જબ હૅરી મૅટ સેજલ

Jab They Bore

***

પોતાની જ જૂની ફિલ્મોની એકની એક થીમ પર વધુ એક ફિલ્મ આપણા માથે મારનારા ટેલેન્ટેડ ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીને ખુલ્લો પત્ર.

***

shahrukh-khan-and-anushka-sharmas-jab-harry-met-sejal-2017-trailer-songs-posters-dialogues-scenesમાનનીય ઇમ્તિયાઝભાઈ,

આમ તો અહીં ‘માનનીય’ને બદલે ‘પ્રિય’ લખવું હતું, પરંતુ તમારી લેટેસ્ટ રિલીઝ ‘જબ હૅરી મૅટ સેજલ’ જોઇને હાલપૂરતું તે સંબોધન પાછું ખેંચી લીધું છે. જ્યાં સુધી તમે કશું નવું નહીં પીરસો ત્યાં સુધી આ સંબોધન (તમારા માટે) હાઇબરનેશનમાં રહેશે. અમારે આ ફિલ્મ જોઇને તેનો સીધોસાદો રિવ્યુ જ કરવાનો હતો, પણ થિયેટરની બહાર નીકળ્યા પછી જે આઘાત અને અફસોસની લાગણી થઈ છે, એ પછી આ ઑપન લૅટર લખી રહ્યા છીએ. તમે તમારી વાર્તાની નાયિકાને ગુજરાતી બતાવી છે તો આશા છે કે રિસર્ચ માટે પણ થોડુંઘણું ગુજરાતી શીખી ગયા હશો.

પહેલો ધોખો એ વાતનો કે તમારી ફિલ્મનું નામ આટલું ક્લિશૅ? કદાચ તમારે હૉલીવુડની ક્લાસિક રોમ-કોમ ‘વ્હેન હૅરી મૅટ સૅલી’ને ટ્રિબ્યુટ આપવી હોય કે તમારી જ ‘જબ વી મૅટ’ને યાદ કરીને તમારી અદૃશ્ય મૂછોને તાવ દેવો હોય, પણ આ ટાઇટલ કોઇએ અમસ્તા જ સૂચવ્યું હોય ને સ્વીકારાઈ ગયું હોય એવું ઝોનરા-સૂચક લાગે છે. જૂનાં કપડાંમાંથી આવતી હોય તેવી ભેજ-ફૂગની વાસ આવે છે તેમાંથી. મોટો અફસોસ એ છે કે ટાઇટલ જે મસ્ત રોમ-કોમનો વાયદો કરે છે એ તો દૂર દૂર સુધી જોવા મળતી નથી.

આ ફિલ્મનાં ટાઇટલ, ટ્રેલર, પોસ્ટર બિગેસ્ટ સ્પોઇલર હતાં. ગ્રૂપ ટૂરમાં આવેલી ગુજરાતણ સેજલ (અનુષ્કા શર્મા) પોતાની સગાઈની વીંટી ઍમ્સ્ટર્ડમમાં ક્યાંક ખોઈ નાખે ને એની સાથે વીંટી શોધવાની જવાબદારી ટુરગાઇડ હરિન્દર સિંઘ નેહરા ઉર્ફ ‘હૅરી’ પર આવી પડે છે. બંને કોઈ જ દેખીતા લોજિક વિના ઍમ્સ્ટર્ડમથી પ્રાગ, બુડાપેસ્ટ, લિસ્બન, ફ્રેન્કફર્ટમાં રખડ રખડ કરે છે. અગાઉનું જૂનું માનસિક બૅગેજ લઇને ફરતાં તમારાં પાત્રો એકબીજાનાં પ્રેમમાં ન પડે એવું તો અમે માનીએ જ નહીં ને? અરે, અમને તો ફિલ્મ જોયા પહેલાં જ ગળા સુધીની ખાતરી હતી કે છેક છેલ્લે સુધી બંનેને એકબીજાના પ્રેમમાં પડ્યાં છે એવું ભાન જ નહીં થાય અને છેલ્લે જ્યારે થશે ત્યારે બે-પાંચ સમુંદર પાર કરીને તેનો એકરાર કરવા દોડ્યાં આવશે. એવુંય વિચારી રાખેલું કે એન્ગેજમેન્ટ રિંગની શોધ એ વાસ્તવમાં એક મૅટાફર છે, રૂપક-પ્રતીક છે પોતાની લાઇફમાંથી કશુંક ખોવાયેલું-ખૂટતું શોધવાનું (કદાચ કોઈ રિંગ ખોવાઈ જ નહીં હોય અને પરિવારનાં બંધનોમાં બંધાયેલી એક ગુજરાતી યુવતી સ્વતંત્રતાનો શ્વાસ લેવા માગતી હશે). એટલું કહીએ કે અમે સાવ ખોટા પડ્યા નથી.

પરંતુ અમારી વાંધાઅરજીનો સૌથી મોટો વાંધો એ છે કે ન્યુ મિલેનિયમ બૉલીવુડમાં લવસ્ટોરીઝના બેતાજ બાદશાહ એવા ઇમ્તિયાઝ અલી પાસે કહેવા માટે ગણીને એક જ સ્ટોરી છે? છેક ‘સોચા ના થા’થી લઇને ‘જબ વી મેટ’, ‘લવ આજ કલ’, ‘રૉકસ્ટાર’, ‘કોકટેઇલ’ (લેખક તરીકે), ‘હાઇવે’, ‘તમાશા’ બધામાં એકની એક જ સ્ટોરી રિપીટ થયા કરે? માત્ર કલાકારો અને કલેવર બદલાય, બાકી મૂળ તત્ત્વ તો એ જ રહે. પાત્રોને જોઇએ છે કંઇક ને શોધે છે કંઇક, પ્રેમમાં છે પણ પ્રેમનું ભાન નથી, આખી દુનિયામાં રખડે છે પણ પોતાની અંદર ડોકિયું કરતાં નથી. સવાલ એ છે કે શા માટે આવાં એકસરખાં સ્કીઝોફ્રેનિક પાત્રો જ તમારી તમામ ફિલ્મોમાં હોય છે? અરીસામાં જુએ ત્યારે એમને ખરેખર કોણ દેખાય છે? પોતાની જાત કેમ દેખાતી નથી? ક્યાંક એવું તો નથીને કે તમારું પોતાનું વ્યક્તિત્વ તમારાં પાત્રોમાં ઢોળાયા કરે છે? અને શા માટે તમારી ‘કિડલ્ટ’ નાયિકાઓ રૂટિન લાઇફથી ભાગીને કંઇક નવા અનુભવો લેવા માટે વલખાં મારતી રહે છે? શા માટે નાયકો ફ્રસ્ટ્રેટેડ, સુસાઇડલ, ચીડિયા હોય છે? અમે તો રાહ જોતા હતા કે ક્યારે તમારો ફેવરિટ શબ્દ ‘પાઇલ ઑન’ આવે, થેન્ક ફુલ્લી ન આવ્યો!

જુઓ, સારી રીતે બની હોય તો અમને એકની એક વાર્તાઓ જોવામાંય વાંધો નથી. વર્ષોથી એકસરખી ફિલ્મો જોતા જ આવ્યા છીએ ને? પરંતુ તમે સાવ કશું જ નવું કર્યા વિના એકસરખી ફિલ્મ જ પધરાવી દો, પરંતુ અમારે તો દર વખતે નવેસરથી પૈસા ખર્ચીને ફિલ્મો જોવા જવું પડે છે. એમાંય હવે તો તમે મોટા સ્ટાર્સને લઇને મોટી ફિલ્મ બનાવનારા મોટા ડિરેક્ટર બની ગયા છો. એટલે તમારી ફિલ્મ આવે એટલે ટિકિટોના દર પણ દોઢ-બે ગણા થઈ જાય છે. એ પછીયે જો અમને જૂનો માલ જ પધરાવવામાં આવે તો ચીટિંગ જેવું ફીલ થાય કે નહીં? અને પછી તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો જ દર્શકોને પાઇરસી ન કરવા સમજાવો છો. આ ડબલ સ્ટાન્ડર્ડ નથી?

અમે તો અમારાં બાળકોને પણ ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકવાનો આગ્રહ રાખીએ છીએ, એટલે અમને આમ અમારા ગુજરાતીપણાનું કટ્ટર અભિમાન નહીં. છતાંય તમને પૂછવાનું મન થાય કે તમારે ગુજરાતી સ્ટિરિયોટાઇપ પેશ કરવાની જરૂર શું કામ પડી? ગુજરાતીઓ કાયમ થેપલાં, ઢોકળાં, ખાખરા જ ખાય, આખો દિવસ પૈહા-પૈહા જ કરે, એમને રાઇટ-લૅફ્ટમાં પણ સમજ ન પડે અને કંઇક ઍબ્સર્ડ ગુજરાતી છાંટવાળું હિન્દી-ઇંગ્લિશ બોલે, રાઇટ? રોંગ. (ના, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ગુજરાતીઓનો લિટમસ ટેસ્ટ નથી જ.) ગુજરાતીઓ શું ખાય છે, ક્યાં ફરે છે, કેવું અંગ્રેજી-હિન્દી બોલે છે અને કેટલા રૂપિયા વાપરે છે એ આઈ થિંક તમે જાણો જ છો. તમારી હિરોઇન મુંબઈમાં ઊછરેલી અને વકીલાત ભણેલી છે. તો એની ભાષા મંદિરની ઘંટડી જેવી ક્લિયર હોવી જોઇએ. ‘મફતિયું ફેસટાઇમ’ માત્ર ગુજરાતીઓ જ નહીં, આખી દુનિયા વાપરે છે. જો તમારી ફિલ્મના ગુજરાતી એટલા જ મની માઇન્ડેડ હોત તો એક વીંટી માટે પાંચ દેશ ફરવાનો ખર્ચો ન કરત. ‘JSK’ માત્ર ‘વ્હોટ્સએપ’માં લખાય છે, અને એંસીના દાયકાથી ગુજરાતી દીકરીઓનાં નામ ‘સેજલ’ રાખવાનો ટ્રેન્ડ ઓસરી ગયો છે. જ્યારે તમારી હિરોઇન તો માશાઅલ્લાહ નેવુંના દાયકાનું ફરજંદ લાગે છે. શા માટે કોઈ મોબાઇલ વૉલેટ જેવું નામ ધરાવતો સેજલનો મંગેતર ‘રૂપેન’ એને પારકા દેશમાં એકલી છોડીને જતો રહે છે? (આપણે એના માટે નૅગેટિવ મનીમાઇન્ડેડ હોવાની ઇમ્પ્રેશન ધરાવતા થઈ જઇએ એટલે?) ગુજરાતીઓ સાવ ‘બુરા ન માનો હૉલેન્ડ હૈ!’ જેવા લૅમ જોક્સ પર નથી હસતા. ઇન શૉર્ટ, તમે ગુજરાતીઓ પ્રત્યે આટલા જજમેન્ટલ કેમ છો?

