હાફ ગર્લફ્રેન્ડ

Fake ગર્લફ્રેન્ડ

***

જૂની, ચવાયેલી, ઢીલી અને પ્રીડિક્ટેબલ સ્ટોરી ધરાવતી આ ફિલ્મ એટલી લાંબી લાગે છે કે તેને ‘હાફ’ નહીં, બલકે ‘હાંફ ગર્લફ્રેન્ડ’ કહેવાની ઇચ્છા થઈ આવે.

***

maxresdefault2ચેતન ભગતનાં પુસ્તકોની ટીકા કરીને ઇન્ટલેક્ચ્યુઅલ દેખાવું એ ઘણા બધા લોકોનો ફેવરિટ પાસટાઇમ છે. પરંતુ ચેતન ભાઉ નબળી નવલકથા લખે અને પોતે જ પૈસા ઓરીને તેના પરથી PVCના પાઇપ જેવી આર્ટિફિશ્યલ અને ખોખલી ફિલ્મ પ્રોડ્યુસ કરે ત્યારે એના પ્રશંસકો પણ કોપભવનમાં બિરાજમાન થઈ જાય. આમ તો આ ફિલ્મનું પૂરું નામ કોઈ રેડિયો જાહેરખબર જેવું ‘હાફ ગર્લફ્રેન્ડ – દોસ્ત સે ઝ્યાદા ગર્લફ્રેન્ડ સે કમ’ એવું છે. પરંતુ આખી ફિલ્મમાં એટલી બધી નકલી લાગે તેવી બેતુકી વાતો ભરી છે કે ફિલ્મનું નામ બદલીને ‘Fake ગર્લફ્રેન્ડ-ફિલ્મી ઝ્યાદા દિમાગ સે કમ’ કરી દેવા જેવું હતું.

હાફ હાર્ટેડ લવ સ્ટોરી

મોટા ભાગના લોકોએ ચેતન ભગતની નવલકથા ‘હાફ ગર્લફ્રેન્ડ’ વાંચી જ હશે. છતાં ઘણા એવા ખુશનસીબ લોકો હશે જેઓ આ બુક વાંચવાથી વંચિત રહ્યા હશે. એમના લાભાર્થે એમને ફિલમમાં શું સહન કરવાનું છે તેની ઝલકઃ બિહારના સિમરાવ ગામના રાજવી પરિવારનો ફરજંદ માધવ ઝા (અર્જુન કપૂર) સોશ્યોલોજીમાં BA કરવા માટે દિલ્હીની મશહૂર કોલેજમાં ઍડમિશન લે છે. એક પણ પિરિયડ ભર્યા પહેલાં એને રિયા સોમાણી (શ્રદ્ધા કપૂર) નામની કોલેજની સૌથી હૉટ છોકરી સાથે ઇશકવા થઈ જાય છે. મમ્મીને ફોન કરીને પણ કહી દે છે કે આપણી લાઇફ સેટ છે હવે. રિયા એની સાથે બાસ્કેટ બૉલ રમે છે, ડિનર પર-ફિલ્મ જોવા જાય છે, દારૂ પીવે છે, પપ્પીઓ કરે છે, એના રૂમમાં આરામ કરવા પણ આવે છે, છતાં એક ભેદી ફોર્મ્યુલા કાઢીને કહે છે કે એ એની ‘હાફ ગર્લફ્રેન્ડ’ છે. એક દિવસ એ એને કંકોતરી આપીને ગાયબ થઈ જાય છે. પછી બેએક વર્ષ પછી ડૉલ્ફિનની જેમ ફરી સપાટી પર આવે છે અને એ જ રીતે ગાયબ થઈ જાય છે. આ બાજુ માધવ ‘રિયા ક્યાંય નથી જીવનમાં’ ગાતો ગાતો એને શોધવા નીકળે છે.

દોસ્તી માઇનસ પ્યાર બરાબર કંટાળો

‘૩ ઇડિયટ્સ’ વખતે રાજુ હિરાણી એન્ડ કંપનીએ ચેતન ભગતને ફિલ્મમાં યોગ્ય ક્રેડિટ નહોતી આપી અને ચેતને જબરી રડારોળ મચાવેલી. આજે આઠ વર્ષ પછી એ જ ચેતન ભગતે પોતાની જ બુક પરથી બનેલી ફિલ્મ કૉ-પ્રોડ્યુસ પણ કરી છે. એટલું જ નહીં, ટાઇટલમાં ચાર અને ઍન્ડમાં એક એમ કુલ પાંચ વખત ક્રેડિટ પણ લીધી છે. ‘કેહ કે લૂંગા’ તે આનું નામ. થૅન્ક ગૉડ, કે નવલકથાની જેમ ચેતનભાઈએ પોતાની ફિલ્મમાં મહેમાન ભૂમિકા નથી કરી. પરંતુ ચેતન ભગતની એ નવલકથામાં જે કાગળ પર તે છપાઈ હતી તે સિવાયનું કશું જ અસલી નહોતું. હવે એમાં ઉમેરો કરવા માટે ડિરેક્ટર મોહિત સૂરિએ પોતાનો યથાશક્તિ ફાળો આપ્યો છે.

