ગોલમાલ અગેઇન

કુછ ભી ચલેગા

***

આ બાલિશ ફિલ્મમાં પણ હસવું જ હોય તો તમને કોણ રોકી શકવાનું છે?!

***

રેટિંગઃ ** (બે સ્ટાર)

***

golmal-again-2દિવાળીના દિવસોમાં આપણે ત્યાં ફૂડ સેફ્ટી ખાતું અચાનક હાઇપર એક્ટિવ મોડમાં આવી જાય છે. મીઠાઇની દુકાનો અને રેસ્ટોરાંમાં દરોડા પડે, ભેળસેળિયા વાનગીઓનાં સેમ્પલ એકઠા કરવામાં આવે અને અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આવી વાનગીઓ ઝાપટનારા લોકોને એનાથી કશો જ ફરક પડતો નથી. એમને માવા, ચીઝ, પનીરના નામે કુછ ભી ખવડાવી દો, એ લોકો બડે આરામ સે ખાઈ જશે. દિવાળીના ટાઇમે રિલીઝ થતી ‘ગોલમાલ અગેઇન’ જેવી ફિલ્મોનું પણ એવું જ છે. લોકો માત્ર એટલું જ પૂછશે, ‘કોમેડી છે?’ ‘નંગુપંગુ જોક્સ તો નથી ને?’ ‘લાવો ત્યારે, આપો દસ ટિકિટ!’

ભૂતિયાપા

ફોર અ ચૅન્જ રોહિત શેટ્ટીની આ ફિલ્મ ગોવાને બદલે ઊટીમાં આકાર લે છે (જોકે આ રોહિત શેટ્ટીનું ઊટી છે, એટલે ત્યાં જઇને ખૂણેખૂણો ફેંદી મારશો તોય તમને આ ફિલ્મ જેવું ઊટી તો નહીં જ દેખાય). બી. આર. ચોપરાના ‘મહાભારત’માં હરીશ ભીમાણીએ ‘સમય’ તરીકે જેટલી કોમેન્ટરી કરેલી, એના કરતાં સહેજ જ ઓછી કોમેન્ટરીમાં તબુ આપણને કહે છે કે ઊટીના અનાથાશ્રમમાં પાંચ બાળકો ઊછરીને મોટાં થયાં છે અને હવે અલગ અલગ ટીમો પાડીને બિલ્ડર લોકો માટે જમીનો ખાલી કરાવવાનું કામ કરે છે. તે ગેંગમાં એક છે ‘અંગુલિમાલ’ અજય દેવગણ (સ્પેલિંગ પ્રમાણે ‘દેવજ્ઞ’), અલગ અલગ ઍન્ગલથી આશ્ચર્ય પામતો રહેતો અર્શદ વારસી, જીભને ઊટીનું સાઇટસીઇંગ કરાવતો રહેતો શ્રેયસ તળપદે, માત્ર ‘ગોલમાલ’ સિરીઝની ફિલ્મોમાં અને સૈફના ઘરના પ્રસંગોએ જ દેખાતો કુણાલ ખેમુ અને ગોવિંદા પછી ‘અ આ ઈ’ની ભાષા બોલતો એકમાત્ર એક્ટર(?) તુષાર કપૂર. હજી આમાં ડુંગર પર ડંગરી પહેરીને ફરતી થાકેલી પરિણીતી ચોપરા, પાર્ટ ટાઇમમાં વોઇસ ઓવર આપતી તબુ અને અન્ય અડધો ડઝન કલાકારોનો પણ સમાવેશ થાય છે. એક મોત આ બધાં રખડતાં પાત્રોને એક છત નીચે લાવે છે. ત્યાં ખબર પડે છે કે એ મોતની પાછળ હત્યા અને એક ભટકતી આત્માનો ઍન્ગલ પણ છે.

ચાલો, ભૂત ભૂત રમીએ

આરોપીઓ ધરપકડથી બચવા આગોતરા જામીન મેળવી લે છે, એ જ રીતે રોહિત શેટ્ટીએ પણ ‘ઇસ દિવાલી, લોજિક નહીં, સિર્ફ મેજિક’ જેવી ટૅગલાઇન લખીને આગોતરા મેળવી લીધા છે. એ પછી એમને હસાવવાના નામે કુછ ભી ઠપકારવાની છૂટ મળી જાય છે. માત્ર ટાઇમપાસાર્થે આવેલા લોકોના ખિખિયાટા ઉઘરાવી લે એટલે સર્કિટ પૂરી પણ થઈ જાય છે (આમેય ભેળસેળિયા હવા, પાણી, ખોરાક, રાજકારણીઓ બધું જ પચાવી જતી ઑડિયન્સને બીજું શું જોઇએ, હેં?).

એક્ચ્યુઅલી, રોહિત શેટ્ટીએ અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતાં પાંચેક પાત્રો સફળતાપૂર્વક ડેવલપ કરેલાં. હવે એ એમને લઇને કુછ ભી રિમિક્સ ખીચડી પકાવ્યા કરે છે. આ સિરીઝની ફિલ્મોની મજા એ છે કે તેની દરેક લેટેસ્ટ રિલીઝને ‘અગાઉની ફિલ્મો કરતાં સારી’નું બિરુદ આપી શકાય છે! અત્યાર સુધીની તમામ ગોલમાલ ફિલ્મો ઉછીની સ્ટોરી પર આધારિત હતી (‘ગોલમાલ-1’ ગુજરાતી નાટક ‘અફલાતૂન’, ‘ગોલમાલ-2’ કિરણ કુમાર સ્ટારર ‘આજ કી તાઝા ખબર’, ‘ગોલમાલ-3’ જૂની હિંદી ફિલ્મ ‘ખટ્ટામીઠા’). હવે આ લેટેસ્ટ ફિલ્મ શેના પર આધારિત છે તેનો પુરાવો ન મળે ત્યાં સુધી તેને ઑરિજિનલ માનવામાં આવી રહી છે. પરંતુ એવું કહી શકાય કે આ ફિલ્મ કંઇક અંશે ‘ગોલમાલ’+‘એન્ટરટેનમેન્ટ’+‘ફિલ્લૌરી’ ટાઇપની ચાઇનીઝ ભેળ જેવું કંઇક છે.

