તુમ્હારી સુલુ

સુલુ ડેફિનેટલી કર સકતી હૈ

***

નો બોરિંગ ઉપદેશ, બટ એકદમ મસ્તી સાથે ફેમિનિઝમ અને પૉઝિટિવિટીની વાતો કહેતી આ ફિલ્મ કમ્પ્લિટલી મસ્ટ વૉચ છે.

***

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

***

tumhari-sulu-poster_016 નવેમ્બર ગુરુવારે રાત્રે નવી ગુજરાતી ફિલ્મ ‘લવની ભવાઈ’ના પ્રીમિયર શૉમાંથી બહાર નીકળ્યા ત્યારે મગજમાં બે વાતો ડ્રોનની જેમ ચકરાવા લઈ રહી હતી. એક તો યોગાનુયોગની કે એક જ દિવસે (17 નવેમ્બર, શુક્રવારે) રિલીઝ થઈ રહેલી ગુજરાતી અને હિન્દી એમ બે ભાષાની ફિલ્મોનું સેન્ટ્રલ કેરેક્ટર એક સ્ત્રી છે અને બંને RJ એટલે કે રેડિયો જોકી જ છે (FB પર મૂકેલું મારું આ ઑબ્ઝર્વેશન તો બહુ બધા લોકોએ ઉઠાવીને પોતાના નામે ચડાવ્યું!). બીજી વાત એ કે રેડિયો જોકીની એક ફન્કી-બબલી ચૅટરબૉક્સ યંગસ્ટર અને જાણે સતત કોઈ માદક પદાર્થની અસર હેઠળ ‘હાઈ’ હોય એ ટાઇપની ઇમેજ બહુ થઈ, ચવાઈ ગઈ, કહો કે ક્લિશૅ થઈ ગઈ. શું બધા રેડિયો જોકી એવા જ હોય? રેડિયોના એક કૂલ-અદૃશ્ય પરપોટાની બહાર એમની કોઈ લાઇફ જ નહીં હોય? એમને આપણા જેવા રિયલ લાઇફ પ્રશ્નો નહીં થતા હોય? RJની ફન-હેપનિંગ જોબની વરવી વાસ્તવિકતા- જેમ કે, રેડિયો જોકી બનવાની સ્ટ્રગલ, FM સ્ટેશનના લોકોએ પણ જાહેરખબરોની આવક રળવા માટે ક્લાયન્ટની ધૂન પર નાગિન ડાન્સ કરવો પડે છે-એવું કંઈ કેમ બતાવી ન શકાય? અને કોઈ અનલાઇકલી-જેની આપણે કલ્પના જ ન કરી શકીએ એવી વ્યક્તિની RJ બનવાની સ્ટ્રગલ કેમ બતાવી ન શકાય?

આ સવાલોના જવાબો મેળવવા માટે મારે પૂરા બાર કલાકની પણ રાહ ન જોવી પડી. કેમ કે, સવારે મોર્નિંગ શૉમાં જોયેલી ડિરેક્ટર સુરેશ ત્રિવેણીની વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘તુમ્હારી સુલુ’માં એમાંની ઘણી બધી બાબતો આવરી લેવાઈ હતી! ‘તુમ્હારીન સુલુ’ની વાત ડિટેઇલમાં માંડતા પહેલાં એટલું તો ગળું ખોંખારીને કહી શકાય કે હિન્દી સિનેમાની ફ્રેશનેસ, ફ્લેવર, ક્વૉલિટી બધું જ ‘તુમ્હારી સુલુ’ જેવી સ્મૉલ બજેટ ફિલ્મોએ જ જાળવી રાખ્યાં છે.

ફ્રીડમવાલે સપને

મુંબઈની સુલોચના ઉર્ફ સુલુ પર જો એની ટીનએજમાં ફિલ્મ બની હોત તો તે ‘કભી હાં કભી ના’, ‘વેક અપ સિદ’ કે ‘લક્ષ્ય’ જેવી જ બની હોત. જે લોકો ‘તુમ્હારી સુલુ’ની સુલુ (વિદ્યા બાલન)ને હજી મળ્યા નથી એમના માટે સુલુનો એક પરિચય. સુલુ એટલિસ્ટ 40 વર્ષની એક મિડલક્લાસ ગૃહિણી છે. ના, ફિલ્મમાં ક્યાંય એની ઉંમર કહેવાતી નથી, પરંતુ અમે કેલ્ક્યુલેશન કર્યું છે કે બારમાની ત્રીજી ટ્રાય વખતે એ પોતાના ભાવિ પતિ અશોક (માનવ કૌલ)ને મળેલી, પ્રેમમાં પડેલી અને અત્યારે એમનો 11 વર્ષનો એક દીકરો પણ છે. સુલુ એના પિયરનું પંચિંગ બૅગ છે. કેમ કે એક તો એણે બૉયફ્રેન્ડ ટર્ન્ડ પતિ સાથે મળીને-બહેનો પાસેથી 30 હજાર રૂપિયા ઉછીના લઇને ચિટ ફંડ શરૂ કરેલું, જે ‘સ્ટાર્ટઅપ’ ડૂબી ગયું (એનાં મહેણાં આજે પણ એ સાંભળે છે). ઉપરથી એણે બારમામાં ત્રણ વખત નિષ્ફળ ટ્રાય મારી. આજે પણ એની બે મોટી જુડવા બહેનો અને પપ્પા આ મુદ્દે સુલુનું રેગિંગ કર્યા કરે છે. એક્ચ્યુઅલી, એનો પરિવાર ભારતના લાખો પરિવારો જેવો જ હતો, જે બૉર્ડ એક્ઝામને જ બાળકનાં ભવિષ્ય અને ટેલેન્ટનું સર્ટિફિકેટ ગણી લે અને બૅન્ક જેવી ‘સિક્યોર’ જોબને જ ફ્યુચરનો-કરિયર પર્યાય માની લે. એટલે એમની દૃષ્ટિએ તો સુલુ એક ફેઇલ્ડ ચાઇલ્ડ છે.

ખરેખર તો સુલુ એક મિસઅન્ડરસ્ટુડ ચાઇલ્ડ છે. જાતભાતની એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં એની માસ્ટરી છે. લીંબુ ચમચીની રેસથી લઇને લતા મંગેશકરનાં સૅડ સોંગ્સ અને જાતભાતના સવાલોના જવાબો આપવાની સ્પર્ધાઓમાં એ જીતતી રહે છે. એના શબ્દોમાં જ કહીએ તો ‘મૈં વિનર હૈ.’ એક્ચ્યુઅલી, સુલુમાં એક આંત્રપ્રેનર-ઇન્ડિપેન્ડન્ટ વુમન બનવાનાં તમામ લક્ષણો છે, પણ એ ઘરની ચાર દીવાલોમાં કેદ થઈ ગઈ છે. એના ઘરના મુખ્ય દરવાજાના જેલની કોટડી જેવા ઊભા સળિયા આ કેદની ચાડી ખાય છે. પાંજરે પુરાયેલા પોપટની જેમ એ પોતે જ પોતાનો દરવાજો બંધ કરી દે છે. પણ એને બહારના ખુલ્લા આકાશમાં ઊડવું છે, પોતાની જાતને પ્રૂવ કરવી છે. જાતને પ્રૂવ કરવાની આ જદ્દોજહદને કારણે જ એ જાતભાતની સ્પર્ધાઓમાં ભાગ લેતી રહે છે, નિતનવા બિઝનેસના પ્લાન બનાવતી રહે છે. મિડલક્લાસ ગૃહિણી સુલુના ઘરની એક્ઝેક્ટ સામેના ફ્લૅટમાં બે એરહોસ્ટેસ રહે છે. સુલુ એમની સાથે વાતો કરવાના પ્રયત્નો કર્યા કરે. અંદરખાને ઇચ્છા તો એવી કે પોતે પણ એમની જેમ હવાહવાઈ બનીને-પવન પાવડી પગમાં પહેરીને આકાશે ઊડે. ઘરમાં એમની જેમ ખભે પર્સ લટકાવીને અરીસા સામે સ્ટાઇલો પણ મારે. એ જે અપાર્ટમેન્ટમાં રહે છે તેના નામ ‘જલપદ્મ’ની જેમ એ પોતે પણ નોટ સો ક્લીન પાણીમાં ઊગેલું કમળ છે જે વધુ સારી પ્લેસ મેળવવાને હકદાર છે.

પણ ના, સુલુ સૅડ નથી. લાઇફની એકેએક મોમેન્ટ માણતા એને આવડે છે. વાયડા સિક્યોરિટી ગાર્ડની કે ગ્રોસરી સ્ટોરના દુકાનદારની મસ્તી પણ કરી લે ને ઝાડ પરથી ફૂલો ખરે તો એમાં ફિલ્મી ડ્રીમ સિક્વન્સનો આનંદ પણ માણી લે. આખો વખત ઘરમાં જ રહેતી હોવા છતાં એના આત્મવિશ્વાસમાં જરાય ઊણપ નથી. ઘરમાંથી પણ ગમે તેટલો વિરોધ થાય, એને જે સાચું લાગે તે જ એ કરે છે-કહે છે. અવળચંડા પુરુષોને સીધા કરતા પણ એને આવડે છે અને સ્ત્રીઓની સીટ પર બેસવા માટે અચકાતા એક કિન્નરને પણ એ પ્રેમથી પોતાની બાજુની સીટ પર બેસાડે એવી બ્રોડમાઇન્ડેડ પણ ખરી.  પાછી સુલુ એક નંબરની ફિલ્મી છે. જાતભાતનાં ફિલ્મી ગીતો એની જીભ પર રમતાં હોય, પતિને એ સવારે શ્રીદેવીની ‘ચાલબાઝ’ સ્ટાઇલમાં ‘બલ…મા’ કહીને ઉઠાડે. ઘરની બારીએ આવતા કબૂતરનું નામ એણે ‘ભાગ્યશ્રી’ પાડ્યું છે (રિમેમ્બર, ‘કબૂતર જા જા જા..’?). એ કબૂતર જોકે ઘરમાં પુરાયેલી સુલુનું મૅટાફર છે, જે એને ઉડાન મળે ત્યારે ઊડે છે અને એક તબક્કે ઊડીને ફરી પાછું બારી પર પણ આવી જાય છે. એની જીભને પણ જરાય બ્રેક નથી. મનમાં જે હોય તે વગર વિચાર્યે બોલી નાખે છે અને પતિ સાથે પણ ગમે તેવો ઝઘડો થાય, એ ઝાઝો વખત અબોલા પણ રાખી શકતી નથી. ટૂંકમાં કહીએ તો સુલુ સાડીમાં લપેટાયેલી એક ધસમસતી નદી છે.

ફોર્ચ્યુનેટલી, એનો પતિ અશોક પણ એકદમ સપોર્ટિવ છે. એ અશોકની પાછી ડિફરન્ટ સ્ટોરી છે. અશોકમાં આત્મવિશ્વાસની તાણ છે, થોડો બીકણ પણ ખરો. નોકરી બદલીને બહારની દુનિયા સામે બથોડા લેવાને બદલે એ ‘મથુરાદાસ એન્ડ સન્સ’ નામની ટેલરિંગ ફર્મમાં બાર વર્ષથી કામ કરે છે. આ એણે સ્વીકારેલી અદૃશ્ય કેદ છે. એ જગ્યા એટલા બધા બુઢ્ઢાઓથી ભરેલી છે કે એમની ઉંમર જાણવા માટે સીધું એમનું રેડિયોમેટ્રિક ડેટિંગ જ કરવું પડે. એના બુઢિયા માલિકોની દવાઓના ટાઇમના અલાર્મ પણ એ મૂકી રાખે છે અને યાદ કરીને એમને દવાઓ પણ ખવડાવે છે. હવે તો મથુરાદાસની ચોથી પેઢીનો વછેરો આવીને અશોક પર તબલાં વગાડવા માંડ્યો છે. પણ અશોકમાં હિંમત નથી કે એ પોતાના માટેય અવાજ ઉઠાવે. ફ્રસ્ટ્રેશન વધી જાય તો પીને ઘરે આવે. સ્વભાવે ચીકણો પણ છે. બગડેલા ટીવીના રિપ્લેસમેન્ટ માટે કૉલ સેન્ટરમાં રોજ ફોન કરે છે. ત્યાં ‘1’ નંબર પર હિન્દીને બદલે ઇંગ્લિશ બોલતો એક્ઝિક્યુટિવ શા માટે આવે છે એ મુદ્દે પણ કચકચ કરે છે. અશોક સુલુના એક ફ્રી વુમન બનવાના પ્લાન્સને સપોર્ટ કરે છે, ક્યારેક મજાકમાં પણ ઉડાવી દે. પરંતુ એ સુલુના પ્રેમમાં ગળાડૂબ. સુલુ કહે તો પ્રેમથી એના પગ પણ દબાવી આપે. એનું સર્ટિફિકેટ ફાડતાં સુલુ પોતાની બૉસને કહે છે, ‘મેરા અશોક તો ગાય હૈ ગાય..!’ સુલુ અશોકના પ્લસ-માઇનસ પોઇન્ટ્સને બરાબર જાણે છે, છતાં એને કોઈ જ ફરિયાદ નથી. કદાચ સુલુનો કોન્ફિડન્સ અને અશોકનો લૅક ઑફ કોન્ફિડન્સ બંને એકબીજાનાં પૂરક છે.

