જુડવા-2

ડબલ ટ્રબલ

***

કારણ વિનાની આ રિમેક અનફની, આઉટડેટેડ અને ઓફેન્સિવ પણ છે.

***

રેટિંગઃ ** (બે સ્ટાર)

***

dhfgmzqvwae6petઅમને ખબર છે કે ડેવિડ ધવનની ફિલ્મોની શરૂઆતમાં જાતભાતની સૂચનાઓની સાથોસાથ એવી અદૃશ્ય સૂચના પણ આવે જ છે કે, ‘આમ તો તમે તમારું મગજ ઘરે મૂકીને જ આવ્યા હશો, પણ જો ભૂલથી ભેગું આવી ગયું હોય તો મોબાઇલની સાથોસાથ દિમાગને પણ સાઇલન્ટ મૉડ પર મૂકી દેશો. નહીંતર દિમાગને કોઈ નુકસાન પહોંચશે તો તે માટે સંસ્થા જવાબદાર રહેશે નહીં.’

ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ સૂચના સિવાયનું ડેવિડ ધવનની ફિલ્મોનું તમામ મટિરિયલ આઉટડેટેડ થઈ ચૂક્યું છે. ઇન ફેક્ટ, ત્રણેક વર્ષ પહેલાં ડેવિડે દીકરા વરુણને લઇને ‘મૈં તેરા હીરો’ બનાવેલી, ત્યારે ખુદ વરુણે જ કહેલું કે, ‘અમારે એમને (ડેવિડ ધવનને) કહેવું પડતું કે, પાપા, યે આપ ફલાં ફલાં ફિલ્મ મેં કર ચૂકે હો.’ યાને કે પાપા ડેવિડનો કોમેડીનો સ્ટોક ખૂટી પડ્યો છે અને જ્યાં સુધી તેઓ નવું રિચાર્જ નહીં કરાવે ત્યાં સુધી એમની ફિલ્મોના હાલહવાલ ‘જુડવા-2’ જેવા જ થવાના છે, ભલે પછી એમાં એમનો મહા ડૅશિંગ, મહા ટેલેન્ટેડ દીકરો વરુણ ગમે તેટલાં મહેનતનાં મઠિયાં તળતો રહે.

હાઇલા, ડુપ્લિકેટ?

ઇતિહાસ ગવાહ છે કે આજ સે બીસ સાલ પહલે રિલીઝ હુઈ ફિલ્મ ‘જુડવા’ 1994ની નાગાર્જુન સ્ટારર તેલુગુ ફિલ્મ ‘હેલ્લો બ્રધર’ની રિમેક હતી, જે પોતે 1992ની જૅકી ચૅન સ્ટારર ફિલ્મ ‘ટ્વિન ડ્રેગન્સ’ની એકદમ જુડવા ફિલ્મ હતી. હવે એની પાછળ બગડે બે લગાવીને એ રીતે રિલીઝ કરાઈ છે જેથી આપણને લાગે કે આ ફિલ્મ સિક્વલ છે. લેકિન નો. કસમ હૈ રામ ઔર શ્યામ કી, સીતા ઔર ગીતા કી, કિશન ઔર કન્હૈયા કી, કે આ ફિલ્મ એકદમ-શત પ્રતિશત રિમેક છે. એટલે દિખાવોં પે ન જાઓ, અપની અક્લ લગાઓ.

