ન શમે વેર વેરથી

***

શેક્સપિયરની કૃતિને કાશ્મીરના વાઘા પહેરાવીને રજૂ કરાયેલી આ ફિલ્મ ક્લાસિક સિનેમાનું ઝળહળતું ઉદાહરણ છે.

***

haider-movie-hd-posterબહુ ઓછી એવી ફિલ્મો બનતી હોય છે જે સિનેમાની દૃષ્ટિએ એટલી સમૃદ્ધ હોય કે એક બાજુ બત્રીસે કોઠે આનંદ આપી જાય, તો સાથોસાથ આપણા મનને ખળભળાવી મૂકે, વિચારતા કરી મૂકે. વિશાલ ભારદ્વાજની શેક્સપિયરના નાટક ‘હેમલેટ’નું એડપ્ટેશન એવી ‘હૈદર’ આવી જ એક ફિલ્મ છે. સ્વાભાવિકપણે જ આ ફિલ્મ બધાને માફક આવે એવી નથી. સો કોલ્ડ, ‘૧૦૦ કરોડ ક્લબ’માં તો ક્યારેય સામેલ થઈ શકશે નહીં, પરંતુ કાળજે ટાઢક થાય એવી વાત એ છે કે આવી ફિલ્મો હજી પણ આપણે ત્યાં બને છે.

વેદનાનું વૈવિધ્ય

વાત છે ૧૯૯૫ના ત્રાસવાદગ્રસ્ત કાશ્મીરની. ગંભીર એપેન્ડિક્સથી પીડાતા એક આતંકવાદીને પોતાના ઘરે આશરો આપવા બદલ ડૉ. હિલાલ મીર (નરેન્દ્ર ઝા)ને ભારતીય આર્મી પકડીને લઈ જાય છે. આ રીતે ગાયબ થયેલા અને ક્યારેય પાછા ન ફરતા કાશ્મીરીઓમાં વધુ એકનો ઉમેરો થાય છે. આ સમાચાર સાંભળીને અલીગઢ ભણવા ગયેલો તેમનો પુત્ર હૈદર (શાહિદ કપૂર) પોતાને ગામ પાછો ફરે છે. પિતાના ગાયબ થવાની પીડા ઉપરાંત વધારે પીડા એને એ વાતે થાય છે કે એની મા ગઝાલા (તબ્બુ) એમના શૌહરના ગાયબ થવાનો માતમ મનાવવાને બદલે એના કાકા ખુર્રમ (કે. કે. મેનન)ની નજીક જઈ રહી છે.

પોતાની પ્રેમિકા આર્શિયા (શ્રદ્ધા કપૂર), જે પત્રકાર છે અને એક સિનિયર પોલીસ અધિકારી છે, તેની મદદથી હૈદર કાશ્મીરની ગલીએ ગલીમાં પિતાના સગડ શોધતો ફરે છે. ત્યાં જ એક રહસ્યમય વ્યક્તિ નામે રૂહદાર (ઈરફાન ખાન)ની એન્ટ્રી થાય છે અને એ શાહિદને મેસેજ આપે છે કે તારા પિતાને રિબાવી રિબાવીને મારી નખાયા છે. એટલું જ નહીં, એ માટે જવાબદાર હૈદરનો કાકો અને એમનો સગ્ગો ભાઈ ખુર્રમ (કે. કે. મેનન) જ છે. એટલે હૈદર (શાહિદ)ને એના મરહૂમ પિતાનો અધૂરો બદલો લેવાનું કામ સોંપાય છે. હવે ક્રોધથી સળગી રહેલા હૈદરને એ સમજાતું નથી કે એ કોનો વિશ્વાસ કરે અને કોનો નહીં. જે હોય તે, પણ પરિણામ લોહિયાળ આવે છે.

બારીક નકશીકામ

શેક્સપિયર પ્રેમી વિશાલ ભારદ્વાજ અને કાશ્મીરના હોનહાર સર્જક બશરત પીરે મળીને હૈદરની વાર્તાનું અત્યંત બારીક નકશીકામ કર્યું છે. જો આપણને કહેવામાં ન આવે કે આ મૂળ શેક્સપિયરની કૃતિ પરથી બનેલી ફિલ્મ છે, તો આપણા માન્યામાં જ ન આવે એટલી હદે તે ઓરિજિનલ બની છે. દરઅસલ આ ફિલ્મ એક કલાઇડોસ્કોપ જેવી છે. જેમ તમે એને ફેરવી ફેરવીને જોતા જાઓ, તેમ તેમ એમાં નવી નવી ભાત ઉપસતી જાય. વિશાલ ભારદ્વાજે હૈદરમાં કાશ્મીરનો એવો ચહેરો બતાવ્યો છે જે આપણે ક્યારેય જોવા માગતા નથી, કે આપણને બતાવવામાં પણ નથી આવતો. ભારત-પાકિસ્તાનની ઘંટીના બે પડ વચ્ચે પિસાતા કાશ્મીરીઓની વેદના મુઠ્ઠીભર ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર્સ કે લેખકો સુધી સીમિત રહી છે, તેને વિશાલ મેઇન સ્ટ્રીમમાં લાવ્યા છે.

