ગોલમાલ અગેઇન

કુછ ભી ચલેગા

***

આ બાલિશ ફિલ્મમાં પણ હસવું જ હોય તો તમને કોણ રોકી શકવાનું છે?!

***

રેટિંગઃ ** (બે સ્ટાર)

***

golmal-again-2દિવાળીના દિવસોમાં આપણે ત્યાં ફૂડ સેફ્ટી ખાતું અચાનક હાઇપર એક્ટિવ મોડમાં આવી જાય છે. મીઠાઇની દુકાનો અને રેસ્ટોરાંમાં દરોડા પડે, ભેળસેળિયા વાનગીઓનાં સેમ્પલ એકઠા કરવામાં આવે અને અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આવી વાનગીઓ ઝાપટનારા લોકોને એનાથી કશો જ ફરક પડતો નથી. એમને માવા, ચીઝ, પનીરના નામે કુછ ભી ખવડાવી દો, એ લોકો બડે આરામ સે ખાઈ જશે. દિવાળીના ટાઇમે રિલીઝ થતી ‘ગોલમાલ અગેઇન’ જેવી ફિલ્મોનું પણ એવું જ છે. લોકો માત્ર એટલું જ પૂછશે, ‘કોમેડી છે?’ ‘નંગુપંગુ જોક્સ તો નથી ને?’ ‘લાવો ત્યારે, આપો દસ ટિકિટ!’

ભૂતિયાપા

ફોર અ ચૅન્જ રોહિત શેટ્ટીની આ ફિલ્મ ગોવાને બદલે ઊટીમાં આકાર લે છે (જોકે આ રોહિત શેટ્ટીનું ઊટી છે, એટલે ત્યાં જઇને ખૂણેખૂણો ફેંદી મારશો તોય તમને આ ફિલ્મ જેવું ઊટી તો નહીં જ દેખાય). બી. આર. ચોપરાના ‘મહાભારત’માં હરીશ ભીમાણીએ ‘સમય’ તરીકે જેટલી કોમેન્ટરી કરેલી, એના કરતાં સહેજ જ ઓછી કોમેન્ટરીમાં તબુ આપણને કહે છે કે ઊટીના અનાથાશ્રમમાં પાંચ બાળકો ઊછરીને મોટાં થયાં છે અને હવે અલગ અલગ ટીમો પાડીને બિલ્ડર લોકો માટે જમીનો ખાલી કરાવવાનું કામ કરે છે. તે ગેંગમાં એક છે ‘અંગુલિમાલ’ અજય દેવગણ (સ્પેલિંગ પ્રમાણે ‘દેવજ્ઞ’), અલગ અલગ ઍન્ગલથી આશ્ચર્ય પામતો રહેતો અર્શદ વારસી, જીભને ઊટીનું સાઇટસીઇંગ કરાવતો રહેતો શ્રેયસ તળપદે, માત્ર ‘ગોલમાલ’ સિરીઝની ફિલ્મોમાં અને સૈફના ઘરના પ્રસંગોએ જ દેખાતો કુણાલ ખેમુ અને ગોવિંદા પછી ‘અ આ ઈ’ની ભાષા બોલતો એકમાત્ર એક્ટર(?) તુષાર કપૂર. હજી આમાં ડુંગર પર ડંગરી પહેરીને ફરતી થાકેલી પરિણીતી ચોપરા, પાર્ટ ટાઇમમાં વોઇસ ઓવર આપતી તબુ અને અન્ય અડધો ડઝન કલાકારોનો પણ સમાવેશ થાય છે. એક મોત આ બધાં રખડતાં પાત્રોને એક છત નીચે લાવે છે. ત્યાં ખબર પડે છે કે એ મોતની પાછળ હત્યા અને એક ભટકતી આત્માનો ઍન્ગલ પણ છે.

ચાલો, ભૂત ભૂત રમીએ

આરોપીઓ ધરપકડથી બચવા આગોતરા જામીન મેળવી લે છે, એ જ રીતે રોહિત શેટ્ટીએ પણ ‘ઇસ દિવાલી, લોજિક નહીં, સિર્ફ મેજિક’ જેવી ટૅગલાઇન લખીને આગોતરા મેળવી લીધા છે. એ પછી એમને હસાવવાના નામે કુછ ભી ઠપકારવાની છૂટ મળી જાય છે. માત્ર ટાઇમપાસાર્થે આવેલા લોકોના ખિખિયાટા ઉઘરાવી લે એટલે સર્કિટ પૂરી પણ થઈ જાય છે (આમેય ભેળસેળિયા હવા, પાણી, ખોરાક, રાજકારણીઓ બધું જ પચાવી જતી ઑડિયન્સને બીજું શું જોઇએ, હેં?).

એક્ચ્યુઅલી, રોહિત શેટ્ટીએ અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતાં પાંચેક પાત્રો સફળતાપૂર્વક ડેવલપ કરેલાં. હવે એ એમને લઇને કુછ ભી રિમિક્સ ખીચડી પકાવ્યા કરે છે. આ સિરીઝની ફિલ્મોની મજા એ છે કે તેની દરેક લેટેસ્ટ રિલીઝને ‘અગાઉની ફિલ્મો કરતાં સારી’નું બિરુદ આપી શકાય છે! અત્યાર સુધીની તમામ ગોલમાલ ફિલ્મો ઉછીની સ્ટોરી પર આધારિત હતી (‘ગોલમાલ-1’ ગુજરાતી નાટક ‘અફલાતૂન’, ‘ગોલમાલ-2’ કિરણ કુમાર સ્ટારર ‘આજ કી તાઝા ખબર’, ‘ગોલમાલ-3’ જૂની હિંદી ફિલ્મ ‘ખટ્ટામીઠા’). હવે આ લેટેસ્ટ ફિલ્મ શેના પર આધારિત છે તેનો પુરાવો ન મળે ત્યાં સુધી તેને ઑરિજિનલ માનવામાં આવી રહી છે. પરંતુ એવું કહી શકાય કે આ ફિલ્મ કંઇક અંશે ‘ગોલમાલ’+‘એન્ટરટેનમેન્ટ’+‘ફિલ્લૌરી’ ટાઇપની ચાઇનીઝ ભેળ જેવું કંઇક છે.

ઑડિયન્સના IQને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઇને હસાવવા માટે રોહિત શેટ્ટી અને લેખકોએ દરેક પાત્રને અલાયદાં સિટકોમ ટાઇપની પર્સનાલિટી આપી દીધી છે. કોઈ આંગળી મરોડે, કોઈ ‘ઉં..આં’માં બોલે, કોઈ વારેવારે ભૂલીને ગાંડા કાઢવા માંડે, કોઈ જીભના વિશિષ્ટ મરોડ થકી ફની ઉચ્ચારો કાઢે વગેરે. બાકી જ્યાં કોમેડીનો મસાલો ઓછો પડતો લાગે ત્યાં ‘જોડકણાં સમ્રાટ’ રાઇટર બેલડી સાજિદ-ફરહાદને કામે લગાડવામાં આવે. જે આવા ‘સાંભાર હૈ તૌ ચટની હૈ, ઝ્યાદા ફૈલોગે તો પેન્ટ ફટની હૈ’, ‘નકલી ભૂતોં કે રામ ગોપાલ વર્મા, ચૂહોં કે જિમી શેરગિલ, ભૂતનિયોં કી બિપાશા બસુ’, ‘વાસ્તા… સડા હુઆ પાસ્તા’, ‘કલ્ટી નહીં, મૈં તો આજ-ટી પીઉંગા…’ ટાઇપની લાઇન્સનું એસેમ્બલી લાઇન પ્રોડક્શન કરી દે છે. આ લાઇનોને ફાસ્ટફૂડ પરના ચીઝની જેમ ભભરાવીને કામ ચલાવવામાં આવે છે.

હજી આ ઑલરેડી ક્રાઉડેડ ફિલ્મમાં ગિર્દી કરવા માટે અન્ય કલાકારો પણ ઠાંસવામાં આવ્યા છે. જેમ કે, પોતે હજી સ્ક્રિપ્ટ વિના પણ હસાવી શકે છે તેની ખાતરી કરાવતો જ્હોની લીવર, હું સિરિયસ એક્ટિંગ માત્ર સાઉથની ફિલ્મોમાં જ કરીશ (અને હિન્દીમાં તો ઑવરએક્ટિંગ જ કરીશ) એવી પ્રતિજ્ઞા લઇને આવેલો પ્રકાશ રાજ, વિશ્વનો એકમાત્ર ઇચ્છાધારી સાપ વ્રજેશ હિરજી, એક ‘મસાન’ એક ‘આંખો દેખી’ની સામે હું દસ ‘ગોલમાલ’ કરીશ એવી થિયરીમાં માનતા સંજય મિશ્રા, ‘મારે જેટલી એક્ટિંગ કરવાની હતી એ મેં પ્રકાશ ઝાની ફિલ્મોમાં કરી લીધી’ એવું સાબિત કરતો ‘વસૂલી ભાઈ’ મુકેશ તિવારી, ‘ગેમ ઑફ થ્રોન્સ’ને બદલે સુરજ બડજાત્યાની ફિલ્મોમાં પોતાનું ટેલેન્ટ પ્રદર્શિત કરનારો ત્રિનામધારી નીલ નીતિન મુકેશ, સરકારી આંખની હૉસ્પિટલમાંથી ચોરેલાં ડાર્ક ચશ્માં પહેરીને ફરતા સચિન ખેડેકર… સહિતના એટલા બધા કલાકારો છે કે ‘ગોલમાલ ઇલેવન’ વર્સસ ‘વર્લ્ડ ઇલેવન’ની મૅચ રમાડો તો ચિયર લીડર્સ અને ઑડિયન્સ સહિતના લોકો ભેગા થઈ જાય!

આમ તો લોજિક વાપરવાની મનાઈ છે, તેમ છતાં ભૂલથીયે સહેજ લોજિક વપરાઈ જાય તો ખ્યાલ આવે કે બદલો લોવા માટે ભટકતી પ્રેતાત્માએ ધાર્યું હોત તો તે પાંચેક મિનિટમાં જ વિલનલોગ અને ફિલ્મનો ખેલ ખતમ કરી ચૂકી હોત. પરંતુ એવું થાય તો આ ઑવરક્રાઉડેડ ફિલ્મનું શું થાય? વળી, આ ફિલ્મની ભટકતી પ્રેતાત્મા પણ ગજબ છે. તે ગુજરાતના ‘વિકાસ’ની જેમ માત્ર ‘જુબાં કેસરી’ ધરાવતા લોકોને જ દેખાય છે, બાકીના લોકો માટે તે સાબિતી વિના જ સ્વીકારી લેવાનો પ્રમેય બનીને રહી જાય છે. એક સીનમાં અજય દેવગણને ડરાવવા માટે બાકીના કલાકારો અમેરિકાના રાઇટ વિંગ એક્સ્ટ્રીમિસ્ટ ભાંગફોડિયા ગ્રૂપ ‘કુ ક્લક્સ ક્લાન’નો કોશ્ચ્યુમ પહેરીને આવે છે, જે ઑફેન્ડિંગ બની શકે, લેકિન નો. કારણ? આગોતરા જામીન! આમ તો રોહિત શેટ્ટી પોતે પણ અલગ પ્રકારનો ‘એક્સ્ટ્રીમિસ્ટ’ જ છે. એની આ ફિલ્મમાં (પણ) બધું એક્સ્ટ્રીમ જ છે. એશિયન પેઇન્ટ્સના શૅડકાર્ડ કરતાં પણ વધુ એક્સ્ટ્રીમ રંગો, એક્સ્ટ્રીમલી લાઉડ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, એક્સ્ટ્રીમલી ભંગાર રીતે રિમિક્સ કરાયેલાં ‘આતે જાતે’ અને ‘નીંદ ચુરાઈ મેરી’ જેવાં સોંગ્સ, એક્સ્ટ્રીમ ઑવરએક્ટિંગ અને અઢી કલાક ઉપરની ફિલ્મની એક્સ્ટ્રીમલી લોંગ લોંગર લોંગેસ્ટ લંબાઈ.