હવે ધારો કે તમે આ નવા મિલેનિયમનું ફરજંદ હો કે પછી બે અઢી દાયકા બાદ તમારી યાદદાસ્ત પરત ફરી હોય, તો તમને આ ફિલ્મની સ્ટોરીનું ક્વિક પાન કરાવવું પડે. ‘જુડવા-2’ની સ્ટોરી એકદમ યુનિક છે. બે જુડવા ભાઈ (પ્રેમ અને રાજા, વરુણ અને ધવન) બચપનમાં જ બિછડી ગયા છે. એક લંડનમાં મોટો થાય ને બીજો મુંબઈની ઝૂંપડપટ્ટીમાં. પરંતુ ઈશ્વર નામના મિકેનિકે આ બંને ભાઇઓને ખાસ પ્રકારનું બ્લુટૂથ ઇન્સ્ટોલ કરીને મોકલ્યા છે. જેવા બંને ભાઈ એકબીજાની રેન્જમાં આવે કે બંનેની શારીરિક હરકતોનો ડૅટા એકબીજામાં ટ્રાન્સફર થવા લાગે! આ ઝેરોક્સગીરીને કારણે બંનેની લાઇફમાં ડબલ ટ્રબલ પેદા થાય છે ખરી, પરંતુ ડૉન્ટ વરી, ડિરેક્ટરે બંનેને સૅપરેટ ગર્લફ્રેન્ડો (તાપસી અને જૅકલિન) ફાળવી છે એટલે પ્રેમના કોઇપણ પ્રકારના ભૌમિતિક આકારો સર્જાતા નથી. હા, વિલનલોગની બબાલ છે ખરી. પરંતુ અગેઇન ઇતિહાસ ગવાહ છે કે ડૅવિડ ધવનની ફિલ્મો પોતે જ ઘીના ઠામમાં બને છે. એટલે ઘી પણ ઑબ્વિયસલી ઘીના ઠામમાં જ પડી રહેવાનું.

અનવૉન્ટેડ રિમેક

ઉત્ક્રાંતિનો એક નિયમ છે કે સમય વીતતો જાય તેમ પ્રાણીઓનાં બુદ્ધિ-શક્તિ-શરીર વિકસતાં જાય અને નકામી વસ્તુઓ નાશ પામવા લાગે. તે ઉત્ક્રાંતિ પ્રમાણે અત્યારે જૂની (એટલે કે માત્ર બે દાયકા પહેલાંની જ) ‘જુડવા’ જુઓ તો અત્યારે તમને હાડોહાડ સેક્સિસ્ટ અને ઑફેન્સિવ લાગે. એટલે જ આજે જ્યારે તેની રિમેક બનતી હોય અને આજે પણ આપણો હીરો છોકરીઓને જોઇને ‘કૂલે કૂલે થાપલીનો દાવ’ રમતો હોય, તો કોમેડીના નામે એવું ભાણામાં શા માટે પીરસાય છે તે વિશે નવેસરથી વિચારવું જોઇએ.

અફ કૉર્સ, અમને ખબર છે કે આ એક ટાઇમપાસ, માઇન્ડલેસ, ચાઇલ્ડિશ, એન્ટરટેનર ફિલ્મ છે. એમાં આવું આળું ન થવાનું હોય. પરંતુ દિમાગ સાઇલન્ટ મૉડ પર મૂકીને ફિલ્મ જોઈ હોવા છતાં હિરોઇનો માત્ર પૃષ્ઠ ભાગ પર ટપલીઓ ખાવા, પરાણે થતી પપ્પીઓ લેવા, શરીરના વળાંકો બતાવવા કે હેરાન કરવા માટે જ હોય, જુવાન દીકરીને એની મમ્મી જ સેક્સ ઑબ્જેક્ટ બનાવી રહી હોય, મમ્મીને પણ આપણો હીરો ‘ખટારો’ કહીને એની સાથે ભળતા ચેનચાળા કરતો હોય (અરે, પપ્પી ઠોકી લેતો હોય) અને બ્લૅક લોકોને ‘વેસ્ટ ઇન્ડિઝ કી ક્રિકેટ ટીમ’ કહેવામાં આવતી હોય, તો જનાબ યે એક્સેપ્ટેબલ નહીં હૈ! હા, અમને ખ્યાલ છે કે આની સામે એવી દલીલ થઈ શકે કે આમાંનું કશું જ સિરિયસલી લેવા માટે નથી અને માત્ર હસી નાખવા માટે જ છે. રાઇટ. તો હવે હસવાની વાત કરીએ.