આ ફિલ્મમાં રહેલી તદ્દન ફૅક બાબતોની યાદી બહુ મોટી છે. લિસ્ટ આ રહ્યું: શ્રદ્ધા કપૂરની બાર્બી ડૉલ છાપ ક્યુટનેસ, એનું ગિટાર ખંજવાળવું, ગાતી વખતે એના ફફડતા હોઠ અને એનું બૉટલથી પાણી પીવું (જેમાં હોઠ સિવાયનો એકેય સ્નાયુ હલે નહીં), સાવ ટૂંકાં લગભગ પારદર્શક નાઇટવેર પહેરીને એણે રમેલું શીખાઉ બાસ્કેટબૉલ, એનાં મમ્મી-પપ્પાની હિંસક મગજમારી, શ્રદ્ધાએ અર્જુનને કરેલી બરફગોળો ચૂસતી હોય એવી ઑર્ગેનિક કિસ, અર્જુન કપૂરની ચાઇનીઝ માલ જેવી બિહારી બોલી, એનું ખોટેખોટું બોલાયેલું ખોટું ઇંગ્લિશ, એના કાલ્પનિક ગામની સ્કૂલ- જ્યાં સ્કૂલ એકદમ ચકાચક તાજ્જી પેઇન્ટ કરેલી હોય પણ એમાં ટોઇલેટ જ ન બનાવેલું હોય, દિલ્હીની કોલેજના કાર્ટૂન જેવા ઇન્ટરવ્યૂઅરો, સવારે 9-20એ વાગતા ઘડિયાળના ડંકા, અર્જુન કપૂરની બકવાસ ઇંગ્લિશમાં બોલાયેલી સ્પીચ અને એ સાંભળીને ખાલીખોટા ઇમ્પ્રેસ થયેલા નકલી બિલ ગૅટ્સ. જી હા, આ ફિલ્મનું સૌથી ફૅક અને હાસ્યાસ્પદ પાત્ર છે ‘માઇક્રોસોફ્ટ’ના સર્વેસર્વા બિલ ગૅટ્સ. ફિલ્મમાં કોઈ વ્હાઇટ કલાકારને ચશ્માં પહેરાવીને તેના મોં પર બિલ ગૅટ્સનો ચહેરો ચોંટાડી દીધો છે. તે ચહેરો જાણે સ્ટિકર ચોંટાડ્યું હોય તેવો તદ્દન કાર્ટૂનિશ, ડરામણો અને ગંદો લાગે છે. આના કરતાં તો કોઈ સસ્તી ભોજપુરી ફિલ્મની સ્પેશ્યલ ઇફેક્ટ કે ‘સ્નૅપચેટ’નું ફૅસ સ્વૉપ ફીચર વધુ વાસ્તવિક લાગે. જો સ્કૂલમાં જાજરૂ બનાવવા માટે ફંડ જોઇતું હતું, તો અત્યારે દેશભરમાં ચાલી રહેલી ‘સ્વચ્છ ભારત મિશન’ ઝુંબેશ હેઠળ બનાવાય ને? એમાં બિલ ગૅટ્સને હેરાન કરવાની ક્યાં જરૂર હતી?

ચેતન ભગતે એક ગિમિક તરીકે અને પોતાની નવલકથાઓને એક આંકડાથી શરૂ કરવા માટે ‘હાફ ગર્લફ્રેન્ડ’નું નામકરણ કરેલું. નવલકથામાં તો તે હજીયે જસ્ટિફાય થયેલું. પરંતુ અહીં જ્યારે રિયા-માધવને મળવા માટે બાલ્કની કૂદી જતી હોય, આખો વખત એની સાથે જ રહેતી હોય, આગળ કહ્યું એમ એને કિસ કરતી હોય, એની સાથે એના બૉય્ઝ હૉસ્ટેલના રૂમમાં (બારી ખુલ્લી હોવા છતાં) સૂવા આવતી હોય, પોતાનાં પેરેન્ટ્સને પણ મળાવતી હોય, છતાં એ કહે કે, ‘ભૂમિતિમાં લખ્યા પ્રમાણે હું તો તારી હાફ ગર્લફ્રેન્ડ જ છું’, તો એ કોને ગળે ઊતરે?

