Oxford Book Store, Darjeeling

1દાર્જીલિંગનાં ‘સાઇટ સીઇંગ’ના ફિક્સ્ડ પોઇન્ટ્સ, હેરિટેજ ‘ટોય ટ્રેન’ અને શોપિંગમાંથી ટાઇમ કાઢીને મૉલ રોડ કહેતા નેહરુ રોડ પર ટહેલવા નીકળો એટલે રોડના સામેના છેડે એક જબરદસ્ત ચોક આવે. ત્યાં એને ‘ચૌરસ્તા’ નામ અપાયું છે. ચીનના ‘ટિયાનનમેન સ્ક્વેર’ કરતાં સહેજ જ નાનો હશે! એયને મોટો ચોક, ચોકના એક છેડે વિશાળ એમ્ફિ થિયેટર, તેને અડીને અમદાવાદના કોઈ મલ્ટિપ્લેક્સ કરતાં જરાક મોટો સ્ક્રીન (જેના પર ટાટા સ્કાય કૃપાથી IPL ચાલતી હોય). અમે ગયાં ત્યારે કોઈ બંગાળી ફિલ્મના શૂટિંગ માટે દુર્ગાપૂજાનો વિશાળ પંડાલ ઊભો કરવાનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું હતું! ચોકની વચ્ચે ઘોડેસવારી કરાવનારાઓ રોકડી કરી લેવાની ફિરાકમાં હોય. સમગ્ર મૉલ રોડ અને ચૌરસ્તા પર વાહનોને નો એન્ટ્રી એટલે આખો વખત ‘હેપ્પી સ્ટ્રીટ’ જ ચાલતી હોય! તમે ચાહો તો મહાકાલ માર્કેટમાં ગરમ કપડાં જોઈ શકો, સ્ટ્રીટ વેન્ડર પાસેથી મોમો-ચાઉમીન-એગ રોલ ખરીદીને પેટમાં પધરાવી શકો કે પછી ચોકની બાઉન્ડરીએ બેસાડેલા બાંકડાઓ પર બેસીને શાંતિથી બ્લેક ટીની ચુસ્કીઓ લેતાં લેતાં આંખ સામેના આઈ મેક્સ દૃશ્યને દિમાગની મેમરીમાં ભરી શકો. આ બધુંય કરી લીધા પછી મારી આંખો ફોકસ થઈ સામે આવેલી પહાડી સ્ટાઇલની લીલા રંગની એક દુકાન પર. નામ હતું, ‘ઓક્સફર્ડ બુક્સ એન્ડ સ્ટેશનરી કંપની’. એકઝાટકે મોમોને મોંમાં ઓરીને ને પેન્ટની પાછળ હાથ લૂછીને સ્લો મોશનમાં હડી કાઢતો પહોંચી ગયો ત્યાં અંદર.
 
કસમથી કહું છું, બાજુમાં ચાર-પાંચ સારા લેખકોનાં પુસ્તકોની થપ્પી કરી રાખી હોય તો વાંચીએ નહીં તોય, કંઇક સારા લોકોની સોબતમાં છીએ એવી ટાઢક તો જરૂર થાય! જ્યારે અહીં તો ઉમળકાથી રડી પડીએ એટલો વિરાટ પુસ્તકોનો સંસાર મારી આંખ સામે હિલ્લોળા લઈ રહ્યો હતો. ભોંયતળિયાથી લઇને લિટરલી છતને અડે ત્યાં સુધી પુસ્તકો જ પુસ્તકો. ટ્રાવેલ અને એમાંય હિમાલયને કેન્દ્રમાં રાખીને લખાયેલાં પુસ્તકોનું જે વૈવિધ્ય ત્યાં હતું તે અત્યાર સુધી બીજે ક્યાંય જોયું નથી. ઇન્ટરનેટ ફેંદતાં જણાયું કે પહાડી સ્ટાઇલમાં બંધાયેલો આ સ્ટોર એટલિસ્ટ છ દાયકાથી ત્યાં ઊભો છે. ઇવન ત્યાંના સ્ટાફમાં પણ ચચ્ચાર દાયકાથી કામ કરતા માણસો મળી આવે. સ્ટોરની સજાવટ કે પ્રેઝન્ટેશનને બદલે પુસ્તકો જ ત્યાં કેન્દ્રમાં હતાં. બહાર સ્વેટરોની દુકાનમાં જેટલી ભીડ હતી તેના દસમા ભાગના લોકો પણ આ સ્ટોરમાં નહોતા. શૉપની અંદર એક પ્લેકાર્ડ પણ ઝૂલતું હતું, ‘વોન્ટેડ બ્રાઉઝર્સ, નો એક્સપિરિયન્સ રિક્વાયર્ડ.’ થોડી ખિન્નતા થઈ, પણ ત્યાં પ્રાઇમરી સ્કૂલની બે ટબુડીઓ જે રીતે પેંગ્વિન ક્લાસિક્સની એક પછી એક બુક હાથમાં લઇને એના વિશે ચર્ચા કરી રહી એ જોઇને હૈયે કાંચનજંઘા પર્વતનો મસ્ત ઠંડો બરફ પડ્યો.
 
શહેરી ચકાચૌંધથી દૂર નાનકડા સ્થળે આવો જબરદસ્ત બુક સ્ટોર જોઇને મને ગાડું ભરીને અદેખાઈ પણ આવી ગઈ કે મારા શહેરમાં આવો સ્ટોર કેમ ન હોય? (હા, અહીંયા ‘ક્રોસવર્ડ’ છે, બટ એ ઓક્સફર્ડ જેવા ડેડિકેટેડ સ્ટોરની વાત જ અલગ છે.) જો હોય તો હું મંદિરે જવાની નિયમિતતાથી ત્યાં આંટાફેરા કરતો રહું.
 
એ સ્ટોરમાં થોડી વારમાં તો હું ભૂલી ગયો કે હું ક્યાં છું. મારા ફેમિલી મેમ્બર્સને ખબર છે કે આના દિમાગની રેકર્ડમાં પિન એક ઠેકાણે ચોંટે પછી આગળ ખસવી મુશ્કેલ છે. એટલે ખૂબ બધું ચાલીને પણ એ લોકો ત્યાં ખાસ્સી વાર ટહેલતાં રહ્યાં અને મને અંકલ સ્ક્રૂજની જેમ પુસ્તકોના એ કુબેર ભંડારમાં ડૂબકીઓ મારવા દીધી (આમેય મને પરાણે ખેંચ્યો હોત તો ૩૫ વરસનો ઢાંઢો જમીન પર બેસીને પગ પછાડતો કજિયો કરતો હોય એ થોડું સારું લાગે?!).
 
