કાલા રે, સૈંયા કાલા રે…

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)5b006abc48067-image

કાળમીંઢના પથ્થરો પર શિલાલેખની જેમ કોતરી નાખવા જેવી વાત છે કે રજનીકાંત જેવી સ્ટાઈલ અને સ્વૅગરથી ચાલવાની આ દુનિયામાં કોઈની તાકાત નથી. એના ચાલવામાં, હાથ ઊંચો કરવામાં, ચપટી વગાડવામાં, ફાઈટ કરવામાં, હસવામાં, ગોગલ્સ-પહેરવા કાઢવામાં, આંખોથી ઈશારા કરવામાં, ડાયલોગ બોલવામાં, ડાન્સ કરવામાં કે સિમ્પ્લી ખુરશી નાખીને બેસવામાં જે સ્ટાઈલ-ઠસ્સો છે, તે અનપેરેલલ્ડ છે. પિરિયડ. આ સ્ટેટમેન્ટમાં કોઈ ચર્ચા, કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સને સ્થાન નથી.
***
રજનીકાંતની ફિલ્મ રિલીઝ થવાની હોય એટલે તમિલનાડુમાં એક ઈવેન્ટનું વાતાવરણ હોય તે આપણને ખબર છે. આ વખતે પણ ત્યાં શુક્રવારે રજાઓ જાહેર થયાના સમાચાર આવેલા. પરંતુ આ વખતની ફિલ્મ ‘કાલા કરિકાલન’ની પ્રિરિલીઝ હાઈપ પ્રમાણમાં ઓછી હતી (રિલીઝ પછી ઑપનિંગ ડે કલેક્શન પણ ઓછું રહ્યું છે). ડિરેક્ટર શંકરની ‘રોબોટ/એન્ધિરન’ વખતે જે ઉન્માદ ક્રિએટ થયેલો તે આ વખતે ગાયબ હતો. એનું એક મોટું કારણ હતું છેલ્લી બે ફિલ્મો (‘કાલા’ અને ‘કબાલિ’)ના ડિરેક્ટર પા. રંજિત અને એમણે ફિલ્મમાં ઈન્જેક્ટ કરેલા સ્ટ્રોંગ પોલિટિકલ વિચારો. મીન્સ, આ ફિલ્મ રજનીકાંતની આસપાસ ફરતી હોવા છતાં તેમાં ડિરેક્ટર પા રંજિત પણ સતત દેખાયા કરે છે. ‘કાલા..’ છે સાઉથ ઈન્ડિયા સ્ટાઈલ મેઈનસ્ટ્રીમ એન્ટરટેનિંગ મુવી, પણ એમાં દલિત અધિકાર અને સમાનતાનો સ્ટ્રોંગ મુદ્દો પણ છે.
‘કાલા’ સ્ટોરી છે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી કહેવાતી મુંબઈની ધારાવીની. ધારાવીનો પેટ્રિઆર્ક, મસીહા, લીડર છે કાલા કરિકાલન (રજનીકાંત). એ ત્યાં પોતાના ચાર સંતાનો-પત્ની-પુત્રવધૂઓ- એમનાં સંતાનોની સાથે રહે છે. પરંતુ આ જ ધારાવી પર અમુક રાજકારણીઓનો વાયા લાલચુ બિલ્ડરોનો ડોળો છે. મુંબઈને ક્લીન-પ્યોર બનાવવાના નામે તેઓ ત્યાં બહુમાળી ઈમારતો બનાવવા માગે છે અને અત્યારે રહેતા ગરીબોને માચિસની ડબ્બી જેવડા ફ્લેટ્સમાં ઠૂંસીને હળવે રહીને સાફ કરી દેવા માગે છે. કાલા તેની વિરુદ્ધમાં છે. એની ફિલોસોફી છે કે જમીન ગરીબોનો હક છે અને એમને ધારાવીમાંથી કોઈ હટાવી શકે નહીં. બસ, અહીં જ છે કાલા વર્સસ ખંધા રાજકારણી હરિદેવ અભયંકર ઉર્ફ હરિ દાદા (નાના પાટેકર). ધારાવી ખાલી કરાવવા માટે એ કઈ હદ સુધી જઈ શકે છે તે આખી ફિલ્મમાં પથરાયેલું છે.
હવે વાત કરીએ ફિલ્મમાં મને શું ગમ્યું અને ક્યાં મને અકળામણ થઈઃ