સદા ‘હું ક્યુટ છું’ એવા હાવભાવ લઇને ફરતી શ્રદ્ધા કપૂર જે રીતે દરેક ફિલ્મમાં ભરતડકે પણ વરસાદ લાવતી ફરે છે, એ જોતાં એને દર ઉનાળે ભારતભ્રમણ કરાવવું જોઇએ. દેશની પાણીની સમસ્યા ચૂટકિયોં મેં દૂર થઈ જાય. બીજા જ દૃશ્યથી છેક સવા બે કલાક છેટેના ક્લાઇમેક્સ સુધીનું ક્લિયર જોઈ શકાય એટલી આ ફિલ્મ પ્રીડિક્ટેબલ છે. પરંતુ ડાઇજેસ્ટિબલ નથી. ફોર એક્ઝામ્પલ, આટલી પ્રચંડ સિક્યોરિટી છતાં લડકા-લડકી માત્ર હૅંગઆઉટ કરવા માટે ઇન્ડિયા ગૅટની ઉપર કઈ રીતે ચડી શકે? એ પણ વારંવાર. શ્રદ્ધાની મદદથી અર્જુન કપૂર અંગ્રેજી શીખે અને કિન્ડર ગાર્ટનના વિદ્યાર્થી જેવી સ્પીચ આપે ને એ સાંભળીને બિલ ગૅટ્સ પાંચ વર્ષમાં ૧ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપે એ જેટલું અપથ્ય છે, એના કરતાં ક્યાંય વધુ અનકન્વિન્સિંગ વાત એ છે કે એવા ડબ્બુને અમરિકામાં યુનાઇટેડ નૅશન્સની ઇન્ટર્નશિપ પણ મળી જાય.

જોકે ગણિતના પૅપરમાં ખોટા જવાબ છતાં સ્ટૅપ્સના માર્ક આપવા પડે એ રીતે થોડીક સારી બાબતો પણ છે. જેમ કે, અહીં સ્ટોરી સતત આગળ-પાછળ ભટક્યા કરે છે, પરંતુ એક પુસ્તક પરથી ફિલ્મ બનાવી છે તેવો ભાર વર્તાતો નથી. એક સળંગ દૃશ્યમાં ચાલતાં ચાલતાં ત્રણ ઋતુઓ બદલાઈ જાય એ દૃશ્ય ખરેખર ઇન્ટેલિજન્ટ છે. અર્જુન કપૂરની ઍક્ટિંગ તો પ્લાયવૂડને પણ હંફાવી દે એવી નૅચરલ છે. પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચે છે એનો દોસ્ત શૈલેષ બનતો એક્ટર વિક્રાંત મૅસી. એ હેન્ડસમ તો છે જ, પ્લસ એનો ચહેરો પણ અંદર ચાલતા હાવભાવ કળી શકાય એવો પારદર્શક છે. ભારે કુશળતાથી એણે બિહારી અને અંગ્રેજી બોલીના ટ્રેક ચૅન્જ કર્યા છે. પૂરી ફિલ્મમાં શ્રદ્ધા જેટલી નૅચરલ નથી લાગી એના કરતાં ક્યાંય વધુ સ્વાભાવિક, હૉટ અને ભાવવાહી નાનકડા રોલમાં રિયા ચક્રવર્તી લાગી છે. વરિષ્ઠ અદાકારા સીમા બિશ્વાસના ભાગે સ્કૂલનું રજિસ્ટર છાતીસરસું ચાંપીને ફરવા સિવાય કશું જ નથી આવ્યું.

કર્ણપ્રિય મ્યુઝિક મોહિત સૂરિની ફિલ્મોનું મજબૂત પાસું રહ્યું છે. આ ઢીલી ફિલ્મમાં પોણો ડઝન જેટલાં ગીતો છે, એટલે કમર્શિયલ બ્રેકની જેમ વારેવારે ટપકી પડે છે. મોટાભાગનાં સોંગ્સ એકસરખાં જ લાગે છે. એમાંનાં ‘બારિશ’ અને અરિજિતે ગાયેલું ‘ફિર ભી તુમકો ચાહૂંગા’ થોડા સમયમાં દેશભરની ટેક્સીઓમાં વાગતાં થઈ જશે.

નો મીન્સ નો

‘પિંક’માં બચ્ચન સાહેબ કહી કહીને થાકી ગયા કે છોકરી ના પાડે એટલે છોકરાએ સમજીને અટકી જવાનું હોય. અહીં રિયા માધવને વારંવાર ના પાડીને જતી રહે છે, પરંતુ આ મહાશય એનો પીછો છોડતા જ નથી. આવી હેરાનગતિને અંગ્રેજીમાં ‘સ્ટૉકિંગ’ કહે છે, જે અત્યારના સંજોગોમાં આપણી ફિલ્મોમાં પ્રમોટ ન જ થવું જોઇએ. આમ તો આવી ચવાયેલી સ્ટોરી ધરાવતી ફિલ્મો પણ ન બનવી જોઇએ. પરંતુ દેશ સ્વતંત્ર છે, એટલે આપણે શું કરવું તે આપણને ખ્યાલ છે.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

હમારી અધૂરી કહાની

દર્દ-એ-દિલ, દર્દ-એ-દિમાગ

***

દર્દ કા હદ સે બઢ જાના દવા નહીં ક્યારેક ફારસ પણ બની જાય. પાત્રોને પરાણે અને વધુ પડતાં દુઃખી કરવાની ક્વાયત લોજિક અને લાગણીનો પાલવ છોડી દે છે.