બહાર અંધારું થવા માંડ્યું એટલે મને યાદ આવ્યું કે હજી હોટેલ પર પણ જવાનું છે. પરંતુ ખાલી હાથે તો એ મસ્ત સ્ટોરમાંથી કેવી રીતે નીકળાય? વળી, નવી મીઠી મૂંઝવણ શરૂ થઈ, કઈ બુક ખરીદવી? બધું જ ખરીદવા જેવું લાગે! કોઈ બુક હાથમાં લઇએ ત્યાં આપણો મિડલક્લાસ આત્મા પોકારી ઊઠે, ‘અલ્યા, આ બુકમાં તો એમેઝોન પર ૩૬ ટકા ડિસ્કાઉન્ટ છે!’ ખાસ્સી ગડમથલ કર્યા પછી થયું કે આમ તો મારો પાર જ નહીં આવે, હવે બ્રહ્માસ્ત્ર જ ચલાવવું પડશે. એ બ્રહ્માસ્ત્ર એટલે વન એન્ડ ઓન્લી ‘ધ રસ્કિન બોન્ડ’. ક્યારેય કોઇને, કોઇપણ ઉંમરની વ્યક્તિને ગિફ્ટમાં પુસ્તક આપવું હોય અને કયું પુસ્તક આપવું એ કન્ફ્યુઝન હોય તો બિનધાસ્ત રસ્કિન બોન્ડની કોઇપણ બુક આપી દેવાની. ‘તેરા વચન ન જાયે ખાલી’ની જેમ એને પસંદ પડશે જ પડશે.
 
2અને આમેય રસ્કિન બોન્ડ રહ્યા પહાડી માણસ. હિમાલયની ગોદમાં જ ઉછર્યા છે અને દાર્જીલિંગ જેવા જ મસૂરી પાસેના લેન્ડોરમાં તેઓ વસ્યા છે. પહાડી લાઇફ પર એમના જેવું આહલાદક ભાગ્યે જ બીજું કોઈ લખી શકે. પ્લસ, મસૂરીના આવા જ મૉલ રોડ પર આવેલા ‘કેમ્બ્રિજ બુક ડેપો’માં દર શનિવારે બોન્ડ સાહેબ શિરકત કરે છે અને એમના ચાહકો એમની રાહ જોઇને જ ઊભા હોય છે. એટલે મેં પસંદ કરી રસ્કિન બોન્ડની સંસ્મરણાત્મક બુક ‘સીન્સ ફ્રોમ અ રાઇટર્સ લાઇફ’. એમણે આ બુક પાછી મને ડેડિકેટ કરી છે, મીન્સ કે, એમણે અર્પણના પેજ પર ‘ફોર યુ, માય જેન્ટલ રીડર’ એવું લખ્યું છે! ઉપરથી દાર્જીલિંગના એ ‘ઓક્સફર્ડ બુક સ્ટોર’માંથી ખરીદ્યાની નિશાની તરીકે બુકમાં ત્યાંનો સ્ટેમ્પ અને ચાના બગીચાથી લહેરાતું એક લીલુંછમ બુકમાર્ક પણ છે. આજથી બે-ચાર દાયકા પછી જ્યારે આ બુકનાં પાનાં પર હાથ ફેરવીશ ત્યારે ઉપર લખેલી આખીયે વાત એટલી જ તીવ્રતાથી સજીવન થઈ જશે!34

 
લોંગ લિવ બુક્સ, લોંગ લિવ ધ રીડર!
હેપ્પી વર્લ્ડ બુક ડે.
Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.
Advertisements

Raj Mandir Cinema, Jaipur: An Underwhelming Experience

Raj Mandir Cinema, Jaipur

– ગયા વર્ષે હું ‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા’ (IFFI, ગોવા)માં નહોતો જઈ શક્યો (આ ઘોર નિંદનીય કૃત્ય બદલ નરેન્દ્ર મોદીથી લઇને ડૉનલ્ડ ટ્રમ્પ સુધીના લોકોની સત્તાવાર ટીકાઓ આવી ગઈ છે!). એટલે એક ક્વિક ટુર તરીકે જયપુર પ્લસ રણથંભોર જવાનું નક્કી કરેલું. જયપુર ભલે ગમે તેવું ‘પિંક સિટી’ તરીકે ઓળખાતું હોય, મારા જેવાને તો અંદરખાને એવી ‘તેજા’ જેવી જ ફીલિંગ ચાલતી હોય કે ‘તુ હોગા રે કોઈ ગોગા’ લેકિન આપણને તો ત્યાં મુખ્યત્વે બે જ વસ્તુ જોવામાં પ્રચંડ ઇન્ટરેસ્ટ છે, એક તો ‘જંતર મંતર’ અને બીજી ‘ધ રાજ મંદિર સિનેમા’. એટલેસ્તો હૉટલ પણ એવી જ પસંદ કરેલી કે જ્યાંથી બે મિનિટના અંતરે ચાલીને પણ રાજ મંદિર જઈ-આવી શકાય.

– ‘તાજ મહલ’ના ફોટા-વીડિયો ભલે ગમે તેટલી વાર જોયા હોય, પહેલી વાર જ્યારે તમારી પોતાની આંખે જુઓ એટલે તેની આભા જોઇને બે મિનિટ તો આંખોનું આઇમૅક્સ થઈ જાય. એટલું બધું તો નહીં, પણ એના જેવું થોડુંક મારે રાજ મંદિરમાં થયેલું. જયપુરની પહેલી સવારે ત્યાંના ફેમસ ‘M.I.’ રૉડ પરથી ટહેલવા નીકળ્યાં અને બહારથી રાજ મંદિર જોઈ ત્યારે મોઢામાંથી નીકળી ગયું, ‘હાઇલા, જુહી ચાવલા, આઇ મીન, રાજ મંદિર?!’

