પૅડમેન

સુપરહીરો હૈ યે પગલા!

***

રેટિંગઃ સાડા ત્રણ સ્ટાર (***1/2)

5a1e12a16bd08-image

 • ‘પૅડમેન’ની વાત શરૂ કરતાં પહેલાં થોડા આંકડાઃ ભારતની 88% મેન્સ્ટ્રુએટિંગ સ્ત્રીઓ સેનિટરી પૅડ્સનો ઉપયોગ નથી કરતી. 70% સ્ત્રીઓને તે પોસાતાં જ નથી. એટલે જ એમનામાં ‘રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન’નો દર 70% જેટલો ઊંચો છે. બોરિંગ ફિગર્સ છે, પણ અલાર્મિંગ છે. ત્યારે એક ફિલ્મ બનાવવા માટે આ પર્ફેક્ટ સબ્જેક્ટ છે.
 • વિરોધાભાસોથી ભરેલા આપણા દેશનો ગજબ વિરોધાભાસ એ પણ છે કે અહીં ખૂન, બળાત્કાર, કૌભાંડોની વાત સાંભળીને કોઇને આઘાત નથી લાગતો, પણ મેન્સ્ટ્રુએશન, સેનિટરી પૅડ્સ, કોન્ડોમ આજે પણ કમ્પ્લિટલી ટૅબૂ સબ્જેક્ટ્સ છે.
 • ટેલિવિઝન એડ્સમાં જેને ‘ઉન દિનોં મેં’ અને ‘મુશ્કિલ દિનોં મેં’ કહે છે, એની વાત આજે પણ આપણે ત્યાં મોટાભાગનાં ઘરોમાં ખૂલીને થતી નથી. ચાર દિવસ ઘરની સ્ત્રીઓ ‘અડેલી બેસે’, ‘માસિક ધર્મ’ આવે અને એ જાણે કોઈ ઇબોલાની દર્દી હોય એમ એમને એક ખૂણામાં ધકેલી દેવામાં આવે. બધી વાતમાં બને છે એમ, સાપ જાય ને લિસોટાની બબાલો રહી જાય. હેવી બ્લડલોસને કારણે આવેલી વીકનેસમાં એમને આરામ મળે એ હેતુથી એમને ચારેક દિવસ કામકાજમાંથી મુક્તિ આપવા માટે આ રિવાજ બન્યો હોઈ શકે, પણ આપણે એને તિરસ્કારમાં બદલી નાખ્યો.
 • અર્બન સેન્ટરોમાં સેનિટરી પૅડ્સ ખરીદવા એ કદાચ નોર્મલ થઈ ગયું હશે, પણ નાનાં શહેરોમાં આજે પણ એ ડ્રગ્સ ખરીદવા જેવી જ ખૂફિયા વસ્તુ ગણાય છે.
 • આર. બાલ્કી અને ગૌરી શિંદે દંપતીની બધી જ ફિલ્મોમાં સ્ટ્રોંગ ફેમિનિસ્ટ અન્ડરટોન અને મજબૂત ફિમેલ કેરેક્ટર્સ અચૂક હોય છે. પછી એ ‘ચીની કમ’ની તબૂ હોય, ‘પા’ની વિદ્યા બાલન અને એની મમ્મી હોય, ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ની શ્રીદેવી હોય, ‘શમિતાભ’ની અક્ષરા હાસન હોય કે પછી ‘ડિયર ઝિંદગી’ની આલિયા હોય. અહીં તો આખી ફિલ્મ જ સ્ત્રીઓના સબ્જેક્ટ પર છે.
 • હવે સૌને ખબર છે કે ‘પૅડ મેન’ કોઇમ્બતુરના અરુણાચલમ મુરુગનંતમની રિયલ લાઇફસ્ટોરી પરથી બની
  maxresdefault
  રિયલ ‘પૅડ મેન’ અરુણાચલમ મુરુગનંતમ

  છે. સ્કૂલ ડ્રોપઆઉટ અને ઇંગ્લિશ ન જાણતા એ માણસે સસ્તાં સેનિટરી પૅડ્સ બનાવવાનું મશીન શોધીને એક ક્રાંતિ લાવી. પણ આપણા સુધી એ ક્રાંતિનાં ન્યુઝ પહોંચાડવા માટે અક્ષય કુમાર જેવા સ્ટારને લઇને ફિલ્મ બનાવવી પડે છે. એનું પ્રચંડ કામ, ઇન્ટરનેશનલ મીડિયામાં લેવાયેલી નોંધ, બિલ ગેટ્સ સાથે એની સ્પીચ કે ઇવન ભારત સરકારે એનાયત કરેલો પદ્મશ્રી પણ એક ફિલ્મની તોલે આવતો નથી.