***

hamari_adhuri_kahani_official_posterપીડા અને એમાંય અધૂરા પ્રેમની પીડા આપણે ત્યાં ગરમાગરમ ભજિયાની જેમ વેચાતી આવી છે. રિક્ષાની પાછળ બેવફા પ્રેમિકાઓને ઉદ્દેશીને લખાયેલી શાયરીઓથી લઇને ‘દેવદાસ’ જેવી અમર કૃતિઓ તેની સાબિતી છે. દિગ્દર્શક મોહિત સૂરિને આપણી પીડાની આ દુખતી રગ બરાબરની હાથમાં આવી ગઈ છે. દિલમાં દર્દની દુકાન લઇને ફરતો હીરો દર્દભરે નગમે ગાયા કરે અને લોકો રૂમાલથી આંસુડાં લૂછતાં રહે. એમની પાછલી બે ફિલ્મો ‘આશિકી-૨’ અને ‘એક વિલન’માં હીરોની હાલત આવી જ હતી. જ્યારે હવે આવેલી ‘હમારી અધૂરી કહાની’માં લગભગ બધાં જ પાત્રો ‘દેવદાસ સિન્ડ્રોમ’થી પિડાય છે. એટલે અમુક હદ પછી આપણને વાર્તાની દિશા અને પાત્રોનાં નિર્ણયો તદ્દન તર્કહીન લાગવા માંડે. એ જ ઘડીએ એમની પીડાથી આપણા છૂટાછેડા થઈ જાય.

દુઃખી મન મેરે

આ એક એવા દુઃખીસ્તાનની કહાણી છે, જ્યાં બધાં જ દુઃખી છે. વસુધા પ્રસાદ (વિદ્યા બાલન) એક ફાઇવસ્ટાર હૉટેલમાં ફ્લોરિસ્ટ છે, જે બૈરીને પાંવ કી જૂતી સમજતા મૅલ શોવિનિસ્ટ પતિ હરિ (રાજકુમાર રાવ) સાથે પરણીને દુઃખી છે. હરિયો પાંચ વર્ષથી ક્યાંક ગાયબ છે. કહે છે કે એ આતંકવાદી બની ગયો છે. હૉટેલમાં ફૂલો ગોઠવતાં ગોઠવતાં તેના માલિક આરવ રૂપારેલ (ઇમરાન હાશ્મી) અને આ વસુધા વચ્ચે પ્રેમનાં પુષ્પો ખીલી ઊઠે છે. ૧૦૮ હૉટેલોનો ધણી આરવ પણ દુઃખી છે. એની ભગ્નહૃદયી મમ્મી (અમલા)નું દુઃખ હજીયે એના દિલની હાર્ડડિસ્કમાં ખાસ્સી એવી જગ્યા રોકીને બેઠું છે.

હવે વસુધા અને આરવ મીન્સ કે વિદ્યા બાલન અને ઇમરાન હાશ્મી પ્રેમના પુષ્પને લગ્નની ફુલદાનીમાં ગોઠવવાની અણી પર જ હોય છે ત્યારે વિદ્યાનો જૂનો પતિ અચાનક ગુમડાની જેમ ફૂટી નીકળે છે. સરવાળે દુઃખનો ગુણાકાર થવા માંડે છે.

ગુમડાનો કરીએ ગુલાલ

દિગ્દર્શક મોહિત સૂરિનું પોતાનું એક વિશ્વ છે. એ વિશ્વમાં આગળ કહ્યું એમ હીરો સતત પીડામાં જ જીવતો હોય. જાણે દુઃખી રહેવામાં અને લોકોની સહાનુભૂતિ ઉઘરાવવામાં એને મજા પડવા લાગે છે. એ પીડાની સાઇડ ઇફેક્ટને કારણે એ દરેક ઠેકાણેથી કોઈ ફિલોસોફી નિચેવી કાઢે છે. ધારો કે એના પાત્રને તાવ આવે કે ઘરમાં દૂધ ઊભરાઈ જશે તોય એ એને પોતાની પીડા સાથે જોડી દેશે અને કોઈક ફિલોસોફી ઠપકારી દેશેઃ ‘આંસૂ જબ જિસ્મ મેં જમ જાતે હૈ તબ વો બુખાર કી તરહ પૂરે બદન કો જલાને લગતે હૈ’ અથવા તો ‘ગમ હો યા દૂધ, કભી તો ઉબલ કર બાહર આ હી જાતા હૈ.’ એ તાવની દવા નહીં કરાવે કે ઊભરાયેલા દૂધ પર પોતું ફેરવીને આગળ નહીં વધે. વળી, સાચા પ્રેમમાં પડ્યા હોવાના પુરાવા રૂપે એ મગજનો ઉપયોગ કરવાનું બંધ કરીને કહેવાતી લાગણીની ધૂંસરીથી ખેંચાતો ચાલ્યો જશે. લોજિકલ વાત કરીને એના દોસ્તાર જેવી કોઈ ઠરેલ વ્યક્તિ એને ટપારવાનો પ્રયત્ન કરશે પણ અલ્ટિમેટલી એ મોહિત સૂરિનો હીરો છે એટલે દર્દના દરિયામાં જ ખાબકવાનો છે.

