ધ ગાઝી અટેક

ઉચ્છલ જલધિ તરંગ

***

ભારતના સૈન્ય ઇતિહાસમાં ભુલાયેલી ઘટનાને ફરીથી ઉજાગર કરતી આ થ્રિલિંગ વૉર ફિલ્મ ચૂકવા જેવી નથી.

***

ddddએક સારી થ્રિલર ફિલ્મ કેવી હોય? સાવ ટૂંકમાં કહેવું હોય તો આજે રિલીઝ થયેલી ‘ધ ગાઝી અટેક’ જેવી. કોઈ ખોટી ચરબી નહીં, ફાલતુ ગીતો નહીં, આડી-તેડી ગિમિકરી નહીં, સીધી એક જ મુદ્દાની વાત અને તેને જ વળગીને આગળ વધતી સ્ટોરી, 125 મિનિટનું પ્યોર ઍજ ઑફ ધ સીટ થ્રિલ. આપણે ત્યાં સબમરીનને કેન્દ્રમાં રાખીને કોઈ ફિલ્મ બની હોય તેવું યાદ નથી આવતું. હા. હૉલિવૂડમાં આ લિસ્ટ ખાસ્સું મોટું છે. હિન્દી અને તેલુગુમાં એકસાથે બનેલી ‘ધ ગાઝી અટેક’ એક સારી રીતે લખાયેલી, મસ્ત રીતે એક્ઝિક્યુટ થયેલી અને દેશભક્તિનાં ઇન્જેક્શન મારે તેવી નખશિખ થ્રિલર ફિલ્મ છે.

સારે જહાં સે શૂરવીર

લાંબા ડિસ્ક્લેમર અને અમિતાભ બચ્ચનના વોઇસ ઑવર સાથે શરૂ થતી આ ફિલ્મનું પ્રિમાઇસ ભારત-પાકિસ્તાન વચ્ચેના ત્રીજા યુદ્ધની જસ્ટ પહેલાંનું એટલે કે નવેમ્બર, 1971નું છે. પૂર્વ પાકિસ્તાન (અત્યારના બાંગ્લાદેશ) પર પોતાનો પંજો મજબૂત કરવા પાકિસ્તાને બંગાળની ખાડીમાં પોતાની ખૂફિયાગીરી વધારી. આટલું ઓછું ન હોય, તેમ આપણા એરક્રાફ્ટ કેરિયર ‘INS વિક્રાંત’ને તોડી પાડવાનો નાપાક મનસૂબો બનાવ્યો. પરંતુ આ મનસૂબો પાર પડે તે પહેલાં જ વચ્ચે આપણી સબમરીન ‘S21’ વચ્ચે આવી ગયેલી. INS વિક્રાંતને ઊની આંચ નહોતી આવી તે આપણને ખબર છે. પરંતુ તે કેવી રીતે બચ્યું (અને 1971ના યુદ્ધનો હીરો બન્યું) તેની ‘ફિલ્મી’ દાસ્તાન ‘ધ ગાઝી અટેક’ કહે છે. ‘ફિલ્મી’ એટલા માટે કે પાકિસ્તાની સબમરીન ‘PNS ગાઝી’ કેવી રીતે ડૂબી તેનો ઇતિહાસ વિવાદાસ્પદ છે. ભારત કહે છે કે આપણી નેવીના જાંબાઝ જવાનોએ ગાઝીને પેટાળભેગી કરી, તો પાકિસ્તાન કહે છે કે ઇન્ટર્નલ બ્લાસ્ટને કારણે ગાઝી નાશ પામી. ડિરેક્ટર સંકલ્પ રેડ્ડીએ આ બનાવનું આપણને માફક આવે તેવું ઇન્ટરપ્રિટેશન કરીને ફિલ્મ પેશ કરી છે. હા, ફિલ્મમૅકર્સે કોઈ ચોક્કસ પુસ્તકનો સંદર્ભ લીધો છે કે કેમ તેનો ઉલ્લેખ કર્યો હોત તો વધુ સારું થાત.

જેના માટે ‘વૉર ફિલ્મ’ શબ્દપ્રયોગ કરવો ગમે તેવી આ ‘ધ ગાઝી અટેક’માં પણ દરેક થ્રિલર ફિલ્મની જેમ ધીમે ધીમે થ્રિલ માઉન્ટ થતું જાય છે અને છેલ્લે છેક ચરમસીમાએ પહોંચે છે. તે ઉપરાંત બીજાં ઘણાં સબપ્લોટ્સ-લૅયર્સ-ઘર્ષણ તેમાં સમાંતરે ચાલતાં રહે છે. જેમ કે, ભારત-પાકિસ્તાન અને તેની સબમરીનો વચ્ચેનું ઘર્ષણ, પૂર્વ પાકિસ્તાની શાસકો અને બાંગ્લાદેશની મુક્તિ માટે લડતા વિદ્રોહીઓ વચ્ચેનો સંઘર્ષ, રાજકારણ અને સૈન્ય વચ્ચેનો સંઘર્ષ, યુધિષ્ઠિરની જેમ ધર્મ એટલે કે નિયમોને વળગીને ચાલવાનો અને શ્રીકૃષ્ણની જેમ પરિસ્થિતિ પારખીને વર્તતાં પાત્રો વચ્ચેનો સંઘર્ષ, એક સૈનિકની અંદર ચાલતો દ્વંદ્વ, સિસ્ટમ અને સ્પોન્ટેનિટી વચ્ચેનો સંઘર્ષ, પરિવાર અને દેશની ફરજો વચ્ચે વહેંચાયેલા સૈનિકની વિવશતાનો દ્વંદ્વ, માણસ અને આસપાસની કુદરતી પરિસ્થિતિની વિષમતા વચ્ચેનો સંઘર્ષ, દુશ્મનોનો ખાત્મો બોલાવવાનો અને સિદ્ધિની લાલચ વિના શહીદી વહોરવાનો સંઘર્ષ, છતાં જીવના જોખમે પણ નિર્દોષનો જીવ બચાવવાનો સંઘર્ષ…

આમ તો વર્લ્ડની બેસ્ટ વૉર ફિલ્મો જોવાના-વૉર લિટરેચર વાંચવાના શોખીનો માટે આ ફિલ્મની વોકેબ્યુલરી જરાય નવી ન લાગે. તેમ છતાં ‘ધ ગાઝી અટેક’ જોયા પછી તમારા શબ્દભંડોળમાં INS (ઇન્ડિયન નેવી શિપ), PNS (પાકિસ્તાન નેવી શિપ), સબમરીન, મૅનુવર, ટોરપિડો, ટોરપિડો કી, લોંગિટ્યુડ-લેટિટ્યુડ (અક્ષાંશ-રેખાંશ), ડાઇવ, પૅરિસ્કોપ, મર્ચન્ટ શિપ, બૅટરી રૂમ, સ્ટારબોર્ડ, વૉટરમાઇન જેવા શબ્દો કાયમ માટે સામેલ થઈ જશે. પ્લસ હોલ્ડ ફોર સપોર્ટ, મ્યુટિની, કમાન્ડ, ફાઇરિંગ રેન્જ, સોનાર સિગ્નલ્સ, ઇમર્જન્સી ડ્રિલ, ઍનિમી પોઝિશન, ટ્રેપ, ચેન્જ ઑફ કોર્સ વગેરે શબ્દપ્રયોગો પણ કાને પડશે. ઇવન પારાદીપનું નામ પણ લાંબા સમયે મીડિયામાં સાંભળવા મળ્યું છે.

ડિરેક્ટર સંકલ્પ રેડ્ડીએ આ ફિલ્મ માટે કરેલું રિસર્ચ દેખાઈ આવે છે. એટલે જ ક્યાંય કશું નકલી નથી લાગતું. એક સબમરીન, તેની અંદરના વિભાગો, તેમાં ચાલતું કામકાજ, સબમરીનની અપ-ડાઉન ડાઇવ, દરિયાના પેટાળમાં 350-380 મીટર નીચે ગયા પછી અનુભવાતું પાણીનું પ્રચંડ દબાણ અને તેને કારણે સબમરીન પર થતી અસર, ટોરપિડો ફાયર કરવા માટે કેટલી બૅટરી જોઇએ, સબમરીનની દીવાલ પર થમ્પિંગ-હમિંગ કરવાથી- વાઇબ્રેશન પેદા કરવાથી બહારની માઇન બ્લાસ્ટ થઈ શકે કે કેમ, સોનાર સિગ્નલ્સ સાંભળતાં પહેલાં કાન સાફ કરવાનો પ્રોટોકોલ હોય વગેરેમાં ક્યાંય ફિલ્મી એલિમેન્ટ દેખાતું નથી. અલબત્ત, તેમાં કેટલી ક્રિએટિવ લિબર્ટી લેવાઈ છે તે તો કોઈ ડિફેન્સ એક્સપર્ટ જ કહી શકે. પરંતુ ફિલ્મમાં બધું જ એકદમ રિયલ લાગે છે એ ચોક્કસ છે.

