તલવાર

ધારદાર તલવાર

***

દેશના સૌથી ચર્ચાસ્પદ ડબલ મર્ડર કૅસ ‘આરુષિ હત્યાકાંડ’ પરથી બનેલી આ બીજી ફિલ્મ મર્ડર મિસ્ટ્રી ફિલ્મોમાં નવો ચીલો પાડે છે.

***

talvar2કહે છે, સત્ય એ કલ્પના કરતાં પણ વધારે વિચિત્ર હોય છે. વિશાલ ભારદ્વાજે લખેલી અને મેઘના ગુલઝારે ડિરેક્ટ કરેલી ‘તલવાર’માં જે પેશ કરાયું છે તેને જો સાચું માનીએ તો સત્ય એ માત્ર વિચિત્ર જ નહીં, બિહામણું, ઘૃણાસ્પદ, ક્રૂર અને આપણને અંદરથી ખળભળાવી મૂકે તેવું પણ હોય છે. ૨૦૦૮માં નોઇડામાં થયેલા આરુષિ-હેમરાજ ડબલ મર્ડર કૅસમાં કલ્પનાના રંગો પૂરીને ડિરેક્ટર મનીષ ગુપ્તાએ આ જ વર્ષે ‘રહસ્ય’ નામની અફલાતૂન સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બનાવી હતી. પરંતુ વિશાલ ભારદ્વાજ અહીં આપણને આ હાઈપ્રોફાઇલ કૅસની તપાસની પાછળની બાજુએ લઈ ગયા છે, જે અત્યંત કદરૂપી છે. અહીં જ આ ફિલ્મ ‘હુ ડન ઇટ’ એટલે કે ‘ખૂન કોણે કર્યું’ના સવાલથી પણ આગળ નીકળી જાય છે અને આપણને વિચારતા કરી મૂકે છે.

એક સવાલ, જવાબમાં અનેક સવાલ

૨૦૦૮ની એક સવારે નોઇડાના ધનાઢ્ય પરિવારની ચૌદ વર્ષની દીકરી શ્રુતિ ટંડન (વાંચો આરુષિ તલવાર) એના રૂમની પથારીમાં ગળું કાપેલી હાલતમાં મળી આવે છે. થોડા સમય પછી ઘરના નેપાળી નોકર ખેમપાલ (વાંચો, હેમરાજ)નો મૃતદેહ પણ અગાશીમાંથી મળી આવે છે. દોષનો ટોપલો ઢોળાય છે તબીબ માતા-પિતા નૂતન (કોંકણા સેન શર્મા) અને રમેશ ટંડન (નીરજ કબિ) (વાંચો, નુપૂર અને રાજેશ તલવાર) પર. પોલીસની રેઢિયાળ કામગીરી પછી ટૉક ઑફ ધ નેશન બની ગયેલા આ કૅસની તપાસ સોંપાય છે ‘સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટિગેશન’ ઉર્ફ CDI (વાંચો, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન યાને CBI)ના જોઇન્ટ ડિરેક્ટર અશ્વિન કુમાર (ઇરફાન ખાન)ને. આ તપાસ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ સત્યના અનેક કદરૂપા ચહેરા સામે આવતા રહે છે.

કોનું સત્ય સાચું?

જે કૅસ વિશે પાછલાં સાત વર્ષમાં મીડિયામાં ટનબંધ છપાઈ-કહેવાઈ ચૂક્યું હોય અને લોકો થોડા મહિના અગાઉ તેના પરની એક ફિલ્મ પણ જોઈ ચૂક્યા હોય, તે ફિલ્મ જોવા જતી વખતે કશું નવું પિરસાવાની અપેક્ષા ન હોય તે સ્વાભાવિક છે. પરંતુ જેમ જેમ ‘તલવાર’ આગળ વધતી જાય, તેમ તેમ આપણને થાય કે ખરેખર આપણને કશી ખબર હતી જ નહીં. ‘તલવાર’ એક ટિપિકલ મર્ડર મિસ્ટ્રીની જેમ શરૂ થાય છે. પરંતુ થોડીવારમાં જ ક્લિયર થઈ જાય છે કે આ કોઈ રેગ્યુલર સસ્પેન્સ ફિલ્મ નથી. અહીં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક મિનિમમ છે, વાસ્તવિકતાની ફીલ લાવવા માટે હેન્ડહેલ્ડ ટાઇપના કેમેરા એન્ગલ્સ છે, લાઉડ મૅલોડ્રામેટિક એક્ટિંગ નથી અને આખા કૅસની તપાસને આપણી સમક્ષ ખુલ્લી મૂકી દીધી છે. જોકે આનાથી બે વસ્તુ થાય છે. એક તો ફિલ્મ કોઈ ડોક્યુ-ડ્રામા જેવી લાગવા માંડે છે અને ફિલ્મની ગતિ ખાસ્સી ધીમી પડી જાય છે. પરિણામે ‘દૃશ્યમ’ ટાઇપની ક્રિસ્પ ફિલ્મની અપેક્ષાએ ગયેલા દર્શકને થોડો કંટાળો પણ આવી શકે છે. ઉપરથી ફિલ્મમાં થ્રિલનું તત્ત્વ પણ ઘણે અંશે ક્યાંક ગૂમ થતું હોય તેવું લાગે છે.