કહે છેકે આ ફિલ્મ મહેશ ભટ્ટ સાહેબના પપ્પા નાનાભાઈ ભટ્ટની લવસ્ટોરી પર આધારિત છે (બાય ધ વે, મહેશ ભટ્ટ પાસે હજી કેટલી પર્સનલ ટ્રેજેડીઓ કહેવાની બાકી રહી ગઈ છે?). એટલે જ આ ફિલ્મમાં લેખક તરીકે ભટ્ટસાહેબનું નામ બોલે છે. પરંતુ ચોખ્ખું દેખાઈ આવે છે કે આ ફિલ્મ અધકચરી લખાયેલી છે અને તે બિલકુલ નિરાશાવાદી અભિગમ ધરાવે છે. શાંત ચિત્તે વિચારીએ તો સમજાય છે કે વિદ્યા બાલન તથા ઇમરાન હાશ્મીનાં પાત્રોને સુખી થવું જ નથી. જાણે સુસાઇડલ અભિગમ ધરાવતા હોય એમ બંને પોતાની પીડામાંથી જાણી જોઇને બહાર આવતાં નથી. એટલા માટે જ ફિલ્મની શરૂઆતમાં એ બંને પાત્રો સાથે પ્રેક્ષકોને લાગણીનો જે તંતુ બંધાય છે, એ એમનો દેવદાસ ટાઇપનો અપ્રોચ જોઇને તૂટી જાય છે. હૉલીવુડની ‘પર્લહાર્બર’ અને ‘ટાઇટેનિક’ તથા આપણી ઋષિકપૂરવાળી ‘દીવાના’ ફિલ્મનાં પાત્રો કંઇક આવી જ પરિસ્થિતિમાં મુકાયાં હતાં, પરંતુ એમણે પોઝિટિવ અભિગમ રાખેલો. પીડા કુદરતી રીતે આવેલી હોય તો તેના પ્રત્યે સહાનુભૂતિ થાય, પેટ ચોળીને ઊભી કરેલી હોય ત્યારે ન થાય. અહીં બધાં જ પાત્રોની પ્રેમકહાની અધૂરી છે, જે કોઇન્સિડન્સ તો કઈ રીતે હોય?

એક તો બધી વાતમાં ઑવર મેલોડ્રામેટિક થઈ જતું બિહેવિયર અને તેમાં ઉપરથી લેખિકા શગુફ્તા રફીકનાં ફિલોસોફીથી ફાટફાટ થતા સંવાદો. મોટાભાગનાં દૃશ્યોમાં પાત્રો મોઢું ખોલે કે એમના મુખકમળમાંથી ફોફલી ફિલોસોફી જ સરી પડેઃ ‘જિસ બગીચે મેં મુરઝાયે હુએ ફૂલ ન હો, વો બગીચા બગીચા નહીં હોતા’, ‘મેરી હાલત રેગિસ્તાન મેં ફંસે ઉસ મુસાફિર જૈસી હૈ, જિસે પાની નઝર તો આતા હૈ લેકિન હોતા વૉહ સિર્ફ મેહરાબ હૈ’, ‘પ્યાર એક ઝિમ્મેદારી હૈ જિસે તકદીરવાલે હી ઉઠાયા કરતે હૈં’, ‘સચ્ચે પ્યાર કી કહાની કા કોઈ અંત નહીં હોતા’… આ ઢગલો શું કામ કરાયો છે એ તો લખનારા જાણે, પરંતુ ક્યારેક તે અનઇન્ટેન્શનલ લાફ્ટર ઊભું કરી દે છે. જેમ કે, અમલા જ્યારે વિદ્યા બાલનને પહેલીવાર જુએ છે ત્યારે તે કોઈ જ સંદર્ભ વિના બોલી ઊઠે છે, ‘યે બંજારન કૌન હૈ, જો અપની સી લગતી હૈ?’ ગંભીર સીન હોવા છતાં આવું વિચિત્ર વાક્ય સાંભળીને પ્રેક્ષકોમાં હાસ્યનું મોજું ફરી વળે છે.

લોજિકનાં ચશ્માંમાંથી જુઓ તો પોતાના દીકરા ખાતર પણ વિદ્યા ઇમરાન સાથે લગ્ન શા માટે કરતી નથી, ઇમરાન હાથે કરીને જોખમી વિસ્તારમાં જાતે શા માટે જાય છે, ત્યાંથી લઇને એકવીસ વર્ષ પહેલાં પણ આઇ પૅડ-મોબાઇલ ફોન ક્યાંથી આવ્યા એવા સહજ પ્રશ્નો થાય જ. અરે, વિદ્યાના ચહેરા પર ગુલાબ ફેરવતા ઇમરાનને જોઇને ‘મુઘલ-એ-આઝમ’ યાદ આવે, તો રંગોળી વીખીને લહેરાતી સાડીએ દોડતી વિદ્યા (ભણસાલીના) ‘દેવદાસ’ની ‘પારો’ લાગે. આ જ વિદ્યા અહીં ‘કહાની’ના ક્લાઇમૅક્સની પણ યાદ અપાવે છે.

