બૅન્ક ચોર

ચોર કરે બોર

***

કોમેડીનું ટ્રેલર બતાવીને થ્રિલર પકડાવી દેનારી આ ફિલ્મમાં નથી સરખી કોમેડી કે નથી ઠેકાણાસરનું થ્રિલ.

***

bankchor-2કુંદન શાહની કલ્ટ કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યારો’ના ક્લાઇમેક્સનો ‘મહાભારત’વાળો સીન યાદ છે? સ્ટેજ પર ‘મહાભારત’નું નાટક ભજવાતું હોય અને દર થોડી વારે નવાં નવાં પાત્રોની ઍન્ટ્રી થયા કરે. ગરબડ-ગોટાળા અને એવા ભવાડા થાય કે સિંહાસન પર બિરાજેલા ધૃતરાષ્ટ્ર બિચારા દર થોડીવારે બોલ્યા કરે, ‘યે સબ ક્યા હો રહા હૈ?’ ડિટ્ટો એવી જ સ્થિતિ આ ફિલ્મ ‘બૅન્ક ચોર’ જોતી વખતે થાય છે. એક તો ટ્રેલરમાં આપણને બતાવવામાં આવેલું કે આ ફિલ્મ આઉટ એન્ડ આઉટ કોમેડી ઑફ ઍરર્સ હશે. ડબલ મીનિંગ ટાઇટલ પરથી એવી પણ બીક હતી કે આ ફિલ્મ અશ્લીલ જોક્સની ભરમાર ધરાવતી પણ હોઈ શકે. લેકિન નો. આ ફિલ્મ બેમાંથી કશું જ નથી. સ્ટાર્ટિંગની થોડીવાર પછી આ ફિલ્મ એક સિરિયસ ક્રાઇમ થ્રિલરમાં કન્વર્ટ થઈ જાય છે અને આપણું માથું ચૂલા પર મૂકેલા પ્રેશર કૂકરમાં, જે ગમે ત્યારે ફાટી શકે છે.

બૅન્કનું નહીં, બુદ્ધિનું ઊઠમણું

ચંપક ચંદ્રકાંત ચિપલુણકર (રિતેશ દેશમુખ) નામનો મરાઠી માણુસ પોતાના બે ભાડુતી સાગરિતો સાથે એક બૅન્કમાં ઘૂસે છે. ઘોડા અને હાથીના માસ્ક પહેરીને આવેલા આ ત્રણેય વાસ્તવમાં બુદ્ધિના બળદિયા છે. એટલે બૅન્ક લૂંટવામાં લોચા પર લોચા મારે છે. બહાર મીડિયા, પોલીસ, CBIનું ‘પીપલી લાઇવ’ શરૂ થઈ જાય છે. બૅન્કમાં ધાડ પડ્યાના સમાચાર સાંભળીને રાજ્યના ગૃહ મંત્રીની પણ હવા ટાઇટ થઈ જાય છે. ગભરાયેલા ચોરલોકો નક્કી કરે છે કે ચૂલામાં ગઈ બૅન્ક રોબરી, પતલી ગલી સે છટકો અહીંથી. બહાર CBI ઑફિસર અમજદ ખાન (વિવેક ઓબેરોય) મૂછો મરડતો રહી જાય છે અને બૅન્કનું ઑપરેશન પાર પણ પડી જાય છે. બટ વેઇટ. બૅન્કમાંથી શું ચોરાયું? કોણે ચોર્યું? કેવી રીતે ચોરાયું? શા માટે ચોરાયું? જો તમારું દિમાગ ચોરાયું નહીં હોય તો ફિલ્મના અંતે આવતા ટ્વિસ્ટમાં આ સવાલોના જવાબ મળી જશે.