એમનો અગિયાર વર્ષનો દીકરો પ્રણવ (ચાઇલ્ડ એક્ટર અભિષેક શર્મા) આમ તો મીઠડો છે. ઘરમાં બધા લોકોનાં સિક્રેટના વટાણા વેરતો ફરે છે, પણ પોતે દફતરમાં એક સિક્રેટ લઇને ફરે છે.

આ સુલુના ડ્રીમને ટૅક ઑફ મળે છે એક રેડિયો સ્ટેશનના RJ યાને કે ‘રેડિયો જોકી’ હન્ટમાં. ઘરે પુષ્કળ FM સાંભળી ચૂકેલી સુલુને ખાતરી છે કે RJની જોબ ‘વો કર સકતી હૈ.’ કેમ કે (ક્યારેક પ્લેફુલ, તો ક્યારેક માદક અને ક્યારેક ડરામણી રેન્જવાળો) અવાજ તો એની પાસે છે જ, કૉન્ફિડન્સ પણ માશાઅલ્લાહ છે જ, ફિલ્મોનું-ગીતોનું નૉલેજ પણ છે અને સેન્સ ઑફ હ્યુમર પણ છે (યાને કે એક RJ માટે તો એ ઑવરક્વોલિફાઇડ છે!)… જરૂર છે બસ એક ચાન્સની. પણ અહીં બબલી-ચિબાવલી RJનું કામ નથી, બલકે મોડી રાત્રે પોતાના પ્રિયપાત્રને મિસ કરતા એકલવાયા પુરુષોની સાથે માદક અવાજે વાતો કરવાની છે, ‘તુમ્હારી સુલુ’ બનીને.

હવે ધારો કે એ રેડિયો જોકી બની પણ ગઈ તો સફર આસાન છે ખરી? દરરોજ વિરારથી BKC (બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ) આવવાનું. અલબત્ત, ‘રેડિયો WOW!’ આવવા-જવાની ટેક્સી પૂરી પાડે, પણ ઘરનું કામ પતાવીને સાંજે એટલિસ્ટ 65 કિલોમીટરનું અંતર કાપીને ઑફિસે આવવાનું. શૉ પતાવીને મોડી રાત્રે ફરીથી બીજા 65 કિલોમીટર કાપીને ઘરે પહોંચવાનું. એટલે પોતાનું જમવાનું પણ ઑફિસે પતાવવું પડે, બીજા દિવસનું શાક પણ ઑફિસે જ સમારવું પડે. પત્ની આ રીતે એકાએક નોકરી કરતી થાય-એ પણ રાતની-એટલે ઘરનાં શાંત પાણીમાં પણ વમળો સર્જાય, રૂઢિચુસ્ત પિયરિયાં પણ નાકનાં ટીચકાં ચડાવે-ઉતારી પાડે…

સેન્સ, સેન્સિટિવ એન્ડ સેન્સિબિલિટી

અગાઉ 2015ના ક્રિકેટ વર્લ્ડ કપ વખતે સુપર હિટ ‘મૌકા મૌકા’ સિરીઝની જાહેરખબરો બનાવી ચૂકેલા ઍડ ફિલ્મમૅકર સુરેશ ત્રિવેણીએ પોતાના પહેલા જ બૉલે સિક્સર મારી છે એવું કહીએ તો કોઈ કહેશે, ‘ક્લિશૅ ક્લિશૅ’! પરંતુ હકીકત જ એ છે કે એમણે બડી નજાકતથી અને ઘરેણાં બનાવતા કારીગરની નજાકતથી સુલુનું પાત્ર સર્જ્યું છે. એક ઍડ ફિલ્મમૅકર હોવાને નાતે એક જ સીનમાં-વાક્યમાં ઘણું બધું કહી દેવાની ઇકોનોમિકલ ટેવ એમનામાં ઇન-બિલ્ટ છે. એ કારણે પણ આ ફિલ્મ રિચ બની છે. આમ જોવા જાઓ તો ‘તુમ્હારી સુલુ’ એક સામાન્ય વ્યક્તિને અસામાન્ય સંજોગોમાં મૂકી દેવાની કે એક અન્ડરડૉગની જ સ્ટોરી છે. છતાં એમણે અને ફિલ્મના ડાયલોગ રાઇટર વિજય મૌર્યે (જે ફિલ્મમાં પંકજ રાય ‘બાગી’ કવિની ભૂમિકામાં દેખાય છે) જે ડિટેલિંગ આપ્યું છે અને જે લૅયર્સ ઉમેર્યાં છે એનાથી આ ફિલ્મની રિચનેસ ક્યાંય વધી ગઈ છે. ભલે લાંબી થાય, પણ નિરાંતે વાત કરીએ.

આગળ ઉપર આપણે સુલુની પર્સનાલિટીનાં ઘણાં પાસાં વિશે વાત કરી જ ગયા છીએ. છતાં એક ગૃહિણી તરીકે સુલુની ચીવટ, દીકરાના અભ્યાસમાં ધ્યાન આપવાની એક માતા તરીકેની ફરજ, નોકરી કરવા જાય ત્યારે પણ ઘરનું બૅલેન્સ ન ખોરવાય તેની કાળજી એ બધું પણ માર્ક કરવા જેવું છે.

બે અલગ અલગ ઇમેજ-વિઝ્યુઅલને સાથે રાખીને કરાતું જક્સ્ટાપોઝિશન અને મૅટાફર-રૂપકનો પણ ડિરેક્ટર સાહેબે બરાબર ઉપયોગ કર્યો છે. જેમ કે, એક ગૃહિણીની રોજિંદી જદ્દોજહદનું પાર્કર (Parkour) સાથે સરખાવવું (‘ફર્રાટા’ સોંગમાં), આગળ લખ્યું તેમ ઘરમાં કેદ અને પછી ઊડતી સુલુની કબૂતર અને પછી સુપરમેન સાથે સરખામણી, વર્ષોની વફાદારી છતાં કોઈ કારણ વિના સતત અપમાનિત થતા અશોકની દુકાનની બહાર રાખેલા મૅનિકિન સાથે કમ્પેરિઝન, એ જ અશોક-જેનામાં નોકરી છોડવાની હિંમત નથી એટલે એ- કાગળનું વિમાન ઉડાડીને સંતોષ માને છે, RJ બનવાનું સપનું સુલુની ઘરની ડાયરીના એક પાના પર હોય અને તેની આગળના પાને ઘરનો કરિયાણાનો હિસાબ લખેલો હોય, ટેક્સીમાં વાગતો FM રેડિયો બંધ થાય ત્યારે અચાનક બહારના ટ્રાફિકનો ઘોંઘાટ ઘેરી વળે-યાને કે FMનું મ્યુઝિક તમને બહારની વાસ્તવિકતાથી ડિસકનેક્ટ કરી દે (અથવા તો સૂધિંગ આનંદ આપે), રેડિયો પર સૂફિયાણી વાત કહેવાતી હોય કે ‘ઘિસતે ઘિસતે હી હીરા ચમકતા હૈ’ અને ત્યારે સુલુ હલવો બનાવવા માટે ગાજર છીણતી હોય (મીનિંગ સમજાવવાની જરૂર ખરી?)…

ડિટેલિંગ અને ડાયલોગ્સ એવા જબરદસ્ત છે કે જો સભાન ન હોઇએ તો ડિરેક્ટરે ક્યાં કઈ વાત કહી દીધી એનો ખ્યાલ પણ ન આવે. જેમ કે, પરંપરાગત અર્થમાં પોતે કદાચ ‘સૅક્સી’ નથી એવું માનતી સુલુને બહારથી કહેવામાં આવે કે એનો અવાજ ‘સૅક્સી’ છે, ત્યારે એ વાતનો પરચો એ મૅલ શૉવિનિસ્ટ-ઠરકી દુકાનદારને બતાવી દે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનાં છોકરાં હિન્દીમાં ઝઘડે તો ટીચર ખીજાઇને કહે, ‘બૉય્ઝ, ઇંગ્લિશ!’, ભલે હિટ હોય પણ રમતિયાળ પર્સનાલિટી રિફ્લેક્ટ કરવા માટે ‘અલબેલી’ જેવું લટકણિયું લગાવીને ફરતી RJ અંજલિ (RJ મલિશ્કા મેન્ડોન્સા), જ્યારે કોઈ અણગમતી વ્યક્તિ રેડિયો પર કૉલ કરે ત્યારે ફટ્ દઇને ચૅન્જ થતા ‘અલબેલી’ના હાવભાવ-કટ્ કરાતો ફોન અને એમાંથી રિફ્લેક્ટ થતો એનો બૉર્ડરલાઇન દંભ (અને ચુલબુલા RJ લોગની રિયાલિટી), ‘મૈં કોન્વેન્ટ મેં પઢેલી હૂં ઔર દાલ-ચાવલ કી બાતે કરું તો અચ્છા લગતા હૈ?’ કહેતી દંભી ફેમિનિઝમના પ્રતિક જેવી રિસેપ્શનિસ્ટ, પતિની નોકરી જોખમમાં છે એવું વગર કહ્યે સમજી લઇને સુલુનું એક જિમમાં રિસેપ્શનિસ્ટની નોકરી શોધવા જવું (ત્યાં પણ વર્તમાન રિસેપ્શનિસ્ટ પ્રેગ્નન્ટ છે એટલે વેકેન્સી પડી છે તેવું પણ વગર કહ્યે કહી દેવું), મિડલ ક્લાસ ઘરનું ડિટેલિંગ એવું બારીક કે ઘરના દરવાજે (મોસ્ટ્લી) દૂધ માટે થેલી પણ લટકાવેલી હોય, પોતે કંઈ ટ્રેનમાં રૂમાલ-કાંસકા નથી વેચતા-બલકે એક વિદ્રોહી કવિ છે એવું કહેતા પ્રોગ્રામ પ્રોડ્યુસર (વિજય મૌર્ય) પછી જરાય ભાવ ન દેતા ક્લાયન્ટની ફરમાયેશ પર પાપડ વેચવાનાં જિંગલ લખતો હોય, મોબાઇલ ફોન કેવી રીતે બાળકોને બગાડી રહ્યો છે, રેડિયોની ફન, હૅપનિંગ દુનિયાનું વર્કિંગ પહેલીવાર જોઇને (જેમાં ઑફિસમાં બે કર્મચારી ટેબલ ટેનિસ રમી રહ્યા છે) સુલુના ચહેરા પરના આશ્ચર્ય-એક્સાઇટમેન્ટના ભાવ, પત્નીને કામ કરવા માટે સપોર્ટ કરતા પતિમાં પણ કેવું વખત આવ્યે મૅલ શૉવિનિઝમ જાગી જાય-એની ઇનસિક્યોરિટી ફૂંફાડો મારી બેસે, જો સુલુ પગભર-પોપ્યુલર થાય તો પોતાનો ઇગો હર્ટ થાય એવી અદેખાઈથી બળી મરતી મોટી બહેનો કોઇપણ વાતને એની (સો કૉલ્ડ ‘ગંદી’) નોકરી સાથે જોડી દે, બાળકો સાચવવાનું-એમને સંસ્કાર આપવાનું કામ તો માત્ર માતાનું જ હોય એવી આઉટડેટેડ પૅટ્રિયાર્કિયલ મેન્ટાલિટી, સુલુ પોતાના જ પ્રોગ્રામનો પ્રોમો રેડિયો પર સાંભળતી હોય, ઑફિસની પાર્ટીમાં વોડકા, ટકીલા, બીયરનાં પીપડાં જ ભરેલાં હોય, કામવાળી સામે પૈસાની વાત નીકળે તો ઘરના લોકો એને ત્યાંથી તગેડી મૂકે, એક સ્ત્રી નવી નવી બહારની દુનિયામાં પગ મૂકે ત્યારે જે ફિઅર-બદલાવ આવે તેને ઇગ્નોર કરવા માટે સમજુ બૉસ-FM સ્ટેશન હૅડ મરિયા સૂદ (નેહા ધુપિયા) દ્વારા અપાતી સલાહ, ‘ઉપર ચડતે વક્ત નીચે મત દેખો, ડર જાઓગી…’, ‘ફિલ્મી લોગ હૈ, નહાતે ધોતે હૈ નહીં’ (એટલે જ ડિઓ લગાવીને ફરે) એવા ડાયલોગમાં પતિની થોડી જલન, ઇનસિક્યોરિટી અને ફિલ્મસ્ટાર્સ પ્રત્યેની માનસિકતા રિફ્લેક્ટ થાય… આવા જથ્થાબંધ ડિટેલિંગ ઉપરાંત વધુ એક મસ્ત વાત છે બેસ્ટ પ્રોડક્ટ પ્લેસમેન્ટનું.

