ચાલો, ફિલમ ફિલમ રમીએ!

રેટિંગઃ * (એક સ્ટાર)

 • film_companion_anu_review_race-3_lead_1-1100x600પોણાત્રણ કલાક અથવા તો અનંતકાળ (બેમાંથી જે વહેલું હોય તે) સુધી ચાલતી ‘રેસ-3’ જોવી, રસપૂર્વક જોવી, પૂરી કરવી, જાગતા રહેવું અને તેમાંથી હેમખેમ બહાર આવવું તે અઘરી બાબત છે (અને પછી તેના વિશે લખવું!). એટલિસ્ટ આ માટે કોઈ વીરતા પુરસ્કારની જાહેરાત કરવી જોઈએ. (અથવા તો એમને સબસિડાઈઝ્ડ દરે પેટ્રોલ આપવું જોઈએ!)
 • રાજકારણ પર આધારિત ન હોવા છતાં ‘રેસ’ મુવી ફ્રેન્ચાઈઝ દગાખોરી, છળકપટ, પ્રપંચતંત્રની કથા છે. આપણે ત્યાં રાજકારણીઓ પાર્ટી બદલે છે એના કરતાં ક્યાંય વધુ સ્પીડે આ ફિલ્મોનાં પાત્રો રંગ બદલે છે. વિશ્વાસઘાતના ટ્રેક પર યોજાતી આ રેસ ફ્રેન્ચાઈઝનું સુકાન અત્યાર સુધી ‘ટાઈડ’ વૉશિંગ પાઉડરના શાશ્વત બ્રાન્ડ એમ્બેસેડર એવા શ્વેતવસ્ત્રધારી અબ્બાસ-મસ્તાનના હાથમાં હતું. એમનો ફન્ડા ક્લિયર હતો, કોઈ વિદેશી ફિલ્મમાંથી પ્લોટ ઉઠાવવાનો, એમાં સૈફ આણિ સ્ટાર્સને લઈને બૉલિવૂડના મસાલા છાંટી, પ્રીતમ આણિ મંડળીનાં મ્યુઝિકનું ગાર્નિશિંગ કરીને પીરસી દેવાનું. પરંતુ આ વખતે ડિરેક્ટરની ખુરશી પર બેસી ગયા છે કોરિયોગ્રાફર ટર્ન્ડ ડિરેક્ટર રેમો ડિસોઝા. મલાલની વાત એ છે કે બેહિસાબ દૌલત ઔર સ્ટાર્સ કી ચકાચૌંધ ને ઉસે બિલકુલ અંધા કર દિયા હૈ! યાને કે સ્ક્રીન પર બસ પૈસા ઉડાડો અને સ્ટાર્સને આમથી તેમ ઘુમાવ્યા-ઉડાડ્યા કરો, બાકીનું બધું જાય પર્શિયાની ખાડીમાં!
 • આમ તો ‘રેસ-3’ની સ્ટોરી સમજવી એના કરતાં GSTનું સ્ટ્રક્ચર સમજવું વધારે ઈઝી પડે એવું છે, લેકિન જો જરાતરાય સ્ટોરીની વાત કર્યા વિના આપણે રંધો ફેરવવાનું શરૂ કરીશું તો તમારે અક્કલકરો ફાકવો પડશે! એટલે નોશ ફરમાઈયેઃ આ વાર્તા છે શમશેર સિંહ (અનિલ કપૂર)ની, જે અલ શિફા નામના કોઈ અખાતી ટાપુ પર પોતાની હથિયારો બનાવવાની ફેક્ટરી ચલાવે છે. અલબત્ત, એ ફેક્ટરીમાં એ ખરેખર કેવાં હથિયારો બનાવે છે એ આપણને ક્યારેય બતાવવામાં આવતું નથી. એને બદલે ઈચ્છાયૌવનનો આશીર્વાદ પામેલા અનિલભાઉ વખત આવ્યે બંને હાથમાં ફટાકડીઓ ધારણ કરીને ફોડી લે છે. એમનો બંગલો એવડો મોટો છે કે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે ‘શમશેરવેઝ’ નામની એરલાઈન ઊપડે છે! (જોકિંગ લ્યા!)  