તેમ છતાં આ ફિલ્મ અનેક ઠેકાણે ચીલો ચાતરે છે. એક, વિશાલ ભારદ્વાજનું સુપર્બ રાઇટિંગ અને મેઘના ગુલઝારનું ડિરેક્શન. આખી ફિલ્મમાં ક્યાંય સ્પૂનફીડિંગ નથી. ફોર એક્ઝામ્પલ, ક્રાઇમસીન પર પાન ખાઇને થૂંકતા, ફોટા પડાવતા, પુરાવાને ઘોર બેદરકારીથી હૅન્ડલ કરતા, સતત ફોન પર મંડ્યા રહેતા, ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટને ખબર આપવાની તસદી ન લેતા પોલીસવાળા, પોસ્ટમૉર્ટમ રૂમ જેવી સંવેદનશીલ જગ્યા પર પણ ઝબૂક ઝબૂક થતી ટ્યૂબલાઇટો અને અપૂરતો પ્રકાશ, પોલીસથી લઇને મીડિયા અને પબ્લિકના પોતાના પૂર્વગ્રહો, ક્રાઇમનું અત્યંત નિર્દયતાથી કરાતું સેન્સેશનલાઇઝેશન વગેરે બધું જ અહીં છે, છતાં તે ક્યાંક સહજતાથી તો ક્યાંક ક્રૂર હ્યુમરથી આપોઆપ કહેવાઈ ગયું છે.

બીજી વાત જે ‘તલવાર’માંથી બહાર આવે છે તે છે ચુકાદા સંભળાવી દેવાની ઉતાવળ. પોલીસ-ઉચ્ચ તપાસ સંસ્થાઓના પણ અમુક પરિસ્થિતિમાં તો માણસ તમુક રીતે જ વર્તે તેવા પૂર્વગ્રહો, મીડિયા કહે તે સાચું માની લેવાની વૃત્તિ, લોકો પણ અધકચરી માહિતીમાંથી પોતાનું મનગમતું જજમેન્ટ તારવી લે. આ પ્રકારની માનસિકતા પર તલવારે એક શબ્દ પણ બોલ્યા વિના પ્રહાર કર્યો છે.

શરૂઆતમાં માઉસહન્ટ તરીકે શરૂ થયેલી આ ફિલ્મ પર એક પછી એક લૅયર ચડતાં જાય છે. જો સત્ય એક હોય, તો તેનાં કેટલાં સ્વરૂપ હોય? ઘટનાનું પરિવારજનોનું વર્ઝન, પોલીસનું પ્રાથમિક વર્ઝન, તપાસ સંસ્થાનું વર્ઝન, તપાસ સંસ્થાનું જ બીજું વર્ઝન. એકબીજાથી તદ્દન વિરોધાભાસી એવાં આ તમામ પાસાં સામે આવતાં જાય અને કૅસ લગભગ સોલ્વ થઈ ગયો હોવા છતાં તદ્દન ગૂંચવી નાખવામાં આવે. એક જ ઘટનાનું અલગ અલગ દૃષ્ટિકોણથી વર્ણન કરતું આ પ્રકારનું સ્ટોરીટેલિંગ પ્રખ્યાત જૅપનીસ ફિલ્મ ‘રશોમોન’માં, હૉલીવુડ ફિલ્મ ‘વેન્ટેજ પોઇન્ટ’માં આવી ગયું છે. જો આવાં અઘરાં નામોની એલર્જી હોય, તો આપણે ત્યાં ‘પુલીસ પબ્લિક’, ‘તીન દીવારેં’ જેવી ફિલ્મોમાં પણ આપણે જોઈ ચૂક્યા છીએ. જ્યારે એક તબક્કે ફિલ્મ બિલકુલ ‘એક રુકા હુઆ ફૈસલા’ની કેટેગરીમાં આવી પડે છે.

‘તલવાર’ એક અનોખી ફિલ્મ છે. ફિલ્મ જોતાં જોતાં આપણને સતત સવાલ થાય કે પોલીસ તો ઠીક, પણ દેશની સર્વોચ્ચ કહેવાતી તપાસ સંસ્થા પણ આ રીતે ઇન્વેસ્ટિગેશન કરતી હશે? પોતાના પર્સનલ ઇગો અને સ્વાર્થ ખાતર તપાસ અધિકારીઓ આ હદે છેલ્લી પાટલીએ જઇને બેસતા હશે? પોતાનો કક્કો ખરો કરાવવા માટે ગમે તે નિર્દોષને ફ્રેમ કરી દેતાં પણ કોઇનું રૂંવાડું ફરકતું નહીં હોય? કોઇની હત્યા એ સનસનાટીમાંથી રોકડી કરવાનું એક સાધન માત્ર છે? પોલીસ, મીડિયા, પબ્લિક ક્યાંય કોઇનામાં પણ કોઇપણ તબક્કે માનવતા જેવું નહીં હોય?