રોહિત શેટ્ટીની આ ફિલ્મ ખાસ્સી સેલ્ફ અવૅર પણ છે. એટલે કે તેમાં રિયલ લાઇફનાં, પોતે જે ભવાડા કરે છે તેનાં એક્ચ્યુઅલ રેફરન્સ પણ આવતા રહે. જેમ કે, અજય દેવગણ ‘સિંઘમ’ની સ્ટાઇલો મારે અને બીજા કલાકારો એને રોકે, અજય પરિણીતી પાછળ લટ્ટુ થાય ત્યારે બાકીના કલાકારો એના ઍજ ડિફરન્સને દર્શાવવા માટે ‘ફાધર+ફિગર-‘ચીની કમ’’ના જોક્સ મારે, અજય દેવગણ પોતાની જૂની ફિલ્મોની જેમ બે કાર પર ઊભો રહીને એન્ટ્રી મારે, ટાઇટલ સોંગમાં ખુદ રોહિત શેટ્ટી કાર ડ્રાઇવ કરતો હોય, નાના પાટેકરના જોક્સ+મિમિક્રી આવે… મીન્સ એ લોકોને ખબર છે કે તેઓ માત્ર ટાઇમપાસ મનોરંજન જ પીરસી રહ્યા છે. એટલે આપણે પણ ઝાઝા ઇમોશનલ થવાની જરૂર નથી. કેમ કે, બડી બેશર્મીથી પ્રોડ્યુસર લોકોએ ફિલ્મમાં ‘ઇન્ટેક્સ’, ‘ફિનોલેક્સ’, ‘બ્રાઇટ આઉટડૉર લાઇટ્સ’, ‘ચિંગ્સ સિક્રેટ’, ‘પેટીએમ’, ‘ક્વૉલિટી વૉલ્સ આઇસક્રીમ’, ‘બીઇંગ હ્યુમન બાઇસિકલ્સ’ વગેરેની આપણા માથા પર વાગે એ રીતે જાહેરખબરો લઈ લીધી છે. યાને કે ફિલ્મનો ખર્ચો નીકળી ચૂક્યો છે, આપણે તો બસ તેમને નફો જ કરાવી રહ્યા છીએ!

વ્હોટ્સ યૉર IQ?

એક્ચ્યુઅલી, ‘ગોલમાલ સિરીઝ’ હવે ‘સિક્વલ ફટીગ’થી પીડાવા લાગી છે. તેનાં પાત્રો શું કરશે તે આપણને ખબર જ છે, એટલે એમની હરકતો આપણને હસાવતી નથી. છતાં રોહિત શેટ્ટીની આ ‘બાળફિલ્મ’માં હસવું જ છે એવું નક્કી કરીને ગયા હો તો છૂટક છૂટક દૃશ્યોમાં હસવું આવી શકે. પરંતુ ગંભીરતાથી વિચારીએ તો સમજાય છે કે ઑડિયન્સ તરીકે આપણે વધુ સારી અને મૅચ્યોર કોમેડી ફિલ્મો મેળવવાને હદકાર છીએ, સાવ આવી ફૂવડ, ચાઇલ્ડિશ, ઇમ્મૅચ્યોર ફિલ્મો નહીં. ‘ગોલમાલ અગેઇન’ને અંતે દર્શાવાતી ગૅગ રીલ પત્યા પછી રોહિત શેટ્ટી અને એમની ટીમ જે આત્મવિશ્વાસથી ‘સી યુ સૂન’નું પાટિયું બતાડે છે એ જોતાં ભવિષ્યમાં એ ‘ગોલમાલ વન્સ અગેઇન’, ‘ગોલમાલ વન મોર ટાઇમ’ કે ‘ગોલમાલ ઇન્ફિનિટી’ લઇને આવશે જ!

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

બાદશાહો

બાદબાકી દિમાગની

***

મિલન લુથરિયાની બાદશાહો પોપકોર્ન ખાધા પછીના ખાલી ખોખાની જેમ ભૂલી જવા જેવી જ છે.

***

રેટિંગઃ ** (બે સ્ટાર)

***

dcuy4ykvyaa5zdnઆજથી બે દાયકા પહેલાં મિલન લુથરિયાએ ‘કચ્ચે ધાગે’ બનાવી ત્યારે અમે બે વાતોનું અનુમાન કરેલું. એક તો એમને હૉલિવૂડની કાઉબૉય ટાઇપની ‘સ્પઘેટી વેસ્ટર્ન મુવીઝ’ ગમતી હશે અને બીજું, અમારી જેમ એમનેય તે જનાબ નુસરત ફતેહ અલી ખાઁ સાહેબ પ્રત્યે અપાર પ્રેમ છે. આજે રોકડા 21 વર્ષ પછી એમની જ બનાવેલી ‘બાદશાહો’ જોઇએ ત્યારે થાય કે એમના આ બંને પ્રેમમાં ખાસ ઓટ આવી લાગતી નથી. હા, સિરિયસનેસ અને ઇતિહાસ પ્રત્યે વફાદાર રહેવાની પ્રક્રિયામાં જરૂર ઓટ આવી છે.

કોન્સ્પિરસી થિયરી પર કાલ્પનિક ચણતરકામ

એક ક્વિક ગૂગલ સર્ચ મારતાં જાણવા મળે છે કે ઇમર્જન્સી દરમ્યાન ઇન્દિરા ગાંધીએ ખજાનાની લાલચમાં જયપુરનાં રાજમાતા ગાયત્રી દેવીના પેલેસ, જયગઢ ફોર્ટ વગેરે પર આર્મી મોકલીને તેના ચપ્પે ચપ્પાની શોધખોળ કરાવેલી. ત્રણેક મહિના સુધી સર્ચ ચલાવ્યા બાદ કશું મળ્યું નહીં, અને ડકવર્થ લુઇસની મદદ વિના આખી ક્વાયત સંકેલી લેવાઈ. ત્યારપછી વાત સંસદમાં પણ ઊછળી અને એક થિયરી વહેતી થઈ કે તે સર્ચ દરમ્યાન ખરેખર જંગી ખજાનો મળેલો, જેને ટ્રકમાં લાદીને જયપુરથી દિલ્હી ટ્રાન્સપોર્ટ કરાયેલો. થિયરી પ્રમાણે તે ખજાનાને ખૂફિયા રીતે ટ્રાન્સપોર્ટ કરવા માટે જયપુર-દિલ્હી હાઇવે પણ એક દિવસ માટે બંધ કરી દેવાયેલો. એક પેરેગ્રાફમાં લખી શકાય તેવી જાડી કોન્સ્પિરસી થિયરીના પાયા પર મિલન લુથરિયાએ વર્તમાન પોલિટિકલ માહોલને માફક આવે તેવું રંગરોગાન કરીને ટિપિકલ મસાલા સાથે પેશ કરી છે.

સો, ફિલ્મનું મજમૂન કંઇક આવું છેઃ ઇમર્જન્સીમાં સંજય ગાંધી જેવા દેખાતા સંજીવ (પ્રિયાંશુ ચૅટર્જી) નામના નેતા નસબંદી પર બનેલી શૉર્ટ ફિલ્મ જોતાં જોતાં જોધપુરની મહારાણી ગીતાંજલિ (ઇલિયાના ડીક્રુઝ)નો ખજાનો જપ્ત કરવાનું ફરમાન છોડે છે. ખજાનો શોધીને સહીસલામત દિલ્હી પહોંચાડવાની જવાબદારી છે આર્મી ઑફિસર સેહેર સિંઘ (વિદ્યુત જામવાલ)ની. જ્યારે બચાવવાની જવાબદારી છે દિલમાં વફાદારી, ખિસ્સામાં જિંદગીનું રાજીનામું અને ચહેરા પર એક જ એક્સપ્રેશન લઇને ફરતા ભવાની (અજય દેવગણ)ની. આ વરઘોડામાં પછી તો દલિયા (ઇમરાન હાશ્મી), ગુરુજી (સંજય મિશ્રા), સંજના (ઇશા ગુપ્તા), દુર્જન સિંઘ (શરદ કેલકર) જેવા લોકો પણ જોડાય છે. વચ્ચે રણની ગરમીમાં આંખો ઠારવા માટે સની લિયોની પણ એ જેના માટે પ્રખ્યાત છે તે કરી જાય છે.

નો લોજિક, નો મેજિક, ઓન્લી ઝિકઝિક

ફિલ્મસંહિતા મુજબ ‘બાદશાહો’ ‘હાઇસ્ટ’ (Heist) પ્રકારની થ્રિલર ફિલ્મ છે. આવી ફિલ્મોમાં કેટલાંક પાત્રો લૂંટ જેવું એકાદું ભાંગફોડિયું પરાક્રમ કરવા માટે ભેગાં થાય, તેનું ડિટેઇલમાં પ્લાનિંગ કરે અને પછી તે કૃત્યને અંજામ આપે. એમાં પછી કહાની મેં કંઇક ટ્વિસ્ટ પણ આવે. એ દૃષ્ટિએ એટલું માનવું પડે કે લગભગ અડધી ફિલ્મ યાને કે ઇન્ટરવલ સુધી ‘બાદશાહો’ એકદમ થ્રિલચીંધ્યા માર્ગે ચાલે છે. એક પછી એક પાત્રો ઇન્ટ્રોડ્યુસ થતાં જાય, પોતાના મિજાજના પરચા બતાવે અને એક કડક ઑપરેશન હાથ ધરવામાં આવે. એમાં એકાદ-બે ઠેકાણે તો આપણા મોંમાંથી હાયકારો નીકળી જાય એવી મોમેન્ટ્સ પણ છે. પરંતુ મિલનભાઈની આ ફિલ્મમાં એટલા બધા પ્રોબ્લેમ્સ છે કે એમની ફિલ્મની ગાડી ભારતીય રેલવેની જેમ દર થોડી વારે પાટા પરથી ખડી પડે છે.

પ્રોબ્લેમ નં. 1. હિસ્ટ્રી બોલે તો?

આ ફિલ્મને ભલે ‘પિરિયડ ડ્રામા’ કે ‘ઇમર્જન્સી પર આધારિત’ હોવાનું કહીને પ્રમોટ કરવામાં આવી હોય, પરંતુ તેને એક માઇન્ડલેસ ટાઇમપાસ એન્ટરટેનરથી એક ટકોય વધારે ગંભીરતાથી લેવાની ભૂલ કરવા જેવી નથી. શરૂઆતમાં ઇમર્જન્સીના રૅન્ડમ શૉટ્સ નાખીને ભૂતકાળમાં થઈ ગયેલાં વ્યક્તિત્વો કે ઘટનાઓને મનપસંદ રંગ આપી દેવાયો છે. એટલે આ ફિલ્મને આધાર બનાવીને આપણો કોઈ પોલિટિકલ ઑપિનિયન બાંધીએ તો ઊંધે માથે ખાબકીએ એવા પૂરા ચાન્સીસ છે. કટોકટીના કાળ સાથે પણ આ ફિલ્મને જરાતરા જ છેડો અડે છે. ઇમર્જન્સી કે ગાંધી પરિવાર વિશે આપણો એક ચોક્કસ અને પબ્લિકમાં જાણીતો ઑપિનિયન જ ઘૂંટવો હોય એ રીતે સંજય ગાંધી જેવા ગેટઅપમાં રહેલા અભિનેતા (પ્રિયાંશુ ચૅટર્જી)ને ચરિત્રહીન, દારૂબાજ બતાવવામાં આવે અને ફિલ્મમાં ફરી ફરીને આપણને ‘નસબંદી સર્વોત્તમ ઉપાય’ જેવાં બૅનર્સ-ઍડ્સ બતાવવામાં આવે. અરે, રિસર્ચના નામે માત્ર એકાદ પાનાનો જૂનો ન્યુઝ રિપોર્ટ વાંચીને બનાવી હોય તેવી આ ફિલ્મમાં મહારાણી ગાયત્રી દેવીના પાત્રને પણ ભારોભાર અન્યાય થાય-એમની બદનક્ષી થાય તે પ્રકારનું ચિત્રણ કરાયું છે. ટૂંકમાં મનફાવે તે બતાવીને શરૂઆતમાં ‘આ ફિલ્મની વાર્તાને વાસ્તવિકતા સાથે લેશમાત્ર સંબંધ નથી’ એવું ડિસ્ક્લેમર મૂકીને છટકી જવાનું. (ફિલ્મમાં જ અજય દેવગણ બોલે છે એમ, ‘મૈં કહાની બદલ દેતા હૂં!’ બસ, ફિલ્મમાં પણ એવું જ છે.)

