Land Of Mine

mv5bmja0mzqznjm1ml5bml5banbnxkftztgwnjm5mju5nje-_v1_uy1200_cr9006301200_al_મે, 1945નો સમયગાળો છે. બીજું વિશ્વયુદ્ધ પૂરું થવાને આડે હજી થોડા મહિનાનો સમય છે. પરંતુ નાઝી જર્મનીના રાક્ષસી પંજા નીચેથી ડૅન્માર્ક થોડા દિવસ પહેલાં જ મુક્ત થયું છે. હજારોની સંખ્યામાં જર્મન યુદ્ધકેદીઓ પકડાયા છે. હવે અહીંથી ઇતિહાસનું ઓછું જાણીતું ચૅપ્ટર અને આ ડૅનિશ-જર્મન ફિલ્મ શરૂ થાય છે.

સેંકડો જર્મન સૈનિકો હરોળબંધ ચાલીને જઈ રહ્યા છે. હાર્યા પછી તેઓ ડૅન્માર્કમાંથી ચાલીને ફરી પાછા જર્મની જઈ રહ્યા છે. કહો કે ધકેલવામાં આવી રહ્યા છે. એક ડૅનિશ અધિકારી સાર્જન્ટ કાર્લ લિઓપોલ્ડ રાસ્મુસેન આ સૈનિકો પર નજર રાખી રહ્યો છે. અચાનક એનું ધ્યાન પડે છે કે એક જર્મન સૈનિક પોતાના હાથમાં ડૅન્માર્કનો રાષ્ટ્રધ્વજ લઇને જઈ રહ્યો છે. સાર્જન્ટનો દેશપ્રેમ અને નાઝી જર્મનો પ્રત્યે ઘૂંટાઈ રહેલું ખુન્નસ જ્વાળામુખીની જેમ ફાટે છે. એ સૈનિકના ચહેરા પર મુક્કા મારી મારીને એને લોહીલુહાણ કરી નાખે છે. ‘આ ધ્વજ-આ દેશ મારો છે, તારો નથી, સમજ્યો? ચાલ ફૂટ અહીંથી.’ ટૂંકમાં જ્યાં દેશની વાત આવે ત્યારે સાર્જન્ટ કંઈ જ ચલાવી લેવા તૈયાર નથી. સામે એક દુશ્મન દેશનો પરાસ્ત સૈનિક છે અને એ પણ દુશ્મન જ છે. એ માણસ તો હરગિઝ નથી.

હવે ડૅન્માર્ક મુક્ત તો થયું, પરંતુ મુશ્કેલીઓ પૂરી નથી થઈ. દરઅસલ, સૅડિસ્ટ નાઝીઓએ ડૅન્માર્કના આખાય પશ્ચિમ દરિયા કિનારે બાવીસ લાખ જેટલી લૅન્ડ માઇન્સ બિછાવી રાખી છે. આખા યુરોપમાં સૌથી વધુ. મૅક્સિમમ નુકસાન માટે આ બારુદી સુરંગને રેતીમાં 15થી 25 સેન્ટિમીટર નીચે દાટી રાખવામાં આવે. જેવો કોઈ સૈનિકનો પગ કે ટૅન્કનું પૈડું તે સુરંગ પર પડે કે તરત જ સુરંગ ફાટે અને તેની ઉપર રહેલી વ્યક્તિ કે ટૅન્કના ફુરચે ફુરચા ઊડી જાય. સાર્જન્ટ કાર્લને દરિયાકિનારાનો એક વિશાળ પટ આપી દેવાયો છે. તે પટમાં 45 હજાર સુરંગો દટાયેલી છે. સાર્જન્ટનું કામ તે દરિયાકિનારાના પટમાં દટાયેલી સુરંગોને હટાવીને દરિયાકિનારો ક્લીન અને ક્લિયર કરાવવાનું. પરંતુ કેવી રીતે? કોઈ અલ્ટ્રા મૉડર્ન સૅન્સર-સેટેલાઇટ્સ તો છે નહીં કે દૂર બેઠાં બેઠાં ખબર પડી જાય કે સુરંગો ક્યાં દટાયેલી છે? તો?

સાર્જન્ટને અગિયાર જર્મન યુદ્ધકેદી સૈનિકોની એક ટુકડી આપવામાં આવે છે. આ યુદ્ધકેદીઓને દરિયાકિનારે ઘોડાના તબેલા જેવી એક ઝૂંપડીમાં પૂરી રાખવામાં આવે. સવાર પડે ત્યારથી એમને હાથમાં નાનકડો સળિયો પકડાવી દેવામાં આવે. બીચના એકેએક સૅન્ટિમીટર વિસ્તારમાં તે સળિયો ઘોંચી ઘોંચીને ચૅક કરવાનું કે ક્યાં સુરંગ દટાયેલી છે. સુરંગની હાજરી પરખાય એટલે બે ઉઘાડા હાથ વડે તેની આસપાસની રેતી હટાવીને સુરંગને ખુલ્લી કરવાની. દવાની બૉટલનું ઢાંકણું ખોલતા હોય એ રીતે સુરંગને ઉપરથી ખોલીને અંદરની પિન કાઢી લેવાની, જેથી સુરંગ પ્રમાણમાં સુરક્ષિત થઈ જાય. આ સૈનિકોને ડૅનિશ આર્મીએ થોડા દિવસ અગાઉ બારુદી સુરંગને ડિફ્યુઝ કરવાની ઊભડક તાલીમ આપેલી છે. છતાં રેતીમાં સળિયો ઘોંચતાં, સુરંગની આસપાસની રેતી હટાવતાં, સુરંગની ઉપરનું ઢાંકણ ખોલીને તેને ડિફ્યુઝ કરતાં કે તેને ઊંચકીને નક્કી કરેલા સ્થાને ગોઠવતાં જો સહેજ ચૂક થઈ તો માણસની હાલત દસમા માળેથી નીચે ફેંકેલા તરબૂચ જેવી થઈ જાય. ઇવન કોઈ ખોટા સ્થળે પગ પણ મુકાઈ ગયો અને નીચે રહેલી સુરંગ ફાટી તો દર્દનાક મોત મળે. જો મોત મળે તો તો તરત જ ‘છૂટકારો’ થઈ જાય, પણ જો બચી ગયા તો કપાયેલા હાથ-પગ સાથે જે કારમી પીડા મળે તેનું વર્ણન શબ્દોમાં કરવું શક્ય જ નથી.

હવે આવે છે બીજો પ્રોબ્લેમ. તે અગિયાર જર્મન યુદ્ધકેદી સૈનિકોમાં મોટાભાગનાં ટીનેજર બાળકો છે, જેમને રીતસર મૂછનો દોરો પણ ફૂટ્યો નથી. રાષ્ટ્રવાદના નામે હિટલરે બધાયને યુદ્ધના જ્વાળામુખીમાં હોમી દીધા હતા. આ બાજુ એમની પાસે કામ કરાવી રહેલો સાર્જન્ટ કાર્લ જર્મનો પ્રત્યે હદ બહારનું ખુન્નસ લઇને ફરે છે અને અતિશય આકરા પાણીએ છે. ઑર્ડર કરવા છતાંય પેલા છોકરાંવ ઊંચું ન જુએ કે જોઇતા અવાજમાં પ્રત્યુત્તર ન આપે તો એવી થપ્પડો મારે કે પેલાં બાળકો રીતસર રડી પડે.

પ્રોબ્લેમ નંબર ત્રણ. ડૅન્માર્ક માટે તે જર્મન યુદ્ધકેદી સૈનિકો બલિના બકરાથી વિશેષ કંઈ જ નથી. એ જીવે કે મરે એમને સહેજ પણ ફરક પડતો નથી. એટલે જ આ ટીનેજર સૈનિકો પાસે વહેલી સવારથી સાંજ સુધી આ ખોફનાક કામ કરાવવાનું અને ઉપરથી એમને કંઈ કહેતા કંઈ જ ખાવાનું નહીં આપવાનું. કાલ મરતા હોય તો આજ મરે, પણ મરતાં મરતાં જે પાંચ-પચીસ સુરંગો કાઢતા જાય. સૈનિકો પાસે એક જ ઝાંખી આશા, કલાકની છના હિસાબે સુરંગો શોધીને ડિફ્યુઝ કરતા જાય અને પછીયે જીવતા રહે, તો ત્રણ મહિને એમને સ્વદેશ-ઘરે જવાની પરવાનગી મળે. એય ડૅનિશ આર્મી પોતાનું બોલેલું પાળે તો!

