હું ઓફિસમાં હતો

સવારથી સાંજ, દસથી સાત,

આખો દી’, ને મનમાં આખી રાત,

હું ઓફિસમાં હતો
સોમથી શનિ જવાબદારીઓ ઉપાડી,

હસવાની તારીખ રવિવાર પર પાડી,

સાતેય દિવસ,

હું ઓફિસમાં હતો
મમ્મીના ચહેરાની કરચલી, 

પપ્પાના વાળની સફેદી,

દેખાય ક્યાંથી?

હું ઓફિસમાં હતો
દીકરીએ માંડ્યું ડગલું, ને દીકરો ‘પાપા’ બોલ્યો,

એનો તો બસ વીડિયો જ જોયો,

હું ઓફિસમાં હતો
‘મની પ્લાન્ટ’ના ચક્કરમાં,

ઋતુઓનો છેડો છૂટ્યો;

જ્યાં બારેમાસ શિયાળો હતો,

હું ઓફિસમાં હતો
ન હસ્યો, ન રડ્યો, 

ન ખુદનેય મળ્યો,

પ્રેમ પણ સાલ્લો વોટ્સએપથી કર્યો,

હું ઓફિસમાં હતો
નોકરીની ઉમરકેદમાં પેરોલ પર જ છૂટ્યો,

સાવ અધકચરું ઉપરછલ્લું જીવ્યો,

દર વખતે અક્કલમઠ્ઠો, 

ઓફિસમાં હતો!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

બસ ને મહેતા સાહેબ, આવી કિટ્ટા કરી દેવાની?

‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના સર્જક તારક મહેતાને શ્રદ્ધાંજલિ

