અકિરા

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

***

જો નબળા સૅકન્ડ હાફનો અભિશાપ ન નડ્યો હોત તો સૌ આ ફિલ્મનાં ઓવારણાં લેતાં હોત.

***

akira-posterઆપણે ત્યાં હીરોની આસપાસ જ ગરબા લેતી ફિલ્મો બનાવવાનો રિવાજ છે. ફિલ્મનાં પુરુષપાત્રોને ફીણાં લાવી દે તેવા પાવરફુલ ફિમેલ કેરેક્ટરની આસપાસ લખાયેલી ફિલ્મો ચોમાસામાં તૂટ્યા વિનાના રસ્તાઓની જેમ ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે (‘ગજિની’ અને ‘હૉલિડે’ ફેમ) એ. આર. મુરુગાદૌસ જેવા દક્ષિણ ભારતના ડિરેક્ટર એક તમિળ ફિલ્મ ‘મૌન ગુરુ’ની હિન્દી રિમેક બનાવે અને તેમાં પુરુષને બદલે સ્ત્રીને ‘હીરો’ બનાવે ત્યારે આપણને ગાડું ભરીને હરખ થાય. એમાંય જ્યારે ટ્રેલરમાં જોઇએ કે અગાઉ જેને ‘થપ્પડ સે નહીં પ્યાર સે ડર’ લાગતો હતો એવી સોનાક્ષી જૅકી ચૅન સ્ટાઇલમાં ગુંડાલોગનાં જડબાં તોડી રહી છે અને પડદા પાછળ તરખાટ મચાવનારા અનુરાગ કશ્યપ હવે પડદા પર હાહાકાર મચાવી રહ્યા છે, ત્યારે આખો ટુવાલ પલળી જાય એવાં હરખનાં આંસુડાં આવી જાય.

અકિરા સે જો ટકરાયેગા, ચૂર ચૂર હો જાયેગા

જોધપુરની અકિરા શર્મા (સોનાક્ષી સિંહા) નાનપણથી જ આકરે પાણીએ છે. ક્યાંય પણ અન્યાય થતો જુએ એટલે એનું લોહી લાવારસની પેઠે ઊકળી ઊઠે. એમાંય એ જુડો-કરાટે શીખી, એટલે અન્યાયનો જવાબ એ પોતાના પંચ અને કિકથી આપવા માંડી. આ સ્વભાવને કારણે એને એવું ભોગવવાનું આવ્યું કે મોટાં થયા પછી વતન છોડીને ભાઇને ત્યાં મુંબઈ આવવું પડ્યું. પરંતુ આફતો અકિરાનું સરનામું શોધતી જ આવે છે. અહીં પણ એ આફત નામે ACP ગોવિંદ રાણે (અનુરાગ કશ્યપ) સાથે એનો ભેટો થઈ ગયો. પોતે કરેલા એક કાંડનો ઢાંકપિછોડો કરવાની ફિરાકમાં નિર્દોષ અકિરા અડફેટે ચડી ગઈ. હવે અકિરા સામે બે ચૅલેન્જ છે, પોતાનો જીવ બચાવવો અને પોતાની જાતને નિર્દોષ સાબિત કરવી.

પહેલાં જમાવટ પછી ગિરાવટ

દેશ-વિદેશની ફિલ્મો જોવા ટેવાયેલા લોકોને ‘અકિરા’ નામ પડે એટલે પ્રખ્યાત જૅપનીઝ ફિલ્મમૅકર અકિરા કુરોસાવા જ યાદ આવે. કદાચ એટલે જ આ ફિલ્મની શરૂઆતમાં કોંકણા સેન શર્મા આપણને વોઇસ ઑવરમાંથી ‘અકિરા’ શબ્દનો અર્થ સમજાવે છે ‘ઠસ્સાદાર સામર્થ્ય.’ સોનાક્ષી સિંહાએ પોતાની છ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં પહેલીવાર આવો ઠસ્સો અને સામર્થ્ય બતાવ્યાં છે. એક થપ્પડનો જવાબ બે થપ્પડથી આપવાની ફિલસૂફીમાં માનતા ડિરેક્ટર મુરુગાદૌસ શરૂઆતમાં જ આપણને મેસેજ આપી દે છે કે આ દેશમાં જો સ્ત્રીઓને સુરક્ષિત કરવી હશે તો એમને આત્મરક્ષણની ટેક્નિક શીખવ્યા વિના છૂટકો નથી. આપણે ત્યાં કોઈ અડકતું નથી એવા ઍસિડ અટેકના મુદ્દાને પણ એમણે સ્પર્શ્યો છે. હા, જોકે એ વાર્તામાં એમાંથી શો ધડો લેવાનો છે એવું કંઈ કહેવાનું મુરુગાદૌસને જરૂરી લાગ્યું નથી.

ઍની વે, પરંતુ સરસ વાત એ છે કે ગોળમટોળ સોનાક્ષી ઍક્શન સિક્વન્સીસમાં તદ્દન નૅચરલ દેખાય છે અને ક્યાંય પરાણે હાથ-પગ ઉલાળતી હોય એવું નથી લાગતું. ગુંડાલોગને ઠમઠોરતી અકિરાને આપણા તરફથી પણ બે-ચાર થપ્પડ રસીદ કરી દેવાનો પાનો ચડાવવાનું મન થાય, તો બીજી બાજુ અનુરાગ કશ્યપને જોઇને ધોળે દહાડે લખલખું આવી જાય એવી એની કડક એક્ટિંગ છે. આમ જુઓ તો ‘અકિરા’માં સનકી, ખૂંખાર, ભ્રષ્ટ, ગાંજા ઍડિક્ટ ACPનો રોલ કરતા અનુરાગ ઍક્ટિંગ કરે છે એમ કહેવું વધારે પડતું છે. એ નૉર્મલ લાઇફમાં જે રીતે આંખમાં તોફાની દરિંદગી આંજીને ફરતા હોય છે એવા જ અહીં દેખાય છે. એ ડરાવે છે, ડરે છે, ફ્રસ્ટ્રેટ થાય છે, હિંસા આચરે છે, પણ જરાય ફિલ્મી થયા વિના. આજથી એમને ત્યાં બીજા ડિરેક્ટરો ‘સર, આપકે લિયે એક ફૅન્ટાસ્ટિક રોલ હૈ’ કહેતા લાઇનો લગાવશે એ નક્કી છે.

બે ફાઇટથી સોનાક્ષીનું પાત્ર જામી જાય, એક સનકી હરકતથી અનુરાગનું પાત્ર એસ્ટાબ્લિશ થઈ જાય, લાલચમાં આવીને પોલીસ લોચો મારે અને પછી પોતાનો જીવ બચાવવા ઘાંઘી થાય, નવાં નવાં પાત્રો ઇન્ટ્રોડ્યુસ થાય, આ બધું જ બને ત્યાં સુધી ફિલ્મ કોઈ જ નોનસેન્સ વગર થ્રિલર વાર્તાને વફાદાર રહીને આગળ વધતી રહે છે. આપણે જ્યારે એકી-પાણી પતાવી, નાસ્તાનાં પડીકાં લઇને ફરી પાછા સીટ પર ગોઠવાઇએ ત્યારે બધા લોચા શરૂ થાય છે. સૌથી પહેલાં જ એક તદ્દન વણજોઇતું ગીત ટપકી પડે છે. બીજું, ક્યારેક અનુરાગ પડદા પરથી ગાયબ થઈ જાય, તો ક્યારેક કૅસની તપાસ કરી રહેલી પોલીસ અધિકારી કોંકણા ક્યાંક જતી રહે છે. ઇન્ટરવલ પછી અચાનક જ ડિરેક્ટર લોજિકને ફિલ્મવટો આપી દે છે. એટલે જ ગમે તેવા ગુના થાય, ગમે તેનાં મર્ડર થાય, કરોડો રૂપિયા ગાયબ થાય, ધોળે દહાડે એક યુવતીને પાગલ જાહેર કરીને મેન્ટલ હૉસ્પિટલ મોકલી દેવાય, ઇવન પોલીસ કમિશનર બોલે પણ ખરા કે ‘આ મુદ્દો હવે નેશનલ ઇશ્યૂ બની ગયો છે’ પરંતુ આમાંનું ક્યાંય કશે જ ચર્ચાય નહીં. આપણે બધું ચૂપચાપ સ્વીકારી લેવાનું. ઇન્ટરવલ પહેલાં જે સસ્પેન્સનું તત્ત્વ ઊભું કરાયેલું એ પણ નબળી રીતે ફુસ્સ થઈ જાય છે.

પૂરા મહિનાની પ્રેગ્નન્ટ છતાં ઇન્વેસ્ટિગેશન કરતી કોંકણાનું પાત્ર પણ અત્યંત શાંત છતાં ભારે મક્કમ રીતે ઊપસીને આવે છે. અથવા તો કોંકણાની ઍક્ટિંગને કારણે એ આપણને યાદ રહી જાય છે. લેકિન ડિરેક્ટરે કોંકણા સહિત અમિત સાધ, સ્મિતા જયકર, (આલોક નાથ જેવા રોલમાં) અતુલ કુલકર્ણી જેવા અદાકારોનો રીતસર વેડફાટ કર્યો છે.

પણ હા, ડિરેક્ટર મુરુગાદૌસ બહુ ચપળ ડિરેક્ટર છે. એટલે જ ફિલ્મમાં માત્ર કેમેરાથી બતાવાયેલી સિનેમેટિક મોમેન્ટ્સ પણ ઘણી છે. જેમ કે, શરૂઆતમાં મવાલીથી દબાયેલી નાનકડી અકિરા પાછળ ખસે છે અને કરાટે શીખીને સશક્ત થયા બાદ એ મવાલીને પાછળ ખસવા મજબૂર કરે છે. આ બંને વખતે કેમેરા માત્ર બંનેના પગ પર જ ફોકસ થાય છે. એક દૃશ્યમાં કોંકણાને અત્યંત શાંતિથી એક રૂમ તપાસી રહેલી બતાવાય છે અને બીજી જ સૅકન્ડે એની બાજુમાં એક લાશ પંખા સાથે લટકી રહેલી દેખાય છે. લોકોની ભલાઈ માટે ઇશુ ખ્રિસ્તની જેમ અકિરાનો ભોગ લેવાય છે ત્યારે ઇશુ ખ્રિસ્તની જેમ એના બાવડે પણ ખિલાને બદલે ઇન્જેક્શન ભોંકવામાં આવે છે. ત્યારે કશું જ બોલ્યા વગર ઇન્જેક્શનનાં સંખ્યાબંધ ટપકાં જોઇને આપણને એના પર ગુજારાયેલા ત્રાસનો ખ્યાલ આવે છે. પ્રોસ્ટિટ્યુટના ઘરની દીવાલો પર ગણિકાનાં પાત્રો ધરાવતી હિન્દી ફિલ્મોનાં પોસ્ટરો ફ્રેમ કરેલાં દેખાય છે, જેમાં ખુદ કશ્યપના ‘દેવ ડી’નો પણ સમાવેશ થઈ જાય છે.

લેકિન અફસોસ, આવી મોમેન્ટ્સ ગણીગાંઠી જ છે. બાકીની ફિલ્મમાં વાર્તા અહીંથી તહીં ફંગોળાતી રહે છે. અગાઉ ગુના કરવામાં જાણે PhD કર્યું હોય એવી સ્માર્ટ પોલીસ લોચા પર લોચા માર્યા કરે, ખરે ટાણે જ એમની ગોળીઓ ખાલી થઈ જાય, અંદર અંદર ફાટફૂટ પડે, ગમે તેવી યાતના છતાં મર્દાની હિરોઇન ‘રિવાઇટલ’ની બ્રૅન્ડ એમ્બેસેડરની જેમ ક્યાંકથી શક્તિ મેળવી જ લે… આવી બધી ફિલ્મી સિચ્યુએશન્સ નાખવાની લાલચ મુરુગાદૌસ રોકી નથી શક્યા.

ઔર દિખાઓ, ઔર દિખાઓ

પૂરા ૧૩૮ મિનિટની ‘અકિરા’ એક ડિસન્ટ વન ટાઇમ વૉચ મુવી છે. પરંતુ એ જોયા પછી આપણને અમુક પ્રકારની લાલચો જરૂર થઈ આવે. જેમ કે, અનુરાગ કશ્યપે સિરિયસલી વધારે ઍક્ટિંગ કરવી જોઇએ, સોનાક્ષીએ ‘સાડી કે ફૉલ’ ટાઇપનાં મૅનિકિન જેવાં રોલને બદલે આવી દમદાર ભૂમિકાઓ પર વધારે ભાર મૂકવો જોઇએ, ઇવન બૉલીવુડમાં પણ સશક્ત સ્ત્રીપાત્રો ધરાવતી વધુ ને વધુ ફિલ્મો બનવી જોઇએ અને આપણે હળવેકથી સ્વીકારી લેવું જોઇએ કે બૉસ, ભારતમાં ખરેખરી ફિલ્મો તો બૉલીવુડમાં નહીં બલકે મરાઠી, બંગાળી અને દક્ષિણની ભાષાઓમાં બને છે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

રમન રાઘવ 2.0

કોલમઃ ફિલ્મ રિવ્યુ

ફિલ્મઃ રમન રાઘવ 2.0

હેડિંગઃ રમન રાઘવ, રાવણ આપણે સૌ

ઇન્ટ્રોઃ અફલાતૂન પર્ફોર્મન્સ, બેફામ હિંસા, ગાળો, સ્લો પૅસ અને છતાં નવીનતાની ગેરહાજરીનો સરવાળો એટલે અનુરાગ કશ્યપની આ લેટેસ્ટ ફિલ્મ.

કોઈ નાના બચ્ચાcheck-out-nawzuddin-siddiqui-vicky-kaushal-on-raman-raghav-2-0-poster-1ને પૂછો કે, ‘બેટા, વિવિધ રંગોનાં નામ કહે જોઇએ.’ એટલે બચ્ચું (જો ગુજરાતી મીડિયમનું હોય તો) બોલવા માંડે, ‘લાલ, પીળો ને વાદળી મૂળભૂત રંગો કહેવાય. બાકીના મેળવણીથી બને.’ પરંતુ અનુરાગ કશ્યપને આ સવાલ પૂછો તો એ આખું આકાશ બીજિંગ જેવું ધુમ્મસી થઈ જાય એટલો ધુમાડો છોડીને કહેશે, ‘દુનિયામાં રંગ માત્ર એક જ છે, ગ્રે. બાકી બધા એના શૅડ્સ છે. ડાર્ક ગ્રે, લાઇટ ગ્રે, સ્મોક ગ્રે, ઍશ ગ્રે, ક્લાઉડ ગ્રે, સડી ગયેલી લાશનો ગ્રે, ગટરના પાણીનો ગ્રે, લોખંડના સળિયાનો ગ્રે. દુનિયામાં બધા લોકો પણ આ ગ્રે શૅડના જ છે. ચામડી ભલે ગમે તેવી હોય, લોહી ભલે લાલ હોય, પણ મૂળ કલર તો એક જ ગ્રે.’ ધારો કે અનુરાગ કશ્યપને ‘રામાયણ’ લખવા બેસાડ્યો હોય, તોય જ્યારે એ લખીને ઊઠે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઇએ કે ભાઈ, એક્ઝેક્ટ્લી આમાં રામ કોણ છે અને રાવણ કોણ છે? એવું જ કામકાજ એની લેટેસ્ટ ફિલ્મ ‘રમન રાઘવન 2.0’નું છે.

માણસ ગંધાય માણસ ખાઉ

૨૦૧૫ની વાત છે. રમન્ના કે સિંધી દલવાઈ (નવાઝુદ્દીન સિદ્દીકી) જેવાં નામ લઇને રખડતો એક ભેજાગેપ માણસ લોકોનાં ખૂન કરતો ફરે છે. એનું દિમાગ છટકે એટલે એ ગમે તેના માથા પર હથોડી, સળિયો ફટકારીને પૂરું કરી નાખે. આ કૅસની તપાસ કરતો આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ રાઘવેન્દ્ર સિંઘ (વિકી કૌશલ) એ સિરિયલ કિલરની પાછળ પડ્યો છે. લેકિન પ્રોબ્લેમ એ છે કે આ પોલીસમેન પોતે જ ડ્રગ ઍડિક્ટ છે. રાત્રે ઉજાગરા કરવા, નાઇટક્લબોમાં ફરવું, દારૂ પીવો, ડ્રગ્સના નશામાં યુવતીઓ સાથે બળજબરી કરવી અને ગમે ત્યારે બંદૂકડીના ભડાકા કરી લેવા એ બધું એના માટે એના માટે જરાય નવું નથી. પેલો સિરિયલ કિલર લોકોને મારતો ફરે, પછી સામે ચાલીને પોલીસ પાસે જાય, તોય પોલીસ એને સાચવી ન શકે. આ પકડદાવ ધીમે ધીમે એવો ડાર્ક રંગ પકડે કે આપણને ખ્યાલ જ ન આવે કે ભઈ, એક્ઝેક્ટ્લી આમાં સિરિયલ કિલર કોણ છે? રાધર, એમ કહો કે કોણ નથી?

ડાર્ક ખરું, નવું નહીં

‘રમન રાઘવ 2.0’ શરૂ થાય એટલે સૌથી પહેલું ધ્યાન તેની વાર્તા કહેવાની સ્ટાઇલ પર ચોંટે. અનુરાગ કશ્યપે હૉલીવુડના મશહૂર ડિરેક્ટર ક્વેન્ટિન ટેરેન્ટિનોની સ્ટાઇલમાં આખી ફિલ્મને અલગ અલગ ‘ચેપ્ટર’માં વહેંચી નાખી છે અને દરેક ચેપ્ટરને નામ પણ આપ્યાં છે. ફિલ્મ રસિયાઓ આ જોઇને અડધો ડઝન સ્માઇલી વેરતાં થાકે નહીં. વધુ પડતી ફિલ્મો જોનારાઓ એવું પણ માર્ક કરશે કે ફિલ્મનાં ટાઇટલ ક્રેડિટમાં આવતાં નામ જે સ્ટાઇલમાં લખાયેલાં છે તે હૉલીવુડની ડાર્ક ક્રાઇમ થ્રિલર ફિલ્મ ‘સિન સિટી’ જેવાં જ છે.

ઝાઝી ફૂટેજ ખાધા વિના આ ફિલ્મ ધડ દઇને માથામાં હથોડી ફટકારી દે અને આપણને પોતાના વિશ્વની અંદર ખેંચી લે. અનુરાગ કશ્યપે સર્જેલું એ વિશ્વ એટલે કેવું? ગંદકી, ઝૂંપડપટ્ટીઓથી ફાટફાટ થતું ચીંથરેહાલ મુંબઈ. જેમાં બે જ પ્રકારના લોકો રહેતા હોય એવું લાગે. એક તો ગંદવાડમાં ખદબદતા અને બીજા પાર્ટીઓમાં ડ્રગ્સ-દારૂનો નશો કરીને ગંદું-ગોબરું કરતા લોકો.

આ ફિલ્મ જોયા પછી આપણને ઘરનો દરવાજો ખોલતાં કે રાત્રે શાંતિથી સૂતાં પણ બીક લાગવા માંડે કે ક્યાંકથી કોઈ આવીને આપણી ખોપરીની પાંઉભાજી ન બનાવી દે. એનું કારણ છે નવાઝુદ્દીન સિદ્દીકી. જે ઠંડકથી એ અહીં લોકોનાં માથાં પર હથોડી-પાઇપો ફટકારે છે એ જોઇને આ માણસનું બૅકગ્રાઉન્ડ ચૅક કરવાની ઇચ્છા થઈ આવે. જે નિયમિતતાથી આપણે ત્યાં ઘરે બટાકાનું શાક બનતું હોય, એવાં રૂટિનથી એ લોકોનું ઢીમ ઢાળતો ફરે છે. નવાઝુદ્દીન આપણી પાસે રહેલા અત્યારના શ્રેષ્ઠ એક્ટરોમાંનો એક છે તે વાત એ અહીં એકેએક સીનમાં સાબિત કરતો રહે છે. એ માત્ર પોતાના હાવભાવ બદલીને, કશું જ બોલ્યા વિના જોવા માત્રથી, શાંતિથી ડાયલોગ બોલીને, ડુંગળી સમારીને, ખોફનાક હસીને કે પછી જમીન પર સળિયો ઘસડીને પણ ખોફ પેદા કરી દે છે. સામે પક્ષે ડ્રગ ઍડિક્ટ પોલીસના રોલમાં (‘મસાન’ ફેમ) વિકી કૌશલ પોતાના ચહેરા પર ઝાઝા હાવભાવ લાવવાની તસ્દી નથી લેતો. જોકે અડધો ચહેરો તો એ ગોગલ્સથી ઢાંકી રાખે છે.

‘નિઓ નુઆર’ તરીકે ઓળખાતી ડાર્ક ક્રાઇમ થ્રિલર તરીકે બરાબર છે, પરંતુ આપણેય નવાઝુદ્દીનની જેમ આંખો પર આંગળીઓ લગાડીને ફોકસ કરીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો દેખાવા લાગે છે. એક તો એ કે આમાં નવું શું છે? માથા પર બોથડ પદાર્થ મારીને હત્યાઓ કરતા સિરિયલ કિલરની મસ્ત સસ્પેન્સ ફિલ્મ આપણે ‘સ્ટૉનમેન મર્ડર્સ’માં જોઈ ચૂક્યા છીએ. એક તબક્કે સામાન્ય માણસમાં અને રીઢા ગુનેગારમાં કોઈ ફરક ન રહે તે વાત આપણને શ્રીરામ રાઘવને ‘બદલાપુર’માં આ જ નવાઝુદ્દીનને લઇને સમજાવેલી. હા, અરીસામાં આપણું જ વિકરાળ પ્રતિબિંબ બતાવવા બદલ અનુરાગ કશ્યપને ફુલ માર્ક આપવા પડે. એક તબક્કે સિરિયલ કિલર આપણને કહે છે, ‘હું તો સ્વીકારું છું કે હું લોકોની હત્યાઓ કરું છું, પણ તમે તો ભગવાન-ધર્મના નામે, વિચારધારાના નામે નિર્દોષોની હત્યાઓ નથી કરતા? રમખાણોમાં હત્યાઓ કરીને ઈશ્વરની પાછળ નથી છુપાઈ જતા? રસ્તા પર જાણે ઈશ્વરનો મેળો ભર્યો હોય એમ લોકો પોતાનું શક્તિપ્રદર્શન કરતા ઊમટી પડે છે.’ ઇવન ગર્ભપાત-ભ્રૂણહત્યા કરાવતા લોકોને પણ અનુરાગે સિરિયલ કિલરમાં જ ખપાવી દીધા છે.

પરંતુ આટલી વાત કહેવા માટે અનુરાગે અંકે ૧૪૦ મિનિટ લીધી છે. એટલે જ ફિલ્મ ખાસ્સી લાંબી અને સ્લો લાગે છે. ટેરેન્ટિનોની સ્ટાઇલ મારવામાં ફિલ્મમાં કોઈ થ્રિલ ફીલ થતી જ નથી. ઘણાં દૃશ્યો એવાં છે જ્યાં કશું બનતું નથી. કારણ વગર થતી હિંસા તો થોડા જ સમયમાં આપણને સ્પર્શતી બંધ થઈ જાય છે. કેટલાય સવાલો વણઉકલ્યા રહે છે, તો કેટલીયે બાબતો લોજિકની બાઉન્ડરીની બહાર જ રહે છે. અનુરાગ કશ્યપ જેવા ડિરેક્ટર પાસેથી આપણને એવી આશા હોય કે તે સિરિયલ કિલરની સાઇકીની અંદર લઈ જશે, પરંતુ તેને એવું કરવા કરતાં આપણી સામે અરીસો ધરવામાં વધારે રસ છે.

નવાઝુદ્દીન સિદ્દીકી ગ્રેટ એક્ટર છે, પરંતુ હવે ધીમે ધીમે એ ટાઇપકાસ્ટ થતો જાય છે. ‘ગૅંગ્સ ઑફ વસેપુર’ હોય કે પછી ‘કિક’ કે ‘બદલાપુર’ હોય, એનાં પાત્રોમાં લગભગ એક જ પ્રકારની સાઇકોગીરી દેખાતી રહે છે. એટલે એક્ટિંગ પાવરફુલ હોવા છતાં રિપિટ થતી હોય તેવું લાગે છે.

‘ઉડતા પંજાબ’માં આટલા તાયફા કર્યા પછી અનુરાગ કશ્યપની જ આ ફિલ્મમાં રહેલી ગંદી ગાળો, હિંસા, ડ્રગ્સ, સેક્સ સીન વગેરેમાં સેન્સરને કોઈ વાંધો ન દેખાયો? ભાઈ-બહેન વચ્ચેનો ભલભલા લોકો ઊકળી ઊઠે એવો એક સીન જોઇને પણ સેન્સર બૉર્ડને કશું વાંધાજનક ન દેખાયું તે આશ્ચર્યજનક છે. સૅન્સર બૉર્ડે હથિયાર હેઠાં મૂકી દીધાં છે કે પછી ફિલ્મો પ્રમાણે અલગ અલગ કાટલાં હોય છે?

આપ કે અનુરાગ પે

‘રમન રાઘવ 2.0’ અનુરાગના નામે કે નવાઝુદ્દીનના નામે એક વાર જોઈ શકાય. પરંતુ મનોરંજનના ભોગે દુનિયા આખી ડાર્ક છે અને આપણે સૌ પણ કદરૂપો ચહેરો જ ધરાવીએ છીએ એવો જ મેસેજ આપ્યા કરવાનો કોઈ અર્થ ખરો?

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

PS-1: એક દૃશ્યમાં રમન (નવાઝુદ્દીન) જ્યારે ઘરની બારીઓમાં છાપાં ચિપકાવે છે, ત્યારે તેમાં એક અખબાર તરીકે ‘દિવ્ય ભાસ્કર’ દેખાય છે! એ પછીના જ સીનમાં કોઇના હાથમાં ‘સંદેશ’ દેખાય છે!

PS-2: એક ડ્રગ ડીલર માટે ખુદ અનુરાગ કશ્યપે ડબિંગ કર્યું હોવાનું પરખાઈ આવે છે.

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ઉડતા પંજાબ

કોલમઃ ફિલ્મ રિવ્યૂ

ફિલ્મઃ ઉડતા પંજાબ

હેડિંગઃ નસોમાં દોડતું ઝેર

ઇન્ટ્રોઃ આ ફિલ્મ અફલાતૂન, ડાર્ક, વિકરાળ, ક્રૂર, સુપર્બ ઍક્ટિંગ અને મ્યુઝિકથી છલોછલ છે તેમાં કશો જ વિવાદ નથી.

ડિરેક્ટર અભિષેક ચૌબેની ‘ઉડતા પંજાબ’માં એક દૃશ્ય છે. ડ્રગ્સના બંધાણી રૉકસ્ટાર શાહિદ કપૂરને પોલીસે જેલમાં ઠૂંસ્યો છે. Udta_Punjabએ જ કોટડીમાં પુરાયેલા કેદીઓમાં બે ટીનેજરો પણ છે. પોતાના ફેવરિટ સ્ટારને જેલમાં જોઇને એ છોકરાવ એનું જ ગીત ગાય છે અને કહે છે કે, ‘તમારાં ગીતો સાંભળીને જ તો અમે ડ્રગ્સના શૉટ મારતા શીખ્યા છીએ.’ પછી જ્યારે એમનો ગુનો સાંભળે છે ત્યારે રૉકસ્ટારની આંખો ફાટી જાય છે. નશાની ઉન્માદી દુનિયામાંથી એ સીધો જ વાસ્તવિકતાની ધરતી પર ઊંધે કાંધ પટકાય છે. પહેલીવાર એને ભાન થાય છે કે એણે પોતાનું તો ઠીક એક આખી પેઢીનું કેટલું મોટું નખ્ખોદ વાળ્યું છે.

ભલું થજો હાઈ કૉર્ટનું કે આપણને એક નાનકડા કટ અને ત્રણ ડિસ્ક્લેમરને બાદ કરતાં આખી અકબંધ ફિલ્મ જોવા મળી. પ્રોડ્યુસર અનુરાગ કશ્યપે આ ફિલ્મને આપણા સુધી પેટીપેક ફિલ્મ પહોંચાડવા માટે જે ધમપછાડા કર્યા તે હવે દુનિયા જાણે છે. ફિલ્મ જોયા પછી ખબર પડે કે એ તમામ ધમપછાડા યોગ્ય જ હતા. આ ફિલ્મથી સૌથી સારી વાત એ થઈ કે પંજાબમાં ડ્રગ્સનો આટલો મોટો દાનવ ફૂંફાડા મારે છે તેની આખા દેશને ખબર પડી.

નશા નશા, નશે મેં હમ

એક તરફ છે ટૉમી સિંઘ ઉર્ફ ગબરુ (શાહિદ કપૂર). પંજાબનો રૉકસ્ટાર (યો યો હની સિંઘ?!). નસકોરાંમાં ડ્રગ્સની ભૂકી જાય પછી જ એને સ્ટેજ પર જઇને તરખાટ મચાવવાનું ઝનૂન ચડે. બીજી બાજુ છે, પંજાબમાં ખેતમજૂરી કરતી એક બિહારી છોકરી (આલિયા ભટ્ટ). પાકિસ્તાન બૉર્ડર પાસેથી એના હાથમાં ત્રણ કિલોગ્રામ હેરોઇનનું પૅકેટ આવી ચડ્યું. એ જોઇને લાલચ થઈ કે આ પૅકેટ વેચી મારું તો બધાં દુઃખોનો એકઝાટકે અંત આવી જાય. ત્રીજા મોરચે છે કરપ્ટ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સરતાજ સિંઘ (દિલજિત દોસાંજ). પોતાનો દસ હજાર રૂપિયાનો કટ લઇને ગમે તેવી ડ્રગ્સ ભરેલી ટ્રકને જવા દે.

આ ડ્રગ્સ જ ત્રણેયની લાઇફની વાટ લગાડે છે. પોલીસનો પોલાદી પંજો પડ્યો કે ગબરુની આબરુનો ભાજીપાલો થઈ ગયો. ભાગવા માટે એને પંજાબ નાનું થઈ પડ્યું. ડ્રગ્સનો સોદો કરવા જતાં બિહારીબાળા ડ્રગ્સનાં ગીધડાંની અડફેટે આવી ગઈ. ડ્રગ્સ ભરેલી જે ટ્રકોને સરતાજ જવા દેતો, એનો નાનો ભાઈ એ જ ડ્રગ્સનો બંધાણી બની ગયો. ભલું થજો કે ડૉ. પ્રીત સાહની (કરીના કપૂર)નું કે એના ભાઈનો જીવ જતાં સહેજમાં અટક્યો. કોણ છે આ ડ્રગ્સના કારોબારની પાછળ? ડ્રગ્સના દલદલમાં ફસાયેલાં આ પાત્રો સાંગોપાંગ તેમાંથી નીકળી શકશે ખરાં?

નશાની પાંખો, પતનનું પાતાળ

પંજાબ કઈ હદ સુધી નશાની ચુંગાલમાં છે તે બતાવતી એક અફલાતૂન ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘ગ્લટ’ પાંચ વર્ષ પહેલાં આવેલી. તેમાં હતી તે તમામ વાતો કાબેલ ડિરેક્ટર અભિષેક ચૌબે અહીં માત્ર એક જ ગીતમાં બતાવી દે છે. કેવી રીતે પાકિસ્તાનથી બૉર્ડર કુદાવીને ડ્રગ્સનાં પૅકેટ ભારતમાં ફેંકાય છે, કૅરિયર તરીકે ઓળખાતા માણસો તેને લઇને આગળ વહેતું કરે છે, તે ડ્રગ્સ પંજાબનાં યુવાનોની નસોમાં પહોંચે છે. રાજ્યના ખૂણેખાંચરે લોકો એના નશામાં પડ્યા રહે છે. પોલીસ, ઇન્ટેલિજન્સ, રાજકારણીઓની આમાં મિલીભગત છે અને આ જ ડ્રગ્સ ચૂંટણી જીતવાનું એક હથિયાર બની રહ્યું છે. ઠેરઠેર ગેરકાયદે ફાર્મસીઓમાં પ્રતિબંધિત દવાઓ વેચાય છે, તો બીજી બાજુ રિહેબિલિટેશન સેન્ટરોમાં બંધાણીઓ જાત સામેનો જંગ લડે છે. ચાર મિનિટના ગીતમાં એકેય શબ્દ બોલ્યા વિના આ બધું જ આપણને ધડાધડ સમજાઈ જાય છે.

આ ફિલ્મમૅકિંગનો જ કમાલ છે કે એકસાથે ત્રણ સ્ટોરી પૅરેલલ ચાલતી હોવા છતાં ક્યાંય કોઈ કન્ફ્યુઝન અનુભવાતી નથી. ડિરેક્ટરે આપણને યશ ચોપરાની ફિલ્મો જેવું રોમેન્ટિક પંજાબ બતાવવાને બદલે તેનો એકદમ રિયલિસ્ટિક અને ક્રૂર ચહેરો બતાવ્યો છે. લોકો ઇન્જેક્શનથી પોતાની નસોમાં ઝેર ભરતા હોય, રાજકારણીઓ આ નશાનો પોતાની સત્તા મેળવવા અને ટકાવી રાખવા માટે ઉપયોગ કરતા હોય, પોલીસને પણ માત્ર પોતાની કટકીમાં જ રસ હોય, સ્ત્રીનું બેફામ શોષણ થતું હોય, ખુલ્લેઆમ દારૂ પીવાતો હોય… આ ફિલ્મ તમને ક્યાંય ગુડી ગુડી રાહત આપવાનો પ્રયાસ કરતી નથી. ક્યાંક અત્યંત ક્રૂર હિંસા, ક્યાંક માત્ર શર્ટ ઉતારવાના દૃશ્યથી સ્ત્રીના શોષણની વાત, બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વગર ચાલતો ખૂની ખેલ, ચૂંટણીની સભાઓમાં ચાલતું નાચ-ગાનનું સર્કસ અને ડ્રગ્સનાબૂદીની ખોખલી વાતો, આવા તો કેટલાય સીન છે જ્યાં કેમેરા ફરે અને આંખ સામે આવતી રિયાલિટી જોઇને અકળામણ થવા માંડે. ડ્રગ્સ લોહીમાં ભળે અને પછી જે માનસિક સ્થિતિ થાય અથવા તો ડ્રગ્સના અભાવે વિથડ્રોઅલ સિમ્પ્ટમ્સ આવે એ પણ આબેહૂબ ઝિલાયું છે.

‘ઉડતા પંજાબ’નું સૌથી સ્ટ્રોંગ પાસું છે તેના કલાકારોની પાવરપૅક્ડ એક્ટિંગ. સતત ડ્રગ્સના નશામાં ચૂર રહેતા શાહિદને જોઇને એક સૅકન્ડ માટે પણ તે સોબર હોય તેવું લાગે નહીં. એનું અચાનક હાઇપર થઈ જવું, આંખો પહોળી કરીને જોવું, લવારીએ ચડી જવું, નશામાં સ્ટેજ પર પર્ફોર્મ કરવું, મોનોલોગ બોલવો… ‘હૈદર’ પછીની આ શાહિદની બેસ્ટ એક્ટિંગ છે. શાહિદ કરતાંય પાંચ માર્ક વધારે આપવા પડે આલિયા ભટ્ટને. એક તો જે પ્રકારનો ડિગ્લેમરસ અને પોતાના પર થતા અબ્યુઝવાળો રોલ એણે સ્વીકાર્યો છે એટલા ખાતર જ એની હિંમતને દાદ દેવી પડે. બધા જ સીનમાં આલિયા અફલાતૂન રહી છે. ડિરેક્ટરે માત્ર કેમેરાના એક જ ઍન્ગલથી આલિયાના ભૂતકાળની જે હિન્ટ આપી છે માર્ક કરવા જેવું છે. ફિલ્મમાં ક્યાંય આલિયા પાત્રનું નામ ખોંખારીને બોલાતું નથી. છેલ્લે એ હસીને કહે છે, ‘મૅરી જેન’, જે ગાંજા માટે વપરાય છે. પંજાબી એક્ટર દિલજીત દોસાંજ માટે હિન્દી ફિલ્મમાં ભલે ‘ઇન્ટ્રોડ્યુસિંગ’ લખાયું હોય, પણ પંજાબમાં એ સુપરસ્ટાર એક્ટર-સિંગર છે. આ વાત એની કૉન્ફિડન્ટ ઍક્ટિંગ પરથી કળી શકાય છે. કરીનાના ભાગે ફિલ્મમાં ગુડી ગુડી રોલ જ આવ્યો છે, પણ ક્યાંય એની સિન્સિયારિટીમાં ઓટ દેખાતી નથી.

‘સ્લમડૉગ મિલ્યનેર’વાળા ડેની બોયલે ઈ.સ. ૧૯૯૬માં ડ્રગ અબ્યુઝ પર જ ‘ટ્રેઇનસ્પોટિંગ’ નામની ડાર્ક કોમેડી ફિલ્મ બનાવેલી. તેને અંજલિ આપતા ટોઇલેટવાળા એક સીન સાથેની ‘ઉડતા પંજાબ’માં ઠેકઠેકાણે બ્લૅક કોમેડી વેરાયેલી છે. (એમ તો દિલજીત દોસાંજનો પોતાના ભાઈ સાથેનો ટ્રેક રેસિઝમના મુદ્દા પર બનેલી ‘અમેરિકન હિસ્ટરી X’ની અને અલગ અલગ ત્રણ પોઇન્ટ ઑફ વ્યૂથી પેરેલલ ચાલતી વાર્તાઓની સ્ટાઇલ સ્ટિવન સોડેરબર્ગની ‘ટ્રાફિક’ની પણ ઑબ્વિયસ યાદ અપાવે છે). પાત્રોની વાટ લાગેલી હોય અને છતાં આપણને હસવું આવે તેવાં એ દૃશ્યોની મજા ફિલ્મમાં અચાનક જોઇએ તેમાં જ છે. વિરાટ કોહલીની જેમ અમિત ત્રિવેદી પણ ફુલ ફોર્મમાં છે. એના મિડાસ ટચવાળાં સુપર્બ ગીતોમાં અભિષેક ચૌબેએ વાર્તાને સરસ રીતે પરોવી લીધી છે. જેથી તમને ગીત દરમ્યાન પણ આઘાપાછા થવાની ઇચ્છા ન થાય.

પરંતુ ફિલ્મની બહાર જેટલા પ્રોબ્લેમ થયેલા એના કરતાં થોડા ઓછા, પણ પ્રોબ્લેમ તો આ ફિલ્મની અંદર પણ છે. આટલાં બધાં પાત્રોમાં પથરાયેલી હોવા છતાં અઢી કલાકની આ ફિલ્મ ખાસ્સી લાંબી લાગે છે. ઘણે ઠેકાણે લાઉડ તો ક્યાંક સીન ખેંચાતા લાગે છે. શરૂઆતની રિયાલિટી ઇન્ટરવલ પછી ફિલ્મી રોમેન્સમાં ખોવાવા લાગે છે અને ફિલ્મ પંજાબના ડ્રગ્સ કાર્ટેલમાંથી ચાર પાત્રો પર જ ફોકસ થઈ જાય છે. જાણે એકાદ સાંસદ-ધારાસભ્યને પકડાવવાથી આખો પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનો હોય, તેમ આખી વાર્તા સિમ્પ્લિફાય થઈ જાય છે. ઇવન ફિલ્મને કોઈ કારણ વગર અચાનક પૂરી કરીને ઑપનએન્ડેડ રખાઈ છે, જે જોઇને મોટાભાગના દર્શકો કકળાટ કરી મૂકશે. આખી ફિલ્મ સતત ડ્રગ્સ વિરોધી મેસેજ આપતી હોવા છતાં આનો ઉકેલ શું તેની ખાસ કશી ચર્ચા કરવાનું રાઇટર-ડિરેક્ટરે મુનાસિબ માન્યું નથી.

આ ફિલ્મમાં ગાડું ભરીને ગંદી ગાળો છે એ તો સેન્સરકૃપાથી આપણને ખબર છે. પરંતુ આ ફિલ્મના અઢળક સંવાદો પંજાબીમાં છે. એટલું ખરું કે એ પંજાબી ક્યાંય કૃત્રિમ કે ફિલ્મી લાગતું નથી. પરંતુ દર્શકોનો પ્રોબ્લેમ હળવો કરવા માટે આખી ફિલ્મ અંગ્રેજી સબટાઇટલ્સ સાથે છે. તે વાંચવાની તૈયારી રાખવી.

દૌડતી ઑડિયન્સ

અત્યંત ડાર્ક અને ક્રૂર હોવા છતાં ‘ઉડતા પંજાબ’ સતત ડ્રગ્સથી છૂટવાનો અને પૉઝિટિવિટીનો મેસેજ આપતી રહે છે. તમામ મુખ્ય પાત્રોને ડ્રગ્સની ભયાનકતા પામીને તેનાથી દૂર ભાગવાનો પ્રયાસ કરતા બતાવાયાં છે. ઇવન પંજાબને આ દૈત્યમાંથી છોડાવવા માટે કશું જ ન કરતા રાજકારણીઓ સામે પણ આ ફિલ્મ સજ્જડ સવાલ ઊભો કરે છે. અફસોસની વાત છે કે સૅન્સર બૉર્ડને આ ફિલ્મની પોઝિટિવિટી નહીં, બલકે તેમાં રહેલી ગાળો અને નોન ઇશ્યૂ મુદ્દા જ દેખાયા. સારી ફિલ્મો જોવા માગતા અને વયથી જ નહીં, બલકે દિમાગથી પણ પુખ્ત લોકોએ અવશ્ય જોવા જેવી ફિલ્મ.

રેટિંગઃ ***1/2 (સાડાત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

બોમ્બે વેલ્વેટ

જરકસી પૅકિંગ, કંતાનનું સ્ટફિંગ

***

અનુરાગ કશ્યપની મહત્ત્વાકાંક્ષી કહેવાતી ‘બોમ્બે વેલ્વેટ’ બન્યા પહેલાં અને રિલીઝ થયા પછી કંઇક આવાં દૃશ્યો સર્જાયાં હશે.

***

bombay_velvet_ver5_xxlgદૃશ્ય-૧
સ્થળઃ અનુરાગ કશ્યપની ઑફિસ
પાત્રોઃ અનુરાગ કશ્યપ અને એમનો કોઈ દેઢ શાણો આસિસ્ટન્ટ.

ધુમાડાનાં વાદળ વચ્ચે કેમેરા ઝૂમ ઇન થઇને સળગી રહેલી સિગારેટ પર ફોકસ થાય છે. મિલના ભૂંગળાની જેમ બે હોઠ વચ્ચેથી વધુ એક ધુમ્રસેર નીકળે છે. ધુમાડાનો ટ્રાફિક ક્લિયર થયા પછી ખબર પડે છે કે એ તો જનાબ અનુરાગ કશ્યપના હોઠ હતા. તેમાંથી હમણાં કોઈ મહામૂલાં વચનામૃત નીકળશે એવી આશાએ એમનો એક આસિસ્ટન્ટ દર્શન ખૂલવાની આશાએ ગર્ભગૃહ તરફ જોઇ રહેલા ભક્ત જેવી આસ્થા સાથે તાકી રહ્યો છે.

અચાનક અનુરાગ હાથમાં એક ચોપડી લઇને ટેબલ પર પછાડે છે અને કહે છે, ‘આ જો લેખક જ્ઞાન પ્રકાશની ‘મુંબઈ ફેબલ્સ’. આને કહેવાય બુક. સાલું, આપણે ત્યાં મીડિયોક્રિટી એટલી ચાલે છે કે કોઈ આવી અફલાતૂન બુક પરથી ફિલ્મ બનાવતું જ નથી. પણ હું બનાવીશ. યુ ટેઇક ઇટ, આ મારો ડ્રીમ પ્રોજેક્ટ હશે, બોમ્બે વેલ્વેટ.’

આસિસ્ટન્ટઃ ‘વાઉ સર, સીમ્સ માઇન્ડ બ્લોઇંગ, પણ એવું તે શું છે આ બુકમાં?’

અનુરાગઃ ‘ધ સ્ટોરી ઑફ બોમ્બે. જ્યારે સાત ટાપુઓને પૂરીને મુંબઈ શહેર બનેલું. લૅન્ડ માફિયાઓ મોકાની જમીનો કબ્જે કરવાની ફિરાકમાં હતા. બસ, એ જ સિક્સ્ટીઝના દાયકામાં ભાગલા પછી પાકિસ્તાનથી ભાગીને ભારત આવેલો એક ટેણિયો બલરાજ. ફૉકલેન્ડ રોડ પરનાં વેશ્યાગૃહોમાં મોટો થઈને એ બને છે રણબીર કપૂર. ‘ધ રોઅરિંગ ટ્વેન્ટીઝ’ જેવી હમ્ફ્રી બોગાર્ટની ફિલ્મ જોઇને એ નક્કી કરે છે કે અપુન કો બિગ શૉટ બનને કા હૈ. આ બિગ શૉટ બનવાના ચક્કરમાં એ ભટકાઈ જાય છે એક મીડિયા મુઘલ કૈઝાદ ખંબાટાને. અહીં હું એક એક્સપરિમેન્ટ કરીશ. આઇ વિલ ઇન્ટ્રોડ્યુસ કરણ જોહર એઝ અ શ્રૂડ મીડિયા બૅરન.’

આસિસ્ટન્ટઃ ‘બટ સર, કરણ જોહર તો ડીડીએલજેમાં આવી ચૂક્યો છે, અને ઉપરથી એ તો…’

અનુરાગઃ ‘નોનસેન્સ, એ વિલન તરીકે રિ-ઇન્ટ્રોડ્યુસ થશે અને અહીં હું પહેલી જ વાર ગૅ વિલન બતાવવાનો છું.’

આસિસ્ટન્ટઃ ‘વાઉ સર. અને હિરોઇન? દીપિકા, કેટરીના?’

અનુરાગઃ ‘ડૉન્ટ ટૉક નોનસેન્સ.’ અનુરાગે નવી સિગારેટને અગ્નિદાહ આપ્યો, ‘આ હિરોઇન રોઝી નોરોન્હા જૅઝ સિંગર છે. એટલે એમાં હું અનુષ્કા શર્માને લઇશ. હું આખું સિક્સ્ટીઝનું મુંબઈ ક્રિયેટ કરીશ.’ (મનમાં: દિબાકર બેનર્જી શું સમજે છે કે એ જ રેટ્રો કોલકાતા ક્રિયેટ કરી શકે છે?) ‘મુંબઈની પ્રાઇમ પ્રોપર્ટી માટે લડતા બિઝનેસ બૅરન, ટ્રામ, બેસ્ટની ડબલડેકર બસો, સ્ટિમ એન્જિન અને ધુમાડા કાઢતી મિલો, ટેબ્લોઇડ ન્યૂઝ પેપર વૉર્સ, ઇરાની કૅફે, જૅઝ સિંગર, વિન્ટેજ કાર્સ…’ અનુરાગ કશ્યપ એક્ઝેક્ટ ૮૩ અંશના ખૂણે ઊંચે જોઇને હવામાં ધુમાડાની જથ્થાબંધ રિંગો છોડે છે અને આસિસ્ટન્ટ એના દરેક વાક્યે ‘સુપર્બ સર’, ‘માઇન્ડબ્લોઇંગ સર’ની માળા જપે છે.

***

દૃશ્ય-૨
સ્થળઃ એક મલ્ટિપ્લેક્સના ફૉયરમાં
બોમ્બે વેલ્વેટનો શૉ જસ્ટ છૂટ્યો છે.
પાત્રોઃ ચહેરા પરથી પરસેવાની જેમ ઇન્ટેલેક્ચ્યુઆલિટી ટપકતી હોય એવા એક ભાઈ અને વ્હોટ્સએપમાંથી ડાઉનલોડ કર્યો હોય એવો એક જુવાનિયો.

ઇન્ટેલેક્ચ્યુઅલ અંકલઃ ‘બ્રાવો, બ્રાવો અનુરાગ, બ્રાવો. સાલી, શું ફિલ્મ બનાવી છે, વાહ!’

વ્હોટ્સએપ ડ્યુડઃ ‘એક્સક્યુઝ મી, અંકલ. તમને આ ફિલ્મ ગમી ગઈ, જીઇઇઇઝ? અમે તો રણબીરના નામે ‘રૉય’માં પણ ભંગાયા હતા અને હવે આ ‘બોમ્બે વેલ્વેટ’માં. એવું તે શું ભાળી ગયા તમે આમાં?’

અંકલઃ ‘ધેટ્સ ધ પ્રોબ્લેમ ઑફ યૉર જનરેશન. માસ્ટરપીસને ઓળખી જ શકતા નથી. હવે જો આ જ ફિલ્મ હૉલીવુડમાં માર્ટિન સ્કોર્સેઝી, ઑલિવર સ્ટોન, ડેની બૉયલ કે ક્વેન્ટીન ટેરેન્ટિનો જેવા કોઈ ડિરેક્ટરે બનાવી હોય તો તમે લોકો જ ટૉરેન્ટ પરથી ડાઉનલોડ કરી કરીને જુઓ.’

ડ્યુડઃ ‘ચલો ચલો, કુછ ભી મત ફેંકો, અંકલ. આમાં આવું બધું જૂનું જૂનું નાખ્યું છે એ હટાવી દો, તો આવી જ ફિલ્મ હમણાં ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’ આવેલી જ ને. હમણાં થોડા દિવસ પહેલાં જ મારા પપ્પા ટીવી પર અમિતાભ બચ્ચનની ‘નસીબ’ ફિલ્મ જોતા હતા. એમાંય અમિતાભ આ જ રીતે પાંજરામાં પુરાઈને એક પહેલવાનની ધોલાઈ કરતો હતો.’

અંકલના ચહેરા પર રાહુલ ગાંધી જેવા હાવભાવ છવાઈ જાય છે. બીજી જ સેકન્ડે તેને ખંખેરીને ફરી પાછા એ અર્નબ ગોસ્વામીના મૂડમાં આવી જાય છે, ‘લુક સન, ભવિષ્ય જાણવા માટે આપણે આપણો ભૂતકાળ જાણવો જરૂરી છે. આ ફિલ્મમાં બોમ્બેનો ભૂતકાળ છે.’

ડ્યુડઃ ‘યુ મીન ટુ સે કે મુંબઈ ખાલી આવું પૈસાદારોનું અને માફિયાઓનું જ હતું? એમાં કોઈ મહેનતકશ લોકો હતા જ નહીં? અને એક મિનિટ, આ ફિલ્મ ટ્રુ સ્ટોરી પરથી બનેલી છે? તો પછી ક્યાંય એવી ચોખવટ કેમ નથી? અને બાય ધ વે, તમે હૉલીવુડની ફિલ્મોની વાત કરો છોને. તો આ ફિલ્મમાં રણબીરનું જેવું કેરેક્ટર છે ડિટ્ટો એવું જ કેરેક્ટર હૉલીવુડની ફેમસ ફિલ્મ ‘સ્કારફેસ’માં એક્ટર અલ પચીનોનું હતું. ઇવન ‘સ્કારફેસ’ અને ‘બોમ્બે વેલ્વેટ’ બંનેનો ક્લાઇમેક્સ એક્ઝેક્ટ સરખો છે. બંનેમાં એ જ રીતે હીરો હાથમાં બંદૂકડીઓ લઇને ધાણીફૂટ ગોળીબાર કરીને આગળ ધસી જાય છે. પોતાની પર્સનલ ટ્રેજેડીને પહેલવાનના હાથનો માર ખાઇને ભુલાવવાનો ટ્રાય કરતો હીરો તમે નામ લીધું એ જ માર્ટિન સ્કોર્સેઝીની ‘રેજિંગ બુલ’ ફિલ્મમાં પણ હતો, એ પણ ‘શમિતાભ’માં અમિતાભ જેને જોઇને ગાંડા કાઢે છે એ રોબર્ટ દ નીરો. તમે હૉલીવુડની જ વાત છેડી છે તો કહી દઉં કે ‘બોમ્બે વેલ્વેટ’ના અક્ષરો ડિટ્ટો ૨૦૦૨માં આવેલી મ્યુઝિકલ ફિલ્મ ‘શિકાગો’ જેવા જ લાગે છે.’

અંકલની હાલત સ્ટિંગ ઑપરેશનમાં પકડાયેલા નેતા જેવી થઈ જાય છે. એટલે એ સ્વસ્થતા ધારણ કરીને નવેસરથી બચાવ માંડે છે, ‘કબૂલ, પણ તું એક્ટિંગ જો. રાજ કપૂર જેવા વાળ અને મૂછોમાં રણબીર એકદમ સ્માર્ટી નથી લાગતો?’ (જવાબમાં ડ્યુડે ડચકારો બોલાવીને ખભા ઊલાળ્યા.) ‘અને જૅઝ સિંગરના રોલમાં સતત ડરેલી રહેતી અનુષ્કા, એકદમ લુચ્ચો અને ક્રૂર કરણ જોહર. અને હા, ઓલ્વેઝ રિલાયેબલ એવો કે. કે. મેનન. અહીં તો એ હૅટ અને સિગાર સાથે એ ડિટ્ટો અશોક કુમાર જ લાગે છે.’

ડ્યુડઃ ‘લેકિન અંકલ, આ ફિલ્મમાં એટલા બધા કલાકારો છે કે હું તો કન્ફ્યુઝ થઈ ગયો કે કોણ શું છે અને શું કામ છે? વચ્ચે પાછા રેમો ફર્નાન્ડીઝ, રવીના ટંડન, નસીરુદ્દીન શાહનો દીકરો વિવાન શાહ, ‘રૉકેટ સિંઘ’ ફેમ મનીષ ચૌધરી પણ છે. એ તો સમજ્યા, પણ અહીં તો વચ્ચે કેબીસી વાળા સિદ્ધાર્થ બસુ, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા, (અદિતી રાવ હૈદરીનો એક્સ હસબંડ) સત્યદીપ મિશ્રા અને પેલો સ્ટેન્ડ અપ કોમેડિયન વરુણ ગ્રોવર પણ આવે છે. આ જ વરુણ ગ્રોવરે ‘દમ લગા કે હૈશા’નાં ગીતો લખેલાં.’ અંકલને લાગ્યું કે એણે ખોટા જુવાનિયા સાથે પંગો લઈ લીધો છે. પણ હવે આ જુવાનિયો ગેમ ઑવર કરવાના મૂડમાં હતો, ‘એક તો સ્ટોરીમાં કશું નવું નહીં. માત્ર તમે કેવું રેટ્રો-વિન્ટેજ મુંબઈ ક્રિયેટ કરી શકો છો અને કેવી કેવી હૉલીવુડ ફિલ્મોને અંજલિઓ આપી શકો છો એવી ઇન્ટેલેક્ચ્યુઅલ ખુજલી શાંત પાડવા માટે જ આવી ફિલ્મ બનાવવાની? એ પણ અઢી કલાકથીયે વધારે લાંબી? ખાલી એટલું માનવું પડે કે ફિલ્મનું જૅઝ સ્ટાઇલનું મ્યુઝિક મસ્ત હતું. આ મ્યુઝિક જ આખી ફિલ્મને મ્યુઝિકલ ફિલ્મની ફીલ આપે છે. પણ એ તો બોસ, અમિત ત્રિવેદી હોય એટલે મ્યુઝિક ધાંસુ હોય જ. આખરે આપણો ગુજ્જુ બૉય છે.’

ફિલ્મની થોડી પોઝિટિવ વાત આવી એટલે અંકલ બોલી ઊઠ્યા, ‘હા હોં, એમાંય પેલું ‘જાતા કહાં હૈ દીવાને’ ગીત આવ્યું ત્યારે તો હું ડોલી ઊઠેલો.’

ડ્યુડઃ ‘લેકિન અંકલ, ઓન્લી મ્યુઝિક માટે આ ફિલ્મ જોવા ન જવાય, ભલેને અનુરાગ કશ્યપે બનાવી હોય.’ ત્યાં જ ડ્યુડના વ્હોટ્સએપમાંથી કોઈ કન્યાએ ‘હાઇઇઇઇ’ લખેલું ટપક્યું એટલે ડ્યુડ ‘ઑકે અંકલ, ઇટ વૉઝ નાઇસ ટૉકિંગ ટુ યુ’ કહીને વ્હોટ્સએપમાં ડૂબી ગયો.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits

અગ્લી

કદરૂપા સંબંધો, એવરેજ ફિલ્મ

***

માણસની અંદર ધરબાયેલી લાગણીઓને આપણને અકળાવી મૂકે એવા ‘અગ્લી’ પેકેટમાં રજૂ કરતી અનુરાગ કશ્યપની આ ફિલ્મ એક પરફેક્ટ થ્રિલર બનવામાં ખાસ્સી ઊણી ઊતરે છે.

***

ugly-movie-poster_596478ભારતમાં અઢળક સિનેપ્રેમીઓ એવા છે જેમને અનુરાગ કશ્યપનું નામ સાંભળીને સલમાનની જેમ ‘કિક’ વાગે છે. પરંતુ અનુરાગ કશ્યપના પાછલા રેકોર્ડની સરખામણીએ એની આ ફિલ્મ એક એવરેજ થ્રિલર બનીને રહી જાય છે. ફિલ્મના નામ પ્રમાણે જ સતત બિભત્સ રસ ટપકાવતી આ ફિલ્મ ઘણે ઠેકાણે અવાચક કરી મૂકે છે, તો ઘણા સવાલોના જવાબો આપતી નથી અને કેટલીયે બાબતો દિમાગના દરવાજાની અંદર પ્રવેશી શકતી નથી.

યે અગ્લી અગ્લી ક્યા હૈ?

એક કડકાબાલુસ સ્ટ્રગલિંગ એક્ટર પિતા રાહુલ (રાહુલ ભટ), ફ્રસ્ટ્રેટેડ માતા શાલિની (તેજસ્વિની કોલ્હાપુરે) અને ઓરમાન પિતા આઈપીએસ ઑફિસર શૌમિક બોઝ (રોનિત રોય)ની વચ્ચે ફંગોળાતી દસ વર્ષની કલ્લી (બાળ કલાકાર અંશિકા શ્રીવાસ્તવ) ભરબજારમાંથી ગાયબ થઈ જાય છે. પછી શરૂ થાય છે અહં, દગો, લાચારી, લાલચ જેવી દરેક પાત્રમાં ધરબાયેલી લાગણીઓની સાઠમારી. કલ્લીનો બાયોલોજિકલ ફાધર પોલીસની નિષ્ક્રિયતાથી ત્રાસીને પોતે જ કાયદો હાથમાં લઈને દીકરીને શોધવા નીકળી પડે છે. સાથોસાથ પોતાના જ ઘરમાંથી પત્નીની દીકરી ગાયબ થતાં શૌમિક એટલે કે રોનિત રોય માટે નાકનો સવાલ થઈ જાય છે, એટલે એ પણ આખી પોલીસ ફોર્સને દોડતી કરી મૂકે છે. આ બધાની આસપાસ રહેલાં બધાં જ પાત્રો પોતપોતાના સ્વાર્થ માટે આ પરિસ્થિતિનો ભરપુર ઉપયોગ કરવા માંડે છે. પરંતુ સવાલ એ છે કે નાનકડી કલ્લી છે ક્યાં?

અનુરાગ કશ્યપનો સિક્કો ગાયબ

‘અગ્લી’ ફિલ્મમાં સ્મોકિંગનાં દૃશ્યોમાં સૂચના ન મૂકવા દેવા માટે રાઇટર ડિરેક્ટર અનુરાગ કશ્યપે એક વર્ષ સુધી લડત આપી અને આખરે હાર્યો. ગંદી ગાળો અને ક્રૂરતા માટે આ ફિલ્મને સેન્સરે ‘એ’ સર્ટિફિકેટ આપીને પાસ કરી. કશ્યપ પોતે અને ઘણા વિવેચકો ‘અગ્લી’ને તેની અત્યાર સુધીની સૌથી સારી ફિલ્મ ગણાવી રહ્યા છે. પરંતુ અમુક બાબતોને બાદ કરતાં ફિલ્મ એવરેજ ડાર્ક ક્રાઇમ થ્રિલર બનીને રહી જાય છે. પહેલા વાત કરીએ ફિલ્મની પોઝિટિવ બાબતોની.

અનુરાગ કશ્યપની ટેવ એવી કે ફિલ્મને વાસ્તવિકતાની લગોલગ લાવીને મૂકી દેવી. એટલે જ ફિલ્મમાં હલકડોલક થતા કેમેરા હોય, ઓછામાં ઓછું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, કલાકારોને મેકઅપ મિનિમમ કર્યો હોય, પાત્રો છૂટથી ગંદી ગાળો વેરતા હોય, મારધાડ કરતા હોય અને રોજબરોજની લાઇફનું એવું ચિત્રણ કર્યું હોય કે હોરર ફિલ્મ ન હોવા છતાં આપણને બીક લાગવા માંડે, કે હાઇલા, દુનિયા આટલી બધી ખરાબ છે? (આવી જ બીક રામ ગોપાલ વર્માની ફિલ્મો જોતી વખતે પણ લાગે.) ‘અગ્લી’ની સ્ટોરી આમ તો સિમ્પલ છે કે ભઈ, એક ગુમ થયેલી બાળકીને શોધવાની છે, પરંતુ આટલી વાતમાં અનુરાગે દરેક પાત્રની અંદર ધરબાયેલી લાગણીઓને બખૂબી વણી લીધી છે. એક બાળકીના ગુમ થવાની ઘટનાને તેની આસપાસ રહેલા લોકો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરવા માંડે છે. એ જોઈને એવો જ વિચાર આવે કે જરૂરિયાત એ માત્ર શોધખોળની જ નહીં, બલકે પાપની પણ જનની છે. ભાંગેલાં પરિવારોમાં બાળકોની શી હાલત થતી હશે તે વાત પણ અનુરાગ જરાય ઉપદેશાત્મક થયા વિના કહી દે છે.

પરંતુ અનુરાગ કશ્યપે જેને ‘ઈમોશનલ થ્રિલર’ ફિલ્મ કહી છે તેના માટે આટલું પૂરતું છે? જી નહીં. પહેલી વાત તો એ કે આવી અઢળક કથાઓ આપણે સોની ટીવી પર આવતા કાર્યક્રમ ‘ક્રાઈમ પેટ્રોલ’માં જોઈ ચૂક્યા છીએ. જાહેરખબરો તથા હોસ્ટ અનુપ સોનીને બાદ કરતાં જે અસરકારકતાથી તેમાં કલાક-દોઢ કલાકમાં વાત કહેવાઈ જાય છે, તે કહેવા માટે અનુરાગે બે કલાક કરતાં પણ વધારે સમય લીધો છે. વળી, બાળકીને શોધવાના હેતુસર શરૂ થયેલી ફિલ્મ એ જ મુખ્ય ટ્રેક પર આગળ વધતી રહેવાને બદલે વિવિધ પાત્રોની પોતાની સ્ટોરીઓની ગલીઓમાં ફંટાતી રહે છે. એટલે જેને અંગ્રેજીમાં ‘ઍજ ઑફ સીટ થ્રિલર’ કહે છે એવો નખ ચાવી જઇએ એવો રોમાંચ ઊભો જ નથી થતો.

વધુ પડતું રિયલિસ્ટિક બનવાની લાલચ હોય કે ગમે તે, પણ ઘણા સીન એટલા લંબાઈ ગયા છે કે અલ્ટિમેટલી ગંભીર સ્થિતિમાં પણ દર્શકોને હસાવી દે છે. ઘણાં દૃશ્યોમાં એવું લાગે કે આ જ વાત ગંદી ગાળો બોલ્યા વિના પણ એટલી જ પ્રભાવક રીતે કહી જ શકાઈ હોત. એ જ રીતે ઘણા સવાલોના જવાબો આખી ફિલ્મ પતે પછીયે મળતા નથી. જેમ કે, ફિલ્મમાં રોનિત રોય પોતાની પત્નીનો પણ વિશ્વાસ ન કરે એવો ખડુસ પોલીસવાળો છે. એક તો એ સાવ સનકી અને ફાટેલ મગજનો શા માટે છે એનું કોઈ કારણ મળતું નથી. અચ્છા, ચલો માની લઈએ કે એના દિમાગમાં કોઈ જન્મજાત કેમિકલ લોચો છે, પરંતુ એ બહુ સ્માર્ટ પોલીસ ઑફિસર હોવા છતાં એના નાક નીચે ગેમ રમાતી હોય એ તેને કેમ દેખાતું નથી? અમુક પાત્રો જાણે વેકેશન ગાળવા આવતા હોય એ રીતે જેલની અંદર-બહાર શા માટે થતાં રહે છે એનું પણ કોઈ ક્લેરિફિકેશન મળતું નથી. બધી વાતોને અનુરાગ કશ્યપના ફિલ્મમેકિંગની મહાનતા ગણીને છોડી દેવી પડે છે.

ફિલ્મની શરૂઆતમાં કશ્યપબાબુ કહે છે કે આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે. પરંતુ એ ઘટના કઈ છે અને ફિલ્મમાં તેમાંથી કેટલું સાચું છે અને કેટલી કલ્પના છે એની કશે ચોખવટ કરાઈ નથી. ફિલ્મને વાસ્તવિક પણ બનાવવી છે અને વિગતો પણ સંતાડવી છે એ તો છાશ લેવા જવું અને દોણી સંતાડવા જેવો ઘાટ થયો.

રોનિત રોયઃ ટચાકાવાળાં ઓવારણાં

આમ જોવા જઇએ તો ‘અગ્લી’માં પણ રોનિત રોયે ‘ઉડાન’,  ‘ટુ સ્ટેટ્સ’, ‘બોસ’  જેવી ફિલ્મોમાં  કરેલો એવો ખડૂસ, સનકી દિમાગના પિતા-પતિ-પોલીસ ઑફિસરનો રોલ જ રિપીટ કર્યો છે. પરંતુ આ રોલમાં એ એટલો બધો પરફેક્ટ લાગે છે એ સ્ક્રીન પર હોય એટલો સમય સતત એક ભયનો માહોલ હવામાં તર્યા કરે. પોતાના ફાટેલ મગજનો પરચો બતાવવા માટે એને હાસ્યાસ્પદ ગાંડા કાઢવાની પણ જરૂર નથી, બલકે એ ચૂપ રહીને માત્ર આંખોથી પણ ફફડાટ પેદા કરી દે છે. પરંતુ એટલું ચોક્કસ કે એને હવે કંઇક અલગ કરવાની જરૂર છે.

અગ્લી’ના બીજા ચહેરા

ઘણા સમયે પડદા પર દેખાયેલી તેજસ્વિની કોલ્હાપુરેને આ ફિલ્મમાં અસરકારક અભિનય કરવા માટે મેકઅપની જરૂર પડી નથી. રાહુલ ભટ, સુરવીન ચાવલા ઓકે ઓકે છે. પણ હા, યાદ રહી જાય એવી એક્ટિંગ ફિલ્મમાં ‘ચૈતન્ય’ બનતા વિનીત કુમાર સિંઘ અને ‘ઇન્સ્પેક્ટર જાધવ’ બનતા મરાઠી એક્ટર ગિરીશ કુલકર્ણીની છે. એમ તો માત્ર બે જ દૃશ્યોમાં દેખાવા છતાં બાળ કલાકાર અંશિકા શ્રીવાસ્તવ વિશે પણ આપણને થાય કે આ બેબલી વધુ દેખાઈ હોત તો? આ ફિલ્મમાં શક્તિ કપૂરનો દીકરો સિદ્ધાંત પણ છે, પરંતુ એની એક્ટિંગ યાદ રહેવાને બદલે આપણને સતત એ જ સવાલ થાય છે કે એનો અવાજ એક્ટર રાજકુમાર રાવે કેમ ડબ કર્યો હશે?

અગલી ફિલ્મ અગ્લી?

અનુરાગ કશ્યપના પંખાઓ (ફૅન્સ!) તો જાણે આ ફિલ્મ જોવા હડી કાઢવાના જ છે. પરંતુ તમને જો કદરૂપી દુનિયાની એક ઝલક આપતી, જરાય હળવાશનો મોકો ન આપતી, એક એવરેજ ડાર્ક થ્રિલર જોવી ગમતી હોય તો ‘અગ્લી’ને એક ચાન્સ આપી શકાય. બાકી, ક્રાઇમ પેટ્રોલ તો દર અઠવાડિયે ટીવી પર આવે જ છે!

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

હેપી ન્યૂ યર

શાહરુખ શાહરુખ હોતા હૈ!

***

ત્રણ કલાકની તોતિંગ લંબાઈ ધરાવતી આ ફિલ્મમાં કશું જ નવું નથી, છતાં રજાઓમાં મજા કરાવે એવી ફિલ્મ તો છે જ.

***

10547243_10152631255869596_9046159849784897034_oચોરીની વાર્તાઓમાં એક ‘હાઇસ્ટ’ (Heist) નામનો કથાપ્રકાર છે, જેમાં એક ગુંડાટોળકી ચોરીનો કાંડ કરવા માટે ભેગી મળે, ચોરીનું પ્લાનિંગ કરે અને પછી ચોરીનું ઓપરેશન પાર પાડે. શાહરુખની ફારાહ ખાને ડિરેક્ટ કરેલી લેટેસ્ટ ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’ આવી જ એક હાઇસ્ટ ફિલ્મ છે. યકીન માનો, આ ફિલ્મમાં સમ ખાવા પૂરતું એક પણ એલિમેન્ટ નવું નથી, તેમ છતાં આ ફિલ્મ પરફેક્ટ દિવાલી એન્ટરટેનર છે.

મ્યુઝિકલ ચોરી

સ્ટાઇલથી ફાટ ફાટ થતો ચંદ્રમોહન શર્મા ઉર્ફ ચાર્લી (શાહરુખ ખાન) એઇટ પેક એબ્સ બનાવીને ચરન ગ્રોવર (જેકી શ્રોફ) નામના માણસની પાછળ પડ્યો છે. શાહરુખનું ટાર્ગેટ છે કે એ ગમે તે ભોગે એ ગ્રોવરની  ગેમ ઓવર કરી નાખવી. ત્યાં એને ખબર પડે છે કે એ ગ્રોવર એક પાર્ટીના ત્રણસો કરોડ રૂપિયાની કિંમતના હીરા દુબઈ ખાતે લાવવાનો છે. જે દિવસે એ હીરા ત્યાં આવશે એ જ દિવસે એક ડાન્સ કોમ્પિટિશન પણ છે. એટલે શાહરુખભાઈ નક્કી કરે છે કે આપણે ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવો અને સાથોસાથ એ હીરા પણ સફાચટ કરી લેવા. હવે આ કામ એકલાથી તો થાય નહીં. એટલે એ જેક (સોનુ સૂદ), ટૅમી (બમન ઇરાની), નંદુ ભીડે (અભિષેક બચ્ચન) અને એક કમ્પ્યુટર હેકર રોહન (વિવાન શાહ)ની મદદ લે છે.