 • આ હતું આ ફિલ્મ ‘લૅન્ડ ઑફ માઇન’નું પ્રિમાઇસ, તેની શરૂઆતની પ્રસ્તાવના. ડૉન્ટ વરી, ફિલ્મ આટલીland-of-mine-twin-digging લાંબી નથી. ફિલ્મ માત્ર દોઢ જ કલાકની છે અને અહીં લખી એ તમામ વાતો પહેલી વીસ મિનિટમાં જ પતી જાય છે. પરંતુ જેના માટે હું કહું છું કે ‘યુદ્ધસ્ય કથા રમ્યાઃ’ નહીં પરંતુ ‘યુદ્ધસ્ય કથા ભયાવહ’ હોય છે તેનાથી આ આખી ફિલ્મ ભરચક છે. શરૂઆતમાં સૈનિકોને સુરંગ ડિફ્યુઝ કરવાની ટ્રેનિંગ આપવાનાં દૃશ્યોથી લઇને દરિયાઈ બીચ પર સુરંગ શોધવાની પ્રક્રિયા સુધીનું બધું રીતસર હૉરર સ્ટોરી છે. એકદમ ક્લોઝઅપમાં દેખાતા બાળસૈનિકો રેતીમાં સળિયો ખૂચાડતા જાય, અને પછી સુરંગ મળે તો તેને ડિફ્યુઝ કરવાની આખી પ્રોસેસ એ હદે ડરામણી છે કે આપણા દિમાગની નસો ટેન્શનથી ખેંચાઈ જાય. કેમ કે, કોઇપણ ક્ષણે પ્રચંડ બ્લાસ્ટ થઈ શકે છે. અને થાય છે પણ ખરા. એ બ્લાસ્ટ એવા અચાનક, એવા પ્રચંડ અને એવા રિયલિસ્ટિક રીતે થાય છે કે ઘરના સલામત વાતાવરણમાં બેસીને ફિલ્મ જોતા હોઇએ તોય આપણે થથરી જઇએ. અરે, સુરંગ શોધવાના કામમાં ક્યાંય ભૂલ થાય તો સજા પણ એવી મળે, કે તમે આ એરિયામાંથી બધી જ સુરંગો ખોદી કાઢી છેને? તો હવે એના પર ચાલીને કન્ફર્મ કરો! અને એ સૈનિકોની સાથે આપણી હાલત પણ ખરાબ થઈ જાય.
 • ધીમે ધીમે સુરંગો કાઢવાનું કામ શરૂ થાય છે અને તેમાં દર થોડી વારે ભયાવહ ટ્વિસ્ટ્સ આવતા રહે છે. ફિલ્મના ડૅનિશ ડિરેક્ટર Martin Zandvlietએ (‘ડન્કર્ક’ની જેમ) સૈનિકો વચ્ચે થતી ઉપરછલ્લી વાતો સિવાય ક્યાંય કોઈ સૈનિકની બૅકસ્ટોરી નાખી નથી કે એમના પરિવારોનાં દૃશ્યો બતાવ્યા નથી. પરંતુ ‘ડન્કર્ક’થી વિપરિત અહીં ફિલ્મમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક એકદમ મિનિમમ રખાયું છે અને ક્યાંય લાઉડ-ઉત્તેજનાત્મક સાઉન્ડ ઇફેક્ટ્સ નખાઈ નથી. ફિલ્મની ગતિ પણ એકદમ શાંત અને એકધારી રખાઈ છે. એક જ ફ્રેમમાં ઘણો બધો વિસ્તાર આવરી લે તેવા લોંગ શૉટ્સનો ભરચક ઉપયોગ કરાયો છે. જે જોઇને આપણને ખબર પડે કે સાર્જન્ટ ક્યાંથી જીપ ડ્રાઇવ કરીને આવી રહ્યો છે, સૈનિકો સતત કેટલું ચાલે છે, ભેંકાર અને માઇન્સ સમાવીને બેઠેલો દરિયાકિનારો કેવડો છે વગેરે. એક તબક્કો વટાવ્યા પછી આપણને સુરંગોની હાજરી-એરિયા દર્શાવતી વાડ બેસાડેલો એ શાંત દરિયાકિનારો પણ ડરાવવા માંડે છે.
 • જેમ જેમ ફિલ્મ આગળ ચાલે છે, તેમ ભૂખથી તરફડતા, મોતને ભેટતા, ભયાનક તાવમાં સપડાતા, ક્યારેક આપઘાત કરવા સુધી પહોંચી જતા અને જીવતી લાશની જેમ સતત મોતની કાળી છાયા લઇને ફરતા એ ટીનેજર સૈનિકોની આપણને ચિંતા થવા માંડે. એ જ રીતે સાર્જન્ટની ક્રૂરતા પણ ઓસરતી જાય છે. એના અલ્ટ્રા પૅટ્રિયોટિઝમ-કટ્ટર દેશપ્રેમની નીચે રહેલો માણસ બહાર આવવા લાગે છે અને એને સામે રહેલા ટીનેજર સૈનિકોમાં દુશ્મનોને બદલે નિર્દોષ બાળકો દેખાવા લાગે છે. પરંતુ સાર્જન્ટ પણ એક જાયન્ટ મિકેનિઝમનો એક નાનકડો હિસ્સો માત્ર છે. એની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. એ જે રીતે જર્મન સૈનિકો સાથે ઉદ્ધતાઈથી વર્તતો હતો, એના ઉપરીઓ એની સાથે પણ કંઇક એવી જ રીતે વર્તે છે. એટલે એને તે બાળકો સાથે ગમે તેટલી દયા-માયા બંધાય તોય તે એમની પાસે મોતની વેઠ કરાવ્યા સિવાય ખાસ એમની મદદ કરી શકે તેમ નથી.
 • ત્યાં આસપાસ રહેતા લોકોનો પણ આ ટીનેજર સૈનિકો પ્રત્યેનો અપ્રોચ અને એમના ડબલ સ્ટાન્ડર્ડ્સ જોઇને આપણે હચમચી ઊઠીએ.
 • તે બાળકોમાંથીયે કોઈ ભય-ભૂખ-ટૉર્ચરથી થથરીને ભાંગી પડે છે, કોઈ બળવો પોકારે છે, કોઈ રડી પડે છે, કોઈ મનથી મરી પરવારીને ઝોમ્બીની હાલતમાં ફર્યા કરે છે, તો કોઈ પરિસ્થિતિને શાંત-સ્વસ્થ રહીને સ્વીકારે છે, પોતાનું મગજ ચલાવે છે અને સ્માર્ટ રીતે કામ પૂરું કરવાની તરકીબો પણ વિચારે છે. એક વૉર ડ્રામા ફિલ્મને છાજે એ રીતે આપણે તે અગિયારમાંથી અમુક ટીનેજરોની સાથે રહીએ છીએ, એમને થતી લાગણી આપણે પણ અનુભવીએ છીએ, એમની સાથે ઇમોશનલી અટૅચ થઈ જઇએ છીએ. અને એટલે જ તેમાંથી કોઇને કશું થાય તેનો આઘાત આપણું પણ કાળજું ચીરી નાખે છે. જોવાનું એ રહે છે કે આ ટીનેજર સૈનિકોમાંથી કેટલા બચે છે? એમનું શું થાય છે? એ લોકો સ્વદેશ પાછા જઈ શકે છે? સાર્જન્ટ કાર્લનો રાષ્ટ્રવાદ જીતે છે કે એની અંદર રહેલી માનવતા?
 • ફિલ્મના અંતે આપણને માહિતી અપાય છે કે બીજા વિશ્વયુદ્ધના અંત ભાગમાં ડૅન્માર્કના પશ્ચિમી દરિયાકિનારેથી આ રીતે બારુદી સુરંગો ખોદી કાઢવા માટે બે હજારથી પણ વધુ સૈનિકોને જોતરવામાં આવ્યા હતા, જેમાં પુષ્કળ સંખ્યામાં બાર-પંદર-સત્તર વર્ષનાં બાળકો હતાં. તેમાંથી અડધોઅડધ સૈનિકો કાં તો સુરંગો ફાટવાને લીધે મૃત્યુ પામ્યા કે હાથ-પગ કે અન્ય અંગો ગુમાવીને કાયમ માટે પંગુ બન્યા હતા. યુદ્ધકેદીઓ અને યુદ્ધમાં ભાગ ન લઈ રહેલા દુશ્મન દેશના લોકો સાથે માનવતાભર્યું વર્તન કરવા માટે રચાયેલા ‘જીનિવા કન્વેન્શન’નું આ કૃત્ય સદંતર ઉલ્લંઘન હતું, વૉર ક્રાઇમ હતો, પરંતુ જ્યાં વિજેતાઓનો જ ઇતિહાસ લખાતો હોય ત્યાં હારેલાઓનો કોણ ભાવ પૂછવાનું? એટલે જ બીજા વિશ્વયુદ્ધની વાતો નીકળે ત્યારે આ ખોફનાક ચૅપ્ટર ભાગ્યે જ ચર્ચાય છે.
 • અફ કોર્સ, આ ફિલ્મ એક્ઝેક્ટ ટ્રુ સ્ટોરી નથી, બલકે હકીકતમાં બનેલા ઘટનાક્રમ પર આધારિત છે. પરંતુ વાસ્તિવકતામાં બનેલી ઘટનાઓ આનાથી ખાસ અલગ નહીં હોય. કદાચ આ ફિલ્મ કરતાં ક્યાંય વધુ ભયાવહ હશે, કેમ કે તે રિયલ લાઇફમાં બની હશે.
 • અમે આ ડૅનિશ-જર્મન ફિલ્મ નવેમ્બર, 2015માં ગોવા ખાતે યોજાયેલા ‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા’ (IFFI)માં જોયેલી. એ પછી ફેબ્રુઆરી, 2017ના ‘ઑસ્કર અવૉર્ડ્સ’માં આ ‘લૅન્ડ ઑફ માઇન’ ‘બેસ્ટ ફોરેન ફિલ્મ’ની કેટેગરીમાં નોમિનેટ થયેલી, પરંતુ અસગર ફરહાદીની ઇરાનિયન ફિલ્મ ‘ધ સેલ્સમેન’ની સામે જીતી શકી નહીં.
 • ડૅનિશ-જર્મન ભાષામાં હોવા છતાં આ ફિલ્મ આપણા માટે યુદ્ધ અને માનવતા સાથે જોડાયેલી તમામ લાગણીઓ એટલી જ તીવ્રતાથી કમ્યુનિકેટ કરી દે છે. ફ્રિક્વન્ટ્લી આવતા ચહેરાઓના ક્લોઝઅપ્સ અને એ ચહેરા પર-એ આંખોમાં દેખાતી પીડા-ભય-નિરાશા જોવા માટે કોઈ ડાયલોગની જરૂર નથી. ‘લૅન્ડ ઑફ માઇન’ જોવાની ઇચ્છા થાય તો આ ફિલ્મ ‘ટોરેન્ટ’ પર મસ્ત પ્રિન્ટ અને ઇંગ્લિશ સબટાઇટલ્સ સાથે આસાનીથી ઉપલબ્ધ છે. અહીંયા તેનું ટ્રેલર પોસ્ટ કર્યું છે.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

ફિલ્મનું ટ્રેલરઃ

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Lion

lion_ver5ઈ.સ. ૧૯૮૬નું વર્ષ. અજાણ્યા રેલવેસ્ટેશનના બાંકડે સૂતેલો પાંચ વર્ષનો એક ટેણિયો નામે સરૂ અડધી રાત્રે અચાનક જાગી જાય છે. સ્ટેશન પર કોઈ માણસનું નામોનિશાન નથી. એ તો એના મોટાભાઈ ગુડ્ડુ સાથે આવેલો, પણ ભાઈ ક્યાં છે? સરૂ ‘ગુડ્ડુ… ગુડ્ડુ’ના નામના પોકાર કરે છે. કોઈ જવાબ નહીં. સામે એક ખાલી ટ્રેન ઊભી છે. સરૂને થયું કે કદાચ એ ટ્રેનમાં એનો ભાઈ હોય. ટ્રેનમાં પણ જોયું. ત્યાં પણ એનો ભાઈ નહોતો. થાકેલો સરૂ ટ્રેનમાં જ આડો પડ્યો. આંખ ખૂલી ત્યારે ટ્રેન દોડી રહી હતી. બારીમાંથી પસાર થતાં દૃશ્યોમાં કશું જ એના ગામ જેવું નહોતું. એના ડબામાં પણ સમ ખાવા પૂરતો એક માણસ પણ નહોતો. ઉપરથી દરવાજા પણ બંધ. હબકી ગયેલા સરૂએ દોડાદોડી કરીને મદદ માટે બૂમો પાડી. ચાલુ ટ્રેને, લૉક થયેલા સેકન્ડ ક્લાસના ડબામાંથી એક પાંચ વર્ષના ટેણિયાના પોકાર કોણ સાંભળે? આંસુ અને પોકારો શમી ગયાં પછી પેટના પોકારો શરૂ થયા. ડબામાં ખૂણેખાંચરે ક્યાંક ફેંકી દેવાયેલું સફરજન કે સિંગદાણા વીણીને ખાધા. આખરે બેએક દિવસે ગાડી એક મોટા સ્ટેશને ઊભી રહી અને સરૂનો છૂટકારો થયો. પણ હવે એ હજારો-લાખો લોકોની વચ્ચે કેદ હતો. કોઈ ચહેરો જાણીતો નહોતો. અને એ જ્યાં હતો એ જગ્યા એના ઘરથી ૧૬૦૦ કિલોમીટર દૂર હતી. સરૂને તો પોતાના ગામનું નામ પણ યાદ નહીં. માત્ર એટલી ખબર કે એ ક્યાંક ‘ગણેશ તલાઈ’ નામના સ્થળે રહેતો હતો. એનાં મમ્મી પથરા ઉપાડવાની મજૂરી કરે. મોટો ભાઈ ગુડ્ડુ પણ એવું જ કંઇક કરતો હતો. હવે?