ફિલ્મમાં કે. કે. મેનન જ્યોર્જ પૅટનની ‘વૉર એઝ આઈ ન્યુ ઇટ’ બુક વાંચતો હોય અને હજુ આગલા વર્ષે જ (1970માં) પૅટન પર બનેલી ફિલ્મને ઑસ્કર મળ્યો હોય, તે બધી વાતો ઑથેન્ટિસિટીમાં કરાયેલું બારીક નકશીકામ છે. પાકિસ્તાની સાઇડ પણ આપણી રેગ્યુલર મસાલા ફિલ્મોથી વિપરિત ડફોળ અને કટ્ટર નથી બતાવાઈ. બલકે, પાકિસ્તાની કમાન્ડર મોટેભાગે ખાસ્સા ઇન્ટેલિજન્ટ નિર્ણયો લે છે, સામી ફાઇટ આપે છે અને ટેન્શન બિલ્ડઅપ કરે છે. લગભગ આખી ફિલ્મ સબમરીનની અંદર હોવા છતાં ક્યાંય ક્લસ્ટરોફોબિક-બંધિયારપણું ફીલ નથી થતું તેને આ ફિલ્મની સિનેમેટોગ્રાફીનો એક પ્લસ પોઇન્ટ ગણી શકાય.

સિનેમેટિક દેશભક્તિ

પાકિસ્તાની સાઇડ જોશ જગાવવા પોતાના પોપ્યુલર સોંગ ‘જીવે જીવે પાકિસ્તાન’નો ઉદઘોષ કરે, તો આપણે ત્યાં રાષ્ટ્રગીત ગવાય. જોકે ત્યાં મને સહેજ ખૂંચ્યું. પાણીની અંદર ફટાફટ દોડતી આ થ્રિલર સબમરીન રાઇડમાં ઓલરેડી દેશભક્તિનું એલિમેન્ટ ભરપુર છે. તેમાં આખેઆખું રાષ્ટ્રગીત અને ‘સારે જહાં સે અચ્છા’ નાખીને ફિલ્મનો ફ્લો બ્રેક કરવાની કશી જરૂર નહોતી. ઉપરથી બીજી વખત રાષ્ટ્રગીતનું ઇન્સ્ટ્રુમેન્ટલ વર્ઝન પણ નખાયું છે. ભારત સરકારની સત્તાવાર વેબસાઇટમાં વર્ષોથી લખાયેલું છે અને ત્રણેક દિવસ પહેલાં સુપ્રીમે પણ ફરી પાછું કહ્યું કે ફિલ્મના ભાગરૂપે જો રાષ્ટ્રગીત પ્લે થયું હોય તો અધવચ્ચે ઊભા થવાની જરૂર નથી, કેમ કે આવું કરીને તમે અન્ય લોકો માટે અડચણ પેદા કરો છો. એ વખતે તમે બેઠા રહો તો રાષ્ટ્રગીતનું કોઈ જ અપમાન નથી થતું. છતાં ‘દંગલ’ હોય કે આ ‘ધ ગાઝી અટેક’ લોકો અધવચ્ચે ઊભા થઇને આખો સ્ક્રીન બ્લોક કરી મૂકે છે. થોડા પ્રેક્ટિકલ થવામાં કોઈ દેશદ્રોહ નથી. આશા રાખીએ કે હવે આ મુદ્દે થિયેટરોમાં ક્યાંય બબાલ ન થાય.

અહીં સબમરીનની અંદર ત્રણ મુખ્ય અધિકારીઓ વચ્ચે સર્જાતું ઘર્ષણ, રાણા દગ્ગુબતીની અક્ષય કુમાર સ્ટાઇલની હીરોગીરી વગેરે થોડું વધારે પડતું લાગે છે. ધારો કે દરિયાની અંદર કોઈ સૈનિક શહીદ થાય, તો તેના મૃતદેહ સાથે શું કરવામાં આવે તે સવાલ આ ફિલ્મ જોયા પછી ઉપસ્થિત થશે. હા, ફિલ્મની નબળી સ્પેશ્યલ ઇફેક્ટ્સ આંખને ખૂંચે છે અને કમ્પ્યુટરથી ઉમેરી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.

વૉર હીરો

‘ધ ગાઝી અટેક’માં કોઈ ‘ખાન’ કે ‘કુમાર’ નથી, એટલે ‘હીરો’નો રોમેન્ટિક સાઇડ ટ્રેક નાખવાની કે એને ડ્રીમ સિક્વન્સમાં નાખીને ગીત ગવડાવવાની જરૂર પડી નથી. હા, ફિલ્મમાં તાપસી પન્નુ છે, પણ એ બિચારી ડાહીડમરી થઇને લિટરલી એક ખૂણામાં બેસી રહે છે (બાય ધ વે, આજે તાપસીનાં એકસાથે બે મુવી રિલીઝ થયાં છે). બાકી એઝ ઓલ્વેઝ કે.કે. મેનન તો મિસ્ટર ડિપેન્ડેબલ છે જ, પ્લસ અતુલ કુલકર્ણી અને રાણા દગ્ગુબતી (ઉર્ફ ‘ભલ્લાલદેવ’) પણ જરાય ઓવરએક્ટિંગ કર્યા વિના ઇમ્પ્રેસ કરે છે. હા, આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકામાં સ્વર્ગસ્થ ઓમ પુરી દેખાય છે. ઇન ફૅક્ટ, આખી ફિલ્મ એમને જ અર્પણ કરવામાં આવી છે. ફિલ્મમાં અન્ય નાનકડી ભૂમિકાઓમાં દક્ષિણના અભિનેતા નાસર અને ઘણા સમયે દેખાયેલા મિલિંદ ગુણાજી પણ છે. જોકે એમનું પણ મુંહ દિખાઈ સિવાય કોઈ કામ નથી.

ચાલો, પેટાળની સફરે

એક તો આપણે ત્યાં ભાગ્યે જ વૉર ફિલ્મ બને છે અને જે બને તે એકદમ ફિલ્મી હોય છે. ત્યારે થ્રિલના મામલે જરાય મોળી ન પડતી ‘ધ ગાઝી અટેક’ વૉર ફિલ્મોના રસિયાઓએ જરાય ચૂકવા જેવી નથી. બાળકોને પણ ઍજ્યુકેશનના હેતુસર આ ફિલ્મ અવશ્ય બતાવવી જોઇએ.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

અ ફ્લાઇંગ જટ્ટ

ઉડતા પંજાબી

***

પંજાબી બૅકડ્રોપના અતિરેકવાળી આ અત્યંત નબળી ફિલ્મમાં લોકોને બોર થતાં ખુદ સુપરહીરો પણ બચાવી શકે તેમ નથી.

***

616850‘સુપરમેન’ના મોસાળ ‘ક્રિપ્ટન’ ગ્રહ પરથી મળી આવેલી હસ્તપ્રતોમાંથી જાણવા મળ્યું છે કે સુપરહીરો મુવીઝ બનાવવી અઘરી છે. એમાંય બાળકોની ફિલ્મો બનાવવી તો એનાથીયે અઘરી છે. કેમકે બાળકો નબળી ફિલ્મ કદાચ ચલાવી લે, પરંતુ બાલિશ ફિલ્મો ક્યારેય નહીં. ડાન્સ કરતાં-કરાવતાં ફિલ્મો બનાવવા પર ચડી ગયેલા રૅમો ડિસોઝાની ટાઇગર શ્રોફ સ્ટારર ‘અ ફ્લાઇંગ જટ્ટ’ આવી જ એક બાલિશ સુપરહીરો ફિલ્મ છે. જો તેમાં થોડીક મૅચ્યોર સ્ટોરી નાખવાની મહેનત કરી હોત તો તેમાં હૉલીવુડની ‘ડૅડપૂલ’ જેવી સુપરહીરો ફિલ્મોની ખિલ્લી ઉડાવતી સ્પૂફ ફિલ્મ બનવાની શક્યતા હતી. અફસોસ કે એવું થયું નથી અને આ પ્રચંડ લાંબી ફિલ્મ જોઇને બાળકો પણ કહી ઊઠશે કે, ‘ચલ ચલ, બચ્ચા સમઝ રખ્ખા હૈ ક્યા?’

