પુરાની જિન્સ ઔર ગિટાર

***

આ ફેઇથફુલ મ્યુઝિકલ સિક્વલ સાથે આઠ વર્ષ જૂનું બૅન્ડ તો રિયુનાઇટ થયું છે, પણ તેમાં અગાઉના જેવો ‘મૅજિક’ નથી.

***

masterદક્ષિણ કોરિયાની ‘ધ હૅપી લાઇફ’ પરથી પોસ્ટર સહિત ઇન્સ્પાયર થઇને અભિષેક કપૂરે આઠ વર્ષ પહેલાં ‘રૉક ઑન’ બનાવેલી. ઑફ બીટ સ્ટોરી અને સ્ટારકાસ્ટ, રિયલ બૅન્ડની ફીલ, ખરેખરી મ્યુઝિકલ મુવી અને પેડેસ્ટ્રિયન શબ્દોવાળાં ગીતો સહિતનું બધું જ લોકો સાથે એવું કનેક્ટ થયું કે ‘રૉક ઑન’ રાતોરાત સ્લીપર હિટ થઈ ગઈ. હવે ‘રૉક ઑન-2’ સ્વરૂપે તેની એકદમ ફેઇથફુલ સિક્વલ આવી છે, જેમાં નોસ્ટેલ્જિક ફીલ તો છે પણ ઑરિજિનલ ફિલ્મ જેવો જાદુ ક્યાંક મિસિંગ છે.

આઠ સાલ બાદ

આજે આઠ વર્ષ પછી રોબ (લ્યુક કૅની) તો જાણે સ્વર્ગવાસી થઈ ગયો છે, એટલે ‘મૅજિક’ બૅન્ડના લીડ સિંગર આદિત્ય શ્રોફ (ફરહાન અખ્તર)એ પોતાના દીકરાને એની જ યાદમાં ‘રોબ’ નામ આપ્યું છે. પરંતુ આદિત્ય કોઈ પસ્તાવાની આગમાં સળગી રહ્યો છે, એટલે જ મેઘાલયના કોઈ ગામડામાં રહીને ખેડૂતોની મદદ કરી રહ્યો છે. એક સમયે કારમી નાણાંભીડ અનુભવતો જોસેફ મસ્કરન્હાસ ઉર્ફ ‘જો’ (અર્જુન રામપાલ) હવે સફળ ક્લબનો માલિક છે અને રિયાલિટી શૉઝનો જજ છે. કેદાર ઝવેરી ઉર્ફ ‘કે.ડી.’ ઉર્ફ ‘કિલર ડ્રમર’ (પુરબ કોહલી) પોતાના સ્ટુડિયોમાં બીજા લોકો માટે મ્યુઝિક બનાવી આપે છે. બૅન્ડ ઝાંખું પડ્યું છે, પણ દોસ્તી હજી એવી જ અકબંધ છે. અચાનક આ લોકોની લાઇફમાં એક સરોદવાદક પંડિત વિભૂતિ શર્મા (કુમુદ મિશ્રા)ની દીકરી જિયા (શ્રદ્ધા કપૂર)ની એન્ટ્રી થાય છે. પીડા અને મ્યુઝિકનું પૅશન એની રગોમાં પણ વહે છે. આ તમામ લોકોની પર્સનલ, પ્રોફેશનલ અને સોશ્યલ લાઇફમાં બહુ બધા પડકારો આવીને ઊભા રહે છે જેનો જવાબ એક જ છે, મ્યુઝિક.