બાકીની ફિલ્મોની જેમ ખર્ચો કાઢવા માટે અહીં પણ ‘પ્રેસ્ટિજ’ પ્રેશર કૂકર, ‘બોરોસિલ’ ક્રોકરી, એક જ્વેલરી બ્રાન્ડ, અદાણી રિઅલ્ટીનું BKC ખાતે આવેલું ‘ઇન્સ્પાયર’ નામનું કોમ્પ્લેક્સ જેવી સ્પોન્સર્ડ આઇટેમ્સ દેખાય છે. પણ બેસ્ટ પ્રોડક્ટ પ્લેસમેન્ટ છે ‘ઓલા’ ટેક્સીનું. કંપની સુલુને રાત્રે ઘરેથી પિકઅપ-ડ્રોપ માટે ‘ઓલા’ ટેક્સીની સર્વિસ આપે છે. એક તો તે ટેક્સી એક સ્ત્રી ચલાવે છે અને રખે ને કોઈ મવાલીએ દાદાગીરી કરી, તો સેફ્ટી માટે એ મહિલા ડ્રાઇવર પાસે પૅપર સ્પ્રે પણ છે. યાને કે લોકોને ખ્યાલ પણ ન આવે કે કંપનીની જાહેરાત થઈ ગઈ અને અદૃશ્ય રીતે આપણને તે ટેક્સી ડ્રાઇવર-ટેક્સી સર્વિસ વિશે હુંફાળી ફીલ આવવા માંડે. પાકિસ્તાની સ્ટાર્સ-સિંગર્સ પ્રત્યે આપણો દંભી વિરોધ પણ તે મહિલા ટેક્સી ડ્રાઇવર દ્વારા બોલાતા એક જ ડાયલોગમાં કહી દેવાયો છે, ‘યે પાકિસ્તાની લોગ ક્યા મસ્ત ગાતે હૈ… લેકિન મૈંને ના વો ગાને બજાના બંદ કર દિયા હૈ… ક્યા પતા કબ કોઈ ભી આ કે કાચ-બિચ તોડ દે…’

***

મને ઘણા સમયથી થતું હતું કે RJની લાઇફ પર ફિલ્મ બને તો તેમાં સ્ટોરીને અનુરૂપ વચ્ચે વચ્ચે જૂની ફિલ્મોનાં સોંગ્સ પ્લે કરવાં જોઇએ. એક્ઝેક્ટ તો નહીં, પણ કંઇક અંશે અહીં મારું એ ડ્રીમ પણ પૂરું થયું છે. જેમ કે, અહીં ‘હવા હવાઈ’, ‘કોયલ સી તેરી બોલી’ (જે સુલુનો રિંગટોન છે અને પોતાના અવાજ વિશે એનો ‘હમ્બલ’ ઓપિનિયન પણ છે), ‘ધીરે ધીરે સે મેરી ઝિંદગી મેં આના’, ‘અદાયેં ભી હૈ’, ‘દિલ હૈ કિ માનતા નહીં’, ‘મેરે રંગ મેં રંગને વાલી’, ‘મેરે દિલ ગાયે જા ઝુબી ઝુબી’ અને ‘હિફાઝત’નું ક્વર્કી સોંગ ‘બટાટાવડા’… ‘ટી-સિરીઝ’ આ ફિલ્મનું પ્રોડ્યુસર છે એટલે એમના રાઇટ્સવાળા સોંગ્સ જ પ્લે થયાં છે એ જસ્ટ નોંધવા ખાતર.

***

નૅચરલી, વિદ્યા બાલન આ ફિલ્મની કરોડરજ્જુ છે. એની અને માનવ કૌલની જોડી કદાચ ‘ઑડ કપલ’ જેવી લાગી શકે, પરંતુ એ બંને વચ્ચેની કેમિસ્ટ્રી ડિરેક્ટરે જે રીતે ક્રિએટ કરી છે, એ જોઇને બંને ખરેખરું 12 વર્ષથી સાથે જીવતું કપલ જ લાગે. પાણી જેવી સ્વાભાવિકતાથી વિદ્યા અને માનવ પોતાનાં પાત્રોમાં ઢળી ગયાં છે. અને સ્પેશિયલ મૅન્શન ‘બાગી’ કવિ બનતા વિજય મૌર્ય (ફન ફૅક્ટઃ ‘જબ વી મૅટ’માં ‘હૉટેલ ડિસન્ટ’ના ‘એકદમ કડક’ ફૅમ રિસેપ્શનિસ્ટ કલાકાર ટેડી મૌર્ય અને વિજય મૌર્ય ભાઇઓ થાય.) પાત્રાલેખન એટલું જબરદસ્ત છે કે સુલુની બહેનો, ગ્રોસરી સ્ટોરનો માલિક, મહિલા ટેક્સી ડ્રાઇવર, FM સ્ટેશનની રિસેપ્શનિસ્ટ જેવાં નાનકડાં પાત્રો પણ યાદ રહી જાય એવાં બન્યાં છે.

***

આટલી લાં…બી વાતો કરી હોય એટલે સહેજે લાગે કે આ તો અમારા મતે ઑલ ટાઇમગ્રેટ ક્લાસિક મુવીમાં સ્થાન પામે તેવી હશે. પરંતુ બહુ લિબરલ થઇને વિચારીએ તોય સૅકન્ડ હાફમાં આવતા સબપ્લોટ્સ ખાસ્સા લાંબા અને પરાણે ઘુસાડેલા લાગે છે. તેને કારણે સૅકન્ડ તો હાફ સ્લો પડ્યો જ છે, ફિલ્મ પણ 2 કલાક ને 20 મિનિટની થઈ ગઈ છે. વધારે ઝીણું કાંતીએ તો લાગે કે ‘તુમ્હારી સુલુ’ની ઑલરેડી પ્રીડિક્ટેબલ વાર્તામાં ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રસ્તો જ પસંદ કરાયો છે. દીકરાના સબપ્લોટને બદલે કંઇક બીજું પણ પસંદ કરી શકાયું હોય.

***

લવિંગ કેરી લાકડીથી ફટકારવા જેવા આ નુક્સ કાઢ્યા છતાં ‘તુમ્હારી સુલુ’ એક પર્ફેક્ટ સ્લાઇસ ઑફ લાઇફ મુવી છે. કશી જ દંભી વાતો કર્યા વિના, ઉપદેશો આપ્યા વિના આ ફિલ્મ ‘ફેમિનિઝમ’નો મસ્ત સંદેશો આપી જાય છે ને કોઇને પણ ઉત્સાહ-પૉઝિટિવિટીનાં ઇન્જેક્શન આપે તેવી ફિલ્મ બની છે. છેલ્લા દૃશ્યમાં સુલુને કારની અને લાઇફની ડ્રાઇવિંગ સીટ પર બેસે એનાથી સુધિંગ-પર્ફેક્ટ ક્લાઇમેક્સ બીજો કોઈ હોઈ પણ ન શકત.

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

કહાની 2

અગલી ફિલમ મોંહે વિદ્યા હી દીજો

***

ગ્રિપિંગ સસ્પેન્સના અભાવે અને અપેક્ષાઓના ભાર તળે આ ફિલ્મ દબાઈ ગઈ છે.

આંખ ખૂલતાં જ વિદ્યા સિંહાને સમજાય છે કે એને ઑફિસે જવામાં ભયંકર મોડું થઈ ગયું છે. ઉપરથી પોતાની ઑલમોસ્ટ પેરાપ્લેજિક દીકરીને સાચવનારી નર્સ પણ આવી નથી. પોતે ફટાફટ તૈયાર થાય છે, દીકરી ઊઠવામાં થોડા નખરા કરે છે પણ એ જરાય ગુસ્સે થતી નથી. ઢગલો સૂચનાઓ આપીને ઘરમાંથી બહાર નીકળે છે. કશુંક યાદ આવતાં ફરી પાછી રિટર્ન થઇને પાડોશીને દીકરીનું ધ્યાન રાખવાની વિનંતી કરે છે. ઑફિસે લૅટ પહોંચ્યા પછી બૉસ બોલાવતા હોવા છતાં એ પોતાનો ડૅડ પડેલો ફોન ચાર્જ કરવા મૂકીને નર્સ સાથે વાત કર્યા પછી જ ઑફિસમાં પરોવાય છે. ફિલ્મની શરૂઆતમાં જ આવતી ત્રણેક મિનિટની આ ફાસ્ટ સિક્વન્સમાં તમને સમજાઈ જાય કે આ સ્ત્રીને પોતાની દીકરીની કેટલી બધી ચિંતા છે. સાથોસાથ એ ચિંતા પણ પેસે કે હમણાં કોઈ મા-દીકરીના આ કાચના ઘર પર કાંકરો મારશે અને પત્તાના મહેલની જેમ એમની દુનિયા પણ ધ્વસ્ત થઈ જશે. તમે પણ આપોઆપ વિદ્યા સિંહાની એ ચિંતામાં સામેલ થઈ જાઓ.

સુજોય ઘોષના સ્ટોરી ટેલિંગનો આ કમાલ છે. એ કમાલ આપણે ‘કહાની-1’માં જોઈ ચૂક્યા છીએ. પરંતુ આ ફિલ્મ ‘કહાની-1’ની સિક્વલ નથી, બલકે એક સ્વતંત્ર ફિલ્મ છે. હા, અહીં પણ એક સ્ત્રી કશાકની શોધમાં છે, પરંતુ ‘કહાની-1’ ટાઇપનું છેલ્લા સીન સુધી જકડી રાખે તેવું સુપર્બ ગ્રિપિંગ રાઇટિંગ, સસ્પેન્સ પણ નથી. છતાં ‘કહાની-2’ એટલિસ્ટ અડધી ફિલ્મ સુધી તો આપણને ટસના મસ થવા દેતી નથી.

એક કહાની ખતમ, તો દુજી શુરુ હો ગઈ, મામુ

કોલકાતા પાસેના ચંદન નગરમાં રહેતી વિદ્યા સિંહા (વિદ્યા બાલન)ની ટીનએજર દીકરી મિની એક દિવસ અચાનક કિડનૅપ થઈ જાય છે. કિડનૅપરના ફોનથી તેને શોધવા નીકળેલી વિદ્યાનો પણ જબરદસ્ત ઍક્સિડન્ટ થાય છે અને તે કોમામાં સરી પડે છે. તે કૅસની તપાસ કરી રહેલા સબ ઇન્સ્પેક્ટર ઇન્દરજીત સિંઘ (અર્જુન રામપાલ)ના હાથમાં આવે છે વિદ્યાની લખેલી ડાયરી, જેનાં પાનાંમાંથી બહાર આવે છે એક દર્દનાક ફ્લૅશબૅક. ત્યાં જ ખબર પડે છે કે વિદ્યા સિંહા જેવો જ ચહેરો ધરાવતી એક સ્ત્રી નામે દુર્ગા રાની સિંઘ મર્ડર અને કિડનૅપિંગના આરોપસર ભાગેડુ છે. હવે આમાં કોનું સાચું માનવું? અને એની દીકરી ક્યાં છે? કોણે એને કિડનૅપ કરી છે અને શા માટે?

દુર્ગાવતાર

ત્રણ વર્ષ પહેલાં સ્વર્ગસ્થ ઋતુપર્ણો ઘોષની છેલ્લી-બંગાળી ફિલ્મ ‘સત્યાન્વેશી’માં વ્યોમકેશ બક્ષીનું પાત્ર ભજવી ચૂકેલા સુજોય ઘોષ જ્યારે કોલકાતામાં પોતાની પાત્રસૃષ્ટિ સર્જે ત્યારે તેને વાસ્તવિકતાથી અલગ પાડવી અશક્ય બની જાય. તદ્દન લૉઅર મિડલ ક્લાસ ઘર, એવી જ સિત્તેરના દાયકાની લાગે તેવી ઑફિસ, માત્ર સિનિયરની ચૅમ્બર વ્યવસ્થિત હોય તેવું જર્જરિત પોલીસ સ્ટેશન, લોકલ ટ્રેનમાં ચડતાં પહેલાં પરસેવાની વાસથી મોઢું ઢાંકતી સ્ત્રીઓ અને તે તમામને કૅપ્ચર કરતો તપન બાસુનો સતત ફરતો રહેતો કેમેરા. ઉપરથી ચારેકોર એક પ્રકારની શંકા અને ડરથી જોયા કરતી વિદ્યા બાલનને જુઓ એટલે તમારી સામે ઑથેન્ટિક પશ્ચિમ બંગાળમાં ઝબોળેલું એક ડરામણું વાતાવરણ ઊભું થાય. ક્યાંય કોઈ નકલી બંગાળી ઉચ્ચારો નહીં, હાવડા બ્રિજના લૉંગ શૉટ્સ નહીં, સામ્યવાદી લાલ ઝંડા નહીં, પીળી ટેક્સીઓ-ટ્રામ નહીં કે રોશોગુલ્લા-મિષ્ટિદોઈનું ક્લિશૅ બની ગયેલું નેમડ્રોપિંગ પણ નહીં (હા, અહીં એક નવી બંગાળી વાનગી ‘જોલભોરા’નો ઉલ્લેખ છે ખરો).

