દે દે એન્ટરટેનમેન્ટ દે!

mv5bzgi5yjqznwutnjm0mc00zmi0lwiymjktyzbhndfjzgjlm2izxkeyxkfqcgdeqxvymjuxmty3odm40._v1_ql50_રેટિંગઃ 2.5* (અઢી સ્ટાર)

‘દે દે પ્યાર દે’નું ટ્રેલર જેણે કાપ્યું હશે એને મળવાની મને તીવ્ર ઈચ્છા થઈ રહી છે. એ મહાનુભાવે ફિલ્મમાંથી મોસ્ટ હિલેરિયસ સીન, ડાયલોગ્સ અને સિચ્યુએશન્સ વીણી વીણીને ટ્રેલરમાં ચોંટાડી દીધાં છે. અને કુલ મિલા કે ફિલ્મમાં એટલી જ કોમેડી છે, ધેટ્સ ઓલ! એ સિવાય જે રહી સહી કોમિક સિચ્યુએશન્સ છે, તે અમદાવાદના પાછોતરા વરસાદ જેવી છે, સેટેલાઈટવાળા ભીંજાતા ફરતા હોય ને વસ્ત્રાપુરમાં લોકો તડકાથી બચવા સનગ્લાસ પહેરીને ફરતા હોય.

ટ્રેલર અને કલાકારો જોઈને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ ટાઈપ હિલેરિયસ આઉટ એન્ડ આઉટ કોમેડી જોવા મળશે એવી અપેક્ષાએ ગયેલા (યાને કે મેજોરિટી) લોકો જ્હોની લીવર સ્ટાઈલમાં કહેશે કે ‘જબ્બા જબ્બા’ દિખા કે લવ રંજન અબ્બાને યે ડ્રામેટિક ડબ્બા પકડા દિયા! બોલે તો ‘દે દે પ્યાર દે’ કોમેડી નહીં, બલકે માઈલ્ડ એન્ટરટેનિંગ રોમેન્ટિક ડ્રામા મુવી છે!

લવ રંજને મિસોજિની (સ્ત્રીઓને ઉતારી પાડવાની વૃત્તિ)ને એક આખી સક્સેસફુલ મુવી ઝોનરા બનાવી દીધી છે. ‘પ્યાર કા પંચનામા 1 અને 2’, ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ની સફળતા કેન્દ્રમાં આ મિસોજિની જ હતી. એટલે તમે જો લવ રંજનની ફિલ્મોનાં ‘ગોલ્ડડિગર, પુરુષોનો માત્ર પૈસા અને મોજમજા માટે ઉપયોગ કરતી, સ્વાર્થી, મતલબી, મેનિપ્યુલેટિવ, ઈમોશનલ બ્લેકમેલર’ ફિમેલ કેરેક્ટર્સ અને તેના પર જ લખાયેલા જોક્સ, ઓબ્જેક્ટિફિકેશન પર તમારા વાંધાને ઈગ્નોર કરો તો જ તમે તેના પર હસી શકો. નહીંતર તમને હસવું આવવું તો દૂર રહ્યું, સ્ક્રીન પર છૂટું ખાસડું ફેંકવાની ઈચ્છા થઈ આવે. ફોર એક્ઝામ્પલ, ‘દે દે પ્યાર દે’ના ટ્રેલરમાં જ આવતા એક સીન અને ડાયલોગ્સ યાદ કરોઃ

તબુઃ ‘યે કાર હમને શાદી પર લી થી. ઈતને સાલ હો ગયે, અભી તક વૈસી હી ચલ રહી હૈ.’

રકુલ પ્રીતઃ ‘પર એક પોઈન્ટ કે બાદ ફીચર્સ પુરાને હો હી જાતે હૈ. બોડી પુરાની હો જાતી હૈ, લુક્સ પુરાને હો જાતે હૈ, એન્જિન પુરાના હો જાતા હૈ. નયી કા મઝા હી અલગ હૈ.’

અજય દેવગણઃ ‘પુરાની અપની જગહ હૈ, નયી કે અપને ફાયદે હૈ.’

ફિલ્મમાં આ સીન ખાસ્સો લાંબો છે. આ ડાયલોગ્સ લખાયા તો કાર માટે છે, પરંતુ તેનો ઓબ્વિયસ ઈશારો જૂની પત્ની અને નવી ગર્લફ્રેન્ડ તરફ છે. યાને કે જૂની કાર= જૂની મિડલ એજેડ વાઈફ, નવી કાર= નવી યંગ ગર્લફ્રેન્ડ. ક્લિયર ઓબ્જેક્ટિફિકેશન. હેન્સ પ્રૂવ્ડ!

