May be an image of food and text

કાળમુખો કોરોના ત્રાટક્યો એના મહિનાઓ પહેલાં હું એક નાસ્તાની એર કન્ડિશન્ડ દુકાનમાં ગયેલો. દુકાનનો ત્રીજી પેઢીનો જુવાનિયો મને ઇંગ્લિશમાં ગુજરાતી નાસ્તાઓ વિશે એ રીતે સમજાવી રહ્યો હતો, જાણે ડી બીઅર્સનો એક્ઝિક્યુટિવ અલગ અલગ ડાયમંડ જ્વેલરીની ખાસિયતો જણાવતો હોય. એ દુકાનમાં ખાખરા પણ જ્વેલરીની પેઠે પૅક કરવામાં આવેલા (પૅકિંગ એવું હતું કે ઇલોન મસ્કના રોકેટમાં મૂકીને મંગળ પર મોકલો તોય ખાખરામાં તડ ન પડે!). એને ખબર નહોતી કે હું ગુજરાતી મીડિયામાં છું, એટલે એને હું મોટું બિલ બનાવનારો પોટેન્શિયલ હેલ્ધી બકરો લાગેલો! ખેર, આ ‘નાસ્તાપીડિયા’ના બ્રાઉઝિંગમાં એણે મને એક લાલ પેકેટ બતાવ્યું. ‘PRAN પોટાટા’ બ્રાન્ડનેમનું આ પેકેટ બતાવીને મને કહે, ‘સર, ધીસ ઇઝ અ સ્પેશિયલ બાંગ્લાદેશી પટેટો બિસ્કિટ. યુ મસ્ટ ટ્રાય ઇટ.’ ‘સર… સર’ કહીને મોંઘી પ્રોડક્ટ સરકાવી દેવાની કળા વિશે હું માહિતગાર હતો, એટલે હળવેકથી મેં તેની MRP જોઈ લીધી. ગજવામાં ગોબો પાડે એવી નહોતી, એટલે બાસ્કેટમાં પધરાવી દીધી. ઘરે આવીને ચાખ્યાં તો થયું કે પેલા કોન્વેન્ટિયાની વાત તો સાચી હતી, બિસ્કિટ છે મસ્ત.

હવે કટ ટુ છએક મહિના પહેલાં.

ચારેકોર જાણે રેડ રિવોલ્યુશન આવ્યું હોય એમ નાસ્તા-કરિયાણાની દુકાનોમાં આ પોટાટા બિસ્કિટ ખડકાઈ ગયાં છે. ITC, બ્રિટાનિયા જેવી ગંજાવર કંપનીઓ સૂંઘી લીધું કે આ બાંગ્લાદેશી પોટાટાની પ્રોડક્ટમાં દમ છે અને સખ્ખત પોપ્યુલર થઈ રહી છે. એટલે એમણે પણ હળવેકથી આઇડેન્ટિકલ પ્રોડક્ટ મ્હણ્જે પટેટો બિસ્કિટ માર્કેટમાં મૂકી દીધાં. એ પણ એવા જ આઇડેન્ટિકલ રેડ પેકેટમાં. ITCએ પોતાની અમ્બ્રેલા બ્રાન્ડ ‘સનફીસ્ટ’ હેઠળ ‘ઓલ રાઉન્ડર’ બ્રાન્ડનેમથી બટાકાનાં બિસ્કિટ માર્કેટમાં ઉતારી દીધાં. જ્યારે બિસ્કિટના માર્કેટમાં દબદબો ધરાવતી ‘બ્રિટાનિયા’ કંપનીએ પણ ‘50-50’ બ્રાન્ડની છત્રછાયા હેઠળ ‘પોટાઝોસ’ નામથી બટાકાનાં બિસ્કિટનું માર્કેટમાં અવતરણ કરાવવું પડ્યું.

May be an image of food
‘પોટાટા’ હિટ ગયાં એટલે ITCએ ‘ઓલ રાઉન્ડર’ ઉતાર્યાં અને બ્રિટાનિયાએ ‘પોટાઝોસ’ માર્કેટમાં મૂક્યાં, એ પણ લાલચટ્ટક પેકમાં જ!