 • બાય ધ વે, ટ્વિન્કલ ખન્ના આ ફિલ્મની પ્રોડ્યુસર પણ છે અને એણે પોતાની બીજી બુક ‘ધ લેજન્ડ ઑફ લક્ષ્મી પ્રસાદ’માં અરુણાચલમની રિયલ સ્ટોરી પરથી એક ટૂંકી વાર્તા પણ લખી હતી. બટ, ટ્વિન્કલે હમણાં જ એક પ્રોગ્રામમાં કહ્યું હતું એમ, ‘વી આર અ કન્ટ્રી ઑફ વૉચર્સ, નોટ રિડર્સ!’ એટલે જ આ ફિલ્મ બને એ ખાસ જરૂરી હતું.
 • ફિલ્મ સીધી જ ‘આજ સે તેરી સારી ગલિયાં મેરી હો ગઈ’ સોંગથી સ્ટાર્ટ થાય છે, જેમાં લક્ષ્મીકાંત ચૌહાન ગાયત્રી ચૌબે સાથે ફેરા ફરી રહેલો દેખાય છે. આ સોંગ યુટ્યુબમાં જોશો તો ખબર પડી જ જશે કે એમાં લક્ષ્મીકાંત એટલે કે અક્ષય કેવો માણસ છે. પત્નીની એકદમ કૅર કરે છે. એને ડુંગળી સમારતાં આંખમાંથી આંસું ન નીકળે એટલે ડ્રમ વગાડતા રમકડાના હાથમાં ચપ્પુ પકડાવીને ચોપિંગ મશીન બનાવી દે છે. સાઇકલમાં બેસતાં ગોઠણ ન વાગે એટલે એને પાછળ સરસ ટેકાવાળી સીટ બનાવી આપે છે. યાને કે, એક, ભાઈ એકદમ કૅરિંગ હસબંડ છે, એનાં દુઃખ-દર્દ એ વગર કહ્યે સમજી જાય છે. બીજું, ભાઈ એકદમ ઇનોવેટિવ દિમાગના છે. બાય ધ વે, અક્ષય આ ફિલ્મમાં એક ફેબ્રિકેશનની દુકાનમાં કામ કરે છે. એટલે એની આ ખુરાફાતો જસ્ટિફાય પણ થાય છે.
 • અને એક પણ શબ્દ બોલ્યા વિના એસ્ટાબ્લિશ થઈ જાય છે કે આવો ઇનોવેટિવ દિમાગ ધરાવતો માણસ લો કોસ્ટ સેનિટરી પૅડ મેકિંગ મશીન બનાવી શકે જ. સિનેમાનો મારો ફેવરિટ રુલ ‘શો, ડોન્ટ ટેલ’નો મસ્ત ઉપયોગ.
 • ફિલ્મમાં બે વખત બીજી બે સિચ્યુએશન પણ બોલ્યા વિના ઘણું કહી જાય છે. એક મંદિરમાં હનુમાનજીની મિકેનિકલ ટ્રિકવાળી મૂર્તિના મોંમાં નાળિયેર મૂકીને પ્રસાદી આપવાના 51 રૂપિયા પડાવાય છે. લક્ષ્મીકાંત એ જોઇને જ તેનું મિકેનિઝમ સમજી જાય છે. બીજી વખત શ્રીકૃષ્ણના હાથે પ્રસાદ લેવા માટે આવું જ ગિમિક કરવામાં આવે છે. આ બંને વખતે ભક્તોની લાંબી લાઇનો લાગેલી દેખાય છે. કમેન્ટ એવી કે આપણે ત્યાં સેનિટરી પૅડ જેવી વસ્તુઓ પર કોઈ ધ્યાન નહીં દે, પણ ધર્મની વાત આવશે ત્યારે લોકો વગર વિચાર્યે પૈસા ખર્ચવા તૈયાર થઈ જશે. ઇવન સ્ત્રીઓ પણ.
 • ‘પૅડમેન’ ઓલમોસ્ટ કમ્પ્લિટલી ‘ટોઇલેટ એક પ્રેમકથા’ના ટેમ્પલેટ પર જ આગળ વધે છે. પહેલાં જાત સાથેનો સંઘર્ષ, પછી જીવનસાથી સાથેનો સંઘર્ષ, પછી પરિવાર સાથે સંઘર્ષ અને પછી સમાજ સાથેનો સંઘર્ષ. અને આ સંઘર્ષ પણ મોસ્ટ્લી વિચારોનો સંઘર્ષ છે. અલબત્ત, અહીં એને જાત સાથેનો સંઘર્ષ નથી.
 • અને થેન્ક ફુલ્લી આ ફિલ્મ ટોઇલેટ જેટલી લાઉડ પણ નથી. અક્ષયની ક્લાઇમેક્સમાં એક લાંબી સ્પીચને બાદ કરતાં ફિલ્મમાં ખાસ ભાષણબાજી પણ નથી.
 • અક્ષય એના ઘરમાં એકમાત્ર પુરુષ છે. મમ્મી છે, ત્રણ બહેનો છે, પણ એને મેન્સ્ટ્રુએશન સાઇકલ વિશે છેક લગ્ન પછી ખબર પડે છે. આપણે ત્યાં પુરુષોની હાલત આનાથી ખાસ અલગ નથી. ખુદ અરુણાચલમ જ કહે છે કે આપણે જેની સાથે આખી જિંદગી વીતાવીએ છીએ એના શરીરમાં શું થાય છે તે આપણને ખબર હોતી નથી.
 • બીજી એક આઇરની પણ ફિલ્મમાં મસ્ત રીતે એસ્ટાબ્લિશ થઈ છેઃ ફિલ્મનું શૂટિંગ નર્મદા કાંઠે આવેલા મધ્ય પ્રદેશના બ્યુટિફુલ મહેશ્વરમાં થયું છે. નર્મદા માતા ગણાય છે. ફિલ્મમાં અક્ષયના પાત્રનું નામ લક્ષ્મી છે, પત્નીનું નામ ગાયત્રી છે, રેણુકા દેવી મેડિકલ કોલેજ છે, સ્કૂલનું નામ અહલ્યા છે (જે ત્યાંનાં અહલ્યાદેવી હોલકર પરથી રખાયું હશે), દુકાનનું નામ ‘ચંદ્રિકા બેગ્સ હાઉસ’ છે… અરે, દીકરી પ્યુબર્ટીમાં પ્રવેશે એનું સેલિબ્રેશન પણ થાય છે… ચારેકોર સ્ત્રીઓનું સામ્રાજ્ય છે, પણ સ્ત્રીઓની આટલી મોટી સમસ્યા ક્યાંય કોઇને દેખાતી નથી.
 • પૅડમેનમાં શુદ્ધ હિન્દી શબ્દોની ભરમાર છેઃ વિજ્ઞાપન, ક્ષણ, ગ્રાહક, મુક્તિ, ચરિત્રહીન, આવિષ્કારો કી પ્રતિયોગિતા, મૌલિક આવિષ્કાર, અભિશાપ, વાતાવરણ, સાત્ત્વિક ભોજન, મંચ, સંબોધિત… છેલ્લે કઈ ફિલ્મમાં આ શબ્દો સાંભળ્યા હતા?
 • ૨૦૦૧ની સ્ટોરી છે એ બતાવવા ‘રાની મુખર્જી અને દેવિકા રાની’નો ડાયલોગ છે, ગૂગલનું જૂનું હોમપેજ અને ગોકળગાય જેવી ઇન્ટરનેટ સ્પીડની પણ વાત છે.
 • 2 કલાક 20 મિનિટની ફિલ્મ લગભગ ક્યાંય બોર કર્યા વિના અને એક પછી એક ઓબ્સ્ટેકલ સરસ રીતે વીંધતી આગળ વધે છે.
 • અરુણાચલમ મુરુગનંતમની સ્પીચ સાંભળશો એટલે સમજાશે કે આ ફિલ્મમાં બતાવાયેલા મોટાભાગના પ્રસંગો રિયલ છે. અને એટલે જ આવું ખરેખર કોઈ માણસે કર્યું હશે એ જાણીને ખરેખર આશ્ચર્ય થાય.
 • આવો રોલ કરવા માટે અને પૂરી ઓનેસ્ટીથી નિભાવવા માટે અક્ષય કુમારને ફુલ માર્ક્સ આપવા પડે. ટોઇલેટ વખતે મેં ટકોર કરેલી કે હજી આપણી ફિલ્મોમાં કે સ્ટાર્સમાં એટલી હિંમત નથી આવી કે હીરોને જાહેરમાં હાજતે બેસતો બતાવે (હા, હિરોઇનને બતાવી શકાય). પણ પૅડમેનમાં અક્ષયને ફિમેલ અન્ડરવેર પહેરતો બતાવ્યો છે. સો, બિગ એપલોઝ!
 • રાધિકા આપ્ટેના ભાગે ‘શરમ સે મરને’ કે અલાવા ખાસ કશું આવ્યું નથી, અને એમાં એણે પર્ફેક્ટ્લી પર્ફોર્મ કર્યું છે. રાધિકા આપ્ટે વિશે એક હળવું ઓબ્ઝર્વશન મેં કર્યું છેઃ એ પોતાના પતિઓ માટે પર્ફેક્ટ પ્રેરણામૂર્તિ છે. જુઓ, ‘શોર ઇન ધ સિટી’માં એને કારણે તુષાર કપૂર ઇંગ્લિશ વાંચતા શીખી જાય છે, ‘માંઝી’માં નવાઝુદ્દીન આખો પહાડ તોડી પાડે છે અને ‘પૅડમેન’માં અક્ષય લો કોસ્ટ સેનિટરી પૅડ્સ તૈયાર કરે છે!
 • ફિલ્મનો સૌથી મોટો માઇનસ પોઇન્ટ હોય તો એ છે સોનમ કપૂરનું કેરેક્ટર. સોનમ પ્રીમિયર ઇન્સ્ટિટ્યુટમાંથી MBA કરેલી યુવતી છે, જે તબલાં પ્લેયર પણ છે. પણ એને તબલાં વગાડતી જોઇને માથા પર નગારું મારવાનું મન થાય! ફિલ્મમાં સોનમનું કામ માત્ર અટકેલા અક્ષય માટે એક ચમત્કારિક પરી તરીકેનું જ છે. આપણે ઝાઝું વિચારવું ન પડે એટલે એનું નામ પણ ‘પરી વાલિયા’ જ રખાયું છે. પરંતુ એ બંનેનો પરાણે ઠૂંસેલો રોમેન્ટિક ટ્રેક જરાય કન્વિન્સિંગ નથી. લડકા ઔર લડકી દોસ્ત હો સકતે હૈ, મિસ્ટર બાલ્કી! પણ હા, ઝાઝી સેન્ટી-ઇમોશનલ થયા વિના એક ઇન્ડિપેન્ડન્ટ સ્ત્રી ફોકસ્ડ રહી શકે છે એવું બતાવવાનો બાલ્કીનો ટ્રેક રેકોર્ડ જળવાઈ ગયો છે.
 • ફિલ્મમાં ક્યાંક ક્યાંક અનઇન્ટેન્શનલી અને બોર્ડરલાઇન સેક્સિસ્ટ થઈ ગયેલા ડાયલોગ્સની સાથોસાથ ‘એક ઔરત કી મદદ કરને મેં નાકામિયાબ ઇન્સાન અપને આપ કો મર્દ કૈસે કહ સકતા હૈ’ જેવા આપણે ત્યાં ચિયરવર્ધી ડાયલોગ્સ પણ છે.
 • ‘પૅડ મેન’માં ધમાકેદાર સોંગ્સ વગર પણ ઇફેક્ટિવ સ્ટોરી બની જ શકી હોત. અહીં અમિત ત્રિવેદીએ કમ્પોઝ કરેલાં ‘આજ સે તેરી’ અને ‘સુપરહીરો’ (ટાઇટલ ટ્રેક) બંને સરસ બન્યાં છે.
 • આ ફિલ્મને ઘણા લોકોએ અઢી કલાકની પબ્લિક સર્વિસ એડ કહીને ઉતારી પણ પાડી છે. હા, સ્ક્રીનપ્લેમાં સાંધા દેખાઈ આવે છે. જેમ કે, માત્ર એક એક લાઇન બોલાવવા માટે આખા આખા સીન નાખવામાં આવ્યા છે વગેરે. પણ આવો મસ્ત મેસેજ આટલી સિમ્પલ રીતે આપવા માટે આવી સિમ્પ્લિસ્ટિક ફિલ્મ જ જોઇએ, તો જ આપણા જેવા દેશમાં આ મેસેજ વધુ ને વધુ લોકો સુધી પહોંચે.
 • સેનિટરી પૅડ્સ પર GST ન હટાવનારી સરકાર સેનિટરી પૅડ પરની ફિલ્મને ટેક્સ ફ્રી ન કરે તે સમજી શકાય તેમ છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ ફિલ્મને નબળું ઓપનિંગ મળ્યું છે. ઘણા લોકોએ મને પૂછ્યું કે આ ફિલ્મ ફેમિલી સાથે જોવાય એવી છે ખરી? અરે, ફરજિયાતપણે ફેમિલી સાથે જ જોવી જોઇએ એવી ફિલ્મ છે. આ સવાલ જ કહી આપે છે કે આવી ફિલ્મોની આપણે ત્યાં સખત જરૂર છે. ‘પૅડમેન’એ લો કોસ્ટ સેનિટરી પૅડ્સ બનાવનારા અરુણાચલમની સ્ટોરી દેશની સામે મૂકી છે, પણ પિરિયડ્સને લઇને જે છોછ છે એની વાત ક્યાંય નથી. આ ફિલ્મથી એટલિસ્ટ એ છોછ દૂર થાય અને આ મુદ્દો મોકળાશથી ચર્ચાતો થાય તોય ઘણું. અરુણાચલમે એક સ્પીચમાં કહ્યું છે, ‘ભારત સ્ત્રીઓને માર્સ પર મોકલશે, અરે, પહેલાં એમને સેનિટરી પૅડ્સ તો આપો પછી ચંદ્ર કે મંગળ પર મોકલજો… સુપરપાવરનાં સપનાં જોવા તો પછીની વાત છે!’