ચીની કમ 2.0

આપણા રાજકારણમાં યુવા નેતા અને સાહિત્યમાં યુવા લેખક તરીકે ચાલી જાય તેવડો એટલે કે 50 વર્ષનો આશિષ (અજય દેવગણ) લંડનમાં કોઈક બિઝનેસ કરે છે. પત્ની મંજુ (તબુ) અને બાળકોથી 18 વર્ષ પહેલાં જ જુદો થઈને લંડનમાં સિંગલ લાઈફ જીવી રહ્યો છે. 26 વર્ષની આઈશા (રકુલ પ્રીત) એન્જિનિયર છે, પરંતુ પોતે હોટ-એટ્રેક્ટિવ છે ને બોરિંગ-9 ટુ 5 જોબ ટાઈપ નથી એવું બતાવવા માટે બાર ટેન્ડર, સ્ટ્રિપર જેવાં ‘ઈન્ટરેસ્ટિંગ’ કામો કરે છે. પ્લસ, પોતે રતિક્રીડામાં કેવી સની લિયોનીને આંટી દે એવી એડલ્ટ ફાંકા ફોજદારી પણ કરે છે! આપણા મે મહિનામાં આ બંનેની મે-ડિસેમ્બર જેવી લવસ્ટોરી અને ‘મીટ ધ પેરેન્ટ્સ’ ટાઈપનો ફાર્સિકલ ડ્રામા એટલે બાકીની આ ફિલ્મ.

***

લવ રંજને લખીને ડિરેક્ટ કરી હોય અને લવ રંજને માત્ર લખી હોય ને બીજા કોઈએ ડિરેક્ટ કરી હોય, એવી ફિલ્મો વચ્ચે કેટલો મોટો ડિફરન્સ હોય તે ‘દે દે પ્યાર દે’માં ક્લિયર્લી દેખાય છે. લવ રંજનની ‘બેટલ ઓફ સેક્સીસ’ ટાઈપની સ્ટોરી કહેવામાં માહેર છે. અહીં પણ તે બેટલ ઓફ સેક્સ ટાઈપની તડાફડી છે (જેનું ટ્રેલરમાં પ્રોમિસ કરાયેલું), પરંતુ તે છેક ઈન્ટરવલ પછી ઈન્ટ્રોડ્યુસ થાય છે. ત્યાં સુધી અજય-રકુલની પ્રેમની સંતાકૂકડી ચાલે છે. અજય દેવગણ પોતાના ‘ઝખ્મ’ના રોલની જેમ સતત ઈન્ટેન્સ લુક ફેંક્યા કરે છે (બિચારો, એક્સપ્રેશન્સ તો ક્યાંથી ફેંકે?!), અને ‘જબ વી મેટ’ની ‘ગીત 2.0’ની સ્ટાઈલમાં ટોકેટિવ અને સેલ્ફ અવેર રકુલ ‘હું તો છું જ હોટ… મારી સાથે સેક્સ કરવામાં તો મજા જ આવે ને…’ ટાઈપની સ્યુડો આધુનિક લાઈન્સ ફેંક્યા કરે છે.

પરંતુ લંડનના ટાવર બ્રિજ જેવડો મોટો પ્રોબ્લેમ એ છે કે આ બંને ઓલમોસ્ટ વન નોટ કેરેક્ટર છે (ખાસ કરીને રકુલનું) અને બંનેની લવસ્ટોરી અતિશય બોરિંગ. મજાની વાત એ છે કે આ ટ્રેક ઓલમોસ્ટ ‘ચીની કમ’ જેવો જ છે (જેમાં પણ તબુ હતી). લેકિન ચીની કમની સ્ટ્રેન્થ તેની લીડ પેર (અમિતાભ-તબુ) ઉપરાંત સુપર સ્માર્ટ-સાર્કેસ્ટિક રાઈટિંગ પણ હતી. તેમાં જરાય સેક્સિસ્ટ થયા વગર કે બિલો ધ બેલ્ટ હિટ કર્યા વગર પણ આર. બાલ્કીએ બેટલ ઓફ સેક્સીસ બતાવી હતી અને એક મસ્ત ઈન્ટરેસ્ટિંગ લવસ્ટોરી બતાવી હતી. જ્યારે અહીં આ લવસ્ટોરી એકદમ બ્લૅન્ડ/ફિક્કી છે. એમાં અજય દેવગણની ઉંમર પરના જે કંઈ જોક્સ છે એવા જોક્સ અજયની જ ‘ગોલમાલ અગેઈન’માં પણ હતા. પરિણામ એ આવે કે અજય દેવગણનો ‘સિંઘમ’વાળો સેલ્ફ અવેર મેટાહ્યુમરવાળો જોક આવે તોય ઓલમોસ્ટ ફ્લેટ જાય.