માં દા લાડલા સુપરહીરો બન ગયા

પંજાબમાં કોઈ ઠેકાણે નદીકિનારે એક જાયન્ટ સાઇઝના બોન્સાઈ જેવું એક વૃક્ષ છે. એ વૃક્ષને અડીને એક સોસાયટી છે. તે સોસાયટીની માથાભારે અર્નબ ગોસ્વામી કરતાં પણ ઊંચો અવાજ ધરાવતી માલિકણ છે મિસિસ ધિલ્લોં (અમૃતા સિંઘ). એમના સ્વર્ગસ્થ પતિદેવ છેક ચીન જઇને શાઓલિન કુંગ ફુ શીખી આવેલા. તેના પ્રતાપે આજે એમનો દીકરો અમન (ટાઇગર શ્રોફ) પણ માર્શલ આર્ટ શીખેલો છે અને દિપા કરમાકર કરતાં પણ વધુ ઊંચા જમ્પ મારે છે. પરંતુ આ જગ્યા પર ચમકતી ટાઈ પહેરેલા નામ વિનાના એક ઉદ્યોગપતિ મલ્હોત્રા (કે. કે. મેનન)ની નજર પડે છે. હવે આ લાતોં કે ભૂતને ભગાવવા માટે મલ્હોત્રા એક વિદેશી રાક્ષસ રાકા (નાથન જોન્સ)ને ત્યાં મોકલે છે. બરાબર એ જ સમયે ક્લાઉડમાંથી અમનના શરીરમાં સુપરપાવર્સ ઇન્સ્ટૉલ થઈ જાય છે. આ સુપરપાવર સાથે આપણો હીરો ચાઇનીઝ ભેળ જેવો સુપરહીરો બની જાય છે. બીજી બાજુ પેલા વિલનમાં પણ કોઈ વાઇરસવાળો સુપરહીરો પ્રોગ્રામ ઇન્સ્ટૉલ થઈ જાય છે અને એ સુપરવિલન બની જાય છે. પ્રદૂષિત હવા-પાણીની આ વિલન પર બૉર્નવિટા-કોમ્પ્લાન જેવી અસર થાય છે. સાંઢની જેમ ભાંભરતો ભાંભરતો એ સુપરવિલન આપણા બ્લ્યુ ચાદરવાળા સુપરહીરો સાથે બાખડે છે. જથ્થાબંધ ગાડીઓ અને પબ્લિક પ્રોપર્ટીનો કચ્ચરઘાણ વળે છે અને આખરે એ વિલનને લિટરલી આ પૃથ્વી પરથી તડીપાર કરવામાં આવે છે. આપણો હીરો એકલો ડિપ્રેસ ન થઈ જાય એટલા માટે એના માટે કીર્તિ (જૅકલિન ફર્નાન્ડીઝ) નામની એક શાશ્વત બબલી ગર્લને પણ ફિલ્મમાં ઇન્સ્ટૉલ કરાઈ છે.

પંજાબ દા ટાઇગર પુત્તર

હૉલીવુડમાં દરેક સુપરહીરોને મંત્રીઓનાં ખાતાંની જેમ અલાયદા સુપરપાવર ફાળવવામાં આવે છે. જ્યારે આપણે ત્યાં બધા જ પૉર્ટફોલિયો એક જ સુપરહીરો સંભાળે છે. એટલે જ ઉડતા પંજાબનો આ દેશી સુપરહીરો ‘સુપરમેન’ની જેમ ઊડે છે, ‘ધ ઇન્ક્રેડિબલ્સ’ના પાત્ર ‘ડૅશ’ની જેમ પુરપાટ દોડી શકે છે અને એના જેવી જ પટ્ટી આંખ પર પહેરે છે, ‘એક્સ મેન’ના ‘ક્વિકસિલ્વર’ની જેમ સમયને રોકી શકે છે, ‘બ્રુસ ઑલમાઇટી’ની જેમ દુનિયાનાં તમામ દુઃખિયારાંના આર્તનાદ સાંભળી શકે છે. એટલું જ નહીં, સની લિયોનીથી લઇને માઇકલ જૅક્સન સુધીની રૅન્જમાં ડાન્સ પણ કરી શકે છે (બસ, એક ઍક્ટિંગ જ કરી શકતો નથી). ફિલ્મમાં સીધોસાદો અમન ‘સ્પાઇડરમેન’ની સ્ટાઇલમાં ‘ફ્લાઇંગ જટ્ટ’ નામના સુપરહીરોમાં કન્વર્ટ થઈ જાય છે. એ એટલો બધો સંસ્કારી ભારતીય છે કે એની મમ્મીના હાથના આલુ કે પરાઠે, ગાજર કા હલવા કે ખીર ખાઇને આશીર્વાદ લઈ લીધા હોત તોય તેનામાં અતીન્દ્રિય શક્તિઓ આવી જાત. અલબત્ત, હૉલીવુડના અને આપણા સુપરહીરોમાં એક તફાવત એ છે કે ત્યાં પ્રેમિકા છૂટી જાય તોય એ પોતાની ઓળખ છત્તી ન કરે, જ્યારે અહીં તો સુપરહીરો પોતાની હિરોઇન માટે બીજી જ સૅકન્ડે કોશ્ચ્યુમ ફગાવીને શાહરુખનો પૉઝ આપી દે છે.

આમ જોવા જાઓ તો આ ફિલ્મ પાછળ રેમો ડિસોઝાનો ઇરાદો નેક છે. એમણે ‘સ્વચ્છ ભારત અભિયાન’ કે ‘ગ્રીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા’ની થીમ પર ફિલ્મ બનાવી હોય એટલા બધા મેસેજ તેમાં ભભરાવ્યા છે. એટલે જ તો એમનો સુપરહીરો વૃક્ષમાંથી શક્તિ મેળવે છે અને સુપરવિલન પ્રદૂષણમાંથી. પરંતુ બાકીના લોકો પણ આ સુપરહીરોને એવી સહજતાથી સ્વીકારી લે છે જાણે એને ‘પ્રધાનમંત્રી દુનિયા બચાઓ યોજના’નો બ્રૅન્ડ એમ્બેસેડર બનાવ્યો હોય. મેસેજ આપવાનો ડિરેક્ટરનો ઉત્સાહ એટલો બધો છે કે ફિલ્મના અંતે ખુદ ડિરેક્ટરનો ક્વૉટ પણ અવતરિત થાય છેઃ ‘હે પૃથ્વીવાસીઓ, આ જગતમાં સર્વે ચીજોનો વિકલ્પ છે, પરંતુ પૃથ્વીનો કોઈ વિકલ્પ નથી.-રૅમો.’ આ ઉત્સાહના અતિરેકમાં વૃક્ષની માનતા માનવાથી સૌ સારાંવાનાં થઈ જાય એ અંધશ્રદ્ધા પાછલા બારણેથી ઘૂસી ગઈ છે એ એમને ખ્યાલ નથી રહ્યો.