આમાં મને જલસો પડ્યોઃ

 • ફિલ્મની થીમ, મેટાફર, સિમ્બોલિઝમઃ તમે રજનીકાંત જેવા જાયન્ટ સુપરસ્ટારને લઈને ફિલ્મ બનાવતા હો ત્યારે આસાનીથી એમને દેશના દુશ્મનોનો-ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવતા બતાવી શકો. પણ ના. અહીં મુદ્દો છે જમીનનો, ગરીબોના તેના પર હક્કનો અને સમાનતાનો. ગ્લેમરસ ન હોવા છતાં આ બેકડ્રોપ- આ થીમ પસંદ કરવી એ જ હિંમતનું કામ છે. સાઉથ ઈન્ડિયન સિનેમા હજીયે ગ્રાસરૂટના-પાયાના મુદ્દાઓને પકડીને ચાલે છે એ વાત મોટા અક્ષરોમાં નોંધવા જેવી છે. કાલા તમિળ-દલિત છે. ફિલ્મના ઘણા ખરા સીનમાં બૅકગ્રાઉન્ડમાં ડૉ. આંબેડકર, ભગવાન બુદ્ધ, બૌદ્ધ મંદિર, પેરિયાર (નેતા) વગેરે દેખાય છે. વિરોધના પ્રતીક સમો કાળો રંગ અને એવું જ નામ ધારણ કરીને ફરતો ‘કાલા’ પ્રભાવશાળી નાયક હોવા છતાં સુપર હ્યુમન નથી. એન્ટ્રી વખતે બાળકો સાથે ક્રિકેટ રમતો કાલા ક્લિન બોલ્ડ થઈ જાય છે (સિક્સ નથી ફટકારતો). એક ફાઈટમાં ગુંડાઓથી ઘેરાઈ ગયા છતાં (એમને ‘ક્યા રે? સેટિંગ કિયા ક્યા?’ કહીને લલકારતો હોવા છતાં) ગુંડાઓને ઠમઠોરવાનું કામ બીજા જ કોઈ ઉઠાવી લે છે. હા, જેવા સાથે તેવા કરવા માટે એ હથિયાર પણ ઉપાડે છે (અને સિટીઓ મારવી પડે એવી સ્ટાઈલથી ફાઈટ્સ પણ કરે છે), પરંતુ એ નિષ્ફળ પ્રેમી છે-સમયાંતરે સ્વજનો ગુમાવે છે અને ધસી આવતી બહારની હિંસક ફોર્સીસથી પોતાના લોકોનું રક્ષણ પણ નથી કરી શકતો.
  ડિરેક્ટર પા. રંજિત શરૂઆતથી જ ક્લિયર કરી દે છે કે આદિ કાળથી જ માણસ જમીન માટે યુદ્ધો ખેલતો આવ્યો છે. આ વાત કહેવા માટે એમણે મસ્ત સ્ટિલ કેરિકેચર્સનો ઉપયોગ કર્યો છે (રજનીકાંતની લવસ્ટોરી કહેવા માટે ફિલ્મમાં અધવચ્ચે પણ આ જ ટેક્નિક વપરાઈ છે). હવે જ્યારે ધારાવી પર પૈસાદાર-અપર કાસ્ટ લોકોનો ડોળો છે, ત્યારે તેની પાછળનાં કારણ પણ કાલા જાણે છે. બહુ સ્માર્ટ રીતે ડિરેક્ટર પા. રંજિતે રામાયણની વાર્તાને ઊલટાવી નાખી છે. અહીં રજનીકાંત રાવણની ભૂમિકામાં છે. આ લોજિક પર કન્ફર્મેશનનો સિક્કો મારવા માટે એક દૃશ્યમાં રજનીકાંતના ટેબલ પર લેખક આનંદ નીલકંઠનની બુક ‘અસુર’ પડેલી દેખાય છે. અસુરમાં રાવણના પોઈન્ટ ઑફ વ્યુથી આખી કથા કહેવાઈ હતી અને દેવોની સામે એમની પણ પૉઝિટિવ વાતો કહેવાઈ હતી. અહીં રજનીકાંત-કાલા રાવણ છે, છતાં એની છાતીમાં પોતાના લોકો માટે એક ગોલ્ડન હાર્ટ સતત ધબકે છે. જો બુકનો રેફરન્સ દર્શકોને પકડાયો ન હોય, તો ક્લાઈમેક્સમાં એક તરફ પંડિતજી (‘રેવા’ના સેટ પરથી એ જ ગેટઅપમાં દોડીને ગયેલા યતીન કર્યેકર) રાવણના વધની કથા સંભળાવે છે, જેમાં એ કહે છે કે ભગવાન શ્રી રામે રાવણનું એક માથું કાપ્યું તો બીજું તેની જગ્યાએ આવી ગયું. તેની સામે જક્સ્ટાપોઝિશનમાં કાલાની સાથે રહેલા લોકો બતાવવામાં આવે છે અને કહેવાય પણ છે કે ‘યહાં હર દૂસરા આદમી કાલા હૈ’. ફિલ્મના એકદમ ક્લાઈમેક્સ સીનમાં રજનીકાંતનો માસ્ક પહેરેલા લોકો પણ આ વાત ફરી ફરીને સાબિત કરે છે. સામે પક્ષે વિલન નાના પાટેકર સફેદપોશ રાઈટવિંગર છે અને એના ઈરાદા મલિન છે.