ફિલ્મમાં એક્ઝેક્ટ ઈન્ટરવલ પછી જ્યારે તબુ, આલોક નાથ વગેરે મંજાયેલા કલાકારોની એન્ટ્રી પડે છે ત્યારે ફિલ્મની એનર્જીમાં આવતો શિફ્ટ ચોખ્ખો જોઈ શકાય છે. ઈવન ઓડિયન્સ પણ ‘હવે કંઈક મજા આવશે’ એવું વિચારીને એક્ટિવ થઈ જાય છે. ફિલ્મમાં જે કંઈ કોમેડી, બેટલ ઓફ સેક્સીસ, સો કોલ્ડ મેચ્યોરિટી, ડ્રામા, ઈમોશન્સ, ફાર્સ છે અથવા તો ‘હાય હાય, તુઝે અપની બેટી કી ઉમ્ર કી લડકી કે સાથ રંગરલિયાં મનાતે હુએ શર્મ નહીં આયી?’ ટાઈપનો મેલોડ્રામા વગેરે બધું જ ઈન્ટરવલ પછી છે. તેમ છતાં તેનો સ્ટોક એટલો નથી કે મોજે દરિયા ને જલસાનો સમંદર ઊછળવા માંડે.

રિયલ લાઈફમાં ‘Me Too’માં ગંભીર આરોપોનો સામનો કરી રહેલા અને ફિલ્મમાં સંસ્કારી વાતો કરતા ‘બાબુજી’ આલોક નાથ, સાવ ફૂવડ બનીને રહી ગયેલો જિમી શેરગિલ, પાછળથી વ્યવહારુ અને ખંધાઈની વચ્ચે જગલિંગ કરતા કુમુદ મિશ્રા, ફર્સ્ટ હાફમાં દેખાતા વિશ્વના મોસ્ટ અનકન્વિન્સિંગ સાઈકોલોજિસ્ટ બનેલા જાવેદ જાફરી… આ બધા ફિલ્મમાં માત્ર ગિર્દી ને જરાતરા હ્યુમરમાં પ્રદાન કરે છે.

બાકી જે કંઈ સુપર ટેલેન્ટેડ વોલ્કેનો છે તે છે તબુ. એ કોઈપણ સમયે સિડક્ટિવ, મિસ્ટિરિયસ, ઈમોશનલ, રોમેન્ટિક, રૉન્ચી, ફ્રસ્ટ્રેટેડ, હ્યુમરસ થઈ શકે છે. એની હાજરીવાળા ઓલમોસ્ટ તમામ સીન ભરચક લાગે છે, તે નબળા લખાયેલા હોવા છતાં કંટાળાજનક લાગતા નથી. ખાસ કરીને એક સીન-જેમાં તબુ ઈમોશનલ થઈને ભાંગી પડે છે અને કન્ફેસ કરે છે કે શું કામ મારે જ દર વખતે બધી જવાબદારીઓ ઉપાડવાની, રિસ્પોન્સિબલ/મૅચ્યોર બિહેવ કરવાનું, વ્હાય કાન્ટ આઈ જસ્ટ બી મી?-એ સીન અને બીજો એક સીન જેમાં એ આખા ઘરને કહી દે છે કે સંતાનોને જો મા-બાપની સંપત્તિનો વારસો મળે તો તેમને એમના તૂટેલા સંબંધોનો પણ વારસો મળે જ. એ બંને સીન ઉપરાંત કેટલાક કોમિક સીન્સમાં તબુની એક્ટિંગ રેન્જ, કોમિક ટાઈમિંગ અને વિન્ટેજ વાઈન જેવી પર્સનાલિટીનું કાતિલ કોકટેલ જોવા મળે છે. એક સીનમાં તબુ અને અજય દેવગણની જ 1994માં આવેલી ફિલ્મ ‘વિજયપથ’ના ગીતનો રેફરન્સ છે (એમ તો ફિલ્મના પોસ્ટર પર બે કાર વચ્ચે પગ પહોળા કરીને બેઠેલો અજય દેખાય છે, જે ઓબ્વિયસલી એની પહેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’નો રેફરન્સ છે. અત્યારની જનરેશનમાંથી કેટલા લોકો એ પકડી શકશે એ જુદો સવાલ છે!). બટ, તબુને તો વર્ષે એટલિસ્ટ એક મુવી કરવાની ફરજ પાડવી જોઈએ!