પોતાનું પાત્ર કેવુંક છે તે કહેવા માટે સુજોય ઘોષ એક સૅકન્ડ પણ નકામી વેડફતા નથી કે તે માટે વાર્તાનો પ્રવાહ રોકતા નથી. સબ ઇન્સ્પેક્ટર તરીકે અર્જુન રામપાલ કેવો કડક છે તે બતાવવા માટે એકેય ફાલતુ ફાઇટ પણ નથી નાખી. ફિલ્મના પહેલા જ સીનથી ડર અને થ્રિલ સુપરફાસ્ટ વેગે વહેવા માંડે. અર્જુન રામપાલની બુલેટની પાછળ બેસીને તમે પણ તે કૅસ સોલ્વ કરવા નીકળી પડો અને એક પછી એક આવતા ટ્વિસ્ટથી અચંબિત થતા રહો. આ સિલસિલો છેક મધ્યાંતર સુધી ચાલતો રહે છે. પરંતુ ખબર નહીં કેમ, રાઇટર ત્રિપુટી સુજોય ઘોષ, રિતેશ શાહ અને સુરેશ નાયર અધવચ્ચે જ તમામ પત્તાં ખોલી નાખે છે અને ફિલ્મ એક જસ્ટ અનધર થ્રિલરમાં કન્વર્ટ થઈ જાય છે. સ્ટોરી પરથી ઢીલી પડેલી ગ્રિપને કારણે તમારા મગજમાં પણ લોજિકના સવાલો ઊભા થવા માંડે છે, જેની ફિલ્મના રાઇટરલોગને ચિંતા નથી. સ્પોઇલરનો ભય હોવાને કારણે અહીં તે પ્રશ્નોની ચર્ચા પણ કરી શકાય તેમ નથી. હા, સિક્રેટનું એક કાર્ડ છેલ્લે સુધી બચાવી રખાયું છે. જો તમે તમારું CID છાપ દિમાગ ચાલુ રાખ્યું હોય તો તે લગભગ કળી શકાય તેવું છે.

લેકિન થેન્ક્સ ટુ સુજોય ઘોષ કી પારખી નઝર અને બધાં જ પાત્રોની સુપર્બ ઍક્ટિંગ, તમને આ સવા બે કલાકની ફિલ્મમાં જરાય કંટાળો અનુભવાતો નથી. ફિલ્મને એક ફ્લૅવર આપવા માટે સુજોય ઘોષે પોતાના પસંદીદા લોકોને દિલથી અંજલિઓ આપી છે. જેમ કે, શરૂઆતમાં ટૅક્સીમાં વાગતું ‘જુલી’નું લતા મંગેશકરના કંઠે ગવાયેલું ‘યે રાતે નયી પુરાની’ સંભળાય, પછી એક તબક્કે ‘યે શામ મસ્તાની’નું આર. ડી. બર્મને ગાયેલું  (મોસ્ટ્લી ઉત્તમ કુમાર-તનુજા સ્ટારર બંગાળી ફિલ્મ ‘રાજકુમારી’નું) ગીત ‘આકાશ કેનો ડાકે’ અને પંચમદાનું જ બીજું એક બંગાળી ગીત ‘તોમાતે આમાતે ડેખા હોયેછિલો’ આપણા કાને પડે (જેનું હિન્દી વર્ઝન ગુલઝારની ખુશ્બૂ ફિલ્મમાં લતા મંગેશકરે ગાયેલા ‘દો નૈનોં મેં આંસુ ભરે હૈ’ તરીકે લેવાયું હતું). અર્જુન રામપાલનો પરિવાર બંગાળી નથી, એટલે એના ઘરે રેડિયો પર માત્ર હિન્દી ગીતો જ વાગે. નકલી પાસપોર્ટ, પેઇન્ટિંગ્સ બનાવતા માણસનું નામ ‘ગૂપી’ છે, જે સત્યજિત રાયની ‘ગૂપી ગાઇન બાઘા બાઇન’ની યાદ અપાવે છે. ફિલ્મમાં વિદ્યા બાલનનું ‘વિદ્યા સિંહા’ નામ બાસુ ચૅટર્જીની ‘રજનીગંધા’ ફિલ્મ પરથી રખાયું છે. ઇવન રજનીગંધાની ક્લિપ સુદ્ધાં દેખાય છે. જો વધુ લાંબું વિચારો તો હૉસ્પિટલનો એક સીન તમને ‘કિલ બિલ’ ફિલ્મની પણ યાદ અપાવી શકે. આ તમામ અંજલિઓનો લ.સા.અ. કાઢો તો સમજાય કે તે તમામ સ્ટ્રોંગ ફિમેલ કેરેક્ટર્સવાળી ફિલ્મો છે અને તેનાં પાત્રો પણ લગભગ આ ફિલ્મની વિદ્યા બાલન અને અન્ય પાત્રો જેવી જ માનસિક પરિસ્થિતિમાં છે. આવી તમામ મીનિંગફુલ અંજલિઓ ફિલ્મને સમૃદ્ધ બનાવે છે.

આ ફિલ્મના ઢીલા રાઇટિંગની ખામી ભરપાઈ કરે છે તેના લગભગ તમામ કલાકારોની વધુ સમૃદ્ધ એક્ટિંગ. સુપર ડિપેન્ડેબલ વિદ્યા બાલને ફરી એકવાર સાબિત કર્યું છે કે એ સ્ક્રીન પર હોય તો એને સારી સ્ક્રિપ્ટ સિવાય બીજા કોઈ ‘સ્ટાર’ની જરૂર નથી. એક સંવેદનશીલ મુદ્દાને લઇને ભયંકર સ્ટ્રેસ્ડ, પોતાની પર્સનલ લાઇફનો પણ ભોગ આપી દે તેવા ઑબ્સેશનની હદ સુધી ચિંતિત સ્ત્રી એક પ્રેક્ષક તરીકે તમને પણ શાંતિથી ઝંપવા દેતી નથી. જ્યારે ‘ઇચ્છામૃત્યુ’ની જેમ ‘ઇચ્છાઍક્ટિંગ’નું લક્ષણ ધરાવતો અર્જુન રામપાલ સારા ડિરેક્ટર પાસે જ ખીલે છે. પણ તોય તમને અગાઉની ફિલ્મના નવાઝુદ્દીન સિદ્દીકી અને પરંબ્રત ચૅટર્જીની ખોટ તો સાલે જ. અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતાં નાનાં નાનાં પાત્રો જેમ કે, અર્જુન રામપાલનો ઉપરી પ્રોનોબ હાલ્દાર (સુપર્બ ખરજ મુખર્જી), ભયંકર ડરામણાં દાદી તરીકે (‘શિપ ઑફ થિસિયસ’ ફૅમ) અંબા સન્યાલ, ‘બૉબ બિશ્વાસ’ની સામે ઊભી કરાઈ હોય તેવી બ્લૅડ લઇને ફરતી હત્યારિન, પોતાની હયાતીનો પુરાવો આપતો જુગલ હંસરાજ, આપણને જેની ચિંતા થઈ આવે એવી ક્યુટ નાઇશા ખન્ના વગેરેમાંથી કોઈ પાત્ર આપણને પરાણે ઠૂંસેલું કે કાપીને ચોંટાડેલું નકલી નથી લાગતું. ઇવન અલપ ઝલપ દેખાતો કોઈ માનસિક રીતે અસ્વસ્થ કચરો વીણનાર, આળસુ કોન્સ્ટેબલ, ડરામણી આંખે તાક્યા કરતી વૃદ્ધ દર્દી, ઉત્સાહી રિસેપ્શનિસ્ટ વગેરે પાત્રો અને અનાયાસે જ ઊભું થતું હ્યુમર પણ આ ફિલ્મને એક જીવંત પર્સનાલિટી બક્ષે છે. અરિજિત સિંઘે ગાયેલું ‘મેહરમ’ ગીત પણ કાનને ગમે તેવું છે.

થોડી કમી સી હૈ

આટલું બધું હોવા છતાં સુજોય ઘોષની ‘કહાની-2’ પૂરી થયે આપણને એક જબરદસ્ત સસ્પેન્સ થ્રિલર ફિલ્મ જોયાનો સંતોષનો ઓડકાર નથી આવતો. બલકે વાર્તાને હજી થોડા વળ ચડાવ્યા હોત તો, આપણું દિમાગ ચકરાવે ચડાવી દે તેવો કોઈ ટ્વિસ્ટ નાખ્યો હોત તો એવો ખોટકો રહી જાય છે. છતાંય સસ્પેન્સ-થ્રિલર ફિલ્મોના રસિયાઓએ આ ફિલ્મ એકવાર તો જોવી જ જોઇએ. જેથી સુજોય ઘોષની આ ફ્રેન્ચાઇઝ ચાલુ રહે અને આ પ્રકારની ફિલ્મો બનાવવાની કિક બીજા સર્જકોને પણ વાગતી રહે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Te3n

કોલમઃ ફિલ્મ રિવ્યૂ

ફિલ્મઃ તીન

હેડિંગઃ બિગ બચ્ચન, સ્મૉલ સિક્રેટ

ઇન્ટ્રોઃ ઠંડું સસ્પેન્સ અને ધીમી ગતિ છતાં સુપર્બ અભિનયને કારણે વન ટાઇમ વૉચ બની રહેલી ફિલ્મ.

ક્યારેક એવું બને કે સામેવાળા વડીલ આપણને લાંબી લાંબી વાતો કરીને બોર કરતા હોય, આપણને બગાસાંનો અટેક આવી રહ્યો હોય, પરંતુ વડીલનું માન જાળવીને આપણે એમની વાતમાં રસ લેતા રહીએ. બસ, એવું જ કંઇક અમિતાભ બચ્ચન સ્ટારર ‘તીન’માં બને છે. એક પણ તબક્કે સસ્પેન્સ થ્રિલર ફિલ્મ જેવી ઉત્તેજના અનુ16apr_te3nભવાતી નથી. અંતે તમે એવું કહીને બહાર નીકળો કે, ‘સસ્પેન્સ તો સમજ્યા, પણ બચ્ચન સાહેબ માટે તો એક વાર જોવી જ પડે.’

અવિરત પ્રતીક્ષા

આઠ વર્ષ પહેલાં કોલકાતામાં રહેતા જૉન બિશ્વાસ (અમિતાભ બચ્ચન)ની પૌત્રી કિડનેપ થઈ ગયેલી. એમાં જ પૌત્રીનો જીવ ગયો, પરંતુ કિડનેપર કોણ હતો એ ક્યારેય ખબર પડી નહીં. એ પછી જૉન બિશ્વાસની જિંદગી એ જ ક્ષણ પર અટકી ગઈ. રોજ રાત્રે જાગતા રહે, રડતા રહે અને પૌત્રીના કિડનેપરને શોધવા પોલીસ સ્ટેશનના આંટાફેરા માર્યા કરે. એ કૅસની તપાસ કરતો ઇન્સ્પેક્ટર માર્ટિન દાસ (નવાઝુદ્દીન સિદ્દીકી) પણ આજે પાદરી બની ગયો છે. આઠ વર્ષ પછી એ જ કોલકાતામાં એવો જ કિડનેપિંગનો કૅસ બન્યો. કૅસની તપાસ કરતાં પોલીસ અધિકારી સરિતા સરકાર (વિદ્યા બાલન)ને લાગ્યું કે આ બંને કૅસ વચ્ચે કોઈ સામ્યતા છે. બસ, એક બાજુ જૉન પોતાની પૌત્રીના કિડનેપરના સગડ મેળવવા દોડાદોડ કરે, જ્યારે બીજી બાજુ અત્યારે કિડનૅપ થયેલા બાળકને છોડાવવા માટે પોલીસ ઉધામા કરે. કોણ હતું આખરે એ ગુનાઓની પાછળ?

એકલા ચાલો રે

દક્ષિણ કોરિયન ફિલ્મ ‘મોન્ટાજ’ની રિમેક એવી ડિરેક્ટર રિભુ દાસગુપ્તાની આ ફિલ્મ ‘તીન’નાં બે સૌથી સ્ટ્રોંગ પાસાં છે. એક તો ખુદ બચ્ચનની ઇમોશનલી ચાર્જ્ડ ઍક્ટિંગ અને બીજું છે સિનેમેટોગ્રાફર તુષાર કાંતિ રૅના કેમેરામાં ઝીલાયેલું એકદમ ઑથેન્ટિક કોલકાતા. પહેલાં વાત બચ્ચન મોશાયની.

‘પિકુ’ પછી ફરી પાછા અમિતાભ કોલકાતાના બૅકગ્રાઉન્ડમાં દેખાયા છે. પરંતુ તેઓ આ શહેર સાથે એવા ભળી ગયેલા દેખાય છે કે અલગ પાડવા શક્ય નથી. વેદના, વિરહ નીતરતી એમની ભાવવાહી આંખો, પૌત્રી ગુમાવ્યાનું દુઃખ, તેને સાચવી ન શક્યાનું ગિલ્ટ, એક કોમનમેન તરીકેની એમની નિઃસહાયતા, સિસ્ટમ સામેનો એમનો શાંત સંઘર્ષ, છતાં એક ડ્યુટીફુલ હસબંડ આ બધા જ મનોભાવો… આ બધું જ એમના ચહેરા અને બૉડીલૅંગ્વેજ પરથી દેખાઈ આવે છે. એમની ટ્રિમ થયેલી અત્યંત આછી દાઢી, ખોખલો અડધી બાંયનો શર્ટમાંથી એમનું જે કૃષકાય શરીર દેખાય છે તે એમની જદ્દોજહદની ચાડી ખાય છે. ઇવન કોઈ ડાયલોગ ન હોય, ત્યારે માત્ર શૂન્યતામાં તાકીને પણ એ પોતાની પીડા શારડીની જેમ તમારા હૃદયમાં ટ્રાન્સફર કરી દે છે.