હા તો, એ શમશેર સિંહને એક આગલા ઘરનો દીકરો સિકંદર (સલમાન ભાઈ) છે. કોનાથી એ ન પૂછતા! બીજાં લગ્નથી ટ્વિન્સ-દીકરી સંજના (ડેઈઝી શાહ) અને સૂરજ (શાકિબ સલીમ)-થયાં છે. આ ઉપરાંત ધર્મેન્દ્ર પાસેથી ઉછીનો લીધેલો યશ (બોબી દેઓલ) પણ અનિલભાઉએ રાખ્યો છે. આ મંડળીમાં પાર્ટટાઈમ પોલ ડાન્સર જેસિકા (જેકલિન ફર્નાન્ડિઝ) પણ એન્ટ્રી મારે છે. હજી આમાં શરત સક્સેના, રાજેશ શર્મા, ફ્રેડી દારૂવાલા, મિલિંગ ગુણાજી, સદગત નરેન્દ્ર ઝા જેવા કલાકારો આવ-જા કર્યા કરે છે. આ બધા ભેગા મળીને મીટર વગરનાં સોંગ્સ ગાતાં ગાતાં એકબીજા સાથે દગાખોરીની ખોખો રમ્યા કરે છે.
 • ભાઈની ફિલ્મોમાં ભાઈની એન્ટ્રીનું બહુ માહાત્મ્ય હોય છે. ભાઈ પર ચાલતા કૅસની જેમ અહીં પણ એમની બે એન્ટ્રી છે. પહેલી એન્ટ્રીમાં ભાઈનો માત્ર અડધો ચહેરો જ દેખાય છે. એ વખતે ભાઈ કારમાં બેઠા છે (ડ્રાઇવિંગ સીટ પર તો એમનો ડ્રાઈવર જ હશે, ઓબ્વિયસલી!). જ્યારે બીજી એન્ટ્રી વખતે ભાઈ જ્યાં કાનૂન કે લંબે હાથ ભી ન પહોંચી શકે એવી ઊંચી બિલ્ડિંગની અગાશી પર ઊભા છે. ત્યાંથી એ વિંગસૂટ પહેરીને સુપરમેનની અદાથી ગૂગલ મેપ્સની મદદ વિના પોતાના ગંતવ્યસ્થાને પહોંચી જાય છે. (એ જોઈને ફૅનલોગની આંખોમાંથી હરખનાં આંસુડાં સરી પડે છે ને દસેય આંગળીએથી ટચાકા ફોડતાં ઓવારણાં લઈ લે છે!)
 • એક્ચ્યુઅલી, ઉપર લખી તે સ્ટોરી તો સરકારે ટેકાના ભાવે ખરીદેલી મગફળીની બોરીઓ જેવી જ છે. એમાં મગફળી જેવી સ્ટોરી ઓછી ને ફાલતુગીરીના સ્ટફિંગની નકરી માટી જ ભરી છે. એક તો જુઓ લગભગ પોણા ત્રણ કલાકની આ ફિલ્મમાંથી તમામ સ્લો મોશન શોટ્સ કાઢી નાખો તો ફિલ્મની લંબાઈ અડધો કલાક જેટલી ઘટી જાય! આ ફિલ્મની શરૂઆત કરતાં પહેલાં ડિરેક્ટર રેમો ડિસોઝા અને એમના રાઈટર શિરાઝ અહેમદે (હા, આ ફિલ્મમાં રાઈટર પણ છે!) એક ચેકલિસ્ટ બનાવ્યું હોવું જોઈએ. એ લિસ્ટનાં તમામ એલિમેન્ટ્સ ટિક થઈ જાય એટલે ફિલ્મને બની ગયેલી જાહેર કરી દેવાની!