પીડાના પાર્ટનર

ફિલ્મ સાથે તમે કનેક્ટ થાઓ કે નહીં, પરંતુ એટલું તો માનવું પડે કે ઇમરાન, વિદ્યા અને રાજકુમાર રાવ ત્રણેયે પોતાના પાત્રમાં જીવ રેડી દીધો છે. એક પછી એક નવા સૂટ પહેર્યા કરતો ઇમરાન આટલો હેન્ડસમ ભાગ્યે જ કોઈ ફિલ્મમાં દેખાયો છે. દક્ષિણની હિરોઇન અમલા અક્કીનેની (‘શિવા’ ફેમ) બે વર્ષ પછી ફિલ્મમાં દેખાઈ છે. અને બોસ, એ એટલી જ ખૂબસૂરત લાગે છે. ટચવૂડ. વચ્ચે વચ્ચે સુહાસિની મૂળે, યતિન કર્યેકર અને ‘હૈદર’ના પિતા બનેલા અફલાતૂન અવાજના માલિક નરેન્દ્ર ઝા જેવાં સિનિયર કલાકારો પણ હાઉકલી કરી જાય છે. મોહિત સૂરિની ફિલ્મોનું સૌથી સ્ટ્રોંગ પાસું હોય છે તેનું દિલકશ મ્યુઝિક. અહીં ત્રણ સંગીતકારો (મિથૂન, જીત ગાંગુલી અને અમી મિશ્રા) છે અને સંગીત પણ સાંભળવું ગમે તેવું છે, પરંતુ તેમાં ‘એક વિલન’નાં ગીતોની છાંટ વર્તાયા કરે છે.

તમે પીડાપ્રેમી છો?

એક ફિલ્મની દૃષ્ટિએ જોઇએ તો ‘હમારી અધૂરી કહાની’માં જથ્થાબંધ ઊણપો છે. તેમ છતાં તમે જો ઇમરાન હાશ્મી કે વિદ્યા બાલનના ફૅનની કેટેગરીમાં આવતા હો, તમને દર્દીલી દાસ્તાનના બૅકગ્રાઉન્ડમાં દર્દભરે નગમે ચાલતાં હોય એવી વાર્તા ગમતી અથવા તો પ્રેમને ખાતર જાત કુરબાન કરતાં પાત્રો પ્રત્યે લગાવ હોય તો આ ફિલ્મ જોવા લાંબા થઈ શકાય. હા, જાઓ તો સાથે એક સારામાંનો રૂમાલ સાથે રાખજો.

રેટિંગઃ ** (બે સ્ટાર)

પોસ્ટ સ્ક્રિપ્ટઃ – રાજકુમાર રાવ ‘ક્વીન’માં કંગનાની પાછળ પડી ગયો હતો કે, “અલી મારા નામનું ટેટૂ કરાય ને!’’ તે આ ફિલ્મમાં (ભલે વિદ્યાને) કરાવીને જ ઝંપ્યો બોલો!

આ ફિલ્મમાં કરાવેલી દુબઈ, શિમલા, કોલકાતાની ટૂરો પણ લગભગ અર્થહીન છે. દુબઈની હૉટેલના બગીચામાં ઇમરાન વિદ્યાને માત્ર એટલા માટે જ લઈ જાય છે જેથી વિદ્યા પેલો ‘મુરઝાયે હુએ ફુલ-પત્તે’વાળો ડાયલોગ ફટકારી શકે. કે કોલકાતાય એટલા સારુ જ ઘુસાડ્યું છે કે વિદ્યાને મારવા ધસી આવેલા રાજકુમારને પાછળ દુર્ગા મા દેખાય અને સ્ત્રીશક્તિથી ડરીને એ પાછો વળી જાય.

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

એક વિલન

ફટા પોસ્ટર નિકલા વિલન

***

બધા જ ભારતીય ફિલ્મી મસાલાઓથી ભરપુર આ ફિલ્મ એક ટાઇમપાસ વીકએન્ડ એન્ટરટેઇનર છે.

***

ac793d5484e4a79c6102a335ba2e2df3આપણી એક ખાસિયત છે, ચાઈનીઝ, ઈટાલિયન, થાઈ… કોઈપણ વાનગી હોય, આપણા દેશમાં આવે એટલે તે ટિપિકલ દેશી બની જાય. તેમાં આપણા મસાલા અને આપણી ફ્લેવર એવી ભળે કે સૌને ઓરિજિનલ વાનગી કરતાં આપણું દેશી વર્ઝન જ વધારે ભાવે. ફિલ્મોનું પણ એવું જ છે. જેમ કે, આ શુક્રવારે રિલીઝ થયેલી ‘એક વિલન’નો બેઝિક પ્લોટ દક્ષિણ કોરિયાની 2010માં આવેલી ફિલ્મ ‘આઈ સૉ ધ ડેવિલ’થી ઈન્સ્પાયર છે, પણ એક વિલન આપણા દેશી મસાલા જેવા કે પ્યાર-મહોબ્બત, દર્દ-હમદર્દ, બદલા, જીને નહીં દૂંગા-મરને નહીં દૂંગા, એન્ટિ હીરો, કાન વાટે હૃદયમાં ઊતરી જાય એવાં ગીતો વગેરેથી ભરપુર છે. પરિણામ સ્પષ્ટ છે, અત્યારે પ્રેક્ષકો, ખાસ કરીને યંગસ્ટર્સ એક વિલનની ટિકિટો માટે પડાપડી કરી રહ્યા છે!