આ ફિલ્મના એક પ્રોડ્યુસર ‘કહાની’વાળા સુજોય ઘોષ છે (એ જ ફિલ્મની યાદ અપાવતાં બે સ્ટાર વિદ્યા બાલન અને નવાઝુદ્દીન પણ અહીં છે). કદાચ એટલે હોય કે ગમે તેમ, પરંતુ અહીં એક ડરામણું છતાં ઑથેન્ટિક કોલકાતા ઝીલાયું છે. ટિપિકલ સાંકડી ગલીઓ, જૂની પુરાણી ઇમારતો, પીળી ટૅક્સીઓ, ટ્રામ, ફેરી, હુગલી નદી અને તેના પરનો હાવડા બ્રિજ, દીવાલ પર લાગેલાં જાતભાતનાં પોસ્ટરો, બૅકગ્રાઉન્ડમાં સતત સંભળાતો કંઇક એનાઉન્સમેન્ટ અને લોકોના અવાજનો ઘોંઘાટ, મા દુર્ગાની મૂર્તિઓ… આમાંનું બધું જ હુગલીના શાંત પાણીની જેમ આવ્યા કરે છે. ક્યાંય પરાણે કોલકાતા ઠૂંસ્યું હોય એવું લાગતું નથી. બલકે ઘણે ઠેકાણે ડરામણું ભાસતું આ શહેર ફિલ્મનું એક પાત્ર બની ગયું છે. ડિટ્ટો ફિલ્મમાં અમિતાભ બચ્ચનને જ્યાં રહેતા બતાવ્યા છે તે ઘર પણ એવું જ જરીપુરાણી વસ્તુઓથી ભરચક અને ખાસ્સું ભયાવહ લાગે છે. જોઇને ચોખ્ખી ખબર પડે કે એ ઘરમાં છેલ્લાં આઠ વર્ષથી સમય થંભી ગયો છે અને હવામાં એક પીડા તરી રહી છે. ઇવન પોલીસ સ્ટેશન, ચર્ચ, કબ્રસ્તાન, ટેપ રેકોર્ડર ઑડિયો કસેટ્સ વગેરેનાં દૃશ્યો જાણે કોઈ અલગ જ કાળખંડની ફીલ આપે છે.

કોલકાતાની ગલીઓની જેમ જ આમથી તેમ ફરતો હોવા છતાં આ ફિલ્મનો પ્લોટ થકવી નાખે છે. ફિલ્મ અકળાવી નાખે તેવી ધીમી ગતિએ આગળ વધે છે. એક સસ્પેન્સ થ્રિલરમાં જે ટેન્શન, સ્પીડ અને ભય હોવા જોઇએ તે અહીં ક્યાંય વર્તાતાં જ નથી. કિડનેપ થયેલું બાળક કઈ સ્થિતિમાં હશે, તેને છોડાવવા રેસ અગેઇન્સ્ટ ટાઇમ વગેરેનું ટેન્શન પણ આપણા સુધી પહોંચતું નથી. ફિલ્મમાં ભાગ્યે જ કોઈ કોમિક રિલીફ છે. ગીતો સાંભળવાં ગમે એવાં છે, પરંતુ તે બૅકગ્રાઉન્ડમાં વાગ્યા કરે છે. આ બધાના સરવાળા રૂપે ફિલ્મની સવા બે કલાકની લંબાઈ ખાસ્સી વધારે લાગે છે.

‘હુ ડન ઇટ’ પ્રકારની સસ્પેન્સ-મિસ્ટરી ફિલ્મોમાં ફિલ્મનાં પાત્રોની સાથોસાથ આપણું દિમાગ પણ સતત અટકળો કર્યા કરે છે. પરંતુ આ ફિલ્મનું કદાચ સૌથી નબળું કે જોખમી પાસું એ છે કે સિક્રેટ છતું થયા પછી આપણે જે અટકળો કરી હોય તેમાંથી જ એકાદા ખાનામાં જઇને પડે છે. એવું થાય ત્યારે આપણને આઘાત કે આશ્ચર્યની લાગણી થતી જ નથી. ઇવન જે રીતે વાર્તા પૂરી કરાઈ છે એ પણ ખાસ કન્વિન્સિંગ નથી.

કૅચી વનલાઇનરો કે ધારદાર ડાયલોગ્સના અભાવ છતાં ‘તીન’ તેની સ્ટારકાસ્ટના જોર પર ઘણે અંશે આપણો રસ ટકાવી રાખે છે. નવાઝુદ્દીન અને વિદ્યા બાલન પોતાના ફુલ ફોર્મમાં તો નથી, છતાં બંનેની કેમિસ્ટ્રી રસપ્રદ છે. એક તો એમનાં પાત્રોની ફરતે અમુક રહસ્યનાં વલય ફરતાં રહે છે. બીજી બાજુ જે રીતે વિદ્યા ‘ફાધર’ પર ભાર મૂકીને નવાઝુદ્દીનને સંબોધે છે ત્યારે આપણને એમના ભૂતકાળ વિશે પ્રશ્નો થાય છે. લેકિન ડિરેક્ટરે એમાં ઊંડાણમાં જવાનું મુનાસિબ લાગ્યું નથી. અન્ય સ્ટારકાસ્ટમાં પણ સબ્યસાચી ચક્રવર્તી જેવાં દમદાર નામ છે, એટલે પર્ફોર્મન્સની બાબતમાં જરાય કહેવાપણું નથી.

સિર્ફ નામ હી કાફી હૈ

એક પર્ફેક્ટ સસ્પેન્સ થ્રિલર તરીકે આ ઢીલીઢાલી ફિલ્મ નિરાશ કરી શકે, પરંતુ ઍક્ટિંગના મામલે ફુલ માર્ક્સ છે. એટલે એક વાર જોવા માટે આ ફિલ્મ પાસે પૂરતાં કારણો છે. આ ફિલ્મ જોયા પછી તમને પાછલા નવ મહિનામાં આવેલી આવી જ બે ફિલ્મો પણ યાદ આવી જાય એવી પૂરી શક્યતા છે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

હમારી અધૂરી કહાની

દર્દ-એ-દિલ, દર્દ-એ-દિમાગ

***

દર્દ કા હદ સે બઢ જાના દવા નહીં ક્યારેક ફારસ પણ બની જાય. પાત્રોને પરાણે અને વધુ પડતાં દુઃખી કરવાની ક્વાયત લોજિક અને લાગણીનો પાલવ છોડી દે છે.

***

hamari_adhuri_kahani_official_posterપીડા અને એમાંય અધૂરા પ્રેમની પીડા આપણે ત્યાં ગરમાગરમ ભજિયાની જેમ વેચાતી આવી છે. રિક્ષાની પાછળ બેવફા પ્રેમિકાઓને ઉદ્દેશીને લખાયેલી શાયરીઓથી લઇને ‘દેવદાસ’ જેવી અમર કૃતિઓ તેની સાબિતી છે. દિગ્દર્શક મોહિત સૂરિને આપણી પીડાની આ દુખતી રગ બરાબરની હાથમાં આવી ગઈ છે. દિલમાં દર્દની દુકાન લઇને ફરતો હીરો દર્દભરે નગમે ગાયા કરે અને લોકો રૂમાલથી આંસુડાં લૂછતાં રહે. એમની પાછલી બે ફિલ્મો ‘આશિકી-૨’ અને ‘એક વિલન’માં હીરોની હાલત આવી જ હતી. જ્યારે હવે આવેલી ‘હમારી અધૂરી કહાની’માં લગભગ બધાં જ પાત્રો ‘દેવદાસ સિન્ડ્રોમ’થી પિડાય છે. એટલે અમુક હદ પછી આપણને વાર્તાની દિશા અને પાત્રોનાં નિર્ણયો તદ્દન તર્કહીન લાગવા માંડે. એ જ ઘડીએ એમની પીડાથી આપણા છૂટાછેડા થઈ જાય.

દુઃખી મન મેરે

આ એક એવા દુઃખીસ્તાનની કહાણી છે, જ્યાં બધાં જ દુઃખી છે. વસુધા પ્રસાદ (વિદ્યા બાલન) એક ફાઇવસ્ટાર હૉટેલમાં ફ્લોરિસ્ટ છે, જે બૈરીને પાંવ કી જૂતી સમજતા મૅલ શોવિનિસ્ટ પતિ હરિ (રાજકુમાર રાવ) સાથે પરણીને દુઃખી છે. હરિયો પાંચ વર્ષથી ક્યાંક ગાયબ છે. કહે છે કે એ આતંકવાદી બની ગયો છે. હૉટેલમાં ફૂલો ગોઠવતાં ગોઠવતાં તેના માલિક આરવ રૂપારેલ (ઇમરાન હાશ્મી) અને આ વસુધા વચ્ચે પ્રેમનાં પુષ્પો ખીલી ઊઠે છે. ૧૦૮ હૉટેલોનો ધણી આરવ પણ દુઃખી છે. એની ભગ્નહૃદયી મમ્મી (અમલા)નું દુઃખ હજીયે એના દિલની હાર્ડડિસ્કમાં ખાસ્સી એવી જગ્યા રોકીને બેઠું છે.

હવે વસુધા અને આરવ મીન્સ કે વિદ્યા બાલન અને ઇમરાન હાશ્મી પ્રેમના પુષ્પને લગ્નની ફુલદાનીમાં ગોઠવવાની અણી પર જ હોય છે ત્યારે વિદ્યાનો જૂનો પતિ અચાનક ગુમડાની જેમ ફૂટી નીકળે છે. સરવાળે દુઃખનો ગુણાકાર થવા માંડે છે.

ગુમડાનો કરીએ ગુલાલ

દિગ્દર્શક મોહિત સૂરિનું પોતાનું એક વિશ્વ છે. એ વિશ્વમાં આગળ કહ્યું એમ હીરો સતત પીડામાં જ જીવતો હોય. જાણે દુઃખી રહેવામાં અને લોકોની સહાનુભૂતિ ઉઘરાવવામાં એને મજા પડવા લાગે છે. એ પીડાની સાઇડ ઇફેક્ટને કારણે એ દરેક ઠેકાણેથી કોઈ ફિલોસોફી નિચેવી કાઢે છે. ધારો કે એના પાત્રને તાવ આવે કે ઘરમાં દૂધ ઊભરાઈ જશે તોય એ એને પોતાની પીડા સાથે જોડી દેશે અને કોઈક ફિલોસોફી ઠપકારી દેશેઃ ‘આંસૂ જબ જિસ્મ મેં જમ જાતે હૈ તબ વો બુખાર કી તરહ પૂરે બદન કો જલાને લગતે હૈ’ અથવા તો ‘ગમ હો યા દૂધ, કભી તો ઉબલ કર બાહર આ હી જાતા હૈ.’ એ તાવની દવા નહીં કરાવે કે ઊભરાયેલા દૂધ પર પોતું ફેરવીને આગળ નહીં વધે. વળી, સાચા પ્રેમમાં પડ્યા હોવાના પુરાવા રૂપે એ મગજનો ઉપયોગ કરવાનું બંધ કરીને કહેવાતી લાગણીની ધૂંસરીથી ખેંચાતો ચાલ્યો જશે. લોજિકલ વાત કરીને એના દોસ્તાર જેવી કોઈ ઠરેલ વ્યક્તિ એને ટપારવાનો પ્રયત્ન કરશે પણ અલ્ટિમેટલી એ મોહિત સૂરિનો હીરો છે એટલે દર્દના દરિયામાં જ ખાબકવાનો છે.

કહે છેકે આ ફિલ્મ મહેશ ભટ્ટ સાહેબના પપ્પા નાનાભાઈ ભટ્ટની લવસ્ટોરી પર આધારિત છે (બાય ધ વે, મહેશ ભટ્ટ પાસે હજી કેટલી પર્સનલ ટ્રેજેડીઓ કહેવાની બાકી રહી ગઈ છે?). એટલે જ આ ફિલ્મમાં લેખક તરીકે ભટ્ટસાહેબનું નામ બોલે છે. પરંતુ ચોખ્ખું દેખાઈ આવે છે કે આ ફિલ્મ અધકચરી લખાયેલી છે અને તે બિલકુલ નિરાશાવાદી અભિગમ ધરાવે છે. શાંત ચિત્તે વિચારીએ તો સમજાય છે કે વિદ્યા બાલન તથા ઇમરાન હાશ્મીનાં પાત્રોને સુખી થવું જ નથી. જાણે સુસાઇડલ અભિગમ ધરાવતા હોય એમ બંને પોતાની પીડામાંથી જાણી જોઇને બહાર આવતાં નથી. એટલા માટે જ ફિલ્મની શરૂઆતમાં એ બંને પાત્રો સાથે પ્રેક્ષકોને લાગણીનો જે તંતુ બંધાય છે, એ એમનો દેવદાસ ટાઇપનો અપ્રોચ જોઇને તૂટી જાય છે. હૉલીવુડની ‘પર્લહાર્બર’ અને ‘ટાઇટેનિક’ તથા આપણી ઋષિકપૂરવાળી ‘દીવાના’ ફિલ્મનાં પાત્રો કંઇક આવી જ પરિસ્થિતિમાં મુકાયાં હતાં, પરંતુ એમણે પોઝિટિવ અભિગમ રાખેલો. પીડા કુદરતી રીતે આવેલી હોય તો તેના પ્રત્યે સહાનુભૂતિ થાય, પેટ ચોળીને ઊભી કરેલી હોય ત્યારે ન થાય. અહીં બધાં જ પાત્રોની પ્રેમકહાની અધૂરી છે, જે કોઇન્સિડન્સ તો કઈ રીતે હોય?