***

 • 01-1488357223-tarakmehta2ઇન્ટ્રોવર્ટ બાળકોનું એક લક્ષણ હોય, એમને સાચુકલા મિત્રો ઓછા ને કાલ્પનિક મિત્રો વધારે હોય. મારુંય એવું જ હતું. પણ મારે કાલ્પનિક મિત્રો બનાવવા માટે કલ્પના કરવાની જરૂર નહોતી. કેમકે મારા માટે તારકભાઈએ કલ્પના કરીને આખેઆખી સૃષ્ટિ ખડી કરી દીધેલી. એ જ મારાં મિત્રો અને એ જ મારું યુનિવર્સ. માંડીને વાત કરું.
 • નાનપણમાં વેકેશનમાં નાના-નાનીના ઘરે (ઊના) જતાં ત્યારે અમુક દિવસ અમારો મુકામ ત્યાં જ રહેતાં અમારાં માસીને ત્યાં હોય. માસીની દીકરી-અમારી બડી કઝિન સિસ્ટર બહારગામ રહીને કોલેજનો અભ્યાસ કરે. એટલે એ પણ એ જ અરસામાં ત્યાં આવી હોય. માસીને ત્યાં દાયકાઓથી ‘ચિત્રલેખા’ આવે. તેના અંકોના થપ્પેથપ્પા એમની દીકરી વેકેશનમાં આવે ત્યારે વાંચી શકે એટલા માટે સાચવીને રાખેલા હોય. ઉનાળાની બપોરે કેરીનો રસ ઝાપટ્યા પછી હું ઝોકાં ખાતો બેઠો હોઉં, ત્યારે એ સિસ્ટર ચિત્રલેખા લઇને વાંચતી હોય. આટલે સુધી તો બરાબર, પણ વાંચતાં વાંચતાં એને હસવું આવે. એકદમ ખડખડાટ હાસ્ય. ક્યારેક તો એવી હસવે ચડી જાય કે મેગેઝિન બાજુ પર મૂકીને પેટ પકડીને હસ્યા જ કરે. હસતાં હસતાં આંખોમાંથી પાણી નીકળી આવે. મને આ જોઇને બહુ કૌતુક થાય. એવું તે વળી એમાં શું છે કે આને આટલું બધું હસવું આવે છે?! પણ એટલા ઝીણા અક્ષરોમાં લખેલું વાંચીને સમજવા જેટલી ઉંમર નહોતી. માસીના ઘરે મહેમાનો આવે તો વાતોમાંય કંઇક આવું આવે, ‘હવે ટપુડામાં પહેલાં જેવી મજા નથી આવતી…’ જવાબમાં મારી કઝિન સિસ્ટર કહે, ‘ના હોં, હજીયે એટલી જ મજા આવે છે…’
 • અમુક વેકેશનો પછી અમારી એ કઝિનની જગ્યાએ હું હતો. પછી તો ક્રમ થઈ ગયેલો. વેકેશનમાં માસીને ત્યાં રહેવાનું, સવારથી ખાંખાખોળાં કરીને વન બાય વન ચિત્રલેખા કાઢવાનાં અને ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ વાંચવા માંડવાનું. ત્યારથી લઇને આજ સુધી તારકભાઇએ સર્જેલાં એ પાત્રો સાથે એવી આત્મીયતા બંધાઈ કે આજની તારીખે પણ હું એ માની શકતો નથી કે જેઠાલાલ-ટપુડો, બેમાથાળો બોસ, રંજનદેવી, માળો વગેરે પાત્રો અસલી નહીં, બલકે કાલ્પનિક છે! વર્ષો પહેલાં એમની કોલમનો (દુનિયાને ઊંધાં ચશ્માં પહેરાવેલો) લોગો, લેખ સાથેનાં કાર્ટૂનિસ્ટ નારદનાં અને ત્યારબાદ દેવ ગઢવીનાં કાર્ટૂન અને ચાર-પાંચ પાનાંમાં પથરાયેલો એમનો નિતાંત સુંદર લેખ. એ વખતે તો એવું જ થતું કે બસ, આખી જિંદગી આ લેખો વાંચતાં વાંચતાં જ પસાર થઈ જાય તો કેવી મજા પડે!
 • હું અને મારો ભાઈ બંને વાંચવાના શોખીન છીએ એવી મમ્મી-પપ્પાને ખબર પડી એટલે અમારા ઘરે પણ ચિત્રલેખા-અભિયાન-સફારી આણિ મૅગેઝિનો આવતાં થયાં (પપ્પા તો આજની તારીખે પણ ચિત્રલેખામાં પહેલો લેખ એ જ વાંચી નાખે!). તારકભાઈનાં એ પાત્રો મારામાં અને હું એ પાત્રોની સાથે મોટો થતો ગયો. એમના ઘણા લેખો કટિંગ કરીને સાચવવાનું શરૂ કર્યું. લાઇબ્રેરીમાંથી પણ મળ્યાં તેટલાં પુસ્તકો લાવીને વાંચી નાખ્યાં. એમની સુપર્બ ડૅરિંગ આત્મકથા ‘એક્શન રિપ્લે, ભાગ 1-2’ તો બબ્બે વાર વાંચી નાખેલી. તેમાં એમણે બતાવેલી નિખાલસતા, હિંમત તો આજે ડાયનોસોરની જેમ તદ્દન લુપ્ત થઈ ગઈ છે. એક આત્મકથા કેવી હોય, તારક મહેતાના જીવનના અનેક રસપ્રદ કિસ્સા, એમનાં પાત્રોની સર્જનયાત્રા બધું એમની સ્ટાઇલમાં કહેતી એ આત્મકથા કોઇપણ પુસ્તકરસિયા માટે એકદમ મસ્ટ રીડ છે.
 • પોતાની જાતનું ‘ફિક્શનલાઇઝ્ડ વર્ઝન’ એવો શબ્દપ્રયોગ તો ‘ધ બિગ બૅન્ગ થિયરી’ જેવી સિટકોમ જોતા થયા ત્યારથી સાંભળવામાં આવ્યો. તારકભાઈએ દાયકાઓ અગાઉ તે સર્જી નાખેલું. પોતે, એમના ભૂતકાળના અનુભવો, સાંપ્રત રાજકારણ-ફિલ્મ-સમાજ વિશેનાં એમનાં અવલોકનો બધું અસલી હોય, પરંતુ મુંબઈનો એમનો માળો, માળાના રહેવાસીઓ, એમની ઑફિસ, મહેમાનો બધું કલ્પનાના રંગે રંગાયેલું હોય. જો એમના લેખો વાંચવાના અનુભવી ન હો, તો ક્યાં વાસ્તવિકતા પૂરી થાય અને ક્યાં એમની કલ્પનાસૃષ્ટિ શરૂ થાય એ કહી જ ન શકો. જ્યોતીન્દ્ર દવેને તેઓ પોતાના ગુરુ માને એટલે સેલ્ફ ડેપ્રિકેટિંગ હ્યુમર એમનામાં આપમેળે આવે (હવે તો સેલ્ફીના અને બેશરમ સેલ્ફ માર્કેટિંગના જમાનામાં સેલ્ફ ડેપ્રિકેટિંગ હ્યુમરનો પણ કાંકરો નીકળી ગયો છે). પોતાને રાજકારણમાં ટપ્પી પડતી નથી એવું કહે અને છતાં બેએક પેરેગ્રાફમાં એવું પૉલિટિકલ ઍનાલિસિસ કરી દે કે અત્યારના બની બેઠેલા પૉલિટિકલ ઍનાલિસ્ટોને તો પાણીની બાલદી પકડાવી દેવાનું મન થાય. તેઓ ફિલ્મ જોઇને તેને પોતના લેખમાં વણી લે, એ ઑબ્ઝર્વેશન કોઈ આલાગ્રૅન્ડ રિવ્યૂ કરતાં કમ ન હોય. છતાં ક્યાંય કશું હાસ્યના ભોગે નહીં.
 • તેઓ પોતાનાં પાત્રોને લઇને વૈષ્ણોદેવી, કુંભમેળો, ગોવા, કેરળ, આફ્રિકા, અમેરિકા, મિડલ ઇસ્ટની યાત્રાએ જાય, અને મને અંદરથી મજા પડી જાય. કોઈ પાત્ર સાથે ન હોય, તો મીઠી ખીજ ચડે કે લઈ લો ને, તમારે ક્યાં એની ટિકિટ ખરીદવાની છે? ટપુ ટોળકી સાથેની એ યાત્રાશ્રેણીઓ કોઇપણ ટ્રાવેલોગને ટક્કર આપે એવી બની છે, જેમાં જે તે સ્થળની માહિતી અને ઊંધાં ચશ્માં બ્રાન્ડ મનોરંજન બંનેનું H2O જેવું કોમ્બિનેશન હોય. એમાંય કોઈ નજીકની ટુરમાં ‘પાઉડર ગલી’ વિસ્તારના ખાઉધરા ‘એસ.ઈ.એમ. ચંદુલાલ’ સાથે હોય, કાઠિયાવાડી શૈલીમાં ‘ભાયું-બેનડિયું’ બોલતાં એ ખાવા-પીવાની ગાંસડીઓ બસમાં મુકાવે ત્યારે જે કૉઝી ફીલ આવે એનું શબ્દોમાં ટ્રાન્સલેશન શક્ય જ નથી.
 • એમનાં લખાણ અમારાં લોહીમાં એવાં ભળી ગયાં છે કે લોહી ટેસ્ટ કરાવીએ તો ‘ઊંધાં ચશ્માં’નાં સૅમ્પલ મળી આવે! પીધેલા જેઠાનું ‘મહેતુસ, યુ આર લાઇક બ્રધર યાર!’, ‘બેમાથાળા બૉસે (હોકલીમાંથી) ગુડ ગુડ ગુડ એવો અવાજ કર્યો’, ‘ચેતન બૅટરીએ ગજવામાંથી બૅટરીને બદલે ચાકુ કાઢ્યું અને જયેશ નામના યુવાનને મારી નાખ્યો. ચેતન બૅટરી તત્કાળ ચેતન ચાકુ થઈ ગયો’, ‘મહેતાસાહેબ, તમે યાર બહુ જુદાઈ રાખો છો, યાર’, ‘શરીરના ચોક્કસ ભાગમાં’, ‘પાછળના માંસલ ભાગમાં’, ‘ભળતું જ’, ‘કઢંગી હાલતમાં’, ‘સત્તાવાહી અવાજ’, ‘ભૈશાબ’… વગેરે ઢગલાબંધ શબ્દપ્રયોગો હું ને ભાવિન આજેય બોલચાલમાં વાપરીએ છીએ. તારકભાઈનાં ‘શ્રીમતીજી’ની જેમ જ મારાં ‘શ્રીમતીજી’ની સામે હું કોઈ બાબતે મોટેથી ‘હાય! હાય!’ બોલું ને એ સખ્ખત અકળાય!
 • સ્ટૅન લીનાં પાત્રો પરથી એક આખું ‘માર્વેલ યુનિવર્સ’ રચાયું છે, એ જ રીતે ‘ઊંધાં ચશ્માં’ એ તારક મહેતાનાં પાત્રોનું યુનિવર્સ છે (જેમાં ઓબ્વિયસલી ખુદ તારક મહેતા તેના કેન્દ્રમાં રહેલા બ્રાઇટેસ્ટ તારક એટલે કે સ્ટાર હોય!). તમે એમનું કોઇપણ પાત્ર પકડો એટલે એની બૅક સ્ટોરી હોય અને એની એક પોતીકી પર્સનાલિટી હોય. ફોર એક્ઝામ્પલ, બેમાથાળા બૉસ બાબુલાલ ઝવેરી. એ તુંડમિજાજી, બિઝનેસમાઇન્ડેડ, તરંગી હોય, છતાં પત્ની મંજરીદેવીથી દબાયેલા હોય. મંજરીદેવી હાઈસોસાયટીનાં શેઠાણી હોય. એમનો દીકરો યોગેશ સૅલી નામની ખ્રિસ્તી યુવતીને પરણ્યો હોય, જેનું નામ બદલીને સ્મિતા કરાયું હોય. ઇવન ઑફિસના મહાખેપાની પારેખને પણ એક ઘરજમાઈ માથે પડ્યો હોય, જે ફાસ્ટફૂડનો બિઝનેસ કરતો હોય અને એને લીધે જ પારેખને સજોડે રસોડામાં સૂઈ રહેવું પડતું હોય. ‘માર્વેલ’ એટસેટરાથી વિપરિત તારકભાઈની મજા એ કે કોઇપણ પાત્રની બૅક સ્ટોરી જાણવા માટે વિકિપીડિયા ફંફોસવું ન પડે. તમે ગમે તે આર્ટિકલથી વાંચવાનું શરૂ કરો કે કોઈ પાત્રની ઍન્ટ્રી થાય કે તારકભાઈએ તેની બૅક સ્ટોરી ઉમેરી જ દીધી હોય. જેમ કે, મલબાર હિલવાળાં શાંતિમાસા કઈ રીતે એમને પોતાની આત્મકથા લખવાનું પ્રેશર કરતા હોય અને એટલે જ ખૂબ પ્રેમભાવ છતાં એમને ત્યાં જવાનો કંટાળો આવતો હોય, જેઠાલાલ સાખપાડોસી હોય, તંબક તાવડો શા માટે પંચિયું પહેરીને ચાલીમાં સૂઈ રહે છે, વાંકો વિભાકર કોણ છે, શ્રીમતીજીને સૌ શા માટે ‘ચીકુબહેન’ કહે છે, તારક મહેતાને શા માટે પોતાના જ માળામાં જમાઈ તરીકે રહેતા હોય તેવું લાગે છે, વચલીને ‘વચલી’ શા માટે કહે છે, બેમાથાળા બૉસનાં સાસુ સુલોચનાબેન એટલે કે સુલુમાશી અને ચંપકલાલને કઈ રીતે મનમેળ થયો… મૂળ નાટકના જીવ એટલે એમનાં બધાં પાત્રોમાં, એમની સાઇકોલોજીમાં અને એના વર્ણનમાં એમણે એટલી બારીક કોતરણી કરી હોય કે તે પાત્ર થ્રી ડાઇમેન્શનમાં આપણી સામે ઊભું થઈ જાય (પાત્રોનાં વર્ણનોનું તો એક કમ્પાઇલેશન થઈ શકે!). લાંબું પૉલિટિકલ ઍનાલિસિસ તેઓ ‘બેસ્ટ’ની બસમાં એમના સહપ્રવાસી એવા પારસી સદગૃહસ્થ પાસે અથવા તો પાનના ગલ્લે ‘પત્રકાર પોપટલાલ પરિષદ’માં છત્રીધારી પોપટલાલ પાસે કરાવે (જે વ્હિસ્કીની અસર તળે હળવે હળવે ઝૂલતા હોય). ફિલ્મ જોતી વખતે ચંપકલાલના બખાળા સાંભળો તો અત્યારના તોતિંગ પૈસા વસૂલીને શૉ કરતા સ્ટેન્ડઅપ કોમેડિયનો પાની કમ ચાય લાગે.
 • કોઇપણ ઉંમરની વ્યક્તિ એમની આ લેખસિરીઝ વાંચે તો એટલો જ જલસો પડે. છતાં ક્યાંય કશું બાલિશ નહીં. ભલભલાને મરચાં લાગી જાય એવાં સટાયર હોવા છતાં ક્યારેય બિલો ધ બૅલ્ટ વાત નહીં. છાકો પાડવા માટે ફ્લૅશી ભાષા નહીં કે શબ્દોનાં જોડકણાંની જગ્લરી નહીં. એક જોકને ખેંચીને લેખમાં ખપાવવાની ખોરી દાનત તો દૂર દૂર સુધી નહીં. આપણે ત્યાં તો લોકો નવલકથાઓની નવલકથાઓ ઘસડી મારે છે, પણ બધાં પાત્રો એક જ ભાષા બોલતાં હોય. જ્યારે અહીં હિમ્મલલાલ માસ્તર, બેમાથાળા બૉસ, ચંપકલાલ, ટપુડો, સીંધી ચંદીરામાની, જસબીર કે એની પારસણ પત્ની નરગિસ તો ઠીક, એકાદ હપ્તા પૂરતાં ડોકાતાં પાત્રોની પણ બોલવાની આગવી સ્ટાઇલ હોય. કોઈ નોનસ્ટોપ બોલે, કોઈનો ‘કારણ શું?’ જેવો તકિયાકલામ હોય, બાલકૃષ્ણ બારોટ ઉર્ફ ‘બાબા’ને પગ ઘસડીને ચાલવાની ટેવ હોય, ભાર્ગવ પંડિત કેવી રીતે શ્રીમતીજીને એમના હાથની દાળઢોકળીનો મસ્કો મારતો હોય… એશિયન પેઇન્ટ્સનું શૅડ કાર્ડ પણ નાનું પડે એટલી બધી વેરાયટી એમનાં પાત્રોમાં હોય. આવી ટનબંધ વાતો કરી કરીને મેં વર્ષોથી બહુ બધાને બોર કર્યા છે (પૂછો મારાં શ્રીમતીજીને!).
 • ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના લેખની સાથે શરૂઆતમાં નારદ અને ત્યારપછી દેવ ગઢવીનાં કાર્ટૂન્સ છપાતાં. એ કાર્ટૂન્સમાં પણ આ બંને દિગ્ગજ કાર્ટૂનિસ્ટોએ તારકભાઈની પાત્રસૃષ્ટિને કેવી આત્મસાત્ કરી છે તે એમનાં જબરદસ્ત ડિટેલિંગવાળાં (ડૅવિડ લો, લક્ષ્મણની યાદ અપાવે તેવાં) કાર્ટૂન્સ જુઓ એટલે સમજાઈ જાય. આપણાં મનમાં પાત્રોનો દેખાવ ઘડવામાં આ બંને કાર્ટૂનિસ્ટનો ફાળો જેવોતેવો નથી.
 • અફ કોર્સ, તારકભાઈએ ‘ઊંધાં ચશ્માં’ સિવાયનું પણ પુષ્કળ લખ્યું છે (એ પણ મેં છોડ્યું નથી, જેમ કે એમના ‘ખુલ્લા ખાનગી પત્રો’, ‘દોઢ ડાહ્યાની ડાયરી’, ‘સચ બોલે કુત્તા કાટે’, ‘બાવાનો બગીચો’), પરંતુ મારે મન તો ‘ઊંધાં ચશ્માં’ દૂસરો ન કોય! નેવુંના દાયકામાં તો એવી સ્થિતિ હતી કે એક અઠવાડિયું એમનો લેખ ન વાંચ્યો હોય, તો ચેન ન પડે. એમાંય ‘ચિત્રલેખા’ના દિવાળી અંકને તો હું ધિક્કારતો. કેમ કે, એક તો વચ્ચે એકાદ અંક બંધ હોય અને દિવાળી અંકમાં ઊંધાં ચશ્માંને બદલે સ્વતંત્ર હાસ્યલેખ હોય. એટલે જ એમના માળામાં ભાગ્યે જ ક્યારેય દિવાળી આવી છે! સાયન્સ સ્ટ્રીમમાં ઘૂસી ગયા પછી અવારનવાર ટપકી પડતા સ્ટ્રેસને ભગાડવા માટે એમના આ લેખોનાં કટિંગ્સ જ મારી એન્ટિ ડિપ્રેશન્ટ દવાઓ હતાં. જ્યારે મૂડની બૅટરી ડાઉન થાય કે થપ્પામાંથી રેન્ડમલી ગમે તે લેખ કાઢીને વાંચી નાખું, એટલે બૅટરી 100% ચાર્જ્ડ!
 • જર્નલિઝમમાં આવ્યો, હું પોતે લખતો થયો, હાસ્યનું પણ લખ્યું, ત્યારે સમજાયું કે એક તો લખવું અઘરું છે. સારું લખવું ક્યાંય અઘરું છે. એમાંય એક સ્તર જાળવી રાખીને લોકોને હસાવવા એ તો જાણે હાથીને ગલગલિયાં કરવાં! લોકો વાંચીને હસે એવું લખવા માટે આપણે આપણા વાળ ખેંચી નાખીએ એટલો સ્ટ્રેસ થઈ આવે. ત્યારે તારકભાઈએ ચચ્ચાર દાયકા સુધી એકધારું લખ્યું. એ પણ આવી વિરાટ મલ્ટિ લૅયર્ડ અમર પાત્રસૃષ્ટિ સર્જીને. એ પણ જ્યોતીન્દ્ર દવેના લેખ વાંચતા હોઇએ કે હૃષિકેશ મુખર્જી-બાસુ ચૅટર્જીની ફિલ્મો જોતા હોઇએ એવું હળવુંફુલ નિર્ડંખ હાસ્ય પીરસતા લેખો. છતાંય ક્યાંય કશું રિપીટેશન નહીં. ઘણા જૂના વાચકોને ફરિયાદ હોય કે હવે પહેલાં જેવી મજા નથી આવતી. જ્યારે ખુદ તારકભાઈએ જ એની ચોખવટ કરતા હોય કે, ‘એવી ફરિયાદની સામે અનેક વાચકો હોય જે કહેતા હોય કે બહુ મજા આવે છે, ચાલુ રાખો!’ 2001માં તારકભાઈના મિત્ર લેખક-તંત્રી બહેરામ કોન્ટ્રાક્ટર ઉર્ફ ‘બિઝી બી’ ગુજરી ગયા ત્યારે તારકભાઈએ એમની ઑબિચ્યુઅરી લખેલી. એ પછી જ મને એમના વિશે ખબર પડેલી. ડિસેમ્બર, 2015માં એમના જન્મદિવસે મેં એમની એક વર્ષો જૂની વાર્તા નામે ‘ટિફિન’ અને 2013ની મુવી ‘લંચબૉક્સ’ વચ્ચે ગજબનાક સામ્યની વાત કરતી એક પૉસ્ટ મૂકેલી (એ આર્ટિકલ બ્લોગ પર પણ છે).
 • મારી પાસે તારકભાઈ સાથેનો એક પણ ફોટોગ્રાફ નથી, કે એમના ઑટોગ્રાફ સુદ્ધાં નથી. પણ મારી પાસે મેં સાચવી રાખેલા એમના લેખો છે. ઍન્ટિ ડિપ્રેશન્ટ ગોળીઓ તરીકે એ લેખોની અસરકારકતા આજે પણ જરાય ઓછી થઈ નથી. આજે પણ એમાંનો કોઈ લેખ કાઢું છું ને ફરી પાછાં એ પાત્રો મને આંગળી પકડીને પોતાની વર્ચ્યુઅલ રિયાલિટીમાં લઈ જાય છે. ત્યાં આજે પણ ટપુડો પોતાની ટોળકી સાથે તોફાન કરે છે, વચલીને હેરાન કરે છે, માસ્તર સાહેબનું બીપી લૉ થાય છે, જેઠાલાલ રંજન પર લટ્ટુ છે, ચંપુ એમની સુલુ પાસે સીધા ચાલે છે, રસિક (ગાળ, ગાળ, મહાગાળ) બોલે ત્યારે પોપટલાલ એને છત્રીનો ગોદો મારે છે, જસબીર દારૂ પીને તોફાન કરે છે જેનાથી રિસાઈને નરગિસ પિયર જતી રહે છે (સામે જસબીર આત્મહત્યાનું ત્રાગું કરીને એને મનાવી લાવે છે), પારેખ-વાંકો વિભાકર બૉસને હેરાન કરે છે, શાંતિમાસાનો ગોળમટોળ રૂપેશ ગબડી પડે છે, મટકાકિંગ મોહનલાલની આણ યથાવત્ છે, હિંમતલાલનું ‘મિસ્ટર મહેતા આ બરાબર નથી થતું’વાળી માસ્તરગીરી પણ યથાવત્ છે, શ્રીમતીજી પિયર જાય ત્યારે વચલી તારક કાકાની ચા બનાવી જાય છે અને ખુદ તારક મહેતા રવિવારે નિરાંતે ઊઠે છે, બખોલ જેવડા બૅડરૂમમાં આડા પડીને સૅકન્ડ હેન્ડ ક્રાઇમ થ્રિલર કથાઓ વાંચે છે… આ યુનિવર્સમાંથી હું તો ક્યારેય બહાર નથી આવવાનો, ખાસ કરીને એવી દુનિયામાં કે જ્યાં એ જ તારકભાઈ ન હોય…

  અલવિદા, તારકભાઈ.