તમારી આ સૉ કોલ્ડ નવી ફિલ્મ, જે હકીકતમાં કોઈ ટ્રાવેલ કંપનીની અઢી કલાકની જાહેરખબર જેવી લાગે છે, તે દેખાવમાં એકદમ ખૂબસૂરત છે, પણ છે પ્લાસ્ટિકનાં ફૂલો જેવી નકલી. વીંટી માટે વિવિધ દેશોનો પ્રવાસ અને ‘ઇન્ડિયાના જોન્સ’ સ્ટાઇલમાં નકશામાં તેનું ચિત્રણ માત્ર ટુરિઝમ કેટલોગ લાગે છે (એમાંય પાત્રો તરીકે શહેર તો ઊપસતાં જ નથી). ફિલ્મનાં બંને પાત્રો પોતાની અંદર કંઇક ભાર લઇને ફરે છે, પરંતુ એ પૂરેપૂરો બહાર આવતો નથી ને આપણી સાથે કનેક્ટ થતો નથી. શા માટે એક ઍજ્યુકેટેડ યુવતીને પોતાના દેખાવ-સેક્સ અપીલના વેલ્યુએશન માટે એક અજાણ્યા ટુર ગાઇડના સર્ટિફિકેટની જરૂર છે? શા માટે સેજલના પરિવારજનોને એમાં કોઈ વાંધો કે ચિંતા સતાવતાં નથી? હૅરી ઘર, પ્રેમ, દેશ છોડીને સિંગર બનવા ગયેલો. તો એ હવે કોને શોધે છે? અગાઉ ‘રૉકસ્ટાર’માં આવા જ અભાવથી પીડાતા નાયકને તમે સિંગર બનાવેલો. અહીં કેમ એણે ગાવાનું છોડી દઇને ‘રાજુ ગાઇડ’વેડા ચાલુ કર્યા છે? હૅરી ભલે કહે, પણ એકેય ઍન્ગલથી એ ‘વુમનાઇઝર’ લાગતો નથી. હજીયે એ DDLJનો ‘રાજ’ જ છે, જે પોતાની હિરોઇન સાથે લગ્ન પહેલાં સૅક્સ નથી કરી શકતો. શાહરુખે કદાચ પહેલી (કે બીજી) જ વાર ઑનસ્ક્રીન લિપ ટુ લિપ કિસ કરી છે. એ કિસ પણ તદ્દન ઑકવર્ડ અને મ્યુઝિયમમાં ફિલ્માવાયેલા એક સીનમાં દેખાતી શાહરુખની દાઢી જેટલી જ નકલી લાગે છે. સેજલના ગુજરાતી જેવું જ નકલી હૅરીનું પંજાબી છે, જેમાં ભાગ્યે જ કંઈ સમજાય છે. તમને કદાચ અમારા અંગ્રેજી પર વિશ્વાસ નહીં હોય, એટલે અંગ્રેજી ડાયલોગ્સના રોમનાઇઝ્ડ હિન્દીમાં સબટાઇટલ્સ આપ્યા છે, હેં ને?

ઠીક છે, પણ તમારી આ ફિલ્મ ‘જબ વી મૅટ’ અને ‘તમાશા’ની વચ્ચે ઝૂલતી રહે છે, જેમાં વચ્ચે વચ્ચે ‘હાઇવે’ના પણ શૅડ્સ આવી જાય છે. તમે ફિલ્મમાં ‘અપ ઇન ધ એર’નું નામ લીધું છે, પરંતુ એ હૉલીવુડ ફિલ્મ જેવી ઘરને ભૂલીને સતત ઊડ્યા કરતા નાયકની ફીલ પણ હૅરીમાં આવતી નથી. તમારી નાયિકા પણ ‘ગીત’ અને ‘તારા’ વચ્ચે ઝૂલ્યા કરે છે. પરંતુ એ ગીત જેટલી ફુલ ઑફ લાઇફ નથી અને એટલી મિસ્ટિરિયસ છે કે ‘તારા’ પણ બની શકતી નથી.

જેટલો તમારો પ્રોટાગનિસ્ટ્સનો ‘સેલ્ફ ડિસ્કવરી ઍન્ગલ’ ક્લિશૅ થઈ ગયો છે, એટલું જ હવે હીરો-હિરોઇનનું ખુલ્લી કારમાં ફરવું, બારીની બહાર રૂમાલ-દુપટ્ટો લહેરાવવો, હાથ વડે હવામાં કાલ્પનિક ડોલ્ફિન્સ કૂદાવવી,  કારના ડૅશબોર્ડ પર પગ લંબાવીને બેસવું, વતનનાં ખેતરોમાં છોડ પર (હાથના ક્લોઝ અપ સાથે) હળવેકથી હાથ (કે દુપટ્ટો) ફેરવવો, કોઈ વિદેશી શહેરમાં બાર-ક્લબ ફાઇટ, હિરોઇનનું અજાણ્યા શહેરનાં અજાણ્યાં લોકેશન્સમાં જવું ને મુશ્કેલીમાં ફસાવું (અને નૅચરલી હીરોનું તેને આવીને બચાવવું)… આવી ઢગલાબંધ બાબતો હવે ક્લિશૅની કેટેગરીમાં ઘૂસી ગઈ છે.

જોકે સાવ એવુંય નથી કે અમે હૅરી-સેજલની લવસ્ટોરીમાંથી સાવ કોરાધાકોર બહાર આવ્યા છીએ. શાહરુખ અને અનુષ્કાની મહેનત અમને દેખાય છે. બંનેનું કોમિક ટાઇમિંગ કે ઇમોશનલ અપીલ અમારા સુધી પહોંચે છે પણ ખરી. પરંતુ કોઈ પંચ, કોઈ સ્માર્ટનેસ વિનાના સિટકોમ બનવાના વ્યર્થ પ્રયત્ન કરતા લાંબા લાંબા સીનમાં કોઈ આર્ટિસ્ટ ક્યાં સુધી ખેંચી શકે? આ ફિલ્મ મ્યુઝિકલ છે એવો દાવો તમે ક્યાંય કર્યો નથી, પણ પ્રીતમ પાસે બનાવીને ડઝનેક ગીતો તો નાખ્યાં જ છે. કોઈ જ ઑર્ગેનિક સિચ્યુએશન વિના પરાણે ગીતો આવ્યાં કરે છે. એટલે અમને એ કન્ફ્યુઝન થઈ જાય છે કે અમે ગીતોના વધુ પડતા પ્રમાણથી કંટાળી રહ્યા છીએ કે બાકીની સ્લો, ટૉકી ફિલ્મથી? હા, એટલું તો અમારે કાનની બુટ પકડીને માનવું પડે કે ‘બીચ બીચ મેં’, ‘સફર’, ‘હવાયેં’, ‘ઘર’ જેવાં ગીતો ખરેખર સરસ બન્યાં છે. એમાંય ઇર્શાદ કામિલના શબ્દોઃ ‘સફર કા હી થા મૈં, સફર કા હી રહા… ઇતના કડવા હો ગયા કિ ઝહર હુઆ’, ‘ખાલી હૈ જો તેરે બિના, મૈં વો ઘર હૂં તેરા’… વલ્લાહ, ક્યા બાત હૈ!

ઇમ્તિયાઝભાઈ, તમે ભલે ‘તમાશા’માં કહેલું કે ‘વોહી કહાની ફિર એક બાર’, પરંતુ તેને સાવ આમ લિટરલી લઈ લો એ તો કેમ ચાલે? ભારત તો વાર્તાઓનો દેશ છે, અને એટલે જ તમે ‘તમાશા’ના ‘વેદ’ને સ્ટોરીટેલર બનાવેલો. તો એ વેદને બનાવનારા તમારી પાસે વાર્તાઓનો દુકાળ હોય અને તમે સાવ આવું આત્મા વિનાનું ખોળિયું પધરાવી દો એ પણ કેમ ચાલે?

બસ, તમારી પાસેથી નવી ફ્રેશ વાર્તાની અપેક્ષા રાખતો,
તમારો એક સમયનો ચાહક અને ગુજરાતી દર્શક.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

રઈસ

વન્સ અપોન અ ટાઇમ ઇન ગુજરાત

***

જબરદસ્ત હાઇપ છતાં ‘રઈસ’ જસ્ટ અનધર મસાલા એન્ટરટેનર ફિલ્મોથી વિશેષ કશું જ નવું ઑફર કરતી નથી.

***

maxresdefault1આપણા ફિલ્મકારોએ ‘કાલ્પનિક બાયોપિક’ નામનો એક નવો ફિલ્મપ્રકાર રજિસ્ટર કરાવવો જોઇએ. કેમ કે વાસ્તવિક વ્યક્તિ અને રિયલ લાઇફ ઘટનાક્રમ પર આધારિત હોવા છતાં હિન્દી બાયોપિક ફિલ્મો અંતે તો ‘લાગે બાગે લોહીની ધાર, આપણા ઉપર નામ નહીં’ જેવા ડિસ્ક્લેમર સાથે જ રિલીઝ થાય છે. તેમાં વધુ એક ઉમેરો એટલે રાહુલ ધોળકિયાની શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘રઈસ’. આ ફિલ્મ વિશેનું ઑપન સિક્રેટ એવું છે કે તે એંસી-નેવુંના દાયકામાં થઈ ગયેલા અમદાવાદના બૂટલેગર અબ્દુલ લતીફની લાઇફ પરથી બનાવાઈ છે. જો એવું ન હોય, તોય આ ફિલ્મ વિશે જેટલો ગોકીરો મચ્યો છે એની સરખામણીમાં ખાસ્સી ઊણી ઊતરે છે.

ગાંધીના ગુજરાતમાં છાંટોપાણી

એંસીનો દાયકો છે. ગાંધીનગરની પડખેના મોટા શહેરના ફતેહપુરામાં એક ટાબરિયો રહે છે. ચશ્માંના નંબર ઉતાર્યા પછી એને સાફ દેખાવા માંડે છે કે ગુજરાતમાં બૂટલેગિંગથી બેસ્ટ ધંધો બીજો એકેય નહીં. સ્થાનિક બૂટલેગર જયરાજ (અતુલ કુલકર્ણી) માટે કામ કરતાં કરતાં એ પોતે જ બની જાય છે બૂટલેગર કમ ડૉન રઈસ (શાહરુખ ખાન). પોતાના સાથીદાર સાદિક (મોહમ્મદ ઝીશન ઐયુબ) સાથે મળીને ગુજરાતમાં ગેરકાયદે દારૂ ઘુસાડવાના એના ટ્રકોમાં પંક્ચર પાડે છે નવા આવેલા પોલીસ ઑફિસર જયદીપ અંબાલાલ મજમુદાર (નવાઝુદ્દીન સિદ્દીકી). ચશ્માં વગર પણ એનું ફોકસ ક્લિયર છે કે રઈસની દારૂની નદીઓને ATM જેવી તળિયાઝાટક કરી નાખવી. એ બાજુ આ બંનેની ચોર-પોલીસની ગૅમ ચાલતી રહે છે, તો બીજી બાજુ રઈસ પ્રેમમાં પડે છે, ગરબે રમે છે, ઇલેક્શન લડે છે અને ગરીબોનો મસીહા પણ બને છે. હવે એ દારૂ પીવાથી એનું લિવર ખરાબ થાય છે કે કાનૂન કે લંબે હાથ એના સુધી પહોંચે છે એ જોવા માટે તમારે થોડોક ખર્ચો કરવો પડે.

સ્ટાર યાર કલાકાર

આખી ઇન્ડસ્ટ્રી જ્યારે સ્ટાર્સની આસપાસ ગરબા લેતી હોય, ત્યારે તેની અસર ફિલ્મ પર ન પડે તે શક્ય જ નથી. આ ફિલ્મનો સાચો હીરો, મતલબ કે ઍન્ટિ હીરો રઈસ નામનું કેરેક્ટર નથી, બલકે શાહરુખ ખાન પોતે છે. એટલે જ્યારે પાત્ર લખાય ત્યારે તેને ગેરકાયદે દારૂ ઘુસાડતો, ભાજીમૂળાની જેમ લોકોને સમારી નાખતો કે નેતાઓને ખંડણી આપતો બતાવવામાં આવે, તેમ છતાં એનું હૃદય તો 24 કેરેટ સોનાનું જ બતાવવું પડે. નાનપણથી એને એટલો બધો બિચારો બતાવવો પડે કે બિચારા પાસે ગુનાખોરીની દુનિયામાં જવા સિવાય કોઈ વિકલ્પ જ ન હોય. એ હાર્ડકોર ક્રિમિનલ હોવા છતાં ઊસૂલનો પક્કો હોય, રોબિનહૂડ હોય, સ્ત્રીઓ-ગરીબોની ઇજ્જત કરતો હોય, સચ્ચો આશિક હોય, શુદ્ધ સેક્યુલર પણ હોય, છતાં પોતાના કામ પ્રત્યે એને કોઈ પસ્તાવો ન હોય. ઉપરથી એની આસપાસની સિસ્ટમ યાને કે નેતાઓ, પોલીસ, ન્યાયતંત્ર એટલાં બધાં ખરાબ હોય કે આ શરીફ બદમાશ આપોઆપ દૂધ સી સફેદી જેવો દેખાઈ આવે. ટૂંકમાં ફિલ્મમાં વાર્તા કરતાં સ્ટાર જ મહત્ત્વનો બની જાય. આ ટ્રેન્ડ નવો નથી, અને એટલે જ ‘રઈસ’ પણ તેમાંથી બાકાત નથી.