ગરબાનું એક ચક્કર મારીને સ્વીકારવી પડે એવી એક કોન્ક્રિટ હકીકત એ છે કે વરુણ ધવનનું કોમિક ટાઇમિંગ જપાનની બુલેટ ટ્રેન જેવું પર્ફેક્ટ છે. એનો ફેરનેસ ક્રીમના મૉડલ જેવો ચહેરો, ટૂથપેસ્ટના મૉડલ જેવું સ્માઇલ, ચડ્ડી-બનિયનના મૉડલ જેવું ગઠ્ઠેદાર બૉડી, સૉફ્ટ ડ્રિંક્સના મૉડલ જેવી ખાલીપીલી ડાન્સિંગ-એક્શન અને ડિઑડરન્ટના મૉડલ જેવી હરકતો… યાને કે કમ્પ્લિટ સોલ્ડ આઉટ મટિરિયલ છે બંદો. મજાની વાત એ છે કે એ ‘બદલાપુર’ જેવી ઇન્ટેન્સ એક્ટિંગ અને ‘જુડવા-2’ જેવી બફૂનરી બંને એકસરખી સરળતાથી કરી શકે છે.

લેકિન ડૅન્જરસ વાત એ છે કે આ ફિલ્મને હસાવવાની મોટી જવાબદારી જેના પર છે તેવા તેના ડાયલોગ્સ જોડકણાં સમ્રાટ સાજિદ-ફરહાદે લખ્યા છે. એટલે જ ફિલ્મમાં ‘મેરી ઇઝ્ઝત સૌંદર્ય સાબુન કી ટિકિયા નહીં’, ‘કબ તક તેરે સાઇડકિક્સ કો કિક કરતા રહૂંગા’, ‘દુઆ મેં ઔર મુઆહ (કિસિંગ) મેં યાદ રખના’, ‘એ બોર્ન ફાયર મતલબ જનમજલી’, ‘હેય, સ્ટુડન્ટ ઑફ ધ ફિઅર’… જેવા PJ (પૂઅર જોક્સ) વનલાઇનર્સનો વોલ્કેનો ફાટ્યો છે. હા, એમાં ક્યાંક ક્યાંક હસવું આવે પણ ખરું, પણ ક્યાંક ક્યાંક! (રસ, રુચિ ને ટેસ્ટ અનુસાર!)

સબસે બડા પ્રોબ્લેમ એ છે કે રિમેક હોવા છતાં આ ફિલ્મને નવા જમાનાને અનુરૂપ અપડૅટેડ બનાવવામાં કોઈ જ મહેનત કરાઈ નથી (કમ ઑન, હવે તો આઈ ફોન પણ અપડૅટ થઈ ગયો છે!). એટલે જ ફિલ્મના જોક્સ, સ્ટોરી પ્રોગ્રેશન, ઍક્ટિંગ, વિલનલોગની વિલનગીરી, એમના દાવપેચ બધું જ ફૂગ ચડી ગયેલા જૂના અથાણા જેવું વાસી લાગે છે. અરે, હવે તો સેન્સર સર્ટિફિકેટમાં ફિલ્મની અઢી કલાકની તોતિંગ લંબાઈ જોઇને  જ ઑડિયન્સમાંથી સામુહિક ‘હાય હાય’ના ઉદગારો નીકળવા માંડે છે.

આમ તો આ ફિલ્મમાં જૂની ‘જુડવા’નાં પાત્રોનાં રિપ્લેસમેન્ટ જ બેસાડી દેવાયાં છે (સલમાનની જગ્યાએ વરુણ, કરિશ્મા-રંભાની જગ્યાએ જૅકલિન-તાપસી, દલિપ તાહિલની જગ્યાએ સચિન ખેડેકર, રીમા લાગુની જગ્યાએ પ્રાચી શાહ, તક્તી કપૂલ સોરી, શક્તિ કપૂરને સ્થાને રાજપાલ યાદવ, બિંદુની જગ્યાએ ઉપાસના સિંહ, કાદર ખાનને બદલે અનુપમ ખેર, મુકેશ રિશિને સ્થાને વિવાન ભતેના…). હજી આમાં ઝાકિર હુસૈન, જ્હોની લીવર, મનોજ પાહવા, પવન મલ્હોત્રા ઍટસેટરા લોકોનાં નામ તો ગણાવ્યાં જ નથી! (બ્રીધ ઇન… બ્રીધ આઉટ!) પ્રોબ્લેમ કલાકારોની આ વસ્તીગીચતાનો નહીં, પણ એમના દ્વારા કરાયેલી જાલિમ ઑવરઍક્ટિંગનો છે. જાણે એમને કહી દેવાયું હોય કે કુછ ભી કરો, લેકિન હસાઓ! (બાય ધ વે, અલી અસગર કોણ જાણે કેટલા યુગો પછી પુરુષ તરીકે જ સ્ક્રીન પર દેખાયો છે!)  ડેવિડ ધવનની આ આઉટડેટેડ, જુવેનાઇલ અને ઑફેન્સિવ ફિલ્મની કોમેડી માટે રમકડાંના બૉક્સ પર છપાતી સૂચના લખવી જોઇતી હતી, ‘5થી 10 વર્ષનાં બાળકો માટે!’