 • ‘ટ્રુથ ઇઝ સ્ટ્રેન્જર ધૅન ફિક્શન’ એ લાઇન ભલે ચવાઈ ગઈ હોય, પણ આ વાક્યને સાબિત કરતો કોઈ કિસ્સો નજરlion_pawar સામે આવે એટલે આપણા શરીરનું એકેએક રૂંવાડું અટેન્શનમાં આવી જાય. રૂંવાડાં ઊભાં કરી દેતી આવી જ એક સત્યકથા એટલે આ વખતના ‘ઑસ્કર અવૉર્ડ્સ’માં છ કેટેગરીમાં નોમિનેટ થયેલી અફલાતૂન ફિલ્મ ‘લાયન’. આ ફિલ્મ માટે દેવ પટેલ ઑલરેડી ‘બાફ્ટા અવૉર્ડ’ જીતી ચૂક્યો છે, પણ હું પાંચ વર્ષના સરૂનો રોલ કરનારા સની પવારના પ્રેમમાં પડી ગયો છું. ટચવૂડ! એ છોકરો પ્યોર અનકટ ડાયમંડ છે. ફિલ્મમાં પહેલી વાર જ્યારે એ દેખાય ત્યારથી જ આપણને એના પર પ્રેમ ઊભરાઈ આવે. પછી જ્યારે એ ભૂલો પડે, ભયંકર દયનીય સ્થિતિમાં મુકાય, જ્યાં ત્યાં ઠેબાં ખાય, એક એક કોળિયા માટે વલખાં મારે, અજાણ્યા લોકોને મળે, કોના પર એને વિશ્વાસ મૂકવો કોના પર નહીં એ પણ સમજાય નહીં, પોતે ક્યાં છે-એની માતા-ભાઈ-બહેન ક્યાં હશે, ફરી પાછો એમને મળી શકશે કે કેમ એ પણ ખબર ન હોય એ સ્થિતિમાં એ અહીંથી તહીં ફંગોળાયા કરે… આ તમામ સ્થિતિઓમાં એનાં એક્સપ્રેશન્સ કોઈ સિનિયર એક્ટરને ટક્કર મારે તેવાં છે. પોતાના ઘરથી ૧૬૦૦ કિલોમીટર દૂરના સ્ટેશને એ પોતાના ભાઈના નામની બૂમો મારે ત્યારે એની નિઃસહાયતા જોઇને આપણે પણ હચમચી જઇએ. અને જે રીતે એ સની પવાર ‘ગુદ્દુ’ (‘ગુડ્ડુ’) બોલે છે, આપણને થાય કે ફરી ફરીને સાંભળ્યા જ કરીએ!
 • અત્યારે આઠ વર્ષનો થયેલો સની પવાર સ્વાભાવિક રીતે જ ઇન્ટરનેશનલ મીડિયાનો ફેવરિટ થઈ ગયો છે. એના ઇન્ટરવ્યૂઝ ખરેખર મજેદાર છે. ફિલ્મમાં આટલાં ઇફેક્ટિવ એક્સપ્રેશન્સ આપવા માટે એણે અને ડિરેક્ટર ગાર્થ ડેવિસે જે સાઇન લૅંગ્વેજ વિકસાવેલી તેનાથી લઇને એના ફેવરિટ એક્ટર ‘અપના સિંઘમ’, ‘અપના જ્હોન સીના’ જેવા એના તમામ જવાબો માણવા જેવા છે. નિકોલ કિડમેન સાથે કામ કરી ચૂક્યો હોવા છતાં જે ટૉમ ક્રૂઝ ઓળખતો નથી નથી એવા આઠ વર્ષના ટાબરિયાને પણ એટલી તો ખબર છે જ કે ફિલ્મ રિલીઝ ન થઈ હોય, તો સ્પોઇલર સાથેની આખી સ્ટોરી ન કહી દેવાય (કર્ટસીઃ ‘ફિલ્મ કમ્પેનિયન’એ લીધેલો સની પવારનો ઇન્ટરવ્યૂ).
 • અહીં આખી ફિલ્મ એ પરિવારથી વિખૂટા પડી જતા છોકરા સરૂના પોઇન્ટ ઑફ વ્યૂથી શૂટ થઈ છે. કેમેરા પણ એની આંખના લેવલે રહે છે. એટલે એને જે દેખાય તે આપણને દેખાય. એ ભીડની વચ્ચે અટવાતો હોય, તો આપણને પણ એના કરતાં ઊંચી હાઇટના અન્ય લોકોના ચહેરા ન દેખાય. એ સૂવે ત્યાં ફેડ આઉટ-એ જાગે ત્યારે ફેડ ઇન થાય. એની સાથે આપણે પણ ભૂલા પડી જઇએ. કઈ જગ્યાએ છીએ તે કોઈ કહે ત્યારે ખબર પડે. કોઈ મદદ કરે તો એ સારી વ્યક્તિ છે કે નઠારી તે એની જેમ આપણને પણ ખબર ન પડે. આખી ફિલ્મમાં એ બિચારો એ જ પીડામાં રહે છે કે એનો પરિવાર ક્યાં હશે, શું કરતો હશે. આપણી પણ એ જ સ્થિતિ રહે છે. એ હસે તો આપણને પણ હસવું આવે અને એની છટપટાહટ જોઇને આપણા ગળે પણ ડૂમો બાઝી જાય. અજાણ્યા ચહેરા જોઇને એની જેમ આપણને પણ ડર લાગે. સની પવાર એટલો બધો વલ્નરેબલ લાગે છે કે એને કોઈ આંચ ન આવે એવી પ્રાર્થના કરતા થઈ જઇએ.
 • ખૂબ બધા હિન્દી ડાયલોગ્સ ધરાવતી ‘લાયન’ ફરી ફરીને એક વાત સાબિત કરે છે કે ફિલ્મમાં કલાકારોએ જ સતત બડબડ ન કરતા રહેવાનું હોય, બલકે કેમેરાને પણ બોલવા દેવો જોઇએ. આખી ફિલ્મમાં પારાવાર વેદના છે. છતાં ફિલ્મ પૉઝિટિવિટીથી ભરચક છે. દર બીજા સીનમાં મૅલોડ્રામાનો સ્કોપ છે. છતાં વેવલી તૂકબંદીઓવાળા, નાટ્યાત્મક ફિલ્મી ડાયલોગ્સ ક્યાંય નથી. રાધર, અડધા ઉપરાંત ફિલ્મ તો સાઇલન્ટ છે. છતાં તેની સંવેદનશીલતામાં અડધા ટકાનો પણ ઘટાડો થતો નથી. કેમેરા પાસેથી અહીં એવું અફલાતૂન કામ લીધું છે કે ભય, ભૂખ, પીડા, નિઃસહાયતા, એકલતા, મનમાં ચાલતી ઊથલપાથલ, લાખો લોકોની વચ્ચે પણ વ્યક્તિ એકલી હોય તો શું ફીલ થાય, ઈશ્વર નામના તત્ત્વમાં માનતા હો તો એના દ્વારા અનાયાસે મળતી મદદ, બે ભાઈ વચ્ચેનો બોન્ડ, હિન્દુ-મુસ્લિમ એકતા, માનવતા, મમતા, ધીરજ, ક્યારેય હિંમત ન ગુમાવવાની-આશા ન છોડવાની લગન, પરિસ્થિતિને સ્વીકારીને તેને અનુરૂપ થઈ જવાની ફ્લેક્સિબિલિટી, તીવ્ર નોસ્ટેલ્જિયા, માનવતાનો કે લાલચનો કોઈ ધર્મ-દેશ ન હોય, માતાપિતા બનવા માટે પણ કેટલી ધીરજની જરૂર પડે (આ વાત નિકોલ કિડમેન-ડેવિડ વેન્હામનાં કેરેક્ટર્સ કહી આપે છે), ચમત્કાર કહો કે જોગાનુજોગ (અનુપમ ખેરના શબ્દોમાં કહીએ તો) કુછ ભી હો સકતા હૈ, અંદરથી સતત અકળાતા માણસની છટપટાહટ સમજી શકે એવા સમજુ સાથીદાર કેવા હોય…. આ ફિલ્મમાંથી કાઢો એટલા મેસેજ નીકળી શકે. દરેક ફ્રેમ કે વિવિધ ચહેરાઓ પર ફોકસ થતા કેમેરા પણ સતત કંઈ ને કંઈ કહેતા રહે છે. ઍડિટિંગ પણ એવું મસ્ત છે કે સતત તમે એ સરૂના મનની અંદર-બહાર ઝાંકી શકો. ફિલ્મ જોતાં જોતાં એક વિચાર એવો પણ આવે કે આ તો ફરી પાછી ભારતમાં બધું ગંદું-ગોબરું છે તેવું બતાવીને જ ઇન્ટરનેશનલ એક્લઇમ ઊસેટવાની ક્વાયત લાગે છે. પણ ના. એક તો આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે. બીજું, ધ્યાનથી જોશો તો સમજાશે કે અહીં કોઇનોયે પક્ષ લીધા વિના ઓબ્જેક્ટિવલી જ વાત કહેવાઈ છે. સારા-નરસા લોકો કોઇપણ દેશ કે ધર્મમાં હોઈ શકે. વિલન કહો તો બસ સમય-સંજોગ જ.
 • દેવ પટેલ અદભુત એક્ટર છે. એની શાંતિ-ઊભરા આપણને ખળભળાવી મૂકે છે. પણ દેવ પટેલના પાત્રને આપણી જેટલી સિમ્પથી મળે તેમાં બહુ મોટો ફાળો પેલા ટેણિયા સની પવારનો છે. ફિલ્મ ઇન્ડિયામાં શૂટ થઈ છે એટલે દીપ્તિ નવલ, નવાઝુદ્દીન સિદ્દીકી, તનિષ્ઠા ચૅટર્જી, પ્રિયંકા બોઝ, (‘બેશરમ’ ફેમ) પલ્લવી શારદા જેવા કલાકારો પણ છે. લેકિન ટ્રેનની લાંબી મુસાફરીમાં આવતાં નાનાં સ્ટેશનો જેવી જ એમની ભૂમિકા છે. (નાનકડો સની પવાર ‘લવ સોનિયા’ નામની બીજી એક ઇન્ટરનેશનલ ફિલ્મ પણ કરી રહ્યો છે. એની સ્ટારકાસ્ટ જોશો તો આંખોનું આઇમૅક્સ થઈ જશે!)
 • આપણી ફિલ્મોનાં હાલરડાં ગીતોનો પણ ‘લાયન’માં મસ્ત ઉપયોગ થયો છે. પછી તે ‘જીને કી રાહ’ની લોરી ‘ચંદા કો ઢૂંઢને સભી તારે નિકલ પડે’ હોય, કે ‘લોરી’ ફિલ્મની જ લોરી ‘આજા નીંદિયા આજા’ હોય. ઍન્ડ, ઑસ્કરમાં ગયેલી ભારતના સ્ટેમ્પવાળી ફિલ્મની વાત હોય અને રહેમાનની હાજરી ન હોય એવું બને? અહીં એ પણ પોતાના ‘ઉર્વશી ઉર્વશી’ ગીત સાથે પરોક્ષ હાજરી પૂરાવે છે. મસ્ત રોમેન્ટિક સિચ્યુએશન સાથે.
 • ‘લાયન’ની થીમ આપણને મણિ રત્નમની માધવન સ્ટારર સુપર્બ ફિલ્મ ‘કન્નથિલ મુથમિત્તાલ’ની યાદ અપાવે (આ ફિલ્મ વિશે અલગથી લખીશ). પણ લાખો લોકોના દરિયાની વચ્ચે એકલા પડી ગયેલા માણસ તરીકે ‘કાસ્ટ અવે’ના અલગ વર્ઝન તરીકે પણ ‘લાયન’ને જોઈ શકો. અમુક શૅડ્સ જોઇને ગુલઝારની ‘કિતાબ’ યાદ આવી જાય. આપણા ‘મનમોહન દેસાઈ ઍન્ગલ’ જેવી લાગતી ‘લાયન’ની વાત એટલી આશ્ચર્યજનક છે કે આવું ક્યારેક થયું હોય તે માનવાનું જ મન ન થાય.
 • ‘ગૂગલ અર્થ’ને પણ એક પાત્ર તરીકે ઉપસાવતી આ ફિલ્મમાં વિવિધ જ્યોગ્રાફિકલ લોકેશન્સ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. ફિલ્મની ભૂગોળને પહેલા શૉટથી સતત ધ્યાનથી જોજો. કેમ કે, રૅન્ડમ લાગતા શૉટ્સ કેટલા મહત્ત્વના છે તે છેલ્લે ખબર પડશે. અહીં પણ ડ્રૉનથી લીધેલા શૉટ્સ છે, પણ છાકો પાડવા માટે નહીં. બલકે એક નક્કર જ્યોગ્રાફિકલ ઇફેક્ટ ઊપસાવવા માટે. આ ફિલ્મનું નામ ‘લાયન’ શા માટે છે તે પણ છેક છેલ્લે ખબર પડશે.
 • સની પવાર-દેવ પટેલ આ ફિલ્મમાં જેનું પાત્ર ભજવે છે તે સાચુકલા સરૂ બ્રાયર્લીએ પોતાની કલ્પનાતીત લાઇફ
  saroo-brierley-book
  રિયલ લાઇફનો સરૂ બ્રાયર્લી પોતાના પુસ્તક ‘અ લોંગ વે હોમ’ સાથે.