P.S. તારક મહેતાની એક વર્ષો જૂની વાર્તા અને ઈ.સ. ૨૦૧૩માં આવેલી ‘ધ લંચબોક્સ’ મુવી વચ્ચેની ગજબ સામ્યતા વિશે તારકભાઈના જન્મદિવસે લખેલી પોસ્ટની લિંકઃ
https://jayeshadhyaru.wordpress.com/2015/12/26/tarak-mehta-the-lunchbox/

 

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

The Note Ban Saga

2000-rs-new-note‘બસ, હવે બહુ થયું.’ હાઉસિંગ બૉર્ડના મકાનની છતમાંથી પોપડા ખરી પડે એવા સ્લૅબભેદી અવાજે અમે ગર્જના કરી.

છેલ્લા એક અઠવાડિયાથી દરેક વાતમાં જેમને કાવતરાની ગંધ આવે છે એવા મૂઢમતિ પત્રકારોનું રિપોર્ટિંગ જોઈ જોઇને અમારો દેશપ્રેમ દો ગઝ ઝમીન કે નીચે જતો રહેલો. પરંતુ થેન્ક્સ ટુ ફેસબુક-વ્હોટ્સએપ, કે જેને પ્રતાપે મને જાણ થઈ કે આ રાષ્ટ્રની ભોમકા હજી દેશભક્તવિહોણી થઈ નથી. સોશ્યલ મીડિયામાં એમણે અપલોડ કરેલા લેખો-સ્ટેટસો વાંચીને અમારા લોહીમાં કામચલાઉ ઊભરો આવી ગયો અને સૅન્ડ માફિયાના ગેરકાયદે ઉત્ખનનથી જેમ રેતીની સાથે દટાયેલા મૃતદેહો બહાર આવે એમ અમારો દેશપ્રેમ પણ બહાર આવી ગયો. ફરી પાછું બે પોપડાનું બલિદાન આપીને અમે ત્રાડ પાડી કે, ‘ન જોઇએ, ઘરમાં 500-1000ની એક પણ નૉટ ન જોઇએ. નાણું તો ઠીક, દાળમાં પણ કંઈ કાળું ન જોઇએ.’

ત્યાં જ બાલ્કનીમાંથી વાઇફીએ સૂકવવા માટેનો ભીનો ટુવાલ ઝાટકીને સામો અર્નબપોકાર કર્યો, ‘બ્લૅકમની જેટલી તોmaxresdefault તારી આવક જ ક્યે દિ’ હતી? હવે અત્યારે જા અને બૅન્કમાંથી છુટ્ટા લઈ આવ, નહીંતર સાંજથી કાળું તો ઠીક, દાળ ખાવાના પણ વાંધા પડી જશે.’ બસ, અમારું દેશાભિમાન જાગ્રત કરવા માટે આટલું મહેણું પૂરતું હતું. પૂરેપૂરો ચાર્જ કરેલો મોબાઇલ, એમાં નાખેલું ‘જિઓ’નું કાર્ડ, બૅન્કની ચૅકબુક ઇત્યાદિ સરંજામ ચૅક કર્યો અને અમે દેશને ખાતર ફના થવા એટલે કે થોડી કૅશ લેવા નીકળી પડ્યા. મનોમન ગાંધીજી જેવો નિર્ધાર પણ કર્યો કે ‘કાગડા કૂતરાના મોતે મરીશ, પણ આજે તો કૅશ લીધા વિના પાછો નહીં ફરું.’ પત્નીએ વ્હોટ્સએપથી ‘વિજયી ભવઃ’ની શુભેચ્છા પણ પાઠવી.

***

વ્હોટ્સએપ-ફેસબુકની બહારની દુનિયામાં ક્યારેક ફરવા નીકળી પડવાની મજા જ કંઈ ઓર હોય છે! એય ને, સતત પેટ્રોલના ભાવ જેવા અપ-ડાઉનનો આહલાદક અનુભવ કરાવતા રસ્તા પરના રમણિય ખાડા, ફેફસાંને તરબતર કરી દે તેવી વાહનોની ધુમ્રસેરો, આધુનિકતા અને પરંપરાના ઐક્યનો અનુભવ કરાવતા બાજુબાજુમાં સહઅસ્તિત્વ માણતા વાઈફાઈના ટાવર અને હિલોળા લેતા ઉકરડા… બસ, આવા જ ચિંતનાત્મક વિચારો કરતાં અમે બૅન્કની કતાર સુધી પહોંચી ગયા. રાધર કહો કે કતાર અમને આલિંગન આપવા માટે સામેથી આવી રહી હતી. જાણે કહેતી હોય કે ચારેકોર દેશસેવાના યજ્ઞો ચાલી રહ્યા છે, બસ, લાઇનમાં ઊભો અને આહુતિ આપવા માંડો.

ઇશ્વર માટે કહેવાય છે કે એ બધે જ છે, ફક્ત એને જોવાની દૃષ્ટિ હોવી જોઇએ. હવે સમજાયું છે કે દેશભક્તિનું પણ એવું જ છે. ફેસબુક પર આગઝરતાં સ્ટેટસો મૂકવાં, અન્ય દેશભક્તોનાં સ્ટેટસો શૅર કરવાં, કોઈ અલગ અભિપ્રાય વ્યક્ત કરે તો તેને ‘રાષ્ટ્રાસ્ત્ર’થી હણી નાખવો, 2000ની નવી નોટ સાથે સેલ્ફી મૂકવા, સવાલો ન પૂછવા, ફરિયાદો ન કરવી, બધું જ ચૂપચાપ સ્વીકારી લેવું એ તમામ બાબતો દેશભક્તિનાં જ અલગ અલગ પાસાં છે. અગાઉ બસના પાસ કઢાવવા, રેલવેની-મલ્ટિપ્લેક્સની ટિકિટ લેવા, મંદિરમાં દર્શન કરવા, છાપાની કુપનોના બદલામાં પ્લાસ્ટિકનું ડબલું લેવા, મફતિયા સુવિધાઓ આપતાં SIM કાર્ડ લેવાની લાઇનોમાં ઊભા રહેવાનો લાહવો લેતા લોકોને ક્યારેય આવી ‘કિક’નો અનુભવ નથી થયો. હસતા મોઢે કલાકો સુધી લાઇનમાં ઊભા રહીએ એવું દેશભક્તિનું યુઝર ફ્રેન્ડ્લી વર્ઝન બીજું કયું હોઈ શકે?

India Living in Lineઍની વે, વિવિધ ઠેકાણેથી નીકળતી નદીઓ જેવી લાઇનોના સરરિયલ પેઇન્ટિંગ ટાઇપના સિનારિયોમાં અમે અમારી બૅન્કની કતાર શોધીને અને તેનો છેડો શોધીને તેમાં ઊભા રહી ગયા. જ્યાં એક જ લાઇનમાં આગળ એક દા’ડિયો મજૂર ઊભો હોય અને પાછળ મોંઘી કારનો માલિક ઊભો હોય, એનાથી વધુ કેવી સમાનતાની તમે અપેક્ષા રાખો છો, બૉસ?! આદિકાળથી ધનવાનોને ધિક્કારતા આવેલા આપણા દેશમાં અત્યારે ગરીબ હોવાનું પણ ગૌરવ ગણાઈ રહ્યું છે, જેમાં લોકો આંખોમાં ગૌરવનું આંજણ આંજીને કહી રહ્યા છે કે, ‘બકા, છેલ્લા દસ રૂપિયા પડ્યા છે ખિસ્સામાં!’ નિર્ધનતાનો પણ વૈભવ હોય છે તે આ બૅન્કની લાઇનમાં ઊભા પછી સમજાયું.

જેમ દરેક કિસ્સામાં બને છે તેમ અત્યારે પણ દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. જેણે તાજમહલ જોયો છે અને જેમણે નથી જોયો, જે દેશભક્ત છે (અથવા તો જે માત્ર ભક્ત છે) અને જે દેશદ્રોહી છે, જે દેશપ્રેમી છે અને જે આપટાર્ડ-લિબટાર્ડ-પ્રેસ્ટિટ્યુટ છે, જેની પાસે જૂની 500-1000ની નૉટ છે અને જેની પાસે નથી, જેની પાસે બ્લૅકમની છે અને જેની પાસે નથી, જેણે 2000ની નવી નૉટ સાથે સેલ્ફી અપલોડ કર્યા છે અને જેણે નથી કર્યા, જે કતારમાં ઊભા છે અથવા તો જે નથી ઊભા… લોકોને ઓળખવા માટેનો આનાથી સહેલો લિટમસ ટેસ્ટ બીજો કયો હોઈ શકે?!

લાઇનમાં ઊભાં ઊભાં આવા પચરંગી વિચારો કરવા માટે અમારી પાસે પૂરતો સમય હતો. બાજુમાં સમાંતરે ચાલી રહેલી સિનિયર સિટિઝનની લાઇનમાં અચાનક બે વૃદ્ધો એકબીજાને જોઇને ગદગદિત થઈ ગયા અને ભેટી પડ્યા, ‘અરે, જયવદન ભાઈ તમે? અમેરિકાથી ક્યારે આવ્યા?’ ‘બસ, જો હજી કાલે રાતે જ આવ્યો અને આવીને જૅટલેગ ઉતાર્યા વિના સીધો આ લાઇનમાં લાગી ગયો છું!’ એ જોઇને મને વિચાર આવ્યો કે આ લાઇનો તો મસ્ત ફિલ્મોની સ્ટોરીઓની ખાણ છે. જેમ કે, છોકરો-છોકરી પહેલીવાર બૅન્કની લાઇનમાં મળે, લાઇન આગળ વધે તેમ એમની વચ્ચે દોસ્તી થાય, પ્રેમ થાય અને બૅન્કના દરવાજા પાસે પહોંચતાં સુધીમાં તો છોકરો ઘૂંટણિયે પડીને છોકરીને પ્રપોઝ કરી દે! આ રીતે ‘જબ વી મૅટ’ની સિક્વલ બની શકે, જેમાં ‘ગીત’નો ડાયલોગ હોય, ‘મુઝે ના, બચપન સે હી લાઇન મેં ખડા રહેને કા બડા શૌક થા, બાય ગૉડ!’

આપણા મનમોહન દેસાઈ જીવતા હોત તો પોતાની ‘લૉસ્ટ એન્ડ ફાઉન્ડ’ ફોર્મ્યૂલા પર નવી ફિલ્મ બનાવી શક્યા હોત,sonam-gupta-bewafa-hai જેમાં પાસપાસે ચાલી રહેલી બે બૅન્કોની લાઇનમાં કુંભ કે મેલે મેં બિછડે હુએ દો ભાઈ મળી જાય. વર્ષો પહેલાં એમના બાપાએ બંનેને એકસરખી બે નૉટ આપી રાખી હોય, જેના પર લખેલું હોય, ‘સોનમ ગુપ્તા બેવફા હૈ!’