બમ્પી રાઇડ

આ ફિલ્મના ડિરેક્ટરનું નામ બમ્પી છે. એમના નામ કરતાં ક્યાંય વધુ બમ્પ આ ફિલ્મમાં છે અને એમાં જ ફિલ્મ ક્યાંય આગળ વધતી નથી. ફિલ્મની શરૂઆત ટિપિકલ ગૂફી કોમેડીથી અને સીધી બૅન્ક રોબરીથી જ થાય છે. બૅન્કનું નામ ‘બૅન્ક ઑફ ઇન્ડિયન્સ’ છે. ત્રણમાંથી બે ચોર દિલ્હી-NCRના છે અને એક ચોર બમ્બૈયા મરાઠી છે. ત્રણેય વચ્ચે સતત દિલ્હી વર્સસ મુંબઈ અને ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ની ‘માયા સારાભાઈ’ની સ્ટાઇલમાં ‘ફરિદાબાદ વર્સસ ગાઝિયાબાદ’ની નોકઝોક ચાલે છે. એક તબક્કે એ લોકો મુંબઈમાં આઉટસાઇડરો પર થતા હુમલાના મુદ્દે પણ સળી કરી લે છે. એકેય બૅન્ક લૂંટારૂની ગનમાં સરખી ગોળીઓ નથી, તો એક ચોર વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં માને છે. બૅન્કમાં બંધક બનાવાયેલા લોકોમાં બાબા સેહગલ પણ છે, એઝ હિમસેલ્ફ. એ પોતાની સ્ટાઇલમાં રૅપ સોંગ પણ ગાય છે અને અત્યારના ‘યો યો’ કરતા ગાયકોની પટ્ટી પણ ઉતારે છે. બહાર સતત મૂછે તાવ દીધે રાખતા CBI ઑફિસર અમજદ ખાનને પુછાય છે, ‘કિતને આદમી થે?’ હાઈ હીલ અને વધુ પડતું લૉ કટ ટૉપ પહેરીને રિપોર્ટિંગ કરતી ન્યુઝ ચૅનલની રિપોર્ટરનું નામ છે ગાયત્રી ગાંગુલી, જે પોતાને ‘ગાગા’ (એઝ ઇન લૅડી ગાગા) તરીકે ઓળખાવે છે. એનો રોલ મૉડલ છે ‘આર્ગો’ યાને કે અર્નબ ગોસ્વામી.

એટલું સ્વીકારવું પડે કે શરૂઆતની આ સિક્વન્સીસ આપણને હસાવે છે. આપણા મગજમાં સિતારના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે આપણને એવાય વિચારો આવવા માંડે કે જો આમ જ ચાલતું રહ્યું તો આ ફિલ્મ હૉલિવૂડની ‘ડૉગ ડે આફ્ટરનૂન’ જેવી સિરિયસ ફિલ્મની મસ્ત સ્પૂફ બની શકશે. ત્યાં જ ડિરેક્ટર બમ્પી એક બમ્પ લાવે છે. ફિલ્મમાં એક ભ્રષ્ટ નેતા (ઉપેન્દ્ર લિમયે) અને સાહિલ વૈદ્યની એન્ટ્રી થાય છે. ‘હમ્પ્ટી શર્મા’ અને ‘બદ્રીનાથ’ની દુલ્હનિયાઓમાં વરુણ ધવનનો ભાઇબંધ બનનારો સાહિલ અહીં વાળને બદલે દાઢી વધારીને આવ્યો છે. ઉપરથી કોમેડીને બદલે ગુંડાગીરી કરે છે. એ સાથે જ ફિલ્મ પ્યોર ક્રાઇમ થ્રિલરની ગલીમાં ઘૂસી જાય છે. લિટરલી કોઈ ભળતી સ્ક્રિપ્ટનાં પાનાં પર ભૂલથી શૂટિંગ થઈ ગયું હોય એવો ની જર્ક ટર્ન છે આ.

વધુ ઇરિટેશનની વાત એ છે કે ફિલ્મની સ્ટોરી આગળ વધવાને બદલે સીન બૅન્કની અંદર ને બહાર શટલકૉક થયા કરે છે. અને આપણે અગેઇન, ‘અરે ભાઈ, યે ક્યા હો રહા હૈ?’ નો ડાઉટ, સાહિલ વૈદ્ય એકદમ કૉન્ફિડન્સથી પોતાનો નેગેટિવ રોલ ભજવે છે, પરંતુ ફિલ્મના વચ્ચેના પોર્શનમાં એ એટલો બધો છવાઈ જાય છે કે રિતેશ દેશમુખ રીતસર સાઇડમાં ધકેલાઈ જાય છે. ફિલ્મનો સબપ્લોટ એવો કન્ફ્યુઝિંગ છે કે શું એક્ઝેક્ટ્લી શું થઈ રહ્યું છે, કોણ કોના માટે કામ કરે છે અને કોણ શું ચોરવા આવ્યું છે તે સમજાવવા માટે એક અલગ ગાઇડ બહાર પાડવી પડે.

પડદા પર થ્રિલ કે કોમેડી બંનેના અભાવે આપણું મન વિચારે ચડી જાય છે કે, રેગ્યુલર બૅન્ક રોબરીના કૅસમાં CBI શું કરે છે? અને CBI ક્યારથી મૌકા-એ-વારદાત પર ભડાકા કરવા માંડી? (જોકે, હવે CBIનો KRA બદલાયો છે એટલે હોઈ શકે કદાચ.) એક બાહોશ ગણાતો CBI ઑફિસર TV રિપોર્ટર પાસેથી હોસ્ટેજ ક્રાઇસિસ સોલ્વ કરવાની ટિપ્સ લે? જાણીતી ન્યુઝ ચૅનલ પર કોઇપણ વ્યક્તિ આવીને રિપોર્ટિંગ કરી જાય અને કોઇને ખબર પણ ન પડે? CBIવાળા બિનધાસ્ત કોઇપણ નેતા પર મીડિયા સમક્ષ આરોપ મૂકી શકે? મીડિયા પર્સનને ક્રાઇમ સીનમાં ઘુસાડી શકે? ગુનેગાર કોણ છે તે કોઇનેય છેક સુધી ખબર પણ ન પડે? બાબા સેહગલ હસાવતો હોવા છતાં શા માટે એને અધવચ્ચેથી જ વિદાય કરી દેવાયો?

આવા સવાલો અને ફિલ્મના લોજિક વિશે ચિંતન કરતા બેઠા હોઇએ ત્યારે જ ડિરેક્ટર વધુ એક બમ્પ લઈ આવે, ‘ટ્વિસ્ટ ઍન્ડિંગ’. રાઇટર લોગની મહત્ત્વાકાંક્ષા તમે જુઓ કે ટ્વિસ્ટ પણ સીધો હૉલિવૂડની ‘યુઝવલ સસ્પેક્ટ્સ’ કે ‘નાઉ યુ સી મી’ જેવી સુપર સ્માર્ટ ક્રાઇમ ફિલ્મોની યાદ અપાવે તેવો. એ ટ્વિસ્ટ જોઇને આપણા ચહેરા પર વધુ એક સ્મિત આવે. ત્યાં જ ટ્વિસ્ટની સમજૂતિ જોઇને ફરી પાછા કેટલાક સવાલો થવા માંડે. એ જ વખતે આપણા સદનસીબે ફિલ્મ પૂરી જાહેર કરી દેવામાં આવે અને આપણે પણ ફિલ્મના બંધકોની જેમ સહી સલામત બહાર આવી જઇએ, વેલ ઑલમોસ્ટ.

આખિર ક્યોં?

‘નેશન વૉન્ટ્સ ટુ નૉ’ જેવા સવાલ તો એ પણ છે કે શા માટે કરોડોના ખર્ચે આવી બાલિશ ફિલ્મો બને છે? અને શા માટે રિતેશ જેવો ટેલેન્ટેડ એક્ટર આવી વાહિયાત ફિલ્મોમાં પોતાની ટેલેન્ટ વેડફે છે? જોકે રાઇટિંગ ઑન ધ વૉલ ક્લિયર છે કે આ ફિલ્મથી સલામત અંતર જાળવવું. જોવી જ હોય તો ભવિષ્યમાં જ્યારે ટેલિવિઝન પર કે ઑનલાઇન જોવા મળે ત્યારે ગિલ્ટી પ્લેઝરના ભાગરૂપે જોઈ શકાય, પોતાના હિસાબે ને જોખમે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ક્રિશ-૩

ક્રિશ ભેળપુરી સેન્ટર!

***

ક્રિશ-3ની સ્પેશિયલ ઇફેક્ટ્સ સુપર્બ હોવા છતાં એ હોલિવૂડની સુપરહીરો મુવીઝની ભેળપુરી જ છે.

***

krrish-3‘ભાઈ, એક પ્લેટ ભેળપુરી આપજો.’

‘કઇ ફ્લેવરની આપું? અમારી પાસે બહુ બધી ફ્લેવર છે. જેમ કે, સુપરમેન ભેળપુરી, સ્પાઇડર મેન, આયર્નમેન, વુલ્વરિન, એક્સમેન, ટર્મિનેટર, ઇન્ક્રેડિબલ્સ, મેન ઇન બ્લેક, ડ્રેક્યુલા ભેળપુરી વગેરે. ઇવન શક્તિમાન, મોગેમ્બો, મનમોહન દેસાઈ વગેરે જેવી દેશી ફ્લેવર પણ છે. બોલો તમારે આમાંથી કઇ જોઇએ?’

‘અને આ ક્રિશ ફ્લેવર શું છે?‘

‘એ ક્રિશ સાહેબ આ બધી જ ફ્લેવરનું કોમ્બિનેશન છે! એમાં તમને આ બધી જ ફ્લેવર્સનો જરા જરા ટેસ્ટ આવશે!’

‘બસ, તો આપણને એ જ આપોને, ભૈસા’બ!’

પ્રિક્વલ સે સિક્વલ તક

કોઇ ટીવી સિરિયલની જેમ ક્રિશ-3 પણ આગળની બંને ફિલ્મોની સ્ટોરીના રિકેપથી શરૂ થાય છે. બચ્ચન સાહેબના અવાજમાં સંભળાતો આ રિકેપ આપણને વર્તમાનમાં લાવે છે અને ક્રિશ-3ની વાર્તાનાં મંડાણ કરે છે. અત્યારે પાપા રિતિક (રોહિત મેહરા, જાદૂ-ધ એલિયન ફેઇમ), બેટો રિતિક (ક્રિશ્ના/ક્રિશ) અને એની ધર્મપત્ની પ્રિયા (પ્રિયંકા ચોપરા) ત્રણેય મુંબઇમાં રહે છે. પાપા રિતિક જાતભાતની રિસર્ચ કરે છે, બેટો ક્રિશ્ના જરૂરિયાતના સમયે ક્રિશનો માસ્ક પહેરીને સુપરહીરોગીરી કરે છે અને બાકીના સમયમાં એ નોકરીઓ બદલતો રહે છે. પ્રિયંકા ચોપરા આ બંને માટે રસોઇ-પાણીની વ્યવસ્થા કરે છે અને આજતક ચેનલમાં ન્યૂઝ એન્કરિંગ કરે છે.

પછી થાય છે વિલનની એન્ટ્રી. ‘કાલ’ (વિવેક ઓબેરોય) મૂળે એક એવિલ સાયન્ટિસ્ટ અને ફાર્માસ્યુટિકલ કંપનીનો માલિક છે, જેનું ગરદનથી નીચેનું આખું શરીર પેરેલાઇઝ્ડ છે, માત્ર બંને હાથની એક એક આંગળીઓ સિવાય. પરંતુ નાનપણથી એનામાં ટેલિકાઇનેસિસ નામની એવી શક્તિ છે જેના થકી એ માત્ર મગજની તાકાતથી આસપાસની કોઇપણ ભારેખમ વસ્તુ ઊંચકીને ભાંગીને ભુક્કો કરી શકે છે. કાલનું સપનું એવું કે આખી દુનિયા પર આપણું રાજ ચાલવું જોઇએ. એટલે એ જિનેટિક્સના જાતભાતના પ્રયોગો કરીને મ્યુટન્ટ પ્રકારના માનવદેહધારી સજીવો તૈયાર કરે છે. જેનું શરીર માણસનું અને લખ્ખણો બધાં જાનવરોના. એને એ ‘માનવર’ તરીકે ઓળખે છે. કાલના પોતાના લોહી અને કાચિંડાના લોહીમાંથી એણે આવી જ એક મ્યુટન્ટ ‘કાયા’ (કંગના રણૌત)નું નિર્માણ કર્યું છે, જે કોઇપણ રૂપ ધારણ કરી શકે છે અને ગમે તેની આરપાર નીકળી શકે છે.

કાલ પોતાના ડીએનએ અને અન્ય સાયન્ટિસ્ટોની મદદથી એવો જીવલેણ વાઇરસ તૈયાર કરે છે, જે શરીરમાં પ્રવેશતાં જ માણસ થોડી મિનિટોમાં મૃત્યુ પામે. એ વાઇરસ એ પહેલાં નામિબિયામાં ફેલાવે છે. પછી એ જ વાઇરસનો એન્ટિડોટ વેચીને અબજો રૂપિયા કમાય છે. ત્યાર પછી એનું ટાર્ગેટ આવે છે ઈન્ડિયા. આપણા મુંબઇમાં એનાં માનવરો ત્રાટકે છે અને વાઇરસ ફેલાવાનું શરૂ કરી દે છે. હવે આપણા સુપરહીરો હરકતમાં આવે છે. પાપા રિતિક એ વાઇરસનું મારણ તૈયાર કરી લે છે અને મુંબઇગરાઓનો જીવ બચાવી લે છે. ત્યાં જ એને ખબર પડે છે કે એ કાલ અને પોતાના ડીએનએ સમાન છે.

પોતાના વાઇરસને આ રીતે નાકામ કરી દેતા બાપ-બેટાને સબક શિખવવા માટે કાલ નવી સ્ટ્રેટેજી અપનાવે છે અને ત્યાં જ એક ચોંકાવનારું સત્ય બહાર આવે છે. પછી બિલ્ડિંગો તોડી નાખે એવી ફાઇટિંગ અને ક્રિશ-4 બનાવવાના છે એવા સંકેત સાથે ફિલ્મનાં પાટિયાં પડી જાય છે!

પેકેજિંગ વિદેશી, માલ દેશી

આપણા બોલિવૂડના ફિલ્મ મેકર્સ સુપરહીરો, સાયન્સ ફિક્શન મુવી બનાવે તો પણ હોલિવૂડથી આગળ કશું વિચારી જ ન શકે. ક્રિશ-3ના રાઇટિંગ ડિપાર્ટમેન્ટમાં છ વ્યક્તિઓનાં નામ છે, પણ અહીં ઝાઝા રસોઇયાઓએ અલગ અલગ ફિલ્મોમાંથી આઇડિયા ઉઠાવીને એક ફિલ્મમાં પરોવવાનું જ કામ કર્યું હોય એવું લાગે છે. ધ્યાનથી જોઇએ તો ક્રિશ-3 હોલિવૂડની સંખ્યાબંધ સુપરહીરો મુવીઝની ભેળપુરી હોવાનું ચોખ્ખું પરખાઇ આવે છે. આપણો ક્રિશ સુપરમેન અને સ્પાઇડરમેનની દેશી આવૃત્તિ છે. તો કાલનો લોખંડી સૂટ આયર્નમેનની યાદ અપાવે છે. તો એનો મેકઅપ ડ્રેક્યુલા જેવો છે. (પેરેલાઇઝ્ડ કાલનું પાત્ર સુપરહીરોના એક્ટર ક્રિસ્ટોફર રીવની રિયલ લાઇફ સ્ટોરી જેવું લાગે છે.) કંગના રણૌતનો ગેટઅપ લારા ક્રોફ્ટ જેવો છે. વિવિધ મ્યુટન્ટ્સ ક્યાંક ને ક્યાંક વુલ્વરિન, ટર્મિનેટર અને મેન ઇન બ્લેકથી ઇન્સ્પાયર્ડ છે. આપણા ક્રિશમાં સુપરહીરો હોવું એ વારસાગત છે, તો હોલિવૂડમાં આવું જ લક્ષણ એનિમેટેડ સુપરહીરો મુવી ધ ઇન્ક્રેડિબલ્સમાં હતું. ક્યાંક ક્યાંક ક્રિશ પેલા શક્તિમાન (મુકેશ ખન્ના ફેઇમ) જેવો લાગે છે.

હજી આટલી પ્રેરણા ઓછી ન હોય એમ મનમોહન દેસાઇના જેવી બાળપણમાં વિખુટા પડી ગયેલા બે ભાઇઓની સ્ટોરી પણ અહીં ઘુસાડવામાં આવી છે. એટલું જ નહીં, સુપરહીરો મુવીનો સુપર વિલન હોય તો પણ એ બમ્બૈયા હોવાને નાતે હિરોઇન અને હીરોના બાપને કિડનેપ કરવાનું તો ન જ ભૂલે. આ ફિલ્મનું સૌથી મોટું ટાર્ગેટ ઓડિયન્સ બાળકો છે અને અત્યારનાં બાળકો હોલિવૂડની સુપરહીરો મુવીઝથી સુપેરે વાકેફ હોય છે. લોચો એ છે કે આ ફિલ્મ એમના માટે પણ પ્રીડિક્ટેબલ છે.

ક્રિશ-3માં બીજો પ્રોબ્લેમ એ છે કે તે ઓવર સિમ્પ્લિસ્ટિક અને બહુ ધીમી છે. જ્યારે તમે સાઇ-ફાઇ મુવી બનાવી રહ્યા હો ત્યારે તમારે જે તે પ્રોડક્ટને સમજાવવા માટે સાયન્સની થિયરીનો આધાર લેવો પડે. મેગી નૂડલ્સ બનાવવાની ઝડપે વાઇરસ શોધાઇ જાય અને એટલી જ સ્પીડે એનો એન્ટિડોટ પણ શોધાઇ જાય એ અત્યંત સિમ્પ્લિસ્ટિક અપ્રોચ થયો. મેટ્રિક્સ અને ઇન્સેપ્શન જેવી અઘરી ફિલ્મો જોતી આપણી પબ્લિક એવી સાયન્ટિફિક થિયરીઓ જોઇને બગાસાં ખાવા માંડશે એવો ભય રાખવો નકામો છે.

ખર્ચો કાઢવા માટે આપણી ફિલ્મોમાં વિવિધ પ્રોડક્ટ્સની સ્પોન્સરશિપ લેવાનો અને ફિલ્મમાં તેને પ્રોમિનન્ટ્લી બતાવવાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે ફિલ્મમાં સ્ટોરી કરતાં પ્રોડક્ટ્સ વધારે દેખાય છે. અહીં પણ એ જ ત્રાસ થયો છે. ગંજીથી લઇને હોસ્પિટલ સુધીની બ્રાન્ડ્સની અહીં ભરમાર છે. અધૂરામાં પૂરું આ સ્પોન્સરશિપ જસ્ટિફાય કરવાની હોય એ રીતે ફિલ્મની સિક્વન્સિસ પણ એ પ્રોડક્ટ્સને ધ્યાનમાં રાખીને જ ડિઝાઇન કરવામાં આવી છે. જે સરવાળે ફિલ્મની ગંભીરતાને ગંભીર નુકસાન પહોંચાડે છે.

ક્રિશ-3માં માત્ર ત્રણ જ ગીતો છે, પણ કાકા રાજેશ રોશનનું સંગીત એટલું કંગાળ છે કે ફિલ્મની ગતિ તોડે છે અને માથામાં દુખાવો કરી મૂકે છે! અભિનય ડિપાર્ટમેન્ટમાં રિતિક જ રિતિક છે. બાકી બધાં કલાકારોના ભાગે પોતાના કેરેક્ટરને ન્યાય આપવા સિવાય ઝાઝું કશું આવ્યું નથી. હા, કાલ બનતા વિવેક ઓબેરોયની એક્ટિંગ (એના પ્રમાણમાં!) પ્રભાવશાળી છે, પણ એ ખોફનાક લાગતો નથી. બલકે એને જોઇને ડ્રેક્યુલા અને મોગેમ્બોની યાદ આવી જાય છે. અસલી સુપરહીરોએ વાસ્તવિક જિંદગીમાં પોતાની ઓળખ છુપાવીને રાખવી પડે છે એ કોન્ફ્લિક્ટની સ્પાઇડર મેનની થિયરી પણ અહીં ખૂલીને બહાર નથી આવી. ગુડ વર્સિસ એવિલનો ટચ પણ ઉપરછલ્લો જ લાગે છે.

તેમ છતાં

એવું નથી કે ફિલ્મ સાવ બોરિંગ કે ભંગાર છે. ફિલ્મની સ્પેશિયલ ઇફેક્ટ્સ સુપર્બ છે. ઓલમોસ્ટ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સની છે. એક્શન સિક્વન્સિસ પણ સરસ છે (એક સીનમાં તો મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટિલા’ પણ તૂટતું બતાવાયું છે!). ફિલ્મની પેસ સ્લો છે, પણ એ રસ જાળવી રાખે છે. ક્રિશ ઊંચે ઊભો હોય ત્યારના પેનોરામિક વ્યૂઝ સ્પાઇડર મેનની યાદ અપાવે છે, પણ ભવ્ય લાગે છે. ક્રિશ-3માં આંખો પહોળી કરી દે તેવું ઓરિજિનલ કશું જ નથી. આના કરતાં કોઇ મિલ ગયા અને ક્રિશ ક્યાંય સારી હતી. તેમ છતાં, ફિલ્મ બોર કરતી નથી. સાફસૂથરી ફિલ્મ હોવાને લીધે અને દિવાળીના તહેવારોને કારણે વકરો તો જબરદસ્ત કરશે જ. ફિલ્મના એન્ડ પરથી ખબર પડે છે કે હજી ક્રિશ-4 પણ આવવાની જ છે. આશા રાખીએ કે ‘રોશન એન્ડ રોશન કંપની’ આગામી ફિલ્મમાં સ્ટોરી ડિપાર્ટમેન્ટમાં વધારે મહેનત કરશે અને કશુંક ઓરિજિનલ લઇને આવશે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.