પ્રોબ્લેમ નં. 2. કમ્પ્લિટલી નો લોજિક

તમે જો બરાબરની કડક ચા પીને ફિલ્મ જોવા ગયા હો તો ધડાધડ તમને લોજિકનાં બાકોરાં દેખાવા માંડશે. તમારું મગજ ધમપછાડા કરી કરીને પૂછશે કે, આપણા હીરોને ટિયરગેસની પણ કેમ કોઈ અસર થતી નથી? ‘રાની સા’ મહેલની ટોચે ચડીને સૌનું મનોરંજન થાય એ રીતે શા માટે પોતાનું તનોરંજન કરે છે? જે કીમતી સામાન ભરેલા ટ્રકની સિક્યોરિટી ઇન્ડિયન આર્મીના મિલિટરી ઇન્ટેલિજન્સ વિભાગના અધિકારીઓને સોંપાઈ હોય, તેની આગળ પાછળ કવર માટે કોઈ વાહન જ ન હોય? ભારતીય સૈનિકો અમુક ફૂટના અંતરેથી ગોલિયોં કી બૌછાર કરે તોય આપણા હીરોલોગને કશું ન થાય? (આ તો આપણા સૈનિકોની ક્ષમતાનું પણ અપમાન છે!) આખેઆખી ટ્રક ગાયબ થઈ જાય, પણ એક નાનકડા ગામમાં કોઈ કહેતા કોઈ તેને શોધી જ ન શકે? ખાસ કરીને ત્યારે જ્યારે રણપ્રદેશમાં મેઇન રોડ સિવાય ખાસ કશે જવાની શક્યતા જ ન હોય. શા માટે મિલિટરીનો અધિકારી નંગુપંગુ થઇને ટ્રેનમાં પ્રવાસ કરે છે? શા માટે એ શેમ્પૂની ઍડના મૉડલ જેવા લાંબા વાળ રાખીને ફરે છે? હિપોપોટેમસ જેવી ટ્રકને રોકવા માટે પોલીસ સાવ મમરાની ગૂણ જેવાં બેરિકેડ મૂકે? બંદૂકની ગોળી ખાઇને અને પોલીસનું ટૉર્ચર વેઠીને ઊભો થયેલો ઘરડો માણસ એકદમ સ્વસ્થતાથી અને ફિજેટ સ્પિનર ફેરવતો હોય એવી સરળતાથી તિજોરી ખોલી બતાવે? (એ પણ એવી તિજોરી જેના માટે અગાઉ એવું કહેવાયું હોય કે ‘યે ટ્રક નહીં, ચલતા ફિરતા બંકર હૈ!’) શા માટે (ઇમર્જન્સીમાં પણ) અજય દેવગણ ગાર્ડનમાં ટહેલવા જતો હોય તેમ જેલની અંદર-બહાર આવ-જા કરે છે? આખી જીપ રોડ પરથી ઊછળીને તળાવમાં પડે, પણ અંદર બેઠેલા લોકોને લિટરલી ઘસરકો સુદ્ધાં ન પડે!  અમાં યાર, થોડું તો વાજબી રાખો!

એક્ચ્યુઅલી, આ હાઇસ્ટ ફિલ્મમાં સૌથી મોટી લૂંટ લોજિકની જ થઈ છે!

પ્રોબ્લેમ નં. 3. રાઇટર રજત અરોરાનાં સસ્તાં વનલાઇનર્સ

જરા નોશ ફરમાવોઃ ‘આપકે સોને કા કેરેટ, મેરા કેરેક્ટર ખરાબ નહીં કર સકતા’, ‘રજાઈ, લુગાઈ ઔર લડાઈ, તીનોં બરાબર કી હોની ચાહિયે’, ‘ઔરતોં કી વજહ સે જિતને ઘર નહીં બસે, ઉતને પંગે હુએ હૈ’, ‘આંખોં મેં તભી ચમક આતી હૈ જબ ઉનમેં ખતરા હોતા હૈ’, ‘જબ બાત ઝબાન કી હો, તો જાન કી કીમત કમ હો જાતી હૈ’, ‘રાજનીતિ મેં નીતિ સે કુછ નહીં હોતા’… હજી આવાં અનેક વનલાઇનર્સ અમે ગણાવી શકીએ એમ છીએ, પરંતુ પછી તમને થિયેટરમાં ટાઇમપાસ માટે પણ કંઇક જોઇશે ને? રજત અરોરાને માલુમ થાય કે એમનાં આવાં વનલાઇનર્સ એક્સપાયરી ડૅટ વટાવી ચૂક્યાં છે અને હવે માત્ર લાફિંગ ગૅસના સસ્તા વિકલ્પ તરીકે જ તેનો ઉપયોગ થાય છે. આ પ્રોબ્લેમનો પેટા-પ્રોબ્લેમ એ છે કે વનલાઇનર્સનું પ્રમાણભાન જળવાતું નથી. દરેક પાત્ર મોં ખોલે એટલે પહેલી લાઇન તો વનલાઇનર જ ફેંકે! એવું જ લાગે કે આ લોકો પહેલાં વનલાઇનર્સ લખતાં હશે અને પછી તેની આસપાસ સ્ટોરી ગૂંથતા હશે!

પ્રોબ્લેમ નં. 4. સ્ત્રીઓનું ઑબ્જેક્ટિફિકેશન

આમ તો આ ક્રાઇમમાં ‘બાદશાહો’ પહેલી ફિલ્મ નથી, તેના ‘ક્રિમિનલો’ની સંખ્યા બહુ મોટી છે. બાદશાહોમાં જે રીતે સ્ત્રીઓ વર્તે છે, જે રીતે તે માત્ર ગ્લેમર ક્વૉશન્ટ વધારવા માટે જ છે, એ જોતાં એવું જ લાગે કે અહીં સ્ત્રીઓનું કામ પુરુષોને ‘ખુશ’ કરવાથી વિશેષ કશું જ નથી. સ્ટોરીમાં મહત્ત્વની ભૂમિકા તો ઠીક, કૅચી વનલાઇનર્સ પણ માત્ર પુરુષોને જ આપવાનાં. હજી આમાં એકદમ ચીપ ‘અન્ડરગાર્મેન્ટ્સ જોક’ની તો વાત જ નથી કરી.

પરચૂરણ પ્રોબ્લેમ્સ

આ ફિલ્મનાં બધાં જ ગીતો પરાણે અને બિનજરૂરી રીતે ઠૂંસવામાં આવ્યાં છે. સ્ટોરી-કેરેક્ટર ડૅવલપ કરવામાં તેનો કોઈ જ ફાળો નથી. છતાં અમદાવાદના રસ્તાઓ પરના ખાડાની જેમ એક પછી એક ગીતો આવ્યા જ કરે છે. કદાચ સંગીતકારોને પણ આ ખબર છે (આઈ મીન, ગીતો વિશે), એટલે એમણે પણ ખાસ મહેનત કરી હોય એવું લાગતું નથી. હા, ‘રસ્કે કમર’ની વાત અલગ છે, પરંતુ તેની મજા નુસરત ફતેહ અલી ખાઁ સા’બની ઑરિજિનલ રચના સાંભળવામાં જ છે.

ફિલ્મ પ્લોટ ડ્રિવન છે, એટલે તેમાં સારી એક્ટિંગનો છેદ ઉડાડી દેવાયો છે. આમેય ફિલ્મમાં સંજય મિશ્રા અને ક્યારેક અજય દેવગણને બાદ કરતાં કોઈ કલાકાર પોતાની એક્ટિંગ માટે જાણીતો નથી. જેમ ફિલ્મમાં ઇલિયાનાનો મૅકઅપ કે હેરસ્ટાઇલ વીંખાતા નથી, એ જ રીતે અજય દેવગણના ચહેરા પરથી ‘મને કશો જ ફરક પડતો નથી’ એવું એકમાત્ર એક્સપ્રેશન પણ ભૂંસાતું નથી. ઇશા ગુપ્તા બિચારી ફિલ્મમાં માત્ર ઇમરાન હાશ્મીને એકલું ન લાગે એટલા ખાતર જ મુકાઈ હોય એવી હાલત છે એની. હા, સંજય મિશ્રા જેટલા સીનમાં છે એ તમામ સીનને એ રીતસર ખાઈ ગયા છે.

આમ તો બૉલિવૂડમાં હરિયાણવી બોલીનો અતિરેક થઈ રહ્યો છે. છતાં ‘બાદશાહો’ પરથી એટલું કહી શકાય કે તે હરિયાણવી બોલીનો ક્રેશ કૉર્સ છે. કોઇપણ હિન્દી ડાયલોગમાં ‘મારે કો’, ‘થારે કો’, ‘મૈં જાઉં કો ના’ જેવા શબ્દપ્રયોગો અને ‘ન’ને બદલે ‘ણ’ (જેમ કે, સોણા કહાં હૈ?) નાખી દો એટલે થઈ ગયું ફિલ્મનું ‘હરિયાણવીફિકેશન’!

‘બાદશાહો’માં બતાવવામાં આવેલો ટિપિકલ ખજાનો જેટલો હાસ્યાસ્પદ છે, તેના કરતાં ક્યાંય વધુ રિડિક્યુલસ તેની સ્પેશ્યલ ઇફેક્ટ્સ છે!

ખજાનાની બેલેન્સ શીટ

સવા બે કલાકની આ ફિલ્મ ક્લાઇમેક્સ સુધી પહોંચતા સુધીમાં ફુસ્સ થઈ જાય છે. અરે, ફિલ્મનું ઍન્ડિંગ પણ એવું છે કે જાણે પાત્રો કહેતા હોય, ‘હવે બહુ થયું ફિલમ-ફિલમ! મૂકો ને મગજમારી!’ ‘બાદશાહો’ની માઇલ્ડ એન્ટરટેનમેન્ટ વેલ્યૂ, સસ્તી થ્રિલ અપીલ અને સ્ટાર પાવર જોતાં એકાદ વખત ટીવી પર આવતી હોય તો જોઈ શકાય. બાકી નહીં જુઓ તો ખાસ કોઈ ખજાનો ગુમાવવા જેવું નથી.

P.S. નુસરત ફતેહ અલી ખાઁ સા’બના અવાજમાં ‘રસ્કે કમર’નું 17 મિનિટનું ઑરિજિનલ વર્ઝન આ રહ્યુંઃ

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ગેસ્ટ ઇન લંડન

posterક્યારેક તમારી પાસે ક્યાંકથી પાસ આવ્યા હશે, ક્યારેક તમે કોઈ સોશ્યલ ક્લબના મેમ્બર હોવાને નાતે ગયા હશો અથવા તો સૌથી ખરાબ સ્થિતિમાં તમે બસ્સો-પાંચસો રૂપિયાની ટિકિટ ખરીદીને જોવા ગયા હશો. વાત થઈ રહી છે એવા ફુવડ કોમેડી નાટકોની જે હસાવી હસાવીને આપણાં તમામ આંતરિક અંગો બહાર લાવી દેવાની ગૅરન્ટી આપે છે અથવા તો ‘સોશ્યલ ડ્રામા’ના નામે વેચાય છે. આવાં બે-અઢી કલાકનાં નાટકોનો એકમાત્ર હેતુ કોઇપણ ભોગે આપણને હસાવવાનો હોય છે. પોણા બે કલાક સુધી જાતભાતનાં ગાંડાઘેલા સીન આવ્યા કરે, ‘ફુવડ બૈરી’ પર જોક થાય, ‘બૈરી’ના પરિવારજનો પર જોક થાય, ફૂટડી પાડોશણને પટાવવાના સીન આવે, ડબલ મિનિંગ વનલાઇનર્સ આવે, વ્હોટ્સએપમાં ફરતા અને વાસી દહીં જેવી ગંધ મારતા જોક્સ આવે, તાળીઓ પડાવવા માટે સત્તાધારી પાર્ટીનો જય જયકાર અને બાકીની પાર્ટીઓને ઉતારી પાડતી લાઇનો આવે, પાકિસ્તાનને ભાંડતા જોક્સ પણ આવે. એ પછી કહાની અચાનક ટર્ન લે. એક ઇમોશનલ ઍન્ગલ ઉમેરાય, ભાવુક સંવાદો રેલાય અને સૌની આંખો ભીની કરી દે તેવા અંત સાથે ખાધું પીધું ને રાજ કર્યું એવા ઍન્ડ સાથે સૌ ઊભા થાય અને નાટકના કલાકારો સાથે સેલ્ફી લઇને સૌ ઘેરભેગા થાય.