– હવે ‘ક્રાઇમ માસ્ટર ગોગો’ની જેમ ‘રાજ મંદિર’ કે કિસ્સે ભી મૈં બચપન સે સૂનતા આ રહા હૂં! ‘આહાહાહા, રાજ મંદિરનું તો શું ડેકોરેશન છે, શું એના આખો પગ ખૂંચી જાય એવા આલિશાન ગાલીચા છે, શું એની સીટો છે… માં વો યે હૈ, વો હૈ, અરે એટમ બમ હૈ, એટમ બમ!’ મન તો થયું કે બાકીનું સાઇટ સીઇંગ જાય બ્લેક હોલમાં, અબ આયે હૈં તો મુવી દેખ કે હી જાયેંગે! એ રાજ મંદિર મારી સામે હતું. જાયન્ટ કપ કૅક જેવી એ ગુલાબી બિલ્ડિંગ પર મરોડદાર અક્ષરોમાં લખેલું પણ ખરું, ‘એક્સપિરિયન્સ ધ ઍક્સલન્સ’ અને ‘ધ શૉ પ્લેસ ઑફ ધ નેશન’. ત્યાં જ દિમાગના લોજિકલ હિસ્સાએ જગાડ્યો, ‘કંટ્રોલ બાંગડુ, કંટ્રોલ! મુવી તો રાત્રે પણ જોઈ શકાશે, જ્યારે સાઇટ સીઇંગ માત્ર દિવસે જ થશે. અત્યારે વધુમાં વધુ ટિકિટો બુક થઈ શકે.’ એટલે અમે સજોડે સ્લો મોશનમાં ‘લાલાલા લાલા, લાલાલા લાલા…’ કરતાં કરતાં દોટ મૂકી અને સીધાં રાજ મંદિરના કૅમ્પસની માલીપા ઘૂસી ગયાં.

– સિક્યોરિટીવાળા કહે કે, ‘વો ઉસ ગલી મેં ટિકટ વિન્ડો હૈ.’ ત્યાં લાગેલી નોટબંધીની ખિલ્લી ઉડાવતી હોય તેવી લાંબી લાઇનમાં અમેય જોડાઈ ગયાં. એ વખતે ત્યાં ‘બેફિકરે’ ચાલતું’તું (જે મેં ઑલરેડી જોયેલું હતું, યુ નૉ!) અને શુક્કરવારથી ‘દંગલ’વાળા હાનિકારક બાપુ પધારવાના હતા. ટિકિટના ભાવ પણ આમિરના વધેલા શરીર જેવા જ હતાઃ ‘રુબી-120, એમરાલ્ડ-170, ડાયમંડ-300, પ્રીમિયમ-400!’ (પહેલા બે અપર અને પાછલા બે બાલ્કની). અમારો વારો આવે તે પહેલાં અમે ખૂસરફુસર દ્વારા આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, બૅલ કર્વ, ગેમ થિયરી, ‘જીતના થા સબ લાયા હૂં, માલિક’ વગેરે સિદ્ધાંતોને કામે લગાડીને નક્કી કર્યું કે આજે રાત્રે ‘બેફિકરે’ એમરાલ્ડમાં જોઈ નાખવું (જેથી રખે ને કાલે સવારે પરમાણુ યુદ્ધ ફાટી નીકળે, તો આપણો રેડિયોએક્ટિવ આત્મા ભટકે નહીં!), અને શનિવારની રાત્રે ‘પ્રીમિયમ’માં ‘દંગલ’. ટિકિટબારી પર વારો આવ્યો ત્યારે જોયું કે મહારાજા સવાઈ જયસિંહના જમાનાની બારીક કોતરણીવાળી લોખંડી જાળીમાં એક નાનકડું બાકોરું હતું. મેં ચશ્માં ફોકસ કરીને જોયું તો જાળીની પાછળ એક માનવદેહ પણ હતો. તે જીવતો માણસ જ હશે એવું માનીને મેં બે પ્લસ બે એમ ચાર ટિકિટોનો ઑર્ડર આપી દીધો. કેશલેસ ઇન્ડિયાની ઝુંબેશને વેગ આપવા માટે મેં ‘કાર્ડ લોગે ના, ભૈયા?’ એવું પૂછ્યું. જવાબમાં એમણે ‘નહીં’ કહીને મારી સામે એવા ડોળા તગતગાવ્યા જાણે હમણાં ‘બલવંતરાય કે કુત્તે…’ કહેતો જાળી તોડીને બહાર આવશે અને મારી ગરદનને ડંકીની જેમ ઉખાડી નાખશે! તરત જ મેં પાકિટમાંથી પિંક સિટીને છાજે એવી ૨ હજારની ગુલાબી નોટ કાઢી અને એ નાનકડા બાકોરામાંથી મારો સ્લિમ ટ્રિમ હાથ સરકાવી દીધો. નોટ ગાયબ થઈ, ‘ચર્ ચર્’ અવાજ થયો અને ટિકિટો પ્લસ બાકીના પૈસા બારીની બખોલમાંથી બહાર આવી ગયાં.

Raj Mandir Cinema, Jaipur

– હવે બાકીનું સાઇટ સીઇંગ સ્કિપ કરીને આપણે સીધા શૉ ટાઇમ પર આવી જઇએ. એ રાત્રે હુંય તે રાજ મંદિરને છાજે એવાં કપડાં પહેરીને ગયેલો (કંઇક તો એ બીકે કે ‘કહાં કહાં સે ચલે આતે હૈ’ કહીને પેલા બહાર ન કાઢી મૂકે!). એન્ટ્રી ગેટ પર સિકુરિટીવાલે ભાઈસા’બ અમારાં ‘એ’ને કહે કે, ‘મૅડમ, લેડિજ લોગ ઉસ ગેટ સે.’ મેં ઉપર જોયું ત્યારે ખબર પડી કે લેડિઝ-જેન્ટ્સની એન્ટ્રી અલગ હતી (સંસ્કાર!). ‘આજ સે તેરે મેરે રાસ્તે અલગ હૈ… દુવા મેં યાદ રખના!’ એવું બોલીને ભારે હૈયે અમે બંને એકબીજાંથી છૂટાં પડ્યાં. દરવાજો ખોલીને અંદર ઘૂસ્યાં તો એક જ હૉલમાં ગુડાણાં! મીન્સ કે એન્ટ્રી ભલે અલગ હોય, એક જ મોટા હૉલમાં ખૂલે. એય વળી બે દરવાજા વચ્ચે માંડ દસેક ફૂટનું અંતર. ફરી પાછાં આંખોમાં ઝળઝળિયાં સાથે અમે ભેગાં થયાં અને બૅકગ્રાઉન્ડમાં ‘જાને વફા હો કે બેકરાર…’નું સૅડ વર્ઝન વાગ્યું (અલબત્ત, મનમાં)!