ટાઇગરમાં સુપરપાવર્સ આવ્યા પછીના અમુક સીન ખરેખર સરસ બન્યા છે. જેમ કે, ઉંચાઇના ડરને લીધે એ નીચે રહીને ઊડે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે, ઘરનાં બાવાજાળાં સાફ કરે, બહારથી દૂધી લેતો આવે એવી મોમેન્ટ્સ મસ્ત છે. પરંતુ બાકીની આખી ફિલ્મ ‘શક્તિમાન’, ‘બાલવીર’ કે ‘છોટા ભીમ’ જોતા હોઇએ એવી જ ફીલ આપે છે. સ્ટોરી અને તેનું ઍક્ઝિક્યુશન એટલું બાલિશ છે કે અઢી કલાકની આ ફિલ્મ અઢી દાયકા જેટલી લાંબી લાગે છે. ઉપરથી ફિલ્મની સ્પેશ્યલ ઇફેક્ટ્સ એ હદે નબળી છે કે એની સામે ‘બાલવીર’ પણ હૉલીવુડ ફિલ્મ જેવું લાગે. ફિલ્મમાં જૅકલિન ફર્નાન્ડીઝની હાજરીને જસ્ટિફાય કરવા માટે નખાયેલાં વણજોઇતાં ગીતો તેની લંબાઈમાં ઓર વધારો કરે છે. બાળકો માટેની ફિલ્મમાં સજેસ્ટિવ ચેનચાળાવાળું ‘બીટ પે બૂટી’ જેવું ગીત શું કામ છે એવું નહીં પૂછવાનું. આજકાલનાં બાળકો બધું સમજે છે, સમજ્યા?

આ ફિલ્મમાં સમ ખાવા પૂરતા એક પાત્રમાં પણ આંગળીનું ટેરવું ડૂબે એટલુંયે ઊંડાણ નથી. અમૃતા સિંઘ તો કંઇકેય જીવંત લાગે છે, પરંતુ કે. કે. મેનન, જૅકલિન, ટાઇગર અને સાત ફૂટિયો પરદેશી નાથન જોન્સ બધાં જ તદ્દન કાર્ડબૉર્ડિયાં અને કૅરિકેચરિશ છે. જો બાળકોનાં મનોરંજનાર્થે માત્ર પર્યાવરણને બચાવવા પૂરતા જ સીમિત રહ્યા હોત તો હજુ ચાલી જાત. પરંતુ અહીં તો ફિલ્મને માત્ર પંજાબી ઑડિયન્સ માટે જ બનાવી હોય તેમ ઑવર પંજાબીફિકેશન કરી નાખ્યું છે. આ સુપરહીરો એટલો બધો પંજાબી છે કે અત્યારે પંજાબમાં ચૂંટણી લડે તોય જીતી જાય.

બોરિંગ જટ્ટ

ગણ્યા ગાંઠ્યા સીનને બાદ કરતાં આ ‘ફ્લાઇંગ જટ્ટ’માં મજા પડે એવું કશું જ નથી. આશા રાખીએ કે આ ફિલ્મની સિક્વલ ન આવે તો સારું. હા, ઘરનાં બચ્ચાંલોગ જીદ કરતાં હોય તો તેમને આ ફિલ્મ જોવા લઈ જવાં તે પણ પેરેન્ટિંગનો જ એક ભાગ છે. ઘરે આવીને ફિલ્મના મૅસેજના ભાગરૂપે આ ચોમાસે એક છોડ વાવી દો તો ધક્કો લેખે લાગશે.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

બેબી

કમ ઑન બેબી, ટેક અ થ્રિલ પિલ!

***

દેશના દુશ્મનોને એમના ઘરમાં ઘૂસીને ખેંચી લાવવાની મહત્ત્વાકાંક્ષી વાત કરતી આ ‘બેબી’ થોડી ઢીલી અને થોડી પ્રેરિત હોવા છતાં એક વાર તો નિરાંતનાં દર્શન માગે જ છે.

***

baby-movie-posterહૉલીવુડની ફિલ્મોના પોલીસ-જાસૂસોમાં અને આપણી ફિલ્મોની પોલીસમાં શું ફરક? હૉલીવુડવાળા પોલીસ જરાય ફિલ્મી થયા વિના ગુંડાલોગને ચુન ચુન કે મારે અને શક્ય હોય તો દુશ્મન દેશમાં ઘૂસીને પણ એમની ગેમ ઓવર કરી નાખે. જ્યારે ‘કાનૂન કે હાથ બહો લંબે હોતે હૈ’ની દુહાઈ દેતી આપણી ફિલ્મી પોલીસ એક તો છેક છેલ્લે એન્ટ્રી મારે. ઉપરથી સાંગોપાંગ ભ્રષ્ટ હોય અને ગુનેગારોને પકડવાને બદલે એમની સાથે જ મળીને ‘ચિયર્સ’ કરતી હોય. સીધી વાત છે, આ ફિલ્મી ચિત્રણ એક આંખવાળું છે અને સિક્કાની બીજી બાજુ પણ બતાવવી જોઇએ. કદાચ એટલે જ છેલ્લા થોડા સમયમાં આવેલી ‘એજન્ટ વિનોદ’, ‘ડી ડે’, ‘હોલિડે’ જેવી ફિલ્મો આ સ્ટિરિયોટાઇપ તોડી રહી છે. ડિરેક્ટર નીરજ પાંડેની અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘બેબી’ આ જ પરિવર્તનનું વધુ એક પ્રકરણ છે.

બિનધાસ્ત બેબી

આ વાર્તા છે એક કામચલાઉ ખૂફિયા એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ ‘બેબી’નાં અલગ અલગ ઑપરેશનોની. ફિરોઝ ખાન (ડેની ડેન્ઝોંગ્પા) જેના હેડ છે એવા આ સંગઠનમાં અજય (અક્ષય કુમાર), જય (રાણા દગુબતી), શુક્લાજી (અનુપમ ખેર), પ્રિયા (તાપસી પન્નુ) જેવાં કેટલાંક સરફરોશીની તમન્ના દિલમાં લઈને ઘૂમતાં જાંબાઝ એજન્ટો કામ કરે છે. એક ઑપરેશનમાં ખબર પડે છે કે ત્રાસવાદીઓ દેશભરમાં ૨૬/૧૧થી પણ ચડે એવા ભયાનક આતંકવાદી હુમલા કરવાની ફિરાકમાં છે. એ નાપાક હરકતને અંજામ આપવા માટે ભારતની જેલમાં બંધ ખૂનખાર ત્રાસવાદી બિલાલ ખાન (કેકે મેનન)ને ભગાડીને દેશબહાર લઈ જવાય છે. ખબર પડે છે કે બિલાલ અત્યારે સાઉદી અલ-ડેરા નામના દેશમાં છુપાઈને બેઠો છે. એટલે પ્લાન એવો બને છે કે ત્રાસવાદીઓ કશી હરકત કરે તે પહેલાં ત્યાં જઇને બિલાલને હલાલ કરી નાખવો. ‘પિલાન કે મુતાબિક’ બધું જ આગળ વધે છે, પણ ત્યાં જ ખબર પડે છે કે અહીં તો…

સીધી બાત, નો બકવાસ

આપણી વિશ્વની સૌથી મોટી કહેવાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ જેને નખશિખ થ્રિલર કહી શકાય એવી ફિલ્મો તો ભાગ્યે જ બને છે. બધા જ પ્રકારની ઑડિયન્સને ખુશ કરવા માટે ફિલ્મમાં જરૂર ન હોય તો પણ નક્કામાં ગીતો ઠૂંસવામાં આવે. હીરો પ્રેમમાં નહીં પડે તો જાણે દેવદાસની જેમ ડિપ્રેશનમાં સરી પડવાનો હોય એમ મુખ્ય વાર્તાને અભેરાઇએ ચડાવીને હીરોની લાંબીલચક લવસ્ટોરી ફિલ્માવવામાં આવે. એ પછી ખાસ્સો એવો રોના-ધોના ટાઇપનો ફિલ્મી ડ્રામા ઊભો કરવામાં આવે… થેન્ક ગોડ, આ ‘બેબી’માં આવી કોઈ ખોટી ચરબી નથી. ફિલ્મ એની મૂળ વાર્તાને વળગી રહીને આગળ વધતી રહે છે. ફિલ્મની વચ્ચે માત્ર એક જ ગીત આવે છે અને એ પણ વાર્તાને જરાય નડ્યા વિના આવીને ચૂપચાપ જતું રહે. ડિરેક્ટરે ધાર્યું હોત તો દેશ માટે મરી ફિટતા જુવાનોના સેન્ટિમેન્ટલ ડ્રામાનું મોણ નાખી શક્યા હોત. લેકિન નો. બેબીમાં બાતેં કમ, કામ ઝ્યાદા છે.

