સરકાર-3

ઇડિયટ્સ-૩

***

જૂની ગુડવિલ, ગળે ન ઊતરે તેવો પ્લોટ, પૂરતું ન દેખાય તેવા કેમેરા ઍન્ગલ્સ અને બહેરા કરી મૂકે તેવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો સરવાળો એટલે રામ ગોપાલ વર્માની આ નવી ફિલ્મ.

***


વિવિધ અવાજોને તીવ્રતાના ચડતા ક્રમમાં કંઇક આમ ગોઠવી શકાયઃ મચ્છરનો ગણગણાટ, પક્ષીઓનો કલબલાટ, માણસનો અવાજ, ટેલિવિઝનનો સાઉન્ડ, પાટા પર દોડતી ટ્રેન, જસ્ટિન બીબરના કોન્સર્ટનાં સ્પીકર, ટેક ઑફ થતું પ્લેન, સુપરસોનિક વિમાનની સોનિક બૂમનો ધડાકો અને ત્યારપછી રામ ગોપાલ વર્માની ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક. એમની આ ‘સરકાર-૩’નું મ્યુઝિક એટલું બધું ઘોંઘાટિયું છે કે ફિલ્મની શરૂઆતમાં ઍન્ટિ સ્મોકિંગની સાથોસાથ કાનની સલામતીની પણ જાહેરાત મૂકવા જેવી છે. બૅકગ્રાઉન્ડ નોઇઝ ઉપરાંત પણ ફિલ્મમાં ઘણા બધા પ્રોબ્લેમ છે.

ઍન્ગ્રી ઓલ્ડ મેન

બે ફિલ્મોમાં બબ્બે દીકરા-વહુ ગુમાવ્યાનાં વર્ષો પછીયે સુભાષ નાગરે (અમિતાભ બચ્ચન)નો ‘સરકાર’ તરીકેનો દબદબો બરકરાર છે. કેટલાક વિશ્વાસુ માણસો સાથે તેઓ પોતાના અંધારિયા ઘરમાં બીમાર પત્ની (સુપ્રિયા પાઠક) સાથે રહે છે. પહેલા પાર્ટમાં ટ્રાઇસિકલ ચલાવતો છોકરો ચીકુ હવે યુવાન શિવાજી (અમિત સાધ) બનીને પાછો આવ્યો છે. પરંતુ એનાં લખ્ખણ સારાં નથી. ઉપરથી ગોકુલ (રોનિત રોય) જેવા એકલ-દોકલ વફાદારોને બાદ કરતાં મુંબઈથી દુબઈ સુધીના લોકો સરકારના દુશ્મન છે. દુબઈનો એક પાણી અને પ્રાણીપ્રેમી ડૉન માઇકલ વાલ્યા (જૅકી શ્રોફ), રાજકારણી મા-બેટા રક્કુબાઈ (રોહિણી હતંગડી) અને ગોવિંદ દેશપાંડે (મનોજ બાજપાઈ), કાજળધારી અન્નુ (યામી ગૌતમ), યુનિયન લીડર ગોરખ (ભરત દાભોળકર) વગેરે ‘સરકાર હૅટર્સ’ નામની IPL ટીમ બનાવી શકાય એટલા બધા લોકો એમની સામે પડ્યા છે. ૧૩૨ મિનિટની આ ‘કાનલેવા’ ફિલ્મમાં સરકારનું શું થશે?

લાઉડ, કેમેરા, એક્શન

એક સમય હતો જ્યારે પોસ્ટરમાં ‘અ રામ ગોપાલ વર્મા ફિલ્મ’ જોઇને લોકો થિયેટર ભણી દોટ મૂકતા. જ્યારે હવે આ જ શબ્દપ્રયોગ લોકોને ડરાવવા માટે વપરાય છે. કેમ કે, ફિલ્મ ગમે તે હોય અમુક તત્ત્વો વિના અપવાદે સરખા જ રહેવાનાં. જેમ કે, ફિલ્મના કેન્દ્રમાં કોઈ નકારાત્મક પાત્ર જ હશે અને એના દ્વારા બદલાની ભાવનાથી કરાયેલી હિંસાને જસ્ટિફાય કરાઈ હશે. CCTV કે જાસૂસી કેમેરાની જાહેરખબર માટે વાપરી શકાય તેવા ગાંડાઘેલા કેમેરા ઍન્ગલ્સ હશે, બહાર આવ્યા પછી ગરમ તેલમાં કકડાવેલાં લસણનાં ટીપાં નાખવા પડે એવું ગગનભેદી બૅકગ્રાઉન્ડ મ્યુઝિક હશે, મચ્છરની જેમ લોકો મરતા હશે ને ફિલ્મ જોયા પછી આ દુનિયા હવે જીવવા જેવી રહી જ નથી એવો વિષાદયોગ છવાઈ જશે. આ તમામનો વધુ એક સરવાળો એટલે ‘સરકાર-૩’.

‘ગોડફાધર’ના ભારતીય વર્ઝન તરીકે દાયકા પહેલાં રજૂ થયેલી ‘સરકાર’માં રામ ગોપાલ વર્મા પાસે નવું કહેવા માટે કશું જ નથી. ઇન ફૅક્ટ, ઘણે અંશે આ ફિલ્મ ‘સરકાર-૧’ની રિમેક જેવી જ છે. પરંતુ જેમ એક સ્ટારનો ચાર્મ જતો રહે અને તે પોતાના ભવ્ય ભૂતકાળના પડછાયા જેવો બનીને રહી જાય એવું આ ફિલ્મનું થયું છે. ‘સરકાર-૧’ની પહેલી દસ-પંદર મિનિટમાં જ સરકાર અને અન્ય પાત્રો એસ્ટાબ્લિશ થઈ જતાં હતાં. મ્યુઝિક, કેમેરા ઍન્ગલ્સ અને પાત્રોની નજર બધું જ તેને પૂરક હતું. જ્યારે આ ફિલ્મ રામુજીએ પોતાની જ પૅરડી બનાવી હોય તેવી લાગે છે.

અહીં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને ‘ગોવિંદા ગોવિંદા’ની સિગ્નેચર ટ્યુન કોઈ જ કારણ વિના એટલી લાઉડ છે કે સરહદ પર વગાડ્યાં હોય તો ત્રાસવાદીઓ એના ડરથી જ ભાગી જાય. અમિતાભ સહિત તમામ પાત્રો દરેક વખતે કંઇક અગત્યનું જ બોલે છે એવું પુરવાર કરવા માટે સૌ શબ્દે શબ્દ છૂટા પાડીને ભાર દઈ દઈને બોલે છે. શૂટિંગ પહેલાં સૌને કડક કાથા-ચૂના જેવું કંઇક ખવડાવી દીધું હોય એમ બધાના અવાજને ખખરી બાઝી ગઈ છે. અગાઉ સરકાર પોતાના વિશ્વાસુ લોકો સામે સૂચક નજરે જુએ તેની પાછળ કોઈ સંદેશ-આદેશ છુપાયેલો રહેતો. અહીં બધા જ લોકો જાણે આંખમાંથી લૅસર કિરણો કાઢવાની પ્રેક્ટિસ કરતા હોય એ રીતે ડોળા કાઢીને જોયા કરે છે. આ બધું શા માટે? રામુ જાણે.

‘સરકાર-૩’માં સૌથી વધુ ક્રિએટિવિટી દાખવી છે સિનેમેટોગ્રાફરે. ઓશિકાની પડખે, પડદા પાછળ, સ્ટ્રેચર નીચે, ચાના કપના નાકાની આરપાર, થેપલાંની ડિશ લંબાવતા હોય એ રીતે ડાઇનિંગ ટેબલ પર, શાર્ક માછલીની નીચે, ટેલિવિઝન-મોબાઇલ ફોનની પાછળ… ટૂંકમાં તમે કલ્પના પણ ન કરી શકો એવા સ્થળોએ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. શા માટે? રામુ જાણે. વળી, પાત્રો જ્યારે કોઈ ખૂંખાર પ્લાન બનાવતા હોય કે ગંભીર વાત ચર્ચતા હોય ત્યારે એમની પાસે કરાવવું શું? રામુ પાસે સિમ્પલ સોલ્યુશન છે, કુછ ભી પીવડાવી દો. સરકાર રકાબી મોઢે માંડીને સ્ટિરિયોફોનિક સબડકા લે ત્યાં સુધી બરાબર છે, પરંતુ આ તો ખુદ સરકાર બબ્બે વખત ચા બનાવે, દૂધ પીવે, બાકીના લોકો વિના અપવાદે ચા-કૉફી પીવે, વાઇન-વ્હિસ્કી પીવે, અને આખી ફિલ્મ યુ નૉ, આપણું બ્લડ પીવે. વિના અપવાદે બધાનાં ઘરોમાં ઘોર અંધારાં. સરકારના ઘરનું અંધારું કદાચ એકલા પડી ગયા બાદ સરકારની લાઇફમાં વ્યાપેલા અંધકારનો મૅટાફર હોય, પરંતુ બાકીના લોકો શુંકામ અંધારે કુટાય છે? એમના રૂમમાં પણ દૂર ક્યાંક કોઈ ઝાંખો પીળો બલ્બ ચાલતો હોય એવું ઝાંખું અજવાળું આવ્યા કરે. એટલો પ્રકાશ પણ ખમાતો ન હોય, એમ પાછા અંદર પણ કાળા ગોગલ્સ પહેરી રાખે, TV જોતી વખતે પણ.

આખી ફિલ્મમાં માત્ર એક જ ટ્વિસ્ટ રસપ્રદ છે (જોકે એનુંય પૂરું જસ્ટિફિકેશન તો નથી જ). બાકીની પોણા ભાગની ફિલ્મનું રાઇટિંગ અનહદ કંગાળ છે. અગાઉ સરકાર નિષ્ફળ ગયેલી સિસ્ટમનો સમાંતર વિકલ્પ અને એક વિચારધારા હતો. અહીં એવું કશું જ નથી. કાર્ટૂન જેવા અડધો ડઝન વિલનો ભેગા મળીને પણ સરકારને કે એમની સોચને ખતમ કરવાનો એક પર્ફેક્ટ પ્લાન ઘડી શકતા નથી. મળે છે તો  માત્ર આવા ડાયલોગઃ ‘મછલી કિતની ભી તેઝ ક્યૂં ન હો, ઉસકી આવાઝ નહીં આતી, પતા હૈ ક્યોં? પાની કી વજહ સે’, ‘અગર તૂ ઔર મૈં દોનો સમઝ ગયે તો સમઝ કા ક્યા ફાયદા?’ બોલો, તમને સમજાયું કંઈ? આ બંને મહાન ડાયલોગ બોલાયેલા છે આ ફિલ્મના સૌથી ખૂંખાર અને સૌથી અનઇન્ટેન્શનલ કોમિક પાત્ર ટાઇગર પિતા જૅકી શ્રોફના મુખે. આખી ફિલ્મમાં તેઓ વિવિધ જળચર પ્રાણીઓ અને એક અલ્પ વસ્ત્રધારી કન્યા સાથે રહીને ઇન્ટરનેશનલ કૉલિંગ જ કર્યા કરે છે. ધેટ્સ ઇટ.

અમિતાભ બચ્ચનની હાલત ડૂબતા જહાજના કૅપ્ટન જેવી થઈ છે. સારા ડાયલોગ્સ કે સ્ક્રિપ્ટ ન મળે તો સરકારને પણ કયા સરકાર બચાવે? અમિત સાધના ભાગે ફિલ્મમાં ફૂંફાડા મારવા સિવાય ખાસ કંઈ આવ્યું નથી. યામી ગૌતમને તો સીધી જ ‘ફેર એન્ડ લવલી’ની ઍડમાંથી ઊંચકીને ‘નજર સુરક્ષા કવચ’ના પાત્રમાં બેસાડી દીધી હોય તેવી બિહામણી લાગે છે. એક્ટિંગની તો વાત જ નથી થતી. વધુ પડતાં પાત્રો અને ફાલતુ સીનમાં રોનિત રોય જેવો ઉમદા એક્ટર વેડફાઈ ગયો છે. રોહિણી હતંગડી થોડી વાર માટે દેખાયાં અને એક ગ્લાસ દારૂ પીને ગાયબ થઈ ગયાં. એકમાત્ર મનોજ બાજપાઈ ફોર્મમાં દેખાય છે. સુપ્રિયા પાઠકનું મરાઠી સમજવા માટે કોઈ દુભાષિયાની જરૂર પડે એવું છે. હા, અભિષેક બચ્ચન પણ તસવીર સ્વરૂપે ફિલ્મમાં છે (છતાંય એના ચહેરા પર જ્હોન અબ્રાહમ કરતાં વધુ એક્સપ્રેશન્સ દેખાય છે, બોલો).

‘સરકાર-૩’માં વધુ એક વાંધો ગાંધીજીના દુરુપયોગ સામે પણ લઈ શકાય. એક તો અહીં ગાંધીજીનું પૂતળું ‘લગે રહો મુન્નાભાઈ’ના દિલીપ પ્રભાવલકર જેવું દેખાય છે. ઉપરથી એક માફિયા પાત્રની અટક ગાંધી છે, જેને યામી ગૌતમ ‘ગાંધીજી ગાંધીજી’ કહીને બોલાવે છે. આટલું પૂરતું ન હોય તેમ ફિલ્મમાં બાપુના લક્ષ્ય અને સાધનશુદ્ધિના વિચારને પણ તોડી-મરોડીને વિકૃત રીતે પેશ કરાયો છે. આ બધું શા માટે, ભઈ?

બસ કરો, રામુ

‘સરકાર-૩’ એક સરસ ફિલ્મશ્રેણીને હાસ્યાસ્પદ કેવી રીતે બનાવી શકાય તેનો પર્ફેક્ટ નમૂનો છે. અમિતાભ બચ્ચનનો પ્રામાણિક પ્રયત્ન, મનોજ બાજપાઈના બે-ત્રણ લાઉડ-કેરિકેચરિશ છતાં ઇમ્પ્રેસિવ સીન અને એકાદ જગ્યાએ સરસ કટ્સ દ્વારા થયેલું જક્સ્ટાપોઝિશન, આવા જૂજ પૉઝિટિવ્સને બાદ કરતાં આખી ફિલ્મ ટૉર્ચર મટિરિયલ છે. આશા રાખીએ કે આ ‘સરકાર’ હવે અહીં જ પડી ભાંગે. અને હા, તમારે આ ફિલ્મ જોવી હોય તો ઘરે TV પર જ જોજો, કમ સે કમ તેમાં વોલ્યુમ ધીમું તો કરી શકાય.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

નામ શબાના

એન્ગ્રી યંગ વુમન

***

ગીતો કાપીને ફિલ્મ વધુ ટાઇટ બનાવાઈ હોત, તો આ પ્રિક્વલ ઓર જામત. પરંતુ લાંબા સમય સુધી જલસો કરાવે તેવા ‘બૅબી યુનિવર્સ’નાં મંડાણ તો થઈ જ ચૂક્યાં છે.

***

naamshabanafirstlookposterઆપણે ત્યાં હૉલીવુડની જેમ ‘પ્રિક્વલ’ કે ‘સ્પિન ઑફ’ પ્રકારની ફિલ્મો બનાવવાનો ખાસ રિવાજ નથી. ફોર એક્ઝામ્પલ, ‘શોલે’માં ઠાકુરને મળતાં પહેલાં જય-વીરુનું કોઈ બીજું જ ઍડવેન્ચર પ્લાન કરીને ફિલ્મ બનાવવામાં આવે, તો તે થઈ ‘પ્રિક્વલ’ કમ ‘સ્પિન ઑફ’ ફિલ્મ. પરંતુ આવી ફિલ્મો બનાવવા માટે મૂળ ફિલ્મની ઝીણામાં ઝીણી ડિટેઇલનું ધ્યાન રાખીને એક સ્વતંત્ર ફિલ્મ તૈયાર કરવી પડે, જેનું મૂળ ફિલ્મ સાથે સીધું અનુસંધાન જોડી શકાય. હૉલીવુડમાં ‘માર્વેલ’ અને ‘DC’ કોમિક્સનાં સિનેમેટિક યુનિવર્સની આવી અનેક સુપરહીરો ફિલ્મો આવતી રહે છે. આપણે ત્યાં સુરેન્દ્ર મોહન પાઠક, વેદ પ્રકાશ શર્મા અને આપણા તારક મહેતા જેવા લેખકોએ તથા ‘રાજ કોમિક્સ’એ ‘નાગરાજ’, ‘ડોગા’, ‘સુપર કમાન્ડો ધ્રુવ’ વગેરે પાત્રો સાથે પોતાનાં આગવાં યુનિવર્સ સરજ્યાં છે, પરંતુ તેના પરથી ફેઇથફુલ ફિલ્મ ફ્રેન્ચાઇઝ સર્જવાની હિંમત કોઇએ કરી નથી. ડિરેક્ટર નીરજ પાંડે તેમાં અપવાદ છે. એમણે બે વર્ષ પહેલાંની પોતાની સ્પાય થ્રિલર ફિલ્મ ‘બૅબી’ના એક પાત્રની બૅક સ્ટોરી સર્જીને હવે ‘નામ શબાના’ રૂપે ‘સ્પિન ઑફ’ ફિલ્મ બનાવી છે. નીરજ પાંડે પોતાનું લોંગ લાસ્ટિંગ ‘બૅબી યુનિવર્સ’ સર્જવામાં સફળ થશે તેવી આશા રાખવામાં કંઈ વધારે પડતું નથી જ.

ઘાયલ શેરની ઑન અ મિશન

‘બૅબી’માં આપણે જોયેલું કે એક મોટું ઑપરેશન પાર પાડવા નીકળેલી ભારતની ખૂફિયા સિક્રેટ ઍજન્સી ટીમ ‘બૅબી’ના ઍજન્ટ અજય સિંઘ રાજપુત (અક્ષય કુમાર)ને નેપાળમાં એક ત્રાસવાદીને પકડવામાં શબાના ખાન (તાપસી પન્નુ)ની મદદ મળે છે. જબરદસ્ત કિલર ઇન્સ્ટિંક્ટ ધરાવતી શબાના ખાન કેવી રીતે સિક્રેટ સર્વિસમાં આવી? તેની સ્ટોરી એટલે ‘નામ શબાના’ ફિલ્મ. કૉમર્સ કોલેજના બીજા વર્ષમાં ભણતી શબાના મુંબઈમાં પોતાની વિધવા માતા સાથે રહે છે. સતત સિરિયસ રહેતી શબાના નીડર છે, ‘કુડો’ માર્શલ આર્ટની પણ ચૅમ્પિયન છે, જબરદસ્ત ફાઇટિંગ સ્પિરિટ ધરાવે છે અને પોતાની સાથે થતો સહેજ પણ અન્યાય સાંખી શકતી નથી. ભૂતકાળનું એક કરુણ ચૅપ્ટર અને વર્તમાનમાં બનતી વધુ એક કરુણ ઘટના એને અન્ડરગ્રાઉન્ડ રહીને દેશ માટે કામ કરતી ખૂફિયા ઍજન્સીના અધિકારી રણવીર સિંહ (મનોજ બાજપાઈ)ની સામે લાવીને મૂકી દે છે. એક પર્સનલ ઑપરેશન પાર પાડ્યા પછી હવે શબાના દેશ માટે કંઇક કરી છૂટવા માટે તૈયાર છે અને એની મદદ માટે હાજર છે ભવિષ્યમાં બનનારી ‘બૅબી’ ટીમના બે જાંબાઝ અધિકારી અજય અને ઓમ પ્રકાશ શુક્લા (અનુપમ ખેર). હવે એમના રડાર પર છે મલેશિયામાં ફરતો ખૂંખાર વુમન ટ્રાફિકર ટોની (પૃથ્વીરાજ).

યુનિવર્સમાં બાકોરાં

સૌપ્રથમ તો નામ અને ગ્લોરીની અપેક્ષા રાખ્યા વિના ‘મોસાદ’ ટાઇપની એક ખૂફિયા સિક્યોરિટી ઍજન્સી અન્ડરગ્રાઉન્ડ રહીને દેશની સલામતી માટે ખતરનાક મિશન પાર પાડતી હોય તે કલ્પના જ રોમાંચક છે. નીરજ પાંડેએ સર્જેલી ‘બૅબી’નાં પાત્રોની એ દુનિયામાં ‘જેમ્સ બોન્ડ’, ‘બોર્ન સિરીઝ’ કે ‘મિશન ઇમ્પોસિબલ’ જેવી મુવી ફ્રેન્ચાઇઝ બનવાનો તમામ મસાલો પડ્યો છે.

આમેય ક્રાઇમ થ્રિલર કથાઓ લખવામાં નીરજ પાંડેની માસ્ટરી છે. ‘અ વેન્સડે’, ‘સ્પેશ્યલ 26’ અને ‘બૅબી’ લખવા ઉપરાંતghalibdanger એમણે એક ક્રાઇમ નોવેલ ‘ગાલિબ ડૅન્જર’ પણ લખી છે. ‘નામ શબાના’માં નીરજ પાંડેએ માત્ર રાઇટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળ્યો છે અને ડિરેક્શન ‘આહિસ્તા આહિસ્તા’ ફેમ શિવમ નાયરને સોંપ્યું છે. એક પ્રિક્વલ કે સ્પિન ઑફ ફિલ્મને છાજે તેવું તમામ ડિટેઇલિંગ પાંડેજીના રાઇટિંગમાં દેખાય છે. ‘બૅબી’ની સ્ટાઇલમાં જ આ ફિલ્મનાં ક્રેડિટ્સનાં તમામ નામ ડિસ્પ્લે થાય છે. બૅબીનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સંભળાય છે. તાપસીથી લઇને અક્ષય, અનુપમ ખેર, ડૅનીના લુક પણ એ જ રખાયા છે. સતત ‘મંત્રીજી બિઝી હૈ’નું રટણ કરતો એમનો સેક્રેટરી ‘મિસ્ટર ગુપ્તા’ (એક્ટર મુરલી શર્મા), ફોન કરીને અક્ષયની ભાળ પૂછતી એની પત્ની ‘અંજલિ’ (મધુરિમા તુલી) અને અક્ષય દ્વારા એને અપાતો સ્ટાન્ડર્ડ જવાબ ‘કૉન્ફરન્સ મેં હૂં’, તાપસીની અંબોડો વાળવાની સ્ટાઇલ, અક્ષય અને અનુપમનાં પાત્રો વચ્ચે સતત ચાલતી એક કૉલ્ડ વૉર વગેરે નાની નાની વિગતોનું ધ્યાન રખાયું છે. એક તબક્કે મનોજ બાજપાઈ પોતાના ઉપરી ડૅનીને પૂછે છે પણ ખરો કે, ‘સર, બૅબી ટાસ્ક ફૉર્સ કા ક્યા હુઆ?’ પ્રિક્વલ છે એટલે સ્ટોરી ઈ.સ. ૨૦૧૧માં બૅઝ્ડ છે અને એટલે જ ટેલિવિઝન પર પ્રધાનમંત્રી તરીકે ડૉ. મનમોહન સિંઘ પણ દેખાય છે (જોકે એક સીનમાં ‘CNN-ન્યુઝ 18’ ચૅનલ પણ દેખાય છે, જે છેક ૨૦૧૬માં અસ્તિત્વમાં આવી). આ બધાંને લીધે ‘નામ શબાના’ એક ફેઇથફુલ પ્રિક્વલ છે તેવું વાતાવરણ જામી જાય છે.

તાપસી પન્નુ દમદાર એક્ટર છે. એના એકદમ રિફ્લેક્ટિવ ચહેરા પર ક્યુટનેસ, ગુસ્સો, ફ્રસ્ટ્રેશન, નિઃસહાયતા, મક્કમતા અને કોરી સ્લૅટ જેવા તમામ હાવભાવ ‘એશિયન પેઇન્ટ્સ’ના શૅડકાર્ડની જેમ બરાબર જોઈ શકાય છે. એને ફાઇટ સીન કરતી જોઇને આપણને એના નખ તૂટવાનો ભય લાગતો નથી. તાપસીના મૅચ વિનિંગ પર્ફોર્મન્સ છતાં આ ફિલ્મમાં સંખ્યાબંધ પ્રોબ્લેમ્સ છે.

એક સ્પાય થ્રિલર ‘ફોર્મ્યુલા-1’ રેસિંગ કારની જેમ સતત ભાગતી રહેવી જોઇએ. ડૅન બ્રાઉન જેવા લેખકો તો આ માટે ચૅપ્ટરોની સાઇઝ પણ માંડ દોઢ-બે પાનાંની જ રાખે છે. પરંતુ એક તો આ ફિલ્મ પૂરી અઢી કલાક લાંબી છે. એમાંય આતંકવાદી હુમલાની જેમ દર થોડી વારે અતિશય કંગાળ ગીતો ટપકી પડે છે. શબાનાની બૅકસ્ટોરીમાં સ્માર્ટનેસના ચમકારા છે, પરંતુ તેની રફ્તાર ભયંકર સ્લો છે. ફર્સ્ટ હાફમાં શબાનાનો ભૂતકાળ અને સૅકન્ડ હાફમાં વિલનને પકડવાનું મિશન એમ બે ક્લિયર કટ ભાગ છે, જેને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. એટલે જ આપણે સવા-સવા કલાકની બે અલગ અલગ ફિલ્મો જોઇને બહાર નીકળ્યા હોઇએ તેવું ફીલ થાય છે. બંનેમાં પ્રોપર સ્ટ્રગલ અને ક્લાઇમેક્સ બધું જ છે. જો બૅકસ્ટોરીમાં થોડા સીન અને તમામ ગીતો કાપી નખાયાં હોત તો આ ફિલ્મ ક્યાંય વધુ ફાસ્ટ અને ટાઇટ બની હોત.

‘મૅકિંગ ઑફ અ સ્પાય’માં ટિપિકલ ટ્રેનિંગ શૉટ્સ નાખવાને બદલે કશુંક ઇનોવેશન કરાયું હોત તો, કોઈ સ્માર્ટ ટેક્નિક અપનાવાઈ હોત તો ફર્સ્ટ હાફ ઓર રસપ્રદ બન્યો હોત. અહીંયા વિલન બનેલો સાઉથનો હીરો પૃથ્વીરાજ મસ્ત એક્ટર છે. અગાઉ એ ‘ઐય્યા’ અને ‘ઔરંગઝેબ’માં પણ ડોકિયું કાઢી ગયેલો. પરંતુ અહીં એનો રોલ એવો ક્લિશૅ અને ફિલ્મી રીતે લખાયો છે કે તેમાં કશું જ એક્સાઇટિંગ નથી. આમ તો એ આખા દેશ માટે જોખમી છે, પણ એના ભયને એસ્ટાબ્લિશ કરતો એકેય સીન જ નથી. એટલે એનો કોઈ ખોફ ઊભો થતો નથી. વળી, એને પકડવાના આખા ઑપરેશનમાં ક્યાંય કશું સસ્પેન્સ અને ‘સેન્સ ઑફ અર્જન્સી’ જેવી થ્રિલ અનુભવાતી નથી. જોકે જેને પકડવા માટે વર્ષોનાં ખૂન-પસીના એક કર્યાં હોય તેવો ખૂંખાર વિલન સાવ ચંબુ જેવી મિસ્ટેકમાં ભાગી છૂટે તે વાત ગળે ઉતારવા માટે લોટો ભરીને પાણી પી જવું પડે. હા, તાપસીએ હૅન્ડ ટુ હૅન્ડ ફાઇટથી વિલનલોગનાં હાડકાં મસ્ત ખોખરાં કર્યાં છે (અક્ષયે પણ પોતાની જૂની ટેવ મુજબ ક્લાઇમૅક્સ હાઇજૅક કર્યો છે). ઑવરઑલ રેસ અગેઇન્સ્ટ ટાઇમની થ્રિલના અભાવે આખા ક્લાઇમેક્સની જ ખાસ ઇમ્પેક્ટ અનુભવાતી નથી. ફિલ્મ ફ્રેન્ચાઇઝ તરીકે હૉલીવુડ સ્ટાઇલમાં હવે આવનારી ફિલ્મની ઝલક આપતો એક પોસ્ટ ક્રેડિટ સીન પણ ઉમેરી શકાયો હોત. લેકિન અફસોસ.

નેક્સ્ટ ટાઇમ, શબાના

એક તબક્કે શબાના સ્પાય તરીકે પોતાની પસંદગીનું કારણ પૂછે છે ત્યારે મનોજ બાજપાઈ એને કહે છે, ‘વિમેન આર બોર્ન સ્પાય્ઝ… એમને ઝાઝું ગાઇડન્સ આપવાની જરૂર પડતી નથી.’ જો ખુદ નીરજ પાંડે એ વાતને વળગી રહ્યા હોત તો આપણને એક ફિમેલ સ્પાય કઈ રીતે પુરુષથી અલગ પડે છે અને કેવી રીતે એકલે હાથે આખું ઑપરેશન પાર પાડે છે તેની દિલધડક સ્ટોરી માણવા મળી હોત. તેમ છતાં ‘બૅબી’ સિરીઝની આ બીજી ફિલ્મ એક વખત જોવાનો મસાલો તો ધરાવે જ છે અને તેમાં આખી મુવી ફ્રેન્ચાઇઝ ઊભી કરવાનો દમ પણ છે જ. બશર્તે તેને નવી રીતે લખવામાં આવે અને ખુદ પાંડેજી ડિરેક્શનની લગામ પોતાના હાથમાં રાખે.

P.S. ‘બેબી’નો રિવ્યુ વાંચો અહીં.

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

ટ્રાફિક

હેડિંગઃ થ્રિલ રાઇડ

***

ઇન્ટ્રોઃ આ ઇમોશનલ થ્રિલર નખ ચાવતા રહીએ એવો રોમાંચ અને આંખના ખૂણા પલાળી દે તેવી સંવેદનશીલ સ્ટોરીનું મસ્ત કોમ્બિનેશન છે.

***

ધારો કે આપણેofficial_traffic_first_look બમ્પર ટુ બમ્પર ટ્રાફિક જામમાં ફસાયેલા છીએ. ગાડીઓના એ થપ્પાની પાછળ સાઇરનો વગાડતી કોઈ એમ્બ્યુલન્સ આવે છે, પરંતુ તે જરાય આગળ જઈ શકે એવી સ્થિતિ નથી. ત્યારે આપણને તે એમ્બ્યુલન્સની દીવાલો વચ્ચે રહેલા દર્દીની કે એનાં પરિવારજનોની હાલતનો વિચાર આવે છે ખરો? મલયાલમ ફિલ્મોના ડિરેક્ટર (અને હવે સ્વર્ગસ્થ) રાજેશ પિલ્લઈની ફિલ્મ ‘ટ્રાફિક’ એક તો આપણને આ પ્રશ્ન પૂછે છે અને સાથોસાથ ઘડિયાળના કાંટે દોડતી જીવન-મરણ વચ્ચેની અત્યંત રોમાંચક રેસ અગેઇન્સ્ટ ટાઇમ પર લઈ જાય છે.

દિલ ધડકને દો

મુંબઈમાં એક યુવાન રોડ એક્સિડન્ટ થાય છે અને ડૉક્ટરો તેને બ્રેઇનડેડ જાહેર કરી દે છે. બીજી તરફ પુણેમાં એક ટીનેજર છોકરીને જો સાંજ સુધીમાં પ્રત્યારોપણ માટે નવું હૃદય ન મળે તો તેના બચવાના કોઈ ચાન્સ નથી. હૃદયના દાતા તૈયાર છે, છોકરીનાં માતાપિતા (દિવ્યા દત્તા અને પ્રોસેનજિત ચેટર્જી) પણ રાહ જોઈ રહ્યાં છે. ત્યાં ઈશ્વર કસોટી કરે છે, પ્રચંડ વરસાદમાં પ્લેન કે હેલિકોપ્ટર ઊડી શકે તેમ નથી. હવે એક જ રસ્તો છે, મુંબઈથી પુણેનું ૧૬૦ કિલોમીટરનું અંતર અઢી કલાકમાં કાપવાનું. ટ્રાફિક જોઇન્ટ કમિશનર (જિમી શેરગિલ) આખા રસ્તે ટ્રાફિક બ્લોક કરાવે છે. જ્યારે માનવહૃદય લઇને ટ્રાફિક કોન્સ્ટેબલ રામદાસ ગોડબોલે (મનોજ બાજપાઈ) પુરપાટ સ્પીડે ગાડી મારી મૂકે છે. કામ અશક્યવત્ છે, પરંતુ તેમાં જોડાયેલી દરેક વ્યક્તિ તેને પૂરું કરવા કટિબદ્ધ છે.

હામ, હૈયું અને હાઇવે

૨૦૦૮માં સાચેસાચ બનેલું, કે એક યુવાનનો અકસ્માત થયો અને તેને બ્રેઇનડેડ ઘોષિત કરવામાં આવ્યો. માતાપિતાએ ભારે હૈયે દીકરાનાં આંખો, કિડની અને હૃદયનું દાન કરવાનું નક્કી કર્યું. તે હૉસ્પિટલથી ૩૦ કિલોમીટર છેટે બીજી એક હૉસ્પિટલમાં નવ વર્ષની બાળકી તંદુરસ્ત હૃદય માટે તરસી રહી હતી. કાર્ડિયાક સર્જન પોતાના હાથમાં આઇસબૉક્સમાં હૃદય મૂકીને દોડતા નીકળ્યા. રસ્તે આવતાં તમામ સિગ્નલો પર ટ્રાફિક થંભાવી દેવાયેલો. આખરે ૩૦ કિલોમીટરનું અંતર ૧૫ મિનિટમાં કાપીને તે બાળકની જિંદગી બચાવી લેવાઈ. આ સત્યઘટના પરથી ડિરેક્ટર રાજેશ પિલ્લઈએ ૨૦૧૧માં ‘ટ્રાફિક’ નામની સુપરહીટ મલયાલમ ફિલ્મ બનાવેલી. તેની તમિળ અને કન્નડ આવૃત્તિ પછી હવે હિન્દીનો વારો આવ્યો છે. કલાકારોનો જબરદસ્ત કાફલો ધરાવતી આ ફિલ્મના બે સ્પષ્ટ ભાગ પડે છે, માનવીય સંવેદનશીલ પાસું અને સીટનો ટેકો છોડીને ટટ્ટાર થઈ જઇએ એવી જબરદસ્ત થ્રિલ.

ફિલ્મ શરૂ થાય કે તરત જ ATMમાંથી પૈસા બહાર આવતા હોય એ સ્પીડે ધડાધડ નવાં નવાં પાત્રો ઇન્ટ્રોડ્યુસ થવા માંડે. એકસાથે પાંચેક મોરચે અલગ અલગ વાર્તાઓ સમાંતરે ચાલતી રહે. એમાંથી કોઇને એકબીજા સાથે દેખીતો સંબંધ હોય એવું ન લાગે. જેવું આપણે માથું ખંજવાળવાનું સ્ટાર્ટ કરીએ કે તરત જ વાર્તા ફટ્ દઇને હાઇવે પર ચડી જાય. કન્ફ્યુઝન દૂર કરવા માટે અંગ્રેજી ટીવી સિરિયલ ‘24’ની જેમ બધાં દૃશ્યોને એકસાથે સ્ક્રીન પર મૂકી દેવામાં આવે. ત્યારે ખબર પડે કે આ વાર્તાઓ એકબીજા સાથે કયા તાંતણે જોડાયેલી છે. સરી જતી એકેક સેકન્ડ કીમતી છે તે દર્શાવતી ઘડિયાળ પણ સાથોસાથ ડિસ્પ્લે થતી રહે અને બૅકગ્રાઉન્ડમાં હૃદયના ધબકારા પણ સંભળાય.

મિનિમમ સમયમાં મૅક્સિમમ અંતર કાપીને અને મુંબઈનો એનાકોન્ડાછાપ ટ્રાફિક ચીરીને હૃદય પહોંચાડવાનું છે એ ટાસ્ક પોતે જ આપણું બ્લડપ્રેશર ઊંચું કરી દેવા માટે પૂરતું છે. ફટાફટ દોડતો કેમેરા, એરિયલ શૉટ્સ, રોકી રખાયેલા લોકોનો વધતો ગુસ્સો, રસ્તામાં આવતી અણધારી મુશ્કેલીઓ અને ઉપરથી વરસતા વરસાદનું વિઘ્ન. ૧૦૦ મિનિટની આ ફિલ્મનો અડધોઅડધ હિસ્સો આવી જ પ્યોર થ્રિલથી ભરચક છે.

પરંતુ રાઇટર-ડિરેક્ટર માત્ર એક થ્રિલર ફિલ્મ બનાવીને અટકી ગયા નથી. એમણે દરેક પાત્રને એક આગવો હ્યુમન એન્ગલ આપ્યો છે. ફિલ્મનું એકેક પાત્ર સખત માનસિક સંઘર્ષ કરી રહ્યું છે. એક માતાપિતા પર પોતાના એકના એક દીકરાના જીવન પર પૂર્ણવિરામ મૂકીને કોઇકની જિંદગી બચાવવાનું દબાણ છે, એક હવાલદાર પોતાના પર લાગેલું ભ્રષ્ટાચારનું કલંક દૂર કરવા અને દીકરીની નજરમાં ફરીથી માનભર્યું સ્થાન મેળવવા મથી રહ્યો છે, એક સ્ત્રી પોતાનું પ્રિયપાત્ર ગુમાવી રહી છે, એક પુરુષ પોતાના લગ્નજીવનના ઝંઝાવાત સામે ઝઝૂમી રહ્યો છે, એક પોલીસ કમિશનર પ્રેક્ટિકલ થવું કે ઇમોશનલ તે દુવિધામાં છે, તો એક પિતા પોતાની દીકરીને પૂરતો સમય ન આપી શક્યાના ગિલ્ટમાં છે. દરેક દ્વંદ્વને અંતે માણસાઈનો વિજય થાય છે. લેખકોએ એવી ખૂબીથી વાર્તાને વળાંક આપ્યા છે, કે લોકો ધર્મ-રાજકીય સ્વાર્થને બાજુએ મૂકીને માત્ર કોઇને જીવાડવાના હેતુથી, માણસ તરીકેની પોતાની ફરજ બજાવવા માટે નીકળી પડે છે.

તમામ મોરચે ચાલતા આ સંઘર્ષોને જોવાની મજામાં ઉમેરો કરે છે ફિલ્મની ધરખમ અને સુરતી માંજા જેવી ધારદાર કાસ્ટ. મનોજ બાજપાઈ તો કેમેરા સામે કાન ખોતરે તોય જોવો ગમે એવો દમદાર એક્ટર છે એ આપણને ખબર છે જ. ‘અ વેન્સડે’ના અનુપમ ખેરની સ્ટાઇલમાં કંટ્રોલ રૂમમાંથી રૂઆબભેર હુકમો છોડતો જિમી શેરગિલ પણ હાફુસ કેરી જેવો સ્વીટ લાગે છે. પરંતુ તે ઉપરાંત કિટુ ગિડવાણી, સચિન ખેડેકર, વિક્રમ ગોખલે, પરંબ્રત ચેટર્જી, પ્રોસેનજિત ચેટર્જી, દિવ્યા દત્તા સરીખા અદાકારોની એક્ટિંગમાંથી પણ પ્રામાણિકતા ટપકે છે. સંવેદના અને રોમાંચના તાણાવાણા ડિરેક્ટર રાજેશ પિલ્લઈએ માત્ર ૧૦૦ મિનિટમાં જ ગૂંથી લીધા છે. એટલે ફિલ્મમાં ક્યાંય ખોટી ચરબી દેખાતી નથી. ઇવન સાવ સિંગલ લાઇનની લાગતી સ્ટોરીમાં પણ વચ્ચે અણધાર્યા ટ્વિસ્ટ નાખીને રોમાંચ વધારી દીધો છે.

જોકે ઘણાં દૃશ્યોમાં પ્રોડક્શન ક્વૉલિટી ખાસ્સી નબળી લાગે છે. આપણે ફિલ્મનાં પાત્રો સાથે ઇમોશનલી જોડાઇએ, તેમ છતાં ઘણાં બધાં રડારોળનાં દૃશ્યો ફિલ્મને લાઉડ મૅલોડ્રામાની બાઉન્ડરી તરફ ધકેલતા હોય તેવું ફીલ થઈ આવે છે. થોડું એવું થાય કે જો બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને એડિટિંગને થોડાં વધારે પૉલિશ કર્યાં હોત તો ફિલ્મ ઓર નિખરી આવત. ઘણા ફિલ્મ રસિયાઓ કહે છે કે આ હિન્દી વર્ઝન કરતાં ઑરિજિનલ મલયાલમ ફિલ્મ ક્યાંય વધુ સારી રીતે બની હતી. જો ખરેખર ફિલ્મો જોવાનો શોખ હોય, તો મલયાલમને પહેલી પસંદગી આપી શકાય.

થોભો, જુઓ, જાઓ

દુઃખની વાત એ છે કે ડિરેક્ટર રાજેશ પિલ્લઈ પોતાની આ ફિલ્મની રિલીઝ જોઈ શક્યા નહીં. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેઓ લિવરની બીમારીને કારણે ૪૧ વર્ષની ભરયુવાન વયે ગુજરી ગયા. તમને ઇમોશનલ-થ્રિલર ફિલ્મો ગમતી હોય કે નહીં, પરંતુ રિયલ લાઇફમાંથી આવી સરસ વાર્તા શોધીને પ્રામાણિકતાથી પેશ કરવા માટે ડિરેક્ટરને અંજલિરૂપે પણ આ ફિલ્મ જોવી જોઇએ. ફિલ્મ જોયા પછી ક્યારેય કોઈ એમ્બ્યુલન્સનો રસ્તો રોકતા જીવ નહીં ચાલે.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

તેવર

અર્જુન તેરા તેવર પુરાના

***

હિરોગીરીના તમામ તામસિક મરીમસાલાથી ફાટફાટ થતી આ ફિલ્મ એટલિસ્ટ એક દાયકા જેટલી વાસી લાગે છે.

***

tevar51એક ઓરિજિનલ કાગળની ઝેરોક્સની ઝેરોક્સની ઝેરોક્સની ઝેરોક્સ કાઢો તો એ નકલ કેવી હોય? બસ, આ શુક્રવારે રિલીઝ થયેલી અર્જુન કપૂર-સોનાક્ષી સિંહાની ‘તેવર’ જેવી, તદ્દન આઉટડેટેડ. ‘તેવર’ દરઅસલ મૂળ ૨૦૦૩માં બનેલી મહેશબાબુ-ભૂમિકા ચાવલાની ફિલ્મ ‘ઓક્કાડુ’ની પાંચમી રિમેક છે. એક દાયકામાં તો બે વાર દેશની સરકાર બદલાઈ જાય, ત્યારે આવી એકની એક સ્ટોરી લોકોની માથે મારવા પાછળ શું લોજિક હશે? યકીન માનો, એક ભાંગફોડિયા દબંગ હીરો, માથાભારે બાહુબલી નેતા અને પારેવા જેવી ગભરૂ હિરોઈનની મગજમારી સિવાય આ ફિલ્મમાં કશું જ નવીન નથી.

રાધા, કૃષ્ણ અને કંસ

મથુરા નગરીમાં એક લજામણીના છોડ જેવી ગભરુ બાળા રાધિકા (સોનાક્ષી સિંહા) પર ત્યાંના કંસ જેવા બાહુબલી નેતા ગજેન્દ્ર સિંહ (મનોજ બાજપાઈ) મોહી જાય છે. એ સીધું કન્યા પાસે જ માગું નાખી દે છે કે હવે તો તને પરણ્યે જ છૂટકો કરું. એનાથી બચવા ભાગતી ફરતી એ લજામણીકુમારી મારફાડ હીરો ઘનશ્યામ ઉર્ફ પિન્ટુ (અર્જુન કપૂર)ને ભટકાઈ જાય છે. ગામ આખાની મદદ કરવાનો હોલસેલ કોન્ટ્રેક્ટ લઇને બેઠેલો પિન્ટિયો આ બાળાને પણ બચાવવા નીકળી પડે છે.

વહી પુરાના ‘ફારમૂલા’

આ ‘તેવર’ જેવી ફિલ્મો ટિપિકલ મસાલા ફિલ્મોની કેટેગરીમાં આવે છે, જેમાં ઓલમોસ્ટ બધું જ એક નક્કી કરેલી ફોર્મ્યૂલા પ્રમાણે જ થાય. કોઇનાયે બાપાની સાડાબારી રાખ્યા વિના ઢીકાપાટું વળગાડતો હીરો હોય અને દેશ આખાની સિસ્ટમને બાપીકી જાગીર સમજીને ખિસ્સામાં લઈને ફરતો વિલન હોય. એ બંનેને ગમે તે કારણ ઊભું કરીને એકબીજા સાથે ભિડાવી દેવાના. અહીં એ કારણ છે હિરોઇન સોનાક્ષી સિંહા. પછી આગળની ફોર્મ્યૂલા પ્રમાણે બંનેની એન્ટ્રી પડે એટલે એક એક ગીત નાખવાનું. પછી સેવન કોર્સ ડિનરમાં જેમ સૂપ, સ્ટાર્ટર, મેઇનકોર્સ, ડિઝર્ટ વગેરે આવે એમ અહીં પણ એક આઇટેમ સોંગ, એક પાર્ટી સોંગ, એક લવ સોંગ, એક વિરહ ગીત ભભરાવાનાં. આપણે જોતાં થાકીએ પણ માર ખાઇનેય ન થાકે એવો ફોલાદી હીરો વિલનની આખી સેનાને ક્લિન બોલ્ડ કરી દે. અંતે ખાધું પીધું ને રાજ કર્યું જેવું હેપી એન્ડિંગ.

છતાં એવી ફિલ્મો સો-બસ્સો કરોડનો બિઝનેસ કરે છે એનાં મેઇન કારણ છે ફિલ્મના હીરોનો સ્ટાર પાવર અને વાર્તા કહેવાની સ્ટાઇલમાં નવીનતા. આ ‘તેવર’ પિક્ચરમાં હીરોગીરી નાના ગાદલામાં ઝાઝું રૂ ભરીએ એમ ઠાંસવામાં આવી છે, પરંતુ અર્જુન કપૂર બિચારો સલમાન, શાહરુખ કે આમિર નથી. એણે સિક્સ પૅક એબ્સ બનાવ્યા છે, પણ આખી ફિલ્મ એકલો ઉપાડી શકે એવા મજબૂત એના ખભા નથી. વળી એના દાઢીધારી ચહેરા પર રડ્યાંખડ્યાં બે-ચાર એક્સ્પ્રેશન્સ સિવાય ખાસ કશું આવતું પણ નથી.

હા, આ ફિલ્મમાં દિલ્હી-મુંબઈનાં ટિપિકલ લોકેશનોને બદલે આગ્રા-મથુરાનું બેકગ્રાઉન્ડ લેવામાં આવ્યું છે. એમાં થોડી નવીનતા લાગે છે. આ બેકગ્રાઉન્ડને છાજે એવા યુપીની માટીમાંથી ખોદી કાઢેલા (અને ઘણી વાર અશ્લીલ બની જતા) ડાયલોગ ફ્રેશ લાગે છે. ટીવીમાં ‘ઓરિયો’ બિસ્કિટની જાહેરખબરમાં રણબીર કપૂરની બહેન બનતી ચશ્મિસ્ટ છોકરી અહીં અર્જુન કપૂરની બટકબોલી બહેન બની છે. આ બંને ભાઈ-બહેનની નોંકઝોંકના સીન ઠંડીમાં તાપણાંની જેમ આહલાદક લાગે છે. ધેટ્સ ઑલ.

વિલન ફિલ્મને ખાઈ જાય તો?

અર્જુન કપૂરની કમનસીબી એ છે કે આ ફિલ્મમાં એની સામે વિલન તરીકે મનોજ બાજપાઈ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મુઠ્ઠીભર એવા એક્ટરો પણ છે જેમને પોતાની તાકાતનો પરચો બતાવવા માટે સિક્સ પૅક એબ્સ બનાવવાની જરૂર પડતી નથી. મનોજ બાજપાઈ એમાંનો એક છે. એની ધારદાર આંખો, ઠંડી ક્રૂરતાથી બોલાતા ડાયલોગ્સ અને જ્વાળામુખીની જેમ ક્યારે ફાટશે તેની અનિશ્ચિતતાવાળો એટિટ્યૂડ સ્ક્રીન પર એની હાજરીને જ ખોફનાક બનાવી નાખે છે. આ ફિલ્મમાં અર્જુન કપૂરને જીતતો જોવાને બદલે મનોજ બાજપાઈને હારતો જોવાની વધારે મજા પડે છે. ઈવન ફિલ્મમાં હીરો-હિરોઇન પ્રેમમાં પડે એ પહેલાં વિલન બડે આરામ સે હિરોઇનના પ્રેમમાં પડે છે. જ્યારે અર્જુન-સોનાક્ષીને પ્રેમમાં પાડવા માટે એટલો સમય મળ્યો જ નથી. બલકે એ પ્રેમમાં હોય એવુંય લાગતું નથી.

ગુંડાલોગ પાછળ પડ્યા હોય અને હિરોઇન ડરીને હીરોની સોડમાં ભરાઈ જાય એ પ્રકારના ગુડ ફોર નથિંગ રોલ કરવામાં એને એવી તો માસ્ટરી આવી ગઈ છે કે કાલે ઊઠીને એ એના પર આખું પુસ્તક પણ લખી શકશે. હા, આ ફિલ્મમાં સોનાક્ષી માટે એટલું કહી શકાય કે મનોજ બાજપાઈ એને પ્રપોઝ કરવા આવે છે એ સીનમાં એણે ઈજિપ્શિયન પ્રિન્ટવાળું શ્રગ સારું પહેર્યું છે!

આ ઓલમોસ્ટ આખી ફિલ્મમાં હીરો, હિરોઇન અને વિલનની જ ભાંજગડ ચાલ્યા કરે છે. એમાં સપોર્ટિંગ કાસ્ટના ભાગે સાવ ચટણી જેવું કામ આવ્યું છે. એવી ચટણીમાં રાજ બબ્બર, દીપ્તિ નવલ, રાજેશ શર્મા સરીખાં અદાકારોનું કચુંબર થઈ ગયું છે. એના કરતાં તો ‘કાકડા’ જેવું વિચિત્ર નામ ધરાવતો વિલનના આદમી (અભિનેતા સુબ્રત દત્તા)ને વધારે સ્ક્રીન સ્પેસ મળી છે.

આ ફિલ્મથી સંજય કપૂર પહેલી વાર પ્રોડ્યુસર બન્યા છે, તો અમિત શર્મા પહેલીવાર ડિરેક્ટરની ખુરશી પર બેઠા છે. પરંતુ અમિતભાઈ અગાઉ નવસો જેટલી ટેલિવિઝન જાહેરખબરો બનાવી ચૂક્યા છે. એટલે જ ફિલ્મમાં પણ એમણે બડી ચાલાકીથી જાહેરખબરો ઘુસાડી દીધી છે. બે ગીતને બાદ કરતાં સાજિદ-વાજિદના સંગીતે આ ફિલ્મને લાંબી કરવામાં સક્રિય ફાળો આપ્યો છે. એમણે પણ જૂનો માલ જ રિસાઇકલ કર્યો હોય એમ ‘મૅડમિયા’ સોંગમાં ‘દબંગ-૨’ના ‘ફેવિકોલ સે’ ગીતની અને ‘મૈં તો સુપરમેન’માં ‘જય હો’ના ‘અપના કામ બનતા ભાડ મેં જાયે જનતા’ની જ ગંધ આવ્યા કરે છે.

તેવરની ત્રેવડ કેટલી?

જુઓ, લગભગ આ જ પ્રકારની સ્ટોરી અને ટ્રીટમેન્ટ ધરાવતી ફિલ્મ આપણે શાહિદ કપૂરની ‘આર.. રાજકુમાર’માં અને સલમાનભાઈની ‘વૉન્ટેડ’માં જોઈ ચૂક્યા છીએ (જે અગેઇન દક્ષિણની ‘પોકિરી’ની રિમેક હતી). સ્પીડબ્રેકરની જેમ વારેવારે આવતાં ભંગાર ગીતો અને પોણા ત્રણ કલાક જેટલી લાંબી ફિલ્મમાંથી બહાર નીકળીએ ત્યારે આપણા ચહેરા પર પણ અર્જુન કપૂર જેવી જ દાઢી ઊગવા માંડી હોય એવું ફીલ થાય છે (લેડીઝલોગના નખ પણ વધી જશે, ડૉન્ટ વરી!). મનોજ બાજપાઈની સિમેન્ટ જેવી મજબૂત એક્ટિંગ માટે આપણને માન છે, પરંતુ સાથોસાથ ટિકિટના તોતિંગ ભાવનું પણ આપણને સુપેરે ભાન છે. એટલે ટીવી-ડીવીડી પર આવે ત્યાં સુધી આ તેવરને હોલ્ડ પર મૂકવામાં જ સાર છે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

મહાભારત (એનિમેટેડ મુવી)

આના કરતાં ચૌદ વર્ષનો વનવાસ સારો!

***

મહાભારત જેવી શાશ્વત કથા પરથી કેવી એનિમેટેડ ફિલ્મ ન બનાવવી જોઇએ તેનું પરફેક્ટ ઉદાહરણ છે આ ફિલ્મ.

***

mahabharat-3d-animation-movie-posterમહાભારત, ધ ગ્રેટેસ્ટ સ્ટોરી એવર ટોલ્ડ. સંખ્યાબંધ પાત્રો, દરેક પાત્રની બેકસ્ટોરી અને અત્યારના સંદર્ભમાં ચકાસવા બેસો તો તેનું જ્યોગ્રાફિકલ અનુસંધાન પણ મળી આવે. તેના વિશે સાચું જ કહેવાયું છે કે જે અહીં છે તે જ સઘળે છે, અને જે અહીં નથી તે ક્યાંય નથી. આ સંસારની બધી જ સ્ટોરીઓનું, દરેક પ્લોટનું અનુસંધાન મહાભારતની કથામાં મળી આવે. પ્રેમ, દોસ્તી, દગો, રાજકારણ, મિસ્ટ્રી, ફેન્ટેસી, ચમત્કાર, યુદ્ધ, ભક્તિભાવ કે ઇવન સાયન્સ ફિક્શનની કડીઓ પણ તમે મહાભારતમાંથી શોધી શકો. મહાભારત એટલે ભારતીય સંસ્કૃતિની એવી મહાગાથા, જે ક્યારેય જૂની થતી નથી. હજારો વર્ષો થયા પછીયે આપણને એવી ને એવી જ તરોતાજા અને નવી લાગે છે. યુગો યુગોથી અનેક સર્જકો પોતપોતાની શક્તિ અને મતિ પ્રમાણે આ કથા ફરી ફરીને કહેતા આવ્યા છે અને આવનારાં સૈકાઓમાં પણ આ ક્રમ ચાલુ જ રહેવાનો છે. આ જ ક્રમમાં વધુ એક કડી એટલે અમાન ખાન દિગ્દર્શિત એનિમેટેડ ફિલ્મ ‘મહાભારત’. પરંતુ બોલિવૂડના જથ્થાબંધ સ્ટાર્સને લઇને બનાવાયેલી આ ફિલ્મ વિશે ખુશ થવા જેવી એકેય વાત નથી.

એનિમેશન નહીં, ઝોમ્બિફિકેશન

આ ફિલ્મની સ્ટોરી એટલે કે મૂળ મહાભારતની સ્ટોરી તો ગજિનીના આમિર ખાન જેવો દિમાગી કેમિકલ લોચો ધરાવતા લોકોને પણ ખબર હોય, એટલે એમાં ઊંડા ઊતરવાની કશી જરૂર નથી. ઇવન ફિલ્મના મેકર્સ પણ મહાભારતની કથાના મુખ્ય મુખ્ય બનાવોને બાદ કરતાં એમાં ઊંડા ઊતર્યા નથી.

મહાભારત ફિલ્મ વિશે ઊડીને આંખે ખૂંચે એવી પહેલી વાત છે તેનું અત્યંત નબળું અને રાધર, ગંદું એનિમેશન. આ ફિલ્મ મોટી ઉંમરના લોકોને તો અપીલ કરી શકે એવી છે નહીં, એટલે એવું સ્વીકારી લઇએ કે બાળકો તેનું ટાર્ગેટ ઓડિયન્સ છે, તો પછી તેનું એમેચ્યોરિશ એનિમેશન બાળકોને પણ અપીલ કરી શકે એવું નથી. કારણ કે, અત્યારનાં બાળકો હોલિવૂડની લાયન કિંગ, આઇસ એજ, માડાગાસ્કર, બ્રેવ, ટેન્ગલ્ડ વૉલ ઇ, ફાઇન્ડિંગ નિમો જેવી સુપર્બ એનિમેશનવાળી ફિલ્મો જોઇ જ ચૂક્યાં છે. એટલું જ નહીં, બાળકોની ચેનલ્સમાં પણ અફલાતૂન ક્વોલિટીનું એનિમેશન પિરસાય છે. ત્યારે આ ફિલ્મનું એનિમેશન બાળકોને પણ ચાઇલ્ડિશ લાગે એ હદે બાલિશ છે. આ પ્રકારના એનિમેશનમાં નથી કોઇ પાત્રના ચહેરા પર હાવભાવ આવતા, નથી એમનું હલનચલન સ્વાભાવિક કે નથી એમના હોઠ પ્રોપર્લી ફફડતા. સોરી ટુ સે, પણ બધાં જ પાત્રો હાલતાં ચાલતાં ઝોમ્બી જેવાં દેખાય છે.

મહાભારતનું બોલિવૂડીકરણ

વળી, લોકોને આકર્ષવાના એક ભાગરૂપે હોલિવૂડ સ્ટાઇલમાં અહીં દરેક મુખ્ય પાત્ર માટે બોલિવૂડનાં સુપરસ્ટાર્સનો અવાજ લેવામાં આવ્યો છે. જેમ કે, અમિતાભ બચ્ચન (ભીષ્મ પિતામહ), શત્રુઘ્ન સિંહા (શ્રીકૃષ્ણ), અજય દેવગણ (અર્જુન), અનિલ કપૂર (કર્ણ), સન્ની દેઓલ (ભીમ), મનોજ બાજપાઇ (યુધિષ્ઠિર), જેકી શ્રોફ (દુર્યોધન), વિદ્યા બાલન (દ્રૌપદી), અનુપમ ખેર (શકુનિ), દીપ્તિ નવલ (કુંતી) વગેરે. આ સ્ટાર વેલ્યૂ ઉમેરવાની લાલચમાં દરેક પાત્રનો ચહેરો પણ જે તે સ્ટાર જેવો જ કરવામાં આવ્યો છે. એટલે ભીષ્મ પિતામહ અમિતાભ જેવા અને અર્જુન અજય દેવગણ જેવો દેખાય એવું. એટલે સુધી કે મનોજ બાજપાઇના લમણે છે તે મસો પણ અહીં યુધિષ્ઠિરના લમણે મુકાયો છે! એટલે કોઇ પાત્ર મહાભારતનું હોય એવું લાગતું જ નથી, બલકે તદ્દન ફિલ્મી લાગે છે. એમાંય સન્ની દેઓલવાળું ભીમનું પાત્ર તો એટલું ફિલ્મી લાગે છે કે જાણે હમણાં બોલી ઊઠશે, ‘યે હાથ નહીં, ઢાઇ કિલો કા હથૌડા હૈ. એક બાર પડતા હૈ તો…!’ શકુનિનો અવાજ આપનાર અનુપમ ખેરે વીતેલા જમાનાના ખલનાયક જીવનની યાદ અપાવે એવો અવાજ કાઢ્યો છે, જ્યારે એમનો લુક અનુપમના જ ભાઇ રાજુ ખેર જેવો લાગે છે. સૌથી નિરાશાજનક પોર્ટ્રેયલ શ્રીકૃષ્ણનું છે. એક તો એમનો લુક ‘અશોકા’ ફિલ્મમાં હતો એ દક્ષિણના હીરો અજિતકુમાર જેવો છે અને અવાજ શત્રુઘ્ન સિંહાએ આપ્યો છે, જે શ્રીકૃષ્ણની રમતિયાળ પર્સનાલિટીને જરાય મેચ નથી કરતો.

રિસર્ચના નામે મીંડું

આ ફિલ્મ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી એનિમેટેડ ફિલ્મ હોવાનું અને સાત વર્ષની મહેનત પછી બની હોવાનું કહેવાય છે. જો એ વાત સાચી હોય તો થોડોક ખર્ચો રિસર્ચ માટે પણ કરી લેવો જોઇતો હતો! આ તો કોઇએ માત્ર બી. આર. ચોપરાની મહાભારત સિરિયલ જોઇને આ ફિલ્મ બનાવી નાખી હોય એવું લાગે છે. કેમ કે, એક તો મહાભારતના જાણીતા પ્રસંગો સિવાય એક પણ સબપ્લોટના ઉંડાણમાં જવામાં નથી આવ્યું. એટલું પૂરતું ન હોય એમ, હસ્તિનાપુરના રાજમહેલ જયપુરના સિટી પેલેસ જેવા લાગે છે. એનાથી પણ ખરાબ, ઘણા પેલેસમાં ચોખ્ખી ઇસ્લામિક આર્કિટેક્ચરની છાંટ દેખાઇ આવે છે. હવે ઇતિહાસ કહે છે કે મહાભારતકાળમાં ઇસ્લામ ધર્મનું અસ્તિત્વ જ નહોતું. પાત્રો પાસે જે હિન્દી બોલાવવામાં આવ્યું છે તે પણ ઉર્દૂમિશ્રિત છે, જે ન હોવું જોઇએ. ઘણાં બધાં પાત્રો અને ઘટનાઓ અહીં મિસિંગ છે અથવા તો તેનો ઉપરછલ્લો જ ઉલ્લેખ છે.

હસ્તિનાપુરનું સભાગૃહ, માયામહલનું ડિઝાઇનિંગ અને યુદ્ધનાં દૃશ્યો સારાં બન્યાં છે, પરંતુ બાકીના પ્રસંગો જોઇએ તેટલા ભવ્ય નથી લાગતા, જે એક એનિમેશન મુવી પાસેથી અપેક્ષિત હોય છે. જો આ ફિલ્મનું એનિમેશન રિયલિસ્ટિક હોત અને ફિલ્મને થ્રીડીમાં બનાવવામાં આવી હોત તો તેની આભા જ કંઇક ઓર હોત.

ખરેખર તો મહાભારત જેવી મહાગાથા પરથી ફિલ્મ બનાવવી હોય તો કાં તો તેની કોઇ સબસ્ટોરી કે કોઇ પાત્ર પરથી ફિલ્મ બનાવવી જોઇએ, અથવા તો તેને અલગ એંગલથી કે અલગ પરિપ્રેક્ષ્યમાં મૂકવી જોઇએ. નહીંતર આ રીતે એકની એક રીતે સ્ટોરી કહેવામાં સમય, શક્તિ અને (મેકર્સ તથા પ્રેક્ષકો બંનેના) પૈસાની બરબાદી સિવાય કશું જ નથી.

આ મહાભારત જોવું કે ન જોવું?

જો આપ ‘ધૂમ-3’ના આઘાતમાંથી બહાર આવી ગયા હો અને બાળકોને મહાભારતની કથા વિશે ઉપરછલ્લી માહિતી આપવા માગતા હો તો આ ફિલ્મ એમને બતાવી શકાય. બાકી, બી. આર. ચોપરાની મહાભારત સિરીયલ આજે પણ એટલી જ અસરદાર છે. છતાં આ ફિલ્મને જે કંઇ રેટિંગ મળે છે એ માત્ર સારા ઇરાદા, અત્યારે આ સ્ટોરી કહેવાની હિંમત અને અમુક સારી સિક્વન્સીસને જ આભારી છે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

સત્યાગ્રહ

સત્યાગ્રહની સાઇડ ઇફેક્ટ્સ

***

પ્રકાશ ઝાના ચાહકોને ગમે એવી અને અન્નાના ચાહકોને કદાચ ન ગમે એવી છતાં વિચારવા પ્રેરે એવી ફિલ્મ.

***

satyagraha_xlg2011માં જ્યારે અન્ના હઝારેએ જનલોકપાલ બિલ લાવવા માટે ‘ગાંધી ચીંધ્યા માર્ગે’ આંદોલન કરેલું, ત્યારે એવી હવા હતી કે જો તમે અન્ના હઝારે આંદોલનની સાથે નથી, તો એમની વિરોધમાં છો. વાસ્તવિકતાની ધરતી પર પગ રાખીને મસાલા ફ્લેવરવાળી ફિલ્મો બનાવવા માટે જાણીતા પ્રકાશ ઝાની ‘સત્યાગ્રહ’ પબ્લિક એક્શનના નામે થયેલી એ મુવમેન્ટ પર ઘણા બધા સવાલો ઊભા કરે છે.

રિયલિસ્ટિકલી ફિલ્મી

અંબિકાપુર ગામમાં રહેતા દ્વારકા આનંદ (અમિતાભ બચ્ચન) નખશિખ પ્રામાણિક, સિદ્ધાંતોને વરેલા અને ભારતની ભ્રષ્ટ સિસ્ટમથી ત્રસ્ત સિત્તેર વર્ષીય વૃદ્ધ છે, જે ત્યાં એક નાનકડી સ્કૂલ ચલાવે છે. એમનો દીકરો અખિલેશ (ઇન્દ્રનીલ સેનગુપ્તા) ટેલેન્ટેડ એન્જિનિયર છે અને સુમિત્રા (અમૃતા રાવ) અખિલેશની પત્ની છે. માનવ રાઘવેન્દ્ર (અજય દેવગણ), અખિલેશનો જિગરી દોસ્ત અને આજના ભારતનો બિલ્યનેર ટેલિકોમ આંત્રપ્રેન્યોર છે, જે ઉંગલી ટેઢી કરીને ઘી કાઢી લેવામાં માને છે. અચાનક એક દિવસ રોડ એક્સિડન્ટમાં અખિલેશનું મૃત્યુ થાય છે. લાશ પર રોટલા શેકવા આવી ગયેલા નેતાજી (બલરામ સિંહ) મનોજ બાજપાયી પચ્ચીસ લાખનું વળતર જાહેર કરે છે, પરંતુ એ લેવા માટે અમૃતા રાવ બિચારી ધક્કા ખાઇ ખાઇને થાકી જાય છે, પણ એનું કામ થતું નથી. કેમ કે ત્યાં દરેક ફાઇલનો રેટ નક્કી છે. આખરે ત્રાસેલા અમિતાભ કલેક્ટરને ભર ઓફિસમાં કલેક્ટરને થપ્પડ મારી બેસે છે. બદલામાં અમિતાભ જેલમાં જાય છે.

બચ્ચનજીને છોડાવવા આવેલા અજય દેવગણના બધા પ્રયાસો નિષ્ફળ જાય છે, ત્યારે એ સોશિયલ મીડિયાની મદદથી એક ચળવળ ઊભી કરે છે, જેમાં એને સ્થાનિક યુવા નેતા અર્જુન (અર્જુન રામપાલ)ની અને ન્યૂઝ ચેનલ રિપોર્ટર યાસ્મીન અહેમદ (કરીના કપૂર)ની મદદ મળે છે. આખરે કળથી કામ લેવા નેતાજી મનોજ બાજપાયી કલેક્ટર પાસે માફી મગાવીને જાહેરમાં બચ્ચનજીને કેબીસી જેવો ચેક અર્પણ કરે છે. પરંતુ ભ્રષ્ટાચારથી ત્રાસેલા બચ્ચનજી કહે છે કે હવે ત્રીસ દિવસની અંદર આખા ગામની ફાઇલો ક્લિયર કરો. લોકોની ફાઇલો અમુક સમયમાં ક્લિયર થઇ જાય એવો કાયદો લાવવા માટે આમરણાંત ઉપવાસ પર બેસે છે. બચ્ચન એન્ડ કંપનીની લોકપ્રિયતા જોઇને નેતાઓ અકળાઇને ધમપછાડા કરીને આંદોલન તોડવાની ફિરાકમાં પડી જાય છે.

અન્ના, આંદોલન અને સવાલો

પ્રકાશ ઝા અને અમિતાભ બચ્ચન એવી દલીલ કરતા હતા કે અમારી ફિલ્મ અન્ના હઝારે અને એમના આંદોલનથી પ્રેરિત નથી. પરંતુ ફિલ્મમાં ટીમ અન્નાના એકેએક સભ્ય સાથે સાંકળી શકાય એવાં પાત્રો મોજુદ છે. જેમ કે, અન્ના હઝારે (અમિતાભ), અરવિંદ કેજરીવાલ (અજય દેવગણ), શાઝિયા ઇલ્મી (કરીના કપૂર) અને ઇવન કિરણ બેદી તથા પ્રશાંત ભૂષણનાં પણ પાત્રો છે. અન્નાના રાલેગણ સિદ્ધિ જેવું અંબિકાપુર ગામ છે. અહીં ‘મૈં અન્ના હૂં’ જેવી ગાંધી ટોપી પણ છે, રામલીલા મેદાન પણ છે અને લોકો પર તૂટી પડતી પોલીસ પણ છે, કાયદા સડક પર ન બને એવું કહેતા નેતાઓ પણ છે અને કેજરીવાલ પર થયેલા આક્ષેપો અને તપાસ પણ છે, આંદોલનને વેગ આપતું સોશિયલ મીડિયા પણ છે અને રામલીલા મેદાન પર પરફોર્મ કરતાં મ્યુઝિક બેન્ડ પણ છે (અહીં ‘ઇન્ડિયન ઓશન’ બેન્ડવાળા રાહુલ રામ પરફોર્મ કરે છે), અજય દેવગણ (કેજરીવાલ) પર ભ્રષ્ટાચારના આક્ષેપો અને તપાસ પણ છે અને ટીમ અન્નામાં સર્જાયેલો વૈચારિક મતભેદ પણ છે.

પરંતુ ફિલ્મ અન્ના આંદોલનથી આગળ જઇને વાત કરે છે. ડિરેક્ટર પ્રકાશ ઝાએ નેતાઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારને તો ઉપાડ્યો છે જ, પરંતુ અન્ના મુવમેન્ટના જુવાળની સામે પણ સવાલો ઊભા કર્યા છે. જેમ કે, સત્યાગ્રહના નામે થતો ઉપવાસ બ્લેકમેઇલિંગ બની જાય ત્યારે? સોશિયલ મીડિયાનો આધાર લઇને અને યુવાનોને ઇમોશનલ અપીલ કરીને ઊભું કરેલું આંદોલન કેટલું નક્કર હોય છે? એમાં કેટલી સચ્ચાઇ હોય છે? ખરેખર આ રીતે અનશન-ઉપવાસ કરીને કાયદા ઘડવાની ફરજ પાડી શકાય ખરી? વિરોધની ચરમસીમા એવું આત્મવિલોપન કેટલું યોગ્ય છે? શા માટે પબ્લિકના હાથમાં કાયદો ઘડવાની સત્તા ન આપવી જોઇએ? લોકો કાયદો હાથમાં લઇ લે ત્યારે શું થાય? નેતાઓ જનતાના સેવક છે, પણ એમને કેટલી હદ સુધી અને કઇ રીતે આદેશ કરી શકાય? સૂચક રીતે જ ગાંધીજીના પૂતળા નીચે આકાર લેતી ઘટનાઓમાં કરીના કપૂર ગાંધીજીનો જ સિદ્ધાંત કહે છે કે સાધ્ય માટે સાધન શુદ્ધિ પણ એટલી જ મહત્ત્વની છે. અને હિંસા ક્યારેય કોઇ સમસ્યાનું સમાધાન ન હોઇ શકે (આંખ સામે આંખ તો આખા વિશ્વને અંધ બનાવી દે). વળી, બચ્ચનસાહેબ સ્પષ્ટ રીતે કહે છે કે આપણે આ કેવો દેશ બનાવ્યો છે, જેમાં નેતાઓ જનતાથી સાવ કપાઇ ગયા છે!

આ મુદ્દા ઉઠાવવાની હિંમત કરવા બદલ પ્રકાશ ઝા અને લેખક અંજુમ રજબઅલીને શાબાશી આપવી જોઇએ, પરંતુ આપણી જનતાને ફિલ્મોમાંથી સોલ્યુશન શોધવાની ટેવ છે. અને આ ફિલ્મ સોલ્યુશનના નામે એક જ વિકલ્પ આપે છે કે સિસ્ટમને બદલવી હોય તો લોકતાંત્રિક રીતે ચૂંટાઇને સિસ્ટમની અંદર આવો (આ જ સંવાદ ‘પેજ થ્રી’ ફિલ્મમાં પણ હતો). એ સિવાય ફિલ્મ કોઇ નક્કર છેડા પર આવીને પૂરી થવાને બદલે અચાનક જ પૂરી જાહેર કરી દેવામાં આવે છે. ઊલટું વાસ્તવિકતા (કેજરીવાલની ‘આમઆદમી પાર્ટી’ તરીકે) વધુ લોજિકલ એન્ડ સુધી પહોંચી છે.

સત્યાગ્રહને નડતા મુદ્દા

જે પાયા પર ફિલ્મ છે, તે સત્યાગ્રહ કરવાનું નક્કર કારણ ફિલ્મમાંથી ઊઠીને બહાર આવતું નથી. ઇવન એમની નક્કર માગણીઓ પણ ખૂલીને બહાર નથી આવતી. વળી, ફિલ્મમાં ઉઠાવેલા મુદ્દા બાદ કરી નાખો, તો ગંભીર સ્થિતિમાં પણ ડ્રાયફ્રૂટ્સ ખાતા અને તડજોડ કરતા ભ્રષ્ટ નેતાઓ, ત્રસ્ત પ્રજા, નેતાની ગુલામી કરતી પોલીસ, ઉસૂલના પક્કા એવા હીરોલોગ, માઇક લઇને આગળ પાછળ દોડતું મીડિયા વગેરે. અહીં ભ્રષ્ટાચાર તો જાણે નેતાઓ અને સરકારી અધિકારીઓ જ કરતા હોય એ રીતે તેનું એકપક્ષી નિરુપણ થયું છે. કરપ્શનમાં જનતાની ભાગીદારી ચર્ચાઇ જ નથી.

ફિલ્મમાં બચ્ચન ભ્રષ્ટાચારના એક કારણ તરીકે કોર્પોરેટ સેક્ટરની લાલચને પણ ટાંકે છે. પરંતુ (ખર્ચો કાઢવા માટે) ફિલ્મમાં જે સંખ્યાબંધ પ્રોડક્ટ્સનું બેશરમ માર્કેટિંગ કરાયું છે, એ ફિલ્મના ગંભીર વિષયવસ્તુની હાંસી ઉડાવતું વધારે લાગે છે. જિલ્લા કલેક્ટરને બિન્ધાસ્ત થપ્પડ ખેંચી લેતા બચ્ચનમોશાય એ પછી અહિંસાના માર્ગે ચાલે એ વિરોધાભાસ ઊડીને આંખે ખૂંચે છે. કદાચ પહેલી જ વાર પડદા પર ‘કરીના કપૂર ખાન’ તરીકે દેખાયેલી કરીના અહીં ટીવી ચેનલની પત્રકાર બની છે, પરંતુ સાથોસાથ એ આંદોલનની સભ્ય પણ બની જાય છે. એ કોઇ ટીવી ચેનલ કઇ રીતે ચલાવી લે? અને હા, પરાણે ઉમેરાયેલો કરીના અને અજય દેવગણનો રોમાન્સ ફિલ્મના એકધારા પ્રવાહને ક્રૂર રીતે તોડી નાખે છે. અધૂરામાં પૂરું ‘રસ સે ભરે તોરે નૈન’ ગીત પ્રકાશ ઝાની જ ‘રાજનીતિ’ ફિલ્મના ‘મોરા પિયા મોસે બોલત નાહીં’ની બાકી વધેલી તર્જમાંથી બનાવ્યું હોય એવું છે. ફિલ્મના એક દૃશ્યમાં ખુદ પ્રકાશ ઝા માથે ગમછો વીંટીને આવી ગયા છે, જે એક સિરીયસ સીનને હાસ્યાસ્પદ બનાવી દે છે.

પરફોર્મન્સ ડિપાર્ટમેન્ટ

અજય, કરીના, અર્જુન બધાંની એક્ટિંગ સરસ છે, પરંતુ એક લાચાર પિતા અને ઉપવાસીના રોલમાં બચ્ચનમોશાય તથા એક ધીટ રાજકારણીની ભૂમિકામાં મનોજ બાજપાયીએ કમ્માલ કરી છે! અમૃતા રાવના ભાગે દુઃખી થવા સિવાય ઝાઝું કામ નથી આવ્યું. મ્યુઝિક સારું છે, પણ પ્રસૂન જોશીએ ‘જનતા રોક્સ’ સિવાય ખાસ કમાલ બતાવી નથી.

કુલ મિલા કે

પહેલા જ દૃશ્યથી ઉપદેશાત્મક થઇ જતી અને પ્રકાશ ઝાની અગાઉની ફિલ્મો જેવી જ ફીલ આપતી આ ફિલ્મ સારી હોવા છતાં બધા લોકોને અપીલ નહીં કરી શકે. ‘સત્યાગ્રહ’ ભ્રષ્ટાચાર, જન આંદોલન અને તેની મર્યાદાઓ વિશે વિચારવાલાયક મુદ્દા ઉપસ્થિત કરે છે એ લોકો સુધી પહોંચે એ ઇચ્છનીય છે.

રેટિંગઃ *** (થ્રી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.