લવ, શૉક ઔર બદલા

ગુરુ (સિદ્ધાર્થ મલ્હોત્રા) ગોવાનો એક ગુંડો છે, જે દિવાસળી સળગાવવા જેટલી સહજતાથી કોઈનું મર્ડર કરી નાખે એવો ક્રૂર છે. ત્યાં જ એની જિંદગીમાં આઈશા (શ્રદ્ધા કપૂર)ની એન્ટ્રી થાય છે. એકદમ ક્યૂટ અને નિર્દોષ એવી આઈશા જબ વી મેટની કરીના, લગે રહો મુન્નાભાઈની વિદ્યા બાલન અને ગજિનીની અસિનનું કોમ્બિનેશન છે. પરંતુ બિચારી એક અસાધ્ય બીમારીથી પીડાઈ રહી છે, જેને કારણે એના હાથમાં હવે મુઠ્ઠીભર દિવસો જ બચ્યા છે. બાકી રહેલા દિવસોને દિલથી જીવી લેવા માટે આઈશાએ પોતાની ઈચ્છાઓનું એક ‘બકેટ લિસ્ટ’ બનાવ્યું છે, જેને તે વન બાય વન પૂરી કરી રહી છે. બંને વચ્ચે પ્રેમનું ઝરણું ફૂટી નીકળે છે અને વિલન જેવા ગુરુની અંદર રહેલો હીરો બહાર આવવા લાગે છે.

ત્યાં જ એક ખરેખરા વિલન રાકેશ મહાડકર (રિતેશ દેશમુખ)ની એન્ટ્રી થાય છે. રાકેશ જિંદગીમાં કશું જ ન ઉકાળી શકેલો ટેલિકોમ કંપનીનો કર્મચારી છે. ઈવન એની પત્ની સુલોચના (આમના શરીફ) પણ એને મહેણાં-ટોણા મારવામાં કશું બાકી નથી રાખતી. એટલે આ રિતેશ એની સામે આવતી જે સ્ત્રી એનું અપમાન કરે, એના ઘરે પહોંચી જઈને એને સ્ક્રૂ ડ્રાઈવર જેવા હથિયારથી તેની કરપીણ હત્યા કરી નાખે છે. પરંતુ એક દિવસ એ એવું કામ કરી નાખે છે, જેને કારણે સિદ્ધાર્થ અને રિતેશ બંને સામસામે આવી જાય છે.

ઢીલી, પણ સ્વાદિષ્ટ વાનગી

આશિકી-2ની સુપર સફળતા પછી એક વિલનનાં ગીતોએ પણ જલસો કરાવ્યો, એટલે એટલું તો સ્પષ્ટ હતું કે આ ફિલ્મને ઓપનિંગ તો સારું મળશે. ઉપરથી એના પ્રોમોએ પણ લોકોમાં આતુરતા જગાવેલી કે ફિલ્મમાં એક્ઝેક્ટ્લી છે શું. 129 મિનિટ્સની આ ફિલ્મ શરૂ થાય તેની પહેલી પંદર મિનિટમાં જ એવો આંચકો આપે છે કે લોકોનું કુતૂહલ મોંઘવારીની જેમ ઊંચું જતું રહે. એ પછી ડિરેક્ટર મોહિત સૂરી આપણને ફ્લેશબેક અને વર્તમાન વચ્ચે અપડાઉન કરાવતા રહે છે. જેમાં ભારતીય ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે એવા સિરિયલ કિલરની વાત આવે છે.

ગઠીલા બદનવાળા સિદ્ધાર્થ મલ્હોત્રાને જોઈને યુવતીઓ સિસકારા બોલાવે છે, તો શ્રદ્ધા કપૂરનો ઈનોસન્ટ ચાર્મ પણ યંગસ્ટર્સમાં બરાબર ક્લિક થઈ ગયો છે. ફિલ્મમાં ગોવાનાં બ્યુટિફુલ લોકેશન્સમાં ફિલ્માવાયેલી એ બંનેની લવસ્ટોરી જોવી ગમે તેવી છે. બંનેનો ટિપિકલ બોલિવૂડિયન કેન્ડી ફ્લોસ રોમેન્સ આપણે અનેકવાર જોઈ ચૂક્યા હોવા છતાં કર્ણપ્રિય ગીતોને કારણે એમાં કંટાળો નથી આવતો.

