Fake ગર્લફ્રેન્ડ

***

જૂની, ચવાયેલી, ઢીલી અને પ્રીડિક્ટેબલ સ્ટોરી ધરાવતી આ ફિલ્મ એટલી લાંબી લાગે છે કે તેને ‘હાફ’ નહીં, બલકે ‘હાંફ ગર્લફ્રેન્ડ’ કહેવાની ઇચ્છા થઈ આવે.

***

maxresdefault2ચેતન ભગતનાં પુસ્તકોની ટીકા કરીને ઇન્ટલેક્ચ્યુઅલ દેખાવું એ ઘણા બધા લોકોનો ફેવરિટ પાસટાઇમ છે. પરંતુ ચેતન ભાઉ નબળી નવલકથા લખે અને પોતે જ પૈસા ઓરીને તેના પરથી PVCના પાઇપ જેવી આર્ટિફિશ્યલ અને ખોખલી ફિલ્મ પ્રોડ્યુસ કરે ત્યારે એના પ્રશંસકો પણ કોપભવનમાં બિરાજમાન થઈ જાય. આમ તો આ ફિલ્મનું પૂરું નામ કોઈ રેડિયો જાહેરખબર જેવું ‘હાફ ગર્લફ્રેન્ડ – દોસ્ત સે ઝ્યાદા ગર્લફ્રેન્ડ સે કમ’ એવું છે. પરંતુ આખી ફિલ્મમાં એટલી બધી નકલી લાગે તેવી બેતુકી વાતો ભરી છે કે ફિલ્મનું નામ બદલીને ‘Fake ગર્લફ્રેન્ડ-ફિલ્મી ઝ્યાદા દિમાગ સે કમ’ કરી દેવા જેવું હતું.

હાફ હાર્ટેડ લવ સ્ટોરી

મોટા ભાગના લોકોએ ચેતન ભગતની નવલકથા ‘હાફ ગર્લફ્રેન્ડ’ વાંચી જ હશે. છતાં ઘણા એવા ખુશનસીબ લોકો હશે જેઓ આ બુક વાંચવાથી વંચિત રહ્યા હશે. એમના લાભાર્થે એમને ફિલમમાં શું સહન કરવાનું છે તેની ઝલકઃ બિહારના સિમરાવ ગામના રાજવી પરિવારનો ફરજંદ માધવ ઝા (અર્જુન કપૂર) સોશ્યોલોજીમાં BA કરવા માટે દિલ્હીની મશહૂર કોલેજમાં ઍડમિશન લે છે. એક પણ પિરિયડ ભર્યા પહેલાં એને રિયા સોમાણી (શ્રદ્ધા કપૂર) નામની કોલેજની સૌથી હૉટ છોકરી સાથે ઇશકવા થઈ જાય છે. મમ્મીને ફોન કરીને પણ કહી દે છે કે આપણી લાઇફ સેટ છે હવે. રિયા એની સાથે બાસ્કેટ બૉલ રમે છે, ડિનર પર-ફિલ્મ જોવા જાય છે, દારૂ પીવે છે, પપ્પીઓ કરે છે, એના રૂમમાં આરામ કરવા પણ આવે છે, છતાં એક ભેદી ફોર્મ્યુલા કાઢીને કહે છે કે એ એની ‘હાફ ગર્લફ્રેન્ડ’ છે. એક દિવસ એ એને કંકોતરી આપીને ગાયબ થઈ જાય છે. પછી બેએક વર્ષ પછી ડૉલ્ફિનની જેમ ફરી સપાટી પર આવે છે અને એ જ રીતે ગાયબ થઈ જાય છે. આ બાજુ માધવ ‘રિયા ક્યાંય નથી જીવનમાં’ ગાતો ગાતો એને શોધવા નીકળે છે.

દોસ્તી માઇનસ પ્યાર બરાબર કંટાળો

‘૩ ઇડિયટ્સ’ વખતે રાજુ હિરાણી એન્ડ કંપનીએ ચેતન ભગતને ફિલ્મમાં યોગ્ય ક્રેડિટ નહોતી આપી અને ચેતને જબરી રડારોળ મચાવેલી. આજે આઠ વર્ષ પછી એ જ ચેતન ભગતે પોતાની જ બુક પરથી બનેલી ફિલ્મ કૉ-પ્રોડ્યુસ પણ કરી છે. એટલું જ નહીં, ટાઇટલમાં ચાર અને ઍન્ડમાં એક એમ કુલ પાંચ વખત ક્રેડિટ પણ લીધી છે. ‘કેહ કે લૂંગા’ તે આનું નામ. થૅન્ક ગૉડ, કે નવલકથાની જેમ ચેતનભાઈએ પોતાની ફિલ્મમાં મહેમાન ભૂમિકા નથી કરી. પરંતુ ચેતન ભગતની એ નવલકથામાં જે કાગળ પર તે છપાઈ હતી તે સિવાયનું કશું જ અસલી નહોતું. હવે એમાં ઉમેરો કરવા માટે ડિરેક્ટર મોહિત સૂરિએ પોતાનો યથાશક્તિ ફાળો આપ્યો છે.

