‘વો ઈન્સાન નહીં હૈ…’

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

ghoul‘નેટફ્લિક્સ’ની નવી ‘મિની’ વેબસિરીઝ ‘ઘૂલ’ (Ghoul-ઘૂલ, ‘ઘાઉલ’ કે ‘ઘોઉલ’ નહીં) રિલીઝ થઈ અને થોડા દિવસમાં જ જોઈ નાખી. સિરીઝના પહેલા હપ્તાની પહેલી દસેક મિનિટમાં જ ક્લિયર થઈ ગયેલું કે આ સિરીઝ કઈ દિશામાં જવાની છે. જે દિશા, જે વાત, જે મૅટાફર્સ તેણે પકડ્યાં છે, એ જોતાં આ સિરીઝથી દેશભરમાં ઉહાપોહ મચવો જોઈતો હતો. એને બદલે ‘નેટફ્લિક્સ’ પર રાધિકા આપ્ટે ચારેકોર દેખાય છે એના સિલી જોક્સ ફરતા થઈ ગયા. યાને કે આ સિરીઝમાં જે દહેશત વ્યક્ત કરવામાં આવી છે તેની કોઈને ટપ્પી જ પડી હોય તેવું લાગતું નથી (કેમકે વિવાદોને તો આપણે ત્યાં ક્યારેય ક્વોલિટી સાથે સંબંધ રહ્યો જ નથી!). અગાઉ ‘સેક્રેડ ગેમ્સ’ વખતે તેમાં વ્યક્ત કરાયેલા જલદ પોલિટિકલ વિચારો અને સ્ટેટમેન્ટ્સે ખાસ્સી ચર્ચા જગાવી હતી. પરંતુ ઘૂલ રિલીઝ થઈ અને ભૂતની જેમ જ અદૃશ્ય થઈ ગઈ.

રાધિકા આપ્ટે સ્ટારર ‘ઘૂલ’ની પહેલી સિઝન ત્રણ હપ્તાની મિની વેબસિરીઝ તરીકે રિલીઝ કરાઈ છે. તેનું માર્કેટિંગ પહેલી ઈન્ડિયન હોરર વેબસિરીઝ તરીકે કરાયેલું. રાધિકા આપ્ટેની સાથે માનવ કૌલ જેવો મજબૂત એક્ટર પણ હતો. એટલે નેચરલી ક્યુરિયોસિટીનું લેવલ થોડું અબોવ એવરેજ તો હતું જ.

‘ઘૂલ’ કથા છે નજીકના ભવિષ્યની. હવે આ નજીકનું ભવિષ્ય કેટલું નજીક છે તે તમે વિચારસરણીની કઈ બાજુએ છો તેના પર ડિપેન્ડ કરે છે. કોઈકને તે સદંતર કાલ્પનિક પણ લાગી શકે ને કોઈકને વર્તમાન પણ લાગી શકે. દેશની અંદર જ રહેલા આતંકવાદીઓ દેશને બરબાદ કરી રહ્યા છે. આર્મીનો કંટ્રોલ હદ બહાર વધી ગયો છે. છૂપા આતંકવાદીઓને જેર કરવા માટે અને એમને મદદ કરનારાઓને પકડીને એમની સાન ઠેકાણે લાવવા માટે દેશમાં ખૂફિયા ડિટેન્શન કમ ટોર્ચર સેન્ટરો ખૂલી ગયાં છે. આવા આતંકવાદીઓને ‘રિપેર’ કરવા માટે ‘નેશનલ પ્રોટેક્શન સ્ક્વોડ્રન’ બનાવાઈ છે, જેનો સિનિયર અધિકારી છે કર્નલ સુનીલ દાકુન્હા (માનવ કૌલ). નિદા રહીમ (રાધિકા આપ્ટે) આ સ્ક્વોડ્રનની નવી રિક્રુટી છે. એને ફાળવવામાં આવ્યું છે ઈન્ટરોગેશન ખાતું. યાને કે જે ત્રાસવાદીઓ નાળિયેર જેવા કડક હોય એમને જાતભાતની ડરામણી ટ્રિક્સથી ટોર્ચર કરીને સીધાદોર કરી દેવાના.