અત્યાર સુધી આપણે ‘ટ્રાયલ બાય મીડિયા’ સાંભળતા આવ્યા છીએ, પરંતુ આ ફિલ્મથી ‘ટ્રાયલ બાય સિનેમા’ શબ્દ પ્રચલિત થાય તો નવાઈ નહીં. લેખક-પ્રોડ્યુસર વિશાલ ભારદ્વાજ ભલે કહે કે એમણે નિષ્પક્ષ રહીને આ ફિલ્મની વાર્તા લખી છે, પરંતુ તેમાં આરુષિ તલવારનાં માતા-પિતા પ્રત્યે એમનો સોફ્ટકોર્નર ચોખ્ખો દેખાઈ આવે છે. તેઓ કહે છે કે તેમણે જાહેરમાં ઉપલબ્ધ વિગતોમાંથી આ ફિલ્મની વાર્તા લખી છે, પરંતુ તેમણે ક્યાંય કોઈ સ્રોત ટાંક્યા નથી. એટલે અત્યારે સબજ્યુડિસ એવા આ કૅસ પરની ફિલ્મમાં કેટલું અને કોનું સત્ય સાચું હશે તે પ્રશ્ન પણ ઉપસ્થિત રહે જ છે.

અત્યંત ગંભીર સ્થિતિમાં પણ આ ફિલ્મની ક્રૂર, ડાર્ક હ્યુમર તમને હસાવી જાય. પોલીસની બેવકૂફી-ઉદ્ધતાઈ, તપાસ અધિકારીનું શુદ્ધ હિન્દી કે ઇવન સત્યના એક વર્ઝનમાં મૃતકની માતા દ્વારા બોલાયેલું એક વાક્ય સાંભળીને તમે હસી પડો. પરંતુ હાસ્ય શમ્યા પછી આપણને થાય કે ખરેખર આ હસવા જેવી વાત છે કે ગુસ્સો કરવા જેવી?

‘તલવાર’ને મસ્ટ વૉચ ફિલ્મની કેટેગરીમાં મૂકતું વધુ એક પરિબળ છે તેની સુપર્બ સ્ટારકાસ્ટ અને તેમની પાસેથી લેવાયેલું લાજવાબ પર્ફોર્મન્સ. CDI ઑફિસર તરીકે ઇરફાન જેટલો શાર્પ લાગે છે, એટલો જ એ રમતિયાળ, ઠંડી ક્રૂરતાવાળો અને સાથોસાથ અત્યંત સંવેદનશીલ પણ લાગે છે. એક રેઢિયાળ પોલીસ અધિકારી કેવો હોય તેનું લાંબું વર્ણન કરવા કરતાં તમે આ ફિલ્મના એક્ટર ગજરાજ રાવને જોઈ લો એ પૂરતું છે. કોંકણા સેન શર્મા અને (‘શિપ ઑફ થિસિયસ’ તથા ‘બ્યોમકેશ બક્ષી’ ફેમ) નીરજ કબિ પાસે રોનાધોના ટાઇપનો મૅલોડ્રામા કરવાનો પૂરતો સ્કોપ હતો, પણ એમની બૅલેન્સ્ડ એક્ટિંગે ફિલ્મને લાઉડ બનતાં બચાવી લીધી છે. આ ઉપરાંત પ્રકાશ બેલાવાડી, સોહમ શાહ, અતુલ કુમાર, નોકર નેપાળી કમ્પાઉન્ડર ‘કન્હૈયા’ બનતો સુમિત ગુલાટી બધા પર્ફેક્ટ છે. એકમાત્ર તબુ અહીં તદ્દન વેડફાઈ છે. બૅકગ્રાઉન્ડમાં બે ગીતો છે, બંને એકદમ હૉન્ટિંગ-ડરામણાં છે. અહીં ‘ઇજાઝત’ ફિલ્મ અને ‘મેરા કુછ સામાન’ ગીતથી ગુલઝારને અંજલિ છે, તો ચેતન ભગતનું નામ એવી રીતે છે, જે સાંભળીને એ પોતેય કપાળ કૂટશે.

અબ કી બાર, તલવાર

બની શકે કે આ ફિલ્મ જોયા પછી તમને એક પર્ફેક્ટ મર્ડર મિસ્ટ્રી જોયાનો સંતોષ ન થાય, પરંતુ એ વિચાર તો અવશ્ય થશે જ કે સૌને હત્યા કોણે કરી એ જાણવા કરતાં કોણે કરી હોવી જોઇએ એ ઠસાવવામાં વધારે રસ હતો. કદાચ સસ્પેન્સ આપણા પર પણ છોડી દેવાયું છે. આ ફિલ્મ જોઇને આપણે વિચારતા થઇએ, સવાલો પૂછતા અને આસપાસની ઘટનાઓ વિશે વાંચતા થઇએ તથા અધકચરા ચુકાદા ફેંકતા બંધ થઇએ તો તે આ ‘તલવાર’ની સૌથી મોટી સફળતા હશે.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

હૈદર

ન શમે વેર વેરથી

***

શેક્સપિયરની કૃતિને કાશ્મીરના વાઘા પહેરાવીને રજૂ કરાયેલી આ ફિલ્મ ક્લાસિક સિનેમાનું ઝળહળતું ઉદાહરણ છે.

***

haider-movie-hd-posterબહુ ઓછી એવી ફિલ્મો બનતી હોય છે જે સિનેમાની દૃષ્ટિએ એટલી સમૃદ્ધ હોય કે એક બાજુ બત્રીસે કોઠે આનંદ આપી જાય, તો સાથોસાથ આપણા મનને ખળભળાવી મૂકે, વિચારતા કરી મૂકે. વિશાલ ભારદ્વાજની શેક્સપિયરના નાટક ‘હેમલેટ’નું એડપ્ટેશન એવી ‘હૈદર’ આવી જ એક ફિલ્મ છે. સ્વાભાવિકપણે જ આ ફિલ્મ બધાને માફક આવે એવી નથી. સો કોલ્ડ, ‘૧૦૦ કરોડ ક્લબ’માં તો ક્યારેય સામેલ થઈ શકશે નહીં, પરંતુ કાળજે ટાઢક થાય એવી વાત એ છે કે આવી ફિલ્મો હજી પણ આપણે ત્યાં બને છે.