– ૧૭૦ શબ્દોની આ લાંબી પ્રસ્તાવના બાંધવાનું કારણ એ છે કે ડિરેક્ટર અશ્વની ધીરની પરેશ રાવલ સ્ટારર ‘ગેસ્ટ ઇન લંડન’ ડિટ્ટો આવી જ ફિલ્મ છે. તેનો એકમાત્ર ધ્યેય છે પોણી ફિલ્મમાં તમને હસાવવાનો અને બાકીની પા ફિલ્મમાં રડાવવાનો. હસાવવા માટે પછી ગમે તેવી રેસિસ્ટ, સેક્સિસ્ટ, લાઉડ, વાહિયાત, જુવેનાઇલ કોમેડી કરવી પડે, બધું જ ચાલે. રડાવવા માટે ભલે ગમે તેવો ઇલ્લોજિકલ-બેતુકો પ્લોટ ઊભો કરવો પડે, ચોલબે.

– પાછી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ ફિલ્મનું બેઝિક પ્રિમાઇસ અશ્વનીભાઈની અગાઉની ફિલ્મ ‘અતિથિ તુમ કબ જાઓએ?’નું જ છે. યાને કે આ ફિલ્મ તેની ઓલમોસ્ટ રિમેક છે. તમે બંને ફિલ્મોનાં સીન અને સિચ્યુએશન પણ સામસામાં જોડી શકો એ હદે આઇડેન્ટિકલ. માત્ર શરૂઆતનો પોર્શન હૉલિવૂડની મસ્ત રોમકોમ ‘ગ્રીનકાર્ડ’ (1990)માંથી લીધેલો છે (તેના પરથી આપણે ત્યાં માધવન સ્ટારર ‘રામજી લંડનવાલે’ ઓલરેડી બની ચૂકી છે). જ્યારે ક્લાઇમૅક્સમાં ઇમોશનલ ઍન્ગલ ઉમેરવા માટે એક બૅકસ્ટોરી ભભરાવવામાં આવી છે.

– આર્યન (‘પ્યાર કા પંચનામા’ ફૅમ કાર્તિક આર્યન) લંડનની કોઈ સોફ્ટવેર કંપનીમાં જોબ કરે છે, પરંતુ સ્થાયી થવા માટે લંડનનું નાગરિકત્વ મેળવવું છે. આ માટે તે ત્યાં ઓલરેડી રહેતી ટેક્સી ડ્રાઇવર અનાયા (ક્યુટ કૃતિ ખરબંદા) સાથે ‘મેરેજ ઑફ કન્વિનિયન્સ’- સ્વાર્થ ખાતર કરાતાં લગ્ન કરે છે (મતલબ કે કામ પત્યે છૂટાછેડા લઈ લેવાના). પછી એમને ત્યાં દૂરના કોઈ ઓળખીતાં સગાં દંપતી પરેશ રાવલ-તન્વી આઝમીની એન્ટ્રી થાય છે. સ્વાભાવિક રીતે જ આ દેશી દંપતી ત્યાં આખું ઘર માથે લે છે અને દુષ્ટ યવનોના દેશમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ રેલાવવાના પ્રયાસો કરે છે. પરંતુ આ દંપતીનું લંડન આવવા પાછળનું એક સિક્રેટ છે, જે આપણે પોણા ભાગની ફિલ્મ સર્વાઇવ કરી જઇએ તો જાણવા મળે છે.

– આ ફિલ્મની કોમેડીનું લૅવલ કેવું છે તેનો ખ્યાલ એ વાત પરથી જ આવી જાય છે કે તેમાં ફાર્ટ યાને કે પાદ-વાછૂટ પર એક આખેઆખું અને અતિશય લાંબું ગીત છે. તેમાં પરેશભાઈ પાદવાની પ્રક્રિયાને છેક ઇન્ટરનેશનલ લેવલે લઈ ગયા છે. પ્લસ અગાઉની ફિલ્મની જેમ અહીં પણ પરેશ રાવલે સતત લાઉડ ફાર્ટ મારતા રહીને ગ્લોબલ વૉર્મિંગમાં યથાશક્તિ ફાળો આપ્યો છે.

સંજય મિશ્રાને બ્રિટિશ સરકારમાં કામ કરતા પાકિસ્તાની અધિકારીનું પાત્ર આપ્યું છે. આ ફિલ્મમાં તેમનું અસ્તિત્વ માત્ર એટલા પૂરતું જ છે, જેથી પરેશભાઈનું પાત્ર એમના પર વ્હોટ્સેપિયા પાકિસ્તાની જોક્સ મારી શકે (જેમ કે, તમને પાકિસ્તાનીઓને કાયમ ભારતીયો સાથે પ્રોબ્લેમ હોય, તમે અહીં પણ પાડોશીના ઘરમાં છુપાઈને ઘૂસવાની ફિરાકમાં જ રહો છો વગેરે).

આ ફિલ્મ હાડોહાડ રેસિસ્ટ (રંગભેદી) અને સેક્સિસ્ટ (સ્ત્રીવિરોધી) છે તેનાં બે એક્ઝામ્પલઃ એક સીનમાં તન્વી આઝમી એક બ્લૅક સ્ત્રીનાં બાળકને મસાજ કરતાં કહે છે, ‘તારી માએ તને મલાઈથી મસાજ કર્યો હોત તો આજે તું ગોરો હોત!’ બીજા એક સીનમાં એક ચાઇનીઝ યુવતીને સંબોધીને પરેશભાઈનું પાત્ર કહે છે, ‘(તું આને હેરાન કર મા) એમાંય આ તો બિચારી ચાઇનાની છે, જલ્દી ખરાબ થઈ જશે!’ રિયલી? જાણે એ યુવતી કોઈ સસ્તો મોબાઇલ હોય!

વચ્ચે વચ્ચે આવતાં રેન્ડમ દૃશ્યોમાં ક્યાંક સ્ત્રીને રસોડામાં રહેવાનું-રાંધવાનું કહેવામાં આવે છે, ક્યાંક એને બળજબરીથી લાંબાં વસ્ત્રો પહેરાવવામાં આવે છે, ક્યાંક ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિ કેવી ખાડે ગયેલી છે તેનું મહિમાગાન કરાય છે. તે સિવાય આપણને હસાવવા માટે મુકાયેલાં દૃશ્યોમાં પણ કોમેડીનું લૅવલ એટલું બાલિશ-ઍમેચ્યોરિશ-જુવેનાઇલ છે કે તેની સામે સાજિદ ખાનની ફિલ્મો પણ ઑસ્કર વિનર લાગવા માંડે!

– અરે હા, આ ફિલ્મમાં પહેલી ફિલ્મના હીરો-આપણા સિંઘમ કુમાર અજય દેવગણનો કેમિયો પણ છે. (ના, આ સ્પોઇલર નથી, બલકે આ આખી ફિલ્મ પોતે જ સ્પોઇલર છે!) ફિલ્મમાં અજય દેવગણને ન્યુ યૉર્કમાં ઊભા રહેવાનું છે. પરંતુ એમની પાસે ટાઇમ નહીં હોય, એટલે એમને સ્ટુડિયોમાં ઊભા રાખી, ડાયલોગ્સ બોલાવી અને પાછળ સ્પેશ્યલ ઇફેક્ટ્સથી ન્યુ યૉર્કનું રંગરોગાન કરી દેવાયું છે. એ સ્પેશ્યલ ઇફેક્ટ્સ પણ ‘બાલવીર’ના લેવલની જ છે.

– આવી ફૂવડ ફિલ્મ સામે ઝાઝી ફરિયાદ નથી, કેમ કે સૌ ધંધા માંડીને બેઠા છે અને સૌને ગમે તેવો માલ પીરસીને પૈસા કમાઈ લેવા છે. પરંતુ પરેશ રાવલ અને તન્વી આઝમી જેવાં કલાકારોને આવા વાહિયાત રોલમાં વેડફાતા જોઇને બશ્શેર લોહી બળી જાય છે. કાર્તિક આર્યન સરસ ક્યુટ લાગે છે, પરંતુ હજી એ ‘પ્યાર કા પંચનામા’ના હૅન્ગઑવરમાંથી બહાર નથી નીકળ્યો. કૃતિ ખરબંદા દેખાવમાં સરસ લાગે છે, એનો ચહેરો પણ એક્સપ્રેસિવ છે, પરંતુ એ જો આવી ફિલ્મો જ કરતી રહેશે તો એના બાયોડૅટામાં સાઉથની મસાલા ફિલ્મો જ ઉમેરાતી રહેશે.

એવું નથી કે રાઇટર-ડિરેક્ટર અશ્વની ધીર ખરાબ સર્જક છે. અગાઉ તેઓ શરદ જોશીની વાર્તાઓ પરથી ‘લાપતાગંજ’ના (શરૂઆતના) સ્માર્ટ હપ્તાઓનું સર્જન કરી ચૂક્યા છે. એમની ‘અતિથિ તુમ કબ જાઓગે’ પ્રમાણમાં ઘણી મનોરંજક હતી. સાઉથની રિમેક એવી ‘સન ઑફ સરદાર’ માત્ર મનોરંજનની દૃષ્ટિએ જોઇએ તો આટલી વાંધાજનક તો નહોતી જ. તો પછી આ ફિલ્મમાં શા માટે એમને પોતાની (અને આપણી પણ) ઍનર્જી વેસ્ટ કરવી પડી? નૅશન વૉન્ટ્સ ટુ નૉ!

‘ગેસ્ટ ઇન લંડન’નો માત્ર એક જ ઉપયોગ થઈ શકે, કોઈની સાથે દુશ્મની કાઢવા. જેના પર ખુન્નસ હોય તેને આ ફિલ્મ બૅક ટુ બૅક બતાવો, એ માણસ તમારા પગે પડી ન જાય તો આપણું નામ નહીં!

રેટિંગઃ (ઝીરો સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

શિવાય

કમ્પ્લિટ સર્વનાશ
***
ભગવાન શિવ પણ જો પોતાના નામે બનાવાયેલી આ ફિલ્મ જોઈ લે તો પોતાનું ત્રીજું નેત્ર ખોલીને ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને ભસ્મીભૂત કરી મૂકે.
***
1470310377_shivaay-upcoming-bollywood-action-drama-film-directed-produced-by-ajay-devgn-sunil-lulla‘શિવાય’ની શરૂઆતમાં અજય દેવગણ કોઈ બર્ફીલા પહાડની ટોંચે ઊંધે કાંધ સૂતેલો દેખાય છે. એના ડાબા હાથમાં ગાંજાની ચિલમ સળગી રહી છે. થોડી વારે એ લાંબો કશ ખેંચે છે અને અચાનક સ્પાઇડરમૅન જેવી સ્ફૂર્તિથી પ્રચંડ ઊંચા બર્ફીલા પહાડ પરથી કૂદતો કૂદતો નીચે આવી જાય છે. પછીની આખી ફિલ્મ જે રીતે આગળ વધે છે એ જોતાં પાકી ખાતરી થઈ જાય કે આ ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ આવા જ કોઈ માદક પદાર્થની અસર હેઠળ કામ કર્યું હોવું જોઇએ. નહીંતર આ હદે ત્રાસદાયક ફિલ્મ ન બને.