એક તો ફિલ્મ ઑલરેડી લાંબી છે, તેમાં પોપકોર્ન-સમોસાનો કારોબાર ચાલતો રહે તે માટે ગીતો પણ નાખવામાં આવ્યાં છે. રિમિક્સ ગીતો તો બે દાયકાથી હિટ છે, એટલે એમાં વાંધો નથી. પ્રોબ્લેમ છે નવાં ગીતોનો. નવાં ગીતો ફિલ્મ સાથે સીધી સ્પર્ધામાં છે કે વધુ કંગાળ શું છે, ફિલ્મ કે ગીતો?

જૂની ‘જુડવા’ જોઇને ખુશ થયેલા લોકોને પોતાના ‘વૃદ્ધત્વ’નો અહેસાસ કરાવવા માટે ફિલ્મમાં એક સરપ્રાઇઝ ગેસ્ટ અપિયરન્સ મુકાયું છે. એ સીનનું સાઉન્ડ રેકોર્ડિંગ એટલું ગંદું છે કે પાછળથી થીગડું મારવામાં આવ્યું હશે તેવું ચોખ્ખું ફીલ થાય છે.

ઑલ્ડ ઇઝ ગોલ્ડ

સવાલ એ છે કે કાયકુ બનાઈ યે ફિલ્મ? સલમાન હજી બૉક્સ ઑફિસ ધમધમાવે છે અને જૂની જુડવા જોનારાં છોકરાંવ હજી હેર ડાઈના ઘરાક બન્યાં નથી. તો આખિર ક્યોં, જજ સા’બ, આખિર ક્યોં?! ઇન શૉર્ટ, વરુણ માટે તમારા દિલના (ધ)વનમાં ‘ઑઑઑઑ, ચો ચ્વીટ…’ ટાઇપનાં ફૂલો ન ખીલતાં હોય, તો બેસ્ટ રસ્તો એ જ છે કે વધુ એક વખત જૂની ‘જુડવા’ અથવા તો જૅકી ચેનની ‘ટ્વિન ડ્રેગન્સ’ જોઈ કાઢો. અત્યારે બંને ફ્રીમાં અવેલેબલ છે!

(Reviewed for divyabhaskar.co.in)

P.S. વરુણ ધવનની ‘મૈં તેરા હીરો’નો રિવ્યુ વાંચવા માટે ક્લિક કરો અહીં.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

સિંઘમ રિટર્ન્સ

શેટ્ટી ભાઉ, અતા ગરબડ ઝાલી!

***

પ્રમોશન પામીને પાછા ફરેલા સિંઘમની ત્રાડમાં દમ નથી.

***

singham-returns-poster-1માત્ર ભૂતકાળની ભવ્યતા પર જ રાજ કરવા નીકળો, તો લોકો ‘હમારે ઝમાને મેં’વાળા આત્મારામ તુકારામ ભીડેની જેમ હસી કાઢે. બાજીરાવ સિંઘમે ભારતીય પોલીસની ઈમેજ બદલીને તેને લગભગ સુપર હીરો સ્ટાઇલમાં પેશ કરેલા. પરંતુ તેની સિક્વલ ‘સિંઘમ રિટર્ન્સ’ પહેલા ભાગમાં વાપરેલી એકની એક ટ્રિક્સ સિવાય કશું જ નવું ઓફર કરતી નથી. એટલે જ આખી ફિલ્મ ઢીલી અને ચવાયેલી પોટબોઇલર બનીને રહી જાય છે.