ઑડિયન્સના IQને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઇને હસાવવા માટે રોહિત શેટ્ટી અને લેખકોએ દરેક પાત્રને અલાયદાં સિટકોમ ટાઇપની પર્સનાલિટી આપી દીધી છે. કોઈ આંગળી મરોડે, કોઈ ‘ઉં..આં’માં બોલે, કોઈ વારેવારે ભૂલીને ગાંડા કાઢવા માંડે, કોઈ જીભના વિશિષ્ટ મરોડ થકી ફની ઉચ્ચારો કાઢે વગેરે. બાકી જ્યાં કોમેડીનો મસાલો ઓછો પડતો લાગે ત્યાં ‘જોડકણાં સમ્રાટ’ રાઇટર બેલડી સાજિદ-ફરહાદને કામે લગાડવામાં આવે. જે આવા ‘સાંભાર હૈ તૌ ચટની હૈ, ઝ્યાદા ફૈલોગે તો પેન્ટ ફટની હૈ’, ‘નકલી ભૂતોં કે રામ ગોપાલ વર્મા, ચૂહોં કે જિમી શેરગિલ, ભૂતનિયોં કી બિપાશા બસુ’, ‘વાસ્તા… સડા હુઆ પાસ્તા’, ‘કલ્ટી નહીં, મૈં તો આજ-ટી પીઉંગા…’ ટાઇપની લાઇન્સનું એસેમ્બલી લાઇન પ્રોડક્શન કરી દે છે. આ લાઇનોને ફાસ્ટફૂડ પરના ચીઝની જેમ ભભરાવીને કામ ચલાવવામાં આવે છે.

હજી આ ઑલરેડી ક્રાઉડેડ ફિલ્મમાં ગિર્દી કરવા માટે અન્ય કલાકારો પણ ઠાંસવામાં આવ્યા છે. જેમ કે, પોતે હજી સ્ક્રિપ્ટ વિના પણ હસાવી શકે છે તેની ખાતરી કરાવતો જ્હોની લીવર, હું સિરિયસ એક્ટિંગ માત્ર સાઉથની ફિલ્મોમાં જ કરીશ (અને હિન્દીમાં તો ઑવરએક્ટિંગ જ કરીશ) એવી પ્રતિજ્ઞા લઇને આવેલો પ્રકાશ રાજ, વિશ્વનો એકમાત્ર ઇચ્છાધારી સાપ વ્રજેશ હિરજી, એક ‘મસાન’ એક ‘આંખો દેખી’ની સામે હું દસ ‘ગોલમાલ’ કરીશ એવી થિયરીમાં માનતા સંજય મિશ્રા, ‘મારે જેટલી એક્ટિંગ કરવાની હતી એ મેં પ્રકાશ ઝાની ફિલ્મોમાં કરી લીધી’ એવું સાબિત કરતો ‘વસૂલી ભાઈ’ મુકેશ તિવારી, ‘ગેમ ઑફ થ્રોન્સ’ને બદલે સુરજ બડજાત્યાની ફિલ્મોમાં પોતાનું ટેલેન્ટ પ્રદર્શિત કરનારો ત્રિનામધારી નીલ નીતિન મુકેશ, સરકારી આંખની હૉસ્પિટલમાંથી ચોરેલાં ડાર્ક ચશ્માં પહેરીને ફરતા સચિન ખેડેકર… સહિતના એટલા બધા કલાકારો છે કે ‘ગોલમાલ ઇલેવન’ વર્સસ ‘વર્લ્ડ ઇલેવન’ની મૅચ રમાડો તો ચિયર લીડર્સ અને ઑડિયન્સ સહિતના લોકો ભેગા થઈ જાય!

આમ તો લોજિક વાપરવાની મનાઈ છે, તેમ છતાં ભૂલથીયે સહેજ લોજિક વપરાઈ જાય તો ખ્યાલ આવે કે બદલો લોવા માટે ભટકતી પ્રેતાત્માએ ધાર્યું હોત તો તે પાંચેક મિનિટમાં જ વિલનલોગ અને ફિલ્મનો ખેલ ખતમ કરી ચૂકી હોત. પરંતુ એવું થાય તો આ ઑવરક્રાઉડેડ ફિલ્મનું શું થાય? વળી, આ ફિલ્મની ભટકતી પ્રેતાત્મા પણ ગજબ છે. તે ગુજરાતના ‘વિકાસ’ની જેમ માત્ર ‘જુબાં કેસરી’ ધરાવતા લોકોને જ દેખાય છે, બાકીના લોકો માટે તે સાબિતી વિના જ સ્વીકારી લેવાનો પ્રમેય બનીને રહી જાય છે. એક સીનમાં અજય દેવગણને ડરાવવા માટે બાકીના કલાકારો અમેરિકાના રાઇટ વિંગ એક્સ્ટ્રીમિસ્ટ ભાંગફોડિયા ગ્રૂપ ‘કુ ક્લક્સ ક્લાન’નો કોશ્ચ્યુમ પહેરીને આવે છે, જે ઑફેન્ડિંગ બની શકે, લેકિન નો. કારણ? આગોતરા જામીન! આમ તો રોહિત શેટ્ટી પોતે પણ અલગ પ્રકારનો ‘એક્સ્ટ્રીમિસ્ટ’ જ છે. એની આ ફિલ્મમાં (પણ) બધું એક્સ્ટ્રીમ જ છે. એશિયન પેઇન્ટ્સના શૅડકાર્ડ કરતાં પણ વધુ એક્સ્ટ્રીમ રંગો, એક્સ્ટ્રીમલી લાઉડ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, એક્સ્ટ્રીમલી ભંગાર રીતે રિમિક્સ કરાયેલાં ‘આતે જાતે’ અને ‘નીંદ ચુરાઈ મેરી’ જેવાં સોંગ્સ, એક્સ્ટ્રીમ ઑવરએક્ટિંગ અને અઢી કલાક ઉપરની ફિલ્મની એક્સ્ટ્રીમલી લોંગ લોંગર લોંગેસ્ટ લંબાઈ.

રોહિત શેટ્ટીની આ ફિલ્મ ખાસ્સી સેલ્ફ અવૅર પણ છે. એટલે કે તેમાં રિયલ લાઇફનાં, પોતે જે ભવાડા કરે છે તેનાં એક્ચ્યુઅલ રેફરન્સ પણ આવતા રહે. જેમ કે, અજય દેવગણ ‘સિંઘમ’ની સ્ટાઇલો મારે અને બીજા કલાકારો એને રોકે, અજય પરિણીતી પાછળ લટ્ટુ થાય ત્યારે બાકીના કલાકારો એના ઍજ ડિફરન્સને દર્શાવવા માટે ‘ફાધર+ફિગર-‘ચીની કમ’’ના જોક્સ મારે, અજય દેવગણ પોતાની જૂની ફિલ્મોની જેમ બે કાર પર ઊભો રહીને એન્ટ્રી મારે, ટાઇટલ સોંગમાં ખુદ રોહિત શેટ્ટી કાર ડ્રાઇવ કરતો હોય, નાના પાટેકરના જોક્સ+મિમિક્રી આવે… મીન્સ એ લોકોને ખબર છે કે તેઓ માત્ર ટાઇમપાસ મનોરંજન જ પીરસી રહ્યા છે. એટલે આપણે પણ ઝાઝા ઇમોશનલ થવાની જરૂર નથી. કેમ કે, બડી બેશર્મીથી પ્રોડ્યુસર લોકોએ ફિલ્મમાં ‘ઇન્ટેક્સ’, ‘ફિનોલેક્સ’, ‘બ્રાઇટ આઉટડૉર લાઇટ્સ’, ‘ચિંગ્સ સિક્રેટ’, ‘પેટીએમ’, ‘ક્વૉલિટી વૉલ્સ આઇસક્રીમ’, ‘બીઇંગ હ્યુમન બાઇસિકલ્સ’ વગેરેની આપણા માથા પર વાગે એ રીતે જાહેરખબરો લઈ લીધી છે. યાને કે ફિલ્મનો ખર્ચો નીકળી ચૂક્યો છે, આપણે તો બસ તેમને નફો જ કરાવી રહ્યા છીએ!

વ્હોટ્સ યૉર IQ?

એક્ચ્યુઅલી, ‘ગોલમાલ સિરીઝ’ હવે ‘સિક્વલ ફટીગ’થી પીડાવા લાગી છે. તેનાં પાત્રો શું કરશે તે આપણને ખબર જ છે, એટલે એમની હરકતો આપણને હસાવતી નથી. છતાં રોહિત શેટ્ટીની આ ‘બાળફિલ્મ’માં હસવું જ છે એવું નક્કી કરીને ગયા હો તો છૂટક છૂટક દૃશ્યોમાં હસવું આવી શકે. પરંતુ ગંભીરતાથી વિચારીએ તો સમજાય છે કે ઑડિયન્સ તરીકે આપણે વધુ સારી અને મૅચ્યોર કોમેડી ફિલ્મો મેળવવાને હદકાર છીએ, સાવ આવી ફૂવડ, ચાઇલ્ડિશ, ઇમ્મૅચ્યોર ફિલ્મો નહીં. ‘ગોલમાલ અગેઇન’ને અંતે દર્શાવાતી ગૅગ રીલ પત્યા પછી રોહિત શેટ્ટી અને એમની ટીમ જે આત્મવિશ્વાસથી ‘સી યુ સૂન’નું પાટિયું બતાડે છે એ જોતાં ભવિષ્યમાં એ ‘ગોલમાલ વન્સ અગેઇન’, ‘ગોલમાલ વન મોર ટાઇમ’ કે ‘ગોલમાલ ઇન્ફિનિટી’ લઇને આવશે જ!

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

દૃશ્યમ

આંખે દેખ્યું જૂઠ

***

તમારા નખની વસ્તી ઓછી કરી દે, હૃદયના ધબકારા વધારી દે, એવી આ અફલાતૂન સસ્પેન્સ થ્રિલર ફિલ્મ કોઇપણ ભોગે ચૂકવા જેવી નથી.

***

drishyamposter‘બાહુબલિ’ની ગગનચુંબી સફળતાએ સાબિત કરી આપ્યું કે એક એકથી ચડિયાતી ફિલ્મો બનાવવામાં દક્ષિણ ભારતનો ફિલ્મ ઉદ્યોગ આપણા બૉલીવુડ કરતાં દસ ડગલાં આગળ છે. તેમાં વધુ એક ઉમેરો છે ‘દૃશ્યમ.’ વાતના છેડા છેક જપાનમાં અડે છે. ૨૦૦૫માં જપાનમાં ‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ X’ નામની થ્રિલર નવલકથા એવી સુપરહિટ થઈ કે તેની વીસ લાખથીયે વધુ નકલો વેચાઈ ગઈ. તેના પરથી જપાનમાં જ ‘સસ્પેક્ટ X’ નામની ફિલ્મ બની. તેના પરથી ૨૦૧૨માં દક્ષિણ કોરિયામાં ‘પર્ફેક્ટ નંબર’ નામે ફિલ્મ બની. એ પછી વારો આવ્યો ભારતનો. મૂળ વાર્તા પરથી પ્રેરણા લઇને કેરળના ટેલેન્ટેડ ફિલ્મમેકર જીતુ જોસેફે સુપરસ્ટાર મોહનલાલને લઇને ૨૦૧૩માં ‘દૃશ્યમ’ નામે ફિલ્મ બનાવી. મલયાલમ ફિલ્મોના ઇતિહાસમાં સૌથી વધુ સફળ ફિલ્મોની યાદીમા સ્થાન પામનારી એ ફિલ્મ પછી તો બધી દક્ષિણ ભારતીય ભાષાઓમાં બની. હવે છેક હિન્દીમાં નિશિકાંત કામતે અજય દેવગણ-તબ્બુ-શ્રિયા સરનને લઇને એ જ ‘દૃશ્યમ’ નામથી તેની વધુ એક રિમેક બનાવી છે. બિલોરી કાચ લઇને જોઇએ તો દેખાતા અમુક વાંધાવચકાને બાદ કરતાં આ ફિલ્મ એક અફલાતૂન સસ્પેન્સ થ્રિલર છે, તેમાં કોઈ બેમત નથી.

સચ, જૂઠ અને સાબિતી

વિજય સાળગાંવકર (અજય દેવગણ) ગોવામાં કૅબલ સર્વિસ ચલાવે છે. પ્રેમાળ પત્ની નંદિની (શ્રિયા સરન) અને બે દીકરીઓનો સ્નેહના મજબૂત તાંતણે બંધાયેલો એનો પરિવાર. માંડ ચાર ચોપડી ભણેલા વિજયનો એક ગાંડો શોખ છે, ફિલ્મો જોવાનો. ફિલ્મો જોઈ જોઇને એનું દિમાગ એસીપી પ્રદ્યુમ્ન કરતાં પણ વધારે તેજ થઈ ગયું છે. હવે કરમનું કરવું ને ગોવાના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ મીરાં દેશમુખ (તબ્બુ)નો જુવાન દીકરો ગાયબ થઈ જાય છે. એને ગાયબ કરવાનું આળ આવે છે આ વિજય સાળગાંવકર પર. હવે સવાલ એ છે કે શું ભગવાનના માણસ જેવો દિલેર અને બચરવાળ માણસનું એ કૅસ સાથે કોઈ જોડાણ હોઈ શકે ખરું? અને આમેય કાનૂન તો સબૂત માગે ને? એ સબૂત એટલે કે પુરાવા મળશે ખરા? સવાલો ઘણા છે, જવાબ એક જ છે, ફિલ્મ પોતે.

કિલર થ્રિલર

ફિલ્મ જોતાં જોતાં ભેજાનું દહીં થઈ જાય એવી વાર્તાઓ કહેવાની એક પૅટર્ન હોય છે. શરૂઆતમાં એક ક્રાઇમ થઈ જાય અને બાકીની ફિલ્મ તેના ફોલોઅપ તરીકે આગળ વધ્યા કરે. જ્યારે આ ‘દૃશ્યમ્’નું કામકાજ એના કરતાં ઊંધું છે. શરૂઆતમાં ખાસ્સા પોણો કલાક સુધી આપણને મસ્ત ગોવાદર્શન કરાવવામાં આવે. વિજય સાળગાંવકરની નાનકડી પણ મીઠડી દુનિયા બતાવાય. એનો પરિવાર, એના મિત્રો, કરપ્ટ પોલીસવાળા સાથે એની નોંકઝોંક, એના કૅબલ સર્વિસના આસિસ્ટન્ટ સાથે એની હળવી માથાકૂટો… આપણને થાય કે આ શું ટાઇમની બરબાદી કરે છે? ઝટ મુદ્દા પર આવોને. પરંતુ જેવી એક ઘટના બને કે તરત જ ફિલ્મ સીધી ચોથા ગિયરમાં આવી જાય. એટલું જ નહીં, છેક છેલ્લી ઘડીએ આખા સસ્પેન્સનું પડીકું ખૂલે, ત્યારે આપણા દિમાગમાં અચાનક હેલોજન લેમ્પનો ઉજાસ પથરાઈ જાય કે ભઈ, શરૂઆતમાં આપણને જ્યાં સુસ્તી લાગતી હતી ત્યાં તો કેટલીયે વાતોનાં રહસ્ય છુપાયેલાં હતાં.

ફ્રાન્સમાં રૉબર્ટ બ્રેસોં નામના એક ફિલ્મમૅકર થઈ ગયા. આપણે આપણા હૃદયના ધબકારા સાંભળી શકીએ એવી થ્રિલ ઊભી કરવામાં એમની માસ્ટરી. એમની એક કોમન થીમ એ રહેતી કે વાર્તામાં શું થયું, કોણે કર્યું એ નહીં, પણ કેવી રીતે કરશે એ પ્રશ્ન હવામાં લટકતો રહેતો. બસ, આ ‘દૃશ્યમ’ એવી જ છે. અહીં જે કંઈ બને છે એ બધું જ તમારી સામે છે. છતાં તદ્દન અશક્ય લાગતી એક સ્થિતિમાંથી માણસ કેવી રીતે નીકળી શકે છે એમાં જ બધો રોમાંચ સમાયેલો છે. ખાસ કરીને ઇન્ટરવલ પછી ફિલ્મ એ હદે તમને જકડી લે છે કે દર થોડીવારે તમને છાતીમાં થડકારો થાય કે, ‘હે મા, માતાજી. હવે તો ગયા.’

બહુ ઓછી એવી ફિલ્મો હોય છે, જે થિયેટરમાંથી બહાર નીકળ્યા પછીયે તમારી સાથે રહે. ‘દૃશ્યમ’ તેમાંની એક છે. કલાકો સુધી તમે વિચાર્યા કરો કે પેલાનું શું થયું? ફલાણાનું તેમ શા માટે ન થયું? ઘણા એવીયે ફરિયાદો કરશે કે અજય દેવગણ ફેમિલી મેન છે તો પત્ની અને બે દીકરીઓને એકલાં મૂકીને રાતોની રાતો પોતાની કૅબલની ઑફિસમાં જ કેમ પડ્યો રહે છે? ફિલ્મનો પહેલો ટર્નિંગ પોઇન્ટ જ્યાં આવે છે તે સીન પૂરતો કન્વિન્સિંગ લાગતો નથી. ઉપરથી જે લોકો તેનું ઑરિજિનલ મલયાલમ વર્ઝન જોઇને બેઠા છે, તેઓ અભિનેતા મોહનલાલ (તબ્બુવાળી એમની ‘સઝા-એ-કાલાપાની’ યાદ છેને?)ના નામનો જ જયજયકાર બોલાવશે. કાયદાનાં ચશ્માં પહેરીને ફિલ્મ જોઇએ તો લાગે કે આ તો ખોટું છે યાર. તેમ છતાં તમે છેક સુધી કોનો પક્ષ લેવો તે નક્કી ન કરી શકો, તે આ ફિલ્મની સફળતા છે. ઊલટું, તમે જ્યારે એક નખશિખ થ્રિલર જોયાના સંતોષ સાથે સિનેમા હૉલની બહાર નીકળો ત્યારે તમને એવોય વિચાર આવે કે શરૂઆતમાં જે વિગતો સાવ ધીમી, બોરિંગ અને સામાન્ય જણાતી હતી, તેમાં જ ઘણાં બધાં રહસ્યો છુપાયેલાં હતાં. એ વિગતો રિકૉલ કરવા માટે તમે ફરી પાછી એકવાર ફિલ્મ જોવાનું નક્કી કરી લો.

અંગ્રેજીમાં ‘મૅક-બિલિવ’ નામનો એક શબ્દપ્રયોગ છે. જ્યારે આપણી આંખો સામે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય કે સત્ય અને છળ વચ્ચે તફાવત કરવો જ અશક્ય બની જાય. આ પ્રકારની થીમ ધરાવતી ‘કત્લ’ (સંજીવ કુમાર), ‘ડાયલ એમ ફોર મર્ડર’ (અલ્ફ્રેડ હિચકોક), ‘ધ પ્રેસ્ટિજ’ (ક્રિસ્ટોફર નોલાન), ‘નાઉ યુ સી મી’, ‘યુઝવલ સસ્પેક્ટ્સ’ (હિન્દીમાં ‘ચોકલેટ’), ‘જ્હોની ગદ્દાર’ વગેરે ક્લાસિક ફિલ્મો આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. આ હિન્દી ‘દૃશ્યમ’ એટલી મહાન છે કે નહીં તે વિશે મતભેદ હોઈ શકે, પરંતુ તેને આ કેટેગરીમાં મૂકી શકાય તે નિઃશંક વાત છે. આ લિસ્ટમાં અજય દેવગણની જ ૨૦૦૨માં આવેલી હૉલીવુડની ‘પ્રાઇમલ ફિઅર’થી પ્રેરિત ફિલ્મ ‘દીવાનગી’નો પણ સમાવેશ કરી શકાય.

શુભસ્ય શીઘ્રમ દૃશ્યમ

જો પાણીમાંથી પોરા કાઢવા બેસીએ તો ફિલ્મની ધીમી શરૂઆત અને એનર્જી વિનાની એક્ટિંગથી લઇને ગુલઝાર-વિશાલ ભારદ્વાજનાં બે ઠીકઠાક પરંતુ અહીં તદ્દન વણજોઇતાં ગીતો, અજય દેવગણની ઓછી ઇમોશનલ અપીલ, ઇન્સ્પેક્ટર જનરલ તરીકે ઓછી ટફ લાગતી તબ્બુ, વેડફાયેલા રજત કપૂર, ૧૬૩ મિનિટની લંબાઈ વગેરે ઢગલો મુદ્દા મળી શકે. પરંતુ સામે બોચીએથી પકડી લેતું સૅકન્ડ હાફનું ગજબનાક થ્રિલ, કોઈપણ બીબાંઢાળ થ્રિલર ફિલ્મથી અલગ એકદમ ફ્રેશ વાર્તા, ધીમે ધીમે અનફોલ્ડ થતું સત્ય, સબ ઇન્સ્પેક્ટર ગાયતોંડે બનતા એક્ટર કમલેશ સાવંત પર તમને ચડતી દાઝ, તરત જ ટિકિટ કઢાવી લેવાનું મન થાય તેવું (‘મસાન’ ફેમ) અવિનાશ અરુણે ઝીલેલું લીલુંછમ ગોવા જેવા અઢળક પ્લસ પોઇન્ટ્સ પણ દેખાઈ આવશે. સો વાતની એક વાત, વહેલી તકે પર્ફેક્ટ ‘ફેમિલી થ્રિલર’ એવી ‘દૃશ્યમ’ જોઈ આવો. શક્ય હોય, તો ઑરિજિનલ મલયાલમ ‘દૃશ્યમ’ જોશો તો થ્રિલનો ગુણાકાર પણ થશે. સાથોસાથ એ વાતની પ્રતીતિ પણ થશે કે અલ્ટિમેટલી તો ‘સ્ટાર પાવર’ કરતાં ‘સ્ટોરી પાવર’ વધારે મહાન હોય છે.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

હૈદર

ન શમે વેર વેરથી

***

શેક્સપિયરની કૃતિને કાશ્મીરના વાઘા પહેરાવીને રજૂ કરાયેલી આ ફિલ્મ ક્લાસિક સિનેમાનું ઝળહળતું ઉદાહરણ છે.

***

haider-movie-hd-posterબહુ ઓછી એવી ફિલ્મો બનતી હોય છે જે સિનેમાની દૃષ્ટિએ એટલી સમૃદ્ધ હોય કે એક બાજુ બત્રીસે કોઠે આનંદ આપી જાય, તો સાથોસાથ આપણા મનને ખળભળાવી મૂકે, વિચારતા કરી મૂકે. વિશાલ ભારદ્વાજની શેક્સપિયરના નાટક ‘હેમલેટ’નું એડપ્ટેશન એવી ‘હૈદર’ આવી જ એક ફિલ્મ છે. સ્વાભાવિકપણે જ આ ફિલ્મ બધાને માફક આવે એવી નથી. સો કોલ્ડ, ‘૧૦૦ કરોડ ક્લબ’માં તો ક્યારેય સામેલ થઈ શકશે નહીં, પરંતુ કાળજે ટાઢક થાય એવી વાત એ છે કે આવી ફિલ્મો હજી પણ આપણે ત્યાં બને છે.

વેદનાનું વૈવિધ્ય

વાત છે ૧૯૯૫ના ત્રાસવાદગ્રસ્ત કાશ્મીરની. ગંભીર એપેન્ડિક્સથી પીડાતા એક આતંકવાદીને પોતાના ઘરે આશરો આપવા બદલ ડૉ. હિલાલ મીર (નરેન્દ્ર ઝા)ને ભારતીય આર્મી પકડીને લઈ જાય છે. આ રીતે ગાયબ થયેલા અને ક્યારેય પાછા ન ફરતા કાશ્મીરીઓમાં વધુ એકનો ઉમેરો થાય છે. આ સમાચાર સાંભળીને અલીગઢ ભણવા ગયેલો તેમનો પુત્ર હૈદર (શાહિદ કપૂર) પોતાને ગામ પાછો ફરે છે. પિતાના ગાયબ થવાની પીડા ઉપરાંત વધારે પીડા એને એ વાતે થાય છે કે એની મા ગઝાલા (તબ્બુ) એમના શૌહરના ગાયબ થવાનો માતમ મનાવવાને બદલે એના કાકા ખુર્રમ (કે. કે. મેનન)ની નજીક જઈ રહી છે.

પોતાની પ્રેમિકા આર્શિયા (શ્રદ્ધા કપૂર), જે પત્રકાર છે અને એક સિનિયર પોલીસ અધિકારી છે, તેની મદદથી હૈદર કાશ્મીરની ગલીએ ગલીમાં પિતાના સગડ શોધતો ફરે છે. ત્યાં જ એક રહસ્યમય વ્યક્તિ નામે રૂહદાર (ઈરફાન ખાન)ની એન્ટ્રી થાય છે અને એ શાહિદને મેસેજ આપે છે કે તારા પિતાને રિબાવી રિબાવીને મારી નખાયા છે. એટલું જ નહીં, એ માટે જવાબદાર હૈદરનો કાકો અને એમનો સગ્ગો ભાઈ ખુર્રમ (કે. કે. મેનન) જ છે. એટલે હૈદર (શાહિદ)ને એના મરહૂમ પિતાનો અધૂરો બદલો લેવાનું કામ સોંપાય છે. હવે ક્રોધથી સળગી રહેલા હૈદરને એ સમજાતું નથી કે એ કોનો વિશ્વાસ કરે અને કોનો નહીં. જે હોય તે, પણ પરિણામ લોહિયાળ આવે છે.

બારીક નકશીકામ

શેક્સપિયર પ્રેમી વિશાલ ભારદ્વાજ અને કાશ્મીરના હોનહાર સર્જક બશરત પીરે મળીને હૈદરની વાર્તાનું અત્યંત બારીક નકશીકામ કર્યું છે. જો આપણને કહેવામાં ન આવે કે આ મૂળ શેક્સપિયરની કૃતિ પરથી બનેલી ફિલ્મ છે, તો આપણા માન્યામાં જ ન આવે એટલી હદે તે ઓરિજિનલ બની છે. દરઅસલ આ ફિલ્મ એક કલાઇડોસ્કોપ જેવી છે. જેમ તમે એને ફેરવી ફેરવીને જોતા જાઓ, તેમ તેમ એમાં નવી નવી ભાત ઉપસતી જાય. વિશાલ ભારદ્વાજે હૈદરમાં કાશ્મીરનો એવો ચહેરો બતાવ્યો છે જે આપણે ક્યારેય જોવા માગતા નથી, કે આપણને બતાવવામાં પણ નથી આવતો. ભારત-પાકિસ્તાનની ઘંટીના બે પડ વચ્ચે પિસાતા કાશ્મીરીઓની વેદના મુઠ્ઠીભર ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર્સ કે લેખકો સુધી સીમિત રહી છે, તેને વિશાલ મેઇન સ્ટ્રીમમાં લાવ્યા છે.

આ ઉપરાંત ફિલ્મમાં મિલિટરીનો ક્રૂર પંજો, તેમાં પિસાતા કાશ્મીરીઓ, એ બધું જોઈ જોઈને ગેરમાર્ગે દોરવાતા ત્યાંના યુવાનો, પિસ્તોલથી લઇને કાલાશનિકોવ જેવાં રોજિંદી જિંદગીમાં સામેલ થઈ ગયેલાં હથિયારો, આખા કાશ્મીરને (અને પૂર્વીય ભારતનાં રાજ્યોને પણ) એક વિરાટ કેદખાનામાં બદલી નાખતો AFSPA (આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ) નામનો કાયદો, સતત માર ખાઈ ખાઈને બુઠ્ઠી થઈ ગયેલી ત્યાંના લોકોની સંવેદનાઓ અને એકેએક સીનમાંથી તાજા ઘાવમાંથી ટપકતી હોય એમ નીતરતી વેદના. વળી, તમે ફિલ્મના કલાઇડોસ્કોપને ફેરવી ફેરવીને જુઓ તો સૌથી પહેલા દેખાય એકદમ ઑથેન્ટિક કાશ્મીર. ત્યાંના સ્વર્ગ જેવા ખૂબસૂરત બર્ફીલા લેન્ડસ્કેપ, મોંમાંથી નીકળતી વરાળ, લગ્નથી લઇને દફનવિધિ સુધીની રસમો, ત્યાંનું સંગીત-વાદ્યો, ચિનારનાં વૃક્ષો, દલ લેક, શિકારાવાળું કાશ્મીર. પછી સહેજ વધારે ફેરવતાં જઇએ એટલે શાહિદનું એની મા તબ્બુ પ્રત્યેનું આકર્ષણ (ઈડિપસ કોમ્પલેક્સ), સત્તા લાલસા, દગાખોરી, નિર્દોષ પ્રેમ, બદલો-વેરભાવના, ક્ષમા, હિંસાથી લઇને ગાંધીજી, ઓશો રજનીશ, ફૈઝ અહમદ ફૈઝ, મેહદી હસન, કાશ્મીરી સર્જક અખ્તર મોહિનુદ્દીન વગેરે બધું પણ દેખાતું જાય.

વિશાલ ભારદ્વાજે લખેલા હૈયા સોંસરવા ઊતરી જાય એવા સંવાદોની પણ નોંધ લીધા વગર ચાલે એવું નથી. જરા ટેસ્ટ કરો, ‘પૂરા કશ્મીર એક કૈદખાના હૈ’; ‘કશ્મીર મેં ઉપર ખુદા હૈ, નીચે ફૌજ’, ‘જબ તક હમ અપને ઈન્તકામ (વેરભાવના) સે આઝાદ નહીં હોતે, તબ તક હમેં આઝાદી નહીં મિલતી.’

પડદાની પેલે પાર

આ ફિલ્મનું કાશ્મીરના કેસર નાખેલા કાવા જેવું છે, અફલાતૂન હોવા છતાં બધા લોકોને ન ભાવે. એક તો મૂળ વાર્તાને વફાદાર રહેવામાં ફિલ્મ ૧૬૨ મિનિટ જેટલી લાંબી થઈ ગઈ છે. ઉપરથી શરાબના નશાની જેમ ધીમે ધીમે ચડતી આ ફિલ્મની ગતિ રેગ્યુલર ધૂમધડાકા ફિલ્મ જોનારાઓને અકળાવી મૂકે એવી છે. પરંતુ હા, એક વાર તમે તેનાં પાત્રો સાથે એકરસ થઈ જાઓ, પછી દલ લેકમાં ફરતા શિકારાઓની જેમ તેમાં વહેતા જ જાઓ. વિશાલ ભારદ્વાજે સતત એટલી પીડા વહાવ્યે રાખી છે કે હળવાશનો કોઈ સ્કોપ જ રખાયો નથી. એટલે ફિલ્મ ભારેખમ પણ ખાસ્સી બની ગઈ છે. અને સૌથી અગત્યનું, ભારતની પોલીસ અને આર્મીનો આવો વિકરાળ ચહેરો આપણે લગભગ ક્યારેય જોયો જ નથી. એટલે કાશ્મીર અને સૈન્યનો રેગ્યુલર હીરો સ્ટાઇલનો ચહેરો જોવા ટેવાયેલા લોકો આવું સ્વીકારી જ ન શકે તેવી પૂરી શક્યતા છે. ખરેખર તો આ પ્રકારનાં દૃશ્યો આપણા સેન્સર બોર્ડમાંથી પાસ થઈ ગયા એ જ એક મોટું આશ્ચર્ય છે! કોઇને ભારતીય આર્મીનું આવું ચિત્રણ એકપક્ષીય પણ લાગી શકે.

ફિલ્મના લગભગ બધા જ કલાકારો પાસેથી વિશાલે એકદમ પાવરપેક્ટ અભિનય કરાવ્યો છે. પરંતુ શાહિદ અને ખાસ કરીને તબ્બુની અદાકારી તો કાળજું વીંધીને આરપાર નીકળી જાય એટલી ધારદાર છે. ઈરફાન ખાનની અને કે. કે. મેનનની એક્ટિંગ તો દર વખતની જેમ લાજવાબ હોવાની જ! આ ફિલ્મમાં કરુણ રસની સાથોસાથ ભયાનક રસ પણ સતત વહેતો રહે છે. શાહિદ કપૂરના બળેલા ઘરનો કાટમાળ હોય, તબ્બુ અને શાહિદની આંખોના કોન્ટેક્ટ લેન્સ હોય, ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, ઠંડા કલેજે નિર્દોષો પર ગુજારાતા અત્યાચાર હોય કે કબર ખોદનારાઓની વાતો તથા એમનું ગુલઝારે લખેલું ગીત ‘સો જાઓ’ હોય, આ બધું એટલું બિહામણું ભાસે છે કે ભયથી આપણાં રૂંવાડા ઊભા કરી દે છે.

હૈદરનાં ગીતોમાં ફૈઝ અહમદ ફૈઝ તથા ગુલઝારની કલમનો બખૂબી ઉપયોગ કરાયો છે. વિશાલ ભારદ્વાજે પોતે એવું મ્યુઝિક કમ્પોઝ કર્યું છે કે એકેય ગીત વધારાનું કે પરાણે ઘુસાડેલું હોય એવું લાગતું નથી. એમાંય ‘બિસમિલ બિસમિલ’ ગીતની કોરિયોગ્રાફી માટે તો વિશાલે ખાસ નોર્વેથી કોરિયોગ્રાફર બોલાવેલા. આખી ફિલ્મને એક મહાકાવ્યની અને ક્યાંક ક્યાંક ડોક્યુડ્રામા ફીલ આપતી પંકજ કુમારની સિનેમેટોગ્રાફીનો પણ ઉલ્લેખ કરવો પડે. વિશાલ ભારદ્વાજે ફિલ્મની વચ્ચે વચ્ચે સળગતા કાશ્મીરનાં ઓરિજિનલ દૃશ્યો પણ ઉમેર્યાં છે. હૈદરમાં વીડિયો લાઇબ્રેરી ચલાવતાં બે પાત્રો સલમાન ખાનના ફેન્સ છે. એમનાં નામ પણ સલમાન અને સલમાન છે. પરંતુ જે રીતે ફિલ્મમાં સલમાન ખાનની ફિલ્મો, એનાં ગીતો, સંવાદોનો ઉપયોગ કરાયો છે, એ જોઇને સલમાન ખાનના ફેન્સ તો અકળાઈ જવાના!

ચાલો, વ્યથાનાં વીતક જોવાં

જે લોકો માત્ર મનોરંજન માટે કે ટાઇમપાસ કરવા ખાતર ફિલ્મો જોતા હોય તે લોકો આ ફિલ્મથી દૂર રહે તે ઈચ્છનીય છે. પરંતુ જેમને ખરેખર કશું અર્થપૂર્ણ જોવું હોય એમણે આ ફિલ્મ અવશ્ય જોવી જ જોઇએ. હા એક ટિપ, શેક્સપિયરની હેમલેટ જેમણે વાંચી હશે એમને આ ફિલ્મ જોવાની વધારે મજા પડશે. એવું ન હોય અને એટલિસ્ટ ઈન્ટરનેટ પરથી મૂળ હેમલેટની વાર્તા વાંચીને ગયા હોઇએ તો એ વાર્તાને વિશાલ ભારદ્વાજે કેવી ખૂબીપૂર્વક કાશ્મીરમાં ઢાળી છે એ જોવાની મજાનો ગુણાકાર થશે.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

P.S. ફિલ્મમાં અરિજિત સિંઘના કંઠે ગવાયેલી ગઝલ ‘ગુલોં મેં રંગ ભરે’નું મેહદી હસને ગાયેલું ઑરિજિનલ વર્ઝન સાંભળવું હોય તો આ રહ્યુંઃ

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

જય હો

ધ ઇન્ક્રેડિબલ ‘Hulk’man ખાન શૉ!

***

સલમાન ખાનની હીરો વર્શિપવાળી આ ફિલ્મમાં અનેક લોચા છતાં એક સ્ટોરી છે, જે તમને ટાઇમપાસ મજા કરાવે છે.

***

salman-khan-s-film-jai-ho-poster_139081254500સલમાન ખાન, સોરી, ‘ધ સલમાન ખાન’ની ફિલ્મ હોય એટલે મગજ ઘરે મૂકીને માત્ર એન્જોયમેન્ટ માટે જ જવાનું હોય એ તો જાણે હવે સ્પષ્ટ થઇ ગયું છે. સલમાન અત્યાર સુધી સુપરસ્ટાર હતો, પરંતુ એના ભાઇ સોહેલ ખાને બનાવેલી ‘જય હો’થી હવે સલમાનને સુપરહીરો બનાવવાનો પણ પ્રયાસ થયો છે. માઇન્ડલેસ મસાલા મુવી હોવા છતાં આ ફિલ્મ મજા તો કરાવે જ છે.

આમ આદમી – ધ સુપરહીરો
મેજર જય અગ્નિહોત્રી (સલમાન ખાન) આર્મીમાંથી ખોટી રીતે સસ્પેન્ડ કરાયેલો બાહોશ ફૌજી છે. અત્યારે એ પોતાની મમ્મી (નાદિરા બબ્બર) સાથે રહે છે. સલમાનની બહેન (તબ્બુ)એ મહેશ ઠાકુર સાથે એની મમ્મીની મરજી વિરુદ્ધ લગ્ન કર્યાં ત્યારથી એની મમ્મીનો એની સાથેનો વ્યવહાર કટ છે. પરંતુ સલમાનને એની સાથે ભારે સારાવટ છે. હવે આપણા આ સલમાનનો પ્રોબ્લેમ એ છે કે એ ક્યાંય પણ ખોટું થતું જોઇ શકતો નથી. બીજી જ સેકન્ડે એનો મગજ ઊકળી જાય, અને તે માણસમાંથી હોલિવૂડના સુપરહીરો ‘હલ્ક’ જેવો બની જાય છે અને સીધી ધબાધબી શરૂ કરી શકે છે.

જોકે આમ પાછો એ મેન વિથ ધ ગોલ્ડન હાર્ટ છે. એટલે એ કોઇનું સારું કરે અને કોઇ સામે એને થેન્ક યુ કહે, તો તે એવું કહે કે થેન્ક યુ કહેવાને બદલે એક કામ કરો, ત્રણ જરૂરિયાતમંદ લોકોની મદદ કરો અને એ સૌને પણ બીજા ત્રણ ત્રણ લોકોને મદદ કરવાનું કહો. આ રીતે મદદનો ગુણાકાર થતાં થતાં આખી દુનિયાની કાયાપલટ થઇ જશે.

પરંતુ પોતાના દુર્વાસા જેવા સ્વભાવને કારણે એ રાજ્યના મંત્રી (ડેની ડેન્ઝોન્ગ્પા)ની સાથે દુશ્મની વહોરી લે છે, અને ઝેરીલા ભ્રષ્ટ મંત્રી સલમાનની ગેમ ઓવર કરવાના કામે લાગી જાય છે.

અઢી કલાકની સુપરહીરો મુવી

આમ તો સલમાનની ફિલ્મો સ્ટોરી કે પ્લોટની મોહતાજ નથી હોતી. સલમાન બે-ત્રણ ગીતો ગાય, પાંચ-પચ્ચીસ લોકોને ધોબીઘાટનાં કપડાંની જેમ ધોઇ નાખે અને એકાદ વાર શર્ટ ફાડીને ટોપલેસ થઇ જાય એટલે ફિલ્મ સો-બસ્સો કરોડ રૂપિયા તો ચપટી વગાડતાંમાં કમાવી આપે! આ વખતે ‘જય હો’ 2006માં આવેલી તેલુગુ ફિલ્મ ‘સ્ટાલિન’ની રિમેક છે, એટલે એમાં સ્ટોરી પણ છે. એમાં થયેલું એવું કે હોલિવૂડમાં 2000ની સાલમાં ‘પે ઇટ ફોરવર્ડ’ નામની ફિલ્મ આવેલી. એના પરથી ‘ગજિની’વાળા ડિરેક્ટર એ. આર. મુરુગાદૌસે ચિરંજીવીને લઇને ‘સ્ટાલિન’ બનાવી અને આપણે ત્યાં સલમાન સ્ટારર ‘જય હો’ બની.

સલમાનની ફિલ્મ જોવા જાઓ એટલે તમારે એડ્વાન્સ બુકિંગ, જથ્થાબંધ ચિચિયારીઓ અને સિટીઓ સાંભળવાની તૈયારી રાખવાની જ. સલમાન હવે ધીરે ધીરે નોર્થ ઈન્ડિયાનો રજનીકાંત બની રહ્યો છે એ નક્કી છે.

આ ફિલ્મનાં મુખ્ય બે પાસાં છે. એક, સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ગુડ વર્સસ ઇવિલનો જંગ અને બીજું, સોશિયલ મેસેજ. એ રીતે તે સલમાન ખાનને લઇને અઢી કલાકની મસાલેદાર સોશિયલ સર્વિસની એડ ફિલ્મ બનાવી હોય એવું લાગે. કેમ કે, અહીં કોમન મેનનો પાવર, ભ્રષ્ટાચાર, ડોનેશન, શારીરિક રીતે વિકલાંગ લોકો પ્રત્યેનો આપણો અભિગમ, ઓર્ગન ડોનેશન, જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી વગેરે સાત્ત્વિક સંદેશા ઉમેરવામાં આવ્યા છે. પરંતુ લોજિકનાં ચશ્માં પહેરીને ફિલ્મ જુઓ તો ખબર પડે કે ફિલ્મ ગંભીર રીતે ખોટો મેસેજ આપે છે, કે ધારો કે તમારી સાથે કંઇક ખોટું થાય તો ન્યાય મેળવવા માટે કોર્ટ-બોર્ટનાં ચક્કર કાપવાની જરૂર જ નથી, એના કરતાં કાયદો હાથમાં જ લઇ લો. માર બૂધું ને કર સીધું! ફિલ્મના પ્રોમોઝમાં વાત આમ આદમીની કરાય છે, કે ‘આમ આદમી સોયા હુઆ શેર હૈ, જાગ ગયા તો ચીર-ફાડ દેગા…‘ પરંતુ ફિલ્મમાં ક્યાંય આમ આદમીની વાત નથી. અહીં મુખ્યત્વે સલમાન સાથે ખોટું થાય છે અને એ એકલે હાથે સેંકડો ગુંડાઓની ટોળકીઓ અને કેબિનેટ મિનિસ્ટરના માણસોને પણ પડીકું વાળીને ફેંકી દે છે. વળી, એને સૌ ખૂન માફ!

ઓન્લી હીરો વર્શિપિંગ

આ ફિલ્મ માત્ર સલમાન ખાનની છે. એટલે દરેક ઘટના એના માટે જ બને છે. રાજ્યના મુખ્યમંત્રી (મોહનિશ બહલ)થી લઇને રિક્ષાવાળા (મહેશ માંજરેકર) સુધીના સૌ લોકો ફિલ્મમાં માત્ર સલમાન પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા માટે જ મુકાયા છે. સલમાન કંઇ પણ કરી શકે છે. તમે ગણતાં થાકો પણ સલમાન મારતાં ન થાકે એટલા ગુંડાઓને તે ભાંગી-તોડી ને ભુક્કો કરી નાખે છે. એ એક મુક્કો મારીને ગાડીના કાચ તોડી નાખે છે, એક લાત મારીને ત્રણ માણસો સાથેની આખી એમ્બ્યુલન્સને પણ આગળ ધકેલી શકે છે. એને બેઝબોલની સ્ટિક, પથ્થરના ઘા, બંદૂકની ગોળીઓ કે ચપ્પુના ઘાની પણ કોઇ અસર થતી નથી. અને ધારો કે એને કશુંક થયું તો એને બચાવવા માટે સૈન્ય આખેઆખી ટેન્ક લઇને પહોંચી જાય! બસ, તમે સલમાનને ગુસ્સે કર્યો એટલે તે માણસમાંથી હલ્ક જેવો તાકતવર બની જાય, ધેટ્સ ઓલ!

સલમાન ઉપરાંત ફિલ્મમાં જથ્થાબંધ કલાકારો છે. જેમ કે, નવી હિરોઇન ડેઇઝી શાહ, તબ્બુ, ડેની, સુનીલ શેટ્ટી, મોહનિશ બહલ, મહેશ ઠાકુર, જેનેલિયા ડિસોઝા, નાદિરા બબ્બર, અશ્મિત પટેલ, પુલકિત સમ્રાટ, આદિત્ય પંચોલી, શરદ કપૂર, યશ ટોંક, વરુણ બડોલા, સના ખાન, મુકુલ દેવ, રેશમ ટિપણિસ, વત્સલ શેઠ, નૌહિદ સાયરસી, વિકાસ ભલ્લા, સુદેશ લહેરી, સમીર ખખ્ખર (નુક્કડના ‘ખોપડી’ ફેઇમ)… ઉફ્ફ! થાકી ગયા?! પણ યકીન માનો, આમાંથી કોઇનુંય કામ સ્ક્રીન પર ગિર્દી કરવાથી જરાય વિશેષ નથી. એક ખાલી, (ચિલ્લર પાર્ટી, બોમ્બે ટૉકિઝ ફેમ) ટેણિયો કલાકાર નમન જૈન જ તમારું ધ્યાન ખેંચવામાં અને કોમિક રિલીફ આપવામાં સફળ રહે છે. જોકે ગંદી વાત તો એ છે કે એની અને હિરોઇન ડેઇઝી શાહની વચ્ચે ગંદી અંડરવેઅર જોક્સ નાખવામાં આવી છે, જે અત્યંત ચીપ લાગે છે.

કલાકારોની જેમ ફિલ્મમાં સાજિદ-વાજિદ, દેવી શ્રી પ્રસાદ, અમલ મલિક જેવા પા ડઝન સંગીતકારો પણ છે. હા, એટલું કહેવું પડે કે ‘બાકી સબ ફર્સ્ટ ક્લાસ હૈ’ અને ‘તું નહીં તો તારો ફોટો પણ ચાલશે’ સોંગ્સ અત્યંત કેચી (અને એટલે જ લોકપ્રિય પણ) બન્યાં છે.

ભાઈ કી ફિલ્મ હૈ, બોસ!

ફિલ્મમાં ખૂબ બધી માઇન્ડલેસ ફાઇટ્સ છે, સ્ટોરીમાં અનેક લોચા છે અને એક ફિલ્મ ક્રિટિકની દૃષ્ટિએ એમાં સો ભૂલો કાઢી શકાય એવું છે. પરંતુ એટલું તો કાન પકડીને સ્વીકારવું પડે કે ફિલ્મ જોતી વખતે બેશક મજા પડે છે. સલમાન ગુંડાઓને કચકચાવીને ઢીબતો હોય ત્યારે તમારી પણ મુઠ્ઠીઓ વળી જાય કે ‘માર માર, સાલાને મારા તરફથી પણ બે માર…!’ આ ફિલ્મ રેડી, બોડીગાર્ડ કે એક થા ટાઇગર જેવો ‘હથોડો’ નથી. પણ હા, ફિલ્મમાંથી માત્ર એક જ વાત ઘરે લઇ જજો, કે કોઇ થેન્ક યુ કહે તો તેના બદલામાં ત્રણ વ્યક્તિઓને મદદ કરવાનું કહેવું (અને આપણે પણ કરતા રહેવું).

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર્સ)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.