ક્યા દિલ્લી ક્યા લાહોર

ફીલિંગ સાચી, પણ ફિલ્મ કાચી

***

માત્ર પ્યાદાં બનીને રહી જતા બે સૈનિકોની વાત કહેતી આ ફિલ્મનો મેસેજ છે કે યુદ્ધથી કોઈનું કલ્યાણ થતું નથી.

***

kya-dilli-kya-lahore-songsભારતના ઈતિહાસનું સૌથી લોહિયાળ પ્રકરણ એટલે 1947ના ભાગલા. રાતોરાત બે દેશો વચ્ચે સરહદ ઊભી થઈ ગઈ. એક તરફ હિન્દુસ્તાન અને બીજી તરફ પાકિસ્તાન. એ સાથે જ બંને બાજુએ લાખો નિર્દોષોની હત્યાનો સિલસિલો ચાલ્યો. ભાગલાની એ પીડાને ખુશવંત સિંઘ, મન્ટો, ઈસ્મત ચુગતાઈ, ગુલઝાર જેવા સર્જકોએ સુપેરે વ્યક્ત કરી છે. ગુલઝારની ભાગલાની વાતને બખુબી બયાન કરતી પંક્તિઓથી શરૂ થતી ફિલ્મ ‘ક્યા દિલ્લી ક્યા લાહોર’નું હૈયું સાબૂત છે, લાગણીઓ નક્કર છે, પરંતુ કોઈ ટ્વિસ્ટ વિનાની એકધારી ચાલતી ફિલ્મ અંતે કંટાળો આપે છે.

67 વર્ષ જૂનો ઘા

વર્ષઃ 1948. સ્થળઃ નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયરનો સરહદી વિસ્તાર. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભીષણ ગોળીબારમાં બંને તરફ માત્ર બે જ સૈનિકો સહીસલામત બચ્યા છે. પાકિસ્તાની સૈનિકને એનો ઓફિસર હુકમ કરે છે કે ભારતની સરહદી ચોકીમાં ઘુસીને દિલ્હીથી લાહોર સુધી ખોદાનારી એક સુરંગનો નકશો લઈને આવ, નહીંતર તને ગદ્દાર સાબિત કરી દઈશ. વખાનો માર્યો એ પાકિસ્તાની સૈનિક રહેમત અલી (વિજય રાઝ) ભારતની ચોકી પાસે આવે છે. ત્યાં પણ માત્ર સૈન્યનો રસોઈયો સમર્થ પ્રતાપ શાસ્ત્રી (મનુ રિશી) જ બચ્યો છે. બંને વચ્ચે બંદૂકની ભાષામાં શરૂ થયેલી વાતચીત ગાળોની ભાષામાંથી આગળ વધીને તૂતૂ મૈંમૈંની બોલીમાં અને પછી પ્રેમ-દોસ્તીની ભાષામાં પરિણમે છે. વાત આગળ વધે છે ત્યારે ખબર પડે છે કે પાકિસ્તાનનો સૈનિક તો ત્રણ દાયકાથી દિલ્લીમાં રહેતો હતો. જ્યારે ભારતીય સૈનિકનું ઘર હજી આજની તારીખે પણ લાહોરમાં છે. બે દેશ વચ્ચે કોઈ ખૂફિયા સુરંગ બને છે કે કેમ એ તો ખબર નથી, પણ ભાગલાનો શિકાર બનેલા લોકોની પીડા સરહદની બંને બાજુએ સરખી જ છે. પાકિસ્તાન ગયેલા મુસલમાનોને ‘મુહાજિર’ કહીને ઉતારી પાડવામાં આવ્યા, તો ત્યાંથી અહીં આવેલા હિન્દુઓને ‘રેફ્યુજી’ કહીને બાજુએ બેસાડી દેવામાં આવ્યા. આ પીડા લઈને જ તમે હૉલમાંથી બહાર નીકળો છો.

વાત સાચી, પણ સમય?

ક્યા દિલ્લી ક્યા લાહોરમાં ગણીને ચાર જ પાત્રો છે. એમાંય ફિલ્મની મોટા ભાગની વાર્તા તો બે મુખ્ય પાત્રોની આસપાસ જ ફર્યા કરે છે. ફિલ્મમાં એક પણ ફીમેલ કેરેક્ટર નથી. વળી, લગભગ આખી ફિલ્મ ઘટના આધારિત નહીં, બલકે સંવાદો આધારિત છે. માત્ર બે જ દિવસના સમયગાળામાં આકાર લેતી સમગ્ર ફિલ્મ ભારતની એક ચોકીના જ લોકેશન પર છે. આ બધાને કારણે આપણે ફિલ્મને બદલે કોઈ નાટક જોતા હોઈએ એવી ફીલ આવે છે.