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

પ્રેમ રતન ધન પાયો

ટ્રેડિશન વાપસ આ ગયો

***

ક્યુટથી લઇને ક્લિશે, બોરિંગથી બ્યુટિફુલ, લાંબીથી લઇને લવલી જેવા વિરોધાભાસી પ્રતિભાવો વચ્ચે સલમાન પ્લસ સૂરજ બડજાત્યાની આ ફિલ્મ ટિપિકલ નાઇન્ટીઝના દાયકાની ટાઇમટ્રાવેલ કરાવે છે.

***

salman-sonam-braid‘અલ્યા એ, ઊઠ. ફિલ્મ પૂરી.’

‘હેં? હાશ. ફાઇનલી પતી. આટલી લાંબી ત્રણ કલાકની ફિલ્મ તે કંઈ હોતી હશે? આ હું સવારે દાઢી કરીને આવેલો ને પાછી વધી ગઈ.’

‘પત્યું. પાછો તારી અંદરનો ક્રિટિક જાગી ગયો. એલા, સલમાનભાઈ ‘કિક’માં જ કહી ચૂક્યા છે તેમ એ અને એમની ફિલ્મો દિલમાં આવે છે, સમજમાં નહીં. તો શું કામ તારું દિમાગ વાપરે છે અને દુઃખી થાય છે? આ જે લોકો સો-બસ્સો કરોડનો બિઝનેસ કરાવે છે એમને તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. તને જ બધાં ગૂમડાં થયાં કરે છે.’

‘આપણે બેસતા વર્ષની સવારે બસ્સો રૂપિયા ખર્ચીને ગયા હોઇએ તો કકળાટ કરવાનો અધિકાર ખરો કે નહીં? તું મને એમ કહે કે આ કયા જમાનાની સ્ટોરી છે? રાજા-રજવાડાં ગયાં, પણ આ લોકો હજી રાજ્યાભિષેક ને પ્રજા ને એવું બધું રમે છે. એકબાજુ આઇફોન-6 વાપરે ને બીજી બાજુ રાજગાદી માટે ભાઇઓ (સલમાન-નીલ નીતિન મુકેશ) કપાઈ મરે. ઘવાયેલા યુવરાજ  વિજય સિંહ (સલમાન)ની જગ્યાએ રમતાં રમતાં બીજો ડિટ્ટો ડુપ્લિકેટ પ્રેમ દિલવાલે (બીજો સલમાન) મળી જાય અને મૂળ યુવરાજની જગ્યાએ ગોઠવાઈ જાય. ‘કટપ્પા’ જેવો વફાદાર દીવાન (અનુપમ ખેર) આખી બાજી સંભાળી લે. યુવરાજની મંગેતર મૈથિલી (સોનમ કપૂર)ને નિરાંતે પટાવ્યા પછી અચાનક એને બ્રહ્મજ્ઞાન થાય કે અલ્ટિમેટલી આ તો રાજકુંવરી છે, આપણે તો એમને દૂરથી જ ‘ખમ્મા ઘણી’ કહેવાનું હોય. સતત છણકા કર્યે રાખતી બે સાવકી બહેનો (સ્વરા ભાસ્કર અને આશિકા ભાટિયા) સાથે પેલો યુવરાજ આટલાં વર્ષોમાં જે બુચ્ચા ન કરી શક્યો એ આ પ્રેમે ફેવિક્વિકની સ્ટાઇલમાં ચુટકી મેં કરી આપ્યું? શું ફેંકમફેંક છે, યાર?’

‘જો, એક વાત તો સાચી કે ફિલ્મનું રાઇટિંગ તદ્દન જૂનવાણી, ઉપરછલ્લું અને બાળફિલ્મ જેવું છે. હીરો, વિલન, સેવક, મિત્ર, સગાં વગેરે બધાં જ ટિપિકલ કૅરિકેચરિશ છે. એક્ચ્યુઅલી, તો આ ફિલ્મની ગંગોત્રી ૧૨૦ વર્ષ પહેલાં લખાયેલી બ્રિટિશ રાઇટર એન્થની હૉપની નવલકથા ‘પ્રિઝનર ઑફ ઝેન્ડા’માંથી નીકળે છે.’

‘સહી પકડે હૈ, લડ્ડુ કે ભૈયા. ખાલી વાર્તા જ નહીં, આમાં તો નડિયાદી ભૂસાની જેમ અહીં તહીંથી જ બધું ભેગું કર્યું છે. જો વાર્તાનું તો તેં કહ્યું. તે ઉપરાંત ‘હમ દિલ દે ચૂકે સનમ’ના અક્ષરોની સ્ટાઇલ, સલમાનની ઐશ્વર્યાને પ્રેમ કરવાની સ્ટાઇલ, ‘ખૂબસૂરત’ની સોનમનું મહારાણી ગાયત્રી દેવી વર્ઝન, ‘બાહુબલી’નો ટકલુ ‘કટપ્પા’ માઇનસ તલવાર, ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’નો હીરોનો દોસ્તાર દીપક ડોબ્રિયાલ અને અબોવ ઑલ ‘બજરંગી ભાઇજાન’નો નેકદિલ સલમાન. ફરક માત્ર એટલો છે કે અહીં એ હનુમાનભક્ત નહીં બલકે હનુમાન જેમના ભક્ત છે એ શ્રીરામનો ભક્ત બન્યો છે. ઇવન ક્લાઇમૅક્સમાં અરીસાવાળો સીન તો ડિટ્ટો બ્રુસ લીના ‘એન્ટર ધ ડ્રેગન’ની યાદ અપાવે છે.’

‘ભાવનાઓં કો સમઝો, બાંગડુ. આ ફિલ્મ પાછળ સૂરજ બડજાત્યાનો ઇરાદો સાફ દેખાઈ આવે છે. શરૂઆતમાં જ સલમાનના મોઢે ડાયલોગ મુકાયો છે કે, ‘તમને પરંપરાઓ, રીતિ-રિવાજ, સંસ્કાર મજાક લાગે છે?’ સૂરજ બડજાત્યા યંગસ્ટર્સને આપણા કલ્ચરનો આયનો ધરવા માગતા હોય એવું લાગે છે. એક પેટર્ન જો. ‘મૈંને પ્યાર કિયા’માં ફ્રેન્ડશિપ, ‘હમ આપકે હૈ કૌન’ અને ‘હમ સાથસાથ હૈ’માં પરિવાર તથા માતા-પિતા, ‘મૈં પ્રેમ કી દીવાની હૂં’માં બાપ-દીકરી, ‘વિવાહ’માં પતિ-પત્ની અને હવે ‘પ્રેમ રતન…’માં એણે ભાઈ-બહેનો વચ્ચેનાં રિલેશનની વાત કરી છે. એટલે એમની ટ્રીટમેન્ટ ભલે ગમે તેટલી જૂનવાણી લાગતી હોય, પરંતુ એમનો અજૅન્ડા એકદમ ક્લિયર છે. ફિલ્મમાં ભલે આલોક નાથ ન હોય, પણ છે એકદમ સંસ્કારી ફિલ્મ. ટ્રીટમેન્ટ ભલે જૂનવાણી લાગે, પણ આપણી સંસ્કૃતિ, વેલ્યૂઝ ક્યારેય આઉટડેટેડ થતી નથી.’

‘હા રે હા, આમાં તો બધું એટલું બધું ગળચટું છે કે, એન્ટિ સ્મોકિંગની જેમ એન્ટિ ડાયાબિટીઝની ચેતવણી મુકાવી જોઇએ કે ભઈ આ ફિલ્મ જોવાથી તમારું સુગરલેવલ વધી શકે છે. જોકે તારી વાતને ઓર ફાઇન ટ્યૂન કરીને જોઇએ તો લાગે છે કે સ્થૂળ રીતે ફિલ્મમાં ભલે સલમાનનો ડબલરોલ રહ્યો, પરંતુ પ્રેમ એ પ્રિન્સ સલમાનનો ‘ઑલ્ટર ઇગો’ છે. પ્રિન્સના સ્વભાવની તમામ મર્યાદાઓ પ્રેમ પૂરી કરે છે.’

