ગેસ્ટ ઇન લંડન

posterક્યારેક તમારી પાસે ક્યાંકથી પાસ આવ્યા હશે, ક્યારેક તમે કોઈ સોશ્યલ ક્લબના મેમ્બર હોવાને નાતે ગયા હશો અથવા તો સૌથી ખરાબ સ્થિતિમાં તમે બસ્સો-પાંચસો રૂપિયાની ટિકિટ ખરીદીને જોવા ગયા હશો. વાત થઈ રહી છે એવા ફુવડ કોમેડી નાટકોની જે હસાવી હસાવીને આપણાં તમામ આંતરિક અંગો બહાર લાવી દેવાની ગૅરન્ટી આપે છે અથવા તો ‘સોશ્યલ ડ્રામા’ના નામે વેચાય છે. આવાં બે-અઢી કલાકનાં નાટકોનો એકમાત્ર હેતુ કોઇપણ ભોગે આપણને હસાવવાનો હોય છે. પોણા બે કલાક સુધી જાતભાતનાં ગાંડાઘેલા સીન આવ્યા કરે, ‘ફુવડ બૈરી’ પર જોક થાય, ‘બૈરી’ના પરિવારજનો પર જોક થાય, ફૂટડી પાડોશણને પટાવવાના સીન આવે, ડબલ મિનિંગ વનલાઇનર્સ આવે, વ્હોટ્સએપમાં ફરતા અને વાસી દહીં જેવી ગંધ મારતા જોક્સ આવે, તાળીઓ પડાવવા માટે સત્તાધારી પાર્ટીનો જય જયકાર અને બાકીની પાર્ટીઓને ઉતારી પાડતી લાઇનો આવે, પાકિસ્તાનને ભાંડતા જોક્સ પણ આવે. એ પછી કહાની અચાનક ટર્ન લે. એક ઇમોશનલ ઍન્ગલ ઉમેરાય, ભાવુક સંવાદો રેલાય અને સૌની આંખો ભીની કરી દે તેવા અંત સાથે ખાધું પીધું ને રાજ કર્યું એવા ઍન્ડ સાથે સૌ ઊભા થાય અને નાટકના કલાકારો સાથે સેલ્ફી લઇને સૌ ઘેરભેગા થાય.

– ૧૭૦ શબ્દોની આ લાંબી પ્રસ્તાવના બાંધવાનું કારણ એ છે કે ડિરેક્ટર અશ્વની ધીરની પરેશ રાવલ સ્ટારર ‘ગેસ્ટ ઇન લંડન’ ડિટ્ટો આવી જ ફિલ્મ છે. તેનો એકમાત્ર ધ્યેય છે પોણી ફિલ્મમાં તમને હસાવવાનો અને બાકીની પા ફિલ્મમાં રડાવવાનો. હસાવવા માટે પછી ગમે તેવી રેસિસ્ટ, સેક્સિસ્ટ, લાઉડ, વાહિયાત, જુવેનાઇલ કોમેડી કરવી પડે, બધું જ ચાલે. રડાવવા માટે ભલે ગમે તેવો ઇલ્લોજિકલ-બેતુકો પ્લોટ ઊભો કરવો પડે, ચોલબે.

– પાછી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ ફિલ્મનું બેઝિક પ્રિમાઇસ અશ્વનીભાઈની અગાઉની ફિલ્મ ‘અતિથિ તુમ કબ જાઓએ?’નું જ છે. યાને કે આ ફિલ્મ તેની ઓલમોસ્ટ રિમેક છે. તમે બંને ફિલ્મોનાં સીન અને સિચ્યુએશન પણ સામસામાં જોડી શકો એ હદે આઇડેન્ટિકલ. માત્ર શરૂઆતનો પોર્શન હૉલિવૂડની મસ્ત રોમકોમ ‘ગ્રીનકાર્ડ’ (1990)માંથી લીધેલો છે (તેના પરથી આપણે ત્યાં માધવન સ્ટારર ‘રામજી લંડનવાલે’ ઓલરેડી બની ચૂકી છે). જ્યારે ક્લાઇમૅક્સમાં ઇમોશનલ ઍન્ગલ ઉમેરવા માટે એક બૅકસ્ટોરી ભભરાવવામાં આવી છે.

– આર્યન (‘પ્યાર કા પંચનામા’ ફૅમ કાર્તિક આર્યન) લંડનની કોઈ સોફ્ટવેર કંપનીમાં જોબ કરે છે, પરંતુ સ્થાયી થવા માટે લંડનનું નાગરિકત્વ મેળવવું છે. આ માટે તે ત્યાં ઓલરેડી રહેતી ટેક્સી ડ્રાઇવર અનાયા (ક્યુટ કૃતિ ખરબંદા) સાથે ‘મેરેજ ઑફ કન્વિનિયન્સ’- સ્વાર્થ ખાતર કરાતાં લગ્ન કરે છે (મતલબ કે કામ પત્યે છૂટાછેડા લઈ લેવાના). પછી એમને ત્યાં દૂરના કોઈ ઓળખીતાં સગાં દંપતી પરેશ રાવલ-તન્વી આઝમીની એન્ટ્રી થાય છે. સ્વાભાવિક રીતે જ આ દેશી દંપતી ત્યાં આખું ઘર માથે લે છે અને દુષ્ટ યવનોના દેશમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ રેલાવવાના પ્રયાસો કરે છે. પરંતુ આ દંપતીનું લંડન આવવા પાછળનું એક સિક્રેટ છે, જે આપણે પોણા ભાગની ફિલ્મ સર્વાઇવ કરી જઇએ તો જાણવા મળે છે.

– આ ફિલ્મની કોમેડીનું લૅવલ કેવું છે તેનો ખ્યાલ એ વાત પરથી જ આવી જાય છે કે તેમાં ફાર્ટ યાને કે પાદ-વાછૂટ પર એક આખેઆખું અને અતિશય લાંબું ગીત છે. તેમાં પરેશભાઈ પાદવાની પ્રક્રિયાને છેક ઇન્ટરનેશનલ લેવલે લઈ ગયા છે. પ્લસ અગાઉની ફિલ્મની જેમ અહીં પણ પરેશ રાવલે સતત લાઉડ ફાર્ટ મારતા રહીને ગ્લોબલ વૉર્મિંગમાં યથાશક્તિ ફાળો આપ્યો છે.