ઇવન સૂરજ બરજાત્યા પણ પોતાની ‘પ્રેમ રતન ધન પાયો’નું એ જ નામનું નવું વર્ઝન લાવી શકે, જેમાં લાઇનમાં ઊભો રહેલો એક સલમાન આગળની કોઈ બ્લૅક શર્ટ પહેરેલી વ્યક્તિ સાથે મારામારી કરી બેસે. એટલે દેશભક્ત નંબર-1 એવા અનુપમ ખેર સલમાનના જ ડુપ્લિકેટ ડ્રાઇવર એવા પ્રેમ દિલવાલાને ઑરિજિનલ સલમાનની જગ્યાએ પ્લાન્ટ કરી દે. છેલ્લે નિર્દોષ છૂટીને અને 500-1000ની જૂની નૉટો બદલાવીને પાછો આવેલો સલમાન ડાયલોગ ફટકારી દે, ‘મૈં વાપસ આ ગયા!’ અને બૅકગ્રાઉન્ડમાં સોંગ ચાલુ થઈ જાય, ‘પ્રેમ રતન ધન લાયો… લાયો!’

આ બધું જોઇને આપણા ગુજરાતી ફિલ્મમૅકરો થોડા પાછા પડે? એ લોકો પણ આમાંથી નવી ફિલ્મોની પ્રેરણા લઈ શકે. જેમ કે, લાઇનમાં ઊભી ઊભીને સનસ્ટ્રોકથી બેભાન પડેલા મિત્રના દોસ્તારો પોતાના કોલેજનાં તોફાનો યાદ કર્યાં કરે; અમેરિકા જવાનું સપનું જોતો એક અમદાવાદી જુવાનિયો એક NRG યુવતીને 500-1000ની નૉટો બદલી આપવાની ક્વાયતમાં એના પ્રેમમાં પડી જાય; ૫૦ દિવસ સુધીની મહેતલ હોવા છતાં મકાન માલિકણને બતાવી આપવાની ટણીમાં એક યુવાન અબ્બી કે અબ્બી જૂની નૉટોના બદલામાં 2000ની નવી નૉટ લેવા નીકળે; બે કપાતર દીકરા બાપાના કરન્સી નૉટોના કલેક્શનમાંથી ચોક્કસ નંબરવાળી 500-1000ની નૉટની ગેમ કરી નાખે; પોતાના સ્કિનટૉન સાથે મૅચ થાય એવી 2000ની ગુલાબી નૉટોનું કડકડતું બંડલ લઇને બહાર નીકળેલી વિદેશી યુવતીનું પર્સ ચોરાઈ જાય અને કંડક્ટર જેવું પાકિટ લઇને ફરતો એક યુવાન તે પર્સ શોધી આપવા માટે અમદાવાદ ઊલેચી નાખે, જેમાં ખબર પડે કે તે પર્સચોરીમાં દેવદિવાળીએ પણ ગઈ દિવાળીની ફટાકડાની બંદૂકડી લઇને ફરતો એક VRS લીધેલો અને અત્યારે પાર્ટટાઇમમાં એક હેરકટિંગ સલૂનની દુકાનમાં ફોટોશૉપનું કરતો ડૉન સક્રિય છે…

હજી આમાં ‘રિયલ’ ગુજરાતી ફિલ્મો થોડી બાકાત રહી જાય? ગામમાં પોસ્ટરિયાં લાગે ત્યારે ખબર પડે કે ‘છુટ્ટા કરાવે મારો સાયબો’, ‘કૅશિયરિયા તારી રાધા રોકાણી બૅન્કમાં’, ‘કૅશ રે જોયા દાદા ચૅક રે જોયા’, ‘છુટ્ટા કરાવીને આવું છું’, ‘કોણ હલાવે 500ની ને કોણ હલાવે 2000ની’, ‘ગગો કેદા’ડાનો કૅશ બદલું બદલું કરતો’તો’ વગેરે જેવી ફિલ્મો ઑલરેડી ઍનાઉન્સ થઈ ગઈ છે. યુગો યુગો પહેલાં નૉટો બદલવા ગયેલા પોતાના ‘વીરા’ની રાહ જોતી બહેનની વ્યથા પર ‘બેની હું તો બાર બાર વર્ષે આવ્યો’ અને 500-1000ની જૂની નોટો પ્રત્યે બંધાઈ ગયેલી ભવ ભવની પ્રીતની પીડા બયાન કરતી ‘પારકી થાપણ’ જેવી ફિલ્મો એ જ નામે બનશે. ઇવન પોતાનાં ઘરડાં મા-બાપને બૅન્કની લાઇનોમાં મોકલી દેતા નિષ્ઠુર સંતાનોની હૃદયવિદારક વાત કરતી ફિલ્મ ‘વિસામો’ પણ ડિટ્ટો સેઇમ નામે બનશે (ના, એમાં કોઈ રાજકીય ઍન્ગલ નહીં હોય!). ટૂંકમાં આ કતારો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ 2000ની નૉટ જેવી જ ‘તેજી 2.0’ લાવી શકે તેમ છે, જો કોઇને રસ હોય તો!

ત્યાં જ એક જુવાનિયાને અધિકારીઓએ ટિંગાટોળી કરીને બૅન્કની બહાર કાઢ્યો. કાને પડ્યું, ‘અહીંયા ધડ પર માથું નથી, ને આને પાસબુક પ્રિન્ટ કરાવવી છે!’ અમે ‘હરિ હરિ’ બોલીને ફરી પાછી થૉટ સાઇકલનાં પૅડલ મારવા માંડ્યાં.

દરેક મોટી ઘટના દેશમાં નવા સાહિત્યના સર્જનનું ટ્રિગર દબાવે છે. એ જ ક્રમમાં મહાન સાહિત્યકાર ચેતન ભગત પણ પોતાની નવી નવલકથાઓ લઇને માર્કેટમાં આવી જશે. જેનાં નામો કંઇક આવાં હશે, ‘વન ડૅ ઍટ ધ બૅન્ક’, ‘500 રૂપીઝ (ટુ) સમવન’, ‘Two Notes’, ‘હાફ હાર્ટેડ દેશભક્તિ’ (અમને ખાનગીમાં ખબર પડી છે કે તેમાં બંધ પડેલાં ATMની પાછળ અને બૅન્કોનાં લૉકર રૂમની અંદર CCTV કેમેરા બંધ કરીને હીરો-હિરોઇન દ્વારા કરાતા 2000ની નવી નોટ જેવા ગરમાગરમ દૃશ્યો પણ હશે!).

દશેરાએ ખવાતી ફાફડા-જલેબીની પ્લેટોની ગણતરી રાખતા પત્રકારો કંઇક આવી અનોખી સ્ટોરીઝ લઈ આવશેઃ ‘બૅન્કોની લાઇનોમાં ૯,૩૬,૧૬૭ પાણીની બૉટલો પીવાઈ ગઈ’, ‘1-1 રૂપિયામાં ID પ્રૂફની ઝેરોક્સ કરી આપનારે દસ દિવસમાં નવી કાર છોડાવી’, ‘યંગસ્ટર્સમાં બૅન્કોની લાઇનમાં ઊભાં ઊભાં પોકેમોન પકડવાનો ક્રેઝ, જિઓનાં નવા કાર્ડ ખરીદવામાં નવેસરથી ધસારો’…

કતારમાં આવા મસાલેદાર વિચારો કરતા હતા ત્યાં જ અમારા કાને બૅન્કના કર્મચારીના શબ્દો પડ્યા, ‘અરે, સાંજે છ વાગ્યે ખાવા ભેગા થઇએ છીએ. ઘણા તો ત્રણ દિવસથી ઘરે પણ નથી ગયા.’ એ સાંભળીને થયું કે હમણાં કોઈ ચિંતક લખશે કે, ‘બૅન્કમાં કામ કરતા હોય એને ત્યાં દીકરી ન અપાય!’ ‘મિત્રો, આજકાલનો પ્રેમ 500-1000ની નૉટો જેવો થઈ ગયો છે, આજે છે કાલે નથી’ જેવા ચિંતનિયા લેખો પણ આપણા માથે મારવામાં આવશે.

જો આ કતારો લાંબી ચાલશે તો મનોચિકિત્સકો પાસે એવા પણ કૅસ આવશે જેમાં સ્ત્રીઓ ફરિયાદ કરતી હશે કે, ‘અમારા ઈ નૉટું બદલવાના નામે ઘરેથી નીકળે છે ને પછી ક્યાંક ભળતે જ ઠેકાણે જાય છે…’ 500-1000ની કે નવી 2000ની નૉટો જોઇને પૅનિક અટેકનો ભોગ બનતા લોકો માટે ‘કરન્સીફોબિઆ’ અને ‘પિંકફોબિઆ’ જેવા નવા રોગ માર્કેટમાં આવી જાય એવુંય બની શકે! બૅન્કોની કતારમાં ઊભા રહીને 2000ની નવી પિંક નૉટ મેળવવાના નામે બૉસને ગોળી પીવડાવીને ઑફિસમાંથી ગુલ્લી મારતા લોકોને એમના બૉસ ‘પિંક સ્લિપ’ પકડાવી દે એવા બનાવો પણ નોંધાશે, જોજો!

***

selfie-2000ત્યાં જ સાક્ષાત્ ચમત્કારના ભાગરૂપે અમારો વારો આવી ગયો અને કૅશિયરે અમારા અકાઉન્ટમાં પૉસિબલ હતી એટલી તમામ 2000ની ગુલાબી નોટો અમારા હાથમાં પકડાવી દીધી. અમેય તે ભૂમિતિમાં અને રામ ગોપાલ વર્માની ફિલ્મોમાં હોય તેવા તમામ ઍન્ગલેથી તેની સાથેના સૅલ્ફી લીધા. સ્લો મોશનમાં દોડતાં દોડતાં ઘર તરફ પ્રયાણ કર્યું. આશા હતી કે ઘરે માતુશ્રી જયા બચ્ચન સ્ટાઇલમાં હાથમાં થાળી લઇને સ્વાગત માટે ઊભાં હશે.

પરંતુ થયું કે એ પહેલાં જરાક 2000ની કડકડતી નૉટથી એક કડક ચા પીએ. પણ ઘોર કળિયુગ, ચાવાળાએ તેના છુટ્ટા આપવાની ધરાર ના પાડી દીધી. પાનવાળાએ પણ ડચકારો બોલાવ્યો. પેટ્રોલપમ્પવાળો કહે કે કાર્ડ લાવો. આ સ્થિતિમાં ઘરે પહોંચીશું તો શી સ્થિતિ થશે એ વિચારે અમારી સ્થિતિ બ્લૅક મની ધારક જેવી કફોડી થઈ ગઈ. ન છૂટકે અમે મનોમન ‘જંગ જીત્યો રે મારો કાણિયો, 2000ના છુટ્ટા મિલે તબ જાણિયો’ બોલીને નવેસરથી બૅન્કની બહાર લાઇનમાં લાગી ગયા.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