‘વાહ, આજ તો તારી અંદરનો ક્રિટિક પૂરેપૂરો ચગ્યો છેને કંઈ.’

‘પણ યાર, આ ફિલ્મમાં બધા એટલી બધી વાર ‘દિલવાલે દિલવાલે’ બોલે છે કે શાહરુખની ‘દિલવાલે’નું પ્રમોશન કરતા હોય એવું લાગે છે. પ્રમોશન પરથી યાદ આવ્યું, રાજશ્રી જેવા મોટા બૅનરને પણ ‘હલ્દીરામ’ અને ‘ક્રોમા’ની જાહેરખબરો લેવા માટે ફિલ્મમાં સ્પેશ્યલ સીન નાખવા પડે?’

‘હવે બાકીની ભડાસ પણ કાઢી જ નાખ, નહીંતર તને સપરમા દહાડે એસિડિટી થશે.’

‘જો એક તો આ ફિલ્મ છે કે મ્યુઝિકલ ડ્રામા? આટલાં બધાં ગીતો હોતાં હશે? નો ડાઉટ, ટાઇટલ સોંગ અને શાને ગાયેલું ‘આજ ઉનસે મિલના હૈ’થી નાઇન્ટીઝના જમાનાની મેલોડિયસ ટ્યૂન સાંભળવા મળી છે. એક બાજુ હિમેશના અવાજ અને મીડિયોકર ગીતોનો ત્રાસ ને બીજી બાજુ બાપ-દીકરીની ઉંમરનાં હીરો-હિરોઇનનો ચ્યુઇંગમ છાપ રોમેન્સ. એના પર કાતર ચલાવીને સ્ટોરીમાં થોડાં લૅયર ઉમેર્યાં હોત, તો આ ફિલ્મ સાવ ‘પોટલી બાબા કી’નું મુવી વર્ઝન ન બની રહેત. આમ તો આવી ઓવર સિમ્પ્લિસ્ટિક ફિલ્મમાં લોજિક શોધવાનું ન હોય, પણ તોય સલમાનનો આખો પરિવાર પસાર થઈ જાય એટલાં મોટાં છીંડાં થોડાં સહન થાય? કેટલાય પ્રશ્નો છેક સુધી વણઊકલ્યા રહી જાય છે. અને કુંભલગઢથી ગોંડલ સુધીના ભવ્ય પેલેસોનું દર્શન કરાવ્યું, તો સ્પેશ્યલ ઇફેક્ટમાંય થોડો ખર્ચો કરવો તોને?’

‘તો તને આખી ફિલ્મમાં સલમાનનો ચાર્મ ન દેખાયો? રોજ ચારવાર સંતૂરથી નહાતો હોય એમ એની ઉંમર જ દેખાતી નથી. એની ઠસ્સાદાર પર્સનાલિટી જોઇને લાગે કે રાજા તો કંઇક આવો જ હોવો જોઇએ. લવ હોય કે એક્શન, ઇમોશન હોય કે કોમેડી, બધા જ સીનમાં અહીં એ પૂરેપૂરો ખીલ્યો છે. ઇવન જો સલમાન ન હોત તો આ ફિલ્મ પણ ‘શાનદાર’ની જેમ ઊંધેમાથે પટકાઈ હોત. એના કરિશ્માની સામે સોનમ કપૂર પણ એની કાઠી જેવી તદ્દન ફ્લૅટ લાગે છે.’

‘કબૂલ, પણ સ્વરા ભાસ્કર, નીલ નીતિન મુકેશ, સંજય મિશ્રા, દીપક ડોબ્રિયાલ, મનોજ જોશી, સુહાસિની મૂળે, બ્રિજેન્દ્ર કાલા, મેહુલ કજારિયાનો વેડફાટ થયો છે એ તને ન દેખાયું? ઇવન અનુપમ ખેરને પણ ‘પહેલી’ ફિલ્મનો ડ્રેસ પહેરાવીને એમનો ટિપિકલ સપોર્ટિંગ રોલ જ અપાયો છે. એક પણ શ્વાસ ચડ્યા વિના અસ્થમાનો અટેક આવે એવું આ ફિલ્મમાં પહેલીવાર જોયું. અને ખબર નહીં કેમ, પણ મમરાની ગૂણ જેવો અરમાન કોહલી તો અચાનક નાગ થઇને બદલો લેવા આવશે એવું જ લાગ્યા કરે છે. અરે, પણ તું આમ પાછો થિયેટરની અંદર ક્યાં ચાલ્યો?’

‘જો, અત્યારના પાર્ટી સોંગ અને દારૂની બાટલીઓવાળી ફિલ્મોની વચ્ચે આ એક કમ્પ્લિટ ફેમિલી એન્ટરટેનિંગ મુવી છે. ભલે સ્લો રહી, પણ અફલાતૂન સિનેમેટોગ્રાફી અને ઇન્ડિયન વેલ્યૂઝથી ભરચક છે. એટલે આખા ફેમિલી સાથે આ ફિલ્મ થિયેટરમાં જોવી એ દિવાળી સેલિબ્રેશનનો જ એક ભાગ છે. એટલે હું તો મારા આખા ફેમિલીની ટિકિટો લઈ રહ્યો છું.’

‘તો એક કામ કર, મારી ટિકિટોય ગણી લેજે. હું ત્યાં સુધીમાં નાસ્તાનો મેળ કરતો આવું. પૂરા ત્રણ કલાકની ફિલ્મ છે અને ફિલ્મના ગીતમાં જ કહે છે ને કે કુછ ચકલી-ચેવડા લેતેં ચલેં, કુછ ખટ્ટા-મીઠા લેતેં ચલેં…’

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ડૉલી કી ડોલી

લૂટેરી દુલ્હન

***

આ ફિલ્મ જોવા માટેની ફોર્મ્યૂલા સિમ્પલ છેઃ આને કા, ફિલિમ દેખને કા, હંસને કા ઔર જાને કા, લેકિન દિમાગ નહીં ચલાને કા!

***

dolly-ki-doli-2nd-look-embeપહેલી જ વાર ડિરેક્ટરની ખુરશી પર બેઠેલા અભિષેક ડોગરાની ફિલ્મ ‘ડૉલી કી ડોલી’ પાસેથી લોકોને પાણીપુરીની લારીવાળા જેટલી જ અપેક્ષા હોય. મન થયું, તો ખાઈ લીધી. પૌષ્ટિક ન હોય તો કંઈ નહીં, બે ઘડી મજા આવવી જોઇએ. એ પછી લટકામાં મળતી ‘સૂખા પૂરી’ જેવું નાનકડું સરપ્રાઇઝ મળી જાય તો ગંગા નાહ્યા.

શાદી કે બાદ

ડૉલી (સોનમ કપૂર) એવી કામણગારી કન્યા છે, જે પ્રેમ કા ગેમ ખેલીને માલેતુજાર જુવાનિયાંવને લટ્ટુ બનાવે છે, શાદી બનાવે છે અને પછી ઉલ્લુ બનાવે છે. સુહાગરાતના બીજા દિવસે જ સાસરિયાંને ઊંઘતા છોડીને ઘર સાફ કરીને નૌ દો ગ્યારહ થઈ જાય છે. એની આ ગેમમાં દુબેજી (મનોજ જોશી), બાબુ (મોહમ્મદ ઝીશન અય્યુબ) અને બીજા લોકો પણ સામેલ છે. ડૉલીના પતિ થઇને પતી ગયેલી પાર્ટીઓ સોનુ સેહરાવત (રાજકુમાર રાવ) અને મનજોત સિંઘ ચઢ્ઢા (વરુણ શર્મા) ડૉલીને બરાક ઓબામાના સ્નિફર ડૉગની જેમ શોધી રહ્યા છે. બીજી બાજુ પોલીસ પણ હરકતમાં આવે છે અને ડૉલીને શોધી કાઢવાનો કેસ સોંપાય છે સલમાન જેવી સ્ટાઇલો મારતા પોલીસમેન રોબિન સિંઘ (પુલકિત સમ્રાટ)ને. આગળ શું થાય છે એ જાણવા માટે તમારે વગર કંકોતરીએ પહોંચી જવાનું ડૉલી કી બારાતમાં.