બિસ્કિટની દુનિયામાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી બેંગલુરુની ‘યુનિબિક’ કંપનીએ ઠીક ઠીક લોકપ્રિયતા હાંસલ કરી છે. એમને પણ આ બટાકા બિસ્કિટ ક્રાંતિમાં ઝંપલાવ્યું અને ‘સ્નેપર્સ’ બ્રાન્ડનેમથી ‘પટેટો ક્રેકર્સ’ લૉન્ચ કરી દીધાં. ITC અને બ્રિટાનિયાએ ડિટ્ટો કોપી મારી, જ્યારે યુનિબિકે ‘ક્રીમ એન્ડ અનિયન’ ફ્લેવરનાં પટેટો બિસ્કિટ લૉન્ચ કર્યાં અને એ પણ લાલ નહીં, બલકે બ્લેક પેકેટમાં.

May be an image of food
યુનિબિકનાં પટેટો બિસ્કિટ ‘સ્નેપર્સ’, બ્લેક પેકેટમાં

હમણાં શોખીન પાર્ટીઓ દ્વારા મને જાણવા મળ્યું કે પિયક્કડોની છાંટાપાણીની પાર્ટીમાં આ પટેટો બિસ્કિટ બહુ ચાલ્યાં છે.

મને સવાલ એ થયો કે બાંગ્લાદેશની એક અજાણી કંપની આપણે ત્યાંની મસમોટી કંપનીઓને દોડતી કરી દે એ વળી નવું. ખાંખાખોળાં કરતાં માલુમ પડ્યું કે 1981માં બાંગ્લાદેશી આર્મીના રિટાયર્ડ મેજર જનરલ અમજદ ખાન ચૌધરીએ ‘પ્રોગ્રામ ફોર રુરલ એડવાન્સમેન્ટ નેશનલી’ (PRAN-પ્રાણ)ની અને ઇરિગેશન પમ્પ બનાવવા માટે ‘રંગપુર ફાઉન્ડ્રી લિમિટેડ’ (RFL) કંપનીની સ્થાપના કરી હતી. આ બંને સંયુક્ત રીતે ‘PRAN-RFL ગ્રૂપ’ તરીકે ઓળખાયાં. આજે સ્થિતિ એ છે કે આ ગ્રૂપ 145 દેશોમાં પોતાની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે અને તેમની કંપનીમાં 1 લાખથી પણ વધુ કર્મચારીઓ કામ કરે છે! તેમનો પ્રોડક્ટ પોર્ટફોલિયો બિસ્કિટ, બેકરી, બેવરેજીસ (પીણાં), કન્ફેક્શનરી (ચોકલેટ, પીપરમિન્ટ વગેરે), ડેરી, ફ્રોઝન ફૂડ, નાસ્તા વગેરેની કેટેગરીઓમાં સંખ્યાબંધ પ્રોડક્ટ્સમાં ફેલાયેલો છે. 2019-20ના વર્ષમાં કંપનીની કમાણી લગભગ 93 કરોડ રૂપિયાને વટાવી ગઈ હતી. 2015થી આ કંપનીએ ત્રિપુરાના અગરતલામાં ફેક્ટરી સ્થાપી દીધી છે. આ કંપનીના મેંગો ફ્લેવર્ડ ડ્રિંક માટે બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા પણ બે વર્ષ પહેલાં મોડલિંગ કરી ચૂકી છે.

બાંગ્લાદેશ આર્મીના રિટાયર્ડ મેજર જનરલ અમજદ ખાન ચૌધરી (ડાબે)એ ‘પ્રાણ-RFL’ કંપની સ્થાપી, જે આજે તેમના પુત્ર એહસાન ખાન ચૌધરી સંભાળે છે.
બાંગ્લાદેશ આર્મીના રિટાયર્ડ મેજર જનરલ અમજદ ખાન ચૌધરી (ડાબે)એ ‘પ્રાણ-RFL’ કંપની સ્થાપી, જે આજે તેમના પુત્ર એહસાન ખાન ચૌધરી સંભાળે છે.

ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં તથા પશ્ચિમ બંગાળમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આ બાંગ્લાદેશી ‘પ્રાણ’ની પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સ ઠીકઠીક લોકપ્રિય થયાં છે. ખાસ કરીને ચાની સાથે ખવાતાં રસ્ક (મિલ્ક ટોસ્ટ), ઝાલમુરી (સૂકી ભેળ), ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને પેકેજ્ડ જ્યુસ. તેમાં એમણે ‘પોટાટા’ બ્રાન્ડનેમથી બટાકાનાં બિસ્કિટ માર્કેટમાં મૂક્યાં. આ ચટાકેદાર બિસ્કિટ સોશિયલ મીડિયાનાં પુશથી બંગાળથી ગુજરાત-રાજસ્થાન અને મેંગલોરથી દિલ્હી સુધીનાં રાજ્યોમાં ફેલાઈ ગયાં. આ બાંગ્લાદેશી કંપનીએ ભારતમાં પોતાનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક એવું મજબૂત કરી નાખ્યું કે મોટી કંપનીઓ લગભગ ઊંઘતી ઝડપાઈ. વળી, રૂ. 10, 20 અને 25 જેવા અત્યંત અફોર્ડેબલ પ્રાઇસટેગ સાથે આવેલી આ પ્રોડક્ટ જેવો સ્વાદ ભારતીયોએ અગાઉ ચાખ્યો જ નહોતો. નતીજા? વેફરથી જાડાં અને બિસ્કિટથી પાતળાં બટાકાનાં આ ક્યુટ ગોળાકાર બિસ્કિટ ખાસ કશા માર્કેટિંગ વિના માત્ર વર્ડ ઓફ માઉથથી પોપ્યુલર થઈ પડ્યાં.

May be an image of 1 person and text
દુર્ગાપુજા વખતે રિલીઝ થયેલી ‘પ્રાણ’ કંપનીની ફ્લેવર્ડ ડ્રિંક બ્રાન્ડ ‘ફ્રૂટો’ની એડમાં સોનાક્ષી સિંહા

લેકિન બિસ્કિટ મેદાનાં હોય ને બટાકાની તો વેફર હોય. બટાકાના બિસ્કિટનો આઇડિયા ક્યાંથી આવ્યો? કંપનીના સ્થાપક અમજદ ખાન ચૌધરી તો છ વર્ષ પહેલાં જન્નતનશીન થઈ ગયા છે અને કંપનીનું સુકાન એમના અમેરિકા ભણીને આવેલા હોનહાર પુત્ર એહસાન ખાન ચૌધરીના હાથમાં છે. તેમણે ‘મિન્ટ’ અખબારને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે એક ચીનયાત્રા દરમિયાન એમણે બટાકાની વેફરને મળતો આવતો ટેસ્ટ ધરાવતા બિસ્કિટ ચાખેલા. એ સ્વાદ એમની દાઢે રહી ગયેલો. બાંગ્લાદેશ પરત ફરીને એમણે પોતાને ત્યાંના ફૂડ સાયન્ટિસ્ટોને કામે લગાડ્યા કે આના જેવી પ્રોડક્ટ કઈ રીતે બનાવી શકાય તે શોધી કાઢો. ખાસ્સા પાકશાસ્ત્રના પ્રયોગો પછી બટાકાની પેસ્ટ, રતાળુ જેવા કંદમૂળ ટેપિયોકાના સ્ટાર્ચ, ઘઉંનો લોટ અને અન્ય મસાલા પ્લસ ફ્લેવરનાં યોગ્ય મિશ્રણ પછી આ બટાકાનાં બિસ્કિટનો જન્મ થયો. લુગદી ટાઇપ કણેકમાંથી જ બનતા હોવાથી તેને પર્ફેક્ટ રાઉન્ડ આકાર અપાયો અને વેફર કરતાં સહેજ દળદાર કદ અપાયું. બાકીનું કામ તેને આરોગનારા લોકોએ ઉપાડી લીધું.

‘પોટાટા’ની લોકપ્રિયતા અને તેમાં હિસ્સો પડાવવા માટે બીજી કંપનીઓએ જે રીતે ફટાફટ પોતાની પ્રોડક્ટ્સ મૂકી દીધી, એ જોતાં હજુ બીજી કંપનીઓ પણ બટાકાનાં બિસ્કિટ માર્કેટમાં ઉતારશે તે નક્કી વાત છે.

સો, પોટાટા બિસ્કિટ ચા વિજય અસો… વિજય અસો!

Leave a comment