The Sialkot Saga

 • 01અશ્વિન સાંઘીની આ લેટેસ્ટ બુક ‘ધ સિયાલકોટ સાગા’ વાંચતાં હું જેટલો ફ્રસ્ટ્રેટ થયો છું, એટલો અગાઉ ક્યારેય કોઈ બુકમાં નથી થયો. ખરેખર! જો આગળ-પાછળનાં પેજીસ બાદ કરી નાખો, તો પૂરાં ૫૮૨ પાનાંની આ દળદાર નવલકથામાંથી પસાર થતી વખતે મારી હાલત રીતસર ‘ન નિગલી જાયે ન ઉગલી જાયે’ પ્રકારની જ હતી (કે પૂરી થતી નથી, કરવાની ઇચ્છા નથી અને અધૂરી મૂકીશ તો આખી જિંદગી એ અધૂરી વાર્તા મને હેરાન કર્યા કરશે!).
 • અગાઉ મેં ‘ભારતના ડૅન બ્રાઉન’ ગણાતા આ ગોળમટોળ લેખકની ‘ધ ક્રિશ્ના કી’ એક ઝાટકે પૂરી કરેલી. એમાં ડૅન બ્રાઉન પદ્ધતિથી જ ફટાફટ ચૅપ્ટર-સીન બદલાતાં જાય અને વાર્તા ભલે ધીમે પણ સતત આગળ વધતી રહે. એમાં હું સાંઘીના રિસર્ચથી સારો એવો પ્રભાવિત થયેલો. જે રીતે એમણે પૌરાણિક કથાઓ, ઐતિહાસિક તથ્યો, પુરાતત્ત્વીય સંશોધનમાં મળેલા પુરાવા અને કોન્સ્પિરસી થિયરી આ બધાને એક કાલ્પનિક થ્રિલર કથામાં પરોવી દીધેલાં એમાં મને મજા પડેલી. એટલે જ થોડા સમય પહેલાં જ્યારે ‘ટાઇમ્સ’માં ફુલ પેજની ઍડ પબ્લિશ થઈ એટલે રહેવાયું નહીં અને મેં વાંચવાનો ખેલ પાડી દીધો.
 • ‘જેમની નવલકથાઓની દસ લાખથી પણ વધુ નકલો વેચાઈ ચૂકી છે તેવા’ અશ્વિન સાંઘીના કહેવા પ્રમાણે આ એમની ‘ભારત સિરીઝ’ની નવી ‘બિઝનેસ થ્રિલર’ છે. ફાઇન. ભારતની આઝાદી અને ભાગલા સાથે શરૂ થતી આ કથાનું ફલક છેક ૨૦૧૦ સુધી ફેલાયેલું છે. વચ્ચે વચ્ચે પાછી ઈસવીસન પૂર્વે અને સૈકાઓ પૂર્વેની વાતો પણ આવતી રહે. વાર્તાના મૂળ બે પ્રોટાગનિસ્ટ-નાયકો, એક કોલકાતાના વેપારીનો દીકરોનો અરવિંદ બગડિયા અને એક મુંબઈના ડૉકયાર્ડના મજૂરનો દીકરો ટર્ન્ડ માફિયા ડૉન અરબાઝ શેખ. બંનેનું કામ એક જ, કોઇપણ રીતે પૈસા કમાવા. પહેલો દેશની સિસ્ટમમાં રહીને કરોડો રૂપિયા બનાવે, જ્યારે બીજો સિસ્ટમને પોતાના છરાની અણીએ રાખીને પોતાનું સામ્રાજ્ય ઊભું કરે. સાથોસાથ એકબીજાની પણ ‘બન્ટી-બબલી’ અને ‘સ્પેશિયલ 26’ સ્ટાઇલમાં વાટ લગાવ્યા કરે. આ બધાની સમાંતરે દેશમાં બનેલી તમામ મોટી ઘટનાઓ પણ આવ્યા કરે.
 • પ્રોબ્લેમ એ છે કે એક તો મને સાંઘીની ભાષા જરાય અપીલ કરતી નથી. જાણે હૉસ્પિટલનું ફિક્કું ખાવાનું ખાતા હોઇએ એવી ફ્લૅર વિનાની બોરિંગ ભાષા, જેમાં ન તો વાક્યરચનામાં કશું મજા પડે એવું હોય કે ન એમાં વાતને બહેલાવીને કહેવાનો કોઈ કસબ હોય. એમના એકના એક ‘He digested the information’ જેવાં કોરાકટ વાક્યો વારંવાર રિપીટ થયા કરે (આ વાક્યનો તો ‘ધ ક્રિશ્ના કી’માં પણ ત્રાસ હતો).
 • અશ્વિન સાંઘી પોતાની નવલકથાને છેડે સંદર્ભ ગ્રંથોની જે તોતિંગ લાંબી યાદી આપે છે તે તમામ એમણે વાંચી નાખ્યા છે તે માની લઇએ તો એમણે એમાંનું બધું જ અહીં ઠાલવી દીધું હોય એવું લાગે છે. પરિણામ એ આવે કે આપણે ભારતના પાછલા છ દાયકાનાં વિકિપીડિયા પેજ વાંચતા હોઇએ એવી ફીલ આવવા લાગે. ભાગલા પછી થયેલી હિંસા, ભારત-પાક યુદ્ધ, ભારત-ચીન યુદ્ધ, બદલાતા પ્રધાનમંત્રીઓ, ઇમર્જન્સી, ઍશિયન ગેમ્સ, ઇન્દિરા-રાજીવ ગાંધીની હત્યા, શીખહિંસાનો ખૂની ખેલ, લિબરલાઇઝેશન, ભારતમાં સેટેલાઇટ ટેલિવિઝનનું આગમન, ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ, 9/11-26/11ના આતંકવાદી હુમલા… આ બધું એમણે બાલટીઓ ભરી ભરીને ઠાલવ્યું છે (અછડતો ઉલ્લેખ કરીને છોડી દે તો લોકોને ખબર કેવી રીતે પડે કે સાંઘીસાહેબે કેટલું રિસર્ચ કર્યું છે?!). આ તમામે તમામ ઘટનાઓને મારી-મચડીને મુખ્ય પાત્રો સાથે જોડવાની જિદ્દમાં તમે ૧૦૦-૨૦૦ પૅજીસ પહેલાં જ કળી શકો કે હવે શું થશે એ હદે બધું પ્રીડિક્ટેબલ.
 • અરબાઝ-અરવિંદ એ બે મુખ્ય પાત્રો સિવાયના કોઈ પાત્રમાં કશું ઊંડાણ નહીં, તદ્દન સપાટ-કૅરિકેચરિશ. ઇવન બંને પ્રોટાગનિસ્ટની સાઇકોલોજીની પણ કોઈ વાત નહીં. હરામ જો તમે એકેય પાત્ર સાથે ઇમોશનલી કનેક્ટ થાઓ તો! ખરેખર તો અશ્વિન સાંઘીને ભારતની આઝાદી પછી બનેલી ઘટનાઓ અને જુદા જુદા બિઝનેસમેનની સ્ટ્રેટેજી વિશે એક નોનફિક્શન બુક જ લખવી હશે, પરંતુ છેલ્લી ઘડીએ વિચાર બદલીને તેને નોન ફિક્શનમાં કન્વર્ટ કરી નાખી હશે. કારણ કે એક તો ૯૯ ટકા કિસ્સામાં બેમાંથી એક પ્રોટાગનિસ્ટના જ સીન ચાલતા હોય. બાકીનાં પાત્રો ત્યાં માત્ર એટલા માટે જ હાજર હોય કે જેથી તે જાતભાતના સવાલો પૂછી શકે અને તેના જવાબમાં સાંઘીસાહેબ પોતાના પ્રોટાગનિસ્ટના મુખેથી માહિતીલેખની ધારા વહાવી શકે. (વળી, આ માહિતીમાં પણ કેટલાય ઠેકાણે વિકિપીડિયા જેવા જ લોચા છે!)
 • બંને નાયકોની રૅગ્સ ટુ રિચીઝની દાસ્તાન સિત્તેરના દાયકાની પોટબોઇલર ફિલ્મ કે પછી અત્યારના ટાઇમની ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’ જોતા હોઇએ એવી જ ફીલ આપે છે. એમાંય નવીનતાનું થર્મોમીટર ડુબાડો તો ટેમ્પરેચર ઝીરો ડિગ્રી સેલ્સિયસ બતાવે! આખા પુસ્તકનો લગભગ ૮૫-૯૦ ટકા હિસ્સો આ કથા રોકી લે છે, જે એ હદે બોરિંગ છે કે કોઈ વાયડાઈ કરતું હોય કે ‘આપણને તો કોઈ’દી ગુસ્સો આવે જ નંઈ’ એને પરાણે વંચાવીને ‘ઍન્ગર ટેસ્ટ’ કરાવવાના કામમાં આવી શકે! અરબાઝ-અરવિંદ જાતભાતની @#$%&* જેવી બિઝનેસ ડીલ કર્યા કરે, લોકોને (અને આપણને પણ) @#$%&* બનાવ્યા કરે. આમાંથી અડધો અડધ સ્ટોરી તમે ઉપાડીને પુસ્તકની બહાર ફેંકી દો, તોય મૂળ વાર્તાને ટાંકણીની અણી જેટલો પણ ફરક ન પડે.
 • અને ખબર નહીં, અશ્વિન સાંઘીને ઍનાગ્રામનું એવું તે શું વળગણ છે, કે ગમે ત્યારે ગમે તે શબ્દમાં ‘ફલાણાનું ઊંધું કરીએ તો આવો અર્થ થાય ને આને નવેસરથી ગોઠવીએ તો આવું થાય’ એ પ્રકારની જ શબ્દરમત આવ્યા કરે. (બાય ધ વે, ‘ઍનાગ્રામ’ અને ‘ઍનાસિન’ બંને શબ્દોની શરૂઆત એકસરખી છે એ માર્ક કર્યું?!)
 • માત્ર એક મફતિયા ગિમિક તરીકે આ આખી બુકમાં ઠેકઠેકાણે અટલ બિહારી વાજપાઈ, રાજીવ ગાંધી, સ્ટિવ જોબ્સ જેવી રિયલ લાઇફ પર્સનાલિટીઝનાં ગેસ્ટ અપિયરન્સ કરાવ્યાં છે (એ પણ મોટેભાગે એવી જ વ્યક્તિઓ છે જે અત્યારે આ બુકમાં પોતાની હાજરી વિશે વાંધો ઉઠાવી શકે તેવી સ્થિતિમાં નથી!).
 • જે ખરેખર પુસ્તકનું ટાઇટલ છે તે ‘સિયાલકોટની સાગા’તો માંડ છેલ્લાં ચપટીક ભાગમાં જ છે. એમાંય કોઈ મહાન પૌરાણિક સિક્રેટની વાતનો ઉલ્લેખ લાવીને સસ્પેન્સ ઊભું કરવું અને પછી એનું સલમાન ખાનના કૅસના ચુકાદાઓની સ્ટાઇલમાં પડીકું વાળી દેવું એ કદાચ અશ્વિન સાંઘીની ખાસિયત છે. એ સિક્રેટ સમ્રાટ અશોકના યુગથી શરૂ કરીને અત્યાર સુધી ખેંચે અને પછી તેને ‘યુ નૉ, તમારામાં આસ્થા જોઇએ, શ્રદ્ધા જોઇએ’ એવું કહીને વાત પૂરી કરી નાખે. (આ વખતે એટલું સારું છે કે એમણે પૌરાણિક વાર્તાનું વર્તમાન સાથે કનેક્શન જોડ્યું છે, નહીંતર અગાઉ ‘ધ ક્રિશ્ના કી’માં તો દરેક ચૅપ્ટરની પહેલાં મહાભારતની કથાની રામાયણ શા માટે કરી છે એ છેલ્લે સુધી ક્લિયર જ ન થયું!)
 • ઇન શૉર્ટ, માંડ અઢીસો-ત્રણસો પાનાંમાં પૂરી થઈ શકતી આ નવલકથાને પરાણે ચ્યુઇંગમની જેમ ખેંચી છે, જેણે મારા દિમાગની તમામ નસો ખેંચી નાખી. જોકે ખોટું ન બોલાય, એક રાત્રે પોણા બે વાગ્યે ફાઇનલી જ્યારે આ બુક પૂરી થઈ ત્યારે મને જે આનંદ થયેલો, આહાહાહાહા…!!!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

AdBlock Plus

‘પહલે મૈં બહોત પરેશાન રહતા થા. જબ ભી મૈં કોઈ વેબસાઇટ ખોલતા થા, તબ ન જાને કહાં કહાં સે મુંહાસો કી તરહ એડવર્ટીઝમેન્ટ્સ ફૂટ પડતી થી. એક એક પૅજ પે ચાર-પાંચ ઍડ્સ બંધ કરતે કરતે મેરે હાથ મેં કાર્પલ ટનલ હો ગયા થા. મૈં ઝિંદગી સે નિરાશ હો ચૂકા થા. લેકિન તબ કિસીને મુઝે ઍડ બ્લોક પ્લસ કે બારે મેં બતાયા. ઇસકો અપને બ્રાઉઝર મેં ઇન્સ્ટૉલ કરને કે બાદ સારી ઍડ્સ ઐસે ગાયબ હુઈ જૈસે પહલી બારિશ કે બાદ નયા ડામર રોડ. અબ મેરી ઝિંદગી મેં ફિર સે ખુશિયાં લૌટ આયી હૈ. થેન્ક યુ, ઍડ બ્લૉકર!’ (ટિંગ ટોંગ)
***
બિલીવ મી, થોડા સમય પહેલાં સુધી આ મારી પણ સ્ટોરી હતી (માઇનસ કાર્પલ ટનલ એન્ડ ઝિંદગી સે નિરાશ હોના થિંગ!). ગમે તે વેબસાઇટ ખોલીએ એટલે ચોમા

AdBlocker
જુલાઈ, ૨૦૧૬માં મોટાભાગની ભારતીય ન્યુઝ વેબસાઇટોએ ‘ઍડ બ્લોક પ્લસ’ બંધ કર્યા સિવાય વેબસાઇટ એક્સેસ કરવાનું જ બંધ કરી દીધું.

સાની જીવાતની જેમ ગમે ત્યાંથી પોપઅપ ઍડ્સ ફૂટી નીકળે. ક્યાંક વીડિયો સ્ટાર્ટ થઈ જાય, તો ક્યાંક આખું કન્ટેન્ટ ઢાંકી દે એવી લંબચોરસ બૅનર ઍડ્સ ઉડાઉડ કરી મૂકે. આપણે જાણે એ લોકોની નોકરી લીધી હોય એમ એના ખૂણે આવેલી ચોકડી (x) શોધીને વારાફરતી બંધ કરવાની મજૂરી કરવાની. અડધી ઍડ્સ પાછી ઉડાઉડ કરતી હોય એટલે નાનાં ભાગભાગ કરતા બચ્ચાને જમાડવા માટે એની મમ્મી પાછળ પાછળ ફરે એમ આપણે એ ઍડની પાછળ ફરવાનું.

લેકિન ‘ઍડ બ્લૉક પ્લસ’નો નાનકડો પ્રોગ્રામ ખરેખર સુપર્બ નીકળ્યો. સરકાર કર્ફ્યૂ લાદીને જેમ દંગા દાબી દે, એમ આ પ્રોગ્રામ બધી જ ઍડ્સનો કચરો વાળીચોળીને સાફ કરીનાખે. ઇવન યુટ્યૂબમાં વીડિયોની પહેલાં-વચ્ચે આવતી ઍડ્સ પણ બ્લૅક મનીની જેમ ગાયબ! દરેક પૅજ પર કેટલી ઍડ્સ બ્લૉક કરી તેનો આંકડો ઉપર જોઇએ ત્યારે ખબર પડે કે આપણી જિંદગીમાંથી કેટલાં દુઃખો આ ટચૂકડા પ્રોગ્રામે દૂર કરી દીધાં છે. મેં તો પછી કેટલાયને કાઠિયાવાડી સ્ટાઇલમાં આગ્રહ કરી કરીને આ પ્રોગ્રામ ઇન્સ્ટૉલ કરાવેલો.

લેકિન બકરે કી અમ્મા કબ તક ખૈર મનાયેગી?! ચાર-પાંચ દિવસ પહેલાં NDTVની સાઇટ ખોલી ત્યાં અલાદ્દીનના જિનની જેમ સંદેશો પ્રગટ થયો, ‘ભઈ, અહીંથી આગળ વાંચવું હોય તો આ ઉપર જે ઍડ બ્લોકર બેસાડ્યું છે એને કાઢો અહીંથી.’ મને થયું, ઓત્તારી. અત્યાર સુધી ‘ફોર્બ્સ’ની ઇન્ટરનેશનલ સાઇટને જ ઍડ બ્લોકર સામે વાંધો હતો, પણ ઇન્ડિયન મીડિયાને પણ આ એરુ આભડ્યો? પછી તો ચૅક કર્યું તો એક જ સાથે ટાઇમ્સ ગ્રૂપ, હિન્દુસ્તાન ટાઇમ્સ, ભાસ્કર, જાગરણ, અમર ઉજાલા જેવા લીડિંગ મીડિયા હાઉસની વેબસાઇટોએ પણ ઍડ બ્લોકર સામે સત્તાવાર વાંધો પાડ્યો હતો. ‘ક્વાર્ટ્ઝ’ની વેબસાઇટ પર વાંચ્યું કે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘હિન્દુ’ પણ આ જ રસ્તો પકડવાના છે. સામાન્ય સંજોગોમાં એકબીજા સાથે સતત બાખડતા રહેતા રાજકીય પક્ષો સાંસદોના પગારવધારાના મુદ્દે સંપી જાય અને છાનામાના તે બિલ પાસ કરી દે એવું જ કંઇક આ કિસ્સામાં થયેલું દેખાઈ આવે છે.

સમજી શકાય તેવી વાત છે કે વેબસાઇટોની મુખ્ય કમાણી ઍડ્વર્ટાઇઝમેન્ટ્સમાંથી જ થાય છે. ગૂગલ, ફેસબુક, ટ્વિટર પોતાની કમાણીનો મોટો ભાગ આવી ઍડ્સમાંથી જ મેળવે છે. એમને આ ઍડ્સને ગાળી નાખતા પ્રોગ્રામ સામે વાંધો પડે તે સ્વાભાવિક છે. આપણને પણ ઍડ્સ સાથે પ્રોબ્લેમ નથી. ઇવન મેં જોયું છે કે ફેસબુક પર ડિસ્પ્લે થતી ઑનલાઇન શૉપિંગની ઍડ્સમાંથી જ પુષ્કળ લોકો ખરીદી કરતા થઈ ગયા છે. વાત પ્રમાણભાનની છે. એકવાર ખબર પડે કે આ ઍડ્સમાંથી તો કમાણી થાય એવું છે. એટલે સાઇટો પછી વાચકોની ઐસીતૈસી કરીને આડેધડ ઍડ્સ ઠોકવા માંડે. અને આવું માત્ર વેબસાઇટોની બાબતમાં જ થયું છે એવું જરાય નથી. છાપાં-મૅગેઝિન્સમાં જાહેરખબરોની વચ્ચે વાચનસામગ્રી આવે, મૅચમાં અગાઉ બે ઑવર વચ્ચે એક ઍડ આવતી, પછી બે થઈ, ત્રણ થઈ. હવે તો છઠ્ઠો દડો પડ્યો નથી કે ઍડ સ્ટાર્ટ થઈ નથી. બે ઓવર વચ્ચેની કોઈ ઍક્ટિવિટી તમને જોવા જ ન મળે. ચાલુ ઑવરે પણ સ્ક્રીન નાનો કરીને ઍડ્સ આવે. ગ્રાઉન્ડની વચ્ચે પણ ચાર-છ ઍડ્સ પાથરેલી હોય. ન્યૂઝ-ઍન્ટરટેનમેન્ટ ચેનલોમાં પણ કેટલી મિનિટના કન્ટેન્ટ વચ્ચે ઍડ્સ આવે છે એ સવાલ છે. અગાઉ PVR જેવા મલ્ટિપ્લેક્સમાં મુવી પહેલાં અને ઇન્ટરવલમાં કેટલી ઍડ્સ આવે છે એ મુદ્દે પણ મેં વિગતે કકળાટ કાઢેલો.

સારી રીતે અને યોગ્ય પ્રપોર્શનમાં પાથરેલી ઍડ્સ હોય તો આપણને જોવીયે ગમે. ઇવન હું તો ક્રિએટિવ ઍડવર્ટાઇઝમેન્ટ્સનો દીવાનો છું. જર્નલિઝમના કોર્સમાં ‘અમૂલ’ની ઍડ્સ પર મેં ડિઝર્ટેશન પણ કરેલું છે. પરંતુ ક્યાંય કોઈ પ્રમાણભાન જેવું હોય જ નહીં? કોઈ અપર લિમિટ જ નહીં? સૂંડલા ભરીને ઠલવાતી એ ઍડ્સમાં કોઇક ભળતી ઍડ્સ પર અકસ્માતે ક્લિક કરવાથી પરાણે આપણા કમ્પ્યુટરમાં ઇન્સ્ટૉલ થઈ જતા ઍડવેર, માલવેર, વાઇરસોની જવાબદારી કોની? મારો અનુભવ છે કે એવા ઍડવેરની સામે તો ક્વીકહીલ અને મૅકએફી જેવા એન્ટિવાઇરસ સોફ્ટવેર પણ હથિયાર હેઠાં મૂકી દે છે.

આપણે કૅબલ કનેક્શન માટે, પૅ ચૅનલો માટે, છાપાં-મૅગેઝિનના લવાજમ માટે, ઇન્ટરનેટના ડૅટા પૅક માટે પૈસા આપીએ તોય અલ્ટિમેટલી અડધા ઉપરાંત જાહેરખબરોનું વણજોઇતું પેઇડ કન્ટેન્ટ જ આપણા માથે મારવામાં આવે, એ કેવું? ક્યારેક BBC, CNN જેવી ચૅનલો કે ગાર્ડિયન, ટેલિગ્રાફ, ટાઇમ, ન્યુઝવીક, ન્યુયૉર્ક ટાઇમ્સ, વૉશિંગ્ટન પોસ્ટ વગેરેની સાઇટ્સ જોજો. ચૅનલોનું પ્રેઝન્ટેશન એકદમ ક્લટર વિનાનું, શાંત અને સીમલેસ દેખાશે. વેબસાઇટો પણ ઍડ્સ વગરની કે આંખને મિનિમમ નડે એ રીતે મુકાયેલી હોય છે.

ધ હૉલ થિંગ ઇઝ ધેટ, કે આમાં આપણી I&B મિનિસ્ટ્રી કેબ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ કશું કરે ખરી? અને એ લોકો કરે ત્યારની વાત ત્યારે, અત્યારે આ ઍડ બ્લોકને બ્લોક કરતી સાઇટોની દાદાગીરીની પણ બોલતી બંધ કરી દે એવો કોઈ બીજો સોફ્ટવેર ખરો? હું તો પ્રાર્થના કરું છું કે એ તમામ સાઇટોના પૅજવ્યૂ ભયંકર રીતે ઘટી જાય અને એ લોકોને જખ મારીને ‘યુ ટર્ન’ મારવાની ફરજ પડે. અગર યુ ટર્ન લેને સે કુછ અચ્છા હોતા હૈ, તો યુ ટર્ન અચ્છે હૈ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Anger Management

abh01291-621x414ક્યારેક મને આશ્ચર્ય થાય કે ફેસબુક પર કાયમ બધા હૅપ્પી હૅપ્પી જ કેમ રહેતા હશે? જાણે બધા ‘ઉડતા પંજાબ’થી લાવેલા કોઈ ડ્રગ્સમાં હાઈ હોય એ રીતે ‘ફીલિંગ હૅપ્પી’, ‘એક્સાઇટેડ’, ‘ઑસ્સમ’, ‘કૂલ’, ‘વન્ડરફુલ’, ‘ગ્રેટ’ એવું જ પોસ્ટ કરતા હોય. એટલે ક્યારેક સવાલ થાય કે આ લોકોને ખરેખર ક્યારેય ગુસ્સો નહીં આવતો હોય? જોકે સાવ એવુંય નથી. લોકોને ગુસ્સો તો આવે, પણ ઢાકા, ઓર્લેન્ડો, દાદરી, મુઝફ્ફરપુર, પૅરિસ, FTII વગેરે મોટી ઘટનાઓ પર આવે. પણ ડેઇલી લાઇફમાં તો આપણી સાથે જોડાયેલી બાબતોને લીધે જ ગુસ્સો આવતો હોય ને? ઑફિસે જવાનું મોડું થતું હોય ને કોઇક આપણા વાહનની હવા કાઢી ગયું હોય અથવા તો મ્યુનિસિપાલિટી કૃપાથી ટાયરમાં પંક્ચર પડે, મહેમાનો આવ્યા હોય ત્યારે જ કામવાળા ખાડો પાડે કે સોસાયટીની પાણીની મૉટર બગડે, બહાર જતી વખતે ઘરનો દરવાજો બંધ કરો એ જ સૅકન્ડે યાદ આવે કે લૅચની ચાવી તો ઘરમાં જ રહી ગઈ, ટાણે જ રેલવેનું ફાટક બંધ થાય અને ઑફિસે અંકે સવા ચાર મિનિટ મોડા પહોંચો એમાંય હિટલરની સરોગેટ ઓલાદો જેવા લોકો તમારો હાફ ડૅ ગણી લે, નવાં કપડાં ધોવાનું માંડ મુહૂર્ત નીકળ્યું હોય અને સૂકવ્યાં હોય, બરાબર એ જ વખતે તમારી ઉપરના ફ્લૅટવાળાઓને બાલ્કની ધોવાનું ચોઘડિયું આવે… આવું કશું કોઈ ફેસબુક પર સતત ‘ઑસ્સમ’ લાઇફ જીવતા લોકો સાથે થતું જ નહીં હોય? હું નથી માનતો. રાધર, પોસિબલ જ નથી. જો દુઃખી અને ફ્રસ્ટ્રેટેડ આત્માઓ આ જગતમાં ભટકતા ન હોત, તો ‘દર્દભરે નગ્મે’ની જથ્થાબંધ સીડીઓ ક્યાંથી વેચાતી હોત?!