આ ઉપરાંત ફિલ્મમાં મિલિટરીનો ક્રૂર પંજો, તેમાં પિસાતા કાશ્મીરીઓ, એ બધું જોઈ જોઈને ગેરમાર્ગે દોરવાતા ત્યાંના યુવાનો, પિસ્તોલથી લઇને કાલાશનિકોવ જેવાં રોજિંદી જિંદગીમાં સામેલ થઈ ગયેલાં હથિયારો, આખા કાશ્મીરને (અને પૂર્વીય ભારતનાં રાજ્યોને પણ) એક વિરાટ કેદખાનામાં બદલી નાખતો AFSPA (આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ) નામનો કાયદો, સતત માર ખાઈ ખાઈને બુઠ્ઠી થઈ ગયેલી ત્યાંના લોકોની સંવેદનાઓ અને એકેએક સીનમાંથી તાજા ઘાવમાંથી ટપકતી હોય એમ નીતરતી વેદના. વળી, તમે ફિલ્મના કલાઇડોસ્કોપને ફેરવી ફેરવીને જુઓ તો સૌથી પહેલા દેખાય એકદમ ઑથેન્ટિક કાશ્મીર. ત્યાંના સ્વર્ગ જેવા ખૂબસૂરત બર્ફીલા લેન્ડસ્કેપ, મોંમાંથી નીકળતી વરાળ, લગ્નથી લઇને દફનવિધિ સુધીની રસમો, ત્યાંનું સંગીત-વાદ્યો, ચિનારનાં વૃક્ષો, દલ લેક, શિકારાવાળું કાશ્મીર. પછી સહેજ વધારે ફેરવતાં જઇએ એટલે શાહિદનું એની મા તબ્બુ પ્રત્યેનું આકર્ષણ (ઈડિપસ કોમ્પલેક્સ), સત્તા લાલસા, દગાખોરી, નિર્દોષ પ્રેમ, બદલો-વેરભાવના, ક્ષમા, હિંસાથી લઇને ગાંધીજી, ઓશો રજનીશ, ફૈઝ અહમદ ફૈઝ, મેહદી હસન, કાશ્મીરી સર્જક અખ્તર મોહિનુદ્દીન વગેરે બધું પણ દેખાતું જાય.

વિશાલ ભારદ્વાજે લખેલા હૈયા સોંસરવા ઊતરી જાય એવા સંવાદોની પણ નોંધ લીધા વગર ચાલે એવું નથી. જરા ટેસ્ટ કરો, ‘પૂરા કશ્મીર એક કૈદખાના હૈ’; ‘કશ્મીર મેં ઉપર ખુદા હૈ, નીચે ફૌજ’, ‘જબ તક હમ અપને ઈન્તકામ (વેરભાવના) સે આઝાદ નહીં હોતે, તબ તક હમેં આઝાદી નહીં મિલતી.’

પડદાની પેલે પાર

આ ફિલ્મનું કાશ્મીરના કેસર નાખેલા કાવા જેવું છે, અફલાતૂન હોવા છતાં બધા લોકોને ન ભાવે. એક તો મૂળ વાર્તાને વફાદાર રહેવામાં ફિલ્મ ૧૬૨ મિનિટ જેટલી લાંબી થઈ ગઈ છે. ઉપરથી શરાબના નશાની જેમ ધીમે ધીમે ચડતી આ ફિલ્મની ગતિ રેગ્યુલર ધૂમધડાકા ફિલ્મ જોનારાઓને અકળાવી મૂકે એવી છે. પરંતુ હા, એક વાર તમે તેનાં પાત્રો સાથે એકરસ થઈ જાઓ, પછી દલ લેકમાં ફરતા શિકારાઓની જેમ તેમાં વહેતા જ જાઓ. વિશાલ ભારદ્વાજે સતત એટલી પીડા વહાવ્યે રાખી છે કે હળવાશનો કોઈ સ્કોપ જ રખાયો નથી. એટલે ફિલ્મ ભારેખમ પણ ખાસ્સી બની ગઈ છે. અને સૌથી અગત્યનું, ભારતની પોલીસ અને આર્મીનો આવો વિકરાળ ચહેરો આપણે લગભગ ક્યારેય જોયો જ નથી. એટલે કાશ્મીર અને સૈન્યનો રેગ્યુલર હીરો સ્ટાઇલનો ચહેરો જોવા ટેવાયેલા લોકો આવું સ્વીકારી જ ન શકે તેવી પૂરી શક્યતા છે. ખરેખર તો આ પ્રકારનાં દૃશ્યો આપણા સેન્સર બોર્ડમાંથી પાસ થઈ ગયા એ જ એક મોટું આશ્ચર્ય છે! કોઇને ભારતીય આર્મીનું આવું ચિત્રણ એકપક્ષીય પણ લાગી શકે.