  રાઈટ વિંગ પોલિટિક્સ સામે પણ અહીં પા રંજિતે પોતાની ખીજ ઉતારી છે. નાનાનું પાત્ર ‘ક્લીન મુંબઈ પ્યોર મુંબઈ’ અને ‘ડિજિટલ ધારાવી’ની ઝુંબેશ ચલાવે છે. ફિલ્મમાં એનો રોલ નાનકડો જ છે, પણ ગંજાવર સાઈઝનાં પોસ્ટર સતત એની હાજરીની ચાડી ખાય છે અને એનો પર્સનાલિટી કલ્ટ બનાવતા રહે છે. એક તબક્કે એ ત્રાડ પાડે છે, ‘આઈ એમ બોર્ન ટુ રુલ.’ ઉચ્ચ જ્ઞાતિનો નાના ફિલ્મમાં પોતાનો પહેલો ડાયલોગ બોલે છે, ‘કચરા ઔર ગંદકી ને આજ મુઝે હરા દિયા’. સતત સફેદ કપડાં પહેરીને સફેદ કાર-સફેદ ફર્નિચરની વચ્ચે રહેતા નાનાનો આ કાસ્ટિસ્ટ પૂર્વગ્રહ દલિતના ઘરનું પાણી પીવાના ઈન્કારમાં પણ છત્તો થાય છે. સવર્ણ-દલિત કે પૈસાદાર-ગરીબ જ નહીં, સ્ત્રી-પુરુષ સમાનતાની પણ વાત અહીં થઈ છે. એક સીનમાં રજની બોલે છે, ‘ખાના બનાના ક્યા સિર્ફ ઔરતોં કા કામ હૈ?’

  ધર્મના નામે લોકોને લડાવી મારવાની અંગ્રેજોના વખતની ટ્રિક આજે પણ કેવી કારગત છે અને મુઠ્ઠીભર લોકો કોમી રમખાણો શરૂ કરાવી શકે છે એ વાત પણ પા. રંજિતે વણી લીધી છે.

  રંગોનો સિમ્બોલ્સ તરીકે આવો અફલાતૂન ઉપયોગ છેલ્લાં વર્ષોમાં ભાગ્યે જ થયો છે. આગળ કહ્યું તેમ કાલા કાળાં વસ્ત્રોમાં ફરે છે પણ અંદરથી નખશિખ હીરો છે. જ્યારે નાના-હરિદાદા સફેદપોશ છે, પણ એની અંદર મલિનતા જ ભરી છે. ફિલ્મના અત્યંત ઈનોવેટિવ ક્લાઈમેક્સમાં પણ જે રીતે રંગોની છોળો ઊડે છે તેમાં કાળા ઉપરાંત સામ્યવાદનો લાલ અને દલિત મુવમેન્ટનો બ્લ્યુ રંગ પણ ઊડે છે (એક ફ્રેમમાં દાંતરડાં પણ કેમેરા સામે ઊંચાં થાય છે). ઈન શોર્ટ, કાલા એન્ટરટેનિંગ હોવા છતાં એકદમ પોલિટિકલી ચાર્જ્ડ મુવી છે.