ઉમદા અદાકાર વિજય રાઝ બોલિવૂડના કદાચ સૌથી અંડરરેટડ એક્ટર્સમાંના એક છે. એમણે આ વખતે એક્ટિંગ ઉપરાંત ડિરેક્શનનું સુકાન પણ સંભાળ્યું છે. જ્યારે એમની સાથે ભારતીય સેનાના રસોઈયાના પાત્રમાં ડાયલોગ રાઈટર મનુ રિશી છે, જેમણે અગાઉ ઓયે લક્કી લક્કી ઓયેના ડાયલોગ્સ લખવા માટે ફિલ્મફેર અને આઈફા એવોર્ડ્સ મેળવેલા. અહીં પણ એમણે ડાયલોગ્સ લખવા માટે કલમ ઉપાડી છે. એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં તો બંને જણા પૂરા માર્ક્સ લઈ જાય છે. લાગણીઓ સાચી હોવા છતાં ફિલ્મમાં મોટા કહી શકાય એવા કોઈ ટ્વિસ્ટ છે જ નહીં. જાણે ભાગલાની વ્યથા કહેવા માટે જ આ ફિલ્મ બનાવી હોય એવું લાગે. એને કારણે માત્ર 98 મિનિટ્સની જ હોવા છતાં આ ફિલ્મ લાંબી અને કંટાળાજનક લાગવા માંડે છે.

એક દેશના ઈતિહાસ માટે 67 વર્ષ એ મોટો સમયગાળો નથી, પરંતુ આટલા સમયમાં બે પેઢીઓ પસાર થઈ જાય છે. અત્યારે ભાગલાની પીડાને યાદ કરીને આંસુ સારનારા લોકો કેટલા બચ્યા હશે? વળી, ફિલ્મમાં તો ‘અંતે તો હેમનું હેમ હોયે’ની જેમ ભાગલા છતાં બંને દેશો એક જ છે એવી વાત કરાઈ છે. જ્યારે અત્યારે ક્રિકેટથી લઈને કારગિલ અને 26/11 સુધીના ઘટનાક્રમમાં બંને દેશો વચ્ચે કટ્ટરતા એટલી વધી ગઈ છે કે ‘ભારત-પાકી ભાઈ ભાઈ’ એવો મેસેજ એટલિસ્ટ અત્યારના યુવાનોને તો હજમ થાય જ નહીં. સશક્ત રાઈટર હોવા છતાં ફિલ્મમાં છૂટાછવાયા ચમકારાને બાદ કરતાં સતત પીડા જ વહેતી જોવા મળે છે. કંઈક આ જ વાત કહેતી ફિલ્મ ‘વૉર છોડ ના યાર’એ હળવા ટોનમાં પીડા અને કટાક્ષ બંને ચાબખા માર્યા હતા.

‘ક્યા દિલ્લી…’માં નાનકડા રોલમાં રાજ ઝુત્સી અને વિશ્વજીત પ્રધાન છે, જોકે એમના ભાગે ટિપિકલ વિલનગીરી કરવા સિવાય ખાસ કશું આવ્યું નથી. ગુલઝારે લખેલું અને સંદેશ શાંડિલ્યએ કમ્પોઝ કરેલું  ગીત ‘કિસ્સે લમ્બે ને લકિરાં દે’ સુખવિંદરે અદભુત રીતે ગાયું છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મની ભારત-પાકિસ્તાનની બોર્ડર ફિજીમાં ઊભી કરવામાં આવી હતી. જોકે એ આઉટડૉર લોકેશનને જરા પણ એક્સપ્લોર કરવામાં આવ્યું નથી.

માત્ર ફીલિંગ માટે લાંબા થવું

સરહદ પર લડતા સૈનિકો પણ આખરે માણસ છે અને એમને પણ ઘર-પરિવાર જેવું હોય છે, એ વાત રાષ્ટ્રવાદી નારાઓમાં ક્યાંય દબાઈને રહી જાય છે. જો આ ફીલિંગ ફરી એકવાર મેળવવી હોય, તો જ આ ફિલ્મ જોવા લાંબા થજો. નહીંતર આ ફિલ્મની ડીવીડી રિલીઝ થાય એની રાહ જોવામાં જ સમજદારી છે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ઓ તેરી

સલમાનના નામે આવા પથરા ન તરે!