બેન્ડ બાજા બારાત

સલમાનભાઈના બડે ભાઈ અરબાઝ ખાને પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ માત્ર સો મિનિટની જ છે, મતલબ કે દોઢ કલાક પ્લસ દસ મિનિટ. એટલે ફિલ્મની સ્ટોરી ફટાફટ ભાગે છે. આપણે હજી કંટાળવાનું વિચારતા હોઇએ ત્યાં તો ઇન્ટરવલ પડી જાય. ફરી પાછો કંટાળો ડોકિયું કરવાની હિંમત કરે ત્યાં તો થિયેટરવાળા આપણને બેટરી બતાવીને કહે કે, ‘સાબ, જાને કા ટેમ હો ગયા!’ ફિલ્મનો ઇન્ટરવલ પહેલાંનો ભાગ ટ્રેલરમાં બતાવે છે એવો જ એન્ટરટેનિંગ છે, જ્યારે સેકન્ડ હાફમાં દિલ્હીના રાજકારણ જેવી વિચિત્રતાઓ ફૂટી નીકળે છે.

પરંતુ ફિલ્મમાં સૌથી વધુ મજા કરાવે છે રાજકુમાર રાવ તથા વરુણ શર્મા (‘ફુકરે’ ફિલ્મનો ‘ચૂચો’)ની સુપર્બ કોમિક ટાઇમિંગવાળી એક્ટિંગ. રાજકુમાર રાવ લંબી રેસનો ઘોડો છે અને સખત વર્સેટાઇલ એક્ટર છે. એ ‘શાહિદ’ અને ‘કાઇપો છે’ જેવા ઇન્ટેન્સ રોલ કરી જાણે છે, તો અહીં ‘ડૉલી કી ડોલી’માં પાગલ મજનુ દીવાના બનીને કોમેડીથી લઇને ઠુમકા લગાવવામાં પણ એકદમ પાવરધો લાગે છે. હરિયાણવી બોલીમાં તો એ એટલો નેચરલ લાગે છે કે એની સામે ‘પીકે’નો ભોજપુરિયા આમિર ખાન પણ સિન્થેટિક લાગે. અને વરુણ શર્મા. વરુણ આ ફિલ્મનો અનસંગ હીરો છે. સૌથી વધુ લાફ્ટર એ ખેંચી જાય છે અને વિવેચકો બીજા કલાકારોને પોંખવામાંથી ઊંચા નથી આવતા. પરંતુ એ જો આવા બાઘા જુવાનિયાના એકસરખા જ રોલ કર્યા કરશે, તો ‘થ્રી ઇડિયટ્સ’ના ‘ચતુર મહાલિંગમ’ એટલે કે ઓમી વૈદ્યની જેમ ફેંકાઈ જશે.

આ દેશમાં સોનમ કપૂરના ચાહકોની સંખ્યા કેજરીવાલના સમર્થકો કરતાં પણ વધારે છે. એ દર બીજી ફિલ્મમાં રંગરંગ વાદળિયાં જેવાં કપડાં પહેરીને ચુલબુલી ગર્લની એકસરખી એક્ટિંગ કરે છે તોય લોકોને આનંદ આવતો રહે છે. ચરિત્ર અભિનેતા રાજેશ શર્મા અહીં હીરોના શોખીન મિજાજના હરિયાણવી પપ્પાની ભૂમિકામાં છે. એમને બહુ ઓછી સ્ક્રીનસ્પેસ મળી છે, પણ બધા જ સીનમાં છવાઈ જાય છે. બીજો હીરો પુલકિત સમ્રાટ દેખાવે રૂડોરૂપાળો છે, પણ જેટલી વાર એને જોઇએ એટલી વાર ‘દબંગ’નો સલમાન જ યાદ આવે છે. મનોજ જોશી એમની રાબેતા મુજબની એક્ટિંગ સાથે ફિલ્મમાં છે. એમ તો અર્ચના પુરણ સિંહ પણ અચાનક વાવાઝોડાની જેમ આવીને ફિલ્મમાં ઘોંઘાટનું લેવલ ઊંચું લાવી દે છે.

ફિલ્મની સૌથી મોટી નિરાશા હોય, તો તે છે મોહમ્મદ ઝીશન ઐયુબ. ‘રાંઝણા’ ફિલ્મમાં હીરો ધનુષના દોસ્તાર ‘મુરારી’ તરીકે આખી ફિલ્મમાં છવાઈ જનારો આ ટેલેન્ટેડ કલાકાર અહીં સાવ નીરસ લાગે છે. જાણે એની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય એ રીતે એની એક્ટિંગમાં કોઈ સ્પાર્ક જ દેખાતો નથી.

હવે બે શબ્દ સંગીતકારો સાજિભાઈ-વાજિદભાઈની શાનમાં. આ લોકો હવે બધી જ ફિલ્મોમાં ‘દબંગ’નું જ બીબું વાપરે છે. એક આઇટેમ સોંગ (જેમાં પાછા પ્રોડ્યુસર મલાઇકા અરોરાએ જ ઠુમકા લગાવ્યા હોય!), એક નૈના સોંગ (સિંગરઃ વિના અપવાદે રાહત ફતેહ અલી ખાન), એક છમિયા સોંગ, એક પાર્ટી સોંગ અને એક લવ સોંગ. ધેટ્સ ઑલ. કુછ નયા સોચો યાર!

ચાંલ્લો કેટલો?

જેમ લગ્નમાં મુહૂર્ત વીતી ગયું હોય અને ગોરમહારાજ ફાસ્ટ ફોરવર્ડમાં વિધિ પતાવી દે એ રીતે ડિરેક્ટર સાહેબે વાર્તાનો વીંટો વાળી દીધો છે. એટલે ફિલ્મમાં લોજિકનો પાલવ પકડશો તો બહુ બધા સવાલો થશે (જેમ કે, આ ડૉલીનો એકેય ફોટો કોઈ પાસે કેમ ન હોય? બધા લોકો પોતાના દાગીના ઇસ્ત્રી કરેલાં કપડાંની જેમ ખુલ્લા કબાટમાં શા માટે રાખે? બધા લોકો એક જ ટ્રિકથી કઈ રીતે ફસાઈ જાય? પોલીસ આમ અક્કલ વગરની જેમ શા માટે વર્તે છે? વગેરે), અને સરવાળે દુખી થશો. એના કરતાં ફિલ્મમાં ઘણી બધી લાફ્ટર મોમેન્ટ્સ છે, એમાં હસીને ખુશ થજો. ખુશ જ થવું હોય તો ફિલ્મમાં એક નાનકડું સરપ્રાઇઝ પણ છે! અને હા, તમે જો ‘સોનમ કપૂર ફેન ક્લબ’ના સભ્ય ન હો, તો ડીવીડી બહાર પડે ત્યાં સુધી પણ રાહ જોવામાં વાંધી નથી.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ખૂબસુરત

બોરિંગ રાજા કો તોફાની રાની સે પ્યાર હો ગયા

 ***

ધમાકેદાર ટેઇક ઓફ્ફ પછી કોઈ રોકેટ અચાનક માથાભેર નીચે પછડાય અને આ ઉર્ધ્વગામી ગતિ દરમિયાન મસ્ત મ્યુઝિક વાગતું હોય, તો સમજી લેજો કે તેની હાલત ફિલ્મ ‘ખૂબસુરત’ જેવી જ છે!

***

check-out-sonam-fawads-brand-new-khoobsurat-poster-2હૃષિકેશ મુખર્જીની રેખા સ્ટારર ‘ખૂબસુરત’ જેવી લાગતી આ ફિલ્મ શરૂ થાય છે કે તરત જ લાફ્ટરનું જાણે વાવાઝોડું સ્ક્રીન પર ફૂંકાય છે. પરંતુ માંડ અડધા કલાક આ વાવાઝોડાની ધમાચકડી ચાલે છે, ત્યાં જ એક બોરિંગ રાજા વર્સસ એક બિનધાસ્ત છોકરીની લવસ્ટોરી ચાલુ થાય છે. બસ, તે સાથે જ વાવાઝોડું શમી જાય છે. પછી આપણે રાહ જોતા રહીએ કે હમણાં મજા આવશે હમણાં મજા આવશે, લેકિન અફસોસ સમય સમાપ્તિ કી ઘોષણાનું ‘હૂટર’ વાગી જાય છે, પરંતુ મજા આવતી જ નથી. હા, હટ કે ગીતો જરૂર સાંભળવા મળે છે.