વાતમાં દમ, સ્ટોરીમાં બોરડમ

બાજીરાવ સિંઘમ (અજય દેવગણ) અત્યારે મુંબઈમાં ડીસીપી તરીકે ફરજ બજાવે છે. અહીં એના પરમ આદરણીય ગુરુજી (અનુપમ ખેર) રાજકારણમાં બદલાવ લાવવા માટે એક નવો પક્ષ બનાવે છે, પરંતુ ગોડમેન ટાઇપના એક લંપટ બાબાજી (અમોલ ગુપ્તે) અને એમના રાજકારણી દોસ્ત પ્રકાશ રાવ (ઝાકિર હુસૈન)ને આ માફક આવતું નથી. એટલે તે ગુરુજીની હત્યા કરાવી નાખે છે. એ હત્યાની છાનબીનમાં સિંઘમને ખબર પડે છે કે આ બાબાજીએ તો પોતાના જ ગામ શિવગઢની બાજુના એક નાનકડા ગામની ફેક્ટરીમાં કાળું નાણું છુપાવવાની પોતાની જ સ્વિસ બેન્ક ખોલી નાખી છે. અંતે સિંઘમનો પંજો બાબાજીની બોચી સુધી પહોંચી જ જાય છે અને એ સીઆઈડીના દયા (દયાનંદ શેટ્ટી) જેવા જાંબાઝ પોલીસ અધિકારીઓની મદદથી બાબાજીની બાબાજી કા ઠુલ્લુ ટાઇપની ગેમ કરી નાખે છે.

અરે હા યાદ આવ્યું, ‘સિંઘમ રિટર્ન્સ’માં કરીના કપૂર ખાન પણ છે, જેનાં લગ્ન સિંઘમ સાથે થવાનાં છે. જોકે આખી ફિલ્મમાં એ બે મોઢે ખાવા સિવાય કશું જ કામ કરતી નથી.

ઑવર કોન્ફિડન્સ કરુ નકા

રોહિત શેટ્ટીએ સિંઘમ-1ને તમિળમાંથી અદભુત રીતે હિન્દીમાં રિક્રિયેટ કરી બતાવી હતી. એક્ટિંગ, સ્ટાઈલ, ડાયલોગ્સ, એક્શન, થ્રિલ… દરેક ડિપાર્ટમેન્ટમાં એ ફિલ્મે સેન્ચુરી મારેલી. પરંતુ તેની તમિળ સિક્વલને અનુસરવાને બદલે આ વખતે રોહિત શેટ્ટીએ આપણા દેશના વર્તમાન ઘટનાક્રમમાંથી વિગતો એકઠી કરીને ફિલ્મ બનાવી છે. હવે રોહિત શેટ્ટીનો ઓવર કોન્ફિડન્સ કહો કે આળસ, એણે આ વખતે સ્ટોરીથી લઈને લગભગ ઠેકાણે વેઠ ઉતારી છે. એટલું જ નહીં, કશુંક નવું કરવાને બદલે સિંઘમ-1ની જ બધી ફોર્મ્યૂલાઓ વાપરી છે.

પહેલા ફિલ્મની પોઝિટિવ વાતો કરી લઇએ. બાજીરાવ સિંઘમ તરીકે અજય દેવગણ અગાઉની જેમ જ જામે છે. એને જોઇને લાગે કે એક પરફેક્ટ પોલીસમેન આવો જ હોવો જોઇએ, જે ગુનાખોરી અને ભ્રષ્ટાચારને જરાય સાંખી ન લે, સાથોસાથ દયાળુ પણ એટલો જ હોય. આ વખતે સિંઘમની ટીમમાં સીઆઇડી ફેઇમ ઈન્સ્પેક્ટર દયા પણ છે. ગુનેગારોની સામે પોતાની સ્ટાઇલમાં કામ લેતી સિંઘમ આણિ મંડળીને જોવાની મજા પડે છે. સારી સિનેમેટોગ્રાફી અને સિક્વન્સીસને લીધે એક્શન દૃશ્યો દિલધડક લાગે છે. બે-ચાર ઠેકાણે ફિલ્મ સારો મેસેજ પણ આપે છે. પરંતુ અફસોસ, એ પછી તો માઇક્રોસ્કોપ લઈને બેસીએ તો પણ કશું પોઝિટિવ મળતું નથી.