જ્યારે તમારી અપેક્ષા મુજબનું ન થાય, કોઈ એ મુજબ ન વર્તે, કશા વાંક વગર તમારી વાટ લાગે અથવા તો વાટ લાગેલી હોય અને તમે એમાં કશું જ ન કરી શકો, ત્યારે ગુસ્સાનું વાદળ ફાટે. સિચ્યુએશન ગબ્બરની જેમ અટ્ટહાસ્ય કરીને કહેતી હોય, ‘અબ આયા સસુરા પહાડ કે નીચે! ચિલ્લા, ઔર ચિલ્લા!’ અને તમે ઠાકુરની જેમ બંધાયેલી હાલતમાં ‘ફડફડાવા’ સિવાય કશું જ ન કરી શકો.

હું એવા કેટલાય લોકોને ઓળખું છું, જેમને મેં લિટરલી ક્યારેય ગુસ્સે થતા જોયા જ નથી. કદાચ ગુસ્સે થયા હોય તોય ટીવી ચેનલ ફેરવવાની સ્પીડે એમના ગુસ્સાની ચેનલ ફરી પાછી ‘સબ ટીવી’માં ચેન્જ થઈ જાય. ઢગલો ડૅટા સાથેની હાર્ડડિસ્ક સાથે આખું લૅપટોપ પતી જાય કે ઇમ્પોર્ટન્ટ ડૉક્યુમેન્ટ ખોવાઈ જાય, તોય જાણે ખાતામાં પેલા પંદર લાખ જમા થઈ ગયા હોય એ રીતે વાત કરતા હોય. એવા સુખી લોકોની મને કાયમ અદેખાઈ આવે. કેમ કે હું એ કેટેગરીથી પચાસ પચાસ કોસ દૂરનો માણસ છું. કંઇક અંશે દુર્વાસા ઋષિને સેઇમ પિંચ કહેવું પડે એવો. બસ, ખાલી હોલસેલમાં શ્રાપ ન દઇએ એટલું જ (અને દઇએ તોય નક્કી જ હોય કે એની હાલત કસ્ટમર કૅરમાં કરેલા કૉલ જેવી જ થવાની છે)! એમાં પાછી મારાં મમ્મીની ફેવરિટ કહેવત યાદ આવે, ‘પ્રાણ ને પ્રકૃતિ લાકડાં હારે જ જાય!’ પત્યું?!

ઍન્ગર મેનેજમેન્ટવાળા ભલે ગમે તે ટ્રિકો બતાવે, ગુસ્સાનું ટ્રિગર દબાય એટલે માણસમાંથી ‘વૅપન ઑફ માસ ડિસ્ટ્રક્શન’ જ બની જઇએ. મારા કિસ્સામાં તો રનિંગ, વૉકિંગ, મ્યુઝિક કશું જ કામ કરતું નથી. ઊલટું જે ગીતો સાંભળીને, ફિલ્મો જોઇને ડિપ્રેશન દૂર થયું હોય એ જ ઘોંઘાટ લાગવા માંડે. અને બીજું કે, આપણે કંઈ રોબિન્સન ક્રૂસો તો છીએ નહીં, એટલે ઍન્ગ્રી બર્ડની જેમ લાલચોળ થઇને જ્યાં ને ત્યાં લોકો સાથે અથડાતા ફરીએઃ ‘મારું આ રબર પ્રિન્ટવાળું ટીશર્ટ લૉન્ડ્રીમાં શું કામ આપ્યું?’, ‘ફરી પાછું આ જ શાક? આઈ એમ ડન!’, ‘અરે યાર, આ અડધી રાત્રે કારને રિવર્સ લેવામાં આખું ગામ સાંભળે એમ સારે જહાં સે અચ્છા શું કામ વગાડે છે? એટલી જ દેશભક્તિ ઊભરાઈ પડતી હોય તો કાશ્મીર જા ને!’, ‘આ મોટે ઉપાડે થિયેટર ખોલીને બેઠા છો તો પાર્કિંગ સ્પૅસ આપવાની તમારી ફરજ નથી? ક્યાં છે તમારો મેનેજર?’, ‘આ ટુ વ્હીલર પાર્કિંગમાં કાર શું કામ પાર્ક કરવા દીધી?’, ‘મહિને હજાર રૂપિયા ઇન્ટરનેટના ઠોકી લો છો, તો કનેક્ટિવિટી આપવામાં તમારા ચોક્કસ ભાગ પર કાંટા શેના વાગે છે?’ આવી અનેક (અ)હિંસક અથડામણો થવા માંડે. એકવાર તો S.G. હાઇવે પર આગળ જતી રિક્ષામાંથી એક નમૂનાએ પાનની પિચકારી મારી અને પવનને લીધે બે કથ્થઈ છાંટા મારા આઠસો રૂપિયાના નવેનવા પર્ફેક્ટ્લી વ્હાઇટ ટીશર્ટ પર પડ્યા ને મારો દિમાગ લાલ. હું ગુજરાતી મીડિયામાં છું અને મારા પપ્પાને સાઉદીમાં એકેય તેલનો કૂવો નથી, તોય મેં પોણો કિલોમીટર સુધી એ રિક્ષાનો પીછો કર્યો અને રિક્ષા રોકાવી. એ ખેંખલી નમૂનો કાનમાં ભૂંગળાં ભરાવીને ડ્રાઇવરની બાજુમાં બેઠેલો. ના, બે ઊંધા હાથની લગાવી તો નહીં, પણ એના બેય ઇયરફોન સહિત કાન ખરી પડે એવી (માઇનસ ગાલી-ગલોચ) સંભળાવી ખરી. આઈ નૉ, એ જડભરત સુધરશે નહીં, પણ બીજીવાર ચાલુ વાહને થૂંકતાં પહેલાં એને આ બનાવ યાદ આવે તોય ઘણું.

પાછા આપણા ગુસ્સાનાય પ્રકાર હોય. અમુક ગુસ્સા સૂતળીબોમ્બની જેમ ફાટીને શાંત થઈ જાય. જ્યારે કેટલાક પેલા ‘ધીમી બળે અને વધુ લિજ્જત આપે’ની જેમ દિવસો સુધી ફાંસની પેઠે હેરાન કર્યા કરે. વીકડેય્ઝમાં તો કામની મજૂરીમાં ગુસ્સે થવાનો ટાઇમ ન મળે, પણ સન્ડે એ ગુસ્સો અને આપણે બેય નવરા હોઇએ. એટલે સ્લોમોશનમાં હીરો-હિરોઇન સામસામાં દોડીને ભેટતાં હોય એમ આપણી અનિચ્છા છતાં એ ગુસ્સો પ્રેતાત્માની જેમ વળગી પડે. એકના એક સવાલ ચામાચીડિયાની જેમ ઘુમરા માર્યા કરે, ‘હાઉ કૅન યુ બિહેવ લાઇક ધેટ? હાઉ કૅન યુ ડુ ધેટ? વ્હાઇટ આર વી સો હેલ્પલેસ? વ્હાય શુડ વી સફર બિકોઝ ઑફ અધર પીપલ્સ મિસ્ટેક્સ?’ વર્ષોના એવા લા-ઇલાજ ગુસ્સાની ‘પ્રૅક્ટિસ’ પછી એક દવા લાગુ પડી છે, અને તે છે ‘ક્રોસવર્ડ.’ ઑનલાઇન શૉપિંગના વાવાઝોડા સામે ટકી રહેલો બુક સ્ટોર.

એક બુક ખરીદવાની અને ત્રણ-ચાર કલાક સુધી જાતભાતની બુક્સ વીખતા રહેવાનું. ઘડીક ન્યુ અરાઇવલમાં ડોકિયું કાઢવાનું, તો ઘડીક સિનેમા સેક્શનમાં નવી આવેલી બુક્સ ફેંદવાની. ક્યાંક ટ્રાવેલ સેક્શનમાં ખૂંપી જઇએ તો ક્યાંક બાયોગ્રાફી, ક્રાઇમ, નોનફિક્શનમાં કલાકો નીકળી જાય. રસ પડે તો કોઇક બુક્સનાં ચૅપ્ટરો ઉલાળી નાખવાનાં. ટેબલ ન મળે તો શાંત ખૂણામાં પલાંઠી વાળીને જામી પડવાનું. બૅકગ્રાઉન્ડમાં કોઈ હળવું મ્યુઝિક વાગતું હોય અને નાનાં બચ્ચાં ‘મમ્મા, યે બુક લેની હૈ’ કરતાં દોડાદોડ કરતાં હોય. ઍસ્કેપિઝમ કહો કે ગમે તે, પણ કલાકો સુધી આ રીતે ક્રોસવર્ડમાં બુક-મૅડિટેશન કરવામાં જાણે આપણી ભંગાર દુનિયામાંથી કોઈ શાંત, સુખદ, રિલેક્સ્ડ દુનિયામાં પહોંચી ગયા હોઇએ એવી ફીલિંગ આવે. શબ્દોથી સર્જાયેલી એ વર્ચ્યુઅલ દુનિયા સાચુકલી લાગવા માંડે અને એક્ચ્યુઅલ વર્લ્ડનો ત્રાસ કરોડો પ્રકાશવર્ષ દૂર લાગવા માંડે. જ્યાં આપણને ગુસ્સે કરવા માટે કોઈ ન હોય, આપણે પણ નહીં. ચાર-પાંચ કલાકે દિમાગમાં એ ખુમાર સાથે બહાર નીકળીએ, ત્યારે પેલો ગુસ્સો તો દૂર ન થયો હોય, પણ એના પર શબ્દોનો મલમ જરૂર લાગી ગયો હોય.

ત્યાં આપણને એક કહેતાં પચાસ બુક્સ ગમે અને બધી ખરીદી લેવાનું મન થાય. પણ પછી મિડલક્લાસ આત્મા ‘એમેઝોન’માં ક્રોસચેક કરવાનું કહે અને ભાવમાં જેટલો ડિફરન્સ દેખાય એટલામાં તો બીજી નવી બુક આવી જાય. ત્યાં નજર સામે બુકનાં બૅક કવર પરની પ્રાઇસ જોયા વગર ખરીદી રહેલા પૈસાવાળાઓ દેખાય ત્યારે મનોમન પ્રાર્થના થઈ જાય કે આ લોકોનાં ખિસ્સાં ભરેલાં રાખજો અને એમની પાસે આમ જ પુસ્તકો પાછળ પૈસા ખર્ચાવતા રહેજો, જેથી આવા સ્ટોર અને અમારા જેવાઓનું ઍન્ગર મેનેજમેન્ટ ચાલતું રહે!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

બાગી

હેડિંગઃ પ્રોજેક્ટ ટાઇગર

***

ઇન્ટ્રોઃ ટાઇગર શ્રોફના માર્શલ આર્ટ્સ સિવાય કોઈ નવિનતા વિનાની આ ફિલ્મના ખરા બાગીઓ તો તેના મૅકર છે, જેમણે ઉઠાંતરી કરવામાં કશું જ બાકી નથી રાખ્યું.