આ ફિલ્મમાં રહેલી તદ્દન ફૅક બાબતોની યાદી બહુ મોટી છે. લિસ્ટ આ રહ્યું: શ્રદ્ધા કપૂરની બાર્બી ડૉલ છાપ ક્યુટનેસ, એનું ગિટાર ખંજવાળવું, ગાતી વખતે એના ફફડતા હોઠ અને એનું બૉટલથી પાણી પીવું (જેમાં હોઠ સિવાયનો એકેય સ્નાયુ હલે નહીં), સાવ ટૂંકાં લગભગ પારદર્શક નાઇટવેર પહેરીને એણે રમેલું શીખાઉ બાસ્કેટબૉલ, એનાં મમ્મી-પપ્પાની હિંસક મગજમારી, શ્રદ્ધાએ અર્જુનને કરેલી બરફગોળો ચૂસતી હોય એવી ઑર્ગેનિક કિસ, અર્જુન કપૂરની ચાઇનીઝ માલ જેવી બિહારી બોલી, એનું ખોટેખોટું બોલાયેલું ખોટું ઇંગ્લિશ, એના કાલ્પનિક ગામની સ્કૂલ- જ્યાં સ્કૂલ એકદમ ચકાચક તાજ્જી પેઇન્ટ કરેલી હોય પણ એમાં ટોઇલેટ જ ન બનાવેલું હોય, દિલ્હીની કોલેજના કાર્ટૂન જેવા ઇન્ટરવ્યૂઅરો, સવારે 9-20એ વાગતા ઘડિયાળના ડંકા, અર્જુન કપૂરની બકવાસ ઇંગ્લિશમાં બોલાયેલી સ્પીચ અને એ સાંભળીને ખાલીખોટા ઇમ્પ્રેસ થયેલા નકલી બિલ ગૅટ્સ. જી હા, આ ફિલ્મનું સૌથી ફૅક અને હાસ્યાસ્પદ પાત્ર છે ‘માઇક્રોસોફ્ટ’ના સર્વેસર્વા બિલ ગૅટ્સ. ફિલ્મમાં કોઈ વ્હાઇટ કલાકારને ચશ્માં પહેરાવીને તેના મોં પર બિલ ગૅટ્સનો ચહેરો ચોંટાડી દીધો છે. તે ચહેરો જાણે સ્ટિકર ચોંટાડ્યું હોય તેવો તદ્દન કાર્ટૂનિશ, ડરામણો અને ગંદો લાગે છે. આના કરતાં તો કોઈ સસ્તી ભોજપુરી ફિલ્મની સ્પેશ્યલ ઇફેક્ટ કે ‘સ્નૅપચેટ’નું ફૅસ સ્વૉપ ફીચર વધુ વાસ્તવિક લાગે. જો સ્કૂલમાં જાજરૂ બનાવવા માટે ફંડ જોઇતું હતું, તો અત્યારે દેશભરમાં ચાલી રહેલી ‘સ્વચ્છ ભારત મિશન’ ઝુંબેશ હેઠળ બનાવાય ને? એમાં બિલ ગૅટ્સને હેરાન કરવાની ક્યાં જરૂર હતી?

ચેતન ભગતે એક ગિમિક તરીકે અને પોતાની નવલકથાઓને એક આંકડાથી શરૂ કરવા માટે ‘હાફ ગર્લફ્રેન્ડ’નું નામકરણ કરેલું. નવલકથામાં તો તે હજીયે જસ્ટિફાય થયેલું. પરંતુ અહીં જ્યારે રિયા-માધવને મળવા માટે બાલ્કની કૂદી જતી હોય, આખો વખત એની સાથે જ રહેતી હોય, આગળ કહ્યું એમ એને કિસ કરતી હોય, એની સાથે એના બૉય્ઝ હૉસ્ટેલના રૂમમાં (બારી ખુલ્લી હોવા છતાં) સૂવા આવતી હોય, પોતાનાં પેરેન્ટ્સને પણ મળાવતી હોય, છતાં એ કહે કે, ‘ભૂમિતિમાં લખ્યા પ્રમાણે હું તો તારી હાફ ગર્લફ્રેન્ડ જ છું’, તો એ કોને ગળે ઊતરે?

