની સાથોસાથ માત્ર કેમેરાથી વાત કહેવાનો પણ અહીં બખૂબી ઉપયોગ થયો છે. જેમ કે, સૈફ અલી ખાનનું સરતાજ સિંઘનું પાત્ર. સરતાજ સિંઘ એક પ્રામાણિક-માનવતાવાદી પોલીસ પિતાનો ઓછાબોલો દીકરો છે. એના પર પિતાની પ્રામાણિકતાનો વારસો જાળવવાનું નૈતિક પ્રેશર છે, બીજી બાજુ એ હાડોહાડ કરપ્ટ સિસ્ટમમાં ફસાઈ ગયો છે. એક ફેક એન્કાઉન્ટર કેસમાં ખોટી જુબાની આપવાનું પ્રેશર પણ એની માથે છે. કરિયરમાં કોઈ નોંધપાત્ર કેસ સોલ્વ ન કરી શક્યાનું મહેણું પણ એની માથે છે. પર્સનલ લેવલે પણ એ બૅકફૂટ પર છે. એની પત્ની એને છોડીને જતી રહી છે. પોતે એવા મિડલક્લાસ ઘરમાં એકલો રહે છે જેમાં ચોવીસ કલાક પાણી પણ નથી આવતું. એક સીનમાં એનું ફ્રસ્ટ્રેશન અને એકલવાયી-અસ્તવ્યસ્ત લાઈફ મસ્ત રીતે ઝીલાઈ છે. કેમેરા ફરતો રહે છે અને વિગતો ફૂટતી જાય છે. ઘર ખોલીને સૈફ અંદર આવે છે. ઘરના બારણે નેઈમ પ્લેટમાં ‘મેઘા એન્ડ સરતાજ’ વંચાય છે, ઘરમાં બંનેનો ફોટો પણ છે. લાઈટ્સ-ટીવી એક ઝાટકે ચાલુ થઈ જાય છે (મીન્સ ભાઈ સીધી મેઇન સ્વિચ બંધ કરીને ગયેલા). ટીવી પર જૂની ટેસ્ટ મેચ ચાલે છે, ટેબલ પર હિન્દી ‘ક્રિકેટ પત્રિકા’ મેગેઝિનના અંકો પડ્યા છે. મીન્સ કે પોતે ક્રિકેટનો શોખીન છે. એક સબપ્લોટ ઈમ્પોર્ટેડ ક્રિકેટ બૅટનો પણ છે. બની શકે કે કોઈ કાળે એને ક્રિકેટર બનવું હોય, પણ પોલીસમાં પરાણે આવવું પડ્યું હોય અને એની પત્ની (મેઘા) એના સતત ફ્રસ્ટ્રેશનથી જ કંટાળીને જતી રહી હોય (જો એવું હશે તો અંતે બંનેનું પુનર્મિલન પણ થશે). અત્યારે એના ઘરમાં મોઢું ધોવા માટે બાથરૂમમાં, સિંકમાં, માટલામાં, ફ્રિજમાં ક્યાંય પાણી નથી. ગંદી ગાળ બોલીને એ તપેલીનો ઘા કરે છે અને ફ્રસ્ટ્રેશનથી ચીસ પાડી ઊઠે છે. આ ટાઈપનું ડિટેલિંગ અને વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ આપણે ત્યાં બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળે છે.

તમામ કેરેક્ટર્સની જેમ અહીં મુંબઈ પોતે પણ એક કેરેક્ટર છે. આ મુંબઈ ગાયતોંડેને એક આઈડેન્ટિટી આપે છે. એક સડકછાપ મવાલીમાંથી માફિયા અને પછી એક બિઝનેસમેન બનાવે છે. એના શબ્દોમાં કહીએ તો ભગવાન બનાવે છે. સરતાજને પણ પોતાની જાતને પ્રૂવ કરવાની તક આપે છે. મુંબઈની છાતી પર બધી ગેમ રમાય છે. આ જ મુંબઈ પર અત્યારે જોખમ છે અને તેને બચાવવા સરતાજ નીકળ્યો છે. ફિલ્મી ભાષામાં કહીએ તો મુંબઈ અત્યારે ‘ડેમ્સેલ ઈન ડિસ્ટ્રેસ’ (મુશ્કેલીમાં આવેલી સુંદરી) છે.

***

અનુરાગ કશ્યપની ફિલ્મોની જેમ અહીં પણ ગ્રે શૅડ્સ ધરાવતાં પાત્રોની ભરમાર છે. ગણેશ ગાયતોંડેનો ટ્રબલ્ડ પાસ્ટ જોઈને આપણને એના પ્રત્યે થોડી હમદર્દી થાય, અને એની ખૂનામરકી જોઈને પૂરેપૂરો એને ધિક્કારવાની ઈચ્છા ન થાય. સરતાજ પ્રત્યે ભારોભાર હમદર્દી થાય, તો પોતાની જાતને બચાવવા એને ઐન મૌકે પર જૂઠનો પક્ષ લેતો જોઈને થોડી ખિન્નતા પણ થાય. કાટેકર પ્રામાણિક, ફેમિલીમેન, વફાદાર દોસ્ત હોવાની સાથોસાથ ઈસ્લામોફોબિક પણ હોય અને મનમાં એમના વિશે પૂર્વગ્રહો લઈને ફરતો હોય.