પરદેસિયોં સે ના અખિયાં મિલાના
શિવાય (અજય દેવગણ) હિમાલય પર વસેલા કોઈ ગામનો કાબેલ પર્વતારોહક ગાઇડ છે. એક દિવસ એની પાસે બલ્ગેરિયન યુવતી ઓલ્ગા (એરિકા કાર) સાથેની જુવાનિયાંઓની ટીમ આવે છે. સૌ એક ડૅન્જરસ પહાડ પર ચડે છે. હિમાલયના એ પહાડ પર એવું તોફાન આવે છે કે એની અસર નવ મહિના પછી એમની દીકરી ગૌરા (ઍબિગેલ ઍમ્સ) તરીકે દેખાય છે. દીકરીને જન્મ આપીને મા બલ્ગેરિયા ભેગી થઈ જાય છે અને આ બાજુ બાપ-દીકરી સુખેથી રહેવા માંડે છે. આઠ વર્ષ પછી દીકરી પોતાની મમ્મીને મળવાની જિદ્દ પકડે છે અને સ્ટોરી બલ્ગેરિયા શિફ્ટ થાય છે. બલ્ગેરિયાની માલીપા બોલી ન શકતી એ દીકરી કિડનૅપ થઈ જાય છે અને શિવાય આખું બલ્ગેરિયા ઊંધુંચત્તું થઈ જાય એવું તાંડવ ખેલી નાખે છે.

ચલા બજરંગી, દેઓલ બનને
ધારો કે ‘બજરંગી ભાઇજાન’માં ‘ગદર’ના સની દેઓલનો આત્મા પ્રવેશી જાય અને એ પાકિસ્તાનને બદલે બલ્ગેરિયામાં રોહિત શેટ્ટી છાપ ધબાધબી બોલાવી દે તો જે અંધાધૂંધી સર્જાય એને આ ‘શિવાય’ નામ આપી શકાય (બસ, બલ્ગેરિયામાં એકેય ડંકી ન મળી, નહીંતર આ શિવાયબાબુ એને પણ ઉખાડી લાવત).

‘શિવાય’ના સ્ટોરી દાતા, પ્રોડ્યુસર, ડિરેક્ટર ખુદ અજય દેવગણ પોતે જ છે. એમણે કંઇક બહુ ખર્ચો કરીને અને વાસ્કો દ ગામાની જેમ અડધી દુનિયા ખૂંદીને એણે બલ્ગેરિયાનાં ઠંડાગાર લોકેશન્સ શોધી કાઢ્યાં છે. ઍર કન્ડિશનર વગરના થિયેટરમાં જોઇએ તો પણ ધાબળો ઓઢવાની ઇચ્છા થઈ આવે એવાં જબરદસ્ત બર્ફીલાં પહાડો પર એણે શૂટિંગ કર્યું છે. એ પહાડો પર અને દર થોડી વારે આવતી દિલધડક ચૅઝ સિક્વન્સીસ વખતે સિનેમેટોગ્રાફર અસીમ બજાજના કેમેરા જે રીતે ફરે છે એ આ ફિલ્મનું સૌથી સ્ટ્રોંગ પાસું છે. એક્ચ્યુઅલી, લોકેશન્સ, કેમેરાવર્ક અને કંઇક અંશે મ્યુઝિક આ ફિલ્મનાં ઑન્લી સ્ટ્રોંગ પાસાં છે. એ સિવાયની આખી ફિલ્મ કોઈ વિશાળ સર્વનાશથી કમ નથી.

પહેલી વાત તો એ કે આ ફિલ્મની સ્ટોરી અને તેનું પ્રોગ્રેશન એટલું બધું તર્કહીન છે કે (જો જાગતા હોઇએ તો) હસી હસીને બેવડ વળી જઇએ. થોડાં સ્પોઇલર્સના જોખમે પણ એટલી ચર્ચા કરી શકાય કે, શા માટે એક બાળકીને માતા વગર ઉછેરવાની સ્થિતિ સર્જવી પડે? જો હીરો-હિરોઇન એકબીજાને પ્રેમ કરતા હોય તો હીરો તદ્દન સ્વાર્થી બનીને એવું કહી દે કે ‘તારે જવું હોય તો જા પણ આ બેબી ડિલિવર કરતી જા’?! શા માટે પીડોફાઇલ્સને અજાણ્યા દેશમાં સામે ચાલીને હીરોગીરી કરીને પડકારવા જોઇએ? પોતાની દીકરીની મમ્મી ક્યાં રહે છે એ જાણ્યા વિના બિસ્તરા બાંધીને જવાનો શો અર્થ? બીજા દેશમાં પોલીસની કે હાઈ કમિશનની મદદ લીધા વિના કામ ન થઈ શકે? એમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાની અને પ્રોપર્ટીનો ખુરદો બોલાવવાની ક્યાં જરૂર આવે? પોતાની દીકરીને શોધવા નીકળ્યો હોય, તો વચ્ચે અન્ય ગણિકાઓને છોડાવવાનું સળગતું ઉપાડવાની જરૂર ક્યાં આવે? લેકિન નો, એકવાર તમે મગજ ચલાવ્યું, તો ગયા કામથી. એટલે એ મગજને પણ તમારે બલ્ગેરિયાના બર્ફીલા પહાડોમાં ફ્રીઝ કરી દેવું પડે.

અજય દેવગણે બધાં પાત્રોને જાણે પરાણે ઍક્ટિંગ કરાવી હોય તેમ લગભગ બધા જ કલાકારો કારણ વગર સતત એકબીજાને વડચકાં જ ભર્યાં કરે છે. એમાં એ પોતે તો ખાસ. એ સતત પોતાના ત્રીજા નેત્રમાંથી જ દુનિયાને જોતો હોય તેમ ગમે તેનું બાવડું ઝાલે, ભયજનક રીતે ગાડી ચલાવતો ફરે, ગમે તેને ઊંધા હાથની અડબોથ ઝીંકી દે, ટેબલો ઊલાળે, ગાડી ફંગોળે, ‘કટપ્પા’ અને ‘બાહુબલિ’ને પણ સાગમટે કોમ્પ્લેક્સ થઈ જાય એવા ડેન્જરસ કૂદકા મારે (છતાં એને કશું જ ન થાય) આવું બધું એના રોજના ક્રમમાં સામેલ છે. બાકીના લોકો પણ ગમે ત્યારે ગ્લાસ પછાડે, ચીસો પાડે, બીજાને ટોણા મારે, ડોળા કાઢે… જાણે આખી દુનિયામાં હૈડહૈડ કરવાનો કોઈ વિચિત્ર રોગચાળો ફેલાયો હોય એવું લાગે.

સિંઘમભાઈ સેલ્ફ પ્રોક્લેઇમ્ડ ‘ભગવાન શિવ’ છે. એણે લેખક અમીશ ત્રિપાઠીની ‘શિવ ટ્રિલજી’ના પહેલા ભાગના કવર

11108280_10152719524615882_4433572155750615048_n
‘શિવાય’નો ફર્સ્ટ લુક જાહેર થયો ત્યારે જ માર્ક કરેલું કે અજયનો આ લુક તો અમીશ ત્રિપાઠીની ‘ધ ઇમ્મોર્ટલ્સ ઑફ મેલુહા’થી ઇન્સ્પાયર્ડ છે!

પેજથી ઇંસ્પાયર થઇને ટેટૂ કરાવી કાઢ્યાં છે, પણ શિવજી જેવો એકેય ગુણ એનામાં નથી. આ ફિલ્મી શિવાય અક્કલ વગરનો ગુસ્સો કરે છે, પ્રેમ તો જરાય કરી શકતો નથી, ભોળપણ એનામાં દેખાતું નથી, એ એક સેકન્ડ માટે પણ શાંત રહી શકતો નથી અને ડાન્સમાં તો એ સની દેઓલને પણ ‘હાર્લેમ શેક’ કરાવી શકે એવી કાબેલિયત ધરાવે છે!

 

બલ્ગેરિયામાં ભલે અફલાતૂન બર્ફીલા પહાડો હોય, પણ આ ફિલ્મ જોઇને એવું જ થાય કે ત્યાં તો ગુનાખોરી, હ્યુમન ટ્રાફિકિંગ સિવાય કશું જ નહીં હોય. વિદેશી વ્યક્તિઓ પ્રત્યેના ભય ‘ઝેનોફોબિયા’થી આ ફિલ્મ ભયંકર હદે પીડાય છે.

સામાન્ય રીતે મોટા બજેટની અને ‘એ’ ગ્રેડના સ્ટારની ફિલ્મોમાં બેઝિક ટેક્નિકલ લોચા ન હોય. પરંતુ અહીં ઍડિટિંગમાં જે હદે લોચા છે એવું તો કોઈ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મમાં પણ ન હોય. કેટલાય સીન એવા છે જે ગમે ત્યાં કટ થઈ જાય છે અને કશું વિચારીએ તે પહેલાં જ બીજા સીન ચાલુ થઈ જાય છે. કદાચ ઍડિટરે પણ એ જ ચિલ્લમમાંથી થોડા કશ માર્યા હોય તો કહેવાય નહીં.

એક ટિપિકલ બૉલીવુડ પોટબોઇલરની જેમ અહીં હીરો બધું જ કરી શકે છે, જથ્થાબંધ ગોળીઓમાંથી એને એકેય ન લાગે, લાગે તોય કશું જ ન થાય, એ ગમે તે સ્થિતિમાંથી પણ બચી જાય, ઇવન વિદેશના કાયદા પણ એક બાપના ઇમોશન્સમાં આઇફોનની જેમ બૅન્ડ થઈ જાય. લેકિન લોજિક એક મિનિટ કે લિયે ભી નહીં. અચ્છા, મિનિટ પરથી યાદ આવ્યું, દિવાળીના પાતળા મઠિયા જેવી સ્લિમ સ્ટોરી ધરાવતી આ ફિલ્મ પૂરા ૧૭૩ મિનિટ લાંબી છે. જો ઇન્ટરવલ ઉમેરો તો પૂરા ત્રણ કલાક. ઇવન ક્લાઇમૅક્સ પતી જાય, ભરતમિલાપ પતી જાય, પરંતુ ફિલ્મ પતવાનું નામ ન લે. ઉપરથી કારણ વિનાનાં પાત્રોની માનસિક સ્થિતિ વર્ણવતાં ગીતો આવ્યાં કરે.

અજય દેવગણની આ ફિલ્મ ગિરિશ કર્નાડ, વીર દાસ, સૌરભ શુક્લા જેવા અભિનેતાઓનો ક્રિમિનલ વેસ્ટેજ છે અને નવોદિતા સાયેશાનું કંઇક વિચિત્ર ડૅબ્યુ છે. એકમાત્ર ક્યુટ ટેણી એબિગેલને જોવાની મજા પડે છે, પરંતુ એની પાસે પણ વિચિત્ર ગુસ્સો શા માટે કરાવ્યો છે (અથવા તો એ કયાં ભેદી કારણોસર બોલી શકતી નથી પણ સાંભળી શકે છે) એની કોઈ ચોખવટ નથી. ઇવન બાપ-દીકરીની કોઈ કેમિસ્ટ્રી પણ દેખાતી નથી.

શિવાયમાં નો જવાય
આ દિવાળીએ કરણ જોહરની ચીલાચાલુ ટાઇમપાસ ફિલ્મ જોવા જાઓ કે ન જાઓ એ તમારા પર ડિપેન્ડ કરે છે, પરંતુ અજય દેવગણની ‘શિવાય’ તો ભૂલચૂકેય જોવા જવા જેવું નથી. એને બદલે મમ્મી-પપ્પા સાથે આખું ફેમિલી કોઈ નજીકના શિવમંદિરે દર્શન કરી આવશો તો આખું વર્ષ શિવજીની કૃપા વરસતી રહેશે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

દૃશ્યમ

આંખે દેખ્યું જૂઠ

***

તમારા નખની વસ્તી ઓછી કરી દે, હૃદયના ધબકારા વધારી દે, એવી આ અફલાતૂન સસ્પેન્સ થ્રિલર ફિલ્મ કોઇપણ ભોગે ચૂકવા જેવી નથી.