 • રજનીકાંત અને અન્ય કાસ્ટઃ રજનીકાંત આ ફિલ્મનો આત્મા છે. ફિલ્મ ખેંચાતી હોય, કંટાળો આપતી હોય, છતાં રજની સ્ક્રીન પર આવે એટલે આપણે બધું જ ભૂલી જઈએ. એના ઘરડા ખભા ફિલ્મનો ભાર ઉપાડવા માટે બિલકુલ સક્ષમ છે. એ હીરો છે, પણ લોકોનો નાયક છે એ દર્શાવવા માટે જે રીતે એ ઘરની બહાર ખુરશી નાખીને બેસે છે અને લોકો જે પ્રેમથી એને તુંકારે બોલાવે છે એ આખી સિક્વન્સ જોવા જેવી છે.
  સુભાષ ઘઈએ ‘સૌદાગર’માં જે રીતે રાજ કુમાર અને દિલીપ કુમારને આમને સામને ભીડવ્યા હતા, એ રીતે અહીં નાના અને રજનીની ભિડંત જોવાની લિજ્જત આવે છે. હજી નાનાને વધુ સ્ક્રીન સ્પેસ મળી હોત અને વાતને વળ ચડાવ્યો હોત તો જલસો ઓર વધ્યો હોત. બટ, ડાયલોગ ડિલિવરી અને એક્સપ્રેશન્સથી એ જે રીતે ખોફ પેદા કરે છે એ જોવા જેવું છે.
  ઈશ્વરી રાવને આપણે ભલે ઓળખતા ન હોઈએ, પણ રજનીકાંતની પત્ની તરીકે એણે જે લાઉડ છતાં સટલ, રૂક્ષ છતાં પ્રેમાળ અને નોકઝોંકવાળી સ્ત્રીનું પર્ફોર્મન્સ આપ્યું છે એ દિમાગમાં રજિસ્ટર થયા વિના રહેતું નથી. એના પહેલા જ સીનમાં રજનીનો આખો પરિવાર, એમાં ઈશ્વરી રાવનું સ્થાન, એનો દબદબો અને રજની સાથેનો એનો સંબંધ બધું જ એસ્ટાબ્લિશ થઈ જાય છે.
  એવું જ કામકાજ (અગાઉ ‘ન્યુટન’માં દેખાયેલી) અંજલિ પાટિલનું છે. ફિલ્મના પહેલા સીનથી લઈને સતત એણે પોતાની દાદાગીરીવાળી એક્ટિંગથી વાતાવરણ ચાર્જ્ડ રાખ્યું છે. ક્લાઈમેક્સ આવતાં એક સીનમાં એની પાસે આબરુ બચાવવા પાયજામો લેવાનો કે સ્વસુરક્ષા કરવા દંડો ઉઠાવવાનો ઓપ્શન છે અને તમે કલ્પના કરી શકો છો કે એણે શું ઉઠાવ્યું હશે! (જોકે એના પાત્રનું છેલ્લે શું થયું એ જણાવવાની તસદી ડિરેક્ટરે લીધી નથી.)
 • સિનેમેટોગ્રાફીઃ ગીચ ધારાવીની સ્ટોરી હોય એટલે કે કેમ, પણ આ ફિલ્મની બધી જ ફ્રેમ્સ ઓલમોસ્ટ ઓવર ક્રાઉડેડ છે. દરેક સીનમાં એટલા બધા લોકો દેખાય કે ડિરેક્ટરે બધાને મેનેજ કેવી રીતે કર્યા હશે એ પ્રશ્ન થઈ આવે. પા. રંજિત સાથે સતત કામ કરતા રહેલા સિનેમેટોગ્રાફર મુરલી જી.એ કેમેરા પાસેથી લગભગ હવામાં તરતો હોય એ રીતે કામ લીધું છે. કોઈ ઘટનાની અસર, વ્યાપ, લોકોની સંખ્યા અને સામે જગ્યા તથા એમ્બિયન્સનો ખ્યાલ આપવા માટે ખાસ્સા બધા એરિયલ શોટ્સ લેવાયા છે, અને એ મીનિંગફુલ લાગે છે.

આમાં મને જામ્યું નહીંઃ

 • સ્ટોરીઃ ટ્રીટમેન્ટ ભરચક હોવા છતાં ફિલ્મની વાર્તામાં કશું જ નવું નથી. આગળ ઉપર શું થશે અને સ્ટોરી કઈ દિશામાં આગળ વધશે એ પણ આપણે કળી શકીએ છીએ. રજનીના સ્ટાર પાવર અને પોતાની આઈડિયોલોજિકલ વાતો બંનેને બેલેન્સ કરવામાં પા રંજિતે ક્લાઈમેક્સને વિચિત્ર રીતે સંકેલી લીધો છે, જે સંતોષકારક નથી લાગતો.
 • લંબાઈ અને સબપ્લોટ્સઃ ‘કાલા’ 166 મિનિટ્સ એટલે કે પોણા ત્રણ કલાક ઉપરની લંબાઈ ધરાવે છે, જે પૂરી કરતાં લિટરલી થાકી જઈએ છીએ. ફિલ્મ ચુસ્ત હોત તો આ લંબાઈ ફીલ ન થાત, પણ એક તો ફિલ્મ ખાસ્સી લૂઝ છે, અને ઉપરથી બિનજરૂરી સબપ્લોટ્સ ભયંકર ફૂટેજ ખાઈ જાય છે. રજનીકાંતનો ભૂતપૂર્વ લવ ઈન્ટરેસ્ટ બનતી હુમા કુરેશીના ટ્રેકની જ શી જરૂર હતી એ સમજાતું નથી. એને બદલે દલિત કાલા-રજનીની પ્રેમિકાને સવર્ણ બતાવીને તેનું હેપી એન્ડિંગ કર્યું હોત તો ‘સૈરાટ’ ટાઈપનું એક લૅયર ઉમેરી શકાત અને ફિલ્મની લંબાઈ પણ ઘટાડી શકાત. અત્યારની સિચ્યુએશનમાં પણ ફિલ્મ 30 મિનિટ જેટલી ઘટાડવા જેવી હતી.
 • સ્ટોરી ટેલિંગ અને મ્યુઝિકઃ ‘કાલા’ મૂળે તમિલ ફિલ્મ છે અને તેનું પ્રાઈમરી ઑડિયન્સ પણ તમિળ લોકો જ છે (તેમ છતાં ફિલ્મનું બૅકડ્રોપ મુંબઈનું ધારાવી છે એ ઈન્ટરેસ્ટિંગ છે). એટલે ફિલ્મની ટ્રીટમેન્ટ પણ ટિપિકલ તમિળ મસાલા મુવી ટાઈપ જ છે. એટલે ઓલરેડી તેમાં ડાયલોગ્સનું પ્રમાણ વધારે છે, ઉપરથી આપણે હિન્દી ડબ્ડ વર્ઝન જોઈએ, એટલે ફિલ્મ અતિશય વર્બોઝ લાગે. ઉપરથી લાઉડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને એવું જ લાઉડ ફિલ્મનું મ્યુઝિક (ફિલ્મની સિગ્નેચર વ્હિસલ આમાં અપવાદ છે). રજનીની ફિલ્મ માણવા માટે આ બધી પૂર્વશરતો છે. હા, ફિલ્મમાં ધારાવીના અમુક રૅપર્સ છે, જે હરખ-શોક-આઘાત બધી જ મોમેન્ટ્સ પર ફાસ્ટ રૅપ સોંગ્સ ગાઈને એક અલગ જ ફ્લેવર પેદા કરે છે, જે ખાસ્સું ઈન્ટરેસ્ટિંગ છે.
 • કલાકારોનો વેડફાટઃ ફિલ્મમાં સહેજ પણ ઘરડી ન થતી હુમા કુરેશીના પાત્ર વિશે આપણને બહુ ઓછી માહિતી મળે છે, પરંતુ ફિલ્મમાં તેનું કામ ફિલ્મને લાંબી કરવાથી વિશેષ નથી. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને સયાજી શિન્દે જેવા કલાકારોનો તદ્દન વેડફાટ થયો છે.

આખો સ્ક્રીન ભરી દે તેવા અક્ષરોમાં ‘સુપર સ્ટાર રજની’ લખાઈને આવે ત્યારથી લઈને છેક છેલ્લે સુધી ફૅનલોગને ચિયર કરવા માટે જથ્થાબંધ મોમેન્ટ્સ મૂકવામાં આવી છે. અહીં રજની પોતાની ઉંમરને છાજે એવા લુકમાં હોવા છતાં એ નાચે-ગાય-હસે-હસાવે-ફાઈટ કરે- ડાયલોગ્સ બોલે… બધું જ કરે છે. એક સીનમાં એ સળગતી આગમાંથી સ્લો મોશનમાં જે ચાલે છે… શુભાનઅલ્લાહ! પરંતુ એક સેટ ફોર્મ્યૂલા પર જ આગળ વધતી હોવાને કારણે આ ફિલ્મ ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ એન્ટરટેનમેન્ટથી અલગ ખાસ કશું નવું ઑફર નથી કરતી. હવે આપણે રાહ જોઈએ કે ક્યારે શંકર ભાઉ ‘2.0’ લઈને આવે અને આપણને રજની ધ સુપર હીરોનો ઑરિજિનલ મૅજિક જોવા મળે.

P.S. રજનીકાંત અને ડિરેક્ટર પા. રંજિતની આ પહેલાંની ફિલ્મ ‘કબાલી’નો રિવ્યુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

2 thoughts on “Kaala Karikaalan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s