એક મેઇનસ્ટ્રીમ સ્ટારને છાજે એવી માસ અપીલ ધરાવતી ટિપિકલ મસાલા એન્ટરટેનર ફિલ્મ બનાવવા માટે સ્ટારની એન્ટ્રી ધમાકેદાર બતાવવી પડે. એની પર્સનાલિટી એસ્ટાબ્લિશ કરવા માટે કારણ વિનાની એક ફાઇટ સિક્વન્સ ઉમેરવી પડે. જરૂર હોય કે ન હોય, એક લવસ્ટોરી નાખવી પડે, રોમેન્ટિક સોંગ્સ ગવડાવવાં પડે, માદક આઇટેમ સોંગ બી નાખવું પડે અને લોકો થૂંકવાળી આંગળીઓ કરીને સીટીઓ મારે એવાં કૅચી વનલાઇનર્સ ભભરાવવાં પડે. આ બધાં જ ટિપિકલ મસાલા ધરાવતી ‘રઈસ’ એટલે જ સિત્તેરના દાયકાની ‘ઍન્ગ્રી યંગ મેન’ ટાઇપ ફિલ્મો કે થોડાં વર્ષ પહેલાં આવેલી ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’ જેવી ફિલ્મોની યાદ અપાવતી રહે. ફરક માત્ર સેટિંગનો અને પ્રેઝન્ટેશનનો જ હોય.

રઈસમાં એંસી-નેવુંના દાયકાનું મોબાઇલ ફોન પહેલાંના સમયનું ગુજરાત છે. પોળનું જૂનું અમદાવાદ ભલે સ્ટુડિયોમાં ઊભું કરાયું હોય પરંતુ તે જોવું ગમે તેવું છે. વચ્ચે વચ્ચે અમદાવાદનો જૂનો ઍલિસબ્રિજ અને અડાલજની વાવ જેવાં લોકેશન્સ જોવાની પણ મજા પડે. એ વખતની ગાડીઓ, જૂના ટેલિવિઝન સેટ, લૅન્ડલાઇન ટેલિફોન, અગાશીમાં ઍન્ટેના, અખબારોમાં ‘નર્મદા યોજના’ની હેડલાઇનો વગેરેથી એક ઑથેન્ટિસિટીની ફીલ આવે. રઈસના લેખકો ગુજરાતી છે. એટલે જ ગુજરાતી ગાળો કે ‘છાંટોપાણી’, ‘ફાંકા ફોજદારી’ જેવા ટિપિકલ ગુજ્જુ શબ્દો પણ કાને પડ્યા કરે. ફિલ્મની કૅચી ટેગલાઇન (‘બનિયે કા દિમાગ, મિયાંભાઈ કી ડૅરિંગ’) ઉપરાંત ઠેકઠેકાણે શાહરુખના ફૅન્સને ગોકીરો કરવાની મજા પડે એવી પંચલાઇનો છે.

શાહરુખની ઍનર્જી પણ અત્યંત ચેપી છે. ફાઇટ-ચૅઝ સીન, ડાન્સ, ડાયલોગબાજી, ઇશ્કબાજીમાં ક્યાંય એવું લાગતું નથી કે આ મહાશય આયખાની ફિફ્ટી મારી ચૂક્યા છે. પરંતુ શાહરુખનૌ આ જ ઔરા ઊપસાવવામાં બાકીના બધા જ કલાકારો ઢંકાઈ ગયા છે. એકમાત્ર નવાઝુદ્દીન સિદ્દીકી એના પાવરપૅક્ડ પર્ફોર્મન્સથી માથું ઊંચકે છે. ફિલ્મમાં એની એન્ટ્રી શાહરુખ જેટલાં જ ચિયર્સ ઉઘરાવે એવી છે! છતાંય એ ‘કિક’માં સલમાનની સામે જેવો ખીલ્યો હતો એવો કડક તો નથી જ લાગતો. ખાસ કરીને ઇન્ટરવલ પછી તો એને શોધવો પડે છે. આમાં જ મોહમ્મદ ઝીશન ઐયુબ જેવો જબરદસ્ત એક્ટર માત્ર શાહરુખનો સાઇડકિક બનીને રહી ગયો છે, જેના ભાગે કોઈ કહેતા કોઈ નોંધપાત્ર સીન નથી આવ્યા. પાકિસ્તાની એક્ટર માહિરા ખાન માત્ર શાહરુખને આંખ મારવા પૂરતી જ સારી લાગે છે (એ તો ફિલ્મમાં પ્રેગ્નન્ટ થઈ, પણ પછી બાળક તો જાણે ફ્લિપકાર્ટ પરથી મંગાવ્યું હોય એમ એકાએક આવી જાય છે! એના ફિગરમાં એક ટકોય ફેરફાર નહીં!). બિનજરૂરી ગીતો અને અહીંથી તહીં ભાગતી સ્ટોરીમાં અતુલ કુલકર્ણી, નરેન્દ્ર ઝા, શીબા ચઢ્ઢા, ઉત્કર્ષ મજુમદાર પણ દિલથી વેડફાયાં છે. ‘રઈસ’ની મહાનતા બતાવવા માટે નખાયેલાં બધાં જ એલિમેન્ટમાં આ અઢી કલાકની ફિલ્મ ખાસ્સી થકવી દે છે.

દારૂબંધીના માહોલમાં રાજ્યમાં દારૂ કેવી રીતે ઘૂસે છે તે જાતભાતના ઍરિયલ શૉટ્સથી બતાવાયું છે, પરંતુ પ્રોહિબિશનનો ખોફ, તેનો દંભ, લોકોની દારૂ પીવા માટેની તલબ, ચોરીછૂપે પીવાતો દારૂ વગેરે કશું જ અહીં ઝીલાયું નથી. જે રીતે બધાં આરામથી દારૂની છોળો ઉડાડતા ફરે એ જોઇને ખબર જ ન પડે કે આ ગુજરાત છે કે બીજું કોઈ રાજ્ય. આખી ફિલ્મ નવાઝુદ્દીનના પોઇન્ટ ઑફ વ્યૂથી કહેવાઈ છે. તેમ છતાં સિસ્ટમ માટે રઈસ કેમ માથાનો દુખાવો થઈ પડ્યો તેવા સાઇકોલોજિકલ ઉંડાણમાં પણ જવામાં નથી આવ્યું. ફિલ્મના પહેલા જ સીનથી કળી શકાય તેવી રઈસના પાત્રની જર્ની માત્ર અલગ અલગ ઘટનાઓના ઉપરછલ્લા કલેક્શન જેવી જ બનીને રહી ગઈ છે.

ફોર ફૅન્સ ઑન્લી

એક દાયકા પહેલાં આ જ રાહુલ ધોળકિયાની ગુજરાતનાં રમખાણોની પૃષ્ઠભૂ પર બનેલી ફિલ્મ ‘પરઝાનિયા’ને ગુજરાતમાં જ રિલિઝ નહોતી થવા દેવાઈ. હવે એ જ ડિરેક્ટરની ગુજરાતના ડૉનને ગ્લોરિફાય કરતી આ ફિલ્મ મીડિયાથી સોશ્યલ મીડિયા સુધી ગાજી રહી છે. તેમ છતાં અંતે તો ‘રઈસ’ શાહરુખના ફૅન્સ માટે જ બનાવાઈ હોય તેવું લાગ્યા વિના રહેતું નથી. મતલબ કે નિરાશાનું લૅવલ કંટ્રોલમાં રહે તે માટે અપેક્ષાઓનું લૅવલ માપમાં રાખીને જ જોવા જવું બહેતર રહેશે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Aditya Chopra: From DDLJ to Befikre

DDLJ મારી લાઇફની પહેલી એવી ફિલ્મ હતી જે મેં ટૉકિઝમાં બે વખત જોઈ હોય. હું હતો તેર વર્ષનો. નાઇન્ટીઝના કોઇપણ ટીનએજરની જેમ હું પણ ઘાયલ હતો રાજ-સિમરનની લવસ્ટોરીથી. લાઇક એવરી ટીનએજર ઑફ ધેટ ટાઇમ, આપણનેય અંદરખાને એવી ફીલિંગ કે આપણે રાજ મલ્હોત્રા જેવા દિલફેંક, ડૅશિંગ ન હોઇએ તો કંઈ નહીં, પણ એક સિમરન તો હોવી જ જોઇએ લાઇફમાં, ક્યું સૅનોરિટા?!

 

81sdhlyn1cl

‘મરાઠા મંદિર’માં DDLJ જેટલી ચાલી છે, મારા પર આ ફિલ્મનો ખુમાર પણ એટલો જ રહ્યો છે. પરંતુ અત્યારે વાત મારી નહીં, આદિત્ય ચોપરાની કરવી છે. વરસમાં નહીં, દાયકામાં પણ માંડ એકાદી ફિલ્મ લઇને આવતો આ યશપુત્ર ‘ઇન્વિઝબલ’ ચોપરા પોતાની માંડ ચોથી ફિલ્મ લઇને આવતો હોય ત્યારે એકાદું આસોપાલવનું તોરણિયું બાંધવું તો બનતા હૈ, બૉસ! એટલે મેં કબાટ ખોલીને એમાંથી કાઢી આ દિવાળીની ખરીદી એવી બુક ‘આદિત્ય ચોપરા રિલિવ્સ… દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે.’ મસ્ત બાઇન્ડિંગ, સુપર્બ બિહાઇન્ડ ધ સીન ફોટોગ્રાફ્સ અને નસરીન મુન્ની કબીરને ‘આદિ’એ કહેલી DDLJના મૅકિંગ પાછળની સુપર ઇન્ટરેસ્ટિંગ દાસ્તાન. હિન્દી સિનેમા અને DDLJના ચાહક પાસે હોવી જ જોઇએ એવી આ બુકની છાપેલી કિંમત તો અંકે રૂપિયા 2 હજાર છે. લેકિન ‘એમેઝોન’ના દિવાળી સેલમાં અપુન કો મિલી 99 રુપીઝ વૉન્લી મેં! હજીયે ખરીદવી હોય તો જસ્ટ 200 રૂપિયામાં અવેલેબલ છે. ઍની વે…

 

NRI ઑડિયન્સને ધ્યાનમાં રાખીને બનેલી આ પહેલી હિન્દી ફિલ્મને આપણે ભલે ‘DDLJ’ કહેતા હોઇએ, પણ આદિત્ય ચોપરા એને ‘દિલવાલે’ કહે છે. એનો ઑરિજિનલ આઇડિયા હતો ટૉમ ક્રૂઝ અને કાજોલને લઇને એક ઇંગ્લિશ ફિલ્મ બનાવવાનો! પછી ટૉમ ક્રૂઝના ભારતીય વર્ઝન જેવા હીરોને લઇને ફિલ્મ બનાવવાનો આઇડિયા એણે પાપા યશ ચોપરાને સંભળાવ્યો ત્યારે એણે એવી લાઇન કહી, ‘તુમ્હેં યહાં સે લે જાઉંગા તભી, જબ તુમ્હારે બાઉજી ખુદ તુમ્હારા હાથ મેરે હાથ મેં દેંગે.’ એ વખતે આદિત્ય ચોપરાના દિમાગમાં બત્તી થઈ કે એને એક નવા જ પ્રકારની હિન્દી ફિલ્મનો આઇડિયા સૂઝ્યો છે. એવી સ્ટોરી જે નવી અને જૂની પેઢીને જોડતો પૂલ છે. અહીં સ્ટાર ક્રોસ્ડ લવર્સ છે, પણ ‘એક દુજે કે લિયે’ કે ‘કયામત સે કયામત તક’ જેવો બળવો નથી કરવાનો, બલકે લડકી કે બાઉજીને મનાવીને દુલ્હન કા હાથ અપને હાથ મેં દે તેની રાહ જોવાની છે.