  સ્ટોરીને ‘અ લોંગ વે હોમ’ નામના પુસ્તકમાં આલેખી છે. એ પુસ્તક વાંચો ન વાંચો તમારી મરજીની વાત છે, પણ હવે આટલા ૧૨૦૦ શબ્દો લખ્યા પછી એ કહેવાની જરૂર નથી કે આ ફિલ્મ જોવાનું ચૂકશો નહીં. આ ફિલ્મને ઑસ્કર મળે ન મળે, આઇ ડૉન્ટ કૅર. બસ, આપણે ત્યાં પ્રેક્ષકો મળવા જોઇએ. આખી દુનિયામાં આ ફિલ્મ પરચમ લહેરાવી ચૂકી છે. આપણા ઇન્ડિયામાં આજથી રિલીઝ થઈ છે. ગમે તેમ કરીને ફેમિલી સાથે જોવા પહોંચી જ જજો. અને હા, ફિલ્મના અંતે આવતા સાચુકલા સરૂ બ્રાયર્લીનાં દૃશ્યો અને કેટલોક ડૅટા જોવાનું પણ ચૂકશો નહીં. નીચે પહેલી કમેન્ટમાં થોડીક લિંક્સ આપી છે, એ પણ થાક્યા-કંટાળ્યા ન હો તો જોઈ શકો છો (અલબત્ત, ફિલ્મ જોયા બાદ!).

લિંક્સઃ

સની પવારનો રાજીવ મસંદ સાથેનો ઇન્ટરવ્યૂઃ

સની પવાર-ગાર્થ ડેવિસના ઇન્ટરવ્યૂઃ

‘લાયન’ની કાસ્ટ સાથે ક્વેશ્ચન-આન્સર સેશન (જેમાં રિયલ સરૂ બ્રાયર્લી પણ છે)

સની પવાર ‘ફિલ્મ કમ્પેનિયન’ સાથેનો ઇન્ટરવ્યૂ

 1. રિયલ સરૂ બ્રાયર્લીની ત્રણેક લિંક્સઃ
  1. https://www.youtube.com/watch?v=J1Fzj8EFHuw&t=25s
  2. https://www.youtube.com/watch?v=uAdlZ26KHpQ
  3. https://www.youtube.com/watch?v=lDNtNhuds1E
 2. ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની સન્ડે પૂર્તિ ‘બ્રન્ચ’એ સરૂ બ્રાયર્લી પર કરેલી સ્પેશ્યલ સ્ટોરીઃ

http://www.hindustantimes.com/brunch/the-incredible-story-of-saroo-brierley/story-EFJvALIXCT5wg5Ee1cxn6L.html

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

વર્લ્ડ સિનેમાના વ્હાઇટ સ્ક્રીન પર કલરફુલ ક્રાંતિ

આપણને મન ફિલ્મો તો ખાલી હૉલીવુડમાં અને બૉલીવુડમાં બને, બાકી તો બધું પાની કમ ચાય, રાઇટ? રોંગ. આ બધા ‘વુડ’ને તડકે મૂકીને જોઇએ તો ખ્યાલ આવે કે વર્લ્ડ સિનેમામાં બનતી એક સે બઢકર એક ફિલ્મો દાયકાઓથી પરિવર્તનનું બ્યુગલ ફૂંકતી આવી છે.

***

૨૦૧૩માં ગોવા ખાતે ‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા’ ચાલી રહ્યો હતો. એક ફિલ્મનું સ્ક્રીનિંગ થવાને આડે અડધાએક કલાકની વાર હતી. પરંતુ એ ફિલ્મ જોવા માટે બહાર ફિલ્મરસિયાઓની લાઇન લાગી ગઈ હતી. એ લાઇન પણ પાછી બે પ્રકારની, એક ટિકિટવાળાઓની અને બીજી જેમને ટિકિટ મળી શકી નહોતી એવા અમારા જેવા વિધાઉટ ટિકિટિયાઓની. ફિલ્મ ફેસ્ટિવલ માટે આવી લાઇનોની કોઈ નવાઈ નથી. ટિકિટ બુક કરાવ્યા પછી છેલ્લી ઘડીનાં કૅન્સેલેશનની સામે જેમને ટિકિટ ન મળી શકી હોય તેમને વહેલા તે પહેલાના ધોરણે એન્ટ્રી મળી જાય. એટલે અમે પણ એ ટિકિટ વગરનાઓની કતારમાં જોડાવા માટે તેનો છેડો શોધવા આગળ વધ્યા. પરંતુ ‘આઇનોક્સ’ મલ્ટિપ્લેક્સના દરવાજાથી શરૂ થયેલી એ ક્યૂ આખું મેદાન વટાવીને સામેની બિલ્ડિંગની અંદર ઘૂસી ગયેલી. પેટમાં ફાળ તો પડી, પણ બીજો કોઈ વિકલ્પ તો હતો નહીં, એટલે અમે પણ એ બિલ્ડિંગમાં ઘૂસ્યા. એ વિશાળ બિલ્ડિંગનાં પગથિયાં વટાવીને અંદરની લોબીમાં પણ હનુમાનના પૂંછડાની જેમ એ કતાર પૂરી થવાનું નામ જ ન લે. ફાઇનલી એ લાઇનનો છેડો આવ્યો, પણ ત્યાં સુધીમાં પિક્ચર ક્લિયર થઈ ગયેલું કે હવે તો એક સીટમાં બબ્બે જણાને બેસાડે તોય આટલા બધા લોકોનો એ ફિલ્મ જોવા માટે મેળ પડે તેમ નહોતો. થોડી વારે એનાઉન્સમેન્ટ થઈ ગઈ કે ભઈ, ફિલ્મ હાઉસફુલ છે. પરંતુ એ એનાકોન્ડાછાપ ક્યુનો ફાયદો એ થયો કે ફિલ્મ ફેસ્ટિવલના આયોજકોએ વધુ મોટા સ્ક્રીનમાં એ ફિલ્મ ફરી પાછી દેખાડવી પડી. એ ફિલ્મ એટલે ઇરાનિયન ફિલ્મમેકર જાફર પનાહીની ‘ક્લોઝ્ડ કર્ટેન.’

આખા પેરેગ્રાફને અંતે કોથળામાંથી બિલાડું નીકળ્યાની ફીલિંગ થઈ આવી હોય તો, સોરી! એમાં આપણો વાંક નથી. હૉલીવુડની ફોર્મ્યુલેટિક અને આપણા બૉલીવુડની ચોરીચપાટીવાળી ફિલ્મો જોઈજોઇને ફિલ્મો વિશે આપણો ટેસ્ટ એવો જંકફૂડિયો થઈ ગયો છે કે કોઈ સારી ફિલ્મો હાર્ડડિસ્કમાં ભરીને આપે તોય આપણે જોઇએ નહીં. ઇરાનના એ ફિલ્મમેકર જાફર પનાહીની ફિલ્મો તો પછી આવે, પહેલાં તો એમની લાઇફ ઇટસેલ્ફ કોઈ થ્રિલરથી કમ નથી. છેલ્લા દોઢ દાયકાથી ઇરાનની સરકાર એના નામની સુપારી લઇને પાછળ પડી ગઈ છે. કેટલીયે વાર એને જેલમાં નાખવામાં આવ્યો, ૨૦૧૦માં એને છ વર્ષની કેદની સજા થઈ, ફિલ્મો બનાવવા પર ૨૦ વર્ષનો પ્રતિબંધ ફટકારી દેવાયો, કોઇપણ મીડિયાને ઇન્ટરવ્યૂ નહીં આપવાના, સ્ક્રીનપ્લે નહીં લખવાનો અને દેશ પણ નહીં છોડવાનો. મતલબ કે એના ફિલ્મી કરિયર પર બિગ ફુલસ્ટોપ. જાફર પનાહીનો ગુનો? તો કહે, ફિલ્મો બનાવવાનો. એવી ફિલ્મો જે અત્યારના ઇરાનની સ્થિતિ સામે આયનો ધરતી હોય અને જેને જોઇને નેચરલી ઇરાન સરકારને પેટમાં જબ્બર ચૂંક આવે. આ ચુકાદો આવ્યો તે પહેલાં ૨૦૧૦માં જ પનાહીને ઘરમાં નજરકેદ રખાયેલો. ત્યાં ઘરની અંદર એણે પોતાના એક મિત્ર સાથે મળીને આઇફોન પર એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ શૂટ કરી લીધી. એ ડૉક્યુમેન્ટરી ફિલ્મ (‘ધિસ ઇઝ નોટ અ ફિલ્મ’)ને એક પૅનડ્રાઇવમાં નાખીને બર્થડે કેકમાં છુપાવી દેવાઈ અને ઇરાનની બહાર કાઢવામાં આવી. ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં સરપ્રાઇઝ એન્ટ્રી તરીકે આવેલી એ ફિલ્મ રાતોરાત છવાઈ ગઈ. પ્રતિબંધો અને સજાની ઐસીતૈસી કરીને પનાહીએ એ પછી એકદમ છૂપી રીતે બીજી બે ફિલ્મો ‘ક્લોઝ્ડ કર્ટેન’ અને લેટેસ્ટમાં ‘ટેક્સી’ બનાવી કાઢી. આ બધી જ ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચંડ આવકાર પામી છે.