સદા ‘હું ક્યુટ છું’ એવા હાવભાવ લઇને ફરતી શ્રદ્ધા કપૂર જે રીતે દરેક ફિલ્મમાં ભરતડકે પણ વરસાદ લાવતી ફરે છે, એ જોતાં એને દર ઉનાળે ભારતભ્રમણ કરાવવું જોઇએ. દેશની પાણીની સમસ્યા ચૂટકિયોં મેં દૂર થઈ જાય. બીજા જ દૃશ્યથી છેક સવા બે કલાક છેટેના ક્લાઇમેક્સ સુધીનું ક્લિયર જોઈ શકાય એટલી આ ફિલ્મ પ્રીડિક્ટેબલ છે. પરંતુ ડાઇજેસ્ટિબલ નથી. ફોર એક્ઝામ્પલ, આટલી પ્રચંડ સિક્યોરિટી છતાં લડકા-લડકી માત્ર હૅંગઆઉટ કરવા માટે ઇન્ડિયા ગૅટની ઉપર કઈ રીતે ચડી શકે? એ પણ વારંવાર. શ્રદ્ધાની મદદથી અર્જુન કપૂર અંગ્રેજી શીખે અને કિન્ડર ગાર્ટનના વિદ્યાર્થી જેવી સ્પીચ આપે ને એ સાંભળીને બિલ ગૅટ્સ પાંચ વર્ષમાં ૧ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપે એ જેટલું અપથ્ય છે, એના કરતાં ક્યાંય વધુ અનકન્વિન્સિંગ વાત એ છે કે એવા ડબ્બુને અમરિકામાં યુનાઇટેડ નૅશન્સની ઇન્ટર્નશિપ પણ મળી જાય.

જોકે ગણિતના પૅપરમાં ખોટા જવાબ છતાં સ્ટૅપ્સના માર્ક આપવા પડે એ રીતે થોડીક સારી બાબતો પણ છે. જેમ કે, અહીં સ્ટોરી સતત આગળ-પાછળ ભટક્યા કરે છે, પરંતુ એક પુસ્તક પરથી ફિલ્મ બનાવી છે તેવો ભાર વર્તાતો નથી. એક સળંગ દૃશ્યમાં ચાલતાં ચાલતાં ત્રણ ઋતુઓ બદલાઈ જાય એ દૃશ્ય ખરેખર ઇન્ટેલિજન્ટ છે. અર્જુન કપૂરની ઍક્ટિંગ તો પ્લાયવૂડને પણ હંફાવી દે એવી નૅચરલ છે. પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચે છે એનો દોસ્ત શૈલેષ બનતો એક્ટર વિક્રાંત મૅસી. એ હેન્ડસમ તો છે જ, પ્લસ એનો ચહેરો પણ અંદર ચાલતા હાવભાવ કળી શકાય એવો પારદર્શક છે. ભારે કુશળતાથી એણે બિહારી અને અંગ્રેજી બોલીના ટ્રેક ચૅન્જ કર્યા છે. પૂરી ફિલ્મમાં શ્રદ્ધા જેટલી નૅચરલ નથી લાગી એના કરતાં ક્યાંય વધુ સ્વાભાવિક, હૉટ અને ભાવવાહી નાનકડા રોલમાં રિયા ચક્રવર્તી લાગી છે. વરિષ્ઠ અદાકારા સીમા બિશ્વાસના ભાગે સ્કૂલનું રજિસ્ટર છાતીસરસું ચાંપીને ફરવા સિવાય કશું જ નથી આવ્યું.

કર્ણપ્રિય મ્યુઝિક મોહિત સૂરિની ફિલ્મોનું મજબૂત પાસું રહ્યું છે. આ ઢીલી ફિલ્મમાં પોણો ડઝન જેટલાં ગીતો છે, એટલે કમર્શિયલ બ્રેકની જેમ વારેવારે ટપકી પડે છે. મોટાભાગનાં સોંગ્સ એકસરખાં જ લાગે છે. એમાંનાં ‘બારિશ’ અને અરિજિતે ગાયેલું ‘ફિર ભી તુમકો ચાહૂંગા’ થોડા સમયમાં દેશભરની ટેક્સીઓમાં વાગતાં થઈ જશે.

નો મીન્સ નો

‘પિંક’માં બચ્ચન સાહેબ કહી કહીને થાકી ગયા કે છોકરી ના પાડે એટલે છોકરાએ સમજીને અટકી જવાનું હોય. અહીં રિયા માધવને વારંવાર ના પાડીને જતી રહે છે, પરંતુ આ મહાશય એનો પીછો છોડતા જ નથી. આવી હેરાનગતિને અંગ્રેજીમાં ‘સ્ટૉકિંગ’ કહે છે, જે અત્યારના સંજોગોમાં આપણી ફિલ્મોમાં પ્રમોટ ન જ થવું જોઇએ. આમ તો આવી ચવાયેલી સ્ટોરી ધરાવતી ફિલ્મો પણ ન બનવી જોઇએ. પરંતુ દેશ સ્વતંત્ર છે, એટલે આપણે શું કરવું તે આપણને ખ્યાલ છે.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a comment