એક તો બધી વાતમાં ઑવર મેલોડ્રામેટિક થઈ જતું બિહેવિયર અને તેમાં ઉપરથી લેખિકા શગુફ્તા રફીકનાં ફિલોસોફીથી ફાટફાટ થતા સંવાદો. મોટાભાગનાં દૃશ્યોમાં પાત્રો મોઢું ખોલે કે એમના મુખકમળમાંથી ફોફલી ફિલોસોફી જ સરી પડેઃ ‘જિસ બગીચે મેં મુરઝાયે હુએ ફૂલ ન હો, વો બગીચા બગીચા નહીં હોતા’, ‘મેરી હાલત રેગિસ્તાન મેં ફંસે ઉસ મુસાફિર જૈસી હૈ, જિસે પાની નઝર તો આતા હૈ લેકિન હોતા વૉહ સિર્ફ મેહરાબ હૈ’, ‘પ્યાર એક ઝિમ્મેદારી હૈ જિસે તકદીરવાલે હી ઉઠાયા કરતે હૈં’, ‘સચ્ચે પ્યાર કી કહાની કા કોઈ અંત નહીં હોતા’… આ ઢગલો શું કામ કરાયો છે એ તો લખનારા જાણે, પરંતુ ક્યારેક તે અનઇન્ટેન્શનલ લાફ્ટર ઊભું કરી દે છે. જેમ કે, અમલા જ્યારે વિદ્યા બાલનને પહેલીવાર જુએ છે ત્યારે તે કોઈ જ સંદર્ભ વિના બોલી ઊઠે છે, ‘યે બંજારન કૌન હૈ, જો અપની સી લગતી હૈ?’ ગંભીર સીન હોવા છતાં આવું વિચિત્ર વાક્ય સાંભળીને પ્રેક્ષકોમાં હાસ્યનું મોજું ફરી વળે છે.

લોજિકનાં ચશ્માંમાંથી જુઓ તો પોતાના દીકરા ખાતર પણ વિદ્યા ઇમરાન સાથે લગ્ન શા માટે કરતી નથી, ઇમરાન હાથે કરીને જોખમી વિસ્તારમાં જાતે શા માટે જાય છે, ત્યાંથી લઇને એકવીસ વર્ષ પહેલાં પણ આઇ પૅડ-મોબાઇલ ફોન ક્યાંથી આવ્યા એવા સહજ પ્રશ્નો થાય જ. અરે, વિદ્યાના ચહેરા પર ગુલાબ ફેરવતા ઇમરાનને જોઇને ‘મુઘલ-એ-આઝમ’ યાદ આવે, તો રંગોળી વીખીને લહેરાતી સાડીએ દોડતી વિદ્યા (ભણસાલીના) ‘દેવદાસ’ની ‘પારો’ લાગે. આ જ વિદ્યા અહીં ‘કહાની’ના ક્લાઇમૅક્સની પણ યાદ અપાવે છે.

પીડાના પાર્ટનર

ફિલ્મ સાથે તમે કનેક્ટ થાઓ કે નહીં, પરંતુ એટલું તો માનવું પડે કે ઇમરાન, વિદ્યા અને રાજકુમાર રાવ ત્રણેયે પોતાના પાત્રમાં જીવ રેડી દીધો છે. એક પછી એક નવા સૂટ પહેર્યા કરતો ઇમરાન આટલો હેન્ડસમ ભાગ્યે જ કોઈ ફિલ્મમાં દેખાયો છે. દક્ષિણની હિરોઇન અમલા અક્કીનેની (‘શિવા’ ફેમ) બે વર્ષ પછી ફિલ્મમાં દેખાઈ છે. અને બોસ, એ એટલી જ ખૂબસૂરત લાગે છે. ટચવૂડ. વચ્ચે વચ્ચે સુહાસિની મૂળે, યતિન કર્યેકર અને ‘હૈદર’ના પિતા બનેલા અફલાતૂન અવાજના માલિક નરેન્દ્ર ઝા જેવાં સિનિયર કલાકારો પણ હાઉકલી કરી જાય છે. મોહિત સૂરિની ફિલ્મોનું સૌથી સ્ટ્રોંગ પાસું હોય છે તેનું દિલકશ મ્યુઝિક. અહીં ત્રણ સંગીતકારો (મિથૂન, જીત ગાંગુલી અને અમી મિશ્રા) છે અને સંગીત પણ સાંભળવું ગમે તેવું છે, પરંતુ તેમાં ‘એક વિલન’નાં ગીતોની છાંટ વર્તાયા કરે છે.

તમે પીડાપ્રેમી છો?

એક ફિલ્મની દૃષ્ટિએ જોઇએ તો ‘હમારી અધૂરી કહાની’માં જથ્થાબંધ ઊણપો છે. તેમ છતાં તમે જો ઇમરાન હાશ્મી કે વિદ્યા બાલનના ફૅનની કેટેગરીમાં આવતા હો, તમને દર્દીલી દાસ્તાનના બૅકગ્રાઉન્ડમાં દર્દભરે નગમે ચાલતાં હોય એવી વાર્તા ગમતી અથવા તો પ્રેમને ખાતર જાત કુરબાન કરતાં પાત્રો પ્રત્યે લગાવ હોય તો આ ફિલ્મ જોવા લાંબા થઈ શકાય. હા, જાઓ તો સાથે એક સારામાંનો રૂમાલ સાથે રાખજો.

રેટિંગઃ ** (બે સ્ટાર)

પોસ્ટ સ્ક્રિપ્ટઃ – રાજકુમાર રાવ ‘ક્વીન’માં કંગનાની પાછળ પડી ગયો હતો કે, “અલી મારા નામનું ટેટૂ કરાય ને!’’ તે આ ફિલ્મમાં (ભલે વિદ્યાને) કરાવીને જ ઝંપ્યો બોલો!

આ ફિલ્મમાં કરાવેલી દુબઈ, શિમલા, કોલકાતાની ટૂરો પણ લગભગ અર્થહીન છે. દુબઈની હૉટેલના બગીચામાં ઇમરાન વિદ્યાને માત્ર એટલા માટે જ લઈ જાય છે જેથી વિદ્યા પેલો ‘મુરઝાયે હુએ ફુલ-પત્તે’વાળો ડાયલોગ ફટકારી શકે. કે કોલકાતાય એટલા સારુ જ ઘુસાડ્યું છે કે વિદ્યાને મારવા ધસી આવેલા રાજકુમારને પાછળ દુર્ગા મા દેખાય અને સ્ત્રીશક્તિથી ડરીને એ પાછો વળી જાય.

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

બૉબી જાસૂસ

ડોબી જાસૂસ!

*** 

ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન જેવી લાગતી આ ફિલ્મ એક જાસૂસી ફિલ્મ કેવી ન હોવી જોઈએ એનો પરફેક્ટ નમૂનો છે.

***

bobby_jasoos_ver2છેલ્લા લગભગ એક મહિનાથી વિદ્યા બાલને વિવિધ શહેરોમાં જઈ જઈને એટલા બધા વેશપલટા કર્યા કે જાણે એ કોઈ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ભાગ લેવાની હોય. એણે કોને કોને ઉલ્લુ બનાવ્યા, એ કોની જાસૂસી કરશે કે પછી એને વેશપલટા માટે કેટલા કલાક મેકઅપ માટે બેસવું પડ્યું એવા સમાચાર હિમાલયમાં ભેખડો ધસી પડતી હોય એ રીતે આપણી માથે મારવામાં આવેલા. પરંતુ વિદ્યા બાલનના મેકઅપ માટે જેટલી મહેનત કરાઈ એનાથી દસમા ભાગની મહેનત પણ જો આ ફિલ્મની સ્ટોરી લખવા માટે કરાઈ હોત તો ફિલ્મ આટલી ખરાબ તો ન જ બની હોત.

‘CIDના ગાંગડે જાસૂસ બનાય?

બિલકિસ અહેમદ ઉર્ફ બોબી (વિદ્યા બાલન) હૈદરાબાદના એક મધ્યમવર્ગીય પરિવારની સૌથી મોટી દીકરી છે. એને ક્યાંકથી ભૂત વળગ્યું છે કે એને જાસૂસ બનવું છે. બોબીના ઘરમાં એના અબ્બાજાન (રાજેન્દ્ર ગુપ્તા) એની આ જાસૂસગીરીથી સખત ખફા છે. છતાં બોબી હૈ કિ માનતી હી નહીં!

ડિટેક્ટિવ એજન્સીમાં નોકરી મેળવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા પછી એ પોતાની પ્રાઈવેટ ડિટેક્ટિવ એજન્સી ખોલે છે. શરૂઆતમાં ફાલતુ કેસીસ કર્યા પછી અચાનક એક દિવસ એની કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. અનીસ ખાન (કિરણ કુમાર) નામનો એક ભેદી માણસ એની પાસે આવે છે અને એને એક પછી એક છોકરીઓ શોધવાનું કામ સોંપે છે. એના ફોટોગ્રાફ્સ પણ એની પાસે નથી. છે તો માત્ર નામ અને શરીરની નિશાનીઓ જેમ કે, હાથ પર તલ, બાવડે લાખું વગેરે. પરંતુ એ આ છોકરીઓને શા માટે શોધી રહ્યો છે એ કશું પૂછવાનું નહીં. આ કામ કરવા માટે મોં માગી કિંમત પણ એ બોબીને આપે છે એટલે બોબી પણ હોંશે હોંશે આ છોકરીઓ શોધી આપવાનું કામ કરે છે. રહી રહીને બોબીને દાળમાં કાળું લાગે છે એટલે એ રિવર્સ શોધખોળ શરૂ કરે છે.

આ દરમિયાન બોબીનાં લગ્નની માથાકૂટ પણ ચાલે છે. ફિલ્મ પૂરી થતાં સુધીમાં આપણને પણ થઈ આવે કે આ બોબી હવે પરણીને જાસૂસીનાં શટરિયાં પાડી દે તો સારી વાત છે!

જાસૂસી કે સાઇડઈફેક્ટ્સ

આપણે અત્યાર સુધીમાં જેટલી જાસૂસી કથાઓ જોઈ-વાંચી હશે, એમાં એક વાત લ.સા.અ. (લઘુતમ સામાન્ય અવયવ)ની જેમ કોમન હોય છે કે જાસૂસ પોતે અત્યંત તેજ દિમાગ ધરાવતો સ્માર્ટ માણસ હોય છે. પરંતુ આ બોબી જાસૂસ ડફોળની કેટેગરીમાં આવે એ હદે ડબ્બુ છે. એક તો એનો ઇન્સ્પિરેશન સોર્સ સોની ટીવી પર આવતી ‘CID’ સિરીયલ છે! જાસૂસે અત્યંત લાઉડ થઈને પોતાનું નામ બોલ બોલ ન કરવાનું હોય, જ્યારે આ બોબી તો આખી ફિલ્મમાં જાણે ‘જાસૂસ… જાસૂસ’ શબ્દની માળા જપતી હોય એ રીતે પોતાની ઓળખ છત્તી કરતી રહે છે. એ કેટલી ઠોઠ જાસૂસ છે તેની એ મુદ્દે ખબર પડી જાય છે કે છૂપી રીતે ફોટા પાડતી વખતે એ શટરનો સાઉન્ડ ઑન રાખે છે, ફોટોગ્રાફ જેવા અગત્યના સબૂતને અત્યંત બેદરકારીથી રાખે છે અને ખોઈ પણ નાખે છે, એક તરફ જાતભાતના વેશપલટા કરવામાં માહેર હોય અને જ્યારે કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં ખાંખાખોળા કરવા જાય ત્યારે બે વાક્ય પણ બોલી શકે નહીં, ઉપરથી સીસીટીવી કેમેરાની હાજરી ભૂલી જઈને બિન્દાસ ખુલ્લા ચહેરે ફર્યા કરે… વાતના અંકોડા મેળવવા માટે તે પોતાના આખા પરિવારની જાન જોડીને ફર્યા કરે છે અથવા તો કોઈની બાઈકની પાછળ ઊંધા બેસીને બબૂચકની જેમ બાઇનોક્યુલરમાંથી ઝાંખતી રહે છે. એટલું જ નહીં, કટોકટીની સ્થિતિમાં એ પોતાની મેળે પહોંચી પણ વળતી નથી. ઈન શોર્ટ, એક સ્માર્ટ જાસૂસમાં હોય એવું એક પણ લક્ષણ એનામાં નથી.