રિશ્તા વહી, ફીલ નહીં

‘રૉક ઑન-2’ જોવી તે આપણા કોઈ જૂના દોસ્તારને મળવા જેવી ફીલ આપે છે. કોઈ જૂના ફ્રેન્ડને વર્ષો પછી મળીએ ત્યારે આપણી અપેક્ષા અગાઉના જેવી જ ઉષ્માભરી ફીલ મેળવવાની હોય, પણ એ ઉષ્મા પર સમયની રાખ બાઝી જાય છે. ‘રૉક ઑન-2’નાં પાત્રો એ જ છે, પણ હવે એ બદલાઈ ગયાં છે. અગાઉ તેઓ પોતાના ટ્રુ કૉલિંગ એવા મ્યુઝિકને ભૂલીને બીજી લાઇફ જીવવા મજબૂર હતા. હવે એમની લાઇફમાં એવી કોઈ સ્ટ્રગલ નથી, છતાં એમનામાં મ્યુઝિક પ્રત્યેની ખરેખરી છટપટાહટ, એવું ઝનૂન દેખાતું નથી. મ્યુઝિક હવે એમની લાઇફમાં ક્યાંય પાછળ ધકેલાઈ ગયું છે. આપણને આવું ફીલ થાય છે તેનું કારણ છે આ ફિલ્મની આડા ફાટેલા રૉકેટની જેમ આમ તેમ ફંટાયા કરતી અને અવાસ્તવિક લાગે તેવી સ્ટોરી. પોતાનું પૅશન એક્સ્પ્લોર કર્યા પછી મુંબઈની પૉશ લાઇફ, પરિવાર છોડીને હીરો મેઘાલયના કોઈ ગામડામાં ખેડૂતોનો મસીહા બનીને રહેતો હોય અને એમના માટે ગમે તેવાં જોખમો ઉઠાવતો ફરતો હોય એ જરાય ગળે ઊતરે તેવું નથી. ફિલ્મની મૂળ વાર્તા અને શ્રદ્ધા કપૂરના ટ્રેક વચ્ચે ગુંદરપટ્ટીથી પરાણે મારેલો સાંધો દેખાઈ આવે છે. મૅજિક બૅન્ડના દોસ્તો, એમની પર્સનલ લાઇફ, હીરોની હીરોગીરી, શ્રદ્ધા કપૂરની સ્ટોરી આ બધું લશ્કર એટલા બધા મોરચે લડે છે કે તેને જોડવા માટે પણ સતત પૂરબ કોહલીના વોઇસ ઑવરની જરૂર પડે છે.

મ્યુઝિક એ ‘રૉક ઑન’નો આત્મા છે. પહેલા ભાગમાં જાવેદ અખ્તરે લખેલાં શંકર-એહસાન-લોયે કમ્પોઝ કરેલાં ગીતો આજે પણ એટલાં જ ફ્રેશ લાગે છે. લેકિન અફસોસ આ મ્યુઝિશ્યન ટ્રાયો આ પાર્ટમાં એવો જાદુ ક્રિએટ નથી કરી શક્યા. ઑરિજિનલ ટાઇટલ સોંગ ઉપરાંત ‘મંઝર નયા’ જેવું એકાદું સોંગ જ અપીલિંગ છે. ઇવન એક ગીત ‘ચલો ચલો’માં ઉષા ઉથુપ પણ (એમના ટ્રેડમાર્ક જાયન્ટ ચાંદલા વિના) સ્ક્રીન પર દેખાય છે. પરંતુ ઑવરઑલ ફિલ્મનું મ્યુઝિક અત્યંત નબળું છે, જે આ ૨ કલાક ૨૦ મિનિટની ફિલ્મને જબ્બર લાંબી બનાવી દે છે.

છતાં ‘રૉક ઑન-2’માં આપણને અપીલ કરી જાય એવી ઘણી બધી મોમેન્ટ્સ છે. જેમ કે, એક તો મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મોમાં ઈસ્ટ ઇન્ડિયા સંપૂર્ણપણે અવગણવામાં આવે છે. જ્યારે આ ફિલ્મની સ્ટોરીનો મોટો હિસ્સો મેઘાલયમાં જ શૂટ થયો છે અને ત્યાંના જ લોકોની વાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં શિલોંગ, ચેરાપુંજીનાં દૃશ્યો જોઇને આવતા વેકેશનમાં ત્યાં જવા માટે પડાપડી થાય તો નવાઈ નહીં. એ જ રીતે શાસ્ત્રીય સંગીતના સમારંભો પૂરતું મર્યાદિત રહી જતું સરોદ જેવું વાદ્ય પણ અહીં એકદમ કૂલ સ્વરૂપે પેશ થયું છે.