અહીંથી સ્ટોરીનાં બે પાંખિયાં પડે છે. એક, નિદા રહીમના શિક્ષક પિતા (સિનિયર અને અફલાતૂન ઉર્દૂ ઉચ્ચારણ ધરાવતા એક્ટર એસ. એમ. ઝહીર)ની ત્રાસવાદીઓને ઉત્તેજન આપવાના આરોપસર ધરપકડ થાય છે. ટ્વિસ્ટ એવો છે કે ખુદ નિદાએ જ પોતાના પિતાની દેશની સિક્યોરિટી ખાતર ધરપકડ કરાવી છે. બીજું પાંખિયું છે, ડિટેન્શન સેન્ટરમાં આવેલો એક નવો કેદી. અલી સઈદ (કોન્ફિડન્ટ મહેશ બલરાજ) નામનો એ કેદી ભલભલું ટોર્ચર ખમી લે છે, પણ કશું બોલતો નથી. પણ એની એન્ટ્રી સાથે જ તે ડિટેન્શન સેન્ટરમાં ભેદી ઘટનાઓ બનવાનું શરૂ થઈ જાય છે. નિદા રહીમને આ અલી સઈદનું મોં ખોલાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ બધી ભાંજગડ વચ્ચે આ સિરીઝ ચાલે છે. (ડોન્ટ વરી, આમાંની કોઈ માહિતી સ્પોઈલર નથી. બધું પોણા બે મિનિટના ઓફિશિયલ ટ્રેલરમાં બતાવી જ દેવાયુું છે!)

***

ઘૂલનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે તેનું માર્કેટિંગ હોરર કથા તરીકે કરવામાં આવ્યું અને તેમાં આપણને વારેઘડીયે એકીપાણી જવાની તીવ્ર ઈચ્છા થઈ આવે એવું ડરામણું એલિમેન્ટ જ નથી. ત્રણ હપ્તાની આ મિનિ સિરીઝમાં આમ તો ખરેખર ડરામણી કહી શકાય એવી કોઈ મોમેન્ટ્સ છે જ નહીં. અને જે છે એમાં ‘કન્જુરિંગ’ ને ‘ઈન્સિડિયસ’ જોઈને બેઠેલી ઓડિયન્સને કોઈ ડર લાગે એવું મટિરિયલ નથી.

બીજો મોટો પ્રોબ્લેમ છે આ સિરીઝની સ્ટોરીનો. આ સિરીઝમાં રહેલું પોલિટિકલ સ્ટાન્સ તેની વાર્તા પર એટલું બધું હાવી થઈ જાય છે કે વાર્તાને બદલે ડિસ્ટોપિયન ફ્યુચરની કથા કહેવા માટે જ આ વાર્તાનું કોટિંગ લગાવ્યું હોય એવું લાગવા માંડે. પ્લસ, આ પ્રકારની સ્ટોરીઝ જોવા ટેવાયેલા દર્શકોને તો છેક છેલ્લા સીન સુધી આખી સ્ટોરી પ્રીડિક્ટેબલ પણ લાગશે.

જોકે પોણો કલાકનો એક એવા ત્રણ જ એપિસોડ ધરાવતી આ સિરીઝમાં આપણે કંટાળીએ એ પહેલાં તો વાર્તા પૂરી થઈ જાય છે. એટલે ખાસ નિરાશ થવાનો વારો નથી આવતો. વળી, તેના લીડ કલાકારોની એક્ટિંગ અને ઓવરઓલ પ્રેઝન્ટેશન (પ્રોડક્શન+કેમેરાવર્ક+બેકગ્રાઉન્ડ મ્યુઝિક)ને કારણે મજા પણ આવે છે.