લોચા હી લોચા

એક રૂઢિચુસ્ત પરિવારની યુવતીને પોતાની મરજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી હોય અને એ ક્ષેત્ર પણ જો જાસૂસ જેવું અત્યંત વિચિત્ર હોય, તો એને કેટલી તકલીફ પડી શકે એ આ આખી ફિલ્મનો અંડરકરન્ટ છે. પરંતુ એ અન્ડરકરન્ટ ફિલ્મ જોતી વખતે આપણને એટલા ઝટકા આપે છે કે ન પૂછો વાત! માંડ બે કલાકની હોવા છતાં આ ફિલ્મ ધીમી ગતિના સમાચાર જેવી સ્લો છે. ઉપરથી જાસૂસીના મુખ્ય ટ્રેક પર આવતાં જ દર થોડી વારે સબ પ્લોટ્સની ગલીઓમાં ઘુસી જાય છે. ફિલ્મને માંડ ખેંચીને પાટા પર ચડાવી હોય ત્યાં ગીત આવીને પંક્ચર પાડી દે. ઈવન, જ્યારે ફિલ્મને અંતે સસ્પેન્સ આપણી સામે આવે ત્યારે તો રીતસર ટાંય ટાંય ફિસ્સ જેવું થાય છે. સસ્પેન્સ ખૂલે ત્યારે જે આંખો પહોળી થઈ જાય એવી કોઈ ફીલિંગ થતી નથી. ઉપરથી સમગ્ર સસ્પેન્સ ખૂલી ગયા બાદ પણ ખાસ્સી વાર સુધી ટિપિકલ રોનાધોના છાપ મેલોડ્રામા ચાલતા રહે છે. મતલબ કે નવોદિત ડિરેક્ટર સમર શેખ અને લેખિકા સંયુક્ત ચાવલા શેખ બંને તદ્દન નિષ્ફળ ગયાં છે.

બીજો મોટો લોચો છે, સપોર્ટિંગ કાસ્ટનો. વિદ્યા બાલન પોતાના પાત્રને ન્યાય કરવા માટે ખાસ્સી મહેનત કરે છે, પરંતુ એક તો એનું પાત્ર નબળું લખાયું છે, અને ઉપરથી ફિલ્મમાં સક્ષમ કલાકારો હોવા છતાં એને કોઈની મદદ મળતી નથી. ઈવન વિદ્યા બાલનની અપોઝિટ રહેલો (‘ફુકરે’ ફેઇમ) અલી ફઝલ પણ સાવ નબળો સાબિત થાય છે. આપણને વિશ્વાસ ન આવે કે આખી ‘રામ-લીલા’ ફિલ્મમાં ખોફનો માહોલ ફેલાવી દેનારાં સુપ્રિયા પાઠક કપૂર જેવાં ધરખમ અભિનેત્રી હોવા છતાં એમને તદ્દન વેડફી નાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજેન્દ્ર ગુપ્તા, તન્વી આઝમી, ઝરીના વહાબ જેવાં ચરિત્ર અભિનેતાઓ છે, પણ એમની પાસે પણ છૂટક મેલોડ્રામા સિવાય ખાસ કામ લેવામાં નથી આવ્યું. કિરણ કુમાર થોડી આશા જન્માવે છે, પણ ક્લાઇમેક્સ સુધી પહોંચતાંમાં તો એ પણ હાંફી જાય છે. અર્જન બાજવા અને બેનાફ દાદાચાનજી (‘બા બહુ ઔર બેબી’ની ‘બેબી’) પણ ઠીક મારા ભૈ છે.

કેસ ક્લોઝ્ડ

બોબી જાસૂસ એક ડિટેક્ટિવ ફિલ્મ તરીકે તદ્દન નિરાશ કરે છે. ફિલ્મમાં થોડી અમથી હળવી પળો છે, સાંભળતાં કંટાળો ન આવે એવાં બે ગીત છે અને ખાસ તો વિદ્યા બાલનનું પ્રામાણિક પરફોર્મન્સ છે. મતલબ કે તમે જો વિદ્યા બાલનના એના જેવા જ ભારેખમ ફેન હો તો આ ફિલ્મ જોવા થિયેટર સુધી લાંબા થઈ શકાય, બાકી વિદ્યા બાલન કે પ્રોડ્યુસર દિયા મિર્ઝા સાથે આપણો કોઈ વાટકી વ્યવહાર ચાલતો નથી કે આપણે પાંચસો-હજાર રૂપિયા બાળી નાખીએ!

રેટિંગઃ * 1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

શાદી કે સાઇડ ઇફેક્ટ્સ

પેરેન્ટિંગ કે સાઇડ ઇફેક્ટ્સ

 ***

સ્માર્ટ ઓબ્ઝર્વેશન્સથી ભરપુર આ ફિલ્મ બિનજરૂરી રીતે એટલી બધી લાંબી થઇ ગઇ છે કે એટલા સમયમાં તો સાચુકલી શાદી પણ પૂરી થઇ જાય!

***

skse1શાદી મતલબ દો આત્માઓં કા પવિત્ર બંધન, જનમ જન્માંતર કા સાથ, અગ્નિ કો સાક્ષી માનકર સાથ જીને-મરને કા વચન… આવી એકેય ઘિસીપિટી વાત આ ફિલ્મમાં નથી. પ્રેમમાં પડવું સારું લાગે, પણ એક વાર લગ્ન થઇ જાય અને મેરિડ લાઇફની વાસ્તવિકતા સામે આવે એટલે પ્રેમ સસ્તા ડિઓડરન્ટની જેમ ક્યાંય ઊડી જાય. આ વાતને સ્માર્ટ રીતે કહેતી સાકેત ચૌધરીની રોમકોમ (રોમેન્ટિક કોમેડી) ફિલ્મ ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ સ્માર્ટ હોવા છતાં બિનજરૂરી લાંબી હોવાને કારણે બોરિંગ બનીને રહી જાય છે.

સ્ટોરી પધરાવો સાવધાન

અગાઉની પ્રિક્વલ ‘પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ’નાં પાત્રો સિદ્ધાર્થ રોય ઉર્ફ ‘સિદ’ (ફરહાન અખ્તર) અને ત્રિશા મલ્લિક (વિદ્યા બાલન) હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. એમની મેરિડ લાઇફ અત્યંત હેપ્પી છે, થેન્ક્સ ટુ સિદની સિમ્પલ ફોર્મ્યૂલા, વાંક બેમાંથી ગમે તેનો હોય, આપણે સોરી કહી દેવાનું! પણ ત્યાં જ ત્રિશા પ્રેગ્નન્ટ થાય છે અને બાળકના આગમન સાથે આખી હેપ્પી મેરિડ લાઇફનું શિર્ષાસન થઇ જાય છે. એક સમયે બંને જણાં પ્રેમી પંખીડાંની જેમ જીવતાં હતાં, પરંતુ હવે આખી લાઇફ બેબીની આસપાસ જ ફરવા માંડે છે. હવે બેબીનાં નેપી ચેન્જ કરવાં, બેબીને નવડાવીને તૈયાર કરવી, બેબીને બહાર ફરવા લઇ જવી વગેરે વાતો જ બંને વચ્ચે રહી જાય છે. અધૂરામાં પૂરું આ જ કારણોસર બંને વચ્ચે ઝઘડા પણ થવા માંડે છે.

એટલે સંકટ સમયની સાંકળની જેમ ફરહાન પોતાના સાઢુભાઇ રામ કપૂરની મદદ લે છે. રામભાઇ સલાહ આપે છે કે પત્ની પાસે કામનું બહાનું કાઢીને બે-ત્રણ દિવસ એકલા હોટલમાં રહેવા ભાગી જવાનું, સિમ્પલ! એટલે ગાડી પાટા પર આવી જશે. આ આઇડિયા થોડો સમય તો કામ લાગે છે, ત્યાં જ એક નવી મુસીબત ફરહાનની રાહ જોઇ રહી હોય છે. આવા એક પછી એક ખાડાટેકરામાંથી સિદ-ત્રિશાની મેરિડ લાઇફ આગળ વધતી રહે છે.

અનહેપ્પીલી એવર આફ્ટર

2006માં રાઇટર-ડાયરેક્ટરે રાહુલ બોઝ-મલ્લિકા શેરાવતને લઇને ફિલ્મ બનાવેલી, ‘પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ’. ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ તેની સિક્વલ છે. એક્ચ્યુઅલી, આ ફિલ્મ શાદીની નહીં, બલકે મા-બાપ બન્યા પછી ઊભી થતી પેરેન્ટિંગની સાઇડ ઇફેક્ટ્સની વાત વધારે કરે છે.

રિલીઝ પહેલાં ફિલ્મના પ્રોમોઝ જોઇને એવું લાગતું હતું કે દુઃખી પતિ વર્સસ ફ્રસ્ટ્રેટેડ પત્ની વચ્ચેની આ નોકઝોંક એકદમ સ્માર્ટ રોમકોમ હશે. આ ફિલ્મ સ્માર્ટ છે, કેટલાંક ખરેખર સ્માર્ટ ઓબ્ઝર્વેશન્સ પણ લઇને આવે છે, જે તમને ખડખડાટ હસાવે પણ છે, પણ લગ્ન કરતાં વરઘોડો લાંબો ચાલે એની જેમ આ ફિલ્મ ખાસ્સી લાંબી થઇ ગઇ છે. ઉપરથી પ્રીતમનાં સાવ બોરિંગ સોંગ્સ આપણી મજાને સજામાં ફેરવવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે.

આ ફિલ્મમાં આખી વાતને પુરુષના જ એન્ગલથી જોવામાં આવી છે. એટલે સ્ટોરી ટેલર પણ ફરહાન પોતે જ છે. આથી જ આખી વાત બેલેન્સ થતી નથી. એના કરતાં જો ટિટ ફોર ટેટની જેમ બંને પક્ષ તરફથી એકસાથે સ્ટોરી કહેવાઇ હોત તો વાત ઓર જામી હોત. વનસાઇડેડ હોવાના કારણે ફિલ્મના બધા જ સ્માર્ટ પંચ ફરહાનના ભાગે જ આવ્યા છે, જ્યારે વિદ્યા બાલનના ભાગે માત્ર ફ્રસ્ટ્રેટ અને દુઃખી થવાનું જ આવ્યું છે.

શાદી કે સાઇડ ઇફેક્ટ્સનું આખું પેકેજિંગ શહેરી છે. ઉપરાંત ફિલ્મમાં રજૂ કરાયેલા પ્રોબ્લેમ્સ પણ વર્કિંગ કપલ્સને લાગુ પડે એવા જ રખાયા છે, એટલે તે એક અર્બન મલ્ટિપ્લેક્સ મુવી બનીને રહી જશે.

ફિલ્મમાં લગ્નજીવનમાં ત્રાસેલો ફરહાન રામ કપૂરની સલાહ લે છે, પણ એની સલાહોથી એ ઉલટાનો હેરાન થાય છે. આખી ફિલ્મ લગ્ન અને પેરેન્ટિંગ વિશેના જે ખ્યાલો રજૂ કરે છે એ એક હળવી ફિલ્મ માટે બરાબર છે, બાકી એને સિરિયસલી લઇને અમલ કરવા જઇએ તો આપણું ઘર ભાંગે એવી સ્થિતિ સર્જાય! આ ફિલ્મ વર્કિંગ અર્બન કપલ્સ માટે કોઇ સોલ્યૂશન રજૂ કરતી નથી બલકે ‘કામિયાબ શાદી કા કોઇ ફોર્મ્યૂલા નહીં હૈ, બસ એકદૂસરે સે સચ કહો’ એવું કહીને હાથ ખંખેરી નાખે છે.

રાઇટર-ડિરેક્ટર સાકેત ચૌધરીએ મેરિડ લાઇફનાં કેટલાંક ગજબ ઓબ્ઝર્વેશન્સ પકડ્યાં છે, જે આપણને ખડખડાટ હસાવવામાં સફળ થાય છે, પરંતુ આપણાં આ અટ્ટહાસ્યો લાંબાં ટકતાં નથી. કેમ કે, ફિલ્મની ધીમી ગતિ એ સ્માર્ટનેસને ખતમ કરી નાખે છે.

ફરહાન અખ્તર આખી ફિલ્મનો પ્રાણ છે. ‘ભાગ મિલ્ખા ભાગ’ના માચો લૂકની સામે અહીં એ એકદમ યંગ ચોકલેટી લાગે છે. ફિલ્મમાં પત્ની વિદ્યા બાલનને ફરહાન ખોટું બોલતાં એવું કહે છે કે એ જાડી નહીં, પણ પરફેક્ટ લાગે છે. પરંતુ વિદ્યાબેન આપણાં સગામાં થતાં નથી, એટલે આપણે કહી જ શકીએ કે એ અત્યંત જાડી લાગે છે! વળી, એનું ડ્રેસિંગ પણ એવું છે, જેથી એ ઓર ભારેખમ લાગે છે.

ફિલ્મમાં મોડેથી એન્ટ્રી મારતો વીર દાસ ડૂબતી જતી ફિલ્મમાં ઓક્સિજન બનીને આવે છે, પણ એના ભાગે ઝાઝા સીન આવ્યા નથી. ઇન ફેક્ટ, ફિલ્મમાં રામ કપૂર, ઇલા અરુણ, રતિ અગ્નિહોત્રી કે પૂરબ કોહલી પણ જોવી ગમે એવી સ્ટારકાસ્ટ છે, પણ એમના ભાગે ખાસ કશું નોંધપાત્ર કરવાનું આવ્યું નથી.