  એમની પાસે આવું કંઈક ચેકલિસ્ટ હોવું જોઈએ. સુપરસ્ટાર? આઈ જ્યા. દોથા ભરી ભરીને ફોરેન લોકેશન્સ? ઠપકાર્યા. ફોર્મ્યુલા વનની રેસમાં પણ ન હોય એટલી સંખ્યામાં લક્ઝરી ગાડીઓ? આવી ગઈ. રોહિત શેટ્ટી સ્ટાઈલમાં તેનો કચ્ચરઘાણ? થઈ જશે. ભાઈ અને ધરમપુત્રના ટીશર્ટ ફાડ ટોપલેસ સીન? ઉમેરી દીધા. મગજ ચલાવ્યા વિના પગને 180 ડિગ્રીએ પહોળા કરીને ફાઈટ કમ ડાન્સ કરતી હિરોઈનો? જેકલિન છે, ડેઈઝીને ટ્રેનિંગ અપાવી દીધી છે. પોપકોર્ન-સમોસા અને FM-યુટ્યુબનો ધંધો ચાલતો રહે એ માટે સોંગ્સ તરીકે ઓળખાતો ઘોંઘાટ? ડાઉનલોડેડ. ભાઈની એન્ટ્રી? ડન. ભાઈની સુપ્પક એન્ટ્રી? ‘મોહરા’માંથી અક્ષય કુમારની એન્ટ્રીને મોડીફાય કરીને લઈ લીધી. ભાઈએ આઠમા ધોરણની રફનોટના છેલ્લા પાને જોડકણું લખેલું? ગુડ, એને સોંગ તરીકે લઈ લો. ભાઈની ગર્લફ્રેન્ડ બાથરૂમમાં કંઈક ગણગણતી હોય છે. કૂલ, બહાર રહીને એને રેકોર્ડ કરી લો અને ‘કેન્ટ’ના ઑટોટ્યુનરથી સબસે શુદ્ધ ટ્રેક તૈયાર કરી નાખો. ભાઈના ઈમેજ મેકઓવરના મેસેજ? ‘સલમાન ખાન ફિલ્મ્સ’ની આ મુવી છે, ‘પરિવાર સે બઢકર કુછ નહીં’ જેવા ડાયલોગ્સ નાખી દો. હવે શું બાકી છે? લવ ટ્રેક. ઓકે, ભાઈ અત્યાર સુધીમાં ક્યારેય ચીનમાં પ્રેમમાં નથી પડ્યા. આ વખતે ચીનમાં પ્રેમમાં પાડો (ચીન મોંઘું પડે તો થાઈલેન્ડ નાખી દો. આપણે ત્યાં તો સિક્કિમ-મણિપુરના લોકોને પણ ‘ચીના’ કહીને હેરાન કરાય છે, થાઈલેન્ડ-ચાઈનામાં શું ફરક દેખાવાનો?!). અને એક સુપ્પક આઈડિયા છે. ગીતમાં જ ભાઈ સ્વિસ નાઈફથી પોતાની દાઢી-મૂછ સફાચટ કરી નાખે તો? વાહ, ઈસ આઈડિયા દા જવાબ નહીં!