befikre-poster-4ફાઇન. DDLJ ફિલ્મ હતી જેનાં હીરો-હિરોઇન લંડનમાં મોટાં થયાં હોય, તોય વો જાનતે થે કિ ‘એક હિન્દુસ્તાની લડકી કી ઇઝ્ઝત ક્યા હોતી હૈ!’ ગ્લોબલાઇઝેશનના સ્ટાર્ટિંગના સમયમાં આવી હોવા છતાં આ લાઇન અને અત્યારે એ જ આદિ ચોપરાએ પકડેલી લાઇન ખાસ્સી ઇન્ટરેસ્ટિંગ છે. એ વખતે લડકી ક્યારેય શરાબને હાથ નહોતી લગાડતી. લડકા-લડકી એક કમરે મેં રાત ગુઝારે તોય નો સૅક્સ. કમ્પ્લિટલી ફરબિડન ફ્રૂટ. હીરો પોતાની છાતી પર લિપસ્ટિકનાં નિશાન બનાવીને ચીડવે તોય હિરોઇન રડી પડે! એ જ આદિ ચોપરા હવે ‘બેફિકરે’માં એના કહેવા પ્રમાણે અગાઉનું બધું અનલર્ન કરીને પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી રહ્યો છે. આજે એનાં હીરો-હિરોઇન ‘નૅવર સૅ આઈ લવ યુ’ની વાત કરતાં દેખાય છે. અને આઈ લવ યુ? યક્! આખા ટ્રેલરમાં બંને એટલાં બધાં સેક્સ્યુઅલી ચાર્જ્ડ દેખાય છે કે ફિલ્મનું નામ ‘Befikre’ને બદલે ‘Be-fuckre’ હોવું જોઇતું હતું! ઇવન અત્યારે તો આખી ફિલ્મ મને ‘ટ્રૂથ ઑર ડૅર’ના એક્સ રેટેડ વર્ઝન જેવી લાગી રહી છે. જેમાં હીરો-હિરોઇન બંને એકબીજાને ભળતી જ વસ્તુ ડૅર કર્યા કરે. આઈ ડૅર યુ, પોલીસને થપ્પડ મારી આવ, આઈ ડૅર યુ પ્લૅબૉયનો જાંગિયો પહેરીને પાર્ટીમાં કૅટવૉક કરી બતાવ, આઈ ડૅર યુ પબ્લિક લાઇબ્રેરીમાં સ્ટ્રિપટિઝ કરી બતાવ, આઈ ડૅર યુ કોઈ સ્ટેજ શૉમાં ઘૂસ મારીને ડાન્સ કરી આવ, આઈ ડૅર યુ ઉત્તેજક પૉલ ડાન્સ કરી બતાવ, આઈ ડૅર યુ ફાઇવ સ્ટાર હૉટેલમાં ઘૂસ મારીને ડિંગડોંગ કરીએ તો?, આઈ ડૅર યુ, અભી ઇસી વક્ત ઇસી જગહ… આઈ ડૅર યુ ટુ કિસ ઍનીવ્હેર પોસિબલ અન્ડર ધ સ્કાય…!

જે યશરાજ ફિલ્મ્સ પ્રેમના ઢાઈ અક્ષરના પાયા પર ઊભું છે એનો મેઇન કર્તા હર્તા અત્યારે પોતાનાં લીડ પાત્રો દ્વારા એવું બોલાવડાવે છે કે આપણે ક્યારેય આઈ લવ યુ બોલવાનું નથી. પરંતુ મેં જોયું છે કે ગમે તેટલી રિવોલ્યુશનરી વાતો કરે, લીડ કેરેક્ટર્સ ગમે તેટલાં કમિટમેન્ટ ફોબિક હોય, પણ અલ્ટિમેટલી તો સ્ટોરી ટ્રેડિશનલ ખાનામાં જ જઇને પડે છે. પછી એ ફરહાનની ‘દિલ ચાહતા હૈ’ હોય, સિદ્ધાર્થ આનંદની ‘સલામ નમસ્તે’ હોય, ઝોયાની ‘ZNMD’ હોય, ઇમ્તિઆઝની ‘લવ આજકલ’ હોય કે અયાનની ‘YJHD’ હોય. ઇવન મણિ રત્નમે પણ ‘ઓ કાધલ કન્મની’માં નવી પેઢીના રોમાન્સ-કમિટમેન્ટ પર ફોકસ કર્યું અને છેવટે તો એવું જ સાબિત કર્યું કે યંગસ્ટર્સ ગમે તેટલાં આધુનિક થાય અલ્ટિમેટલી તો ટ્રેડિશનલ પાથ જ પકડે છે. ટૂંકમાં, ‘મોહબ્બત કા નામ આજ ભી મોહબ્બત હૈ!’ રિમેમ્બર, DDLJનો રાજ પણ ખાલી વાતો ‘મુઝે તો આજ તક યે સમઝ નહીં આયા કિ લોગ એક હી લડકી કે સાથ પૂરી ઝિંદગી કૈસે ગુઝાર લેતે હૈ? દુનિયા મેં ઇતની સુંદર સુંદર લડકિયાં હૈ, કિસી કી આંખે અચ્છી, કિસી કે હોઠ અચ્છે…’ની કરતો, ‘લવ-શવ મેરે બસ કી બાત નહીં હૈ’ એવું એ ખાલી બોલતો, પણ હતો પૂરેપૂરો રોમેન્ટિક, લવમાં ફૉલ થવા એકદમ રૅડી! હવે એ જ આદિત્ય ચોપરાનો હીરો કે પછી ઍમ્પાવર્ડ હિરોઇન કયો રસ્તો પકડે છે એ જોવાનું રહે. બની શકે કે એનાં પાત્રો ક્લાઇમૅક્સમાં એકબીજાને એવું કહી શકે કે, ‘આઈ ડૅર યુ ટુ મૅરી મી!’

નવા મિલેનિયમમાં સમજણી થયેલી જનરેશનને ‘DDLJ’નો યુફોરિયા કદાચ નહીં સમજાય. ક્યારેક તો એવુંય થાય કે બિચ્ચારાઓ ઑરિજિનલ DDLJને બદલે ‘હમ્પ્ટી શર્મા’ જેવી એની Nth રિમેક જોઇને જ મોટાં થયાં છે.  પણ બેફિકરેથી મને જે બીક છે તે એ છે કે આ નવી જનરેશનને વ્હાલા થવા માટે આદિ પોતાની જ એ ફિલ્મો-ફિલોસોફીની મજાક ન ઉડાવે. જેવું એણે ટ્રેલરમાં છેલ્લે ‘પલટ’વાળો સીન ઉમેરીને કર્યું છે કે, ‘પલટને કા ઇન્તેઝાર તો નાઇન્ટીઝ મેં કિયા કરતે થે, આઇ વૉઝ જસ્ટ ચૅકિંગ આઉટ હિઝ એસ!’ તમે મને ઑલ્ડી કહી શકો, પણ શાહરુખના એ ‘પલટ’માં જે કશિશ હતી, જે રોમાન્સ હતો અને સિમરન પલટીને રાજ સામે સ્માઇલ કરે ત્યારે જે ઉન્માદ હતો, એ ‘કોઈ હન્કની એસને ચૅક આઉટ’ કરવામાં નથી.

બાય ધ વે, આદિત્ય ચોપરાને DDLJમાં એ ‘પલટ’વાળો સીન મૂકવાનો આઇડિયા ક્લિન્ટ ઇસ્ટવૂડની ૧૯૯૩માં આવેલી ફિલ્મ ‘ઇન ધ લાઇન ઑફ ફાયર’ના એક સીન પરથી આવેલો. ઇસ્ટવૂડ અને રૅની રુસ્સો લિંકન મેમોરિયલનાં પગથિયે બેઠાં બેઠાં આઇસક્રીમ ખાઈ રહ્યાં છે. રૅની આઇસક્રીમ માટે થેન્ક્સ કહીને પોતાની એક ડૅટ માટે ચાલી નીકળે છે. એને જતી જોઇને ઇસ્ટવૂડ (જે ત્યારે 63 વર્ષના હતા) ચમચી આઇસક્રીમ મોંમાં મૂકતાં કહે છે, ‘ઇફ શી લુક્સ બૅક, ધેટ મીન્સ શી ઇઝ ઇન્ટરેસ્ટેડ’. વેલ, તમે કલ્પના કરી શકો છો કે પેલીએ પાછા વળીને જોયું હશે કે નહીં! એટલું કહી શકું કે ઇસ્ટવૂડના ચહેરા પર પણ શાહરુખ જેવું જ સ્માઇલ હતું!

***

DDLJ માટે આદિત્ય ચોપરાએ કૅચલાઇન લખેલી, ‘કમ… ફૉલ ઇન લવ.’ હવે આજે એ જ આદિત્ય ચોપરાની ફિલ્મની કૅચલાઇન છે, ‘ધોઝ હુ ડૅર ટુ લવ.’ બે દાયકામાં આટલો ફેર પડ્યો છે. ત્યારે પ્રેમમાં પડવું એક સેલિબ્રેશન હતું. રાજ-સિમરનની સાથે આપણે પણ પ્રેમમાં પડતા હતા. અત્યારે ધરમ-શાયરાને પ્રેમમાં પડવાની હિંમત કરવી પડે છે. તો એક્ચ્યુઅલી, આપણે આગળ ગયા કે પાછળ?! વેલ, આવતીકાલે ‘બેફિકરે’ જોયા પછી ખબર!

PS. 1 DDLJમાં શાહરુખ-કાજોલનો ‘પલટ’વાળો સીન:

PS. 2 આદિત્ય ચોપરાને એ સીનની પ્રેરણા જ્યાંથી મળી તે ક્લિન્ટ ઇસ્ટવૂડ સ્ટારર ફિલ્મ ‘ઇન ધ લાઇન ઑફ ફાયર’નો સીનઃ

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ડિયર ઝિંદગી

દાસ્તાન-એ-ઝિંદગી

***

અઢી કલાકની ‘ડિયર ઝિંદગી’ કોઈ ફિલ્મ કરતાં એક સાઇકાયટ્રિસ્ટના લાંબા સૅશન જેવી વધારે લાગે છે.

***

પૃથ્વીના નકશા પર જે દેશનું નામ શોધવું પણ અઘરું પડે એવા કોઈ દેશમાંથી આવેલી ફિલ્મ કોઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચાલતી હોય. ફિલ્મ આમ સરસ હોય, પણ પડદા પર ખાસ કશું બનતું ન હોય. તેનાં મુખ્ય પાત્રો પણ જાણે વડાપ્રધાન સાથે મીટિંગ કરવા આવ્યાં હોય તેમ વાતો જ કર્યે જતા હોય. તમને અંદરથી થતું હોય કે ‘હા ભઈ, સમજી ગયા. હવે આગળ વધો ને’, પણ ડિરેક્ટર તો પાણી પર તરતી મૂકેલી કાગળની હોડીની સ્પીડમાં જ ફિલ્મ આગળ ધપાવવાના મૂડમાં હોય. છતાં બે અઢી કલાકે ફિલ્મ પતે પછી ઠીકઠાક સંતોષ પણ થાય કે ચલો જીવનમાં ક્યાંક કામ લાગે એવું જાણવા તો મળ્યું. ગૌરી શિંદેની ‘ડિયર ઝિંદગી’ ડિટ્ટો આવી જ ફિલ્મ છે. ઇવન કોઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવાનાં અરમાન હોય તેમ આ ફિલ્મમાં અંગ્રેજી સબટાઇટલ્સ પણ ઉમેરવામાં આવ્યાં છે.

ઝૂમ ઇન દર્દ

કાયરા (આલિયા ભટ્ટ) એક ટેલેન્ટેડ સ્ટ્રગલિંગ સિનેમેટોગ્રાફર છે. કેમેરાની ફ્રેમમાં એને પર્ફેક્ટ દૃશ્ય પકડતાં આવડે છે, પણ જ્યાં વાત પોતાની લાઇફ પર ફોકસ કરવાની આવે ત્યાં પીડા અને દર્દ જ ઝૂમ ઇન થયા કરે. આવી એક દર્દીલી અવસ્થામાં એ પોતાના ઘરે ગોવા રિટર્ન થાય છે. ત્યાં એને થાય છે કે આ જૂની પીડાનું પોટલું માથે લઇને ફરવા કરતાં એક સારા સાઇકાયટ્રિસ્ટને બતાવીએ તો સમું પડે એમ છે. એટલે એ પહોંચી જાય છે ડૉ. જહાંગીર ખાન (શાહરુખ ખાન) પાસે. જહાંગીર અલગ અલગ સૅશનમાં બહુ ધીરજથી કાયરાની વાતો સાંભળે છે, પોતાની રમતિયાળ સ્ટાઇલોમાં એની અંદરના જૂના ઘા સાફ કરીને તેના પર મલમ લગાવે છે. અમુક સેશન્સ પછી એક નવી જ કાયરા બહાર આવે છે, જે કોન્ફિડન્ટ છે અને ડિયર ઝિંદગી સાથે દો દો હાથ કરવા માટે તૈયાર છે.