તો શું બેબી પાંચમાંથી પાંચ આપવા પડે એવી અફલાતૂન થ્રિલર ફિલ્મ છે? જી, ના. એક તો બેબી ફિલ્મ ફર્સ્ટ હાફમાં ત્રણ અને સેકન્ડ હાફમાં બે એમ કુલ પાંચ એન્ટિ ટેરરિસ્ટ ઑપરેશનનાં કલેક્શન જેવી છે. એમાંય છેલ્લું હાફિઝ સઇદ ટાઇપના રીઢા આતંકવાદીને ખૂફિયા રીતે ભારત લાવવાનું આખું ઑપરેશન ૨૦૧૨ની બેસ્ટ ફિલ્મનો ઑસ્કર જીતી ચૂકેલી હૉલીવુડ ફિલ્મ ‘આર્ગો’થી પૂરેપૂરું પ્રેરિત છે. પરંતુ પ્રોબ્લેમ એ નથી. પ્રોબ્લેમ એ છે કે આવાં બધાં જ ઓપરેશન ચ્યુઇંગ ગમની જેમ લંબાઈ ગયાં છે અને એમાં જ થ્રિલની હવા નીકળી જાય છે. બધી વાતને નિરાંતે ડિટેઇલથી કહેવાની લાલચમાં ઇન્ટરવલ પહેલાંનો ફર્સ્ટ હાફ તો ઠરી ગયેલાં તુક્કલની જેમ ખાસ્સો નીચે ધબી જાય છે. તેને અક્ષય કુમારની પ્રામાણિક અને મજબૂત એક્ટિંગ પણ ઉપર લાવી શકતી નથી.

બીજો મહાલોચો એ છે કે અનુપમ ખેર, સુશાંત સિંઘ અને તાપસી પન્નુ જેવાં ત્રણ મહત્ત્વનાં કલાકારોની એન્ટ્રી છેક ઇન્ટરવલ પછી પડે છે. ત્યાં સુધીમાં આપણી ધીરજની સારી પેટે કસોટી થઈ જાય છે. પણ હા, એટલું કહેવું પડે કે આખી ફિલ્મમાં આપણે ટટ્ટાર થઇને નખ ચાવી જઇએ એવું ખરેખરું થ્રિલ ઇન્ટરવલ પછી જ જામે છે.

બેબીના બાશિંદાઓ

પોતાના પાત્રને રિયલ લગાડવા માટે અક્ષયે ‘સ્પેશ્યલ ૨૬’ની જેમ અહીં પણ બબૂચક જેવી મૂછો લગાવી છે, પરંતુ દુશ્મનોને એકલે હાથે ધૂળધાણી કરતા હીરોની ભૂમિકા એણે ‘હોલિડે’ ફિલ્મમાં કરી હતી ડિટ્ટો એવી જ છે. હા, એટલું ખરું કે અક્ષયને કેરેક્ટરમાં ઘૂસીને સ્ફૂર્તિથી દેશના દુશ્મનોની ઐસીતૈસી કરતો જોવાની મજા તો પડે જ છે.

કોઈ ઘેઘુર લીલુંછમ ઝાડ કપાતું જોઇને આપણને જેવો અફસોસ થાય, એવો જ અફસોસ આ ફિલ્મમાં કેકે મેનન, ડેની ડેન્ઝોંગ્પા અને સુશાંત સિંઘ જેવા અભિનેતાઓને વેડફાઇ જતા જોઇને થાય છે. એમાંય કેકે મેનનના ભાગે તો ગણીને માંડ ચારેક સીન જ આવ્યા છે, એમાંથી એકેય સીનમાં એક ખૂનખાર ત્રાસવાદી છે એવી છબિ ઉપસતી નથી. એના કરતાં તો પાકિસ્તાની ફિલ્મ ‘ખુદા કે લિયે’ના એક્ટર રશીદ નાઝના પાત્રને ક્યાંય વધારે ફૂટેજ મળ્યું છે. આખી ફિલ્મમાં ફોન પર જ વાત કર્યા કરતા ડેનીના ભાગે એક પણ આઉટડૉર સીન આવ્યો નથી.

મોડેથી આવીને પણ ફટકાબાજી કરી જતા બેટ્સમેનની જેમ અનુપમ ખેર ફિલ્મના માહોલને નવેસરથી જીવંત બનાવી દે છે. એવું જ ‘ચશ્મે બદ્દૂર’ની રિમેક ફેમ હિરોઇન તાપસી પન્નુનું છે. જે સ્ફૂર્તિથી તાપસી ફાઇટ કરે છે તે આખો સીન આપણને ફિલ્મની બહાર નીકળ્યા પછીયે યાદ રહે છે. અક્ષય કુમાર પાસેથી એ સીન એણે લિટરલી ખૂંચવી લીધો છે. ફિલ્મમાં ‘સિંઘમ’ ફેમ એક્ટર મુરલી શર્માનો એક નાનકડો રોલ છે. પરંતુ એમાં એ એટલી મજા કરાવી જાય છે કે ડાયલોગ વિના પણ લોકો હસી પડે છે. ‘બેબી’માં રાણા દગુબતી નામનો હલ્કછાપ પહેલવાન બાબો પણ છે, પરંતુ બિચારાના ભાગે બાવડાં ફુલાવીને દોડાદોડ કરવા સિવાય ખાસ કશું આવ્યું નથી.

બોલ બેબી બોલ

આપણા જવાનો પણ કંઈ ઈઝરાયેલના ‘મોસાદ’ કરતાં ઊતરતા નથી અને ભલે આખી દુનિયામાં ઇસ્લામિક ટેરરનો ખોફ પ્રવર્તતો હોય, પણ બધા મુસલમાનો સરખા હોતા નથી એવું બતાવવાનો પણ ડિરેક્ટર નીરજ પાંડે મોકો ચૂક્યા નથી. ભલે થ્રિલની પિલ થોળી મોળી પડે, ભલે ડિરેક્ટર આ વખતે જરા નિશાન ચૂકી ગયા હોય, પણ આ ‘બેબી’ ‘ઝીરો ફેટ’ થ્રિલર ફિલ્મોના રસિયાઓને સાવ નિરાશ નહીં જ કરે. ગો ફોર ઇટ! એક ભારતીય તરીકે આપણે એટલી જ આશા રાખીએ કે હૉલીવુડમાં જેમ આવી ‘આર્ગો’ જેવી ફિલ્મ સત્યઘટના પરથી બને છે, તે જ રીતે આપણી પણ ફિલ્મો આવી ટ્રુ સ્ટોરી પરથી બને.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

હૈદર

ન શમે વેર વેરથી

***

શેક્સપિયરની કૃતિને કાશ્મીરના વાઘા પહેરાવીને રજૂ કરાયેલી આ ફિલ્મ ક્લાસિક સિનેમાનું ઝળહળતું ઉદાહરણ છે.

***

haider-movie-hd-posterબહુ ઓછી એવી ફિલ્મો બનતી હોય છે જે સિનેમાની દૃષ્ટિએ એટલી સમૃદ્ધ હોય કે એક બાજુ બત્રીસે કોઠે આનંદ આપી જાય, તો સાથોસાથ આપણા મનને ખળભળાવી મૂકે, વિચારતા કરી મૂકે. વિશાલ ભારદ્વાજની શેક્સપિયરના નાટક ‘હેમલેટ’નું એડપ્ટેશન એવી ‘હૈદર’ આવી જ એક ફિલ્મ છે. સ્વાભાવિકપણે જ આ ફિલ્મ બધાને માફક આવે એવી નથી. સો કોલ્ડ, ‘૧૦૦ કરોડ ક્લબ’માં તો ક્યારેય સામેલ થઈ શકશે નહીં, પરંતુ કાળજે ટાઢક થાય એવી વાત એ છે કે આવી ફિલ્મો હજી પણ આપણે ત્યાં બને છે.