ફિલ્મના લગભગ બધા જ કલાકારો પાસેથી વિશાલે એકદમ પાવરપેક્ટ અભિનય કરાવ્યો છે. પરંતુ શાહિદ અને ખાસ કરીને તબ્બુની અદાકારી તો કાળજું વીંધીને આરપાર નીકળી જાય એટલી ધારદાર છે. ઈરફાન ખાનની અને કે. કે. મેનનની એક્ટિંગ તો દર વખતની જેમ લાજવાબ હોવાની જ! આ ફિલ્મમાં કરુણ રસની સાથોસાથ ભયાનક રસ પણ સતત વહેતો રહે છે. શાહિદ કપૂરના બળેલા ઘરનો કાટમાળ હોય, તબ્બુ અને શાહિદની આંખોના કોન્ટેક્ટ લેન્સ હોય, ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, ઠંડા કલેજે નિર્દોષો પર ગુજારાતા અત્યાચાર હોય કે કબર ખોદનારાઓની વાતો તથા એમનું ગુલઝારે લખેલું ગીત ‘સો જાઓ’ હોય, આ બધું એટલું બિહામણું ભાસે છે કે ભયથી આપણાં રૂંવાડા ઊભા કરી દે છે.

હૈદરનાં ગીતોમાં ફૈઝ અહમદ ફૈઝ તથા ગુલઝારની કલમનો બખૂબી ઉપયોગ કરાયો છે. વિશાલ ભારદ્વાજે પોતે એવું મ્યુઝિક કમ્પોઝ કર્યું છે કે એકેય ગીત વધારાનું કે પરાણે ઘુસાડેલું હોય એવું લાગતું નથી. એમાંય ‘બિસમિલ બિસમિલ’ ગીતની કોરિયોગ્રાફી માટે તો વિશાલે ખાસ નોર્વેથી કોરિયોગ્રાફર બોલાવેલા. આખી ફિલ્મને એક મહાકાવ્યની અને ક્યાંક ક્યાંક ડોક્યુડ્રામા ફીલ આપતી પંકજ કુમારની સિનેમેટોગ્રાફીનો પણ ઉલ્લેખ કરવો પડે. વિશાલ ભારદ્વાજે ફિલ્મની વચ્ચે વચ્ચે સળગતા કાશ્મીરનાં ઓરિજિનલ દૃશ્યો પણ ઉમેર્યાં છે. હૈદરમાં વીડિયો લાઇબ્રેરી ચલાવતાં બે પાત્રો સલમાન ખાનના ફેન્સ છે. એમનાં નામ પણ સલમાન અને સલમાન છે. પરંતુ જે રીતે ફિલ્મમાં સલમાન ખાનની ફિલ્મો, એનાં ગીતો, સંવાદોનો ઉપયોગ કરાયો છે, એ જોઇને સલમાન ખાનના ફેન્સ તો અકળાઈ જવાના!

ચાલો, વ્યથાનાં વીતક જોવાં

જે લોકો માત્ર મનોરંજન માટે કે ટાઇમપાસ કરવા ખાતર ફિલ્મો જોતા હોય તે લોકો આ ફિલ્મથી દૂર રહે તે ઈચ્છનીય છે. પરંતુ જેમને ખરેખર કશું અર્થપૂર્ણ જોવું હોય એમણે આ ફિલ્મ અવશ્ય જોવી જ જોઇએ. હા એક ટિપ, શેક્સપિયરની હેમલેટ જેમણે વાંચી હશે એમને આ ફિલ્મ જોવાની વધારે મજા પડશે. એવું ન હોય અને એટલિસ્ટ ઈન્ટરનેટ પરથી મૂળ હેમલેટની વાર્તા વાંચીને ગયા હોઇએ તો એ વાર્તાને વિશાલ ભારદ્વાજે કેવી ખૂબીપૂર્વક કાશ્મીરમાં ઢાળી છે એ જોવાની મજાનો ગુણાકાર થશે.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

P.S. ફિલ્મમાં અરિજિત સિંઘના કંઠે ગવાયેલી ગઝલ ‘ગુલોં મેં રંગ ભરે’નું મેહદી હસને ગાયેલું ઑરિજિનલ વર્ઝન સાંભળવું હોય તો આ રહ્યુંઃ

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a comment