ઇરાન એટલે ફિલ્મમૅકિંગની દૃષ્ટિએ તદ્દન ભંગાર દેશ. ત્યાંની કટ્ટરવાદી સરકારે ફિલ્મમેકર્સ પર એટલા બધા પ્રતિબંધો લાદી રાખ્યા છે કે આપણા પહલાજ નિહલાણી પણ એની સામે મોસ્ટ લિબરલ લાગે. તેમ છતાં છેલ્લા ત્રણ દાયકામાં ઇરાનમાં આવેલા ન્યુ વેવમાં પ્રચંડ પ્રતિબંધોની વચ્ચે પણ બેસ્ટ ફિલ્મો બની છે. બાળકોને લઇને કે અન્ય પ્રતીકોની મદદથી ત્યાં જે ફિલ્મો બની છે તે વિશ્વની ફિલ્મ સ્કૂલોમાં ભણાવવામાં આવે છે. અબ્બાસ કિયારોસ્તામી, દરાયસ મેહરુઈ, માજિદ મજિદી, જાફર પનાહી, અસગર ફરહાદી જેવા એકદમ ક્લાસ ફિલ્મમેકરો ઉપસી આવ્યા છે. એક બાળક પોતાના ક્લાસમૅટની નોટબુક પાછી આપવા માટે દોડાદોડ કરે (ફિલ્મઃ ‘વ્હેર ઇઝ ધ ફ્રેન્ડ્સ હોમ’) કે પછી ફૂટબૉલની મૅચ જોવા માટે કેટલીક છોકરીઓ છોકરાના વેશે સ્ટેડિયમમાં ઘૂસવાનો પ્રયત્ન કરે (કારણ કે સ્ટેડિયમમાં સ્ત્રીઓના પ્રવેશ પર ઇરાનમાં પ્રતિબંધ હોય) (ફિલ્મઃ ઑફસાઇડ), આવી એકદમ સિમ્પલ થીમ પર પણ એવી ગ્રિપિંગ ફિલ્મ બને, જે જોઇને રૅન્ચો સ્ટાઇલમાં ‘જહાંપનાહ, તુસ્સી ગ્રેટ હો!’ ટાઇપની સલામ ઠોકવાનું મન થાય. વળી, એ ફિલ્મોને પાછી સિનેમાનાં ચશ્માં પહેરીને જુઓ કે તરત જ તેમાં ત્યાંની સોશિયો-પોલિટિકલ સિચ્યુએશન પર કરાયેલા ધારદાર કટાક્ષ દેખાવા માંડે. એટલે જ ‘માય નેમ ઇઝ ખાન’નો ડાયલોગ ઇરાનના ક્રાંતિકારી સિનેમાને જરા જુદી રીતે લાગુ પડે છે કે, ‘અચ્છી ફિલ્મેં બનાને કે લિયે બજેટ કી નહીં, નિયત કી ઝરૂરત હોતી હૈ.’

***

ફિલ્મો સમાજમાં ક્રાંતિનું ટ્રિગર દબાવી શકે કે કેમ તે વિશે તો અર્બન ગોસ્વામીને બોલાવીને ચર્ચા કરાવવી પડે, પણ ફિલ્મોના વિષયો, ટ્રીટમેન્ટ, ટેક્નિક ગમે ત્યારે ગમે તેના દિમાગમાં કેમિકલ લોચો પેદા કરી શકે. એક જ એક્ઝામ્પલ કાફી છે કે ઇટાલિયન ડિરેક્ટર વિટ્ટોરિયો દા સિકાની ‘બાઇસિકલ થિવ્સ’ ફિલ્મ જોઇને આપણા સત્યજિત રાયને ફિલ્મો બનાવવાની પ્રેરણા મળેલી.

આજના ફિલ્મી કીડાઓ જાણે છે કે દુનિયાની લગભગ કોઇપણ ફિલ્મ તમને ‘ટોરેન્ટ’ પરથી એકદમ મખ્ખન કે માફિક મળી જાય. તોય આપણે વર્લ્ડ સિનેમાની કેટલી ઓછી ફિલ્મો જોઇએ છીએ તેનો સેમ્પલ સર્વે આપણે ત્યાં બનતી ઉઠાંતરીવાળી ફિલ્મોને જોઇને થઈ જાય. હિન્દીમાં બનતી દર બીજી-ત્રીજી ફિલ્મ કાં તો હૉલીવુડની અથવા તો દક્ષિણ કોરિયન કે દક્ષિણ ભારતની ફિલ્મોની રિમેક જ હોય છે. હવે તો ગુજરાતી સિનેમામાં આવેલા નવા વૅવમાં પણ આ જ ચાલ્યું છે. આપણા અર્બન ફિલ્મમૅકર્સ ‘ચટ્ ફિલ્મ અને પટ્ કમાણી’ના લોજિકથી પંજાબીથી લઇને કોઇપણ ફિલ્મ પર હાથ મારવા લાગ્યા છે. ગમે ત્યાંથી મસાલો ભેગો કરીને પિરસી દો, આપણી પબ્લિક બધું જ ચાટી જશે. આપણું દિમાગ બંધ કરીને અક્કલ વગરની નકલ કરવા માંડીએ તેનું સૌથી મોટું નુકસાન એ થાય છે કે સ્ટોરી અને સ્ટોરી ટેલિંગમાં ઇનોવેશન થતાં અટકી જાય છે. જેમણે આવું નથી કર્યું તેઓ જ વર્લ્ડ સિનેમાના સ્ક્રીન પર ક્રાંતિનાં વાવાઝોડાં લાવ્યાં છે. એની વાત માંડતા પહેલાં કેલેન્ડરનાં પાનાં નવ દાયકા પાછળ ફેરવો અને ચાલો બીજા વિશ્વયુદ્ધ પછીના સોવિયેત રશિયામાં.

potemkin_pram_stairs
એક સૈકા પહેલાંની સાઇલન્ટ રશિયન ફિલ્મ ‘બૅટલશિપ પોટેમકિન’ની આ ‘ઑડેસા સ્ટેપ્સ’ સિક્વન્સને આપણી ‘તેઝાબ’ સહિતની સંખ્યાબંધ ફિલ્મોએ અંજલિ આપી છે.

એ વખતે ત્યાં સ્ટાલિનના રાજમાં સર્ગેઈ આઇઝેન્સ્ટાઇન નામના યંગ અને ભારોભાર ટેલેન્ટેડ ફિલ્મમેકરનો સિક્કો વાગતો હતો. જ્યારે આખેઆખું વર્લ્ડ સિનેમા ભાંખોડિયાં ભરતું હતું અને સાઇલન્ટ ફિલ્મોનો જમાનો હતો, એ વખતે એણે ‘મોન્ટાજ’ તરીકે ઓળખાતી ફિલ્મ એડિટિંગની એક ટેક્નિક વિકસાવી. સાદા શબ્દોમાં કહીએ તો ફિલ્મના કોઇપણ સીનમાં દૃશ્યોને એક પછી એક એવી રીતે ગોઠવવા જેથી એક નવો જ અર્થ કે અસર પેદા થાય. આજે આ ટેક્નિક ફિલ્મ મૅકિંગમાં એ હદે વણાઈ ગઈ છે કે વિશ્વના બધા જ દર્શકો ક્યાંક ને ક્યાંક તો તેને જોઈ જ ચૂક્યા હોય છે. એ જ ધૂની ફિલ્મમૅકરે ઈ.સ. ૧૯૨૫માં એક સાઇલન્ટ ફિલ્મ બનાવેલી, ‘બૅટલશિપ પોટેમકિન.’ એ ફિલ્મ વિશે તો નિરાંતે રસ-પુરી ખાતાં ખાતાં ચર્ચા થઈ શકે, પણ અત્યારે તેની ‘ધ ઑડેસા સ્ટેપ્સ’ નામની અતિપ્રસિદ્ધ સિક્વન્સની વાત. દરિયાકિનારે આવેલા વિશાળ દાદર પર સેંકડો સ્ત્રી-પુરુષો ખુશખુશાલ ચહેરે વહાણમાં જઈ રહેલા પોતાનાં સ્વજનોને વિદાય આપી રહ્યાં છે. ત્યાં જ ઉપરથી હથિયારબંધ સૈનિકો ઊતરી આવે છે અને આપણા જલિયાંવાલા બાગની યાદ અપાવે તેવો હત્યાકાંડ ચલાવે છે. તેમાં એક નવજાત બાળક સાથેનું પ્રામ (પૈડાંવાળી ટ્રોલી) પણ સીડીઓ પરથી પડે છે. આજે નેવું વર્ષ પછીયે આ સિક્વન્સ જોઇએ તોય આપણાં રૂંવાડાં અટેન્શનમાં ઊભાં થઈ જાય. આ ફેમસ સિક્વન્સને અલ્ફ્રેડ હિચકોક, ફ્રાન્સિસ ફોર્ડ કપોલા, વૂડી એલન, બ્રાયન દ પામા જેવા અઢળક ફિલ્મમૅકર્સ અંજલિ આપી ચૂક્યા છે. એમણે પોતાની ફિલ્મોમાં એક્ઝેક્ટ એવા જ સીન મૂક્યા છે. ઇવન આપણી અનિલ કપૂર-માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ ‘તેઝાબ’માં પણ એ જ સીન મૂકવામાં આવ્યો હતો.

 

સાઇલન્ટ ફિલ્મોની વાત નીકળે એટલે આપણી પાસે એક હાથવગું નામ છે, ચાર્લી ચૅપ્લિન. કોઈ વળી પાછલી બૅન્ચેથી

general
બસ્ટર કીટન પોતાની આઇકનિક સાઇલન્ટ ફિલ્મ ‘ધ જનરલ’ના સિગ્નેચર પૉઝમાં.

આંગળી ઊંચી કરીને આપણને લૉરેલ એન્ડ હાર્ડી કે ‘થ્રી સ્ટૂજીસ’નાં નામ પણ યાદ કરાવે. એ જગપ્રસિદ્ધ ફિલ્મમૅકર-અદાકારો વિશે ગોડાઉન ભરાઇને લખાઈ-ચર્ચાઈ ચૂક્યું છે. પરંતુ જેની ભાગ્યે જ ચર્ચા થાય છે તેવાં બીજાં બે સાઇલન્ટ ફિલ્મોના શાઇનિંગ સ્ટાર્સ હતા બસ્ટર કીટન અને હેરોલ્ડ લોઇડ. આ તમામ કલાકારો ‘સ્લૅપસ્ટિક’ કહેવાતી કોમેડીના ગુરુ આદમીઓ. એક જમાનામાં સર્કસના જોકરો એકબીજાની પૂંઠે ફટકારવા માટે ખાસ પ્રકારની લાકડી વાપરતા, જે વાગે નહીં, પણ ‘પટ્ટ’ જેવો અવાજ કરતી. ઇટાલિયન ભાષામાં ‘બટાચિયો’ કહેવાતી એ લાકડીનું અંગ્રેજી થયું ‘સ્લૅપ સ્ટિક.’ ખાસ કરીને બસ્ટર કીટન અને હેરોલ્ડ લોઇડે સ્લૅપ સ્ટિક કોમેડી કરવા માટે જે હદે જોખમો લીધેલાં એ આજે એક સૈકા બાદ પણ આશ્ચર્યમાં મૂકી દે છે. ચાલુ ગાડીએ ચડી જવું, ગમે તેટલી અશક્ય લાગતી ઊંચાઇએથી કૂદી જવું, મકાનનો એક આખો હિસ્સો માથા પર પાડવો, એકેય કટ વગર દોડતા-કૂદતા જવું અને એની સૌથી ફેમસ ફિલ્મ ‘ધ જનરલ’માં હતું તેમ ટ્રેનના ચાલુ ઍન્જિનની

girard-perregaux-gives-life-to-a-unique-collection-of-images
હેરોલ્ડ લોઇડની ‘સેફ્ટી લાસ્ટ’ ફિલ્મની ચિરંજીવ ક્લૉક ટાવર સિક્વન્સ, જેને જૅકી ચૅને પોતાની ‘પ્રોજેક્ટ A’ ફિલ્મમાં અંજલિ આપેલી.