વેદનાનું વૈવિધ્ય

વાત છે ૧૯૯૫ના ત્રાસવાદગ્રસ્ત કાશ્મીરની. ગંભીર એપેન્ડિક્સથી પીડાતા એક આતંકવાદીને પોતાના ઘરે આશરો આપવા બદલ ડૉ. હિલાલ મીર (નરેન્દ્ર ઝા)ને ભારતીય આર્મી પકડીને લઈ જાય છે. આ રીતે ગાયબ થયેલા અને ક્યારેય પાછા ન ફરતા કાશ્મીરીઓમાં વધુ એકનો ઉમેરો થાય છે. આ સમાચાર સાંભળીને અલીગઢ ભણવા ગયેલો તેમનો પુત્ર હૈદર (શાહિદ કપૂર) પોતાને ગામ પાછો ફરે છે. પિતાના ગાયબ થવાની પીડા ઉપરાંત વધારે પીડા એને એ વાતે થાય છે કે એની મા ગઝાલા (તબ્બુ) એમના શૌહરના ગાયબ થવાનો માતમ મનાવવાને બદલે એના કાકા ખુર્રમ (કે. કે. મેનન)ની નજીક જઈ રહી છે.

પોતાની પ્રેમિકા આર્શિયા (શ્રદ્ધા કપૂર), જે પત્રકાર છે અને એક સિનિયર પોલીસ અધિકારી છે, તેની મદદથી હૈદર કાશ્મીરની ગલીએ ગલીમાં પિતાના સગડ શોધતો ફરે છે. ત્યાં જ એક રહસ્યમય વ્યક્તિ નામે રૂહદાર (ઈરફાન ખાન)ની એન્ટ્રી થાય છે અને એ શાહિદને મેસેજ આપે છે કે તારા પિતાને રિબાવી રિબાવીને મારી નખાયા છે. એટલું જ નહીં, એ માટે જવાબદાર હૈદરનો કાકો અને એમનો સગ્ગો ભાઈ ખુર્રમ (કે. કે. મેનન) જ છે. એટલે હૈદર (શાહિદ)ને એના મરહૂમ પિતાનો અધૂરો બદલો લેવાનું કામ સોંપાય છે. હવે ક્રોધથી સળગી રહેલા હૈદરને એ સમજાતું નથી કે એ કોનો વિશ્વાસ કરે અને કોનો નહીં. જે હોય તે, પણ પરિણામ લોહિયાળ આવે છે.

બારીક નકશીકામ

શેક્સપિયર પ્રેમી વિશાલ ભારદ્વાજ અને કાશ્મીરના હોનહાર સર્જક બશરત પીરે મળીને હૈદરની વાર્તાનું અત્યંત બારીક નકશીકામ કર્યું છે. જો આપણને કહેવામાં ન આવે કે આ મૂળ શેક્સપિયરની કૃતિ પરથી બનેલી ફિલ્મ છે, તો આપણા માન્યામાં જ ન આવે એટલી હદે તે ઓરિજિનલ બની છે. દરઅસલ આ ફિલ્મ એક કલાઇડોસ્કોપ જેવી છે. જેમ તમે એને ફેરવી ફેરવીને જોતા જાઓ, તેમ તેમ એમાં નવી નવી ભાત ઉપસતી જાય. વિશાલ ભારદ્વાજે હૈદરમાં કાશ્મીરનો એવો ચહેરો બતાવ્યો છે જે આપણે ક્યારેય જોવા માગતા નથી, કે આપણને બતાવવામાં પણ નથી આવતો. ભારત-પાકિસ્તાનની ઘંટીના બે પડ વચ્ચે પિસાતા કાશ્મીરીઓની વેદના મુઠ્ઠીભર ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર્સ કે લેખકો સુધી સીમિત રહી છે, તેને વિશાલ મેઇન સ્ટ્રીમમાં લાવ્યા છે.

આ ઉપરાંત ફિલ્મમાં મિલિટરીનો ક્રૂર પંજો, તેમાં પિસાતા કાશ્મીરીઓ, એ બધું જોઈ જોઈને ગેરમાર્ગે દોરવાતા ત્યાંના યુવાનો, પિસ્તોલથી લઇને કાલાશનિકોવ જેવાં રોજિંદી જિંદગીમાં સામેલ થઈ ગયેલાં હથિયારો, આખા કાશ્મીરને (અને પૂર્વીય ભારતનાં રાજ્યોને પણ) એક વિરાટ કેદખાનામાં બદલી નાખતો AFSPA (આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ) નામનો કાયદો, સતત માર ખાઈ ખાઈને બુઠ્ઠી થઈ ગયેલી ત્યાંના લોકોની સંવેદનાઓ અને એકેએક સીનમાંથી તાજા ઘાવમાંથી ટપકતી હોય એમ નીતરતી વેદના. વળી, તમે ફિલ્મના કલાઇડોસ્કોપને ફેરવી ફેરવીને જુઓ તો સૌથી પહેલા દેખાય એકદમ ઑથેન્ટિક કાશ્મીર. ત્યાંના સ્વર્ગ જેવા ખૂબસૂરત બર્ફીલા લેન્ડસ્કેપ, મોંમાંથી નીકળતી વરાળ, લગ્નથી લઇને દફનવિધિ સુધીની રસમો, ત્યાંનું સંગીત-વાદ્યો, ચિનારનાં વૃક્ષો, દલ લેક, શિકારાવાળું કાશ્મીર. પછી સહેજ વધારે ફેરવતાં જઇએ એટલે શાહિદનું એની મા તબ્બુ પ્રત્યેનું આકર્ષણ (ઈડિપસ કોમ્પલેક્સ), સત્તા લાલસા, દગાખોરી, નિર્દોષ પ્રેમ, બદલો-વેરભાવના, ક્ષમા, હિંસાથી લઇને ગાંધીજી, ઓશો રજનીશ, ફૈઝ અહમદ ફૈઝ, મેહદી હસન, કાશ્મીરી સર્જક અખ્તર મોહિનુદ્દીન વગેરે બધું પણ દેખાતું જાય.

વિશાલ ભારદ્વાજે લખેલા હૈયા સોંસરવા ઊતરી જાય એવા સંવાદોની પણ નોંધ લીધા વગર ચાલે એવું નથી. જરા ટેસ્ટ કરો, ‘પૂરા કશ્મીર એક કૈદખાના હૈ’; ‘કશ્મીર મેં ઉપર ખુદા હૈ, નીચે ફૌજ’, ‘જબ તક હમ અપને ઈન્તકામ (વેરભાવના) સે આઝાદ નહીં હોતે, તબ તક હમેં આઝાદી નહીં મિલતી.’

પડદાની પેલે પાર

આ ફિલ્મનું કાશ્મીરના કેસર નાખેલા કાવા જેવું છે, અફલાતૂન હોવા છતાં બધા લોકોને ન ભાવે. એક તો મૂળ વાર્તાને વફાદાર રહેવામાં ફિલ્મ ૧૬૨ મિનિટ જેટલી લાંબી થઈ ગઈ છે. ઉપરથી શરાબના નશાની જેમ ધીમે ધીમે ચડતી આ ફિલ્મની ગતિ રેગ્યુલર ધૂમધડાકા ફિલ્મ જોનારાઓને અકળાવી મૂકે એવી છે. પરંતુ હા, એક વાર તમે તેનાં પાત્રો સાથે એકરસ થઈ જાઓ, પછી દલ લેકમાં ફરતા શિકારાઓની જેમ તેમાં વહેતા જ જાઓ. વિશાલ ભારદ્વાજે સતત એટલી પીડા વહાવ્યે રાખી છે કે હળવાશનો કોઈ સ્કોપ જ રખાયો નથી. એટલે ફિલ્મ ભારેખમ પણ ખાસ્સી બની ગઈ છે. અને સૌથી અગત્યનું, ભારતની પોલીસ અને આર્મીનો આવો વિકરાળ ચહેરો આપણે લગભગ ક્યારેય જોયો જ નથી. એટલે કાશ્મીર અને સૈન્યનો રેગ્યુલર હીરો સ્ટાઇલનો ચહેરો જોવા ટેવાયેલા લોકો આવું સ્વીકારી જ ન શકે તેવી પૂરી શક્યતા છે. ખરેખર તો આ પ્રકારનાં દૃશ્યો આપણા સેન્સર બોર્ડમાંથી પાસ થઈ ગયા એ જ એક મોટું આશ્ચર્ય છે! કોઇને ભારતીય આર્મીનું આવું ચિત્રણ એકપક્ષીય પણ લાગી શકે.