અજય દેવગણનો સિન્સિયર પ્રયત્ન દેખાય છે, પરંતુ સારા રાઈટિંગ વિના થોડા એબ્સ, ટેટૂ અને એક એક્સપ્રેશન સાથે એ બિચારો કેટલું ખેંચી શકે? એક પ્રોપર ફાઈટ પણ ડિરેક્ટરે એને આપી નથી. દર બીજા સીનમાં પ્રગટ થતા રહેલા રકુલ પ્રીત સિહના ક્લીવેજના ખાડામાં પોતાના ચોર્યાશી લાખ વહાણો ડુબાડવા માટે બહુ બધા લોકો તત્પર હશે, લેકિન એને અપાયેલો પ્રચંડ સ્ક્રીનટાઈમ આ ફિલ્મની સૌથી મોટી ખામી છે. પહેલી દસ-પંદર મિનિટમાં જ આ બોરિંગ લવસ્ટોરી પતાવી દઈને તબુ એન્ડ ફેમિલીની એન્ટ્રી કરાવી દેવાઈ હોત તો અનેક હિલેરિયસ સિચ્યુએશન્સ ઊભી કરવાની તક હતી. તે વેડફી નાખીને આખી ફિલ્મ વેજિટેબલ સ્ટોક જેવી ફિક્કી બનાવી દીધી છે.

ફિલ્મમાં વધુ એક ટેન્શન ઊભું કરવા અજય-તબુની જુવાન દીકરીનાં લગ્નનો સબ પ્લોટ ઉમેરાયો છે. એ તો ઠીક છે, પણ એ દીકરી (ઈનાયત સૂદ)નો એક પણ સીન એવો નથી જેમાં એણે ડોળા કાઢીને ચીસો ન પાડી હોય.

સો કોલ્ડ અર્બન વિચારો, આધુનિકતાના પેકેજિંગમાં ઓડ કપલની સોશિયલ કોમેડી-ડ્રામા સ્ટોરી પધરાવતી આ ફિલ્મ સિફતપૂર્વક કેટલાક બીજા વિચારો પણ સરકાવી દે છે. જેમ કે, છોકરી નશાની હાલતમાં હોય અને તેને ખબર ન હોય તોય તેની સાથે સેક્સ કરવું (વાંચો, બળાત્કાર કરવો) એ યોગ્ય છે! એકની સાથે કમિટેડ રિલેશનશિપમાં હોઈએ તોય બીજી વ્યક્તિ સાથે સેક્સ કરવો એ નેચરલ ગણાય (ફિલ્મના લોજિક પ્રમાણે, એ કંઈ ચીટિંગ ન કહેવાય, એને તો ઈમોશનલ સપોર્ટ આપ્યો કહેવાય) અને એકાદ વાર કોઈની સાથે કેઝ્યુઅલ સેક્સ કરવા માત્રથી કંઈ કોઈ સંબંધ તૂટી ન જાય! લિવ ઈન રિલેશનશિપ્સ અને પિતાની ઉંમરની વ્યક્તિ સાથે રોમાન્સ એ તદ્દન નોર્મલ છે. આ તમામ વિચારોમાં મુવી-મેકર તો સ્ટેન્ડ લે છે, ઓડિયન્સ તેને સ્વીકારે છે કે કેમ તે જાણવું ઈન્ટરેસ્ટિંગ બની રહે.

અને ફિલ્મનાં સોંગ્સ, ભૈશાબ, એટલાં બોરિંગ છે! સમ ખાવા પૂરતું એક જ સોંગ ‘દિલ દા પતા નીં… મૈં તો મુખડા દેખ કે’ સારું છે, પણ એ તો જૂનું પંજાબી પોપ સોંગ છે! આવાં કંગાળ સોંગ્સ પર જો કાતર ચલાવી હોય તોય ફિલ્મ થોડી ફાસ્ટ લાગે. એક એડિટર (અકિવ અલી) જ્યારે ડિરેક્ટર બને ત્યારે એ પોતાની ફિલ્મ પર કાતર નહીં ફેરવી શકતા હોય?

ઈન શોર્ટ, બ્રાન્ડેડ કોઈ શોપિંગ વેબસાઈટ પરથી બ્રાન્ડેડ આઈફોન મંગાવ્યો હોય અને ઘરે ડિલિવર થયેલા બોક્સમાંથી સસ્તો ચાઈનીઝ ફોન નીકળે,ત્યારે જેવી ફીલિંગ આવે એવી કંઈક આ ફિલ્મ છે. આ ઓલમોસ્ટ બોરિંગ અને આઉટ એન્ડ આઉટ ડ્રામા ફિલ્મનું નામ ‘દે દે એન્ટરટેનમેન્ટ દે’ હોવું જોઈતું હતું!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

2 thoughts on “De De Pyaar De

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s