સારે નિયમ તોડ દો

રાજસ્થાનના સંભલગઢની મહારાણી નિર્મલા દેવી ઉર્ફ રાણી સા (રત્ના પાઠક શાહ) એક ડિસિપ્લિન પ્રિય મહિલા છે. ભોજન માટે પાંચ મિનિટ પણ મોડું કરે તો એ પોતાની સગ્ગી દીકરીને પણ જમવાનું ન આપે એવાં કડક. એમના પતિદેવ- જેમને સૌ ‘હુકુમ’ કહીને બોલાવે છે-તેમના એક્સિડેન્ટમાં નકામા થઈ ગયેલા પગની ફિઝિયોથેરપી માટે એક વાવાઝોડા જેવી ફિઝિયોથેરપિસ્ટ ડૉ. મૃણાલિની ચક્રવર્તી ઉર્ફ મિલી (સોનમ કપૂર) ત્યાં આવે છે. બસ, એના આવતાંની સાથે જ રાણીસાહેબાના બધા નિયમોની ઐસી કી તૈસી થઈ જાય છે. અધૂરામાં પૂરું એમનો જુવાનજોધ દીકરો યુવરાજ વિક્રમ સિંહ રાઠોડ ઉર્ફ વિક્કુ (ફવાદ ખાન) પણ એ લેડી ડૉક્ટર પાછળ લટ્ટુ થઈ જાય છે. વચ્ચે વચ્ચે તોફાનમાં ઘાસલેટ વધારો કરવા માટે મિલિની મમ્મી ‘મંજુ’ (કિરણ ખેર) પણ રૂબરૂ અને વાયા સ્કાઇપ આંટાફેરા કરતાં રહે છે.

સ્પાર્ક વિનાનું સારાભાઈ વર્સસ સારાભાઈ

રસપ્રદ કો-ઇન્સિડન્સ છે કે હૃષિકેશ મુખર્જીની ‘ખૂબસુરત’માં કડક ઠસ્સાદાર સાસુમાનો રોલ આપણાં ગુજરાતી અભિનેત્રી દીના પાઠકે કરેલો. આ ફિલ્મમાં એ ભૂમિકામાં એમનાં જ દીકરી રત્ના પાઠક શાહ દેખાયાં છે. પરંતુ એ બંનેની વચ્ચે ટીવી પર ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ નામની ક્લાસિક કોમેડી સિરિયલ આવી ગઈ. એટલે ટ્રેજિ-કોમેડી એ છે કે શશાંક ઘોષની આ ફિલ્મ ‘સારાભાઈ…’નું જ ફિલ્મી વર્ઝન જોતા હોઈએ એવી ફીલ આવે છે. તેમાં અને અહીં રત્ના પાઠક શાહ હાઈ સોસાયટી ઓબ્સેસ્ડ ‘માયા સારાભાઈ’ના જ રોલમાં છે. આપણને બીક લાગે કે ફિલ્મમાં પણ હમણાં એ બોલી ઊઠશે, ‘ઈટ ઈઝ સો મિડલ ક્લાસ, મોનિશા!’ એક હોલિવૂડ ફિલ્મ ‘પ્રિન્સેસ ડાયરીઝ’ની પણ અસર આ ફિલ્મ પર દેખાય છે.

પરંતુ આ ફિલ્મ સારાભાઈ કે પ્રિન્સેસ ડાયરીઝ જેટલી એન્ટરટેનિંગ નથી. સાંઠીકડા જેવી સોનમ કપૂર પોતાના નાજુક ખભા પર આખી ફિલ્મ ઉપાડવાની મહેનત કરે છે, પણ ફિલ્મમાંથી પેદા થતા કંટાળાનું વજન એના કરતાં ક્યાંય વધારે છે. રત્ના પાઠક શાહની ડિસિપ્લિન અને સોનમ કપૂરનો બિનધાસ્ત એટિટ્યૂડ ટકરાય છે ત્યારે જે ચકમક ઝરે છે એ જોવાની મજા પડે છે, પરંતુ અચાનક એ ચકમકના તિખારા હવાઈ જાય છે. હા, કિરણ ખેર અને આમિર રઝા હુસૈન એ તિખારા પાછા લાવવામાં મહેનત કરે છે, પરંતુ ધબાય નમ: થતી ફિલ્મને કોઈ ઉગારી શકતું નથી. એકવાર બધાં કેરેક્ટર્સ ફિલ્મમાં એનાં સ્થાને ગોઠવાઈ ગયા પછી ફિલ્મમાં કશું નવું બનતું જ નથી. કોઈ કહેતાં કોઈ ટ્વિસ્ટ આવતો જ નથી. નવો પાકિસ્તાની હીરો ફવાદ ખાન દેખાવે કોઈ સૂટિંગ શર્ટિંગની જાહેરખબરના મોડલ જેવો ડેશિંગ લાગે છે, પરંતુ એ બિચારાના દાઢીધારી ચહેરા પર ગણીને એક જ એક્સપ્રેશન આવે છે, ધેટ્સ ઓલ. (જો આ જ ગતિએ પાકિસ્તાની એક્ટરો ભારત આવતા રહેશે તો ભારતની સૌથી મોટી આયાત પાકિસ્તાની એક્ટરોની હશે!) અને હા, અદિતિ રાવ હૈદરી પણ આ ફિલ્મમાં છે, પણ બિચારીના સમ ખાવા પૂરતા માત્ર બે જ સીન છે, એમાંય એ સ્ક્રીન પર સરખી દેખાતી નથી.

લેકિન બાબુમોશાય, આ ફિલ્મનું એક સરપ્રાઇઝ પેકેજ છે સ્નેહા ખાનવલકરનું મ્યુઝિક. ‘ગેંગ્સ ઓફ વસેપુર’માં જલસો કરાવનારી સ્નેહાએ અહીં શિયાળાની સવાર જેવું એકદમ ફ્રેશ મ્યુઝિક પીરસ્યું છે. એમાંય ‘પ્રીત ના કરિયો કોય’ તો મીરાંબાઈની યાદ અપાવી દે એટલું દમદાર બન્યું છે. અન્ય ગીતો ‘માં કા ફોન આયા’, ‘સો જા રે મુનિયા’, ‘બાલ ખડે’, ‘એન્જિન કી સીટી મેં મારો બમ ડોલે’ પણ ફરી ફરીને સાંભળવાની ઈચ્છા થાય એવાં બન્યાં છે. ફિલ્મમાં છેલ્લે આવતું પંજાબી રૅપર બાદશાહે તૈયાર કરેલું ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ’ પણ આપણને થિયેટરમાંથી બહાર નીકળતાં રોકે એવું છે.

બોલો, ધક્કો ખવાય?

સીધી વાત છે, અમુક કોમેડી સીન્સ અને સ્નેહા ખાનવલકરનાં સંગીત સિવાય ફિલ્મ સોલ્લિડ પકાઉ છે. હા, સાફસૂથરી ફેમિલી એન્ટરટેનર છે, પરંતુ એમાં મનોરંજન ઓછું અને કંટાળાજનક દુ:ખદર્શન વધારે છે. એના કરતાં હૃષિદાનું ઓરિજિનલ ‘ખૂબસુરત’ સીડી મંગાવીને ફરી એક વાર જોવું વધારે સારું રહેશે.

રેટિંગ: ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

બેવકૂફિયાં

મંદીના માહોલમાં મહોબ્બત

***

હબીબ ફૈઝલની કલમમાંથી નીકળેલી આ એવરેજ ફિલ્મમાંથી યંગસ્ટર્સ બચતનો મેસેજ લે તો પણ ઘણું છે!

***

bewakoofiyaan2જ્યારે ‘દો દૂની ચાર’ અને ‘ઇશકઝાદે’ના લેખક-દિગ્દર્શક અને ‘બેન્ડ બાજા બારાત’ જેવી ફિલ્મોના લેખક જનાબ હબીબ ફૈઝલ ફરી પાછી કલમ ઉપાડે ત્યારે એમની પાસેથી કશુંક નવું, તરોતાજા અને હૃષિકેશ મુખરજી ટાઇપની કૃતિ મળવાની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. પરંતુ હબીબે લખેલી તથા નુપૂર અસ્થાનાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘બેવકૂફિયાં’ આપણી અપેક્ષાઓમાં ઊણી ઊતરે છે.

ઇશ્ક-વિશ્કનું ક્રેશલેન્ડિંગ

મોહિત ચઢ્ઢા (આયુષ્માન ખુરાના) અને માયરા સેહગલ (સોનમ કપૂર) અત્યારનું ટિપિકલ વર્કિંગ કપલ છે. મોહિત એક એરલાઇન્સમાં સિનિયર માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે અને એનો પગાર 65 હજાર રૂપિયા છે. જ્યારે માયરા એક બેન્કમાં છે, જેનો પગાર 72 હજાર રૂપિયા છે. આવતીકાલની ચિંતા કર્યા વિના બંને બે હાથે કમાય છે અને ચાર હાથે ખર્ચે છે.

પરંતુ કહાનીમાં એકસાથે બે પ્રોબ્લેમ્સ આવે છે. પ્રોબ્લેમ નંબર વન, માયરાના સૂકા નાળિયેર જેવા કડક પપ્પા મિસ્ટર કે. એસ. સેહગલ (ઋષિ કપૂર). એકદમ ઇમાનદાર એવા સેહગલ સાહેબ દિલ્હીના સચિવાલયમાં રિટાયર થવા જઇ રહેલા આઇએએસ ઓફિસર છે. એમની પાસે એમની દીકરી કા હાથ માગવાની જવાબદારી જ્યારે મોહિત એટલે કે આયુષ્માનના શિરે આવે છે, ત્યારે એની ઇમ્પ્રેશન એકદમ ટાંય ટાંય ફિસ્સ થઇ જાય છે. પરંતુ દીકરી માયરા એ મોહિતને પરણવા માટે મક્કમ છે. એટલે છોકરાને અલગ અલગ પેરામીટર્સથી પરખવા માટે સેહગલ સાહેબ મોહિતને છ મહિનાના પ્રોબેશન પર રાખે છે અને એના છોતરાં કાઢી નાખે છે.