અઢી કલાકની આ ફિલ્મનો લગભગ પહેલો આખો કલાક બધાં કેરેક્ટરની ઓળખ પરેડમાં જ જતો રહે છે. હીરો કેવો દમદાર છે, વિલન કેવો ખૂનખાર છે, ગુરુજી કેવા મહાન છે, હિરોઇન કેવી ફટાકડી છે… આ બધી મનોહર કહાનિયાંની માંડણીમાં મૂળ વાર્તા શરૂ જ થતી નથી. રોહિત ભાઉએ સ્ટોરીની ક્રેડિટ પોતે લીધી છે. એ સ્ટોરીના નામે એણે આમ આદમી પાર્ટી અને અણ્ણા હઝારેને લીધા અને તેની સામે વિલન તરીકે આસારામ બાપુ, સત્યસાઇ બાબા અને નિર્મલ બાબાનું કોમ્બિનેશન કરીને એક બાબા બનાવ્યા. પછી એ બંનેને ભીડાવી દીધા. તેની ઉપર બ્લેક મની ભભરાવી દીધા.

સિંઘમ રિટર્ન્સના રાઇટિંગમાં બહુ બધા રસોઇયા છે. સ્ટોરી રોહિત શેટ્ટીની, સ્ક્રીનપ્લે યુનુસ સજાવલનો અને ડાયલોગ્સ વનલાઇનર્સનો ગૃહઉદ્યોગ ચલાવતા સાજિદ-ફરહાદના. આ બધા રસોઇયાઓએ ભેગા મળીને રસોઈ એવી બગાડી છે કે એકેય ટેસ્ટ સરખો આવતો નથી. સ્ટોરી એટલી હદે પ્રીડિક્ટેબલ છે કે તમે ડાયલોગ્સ સાથે તેનું અનુમાન લગાવી શકો. પહેલા ભાગમાં હતા એ કેચી ‘અતા માઝી સટકલી’ અને ‘આલી રે આલી અતા તુઝી બારી આલી’ ટાઇપની લાઇન્સનું રિપીટેશન કરવા સિવાય કોઈ નવાં વનલાઇનર્સ પણ નાખ્યાં નથી. ખાલી એકાદ-બે જગ્યાએ મસ્તક-દસ્તક, ગતિ-પ્રગતિ જેવી વેવલી લાઇન્સ છે એટલું જ.

હીરોની સામે એક દમદાર વિલન ન હોય, તો એની હીરોગીરી જામતી નથી. અહીં મુખ્ય વિલન છે, એક્ટર-ડિરેક્ટર અમોલ ગુપ્તે. ભેજાગેપ વિલનની એક્ટિંગ કરવામાં એમની માસ્ટરી છે (વિશાલ ભારદ્વાજની ‘કમીને’ તેનું પરફેક્ટ એક્ઝામ્પલ છે). પરંતુ અમોલભાઉ ‘જયકાંત શિકરે’ જેવા ખૂનખાર લાગતા નથી. ઇન ફેક્ટ, ક્લાઇમેક્સનાં દૃશ્યોમાં તો એમના પાત્રમાં જયકાંત શિકરેનો આત્મા પ્રવેશી ગયો હોય એવું જ લાગે છે.