ફિલ્મના લગભગ બધા જ કલાકારો પાસેથી વિશાલે એકદમ પાવરપેક્ટ અભિનય કરાવ્યો છે. પરંતુ શાહિદ અને ખાસ કરીને તબ્બુની અદાકારી તો કાળજું વીંધીને આરપાર નીકળી જાય એટલી ધારદાર છે. ઈરફાન ખાનની અને કે. કે. મેનનની એક્ટિંગ તો દર વખતની જેમ લાજવાબ હોવાની જ! આ ફિલ્મમાં કરુણ રસની સાથોસાથ ભયાનક રસ પણ સતત વહેતો રહે છે. શાહિદ કપૂરના બળેલા ઘરનો કાટમાળ હોય, તબ્બુ અને શાહિદની આંખોના કોન્ટેક્ટ લેન્સ હોય, ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, ઠંડા કલેજે નિર્દોષો પર ગુજારાતા અત્યાચાર હોય કે કબર ખોદનારાઓની વાતો તથા એમનું ગુલઝારે લખેલું ગીત ‘સો જાઓ’ હોય, આ બધું એટલું બિહામણું ભાસે છે કે ભયથી આપણાં રૂંવાડા ઊભા કરી દે છે.

હૈદરનાં ગીતોમાં ફૈઝ અહમદ ફૈઝ તથા ગુલઝારની કલમનો બખૂબી ઉપયોગ કરાયો છે. વિશાલ ભારદ્વાજે પોતે એવું મ્યુઝિક કમ્પોઝ કર્યું છે કે એકેય ગીત વધારાનું કે પરાણે ઘુસાડેલું હોય એવું લાગતું નથી. એમાંય ‘બિસમિલ બિસમિલ’ ગીતની કોરિયોગ્રાફી માટે તો વિશાલે ખાસ નોર્વેથી કોરિયોગ્રાફર બોલાવેલા. આખી ફિલ્મને એક મહાકાવ્યની અને ક્યાંક ક્યાંક ડોક્યુડ્રામા ફીલ આપતી પંકજ કુમારની સિનેમેટોગ્રાફીનો પણ ઉલ્લેખ કરવો પડે. વિશાલ ભારદ્વાજે ફિલ્મની વચ્ચે વચ્ચે સળગતા કાશ્મીરનાં ઓરિજિનલ દૃશ્યો પણ ઉમેર્યાં છે. હૈદરમાં વીડિયો લાઇબ્રેરી ચલાવતાં બે પાત્રો સલમાન ખાનના ફેન્સ છે. એમનાં નામ પણ સલમાન અને સલમાન છે. પરંતુ જે રીતે ફિલ્મમાં સલમાન ખાનની ફિલ્મો, એનાં ગીતો, સંવાદોનો ઉપયોગ કરાયો છે, એ જોઇને સલમાન ખાનના ફેન્સ તો અકળાઈ જવાના!

ચાલો, વ્યથાનાં વીતક જોવાં

જે લોકો માત્ર મનોરંજન માટે કે ટાઇમપાસ કરવા ખાતર ફિલ્મો જોતા હોય તે લોકો આ ફિલ્મથી દૂર રહે તે ઈચ્છનીય છે. પરંતુ જેમને ખરેખર કશું અર્થપૂર્ણ જોવું હોય એમણે આ ફિલ્મ અવશ્ય જોવી જ જોઇએ. હા એક ટિપ, શેક્સપિયરની હેમલેટ જેમણે વાંચી હશે એમને આ ફિલ્મ જોવાની વધારે મજા પડશે. એવું ન હોય અને એટલિસ્ટ ઈન્ટરનેટ પરથી મૂળ હેમલેટની વાર્તા વાંચીને ગયા હોઇએ તો એ વાર્તાને વિશાલ ભારદ્વાજે કેવી ખૂબીપૂર્વક કાશ્મીરમાં ઢાળી છે એ જોવાની મજાનો ગુણાકાર થશે.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

P.S. ફિલ્મમાં અરિજિત સિંઘના કંઠે ગવાયેલી ગઝલ ‘ગુલોં મેં રંગ ભરે’નું મેહદી હસને ગાયેલું ઑરિજિનલ વર્ઝન સાંભળવું હોય તો આ રહ્યુંઃ

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

રાજા નટવરલાલ

નો ઉલ્લુ બનાવિંગ!

***

આ ફિલ્મ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના પરફોર્મન્સ જેવી છે. ચપટીક સારી અને સૂંડલો ભરીને કંગાળ.

***

raja-natwarlalપરફેક્ટ ‘કોન મુવી’ (છેતરપિંડી પરની ફિલ્મ) એક મેજિક ટ્રિક જેવી હોય છે. આખી ફિલ્મમાં આપણી સામે એવો તામઝામ ઊભો કરે કે આપણે એકધ્યાને બધું જોતા રહીએ. આખરે જ્યારે બાજી ખુલ્લી પડે ત્યારે એક ચમત્કાર જોયાની થ્રિલિંગ ફીલિંગ અને મજા પડ્યાનો સંતોષ બંને એકસાથે અનુભવાય. પરંતુ અફસોસ ‘જન્નત’ ફેઇમ કુણાલ દેશમુખની ઈમરાન હાશ્મી, પરેશ રાવલ અને કે. કે. મેનન સ્ટારર ‘રાજા નટવરલાલ’માં આવી કોઈ ફીલિંગ થતી નથી. હા, ભાદરવા મહિનાના છૂટાછવાયાં ઝાપટાંની જેમ અમુક સીન્સમાં મજા પડે છે, પરંતુ ઓવરઓલ તો છેતરાઈ ગયાની જ લાગણી થાય છે.

ચોર કે ઘર ચોરી

રાજા (ઈમરાન હાશ્મી) એક સડકછાપ ટ્રિકબાજ છે, જે ગંજીફાનો જુગાર રમાડીને લોકોને ઉલ્લુ બનાવે છે. રાજા પોતાના મુંહબોલા બડે ભૈયા રાઘવ (દિપક તિજોરી)ની સાથે મળીને નાનામોટા હાથ મારતો ફરે છે. પરંતુ એકવાર તેઓ ગાડીઓની અદલબદલ કરીને ખાસ્સી મોટી એટલે કે એંસી લાખ રૂપિયાની ચોરી કરે છે. પાછળથી ખબર પડે છે કે એ રૂપિયા તો દક્ષિણ આફ્રિકાના મોટા ગુંડા વર્ધા યાદવ (કે. કે. મેનન)ના છે. ક્રિકેટનો શોખીન કે. કે. મેનન પોતાના માણસોને મોકલીને પોતાના પૈસા તો પાછા ઓકાવે છે, ઉપરથી દિપક તિજોરીને પણ ક્લીન બોલ્ડ કરી નાખે છે.

આનો બદલો લેવા માટે રાજા બીજા એક મોટા કોનમેન યોગી (પરેશ રાવલ)ને છેક ધર્મશાલા જઈને પકડે છે અને કે. કે. મેનનને છેતરીને લૂંટવાનો પ્લાન બનાવે છે. પ્લાન એવો કે આઈપીએલમાં હોય છે એવી એક કાલ્પનિક ટીમ ‘અમદાવાદ એવેન્જર્સ’ ઊભી કરવાની અને તેને સો કરોડમાં વેચી મારવાની.

પ્લાન કે મુતાબિક બધું જ આગળ વધે છે, ત્યાં લોચો વાગે છે. એક તો ઈમરાન હાશ્મીની માશૂકા ઝિયા (પાકિસ્તાની એક્ટ્રેસ હુમૈમા મલિક)- જે મુંબઈમાં બાર ડાન્સર છે-તેનું નાક દબાવીને પોલીસ ઈમરાન હાશ્મી સુધી પહોંચવાના પ્રયાસમાં લાગી જાય છે. એમાંના બે લંપટ પોલીસવાળાઓને એ સો કરોડ રૂપિયામાં રસ છે. બીજી બાજુ કૂતરા જેવું સતેજ નાક ધરાવતા વર્ધા એટલે કે કે. કે. મેનનને પણ શંકા પડે છે એટલે તે ઈમરાન હાશ્મીની પાછળ શાર્પ શૂટર લગાડી દે છે. હવે જોવાનું એ છે કે આખરે કોણ કોની ગેમ કરે છે.