  ઔર કુછ બચા? હાં, એક પણ સીન સ્લો મોશન વિનાનો ન હોવો જોઈએ. ઈવન ભાઈને લુઝ મોશન થયા હોય તોય સ્લો મોશનમાં ઝાડે જવા જોઈએ (ભલે પછી મોડું થઈ જાય!). અને કશા જ કારણ વિના એરિયલ શોટ્સ ઠૂંસવાના. ડ્રોન ભાડે લીધાં છે તો વસૂલ કરવાનાં. લોકો ઊંચી બિલ્ડિંગો જોઈને જ અડધા ઈમ્પ્રેસ થઈ જવા જોઈએ. એવું હોય તો એ ડ્રોનનો એક કેમિયો પણ કરાવી દેજો. અને હા, ભાઈની ફિલ્મમાં ગ્રેવિટી પણ સરન્ડર કરી દે છે એવું લાગવું જોઈએ, એટલે સ્ટારલોગ જમીન પર કમ અને કેબલથી લટકતા વધારે દેખાવા જોઈએ…

  બસ, આ ચેકલિસ્ટ ઓકે થઈ જાય એટલે ભાઈની ઈદીનો નેવું ટકા મસાલો રેડી!
 • આ સલમાનની પૈસા ઉડાડવા માટે બનાવાયેલી મસાલા ફિલ્મ છે, છતાં એ એક નખશિખ વિયર્ડ ફિલ્મ છે. પહેલાં તો આ ફિલ્મમાં બબ્બે વખત (ઓકે, દોઢેક વખત) ‘દિયરવટું’ થાય છે, ને પાછું આખું જાયન્ટ ફેમિલી વાંઢાવિલાસ છે (આ વાંઢાવિલાસનેય U/A સર્ટિફિકેટ મળેલું છે, બોલો!). ભાઈ, ફુલ થ્રીપીસ સૂટમાં ફાઈટ કરે છે (અમદાવાદની આ ગરમીમાં પહેરીયે બતાવે તો જાણું કે એ ભાઈ છે!) ને ડેઈઝી શાહ બુર્જ ખલીફાથી સહેજ નાની હિલ ધરાવતાં સેન્ડલ પહેરીને ધિંગાણે ચડે છે. સામાન્ય સંજોગોમાં નોર્મલ ને અહીં એકદમ ઓવર-હેમ-લાઉડ એક્ટિંગ કરતો સાકિબ સલીમ પોતાની બહેનને ‘બ્રો’ કહે છે. હિન્દી સહિત આ ફિલ્મમાં બોલાતી તમામ ભાષા-બોલી એટલી બધી ફૅક છે કે કેટરિનાને કુમાર વિશ્વાસ માની લેવાનું મન થઈ આવે! આપણી ફિલ્મો અત્યાર સુધી દુશ્મનનું લોકેશન શોધવા માટે ‘ટ્રાન્સમીટર’નો ઉપયોગ કરતી આવી છે. આ ફિલ્મે ‘માઈક્રો ફ્લુઈડ ટ્રેકિંગ ડિવાઈસ’ની શોધ કરી છે (એ જોઈને અમારા દિમાગનું ફ્લુઈડ હચમચી ગયું છે!). એક હાર્ડડિસ્ક જેવી વસ્તુ કોઈ કમ્બોડિયાની બેન્કમાં શા માટે મૂકે? નરેન્દ્ર ઝા જેવા પોતાના અવાજ માટે જાણીતા અદાકારનો અવાજ બીજા પાસે શા માટે ડબ કરાવવો પડે?!