હવે વાસ્તવિકતાની ધરતી પર પગ રાખીને ફિલ્મ બનાવી હોય તો લોજિકનું પૂંછડું તો પાછળ આવવાનું જ. પરંતુ અહીં લોજિકના નામે ભારત-બંગલાદેશની સરહદ પર હોય છે એવડાં મોટાં બાકોરાં છે. જેમ કે, મુખ્યમંત્રી કક્ષાનો માણસ અત્યંત ગોપનીય વિગતો સૌની સામે વેરતો ફરે, ખૂબ જ મહત્ત્વના સાક્ષીને કોર્ટમાં રજૂ કરતી વખતે સાવ સામાન્ય પોકેટમાર જેવી સિક્યોરિટી હોય, જેટલો સમય જામીન મળતાં લાગે એટલામાં તો ગુનેગાર બાઈજ્જત બરી પણ થઈ જાય વગેરે.

વળી, આ ફિલ્મમાં ક્લિશે એટલે કે ચવાઈ ગયેલાં સ્ટિરિયોટાઇપ્સનો પણ પાર નથી. જેમ કે, અક્કલ વગરના સવાલો પૂછતાં મીડિયા પર્સન્સ, ભ્રષ્ટ નેતાઓ અને એમની ‘ચુનાવ સર પે હૈ’ ટાઇપની લાઇન્સ, હીરોની હીરોગીરી બતાવવા માટે પુરાતન પાષાણ યુગનાં હથિયારો લઈને લડતા ગુંડાલોગ, રાજનીતિ કો બદલ ડાલો ટાઇપની આદર્શવાદી વાતો કરતા યુવાનેતાઓ, શેરબજારિયા અને ચાયપાની આપીને માંડવલી કરતા ગુજરાતીઓ વગેરે. આ બધું જ ખોટું હોવા છતાં આપણે સાડી સત્તરસો વખત જોઈ ચૂક્યા હોઈશું.

સિંઘમ અને વિલનની ચોરપોલીસની ગેમ બતાવવામાં ઝાકિર હુસૈન, મહેશ માંજરેકર, ગોવિંદ નામદેવ, સરિતા જોશી, શરત સક્સેના જેવાં ઉમદા કલાકારોનો અક્ષમ્ય વેડફાટ થયો છે. માત્ર આંખોથી પણ ખોફ ફેલાવી દેવામાં પાવરધા એક્ટર ઝાકિર હુસૈન તો અહીં સાવ કાર્ટૂન બનીને રહી ગયા છે. અને હા, સોનાક્ષી-ઇલિયેના-કાજલ અગ્રવાલ-તમન્ના જેવી માત્ર શોભાના ગાંઠિયા જેવી હિરોઇનો માટે હોય છે એવો સાવ મેનિક્વિન જેવો રોલ કરીનાએ શા માટે સ્વીકાર્યો હશે?

મ્યુઝિક ડિપાર્ટમેન્ટમાં પણ ચાર-ચાર સંગીતકારોનાં નામ છે, પણ હરામ બરાબર જો એકેય ગીતમાં ભલીવાર હોય તો! ઈવન ફિલ્મને અંતે આવતું હની સિંઘનું ‘અતા માઝી સટકલી’ તો ‘લુંગી ડાન્સ’ની વધેલી વાસી તર્જમાંથી બનાવી નાખ્યું હોય એવું લાગે છે.

તમે સિંઘમના પરમ ભક્ત છો?

જો આ સવાલનો જવાબ તાત્કાલિક ધોરણે ‘હા’માં આવે, તો જ થિયેટર સુધી ધક્કો ખાજો. નો ડાઉટ, રોહિત શેટ્ટીની આ ફિલ્મ સુપર સફેદીવાળા વોશિંગ પાઉડરથી ધોઈ હોય એવી સાફ-સુથરી છે, પણ આપણે ટમેટાંનાં ભાવની જેમ વધી ગયેલી મલ્ટિપ્લેક્સોની ટિકિટોનું પણ વિચારવાનું ને! એટલે જો આ સાતમ-આઠમના તહેવારોમાં ઘરે સખત બોર થતા હો, તો થિયેટરમાં પૈસા ખર્ચીને બોર થઈ શકાય. નહીંતર આ ફિલ્મની ડીવીડી બહાર પડે ત્યારે નિરાંતે જોજો. ત્યાં સુધી ચેનલોમાં તો દર બીજા દિવસે સિંઘમ-1 આવતી જ રહેવાની છે!

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.