વેદનાનું વૈવિધ્ય

વાત છે ૧૯૯૫ના ત્રાસવાદગ્રસ્ત કાશ્મીરની. ગંભીર એપેન્ડિક્સથી પીડાતા એક આતંકવાદીને પોતાના ઘરે આશરો આપવા બદલ ડૉ. હિલાલ મીર (નરેન્દ્ર ઝા)ને ભારતીય આર્મી પકડીને લઈ જાય છે. આ રીતે ગાયબ થયેલા અને ક્યારેય પાછા ન ફરતા કાશ્મીરીઓમાં વધુ એકનો ઉમેરો થાય છે. આ સમાચાર સાંભળીને અલીગઢ ભણવા ગયેલો તેમનો પુત્ર હૈદર (શાહિદ કપૂર) પોતાને ગામ પાછો ફરે છે. પિતાના ગાયબ થવાની પીડા ઉપરાંત વધારે પીડા એને એ વાતે થાય છે કે એની મા ગઝાલા (તબ્બુ) એમના શૌહરના ગાયબ થવાનો માતમ મનાવવાને બદલે એના કાકા ખુર્રમ (કે. કે. મેનન)ની નજીક જઈ રહી છે.

પોતાની પ્રેમિકા આર્શિયા (શ્રદ્ધા કપૂર), જે પત્રકાર છે અને એક સિનિયર પોલીસ અધિકારી છે, તેની મદદથી હૈદર કાશ્મીરની ગલીએ ગલીમાં પિતાના સગડ શોધતો ફરે છે. ત્યાં જ એક રહસ્યમય વ્યક્તિ નામે રૂહદાર (ઈરફાન ખાન)ની એન્ટ્રી થાય છે અને એ શાહિદને મેસેજ આપે છે કે તારા પિતાને રિબાવી રિબાવીને મારી નખાયા છે. એટલું જ નહીં, એ માટે જવાબદાર હૈદરનો કાકો અને એમનો સગ્ગો ભાઈ ખુર્રમ (કે. કે. મેનન) જ છે. એટલે હૈદર (શાહિદ)ને એના મરહૂમ પિતાનો અધૂરો બદલો લેવાનું કામ સોંપાય છે. હવે ક્રોધથી સળગી રહેલા હૈદરને એ સમજાતું નથી કે એ કોનો વિશ્વાસ કરે અને કોનો નહીં. જે હોય તે, પણ પરિણામ લોહિયાળ આવે છે.

બારીક નકશીકામ

શેક્સપિયર પ્રેમી વિશાલ ભારદ્વાજ અને કાશ્મીરના હોનહાર સર્જક બશરત પીરે મળીને હૈદરની વાર્તાનું અત્યંત બારીક નકશીકામ કર્યું છે. જો આપણને કહેવામાં ન આવે કે આ મૂળ શેક્સપિયરની કૃતિ પરથી બનેલી ફિલ્મ છે, તો આપણા માન્યામાં જ ન આવે એટલી હદે તે ઓરિજિનલ બની છે. દરઅસલ આ ફિલ્મ એક કલાઇડોસ્કોપ જેવી છે. જેમ તમે એને ફેરવી ફેરવીને જોતા જાઓ, તેમ તેમ એમાં નવી નવી ભાત ઉપસતી જાય. વિશાલ ભારદ્વાજે હૈદરમાં કાશ્મીરનો એવો ચહેરો બતાવ્યો છે જે આપણે ક્યારેય જોવા માગતા નથી, કે આપણને બતાવવામાં પણ નથી આવતો. ભારત-પાકિસ્તાનની ઘંટીના બે પડ વચ્ચે પિસાતા કાશ્મીરીઓની વેદના મુઠ્ઠીભર ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર્સ કે લેખકો સુધી સીમિત રહી છે, તેને વિશાલ મેઇન સ્ટ્રીમમાં લાવ્યા છે.