સંજય મિશ્રાને બ્રિટિશ સરકારમાં કામ કરતા પાકિસ્તાની અધિકારીનું પાત્ર આપ્યું છે. આ ફિલ્મમાં તેમનું અસ્તિત્વ માત્ર એટલા પૂરતું જ છે, જેથી પરેશભાઈનું પાત્ર એમના પર વ્હોટ્સેપિયા પાકિસ્તાની જોક્સ મારી શકે (જેમ કે, તમને પાકિસ્તાનીઓને કાયમ ભારતીયો સાથે પ્રોબ્લેમ હોય, તમે અહીં પણ પાડોશીના ઘરમાં છુપાઈને ઘૂસવાની ફિરાકમાં જ રહો છો વગેરે).

આ ફિલ્મ હાડોહાડ રેસિસ્ટ (રંગભેદી) અને સેક્સિસ્ટ (સ્ત્રીવિરોધી) છે તેનાં બે એક્ઝામ્પલઃ એક સીનમાં તન્વી આઝમી એક બ્લૅક સ્ત્રીનાં બાળકને મસાજ કરતાં કહે છે, ‘તારી માએ તને મલાઈથી મસાજ કર્યો હોત તો આજે તું ગોરો હોત!’ બીજા એક સીનમાં એક ચાઇનીઝ યુવતીને સંબોધીને પરેશભાઈનું પાત્ર કહે છે, ‘(તું આને હેરાન કર મા) એમાંય આ તો બિચારી ચાઇનાની છે, જલ્દી ખરાબ થઈ જશે!’ રિયલી? જાણે એ યુવતી કોઈ સસ્તો મોબાઇલ હોય!

વચ્ચે વચ્ચે આવતાં રેન્ડમ દૃશ્યોમાં ક્યાંક સ્ત્રીને રસોડામાં રહેવાનું-રાંધવાનું કહેવામાં આવે છે, ક્યાંક એને બળજબરીથી લાંબાં વસ્ત્રો પહેરાવવામાં આવે છે, ક્યાંક ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિ કેવી ખાડે ગયેલી છે તેનું મહિમાગાન કરાય છે. તે સિવાય આપણને હસાવવા માટે મુકાયેલાં દૃશ્યોમાં પણ કોમેડીનું લૅવલ એટલું બાલિશ-ઍમેચ્યોરિશ-જુવેનાઇલ છે કે તેની સામે સાજિદ ખાનની ફિલ્મો પણ ઑસ્કર વિનર લાગવા માંડે!

– અરે હા, આ ફિલ્મમાં પહેલી ફિલ્મના હીરો-આપણા સિંઘમ કુમાર અજય દેવગણનો કેમિયો પણ છે. (ના, આ સ્પોઇલર નથી, બલકે આ આખી ફિલ્મ પોતે જ સ્પોઇલર છે!) ફિલ્મમાં અજય દેવગણને ન્યુ યૉર્કમાં ઊભા રહેવાનું છે. પરંતુ એમની પાસે ટાઇમ નહીં હોય, એટલે એમને સ્ટુડિયોમાં ઊભા રાખી, ડાયલોગ્સ બોલાવી અને પાછળ સ્પેશ્યલ ઇફેક્ટ્સથી ન્યુ યૉર્કનું રંગરોગાન કરી દેવાયું છે. એ સ્પેશ્યલ ઇફેક્ટ્સ પણ ‘બાલવીર’ના લેવલની જ છે.

– આવી ફૂવડ ફિલ્મ સામે ઝાઝી ફરિયાદ નથી, કેમ કે સૌ ધંધા માંડીને બેઠા છે અને સૌને ગમે તેવો માલ પીરસીને પૈસા કમાઈ લેવા છે. પરંતુ પરેશ રાવલ અને તન્વી આઝમી જેવાં કલાકારોને આવા વાહિયાત રોલમાં વેડફાતા જોઇને બશ્શેર લોહી બળી જાય છે. કાર્તિક આર્યન સરસ ક્યુટ લાગે છે, પરંતુ હજી એ ‘પ્યાર કા પંચનામા’ના હૅન્ગઑવરમાંથી બહાર નથી નીકળ્યો. કૃતિ ખરબંદા દેખાવમાં સરસ લાગે છે, એનો ચહેરો પણ એક્સપ્રેસિવ છે, પરંતુ એ જો આવી ફિલ્મો જ કરતી રહેશે તો એના બાયોડૅટામાં સાઉથની મસાલા ફિલ્મો જ ઉમેરાતી રહેશે.

એવું નથી કે રાઇટર-ડિરેક્ટર અશ્વની ધીર ખરાબ સર્જક છે. અગાઉ તેઓ શરદ જોશીની વાર્તાઓ પરથી ‘લાપતાગંજ’ના (શરૂઆતના) સ્માર્ટ હપ્તાઓનું સર્જન કરી ચૂક્યા છે. એમની ‘અતિથિ તુમ કબ જાઓગે’ પ્રમાણમાં ઘણી મનોરંજક હતી. સાઉથની રિમેક એવી ‘સન ઑફ સરદાર’ માત્ર મનોરંજનની દૃષ્ટિએ જોઇએ તો આટલી વાંધાજનક તો નહોતી જ. તો પછી આ ફિલ્મમાં શા માટે એમને પોતાની (અને આપણી પણ) ઍનર્જી વેસ્ટ કરવી પડી? નૅશન વૉન્ટ્સ ટુ નૉ!

‘ગેસ્ટ ઇન લંડન’નો માત્ર એક જ ઉપયોગ થઈ શકે, કોઈની સાથે દુશ્મની કાઢવા. જેના પર ખુન્નસ હોય તેને આ ફિલ્મ બૅક ટુ બૅક બતાવો, એ માણસ તમારા પગે પડી ન જાય તો આપણું નામ નહીં!

રેટિંગઃ (ઝીરો સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

વેલકમ બૅક

પ્લીઝ, ગો બૅક

***

છુટાછવાયાં વનલાઇનર્સને બાદ કરતાં આ ચ્યુઇંગમછાપ ફિલ્મ અઢી કલાકના ભવાડાથી વિશેષ કશું જ નથી.