પરંતુ આ પાંચેય જણા નાચે તો સાંઢિયો કૂદતો હોય એવું લાગે. એટલે એમને ડાન્સ શીખવવા માટે એક બાર ડાન્સર મોહિની જોશી (દીપિકા પદુકોણ)ની મદદ લેવાય છે. આ છ જણાની ટીમ ભારતમાંથી સિલેક્ટ થઈને ફાઇનલ રાઉન્ડ માટે દુબઈ પહોંચે છે અને ત્યાં હીરાની ચોરીનું પરાક્રમ અમલમાં મૂકે છે.

એક મિનિટ, પણ આ ચાર્લી પેલા ગ્રોવરની પાછળ શું કામ પડ્યો છે? અને બાકીના લોકો પણ એની સાથે શા માટે જોડાય છે? અને સૌથી મોટો સવાલ, એ લોકો સફળ થશે? વેલ, હવે એ માટે તો તમારે આખી ફિલ્મ જ જોવી પડે, અેમાં અમે કશું જ ન કરી શકીએ!

શાહરુખ શૉ

શાહરુખ ખાન માટે એક સનાતન ફરિયાદ એવી છે કે એ કોઈ પણ ફિલ્મમાં શાહરુખ જ હોય છે. મતલબ કે એ ઇરફાન કે આમિરની જેમ પોતાના પાત્રમાં ડૂબી જવાને બદલે પોતે શાહરુખ-ધ સુપરસ્ટાર તરીકે જ વર્તતો હોય છે. અગાઉ ચેન્નઈ એક્સપ્રેસમાં પણ એવું જ હતું અને અહીં હેપ્પી ન્યૂ યરમાં પણ એવું જ થયું છે. શાહરુખ પોતે પોતાની અગાઉની ફિલ્મોના જ ડાયલોગ્સ બોલે છે અને એનો એ જ જૂનો બે હાથ પહોળા કરવાનો ટ્રેડમાર્ક ડાન્સ કરે છે.  ફારાહ ખાને પણ શાહરુખની સુપરસ્ટાર ઇમેજને વટાવવામાં કોઈ કસર છોડી નથી.

ફેમિલી એન્ટરટેનર

અમુક ઠેકાણે ગાલીપ્રયોગને બાદ કરતાં આ ફિલ્મ તહેવારો માટે શ્યોર શોટ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે. પરંતુ બીજા પોઇન્ટ ઓફ વ્યૂથી પણ આ ફિલ્મને ફેમિલીની વ્યાખ્યામાં મૂકવી પડે એવું છે. એક તો આ ફિલ્મનું પ્રોડક્શન શાહરુખની કંપની રેડ ચિલીઝે અને શાહરુખની પત્ની ગૌરીએ સંભાળ્યું છે. ફારાહ ખાન સાથે શાહરુખ આણિ મંડળીને ફેમિલી જેવા સંબંધો છે. ફિલ્મમાં પણ સાજિદ ખાન પોતે દેખા દે છે. અરે, માત્ર સાજિદ જ નહીં, શાહરુખનો સૌથી નાનો ટેણિયો દીકરો અબરામ અને ફારાહ ખાનનાં ટ્રિપલેટ્સ સંતાનો પણ પડદા પર આંટાં મારી જાય છે. આ ઉપરાંત હેપ્પી ન્યૂ યરના જથ્થાબંધ મહેમાન કલાકારોમાં ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ, સંગીતકાર વિશાલ દદલાણી, મલાઇકા અરોરા, પ્રભુ દેવા, અનુપમ ખેર, ડીનો મોરિયા, કોરિયોગ્રાફર ગીતા કપૂર, ડેઇઝી ઇરાની, એન્કર્સ વિશાલ મલ્હોત્રા અને લોલા કુટ્ટી… ઉફ્ફ ગણતાં થાકો એટલાં મહેમાન કલાકારો છે ફિલ્મમાં. હવે એમાં એવું છે કે ફારાહ ખાન આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પોતાનું ફેમિલ જ ગણે છે. એટલે એ બંને ભાઈ-બહેન પોતાની ફિલ્મોમાં ગમે તેની મજાક ઉડાવતાં ફરે છે. આ વખતે એમણે પીઢ કોરિયોગ્રાફર સરોજ ખાનની મજાક ઉડાવીને લોકોનું લાફ્ટર ઉસેટવાનો પ્રયત્ન કર્યો છે. હા, આ ફિલ્મમાં અન્ય ફિલ્મોના એટલા બધા સંદર્ભો છે કે તમે શોધી શકો તો એ મજા તમારી.

હેપ્પી બાતેં

શરૂઆતથી છેક છેલ્લે સુધી આ ફિલ્મ હળવો ટોન જાળવી રાખે છે. દરેક પાત્રની આગવી લાક્ષણિકતાઓ ફારાહે બખૂબી ઉપસાવી છે. જેમ કે, સોનુ સૂદ એક કાને બહેરો છે અને માનું નામ સાંભળીને ઇમોશનલ થઈ જાય છે. મોહિની એટલે કે દીપિકા પદુકોણ કોઇને ઇંગ્લિશ બોલતાં સાંભળીને એના પર ઓવારી જાય છે. બમન તાળાં ખોલવામાં માસ્ટર છે, પણ એની મમ્મીથી ડરે છે અને એની થેલીમાંથી એ કંઈ પણ વસ્તુ કાઢી શકે છે. ઇન ફેક્ટ, આ ફિલ્મનું સૌથી ધારદાર પરફોર્મન્સ બમન ઈરાનીનું જ છે. લોકોને એન્ટરટેઇન કરવા માટે એને એઇટ પેક એબ્સ બનાવવાની કે કપડાં ઉતારવાની પણ જરૂર પડી નથી. એ માત્ર પોતાની એક્ટિંગથી જ આ કામ કરી બતાવે છે.

અમુક અમુક કોમેડી સીન્સ ખરેખર સારા બન્યા છે. જેમ કે, એક સીનમાં દીપિકા શાહરુખની ચક દે ઇન્ડિયાવાળી સ્પીચ આપે છે, બીજા એક સીનમાં છએ છ પાત્રો એક જ લિફ્ટમાં ભરાઇને કશું બોલ્યાં વગર માત્ર વિચારીને જ એકબીજાં સાથે જીભાજોડી કરે છે, ‘નોનસેન્સ કી નાઇટ’ ગીતનું અનોખું પિક્ચરાઇઝેશન વગેરે. અરે એકે સીનમાં તો મોદીસાહેબ (અલબત્ત ડુપ્લિકેટ તરીકે) પણ દેખાય છે! સારી સિનેમેટોગ્રાફી અને દુબઈદર્શનને કારણે હવે દુબઈ જનારા ભારતીયોમાં ઓર વધારો થવાનો.

સૅડ બાતેં

અત્યારના ફાસ્ટ જમાનામાં ત્રણ કલાકની તોતિંગ લંબાઈ અસહ્ય પુરવાર થઈ પડે છે. અમુક બિનજરૂરી ફાઇટિંગ, ગીતો વગેરે કાપી નખાયાં હોત તો ફિલ્મ હજી ચુસ્ત બની શકી હોત. પહેલા પોણા કલાક સુધી તો બધાં પાત્રોનો પરિચયવિધિ જ ચાલ્યા કરે છે. અરે, ખુદ દીપિકા પદુકોણની એન્ટ્રી પણ ખાસ્સા એક કલાક પછી થાય છે. એ પછી છેક મૂળ વાર્તાનાં મંડાણ થાય છે. વળી, આગળ કહ્યું એમ આ ફિલ્મમાં કશું જ નવું નથી. ઉપરથી આખી સ્ટોરી એટલી પ્રીડિક્ટેબલ છે કે આપણે અનુમાન લગાવતાં જઇએ અને તેવું જ બનતું જાય. વળી, આપણને થાય કે શાહરુખ એટલો બધો સેલ્ફ ઓબ્સેસ્ડ હશે કે દરેક ફિલ્મમાં એને પોતાની  જાતને જ રિપીટ કરવી પડે? અને જો ફિલ્મમાં લોજિક શોધવા ગયા તો દિમાગને ભડાકે દેવાનું મન થઈ આવે. જાણે ફ્રિજમાંથી આઇસક્રીમનો કપ કાઢવાનો હોય એ રીતે નાચતાં નાચતાં હીરા ચોરી લાવવાનું આખું ઓપરેશન તદ્દન ચાઇલ્ડિશ લાગે છે. વચ્ચે વચ્ચે આપણને એવું પણ થાય કે આ ફિલ્મ તો ‘ધૂમ થ્રી’ જોતા હોઇએ એવી કેમ લાગે છે? અને હા, અનુરાગ કશ્યપ અને વિશાલ દદલાણીએ સસ્તા ગે જોક્સ કરવાનું કેમ સ્વીકાર્યું હશે?

મનવા લાગે અને ઇન્ડિયાવાલે ગીતો કંઇક સહ્ય છે, બાકીનાં ગીતો તો ફિલ્મને લાંબી કરવા સિવાય કશા ખપનાં નથી.

શાહરુખ કે નામ પર

આમ તો શાહરુખ ખાનના ભક્તો તો કોઇપણ ભોગે આ ફિલ્મ જોવા ધસી જ જવાના છે. પરંતુ જેમને પૈસા ખર્ચવા કે નહીં તેની અવઢવ હોય એમને એટલું તો કહી શકાય કે ભયંકર લાંબી હોવા છતાં આ ફિલ્મ સાવ ‘હથોડો’ની કેટેગરીમાં મૂકી શકાય એવી નથી. બલકે બચ્ચાંલોગને તો મજા પડે એવી છે. જો પેલી ગંદી ગાળો ન નાખી હોત તો બાળકોને લઈ જવામાં જરાય કચવાટ ન થાત. અને હા, ફિલ્મ પૂરી થયા પછી છેલ્લા ગીત માટે બેસી રહેજો. ફારાહ ખાને એની સ્ટાઇલ પ્રમાણેના અનોખાં એન્ડ ક્રેડિટ્સ અહીં પણ મૂક્યાં છે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.