આગળ બેસીને સ્ટન્ટ કરવાં. બસ્ટર કીટનની જેમ સાઇલન્ટ યુગના હેરોલ્ડ લોઇડ પણ પોતાનાં જોખમી સ્ટન્ટ જાતે જ કરતા. એમની ‘સેફ્ટી લાસ્ટ’ નામની સાઇલન્ટ ફિલ્મની ક્લોક ટાવર સિક્વન્સ જોશો તો રૂંવાડાં ઊભાં થઈ જશે. હેરોલ્ડ લોઇડે એવો જ એક જોખમી સ્ટન્ટ કરવા જતાં પોતાની આંગળીઓ ગુમાવેલી, તેમ છતાં હાથમાં મોજું પહેરીને પણ એવાં સ્ટન્ટ કરવાનું ચાલુ રાખેલું. આ બધાં સ્ટન્ટની વર્લ્ડ સિનેમાએ એટલી બધી કૉપીઓ મારી છે કે ગણાવતાં થાકીએ. ઇવન જૅકી ચૅન (પડતું છાપરું કે ક્લૉક ટાવર)થી લઇને ક્રિસ્ટોફર નોલાન (રોટેટિંગ હાઉસ, ફિલ્મઃ ‘ઇન્સેપ્શન’) જેવા સર્જકોએ બસ્ટર કીટનને અંજલિ પણ આપી છે. આ દિગ્ગજોની જેમ ચાર અમેરિકન ભાઇઓ ‘માર્ક્સ બ્રધર્સ’ પણ અત્યંત ફેમસ હતા. એમની ઈ.સ. ૧૯૩૩માં આવેલી સાઇલન્ટ કોમેડી ફિલ્મ ‘ડક સુપ’માં એક અરીસાવાળો સીન હતો, જે અરીસાની ગેરહાજરીમાં બે કલાકાર સામસામે ઊભીને એકસરખી રીતે વર્તતા હોય. એ સીનને દિલીપ કુમારની ‘કોહિનૂર’માં અને અમિતાભની ‘મર્દ’માં બેઠ્ઠા લઈ લેવામાં આવેલા.

 

ઈ.સ. ૧૯૨૭માં આવેલી ‘ધ જૅઝ સિંગર’ પછી ટૉકી એટલે કે બોલતી ફિલ્મોનો યુગ આવ્યો. એ પછી સાઇલન્ટ ફિલ્મો અને તેના સિતારાઓ પણ આથમી ગયેલા. ત્યારે આજના જમાનામાં કોઈ મૂંગી ફિલ્મ બનાવે ખરું? વેલ, છૂટાછવાયાં એક્ઝામ્પલ સામે આવતાં રહે છે. જેમ કે, આપણી ૧૯૮૮માં આવેલી કમલ હાસન સ્ટારર ‘પુષ્પક.’ સૌથી નોંધપાત્ર

20024873
પાંચ ઑસ્કર જીતી લાવેલી 2011ની સાઇલન્ટ ફિલ્મ ‘ધ આર્ટિસ્ટ’

ઉદાહરણ હોય તો ૨૦૧૧માં આવેલી ફ્રેન્ચ ફિલ્મ ‘ધ આર્ટિસ્ટ.’ ઈ.સ. ૧૯૨૭થી ૧૯૩૨ના ગાળામાં આકાર લેતી આ ફિલ્મમાં સાઇલન્ટ સિનેમામાંથી ટૉકી સિનેમાનું ટ્રાન્ઝિશન અને સમય સાથે બદલાવની અદભુત વાત કહેલી. એ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ કુલ દસ ઑસ્કર માટે નોમિનેટ થયેલી અને પાંચ અવૉર્ડ્સ જીતી લાવી હતી. શૉટ ટેકિંગ, એડિટિંગ, મ્યુઝિક, ઍક્ટિંગ જેવા દરેક પાસા માટે અચૂક જોવા જેવી એ ફિલ્મમાં હીરો ઝાં દુઝાર્દેંની સાથે એક્ટિંગમાં ટક્કર લીધેલી ઉગી નામના એક ક્યુટ ડૉગીએ. આજે હૉલીવુડ વૉક ઑફ ફેમમાં એ ડૉગીનો એક સ્ટાર પણ છે. બાય ધ વે, આપણે ભારતીય સિનેમાની પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ની પ્રિન્ટ કાયમ માટે ખોઈ નાખી છે એ જસ્ટ રડવા સારુ.

 

સાઇલન્ટ ફિલ્મો એટલે માત્ર કોમેડી ફિલ્મો એવી એક તદ્દન ખોટી છાપ છે. વર્લ્ડ સિનેમાના તખ્તા પર બનેલી મોસ્ટ ફેમસ ફિલ્મોનું માત્ર લિસ્ટ તપાસશો એટલે આ ભ્રમનો ભાંગીને પાઉડર થઈ જશે. ‘સનરાઇઝઃ ધ સોંગ ઑફ ટુ હ્યુમન્સ’ (૧૯૨૭) એકદમ મસ્ત લવસ્ટોરી હતી, જર્મન ફિલ્મો ‘નોસ્ફેરાતુ’ (૧૯૨૨) અને ‘કેબિનેટ ઑફ ડૉ. કેલિગરી’ ખોફનાક હોરર હતી, ‘મૅટ્રોપોલિસ’ સાયન્સ ફિક્શન, ‘ઇટ’ (૧૯૨૭) રોમકોમ હતી. લિસ્ટ લાંબું છે, જગ્યા ઓછી છે. જો આ સાઇલન્ટ ફિલ્મોનો ટેસ્ટ કરવાની ઇચ્છા થાય તો તે તમામ ‘યુટ્યૂબ’ પર છે જ.

પોતાના સ્ટન્ટ ગીતોની જેમ સ્ટેપ બાય સ્ટેપ કોરિયોગ્રાફ કરીને જાતે જ નિભાવતા બસ્ટર કીટન કે હેરોલ્ડ લોઇડ જેવા સાઇલન્ટ મુવી સ્ટાર્સની વાત આવે એટલે હોંગકોંગની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એકલે હાથે વર્લ્ડ મૅપ પર મૂકી દેનારા બે સ્ટાર બ્રુસ લી અને જૅકી ચૅનની વાત માંડ્યા વિના પણ ચાલે જ નહીં. લી અને ચૅન બંને સ્ટન્ટની બાબતમાં આમિર ખાન કરતાં હજાર ગણા વધારે પર્ફેક્શનિસ્ટ. ઈ.સ. ૧૯૭૩માં માત્ર ૩૨ જ વર્ષની ઉંમરે અવસાન પામેલા બ્રુસ લીની સૌથી પ્રસિદ્ધ ફિલ્મ ‘એન્ટર ધ ડ્રેગન’ એના મૃત્યુ પછી રિલીઝ થયેલી. બ્રુસ લીએ માર્શલ આર્ટ વિશે પોતાની ફિલોસોફી સમજાવવા ‘ગેમ ઑફ ડેથ’ નામની એક ફિલ્મ બનાવવી શરૂ કરેલી. પરંતુ તે કાયમ માટે અધૂરી જ રહી. એ ફિલ્મનો પ્રોડ્યુસર, ડિરેક્ટર, એક્ટર, સ્ટન્ટ કોરિયોગ્રાફર, રાઇટર બધું જ એ પોતે હતો. એ ફિલ્મનું મૅકિંગ સમજાવતી ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘બ્રુસ લીઃ અ વૉરિયર્સ જર્ની’ જોતાં સમજાય છે કે એણે એકદમ ડિટેઇલ્ડ નૉટ્સ બનાવીને ગ્રાફિક સાથે પોતાની ફિલ્મ ડિઝાઇન કરી હતી. લીએ એક જ વર્ષમાં હોંગ કોંગ ફિલ્મઉદ્યોગની કાયાપલટ કરી નાખેલી.

jackie-chan-my-stunts-1999એવું જ કામકાજ જૅકી ચૅનનું છે. બબ્બે પેઢીઓ ચૅનની ફિલ્મો જોઇને મોટી થઈ છે. પચાસ વર્ષમાં દોઢસો ફિલ્મો કરી ચૂકેલો જૅકી ચૅન પોતાનાં સ્ટન્ટ જાતે જ કરે છે એટલું જ નહીં, ફિલ્મમાં પણ એની સાથે પોતાની ટીમ હોય છે. સૌથી વધુ સ્ટન્ટ કરવા બદલ એનું નામ ‘ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ’માં પણ નોંધાયેલું છે. હાજર સો હથિયારની ટેક્નિકથી વિઝ્યુઅલ કોમેડીવાળી ફાઇટ કરતા ચૅનની ફાઇટિંગ સ્ટાઇલ અને આગળ કહ્યું તે બસ્ટર કીટનમાં ભારે સામ્યતા જોઈ શકાય છે. જૅકી ચૅન પોતાનાં સ્ટન્ટ કેવી રીતે ડિઝાઇન કરે છે એ જાણવું હોય, તો ‘માય સ્ટન્ટ્સ’ નામની સુપર ઇન્ટરેસ્ટિંગ ડૉક્યુમેન્ટરી ફિલ્મ વહેલી તકે જોઈ નાખો. બાય ધ વે, આઠ વર્ષ પહેલાં આવેલી અને લેબેનોન વૉર પર બનેલી ઇઝરાયેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘વૉલ્ટ્ઝ વિથ બશીરે’ દુનિયાને શીખવ્યું કે ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ એનિમેટેડ હોઈ શકે. લેબેનોનને આ ફિલ્મથી એવાં મરચાં લાગ્યાં કે એણે ફિલ્મ પર સમૂળગો પ્રતિબંધ મૂકી દીધો. એનિમેટેડ હોવા છતાં એ ફિલ્મનાં દૃશ્યો જોઇને આપણે ધ્રુજી ઊઠીએ.

***

આપણી ફિલ્મોનો એક મૅજર પ્રોબ્લેમ એ છે કે તે વાર્તા કે પાત્રોની આસપાસ નહીં, બલકે સ્ટારની ફરતે ગરબે રમ્યા કરે

battle_of_sevastopol_2015
રશિયન-યુક્રેનિયન‘બૅટલ ફોર સેવાસ્તોપોલ’

છે. એટલે જ ખરા સોના જેવી પરદેશી ફિલ્મો જોવાનું હવે સરળ બન્યું હોવા છતાં માંડ મુઠ્ઠીભર લોકો તેનો સ્વાદ માણે છે. બહુ પાછળ ન જઇએ અને છેલ્લાં થોડાં વર્ષમાં જ આવીને પોતાનાં પરચમ લહેરાવનારી ફિલ્મોની ક્વિક વાત કરીએ. આપણે હૉલીવુડની ‘અમેરિકન સ્નાઇપર’ના દીવાના છીએ, પરંતુ રશિયન-યુક્રેનિયન ફિલ્મ ‘બૅટલ ફોર સેવાસ્તોપોલ’ જોઇએ તો બીજા વિશ્વયુદ્ધની અને મોસ્ટ ડેન્જરસ રશિયન મહિલા સ્નાઇપરની ખોફનાક વાત જાણવા મળે. પ્રતિબંધોની વચ્ચે પિસાતી પાંચ ટીનએજ છોકરીઓની બળવાખોર વાત માંડતી ટર્કીશ ફિલ્મ ‘મસ્ટેન્ગ’ તો ગમે ત્યાંથી જોઈ નાખવા જેવી છે (‘મસ્ટેન્ગ’ એટલે ઊછળકૂદકરતો અલમસ્ત ઘોડો). સ્ત્રી સ્વાતંત્ર્યની વાત હળવાશથી છતાં જનોઈવઢ જેવી અસરકારક રીતે કહી શકાય તે આ ફિલ્મે દુનિયાને બતાવ્યું છે. આ ‘મસ્ટેન્ગ’ ફિલ્મ બનાવીને તેની મહિલા ડિરેક્ટર ડેનિઝ એર્ગુવેને તુર્કીના લોકોને સજ્જડ મેસેજ આપ્યો છે કે અત્યારની યુવતીઓ વિશેના તમારા ખ્યાલો બદલી નાખો એમાં જ ભલાઈ છે.