આ ઉપરાંત ફિલ્મમાં મિલિટરીનો ક્રૂર પંજો, તેમાં પિસાતા કાશ્મીરીઓ, એ બધું જોઈ જોઈને ગેરમાર્ગે દોરવાતા ત્યાંના યુવાનો, પિસ્તોલથી લઇને કાલાશનિકોવ જેવાં રોજિંદી જિંદગીમાં સામેલ થઈ ગયેલાં હથિયારો, આખા કાશ્મીરને (અને પૂર્વીય ભારતનાં રાજ્યોને પણ) એક વિરાટ કેદખાનામાં બદલી નાખતો AFSPA (આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ) નામનો કાયદો, સતત માર ખાઈ ખાઈને બુઠ્ઠી થઈ ગયેલી ત્યાંના લોકોની સંવેદનાઓ અને એકેએક સીનમાંથી તાજા ઘાવમાંથી ટપકતી હોય એમ નીતરતી વેદના. વળી, તમે ફિલ્મના કલાઇડોસ્કોપને ફેરવી ફેરવીને જુઓ તો સૌથી પહેલા દેખાય એકદમ ઑથેન્ટિક કાશ્મીર. ત્યાંના સ્વર્ગ જેવા ખૂબસૂરત બર્ફીલા લેન્ડસ્કેપ, મોંમાંથી નીકળતી વરાળ, લગ્નથી લઇને દફનવિધિ સુધીની રસમો, ત્યાંનું સંગીત-વાદ્યો, ચિનારનાં વૃક્ષો, દલ લેક, શિકારાવાળું કાશ્મીર. પછી સહેજ વધારે ફેરવતાં જઇએ એટલે શાહિદનું એની મા તબ્બુ પ્રત્યેનું આકર્ષણ (ઈડિપસ કોમ્પલેક્સ), સત્તા લાલસા, દગાખોરી, નિર્દોષ પ્રેમ, બદલો-વેરભાવના, ક્ષમા, હિંસાથી લઇને ગાંધીજી, ઓશો રજનીશ, ફૈઝ અહમદ ફૈઝ, મેહદી હસન, કાશ્મીરી સર્જક અખ્તર મોહિનુદ્દીન વગેરે બધું પણ દેખાતું જાય.

વિશાલ ભારદ્વાજે લખેલા હૈયા સોંસરવા ઊતરી જાય એવા સંવાદોની પણ નોંધ લીધા વગર ચાલે એવું નથી. જરા ટેસ્ટ કરો, ‘પૂરા કશ્મીર એક કૈદખાના હૈ’; ‘કશ્મીર મેં ઉપર ખુદા હૈ, નીચે ફૌજ’, ‘જબ તક હમ અપને ઈન્તકામ (વેરભાવના) સે આઝાદ નહીં હોતે, તબ તક હમેં આઝાદી નહીં મિલતી.’

પડદાની પેલે પાર

આ ફિલ્મનું કાશ્મીરના કેસર નાખેલા કાવા જેવું છે, અફલાતૂન હોવા છતાં બધા લોકોને ન ભાવે. એક તો મૂળ વાર્તાને વફાદાર રહેવામાં ફિલ્મ ૧૬૨ મિનિટ જેટલી લાંબી થઈ ગઈ છે. ઉપરથી શરાબના નશાની જેમ ધીમે ધીમે ચડતી આ ફિલ્મની ગતિ રેગ્યુલર ધૂમધડાકા ફિલ્મ જોનારાઓને અકળાવી મૂકે એવી છે. પરંતુ હા, એક વાર તમે તેનાં પાત્રો સાથે એકરસ થઈ જાઓ, પછી દલ લેકમાં ફરતા શિકારાઓની જેમ તેમાં વહેતા જ જાઓ. વિશાલ ભારદ્વાજે સતત એટલી પીડા વહાવ્યે રાખી છે કે હળવાશનો કોઈ સ્કોપ જ રખાયો નથી. એટલે ફિલ્મ ભારેખમ પણ ખાસ્સી બની ગઈ છે. અને સૌથી અગત્યનું, ભારતની પોલીસ અને આર્મીનો આવો વિકરાળ ચહેરો આપણે લગભગ ક્યારેય જોયો જ નથી. એટલે કાશ્મીર અને સૈન્યનો રેગ્યુલર હીરો સ્ટાઇલનો ચહેરો જોવા ટેવાયેલા લોકો આવું સ્વીકારી જ ન શકે તેવી પૂરી શક્યતા છે. ખરેખર તો આ પ્રકારનાં દૃશ્યો આપણા સેન્સર બોર્ડમાંથી પાસ થઈ ગયા એ જ એક મોટું આશ્ચર્ય છે! કોઇને ભારતીય આર્મીનું આવું ચિત્રણ એકપક્ષીય પણ લાગી શકે.

ફિલ્મના લગભગ બધા જ કલાકારો પાસેથી વિશાલે એકદમ પાવરપેક્ટ અભિનય કરાવ્યો છે. પરંતુ શાહિદ અને ખાસ કરીને તબ્બુની અદાકારી તો કાળજું વીંધીને આરપાર નીકળી જાય એટલી ધારદાર છે. ઈરફાન ખાનની અને કે. કે. મેનનની એક્ટિંગ તો દર વખતની જેમ લાજવાબ હોવાની જ! આ ફિલ્મમાં કરુણ રસની સાથોસાથ ભયાનક રસ પણ સતત વહેતો રહે છે. શાહિદ કપૂરના બળેલા ઘરનો કાટમાળ હોય, તબ્બુ અને શાહિદની આંખોના કોન્ટેક્ટ લેન્સ હોય, ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, ઠંડા કલેજે નિર્દોષો પર ગુજારાતા અત્યાચાર હોય કે કબર ખોદનારાઓની વાતો તથા એમનું ગુલઝારે લખેલું ગીત ‘સો જાઓ’ હોય, આ બધું એટલું બિહામણું ભાસે છે કે ભયથી આપણાં રૂંવાડા ઊભા કરી દે છે.