ફિલ્મનાં પ્રોડ્યુસર્સ બાલાજી અને પ્રીતીશ નાંદીએ ખર્ચો કાઢવા માટે ફિલ્મમાં વધારે પડતાં સ્પોન્સર્સ લઇ લીધાં છે, જેમને જસ્ટિફાય કરવામાં આખી સ્ટોરી વારે વારે એ એન્ડોર્સ કરેલી પ્રોડકટ્સ બતાવવાની દિશામાં જ ફંટાતી રહે છે.

આ શાદીમાં ચાંલ્લો કરવો કે નહીં?

કંગાળ મ્યુઝિક, સ્લો પેસ, વધુ પડતી લંબાઇ અને વન સાઇડેડ સ્ટોરી જેવા ઓબ્વિયસ ખાડાટેકરા દૂર કરી દેવાયા હોત, તો આ ફિલ્મ ધમાકેદાર સ્માર્ટ રોમકોમ બની હોત. પરંતુ અત્યારે પણ સાવ બોરિંગ તો નથી જ. એટલે ફિલ્મ જોવા તો બેધડક જઇ શકાય. હા, સબ્જેક્ટ એવો છે એટલે તમારે થિયેટરમાં અંકલ-આન્ટીઝ, ન્યૂલી મેરિડ કપલ્સ અને આમથી તેમ દોડતાં બચ્ચાંલોગ સાથે ફિલ્મ જોવાની તૈયારી રાખવી પડશે. ફિલ્મની વચ્ચે વચ્ચે ‘સો સ્વીટ’, ‘સો ક્યૂટ’, ‘ઑઑઑઑઑ…’  જેવા ઉદગારો સાંભળવાની પણ તૈયારી રાખવી પડશે. એટલે મેરિડ કપલ્સ તો અહીં પિરસાયેલા ઘણા પ્રશ્નો સાથે પોતાની જાતને આઇડેન્ટિફાય કરશે, પણ કુંવારા જુવાનિયાંવ માટે આ રોમકોમ ‘હોરર ફિલ્મ’ બની જાય એ શક્ય છે. એ લોકો લગ્નનો વિચાર જ માંડી વાળે અને ન્યૂલી મેરિડ કપલ્સ બાળક પ્લાન કરવાનું માંડી વાળે એવાં જોખમ પણ છે જ! એટલે એ રીતે ફિલ્મ પોતાના હિસાબે અને જોખમે જોવી!

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

મહાભારત (એનિમેટેડ મુવી)

આના કરતાં ચૌદ વર્ષનો વનવાસ સારો!

***

મહાભારત જેવી શાશ્વત કથા પરથી કેવી એનિમેટેડ ફિલ્મ ન બનાવવી જોઇએ તેનું પરફેક્ટ ઉદાહરણ છે આ ફિલ્મ.

***

mahabharat-3d-animation-movie-posterમહાભારત, ધ ગ્રેટેસ્ટ સ્ટોરી એવર ટોલ્ડ. સંખ્યાબંધ પાત્રો, દરેક પાત્રની બેકસ્ટોરી અને અત્યારના સંદર્ભમાં ચકાસવા બેસો તો તેનું જ્યોગ્રાફિકલ અનુસંધાન પણ મળી આવે. તેના વિશે સાચું જ કહેવાયું છે કે જે અહીં છે તે જ સઘળે છે, અને જે અહીં નથી તે ક્યાંય નથી. આ સંસારની બધી જ સ્ટોરીઓનું, દરેક પ્લોટનું અનુસંધાન મહાભારતની કથામાં મળી આવે. પ્રેમ, દોસ્તી, દગો, રાજકારણ, મિસ્ટ્રી, ફેન્ટેસી, ચમત્કાર, યુદ્ધ, ભક્તિભાવ કે ઇવન સાયન્સ ફિક્શનની કડીઓ પણ તમે મહાભારતમાંથી શોધી શકો. મહાભારત એટલે ભારતીય સંસ્કૃતિની એવી મહાગાથા, જે ક્યારેય જૂની થતી નથી. હજારો વર્ષો થયા પછીયે આપણને એવી ને એવી જ તરોતાજા અને નવી લાગે છે. યુગો યુગોથી અનેક સર્જકો પોતપોતાની શક્તિ અને મતિ પ્રમાણે આ કથા ફરી ફરીને કહેતા આવ્યા છે અને આવનારાં સૈકાઓમાં પણ આ ક્રમ ચાલુ જ રહેવાનો છે. આ જ ક્રમમાં વધુ એક કડી એટલે અમાન ખાન દિગ્દર્શિત એનિમેટેડ ફિલ્મ ‘મહાભારત’. પરંતુ બોલિવૂડના જથ્થાબંધ સ્ટાર્સને લઇને બનાવાયેલી આ ફિલ્મ વિશે ખુશ થવા જેવી એકેય વાત નથી.

એનિમેશન નહીં, ઝોમ્બિફિકેશન

આ ફિલ્મની સ્ટોરી એટલે કે મૂળ મહાભારતની સ્ટોરી તો ગજિનીના આમિર ખાન જેવો દિમાગી કેમિકલ લોચો ધરાવતા લોકોને પણ ખબર હોય, એટલે એમાં ઊંડા ઊતરવાની કશી જરૂર નથી. ઇવન ફિલ્મના મેકર્સ પણ મહાભારતની કથાના મુખ્ય મુખ્ય બનાવોને બાદ કરતાં એમાં ઊંડા ઊતર્યા નથી.

મહાભારત ફિલ્મ વિશે ઊડીને આંખે ખૂંચે એવી પહેલી વાત છે તેનું અત્યંત નબળું અને રાધર, ગંદું એનિમેશન. આ ફિલ્મ મોટી ઉંમરના લોકોને તો અપીલ કરી શકે એવી છે નહીં, એટલે એવું સ્વીકારી લઇએ કે બાળકો તેનું ટાર્ગેટ ઓડિયન્સ છે, તો પછી તેનું એમેચ્યોરિશ એનિમેશન બાળકોને પણ અપીલ કરી શકે એવું નથી. કારણ કે, અત્યારનાં બાળકો હોલિવૂડની લાયન કિંગ, આઇસ એજ, માડાગાસ્કર, બ્રેવ, ટેન્ગલ્ડ વૉલ ઇ, ફાઇન્ડિંગ નિમો જેવી સુપર્બ એનિમેશનવાળી ફિલ્મો જોઇ જ ચૂક્યાં છે. એટલું જ નહીં, બાળકોની ચેનલ્સમાં પણ અફલાતૂન ક્વોલિટીનું એનિમેશન પિરસાય છે. ત્યારે આ ફિલ્મનું એનિમેશન બાળકોને પણ ચાઇલ્ડિશ લાગે એ હદે બાલિશ છે. આ પ્રકારના એનિમેશનમાં નથી કોઇ પાત્રના ચહેરા પર હાવભાવ આવતા, નથી એમનું હલનચલન સ્વાભાવિક કે નથી એમના હોઠ પ્રોપર્લી ફફડતા. સોરી ટુ સે, પણ બધાં જ પાત્રો હાલતાં ચાલતાં ઝોમ્બી જેવાં દેખાય છે.

મહાભારતનું બોલિવૂડીકરણ

વળી, લોકોને આકર્ષવાના એક ભાગરૂપે હોલિવૂડ સ્ટાઇલમાં અહીં દરેક મુખ્ય પાત્ર માટે બોલિવૂડનાં સુપરસ્ટાર્સનો અવાજ લેવામાં આવ્યો છે. જેમ કે, અમિતાભ બચ્ચન (ભીષ્મ પિતામહ), શત્રુઘ્ન સિંહા (શ્રીકૃષ્ણ), અજય દેવગણ (અર્જુન), અનિલ કપૂર (કર્ણ), સન્ની દેઓલ (ભીમ), મનોજ બાજપાઇ (યુધિષ્ઠિર), જેકી શ્રોફ (દુર્યોધન), વિદ્યા બાલન (દ્રૌપદી), અનુપમ ખેર (શકુનિ), દીપ્તિ નવલ (કુંતી) વગેરે. આ સ્ટાર વેલ્યૂ ઉમેરવાની લાલચમાં દરેક પાત્રનો ચહેરો પણ જે તે સ્ટાર જેવો જ કરવામાં આવ્યો છે. એટલે ભીષ્મ પિતામહ અમિતાભ જેવા અને અર્જુન અજય દેવગણ જેવો દેખાય એવું. એટલે સુધી કે મનોજ બાજપાઇના લમણે છે તે મસો પણ અહીં યુધિષ્ઠિરના લમણે મુકાયો છે! એટલે કોઇ પાત્ર મહાભારતનું હોય એવું લાગતું જ નથી, બલકે તદ્દન ફિલ્મી લાગે છે. એમાંય સન્ની દેઓલવાળું ભીમનું પાત્ર તો એટલું ફિલ્મી લાગે છે કે જાણે હમણાં બોલી ઊઠશે, ‘યે હાથ નહીં, ઢાઇ કિલો કા હથૌડા હૈ. એક બાર પડતા હૈ તો…!’ શકુનિનો અવાજ આપનાર અનુપમ ખેરે વીતેલા જમાનાના ખલનાયક જીવનની યાદ અપાવે એવો અવાજ કાઢ્યો છે, જ્યારે એમનો લુક અનુપમના જ ભાઇ રાજુ ખેર જેવો લાગે છે. સૌથી નિરાશાજનક પોર્ટ્રેયલ શ્રીકૃષ્ણનું છે. એક તો એમનો લુક ‘અશોકા’ ફિલ્મમાં હતો એ દક્ષિણના હીરો અજિતકુમાર જેવો છે અને અવાજ શત્રુઘ્ન સિંહાએ આપ્યો છે, જે શ્રીકૃષ્ણની રમતિયાળ પર્સનાલિટીને જરાય મેચ નથી કરતો.

રિસર્ચના નામે મીંડું

આ ફિલ્મ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી એનિમેટેડ ફિલ્મ હોવાનું અને સાત વર્ષની મહેનત પછી બની હોવાનું કહેવાય છે. જો એ વાત સાચી હોય તો થોડોક ખર્ચો રિસર્ચ માટે પણ કરી લેવો જોઇતો હતો! આ તો કોઇએ માત્ર બી. આર. ચોપરાની મહાભારત સિરિયલ જોઇને આ ફિલ્મ બનાવી નાખી હોય એવું લાગે છે. કેમ કે, એક તો મહાભારતના જાણીતા પ્રસંગો સિવાય એક પણ સબપ્લોટના ઉંડાણમાં જવામાં નથી આવ્યું. એટલું પૂરતું ન હોય એમ, હસ્તિનાપુરના રાજમહેલ જયપુરના સિટી પેલેસ જેવા લાગે છે. એનાથી પણ ખરાબ, ઘણા પેલેસમાં ચોખ્ખી ઇસ્લામિક આર્કિટેક્ચરની છાંટ દેખાઇ આવે છે. હવે ઇતિહાસ કહે છે કે મહાભારતકાળમાં ઇસ્લામ ધર્મનું અસ્તિત્વ જ નહોતું. પાત્રો પાસે જે હિન્દી બોલાવવામાં આવ્યું છે તે પણ ઉર્દૂમિશ્રિત છે, જે ન હોવું જોઇએ. ઘણાં બધાં પાત્રો અને ઘટનાઓ અહીં મિસિંગ છે અથવા તો તેનો ઉપરછલ્લો જ ઉલ્લેખ છે.

હસ્તિનાપુરનું સભાગૃહ, માયામહલનું ડિઝાઇનિંગ અને યુદ્ધનાં દૃશ્યો સારાં બન્યાં છે, પરંતુ બાકીના પ્રસંગો જોઇએ તેટલા ભવ્ય નથી લાગતા, જે એક એનિમેશન મુવી પાસેથી અપેક્ષિત હોય છે. જો આ ફિલ્મનું એનિમેશન રિયલિસ્ટિક હોત અને ફિલ્મને થ્રીડીમાં બનાવવામાં આવી હોત તો તેની આભા જ કંઇક ઓર હોત.

ખરેખર તો મહાભારત જેવી મહાગાથા પરથી ફિલ્મ બનાવવી હોય તો કાં તો તેની કોઇ સબસ્ટોરી કે કોઇ પાત્ર પરથી ફિલ્મ બનાવવી જોઇએ, અથવા તો તેને અલગ એંગલથી કે અલગ પરિપ્રેક્ષ્યમાં મૂકવી જોઇએ. નહીંતર આ રીતે એકની એક રીતે સ્ટોરી કહેવામાં સમય, શક્તિ અને (મેકર્સ તથા પ્રેક્ષકો બંનેના) પૈસાની બરબાદી સિવાય કશું જ નથી.

આ મહાભારત જોવું કે ન જોવું?

જો આપ ‘ધૂમ-3’ના આઘાતમાંથી બહાર આવી ગયા હો અને બાળકોને મહાભારતની કથા વિશે ઉપરછલ્લી માહિતી આપવા માગતા હો તો આ ફિલ્મ એમને બતાવી શકાય. બાકી, બી. આર. ચોપરાની મહાભારત સિરીયલ આજે પણ એટલી જ અસરદાર છે. છતાં આ ફિલ્મને જે કંઇ રેટિંગ મળે છે એ માત્ર સારા ઇરાદા, અત્યારે આ સ્ટોરી કહેવાની હિંમત અને અમુક સારી સિક્વન્સીસને જ આભારી છે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.