 

છેલ્લા એક દાયકાથી હિન્દી ફિલ્મમૅકર્સ દક્ષિણ કોરિયન ફિલ્મોમાંથી ઉઠાંતરી કરવાના રવાડે ચડ્યા છે. આમ તો મ્યુઝિક અને કલર્સની મદદથી સુપર સંવેદનશીલ સ્ટોરી કઈ રીતે કહી શકાય તે માટે કોરિયન ફિલ્મકાર વૉંગ કાર વાઈના નામના સિક્કા પડે છે. તેમ છતાં થોડાં વર્ષથી સહેજ પણ દયા-માયા વગરની અતિશય ક્રૂર હિંસા અને પ્યોર રોમેન્ટિક એવી મોટા ભાગની હિટ દક્ષિણ કોરિયન ફિલ્મોની રિમેક આપણે ત્યાં બની ચૂકી છે. હજી એ સિલસિલો ચાલુ જ છે.

માત્ર કોરિયન જ શું કામ, બે ઇન્ડોનેશિયન એક્શન ફિલ્મો વર્લ્ડ સિનેમાને નવો રાહ ચીંધી રહી છે. ‘ધ રેઇડઃ રિડેમ્પ્શન’ અને ‘રેઇડ-૨’ની ભારતીય રિમેક બનાવવા માટે આપણે ત્યાં ઝૂંટાઝૂંટ ચાલી રહી છે. સુપર્બ રીતે કોરિયોગ્રાફ થયેલી આ ફિલ્મની ફાઇટ સિક્વન્સ જોઇને આંખો પહોળી થાય, તો તેની ક્રૂરતા જોઇને આંખો મિંચાઈ જાય. વૉર હોય કે તેની હિંસા, ઑડિયન્સ તરીકે આપણે હજી ક્યાંય વધુ મૅચ્યોર થવાનું બાકી છે.

આ વૉર શબ્દ આવ્યો એટલે પાકિસ્તાન યાદ આવી ગયું. આટલાં વર્ષમાં આપણે પાકિસ્તાનને ધિક્કાર સિવાયનાં એકેય ચશ્માંમાંથી જોયું જ નથી. એટલે જ છેલ્લા એક દાયકામાં ઇસ્લામોફોબિયા, ટેરરિઝમ, કરપ્શન, સ્ત્રીઓની સ્થિતિ વગેરે વિષયો પર ત્યાં બનેલી એકદમ મૅચ્યોર ફિલ્મો વિશે પણ આપણે ત્યાં મુઠ્ઠીભર લોકો જ જાણે છે. જેમ કે, ‘ખુદા કે લિયે’માં 9/11 પછી વિશ્વમાં પ્રસરેલા ઇસ્લામોફોબિયાની વાત હતી, તો અને ‘બોલ’માં આપણેય હજી જેના વિશે વાત કરતા ડરીએ છીએ તેવા ટ્રાન્સજેન્ડરના વિષયને સ્પર્શવામાં આવ્યો હતો. અરે, ગયા વર્ષે આવેલી ‘મૂર’ (એટલે કે માતા) ફિલ્મ જોઇએ તો લાગે કે ગાંધીજીને આપણા કરતાં પાકિસ્તાનીઓએ વધુ આત્મસાત્ કર્યા છે. સ્ટ્રિંગ્સ ગ્રૂપના દિલકશ મ્યુઝિકથી ભરચક એ ફિલ્મનાં બલૂચિસ્તાનનાં લોકેશન પણ આંખ ઠારે એવાં છે. એ જ રીતે ત્રણ વર્ષ પહેલાંની ‘વાર’ ફિલ્મ જોઇને આપણા રામ ગોપાલ વર્માએ ટ્વીટ કરેલી કે, ‘મને થાય છે કે ફિલ્મો બનાવવાનું છોડીને આ વાર ફિલ્મના ડિરેક્ટરનો આસિસ્ટન્ટ બની જાઉં.’

વર્લ્ડ સિનેમાને ‘સમુરાઈ’ ફિલ્મોની ભેટ આપનારા જૅપનીઝ સિનેમાની વાત ન કરીએ તો આખી ચર્ચા જ નિરર્થક ઠરે. 9914_frontદિગ્ગજ જૅપનીઝ ફિલ્મ સર્જક અકિરા કુરોસાવાએ ‘ધ સેવન સમુરાઈ’ ફિલ્મ બનાવી તે આપણી ‘શોલે’ અને હૉલીવુડની ‘ધ મેગ્નિફિસન્ટ સેવન’નો પ્રેરણાસ્રોત બની, તે જગજાહેર વાત છે. પરંતુ અન્ય એક સર્જક યસુજિરો ઓઝુની ‘ટૉક્યો સ્ટોરી’માં આપણા ‘અવતાર’, ‘બાગબાન’ વગેરેનાં બીજ પડ્યાં છે. જોકે અત્યંત સંવેદનશીલ એવી ‘ટૉક્યો સ્ટોરી’ વધુ મૅચ્યોર છે અને વૃદ્ધ માતાપિતાની કફોડી સ્થિતિ માટે ક્યાંય સંતાનોને જવાબદાર ઠેરવતી નથી. જપાનની ચીલો ચાતરતી હોરર ફિલ્મોની તો હૉલીવુડ પણ રિમેક બનાવે છે. ફોર એક્ઝામ્પલ, ‘રિંગ’ સિરીઝની બે ફિલ્મો સ્ટોરી, લાઇટિંગ, મૅકઅપ, મ્યુઝિક વગેરે તમામ મુદ્દે ધોળે દિવસે પણ આપણને ડરાવવા માટે પૂરતી છે.

***

કોઈ ને કોઈ મુદ્દે ચીલો ચાતરતી ફિલ્મોની વાતો તો હરિકથાની જેમ અનંત છે. એકવાર તેના કામણના કળણમાં કેદ થઇએ પછી છટકવું નામુમકિન છે. ભાષા અને સ્ટારના મોહમાંથી છૂટીએ અને ઇન્ટરનેટનો કસ કાઢીને વર્લ્ડ સિનેમાની નમૂનેદાર ફિલ્મો જોવાની ટેવ પાડીએ તો ફિલ્મોના પ્રવાહોની રોમાંચક થ્રિલ રાઇડ માણી શકીએ અને આપણી થાળીમાં પિરસાતી હિન્દી ફિલ્મો પણ વિશ્વકક્ષાએ ક્યાં ઊભી છે તેય પામી શકીએ.

(Published in ‘Abhiyaan’ magazine)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

International Film Festival Of India (IFFI), 2015

મને આળસ આવી જાય અને સાવ રહી જાય તે પહેલાં આ વખતના IFFI એટલે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનાં મારાં ઑબ્ઝર્વેશન્સ અને મેં જોયેલી કેટલીક ફિલ્મોની વાત.

– આ વખતે ડેલિગેટ ફી ૩૦૦ રૂપિયાથી વધારીને સીધી ૧૦૦૦ કરી દેવાઈ. કદાચ તેને લીધે પણ ત્યાં આવેલા ડેલિગેટ્સની સંખ્યા પણ થોડી ઓછી દેખાતી હતી.

– ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા હોવા છતાં ૨૦૧૩ કરતાં આ વખતે ડેકોરેશનમાં પણ ખાસ્સી ઉદાસીનતા દેખાતી હતી. ઇવન ગોવાના લોકો પણ કહેતા હતા કે હવે તો ઇફ્ફી ક્યારે આવે છે અને ક્યારે જાય છે તે અમને જ ખબર પડતી નથી.

– મૅગી તો કેમ્પસમાંથી ગાયબ હતી, પણ હમણાં સુધી વીસેક રૂપિયામાં મળતાં ચા-કૉફી સીધાં ૬૦-૭૦થી શરૂ થતાં હતાં. જેની સામે એ જ કૅમ્પસમાં કિંગફિશરના સ્ટૉલમાંથી ૪૦ રૂપિયામાં બીયર મળી જાય. ટૂંકમાં ચા-કૉફીને બદલે દારૂ પીઓ!

– સવારે સાડા આઠ વાગ્યાથી શરૂ કરીને રાત્રે એક-દોઢ વાગ્યા સુધીના સમયગાળામાં અમે રોજની સરેરાશ છ ફિલ્મો જોઈ. કોઈ શૉર્ટફિલ્મ

We @ IFFI, 2015
We @ IFFI, 2015

હોય તો સંખ્યા વધી જાય. ૧૧:૩૦-૧૧:૪૫ના લેટનાઇટ શૉને બાદ કરતાં ઓલમોસ્ટ બધા જ શૉઝ હાઉસફુલ રહેતા હતા. ડૅલિગેટ્સને રોજની મૅક્સિમમ ત્રણ જ મુવી જોવા મળે. તેમ છતાં આંટાફેરામાં ટાઇમ બરબાદ કર્યા વિના ટિકિટ વિનાનાઓની ‘રશ ક્યૂ’માં વહેલાસર ઊભા રહી જાઓ તો તમને શક્ય તેટલી બધી જ ફિલ્મો જોવા મળી જાય.

– શિડ્યુલ તૈયાર કરનારાઓએ વખણાયેલી ફિલ્મોને નાનાં ઑડિટોરિયમ આપ્યાં, બીજી સારી ફિલ્મોની સામે ક્લૅશ થાય તે રીતે ગોઠવી અને રિપીટ શૉઝ પણ ન રાખ્યા. તેને લીધે પણ ઘણી મસ્ત ફિલ્મો જોવાની રહી ગઈ.

– આ વખતે એક જ ફિલ્મમાં એવું બન્યું કે ક્યૂમાં ઊભા રહેવા છતાં વારો ન આવ્યો હોય. તે હતી ફ્રેન્ચ ફિલ્મ ‘તાજ મહલ.’ મુંબઈ પરના ૨૬/૧૧ના હુમલામાં તાજ મહલ હૉટેલમાં એક યુવતી ફસાઈ જાય અને એને કેવા અનુભવ થાય તેની એકદમ ગ્રિપિંગ-હૉન્ટિંગ સ્ટોરી આ ફિલ્મમાં હતી. (આપણે રામુની ફિલ્મને બાદ કરતાં આ ઘટના પર એકેય સારી ફિલ્મ બનાવી શક્યા નથી એ જસ્ટ જાણ સારુ. રામુની ફિલ્મ પણ હુમલા પર નહીં, બલકે કસાબ પર હતી.)

– આખા ફેસ્ટમાં જોયેલી બેસ્ટંબેસ્ટ ફિલ્મ હતી ટર્કિશ ફિલ્મ ‘મશ્ટેંગ.’ મા-બાપ વિનાની અને કાકા-દાદીની સાથે રહેતી પાંચ ટીનએજર બહેનોની વાત. એમની તોફાન મસ્તી, બળવાખોર મિજાજ, સ્વતંત્રતાની ઝંખના, એમની વચ્ચેની કેમિસ્ટ્રી, સ્ત્રીઓને કેદ કરીને રાખવાની વાહિયાત રૂઢિચુસ્તતા સામે બંડ પોકારવાની આ ફિલ્મ એકેય તબક્કે પોતાની હાર્ટવૉર્મિંગનેસ અને હળવાશ ગુમાવતી નથી. આ ફિલ્મ પતી ત્યારે પહેલી વાર ઇફ્ફીમાં સળંગ તાળીઓ અને સીટીઓનો સિલસિલો જોયો. આ પાંચેય છોકરીઓને સહિયારો બેસ્ટ એક્ટર ફીમેલનો અવૉર્ડ મળ્યો. જો તમે આ ફિલ્મ જોયા વિના મરશો તો તમારા આત્માને શાંતિ નહીં મળે, જાવ શાપ આપ્યો!

– મારા મતે સેકન્ડ બૅસ્ટ ફિલ્મ એટલે પાકિસ્તાનની ‘મૂર’ (જેનું સ્ટેટસ અગાઉ મૂકી ગયો છું). મેં જોયેલી બેસ્ટ નોન-ઇંગ્લિશ ટ્રેન મુવી. મ્યુઝિક, મેસેજ, સિનેમેટોગ્રાફી, એક્ટિંગ, લોકેશન્સ બધું જ લાજવાબ. ભારતને ભાંડવાની તક હોવા છતાં કડવાશ ઘોળી નથી. ઉપરથી માતા-પત્ની-માશુકા ગાઇડિંગ સ્ટાર-ધ્રુવ તારો બની હોય તેવી આલા દરજ્જાની વાત પણ તેના કેન્દ્રસ્થાને છે.

– એ સિવાય એક મસ્ત ફિલ્મ હતી જૅપનીસ ‘સ્વીટ રેડ બીન પેસ્ટ.’ એક વૃદ્ધ સ્ત્રીના હાથમાં એવો જાદુ છે કે વર્લ્ડ બેસ્ટ સ્વીટ રેડ બીન પેસ્ટ બનાવી શકે છે, પણ એના એ જ હાથે એને નાનપણથી જ એકલવાયી બનાવી દીધી છે. ખોરાક સાથે વાત કરવાની, અબોલ પક્ષીઓનાં મન જાણવાની કુમાશ અને આપણી નિષ્ઠુરતાની ગલીઓમાંથી લઈ જતી આ ફિલ્મ પતે એટલે તમારે ગળે બાઝેલો ડુમો ઊતારવા પાણી પીવું પડે.

– ત્યારપછી મને ગમી ઇન્ડોનેશિયન ફિલ્મ ‘ફિલોસોફી કૉપી.’ આ યુથફુલ ફિલ્મની એકેએક ફ્રેમમાંથી કૉફીપ્રેમ છલકે છે. બાય ધ વે, આપણે ત્યાં ચાનું આટલું બધું ઉત્પાદન થાય છે, પણ ચાને કેન્દ્રમાં રાખીને કોઈ ઝક્કાસ ફિલ્મ બની છે ખરી?

– વધુ એક સુપર્બ ફિલ્મ ‘ધ સૅકન્ડ મધર.’ એક ફીમેલ સેલિબ્રિટીના ઘરની આધેડ કામવાળીની જુવાન દીકરી ત્યાં રહેવા આવે છે અને એનો બિનધાસ્ત એટિટ્યૂડ બધું ઉથલપાથલ કરી નાખે છે. સુપર્બ એક્ટિંગ, સ્ક્રિપ્ટ અને સોશ્યલ કમેન્ટ.

– જોઇને મોંમાંથી ‘વાહ! મસ્ત ફિલ્મ હતી!’ એવું નીકળી ગયું હોય તેવી અન્ય ફિલ્મો હતી બૅટલ ફોર સેવાસ્તોપોલ (અમેરિકન સ્નાઇપરનું એનાથીયે મસ્ત રશિયન ફીમેલ વર્ઝન), ફેન્સર (ભૂતપૂર્વ જર્મનોને ખતમ કરતા સોવિયેત રશિયનોની વચ્ચે પણ બાળકોને ફેન્સિંગ શીખવતા ટીચરની વાત કહેતી પૉલિશ ફિલ્મ), લૅન્ડ ઑફ માઇન (બીજા વિશ્વયુદ્ધ પછી જર્મન યુદ્ધકેદીઓ પાસે લાખો જીવતી લૅન્ડમાઇન ડિફ્યુઝ કરાવતા ડૅનિશ સૈનિકોની એકદમ હૉન્ટિંગ દાસ્તાન) {આ ત્રણેય ફિલ્મો ટ્રુ સ્ટોરી પરથી બનેલી છે}, ધ બ્રૅન્ડ ન્યુ ટેસ્ટામેન્ટ (ધારો કે ઇશ્વરની રચેલી દુનિયાની તમામ વાયડાઇઓ કોઈ દૂર કરી દે તો?), વર્જિન માઉન્ટેન (ચાલીસ વર્ષના મેન-ચાઇલ્ડની મસ્ત રોમકોમ), કોતી (ટ્રાન્સજેન્ડર બાળક સાથે આપણો સમાજ કેવી રીતે વર્તે છે એની વાત કહેતી મરાઠી ફિલ્મ), લાસ્ટ રીલ (આ કમ્બોડિયન મુવી ‘ફિલ્મ વિધિન ફિલ્મ’ છે. એક ફિલ્મની છેલ્લી રીલ ગાયબ છે અને તે રીલ પાછળ યુદ્ધનો અત્યંત ખોફનાક ઇતિહાસ છુપાયેલો છે), રેડિયોપેટ્ટી (એક દાદાને અચાનક કાનમાં જૂના જમાનાના રેડિયો પ્રોગ્રામ સંભળાવા લાગે છે. શું કામ?) વગેરે ઇત્યાદિ એટસેટરા.

– મારી લાખ ઇચ્છા છતાં ગૂંગા પહલવાન, ધ સાઇલન્સ (મરાઠી), વાઇલ્ડ ટેલ્સ, એમ્બ્રેસ ઑફ ધ સર્પન્ટ, ધ ડાર્ક હૉર્સ, ધ ક્લાન, નવાઝુદ્દીનની અનવર કા અજબ કિસ્સા, મારી ફિલ્મ અપ્રિશિયેશન કોર્સની ક્લાસમેટ નિહારિકા સિંઘની બંગાળી ફિલ્મ સોહરા બ્રિજ, સિનેમાવાલા (બંગાળી) હું જોઈ ન શક્યો. ગમે ત્યાંથી ખેલ તો પાડવાનો જ છું!

– એક ઑબ્ઝર્વેશનઃ ઘણી ફિલ્મોમાં હોમોસેક્સ્યુઆલિટીની થીમ/સબ થીમ હતી. જેમ કે, ડૅનિશ ગર્લ, કોતી, ડેમિમોન્ડ, બૅડ એજ્યુકેશન, આઇઝેન્સ્ટાઇન ઇન ગ્વાનાજુઆટો વગેરે. સામે પક્ષે આપણા દેશનો હોમોસેક્સ્યુઆલિટી તરફનો અભિગમ આપણે જાણીએ છીએ. દંભ?

– શંકર મહાદેવન અને એક્ટર સચિન જેના પ્રમોશન માટે ત્યાં આવેલા એવી તેમની અને સચિન પિલગાંવકરની એક્ટિંગવાળી મરાઠી ફિલ્મ ‘કટ્યાર કાળજાત ઘુસલી’ અત્યારે ચાલી રહી છે.

– એક થ્રીડી હાર્ડકોર ફ્રેન્ચ પૉર્ન ફિલ્મ ‘લવ’ જોવા માટે પ્રચંડ લાંબી લાઇનો લાગેલી. કાન ફિલ્મ ફેસ્ટિવલની જેમ જ આ ફિલ્મનો પણ અહીં રાત્રે બાર વાગ્યે ‘મિડનાઇટ મૅડનેસ’ સેગમેન્ટમાં શૉ હતો. ના, મેં હજુ નથી જોઈ!

– સંખ્યાબંધ ફિલ્મો ‘કાન’ અને ‘ટોરોન્ટો’ ફિલ્મ ફેસ્ટ્સમાં સિલેક્ટ થયેલી કે જીતેલી હતી. શૉર્ટકટ?

– પાર વિનાની ફિલ્મોમાં વર્લ્ડ વૉર, સિવિલ વૉર, કૉલ્ડ વૉરની જ પૃષ્ઠભૂ હતી.

– ઓલમોસ્ટ બધી જ ફિલ્મો બ્લુ રે ફોર્મેટમાં અને પલ્ઝ ઑડિયો સિસ્ટમથી રજૂ થતી હતી. તેની પિક્ચર ક્વૉલિટી, બ્રાઇટનેસ અને સાઉન્ડની ક્લૅરિટી જુઓ તો અહીંની પીવીઆર કે સિનેપોલિસ જેવી ચેઇન પણ પાની કમ ચાય લાગે!

– ઘણા લોકોને ફિલ્મ ફેસ્ટ અટેન્ડ કરવા એ કચરાપટ્ટી, સમય-પૈસાનો બગાડ, ગાંડપણ કે ફોગટની શૉબાજી લાગે છે. પરંતુ જેમને ખરેખર ફિલ્મો જોવાનું પૅશન હોય, હૉલીવુડ-બૉલીવુડની વાડાબંધીમાંથી બહાર નીકળીને માઇન્ડસૅટ બ્રોડ કરવા હોય, દેશ-વિદેશના સિનેફાઇલ્સ-સર્જકોને મળવું હોય એમણે સ્વાનુભવ માટે પણ એકવાર પૂરી શિસ્તથી સારી ક્વૉલિટીના ફિલ્મ ફેસ્ટિવલ અટેન્ડ કરવા જોઇએ.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Moor – Pakistan we never knew

હજી તો મારા ઇફ્ફી-ઓત્સવના ત્રીજા દિવસે પહોંચ્યો છું અને વન ઑફ ધ બેસ્ટ મુવીઝમાં મૂકી શકાય એવી સુપર્બ ફિલ્મ જોઈ છે, પાકિસ્તાનની ‘મૂર’. મૂર એટલે મધર-માતા. વાર્તા છે બ્લૂચિસ્તાનમાં કેવી રીતે ત્યાંની ભ્રષ્ટ સરકારે અંગ્રેજોના સમયની ટ્રેઈન સેવા ક્રમશઃ બંધ કરી દીધી અને બંધ પડેલી રેલવેની પ્રોપર્ટી વેચીને અમુક લુચ્ચાઓ માલદાર થઇ રહ્યા છે. પણ હજી અમુક જૂના સ્ટેશન માસ્ટરો પોતાની ફરજ પર તૈનાત છે.

પણ આટલું વાંચીને તમને આ ફિલ્મ કેટલી વિઝ્યુઅલી અને ઇમોશનલી રિચ છે તેનો ખ્યાલ નહીં આવે. આંખો પહોળી થઇ જાય એવા બર્ફીલા લેન્ડસ્કેપ અને સ્ટનિંગ સિનેમેટોગ્રાફી. પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે આ ફિલ્મનો મેસેજ. ફિલ્મના હીરો છેક છેલ્લે સુધી સચ્ચાઈનો, પ્રમાણિક્તાનો સાથ છોડતા નથી. આ ફિલ્મના ડિરેક્ટર જામી બહુ બોલ્ડલી બોલે છે કે આપણો દેશ પાકિસ્તાન ધીમે ધીમે ખતમ થઇ રહ્યો છે અને આપણા કરપ્ટ નેતાઓમાંથી મોટાભાગનાની પાસે ફેક ડિગ્રીઓ છે જેમને ગોડનો સ્પેલિંગ પણ લખતા નથી આવડતું. ક્લિયરલી, સચ્ચાઈ અને પ્રમાણિક્તાનો ઠેકો આપણે ઇન્ડિયનોએ જ નથી લઇ રાખ્યો. આપણે જેને એક જ આંખે જોવા ટેવાયેલા છીએ તે પાકિસ્તાનીઓ પણ ગાંધીજી જેવી વાત કરી શકે.

આ મુવી હજી રિલીઝ થયું છે કે નહીં એ તો ખબર નથી, પણ તક મળે તો જરાય ચૂકવા જેવું નથી. ત્યાં સુધી આ ફિલ્મનું સ્ટ્રીન્ગ્સ ગ્રુપનું એકદમ મસ્ત મ્યુઝિક તો સાંભળી જ શકો! સાંભળવાની ઇચ્છા થાય તો આ રહી લિંકઃ

http://www.saavn.com/s/album/urdu/Moor-2015/UKTLPxVm5Tc_

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.