***

drishyamposter‘બાહુબલિ’ની ગગનચુંબી સફળતાએ સાબિત કરી આપ્યું કે એક એકથી ચડિયાતી ફિલ્મો બનાવવામાં દક્ષિણ ભારતનો ફિલ્મ ઉદ્યોગ આપણા બૉલીવુડ કરતાં દસ ડગલાં આગળ છે. તેમાં વધુ એક ઉમેરો છે ‘દૃશ્યમ.’ વાતના છેડા છેક જપાનમાં અડે છે. ૨૦૦૫માં જપાનમાં ‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ X’ નામની થ્રિલર નવલકથા એવી સુપરહિટ થઈ કે તેની વીસ લાખથીયે વધુ નકલો વેચાઈ ગઈ. તેના પરથી જપાનમાં જ ‘સસ્પેક્ટ X’ નામની ફિલ્મ બની. તેના પરથી ૨૦૧૨માં દક્ષિણ કોરિયામાં ‘પર્ફેક્ટ નંબર’ નામે ફિલ્મ બની. એ પછી વારો આવ્યો ભારતનો. મૂળ વાર્તા પરથી પ્રેરણા લઇને કેરળના ટેલેન્ટેડ ફિલ્મમેકર જીતુ જોસેફે સુપરસ્ટાર મોહનલાલને લઇને ૨૦૧૩માં ‘દૃશ્યમ’ નામે ફિલ્મ બનાવી. મલયાલમ ફિલ્મોના ઇતિહાસમાં સૌથી વધુ સફળ ફિલ્મોની યાદીમા સ્થાન પામનારી એ ફિલ્મ પછી તો બધી દક્ષિણ ભારતીય ભાષાઓમાં બની. હવે છેક હિન્દીમાં નિશિકાંત કામતે અજય દેવગણ-તબ્બુ-શ્રિયા સરનને લઇને એ જ ‘દૃશ્યમ’ નામથી તેની વધુ એક રિમેક બનાવી છે. બિલોરી કાચ લઇને જોઇએ તો દેખાતા અમુક વાંધાવચકાને બાદ કરતાં આ ફિલ્મ એક અફલાતૂન સસ્પેન્સ થ્રિલર છે, તેમાં કોઈ બેમત નથી.

સચ, જૂઠ અને સાબિતી

વિજય સાળગાંવકર (અજય દેવગણ) ગોવામાં કૅબલ સર્વિસ ચલાવે છે. પ્રેમાળ પત્ની નંદિની (શ્રિયા સરન) અને બે દીકરીઓનો સ્નેહના મજબૂત તાંતણે બંધાયેલો એનો પરિવાર. માંડ ચાર ચોપડી ભણેલા વિજયનો એક ગાંડો શોખ છે, ફિલ્મો જોવાનો. ફિલ્મો જોઈ જોઇને એનું દિમાગ એસીપી પ્રદ્યુમ્ન કરતાં પણ વધારે તેજ થઈ ગયું છે. હવે કરમનું કરવું ને ગોવાના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ મીરાં દેશમુખ (તબ્બુ)નો જુવાન દીકરો ગાયબ થઈ જાય છે. એને ગાયબ કરવાનું આળ આવે છે આ વિજય સાળગાંવકર પર. હવે સવાલ એ છે કે શું ભગવાનના માણસ જેવો દિલેર અને બચરવાળ માણસનું એ કૅસ સાથે કોઈ જોડાણ હોઈ શકે ખરું? અને આમેય કાનૂન તો સબૂત માગે ને? એ સબૂત એટલે કે પુરાવા મળશે ખરા? સવાલો ઘણા છે, જવાબ એક જ છે, ફિલ્મ પોતે.

કિલર થ્રિલર

ફિલ્મ જોતાં જોતાં ભેજાનું દહીં થઈ જાય એવી વાર્તાઓ કહેવાની એક પૅટર્ન હોય છે. શરૂઆતમાં એક ક્રાઇમ થઈ જાય અને બાકીની ફિલ્મ તેના ફોલોઅપ તરીકે આગળ વધ્યા કરે. જ્યારે આ ‘દૃશ્યમ્’નું કામકાજ એના કરતાં ઊંધું છે. શરૂઆતમાં ખાસ્સા પોણો કલાક સુધી આપણને મસ્ત ગોવાદર્શન કરાવવામાં આવે. વિજય સાળગાંવકરની નાનકડી પણ મીઠડી દુનિયા બતાવાય. એનો પરિવાર, એના મિત્રો, કરપ્ટ પોલીસવાળા સાથે એની નોંકઝોંક, એના કૅબલ સર્વિસના આસિસ્ટન્ટ સાથે એની હળવી માથાકૂટો… આપણને થાય કે આ શું ટાઇમની બરબાદી કરે છે? ઝટ મુદ્દા પર આવોને. પરંતુ જેવી એક ઘટના બને કે તરત જ ફિલ્મ સીધી ચોથા ગિયરમાં આવી જાય. એટલું જ નહીં, છેક છેલ્લી ઘડીએ આખા સસ્પેન્સનું પડીકું ખૂલે, ત્યારે આપણા દિમાગમાં અચાનક હેલોજન લેમ્પનો ઉજાસ પથરાઈ જાય કે ભઈ, શરૂઆતમાં આપણને જ્યાં સુસ્તી લાગતી હતી ત્યાં તો કેટલીયે વાતોનાં રહસ્ય છુપાયેલાં હતાં.

ફ્રાન્સમાં રૉબર્ટ બ્રેસોં નામના એક ફિલ્મમૅકર થઈ ગયા. આપણે આપણા હૃદયના ધબકારા સાંભળી શકીએ એવી થ્રિલ ઊભી કરવામાં એમની માસ્ટરી. એમની એક કોમન થીમ એ રહેતી કે વાર્તામાં શું થયું, કોણે કર્યું એ નહીં, પણ કેવી રીતે કરશે એ પ્રશ્ન હવામાં લટકતો રહેતો. બસ, આ ‘દૃશ્યમ’ એવી જ છે. અહીં જે કંઈ બને છે એ બધું જ તમારી સામે છે. છતાં તદ્દન અશક્ય લાગતી એક સ્થિતિમાંથી માણસ કેવી રીતે નીકળી શકે છે એમાં જ બધો રોમાંચ સમાયેલો છે. ખાસ કરીને ઇન્ટરવલ પછી ફિલ્મ એ હદે તમને જકડી લે છે કે દર થોડીવારે તમને છાતીમાં થડકારો થાય કે, ‘હે મા, માતાજી. હવે તો ગયા.’

બહુ ઓછી એવી ફિલ્મો હોય છે, જે થિયેટરમાંથી બહાર નીકળ્યા પછીયે તમારી સાથે રહે. ‘દૃશ્યમ’ તેમાંની એક છે. કલાકો સુધી તમે વિચાર્યા કરો કે પેલાનું શું થયું? ફલાણાનું તેમ શા માટે ન થયું? ઘણા એવીયે ફરિયાદો કરશે કે અજય દેવગણ ફેમિલી મેન છે તો પત્ની અને બે દીકરીઓને એકલાં મૂકીને રાતોની રાતો પોતાની કૅબલની ઑફિસમાં જ કેમ પડ્યો રહે છે? ફિલ્મનો પહેલો ટર્નિંગ પોઇન્ટ જ્યાં આવે છે તે સીન પૂરતો કન્વિન્સિંગ લાગતો નથી. ઉપરથી જે લોકો તેનું ઑરિજિનલ મલયાલમ વર્ઝન જોઇને બેઠા છે, તેઓ અભિનેતા મોહનલાલ (તબ્બુવાળી એમની ‘સઝા-એ-કાલાપાની’ યાદ છેને?)ના નામનો જ જયજયકાર બોલાવશે. કાયદાનાં ચશ્માં પહેરીને ફિલ્મ જોઇએ તો લાગે કે આ તો ખોટું છે યાર. તેમ છતાં તમે છેક સુધી કોનો પક્ષ લેવો તે નક્કી ન કરી શકો, તે આ ફિલ્મની સફળતા છે. ઊલટું, તમે જ્યારે એક નખશિખ થ્રિલર જોયાના સંતોષ સાથે સિનેમા હૉલની બહાર નીકળો ત્યારે તમને એવોય વિચાર આવે કે શરૂઆતમાં જે વિગતો સાવ ધીમી, બોરિંગ અને સામાન્ય જણાતી હતી, તેમાં જ ઘણાં બધાં રહસ્યો છુપાયેલાં હતાં. એ વિગતો રિકૉલ કરવા માટે તમે ફરી પાછી એકવાર ફિલ્મ જોવાનું નક્કી કરી લો.

અંગ્રેજીમાં ‘મૅક-બિલિવ’ નામનો એક શબ્દપ્રયોગ છે. જ્યારે આપણી આંખો સામે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય કે સત્ય અને છળ વચ્ચે તફાવત કરવો જ અશક્ય બની જાય. આ પ્રકારની થીમ ધરાવતી ‘કત્લ’ (સંજીવ કુમાર), ‘ડાયલ એમ ફોર મર્ડર’ (અલ્ફ્રેડ હિચકોક), ‘ધ પ્રેસ્ટિજ’ (ક્રિસ્ટોફર નોલાન), ‘નાઉ યુ સી મી’, ‘યુઝવલ સસ્પેક્ટ્સ’ (હિન્દીમાં ‘ચોકલેટ’), ‘જ્હોની ગદ્દાર’ વગેરે ક્લાસિક ફિલ્મો આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. આ હિન્દી ‘દૃશ્યમ’ એટલી મહાન છે કે નહીં તે વિશે મતભેદ હોઈ શકે, પરંતુ તેને આ કેટેગરીમાં મૂકી શકાય તે નિઃશંક વાત છે. આ લિસ્ટમાં અજય દેવગણની જ ૨૦૦૨માં આવેલી હૉલીવુડની ‘પ્રાઇમલ ફિઅર’થી પ્રેરિત ફિલ્મ ‘દીવાનગી’નો પણ સમાવેશ કરી શકાય.

શુભસ્ય શીઘ્રમ દૃશ્યમ

જો પાણીમાંથી પોરા કાઢવા બેસીએ તો ફિલ્મની ધીમી શરૂઆત અને એનર્જી વિનાની એક્ટિંગથી લઇને ગુલઝાર-વિશાલ ભારદ્વાજનાં બે ઠીકઠાક પરંતુ અહીં તદ્દન વણજોઇતાં ગીતો, અજય દેવગણની ઓછી ઇમોશનલ અપીલ, ઇન્સ્પેક્ટર જનરલ તરીકે ઓછી ટફ લાગતી તબ્બુ, વેડફાયેલા રજત કપૂર, ૧૬૩ મિનિટની લંબાઈ વગેરે ઢગલો મુદ્દા મળી શકે. પરંતુ સામે બોચીએથી પકડી લેતું સૅકન્ડ હાફનું ગજબનાક થ્રિલ, કોઈપણ બીબાંઢાળ થ્રિલર ફિલ્મથી અલગ એકદમ ફ્રેશ વાર્તા, ધીમે ધીમે અનફોલ્ડ થતું સત્ય, સબ ઇન્સ્પેક્ટર ગાયતોંડે બનતા એક્ટર કમલેશ સાવંત પર તમને ચડતી દાઝ, તરત જ ટિકિટ કઢાવી લેવાનું મન થાય તેવું (‘મસાન’ ફેમ) અવિનાશ અરુણે ઝીલેલું લીલુંછમ ગોવા જેવા અઢળક પ્લસ પોઇન્ટ્સ પણ દેખાઈ આવશે. સો વાતની એક વાત, વહેલી તકે પર્ફેક્ટ ‘ફેમિલી થ્રિલર’ એવી ‘દૃશ્યમ’ જોઈ આવો. શક્ય હોય, તો ઑરિજિનલ મલયાલમ ‘દૃશ્યમ’ જોશો તો થ્રિલનો ગુણાકાર પણ થશે. સાથોસાથ એ વાતની પ્રતીતિ પણ થશે કે અલ્ટિમેટલી તો ‘સ્ટાર પાવર’ કરતાં ‘સ્ટોરી પાવર’ વધારે મહાન હોય છે.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

સિંઘમ રિટર્ન્સ

શેટ્ટી ભાઉ, અતા ગરબડ ઝાલી!