***

કોમનવેલ્થ કૌભાંડની પૃષ્ઠભૂમાં બનેલી ઓ તેરી ફિલ્મના નામે કોઇ કૌભાંડથી કમ નથી.

***

pulkit-samrat-and-bilal-amrohi-starrer-o-teri-movie-poster-3માન્યું કે સલમાન ખાન ભારતનો મોટ્ટો સુપરસ્ટાર છે, પરંતુ એનો અર્થ એ નથી કે એ કોઇ ફિલ્મ પ્રોડ્યુસ કરે તો એમાં પણ ‘સલમાન મેજિક’ હોય. આ શુક્રવારે રિલીઝ થયેલી ‘ઓ તેરી’ સલમાન ખાને પ્રોડ્યુસ કરેલી અત્યંત નબળી શબ્દ પણ જેના માટે નાનો પડે એટલી ખરાબ ફિલ્મ છે.

સ્ટોરી? જાને ભી દો યારોં!

આમ તો આ ફિલ્મ ભારતને અને યુપીએ સરકારને કાળી ટીલી લગાવનારા કોમનવેલ્થ ગેમ્સના કૌભાંડની પૃષ્ઠભૂ પર રચાઇ છે. કેમ કે તેમાં દિલ્હીનો કચરો ઢાંકવાની, દિલ્હીને હોર્ડિંગ્સ-કૂંડાંથી સુશોભિત કરવાની અને ભ્રષ્ટાચારને કારણે નબળો ફૂટઓવર બ્રિજ પડી જવાની રિયલ લાઇફ ઇવેન્ટ્સ ફિલ્મમાં પણ આકાર લે છે. પરંતુ ફિલ્મની શરૂઆતની પાંચ જ મિનિટમાં આપણને એવું લાગવા માંડે છે કે આ તો ભારતીય સિનેમાની કલ્ટ બ્લેક કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યારો’ની અત્યંત ખરાબ ગંદીગોબરી ઝેરોક્સ જેવી છે.

ફિલ્મમાં પુલકિત સમ્રાટ અને બિલાલ અમરોહી બંને એક ન્યૂઝ ચેનલના તદ્દન ડફોળ ન્યૂઝ રિપોર્ટર્સ છે, જે ફાલતુ સ્ટોરીઝ કરતા રહે છે. પરંતુ અનાયાસે એમને મોટી બ્રેકિંગ સ્ટોરી હાથ લાગે છે. ‘એશિયન ઓલિમ્પિક ગેમ્સ’ના કૌભાંડની જાંચ કરી રહેલા સીબીઆઇ ઓફિસર અવિનાશ ત્રિપાઠીની કરપ્ટ રાજકારણી બિલાલ ખ્વાજા (અનુપમ ખેર) હત્યા કરાવી નાખે છે. તેની લાશ આ બંને ડફોળ પત્રકારોની પાસે આવી જાય છે. હવે એ લાશની તલાશમાં વિરોધપક્ષનો નેતા કલોલ (વિજય રાઝ) પણ લાગેલો છે. અડધી ફિલ્મમાં લાશની ખો-ખો ચાલે છે, જ્યારે બાકીના ભાગમાં કૌભાંડના એકરારનું વીડિયો શૂટિંગ જેમાં થયેલું છે એ વીડિયો સીડીનું ચલક ચલાણું ચાલે છે. છેવટે આખી સ્ટોરીનો વીંટો વાળીને પરાણે ઘીના ઠામમાં ઘી ઠારી દેવામાં આવે છે.