બોરિંગ ટેસ્ટ મેચ જેવી ઢીલી

‘રાજા નટવરલાલ’ અગાઉ આવેલી દિબાકર બેનર્જીની ફિલ્મ ‘ખોસલા કા ઘોંસલા’ની જેમ રિવેન્જ કોનની કેટેગરીમાં આવે છે. આવી ફિલ્મોની થીમ એ હોય છે કે ચોરને એની જ ટ્રિક્સનો ઉપયોગ કરીને બદલો લેવો. પરંતુ તેના માટે આપણા હૃદયના ધબકારા વધી જાય અને આંગળીના નખ ચાવી નાખીએ એવી ગ્રિપિંગ સ્ટોરી અને સતત જકડી રાખે એવું તેનું એક્ઝિક્યુશન જોઈએ. જ્યારે આ નટવરલાલમાં તો ફિલ્મ શરૂ થયાના અડધા કલાકમાં જ આપણા માથે એક પછી એક ત્રણ ગીતો પછડાય છે. હા, શરૂઆતના સીનમાં ઈમરાન હાશ્મી લોકોને કઈ રીતે છેતરે છે એ જોવાની મજા પડે, પણ જેવી મજા આવવાની શરૂઆત થાય કે ગીત ટપકી પડે. ડિરેક્ટરથી કદાચ આપણી મજા જોવાતી નહીં હોય, એટલે આખી ફિલ્મમાં દર થોડી વારે કાં તો ગીત ટપકી પડે અથવા તો હિરોઇન હુમૈમા આવીને કકળાટ શરૂ કરે કે આપણે લગ્ન ક્યારે કરીશું!

એક્ચ્યુઅલી છેતરપિંડીની વાર્તા ચોરના દૃષ્ટિકોણથી વિચારવી અને લખવી પડે, જેથી આખી સ્ટોરીમાં ક્યાંય છીંડાં ન રહી જાય. અહીં તો આખી પાંચ દિવસની ટેસ્ટમેચ નીકળી જાય એટલાં મોટાં છીંડાં છે. જેમ કે, એક તરફ એવું બતાવ્યું છે કે કે. કે. મેનન ક્રિકેટની મેમોરેબલ ચીજો (સ્ટાર ખેલાડીઓનાં બેટ, બૉલ, હેલમેટ વગેરે) હરાજીમાંથી ઊંચા દામે ખરીદવાનો શોખીન છે. એમાં એનું નોલેજ એટલું પાવરફુલ છે કે કોઈ એને ઉલ્લુ ન બનાવી શકે. તો પછી ભારતીય ક્રિકેટ બોર્ડના નકલી અધિકારી બનીને કોઈ તેને કઈ રીતે ઉલ્લુ બનાવી શકે? વળી, આખેઆખી ક્રિકેટટીમની હરાજી જ નકલી હોય અને માફિયા પ્રકારના ડોનને તેની ગંધ સુધ્ધાં ન આવે તે ગળે ઊતરતું નથી. ઈવન ઈમરાન આણિ મંડળી તો ગૂગલને પણ ઉલ્લુ બનાવી દે છે! ઈમરાન હાશ્મી મુંબઈ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એ રીતે કૂદાકૂદ કરે છે જાણે બુલેટ ટ્રેનનો પાસ કઢાવ્યો હોય!

વળી, ગીત, ગોકીરો અને ગરબડોની વચ્ચે સ્ટોરી જે રીતે રગશિયા ગાડાની જેમ આગળ વધે છે તેમાં ગૂંચવાડો ઊભો થાય છે કે એક્ઝેક્ટ્લી આ લોકો કરવા શું ધારે છે. ઈવન છેલ્લે જ્યારે આખી બાજી છત્તી કરવામાં આવે ત્યારે પણ આપણા માટે ઘણા પ્રશ્નો વણઉકલ્યા જ રહી જાય છે. (એક સવાલ એ પણ થાય કે હમણાંથી ઘણી ફિલ્મોમાં ગુજરાતીઓને જ કૌભાંડી, ભ્રષ્ટાચારી, સેટિંગબાજ કેમ બતાવવામાં આવે છે?)

પાર્ટનર્સ ઈન ક્રાઇમ

આ ફિલ્મમાં બધાં જ પાત્રો ચોટ્ટાં છે. પરંતુ એક ઈમરાન હાશ્મીને બાદ કરતાં એક પણ કલાકાર એના રોલમાં કમ્ફર્ટેબલ બોય એવું જણાતું નથી. ઈમરાન હાશ્મીનું તો જાણે સમજ્યા કે એને ગ્રે શેડ ધરાવતા રોલ કરવાની ફાવટ આવી ગઈ છે, પરંતુ પરેશ રાવલ શાતિર દિમાગ ધરાવતા ચોરને બદલે કોઈ બીમાર આધેડ જેવા વધારે લાગે છે. આમ તો એ ફિલ્મમાં ઈમરાનના ગુરુ બને છે પરંતુ હરામ જો સમ ખાવા પૂરતી એક પણ નવી ટ્રિક શીખવતા હોય તો! જાણે લાંબો સમય કોમામાં રહ્યા પછી જાગ્યો હોય એવા દેખાતા દિપક તિજોરીને સ્ક્રીન પર જોવો ગમે છે, પણ થોડી વારમાં જ બિચારાની ગેમ ઓવર થઈ જાય છે.

ધરખમ એક્ટર કે. કે. મેનનને સિત્તેરના દાયકાના કોઈ દમામદાર સ્મગલર જેવો લુક અપાયો છે, પણ અડધા પિક્ચરે જાણે એના દિમાગની બત્તી ગુલ થઈ જાય છે. એટલે એના પાત્રનો ખોફ જ જાણે જતો રહે છે. પાકિસ્તાની એક્ટ્રેસ હુમૈમા મલિક અગાઉ ‘બોલ’ નામની ફિલ્મમાં દેખાયેલી, જેમાં એનો અભિનય ખાસ્સો વખણાયેલો. પણ અહીં એણે એની ત્વચાના અને શરીરના વળાંકોનાં પ્રદર્શન સિવાય અને ફિલ્મની ગતિમાં પંક્ચર પાડવા સિવાય કશું કામ કર્યું નથી. વળી, ફિલ્મમાં સારી સપોર્ટિંગ સ્ટારકાસ્ટ પણ ખૂટે છે. દિમાગની ગલીમાં કેમેય કરીને ફિટ ન થાય એવી સ્ટોરી જોઈને સહેજે પણ માન્યામાં ન આવે કે આ ફિલ્મની સ્ટોરી ‘ક્વીન’ના રાઈટર પરવીઝ શેખે લખેલી છે. એમણે ફિલ્મમાં થોડા વનલાઇનર્સ ભભરાવવાનો પ્રયાસ કર્યો છે, પણ એ ચોમાસામાં હવાઈ ગયેલા ચવાણા જેવા વાસી લાગે છે.

એવું જ ગીતોનું છે. એકમાત્ર ‘કભી રુહાની કભી રુમાની’ને બાદ કરતાં એક પણ ગીતમાં કશો ભલીવાર નથી. વધારે આઘાતની વાત તો એ છે કે આટલાં કંગાળ ગીતો દિગ્ગજ સંગીતકાર ઈલૈયારાજાના સૌથી નાના દીકરા યુવાન શંકર રાજાએ કમ્પોઝ કર્યાં છે!

છેતરપિંડીનું પરિણામ

ટૂંકમાં આ ફિલ્મમાં એવું કશું ફાટી પડતું નથી કે આપણે રૂપિયા ખર્ચીને ટૉકિઝે હડી કાઢીએ. ઈમરાન હાશ્મીના ફેન્સ કદાચ થનગનતાં મલ્ટિપ્લેક્સ સુધી લાંબા થશે, પરંતુ એમને દુઃખ થાય એવી એક વાત એ છે કે ફિલ્મમાં કાન લાલ કરી દે તેવો એકેય ગરમાગરમ બેડરૂમ સીન નથી! ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ જેવી પાંચ-પંદર ટકા સારી અને બાકી મોટા ભાગે કંગાળ એવી આ ફિલ્મની ડીવીડી રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવામાં જ ભલાઈ છે. ત્યાં સુધી આપણે ગણપતિ બાપ્પાને વધાવીએ અને આશા રાખીએ કે આપણા પૈસા અને સમયનું પૂરેપૂરું વળતર આપે એવી દમદાર ફિલ્મો આપણને જોવા મળે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.