  આવું બધું ઝીણું ઝીણું અમને એટલા માટે દેખાયું છે કેમ કે ફિલ્મમાં ડાયનોસોરની જેમ છૂટ્ટા રખડતા પ્લોટ ટ્વિસ્ટમાં આંખો ખુલ્લી અને મગજ હેન્ગ થઈ ગયું છે. આ ફિલ્મથી ઓછા ટ્વિસ્ટ તો હિલ સ્ટેશન જવાના રસ્તાઓ પર હોય છે. પાછું એકેય ટ્વિસ્ટમાં કોઈ જ ઠેકાણું, કોઈ જ લોજિક નહીં. ખાલી, પાંચેક મિનિટ થઈ ગઈ હવે એક સોંગ અને એક ટ્વિસ્ટ નાખવાનો ટાઈમ થઈ ગયો, એવું માનીને જ આ સિલી વળાંકો નાખી દીધા છે. અને વળાંક નાખી દીધા પછી એનું શું થયું એ પણ જાણવાની પરવા નહીં. ફોર એક્ઝામ્પલ, આની ગર્લફ્રેન્ડ આજથી આની ગર્લફ્રેન્ડ છે. તો બોયફ્રેન્ડ કહે ઓકે. આનાં સંતાન આજથી આનાં સંતાન છે, તો સંતાન કહે ઓકે. આટલા બધા ટ્વિસ્ટ જોતાં આ ફિલ્મનું નામ ‘આઓ ટ્વિસ્ટ કરેં’ હોવું જોઈતું હતું!
 • ‘રેસ-3’માં મ્યુઝિકના નામે એક ક્રાંતિકારી પ્રયોગ કરાયો છે. એકાદ ડઝન જેટલા સંગીતકાર અને એટલા જ ગીતકારોએ મળીને અછાંદસ રચનાઓને ઘોંઘાટબદ્ધ, એટલે કે સંગીતબદ્ધ કરી છે. ખુદ સલમાન ભાઈની કલમમાંથી અવતરેલું આ સોંગ જુઓઃ ‘એક બાર બેબી સેલફિશ હો કે અપને લિયે જિયો ના, યે ના કભી મન મેં લાના કિ હમ આપકો ગુમરાહ કર રહે હૈં, હમ જાનતે હૈ હમ આપકે લિયે કોઈ ભી નહીં… આપને ઈતના ઈતના કિયા હૈ કિ અબ બસ આપ હી હકદાર હો…’ આ બીજું મિકાના પાતાળભેદી કંઠે ને ભાઈની પરદેશી સખીના કંઠે ગવાયેલું ગીત જુઓઃ ‘વીકએન્ડ કી પાર્ટિયાં હો રહી હૈ, એક મૈં ઔર એક તુ સાથ મેં હૈ, ઔર હાથ મેં હૈ ટેટૂ…’ જો આવી લાઈન્સ પરથી ગીતો બની શકતાં હોય તો નાણાંમંત્રીની બજેટ સ્પીચને પણ કમ્પોઝ કરવી જોઈએ! (અને તેને ‘મની કી બાત’ નામે રિલીઝ પણ કરી શકાય! બાય ધ વે, સલમાનભાઈ પણ આ ફિલ્મમાં બે વખત ‘મન કી બાત’ શબ્દપ્રયોગ કરે છે!) અચ્છા, એક સોંગના પિક્ચરાઈઝેશનની સિચ્યુએશન ડિટ્ટો જ્યોર્જ માઈકલ ‘Wham!’ના ફેમસ સોંગ ‘લાસ્ટ ક્રિસ્મસ’ની જ છે. (આ ‘લાસ્ટ ક્રિસ્મસ’ સોંગ પરથી આપણઆ અનુ મલિક સાહેબે ‘અકેલે હમ અકેલે તુમ’નું ‘દિલ મેરા ચુરાયા ક્યૂં’ ગીત બનાવેલું એ જસ્ટ GK ખાતર!) હોલિવૂડવાળાઓ એક હાઈસ્ટ-ચોરી માટે આખી ફિલ્મ બનાવે અહીં ભાઈની ફિલ્મમાં ‘અલ્લા દુહાઈ’ ગાતાં ગાતાં બેન્કના લોકરની પુંગી બજી જાય, ચુટકિયોં મેં!
 • આ ફિલ્મ વિયર્ડ-વિચિત્ર છે એવું અમે નહીં ફિલ્મસ્ટાર્સ પોતે જ કહે છે. જેકલિન ઉવાચઃ ‘મૈં પૈદા હી વિયર્ડ હુઈ હૂં!’ આ ફિલ્મને ચક્રમની કેટેગરીમાં મૂકતા તેના અન્ય વનલાઈનર્સનું પાન પણ કરવા જેવું છેઃ અનિલ કપૂરઃ ‘હાર્ટઅટેક? મતલબ દિલ કા ડૉર બંધ હો ગયા?’, ડેઈઝીઃ ‘બ્રો, ઈસે દિલ નહીં, Dell ખોલકર દિખાઓ’ (થેન્ક ગોડ, આ ‘વીરે દી વેડિંગ’ નહોતું, બાકી ‘ડિલ્ડો’ આવત!), ભાઈઃ યે ઝિંદગી કી રેસ કે ઝટકે હૈ, પૈદા હોને સે પહલે શુરુ હોતે હૈ, ઔર ઔર મરને કે બાદ ભી ખતમ નહીં હોતે’ (હાઉ ગ્રોસ!) આ દિશામાં થોડી વધારે મહેનત કરી હોત તો ફિલ્મને ‘ગુંડા’ જેવી ક્લાસિક બનાવી શકાઈ હોત.
 • ‘રેસ-3’ એ પાંચ-પચીસ બિલિયન ડૉલર્સ, આખા આઈલેન્ડની માલિકી, ડઝનબંધ લક્ઝરી ગાડીઓ, હેલિકોપ્ટર્સ, એક્ઝોટિક લોકેશન્સ, સ્પાય ગેજેટ્સ એટસેટરા ફેંકીને સલમાનના સ્ટારપાવરથી પૈસા એનકેશ કરી લેવાનો પ્રયાસ માત્ર છે. આ ફિલ્મને માત્ર હસવા ખાતર- ગિલ્ટી પ્લેઝરવાળા ટાઈમપાસ માટે જ જોઈ શકાય. એ પણ ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ જેવા પ્લેટફોર્મમાં આવે પછી. હજી તો આ ‘રેસ-3’ની સિક્વલ પણ આવવાની છે, એ વખતની તારીખ પાડો તોય કંઈ ગુમાવવા જેવું નથી!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

5 thoughts on “Race-3

 1. Too good review. There’s magic in your writing Sir. Only you can write such JHAKAAS review of such movie. Feeling myself blessed every time I read any article written by you. This review is a roller coaster ride of laughter. Thank you so much. 🙂

  Like

 2. My my! What a laughter ride! ખલી ખલી ને ખખડી પડયાં🤣 (કચ્છી માં ખલવુ એટલે હસવું) અદભૂત સરખામણીઓ, કચકચાવીને મારેલા હાસ્યપ્રચૂર ચાબખા and what not! દિવસભરનો થાક ઉતરી ગયો. આપના અન્ય રિવ્યૂઝ ની જેમ આ પણ આવનારા દિવસોમાં ફરી ફરીને વાચવા માં આવશે. દરમ્યાન, સલામ કુબૂલ કરે જહાપનાહ🙏

  Liked by 1 person

 3. JA, I think you deserves #परमवीरचक्र for watching such absurdities. By making such dirt (read Race 3) Remo has shown that he is suffering from mental stammering and the worst part is people has spend more than 100 crore in a week!!!!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s