પ્રોબ્લેમ નંબર ટુ, વિશ્વવ્યાપી રિસેશનને પગલે મોહિતની એરલાઇન કંપની ધબાય નમઃ થાય છે અને તે મોહિત સહિત જથ્થાબંધ કર્મચારીઓને છૂટા કરે છે. બેકાર થયેલો મોહિત બેફામ ખર્ચાઓને કારણે થોડા જ દિવસમાં દેવાળિયો પણ થઇ જાય છે.

એક તરફ પપ્પાજીને મનાવવાનું પ્રેશર અને બીજી બાજુ નવી નોકરી શોધવાનું પ્રેશર, આ બંને પ્રેશરમાં કૂકરમાં મૂકેલા ભાતની જેમ બફાઇ રહેલો મોહિત ફ્રસ્ટ્રેટ થઇને માયરા યાને કે સોનમ સાથે પણ બ્રેકઅપ કરી બેસે છે. હવે બંનેના પ્રેમનું પ્લેન ફરી પાછું ટેઇક ઓફ કઇ રીતે થાય છે એ જોવાનું રહે છે.

પપ્પા, પૈસા અને પ્યાર

હબીબ ફૈઝલ અત્યારના સમયના અત્યંત ટેલેન્ટેડ રાઇટર છે. પરંતુ એ પણ જ્યારે હોલિવૂડની ફિલ્મોથી ‘ઇન્સ્પાયર’ થઇને ફિલ્મ લખે ત્યારે આપણને અકળામણ થાય. આ ફિલ્મ ‘બેવકૂફિયાં’ હોલિવૂડમાં 2000ના વર્ષમાં આવેલી રોબર્ટ ડી નિરો-બેન સ્ટિલર સ્ટારર ‘મીટ ધ પેરેન્ટ્સ’નું ભારતીય વર્ઝન હોય એવું દેખાઇ આવે છે. વળી, આખી ફિલ્મમાં ક્યાંય તમે હસી હસીને બેવડ વળી જાઓ એવી એક પણ સિચ્યુએશન નથી. એવું કહી શકાય કે આ ફિલ્મ એક ટાઇમપાસ રોમકોમ છે. હા, એટલું કહેવું પડે કે આપણે ત્યાં કિંગફિશર એરલાઇન્સ પાણીમાં બેસી ગઇ અને એના પાપે બેકાર થયેલા યુવાનોને પાત્ર તરીકે લઇને બનેલી આ પહેલી ફિલ્મ છે.

માંડ બે કલાકની હોવા છતાં આ ફિલ્મ એનાં અત્યંત કંગાળ ગીતોને કારણે લાંબી લાગે છે. અને હિરોઇનના પપ્પાને કન્વિન્સ કરવાનો ટ્રેક આપણે છેક દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગેના જમાનાથી જોતા આવ્યા છીએ. અહીં એમાં નવા એન્ગલ તરીકે પૈસાની એન્ટ્રી થઇ છે, અને એ જ ફિલ્મનો સૌથી સ્ટ્રોંગ પોઇન્ટ છે. એક જમાનામાં સરકારી નોકરીઓમાં આખી જિંદગી કાઢી નાખતા પપ્પાઓએ રિટાયર્મેન્ટ વખતે પણ જેટલો પગાર ન મેળવ્યો હોય, એટલો પગાર બે-પાંચ વર્ષમાં જ મેળવવા લાગેલાં જુવાનિયાંવને પૈસા અને બચતની કદર હોતી નથી. પાર્ટીઓ, બેફામ શોપિંગ, હોલિડેઝ, ગાડીઓ, મોંઘા મોબાઇલ્સ વગેરેમાં આખો સેલરી ક્યાં ઊડી જાય છે એનો એમને ખ્યાલ જ આવતો નથી. હાયર એન્ડ ફાયરના આ જમાનામાં જો યોગ્ય બચત ન કરી હોય તો ગમે તેટલા ગાઢ પ્રેમની વચ્ચે પણ પૈસાની કાંટાળી દીવાલ ઊભી થઇ શકે છે. ક્રેડિટ કાર્ડ ઘસાવવાથી વસ્તુ મળે, પ્રેમ નહીં. બીજું, આ ફિલ્મમાં ઋષિ કપૂર રિટાયર થયા પછી પણ નવરા બેસી રહેવાને બદલે બાકાયદા ઇન્ટરવ્યૂ આપીને એક કંપનીમાં જોબ સ્વીકારે છે. એટલું જ નહીં, એ કમ્પ્યુટર પણ શીખે છે. આ બંને મેસેજ જો અનુક્રમે અત્યારના યંગસ્ટર્સ અને રિટાયર્ડ જનો આ ફિલ્મમાંથી લે તો ફિલ્મ નબળી હોવાના બધા ગુના માફ કરી શકાય.

યંગ એક્ઝિક્યુટિવ અને અર્બન પ્રેમી તરીકે આયુષ્માનની એક્ટિંગ એકદમ પરફેક્ટ છે, પરંતુ સતત બે-ત્રણ દિવસની વધેલી દાઢીવાળા એક્ઝિક્યુટિવને કોઇ કશું કહે નહીં? ઋષિ કપૂરને જોઇને પણ આપણને લાગે કે હા હોં, આ ભાઇ કોઇ આઇએએસ ઓફિસર જેવા લાગે તો છે! જ્યારે સોનમે તો પોતાનો ‘આઇશા’ ફિલ્મવાળો રોલ જ રિપીટ કર્યો હોય એવું લાગે છે. બધી વાતમાં ‘વિથ માય હમ્બલ ઓપિનિયન’થી જ વાત શરૂ કરતા સેક્રેટરીના નાનકડા રોલમાં કોમેડિયન ગુરપાલ પણ જામે છે. એ અદભુત કલાકારને કેમ ઝાઝા રોલ નહીં મળતા હોય?

પ્રીડિક્ટેબલ સ્ટોરી, મોટા ટ્વિસ્ટ્સનો અભાવ અને નબળાં ગીતો આ ફિલ્મને એવરેજ લેવલથી ઊંચી આવવાં જ નથી દેતાં. એક માત્ર ‘જેબોં મેં ભરે ગુલછર્રે’ ગીત ઠીકઠાક છે.

જોવાની બેવકૂફિયાં, કરવા જેવી ખરી?

જો તમે ગયા અઠવાડિયે ક્વીન જોઇ લીધી હોય, અને આ અઠવાડિયે ફરી પાછી ફિલ્મ જોવાની ઇચ્છાઓ સળવળી રહી હોય, તો બેવકૂફિયાં ટ્રાય કરી શકાય. લેકિન, કોઇ પણ જાતની અપેક્ષા રાખ્યા વિના (જેથી પાછળથી પસ્તાવો ન થાય!).

રેટિંગઃ ** ½ (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ભાગ મિલ્ખા ભાગ

વાહ મિલ્ખા વાહ!

***

જો પાનસિંહ તોમર ડકૈત ન બન્યો હોત તો એ મિલ્ખા સિંઘ બની શકત?

***

bmb2ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એક ઉજ્જડ થઇ ચૂકેલા ગામમાં બારેક વર્ષનો છોકરો પોતાનું ઘર ખોળતો ખોળતો પાછો ફરે છે. “માં… માં…” બૂમો પાડે છે પણ જવાબમાં સન્નાટા સિવાય કશું જ નહીં. અચાનક છોકરાનો પગ લપસે છે, જુએ છે તો એ લોહીના ખાબોચિયામાં પડ્યો છે. ડરી ગયેલો એ છોકરો ઊભો થઇને બે ડગલાં પાછો ચાલે છે, ત્યાં એ ફરી ગબડે છે અને આ વખતે એ છોકરાની સાથોસાથ આઘાત પામવાનો વારો આપણો પણ છે. એ પડે છે સીધો લાશોના ઢગલા પર…

***

ઉથ્થે ડૂબે ઇથ્થે નિકલે

આપણે ત્યાં હોલિવૂડની જેમ “બાયોપિક” પ્રકારની ફિલ્મો બહુ બનતી નથી. પરંતુ બને છે ત્યારે શું બને છે, બોસ! બેન્ડિટ ક્વીન, ગાંધી માય ફાધર, બોઝ ધ ફરગોટન હીરો, ગુરુ, ચક દે ઇન્ડિયા, પાન સિંહ તોમર અને હવે આવી છે રાકેશ ઓમપ્રકાશ મેહરાની મિલ્ખા સિંઘના જીવન પર બનેલી “ભાગ મિલ્ખા ભાગ”. પહેલા જ દડે સિક્સ જેવી ‘રંગ દે બસંતી’ બનાવ્યા પછી, ‘દિલ્હી-6’ જેવી કંગાળ ફિલ્મ બનાવ્યા બાદ તેજસ્વી ડાયરેક્ટર રાકેશ મહેરા ચાર વર્ષથી ગાયબ હતા. પરંતુ મોટી માછલી પાણીમાં ડૂબકી મારે તો તે ફરી પાછું માથું ઊંચકવા માટે જ હોય, એમ રાકેશ મેહરા મિલ્ખા સિંઘની કથા લઇને આવવાના હતા.