રૉક ઑનના પહેલા પાર્ટમાં પોતાની અંદરના અવાજને સાંભળવાની વાત હતી. અહીં પણ એ વાત તો છે જ. એટલે જ એક ઠેકાણે કહેવાયું છે કે માર્કેટમાં જે વેચાય તે જ અંદરનો અવાજ બની જાય એવું ન હોવું જોઇએ. એ ઉપરાંત અહીં ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં જીવવાની, પોતાનાથી અલગને સ્વીકારવાની, બીજાને માફ કરવાની વાતો પણ છે. આપણે આપણી આસપાસ સલામતીનો એવો અદૃશ્ય પરપોટો રચીને જીવીએ છીએ કે એ સિવાયના વિશ્વમાં શું થાય છે તેની આપણને કશી જ પરવા નથી હોતી. જરા ઝીણી આંખ કરીને ફિલ્મ જોઇએ તો એવું પણ દેખાય કે ખરેખરો રૉકસ્ટાર એ નથી જે ડ્રગ્સનો નશો કરીને સ્ટૅજ પર આવે, લોકોને મિડલ ફિંગર બતાવે, સ્ટેજ પરથી પેશાબ કરે, આખી રાત દારૂ પીને પાર્ટી કરવાનાં અને છોકરીઓ પટાવવાનાં વાહિયાત ગીતો ગાય. બલકે એનાં ગીતો સાંભળીને લોકોને પોતાના આત્માનો અવાજ સંભળાવા લાગે, બીજા માટે કંઇક કરી છૂટવાની અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની લાગણી ફૂંફાડા મારીને બેઠી થઈ જાય, જે મ્યુઝિક સાંભળીને ઉત્સાહનાં ઇન્જેક્શન લાગે એવો જાદુ એના સંગીતમાં, એના અવાજમાં હોવો જોઇએ. પરંતુ આમાંનું લગભગ કશું જ ઑડિયન્સ સુધી પહોંચતું નથી. મેઘાલયના લોકોની ટ્રેજેડી પણ આપણને સ્પર્શતી નથી. તેમાં પૂરેપૂરો વાંક ફિલ્મના નબળા રાઇટિંગનો કાઢી શકાય. ઇવન સ્ટોરી સતત ભૂતકાળ અને વર્તમાન વચ્ચે શટલકૉક થયા કરે છે, એને લીધે પણ પાત્રોની લાગણીઓનાં સંપેતરાં આપણા સુધી પહોંચતાં નથી. ખરેખર તો મૅજિક ગ્રૂપ ઇસ્ટના કોઈ રાજ્યમાંથી નવું ટેલેન્ટ શોધીને દુનિયાની સામે લાવે એવી કોઇક સ્ટોરી રાખી હોત તો આખી વાર્તા મ્યુઝિકને વધુ વફાદાર રહેત.

અગાઉની જેમ જ આ સિક્વલનું કાસ્ટિંગ પણ એકદમ પર્ફેક્ટ છે. ફરહાન, અર્જુન, પૂરબ કોહલી ત્રણેય એકસરખા ચાર્મિંગ અને ઇફેક્ટિવ લાગે છે. એમની દોસ્તી, એમની વચ્ચે થતી બોલાચાલી બધું જ એકદમ રિયલ લાગે છે. ઇવન ફરહાન અખ્તરે લખેલા ડાયલોગ્સ પણ એટલા જ સ્માર્ટ છે. એમાં ફરહાને ‘મિસ્ટર ઇન્ડિયા’ની ‘જબ ભૂખ લગતી હૈ તો કૈસા લગતા હૈ’ની લાઇન લખીને પપ્પા જાવેદ અખ્તરને પણ અંજલિ આપી છે. ક્યુટ પૂરબ કોહલી સતત આ મિત્રોના ઇનર વોઇસ તરીકે વર્તીને એમને સાચી વાત કહેતો રહે છે. ફિલ્મની બેસ્ટ નવી એન્ટ્રી શ્રદ્ધા કપૂર છે. એ છોકરી મસ્ત ડાન્સરની સાથોસાથ જબરદસ્ત એક્ટર છે, જેની સાબિતી એના ક્યુટ ચહેરા પર સતત બદલાતા અને અફલાતૂન રીતે રિફ્લેક્ટ થતા હાવભાવ પરથી મળી જાય છે. બસ, એની પાસે પરાણે ગીતો ગવડાવવાની જિદ્દ નહોતી કરવા જેવી. સરોદ વાદક પંડિત વિભૂતિ શર્મા તરીકે એવર ડિપેન્ડેબલ કુમુદ મિશ્રા પણ પર્ફેક્ટ છે. બસ, શાલ ઓઢીને ફરતા સદમાગ્રસ્ત સંગીતકાર પિતા તરીકે એ સતત ‘હમ દિલ દે ચૂકે સનમ’ના વિક્રમ ગોખલેની યાદ અપાવ્યા કરે છે. એમ તો ફિલ્મમાં ‘તિતલી’ ફેઇમ શશાંક અરોરા પણ છે, પણ એ બિચારાના ભાગે સરોદ લઇને ફરવા સિવાય ખાસ કશું આવ્યું નથી.

નિરાશાનો સૂર

‘રૉક ઑન-2’નો પ્રોબ્લેમ એ છે કે તેની સરખામણી તેની જ દમદાર પ્રિક્વલ સાથે થાય છે અને ત્યાં જ તે માર ખાઈ જાય છે. બાકી, ઘરની અંદર ફરહાન સ્ટવ સળગાવવાની કોશિશ કરતો હોય અને બહાર આખું જંગલ-ગામ ભડકે બળતું હોય તેવી ઘણી સિનેમેટિક મોમેન્ટ્સ આ ફિલ્મમાં વેરાયેલી છે. નોસ્ટેલ્જિયા માટે આ ફિલ્મને એકવાર જોઈ શકાય, પરંતુ એક સ્વતંત્ર ફિલ્મ તરીકે આ ફિલ્મ ખાસ્સી નિરાશ કરે છે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a comment