***

પ્રમોશન પામીને પાછા ફરેલા સિંઘમની ત્રાડમાં દમ નથી.

***

singham-returns-poster-1માત્ર ભૂતકાળની ભવ્યતા પર જ રાજ કરવા નીકળો, તો લોકો ‘હમારે ઝમાને મેં’વાળા આત્મારામ તુકારામ ભીડેની જેમ હસી કાઢે. બાજીરાવ સિંઘમે ભારતીય પોલીસની ઈમેજ બદલીને તેને લગભગ સુપર હીરો સ્ટાઇલમાં પેશ કરેલા. પરંતુ તેની સિક્વલ ‘સિંઘમ રિટર્ન્સ’ પહેલા ભાગમાં વાપરેલી એકની એક ટ્રિક્સ સિવાય કશું જ નવું ઓફર કરતી નથી. એટલે જ આખી ફિલ્મ ઢીલી અને ચવાયેલી પોટબોઇલર બનીને રહી જાય છે.

વાતમાં દમ, સ્ટોરીમાં બોરડમ

બાજીરાવ સિંઘમ (અજય દેવગણ) અત્યારે મુંબઈમાં ડીસીપી તરીકે ફરજ બજાવે છે. અહીં એના પરમ આદરણીય ગુરુજી (અનુપમ ખેર) રાજકારણમાં બદલાવ લાવવા માટે એક નવો પક્ષ બનાવે છે, પરંતુ ગોડમેન ટાઇપના એક લંપટ બાબાજી (અમોલ ગુપ્તે) અને એમના રાજકારણી દોસ્ત પ્રકાશ રાવ (ઝાકિર હુસૈન)ને આ માફક આવતું નથી. એટલે તે ગુરુજીની હત્યા કરાવી નાખે છે. એ હત્યાની છાનબીનમાં સિંઘમને ખબર પડે છે કે આ બાબાજીએ તો પોતાના જ ગામ શિવગઢની બાજુના એક નાનકડા ગામની ફેક્ટરીમાં કાળું નાણું છુપાવવાની પોતાની જ સ્વિસ બેન્ક ખોલી નાખી છે. અંતે સિંઘમનો પંજો બાબાજીની બોચી સુધી પહોંચી જ જાય છે અને એ સીઆઈડીના દયા (દયાનંદ શેટ્ટી) જેવા જાંબાઝ પોલીસ અધિકારીઓની મદદથી બાબાજીની બાબાજી કા ઠુલ્લુ ટાઇપની ગેમ કરી નાખે છે.

અરે હા યાદ આવ્યું, ‘સિંઘમ રિટર્ન્સ’માં કરીના કપૂર ખાન પણ છે, જેનાં લગ્ન સિંઘમ સાથે થવાનાં છે. જોકે આખી ફિલ્મમાં એ બે મોઢે ખાવા સિવાય કશું જ કામ કરતી નથી.

ઑવર કોન્ફિડન્સ કરુ નકા

રોહિત શેટ્ટીએ સિંઘમ-1ને તમિળમાંથી અદભુત રીતે હિન્દીમાં રિક્રિયેટ કરી બતાવી હતી. એક્ટિંગ, સ્ટાઈલ, ડાયલોગ્સ, એક્શન, થ્રિલ… દરેક ડિપાર્ટમેન્ટમાં એ ફિલ્મે સેન્ચુરી મારેલી. પરંતુ તેની તમિળ સિક્વલને અનુસરવાને બદલે આ વખતે રોહિત શેટ્ટીએ આપણા દેશના વર્તમાન ઘટનાક્રમમાંથી વિગતો એકઠી કરીને ફિલ્મ બનાવી છે. હવે રોહિત શેટ્ટીનો ઓવર કોન્ફિડન્સ કહો કે આળસ, એણે આ વખતે સ્ટોરીથી લઈને લગભગ ઠેકાણે વેઠ ઉતારી છે. એટલું જ નહીં, કશુંક નવું કરવાને બદલે સિંઘમ-1ની જ બધી ફોર્મ્યૂલાઓ વાપરી છે.

પહેલા ફિલ્મની પોઝિટિવ વાતો કરી લઇએ. બાજીરાવ સિંઘમ તરીકે અજય દેવગણ અગાઉની જેમ જ જામે છે. એને જોઇને લાગે કે એક પરફેક્ટ પોલીસમેન આવો જ હોવો જોઇએ, જે ગુનાખોરી અને ભ્રષ્ટાચારને જરાય સાંખી ન લે, સાથોસાથ દયાળુ પણ એટલો જ હોય. આ વખતે સિંઘમની ટીમમાં સીઆઇડી ફેઇમ ઈન્સ્પેક્ટર દયા પણ છે. ગુનેગારોની સામે પોતાની સ્ટાઇલમાં કામ લેતી સિંઘમ આણિ મંડળીને જોવાની મજા પડે છે. સારી સિનેમેટોગ્રાફી અને સિક્વન્સીસને લીધે એક્શન દૃશ્યો દિલધડક લાગે છે. બે-ચાર ઠેકાણે ફિલ્મ સારો મેસેજ પણ આપે છે. પરંતુ અફસોસ, એ પછી તો માઇક્રોસ્કોપ લઈને બેસીએ તો પણ કશું પોઝિટિવ મળતું નથી.

અઢી કલાકની આ ફિલ્મનો લગભગ પહેલો આખો કલાક બધાં કેરેક્ટરની ઓળખ પરેડમાં જ જતો રહે છે. હીરો કેવો દમદાર છે, વિલન કેવો ખૂનખાર છે, ગુરુજી કેવા મહાન છે, હિરોઇન કેવી ફટાકડી છે… આ બધી મનોહર કહાનિયાંની માંડણીમાં મૂળ વાર્તા શરૂ જ થતી નથી. રોહિત ભાઉએ સ્ટોરીની ક્રેડિટ પોતે લીધી છે. એ સ્ટોરીના નામે એણે આમ આદમી પાર્ટી અને અણ્ણા હઝારેને લીધા અને તેની સામે વિલન તરીકે આસારામ બાપુ, સત્યસાઇ બાબા અને નિર્મલ બાબાનું કોમ્બિનેશન કરીને એક બાબા બનાવ્યા. પછી એ બંનેને ભીડાવી દીધા. તેની ઉપર બ્લેક મની ભભરાવી દીધા.

સિંઘમ રિટર્ન્સના રાઇટિંગમાં બહુ બધા રસોઇયા છે. સ્ટોરી રોહિત શેટ્ટીની, સ્ક્રીનપ્લે યુનુસ સજાવલનો અને ડાયલોગ્સ વનલાઇનર્સનો ગૃહઉદ્યોગ ચલાવતા સાજિદ-ફરહાદના. આ બધા રસોઇયાઓએ ભેગા મળીને રસોઈ એવી બગાડી છે કે એકેય ટેસ્ટ સરખો આવતો નથી. સ્ટોરી એટલી હદે પ્રીડિક્ટેબલ છે કે તમે ડાયલોગ્સ સાથે તેનું અનુમાન લગાવી શકો. પહેલા ભાગમાં હતા એ કેચી ‘અતા માઝી સટકલી’ અને ‘આલી રે આલી અતા તુઝી બારી આલી’ ટાઇપની લાઇન્સનું રિપીટેશન કરવા સિવાય કોઈ નવાં વનલાઇનર્સ પણ નાખ્યાં નથી. ખાલી એકાદ-બે જગ્યાએ મસ્તક-દસ્તક, ગતિ-પ્રગતિ જેવી વેવલી લાઇન્સ છે એટલું જ.

હીરોની સામે એક દમદાર વિલન ન હોય, તો એની હીરોગીરી જામતી નથી. અહીં મુખ્ય વિલન છે, એક્ટર-ડિરેક્ટર અમોલ ગુપ્તે. ભેજાગેપ વિલનની એક્ટિંગ કરવામાં એમની માસ્ટરી છે (વિશાલ ભારદ્વાજની ‘કમીને’ તેનું પરફેક્ટ એક્ઝામ્પલ છે). પરંતુ અમોલભાઉ ‘જયકાંત શિકરે’ જેવા ખૂનખાર લાગતા નથી. ઇન ફેક્ટ, ક્લાઇમેક્સનાં દૃશ્યોમાં તો એમના પાત્રમાં જયકાંત શિકરેનો આત્મા પ્રવેશી ગયો હોય એવું જ લાગે છે.

હવે વાસ્તવિકતાની ધરતી પર પગ રાખીને ફિલ્મ બનાવી હોય તો લોજિકનું પૂંછડું તો પાછળ આવવાનું જ. પરંતુ અહીં લોજિકના નામે ભારત-બંગલાદેશની સરહદ પર હોય છે એવડાં મોટાં બાકોરાં છે. જેમ કે, મુખ્યમંત્રી કક્ષાનો માણસ અત્યંત ગોપનીય વિગતો સૌની સામે વેરતો ફરે, ખૂબ જ મહત્ત્વના સાક્ષીને કોર્ટમાં રજૂ કરતી વખતે સાવ સામાન્ય પોકેટમાર જેવી સિક્યોરિટી હોય, જેટલો સમય જામીન મળતાં લાગે એટલામાં તો ગુનેગાર બાઈજ્જત બરી પણ થઈ જાય વગેરે.

વળી, આ ફિલ્મમાં ક્લિશે એટલે કે ચવાઈ ગયેલાં સ્ટિરિયોટાઇપ્સનો પણ પાર નથી. જેમ કે, અક્કલ વગરના સવાલો પૂછતાં મીડિયા પર્સન્સ, ભ્રષ્ટ નેતાઓ અને એમની ‘ચુનાવ સર પે હૈ’ ટાઇપની લાઇન્સ, હીરોની હીરોગીરી બતાવવા માટે પુરાતન પાષાણ યુગનાં હથિયારો લઈને લડતા ગુંડાલોગ, રાજનીતિ કો બદલ ડાલો ટાઇપની આદર્શવાદી વાતો કરતા યુવાનેતાઓ, શેરબજારિયા અને ચાયપાની આપીને માંડવલી કરતા ગુજરાતીઓ વગેરે. આ બધું જ ખોટું હોવા છતાં આપણે સાડી સત્તરસો વખત જોઈ ચૂક્યા હોઈશું.

સિંઘમ અને વિલનની ચોરપોલીસની ગેમ બતાવવામાં ઝાકિર હુસૈન, મહેશ માંજરેકર, ગોવિંદ નામદેવ, સરિતા જોશી, શરત સક્સેના જેવાં ઉમદા કલાકારોનો અક્ષમ્ય વેડફાટ થયો છે. માત્ર આંખોથી પણ ખોફ ફેલાવી દેવામાં પાવરધા એક્ટર ઝાકિર હુસૈન તો અહીં સાવ કાર્ટૂન બનીને રહી ગયા છે. અને હા, સોનાક્ષી-ઇલિયેના-કાજલ અગ્રવાલ-તમન્ના જેવી માત્ર શોભાના ગાંઠિયા જેવી હિરોઇનો માટે હોય છે એવો સાવ મેનિક્વિન જેવો રોલ કરીનાએ શા માટે સ્વીકાર્યો હશે?

મ્યુઝિક ડિપાર્ટમેન્ટમાં પણ ચાર-ચાર સંગીતકારોનાં નામ છે, પણ હરામ બરાબર જો એકેય ગીતમાં ભલીવાર હોય તો! ઈવન ફિલ્મને અંતે આવતું હની સિંઘનું ‘અતા માઝી સટકલી’ તો ‘લુંગી ડાન્સ’ની વધેલી વાસી તર્જમાંથી બનાવી નાખ્યું હોય એવું લાગે છે.

તમે સિંઘમના પરમ ભક્ત છો?

જો આ સવાલનો જવાબ તાત્કાલિક ધોરણે ‘હા’માં આવે, તો જ થિયેટર સુધી ધક્કો ખાજો. નો ડાઉટ, રોહિત શેટ્ટીની આ ફિલ્મ સુપર સફેદીવાળા વોશિંગ પાઉડરથી ધોઈ હોય એવી સાફ-સુથરી છે, પણ આપણે ટમેટાંનાં ભાવની જેમ વધી ગયેલી મલ્ટિપ્લેક્સોની ટિકિટોનું પણ વિચારવાનું ને! એટલે જો આ સાતમ-આઠમના તહેવારોમાં ઘરે સખત બોર થતા હો, તો થિયેટરમાં પૈસા ખર્ચીને બોર થઈ શકાય. નહીંતર આ ફિલ્મની ડીવીડી બહાર પડે ત્યારે નિરાંતે જોજો. ત્યાં સુધી ચેનલોમાં તો દર બીજા દિવસે સિંઘમ-1 આવતી જ રહેવાની છે!

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

મહાભારત (એનિમેટેડ મુવી)

આના કરતાં ચૌદ વર્ષનો વનવાસ સારો!

***

મહાભારત જેવી શાશ્વત કથા પરથી કેવી એનિમેટેડ ફિલ્મ ન બનાવવી જોઇએ તેનું પરફેક્ટ ઉદાહરણ છે આ ફિલ્મ.

***

mahabharat-3d-animation-movie-posterમહાભારત, ધ ગ્રેટેસ્ટ સ્ટોરી એવર ટોલ્ડ. સંખ્યાબંધ પાત્રો, દરેક પાત્રની બેકસ્ટોરી અને અત્યારના સંદર્ભમાં ચકાસવા બેસો તો તેનું જ્યોગ્રાફિકલ અનુસંધાન પણ મળી આવે. તેના વિશે સાચું જ કહેવાયું છે કે જે અહીં છે તે જ સઘળે છે, અને જે અહીં નથી તે ક્યાંય નથી. આ સંસારની બધી જ સ્ટોરીઓનું, દરેક પ્લોટનું અનુસંધાન મહાભારતની કથામાં મળી આવે. પ્રેમ, દોસ્તી, દગો, રાજકારણ, મિસ્ટ્રી, ફેન્ટેસી, ચમત્કાર, યુદ્ધ, ભક્તિભાવ કે ઇવન સાયન્સ ફિક્શનની કડીઓ પણ તમે મહાભારતમાંથી શોધી શકો. મહાભારત એટલે ભારતીય સંસ્કૃતિની એવી મહાગાથા, જે ક્યારેય જૂની થતી નથી. હજારો વર્ષો થયા પછીયે આપણને એવી ને એવી જ તરોતાજા અને નવી લાગે છે. યુગો યુગોથી અનેક સર્જકો પોતપોતાની શક્તિ અને મતિ પ્રમાણે આ કથા ફરી ફરીને કહેતા આવ્યા છે અને આવનારાં સૈકાઓમાં પણ આ ક્રમ ચાલુ જ રહેવાનો છે. આ જ ક્રમમાં વધુ એક કડી એટલે અમાન ખાન દિગ્દર્શિત એનિમેટેડ ફિલ્મ ‘મહાભારત’. પરંતુ બોલિવૂડના જથ્થાબંધ સ્ટાર્સને લઇને બનાવાયેલી આ ફિલ્મ વિશે ખુશ થવા જેવી એકેય વાત નથી.

એનિમેશન નહીં, ઝોમ્બિફિકેશન

આ ફિલ્મની સ્ટોરી એટલે કે મૂળ મહાભારતની સ્ટોરી તો ગજિનીના આમિર ખાન જેવો દિમાગી કેમિકલ લોચો ધરાવતા લોકોને પણ ખબર હોય, એટલે એમાં ઊંડા ઊતરવાની કશી જરૂર નથી. ઇવન ફિલ્મના મેકર્સ પણ મહાભારતની કથાના મુખ્ય મુખ્ય બનાવોને બાદ કરતાં એમાં ઊંડા ઊતર્યા નથી.

મહાભારત ફિલ્મ વિશે ઊડીને આંખે ખૂંચે એવી પહેલી વાત છે તેનું અત્યંત નબળું અને રાધર, ગંદું એનિમેશન. આ ફિલ્મ મોટી ઉંમરના લોકોને તો અપીલ કરી શકે એવી છે નહીં, એટલે એવું સ્વીકારી લઇએ કે બાળકો તેનું ટાર્ગેટ ઓડિયન્સ છે, તો પછી તેનું એમેચ્યોરિશ એનિમેશન બાળકોને પણ અપીલ કરી શકે એવું નથી. કારણ કે, અત્યારનાં બાળકો હોલિવૂડની લાયન કિંગ, આઇસ એજ, માડાગાસ્કર, બ્રેવ, ટેન્ગલ્ડ વૉલ ઇ, ફાઇન્ડિંગ નિમો જેવી સુપર્બ એનિમેશનવાળી ફિલ્મો જોઇ જ ચૂક્યાં છે. એટલું જ નહીં, બાળકોની ચેનલ્સમાં પણ અફલાતૂન ક્વોલિટીનું એનિમેશન પિરસાય છે. ત્યારે આ ફિલ્મનું એનિમેશન બાળકોને પણ ચાઇલ્ડિશ લાગે એ હદે બાલિશ છે. આ પ્રકારના એનિમેશનમાં નથી કોઇ પાત્રના ચહેરા પર હાવભાવ આવતા, નથી એમનું હલનચલન સ્વાભાવિક કે નથી એમના હોઠ પ્રોપર્લી ફફડતા. સોરી ટુ સે, પણ બધાં જ પાત્રો હાલતાં ચાલતાં ઝોમ્બી જેવાં દેખાય છે.

મહાભારતનું બોલિવૂડીકરણ

વળી, લોકોને આકર્ષવાના એક ભાગરૂપે હોલિવૂડ સ્ટાઇલમાં અહીં દરેક મુખ્ય પાત્ર માટે બોલિવૂડનાં સુપરસ્ટાર્સનો અવાજ લેવામાં આવ્યો છે. જેમ કે, અમિતાભ બચ્ચન (ભીષ્મ પિતામહ), શત્રુઘ્ન સિંહા (શ્રીકૃષ્ણ), અજય દેવગણ (અર્જુન), અનિલ કપૂર (કર્ણ), સન્ની દેઓલ (ભીમ), મનોજ બાજપાઇ (યુધિષ્ઠિર), જેકી શ્રોફ (દુર્યોધન), વિદ્યા બાલન (દ્રૌપદી), અનુપમ ખેર (શકુનિ), દીપ્તિ નવલ (કુંતી) વગેરે. આ સ્ટાર વેલ્યૂ ઉમેરવાની લાલચમાં દરેક પાત્રનો ચહેરો પણ જે તે સ્ટાર જેવો જ કરવામાં આવ્યો છે. એટલે ભીષ્મ પિતામહ અમિતાભ જેવા અને અર્જુન અજય દેવગણ જેવો દેખાય એવું. એટલે સુધી કે મનોજ બાજપાઇના લમણે છે તે મસો પણ અહીં યુધિષ્ઠિરના લમણે મુકાયો છે! એટલે કોઇ પાત્ર મહાભારતનું હોય એવું લાગતું જ નથી, બલકે તદ્દન ફિલ્મી લાગે છે. એમાંય સન્ની દેઓલવાળું ભીમનું પાત્ર તો એટલું ફિલ્મી લાગે છે કે જાણે હમણાં બોલી ઊઠશે, ‘યે હાથ નહીં, ઢાઇ કિલો કા હથૌડા હૈ. એક બાર પડતા હૈ તો…!’ શકુનિનો અવાજ આપનાર અનુપમ ખેરે વીતેલા જમાનાના ખલનાયક જીવનની યાદ અપાવે એવો અવાજ કાઢ્યો છે, જ્યારે એમનો લુક અનુપમના જ ભાઇ રાજુ ખેર જેવો લાગે છે. સૌથી નિરાશાજનક પોર્ટ્રેયલ શ્રીકૃષ્ણનું છે. એક તો એમનો લુક ‘અશોકા’ ફિલ્મમાં હતો એ દક્ષિણના હીરો અજિતકુમાર જેવો છે અને અવાજ શત્રુઘ્ન સિંહાએ આપ્યો છે, જે શ્રીકૃષ્ણની રમતિયાળ પર્સનાલિટીને જરાય મેચ નથી કરતો.

રિસર્ચના નામે મીંડું

આ ફિલ્મ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી એનિમેટેડ ફિલ્મ હોવાનું અને સાત વર્ષની મહેનત પછી બની હોવાનું કહેવાય છે. જો એ વાત સાચી હોય તો થોડોક ખર્ચો રિસર્ચ માટે પણ કરી લેવો જોઇતો હતો! આ તો કોઇએ માત્ર બી. આર. ચોપરાની મહાભારત સિરિયલ જોઇને આ ફિલ્મ બનાવી નાખી હોય એવું લાગે છે. કેમ કે, એક તો મહાભારતના જાણીતા પ્રસંગો સિવાય એક પણ સબપ્લોટના ઉંડાણમાં જવામાં નથી આવ્યું. એટલું પૂરતું ન હોય એમ, હસ્તિનાપુરના રાજમહેલ જયપુરના સિટી પેલેસ જેવા લાગે છે. એનાથી પણ ખરાબ, ઘણા પેલેસમાં ચોખ્ખી ઇસ્લામિક આર્કિટેક્ચરની છાંટ દેખાઇ આવે છે. હવે ઇતિહાસ કહે છે કે મહાભારતકાળમાં ઇસ્લામ ધર્મનું અસ્તિત્વ જ નહોતું. પાત્રો પાસે જે હિન્દી બોલાવવામાં આવ્યું છે તે પણ ઉર્દૂમિશ્રિત છે, જે ન હોવું જોઇએ. ઘણાં બધાં પાત્રો અને ઘટનાઓ અહીં મિસિંગ છે અથવા તો તેનો ઉપરછલ્લો જ ઉલ્લેખ છે.

હસ્તિનાપુરનું સભાગૃહ, માયામહલનું ડિઝાઇનિંગ અને યુદ્ધનાં દૃશ્યો સારાં બન્યાં છે, પરંતુ બાકીના પ્રસંગો જોઇએ તેટલા ભવ્ય નથી લાગતા, જે એક એનિમેશન મુવી પાસેથી અપેક્ષિત હોય છે. જો આ ફિલ્મનું એનિમેશન રિયલિસ્ટિક હોત અને ફિલ્મને થ્રીડીમાં બનાવવામાં આવી હોત તો તેની આભા જ કંઇક ઓર હોત.

ખરેખર તો મહાભારત જેવી મહાગાથા પરથી ફિલ્મ બનાવવી હોય તો કાં તો તેની કોઇ સબસ્ટોરી કે કોઇ પાત્ર પરથી ફિલ્મ બનાવવી જોઇએ, અથવા તો તેને અલગ એંગલથી કે અલગ પરિપ્રેક્ષ્યમાં મૂકવી જોઇએ. નહીંતર આ રીતે એકની એક રીતે સ્ટોરી કહેવામાં સમય, શક્તિ અને (મેકર્સ તથા પ્રેક્ષકો બંનેના) પૈસાની બરબાદી સિવાય કશું જ નથી.

આ મહાભારત જોવું કે ન જોવું?

જો આપ ‘ધૂમ-3’ના આઘાતમાંથી બહાર આવી ગયા હો અને બાળકોને મહાભારતની કથા વિશે ઉપરછલ્લી માહિતી આપવા માગતા હો તો આ ફિલ્મ એમને બતાવી શકાય. બાકી, બી. આર. ચોપરાની મહાભારત સિરીયલ આજે પણ એટલી જ અસરદાર છે. છતાં આ ફિલ્મને જે કંઇ રેટિંગ મળે છે એ માત્ર સારા ઇરાદા, અત્યારે આ સ્ટોરી કહેવાની હિંમત અને અમુક સારી સિક્વન્સીસને જ આભારી છે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.