પરંતુ ખરી મજા આ ફિલ્મના અન્ડરટોનને ડિકોડ કરવામાં છે. ઘૂલની સમગ્ર વાર્તા કયા દેશમાં કે કયા શહેરમાં આકાર લે છે તેનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હિન્દી ભાષા અને ભારતીય કલાકારોને કારણે આપણે એવું માની લઈએ છીએ કે તે ભારતમાં જ બને છે. રાઈટિસ્ટ વિચારસરણી દેશ પર સંપૂર્ણપણે અજગરભરડો લઈ લે તો કેવી ભયાવહ સ્થિતિ સર્જાય તેવા કાળાડિબાંગ ‘ડિસ્ટોપિયન’ ભવિષ્યની કલ્પના ‘ઘૂલ’માં કરવામાં આવી છે. વાર્તાની શરૂઆતમાં તો ‘નિઅર ફ્યુચર’નો સમયગાળો લખ્યો છે. આગળ કહ્યું તેમ તે નિઅર કેટલું નિઅર છે તે આપણી વિચારસરણી પ્રમાણે નક્કી કરી લેવાનું.

‘ઘૂલ’માં બતાવવામાં આવેલી સ્થિતિ કંઈક આવી છેઃ ચારેકોર ‘ટેરરિસ્ટ્સ આર અમન્ગ અસ, બી વિજિલન્ટ’ લખેલાં બૉર્ડ લગાવવામાં આવ્યાં છે (જે ડિટ્ટો બીજા વિશ્વયુદ્ધ વખતે સર્ક્યુલેટ થતાં ‘હી ઈઝ વૉચિંગ યુ’ જેવાં પ્રોપેગન્ડા પોસ્ટર્સની જ યાદ અપાવે છે). સ્કૂલ-કોલેજ-યુનિવર્સિટીઓ બંધ પડ્યાં છે. કોઈનેય પોતાની મરજી પ્રમાણે વિચારવાની-સવાલો પૂછવાની આઝાદી નથી. પુસ્તકો સુદ્ધાંને ‘હાનિકારક’-‘એન્ટિ નેશનલ’ ગણાવીને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યાં છે અને હિટલરની જેમ તેને જપ્ત કરીને તેની જાહેરમાં હોળી કરવામાં આવી રહી છે. ટોટાલિટેરિયન બની ગયેલી સરકારે વિચારવા, સમજવા, જીવવાની એક રીત નક્કી કરી છે. તેનું જે પાલન કરે એ જ દેશભક્ત, બાકી બધા એન્ટિ નેશનલ-ટેરરિસ્ટ. એવા લોકોને ગમે ત્યારે ઘરમાંથી ઉપાડી લેવાય. એવું કહીને કે એમને ‘વાપસી’ની જરૂર છે. ડિટેન્શન સેન્ટરોમાં લઈ જઈને ટોર્ચર કરવામાં આવે. છતાંય ન માને તો એમને કાયમ માટે ચૂપ કરાવી દેવામાં આવે. કાર-સામાન વગેરેનું ચેકિંગ થાય તોય એવું પૂછવામાં આવે કે, ‘તમારી પાસે હથિયારો, પ્રતિબંધિત સામાન કે ગૌમાંસ તો નથી ને?’ ઘૂલમાં બહુ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે આ બધું બહુધા મુસ્લિમ કોમ્યુનિટી સાથે થઈ રહ્યું છે.