ઍન્ટર ધ લાઇફ

સિનેમાનો એક બૅઝિક નિયમ છે, ‘શૉ, ડૉન્ટ ટૅલ.’ મતલબ કે તમારી પાસે કેમેરા છે તો દૃશ્યને બોલવા દો ને, પાત્રોએ આખો વખત ચપડ ચપડ કરવાની ક્યાં જરૂર છે? ‘ડિયર ઝિંદગી’ જોયા પછી પહેલો સવાલ આ જ થાય. ફિલ્મનો મોટા ભાગનો સમય શાહરુખ- ધ સાઇકાયટ્રિસ્ટ અને આલિયા- ધ બ્રોકનહાર્ટ-ઇન્સોમ્નિઍક-ડિપ્રેસ્ડ પૅશન્ટ વચ્ચેના કાઉન્સેલિંગમાં જ પસાર થાય છે. જાણે કોઈ મનોચિકિત્સકની ક્લિનિકની અંદર કેમેરા મૂકી દીધો હોય એવી જ ફીલ આવ્યા કરે. દિગ્દર્શિકા ગૌરી શિંદેએ પોતાના કોઈ સાઇકાયટ્રિસ્ટ મિત્ર સાથેની વાતો પરથી કે પોતાના અનુભવો પરથી બનાવી હોય એ હદે આ ફિલ્મમાંથી આત્મીયતા ઝલકે છે. ફિલ્મમાં કાયરા પોતાનાં બાળપણના અનુભવોને કારણે એક કોશેટામાં પુરાઈ ગઈ છે અને હવે સતત એક બીકમાં ફર્યા કરે છે. ડૉ. જહાંગીર ખાન ઝાડની ડાળીમાં ફસાયેલી પતંગની માવજતથી કાયરાને તે કોશેટામાંથી બહાર કાઢે છે અને પોતાના આકાશમાં મુક્ત કરે છે. આ ફિલ્મનું પૅકેજિંગ, પાત્રો, એમની વચ્ચેની વાતચીત, એમની લાઇફસ્ટાઇલ બધું જ હાડોહાડ અર્બન છે. કાયરા અત્યારના અર્બન યુથનું પ્રતિનિધિત્વ કરે છે. એવું યુથ જે સતત લવ-બ્રેકઅપ્સનાં અપડાઉનમાં ફસાયેલું છે. એટલે પોતાની અંદર આ પ્રકારનું દર્દ લઇને ફરતા લોકોને આ ફિલ્મમાં પિરસાયેલું જ્ઞાન અપીલ કરી શકે. ઘટનાઓને બદલે માત્ર ફિલોસોફિકલ વાતચીત જ હોવા છતાં પોતાની લવલાઇફ કે ભૂતકાળની લાઇફથી પરેશાન લોકો આ ફિલ્મને બાબાજીના પ્રેરકવચનની જેમ ગળે ઉતારી જાય. પરંતુ બાકીના લોકો સતત ધીમે ધીમે ચાલ્યા કરતી આ પ્રવચનમાળાથી કંટાળી જાય એવું પણ બનશે.

ભૂતકાળની કડવી યાદોમાંથી કેવી રીતે બહાર નીકળવું, પોતાની જાતને-પોતાનાં માતાપિતાને કે આપણને નુકસાન પહોંચાડનારા તમામ લોકોને માફ કરીને કઈ રીતે આગળ વધવું, જેમ શરીરને ડૉક્ટરની જરૂર પડે તેમ મનને પણ ડૉક્ટરની જરૂર પડે અને તેમાં કશી જ શરમ જેવી વાત નથી એવી કેટલીયે વાતો માત્ર બોલીને સમજાવવાને બદલે કંઇક નવી જ સ્ટાઇલમાં પ્રેક્ટિકલી કરી બતાવી હોત તો ફિલ્મ ક્યાંય રસપ્રદ બની જાત. ભૂતકાળમાં બાસુ ચૅટર્જીની ‘છોટી સી બાત’માં, રાજકુમાર હિરાણીની ‘મુન્નાભાઈ’ અને ‘3 ઇડિયટ્સ’માં આ વસ્તુ બહુ અસરકારક રીતે ઍક્ઝિક્યુટ થઈ હતી.

અર્બન અને ઑફબીટ એવી આ ફિલ્મ ઇન્ટરેસ્ટિંગ બની છે, તેનો સૌથી મોટો શ્રેય આલિયાને આપવો પડે. એના કૅરેક્ટરમાં ઇન્સિક્યોરિટી, પ્રેમી તરીકે એક સિક્યોર વ્યક્તિનો સાથ મેળવવાની ઝંખના, ડિપ્રેશન, ઊંડે ધરબાયેલો ગુસ્સો, મહત્ત્વાકાંક્ષા, ઉદ્ધતાઈ, ચીડિયાપણું, સમાજના દંભ સામે અકળામણ એવા કેટલાય શૅડ્સ છે, અને એ છોકરીએ બધી જ ફીલિંગ્સને જબરદસ્ત કાબેલિયતથી વ્યક્ત કરી બતાવી છે. પોતાના બાળપણની વાત કહેતો એનો એક લાંબો મોનોલોગ, ‘હાઇવે’ ફિલ્મની યાદ અપાવતો એનો ગુસ્સાનો જ્વાળામુખી ફાટતી વખતનો સીન જેવાં કેટલાંય દૃશ્યોમાં એની એક્ટિંગ જુઓ તો આલિયાના નામનો એક પણ જોક ફોરવર્ડ કરવાની ઇચ્છા ન થાય. સામે પક્ષે શાહરુખે પણ ફાલતુ હીરોગીરીમાંથી વેલકમ બ્રેક લઇને આવો પર્ફોર્મન્સ ઓરિએન્ટેડ રોલ કર્યો છે, જે એની ઉંમર અને પર્સનાલિટી બંનેને એકદમ ટૅલરમૅડ સૂટ કરે છે. લોકોને ગમે કે ન ગમે તે પછીની વાત છે, પરંતુ લીડ સ્ટાર્સ સાથે આવી ઍક્સપરિમેન્ટલ ફિલ્મ બને તે બદલ પણ બ્રૅવરી અવૉર્ડ આપવો પડે.

‘ડિયર ઝિંદગી’ની સપોર્ટિંગ કાસ્ટ પણ એકદમ હુંફાળી છે. ખાસ કરીને કાયરાની બહેનપણીઓ બનતી ‘આઇશા’ ફેમ ઇરા દુબે અને ‘ફોબિયા’ ફેમ યશસ્વિની દાયમા યંગસ્ટર્સને ચ્યુઇંગમની જેમ ચિપકી જશે. કેમકે, એકદમ નૅચરલ ઍક્ટિંગ ઉપરાંત ચૅટિંગની ભાષામાં એમની વાતચીત, ‘કોકો’, ‘જૅકી’, ‘ફૅટી’ જેવાં એમનાં ફન્કી નિકનૅમ બધું યંગસ્ટર્સને અપનેવાલેની ફીલ આપે તેવું જ છે. થોડાક મૅલ શોવિનિસ્ટ શૅડ ધરાવતા પાત્રમાં પોની ટેઇલ્ડ કુણાલ કપૂર ઘણા સમયે નોંધપાત્ર ફિલ્મમાં દેખાયો છે. ફિલ્મની શરૂઆતમાં સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતું ડિસ્ક્લેમર દેખાય એટલે શંકા જાય કે આ ફિલ્મમાં કોઈ પાકિસ્તાની ઍક્ટર હોવો જોઇએ. ત્યાં જ ગિટાર ખખડાવતો અલી ઝફર દેખાય. અલબત્ત, એણે ગાયેલું ‘તારીફોં સે તૂ નહીં માનનેવાલી’ ગીત ખરેખર સરસ છે. થૅન્ક્સ ટુ, સંગીતકાર અમિત ત્રિવેદી અને ગીતકાર કૌસર મુનીર.

ગૌરી-બાલ્કી દંપતી ઍડ્વર્ટાઇઝિંગ વર્લ્ડમાંથી આવે છે. એટલે જ બડી ચાલાકીથી એ બંને પોતાની ફિલ્મોમાં પ્રોડક્ટ મૂકી દે છે. અહીં પણ ત્રણ ઠેકાણે ઈ-કોમર્સ સાઇટ ‘ઇ-બે’નું બેશરમ પ્રોડક્ટ પ્લેસમેન્ટ છે (જસ્ટ એ બતાવવા માટે કે આલિયા કમ્પલ્સિવ બાયર બની ગઈ છે, એ પ્લેનમાં બેઠાં બેઠાં ઈ-બે પરથી વસ્તુઓ ઑર્ડર કરે, ઘરે પહોંચે ત્યાં સુધીમાં આવી પણ જાય. એટલું જ નહીં, પાછળથી ઈ-બેમાંથી કસ્ટમર સેટિસ્ફેક્શનનો ફોન પણ આવે! વાહ! હા, નવી આવેલી બુકને જે રીતે આલિયા સૂંઘે છે એ આપણને ગમ્યું!). એક ઠેકાણે તો ‘ઇરોસ’માં પોતાની જ ‘કી એન્ડ કા’ ચાલતી દેખાય છે અને એક ડાયલોગમાં ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ શબ્દપ્રયોગ પણ થયો છે. આવું બધું શોધવાનો પુષ્કળ ટાઇમ મળી રહે છે કેમકે ફિલ્મ અઢી કલાકની તોતિંગ લંબાઈ ધરાવે છે.

વેલકમ ઝિંદગી

‘ડિયર ઝિંદગી’ ફિલ્મ તરીકે તો ખાસ્સી ધીમી, પ્રીડિક્ટેબલ અને ઍવરેજ છે. અગાઉ ન કહેવાઈ હોય તેવી કોઈ નવી વાત પણ તેમાં નથી. પરંતુ તમને તે કેવીક ગમે છે તે તમારી પોતાની મનોસ્થિતિ, ટેસ્ટ અને ધીરજ પર આધાર રાખે છે. મંજે એક વખત આ ફિલ્મને તક આપવામાં કોઈ જ વાંધો નથી. કોને ખબર તમને પણ જૂના ઘાવ ભરવાનો મલમ કે આગળ વધવા માટેની પાંખો આ ફિલ્મમાંથી જડી આવે? કંઈ નહીં તો બ્યુટિફુલ લૉકેશન્સ જોઇને ગોવાની ટિકિટ કઢાવવાની તો ઇચ્છા થઈ જ આવશે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ફૅન

હેડિંગઃ જબ તક હૈ ફૅન

***

ઇન્ટ્રોઃ એક પણ ગીત અને હિરોઇન ન હોવા છતાં આ ફિલ્મ શાહરુખના મજબૂત ખભા પર ઊભી છે.

***

‘ફૅન’ના એક દૃશ્યમાં ફિલ્મસ્ટાર આર્યન ખન્ના બનતો શાહરુખ મૅકઅપ લગાવીને અરીસા સામે જુએ છે અને ‘હજી આપfan-first-lookણો સિક્કો ચાલે છે, બોસ’ ટાઇપનું સ્માઇલ કરે છે. છેલ્લા ઘણા સમયથી શાહરુખની ફિલ્મો એવા અરીસામાં જ કન્વર્ટ થઈ ગઈ છે, જેમાં પાત્ર ગમે તે હોય દેખાય આપણને કિંગ ખાન શાહરુખ. આવી ‘બસ, મૈં હી હૂં ના’ ટાઇપની સતત નાર્સિસિસ્ટિક શાહરુખોત્સવ ઉજવતી ફિલ્મોમાં વધુ બોલ્ડ ઉમેરો છે ડિરેક્ટર મનીષ શર્માની ‘ફૅન.’ આ ફિલ્મમાં ઘણાં આશ્ચર્યો છે, તેમાંનું એક એ છે કે સ્ટાર અને ફૅન બનતા બંને શાહરુખોને તમે અલગ તારવી શકો છો. મતલબ કે ઘણા સમયથી ખોવાયેલો ‘એક્ટર શાહરુખ’ પણ દેખાઈ આવ્યો છે.