***

આ સિરીઝને વિવાદમાં મૂકનારું એક એલિમેન્ટ છે, તેમાં એકદમ રફ ભાષામાં કરાયેલી પોલિટિકલ કમેન્ટ્સ. ઈન્દિરા ગાંધી-ઈમર્જન્સી-કમ્પલ્સરી સ્ટરિલાઈઝેશન, રાજીવ ગાંધી-બોફોર્સ કાંડ, નેવુંના દાયકામાં દેશમાં છાશવારે બદલાતી સરકારો… આ બધા વિશે જે તીખાશથી અને જે ભાષામાં કમેન્ટ્સ કરાઈ છે એ અહીં લખી પણ શકાય તેવી નથી. ધર્મનો પોતાના સ્વાર્થ માટે શી રીતે ઉપયોગ કરી શકાય એ અંગ્રેજોના જમાનાની યુક્તિએ આજે પણ એક્સપાયરી ડેટ વટાવી નથી અને લોકો આજે પણ કશું શીખ્યા નથી તે વાત સેક્રેડ ગેમ્સ બરાબર સાબિત કરે છે. કેન્દ્રમાં રમાતું રાજકારણ-લેવાતા નિર્ણયો નીચેના માણસ સુધી કેવી અસર કરે છે એ વાત પણ અહીં જોઈ શકાય છે.

***

સેક્રેડ ગેમ્સનું કાસ્ટિંગ એવું મસ્ત છે કે ભાગ્યે જ કોઈ કલાકાર પોતાના કેરેક્ટરમાં મિસફિટ લાગે (સિવાય કે રાધિકા આપ્ટે). અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણે જેવા કાબેલ ડિરેક્ટર હોય તો કલાકારો પાસેથી પણ કેવું કામ કઢાવી શકે તે પણ જોવા જેવું છે. DCP પરુળકર (નીરજ કબિ), કાટેકર (જીતેન્દ્ર જોશી), બન્ટી (જતીન સરના), બિપિન ભોંસલે (ગિરીશ કુલકર્ણી), કુકૂ (કુબ્રા સૈત), પારિતોષભાઈ (મુનિ ઝા), સુભદ્રા (રાજશ્રી દેશપાંડે) જેવા કલાકારોની એક્ટિંગમાં ક્યાંય ઓવર એક્ટિંગ કે કચાશ લાગતી નથી. કોઈ પણ બે સર્જક-ડિરેક્ટરની સ્ટાઈલ અલગ હોય તે સ્વાભાવિક છે. પણ અહીં નવાઝુદ્દીનનો ટ્રેક અનુરાગ કશ્યપે અને સૈફનો ટ્રેક વિક્રમાદિત્ય મોટવાણેએ ડિરેક્ટ કર્યો હોવા છતાં તે એકબીજાથી ખાસ અલગ લાગતા નથી. હા, અનુરાગનો પોર્શન ક્યાંય વધુ ડ્રામેટિક અને ન્યુડિટી-ગાળોથી ભરચક છે.

***

બૌદ્ધ-હિન્દુ ધર્મમાં ખાસ્સું મહત્ત્વ ધરાવતી રંગોળી જેવી ‘મંડલ’ ડિઝાઈન્સનું આ સિરીઝમાં એક ઈમ્પોર્ટન્સ છે. તેને ભારતીય મિથોલોજી સાથે સાંકળીને સિરીઝના રાઈટર વરુણ ગ્રોવરે મુંબઈની ‘પ્લેક્સસ’ નામની ડિઝાઈન કંપની પાસે આ ‘સેક્રેડ ગેમ્સ’નો ટાઈટલ ટ્રેક તૈયાર કરાવ્યો છે. દરેક હપ્તામાં બનતી ઘટનાઓ અને પાત્રોનાં વર્તનને આધારે દરેક હપ્તાનાં ‘અશ્વત્થામા’, ‘અતાપિ-વતાપિ’, ‘હળાહળ’, ‘યયાતિ’ જેવાં નામ અપાયાં છે. તે પાત્રો-કથાઓને આધારે તે મંડલની ડિઝાઈનમાં પણ તેને સમાવી લેવાયાં છે. સેક્રેડ ગેમ્સનો લોગો ઝૂમ-ઈન કરીને ધ્યાનથી જોશો એટલે ખ્યાલ આવશે. ઈન્ટરનેટ પર તેને સમજાવતા આર્ટિકલ્સ પણ આવી ગયા છે.

ધર્મનો પોતાના સ્વાર્થ માટે શી રીતે ઉપયોગ કરી શકાય એ અંગ્રેજોના જમાનાની યુક્તિએ આજે પણ એક્સપાયરી ડેટ વટાવી નથી અને લોકો આજે પણ કશું શીખ્યા નથી તે વાત સેક્રેડ ગેમ્સ બરાબર સાબિત કરે છે.