મિલ્ખા સિંઘઃ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

કેટલાક લોકો આ દુનિયા નામની સ્કૂલમાંથી જિંદગીના પાઠ શીખે છે. આવો જ એક વિદ્યાર્થી એટલે મિલ્ખા સિંઘ. ભાગલા પહેલાં અત્યારના પાકિસ્તાનમાં જન્મેલા મિલ્ખાના પરિવારને 1947માં ભાગલા વખતે એની નજર સામે જ રહેંસી નખાયેલો. એ કારમો ઘા લઇને બાળક મિલ્ખા દિલ્હી ભાગી આવ્યો. શરણાર્થી શિબિરોમાં એક એક રોટલી માટે સંઘર્ષ કરીને મિલ્ખા મોટો થયો. યુવાનીના ઉંબરે પ્રેમ થયો, પણ રખડુ યુવકનું મહેણું ભાંગવા લશ્કરમાં સામેલ થયો. એક ગ્લાસ દૂધ, બે કાચા ઇંડાં અને પરેડમાં થાકી ગયા તો સજામાંથી મુક્તિ, એ ઇનામની લાલચે મિલ્ખા છ માઇલની રેસ એવી દોડ્યો કે એના પરસેવાના રેલામાં એનું હીર પરખાઇ ગયું. પછી તો આકરી ટ્રેનિંગ અને ઓલિમ્પિક્સથી લઇને કોમનવેલ્થ ગેમ્સ તથા એશિયન ગેમ્સમાં ભાગ લેવાનો સિલસિલો શરૂ થયો. આજે 77 વર્ષના મિલ્ખા સિંઘ કોમનવેલ્થ ગેમ્સમાં ઇન્ડિવિઝ્યુઅલ એથ્લેટિક્સમાં ગોલ્ડમેડલ જીતનારા એકમાત્ર ભારતીય એથ્લિટ છે.

ફિલ્મ છે કે મેરેથોન રેસ?

‘ભાગ મિલ્ખા ભાગ’માં સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વસ્તુ છે ફરહાન અખ્તરનું એકદમ એથ્લિટ જેવું ટોન્ડ બોડી, જે સલમાનની જેમ શોઓફ્ફ કરવા માટે નહીં પણ એક ફૌજીનું ફૌલાદી બદન લાગે છે. મિલ્ખાના પાત્રને એણે એકદમ ડીપલી ઘુસ કે આત્મસાત્ કર્યું છે. એણે ફિલ્મની જેમ હકીકતમાં પણ બાલદી ભરીને પરસેવો વહાવ્યો છે, એ પરખાઇ આવે છે! બીજું આશ્ચર્ય છે પ્રસૂન જોશીની કલમ. ગીતકાર પ્રસૂને આ વખતે સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ માટે પણ કલમ ઉપાડી છે. મિલ્ખાના પાત્રને પૂરેપૂરો ન્યાય કરવા માટે પ્રસૂને એમની સાથે સારો એવો સમય ગાળ્યા બાદ સ્ક્રિપ્ટ લખી છે, પણ આ જ લાલચમાં ફિલ્મ ત્રણ કલાક અને દસ મિનિટ જેટલી મેરેથોન લાંબી થઇ ગઇ છે. એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં ફરહાન પછી સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હોય તો તે છે ‘મિલ્ખુ’ની બહેન બનતી દિવ્યા દત્તા અને ‘જવાન’ મિલ્ખાના ગુરુ બનતા પવન મલ્હોત્રાએ. કોચના રોલમાં ક્રિકેટર યુવરાજ સિંહના પપ્પા યોગરાજ સિંહ પહેલીવાર હિન્દી ફિલ્મોમાં દેખાયા છે. પંજાબી ફિલ્મોમાં તો એ જાણીતો ચહેરો છે જ (યોગરાજને જોઇને વિચાર આવે કે બરાબર છે જે માણસ યુવરાજ સિંહને પેદા કરી શકે એના હાથ નીચે મિલ્ખા તો પેદા થાય જ ને!). ફરહાનની સામે સોનમ કપૂર ફિલ્મમાં લિટરલી પાણી ભરે છે, એ પણ એક હાથમાં હાંડો અને બીજા હાથમાં બાલદી લઇને. એ સિવાય ફિલ્મમાં બિચારીનું કશું કામ નથી. ‘જયકાંત શિક્રે’ ટાઇપના રોલ કર્યે રાખતા પ્રકાશ રાજ મુચ્છડ ફૌજી અફ્સરના રોલમાં સારા લાગે છે. પરંતુ સૌથી હાસ્યાસ્પદ કાસ્ટિંગ હોય તો જવાહરલાલ નેહરુ બનતા દિલીપ તાહિલનું. ફિલ્મમાં શંકર એહસાન લોયનું મ્યુઝિક એવું જાનદાર છે કે કારમાં સાંભળતા હોઇએ તો ઉત્તેજનામાં આપણો પગ એક્સલરેટર પર દબાઇ જાય એવું બને.

રેસ જીવનની

રમખાણમાં હોમાતા પહેલાં મિલ્ખાના પિતા એને બૂમ પાડે છે, ‘ભાગ મિલ્ખા… ભાગ’, પરંતુ મિલ્ખાનું દોડવું એ ખરેખર તો એના જીવનનો સંઘર્ષ છે. બાળપણમાં એ જીવ બચાવવા દોડ્યો, પછી જીવતા રહેવા માટે દોડ્યો, પછી કશુંક બનવા માટે દોડ્યો, એ પછી દેશ માટે દોડ્યો અને આ દરેક તબક્કે એના કારમા ભૂતકાળની ભૂતાવળો એની પાછળ દોડતી રહે છે. રાકેશ મેહરાએ વર્તમાન અને ફ્લેશબેક એકસાથે કહેવાની પોતાની ‘રંગ દે બસંતી’ની જ સ્ટાઇલ અહીં વાપરી છે. અહીં તો ફ્લેશબેકમાં પણ ફ્લેશબેક છે. એટલે કોઇ તબક્કે આપણે ભૂલી જઇએ કે આપણે કયા સમયખંડમાં છીએ. એક મોટો લોચો એ છે કે લગભગ ભાગ મિલ્ખા… જેવી જ સ્ટોરી આપણે થોડા સમય પહેલાં ‘પાનસિંહ તોમર’માં જોયેલી, પણ પાનસિંહે હિંસાનો માર્ગ પકડી લીધો જ્યારે મિલ્ખાએ પોતાની ટ્રેક છોડી નહીં. એટલે જ આજે પાનસિંહ ડકૈત છે અને મિલ્ખા હીરો. જોકે પાન સિંહ તોમર જેટલી આ ફિલ્મ રિયલિસ્ટિક નથી લાગતી!

ઇન શોર્ટ, ‘ભાગ મિલ્ખા ભાગ’ આટલાં કારણોસર જોવી જ જોઇએઃ ફરહાનની મહેનત એક્ટિંગ અને બોડી બિલ્ડિંગ બંને માટે (સ્ક્રીન પર એકસાથે પચ્ચીસ-પચ્ચીસ પુશઅપ્સ કરવાં એ નાનીસૂની વાત નથી!), પ્રસૂન જોશીની કવિતા અને સ્ક્રીનપ્લે-ડાયલોગ્સ માટે, શંકર-અહેસાન-લોયના પંજાબી ફીલ આપતા સંગીત માટે અને એના મસ્ત પ્લેસિંગ માટે, 1950-60ના દાયકાનું ભારત જોવા માટે, બાળ મિલ્ખા સિંઘ બનતા બાળકલાકારની તથા દિવ્યા દત્તા અને પવન મલ્હોત્રાની એક્ટિંગ માટે, રાકેશ ઓમપ્રકાશ મેહરાના આ ફિલ્મ બનાવવા પાછળના ડેડિકેશન માટે (અને એક નાનકડા સીનમાં એમના ગેસ્ટ અપિયરન્સ માટે). પરંતુ હા, કકળાટિયા પબ્લિક આવવાની વકી હોય એવો શો પસંદ ના કરશો, નહીંતર તમારી ફિલ્મ જોવાની મજા મરી જશે!

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements