તમ્મા તમ્મા, જુમ્મા ચુમ્મા, હમ્મા હમ્મા… ખમ્મા ખમ્મા!

હની સિંઘ, બાદશાહ આણિ મંડળીએ અન્નુ મલિક-કોપીતમદાના કસમ ખાધા લાગે છે કે અમ ૯૦ના દાયકામાં ઊછરેલાઓની ગોલ્ડન યાદો પર રેસ્ટોરાંનું ગંદું વાસ મારતું પોતું ફેરવીને જ રહેશે. ‘ધીરે ધીરે’ અને ‘હમ્મા હમ્મા’નું બમ્બુ ફિટ કર્યા પછી હવે ‘તમ્મા તમ્મા’નાં નામનાં તમ્મર ચડાવ્યાં છે. એક તો મને એ સમજાતું નથી કે નાઇન્ટીઝનો જમાનો એવો તે કેવો જરીપુરાણો થઈ ગયો છે કે ત્યારનાં ગીતોને ‘રિક્રિએટ’ કરવાં પડે? અને ‘મિલેનિયલ્સ’ કહેવાતા યંગસ્ટર્સ બે દાયકા પહેલાંનાં સોંગ્સ યુટ્યુબ એટસેટરા પરથી ઍન્જોય ન કરી શકે? કમ ઓન, નાઇન્ટીઝ અને અત્યારના પહેરવેશ-રહેણીકરણીમાં કંઈ એવું પરિવર્તન નથી આવ્યું કે શાહરુખ-કાજોલ શરીરે કેળનાં પાન લપેટીને આદિવાસી ડાન્સ કરતાં હોય એવું લાગે! એ સોંગ્સમાં અત્યારે આલિયા-વરુણો-શ્રદ્ધા-આદિત્યોને નચાવીએ અને વચ્ચે બાદશાહ-હની સિંઘની અલતાફ રાજા છાપ લવારી નાખો તો જ યંગસ્ટર્સને મજા આવે? એન્ડ વર્સ્ટ ઑફ ઑલ, આપણે જે ગીતો સાથે મોટાં થયા હોઇએ, એ અત્યારે સો કૉલ્ડ ‘પાર્ટી ઍન્થમ’ તરીકે ‘રિક્રિએટ’ થયેલાં જોઇને સાલી ઘરડા થઈ ગયાની ફીલ આવે છે! અભી ઇતને બુઢ્ઢે ભી નહીં હુએ યાર, કે અત્યારની જનરેશનની સાથે રહેવા માટે, લેખક તરીકે ‘ટાર્ગેટ ઑડિયન્સ’ જાળવી રાખવા માટે 15-20 વર્ષનાં ટાબરિયાંવની કદમબોસી કરવી પડે!

આ કકળાટ વાંચીને રખે કોઈ માને કે હું બહુ મોટો મરજાદી પ્યોરિસ્ટ છું અને રિમિક્સ ગીતોથી મને રાતી કીડીઓ ચડે છે. જરાય નહીં. બશર્તે એ સોંગ્સ સરસ રીતે ‘રિમિક્સ’ થયેલાં હોય. તમે ‘ઇન્સ્ટન્ટ કર્મા’નાં ‘ડાન્સ મસ્તી’ સિરીઝનાં ગીતો સાંભળો, મારી વાત સમજાઈ જશે. ‘રિમિક્સ’-‘રિક્રિએશન’ વ્હોટએવરની સામે એક દલીલ એ થાય છે કે એ તો જૂનાં સોંગ્સને જીવંત રાખે છે. પરંતુ ‘રિક્રિએશન’-‘રિપ્રાઇઝ’ના નામે મસ્ત ગીતોનું ‘હમ્મા હમ્મા’ કરીને કામ તમામ કરી નાખવું હોય, તો કાઉન્ટ મી આઉટ પ્લીઝ. એક ઑબ્ઝર્વેશન હું એ જોઉં છું કે અત્યારે બધું જ મ્યુઝિક, ફિલ્મો લિટરલી એક ક્લિક પર અવેલેબલ હોવા છતાં કોઇને જોવાની તસદી નથી લેવી. ‘બઝફીડ’ કે ‘સ્કૂપવૂપ’ ટાઇપની ‘માધુકરી વેબસાઇટો’ પોતાની ‘ક્લિક બેઇટ’વાળી લિંક્સથી ‘ફલાણા વિલ બ્લો યોર માઇન્ડ’ ટાઇપની લિંકોમાં ‘લિસ્ટિકલ’ બનાવીને અધકચરું જ્ઞાન પિરસે ત્યારે યંગસ્ટર્સને ખબર પડે. એ પછીયે, ‘વ્હોટેવર…’ કહીને સ્નૅપચેટ-ટિન્ડર પર બિઝી થઈ જાય.

***

લૅટ્સ ગેટ બેક ટુ લેટેસ્ટ સેન્સેશન ‘તમ્મા તમ્મા’. અત્યારે ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’માં ‘તમ્મા તમ્મા અગેઇન’ના નામે ફરી પાછું એ જ ‘તમ્મા તમ્મા’ સોંગ (‘ઓ.કે. જાનુ’માં ‘હમ્મા હમ્મા’નો ખુરદો બોલાવનારા) બાદશાહ-તનિશ્ક બાગચી પાસે રિમિક્સ કરાવાયું છે.

‘તમ્મા તમ્મા અગેઇન’ (‘બદ્રીનાથ કી દુલ્હનિયા’)

***

મને યાદ છે, સંજય દત્ત-માધુરી સ્ટારર ‘થાનેદાર’ રિલીઝ થયું ત્યારે અમે વેકેશનમાં કૅબલ પર કઝિનો સાથે મળીને એક બપોરે જોયેલું. અને ‘તમ્મા તમ્મા’ અમારા આઠેક વર્ષના દિમાગ પર છવાઈ ગયેલું. એક તો એનું ધમાકેદાર મ્યુઝિક. અને એનાથીયે સુપ્પક ડાન્સ. અત્યારે માધુરી વરુણ-આલિયાને ‘તમ્મા તમ્મા’નાં સ્ટેપ્સ શીખવતી હોય એવો વીડિયો વાઇરલ થાય છે. પરંતુ એ વખતે સેટેલાઇટ ચેનલોની ગેરહાજરીમાં લિમિટેડ વ્યુઇંગ સાથે બે-ચાર સ્ટેપ્સ અમેય શીખી લીધેલા. ધરપત એવી કે જો સંજય દત્ત ડાન્સ કરી શકતો હોય, વ્હાટ કાન્ટ અસ?! એ વખતે સૌ માધુરી દીક્ષિતની દિલધડક બ્યુટીમાં હિપ્નોટાઇઝ્ડ હતા. એનાં ક્યુટ લુક્સ, એનો ડાન્સ, એનો વિન્ડ ચાઇમ્સ જેવો રણકતો અવાજ, એક્ટિંગ… મીન્સ ધ કમ્પ્લિટ એક્ટર. ઉપરથી ‘તમ્મા તમ્મા’ના બળવાખોર શબ્દોઃ ‘તુ રાઝી… મૈં રાઝી… ફિર ક્યા ડેડી ક્યા અમ્મા…’ આઈ વૉઝ લાઇક, વ્હોટ? અહીંયા સાડાત્રણ રૂપિયાનું ‘ચંપક’ લેવા માટે પણ મમ્મી-પપ્પાને મસ્કા મારવા પડતા હોય, ત્યાં ‘ફિર ક્યા ડેડી ક્યા અમ્મા’? ધીસ ઇઝ ક્રેઝી, મૅન! અને અમે દોસ્તારો એવી ઇમ્પ્રેશનમાં હતા કે ‘તમ્મા તમ્મા’ એ કોઇક ખૂફિયા પ્રવૃત્તિ માટેનો કોડવર્ડ છે. ઇવન ફિલ્મના છેલ્લા સીનમાં જયાપ્રદા જીતેન્દ્રને પૂછે છે પણ ખરી કે ‘યે તમ્મા તમ્મા ક્યા હૈ?’ અને જવાબમાં જીતેન્દ્ર કહે છે, ‘ઇધર આઓ, બતાતા હૂં!’ પાછી ગીતમાં એવી લાઇન પણ હોય કે, ‘દોનોં મિલકર જો હોના હૈ હો ગયા…’ આઈ મીન, વ્હોટ હો ગયા?!

***

એ જ અરસામાં બીજા એક ગીતે તરખાટ મચાવેલો. અમિતાભ બચ્ચનનું ‘જુમ્મા ચુમ્મા દે દે’. ત્રીજા ધોરણના ક્લાસમાં બાજુની બૅન્ચ પર બેસતી છોકરી પાસેથી પૅન્સિલનું શાર્પનર માગવામાં પણ ટેન્શનમાં અડધું વૉટરબૅગ પાણી પી જવું પડતું હોય, એવા ઇન્ટ્રોવર્ટ કાન પર બચ્ચનમોશાય સુદેશ ભોસલેના અવાજમાં ખુલ્લે આમ ઉઘરાણી કરતા હતા, ‘અરે ઓ જુમ્મા, મેરી જાનેમન, બાહર નિકલ, તૂને બોલા થા, પિછલે જુમ્મે કો, ચુમ્મા દૂંગી, અગલે જુમ્મે કો, આજ જુમ્મા હૈ….!’

શરૂઆતમાં ‘દૂરદર્શન’ પર ‘ચિત્રહાર’માં અવાજ વિના એ ગીત જોયું ત્યારે તો લાગેલું કે આ કોઈ ડિટર્જન્ટ પાઉડરની ઍડ છે! એટલે જ બધાના હાથમાં રહેલા મગમાંથી ફીણ નીકળે છે. બચ્ચન કિમી કાટકરને બોલાવે છે કે, ‘ગયા અઠવાડિયે તેં મારાં મેલાંઘેલાં કપડાં ધોઈ દેવાનું કહેલું, હવે તું જલ્દી આવ અને આ ગાભાં ધોઈ દે, જો હું નવો ડિટર્જન્ટ પાઉડર પણ લાવ્યો છું, ખુશ્બુદાર ઝાગવાલા.’ ત્યાં કિમી કાટકર પોતાનો ઘાઘરો ઉલાળતી આવીને કહે છે કે, ‘હું કંઈ નવરી બેઠી છું? આ મારો ઘાઘરો ધોઉં કે તારાં મસોતાં જેવાં લૂગડાં ધોઉં? ને આ આખી જાન જોડીને આવ્યો છો તે મેં કંઈ ધોબીઘાટ ખોલ્યો છે?!’ પછી ક્લિયર થયું કે આ તો જુમ્માબેન પાસેથી ગાભા કાઢી નાખે એવા ચુમ્મા માગી રહ્યો છે! એ વખતે ‘બધા ભારતીયો મારાં ભાઈ-બહેન છે’વાળા ટાઇમમાંય તે એટલું તો સમજાઈ ગયેલું કે આમાં અમિતાભ જે રીતે પેલ્વિક થ્રસ્ટ કરે છે અને કિમી કાટકર જે રીતે ઘાઘરો 90 અંશના ખૂણે ઉલાળે છે, એનો અર્થ કંઇક ભળતો જ થાય છે! એ અમારા ‘સ.ઉ.ઉ.કાર્ય’ના સિલેબસની બહારનો વિષય હતો! (એ ગીતમાં જે રીતે કિમી કાટકર સિક્કો પોતાના સૅન્ડલ નીચે દબાવી દે છે અને બચ્ચન પોતાના પૅન્ટની અંદર ઝીલી લે છે, એ દૃશ્ય અત્યારના અસહિષ્ણુ ટાઇમમાં ફિલ્માવાયું હોય તો હાહાકાર મચી જાય!)

***

અર્લી નાઇન્ટીઝમાં એટલું તો અમારા વાંચવામાં આવેલું કે અમિતાભ બચ્ચને ‘જુમ્મા ચુમ્મા ઇન લંડન’ નામનો ધમાકેદાર કૉન્સર્ટ કરેલો. વર્ષો પછી સાત સમુંદર પારથી ઇન્ટરનેટ નામનો જાદુઈ ચિરાગ અમારી પાસે આવ્યો અને રાતોની રાતો જાગીને અમે મનગમતાં મોતી ઊલેચવા માંડ્યાં. ત્યારે દિમાગમાં ‘ટોઇંગ’ થયું કે હાઇલા, આ ‘તમ્મા તમ્મા’ ને ‘જુમ્મા ચુમ્મા’ બંને તો આયાતી માલ છે! વેસ્ટ આફ્રિકન દેશ ગિનીના સિંગર મોરી કાન્તેના ‘અકવાબા બીચ’ આલ્બમનાં ‘યે કે યે કે’ અને ‘તમા તમા લોગે તમા’ની બેઠ્ઠી ઉઠાંતરી છે. તેમ છતાં આપણા ગ્રેટ બૉલિવૂડની બલિહારી જુઓ એ વખતે આ ગીત કોણે પહેલાં બનાવ્યું એની કોન્ટ્રોવર્સી સર્જાયેલી! લક્ષ્મીકાંત-પ્યારેલાલની છાવણી કહે કે અમારું ‘જુમ્મા ચુમ્મા’ પહેલાં સર્જાયેલું, જ્યારે બપ્પી લાહિરી કહે કે, ‘ના, હમ તમ્મા તમ્મા ગાન પહેલે બનાયા. લક્ષ્મીકાંત-પ્યારેલાલ હમારા ગાન કૉપી કિયા…’ યાને કે કોણે પહેલાં ચોરી કરી એ બાબતે પણ વિવાદ! સો રી ટુ સે, પણ અત્યારે હાઇન્ડસાઇટમાં જોઇએ તો એવું જ લાગે કે આ તો દુકાળગ્રસ્ત એરિયામાં ફૂડપૅકેટની ઝૂંટાઝૂંટ જેવો જ મામલો છે. આ કોન્ટ્રોવર્સી અંગે ‘યુટ્યુબ’માં અમિતાભ બચ્ચનની પણ એ વખતની એક બાઇટ અવેલેબલ છે, જેમાં એ પોતાની ચિત-પરિચિત પોલિટિકલી કરેક્ટ સ્ટાઇલમાં ડિપ્લોમેટિક આન્સર આપે છે (અને બંને હિન્દી ગીત ચોરાઉ માલ હતો એ મુદ્દો સફાઈથી ચાતરી જાય છે).

***

પછી તો મેં મારા ફેવરિટ ટાઇમપાસ તરીકે આ ગીતોની ઉઠાંતરીનાં અને તેની સાથેની રસપ્રદ વિગતોનાં શક્ય તેટલાં રેકોર્ડ્સ એકઠા કર્યા. સમય હોય તો એ બધા વન બાય વન જોવા-સાંભળવાની મજા પડે તેમ છે. સૌથી પહેલાં આપણાં બંને હિન્દી સુપર ડુપર હીટ ‘ઑરિજિનલ’ સોંગ્સ જોઈ લોઃ

‘જુમ્મા ચુમ્મા દે દે’ (ફિલ્મઃ હમ, અમિતાભ બચ્ચન, કિમી કાટકર)

‘તમ્મા તમ્મા લોગે’ (ફિલ્મઃ થાનેદાર, સંજય દત્ત, માધુરી દીક્ષિત)

આ બંને ગીત જેના પરથી ‘ઇન્સ્પાયર્ડ’ છે તે ખરેખર ઑરિજિનલ ગીત
‘તમા તમા લોગે તમા’ (મોરી કાન્તે)

‘યે કે યે કે’ (મોરી કાન્તે)

‘યે કે યે કે’ (મોરી કાન્તે, મ્યુઝિક વીડિયો વર્ઝન)

***

આ પાંચ ગીતો સાંભળ્યા પછી એટલો ખ્યાલ આવશે કે એક તો પાંચેય સોંગ્સ સરખાં જ મસ્ત છે. ગમે તેવા ઔરંગઝેબને થિરકવા પર મજબૂર કરી દે તેવાં. બીજું, આપણાં બંને હિન્દી ગીતોમાં અમેઝિંગ કોરિયોગ્રાફી-ડાન્સ છે. અમિતાભ બચ્ચનનો તો આખા કરિયરનો વન ઑફ ધ બેસ્ટ હાઈ ઍનર્જી ડાન્સ છે ‘જુમ્મા ચુમ્મા’ ગીતમાં. જૂની લિંક્સ ઊલેચતાં માલુમ પડે છે કે કોરિયોગ્રાફર સરોજ ખાનને સંજય દત્તને નચાવતાં નાકે દમ આવી ગયેલો અને કંઇક ૪૮ રિટેક થયેલાં. એમાંય ‘તમ્મા તમ્મા’ સોંગમાં (બરાબર 4-01 મિનિટથી 4-46 મિનિટ સુધી ચાલતી 45 સેકન્ડની) ખુરશીવાળી સિંગલ ટેક સિક્વન્સમાં છેક સુધી સંજય દત્તને ટપ્પી પડી નહીં. આખરે સંકટ સમયની સાંકળ તરીકે સુપર્બ ડાન્સર એવા જાવેદ જાફરીને બોલાવાયો અને એણે આ સિક્વન્સ ફટ્ટાક સે ઓકે કરી આપી એ જાણીતી વાત છે. એટલી સિક્વન્સ પૂરતો જાવેદ જાફરી સંજય દત્તનો બૉડી ડબલ છે એટલે જ એટલો પોર્શન ‘લોંગ શૉટ’માં (દૂરથી) જ શૂટ થયો છે. વધુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એ સિક્વન્સ બેઠ્ઠી જૅનેટ જેક્સનનાં ‘મિસ યુ મચ’માંથી સરોજબેને બેઠ્ઠી તફડાવી લીધી છે. સીધી વાત છે, ‘થાનેદાર’ પોતે તમિલ-તેલુગુ ફિલ્મની ‘રિમેક’ હોય, ગીત ઉઠાંતરી હોય, તો ડાન્સ શા માટે રહી જાય?

આ રહી જૅનેટ જેક્સનના ‘મિસ યુ મચ’ સોંગની ચેર રુટિન સિક્વન્સઃ

(જૅનેટના સોંગમાં ઑડિયન્સમાંથી પુછાય છે, ‘ધેટ્સ ઇટ?’ તો ‘તમ્મા તમ્મા’માં પણ પુછાય છે, ‘એય, ખતમ હો ગયા ક્યા?’ બોલે તો, કમ્પ્લિટ ચિપકાઓઇંગ!)

‘જુમ્મા ચુમ્મા’ વર્સસ ‘તમ્મા તમ્મા’માં એટલું સમજાય છે કે લક્ષ્મી-પ્યારેએ નવું લાગે તેવું ગીત સર્જવાની મહેનત કરી છે. જ્યારે બપ્પીદાએ બે ગીતોનું મિક્સિંગ જ કર્યું છે. પરંતુ પોતાના ગીત બાબતે એ લોકો કેવા ઉત્સાહી હશે કે ‘તમ્મા તમ્મા લોગે’ના રેકોર્ડિંગ વખતનો વ્યવસ્થિત વીડિયો પણ શૂટ કરાયો છે. એમાં નવાં નવાં આવેલાં કમ્પ્યુટરને કેવી દિલકશીથી ડિસ્પ્લે કરાયાં છે તે જુઓ. એ પણ માર્ક કરો કે આવું ધમ્માલ સોંગ પણ અનુરાધા પૌંડવાલ કેવી ભક્તિગીતની નિઃસ્પૃહતાથી ગાઈ શકે છે!

‘તમ્મા તમ્મા લોગે’ના રેકોર્ડિંગનો વીડિયો

***

વધુ ખણખોદ કરતાં એવું પણ જાણવા મળ્યું કે ‘જુમ્મા ચુમ્મા’ સોંગમાં ‘ચુમ્મા દે, દે દે ચુમ્મા’ ઝિલાય છે, તેના પર વધુ એક વિદેશી ગીતની અસર છે. ઍડી ગ્રાન્ટ નામના બ્રિટિશ ગાયકના ઈ.સ. 1978ના ગીત ‘ગિવ મી હૉપ, જોઆના’નું મુખડું એ જ ઢાળમાં ગવાયેલું છે (‘ચુમ્મા દે, દે દે ચુમ્મા’ને બદલે ‘ગિવ મી હૉપ, જોઆના’ મૂકીને ગાઈ જુઓ!) ઑરિજિનલ ગીતની લિંક પર ક્લિક કરીને સાંભળી જ લોઃ

‘ગિવ મી હૉપ, જોઆના’ (ઍડી ગ્રાન્ટ) (0-45 સેકન્ડથી એ લાઇન આવે છે)

***

મોરી કાન્તેનું ‘યે કે યે કે’ ગીત મુકુલ એસ. આનંદના જ અમિતાભ સ્ટારર ‘અગ્નિપથ’માં પણ વાપરવામાં આવેલું. વિજય દીનાનાથ ચૌહાણ જ્યારે કાંચા ચીના સાથે ‘બિઝનેસ ડીલ’ કરવા મૉરેશિયસ જાય છે, તે વખતે બૅકગ્રાઉન્ડમાં આ ગીત સિમ્પ્લી પ્લે જ કરી દીધું છે. હેવ અ લુક…

***

ઉઠાઉ ગીતો, પ્લેજરિઝમ-ઇન્સ્પિરેશનની વાત નીકળે અને અન્નુ મલિકનું નામ ન લઇએ એ તો કેમ ચાલે?! ‘બાઝીગર’ના સુપરહીટ સોંગ ‘યે કાલી કાલી આંખે’માં (એક્ઝેક્ટ 5-18મી મિનિટથી) આવતું કોરસગાન ‘યા યા યા યા યય્યા…’ પણ ડિટ્ટો ‘યે કે યે કે’ના જ ઢાળમાં છે. નીચેની લિંક ક્લિક કરીને ચૅક કરી જુઓ.

‘યે કાલી કાલી આંખે’ ગીતમાં સતત ગવાતી ‘તુ રુ રુ… તુ રુ રુ’ લાઇન ડીન માર્ટિનના 1957ના ગીત ‘ધ મેન હુ પ્લેય્સ ધ મેન્ડોલિનો’માંથી લીધેલી છે અને આખું બાઝીગર મુવી ‘અ કિસ બિફોર ડાઇંગ’ની ઇન્ડિયન ઍડિશન છે એ પાછી અલગ વાત થઈ.

‘ધ મેન હુ પ્લેય્સ ધ મેન્ડોલિનો’ (ડીન માર્ટિન)

***

‘હમ’નું જ બીજું એક અત્યંત જાણીતું ગીત ‘એકદુસરે સે કરતે હૈં પ્યાર હમ’ પણ આ જ મોરી કાન્તેના ‘અકવાબા બીચ’ના જ બીજા એક ગીત ‘Inch’ Allah’થી પૂરેપૂરું ‘પ્રેરિત’ છે.

‘Inch’ Allah’ (મોરી કાન્તે)

***

હિન્દી ફિલ્મોની ઉઠાંતરીની આખી દાસ્તાન જ્યાં આલેખાયેલી છે તે પ્રસિદ્ધ વેબસાઇટ itwofs.comમાં આંટો મારતાં અમને જાણવા મળ્યું કે ‘મોરી કાન્તે’ના ‘યે કે યે કે’નું એક સાઉથ ઇન્ડિયન વર્ઝન પણ છે. 1997માં આવેલી વેંકટેશ-અંજલા ઝવેરી (‘પ્યાર કિયા તો ડરના ક્યા’માં અરબાઝ ખાનની અપોઝિટ હતી એ)ની તેલુગુ ફિલ્મ ‘પ્રેમીંચુકુંદમ રા’નું એક ગીત પણ આ ‘યે કે યે કે’ને જરા મોડિફાય કરીને બનાવાયું છે. એ પણ સાંભળી લો ભેગાભેગું…

***

અમિતાભના ‘જુમ્મા ચુમ્મા’નો ક્રેઝ એવો જબરદસ્ત હતો કે ઍડવર્ટાઇઝિંગ પણ એમાંથી બાકાત નહોતું. અમિતાભના જ ડુપ્લિકેટને લઇને એ ‘જુમ્મા ચુમ્મા’ના ઢાળમાં ‘તુલસી મિક્સ આયા… લો અસલી મઝા લાયા તુલસી મિક્સ’ જિંગલ ધરાવતી ઍડ ‘દૂરદર્શન’માં આવતી થયેલી (એ વખતે અત્યારના જેવી સરોગેટ ઍડ્સનો ત્રાસ નહોતો, એટલે સીધું ‘તુલસી મિક્સ ગુટખા’ તરીકે જ માર્કેટિંગ થતું હતું). ઇવન ‘અમુલ’ના ‘અટર્લી બટર્લી’ કેમ્પેઇને પણ આ ગીતના ક્રેઝની નોંધ લઇને એક પોતાની સ્ટાઇલમાં એક હૉર્ડિંગ બનાવેલું. આ રહ્યું એ કાર્ટૂનઃ

amul-hits-1074

***

આમ તો ‘તમ્મા તમ્મા’ અને ‘જુમ્મા ચુમ્મા’ની ‘પ્રેરણા’ કથા એટલી ફેમસ છે કે એની વાત જ ન કરવાની હોય. તેમ છતાં આ પારાયણ માંડવાનો એક હેતુ અમારી પોતાની ખુજલી ઉપરાંત વો ભૂલી દાસ્તાં ફિર સે યાદ કરાવવાનો છે. સાથોસાથ એ કહેવાનો પણ છે કે આવાં બાદશાહ-તનિશ્ક બાગચી એટસેટરાનાં વર્ઝનો કરતાં ક્યાંય વધુ તોફાની, વધુ રોમેન્ટિક, વધુ સારા ડાન્સ સાથે ઑલરેડી આવી ચૂક્યાં છે એ કોઈ ન ભૂલે.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ડિયર ઝિંદગી

દાસ્તાન-એ-ઝિંદગી

***

અઢી કલાકની ‘ડિયર ઝિંદગી’ કોઈ ફિલ્મ કરતાં એક સાઇકાયટ્રિસ્ટના લાંબા સૅશન જેવી વધારે લાગે છે.

***

પૃથ્વીના નકશા પર જે દેશનું નામ શોધવું પણ અઘરું પડે એવા કોઈ દેશમાંથી આવેલી ફિલ્મ કોઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચાલતી હોય. ફિલ્મ આમ સરસ હોય, પણ પડદા પર ખાસ કશું બનતું ન હોય. તેનાં મુખ્ય પાત્રો પણ જાણે વડાપ્રધાન સાથે મીટિંગ કરવા આવ્યાં હોય તેમ વાતો જ કર્યે જતા હોય. તમને અંદરથી થતું હોય કે ‘હા ભઈ, સમજી ગયા. હવે આગળ વધો ને’, પણ ડિરેક્ટર તો પાણી પર તરતી મૂકેલી કાગળની હોડીની સ્પીડમાં જ ફિલ્મ આગળ ધપાવવાના મૂડમાં હોય. છતાં બે અઢી કલાકે ફિલ્મ પતે પછી ઠીકઠાક સંતોષ પણ થાય કે ચલો જીવનમાં ક્યાંક કામ લાગે એવું જાણવા તો મળ્યું. ગૌરી શિંદેની ‘ડિયર ઝિંદગી’ ડિટ્ટો આવી જ ફિલ્મ છે. ઇવન કોઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવાનાં અરમાન હોય તેમ આ ફિલ્મમાં અંગ્રેજી સબટાઇટલ્સ પણ ઉમેરવામાં આવ્યાં છે.

ઝૂમ ઇન દર્દ

કાયરા (આલિયા ભટ્ટ) એક ટેલેન્ટેડ સ્ટ્રગલિંગ સિનેમેટોગ્રાફર છે. કેમેરાની ફ્રેમમાં એને પર્ફેક્ટ દૃશ્ય પકડતાં આવડે છે, પણ જ્યાં વાત પોતાની લાઇફ પર ફોકસ કરવાની આવે ત્યાં પીડા અને દર્દ જ ઝૂમ ઇન થયા કરે. આવી એક દર્દીલી અવસ્થામાં એ પોતાના ઘરે ગોવા રિટર્ન થાય છે. ત્યાં એને થાય છે કે આ જૂની પીડાનું પોટલું માથે લઇને ફરવા કરતાં એક સારા સાઇકાયટ્રિસ્ટને બતાવીએ તો સમું પડે એમ છે. એટલે એ પહોંચી જાય છે ડૉ. જહાંગીર ખાન (શાહરુખ ખાન) પાસે. જહાંગીર અલગ અલગ સૅશનમાં બહુ ધીરજથી કાયરાની વાતો સાંભળે છે, પોતાની રમતિયાળ સ્ટાઇલોમાં એની અંદરના જૂના ઘા સાફ કરીને તેના પર મલમ લગાવે છે. અમુક સેશન્સ પછી એક નવી જ કાયરા બહાર આવે છે, જે કોન્ફિડન્ટ છે અને ડિયર ઝિંદગી સાથે દો દો હાથ કરવા માટે તૈયાર છે.

ઍન્ટર ધ લાઇફ

સિનેમાનો એક બૅઝિક નિયમ છે, ‘શૉ, ડૉન્ટ ટૅલ.’ મતલબ કે તમારી પાસે કેમેરા છે તો દૃશ્યને બોલવા દો ને, પાત્રોએ આખો વખત ચપડ ચપડ કરવાની ક્યાં જરૂર છે? ‘ડિયર ઝિંદગી’ જોયા પછી પહેલો સવાલ આ જ થાય. ફિલ્મનો મોટા ભાગનો સમય શાહરુખ- ધ સાઇકાયટ્રિસ્ટ અને આલિયા- ધ બ્રોકનહાર્ટ-ઇન્સોમ્નિઍક-ડિપ્રેસ્ડ પૅશન્ટ વચ્ચેના કાઉન્સેલિંગમાં જ પસાર થાય છે. જાણે કોઈ મનોચિકિત્સકની ક્લિનિકની અંદર કેમેરા મૂકી દીધો હોય એવી જ ફીલ આવ્યા કરે. દિગ્દર્શિકા ગૌરી શિંદેએ પોતાના કોઈ સાઇકાયટ્રિસ્ટ મિત્ર સાથેની વાતો પરથી કે પોતાના અનુભવો પરથી બનાવી હોય એ હદે આ ફિલ્મમાંથી આત્મીયતા ઝલકે છે. ફિલ્મમાં કાયરા પોતાનાં બાળપણના અનુભવોને કારણે એક કોશેટામાં પુરાઈ ગઈ છે અને હવે સતત એક બીકમાં ફર્યા કરે છે. ડૉ. જહાંગીર ખાન ઝાડની ડાળીમાં ફસાયેલી પતંગની માવજતથી કાયરાને તે કોશેટામાંથી બહાર કાઢે છે અને પોતાના આકાશમાં મુક્ત કરે છે. આ ફિલ્મનું પૅકેજિંગ, પાત્રો, એમની વચ્ચેની વાતચીત, એમની લાઇફસ્ટાઇલ બધું જ હાડોહાડ અર્બન છે. કાયરા અત્યારના અર્બન યુથનું પ્રતિનિધિત્વ કરે છે. એવું યુથ જે સતત લવ-બ્રેકઅપ્સનાં અપડાઉનમાં ફસાયેલું છે. એટલે પોતાની અંદર આ પ્રકારનું દર્દ લઇને ફરતા લોકોને આ ફિલ્મમાં પિરસાયેલું જ્ઞાન અપીલ કરી શકે. ઘટનાઓને બદલે માત્ર ફિલોસોફિકલ વાતચીત જ હોવા છતાં પોતાની લવલાઇફ કે ભૂતકાળની લાઇફથી પરેશાન લોકો આ ફિલ્મને બાબાજીના પ્રેરકવચનની જેમ ગળે ઉતારી જાય. પરંતુ બાકીના લોકો સતત ધીમે ધીમે ચાલ્યા કરતી આ પ્રવચનમાળાથી કંટાળી જાય એવું પણ બનશે.

ભૂતકાળની કડવી યાદોમાંથી કેવી રીતે બહાર નીકળવું, પોતાની જાતને-પોતાનાં માતાપિતાને કે આપણને નુકસાન પહોંચાડનારા તમામ લોકોને માફ કરીને કઈ રીતે આગળ વધવું, જેમ શરીરને ડૉક્ટરની જરૂર પડે તેમ મનને પણ ડૉક્ટરની જરૂર પડે અને તેમાં કશી જ શરમ જેવી વાત નથી એવી કેટલીયે વાતો માત્ર બોલીને સમજાવવાને બદલે કંઇક નવી જ સ્ટાઇલમાં પ્રેક્ટિકલી કરી બતાવી હોત તો ફિલ્મ ક્યાંય રસપ્રદ બની જાત. ભૂતકાળમાં બાસુ ચૅટર્જીની ‘છોટી સી બાત’માં, રાજકુમાર હિરાણીની ‘મુન્નાભાઈ’ અને ‘3 ઇડિયટ્સ’માં આ વસ્તુ બહુ અસરકારક રીતે ઍક્ઝિક્યુટ થઈ હતી.

અર્બન અને ઑફબીટ એવી આ ફિલ્મ ઇન્ટરેસ્ટિંગ બની છે, તેનો સૌથી મોટો શ્રેય આલિયાને આપવો પડે. એના કૅરેક્ટરમાં ઇન્સિક્યોરિટી, પ્રેમી તરીકે એક સિક્યોર વ્યક્તિનો સાથ મેળવવાની ઝંખના, ડિપ્રેશન, ઊંડે ધરબાયેલો ગુસ્સો, મહત્ત્વાકાંક્ષા, ઉદ્ધતાઈ, ચીડિયાપણું, સમાજના દંભ સામે અકળામણ એવા કેટલાય શૅડ્સ છે, અને એ છોકરીએ બધી જ ફીલિંગ્સને જબરદસ્ત કાબેલિયતથી વ્યક્ત કરી બતાવી છે. પોતાના બાળપણની વાત કહેતો એનો એક લાંબો મોનોલોગ, ‘હાઇવે’ ફિલ્મની યાદ અપાવતો એનો ગુસ્સાનો જ્વાળામુખી ફાટતી વખતનો સીન જેવાં કેટલાંય દૃશ્યોમાં એની એક્ટિંગ જુઓ તો આલિયાના નામનો એક પણ જોક ફોરવર્ડ કરવાની ઇચ્છા ન થાય. સામે પક્ષે શાહરુખે પણ ફાલતુ હીરોગીરીમાંથી વેલકમ બ્રેક લઇને આવો પર્ફોર્મન્સ ઓરિએન્ટેડ રોલ કર્યો છે, જે એની ઉંમર અને પર્સનાલિટી બંનેને એકદમ ટૅલરમૅડ સૂટ કરે છે. લોકોને ગમે કે ન ગમે તે પછીની વાત છે, પરંતુ લીડ સ્ટાર્સ સાથે આવી ઍક્સપરિમેન્ટલ ફિલ્મ બને તે બદલ પણ બ્રૅવરી અવૉર્ડ આપવો પડે.

‘ડિયર ઝિંદગી’ની સપોર્ટિંગ કાસ્ટ પણ એકદમ હુંફાળી છે. ખાસ કરીને કાયરાની બહેનપણીઓ બનતી ‘આઇશા’ ફેમ ઇરા દુબે અને ‘ફોબિયા’ ફેમ યશસ્વિની દાયમા યંગસ્ટર્સને ચ્યુઇંગમની જેમ ચિપકી જશે. કેમકે, એકદમ નૅચરલ ઍક્ટિંગ ઉપરાંત ચૅટિંગની ભાષામાં એમની વાતચીત, ‘કોકો’, ‘જૅકી’, ‘ફૅટી’ જેવાં એમનાં ફન્કી નિકનૅમ બધું યંગસ્ટર્સને અપનેવાલેની ફીલ આપે તેવું જ છે. થોડાક મૅલ શોવિનિસ્ટ શૅડ ધરાવતા પાત્રમાં પોની ટેઇલ્ડ કુણાલ કપૂર ઘણા સમયે નોંધપાત્ર ફિલ્મમાં દેખાયો છે. ફિલ્મની શરૂઆતમાં સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતું ડિસ્ક્લેમર દેખાય એટલે શંકા જાય કે આ ફિલ્મમાં કોઈ પાકિસ્તાની ઍક્ટર હોવો જોઇએ. ત્યાં જ ગિટાર ખખડાવતો અલી ઝફર દેખાય. અલબત્ત, એણે ગાયેલું ‘તારીફોં સે તૂ નહીં માનનેવાલી’ ગીત ખરેખર સરસ છે. થૅન્ક્સ ટુ, સંગીતકાર અમિત ત્રિવેદી અને ગીતકાર કૌસર મુનીર.

ગૌરી-બાલ્કી દંપતી ઍડ્વર્ટાઇઝિંગ વર્લ્ડમાંથી આવે છે. એટલે જ બડી ચાલાકીથી એ બંને પોતાની ફિલ્મોમાં પ્રોડક્ટ મૂકી દે છે. અહીં પણ ત્રણ ઠેકાણે ઈ-કોમર્સ સાઇટ ‘ઇ-બે’નું બેશરમ પ્રોડક્ટ પ્લેસમેન્ટ છે (જસ્ટ એ બતાવવા માટે કે આલિયા કમ્પલ્સિવ બાયર બની ગઈ છે, એ પ્લેનમાં બેઠાં બેઠાં ઈ-બે પરથી વસ્તુઓ ઑર્ડર કરે, ઘરે પહોંચે ત્યાં સુધીમાં આવી પણ જાય. એટલું જ નહીં, પાછળથી ઈ-બેમાંથી કસ્ટમર સેટિસ્ફેક્શનનો ફોન પણ આવે! વાહ! હા, નવી આવેલી બુકને જે રીતે આલિયા સૂંઘે છે એ આપણને ગમ્યું!). એક ઠેકાણે તો ‘ઇરોસ’માં પોતાની જ ‘કી એન્ડ કા’ ચાલતી દેખાય છે અને એક ડાયલોગમાં ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ શબ્દપ્રયોગ પણ થયો છે. આવું બધું શોધવાનો પુષ્કળ ટાઇમ મળી રહે છે કેમકે ફિલ્મ અઢી કલાકની તોતિંગ લંબાઈ ધરાવે છે.

વેલકમ ઝિંદગી

‘ડિયર ઝિંદગી’ ફિલ્મ તરીકે તો ખાસ્સી ધીમી, પ્રીડિક્ટેબલ અને ઍવરેજ છે. અગાઉ ન કહેવાઈ હોય તેવી કોઈ નવી વાત પણ તેમાં નથી. પરંતુ તમને તે કેવીક ગમે છે તે તમારી પોતાની મનોસ્થિતિ, ટેસ્ટ અને ધીરજ પર આધાર રાખે છે. મંજે એક વખત આ ફિલ્મને તક આપવામાં કોઈ જ વાંધો નથી. કોને ખબર તમને પણ જૂના ઘાવ ભરવાનો મલમ કે આગળ વધવા માટેની પાંખો આ ફિલ્મમાંથી જડી આવે? કંઈ નહીં તો બ્યુટિફુલ લૉકેશન્સ જોઇને ગોવાની ટિકિટ કઢાવવાની તો ઇચ્છા થઈ જ આવશે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ઉડતા પંજાબ

કોલમઃ ફિલ્મ રિવ્યૂ

ફિલ્મઃ ઉડતા પંજાબ

હેડિંગઃ નસોમાં દોડતું ઝેર

ઇન્ટ્રોઃ આ ફિલ્મ અફલાતૂન, ડાર્ક, વિકરાળ, ક્રૂર, સુપર્બ ઍક્ટિંગ અને મ્યુઝિકથી છલોછલ છે તેમાં કશો જ વિવાદ નથી.

ડિરેક્ટર અભિષેક ચૌબેની ‘ઉડતા પંજાબ’માં એક દૃશ્ય છે. ડ્રગ્સના બંધાણી રૉકસ્ટાર શાહિદ કપૂરને પોલીસે જેલમાં ઠૂંસ્યો છે. Udta_Punjabએ જ કોટડીમાં પુરાયેલા કેદીઓમાં બે ટીનેજરો પણ છે. પોતાના ફેવરિટ સ્ટારને જેલમાં જોઇને એ છોકરાવ એનું જ ગીત ગાય છે અને કહે છે કે, ‘તમારાં ગીતો સાંભળીને જ તો અમે ડ્રગ્સના શૉટ મારતા શીખ્યા છીએ.’ પછી જ્યારે એમનો ગુનો સાંભળે છે ત્યારે રૉકસ્ટારની આંખો ફાટી જાય છે. નશાની ઉન્માદી દુનિયામાંથી એ સીધો જ વાસ્તવિકતાની ધરતી પર ઊંધે કાંધ પટકાય છે. પહેલીવાર એને ભાન થાય છે કે એણે પોતાનું તો ઠીક એક આખી પેઢીનું કેટલું મોટું નખ્ખોદ વાળ્યું છે.

ભલું થજો હાઈ કૉર્ટનું કે આપણને એક નાનકડા કટ અને ત્રણ ડિસ્ક્લેમરને બાદ કરતાં આખી અકબંધ ફિલ્મ જોવા મળી. પ્રોડ્યુસર અનુરાગ કશ્યપે આ ફિલ્મને આપણા સુધી પેટીપેક ફિલ્મ પહોંચાડવા માટે જે ધમપછાડા કર્યા તે હવે દુનિયા જાણે છે. ફિલ્મ જોયા પછી ખબર પડે કે એ તમામ ધમપછાડા યોગ્ય જ હતા. આ ફિલ્મથી સૌથી સારી વાત એ થઈ કે પંજાબમાં ડ્રગ્સનો આટલો મોટો દાનવ ફૂંફાડા મારે છે તેની આખા દેશને ખબર પડી.

નશા નશા, નશે મેં હમ

એક તરફ છે ટૉમી સિંઘ ઉર્ફ ગબરુ (શાહિદ કપૂર). પંજાબનો રૉકસ્ટાર (યો યો હની સિંઘ?!). નસકોરાંમાં ડ્રગ્સની ભૂકી જાય પછી જ એને સ્ટેજ પર જઇને તરખાટ મચાવવાનું ઝનૂન ચડે. બીજી બાજુ છે, પંજાબમાં ખેતમજૂરી કરતી એક બિહારી છોકરી (આલિયા ભટ્ટ). પાકિસ્તાન બૉર્ડર પાસેથી એના હાથમાં ત્રણ કિલોગ્રામ હેરોઇનનું પૅકેટ આવી ચડ્યું. એ જોઇને લાલચ થઈ કે આ પૅકેટ વેચી મારું તો બધાં દુઃખોનો એકઝાટકે અંત આવી જાય. ત્રીજા મોરચે છે કરપ્ટ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સરતાજ સિંઘ (દિલજિત દોસાંજ). પોતાનો દસ હજાર રૂપિયાનો કટ લઇને ગમે તેવી ડ્રગ્સ ભરેલી ટ્રકને જવા દે.

આ ડ્રગ્સ જ ત્રણેયની લાઇફની વાટ લગાડે છે. પોલીસનો પોલાદી પંજો પડ્યો કે ગબરુની આબરુનો ભાજીપાલો થઈ ગયો. ભાગવા માટે એને પંજાબ નાનું થઈ પડ્યું. ડ્રગ્સનો સોદો કરવા જતાં બિહારીબાળા ડ્રગ્સનાં ગીધડાંની અડફેટે આવી ગઈ. ડ્રગ્સ ભરેલી જે ટ્રકોને સરતાજ જવા દેતો, એનો નાનો ભાઈ એ જ ડ્રગ્સનો બંધાણી બની ગયો. ભલું થજો કે ડૉ. પ્રીત સાહની (કરીના કપૂર)નું કે એના ભાઈનો જીવ જતાં સહેજમાં અટક્યો. કોણ છે આ ડ્રગ્સના કારોબારની પાછળ? ડ્રગ્સના દલદલમાં ફસાયેલાં આ પાત્રો સાંગોપાંગ તેમાંથી નીકળી શકશે ખરાં?

નશાની પાંખો, પતનનું પાતાળ

પંજાબ કઈ હદ સુધી નશાની ચુંગાલમાં છે તે બતાવતી એક અફલાતૂન ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘ગ્લટ’ પાંચ વર્ષ પહેલાં આવેલી. તેમાં હતી તે તમામ વાતો કાબેલ ડિરેક્ટર અભિષેક ચૌબે અહીં માત્ર એક જ ગીતમાં બતાવી દે છે. કેવી રીતે પાકિસ્તાનથી બૉર્ડર કુદાવીને ડ્રગ્સનાં પૅકેટ ભારતમાં ફેંકાય છે, કૅરિયર તરીકે ઓળખાતા માણસો તેને લઇને આગળ વહેતું કરે છે, તે ડ્રગ્સ પંજાબનાં યુવાનોની નસોમાં પહોંચે છે. રાજ્યના ખૂણેખાંચરે લોકો એના નશામાં પડ્યા રહે છે. પોલીસ, ઇન્ટેલિજન્સ, રાજકારણીઓની આમાં મિલીભગત છે અને આ જ ડ્રગ્સ ચૂંટણી જીતવાનું એક હથિયાર બની રહ્યું છે. ઠેરઠેર ગેરકાયદે ફાર્મસીઓમાં પ્રતિબંધિત દવાઓ વેચાય છે, તો બીજી બાજુ રિહેબિલિટેશન સેન્ટરોમાં બંધાણીઓ જાત સામેનો જંગ લડે છે. ચાર મિનિટના ગીતમાં એકેય શબ્દ બોલ્યા વિના આ બધું જ આપણને ધડાધડ સમજાઈ જાય છે.

આ ફિલ્મમૅકિંગનો જ કમાલ છે કે એકસાથે ત્રણ સ્ટોરી પૅરેલલ ચાલતી હોવા છતાં ક્યાંય કોઈ કન્ફ્યુઝન અનુભવાતી નથી. ડિરેક્ટરે આપણને યશ ચોપરાની ફિલ્મો જેવું રોમેન્ટિક પંજાબ બતાવવાને બદલે તેનો એકદમ રિયલિસ્ટિક અને ક્રૂર ચહેરો બતાવ્યો છે. લોકો ઇન્જેક્શનથી પોતાની નસોમાં ઝેર ભરતા હોય, રાજકારણીઓ આ નશાનો પોતાની સત્તા મેળવવા અને ટકાવી રાખવા માટે ઉપયોગ કરતા હોય, પોલીસને પણ માત્ર પોતાની કટકીમાં જ રસ હોય, સ્ત્રીનું બેફામ શોષણ થતું હોય, ખુલ્લેઆમ દારૂ પીવાતો હોય… આ ફિલ્મ તમને ક્યાંય ગુડી ગુડી રાહત આપવાનો પ્રયાસ કરતી નથી. ક્યાંક અત્યંત ક્રૂર હિંસા, ક્યાંક માત્ર શર્ટ ઉતારવાના દૃશ્યથી સ્ત્રીના શોષણની વાત, બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વગર ચાલતો ખૂની ખેલ, ચૂંટણીની સભાઓમાં ચાલતું નાચ-ગાનનું સર્કસ અને ડ્રગ્સનાબૂદીની ખોખલી વાતો, આવા તો કેટલાય સીન છે જ્યાં કેમેરા ફરે અને આંખ સામે આવતી રિયાલિટી જોઇને અકળામણ થવા માંડે. ડ્રગ્સ લોહીમાં ભળે અને પછી જે માનસિક સ્થિતિ થાય અથવા તો ડ્રગ્સના અભાવે વિથડ્રોઅલ સિમ્પ્ટમ્સ આવે એ પણ આબેહૂબ ઝિલાયું છે.

‘ઉડતા પંજાબ’નું સૌથી સ્ટ્રોંગ પાસું છે તેના કલાકારોની પાવરપૅક્ડ એક્ટિંગ. સતત ડ્રગ્સના નશામાં ચૂર રહેતા શાહિદને જોઇને એક સૅકન્ડ માટે પણ તે સોબર હોય તેવું લાગે નહીં. એનું અચાનક હાઇપર થઈ જવું, આંખો પહોળી કરીને જોવું, લવારીએ ચડી જવું, નશામાં સ્ટેજ પર પર્ફોર્મ કરવું, મોનોલોગ બોલવો… ‘હૈદર’ પછીની આ શાહિદની બેસ્ટ એક્ટિંગ છે. શાહિદ કરતાંય પાંચ માર્ક વધારે આપવા પડે આલિયા ભટ્ટને. એક તો જે પ્રકારનો ડિગ્લેમરસ અને પોતાના પર થતા અબ્યુઝવાળો રોલ એણે સ્વીકાર્યો છે એટલા ખાતર જ એની હિંમતને દાદ દેવી પડે. બધા જ સીનમાં આલિયા અફલાતૂન રહી છે. ડિરેક્ટરે માત્ર કેમેરાના એક જ ઍન્ગલથી આલિયાના ભૂતકાળની જે હિન્ટ આપી છે માર્ક કરવા જેવું છે. ફિલ્મમાં ક્યાંય આલિયા પાત્રનું નામ ખોંખારીને બોલાતું નથી. છેલ્લે એ હસીને કહે છે, ‘મૅરી જેન’, જે ગાંજા માટે વપરાય છે. પંજાબી એક્ટર દિલજીત દોસાંજ માટે હિન્દી ફિલ્મમાં ભલે ‘ઇન્ટ્રોડ્યુસિંગ’ લખાયું હોય, પણ પંજાબમાં એ સુપરસ્ટાર એક્ટર-સિંગર છે. આ વાત એની કૉન્ફિડન્ટ ઍક્ટિંગ પરથી કળી શકાય છે. કરીનાના ભાગે ફિલ્મમાં ગુડી ગુડી રોલ જ આવ્યો છે, પણ ક્યાંય એની સિન્સિયારિટીમાં ઓટ દેખાતી નથી.

‘સ્લમડૉગ મિલ્યનેર’વાળા ડેની બોયલે ઈ.સ. ૧૯૯૬માં ડ્રગ અબ્યુઝ પર જ ‘ટ્રેઇનસ્પોટિંગ’ નામની ડાર્ક કોમેડી ફિલ્મ બનાવેલી. તેને અંજલિ આપતા ટોઇલેટવાળા એક સીન સાથેની ‘ઉડતા પંજાબ’માં ઠેકઠેકાણે બ્લૅક કોમેડી વેરાયેલી છે. (એમ તો દિલજીત દોસાંજનો પોતાના ભાઈ સાથેનો ટ્રેક રેસિઝમના મુદ્દા પર બનેલી ‘અમેરિકન હિસ્ટરી X’ની અને અલગ અલગ ત્રણ પોઇન્ટ ઑફ વ્યૂથી પેરેલલ ચાલતી વાર્તાઓની સ્ટાઇલ સ્ટિવન સોડેરબર્ગની ‘ટ્રાફિક’ની પણ ઑબ્વિયસ યાદ અપાવે છે). પાત્રોની વાટ લાગેલી હોય અને છતાં આપણને હસવું આવે તેવાં એ દૃશ્યોની મજા ફિલ્મમાં અચાનક જોઇએ તેમાં જ છે. વિરાટ કોહલીની જેમ અમિત ત્રિવેદી પણ ફુલ ફોર્મમાં છે. એના મિડાસ ટચવાળાં સુપર્બ ગીતોમાં અભિષેક ચૌબેએ વાર્તાને સરસ રીતે પરોવી લીધી છે. જેથી તમને ગીત દરમ્યાન પણ આઘાપાછા થવાની ઇચ્છા ન થાય.

પરંતુ ફિલ્મની બહાર જેટલા પ્રોબ્લેમ થયેલા એના કરતાં થોડા ઓછા, પણ પ્રોબ્લેમ તો આ ફિલ્મની અંદર પણ છે. આટલાં બધાં પાત્રોમાં પથરાયેલી હોવા છતાં અઢી કલાકની આ ફિલ્મ ખાસ્સી લાંબી લાગે છે. ઘણે ઠેકાણે લાઉડ તો ક્યાંક સીન ખેંચાતા લાગે છે. શરૂઆતની રિયાલિટી ઇન્ટરવલ પછી ફિલ્મી રોમેન્સમાં ખોવાવા લાગે છે અને ફિલ્મ પંજાબના ડ્રગ્સ કાર્ટેલમાંથી ચાર પાત્રો પર જ ફોકસ થઈ જાય છે. જાણે એકાદ સાંસદ-ધારાસભ્યને પકડાવવાથી આખો પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનો હોય, તેમ આખી વાર્તા સિમ્પ્લિફાય થઈ જાય છે. ઇવન ફિલ્મને કોઈ કારણ વગર અચાનક પૂરી કરીને ઑપનએન્ડેડ રખાઈ છે, જે જોઇને મોટાભાગના દર્શકો કકળાટ કરી મૂકશે. આખી ફિલ્મ સતત ડ્રગ્સ વિરોધી મેસેજ આપતી હોવા છતાં આનો ઉકેલ શું તેની ખાસ કશી ચર્ચા કરવાનું રાઇટર-ડિરેક્ટરે મુનાસિબ માન્યું નથી.

આ ફિલ્મમાં ગાડું ભરીને ગંદી ગાળો છે એ તો સેન્સરકૃપાથી આપણને ખબર છે. પરંતુ આ ફિલ્મના અઢળક સંવાદો પંજાબીમાં છે. એટલું ખરું કે એ પંજાબી ક્યાંય કૃત્રિમ કે ફિલ્મી લાગતું નથી. પરંતુ દર્શકોનો પ્રોબ્લેમ હળવો કરવા માટે આખી ફિલ્મ અંગ્રેજી સબટાઇટલ્સ સાથે છે. તે વાંચવાની તૈયારી રાખવી.

દૌડતી ઑડિયન્સ

અત્યંત ડાર્ક અને ક્રૂર હોવા છતાં ‘ઉડતા પંજાબ’ સતત ડ્રગ્સથી છૂટવાનો અને પૉઝિટિવિટીનો મેસેજ આપતી રહે છે. તમામ મુખ્ય પાત્રોને ડ્રગ્સની ભયાનકતા પામીને તેનાથી દૂર ભાગવાનો પ્રયાસ કરતા બતાવાયાં છે. ઇવન પંજાબને આ દૈત્યમાંથી છોડાવવા માટે કશું જ ન કરતા રાજકારણીઓ સામે પણ આ ફિલ્મ સજ્જડ સવાલ ઊભો કરે છે. અફસોસની વાત છે કે સૅન્સર બૉર્ડને આ ફિલ્મની પોઝિટિવિટી નહીં, બલકે તેમાં રહેલી ગાળો અને નોન ઇશ્યૂ મુદ્દા જ દેખાયા. સારી ફિલ્મો જોવા માગતા અને વયથી જ નહીં, બલકે દિમાગથી પણ પુખ્ત લોકોએ અવશ્ય જોવા જેવી ફિલ્મ.

રેટિંગઃ ***1/2 (સાડાત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

કપૂર એન્ડ સન્સ

દુઃખદર્શન

***

કપૂરના નામે આપણે થિયેટરમાં બેસીને એકતા કપૂરની સિરિયલ જોતા હોઇએ એવી દુખભરી ફીલ આ ફિલ્મમાંથી સતત આવ્યા કરે છે.

***

આપણાં મોટેરાં વર્ષોથી કહેતાં આવ્યાં છે કે ઘર હોય તો વાસણ ખખડેય ખરાં. પત્ની એવું કહેતી ફરતી હોય કે મારે તો કૂકિંગનું ને બ્યુટિપાkapoor_and_sons_lookર્લરનું કરવું’તું, પણ આ ઘરની જંજાળમાં બધું છૂટી ગયું. બહુધા પતિદેવો બહાર નજરોનાં લંગસિયાં ફેંકતા ફરતા હોય. જ્યારે દર બીજા છોકરાને એવું લાગતું હોય છે કે મમ્મી-પપ્પા મારા કરતાં મારાં ભાઇ કે બહેનને વધુ લાડ લડાવે છે. આ મોસ્ટ્લી કહાની ઘર ઘર કી છે. પરંતુ તમે એના પર કેમેરા માંડીને એક ફિલ્મ ઉતારી નાખો, તો પછી તમારે કોઈ નવાં ઇમોશન્સ એક્સપ્લોર કરવા પડે. રાઇટર-ડિરેક્ટર શકુન બત્રાએ પોતાની લેટેસ્ટ પેશકશ ‘કપૂર એન્ડ સન્સ’માં આવાં જ ઇમોશન્સની ભેળપુરી બનાવી છે, પણ વાત તો અલ્ટિમેટલી એ જ છેઃ લાઇફ છે, ચાઇલા કરે.

મોટો પરિવાર, દુખી પરિવાર

નેવું વર્ષના રિટાયર્ડ મિલિટરી મેન અમરજીત કપૂર (ઋષિ કપૂર)ને લાગે છે કે એમનો ટૉકટાઇમ હવે પૂરો થવામાં છે. પરંતુ એ પહેલાં તમામ બચ્ચાં-કચ્ચાંને પોતાના કૂનૂરના ઘરે બોલાવીને બરજાત્યા સ્ટાઇલનો એક વિશાળ ફેમિલી ફોટો પડાવી લઇએ. પરંતુ આ બરજાત્યા નહીં, કપૂર ફેમિલી છે. એટલે જ્યારે એમના બે પૌત્રો રાહુલ (ફવાદ ખાન) અને અર્જુન (સિદ્ધાર્થ મલ્હોત્રા) ઘરે પાછા ફરે છે, ત્યારે ઝઘડાઓનું બ્યુગલ ફૂંકાય છે. દીકરો હર્ષ (રજત કપૂર) અને પુત્રવધૂ (રત્ના પાઠક શાહ) સહિત ઘરના બધા જ સભ્યો પોતાની અંદર એક દાઝ કે અધૂરપ લઇને ફરે છે. એટલે જ નાની નાની વાતમાં બધાને વડચકાં ભરતા ફરે છે. બીજી બાજુ, હિલ સ્ટેશનની ઠંડી હવામાં ગરમાવો લાવવા માટે મુંબઈથી ટિયા મલિક (આલિયા ભટ્ટ) પણ કૂનૂર આવી છે. એ વગર ફેસબુકે આ બે ભાઈમાંથી એકના પ્રેમમાં પડી જાય છે. હવે આ કપૂર પરિવારનું ઠામ એવું વિચિત્ર છે કે એમાં ઘી ઠારવું બહુ અઘરું છે.

તુંડે તુંડે ઝઘડા ભિન્ન

યંગ ડિરેક્ટર શકુન બત્રા પપ્પાઓ જેના માટે પોતાના દીકરાઓને ખીજાતા હોય છે, એવા કપૂર સા’બના લડકા જેવો ટેલેન્ટેડ છે. રિયલ લાઇફનાં બારીક નિરીક્ષણો અને એના કોમિકલ પ્રેઝન્ટેશનમાં એને સચિનની બૅટિંગ જેવી ફાવટ છે. હવે કદાચ એમને લાગ્યું હશે કે પરિવારની અંદર ઝઘડા કરાવીને એકતા કપૂર જો આખું બાલાજી એમ્પાયર ઊભું કરી શકતી હોય, તો આપણે એક ફિલ્મ ન બનાવી શકીએ? ખેર, ટ્રેલરમાંથી જ ક્લિયર હતું કે અહીં આપણને ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ ટાઇપની ફેમિલીની નોંકઝોંકમાંથી નીપજતી કોમેડીના ચમકારા માણવા મળવાના છે. ઇવન અહીં તો ખુદ ‘માયા સારાભાઈ’ યાને કે રત્ના પાઠક શાહ પણ હાજર છે. પરંતુ થયું છે એવું કે કોમેડીનો ડિપાર્ટમેન્ટ ઋષિ કપૂરે હાઇજૅક કરી લીધો છે, જ્યારે દેકારા અને દર્દની દુકાન ચલાવવાની જવાબદારી બાકીનાં પાત્રોને માથે આવી પડી છે.

અંગ્રેજીમાં જેને ‘ડિસફંક્શનલ ફેમિલી’ કહે છે એવો આ પરિવાર છે. એમનો સંઘ જન્મારેય કાશીએ પહોંચે નહીં. ડિરેક્ટરે આ લડાકુ પરિવારને એકદમ રિયલ રાખ્યો છે. મતલબ કે તેઓ પ્લમ્બરથી લઇને પાણીનો ગ્લાસ, ગાડી, ફોટોગ્રાફ, ખર્ચા, સગાં-સંબંધી, ગંજીફાની રમત વગેરે વેરાયટીવાળી વાતો પર ઝઘડી પડે છે. પરંતુ એકવાર આ ઝઘડો શરૂ થાય, કે તરત જ તે લાઉડ અને મેલોડ્રામાની બાઉન્ડરી વટાવી જાય. ફરક એટલો કે આ ભણેલો પરિવાર છે, એટલે અંગ્રેજીમાં ઝઘડે. તેમ છતાં આ ઝઘડા ઘણે અંશે વાસ્તવિક લાગે છે, તેનું કારણ છે સતત હાલકડોલક થતા કેમેરાથી શૂટ થયેલાં દૃશ્યો અને લગભગ નહિંવત્ રહેલું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક.

આ ફિલ્મ હૉટ કલાકારોનું મૅન્યુ કાર્ડ છે. સિદ્ધાર્થ, ફવાદ ખાન, આલિયા અને ઇવન રજત કપૂર ને રત્ના પાઠક પણ માશાઅલ્લાહ કંઈ કમ હૉટ નથી. પરંતુ આ બધામાં સૌથી વધુ જલસો કરાવે છે ૯૦ વર્ષના દદ્દુ ઋષિ કપૂર. એમની મિલિટરી સ્ટાઇલની તડાફડીવાળા એકદમ સ્માર્ટ ડાયલોગ અને અફલાતૂન કોમિક ટાઇમિંગ આખી ફિલ્મમાં સૌથી વધુ લાફ્ટર ઉઘરાવી જાય છે. એમણે માત્ર એક ઇમોશનલ સીન કર્યો છે, પણ પબ્લિક હિબકે ચડી જાય એવું પર્ફોર્મન્સ આપ્યું છે. એમના ચહેરા પર ગાડું ભરીને પ્રોસ્થેટિક મૅકઅપ કરાયો હોવા છતાંય ઇન્ડસ્ટ્રીમાં રહેલા પોણા ભાગના નવા વછેરાઓ કરતાં એમના ચહેરા પર વધુ એક્સપ્રેશન્સ આવે છે.

આ ફિલ્મને સરસ ઑપનિંગ અપાવનાર ઑબ્વિયસ ફૅક્ટર છે આલિયા ભટ્ટ. અહીં પણ ટિપિકલ બબલી ગર્લ જ બની છે અને એકાદ સીનમાં નાકનાં ફોયણાં હલાવીને રડી લે છે. પાર્ટી સોંગથી શરૂ થતી એની એ જ અર્બન લવસ્ટોરી હોવા છતાં આલિયાના નખરા જોવા ગમે છે. આ ફિલ્મના બંને હીરો લેખક છે. એમાંથી એક સિદ્ધાર્થ મલ્હોત્રાના પાત્રનું તો નામ પણ ‘અર્જુન કપૂર’ છે. એટલે એક હળવું ઑબ્ઝર્વેશન એવું છે કે ૨૩ વર્ષની ટૂંકી લાઇફમાં આલિયા ભટ્ટને ત્રણ લેખકો અને એમાંથી બે તો ‘અર્જુન કપૂર’ ભટકાયા છે (યાદ કરો, ‘2 સ્ટેટ્સ’). લેકિન આલિયા-સિદ્ધાર્થ-ફવાદની ત્રિપુટી યંગસ્ટર્સને અપીલ કરશે. કદાચ એ યંગ ઑડિયન્સને હસાવવા માટે જ ડિરેક્ટરે બિલો ધ બેલ્ટ હ્યુમર પણ ભભરાવ્યું છે. આ વાર્તા કપૂર પરિવારની છે, એટલે ઇન્ટરવલ પછી ખાસ્સા સમય સુધી આલિયા ગાયબ પણ રહે છે.

‘કપૂર એન્ડ સન્સ’ને તમે આરામથી ઝોયા અખ્તરની ‘દિલ ધડકને દો’ સાથે સરખાવી શકો, પરંતુ આ કરણ જૌહરે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ છે. એટલે જ્યાં સુધી આપણા દેશમાં ‘ઇન્ડિયન પીનલ કોડ’ની ‘કલમ 377’ નાબૂદ નહીં થાય, ત્યાં સુધી એ પોતાનો ઍન્ગલ ફિલ્મોમાં નાખ્યા જ કરશે.

એક સુપરહિટ સોંગ સાથેની આ ફિલ્મની સૌથી મોટી સ્ટ્રેંથ છે તેના કલાકારોની પર્ફેક્ટ એક્ટિંગ. પરંતુ તેનો બિગ્ગેસ્ટ માઇનસ પોઇન્ટ છે વધુ પડતી અને ઇન્ટરવલ પછી તો કૃત્રિમ બની જતી રોનાધોના મોમેન્ટ્સ. ઘણે ઠેકાણે તો આપણે દૂરથી જ ટ્વિસ્ટ આવતો કળી શકીએ. અંત સુધીમાં તો આ ફિલ્મમાં એટલી બધી રડારોળ થઈ જાય છે કે ફિલ્મને બદલે કોઈ બેસણામાં આવ્યા હોઇએ એવું લાગવા માંડે છે.

રૂમાલ તો દેના મામુ

ઋષિ કપૂરના તમામ સીન, અકસ્માતે ફની બની જતા ઝઘડાના સીન, એકદમ કૂલ દાદા અને પૌત્રો વચ્ચેની મીઠડી કેમિસ્ટ્રી જેવી ઘણી મોમેન્ટ આ ફિલ્મમાં વેરાયેલી પડી છે. પરંતુ આ પરિવારના પ્રોબ્લેમ વિજય માલ્યા કરતાં પણ વધારે છે. જો આજે ઋષિકેશ મુખરજી હોત તો રાજેશ ખન્ના જેવા કોઈ ‘બાવરચી’ને મોકલીને આ કપૂર પરિવારના તમામ પ્રશ્નો સોલ્વ કરી નાખ્યા હોત. અફસોસ કે એ નથી, એટલે આપણે ફિલ્મ જોવા જઇએ તો કૉટનનો સારામાંનો એક રૂમાલ સાથે રાખવો.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

શાનદાર

શાનદાર હથોડો

***

શાહિદ-આલિયાની ક્યુટનેસને બાદ કરી નાખો તો આ ફિલ્મ એક ભયંકર ઍબ્સર્ડ અનુભવથી વિશેષ કશું જ નથી.

***

shaandaar-first-look-posterશુદ્ધ સોનાનો ઢોળ ચડાવેલા ચાંદીના વાડકામાં બે ચમચી પાંઉભાજી, ચાર ચમચી શ્રીખંડ, એક ટેબલસ્પૂન ખાટું અથાણું, સાડાચાર ટીપાં કઢી નાખીને તેને બરાબર મિક્સ કરો અને તેના પર કોથમીર, ચાંદીના વરખ અને ડુંગળીની કતરણથી ગાર્નિશ કરો તો કેવી ડિશ બને? ઍબ્સર્ડ, વિચિત્ર ખરું ને? છેલ્લે કંગનાવાળી ‘ક્વીન’થી છવાઈ ગયેલા વિકાસ બહલની લેટેસ્ટ ફિલ્મ ‘શાનદાર’નું પણ એવું જ છે. અહીં એકસાથે એટલું બધું ઠપકાર્યું છે કે કંસાર કે થૂલું બેમાંથી કશું જ બન્યું નથી.

પરીકથાની પીપૂડી

બિપિનભાઈ (પંકજ કપૂર) ક્યાંકથી એક અનાથ છોકરી આલિયા (આલિયા ભટ્ટ)ને પોતાના મહેલ જેવા ઘરમાં લઈ આવે છે, જ્યાં દાદી (સુષમા શેઠ)ની દાદાગીરી ચાલે છે. સુપરક્યુટ હોવા છતાં આલિયાને સૌ હડે હડે કર્યા કરે છે. એમાં જ બિચારી મુંબઈ શહેર જેવી થઈ ગઈ છે, એ ક્યારેય સૂતી જ નથી. બિપિનભાઈની પોતાની એક ગોળમટોળ છોકરી ઈશા (સાના કપૂર) પણ છે, પરંતુ ખાનદાનને રોડ પર આવી જતું બચાવવા માટે તેઓ ઈશાને એક ચક્રમ સિંધી કરોડપતિ ફંડવાની (સંજય કપૂર)ના ચક્રમ પાર્ટ ટુ ભાઈ સાથે પરણાવી રહ્યા છે. ડેસ્ટિનેશન વેડિંગ તરીકે ઇંગ્લૅન્ડ બાજુનો કોઈ બંગલો પસંદ કરાય છે. ત્યાં એન્ટ્રી થાય છે ડૅશિંગ વેડિંગ પ્લાનર જગજિંદર જોગિંદર (શાહિદ કપૂર)ની. ઈશાનાં લગનની સાથોસાથ આલિયા-જોગિંદરની લવસ્ટોરી સ્ટાર્ટ થઈ જાય છે. જાણે ગાંડપણનો વાઇરસ ફેલાયો હોય તેમ સતત ચક્રમવેડા ચાલુ રહે છે અને ખીચડીમાં ઘી ઢોળાશે તેવી આશામાં ફિલ્મ પૂરી થાય છે.

ભેળસેળિયા લવસ્ટોરી

દિવાળીની વાનગીઓમાં પણ જેટલી ભેળસેળ નહીં હોય એટલી બધી ભેળસેળ આ ફિલ્મની સ્ટોરીમાં છે. એક તો ફિલ્મ છે વિકાસ બહલની, પરંતુ પહેલા જ સીનથી આપણે ‘ડિઝની’ની ‘સિન્ડ્રેલા’ ટાઇપની પરીકથા જોતા હોઇએ એવી ફીલ આવે છે. અહીં પણ એક અનાથ બાળકી છે, એને બધાં ધિક્કારે છે, એક ક્રૂર મમ્મી છે, કારણ વગર સ્ક્રીન પર આવતી ટ્વિન્સ છે, મહેલ છે, એક રાજકુમાર છે અને એની સાથે નાચગાના પણ છે. પરંતુ આ પરીકથામાં ‘ફ્રોગ પ્રિન્સેસ’વાળી બાળવાર્તાની ભેળસેળ છે. પ્રિન્સેસ એક દેડકાને પપ્પી કરે તો તેમાંથી રાજકુમાર બની જાય એ વાર્તાની જેમ અહીં આલિયાબૅબી એક ‘અશોક’ નામના ઍનિમેટેડ દેડકાને લઇને ફર્યા કરે છે. માત્ર દેડકો જ નહીં, ડિઝનીની ફિલ્મ હોય એવું સરસ ઍનિમેશન પણ અહીં છે. સ્ટાઇલ મારવા માટે આખેઆખો ફ્લેશબૅક ઍનિમેશનમાં જ બતાવાયો છે. તે ઍનિમેશનમાં પાછી કોમેન્ટેટર તરીકે નસીરુદ્દીન શાહના અવાજની ભેળસેળ છે.

ટ્રેલર પરથી લાગતું હતું કે આ એક સરસ રોમેન્ટિક કોમેડી ફિલ્મ હશે. પરંતુ રોમેન્સ કે કોમેડી બેમાંથી એકેય શરૂ થાય તે પહેલાં ઑવરએક્ટિંગની દુકાન લઇને સંજય કપૂરની પધરામણી થાય છે અને ફિલ્મ તરત જ ફારસ બની જાય છે. હાથમાં ‘જેમ્સ બોન્ડ’ના વિલન જેવી ગોલ્ડન ગન લઇને ફરતા સિંધી બિઝનેસ ટાયકૂનનું પાત્ર ભજવતા સંજય કપૂરને લિમોઝિનથી લઇને અંદરની ચડ્ડી સુધીનું બધું જ ગોલ્ડન અપાયું છે. પરંતુ સંજય કપૂરના ગેટઅપમાં લિબિયાના ભૂતપૂર્વ સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીના લુકની ભેળસેળ છે.

અડધો-પોણો ડઝન લોકોના ગાંડાવેડા ઓછા ન હોય, તેમ ફિલ્મમાં અધવચ્ચે કરન જૌહરની એન્ટ્રી થાય છે અને સૌ ‘કૉફી વિથ કરન’ રમવા માંડે છે. ગુજરાતી સંગીતકાર અમિત ત્રિવેદીના એક સારા ગીતની સામે ચાર નબળાં ગીતોની ભેળસેળ છે. તો સ્ટોરીની વચ્ચે અચાનક ‘નીંદ ના મુઝકો આયે’ અને ‘ઈના મીના ડીકા’ જેવાં જૂનાં ગીતો ક્યાંકથી ટપકી પડે છે. એ ગીતમાં હૉલીવુડની ‘સ્ટાર વૉર્સ’ સ્ટાઇલની લાઇટવાળી તલવારબાજી પણ છે. આજ તો જાણે ઍબ્સર્ડિટીના ગરબા જ ગાવા છે એવું નક્કી કર્યું હોય તેમ ઑપેરાના ઑડિટોરિયમમાં કવ્વાલી ગવાય છે અને એ કવ્વાલીમાં સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે.

લગભગ અઢી કલાકની આ ફિલ્મમાં વધુ એક ટ્વિસ્ટ એક મૃત્યુ સાથે આવે છે. પરંતુ તે ડેડબોડી જોઇને સૌ દુખી થવાને બદલે ખિખિયાટા કરીને હસવા માંડે છે. હજી એ ડેડબૉડીની આગળ ‘જાને ભી દો યારો’ પ્રકારની જે હાલત થાય છે એની સામે તો દશેરાના રાવણની સ્થિતિ પણ સારી હોય. એક તરફ દીકરીઓની સંવેદનશીલ વાતો અને બીજી બાજુ મોત પર ખિખિયાટા?

ક્યુટનેસ ઑવરલોડેડ

આ ફિલ્મ પર કરન જૌહરનો હાથ ફર્યો છે એટલે તેમાં ક્યુટનેસની કોઈ કમી નથી. દાઢીવાળો શાહિદ ક્યુટ છે. બિકિનીવાળી આલિયા સુપરક્યુટ છે. આલિયાના પપ્પા બનતા શાહિદના પપ્પા એવા પંકજ કપૂર પણ ક્યુટ પપ્પા છે, જે દીકરીને રોજ એક ક્યુટ સપનું આપે છે. શાહિદ કપૂરની રિયલ લાઇફ બહેન એવી સાના કપૂરની આ ફિલ્મથી એન્ટ્રી થઈ છે. એ પણ બહુ ક્યુટ છે. ‘હમલોગ’ અને ‘દેખ ભાઈ દેખ’નાં ક્યુટ દાદી સુષમા શેઠ બહુ લાંબા ટાઇમે સ્ક્રીન પર દેખાયાં છે. આ ઉંમરે પણ એમનો ઠસ્સો એવો જ બરકરાર છે. ઇવન એક ક્યુટ અને ગૅ ફેશન ડિઝાઇનર પણ છે (કરન જૌહર ઇફેક્ટ?). એક સમયે માધુરી દીક્ષિતની ડુપ્લિકેટ કહેવાતી નીકિ અનેજા અને બીજી એક ક્યુટ અદાકારા અંજના સુખાણી પણ અહીં છે. જાણે ફર્નિચર હોય તેમ આ બંનેને જરાય સ્ક્રીનસ્પેસ મળી નથી. એમાંય અંજના સુખાણી પાસે એકાદું વાક્ય બોલાવવાની વાત તો દૂર રહી, એનો ચહેરો પણ સરખો બતાવાયો નથી. આ ક્યુટનેસના કાર્નિવલમાં નથી કોઈ પાત્ર પ્રોપર્લી લખાયું કે નથી તેમાં કોઈ યાદગાર ડાયલોગ.

દશેરાએ ભલે આ ફિલ્મનું ઘોડું દોડ્યું ન હોય, પરંતુ આપણે બુરાઈને બદલે થોડી અચ્છાઈ પર ફોકસ કરીએ. શાહિદ-આલિયાની ઑનસ્ક્રીન કેમિસ્ટ્રી મસ્ત લાગે છે. એક બાપ અને બે દીકરીઓ વચ્ચેની સ્ટોરી ઘણે અંશે હૈયે થપ્પો કરી જાય છે. કંઇક વિચિત્ર ટેસ્ટની હોવા છતાં કેટલેક ઠેકાણે આ ફિલ્મની કોમેડી હસાવી પણ જાય છે. લોજિક સાથે છેડા અડતા નથી, પણ અહીં સ્ત્રી કોઈ કોમોડિટી નથી કે તે તેના બાહ્ય દેખાવની પણ મોહતાજ નથી એવો મેસેજ અપાયો છે, તેનો અડધો માર્ક મળી શકે.

શાનદાર મેસેજ, ઊંઘી જજો

‘શાનદાર’ ફિલ્મમાં શાહિદ અને આલિયા બંનેને ઊંઘ ન આવવાની બીમારી છે અને તોય બંને આખી ફિલ્મમાં શાંતિથી ઊંઘતાં રહે છે. આ બંને સ્ટાર્સના ફૅન હો અથવા તો તહેવારમાં બચ્ચાંપાર્ટી સાથે આ ફિલ્મ જોવા જઈ ચડો, તો તમારા માટે પણ આ જ ક્યુટ મેસેજ છે, મસ્ત ઊંઘ ખેંચી લેજો.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા

ફેસબુક જનરેશનની DDLJ

 ***

હજુ તો મુંબઈના મરાઠા મંદિરમાંથી DDLJની વિદાય થઈ નથી અને લો, એની રિમેક પણ આવી ગઈ!

***

354722xcitefun-humpty-sharma-ki-dulhania-poster-1પર્યાવરણવાદીઓ રિસાઇકલિંગ પર બહુ જોર મૂકે છે. જૂની વસ્તુઓનો કચરાપેટીમાં નિકાલ કરવાને બદલે જો તેને રિસાઇકલ કરીને ફરીથી વાપરવામાં આવે તો પર્યાવરણની ભારે બચત થાય. દેશના મેંગો પીપલ એટલે કે આમ જનતા આ વાત સમજે કે ન સમજે, પરંતુ બોલિવૂડવાળાઓ આ મંત્ર બરાબર સમજી ગયા છે. એટલે જ આ શુક્રવારે રિલીઝ થયેલી વરુણ ધવન અને આલિયા ભટ્ટ સ્ટારર ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ એ બીજું કશું નહીં, બલકે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (ડીડીએલજે)ની રિસાઈકલ્ડ આવૃત્તિ જ છે.

મહોબ્બત કા નામ આજ ભી મહોબ્બત હૈ!

રાકેશ શર્મા ઉર્ફ હમ્પ્ટી (વરુણ ધવન) એક મિડલ ક્લાસ પપ્પા (કેનેથ દેસાઈ)નો પાસ ક્લાસ પણ ન લાવતો કોલેજિયન બચ્ચો છે. દારૂ, સિગારેટ, પાર્ટી વગેરેમાંથી ન પરવારતો હમ્પ્ટી પરીક્ષાના દિવસે પણ કોલેજના ટોઇલેટમાં ઘૂસીને કુડી સાથે પપ્પી-ઝપ્પી કરતો રહે છે. પછી પાસ થવા માટે પ્રોફેસરને શોલેના ઠાકુરની જેમ બાંધી દે છે અને લાંચ પણ ઑફર કરે છે.

કાવ્યા પ્રતાપ સિંહ (આલિયા ભટ્ટ) અંબાલાના એક ટ્રાન્સપોર્ટ ઓપરેટર (આશુતોષ રાણા)ની બિન્દાસ દીકરી છે. કાવ્યાના નાળિયેર જેવા કડક પપ્પાએ એનાં લગ્ન એક અમેરિકન મુરતિયા અંગદ (બાલિકા વધૂ ફેઈમ સિદ્ધાર્થ શુક્લા) સાથે નક્કી કરી દીધાં છે. ફિલ્મી ડિઝાઈનર લહેંગો ખરીદવાના ચક્કરમાં કાવ્યા દિલ્હી આવે છે અને આ હમ્પ્ટી સાથે ભટકાઈ જાય છે. એક પછી એક મુલાકાતો, દારૂ-શારૂ અને પાર્ટીમાં એન્જોય કર્યા બાદ કાવ્યા-હમ્પ્ટી લવ સોંગ્સ ગાતાં થઈ જાય છે. ત્યાં જ અચાનક કાવ્યાને યાદ આવે છે કે હાઈલા મારાં લગ્ન તો અમેરિકન મુંડા અંગદ સાથે ફિક્સ થઈ ગયાં છે. એટલે બંને ખાનગીમાં ‘ગંદી બાત’ પતાવીને પોતપોતાને ઘેર રવાના થઈ જાય છે.

સચ્ચા પ્યાર હમ્પ્ટીને કાવ્યા પાસે ખેંચી લાવે છે, પરંતુ કાવ્યાના અમરીશ પુરી કરતાંય અનુભવી પપ્પા એક જ સેકન્ડમાં પકડી લે છે કે સીન શું છે. બરાબરનો મેથીપાક ખાધા પછી પણ હમ્પ્ટી ફેવિકોલની જેમ અંબાલામાં જ ચોંટ્યો રહે છે. એટલે કંટાળીને પપ્પાજી શરત મૂકે છે કે જો તું મારા પસંદ કરેલા મુરતિયામાંથી એક પણ ખામી શોધી બતાવે તો કાવ્યાનાં લગ્ન તારી સાથે કરાવી આપું. હમ્પ્ટી સારી એવી ડ્યુટી બજાવ્યા પછી પણ એ મુરતિયામાંથી ખામી શોધી શકતો નથી. મતલબ કે હવે હમ્પ્ટી અને કાવ્યાનાં લગ્નનો નો ચાન્સ. આખરે ક્લાઈમેક્સમાં શું થાય છે એ જાણવા માટે તમારે આઈન્સ્ટાઈનબાબાનું દિમાગ ઉછીનું લેવાની જરાય જરૂર નથી!

નવી બોટલમાં જૂની અને ખૂબ બધી મદિરા

ખબર નહીં, આપણા ફિલ્મમેકર્સને કદાચ એવું હશે કે ડીડીએલજે રિલીઝ થયાને તો બે દાયકા થઈ ગયા, એ પછી તો એક આખી પેઢી ઘૂઘરા મૂકીને મોબાઈલથી રમતી થઈ ગઈ. એટલે એનો એ જ જૂનો માલ ફરીથી વેચવામાં વાંધો નહીં. એ ન્યાયે આ ફિલ્મમાં ડીડીએલજે કરતાં ભાગ્યે જ કશું જૂદું છે. એટલે બંને ફિલ્મો વચ્ચે સરખામણી અને તફાવત ઊડીને આંખે વળગે છે. આ બે દાયકા પછીયે હીરો સિગારેટ-દારૂ પીવે જ છે, પરંતુ હિરોઈન તો પીવાની બાબતમાં હીરોને પણ હરાવી દે છે.  અગાઉ હીરો હિરોઈનને એવું કહેતો કે પ્રિમેરિટલ સેક્સ તો ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ કહેવાય, જ્યારે આજે છોકરો પોતાની ગર્લફ્રેન્ડને પપ્પાની હાજરીમાં ઘરે લઈ આવે છે અને બંને બિન્દાસ ઘરમાં સેક્સ માણે છે! એટલે જો ફિલ્મોને સમાજનું પ્રતિબિંબ ગણીએ અને આ ફિલ્મને લોકો વધાવી લે, તો આપણો સમાજ કઈ દિશામાં શિફ્ટ થયો છે તે વિચારી શકાય.

મજેદાર કેમિસ્ટ્રી

130 મિનિટ્સની આ ફિલ્મ લગભગ પૂરેપૂરી પ્રીડિક્ટેબલ છે, પરંતુ વરુણ ધવન અને આલિયા ભટ્ટની સુપર્બ કેમિસ્ટ્રી તેને ધબાય નમઃ થતાં બચાવી લે છે. નવોદિત ડિરેક્ટર શશાંક ખૈતાનનું સ્માર્ટ રાઈટિંગ ફિલ્મને સતત દોડતી રાખે છે. દેખીતી રીતે જ ફિલ્મનું ટાર્ગેટ ઓડિયન્સ યંગિસ્તાન છે, એટલે જુવાનિયાંવને મજા પડે એવા તમામ મસાલા એમાં ઠપકારવામાં આવ્યા છે. ફોર એક્ઝામ્પલ, લગ્ન પહેલાં જ ‘ગોટ મેરિડ’નું સ્ટેટસ અપડેટ કરી નાખતી હિરોઈન પોતાની વર્જિનિટી તોડવા માટે એક સેકન્ડનો પણ વિચાર નથી કરતી, પરંતુ પિતાજીનું દિલ ન તૂટે એ માટે પોતાનાં તમામ સપનાં તોડી નાખવા તૈયાર થઈ જાય છે! વળી, આ ફિલ્મ કરણ જૌહરના ધર્મા પ્રોડક્શનની છે એટલે એમાં શાદી-બ્યાહ, નાચગાના ઉપરાંત ગે  જોક્સ વગેરે તો હોય જ.

આલિયા અને વરુણનો ચાર્મ લગભગ બધા જ સીન્સમાં ક્લિક થાય છે અને મોટા ભાગની જોક્સ મજા કરાવે છે. ઘણાં વર્ષોથી અજ્ઞાતવાસમાં જતા રહેલા આશુતોષ રાણા કડક પિતાજીના રોલમાં જમાવટ કરે છે, પરંતુ એમના ટ્રેડમાર્ક શુદ્ધ હિન્દીને બદલે પંજાબી બોલે છે ત્યારે જરા વિચિત્ર લાગે છે. પરંતુ જે રીતે એમણે કશું બોલ્યા વિના પણ માત્ર આંખોથી જ જે રીતે ખોફ પેદા કર્યો છે એ જ એમની એક્ટિંગની તાકાત બતાવે છે. ખબર નહીં શા માટે એ અત્યંત ઓછી ફિલ્મો કરતા હશે! નાનકડા રોલમાં આપણા ગુજ્જુભાઈ કેનેથ દેસાઈને ફન લવિંગ પપ્પા તરીકે જોવા ગમે છે. મોટા પડદે પહેલી મોટી એન્ટ્રી કરી રહેલા સિદ્ધાર્થ શુક્લાને જોઈને લાગે કે એણે એક્ટિંગ કરતાં જિમમાં વધારે મહેનત કરી છે. હીરો-હિરોઈનની કેમિસ્ટ્રીની ખીચડીમાં હીરોના દોસ્ત પણ સારો સાથ આપે છે.

બડે બડે દેશો મેં બડે બડે લોચે

આ ફિલ્મનો પહેલો સૌથી મોટો લોચો એ છે કે તે ડીડીએલજેની રિમેક છે. ઉપરથી ટ્રિબ્યૂટ આપતા હોય એ રીતે એના કેટલાય સીન અને ડાયલોગ્સ પણ રિપીટ કરાયા છે. એટલે ડીડીએલજેના હાડોહાડ ચાહકો આ વાત સ્વીકારી શકે કે કેમ તે જોવું રહ્યું. હા, ડીડીએલજે વખતે જે બચ્ચાઓ ડાઇપર્સ પહેરીને ફરતા હશે એમને બહુ વાંધો નહીં આવે. પરંતુ એટલું તો ચોક્કસ છે કે બે દાયકા જૂનો માલ પિરસતી આ ફિલ્મ એકેય એન્ગલથી ડીડીએલજેના સ્તરે પહોંચી શકે એ માંહ્યલી નથી. બીજો મોટો લોચો છે, તેનું નબળું સંગીત. માત્ર ‘સેટરડે’ અને ‘સમજાવાં’ સિવાય એક પણ ગીતમાં ઝાઝો ભલીવાર નથી.

જા સિમરન જા

‘હમ્પ્ટી શર્મા…’ નિઃશંકપણે એક ટાઈમપાસ ફિલ્મ છે, જે યંગસ્ટર્સને તો મજા કરાવશે જ. અને અપેક્ષાઓનું પોટલું બાંધીને નહીં જાય એવી કોઈપણ વ્યક્તિને નિરાશ નહીં કરે. હા, શરત માત્ર એટલી જ કે તમારે ડીડીએલજે સાથે સરખામણી નહીં કરવાની!

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

2 સ્ટેટ્સ

લોચા-એ-ટ્રાન્ઝિશન  હો ગયા!

***

નવલકથા કરતાં કશુંક નવું આપવાના ડિપાર્ટમેન્ટમાં નિષ્ફળ નીવડેલી આ ફિલ્મ  એન્ટરટેઇનિંગ  હોવા છતાં માંડ ‘ફાઈવ પોઈન્ટ સમવન’ માર્ક્સ જ મેળવે છે.

***

2_states_posterઆપણે ત્યાં કહેવત છે કે પારકી મા જ કાન વીંધે. જો ચેતન ભગતને આ કહેવતની ખબર હોત તો એ પોતાની નોવેલ પરથી બનનારી ફિલ્મનો સ્ક્રીનપ્લે જાતે ક્યારેય ન લખત. એમની સૌથી સારી લખાયેલી નવલકથા ‘2 સ્ટેટ્સ’ પરથી એ જ નામે બનેલી આ ફિલ્મમાં એમનો પોતાની નોવેલ પ્રત્યેનો એક દુજે કે લિયેનાં વાસુ-સપના જેવો અપાર પ્રેમ ચોખ્ખો દેખાઈ આવે છે. કેમ કે આખી ફિલ્મ જાણે નોવેલનું જ પેજ બાય પેજ મુવી વર્ઝન હોય એવું લાગે છે. દરેક સિચ્યુએશન અને ડાયલોગ્સ સુદ્ધાંમાં એક ટકોય ક્રિયેટિવિટી ઉમેરવામાં આવી નથી. પરિણામે જેમણે નવલકથા જોઈ હોય એમના માટે ફિલ્મ કશું જ નવું ઓફર કરતી નથી, જ્યારે જેમણે 2 સ્ટેટ્સ નવલકથા ન વાંચી હોય, એ લોકોને આ ફિલ્મ હેપ્પી એન્ડિંગવાળી ‘એક દુજે કે લિયે’ની રિમેક જ લાગશે.

નોર્થ વેડ્સ સાઉથ

ક્રિશ મલ્હોત્રા (અર્જુન કપૂર) અને અનન્યા સ્વામીનાથન (આલિયા ભટ્ટ) આઈઆઈએમ, અમદાવાદમાં ભણે છે અને બંનેનું એમબીએ પૂરું થાય એ પહેલાં તો પ્રેમમાં પડી જાય છે. બંનેને એકબીજા સાથે લગ્ન તો કરવાં છે, પણ લોચો એ છે કે ઉત્તર-દક્ષિણ જેવો કલ્ચરલ ડિફરન્સ ધરાવતા એમના પરિવારો માનવા જોઈએને. એટલે ડીડીએલજે સ્ટાઈલમાં ક્રિશ અને અનન્યા નક્કી કરે છે કે આપણે બંનેએ વારાફરતી એકબીજાનાં ઘરે જવું અને ડીડીએલજે સ્ટાઈલમાં પેરેન્ટ્સનાં દિલ જીતવાં.

ક્રિશ તો પોતાનાં ભાવિ સાસુ રાધા (રેવતી) અને સસરા શિવ સ્વામીનાથન (શિવ કુમાર સુબ્રહ્મણિયમ)ને પટાવી લેવામાં સફળ રહે છે, પરંતુ બિચારી અનન્યાનો મરો થાય છે. કેમ કે, એક તો એનાં ભાવિ સાસુ કવિતા (અમૃતા સિંઘ)ને સાઉથ ઈન્ડિયન લોકો પ્રત્યે સુંડલો ભરીને પૂર્વગ્રહો છે. વળી, ટિપિકલ પંજાબી મેન્ટાલિટી પ્રમાણેની એમની ગાડું ભરીને અપેક્ષાઓ છે, જે અનન્યા સંતોષી શકે એમ નથી. અધૂરામાં પૂરું, ક્રિશના પપ્પા વિક્રમ મલ્હોત્રા (રોનિત રોય) રિટાયર્ડ મિલિટરી ઓફિસર છે, અને એમનો દિમાગ અમદાવાદની ગરમી કરતાં પણ વધારે ગરમ છે. વારે વારે હાથ ઉપાડો કરતા એ પપ્પા સાથે ક્રિશને ઊભે બનતું નથી.

નતીજા? બંને પરિવારો વચ્ચે ભારત-પાકિસ્તાન જેવું ટેન્શન અને ક્રિશ બિચારો સીધો પહોંચે છે સાઈકાયટ્રિસ્ટની ચેમ્બરમાં. હવે? નોર્થ-સાઉથનું મિલન થશે ખરું? વેલ, આ ચેતન ભગતની રોમકોમ છે એટલે હેપ્પી એન્ડિંગ તો હોવાનું જ. જોવાનું એ છે કે એમનો પ્રેમ મંજિલે કેવી રીતે પહોંચે છે!

નવલકથા  સારી, પણ સ્ક્રીનપ્લે ક્યાં?

પહેલી વાત, આ ફિલ્મ અત્યંત કંગાળ નથી. પરિવાર સાથે જોઈ શકાય એવી હળવીફુલ વેકેશન એન્ટરટેઈનર ફિલ્મ છે. વળી, વેકેશન ઓડિયન્સનો અને ચેતન ભગતના જૂના તથા આલિયા ભટ્ટના નવા ચાહકોનો લાભ પણ 2 સ્ટેટ્સને મળશે. પરંતુ તમે એક અત્યંત સફળ અને લાખોની સંખ્યામાં વેચાયેલી નવલકથા પરથી ફિલ્મ બનાવો, ત્યારે દર્શકોને કશુંક નવું આપવાની તમારી જવાબદારી અત્યંત વધી જાય છે. નવલકથા કરતાં કશુંક નવું આપવાના ડિપાર્ટમેન્ટમાં આ ફિલ્મ ‘ફાઈવ પોઈન્ટ સમવન’ માર્ક્સ પણ મેળવતી નથી! કઈ રીતે? આવો જોઈએ…

લોચો-1 ઝીરો ક્રિયેટિવિટી

આ ફિલ્મમાં સ્ક્રીનપ્લે રાઈટર તરીકે ચેતન ભગતનું નામ વંચાય છે, પરંતુ ફિલ્મ માટે એણે એક વાક્ય પણ નવું લખ્યું હોય એવું લાગતું નથી. જાણે ફિલ્મના સેટ પર બધાને 2 સ્ટેટ્સ નોવેલની એક એક કોપી આપી દીધી હોય અને કહ્યું હોય કે આ વાંચીને એનું હિન્દી કરીને ડાયલોગ્સ બોલવા માંડો! ફિલ્મ માટે કોઈ પુસ્તકનું એડપ્ટેશન એ અનોખી કળા છે અને એટલે જ હોલિવૂડમાં એ માટેનો અલાયદો ઓસ્કર એવોર્ડ પણ છે. જો પુસ્તકને કોપી પેસ્ટ કરીને જ પડદા પર મૂકવું હોય તો સ્ક્રીનપ્લેની જરૂર શી છે? ચેતન ભગતના સ્માર્ટ પંચનો જાદૂ એની નવલકથા માટે પરફેક્ટ છે, પણ ફિલ્મ માટેની જરૂરિયાત અલગ હોય છે.

લોચો-2 રોંગ કાસ્ટિંગ

અર્જુન કપૂર એક પણ તબક્કે આઈઆઈએમનો સ્ટુડન્ટ, કોર્પોરેટ સેક્ટરનો એમ્પ્લોયી કે સ્યુસાઈડ કરવાની અણીએ આવેલો ફ્ર્સ્ટ્રેટેડ પ્રેમી લાગતો નથી. બલકે અઠવાડિયાની વધેલી દાઢીમાં એ સતત પીધેલો લાગે છે. એના ચહેરા પર ગણીને એકાદ-બે હાવભાવ આવે છે, પણ એટલાથી કામ ચાલે એવું નથી. હાઈવેની પટાખા ગુડ્ડી આલિયા ક્યુટ લાગે છે, પણ બબલી ગર્લ ટાઈપનો જે સ્પાર્ક અનન્યાના કેરેક્ટરમાં દેખાવો જોઈએ તે ક્યાંક મિસિંગ છે. વળી, આ લીડિંગ જોડી વચ્ચે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી કે ઈવન લવ-ઓ-લોજી પણ દેખાતી નથી. લીડિંગ પેર તરીકે રણબીર-દીપિકા અથવા તો આયુષ્માન ખુરાના-પરિણીતી ચોપરા પરફેક્ટ લાગત.  હા, એટલું કહેવું પડે કે રેવતી, અમૃતા સિંઘ અને રોનિત રોયનું કાસ્ટિંગ એકદમ પરફેક્ટ છે.

લોચો-3 કંગાળ ગીતો

શંકર-એહસાન-લોયે માત્ર ‘ચાંદનિયા’ અને ‘મસ્ત મગન’ એ બે ગીતો પર જ મહેનત કરી હોય એવું લાગે છે. બાકીનાં ગીતો ફેમિલી માટે પોપકોર્ન ખરીદવા જવા માટે અને બચ્ચાંલોગને સૂસૂ માટે લઈ જવાનાં ખપનાં જ છે!

લોચો-4 એનાકોન્ડા છાપ લંબાઈ

નોવેલનું હાર્દ લઈને ક્રિયેટિવિટી ભભરાવીને બનાવી હોત તો ફિલ્મ આટલી બધી લાંબી અને ડોલ્ફિનની જેમ વચ્ચે વચ્ચે પાણીમાં પેસી ન જતી હોત. આગળ કહ્યું એમ, ખુદ ચેતન ભગતે પોતાની નવલકથાના દરેક સીનને એઝ ઈટ ઈઝ ફિલ્મમાં લેવાની લાલચ ત્યજી હોત તો ફિલ્મ વધારે ફાસ્ટ અને ક્રિસ્પ બનત. બાય ધ વે, લેપટોપ અને લેટેસ્ટ સ્માર્ટ ફોન લઈને ફરતો હીરો નવલકથા લખવા માટે જૂનવાણી એવું ટાઈપરાઈટર શા માટે વાપરતો હશે, એ ચેતનબાબુ કહેશે?

મગર ફિર ભી

જો તમે નવલકથા વિશે વિચાર્યા વિના ફિલ્મના પ્રવાહમાં વહેતા રહો, તો તમને આલિયા ભટ્ટની ક્યુટનેસ, અર્જુન-રોનિત રોયનાં બાપ-દીકરાનાં પાત્રો વચ્ચે થતું ઘર્ષણ, ફિલ્મનાં ગીતો, બે સંસ્કૃતિઓ વચ્ચેના ઘર્ષણથી પેદા થતી કોમેડી વગેરે પાસાં મજા કરાવી શકે.

લેકિન ઈટ્સ વેકેશન ભૈયા!

ઇન શૉર્ટ, એક ફિલ્મની રીતે અને એડપ્ટેડ સ્ક્રીનપ્લેના પોઈન્ટ ઓફ વ્યૂથી ફિલ્મમાં ઘણા લોચા છે, પરંતુ ગરમી, વેકેશન, ઈલેક્શનના માહોલમાં બચ્ચે-યંગસ્ટર્સ ફિલ્મ ના દેખેં તો હો જાયેંગે બોર! વળી, ઘણા સમયે ટાઈડ પ્લસ ડિટર્જન્ટથી ધોઈ હોય એવી સાફસૂથરી ફેમિલી ફિલ્મ આવી છે. તો પછી મેળ પાડીને જઈ આવો તમતમારે. હા, નવલકથા વાંચી હોય અને એની અપેક્ષાઓનો ભાર લઈને જશો તો અમારી જેમ કકળાટ કરતાં બહાર આવશો! 

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.