***

‘સેક્રેડ ગેમ્સ’નાં ચારેકોર વખાણ થતાં હોવા છતાં ઘણા લોકોએ તેની સાથે વાંકું પાડ્યું છે. ટીકાકારો ક્યાંક પોલિટિકલી ઈન્ફ્લુઅન્સ્ડ છે, તો ઘણા બેફામ ગાળો અને બેધડક ન્યુડિટીથી ડઘાઈ ગયા છે. (એક ઓબ્ઝર્વેશનઃ મેજોરિટી ન્યુડ દૃશ્યો નવાઝુદ્દીન સિદ્દીકી સાથે સંકળાયેલાં છે, છતાં તેમાં ક્યાંય નવાઝુદ્દીનને પૂરેપૂરો નગ્ન નથી દર્શાવ્યો). સિરીઝમાં એક ટ્રાન્સજેન્ડર કેરેક્ટર છે. બૉલિવૂડની ક્લિશે સ્ટાઈલ પ્રમાણે પુરુષને સ્ત્રૈણ બતાવવાને બદલે અહીં એક સ્ત્રીને જ ટ્રાન્સજેન્ડર બતાવવાનું બોલ્ડ સ્ટેપ છે.

ઘણા લોકોએ સેક્રેડ ગેમ્સને અનુરાગ કશ્યપની અગાઉની ફિલ્મોનું જ રિપીટેશન ગણાવી છે. અહીં એક વાત નોંધવી જોઈએ કે ‘સેક્રેડ ગેમ્સ’ નવલકથા લેખક વિક્રમ ચંદ્રાએ 2006માં લખેલી. એ પછી બૉલિવૂડની ગંગામાં બહુ બધું પાણી વહી ગયું છે. ઈવન કેન્દ્રમાં સરકારો પણ એક ફુલ સર્કલ ફરી ગઈ છે. એટલે આપણે કદાચ આ સિરીઝમાં અગાઉની માફિયા ફિલ્મો સાથે પેરેલલ દોરી શકીએ, પરંતુ ઈન્ટરનેશનલ ઓડિયન્સ માટે એ વાત નવી હોય. (બાય ધ વે, દરેક મોટા માફિયા ડોનની સ્ટોરી કંઈક આવી જ નથી હોતી?!)

ફ્રેન્ક્લી, મને આ સિરીઝના આઠ હપ્તામાં ક્યાંય થ્રિલમાં ઊણપ કે રાઈટિંગ-ડિરેક્શનમાં કચાશ ન લાગી. રાધર, એક પુસ્તકનું પડદા પર અડૅપ્ટેશન કેવી રીતે કરાય તેનું આ મસ્ત એક્ઝામ્પલ છે. એટલે જ ઈન્ટરનેશનલ મીડિયામાં પણ ‘સેક્રેડ ગેમ્સ‘નાં વખાણ જ થયાં છે. બાકી જેમને ફટાફટ આગળ વધતી સ્ટોરી અને એક પછી બીજો હપ્તો જોવા મજબૂત કરે તેવા ગ્રિપિંગ-બિન્જવર્ધી (Bingeworthy) સ્ટોરીટેલિંગ છતાં જો કોઈને આ સિરીઝ ‘સ્લો’ લાગે, તેમના માટે એક સરસ એક્સરસાઈઝ છે. આંખો બંધ કરી, બંને હાથની પહેલી આંગળી બંને કાનમાં નાખીને શ્વાસ છોડતાં છોડતાં ‘ઓમ’નો ઉચ્ચાર કરવો. આવું પાંચ-પાંચ વાર, દિવસમાં ત્રણ વખત કરવાથી મન શાંત થશે અને ધીરજ વધશે! આને ‘ભ્રામરી પ્રાણાયામ’ કહે છે!

મારા તરફથી સેક્રેડ ગેમ્સને ***½ (સાડા ત્રણ સ્ટાર).

P.S. ‘સેક્રેડ ગેમ્સ’માં રાજીવ ગાંધીની બેફામ ટીકા અને તે પછી કોંગ્રેસના કોઈ નેતાએ કરેલી વાંધાઅરજીના વિવાદ પછી, રાહુલ ગાંધીએ BJP સામેનો સ્કોર સેટલ કરતી અને આપણા નેતાઓનો રેકોર્ડ જોતાં ક્યાંય મૅચ્યોર ટ્વીટ મૂકીઃ ‘મારા પિતા દેશ માટે જીવ્યા અને દેશ માટે મર્યા. એક કાલ્પનિક સિરીઝનું કોઈ પાત્ર આ (હકીકત) બદલી શકે નહીં.’ આવું બીજી કોઈ પોલિટિકલ પાર્ટી કે નેતાના કિસ્સામાં થયું હોત તો કેવું પરિણામ હોત એ વિચારવા જેવું છે. જોકે આ ટ્વીટ પછી મધુર ભંડારકરે પોતાની ફિલ્મ ‘ઈન્દુ સરકાર’ વખતે રાહુલ ગાંધી ક્યાં હતા એ વાત ઉઠાવીને કહાનીમાં ટ્વિસ્ટ આપ્યો એ જુદી વાત છે.

Leave a comment