***

poster_h1આ વર્ષે ‘MSG’, ‘મિસ્ટર એક્સ’ અને ‘કુછ કુછ લોચા હૈ’ જેવી ફિલ્મો આવી ત્યારે થયેલું કે હવે આ વર્ષનો ક્વોટા પૂરો. આનાથી વધારે બાલિશ અને રેઢિયાળ ફિલ્મ થોડી આવવાની? પણ ના. આપણા બૉલીવુડે જાયન્ટ સાઇઝનો હથોડો ઝીંકવા માટે ‘વેલકમ બૅક’ને બચાવી રાખેલી. જો ટીવી-ઇન્ટરનેટ પર બાબા રામરહીમની ‘MSG-2’નાં ટ્રેલર શરૂ ન થઈ ગયાં હોત તો ‘વેલકમ બૅક’ને આ વર્ષની સૌથી હાસ્યાસ્પદ ફિલ્મનો અવૉર્ડ આપી શકાત.

ભવાડાની સિક્વલ

દુબઈમાં રહેતા ડૉ. ઘૂંઘરુ (પરેશ રાવલ)ને એમની બૉયકટ પત્ની (સુપ્રિયા કર્ણિક) અચાનક બ્રૅકિંગ ન્યૂઝ આપે છે કે લગ્ન પહેલાંની ઇતર પ્રવૃત્તિથી એમને એક જુવાન દીકરો છે, જે મુંબઈમાં ડૉન અજ્જુભાઈ (જ્હોન અબ્રાહમ) તરીકે સૅટ છે. બીજી બાજુ ડૉનમાંથી શરીફ થઈ ગયેલા મજનુભાઈ (અનીલ કપૂર) અને ઉદય શેટ્ટી (નાના પાટેકર)ને એમના પપ્પા (સિનિયર નાના પાટેકર) સાઉથ ઇન્ડિયન લૅંગ્વેજમાં શૉક આપે છે કે તારી ત્રીજી મમ્મીથી તને એક જુવાન બહેન રંજના (શ્રુતિ હાસન) છે, જેનાં તારે લગ્ન કરવવાનાં છે.

આ ઉદય અને મજનુ બંને હજી વાંઢા છે. ગઈ ફિલ્મની મલ્લિકાની જેમ આ ફિલ્મમાં ચોટ્ટી મા-દીકરી (ડિમ્પલ કાપડિયા-નવોદિત અંકિતા શ્રીવાસ્તવ) આ બેય ભાઇઓને પ્રેમ કા ગેમમાં ફસાવીને બાટલીમાં ઉતારવાની ફિરાકમાં છે. ત્રીજી બાજુ ખૂનખાર અને સિલેક્ટિવ અંધ ડૉન વૉન્ટેડ ભાઈ (નસીરુદ્દીન શાહ)નો જુવાન દીકરો હની (શાઇની આહુજા) ઘરમાં બેઠો ગાંડા કાઢે છે કે પરણું તો ઓલી શ્રુતિ હાસનને જ પરણું વર્ના આપઘાત કરી લઉં.

ત્રિરંગી ઢોકળા નાખેલી આ ચાઇનીઝ ભેળમાં હજી કેટલાય નમૂનાઓ આવ-જા કરે છે, ગરબડ ગોટાળા થાય છે, ગીતો આવે છે. એક માત્ર પિક્ચર જ પૂરું થવાનું નામ નથી લેતું.

બાલિશોત્સવ

ડિરેક્ટર અનીસ બઝ્મી ફિલ્મોના નામે સુરતી ગોટાળા પિરસવા માટે કુખ્યાત છે. અગાઉ તેઓ ‘નૉ એન્ટ્રી’, ‘વેલકમ’, ‘સિંઘ ઇઝ કિંગ’, ‘નો પ્રોબ્લેમ’, ‘રેડી’, ‘થેન્ક યુ’ જેવી ફિલ્મો બનાવવાની જુર્રત કરી ચૂક્યા છે (જેવાં એમની ફિલ્મોનાં ટાઇટલ હોય છે, એ જોતાં આગળ જતાં તેઓ ‘હૉર્ન ઑકે પ્લીઝ’, ‘ઓકે ટાટા બાય બાય’, ‘બૂરી નઝર વાલે તેરા મૂંહ કાલા’, ‘કીપ સેફ ડિસ્ટન્સ’, ‘હમ દો હમારે દો’ જેવી ફિલ્મો પણ બનાવે તો નવાઈ નહીં).  પરંતુ હવે તેઓ સિક્વલના રવાડે ચડ્યા છે.

‘વેલકમ બૅક’ જેવી ફિલ્મમાં તમને મજા આવશે કે નહીં, તેનો આધાર તમે કઈ અપેક્ષા લઇને ફિલ્મ જોવા જાઓ છો તેના પર છે. જો તમને પાંચ-પચ્ચીસ ચબરાકિયાં સાંભળીને ખીખીયાટા છૂટી જતા હોય, ડબલ મીનિંગ ડાયલોગથી રોમરોમમાં ગલગલિયાં થવા માંડતાં હોય, ઢેકા ઉલાળતી બાઇઓનાં શરીરના વળાંકો જોઇને સીટીઓ મારવાનું મન થઈ જતું હોય, અને બહાર નીકળીને કોઈ પૂછે, તો જવાબમાં ‘આપણને તો બે ઘડી મોજ કરાવીને ફ્રેશ કરી દ્યે એવી ફિલ્મો બવ ગમે’ એવી વાયડાઈ કરવી ગમતી હોય, તો કસમ મજનુભૈયા કી, આ ફિલ્મ તમને હસાવી હસાવીને તમારા ગાભા કાઢી નાખશે.