નેવર અન્ડરએસ્ટિમેટ ધ પાવર ઑફ અ ફૅન

ટ્રેલરમાં બાજી છત્તી થઈ ગઈ છે તેમ આર્યન ખન્ના (શાહરુખ ખાન) બૉલીવુડનો સુપરસ્ટાર છે. આપણને બતાવવામાં આવે છે કે એણે ‘દીવાના’, ‘ડર’, ‘બાઝીગર’, ‘ડીડીએલજે’ જેવી (કોઈ શાહરુખ ખાનના નામે બોલતી) ફિલ્મો કરી છે. આ ફિલ્મો જોઇને શાહરુખના જ વતન દિલ્હીમાં મોટો થયેલો ગૌરવ ચાંદના (શાહરુખ નંબર-2) એનો જબરો ફૅન બની ગયો છે. ‘જુનિયર આર્યન ખન્ના’ તરીકે એ પોતાના ઇલાકાનો સ્ટાર છે. એની લાઇફની એક જ તમન્ના, આર્યન ખન્નાને મળીને એની પાસેથી પોતે એનો સૌથી મોટો ફૅન હોવાનું સર્ટિફિકેટ લઈ લેવું. આ ઘેલછામાં એ એવું પરાક્રમ કરી બેસે છે કે ઑરિજિનલ આર્યન ખન્ના કોપાયમાન થઈ જાય છે. કોઈ સ્ટાર પોતાના ફૅન સાથે આવું થોડો કરી શકે એ વિચારે મોહભંગ થયેલો ગૌરવ મનમાં જ કસમ ખાય છે કે ‘આર્યન ખન્ના, અબ સૈલાબ આયેગા.’ હવે ‘બાદશાહ’ સ્ટાર અને એના ‘ડુપ્લિકેટ’ ફૅન વચ્ચેની આ ‘મોહબ્બતેં’ કયા ‘અંજામ’ સુધી પહોંચે છે, એના માટે તો તમારે થોડો ખર્ચો કરવો પડે.

ફૅન સ્ટાર કે પીછે, સ્ટાર ફૅન કે પીછે, ટૂ મચ ફન

સ્ટારની પાછળ ગાંડા કાઢતા ફૅન જ્યારે પૂરી શિદ્દતથી એની જ વાટ લગાડવામાં લાગી જાય એવી સંખ્યાબંધ ફિલ્મો આવી ચૂકી છે. આપણા મહેશ ભટ્ટે હૉલીવુડની ઈ.સ. ૧૯૮૧ની ‘ધ ફૅન’ પરથી સુસ્મિતા સેનને એના મિસ યુનિવર્સ અવતારમાં જ લઇને ‘દસ્તક’ બનાવેલી. ડિરેક્ટર મનીષ શર્મા ભલે ઓરિજિનલ હોવાની ખાંડના બુકડા ભરતા, પરંતુ એમની આ ફિલ્મ અને ઈ.સ. ૧૯૯૬માં આવેલી રૉબર્ટ દ નીરો સ્ટારર અગેઇન એ જ નામની ‘ધ ફૅન’ ફિલ્મથી વધુ પ્રભાવિત દેખાય છે. પરંતુ એ સ્ટોરીમાં શાહરુખને પોતાના જ ફિક્શનલાઇઝ્ડ વર્ઝન તરીકે લેવાનો અને એક કાંકરે ઘણાંય પક્ષીને આંટી દેવાનો પરાક્રમી વિચાર આપણા ફિલ્મમૅકર્સને જ આવી શકે.

રાહતની વાત એ છે કે માત્ર ભક્ત મંડળી માટે જ બનતી ફિલ્મોથી થોડી અલગ એવી આ ફૅનમાં શાહરુખે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કશુંક અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે. બંને રોલમાં શાહરુખ કોઈ પાત્રમાં હોય તેવું લાગે છે, ઇવન કિંગ ખાનનું વાદળ સતત મંડરાતું રહેતું હોવા છતાં. દર વખતે ‘શાહરુખ હાય હાય’ બ્રિગેડ એના નામનાં છાજિયાં કૂટવા માટે કોઈ ને કોઈ મુદ્દા શોધી જ લે છે. આ વખતે એવું થયું નથી. બલકે ખુદ શાહરુખે પોતાના વિરોધીઓને સળી કરી લીધી છે. ફિલ્મમાં એક ઠેકાણે ડાયલોગ પણ છે, ‘કમાલ કે દોગલે ફૅન હૈ. એક તરફ ઉસકી ફિલ્મો કો ગાલી દેતે હૈં, ફિર ઉસકે બંગલે કે સામને ફોટો ખિંચવાને આ જાતે હૈ.’

‘યશરાજ’ની ફિલ્મ હોય એટલે સ્વતંત્ર રીતે અફલાતૂન ફિલ્મો આપી ચૂકેલા લોકો પણ અહીં કામે લાગી ગયા હોય. ‘ફૅન’માં હબીબ ફૈઝલ અને શરત કટારિયા જેવા ટેલેન્ટેડ ફિલ્મમૅકર્સે ડાયલોગ્સ લખ્યા છે. ઉપરથી ‘બૅન્ડ બાજા બારાત’ ફૅમ મનીષ શર્માની કાબેલ આંખે કેટલીક ખરેખર સ્વાદિષ્ટ મોમેન્ટ્સ કૅપ્ચર કરી છે. ખાસ કરીને ‘ફૅન’ શાહરુખના બધા જ સીન સરસ બન્યા છે. આર્યન ખન્નાના એક મિડલ ક્લાસ પરિવારના ચાહક તરીકે એની લાઇફ, એના જ નામ પરથી ચાલતો એનો સાઇબર કૅફે ‘એ. કે. સાઇબર ચૅટ’, મોહલ્લાની ‘સુપર સિતારા કોન્ટેસ્ટ’, વિધાઉટ ટિકિટ ટ્રેનમાં મુંબઈ સુધી મુસાફરી કરવાની એની જિદ્દ, આર્યન ખન્નાના બંગલાની બહાર (‘બૉમ્બે ટૉકિઝ’ની ‘મુરબ્બા’ સ્ટોરી યાદ અપાવે તેવો) ચાહકોની ભીડનો સીન વગેરે બધું જ જમાવટ કરે છે.

‘ચેન્નઈ એક્સપ્રેસ’માં શાહરુખે પોતાની ફિલ્મી લાઇફ પર હળવા કટાક્ષો કર્યા હતા. કદાચ આ ફિલ્મમાં એ વધુ કડવો અને રિયલિસ્ટિક બની ગયો છે. એણે એક સુપરસ્ટારના ખાસ્સા ડાર્ક ગ્રે એરિયા બતાવ્યા છે. પૈસા માટે ધનવાનોનાં લગ્નોમાં નાચવું અને એ બદલ અનેક અપમાનો સહન કરવાં, એક સ્ટારનો ઇગો, ફૅન અને સ્ટાર વચ્ચેની ફાઇન લાઇન (મતલબ કે ફૅન આસપાસ ટોળે વળે તો ગમે, પણ પછી ચિપકે તો સ્ટાર અકળાઈ જાય), વાહિયાત સવાલો પૂછતું અને વાતોને તોડીને બ્લોઅપ કરતું મીડિયા, પોતાને હેરાન કરતી વિદેશની પોલીસ વગેરે ઘણી વાતો સ્માર્ટલી હાઇલાઇટ કરી દીધી છે. લંડનના પ્રખ્યાત ‘મૅડમ તુસ્સો’ મ્યુઝિયમમાં પોતાના નિર્જિવ લાગતા સ્ટેચ્યુ પર પણ કમેન્ટ કરી દેવાઈ છે. માથે હૂડી પહેરીને લોકોની નજરથી દૂર ભાગતો સ્ટાર શાહરુખ સતત પોતે કરેલી ટેલિવિઝન ઍડ્સની યાદ અપાવતો રહે છે. પોતાને ધિક્કારતા લોકોને શાહરુખે બીજા પાત્ર પાસે આડકતરી રીતે કહેવડાવ્યું પણ છે કે, ‘મારા ગ્લેમરની અદેખાઈ કરતાં પહેલાં મારી મહેનત પર પણ એક નજર નાખો.’ ઇવન સમગ્ર ફૅન પ્રજાતિને પણ એણે કહ્યું છે કે, ‘કોઈનો પડછાયો ન બનો, તમારી પોતાની આઇડેન્ટિટી બનાવો.’ સત્યવચન.

‘ફૅન’માં શાહરુખના મૅકઅપના ઘણા વખાણ થયા છે. પરંતુ એક તો શાહરુખને યુવાન દેખાડવા માટે કરાયેલા એ ‘પ્રોસ્થેટિક’ મૅકઅપમાં શાહરુખ ‘ચાઇલ્ડ્સ પ્લે’ જેવી હૉરર ફિલ્મના ભૂતિયા ઢીંગલા જેવો ડરામણો લાગે છે. ઉપરથી સગવડ માટે એ ફૅન ગૌરવના મૅકઅપમાં થતી વધઘટ પણ ચોખ્ખી જોઈ શકાય છે. મીન્સ કે જ્યારે લોકોને ઉલ્લુ બનાવવાના હોય, ત્યારે ડુપ્લિકેટ ઑરિજિનલ જેવો લાગવા માંડે, નહીંતર ફરી પાછો પાપી ગુડિયામાં કન્વર્ટ થઈ જાય.

લવર બૉય શાહરુખની ફિલ્મ કોઈ લવ ટ્રેક, શિફોન સાડીઓ લહેરાવતી હિરોઇન કે ગીતો વગર કલ્પી શકાય નહીં. અહીં ઘણી જગ્યાએ સિચ્યુએશન હોવા છતાં એક પણ ગીત લેવામાં આવ્યું નથી. ઇવન મહિનાઓથી ઉપાડો લીધેલો તે ‘જબરા ફૅન’ સોંગ પણ ફિલ્મમાં નથી.

ઇન્ટરવલ પહેલાં ખરેખર મજા કરાવતી આ ફિલ્મ સૅકન્ડ હાફમાં રીતસર ઉંદર-બિલાડીની માઇન્ડલૅસ ગૅમ બની જાય છે. હૉલીવુડ ફિલ્મ ‘ધ ફૅન’માં રૉબર્ટ દ નીરોના મોઢે એક લાઇન બોલાવાયેલી કે, ‘અમારા જેવા લોકો (ફૅન) વિના તમે (સ્ટાર) કશું જ નથી.’ ડિટ્ટો એ જ લાઇન અહીં હિન્દીમાં છે. પરંતુ એક ઝાટકે એ વાત સાબિત થવા માંડે અને સ્ટારની ઇમેજ અરીસાની જેમ એક કાંકરી વાગતાંમાં તૂટી જાય એ વાત હજમ થાય એવી નથી (નહીંતર સલમાનની ફિલ્મોમાં અત્યારે કાગડા ઊડતા હોત). સામે પક્ષે એક સ્ટાર કોઇપણ જાતના સપોર્ટ મિકેનિઝમ વિના માથાફરેલ માણસને મજા ચખાડવા પહોંચી જાય, જીવના (અને પોતાનો લુક બગડવાના) જોખમે જેમ્સ બોન્ડ સ્ટાઇલમાં ચૅઝ કરવા નીકળી પડે એ પણ દિમાગનો ઝાંપો વટાવી શકે તેવું નથી. હા, અફલાતૂન લોકેશન એવા દુબ્રોવ્નિકમાં થયેલી એ ચૅઝ સિક્વન્સ છે તબલાંતોડ. સહેજ મળતો આવતો ચહેરો હોવા માત્રથી સ્ટારની પર્સનલ લાઇફમાં ઘૂસ મારવી એટલી ઇઝી હોત તો ગામેગામ રખડતા ડુપ્લિકેટો ન્યાલ થઈ ગયા હોત.

અહીં ફિલ્મનું પૂરેપૂરું ફોકસ શાહરુખ એન્ડ શાહરુખ પર જ છે એટલે સાઇડ એક્ટરો બિચારાં હાંશિયામાં જ છે. છતાં નવી એન્ટ્રી તરીકે એક્ટર સચિનની ક્યુટ અને કૉન્ફિડન્ટ દીકરી શ્રિયા પિલગાંવકર પર ધ્યાન ગયા વિના રહે નહીં.

તો પિક્ચર દેખને જાયેં, મેરે દોસ્ત?

દર અઠવાડિયે ઉપસ્થિત થતા આ વિરાટ પ્રશ્નનો ટૂંકો જવાબ છે, ‘હા.’ શાહરુખ તમને ગમતો હોય કે નહીં, પણ શાહરુખની ‘ગૌરવ’ તરીકે એની એક્ટિંગ માણવા લાયક છે. ઑવરઑલ એક્ટર-રાઇટર-ડિરેક્ટરની ટીમે બનાવેલી આ વાનગી એકવાર તો પરિવાર સાથે બેશક ચાખવા જેવી છે જ.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

દિલવાલે

પૈસેવાલે, દિમાગવાલે, કારવાલે

***

શાહરુખના સ્ટાર પાવર અને માર્કેટિંગના બોમ્બાર્ડિંગની પાછળ આ ફિલ્મ એક કલરફુલ બૉક્સમાં પૅક થયેલો ખાલી ડબ્બો માત્ર છે.

***

dilwale-poster-srk-varun-kajol-kriti‘શાહરુખ-કાજોલની જોડી ફરી આવી રહી છે, રોહિત શેટ્ટીની ફિલ્મ છે, ‘હમ’ની રિમેક છે’ વગેરે પ્રચારના હથોડા છેલ્લાં કેટલાંય અઠવાડિયાંથી આપણી માથે મરાઈ રહ્યા હતા. જાણે થિયેટરમાં સાક્ષાત દેવદર્શન થવાનાં હોય એમ ટિકિટના ભાવ પણ રોકેટની જેમ આસમાને પહોંચાડી દેવાયેલા. લેકિન આખિર જિસકા ડર થા વોહી હુઆ. જમાના જૂની ચપટીક સ્ટોરીને ફૂવડ કોમેડી અને ઘોંઘાટિયા એક્શન સિક્વન્સ સાથે પૅક કરીને ફરીપાછી પિરસી દેવામાં આવી છે.

ગેંગસ્ટરવાલા લવ

રોહિત શેટ્ટીની ફિલ્મ છે એટલે વાર્તા નેચરલી ગોવાથી જ શરૂ થાય છે. અહીં દાઢીવાળો રાજ (શાહરુખ ખાન) કાર મોડિફિકેશન કંપની કમ ગેરેજ ચલાવે છે. એનો એક છોટે ભૈયા છે વીર (વરુણ ધવન). આ ક્યુટ ભૈયાને એક દિવસ ઇશિતા (ક્રીતિ શેનન) નામની ફટાકડી સાથે ઇન્સ્ટન્ટ્લી લવ થઈ જાય છે. બેયને પરણવું તો છે, પણ એ રિશ્તાની વચ્ચે એના વાંઢા બડેભૈયાનો બંદૂકડીવાળો ભૂતકાળ વચ્ચે આવી જાય છે. આ ભૂતકાળના છેડા વીતેલા જમાનાની ક્યુટ ગુંડી મીરાં (કાજોલ) સાથે ટચ થાય છે. બસ, ફ્લેશબૅકવાળી આ ખીચડીમાં ઘી કેવી રીતે ઢોળાય છે એ જોવામાં જ અઢી કલાક કાઢવાના છે.

નો દિમાગ, ઓન્લી બકવાસ

પહેલી વાત તો એ કે શાહરુખ-કાજોલની જોડીને આજે બે દાયકા પછીયે સમયનો કાટ નથી લાગ્યો. આજે ઉંમર છુપાવવા કાજોલને થોડા વધારે મેકઅપની અને શાહરુખને દાઢીની જરૂર પંડે છે, પણ બંને જ્યારે સ્ક્રીન પર આવે ત્યારે મોંમાંથી એક સીટી તો નીકળી જ જાય. પરંતુ બંનેને સાથે બતાવવા માત્રથી સારી ફિલ્મ બની જતી હોત તો રોહિત શેટ્ટીએ ‘દિલવાલે’નું માત્ર પોસ્ટર જ રિલીઝ કર્યું હોત.

‘દિલવાલે’નો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે તેમાં રાઇટરો અને ડિરેક્ટર પાસે કહેવા માટે કંઇ જ નવું નથી. કદાચ રોહિતે વિચાર્યું હોય કે પડદા પર શાહરુખ બે હાથ પહોળા કરી દે એટલે સો-બસ્સો કરોડ તો આમ ભેગા થઈ જશે. એટલે જ બે ગેંગસ્ટર વચ્ચેની દુશ્મનીની દાયકાઓ જૂની દાસ્તાનને ઊભડક રીતે બતાવી દેવા સિવાય ફિલ્મની મુખ્ય વાર્તામાં કશું જ નથી. ઇવન, ઇન્ટરવલ પછી તો વાર્તામાં કોઇ પણ પ્રકારનો કોન્ફ્લિક્ટ જ રહેતો નથી. બસ, એક પછી એક સીન-ગીત આવ્યા કરે અને ફિલ્મ ખેંચાયે રાખે. જાણે પબ્લિકને ઠીક મારા ભૈની જેમ ગણતા હોય એમ ટિપિકલ કાર સ્ટન્ટથી હીરોની એન્ટ્રી, એક હીરોનો મારફાડ એટિટ્યૂડ જસ્ટિફાય કરવા એક વણજોઇતી ફાઇટ, એકાદું પાર્ટી સોંગ, એકાદ જોડી લવ સોંગ્સ અને આર્ટિફિશ્યલ ફ્લેવર નાખી હોય એવા ઇમોશન્સ. પરંતુ આ બધાથી એક મસાલા પોટબોઇલર ફિલ્મ ન બને. એટલે કાર્ટૂન જેવાં અડધો ડઝન પાત્રો લઇને એમની પાસે કોમેડી સર્કસ ટાઇપના લાંબા લાંબા સીન કરાવવાના. અહીં આ કાર્ટૂન નેટવર્કનાં પાત્રોમાં જ્હોની લીવર, વરુણ શર્મા (ઉર્ફ ચૂચો), મુકેશ તિવારી, સંજય મિશ્રાને લેવામાં આવ્યા છે. સંજય મિશ્રા જેવા ટેલેન્ટેડ એક્ટરનો તો અહીં રોહિત શેટ્ટીએ પોતાની જ જૂની ફિલ્મ ‘ઑલ ધ બેસ્ટ’નો રોલ વિથ ડાયલોગ ડિલિવરી રિપીટ કરાવ્યો છે. સૌથી કરુણ હાલત બોમન ઇરાનીની છે. કાર્ટૂન ગેંગસ્ટર બનેલા બોમનની ફિલ્મમાં કારના સ્પેરવ્હીલ જેવી જ હાલત છે.

અઢી કલાક લાંબી આ ફિલ્મમાં એક્ચ્યુઅલ સ્ટોરી લગભગ પોણો કલાક પછી જ સ્ટાર્ટ થાય છે. તેમાં શાહરુખ-કાજોલની ઓલ્ડવાઇન જેવી લવસ્ટોરી જોવા મળે છે. તેમાં એક સીનમાં શાહરુખ કાજોલને માત્ર પાંચ મિનિટની ડૅટમાં આખી ઇવનિંગની મજા કરાવી દે છે. આ સીન લોકોને હસાવવામાં સફળ થાય છે. પરંતુ જો તમે અંગ્રેજી કોમેડી સિરિયલો જોવાના શોખીન હશો તો ‘હાઉ આઈ મૅટ યૉર મધર’ નામની પ્રખ્યાત સિરિયલનો ‘ટુ મિનિટ ડૅટ’ નામનો પ્રખ્યાત સીન યાદ હશે (ન હોય તો ઇન્ટરનેટ પર છે જ). આ સીન અહીં બેઠ્ઠો લઈ લેવાયો છે. ઓકે, બડી બડી ફિલ્મોં મેં ઐસી છોટી છોટી ઉઠાંતરી હોતી રહતી હૈ. શાહરુખ-કાજોલની જોડી સરસ દેખાતી હોવા છતાં અગાઉ તેમાં જે સાચો પ્રેમ ફીલ થતો હતો તે હવે અહીં અનુભવાતો નથી.

શાહરુખ પાસે છૂટક ઢીકાપાટુ સિવાય, કાજોલ પાસે દુપટ્ટો લહેરાવવા સિવાય અને વરુણ ધવન પાસે કાલુ કાલુ બોલવા સિવાય ખાસ કશું કામ રહ્યું નથી એટલે રોહિતે ટાઇમપાસ કરવાનું કામ અગેઇન કોમેડિયનોને સોંપી દીધું છે. ફિલ્મનો સારો એવો ટાઇમ કોમેડિયનો જ પાસ કરે છે. આમ તો સાજિદ-ફરહાદે લખેલા ‘નીચે સે બ્લેકબેરી ઉપર સે બપ્પી લહેરી’ જેવા ડાયલોગ હોય એટલે સેન્સિબલ કોમેડીના ગ્રાહકો દૂર જ રહે, પરંતુ આ ફૂવડ કોમેડી પણ ઘણે ઠેકાણે હસાવી દે છે એટલું ખરું.

આ ફિલ્મમાં ઘણા લાંબા સમયે કબીર બેદી અને વિનોદ ખન્ના પણ સ્ક્રીન પર દેખાયા છે. પરંતુ એ બંનેના ખરાબ થઈ ગયેલા અવાજ તરત જ આપણા મગજમાં ખટકે છે. એ બંનેની ભૂમિકા પણ દૂધમાં મેળવણથી વધારે નથી.

પ્રચંડ માર્કેટિંગ અને ટિકિટના ભાવો વધારીને એટલું તો ક્લિયર છે કે આ ફિલ્મ પ્યોર પૈસાના પોઇન્ટ ઓફ વ્યૂથી બનાવાઈ છે. એટલે તમે તમારા પૈસા વસૂલ કરવા માટે થિયેટરમાં આટલું કરી શકોઃ શાહરુખની દરેક અદા અને બંને ભાઈના બ્રોમાન્સવાળા ડાયલોગ્સ પર સીટીઓ મારી શકો, શાહરુખ કેટલી વાર હાથ પહોળા કરે છે, કુલ કેટલા ગોગલ્સ પહેરે અને કાજોલ કેટલીવાર દુપટ્ટો લહેરાવે છે એ ગણી શકો, ‘રાષ્ટ્રીય ભાઈ’ એવો વરુણ શર્મા ટોટલ કેટલી વાર ‘ભાઈ’ અને ‘ભૈયા’ બોલે છે એ ગણી શકો, સ્ક્રીન પર કુલ કેટલી વાર વિન્ટેજ ટાઇપની રંગબેરંગી વિચિત્ર મૉડલની ગાડીઓ દેખાય છે એ કાઉન્ટ કરી શકો અને ક્રીતિ સેનનના ડ્રેસની ડિઝાઇન પણ ડિસ્કસ કરી શકો. ટૂંકમાં આ ફિલ્મમાં તમને બિઝી રાખવાનો પૂરો મસાલો છે. કદાચ સવાલ થાય કે અહીં તો બધાં મુખ્ય પાત્રો ખૂનખાર ગેંગસ્ટર છે, તોય આવી પોલીસના અસ્તિત્વ વિનાની પાવિત્ર્ય ઔર ભક્તિરસ સે ભરપુર લાઇફ કઈ રીતે જીવે છે? તો ચૅક કરજો તમારું સાઇલન્ટ મોડ પર મૂકેલું દિમાગ ભૂલથી એક્ટિવેટ થઈ ગયું હશે.

ધારો કે છતાંય તમને આ લાંબી ફિલ્મમાં કંટાળો આવે તો છ ગીતો આપીને એકી-પાણી-નાસ્તાનો પૂરો પ્રબંધ પણ રોહિતભાઈએ કર્યો છે. પણ હા, ખબરદાર. ‘ગેરુઆ’, ‘જનમ જનમ’ અને ‘દાયરે’માં અરિજિત સિંઘે મસ્ત ગળું ખંખેર્યું છે. એ ન ચૂકશો. એમાંય ‘ગેરુઆ’ના પિક્ચરાઇઝેશનમાંથી તો તમે પંચમહાભૂતની મહાન ફિલોસોફી પણ તારવી શકો.

ફૅન્સ ઓન્લી પ્લીઝ

એટલું તો ક્લિયર છે કે જેમણે દિલ પર શાહરુખના નામનું ટેટૂ ચીતરાવ્યું હોય એ લોકો જ સૌથી પહેલી હડી કાઢવાના છે. પરંતુ તમેય આ ફિલ્મના મૅકર્સની જેમ ગણતરીવાલા હો તો પ્લીઝ થાંબા. બૉક્સઑફિસ પરથી દિલવાલે મૅનિયા ઊતરે અને ટિકિટના ભાવો નોર્મલ થાય પછી જાઓ તો વધારે સારું. ન જાઓ અને ઘેર DVD પર નિરાંતે જ જોઈ કાઢો તો સૌથી સારું.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

હેપી ન્યૂ યર

શાહરુખ શાહરુખ હોતા હૈ!

***

ત્રણ કલાકની તોતિંગ લંબાઈ ધરાવતી આ ફિલ્મમાં કશું જ નવું નથી, છતાં રજાઓમાં મજા કરાવે એવી ફિલ્મ તો છે જ.

***

10547243_10152631255869596_9046159849784897034_oચોરીની વાર્તાઓમાં એક ‘હાઇસ્ટ’ (Heist) નામનો કથાપ્રકાર છે, જેમાં એક ગુંડાટોળકી ચોરીનો કાંડ કરવા માટે ભેગી મળે, ચોરીનું પ્લાનિંગ કરે અને પછી ચોરીનું ઓપરેશન પાર પાડે. શાહરુખની ફારાહ ખાને ડિરેક્ટ કરેલી લેટેસ્ટ ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’ આવી જ એક હાઇસ્ટ ફિલ્મ છે. યકીન માનો, આ ફિલ્મમાં સમ ખાવા પૂરતું એક પણ એલિમેન્ટ નવું નથી, તેમ છતાં આ ફિલ્મ પરફેક્ટ દિવાલી એન્ટરટેનર છે.

મ્યુઝિકલ ચોરી

સ્ટાઇલથી ફાટ ફાટ થતો ચંદ્રમોહન શર્મા ઉર્ફ ચાર્લી (શાહરુખ ખાન) એઇટ પેક એબ્સ બનાવીને ચરન ગ્રોવર (જેકી શ્રોફ) નામના માણસની પાછળ પડ્યો છે. શાહરુખનું ટાર્ગેટ છે કે એ ગમે તે ભોગે એ ગ્રોવરની  ગેમ ઓવર કરી નાખવી. ત્યાં એને ખબર પડે છે કે એ ગ્રોવર એક પાર્ટીના ત્રણસો કરોડ રૂપિયાની કિંમતના હીરા દુબઈ ખાતે લાવવાનો છે. જે દિવસે એ હીરા ત્યાં આવશે એ જ દિવસે એક ડાન્સ કોમ્પિટિશન પણ છે. એટલે શાહરુખભાઈ નક્કી કરે છે કે આપણે ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવો અને સાથોસાથ એ હીરા પણ સફાચટ કરી લેવા. હવે આ કામ એકલાથી તો થાય નહીં. એટલે એ જેક (સોનુ સૂદ), ટૅમી (બમન ઇરાની), નંદુ ભીડે (અભિષેક બચ્ચન) અને એક કમ્પ્યુટર હેકર રોહન (વિવાન શાહ)ની મદદ લે છે.

પરંતુ આ પાંચેય જણા નાચે તો સાંઢિયો કૂદતો હોય એવું લાગે. એટલે એમને ડાન્સ શીખવવા માટે એક બાર ડાન્સર મોહિની જોશી (દીપિકા પદુકોણ)ની મદદ લેવાય છે. આ છ જણાની ટીમ ભારતમાંથી સિલેક્ટ થઈને ફાઇનલ રાઉન્ડ માટે દુબઈ પહોંચે છે અને ત્યાં હીરાની ચોરીનું પરાક્રમ અમલમાં મૂકે છે.

એક મિનિટ, પણ આ ચાર્લી પેલા ગ્રોવરની પાછળ શું કામ પડ્યો છે? અને બાકીના લોકો પણ એની સાથે શા માટે જોડાય છે? અને સૌથી મોટો સવાલ, એ લોકો સફળ થશે? વેલ, હવે એ માટે તો તમારે આખી ફિલ્મ જ જોવી પડે, અેમાં અમે કશું જ ન કરી શકીએ!

શાહરુખ શૉ

શાહરુખ ખાન માટે એક સનાતન ફરિયાદ એવી છે કે એ કોઈ પણ ફિલ્મમાં શાહરુખ જ હોય છે. મતલબ કે એ ઇરફાન કે આમિરની જેમ પોતાના પાત્રમાં ડૂબી જવાને બદલે પોતે શાહરુખ-ધ સુપરસ્ટાર તરીકે જ વર્તતો હોય છે. અગાઉ ચેન્નઈ એક્સપ્રેસમાં પણ એવું જ હતું અને અહીં હેપ્પી ન્યૂ યરમાં પણ એવું જ થયું છે. શાહરુખ પોતે પોતાની અગાઉની ફિલ્મોના જ ડાયલોગ્સ બોલે છે અને એનો એ જ જૂનો બે હાથ પહોળા કરવાનો ટ્રેડમાર્ક ડાન્સ કરે છે.  ફારાહ ખાને પણ શાહરુખની સુપરસ્ટાર ઇમેજને વટાવવામાં કોઈ કસર છોડી નથી.

ફેમિલી એન્ટરટેનર

અમુક ઠેકાણે ગાલીપ્રયોગને બાદ કરતાં આ ફિલ્મ તહેવારો માટે શ્યોર શોટ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે. પરંતુ બીજા પોઇન્ટ ઓફ વ્યૂથી પણ આ ફિલ્મને ફેમિલીની વ્યાખ્યામાં મૂકવી પડે એવું છે. એક તો આ ફિલ્મનું પ્રોડક્શન શાહરુખની કંપની રેડ ચિલીઝે અને શાહરુખની પત્ની ગૌરીએ સંભાળ્યું છે. ફારાહ ખાન સાથે શાહરુખ આણિ મંડળીને ફેમિલી જેવા સંબંધો છે. ફિલ્મમાં પણ સાજિદ ખાન પોતે દેખા દે છે. અરે, માત્ર સાજિદ જ નહીં, શાહરુખનો સૌથી નાનો ટેણિયો દીકરો અબરામ અને ફારાહ ખાનનાં ટ્રિપલેટ્સ સંતાનો પણ પડદા પર આંટાં મારી જાય છે. આ ઉપરાંત હેપ્પી ન્યૂ યરના જથ્થાબંધ મહેમાન કલાકારોમાં ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ, સંગીતકાર વિશાલ દદલાણી, મલાઇકા અરોરા, પ્રભુ દેવા, અનુપમ ખેર, ડીનો મોરિયા, કોરિયોગ્રાફર ગીતા કપૂર, ડેઇઝી ઇરાની, એન્કર્સ વિશાલ મલ્હોત્રા અને લોલા કુટ્ટી… ઉફ્ફ ગણતાં થાકો એટલાં મહેમાન કલાકારો છે ફિલ્મમાં. હવે એમાં એવું છે કે ફારાહ ખાન આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પોતાનું ફેમિલ જ ગણે છે. એટલે એ બંને ભાઈ-બહેન પોતાની ફિલ્મોમાં ગમે તેની મજાક ઉડાવતાં ફરે છે. આ વખતે એમણે પીઢ કોરિયોગ્રાફર સરોજ ખાનની મજાક ઉડાવીને લોકોનું લાફ્ટર ઉસેટવાનો પ્રયત્ન કર્યો છે. હા, આ ફિલ્મમાં અન્ય ફિલ્મોના એટલા બધા સંદર્ભો છે કે તમે શોધી શકો તો એ મજા તમારી.

હેપ્પી બાતેં

શરૂઆતથી છેક છેલ્લે સુધી આ ફિલ્મ હળવો ટોન જાળવી રાખે છે. દરેક પાત્રની આગવી લાક્ષણિકતાઓ ફારાહે બખૂબી ઉપસાવી છે. જેમ કે, સોનુ સૂદ એક કાને બહેરો છે અને માનું નામ સાંભળીને ઇમોશનલ થઈ જાય છે. મોહિની એટલે કે દીપિકા પદુકોણ કોઇને ઇંગ્લિશ બોલતાં સાંભળીને એના પર ઓવારી જાય છે. બમન તાળાં ખોલવામાં માસ્ટર છે, પણ એની મમ્મીથી ડરે છે અને એની થેલીમાંથી એ કંઈ પણ વસ્તુ કાઢી શકે છે. ઇન ફેક્ટ, આ ફિલ્મનું સૌથી ધારદાર પરફોર્મન્સ બમન ઈરાનીનું જ છે. લોકોને એન્ટરટેઇન કરવા માટે એને એઇટ પેક એબ્સ બનાવવાની કે કપડાં ઉતારવાની પણ જરૂર પડી નથી. એ માત્ર પોતાની એક્ટિંગથી જ આ કામ કરી બતાવે છે.

અમુક અમુક કોમેડી સીન્સ ખરેખર સારા બન્યા છે. જેમ કે, એક સીનમાં દીપિકા શાહરુખની ચક દે ઇન્ડિયાવાળી સ્પીચ આપે છે, બીજા એક સીનમાં છએ છ પાત્રો એક જ લિફ્ટમાં ભરાઇને કશું બોલ્યાં વગર માત્ર વિચારીને જ એકબીજાં સાથે જીભાજોડી કરે છે, ‘નોનસેન્સ કી નાઇટ’ ગીતનું અનોખું પિક્ચરાઇઝેશન વગેરે. અરે એકે સીનમાં તો મોદીસાહેબ (અલબત્ત ડુપ્લિકેટ તરીકે) પણ દેખાય છે! સારી સિનેમેટોગ્રાફી અને દુબઈદર્શનને કારણે હવે દુબઈ જનારા ભારતીયોમાં ઓર વધારો થવાનો.

સૅડ બાતેં

અત્યારના ફાસ્ટ જમાનામાં ત્રણ કલાકની તોતિંગ લંબાઈ અસહ્ય પુરવાર થઈ પડે છે. અમુક બિનજરૂરી ફાઇટિંગ, ગીતો વગેરે કાપી નખાયાં હોત તો ફિલ્મ હજી ચુસ્ત બની શકી હોત. પહેલા પોણા કલાક સુધી તો બધાં પાત્રોનો પરિચયવિધિ જ ચાલ્યા કરે છે. અરે, ખુદ દીપિકા પદુકોણની એન્ટ્રી પણ ખાસ્સા એક કલાક પછી થાય છે. એ પછી છેક મૂળ વાર્તાનાં મંડાણ થાય છે. વળી, આગળ કહ્યું એમ આ ફિલ્મમાં કશું જ નવું નથી. ઉપરથી આખી સ્ટોરી એટલી પ્રીડિક્ટેબલ છે કે આપણે અનુમાન લગાવતાં જઇએ અને તેવું જ બનતું જાય. વળી, આપણને થાય કે શાહરુખ એટલો બધો સેલ્ફ ઓબ્સેસ્ડ હશે કે દરેક ફિલ્મમાં એને પોતાની  જાતને જ રિપીટ કરવી પડે? અને જો ફિલ્મમાં લોજિક શોધવા ગયા તો દિમાગને ભડાકે દેવાનું મન થઈ આવે. જાણે ફ્રિજમાંથી આઇસક્રીમનો કપ કાઢવાનો હોય એ રીતે નાચતાં નાચતાં હીરા ચોરી લાવવાનું આખું ઓપરેશન તદ્દન ચાઇલ્ડિશ લાગે છે. વચ્ચે વચ્ચે આપણને એવું પણ થાય કે આ ફિલ્મ તો ‘ધૂમ થ્રી’ જોતા હોઇએ એવી કેમ લાગે છે? અને હા, અનુરાગ કશ્યપ અને વિશાલ દદલાણીએ સસ્તા ગે જોક્સ કરવાનું કેમ સ્વીકાર્યું હશે?

મનવા લાગે અને ઇન્ડિયાવાલે ગીતો કંઇક સહ્ય છે, બાકીનાં ગીતો તો ફિલ્મને લાંબી કરવા સિવાય કશા ખપનાં નથી.

શાહરુખ કે નામ પર

આમ તો શાહરુખ ખાનના ભક્તો તો કોઇપણ ભોગે આ ફિલ્મ જોવા ધસી જ જવાના છે. પરંતુ જેમને પૈસા ખર્ચવા કે નહીં તેની અવઢવ હોય એમને એટલું તો કહી શકાય કે ભયંકર લાંબી હોવા છતાં આ ફિલ્મ સાવ ‘હથોડો’ની કેટેગરીમાં મૂકી શકાય એવી નથી. બલકે બચ્ચાંલોગને તો મજા પડે એવી છે. જો પેલી ગંદી ગાળો ન નાખી હોત તો બાળકોને લઈ જવામાં જરાય કચવાટ ન થાત. અને હા, ફિલ્મ પૂરી થયા પછી છેલ્લા ગીત માટે બેસી રહેજો. ફારાહ ખાને એની સ્ટાઇલ પ્રમાણેના અનોખાં એન્ડ ક્રેડિટ્સ અહીં પણ મૂક્યાં છે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.