Raj Mandir Cinema, Jaipur

Raj Mandir Cinema, Jaipur

– અમારો રાહુલ-અંજલિ મિલાપ પત્યે હૉલમાં નજર ફેરવી તો લાગ્યું કે, ‘અલ્યા, આ તો ભણસાલીના દેવદાસનો સેટ લાગે છે!’ એય ને જંગી વર્તુળાકાર હૉલ, LEDથી ઝબૂકતાં જાયન્ટ ઝુમ્મરો, ઠાંસી ઠાંસીને ભરેલી કોતરણી, રંગબેરંગી આભલા અને સામે લાં….બી પગથિયાં વિનાની ઢાળવાળી સીડી. બે મિનિટ તો મેં રાહ પણ જોઈ કે ઉપરથી ‘અરે ઓ દેવાઆઆઆઆ…….’ બોલતી ઐશ્વર્યા દોડતી આવે! એવું થયું નહીં, એટલે મેંય પછી ત્યાં રહેલા સેંકડો લોકોની જેમ કેમેરા કાઢ્યો અને મેમરી ફુલ કરવાની શરૂઆત કરી. ત્યાં હાજર બધા, ઓલમોસ્ટ બધા લોકો ફોટા જ પાડતા હતા (જે નહોતા પાડતા, એ લોકો પૉઝ આપતા હતા!). થોડાક પૉઝ અમેય તે આપી-લઈ લીધાં. હૉલની વચ્ચોવચ્ચ રાખેલા લાઇટવાળા ટેબલ પર રાજ કપૂર, યશ ચોપરા, અમિતાભ બચ્ચનથી લઇને અટલ બિહારી વાજપેયી સુધીના મહાનુભાવોએ આ સિનેમાની તારીફમાં જે ફૂલડાં છાંટેલાં તે ક્વોટ્સ હતા. એટલે મારા માટે શંકા કરવાનું કોઈ કારણ નહોતું (અને આમેય ટિકિટો ખરીદી લીધેલી એટલે કશું થઈ શકે તેમ પણ નહોતું!).

Raj Mandir Cinema, Jaipur

– આખરે ઘંટડી વાગી અને ઑડિટોરિયમમાં એન્ટ્રી શરૂ થઈ. ગયા વર્ષે રાજકોટના ‘ગેલેક્સી’માં જોયેલા એક મુવીને બાદ કરતાં લગભગ બારેક વર્ષ પછી હું કોઈ સિંગલ સ્ક્રીન થિયેટરમાં પ્રવેશ કરી રહ્યો હતો. નાના બચ્ચાની જેમ ઉત્સાહથી કૂદતાં કૂદતાં મેં એન્ટ્રી મારી અને જોયું તો એય ને જાયન્ટ સાઇઝનો અંતર્ગોળ સ્ક્રીન, એની આગળ ઝાલરવાળો લાલ પડદો, મોદીસાહેબની સભા યોજી શકાય એવડા મોટા ઑડિટોરિયમમાં સેંકડો ખુરશીઓ, ઉપર દેખાતી દીવાન-એ-ખાસ જેવી બાલ્કની અને છત પર યુ.પી.ના રાજકારણની જેમ સતત રંગ બદલતી સમુદ્રની લહેરો જેવી LED લાઇટો. મેં તો મનોમન નક્કી કરી નાખ્યું કે રાજ મંદિરની બાજુમાં કોઈ ઘર સસ્તામાં ભાડે મળતું હોય તો વિચારવા જેવું! આપણે મહિનાનું લગવું જ બંધાવી લેવું!

Raj Mandir Cinema, Jaipur

– આખરે પડદો ઊંચકાયો અને પાછળથી જાણે ખરેખરો વિજય માલ્યા ૬ હજાર કરોડની થેલીઓ સાથે પ્રગટ થવાનો હોય એમ અડધીપડધી આવી ગયેલી ઑડિયન્સે હરખાઈને તાળીઓ પાડી. રાષ્ટ્રગીતના વાદન સાથે મોટાભાગના લોકોએ પોતાની દેશભક્તિ પુરવાર કરી અને ફિલ્મ શરૂ પણ થઈ ગઈ, પણ હજીયે લોકો તો આવતા જ રહ્યા. અર્નબ ગોસ્વામીના રાજીનામા પછી મેં કાન સાફ કરાવેલા, એટલે કાન બરાબર કામ કરે છે એ તો ખબર હતી. પણ સાલું બસ-રેલવે સ્ટેશનમાં ઉપર TV લટકાવ્યાં હોય અને જેવો અવાજ કાને પડે કંઇક એવું જ સંભળાતું હતું. લોકોનો કોલાહલ પણ બસસ્ટેન્ડ જેવો જ હતો. સ્વાભાવિક છે, ૧૨૩૬ની કૅપેસિટી ધરાવતા આ થિયેટરમાં ૧૧૬૫ સીટો તો અપરમાં જ છે. ત્યાં જ જાહેરસભામાં લોકોને બેસાડવા માટે ફરજ બજાવતા સ્વયંસેવકો જેવા ડૉરકીપરો હૉલમાં ઊતરી પડ્યા. દરેકના હાથમાં અહીંથી ચંદ્ર પર શેરડો પહોંચે એટલી તીવ્રતા ધરાવતી LEDવાળી બૅટરીઓ હતી. એમનો હેતુ માત્ર લોકોને બેસાડવાનો જ. પછી એ ક્રિયામાં ઑલરેડી બેસી ગયેલા અને ફિલ્મ જોઈ રહેલા લોકોને જે તકલીફો પડે એ જાય ચૂલામાં. આવો જ એક બૅટરીવાળો કોઈ કારણ વગર મારી અને સ્ક્રીનની વચ્ચે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની જેમ ઊભો રહી ગયેલો. મેં હટવાનું કહ્યું તો મારા મોઢા પર બૅટરી (એટલે કે તેનો પ્રકાશ) મારીને મને જ ધમકાવી નાખ્યો, જેનો સાર એવો હતો કે, ‘જો બકા, તફલીક તો રે’વાની.’

– ખાસ્સા અડધા કલાકે પબ્લિક કંઇક સૅટલ થઈ. તેમ છતાં સેલ્ફીઓ પડવાનું, વાતો કરવાનું મોટે મોટેથી બોલવાનું ચાલુ જ રહ્યું. નો ડાઉટ, જંગલી-રાઉડી પબ્લિક તો અહીં PVR-સિનેપોલિસમાં પણ આવે છે, ત્યારે આ તો સિંગલ સ્ક્રીન થિયેટર હતું. પરંતુ હાઉસફુલ એવા રાજ મંદિરની અંદર તો બૅન્ક્વેટ હૉલ જેવો માહોલ હતો.

– આમ તો ‘બેફિકરે’ નવું મુવી જ હતું, પણ પ્રોજેક્શન એવું એનિમિયાગ્રસ્ત હતું કે આખું ચિત્ર ફિક્કું-પીળાશ પડતું જ દેખાય. શરૂઆતમાં બે ઘડી તો મને થયું પણ ખરું કે આદિત્યને બદલે ભૂલથી પપ્પા યશરાજની ફિલ્મ મુકાઈ ગઈ લાગે છે! મારા લેપટોપનાં બિલ્ટઇન સ્પીકરમાં બરાબર સંભળાતું નથી એવી ફરિયાદને કારણે મેં ગયા વર્ષે બે USB સ્પીકર્સ ખરીદેલાં. આ રાજમંદિરનાં સ્પીકર્સની તદ્દન થર્ડક્લાસ ક્વૉલિટી સાંભળીને મને મારા લેપટોપ પર તાત્કાલિક અસરથી માન થઈ આવ્યું! રેલવે સ્ટેશનનાં એનાઉન્સમેન્ટ કરતાં પણ ભંગાર ઑડિયો સિસ્ટમને કારણે ‘દંગલ’ વખતે તો કેટલા બધા ડાયલોગ્સ મિસ થઈ ગયેલા એ મુવી બીજી વાર જોયું ત્યારે ખબર પડી. વર્ષોના માર્કેટિંગથી તદ્દન વિપરિત અપર સ્ટૉલની અત્યંત સામાન્ય કક્ષાની ખાસ કશા લૅગ સ્પેસ વિનાની સીટો અને આગળ બેઠેલા લોકોનાં માથાં નડે તેવી ઢાળ વગરની સીટિંગ એરેન્જમેન્ટ જોઇને પણ મેં કપાળ કૂટેલું (હા, એના ઢીમણા પર હજી બરફ ઘસવો પડે છે!). ‘બેફિકરે’ જેવું પૂરું થયું અને એન્ડ ક્રેડિટ્સ શરૂ થયાં કે તરત જ પેલો ઝાલરવાળો પડદો ડાઉન અને પ્રોજેક્શન બંધ. મેં અગાઉ જોયેલું એટલે મને ખબર કે એન્ડ ક્રેડિટ્સ પત્યા પછી એક પોસ્ટ ક્રેડિટ સીન પણ છે. પરંતુ પબ્લિકને જ જોવામાં રસ ન હોય, તો થિયેટર શું કામ રસ લે?! (મેં મનોમન નોન-વેજ ગાળો ભાંડી દીધી!)

– સિનેમાનું આવું ઘોર અપમાન તો કેવી રીતે સહન થાય? એટલે ‘બેફિકરે’ પછી ‘દંગલ’ જોવા ગયો ત્યારે એક ખોપચામાં દબાયેલી મેનેજરની કૅબિન શોધી કાઢી. એમને કહ્યું કે, ‘મને એક બ્લૅન્ક પેપર આપો, તમારા થિયેટર વિશે ફરિયાદ લખવી છે.’ એ મહાશયના ‘હમારી જેલ મેં સુરંગ?’ ટાઇપના હાવભાવ જોવા જેવા હતા. પહેલાં મારી વાત સાંભળી અને પછી અંદરથી A4 સાઇઝનો એક કાગળ કાઢી આપ્યો. મેં દિલથી મારી ભડાસ કાઢી અને તેના પર કોઈ જ એક્શન નહીં લેવાય તેની પૂરેપૂરી ખાતરી સાથે સજેશન બૉક્સમાં કાગળ પધરાવી દીધો.

– દરઅસલ, અહીં આવતી મોટા ભાગની ઑડિયન્સને ફિલ્મ જોવામાં નહીં, બલકે થિયેટર જોવામાં રસ હોય છે. તેનું કારણ આ થિયેટર પોતે જ છે. એણે જ વર્ષો થયે પોતાનું એવું બ્રાન્ડિંગ કર્યું છે કે જયપુર આવો અને રાજ મંદિરમાં ફિલમ ન જુઓ તો તમારો ફેરો ફોગટ ગણાય. આખો દિવસ જયપુરદર્શન કરાવ્યા પછી ટુર ઑપરેટરો પ્રવાસીઓને છૂટ્ટા મૂકી દે, ‘કે જાઓ, જોઈ આવો રાજ મંદિરમાં ફિલમ.’ એમાં પાછા મોટા ભાગના ગુજરાતીઓ જ હોય. એટલે સતત કાને અંકલો-આન્ટીઓના આવા જ સંવાદો સંભળાયે રાખે, ‘હું તો આમની સાથે લગન પછી પહેલીવાર અહીં આવેલી, પંચ્યાશીમાં’, ‘અરે, મારી બૅબીએ તો ખાસ અમેરિકાથી કે’વડાવ્યું છે કે મમ્મી જયપુર જાઓ તો રાજ મંદિરમાં પિક્ચર જરૂર જોજો.’ આવી કેટલીયે જોગમાયાઓને કહ્યું કે, ‘પ્લીઝ, શાંતિ રાખો.’ ‘દંગલ’ વખતે બાલ્કનીવાળાં એક આન્ટી તો સામાં કહે કે, ‘લે બોલો, વાતો તો કરીએ જ ને!’ એમાં પાછા ગ્રૂપ ટૂરવાળાઓએ ડઝનબંધ ટિકિટો બુક કરાવી હોય. એટલે કશું વિચાર્યા વિના બરાડા પાડ્યા કરે, ‘એ કનુભાઈ-સગુણાબેન, આ બાજુ આ બાજુ, આ આખી લાઇન આપણી જ છે!’ કુંભના મેળામાં ચાલતા કોઈ અન્નક્ષેત્રમાં પણ લોકો આનાથી વધારે ડિસિપ્લિનથી વર્તતા હશે.

Raj Mandir Cinema, Jaipur

– તમે નહીં માનો, ‘દંગલ’માં તો ઇન્ટરવલ પછી નીચે અપરમાં બે પરિવાર વચ્ચે રીતસર ધિંગાણું ફાટી નીકળ્યું. લોકોનેય પડદા પરના દંગલ કરતાં એ લાઇવ દંગલમાં વધારે રસ પડ્યો એટલે કોઇએ છોડાવ્યા પણ નહીં. પેલા બૅટરીવાળાઓ કે સિક્યોરિટીવાળા પણ ડોકાયા નહીં. ખાસ્સી ૨૦-૨૫ મિનિટ એ નાટક ચાલ્યું. એ પછી મેં શાંતિથી ફિલ્મ જોવાની આશા મૂકી દીધી. (જેટલી અને જેવી જોવાઈ તેટલી) ફિલ્મ જોઇને બહાર નીકળ્યાં ત્યાં ‘વી લુક ફોરવર્ડ ટુ સર્વિંગ યુ અગેઇન’નું દંભી બૉર્ડ દેખાયું. મન તો થયું કે ખાસડું છૂટ્ટું મારું, પછી નાના પાટેકર સ્ટાઇલમાં થયું કે ‘કંટ્રોલ… કંટ્રોલ!’

– બસ-રેલવે સ્ટેશન, હૉસ્પિટલોની બહાર ફૂટી નીકળેલી રેસ્ટોરાંઓમાં ક્વૉલિટીનો આગ્રહ રખાતો નથી, કેમ કે ત્યાં આવનારા લોકો રિપીટ ગ્રાહકો હોતા નથી. એવું જ કંઇક સસ્તું લોજિક રાજ મંદિરમાં પણ ફોલો થતું હશે. મલ્ટિપ્લેક્સ કરતાંય વધુ પ્રીમિયમ રેટ વસૂલવા છતાં મોસ્ટ્લી પ્રવાસીઓને કારણે વીકડેય્ઝમાં પણ હાઉસફુલ જતા આ થિયેટરને જો ‘જોવાલાયક સ્થળ’ જ ગણવું હોય તો ઓછા દરે ૧૫-૩૦ મિનિટના ‘ટુરિસ્ટ સ્પેશ્યલ શૉ’ કરવા જોઇએ. જેમાં લોકો અંદર આવે ફોટા પડાવે, એકાદ-બે ટ્રેલર જુએ અને નૌ દો ગ્યારહ!

– અને હા, ‘ખાલી કુર્સી-ટેબલ પે ખર્ચા કિયેલા હૈ ક્યા’ ટાઇપના મહા ઑવરરેટેડ ‘રાજ મંદિર’ને જો એશિયાનું કે દેશનું બેસ્ટ થિયેટર કહેવાતું હોય તો બાકીનાં થિયેટરોએ તો જૌહર કરી લેવું જોઇએ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article or photos without my permission. However, you are free to share this URL or the article with due credits.

International Film Festival Of India (IFFI), 2015

મને આળસ આવી જાય અને સાવ રહી જાય તે પહેલાં આ વખતના IFFI એટલે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનાં મારાં ઑબ્ઝર્વેશન્સ અને મેં જોયેલી કેટલીક ફિલ્મોની વાત.

– આ વખતે ડેલિગેટ ફી ૩૦૦ રૂપિયાથી વધારીને સીધી ૧૦૦૦ કરી દેવાઈ. કદાચ તેને લીધે પણ ત્યાં આવેલા ડેલિગેટ્સની સંખ્યા પણ થોડી ઓછી દેખાતી હતી.

– ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા હોવા છતાં ૨૦૧૩ કરતાં આ વખતે ડેકોરેશનમાં પણ ખાસ્સી ઉદાસીનતા દેખાતી હતી. ઇવન ગોવાના લોકો પણ કહેતા હતા કે હવે તો ઇફ્ફી ક્યારે આવે છે અને ક્યારે જાય છે તે અમને જ ખબર પડતી નથી.

– મૅગી તો કેમ્પસમાંથી ગાયબ હતી, પણ હમણાં સુધી વીસેક રૂપિયામાં મળતાં ચા-કૉફી સીધાં ૬૦-૭૦થી શરૂ થતાં હતાં. જેની સામે એ જ કૅમ્પસમાં કિંગફિશરના સ્ટૉલમાંથી ૪૦ રૂપિયામાં બીયર મળી જાય. ટૂંકમાં ચા-કૉફીને બદલે દારૂ પીઓ!

– સવારે સાડા આઠ વાગ્યાથી શરૂ કરીને રાત્રે એક-દોઢ વાગ્યા સુધીના સમયગાળામાં અમે રોજની સરેરાશ છ ફિલ્મો જોઈ. કોઈ શૉર્ટફિલ્મ

We @ IFFI, 2015
We @ IFFI, 2015

હોય તો સંખ્યા વધી જાય. ૧૧:૩૦-૧૧:૪૫ના લેટનાઇટ શૉને બાદ કરતાં ઓલમોસ્ટ બધા જ શૉઝ હાઉસફુલ રહેતા હતા. ડૅલિગેટ્સને રોજની મૅક્સિમમ ત્રણ જ મુવી જોવા મળે. તેમ છતાં આંટાફેરામાં ટાઇમ બરબાદ કર્યા વિના ટિકિટ વિનાનાઓની ‘રશ ક્યૂ’માં વહેલાસર ઊભા રહી જાઓ તો તમને શક્ય તેટલી બધી જ ફિલ્મો જોવા મળી જાય.

– શિડ્યુલ તૈયાર કરનારાઓએ વખણાયેલી ફિલ્મોને નાનાં ઑડિટોરિયમ આપ્યાં, બીજી સારી ફિલ્મોની સામે ક્લૅશ થાય તે રીતે ગોઠવી અને રિપીટ શૉઝ પણ ન રાખ્યા. તેને લીધે પણ ઘણી મસ્ત ફિલ્મો જોવાની રહી ગઈ.

– આ વખતે એક જ ફિલ્મમાં એવું બન્યું કે ક્યૂમાં ઊભા રહેવા છતાં વારો ન આવ્યો હોય. તે હતી ફ્રેન્ચ ફિલ્મ ‘તાજ મહલ.’ મુંબઈ પરના ૨૬/૧૧ના હુમલામાં તાજ મહલ હૉટેલમાં એક યુવતી ફસાઈ જાય અને એને કેવા અનુભવ થાય તેની એકદમ ગ્રિપિંગ-હૉન્ટિંગ સ્ટોરી આ ફિલ્મમાં હતી. (આપણે રામુની ફિલ્મને બાદ કરતાં આ ઘટના પર એકેય સારી ફિલ્મ બનાવી શક્યા નથી એ જસ્ટ જાણ સારુ. રામુની ફિલ્મ પણ હુમલા પર નહીં, બલકે કસાબ પર હતી.)

– આખા ફેસ્ટમાં જોયેલી બેસ્ટંબેસ્ટ ફિલ્મ હતી ટર્કિશ ફિલ્મ ‘મશ્ટેંગ.’ મા-બાપ વિનાની અને કાકા-દાદીની સાથે રહેતી પાંચ ટીનએજર બહેનોની વાત. એમની તોફાન મસ્તી, બળવાખોર મિજાજ, સ્વતંત્રતાની ઝંખના, એમની વચ્ચેની કેમિસ્ટ્રી, સ્ત્રીઓને કેદ કરીને રાખવાની વાહિયાત રૂઢિચુસ્તતા સામે બંડ પોકારવાની આ ફિલ્મ એકેય તબક્કે પોતાની હાર્ટવૉર્મિંગનેસ અને હળવાશ ગુમાવતી નથી. આ ફિલ્મ પતી ત્યારે પહેલી વાર ઇફ્ફીમાં સળંગ તાળીઓ અને સીટીઓનો સિલસિલો જોયો. આ પાંચેય છોકરીઓને સહિયારો બેસ્ટ એક્ટર ફીમેલનો અવૉર્ડ મળ્યો. જો તમે આ ફિલ્મ જોયા વિના મરશો તો તમારા આત્માને શાંતિ નહીં મળે, જાવ શાપ આપ્યો!

– મારા મતે સેકન્ડ બૅસ્ટ ફિલ્મ એટલે પાકિસ્તાનની ‘મૂર’ (જેનું સ્ટેટસ અગાઉ મૂકી ગયો છું). મેં જોયેલી બેસ્ટ નોન-ઇંગ્લિશ ટ્રેન મુવી. મ્યુઝિક, મેસેજ, સિનેમેટોગ્રાફી, એક્ટિંગ, લોકેશન્સ બધું જ લાજવાબ. ભારતને ભાંડવાની તક હોવા છતાં કડવાશ ઘોળી નથી. ઉપરથી માતા-પત્ની-માશુકા ગાઇડિંગ સ્ટાર-ધ્રુવ તારો બની હોય તેવી આલા દરજ્જાની વાત પણ તેના કેન્દ્રસ્થાને છે.

– એ સિવાય એક મસ્ત ફિલ્મ હતી જૅપનીસ ‘સ્વીટ રેડ બીન પેસ્ટ.’ એક વૃદ્ધ સ્ત્રીના હાથમાં એવો જાદુ છે કે વર્લ્ડ બેસ્ટ સ્વીટ રેડ બીન પેસ્ટ બનાવી શકે છે, પણ એના એ જ હાથે એને નાનપણથી જ એકલવાયી બનાવી દીધી છે. ખોરાક સાથે વાત કરવાની, અબોલ પક્ષીઓનાં મન જાણવાની કુમાશ અને આપણી નિષ્ઠુરતાની ગલીઓમાંથી લઈ જતી આ ફિલ્મ પતે એટલે તમારે ગળે બાઝેલો ડુમો ઊતારવા પાણી પીવું પડે.

– ત્યારપછી મને ગમી ઇન્ડોનેશિયન ફિલ્મ ‘ફિલોસોફી કૉપી.’ આ યુથફુલ ફિલ્મની એકેએક ફ્રેમમાંથી કૉફીપ્રેમ છલકે છે. બાય ધ વે, આપણે ત્યાં ચાનું આટલું બધું ઉત્પાદન થાય છે, પણ ચાને કેન્દ્રમાં રાખીને કોઈ ઝક્કાસ ફિલ્મ બની છે ખરી?

– વધુ એક સુપર્બ ફિલ્મ ‘ધ સૅકન્ડ મધર.’ એક ફીમેલ સેલિબ્રિટીના ઘરની આધેડ કામવાળીની જુવાન દીકરી ત્યાં રહેવા આવે છે અને એનો બિનધાસ્ત એટિટ્યૂડ બધું ઉથલપાથલ કરી નાખે છે. સુપર્બ એક્ટિંગ, સ્ક્રિપ્ટ અને સોશ્યલ કમેન્ટ.

– જોઇને મોંમાંથી ‘વાહ! મસ્ત ફિલ્મ હતી!’ એવું નીકળી ગયું હોય તેવી અન્ય ફિલ્મો હતી બૅટલ ફોર સેવાસ્તોપોલ (અમેરિકન સ્નાઇપરનું એનાથીયે મસ્ત રશિયન ફીમેલ વર્ઝન), ફેન્સર (ભૂતપૂર્વ જર્મનોને ખતમ કરતા સોવિયેત રશિયનોની વચ્ચે પણ બાળકોને ફેન્સિંગ શીખવતા ટીચરની વાત કહેતી પૉલિશ ફિલ્મ), લૅન્ડ ઑફ માઇન (બીજા વિશ્વયુદ્ધ પછી જર્મન યુદ્ધકેદીઓ પાસે લાખો જીવતી લૅન્ડમાઇન ડિફ્યુઝ કરાવતા ડૅનિશ સૈનિકોની એકદમ હૉન્ટિંગ દાસ્તાન) {આ ત્રણેય ફિલ્મો ટ્રુ સ્ટોરી પરથી બનેલી છે}, ધ બ્રૅન્ડ ન્યુ ટેસ્ટામેન્ટ (ધારો કે ઇશ્વરની રચેલી દુનિયાની તમામ વાયડાઇઓ કોઈ દૂર કરી દે તો?), વર્જિન માઉન્ટેન (ચાલીસ વર્ષના મેન-ચાઇલ્ડની મસ્ત રોમકોમ), કોતી (ટ્રાન્સજેન્ડર બાળક સાથે આપણો સમાજ કેવી રીતે વર્તે છે એની વાત કહેતી મરાઠી ફિલ્મ), લાસ્ટ રીલ (આ કમ્બોડિયન મુવી ‘ફિલ્મ વિધિન ફિલ્મ’ છે. એક ફિલ્મની છેલ્લી રીલ ગાયબ છે અને તે રીલ પાછળ યુદ્ધનો અત્યંત ખોફનાક ઇતિહાસ છુપાયેલો છે), રેડિયોપેટ્ટી (એક દાદાને અચાનક કાનમાં જૂના જમાનાના રેડિયો પ્રોગ્રામ સંભળાવા લાગે છે. શું કામ?) વગેરે ઇત્યાદિ એટસેટરા.

– મારી લાખ ઇચ્છા છતાં ગૂંગા પહલવાન, ધ સાઇલન્સ (મરાઠી), વાઇલ્ડ ટેલ્સ, એમ્બ્રેસ ઑફ ધ સર્પન્ટ, ધ ડાર્ક હૉર્સ, ધ ક્લાન, નવાઝુદ્દીનની અનવર કા અજબ કિસ્સા, મારી ફિલ્મ અપ્રિશિયેશન કોર્સની ક્લાસમેટ નિહારિકા સિંઘની બંગાળી ફિલ્મ સોહરા બ્રિજ, સિનેમાવાલા (બંગાળી) હું જોઈ ન શક્યો. ગમે ત્યાંથી ખેલ તો પાડવાનો જ છું!

– એક ઑબ્ઝર્વેશનઃ ઘણી ફિલ્મોમાં હોમોસેક્સ્યુઆલિટીની થીમ/સબ થીમ હતી. જેમ કે, ડૅનિશ ગર્લ, કોતી, ડેમિમોન્ડ, બૅડ એજ્યુકેશન, આઇઝેન્સ્ટાઇન ઇન ગ્વાનાજુઆટો વગેરે. સામે પક્ષે આપણા દેશનો હોમોસેક્સ્યુઆલિટી તરફનો અભિગમ આપણે જાણીએ છીએ. દંભ?

– શંકર મહાદેવન અને એક્ટર સચિન જેના પ્રમોશન માટે ત્યાં આવેલા એવી તેમની અને સચિન પિલગાંવકરની એક્ટિંગવાળી મરાઠી ફિલ્મ ‘કટ્યાર કાળજાત ઘુસલી’ અત્યારે ચાલી રહી છે.

– એક થ્રીડી હાર્ડકોર ફ્રેન્ચ પૉર્ન ફિલ્મ ‘લવ’ જોવા માટે પ્રચંડ લાંબી લાઇનો લાગેલી. કાન ફિલ્મ ફેસ્ટિવલની જેમ જ આ ફિલ્મનો પણ અહીં રાત્રે બાર વાગ્યે ‘મિડનાઇટ મૅડનેસ’ સેગમેન્ટમાં શૉ હતો. ના, મેં હજુ નથી જોઈ!

– સંખ્યાબંધ ફિલ્મો ‘કાન’ અને ‘ટોરોન્ટો’ ફિલ્મ ફેસ્ટ્સમાં સિલેક્ટ થયેલી કે જીતેલી હતી. શૉર્ટકટ?

– પાર વિનાની ફિલ્મોમાં વર્લ્ડ વૉર, સિવિલ વૉર, કૉલ્ડ વૉરની જ પૃષ્ઠભૂ હતી.

– ઓલમોસ્ટ બધી જ ફિલ્મો બ્લુ રે ફોર્મેટમાં અને પલ્ઝ ઑડિયો સિસ્ટમથી રજૂ થતી હતી. તેની પિક્ચર ક્વૉલિટી, બ્રાઇટનેસ અને સાઉન્ડની ક્લૅરિટી જુઓ તો અહીંની પીવીઆર કે સિનેપોલિસ જેવી ચેઇન પણ પાની કમ ચાય લાગે!

– ઘણા લોકોને ફિલ્મ ફેસ્ટ અટેન્ડ કરવા એ કચરાપટ્ટી, સમય-પૈસાનો બગાડ, ગાંડપણ કે ફોગટની શૉબાજી લાગે છે. પરંતુ જેમને ખરેખર ફિલ્મો જોવાનું પૅશન હોય, હૉલીવુડ-બૉલીવુડની વાડાબંધીમાંથી બહાર નીકળીને માઇન્ડસૅટ બ્રોડ કરવા હોય, દેશ-વિદેશના સિનેફાઇલ્સ-સર્જકોને મળવું હોય એમણે સ્વાનુભવ માટે પણ એકવાર પૂરી શિસ્તથી સારી ક્વૉલિટીના ફિલ્મ ફેસ્ટિવલ અટેન્ડ કરવા જોઇએ.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Goa & Mario Miranda

mario-miranda

મારિયો મિરાન્ડા અને ગોવા બંને એકબીજામાં એટલા બધા ભળી ગયા છે કે અલગ જ ન પાડી શકાય. પણજીની શાકમાર્કેટમાં મારિયો મિરાન્ડાનાં કાર્ટૂન્સનાં આવાં ત્રણ જાયન્ટ કોલાજ પેઇન્ટ કરવામાં આવ્યાં છે. ઈવન અહીંના મડગાંવ રેલવે સ્ટેશનની દીવાલો પણ મિરાન્ડાનાં કાર્ટૂન્સથી ભરચક છે. અલબત્ત, તેને લોકલ આર્ટિસ્ટ પાસે મીરાન્ડાની સ્ટાઈલમાં બનાવાયા છે. સ્ટેશનમાં જયારે પણ કલરકામ થાય, આ કાર્ટૂન્સને કાળજીપૂર્વક સાચવી લેવામાં આવે.