પરંતુ ઈન્ટરવલ આવતાં સુધીમાં સસ્પેન્સ અને થ્રિલનાં બધાં જ પાનાં ખુલ્લાં થઈ જાય છે. એટલે હવે શું થશે એવું કોઈ કુતૂહલ બાકી રહેતું નથી. એક આશા ઉંદર-બિલ્લી જેવી ચેઝ પર ટકી રહે છે, પરંતુ એવી થ્રિલિંગ ચેઝ પણ બીજા ભાગમાં જોવા મળતી નથી. ઉપરથી (પ્રાચી દેસાઈને ચમકાવતું) એક વણજોઇતું આઈટેમ સોંગ નાખીને ઢીલી પડેલી વાર્તાને ઓર રબ્બર જેવી કરી દેવાઈ છે. આ ફિલ્મ ફિલ્મી કો-ઈન્સિડન્સિસથી ભરપુર છે એટલે ‘આવું થોડું હોય?’ એવા  લોજિકની ગલીમાં ઘૂસવા જેવું નથી.

ઢીલા સેકન્ડ હાફને બાદ કરતાં ડિરેક્ટર મોહિત સૂરીની તમામ ગણતરીઓ સાચી પડી છે. ફિલ્મે રિલીઝ પહેલાં લોકોમાં કુતૂહલ જગાવ્યું અને થિયેટર સુધી ખેંચાઈ આવેલા લોકો નિરાશ થાય એવી તો ફિલ્મ જરાય નથી. ઉપરથી અંકિત તિવારી, મિથૂન અને સોચ બેન્ડ દ્વારા કમ્પોઝ થયેલાં મોટા ભાગનાં ગીતો હિટ થયાં છે. એમાંય અંકિત તિવારી અને શ્રદ્ધા કપૂરે ગાયેલું ‘તેરી ગલિયાં’ તો ઓલરેડી ચાર્ટ બસ્ટરની કેટેગરીમાં આવી ગયું છે.

ખિલેલા ગુલાબની પાંખડી પર ઝામેલા ઝાકળ જેવી માસૂમ લાગતી શ્રદ્ધા કપૂર જેટલી કન્વિન્સિંગ લાગે છે, એટલું જ સિદ્ધાર્થ મલ્હોત્રાને ગુંડો ગણવામાં મન માનતું નથી. ખબરબચડા ખૂનખાર ગુંડા કરતાં એ કોઈ પૈસાદાર બાપાનો દીકરો વધારે લાગે છે. પરંતુ ફિલ્મનું સૌથી મોટું સરપ્રાઈઝ પેકેજ છે રિતેશ દેશમુખ. ગયા અઠવાડિયે એને હમશકલ્સમાં ગાંડાવેડા કરતો જોયા પછી લાગતું હતું કે આની પાસે આનાથી વધારે ટેલેન્ટ નહીં હોય, પણ વિકૃત દિમાગના સિરિયલ કિલરના રોલમાં એ ખરેખર જામે છે. એટલું જ નહીં, એનું પાત્ર પણ સૌથી સારું લખાયેલું છે. જોકે એની ક્રૂરતા હજી વધારે ખૂલીને બહાર આવી હોત તો આ ફિલ્મમાં થ્રિલનું તત્ત્વ ઓર વધારે જામ્યું હોત.

ટ્વિટર પર જે સૌથી વધુ ગાળો ખાય છે એ ફ્લોપ એક્ટર કમાલ આર. ખાન (કેઆરકે) પણ આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકામાં છે. પોતાની ટ્વિટર પર્સનાલિટી જેવા જ રોલમાં રહેલો કેઆરકે જોકે એની વાહિયાત એક્ટિંગથી કોમિક રિલીફ પૂરું પાડે છે. ગેંગસ્ટર ‘સિઝર’ના રોલમાં ગાયક રેમો ફર્નાન્ડિઝ પણ એમનાં ટ્રેડમાર્ક ગોળ કાચવાળાં ગોગલ્સ પહેરીને આવી ગયા છે, પરંતુ રેમો પણ ધ્યાન ખેંચવામાં તો નિષ્ફળ જ રહ્યા છે. મિલાપ મિલન ઝવેરીએ એક વિલનના ડાયલોગ્સ લખ્યા છે, પરંતુ એણે ‘તુમ સે ઝ્યાદા કામ તો ઈસ ઓફિસ મેં ઝેરોક્સ મશીન કરતી હૈ’ ટાઈપના અલપ ઝલપ ચમકારાને બાદ કરતાં ચવાયેલા હિન્દી મસાલા ડાયલોગ્સ જ ઠપકાર્યા છે.

વીકએન્ડ ટાઇમપાસ

ઠંડા કલેજે હત્યાઓ કરતા સિરિયલ કિલરને બાદ કરતાં એક વિલનમાં એવું જ કશું જ નથી જે આપણે અગાઉ ન જોયું હોય. તેમ છતાં ‘ગજિની’ ટાઈપની આ રિવેન્જ સ્ટોરી એક સરસ વીક એન્ડ એન્ટરટેઇનર તો છે જ. પ્રીડિક્ટેબલ હોવા છતાં જરાય કંટાળો આપતી નથી. આપણી ઑડિયન્સને મજા પડે એવા તમામ મસાલાથી ભરપુર આ વાનગી એકવાર ટેસ્ટ કરવા જેવી ખરી.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.