‘વેલકમ બૅક’ને સિક્વલ તરીકે પ્રમોટ કરાઈ છે, પરંતુ હકીકતમાં તેની પ્રિક્વલ એવી અક્ષય કુમાર સ્ટારર ‘વેલકમ’ની રિમેક જ છે. અહીં એ જ રીતે ઉદય-મજનુ એક લેભાગુ લલનાના ઝાંસામાં આવે છે, એ જ રીતે ભાઈ વર્સસ-ઘૂંઘરુ અને ભાઈ વર્સસ બડે ભાઈની તડાફડી બોલે છે અને એવા જ ઘોંઘાટિયા ગરબડ ગોટાળા સાથે ફિલ્મ (માંડ) પૂરી થાય છે. ફિલ્મના એક સીનમાં એક પાત્ર નાના પાટેકર-અનીલ કપૂર માટે કહે છે, ‘ઓ ગુંડો કે લૉરેલ-હાર્ડી.’ ડિટ્ટો જો તમે એવી જ સિલી, સ્લૅપસ્ટિક ફિલ્મ તરીકે આ ફિલ્મને લો, તો તે તમને છૂટક છૂટક હસાવવામાં સફળ થાય છે ખરી. થેન્ક્સ ટુ, તેના ત્રણ ડિપેન્ડેબલ કલાકારો, નાના પાટેકર, અનીલ કપૂર અને પરેશ રાવલ. આ ત્રણેય કલાકારોનું કોમિક ટાઇમિંગ ગજબનાક છે. ગમે તેવા ફાલતુ સીનમાં પણ તેઓ પોતાની એક્ટિંગથી તમને હસાવી દે. જેમ કે, એક સીનમાં નાના-અનીલ કબ્રસ્તાનમાં ભૂતો સાથે અંતાક્ષરી રમે છે. માત્ર એક્ટિંગના જોરે જ એ સીન કોમેડીની પંગતમાં ગોઠવાયો છે. પરેશભાઇના ચહેરા પર હવે થોડી ઉંમર દેખાય છે, પરંતુ નાના પાટેકર અને અનીલ કપૂરને તો સત્વરે ‘સંતૂર’ સાબુના બ્રૅન્ડ એમ્બેસેડર બનાવી દેવા જોઇએ. એ બંનેને જોઇને એમની ઉમ્ર કા પતા હી નહીં ચલતા.

આ ફિલ્મનું ચોથું સરપ્રાઇઝ એલિમેન્ટ છે, તેનાં ઘણે ઠેકાણે દ્વિઅર્થી અને ક્યાંક સ્માર્ટ એવાં વનલાઇનર્સ. ‘વો ઇતને શરીફ હૈ કિ ઉનકે ઘર કી મખ્ખિયાં ભી દુપટ્ટા ઓઢ કે ઊડતી હૈ’ જેવાં સિલી વનલાઇનર્સથી લઇને ખાડો ખોદતો અનીલ બોલે છે, ‘યે તો દુબઈ હૈ ઇસલિયે ખોદના પડ રહા હૈ, ઇન્ડિયા હોતા તો વહાં ઇતને ખડ્ડે હૈ કિ…’ પહેલી ફિલ્મના ફિરોઝ ખાન પાછા થયા એટલે એમને ઠેકાણે અહીં નસીરુદ્દીન આવ્યા છે. એમણે પોતાની જૂની મૂડી ધોઈ નાખવાનો નિર્ધાર કર્યો હોય તેમ તેઓ એકથી એક વાહિયાત રોલ કરી રહ્યા છે. અહીં તેઓ બ્લાઇન્ડ ડૉન બન્યા છે. એમને બ્લાઇન્ડ માત્ર એટલા માટે જ બનાવાયા છે, જેથી તેઓ ક્લાઇમેક્સમાં એક સ્માર્ટ લાઇન બોલી શકે કે, ‘યહાં કાનૂન ભી હમ હૈ, ઔર અંધે ભી હમ હૈ.’

આ એક અનઅપેક્ષિત ફિલ્મ છે. અહીં ગમે ત્યારે ગમે તે આવતું રહે છે, ‘ધ એન્ડ’ સિવાય. બદ સે બદતર ગીતો, કાગડા, ઊંટ, જથ્થાબંધ હૅલિકોપ્ટર, ટૂંકાં કપડાંવાળી છોકરીઓ, પીકેની મિમિક્રી કંઇ પણ. અને કલાકારો તો જાણે ચુરમાના લાડુ પર ખસખસ ભભરાવ્યું હોય એટલા બધા છે. ખાલી નામ જ વાંચી લોઃ ડિમ્પલ કાપડિયા, રણજિત, રાજપાલ યાદવ, નીરજ વોરા, શાઇની આહૂજા, અદી ઇરાની, સ્નેહલ ડાભી, લૉરેન ગોટ્ટલિબ, સુરવીન ચાવલા, વિજય રાઝનો વોઇસઓવર ઉફ્ફ.

જ્હોન અબ્રાહમ માટે અનીલ કપૂર એક સીનમાં કહે છે, ‘યે સાલા, જિમ મેં પૈદા હુઆ લગતા હૈ.’ ખરેખર, બાવડાં બનાવવાની ફિરાકમાં જ્હોન બિચારો ભૂલી જ ગયો છે કે ઢીકાપાટું ઉલાળવા સિવાય એક્ટિંગમાં બીજું ઘણુંય કરવાનું હોય છે. અને એક સવાલઃ શ્રુતિ હાસન ખરેખર કમલ-સારિકાની જ દીકરી હશે? તો એને ગળથૂથી કોણે પાઈ હશે? મમ્મી પપ્પાની એક્ટિંગની એક ટકોય ટૅલેન્ટ એનામાં ઊતરી નથી.

ઇન્ટરવલ પછી આ ફિલ્મમાં ખરેખર કોઈ નક્કર ટ્રેક જ નથી. પરાણે ફિલ્મને અઢી કલાક ઉપર ખેંચી છે અને પછી અચાનક પૂરી થયેલી જાહેર કરી દેવાઈ છે. ખરેખર તો આ ફિલ્મમાં બફૂનરીનો માસ્ટર એવો અક્ષય કુમાર હોત, ફિલ્મને કાપીકૂપીને બે કલાકમાં સમેટી લેવાઈ હોત, ગીતો કંઇક ઠેકાણાંસરનાં હોત (આવાં તે કંઈ ગીત હોતાં હશેઃ ‘તુ બન્ટી હુઆ, મૈં બબલી હુઈ, ફિર બંદ કમરે મેં ટ્વેન્ટી ટ્વેન્ટી હુઈ’), સસ્તા દ્વિઅર્થી જોક્સનું પ્રમાણ ઓછું હોત, તો આ ‘વેલકમ બૅક’ પ્લેઝર રાઇડ બની શકી હોત. આના મૅકર્સને ખબર છે કે તેઓ બાલિશ ફિલ્મ બનાવે છે, એટલે જ ફિલ્મમાં શક્ય તેટલી હાસ્યાસ્પદ સ્પેશ્યલ ઇફેક્ટ્સ પણ ઠપકારાઈ છે.

નો એન્ટ્રી

આમ તો અનીસ બઝમીની ફિલ્મો થિયેટર સુધી લાંબા થવા જેવી હોતી જ નથી. આ ‘વેલકમ બૅક’નું પણ એવું જ છે. ગિલ્ટી પ્લેઝર તરીકે ટાઇમપાસમાં ટીવી પર આવતી હોય ત્યારે જોવાય. થિયેટરમાં પૈસા ન બગાડાય.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ધરમ સંકટ મેં

ધરમ કરમ

***

‘ઓહ માય ગોડ’ અને ‘પીકે’ની ફીલ આપતી આ સ્માર્ટ ફિલ્મ સેકન્ડ હાફના ધબડકાનો ભોગ બની છે.

***

dharam-sankat-mein_movie-posterકેટલીક બાબતો ઑપન સિક્રેટની કેટેગરીમાં આવતી હોય છે. જાણતા બધા હોય, પણ બોલે કોઈ નહીં. જેમ કે ધર્મ. અંદરખાને સૌ જાણે છે કે વિશ્વના બધા જ ધર્મો અલ્ટિમેટલી તો પ્રેમ, કરુણા, સદભાવ, ભાઈચારો, શાંતિ, અહિંસા જ શીખવે છે, પણ તોય ધર્માંધતાના મહોરા પાછળના દંભને બેનકાબ કરવાની હિંમત કોઈ નહીં કરે. પરંતુ કેટલાક એવા ફિલ્મમેકરો છે, જે આવો સળગતો વિષય હાથમાં લે છે. જેમ કે, ઉમેશ શુક્લાએ ‘ઓહ માય ગોડ’ બનાવીને ધરમનો ધંધો માંડીને બેઠેલાઓનાં છોતરાં કાઢી નાખ્યાં. પછી રાજુ હિરાણી આણિ મંડળીએ ‘પીકે’ બનાવીને બાકીની કસર પૂરી કરી. હવે વારો આવ્યો છે ફવાદ ખાન નામના જુવાનડા ડિરેક્ટરનો. એમણે બનાવી છે ‘ધરમ સંકટ મેં’. ધર્મને લગતી બાબતો પર હળવી મજાકોથી લઇને ધર્માંધતાનાં હિપ્નોટિઝમમાં ફરતા લોકોને ગરમાગરમ ડામ પણ દીધા છે.

એક્ચ્યુઅલી, ‘ધરમ સંકટ મેં’ ૨૦૧૦માં આવેલી બ્રિટિશ કોમેડી ફિલ્મ ‘ઇન્ફિડેલ’ની સત્તાવાર રિમેક છે (મતલબ કે અમે રિમેક બનાવી છે તેવું જાહેર કરીને બનાવાયેલી ફિલ્મ છે. ઊઠાંતરી કરીને પછી ઑરિજિનલ હોવાનો દંભ નથી). ‘ઇન્ફિડેલ’માં મુસ્લિમ અને યહૂદી ધર્મની વાત હતી, જ્યારે અહીં એને એકદમ બિલિવેબલ ભારતીય વાઘાં પહેરાવીને હિન્દુ અને મુસ્લિમનાં બીબાંમાં ઢાળી છે.

જન્મ મહાન કે કર્મ?

ધરમપાલ ત્રિવેદી (પરેશ રાવલ) અમદાવાદનો ખાધેપીધે સુખી કેટરર છે. એનું નામ ભલે ધરમ રહ્યું, પણ ધરમ એને ઠેકાણે અને એ પોતે પોતાની જગ્યાએ સુધી છે. એ ભગવાનને ઝાઝો હેરાન નથી કરતો, પણ મુસ્લિમોની વાત આવે એટલે એની અંદર રહેલો સરેરાશ કોમવાદી આત્મા જાગ્રત થઈ જાય છે. ઉશ્કેરાટમાં આવીને એ પણ ‘બધા મુસ્લિમો ત્રાસવાદી જ હોય છે’ જેવાં નિવેદનો કરી બેસે છે અને એમના પાડોશમાં રહેતા મુસ્લિમ વકીલ મહેમૂદ નઝીમ અલી ખાન (અન્નુ કપૂર)ને પણ એવું કહી બેસે છે કે, ‘જાને, તારા મુસ્લિમ મહોલ્લામાં જઈને રહે ને.’ ભલે ગુજરાતમાં રહેતો હોય, પણ એ ક્યારેક છાંટોપાણી પણ કરે છે અને નોન-વેજ પણ ઝાપટી આવે છે. પણ યુ નૉ, એમના કહેવા પ્રમાણે ‘એ એમની હૉબી છે, એમના સંસ્કાર નથી.’

હવે એક દિવસ એમને ખબર પડે છે કે એનાં મા-બાપે એને એક મુસ્લિમ પરિવાર પાસેથી દત્તક લીધેલો. મીન્સ કે પોતે કર્મે ભલે હિન્દુ હોય, પણ જન્મે તો મુસ્લિમ છે. એમને તીવ્ર ઈચ્છા થાય છે કે એને જન્મ આપનારા સગા પિતાને એક વાર મળીએ. પરંતુ છેલ્લા દિવસો ગણી રહેલા પિતાને મળવા આડે એક મૌલવી (મુરલી શર્મા) વિલન બનીને ઊભો છે. એ કહે છે કે તું ખરેખરો મુસ્લિમ બનીને બતાવે તો મળવા દઉં. એટલે હિન્દુ ધરમપાલ પોતાના મુસ્લિમ પાડોશી નઝીમની મદદ લઇને નમાઝ, વૂઝૂ, કલમા, ઉર્દૂ ઉચ્ચારો, તહઝીબ વગેરે શીખે છે.

બીજી બાજુ પરેશ રાવલનો દીકરો એક ઢોંગી બાબાજી નીલાનંદ (નસીરુદ્દીન શાહ)ના ચક્કરમાં છે. કારણ કે દીકરો જેને પરણવા માગે છે કે છોકરીના પપ્પા આ નીલાનંદના એકદમ રાઇટ હેન્ડ છે. એટલે ધરમપાલ પર પ્રેશર આવે છે કે પપ્પા તમે થાઓ થોડા સત્સંગી. ધરમપાલનું હિન્દુ સંસ્કારોનું ટ્યૂશન શરૂ થાય છે. એ બે વચ્ચે સૅન્ડવિચ થયેલા ધરમપાલની સામે બે સવાલ આવીને ઊભા રહેઃ શું ધરમપાલ પોતાના બાયોલોજિકલ પિતાને મળી શકશે? દીકરાને મનગમતી છોકરી સાથે પરણાવી શકશે?

હાઇ જમ્પ પછી નોઝ ડાઇવ

ટ્વેન્ટી ટ્વેન્ટીની મૅચની જેમ ‘ધરમ સંકટ મેં’ પહેલા જ સીનથી જામી જાય છે, પણ પછી સૅકન્ડ હાફમાં અચાનક તે કારણ વગર ચાલ્યે રાખતી બોરિંગ ટેસ્ટમેચમાં કન્વર્ટ થઈ જાય છે. આપણે પહેલાં તેના પ્લસ પોઇન્ટ્સ જોઈ લઇએ.

નંબર વન- પરેશ રાવલઃ સળંગ ઇન્ટરવલ સુધી પરેશ રાવલ કોઈ માથાભારે બેટ્સમેન જેવી ફટકાબાજી ચાલુ રાખે છે. ધરમપાલ બનેલા પરેશભાઈ અહીં પણ ‘ઓહ માય ગોડ’ના ‘કાનજી લાલજી મહેતા’ જ છે. (આ ફિલ્મની શરૂઆતમાં જ ‘ઓહ માય ગોડ’ની સીડી બતાવીને આપણને ઈશારો કરાય છે કે ભઈ, આપણે આગળ ઉપર શેની અપેક્ષા રાખવાની છે.) પરંતુ પરેશભાઈ અહીંયા એકદમ કૂલ ડેડી બન્યા છે. બાથરૂમમાં ગીતો ગાઇને ડાન્સ કરતા, જુવાન દીકરા સાથે એકદમ દોસ્તારો જેવી કમેન્ટો મારતા અને દીકરાની પ્રેમિકાનેય બિનધાસ્ત સંસ્કારોના નામે જૂનવાણી વેદિયાવેડા ફગાવી દેવાની સલાહ આપી દે છે. ઇવન આયખાની ફિફ્ટી માર્યા પછીયે એમની ઇશ્કમિજાજી ઓછી થઈ નથી. મિસ્ટર ડિપેન્ડેબલ એવા પરેશભાઈ આ ફિલ્મની મજબૂત બેકબોન છે.

નંબર ટુ- પરેશ રાવલ-અન્નુ કપૂરની કેમિસ્ટ્રીઃ કસાયેલા એક્ટર્સ કેવા હોય એનું સેમ્પલ જોવું હોય, તો આ ફિલ્મમાં પરેશ રાવલ અને અન્નુ કપૂરના સાથે જેટલા પણ સીન છે એ જોઈ લેવા. એકદમ ધારદાર લાઇન્સ અને એને ડિલિવર કરતા બે સિઝન્ડ ખેલાડીઓ. ‘(ઝિંદગી કે બદલે) જિંદગી બોલુંગા તો ક્યા છોટી હો જાયેગી?’ જેવા ધારદાર વાક્યોથી ભરચક આ બધા જ સીન ક્યાંય આપણને કંટાળો આવવા દેતા નથી.

નંબર થ્રી- બોલ્ડ ડાયલોગ્સઃ સેન્સર બૉર્ડની (વધુ પડતી) ધારદાર કાતર ફરી હોવા છતાં ઠેકઠેકાણે આવતા હિન્દુ-મુસ્લિમ ધર્મના નામોલ્લેખ, એમની વિવિધ ખાસિયતો પરની કમેન્ટ્સ વગેરે બધું જ આપણા ‘લાગણી દુભાવો સાવધાન’ ટાઇપના સિનારિયોમાં સુખદ આશ્ચર્ય લાગે છે. જો પોઝિટિવ ચશ્માંમાંથી જોઇએ તો આપણને એવો વિચાર પણ આવે છે કે આપણે વિધર્મી વ્યક્તિને શા માટે ધિક્કારીએ છીએ એના વિશે ક્યારેય વિચારીએ છીએ ખરા? એમના ધર્મ, સંસ્કૃતિ, રીત-રિવાજો વિશે ક્યારેય સૂગને બદલે કુતૂહલથી નજર નાખી છે ખરી? સીધી વાત છે, કોઈ વ્યક્તિ આપણાથી જુદી હોવામાત્રથી એ આપણી દુશ્મન નથી બની જતી.

ઇન્ટરવલ આવતાં સુધીમાં તો આપણને થાય કે આ તો આ વર્ષની સૌથી પાવરફુલ ફિલ્મ બની રહેશે. ત્યાં જ ઇન્ટરવલ પછીની ફિલ્મ શરૂ થાય અને આખી ફિલ્મ પત્તાંના મહેલની જેમ ધસી પડે. એક તો કહેવા માટે કશું જ નવું નહીં. ઉપરથી નસીરુદ્દીન શાહની આપણા માથા પર હથોડાની જેમ ટિપાય એવી એક્ટિંગ. ખબર નહીં, એ કઈ રીતે આવા રોલ સ્વીકારતા હશે? પછી જાણે ફિલ્મ પૂરી કરવી હોય એ રીતે ફિલ્મમાંથી લોજિકને ગળેટૂંપો દઈ દેવાય છે. ફિલ્મમાં ચપટીક ગીતો નાખ્યાં છે, પણ એ એટલાં હોરિબલ છે કે અલતાફ રાજા પર પણ માન થઈ આવે. હા, અમદાવાદીઓને પોતાના શહેરનાં વિવિધ લૅન્ડમાર્ક્સ જોઇને ‘આને કહેવાય વિકાસ’ ટાઇપની ફીલિંગ થઈ આવશે.

જાણો, માણો અને પામો

આ પ્રકારની ફિલ્મો માત્ર આપણી ધર્માંધતા પર કટાક્ષ કરવા માટે જ નહીં, બલકે આપણે જરા મોકળા મનના, થોડા ઉદાર બનીને બહાર આવીએ એ માટે પણ હોય છે. જો તમને ‘ઓહ માય ગોડ’ અને ‘પીકે’માં મજા પડી હોય, તો કમ્પ્લિટ ફેમિલી એન્ટરટેનર એવી આ ફિલ્મ પણ તમને આનંદ કરાવશે જ. આ ફિલ્મ થિયેટરમાં જોઇએ કે ચેનલ પર આવે તેની રાહ જોઇએ, પણ થોડા ઉદાર મનના બનીએ અને બાવા-સાધુ કરતાં માણસમાં ઈશ્વરને શોધતા થઇએ તે વધારે મહત્ત્વનું છે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

રાજા નટવરલાલ

નો ઉલ્લુ બનાવિંગ!

***

આ ફિલ્મ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના પરફોર્મન્સ જેવી છે. ચપટીક સારી અને સૂંડલો ભરીને કંગાળ.

***

raja-natwarlalપરફેક્ટ ‘કોન મુવી’ (છેતરપિંડી પરની ફિલ્મ) એક મેજિક ટ્રિક જેવી હોય છે. આખી ફિલ્મમાં આપણી સામે એવો તામઝામ ઊભો કરે કે આપણે એકધ્યાને બધું જોતા રહીએ. આખરે જ્યારે બાજી ખુલ્લી પડે ત્યારે એક ચમત્કાર જોયાની થ્રિલિંગ ફીલિંગ અને મજા પડ્યાનો સંતોષ બંને એકસાથે અનુભવાય. પરંતુ અફસોસ ‘જન્નત’ ફેઇમ કુણાલ દેશમુખની ઈમરાન હાશ્મી, પરેશ રાવલ અને કે. કે. મેનન સ્ટારર ‘રાજા નટવરલાલ’માં આવી કોઈ ફીલિંગ થતી નથી. હા, ભાદરવા મહિનાના છૂટાછવાયાં ઝાપટાંની જેમ અમુક સીન્સમાં મજા પડે છે, પરંતુ ઓવરઓલ તો છેતરાઈ ગયાની જ લાગણી થાય છે.

ચોર કે ઘર ચોરી

રાજા (ઈમરાન હાશ્મી) એક સડકછાપ ટ્રિકબાજ છે, જે ગંજીફાનો જુગાર રમાડીને લોકોને ઉલ્લુ બનાવે છે. રાજા પોતાના મુંહબોલા બડે ભૈયા રાઘવ (દિપક તિજોરી)ની સાથે મળીને નાનામોટા હાથ મારતો ફરે છે. પરંતુ એકવાર તેઓ ગાડીઓની અદલબદલ કરીને ખાસ્સી મોટી એટલે કે એંસી લાખ રૂપિયાની ચોરી કરે છે. પાછળથી ખબર પડે છે કે એ રૂપિયા તો દક્ષિણ આફ્રિકાના મોટા ગુંડા વર્ધા યાદવ (કે. કે. મેનન)ના છે. ક્રિકેટનો શોખીન કે. કે. મેનન પોતાના માણસોને મોકલીને પોતાના પૈસા તો પાછા ઓકાવે છે, ઉપરથી દિપક તિજોરીને પણ ક્લીન બોલ્ડ કરી નાખે છે.

આનો બદલો લેવા માટે રાજા બીજા એક મોટા કોનમેન યોગી (પરેશ રાવલ)ને છેક ધર્મશાલા જઈને પકડે છે અને કે. કે. મેનનને છેતરીને લૂંટવાનો પ્લાન બનાવે છે. પ્લાન એવો કે આઈપીએલમાં હોય છે એવી એક કાલ્પનિક ટીમ ‘અમદાવાદ એવેન્જર્સ’ ઊભી કરવાની અને તેને સો કરોડમાં વેચી મારવાની.

પ્લાન કે મુતાબિક બધું જ આગળ વધે છે, ત્યાં લોચો વાગે છે. એક તો ઈમરાન હાશ્મીની માશૂકા ઝિયા (પાકિસ્તાની એક્ટ્રેસ હુમૈમા મલિક)- જે મુંબઈમાં બાર ડાન્સર છે-તેનું નાક દબાવીને પોલીસ ઈમરાન હાશ્મી સુધી પહોંચવાના પ્રયાસમાં લાગી જાય છે. એમાંના બે લંપટ પોલીસવાળાઓને એ સો કરોડ રૂપિયામાં રસ છે. બીજી બાજુ કૂતરા જેવું સતેજ નાક ધરાવતા વર્ધા એટલે કે કે. કે. મેનનને પણ શંકા પડે છે એટલે તે ઈમરાન હાશ્મીની પાછળ શાર્પ શૂટર લગાડી દે છે. હવે જોવાનું એ છે કે આખરે કોણ કોની ગેમ કરે છે.

બોરિંગ ટેસ્ટ મેચ જેવી ઢીલી

‘રાજા નટવરલાલ’ અગાઉ આવેલી દિબાકર બેનર્જીની ફિલ્મ ‘ખોસલા કા ઘોંસલા’ની જેમ રિવેન્જ કોનની કેટેગરીમાં આવે છે. આવી ફિલ્મોની થીમ એ હોય છે કે ચોરને એની જ ટ્રિક્સનો ઉપયોગ કરીને બદલો લેવો. પરંતુ તેના માટે આપણા હૃદયના ધબકારા વધી જાય અને આંગળીના નખ ચાવી નાખીએ એવી ગ્રિપિંગ સ્ટોરી અને સતત જકડી રાખે એવું તેનું એક્ઝિક્યુશન જોઈએ. જ્યારે આ નટવરલાલમાં તો ફિલ્મ શરૂ થયાના અડધા કલાકમાં જ આપણા માથે એક પછી એક ત્રણ ગીતો પછડાય છે. હા, શરૂઆતના સીનમાં ઈમરાન હાશ્મી લોકોને કઈ રીતે છેતરે છે એ જોવાની મજા પડે, પણ જેવી મજા આવવાની શરૂઆત થાય કે ગીત ટપકી પડે. ડિરેક્ટરથી કદાચ આપણી મજા જોવાતી નહીં હોય, એટલે આખી ફિલ્મમાં દર થોડી વારે કાં તો ગીત ટપકી પડે અથવા તો હિરોઇન હુમૈમા આવીને કકળાટ શરૂ કરે કે આપણે લગ્ન ક્યારે કરીશું!

એક્ચ્યુઅલી છેતરપિંડીની વાર્તા ચોરના દૃષ્ટિકોણથી વિચારવી અને લખવી પડે, જેથી આખી સ્ટોરીમાં ક્યાંય છીંડાં ન રહી જાય. અહીં તો આખી પાંચ દિવસની ટેસ્ટમેચ નીકળી જાય એટલાં મોટાં છીંડાં છે. જેમ કે, એક તરફ એવું બતાવ્યું છે કે કે. કે. મેનન ક્રિકેટની મેમોરેબલ ચીજો (સ્ટાર ખેલાડીઓનાં બેટ, બૉલ, હેલમેટ વગેરે) હરાજીમાંથી ઊંચા દામે ખરીદવાનો શોખીન છે. એમાં એનું નોલેજ એટલું પાવરફુલ છે કે કોઈ એને ઉલ્લુ ન બનાવી શકે. તો પછી ભારતીય ક્રિકેટ બોર્ડના નકલી અધિકારી બનીને કોઈ તેને કઈ રીતે ઉલ્લુ બનાવી શકે? વળી, આખેઆખી ક્રિકેટટીમની હરાજી જ નકલી હોય અને માફિયા પ્રકારના ડોનને તેની ગંધ સુધ્ધાં ન આવે તે ગળે ઊતરતું નથી. ઈવન ઈમરાન આણિ મંડળી તો ગૂગલને પણ ઉલ્લુ બનાવી દે છે! ઈમરાન હાશ્મી મુંબઈ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એ રીતે કૂદાકૂદ કરે છે જાણે બુલેટ ટ્રેનનો પાસ કઢાવ્યો હોય!

વળી, ગીત, ગોકીરો અને ગરબડોની વચ્ચે સ્ટોરી જે રીતે રગશિયા ગાડાની જેમ આગળ વધે છે તેમાં ગૂંચવાડો ઊભો થાય છે કે એક્ઝેક્ટ્લી આ લોકો કરવા શું ધારે છે. ઈવન છેલ્લે જ્યારે આખી બાજી છત્તી કરવામાં આવે ત્યારે પણ આપણા માટે ઘણા પ્રશ્નો વણઉકલ્યા જ રહી જાય છે. (એક સવાલ એ પણ થાય કે હમણાંથી ઘણી ફિલ્મોમાં ગુજરાતીઓને જ કૌભાંડી, ભ્રષ્ટાચારી, સેટિંગબાજ કેમ બતાવવામાં આવે છે?)

પાર્ટનર્સ ઈન ક્રાઇમ

આ ફિલ્મમાં બધાં જ પાત્રો ચોટ્ટાં છે. પરંતુ એક ઈમરાન હાશ્મીને બાદ કરતાં એક પણ કલાકાર એના રોલમાં કમ્ફર્ટેબલ બોય એવું જણાતું નથી. ઈમરાન હાશ્મીનું તો જાણે સમજ્યા કે એને ગ્રે શેડ ધરાવતા રોલ કરવાની ફાવટ આવી ગઈ છે, પરંતુ પરેશ રાવલ શાતિર દિમાગ ધરાવતા ચોરને બદલે કોઈ બીમાર આધેડ જેવા વધારે લાગે છે. આમ તો એ ફિલ્મમાં ઈમરાનના ગુરુ બને છે પરંતુ હરામ જો સમ ખાવા પૂરતી એક પણ નવી ટ્રિક શીખવતા હોય તો! જાણે લાંબો સમય કોમામાં રહ્યા પછી જાગ્યો હોય એવા દેખાતા દિપક તિજોરીને સ્ક્રીન પર જોવો ગમે છે, પણ થોડી વારમાં જ બિચારાની ગેમ ઓવર થઈ જાય છે.

ધરખમ એક્ટર કે. કે. મેનનને સિત્તેરના દાયકાના કોઈ દમામદાર સ્મગલર જેવો લુક અપાયો છે, પણ અડધા પિક્ચરે જાણે એના દિમાગની બત્તી ગુલ થઈ જાય છે. એટલે એના પાત્રનો ખોફ જ જાણે જતો રહે છે. પાકિસ્તાની એક્ટ્રેસ હુમૈમા મલિક અગાઉ ‘બોલ’ નામની ફિલ્મમાં દેખાયેલી, જેમાં એનો અભિનય ખાસ્સો વખણાયેલો. પણ અહીં એણે એની ત્વચાના અને શરીરના વળાંકોનાં પ્રદર્શન સિવાય અને ફિલ્મની ગતિમાં પંક્ચર પાડવા સિવાય કશું કામ કર્યું નથી. વળી, ફિલ્મમાં સારી સપોર્ટિંગ સ્ટારકાસ્ટ પણ ખૂટે છે. દિમાગની ગલીમાં કેમેય કરીને ફિટ ન થાય એવી સ્ટોરી જોઈને સહેજે પણ માન્યામાં ન આવે કે આ ફિલ્મની સ્ટોરી ‘ક્વીન’ના રાઈટર પરવીઝ શેખે લખેલી છે. એમણે ફિલ્મમાં થોડા વનલાઇનર્સ ભભરાવવાનો પ્રયાસ કર્યો છે, પણ એ ચોમાસામાં હવાઈ ગયેલા ચવાણા જેવા વાસી લાગે છે.

એવું જ ગીતોનું છે. એકમાત્ર ‘કભી રુહાની કભી રુમાની’ને બાદ કરતાં એક પણ ગીતમાં કશો ભલીવાર નથી. વધારે આઘાતની વાત તો એ છે કે આટલાં કંગાળ ગીતો દિગ્ગજ સંગીતકાર ઈલૈયારાજાના સૌથી નાના દીકરા યુવાન શંકર રાજાએ કમ્પોઝ કર્યાં છે!

છેતરપિંડીનું પરિણામ

ટૂંકમાં આ ફિલ્મમાં એવું કશું ફાટી પડતું નથી કે આપણે રૂપિયા ખર્ચીને ટૉકિઝે હડી કાઢીએ. ઈમરાન હાશ્મીના ફેન્સ કદાચ થનગનતાં મલ્ટિપ્લેક્સ સુધી લાંબા થશે, પરંતુ એમને દુઃખ થાય એવી એક વાત એ છે કે ફિલ્મમાં કાન લાલ કરી દે તેવો એકેય ગરમાગરમ બેડરૂમ સીન નથી! ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ જેવી પાંચ-પંદર ટકા સારી અને બાકી મોટા ભાગે કંગાળ એવી આ ફિલ્મની ડીવીડી રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવામાં જ ભલાઈ છે. ત્યાં સુધી આપણે ગણપતિ બાપ્પાને વધાવીએ અને આશા રાખીએ કે આપણા પૈસા અને સમયનું પૂરેપૂરું વળતર આપે એવી દમદાર ફિલ્મો આપણને જોવા મળે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.