હૈદરનાં ગીતોમાં ફૈઝ અહમદ ફૈઝ તથા ગુલઝારની કલમનો બખૂબી ઉપયોગ કરાયો છે. વિશાલ ભારદ્વાજે પોતે એવું મ્યુઝિક કમ્પોઝ કર્યું છે કે એકેય ગીત વધારાનું કે પરાણે ઘુસાડેલું હોય એવું લાગતું નથી. એમાંય ‘બિસમિલ બિસમિલ’ ગીતની કોરિયોગ્રાફી માટે તો વિશાલે ખાસ નોર્વેથી કોરિયોગ્રાફર બોલાવેલા. આખી ફિલ્મને એક મહાકાવ્યની અને ક્યાંક ક્યાંક ડોક્યુડ્રામા ફીલ આપતી પંકજ કુમારની સિનેમેટોગ્રાફીનો પણ ઉલ્લેખ કરવો પડે. વિશાલ ભારદ્વાજે ફિલ્મની વચ્ચે વચ્ચે સળગતા કાશ્મીરનાં ઓરિજિનલ દૃશ્યો પણ ઉમેર્યાં છે. હૈદરમાં વીડિયો લાઇબ્રેરી ચલાવતાં બે પાત્રો સલમાન ખાનના ફેન્સ છે. એમનાં નામ પણ સલમાન અને સલમાન છે. પરંતુ જે રીતે ફિલ્મમાં સલમાન ખાનની ફિલ્મો, એનાં ગીતો, સંવાદોનો ઉપયોગ કરાયો છે, એ જોઇને સલમાન ખાનના ફેન્સ તો અકળાઈ જવાના!

ચાલો, વ્યથાનાં વીતક જોવાં

જે લોકો માત્ર મનોરંજન માટે કે ટાઇમપાસ કરવા ખાતર ફિલ્મો જોતા હોય તે લોકો આ ફિલ્મથી દૂર રહે તે ઈચ્છનીય છે. પરંતુ જેમને ખરેખર કશું અર્થપૂર્ણ જોવું હોય એમણે આ ફિલ્મ અવશ્ય જોવી જ જોઇએ. હા એક ટિપ, શેક્સપિયરની હેમલેટ જેમણે વાંચી હશે એમને આ ફિલ્મ જોવાની વધારે મજા પડશે. એવું ન હોય અને એટલિસ્ટ ઈન્ટરનેટ પરથી મૂળ હેમલેટની વાર્તા વાંચીને ગયા હોઇએ તો એ વાર્તાને વિશાલ ભારદ્વાજે કેવી ખૂબીપૂર્વક કાશ્મીરમાં ઢાળી છે એ જોવાની મજાનો ગુણાકાર થશે.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

P.S. ફિલ્મમાં અરિજિત સિંઘના કંઠે ગવાયેલી ગઝલ ‘ગુલોં મેં રંગ ભરે’નું મેહદી હસને ગાયેલું ઑરિજિનલ વર્ઝન સાંભળવું હોય તો આ રહ્યુંઃ

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ડેઢ ઇશ્કિયા

ઢાઇ ઘંટે કા મુશાયરા

***

તબિયતથી લખાયેલી હોવા છતાં આ ફિલ્મ શાયરાના મિજાજી અને ડાર્ક હ્યુમર પસંદ કરતા લોકોને જ વધારે પસંદ આવશે.

***

naseeruddin-shah-madhuri-dixit-arshad-warsi-and-huma-qureshi-in-dedh-ishqiya-movie-posterહઝરાત, એક શેર અર્ઝ કરને જા રહે હૈં, મુલાયઝા ફરમાઇયેગા… કિ ‘વો આયે મુશાયરા-એ-ફિલ્મ લે કર, વિશાલ ભારદ્વાજ કી કુદરત હૈ; કભી હમ માધુરી કો કભી નસીર મિયાં કો દેખતે હૈં..!’ તો જનાબ, વાત એવી છે કે વિશાલ ભારદ્વાજની ઇન્ટેલેક્ચ્યુઅલ મહેફિલમાંથી અભિષેક ચૌબે નામના ફનકાર એમની ‘ઇશ્કિયા’ની જુગલ જોડી નાસિર-અર્શદ સાથે ફરી એકવાર ‘ડેઢ ઇશ્કિયા’ લઇને હાજર થયા છે. પ્રેમ કરતાં છળ કપટ અને દગાખોરીથી ભરેલી આ ફિલ્મ તબિયતથી શાયરાના અને ડાર્ક હ્યુમરના આશિકોને જ પલ્લે પડશે.

બડે ધોખે હૈં ઇસ રાહ મેં

પહેલા ભાગ (ઇશ્કિયા) પરથી આપણે જાણીએ છીએ કે ઇફ્તિખાર હુસૈન ઉર્ફ ખાલુજાન (નસીરુદ્દીન શાહ) અને રઝ્ઝાક હુસૈન ઉર્ફ બબ્બન (અર્શદ વારસી) દોનોં છટે હુએ બદમાસ છે. દુનિયામાં કોઇ એમના પર વિશ્વાસ મૂકે એ વાતમાં માલ નથી. અરે, ખુદ એ બંનેને પણ એકબીજા પર વિશ્વાસ નથી. ફિલ્મ શરૂ થાય છે, અર્શદ માટે ખોદાયેલી કબરથી, જ્યાં બબ્બનના જિજુ મુશ્તાકભાઇ (સલમાન શાહિદ) એના પર બંદૂક તાકીને એની આખરી ખ્વાહિશ પૂછતા ઊભા છે. પરંતુ પોતાની ટ્રેડમાર્ક ચાલાકી વાપરીને બબ્બન ત્યાંથી ભાગી છૂટે છે. એ શોધમાં છે, પોતાના જોડીદાર ખાલુજાનની, જે એક બેશકીમતી હાર લઇને ગાયબ થઇ ગયા છે. ત્યાં બબ્બનને ખબર પડે છે કે ખાલુજાન તો મહારાજા બનીને મહમુદાબાદ અવધની વિધવા મહારાની બેગમ પારા મિરઝાદા (માધુરી દીક્ષિત)ને પરણવા પહોંચી ગયા છે.

બેગમ પારા પણ અજીબ શખ્સિયત છે. પોતાના મરહુમ શૌહરની આખરી ખ્વાહિશ પૂરી કરવા એ સાલાના મુશાયરાનું આયોજન કરે છે, જેમાં એમને જે શાયર પર દિલ આવી જાય, એની સાથે એ નિકાહ પઢવાની જાહેરાત કરે છે. આ શાયરાના સ્વયંવરમાં ભાગ લેવા માટે અન્ય શાયરોની સાથે નસીર તો મહારાજા બનીને આવી પહોંચ્યા છે, સાથોસાથ કરોડપતિ એમએલએ જાન મોહમ્મદ (વિજય રાઝ) પણ આવી પહોંચ્યા છે. શેર-ઓ-શાયરીનો દૌર ચાલે છે અને નસીરમિયાં રદીફ-કાફિયાની જાદુગરીથી બેગમ પારાના દિલમાં ઘૂસણખોરી કરી લે છે અને ઇશ્ક કરી બેસે છે. આ ઇશ્કની આગમાં પોતાની બિરિયાની પકાવવા માટે અર્શદ પણ જોડાઇ જાય છે અને એનું દિલ બેગમ પારાની હસીન સાથીદાર મુનિયા (હુમા કુરેશી) પર આવી જાય છે.

પરંતુ આ શાયરી અને ઇશ્કના પરદાની પાછળ ગદ્દારી અને અહેસાનફરામોશીની ગંદી સાઝિશો રચાઇ રહી છે. ખાલુજાન અને બબ્બન તો સ્વભાવે દગાખોર છે જ, જાન મોહમ્મદ પણ પારા સાથે કોઇપણ ભોગે નિકાહ કરીને મહમુદાબાદનો નવાબ બનવા માગે છે. આ બધા ઉપરાંત બેગમ પારાનું કિડનેપિંગ કરીને પૈસા એંઠવાની પણ એક ચાલબાજી ગોઠવાઇ રહી છે.

ઇશ્ક મિજાજી થ્રિલર

આપણે ત્યાં આમ પણ મેચ્યોરિટીથી લખાયેલી કથાઓની પ્રામાણિક નેતાઓની જેમ તંગી જ રહે છે. ઉપરથી ફ્રેન્ચાઇઝ અને સિક્વલના નામે એવી બાલિશ અને બીબાંઢાળ ફિલ્મો આપણી માથે ઠપકારવામાં આવે છે કે થોડી સારી ફિલ્મ આવે તો કડકડતી ઠંડીમાં ગરમ ધાબળો ઓઢીને ગરમાગરમ મસાલાવાળી ચા પીધા જેવી હૂંફ મળે. અભિષેક ચૌબેની ‘ડેઢ ઇશ્કિયા’ આવી જ ઘણે અંશે હુંફાળી ફિલ્મ છે. વિશાલ ભારદ્વાજ અને અભિષેક ચૌબેએ મળીને લખી છે એટલે ફિલ્મનું રાઇટિંગ ખાસ્સું મેચ્યોર છે. ઉપરથી ખુદ વિશાલબાબુ પોતે શેર-ઓ-શાયરી અને ક્લાસિકલ મ્યુઝિકના શોખીન આદમી છે, એટલે ફિલ્મમાં એ ક્લાસિકલ ટચ પણ સુપેરે ઠલવાયો છે. પરંતુ શરૂઆત કરીએ માધુરી દીક્ષિતથી.

માધુરી દીક્ષિત નેનેએ ઘણા સમય પછી મોટા પડદે પુનરાગમન કર્યું છે, અને આ રોલ બિલકુલ એમને છાજે એવો છે. એમની એક્ટિંગ ફુલમાર્ક્સ આપવા પડે એવી અફલાતુન છે. હા, ચહેરા પર થોડી ઉંમરની અસર વર્તાય છે ખરી, પરંતુ જ્યારે આ મરાઠી મુલગી નાચવાનું શરૂ કરે છે, ત્યારે આપણી આંખો એમના પર લોહચુંબકની જેમ સ્થિર થઇ જાય છે.

નસીરુદ્દીન શાહ પર સાજિદ ખાન જેવા ઘણા લોકો મીઠો આરોપ મૂકે છે કે તેઓ ગમે તેવા ભંગાર રોલ પણ સ્વીકારી લે છે. તાજેતરમાં આવેલું ‘જેકપોટ’ એ વાતની સાબિતી પર આપે છે. પરંતુ ‘ડેઢ ઇશ્કિયા’ જેવી ફિલ્મો પાછી એ ફરિયાદ દૂર પણ કરી દે છે. પડદા પર મિર્ઝા ગાલિબની યાદ અપાવી દે એવા ગેટઅપમાં નસીરસા’બને માધુરી સાથે ઇશ્ક ફરમાવતા જોવા એ લહાવો છે.

આંખમાં સુરમો લગાડીને ફરતા અર્શદની આ બેક ટુ બેક બીજી ફિલ્મ આવી છે. અહીં પણ એ પોતાની ટ્રેકમાર્ક ચલતાપુર્જાની ભૂમિકામાં બરાબર ખીલ્યો છે. હુમા કુરેશીએ પણ પોતાની ‘હમ સે પંગા મત લેના’ ટાઇપની ભૂમિકા જ રિપીટ કરી છે.

પરંતુ સૌથી વધુ મજા કરાવી હોય તો તે છે વિજય રાઝ. એ એક જ સમયે ચક્રમ, ક્રૂર, ખૂનખાર અને ઇશ્કમિજાજી લાગી શકે છે એ પૂરેપૂરી તેની આવડતનો કમાલ છે. પછી એ બંદૂકની અણીએ શાયરને કિડનેપ કરીને શાયરીઓ કઢાવવાની હોય કે પછી ઇટાલિ જઇને પોતાના ડીએનએ બદલાવવાની વાત હોય.

ઇશ્કિયા સિરીઝનું સૌથી યાદગાર પાત્ર એટલે જીજાજી મુશ્તાક બનતા સલમાન શાહિદનું એમના ભાગે તદ્દન ઓછો સ્ક્રીન ટાઇમ અને ગણ્યા ગાંઠ્યા ડાયલોગ આવે છે. પરંતુ એક વાક્ય બોલીને એ છવાઇ જાય છે કે ‘જો જોકર જ ન રહે તો બેટમેન શું કામનો?!’

ધેટ મીન્સ આ ફિલ્મ ક્લાસિક છે? ના રે ના. એક તો ફિલ્મની ગતિ એટલી બધી ધીમી છે કે અઢી કલાકનો સમય આપણને અઢી દિવસ જેટલો લાંબો લાગે. શાયરાના અને અદબથી કરવાની લાલચમાં ટ્વિસ્ટ્સ એન્ડ ટર્ન્સ પણ એટલા સ્લો થઇ ગયા છે કે ત્યાં સુધીમાં આપણા મગજમાં એક-બે ઓપ્શન્સ ફૂટી નીકળ્યા હોય અને એમાંથી જ કશુંક નીકળે. નતીજા? આશ્ચર્યની બાદબાકી અને બગાસાં. ફિલ્મનો ક્લાઇમેક્સ પણ ડેઢ પછી હવે ઢાઇ ઇશ્કિયા કાઢવાની ઇચ્છા હોય એમ પરાણે લટકતો છોડી દેવામાં આવ્યો છે.

આ આખી ફિલ્મ હિન્દીમાં નહીં બલકે ઉર્દૂમાં છે. એટલે જ ડાયલોગ્સ સમજવા માટે તેમાં અંગ્રેજી સબટાઇટલ્સ મુકાયાં છે. એટલે જો તમને ઉર્દૂ સાંભળવામાં મજા પડતી હોય તો આ ફિલ્મ તમને જલસો કરાવશે. કેમ કે, અહીં કોઇ ‘પ્રેમ’માં નથી પડતું, ‘ઇશ્ક’ કરે છે! મોહબ્બતના સાત પડાવ (દિલકશી, ઉન્સ, મોહબ્બત, અકીદત, ઇબાદત, જુનૂન અને મૌત) ઉપરાંત, રક્સ, બઝ્મ, પૈશાની, ઇન્તેકાલ ફરમા ગયે, શમશીર, સુર્ખ, રંજિશ જેવા શબ્દોની ભરમાર છે.

ઇશ્કિયા પાર્ટ વનની જેમ અહીં જીભે ચડી જાય એવું એકેય ગીત નથી, પણ હા, બેગમ અખ્તરની યાદ અપાવી દે તેવું ‘હમરી અટરિયા પે’ જરૂર કાનમાં મધ રેડે એવું કર્ણપ્રિય બન્યું છે. અત્યારના ઘોંઘાટિયાં ગીતોના સમયમાં આવાં શાંત મેલોડિયસ ગીતો ખરેખર આનંદ આપે તેવાં લાગે છે. હા, ફિલ્મના અંતે અનોખો પ્રયોગ કરાયો છે. બેગમ અખ્તરના અવાજમાં ‘વોહ જો તુમ મેં હમ મેં કરાર થા’ ગઝલ વાગે છે અને સાથે ફાઇટિંગની ધબાધબી પણ બોલે છે. એ ખાસ માર્ક કરજો!

તો આ મહેફિલમાં જવું કે નહીં?
જુઓ, તમને યો યો હની સિંઘ કરતાં બેગમ અખ્તરમાં વધારે રસ હોય, માધુરીનો અફલાતૂન ડાન્સ જોવો હોય, નસીરુદ્દીન શાહની એક્ટિંગ માણવી હોય, શેર-ઓ-શાયરી સાંભળીને તમારા મોંમાંથી વાહ વાહ નીકળી જતી હોય, એકદમ ક્રૂર અને ડાર્ક હ્યુમરમાં પણ ‘હાય હાય’ કરવાને બદલે હસવું આવતું હોય હોય અને યશ ચોપરાની ફિલ્મોથી તદ્દન વિપરિત પ્રેમમાં દગાખોરીની વાતોમાં રસ પડતો હોય તો આ ‘ડેઢ ઇશ્કિયા’ તમારા માટે છે. બાકી આવા ઇશ્કમાં પડવાનું દોઢ ડહાપણ કરવું નહીં.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.