***

ચવાણા વિશે એવી દંતકથા છે કે ફરસાણની દુકાનમાં તમામ સામગ્રીઓના વધેલા માલને મિક્સ કરીને વેચવાની
સિસ્ટમથી ‘ચવાણા’ શોધ થઈ. ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ‘બાગી’ પણ એક પ્રકારનું ફિલ્મી ચવાણું જ છે, જેમાં જાતભાતની વાનગીઓ ઇમ્પોર્ટ કરીને મિક્સ કરવામાં આવી છે. પહેલાં એ ચવાણાનો ટેસ્ટ કરી લઇએ પછી તેના કંદોઈ વિશે વાત કરીશું.

જમ્પિંગ ટાઇગર સેbaaghi_hindi_film_posterવિંગ કિટન

રોની (ટાઇગર શ્રોફ) નામનો એક જુવાનિયો કેરળ જતી ટ્રેનના સૅકન્ડ ક્લાસમાં ચડી બેઠો છે. એને સીટ મળે તે પહેલાં જ એક સુંદર છોકરી સિયા (શ્રદ્ધા કપૂર) મળી જાય છે. ટ્રેન કેરળ પહોંચે તે પહેલાં આ બંને પ્રેમનગર પહોંચી જાય છે. કેરળમાં રોની ‘કલરીપયટ્ટુ’ નામનું પરંપરાગત માર્શલ આર્ટ શીખવા આવ્યો છે. એના ગુરુજીનો એક માથાભારે દીકરો છે, રાઘવ (સુધીર બાબુ). એ બેંગકોકમાં ગેરકાયદે ફાઇટક્લબ ચલાવે છે. અહીં ઇન્ડિયામાં એ પણ આ સિયાનો રંગરસિયા થઈ જાય છે. બસ, પ્રેમનો એવો ખૂનખાર ત્રિકોણ રચાય છે કે રાઘવ રાવણમાં કન્વર્ટ થઈ જાય છે. એ સિયાને સીધો બેંગકોક ઢસડી જાય છે અને ત્યાં પોતાની બહુમાળી ‘ઍક્શનવાટિકા’માં પૂરી દે છે. તેની પાછળ વાનરસેનાને લીધા વગર રોની પણ કૂદકા મારતો મારતો બેંગકોક પહોંચે છે. ભીષણ રક્તપાત થાય છે અને અંતે સત્યનો વિજય થાય છે.

ટાઇગર આવ્યો રે ટાઇગર

આ ફિલ્મને ચર્ચાસ્પદ બનાવતાં બે પાસાં પૈકીનું પહેલું છે ટાઇગર શ્રોફ. આ જૅકીપુત્રે યુગો યુગો સુધી જિમ્નેશિયમમાં પરસેવો વહાવીને જે પરિશ્રમ કર્યો છે, તે અહીં ચોખ્ખો દેખાય છે. આખા મુંબઈમાં જેટલા સ્પીડબ્રેકરો નહીં હોય એના કરતાં પણ વધારે સ્નાયુઓના ગઠ્ઠા એના શરીર પર છે. સતત ઝીરો ગ્રેવિટીમાં રહેતો હોય એ રીતે તે ઊછળી ઊછળીને લાતો મારે છે. આખી ફિલ્મમાં એ જેટલી કૂદાકૂદ કરે છે, એ જોતાં એનું નામ ટાઇગર નહીં, કાંગારૂ શ્રોફ હોવું જોઇએ. વળી, આ બધી ઍક્શનમાં એ એટલો બધો સ્વાભાવિક લાગે છે કે જાણે ઘોડિયામાંથી જ કૂદકો મારીને માર્શલ આર્ટ્સ કરવા માંડ્યો હશે એવું લાગે. એ પોતાના પગને જ હેલિકોપ્ટરની જેમ ઘુમાવીને બૅંગકોકથી સીધો ઊડીને ઇન્ડિયા લૅન્ડ થઈ શકે. પરંતુ બિચારાનો બધો જ સમય જિમમાં ગયો હશે, એટલે ઍક્ટિંગમાં નીલ બટે સન્નાટા છે. મતલબ કે ડબ્બા ગૂલ છે. નીચે ઊભાં ઊભાં લાત મારીને સૉડિયમ લાઇટ ફોડવાની હોય તો એ કરી દે, પણ ચહેરા પર બે જેન્યુઇન એક્સપ્રેશન લાવવાં હોય તો ટાઇગરમાંથી ટર્ટલ થઇને કોચલામાં પુરાઈ જાય. ટાઇગર ઍક્શનનો અરબી ઘોડો છે, એના માટે ટેલરમૅડ રોલ લખાશે, તો આ ટાઇગર ક્યારેય લુપ્ત નહીં થાય.

ચોરી નહીં હેરાફેરી

જેવી રીતે દોસ્તીનો હોય છે, એમ ઉઠાંતરીનો પણ એક ઉસૂલ હોય છેઃ આખા ગામને ખબર હોય એવી જગ્યાએ ક્યારેય હાથ ન મરાય. તરત જ પકડાઈ જઇએ. પાંચ વર્ષ પહેલાં એક ઇન્ડોનેશિયન ફિલ્મ આવેલી ‘રેઇડઃ રિડેમ્પશન.’ મારકાપથી ફાટફાટ થતી એ ફિલ્મને આખા દેશના જુવાનિયાંવ મૅગી નૂડલ્સની જેમ ઘપાઘપ ગળચી ગયેલા. એ ફિલ્મની રિમેકના રાઇટ ભારતના અન્ય એક પ્રોડ્યુસર પાસે હતા, પણ ‘બાગી’ના મૅકરે વચ્ચેથી હાથ મારીને તે આઇડિયા તફડાવી લીધો અને ‘બાગી’ ફિલ્મના સૅકન્ડ હાફમાં ઠૂંસી દીધો. ક્રિએટિવિટીની ગરીબીન હદ જુઓ કે એક વિદેશી ફિલ્મ પરથી આપણે ત્યાં હિન્દી વર્ઝન બનાવવા માટે પણ મૅકરો કૉર્ટની માલીપા ઝૂંટાઝૂંટ કરી રહ્યા છે.

પરંતુ એકલી ધબાધબીથી શું થાય? લોકોને કંઇક પોચીપોચી લવસ્ટોરી તો જોઇએ ને. એટલે ઈ.સ. ૨૦૦૪માં આવેલી તેલુગુ ફિલ્મ ‘વર્ષમ’ (યાને કે વરસાદ) પર તરાપ મારવામાં આવી. ‘યુટ્યૂબ’ પર પડેલી એ તેલુગુ ફિલ્મ જોઇએ ત્યારે ખ્યાલ આવે કે ‘બાગી’ના ફર્સ્ટ હાફમાં સીન બાય સીન હિન્દીમાં છાપી મારવામાં આવી છે. તે ઉપરાંત આ ફિલ્મના ફાઇટ અને ટ્રેનિંગના કેટલાય સીનમાં જૅકી ચૅનની ફિલ્મોનાં દૃશ્યો ઠૂંસવામાં આવ્યા છે. કોઈ કહેશે, હશે હવે. આપણને તો ચવાણાથી મતલબ, તેને કયા તેલમાં તળ્યું છે એ જાણીને આપણને શું કરવું છે? પરંતુ તાજાના નામે આપણને વાસી ચવાણું પધરાવવામાં આવે ત્યારે જાંચ-પડતાલ કરીને પડીકું બંધાવ્યું હોય તો જરા સમું પડે.

બાગીના ગોબા

યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને બનેલી આ ફિલ્મમાં પહેલો સવાલ એ થાય કે આ ફિલ્મનું નામ ‘બાગી’ યાને કે બળવાખોર શા માટે રખાયું છે? ટાઇગરથી લઇને હિરોઇન શ્રદ્ધા કે ઇવન વિલન સુદ્ધાં અહીં બળવાખોર નથી. એ લોકો માત્ર પોતાને બાગી ગણાવે છે, બાકી બાગીવેડામાં ખપે એવું કશું એ લોકો કરતાં નથી. એકથી વધુ ફિલ્મોની ખીચડી કરવામાં એવું કાચું કપાયું છે કે ક્યાંય કશું જ કન્વિન્સિંગ લાગતું નથી. સડેલા જરીપુરાણા જોક્સ અને એવી જ તદ્દન ચપ્પટ જતી સુનીલ ગ્રોવર અને સંજય મિશ્રાની કોમેડી. બંને કોમેડી શૉમાંથી ભૂલા પડી ગયેલા કલાકારોની જેમ ગાંડા કાઢ્યા કરે છે. ક્યાંક આખા સીન જ બિનજરૂરી લાગે છે, તો ઠેકઠેકાણે બે દૃશ્યોની વચ્ચે થીગડાં મારેલાં દેખાઈ આવે છે. ઑરિજિનલ ફિલ્મ ‘રેઇડઃ રિડેમ્પ્શન’માં જે ખોફનો માહોલ હતો, તેવું અહીં ક્યાંય અનુભવાતું નથી. ખામી એક્ટિંગની ગણો કે રાઇટિંગની, પરંતુ શ્રદ્ધા અને ટાઇગરની લવસ્ટોરીમાં એકેય ઇમોશન આપણા સુધી પહોંચતું નથી. ફિલ્મમાં એ બંને જ્યારે મળે છે ત્યારે વરસાદ આવે છે, એ લોજિકથી તો બંનેને તાકીદે મહારાષ્ટ્રની કંડક્ટેડ ટૂર કરાવવી જોઇએ. લોજિકનાં ચશ્માંમાંથી જોઇએ તો મંગળ કરતાંય વધુ ખાડા આ ફિલ્મમાં દેખાય. જેમ કે, અંધ વ્યક્તિ ટેક્સી કઈ રીતે ચલાવી શકે? હાથ-પગ, હથોડા, ચાકુ-છરા, લાકડી બધાથી ઝઘડો, પણ પિસ્તોલ કેમ ન વાપરો ભઈ? લિસ્ટ લાંબું છે, જગ્યા ઓછી છે.

ટાઇગર સિવાયના રણકાર

આ ફિલ્મમાં ટાઇગરની મારફાડ ઍક્શન ઉપરાંત પણ જોવા જેવું તો છેજ. જેમ કે, કેરળનાં બૅકવૉટર્સનાં આંખને ઠંડક આપે એવાં લોકેશન. દરવર્ષે કેરળમાં યોજાતી દિલધડક સ્નૅક બોટ રેસ ‘વલ્લમ કલી’ હિન્દી ફિલ્મમાં ભાગ્યે જ જોવા મળી છે. એવું જ આપ
ણા સ્વદેશી માર્શલ આર્ટ કલરીપયટ્ટુનું છે. રૂંવાડા ઊભા કરી દે તેવા આ યુદ્ધકૌશલ્યને આપણા હિન્દી ફિલ્મમૅકરે હજી હાથ કેમ નથી લગાડ્યો તે જ આશ્ચર્ય છે. અહીં એ કલરીપયટ્ટુને પણ જોવા જેવું છે. જોકે કેરળ ફરી આવેલા વાચકોને ખ્યાલ હશે જ કે આ કળા શીખવતી શાળાનું ભોંયતળિયું વૂડન નહીં બલકે માટીનું હોય.

શ્રદ્ધા કપૂરના ચહેરા પર ક્યુટનેસનો સ્થાયી ભાવ છે. અહીં એ થોડી કૃત્રિમ લાગે છે, પણ તોય જોવી તો ગમે જ છે. આ ફિલ્મથી સુધીર બાબુ નામના ડૅશિંગ તેલુગુ એક્ટરની હિન્દીમાં એન્ટ્રી થઈ છે. ઓળખાણ કાઢીએ તો એ બીજા એક તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુના સાલેસાહબ થાય. હવે, ફિલ્મમાં હીરો કરતાં વિલન વધુ ડૅશિંગ હોય ત્યારે એ ફિલ્મના ભગવાન જ માલિક હોય.

આ ટાઇગર સફારી કરાય?

અરીસા સામે જોઇને તમારી જાતને સવાલ પૂછો કે તમને જૅકી ચૅન, બ્રુસ લી ટાઇપની ફાઇટિંગ ગમે? કેરળની ક્વિક કંડક્ટેડ ટુર કરવી ગમે? અઢી કલાક ટાઇગર શ્રોફને જોઈ શકો? તેની મહેનતને માન આપી શકો? શ્રદ્ધા કપૂરના ફોટા મોબાઇલમાં સેવ કરેલા છે? જો જવાબ ‘હા’માં હોય તો પૈસા ખર્ચીને ટાઢાબોળ થઈ આવો.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.