મોટાભાગની સ્ટોરી જ્યાં આકાર લે છે તે એડવાન્સ ડિટેન્શન સેન્ટર કોઈ અજાણી જગ્યાએ છે. આકાશમાં વરવા વર્તમાનની ચાડી ફૂંકતાં કાળાંડિબાંગ વાદળાં છવાયેલાં છે. ડિટેન્શન સેન્ટરની તમામ બારીઓ પર કાળા પડદા લગાવી દેવાયા છે. જેથી બહારના કોઈને અંદરનું કશું ન દેખાય ને અંદરના કેદીઓ બહારનું કશું જોઈ ન શકે. પ્લસ, એમને દિવસ-રાત-સમયનો કોઈ ખ્યાલ જ ન આવે. આમાં બોડી ક્લોકને પણ એડજસ્ટ થતાં વાર લાગે. ‘પહેલી ઈમર્જન્સી’ વખતે આ અન્ડરગ્રાઉન્ડ ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવેલું. હવે આ ડિટેન્શન સેન્ટરને દેશનું મેટાફર માની લો તો ત્યાં નોર્થ કોરિયાની જેમ સ્વતંત્રતાને કોઈ અવકાશ નથી. તે બહારની દુનિયા, મુક્ત વિચારોને કોઈ સ્થાન નથી. તમારે જ તેને એડજસ્ટ થવાનું.

હવે વાત આવે ઘૂલની. એન્સાઈક્લોપીડિયા કહે છે કે ઘૂલ પોતે મૂળ ઈસ્લામિક કલ્ચરની કલ્પના છે. યાને કે તે દૈત્યની ઈસ્લામિક કલ્પના છે. અહીં સિરીઝમાં અતિશય ત્રાસેલી કોઈ વ્યક્તિ પોતાના આત્માનો સોદો કરીને તે ઘૂલને બોલાવી શકે. એ રીતે આ ઘૂલના દૈત્યને ઈસ્લામોફોબિયા કે ઈસ્લામિક ટેરરિઝમનું મેટાફર ગણી શકાય. ઘૂલ વ્યક્તિને ઈમોશનલ બ્લેકમેલ કરીને, એમનાં ગિલ્ટ-ગુનાનો તેમની જ સામે ઉપયોગ કરે છે.

રાધિકા આપ્ટેનું પાત્ર ફેન્સ પર એટલે કે અનિર્ણિત અવસ્થામાં રહેલા યુવાનનું પ્રતિનિધિત્વ કરે છે. એક તરફ તે ટોટાલિટેરિયન સરકાર દ્વારા થઈ રહેલા અન્યાયોને જુએ છે. તો બીજી તરફ તે દેશભક્ત પણ છે અને અંગત સ્વાર્થ-ધર્મ-કોમને ભૂલી જઈને રાષ્ટ્રહિતમાં જે કંઈ પણ કરવું પડે તે કરવા તૈયાર છે. એક દૃશ્યમાં તે ડિટેન્શન સેન્ટરની કાળા રંગે રંગાયેલી બારીનો કાચ ખોતરીને બહાર શું છે તે જોવા પ્રયાસ કરે છે. એ જુએ છે તો ખ્યાલ આવે છે કે બહાર તો ધોધમાર વરસાદ આવી રહ્યો છે. એટલે એ કહે છે, ‘મુઝે લગા બાહર ધૂપ હોગી.’ યાને કે બહાર પણ એવી જ પરિસ્થિતિ છે.

આપણે ત્યાં ડિસ્ટોપિયન ફ્લેવરનું સાહિત્ય કે સિરીઝ-ફિલ્મો વગેરે બનતાં નથી. કેમ કે, આપણે ઘણે અંશે આશાવાદી અને કંઈક અંશે પલાયનવાદી છીએ. ‘ઘૂલ’ના આ અત્યંત ડાર્ક પોર્ટ્રેયલને એટલે જ લોકો સ્વીકારે નહીં તે સમજી શકાય તેવું છે. થોડી નિરાશ કરતી હોવા છતાં વિચાર કરવા પ્રેરે એવી (જ્યોર્જ ઓરવેલની ‘1984’ની યાદ અપાવે તેવી) ‘નેટફ્લિક્સ’ની આ હોરર મિનિ સિરીઝ ‘ઘૂલ’ તક મળ્યે જોવી તો જોઈએ જ. અને જોયા પછી ખુલ્લા મને તેના પર ચર્ચા પણ અવશ્ય કરવી જોઈએ.

Published in DivyaBhaskar.com

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a comment