એક પણ પ્લસ પોઇન્ટ નહીં

એક તો આપણા બોલિવૂડને રિયલ લાઇફ ઇવેન્ટ્સ પરથી સરખી ફિલ્મો બનાવતા આવડતું નથી, ઉપરથી એમાં વલ્ગેરિટી અને ગંદી મજાકો આપણા માથે મારવામાં આવે છે. ‘ઓ તેરી’ ફિલ્મના જમા ખાતે મૂકી શકાય એવો એક પણ, રિપીટ એક પણ મુદ્દો નથી. તેની સ્ક્રિપ્ટ તદ્દન નબળી છે; ડાયલોગ્સ હલકી કક્ષાના છે; દર થોડી વારે તદ્દન ફાલતૂ ગીતો ટપકી પડે છે; અનુપમ ખેર, વિજય રાઝ, મનોજ પાહવા જેવા કલાકારો હોવા છતાં દરેક પાત્ર અત્યંત ક્લિશે-ચવાઇ ગયેલું લાગે છે. ફિલ્મના મુખ્ય કલાકારો પુલકિત સમ્રાટ અને બિલાલ અમરોહીએ તો એક્ટિંગમાં તદ્દન વેઠ ઉતારી છે. પુલકિત તો હજી સહન થાય એવો છે, પણ બિલાલનો તો દેખાવ વધારે ખરાબ છે કે તેની એક્ટિંગ એ જ નક્કી કરવું મુશ્કેલ થઇ પડે એમ છે. માનવામાં ન આવે કે આ ઢગો કમાલ અમરોહી જેવા દિગ્ગજનો પૌત્ર હશે! હિરોઇનના નામે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અને વીજે સારાહ-જેન ડાયસ છે, જે ફિલ્મમાં ખાલી ફોર્માલિટી ખાતર જ છે. ધેટ્સ ઓલ.

ખબર નહીં, સલમાન ખાને સ્વેચ્છાએ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી હશે કે તેના ઉદાર સ્વભાવનો ફાયદો ઉઠાવીને કોઇએ તેની પાસે આ ફિલ્મ પ્રોડ્યુસ કરાવડાવી હશે. કેમ કે, આ ફિલ્મની પ્રોડક્શન વેલ્યૂ અત્યંત કંગાળ છે. કોઇ સસ્તી ભોજપુરી ફિલ્મ જોતા હોઇએ એવું તેનું પ્રેઝન્ટેશન છે. ફિલ્મનો ટોન કોમિક રખાયો છે, પણ તેમાં ભાગ્યે જ કોઇ ડાયલોગ કે સિચ્યુએશન તમને હસાવી શકે છે. અધૂરામાં પૂરું સસ્તા ડબલ મીનિંગ ડાયલોગ્સ તમારા માથા પર હથોડાની જેમ વાગે છે. પછી ફિલ્મના અંતે જાણે બહુ મહાન સંદેશો આપતા હોય એ રીતે દેશભક્તિના ટોનમાં ચાર વાક્યો ભભરાવી દેવાયાં છે. ફિલ્મ માત્ર 107 મિનિટ્સની જ છે, પણ એટલો સમય પસાર કરતાં પણ નાકે દમ આવી જાય છે.

આ ફિલ્મ તો ઠીક, એનું ટ્રેલર જોવાનું પણ સજેશન કોઇને કરાય એવું નથી. બસ, એટલી પ્રાર્થના કરીએ કે સલમાનને સારી ફિલ્મો પાછળ પોતાના પૈસા ઇન્વેસ્ટ કરવાની સદબુદ્ધિ આવે, અને ઈશ્વર આપણને આવી હથોડા છાપ ફિલ્મોથી બચાવે.

રેટિંગઃ 0 (ઝીરો સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

મિસ્ટર જો બી કરવાલો (Mr. Joe B Carwalho)

કુછ બી ઠપકારો

***

કોમેડીના નામે પિરસાયેલી કોઇ એબ્સર્ડ વાનગી જેવી આ ફિલ્મમાં ઘૂસી ગયા તો ખુદ ગબ્બર પણ તમને નહીં બચાવી શકે!

***

mr-joe-b-carvalho-poster_138356271400આજની રેસિપીઃ ઇન્ટરનેશનલ હાફ બેક્ડ ભેળપુરી. સૌપ્રથમ એક મોટા વાસણમાં ગઇકાલની વધેલી દાળ લો. તેમાં બે સ્કૂપ ગરમાગરમ બ્રાઉની વિથ ચોકલેટ સોસ ઉમેરો. હવે તેમાં થોડો સોયા સોસ, થોડો ચિલી સોસ અને એક ચમચો વિનેગર નાખો. પછી તેમાં રંગબેરંગી પાસ્તા ઉમેરો. હવે ફ્રિજમાં નજર ફેરવો. ગુલાબજાંબુ કે સ્ટ્રોબેરી કે પછી કોઇપણ સ્વીટ પડી હોય તે ઉમેરો. નોનવેજના શોખીન હો તો એકાદી એવી આઇટેમ પણ ઉમેરી શકાય. ત્યારબાદ આ મિશ્રણને ગેસ પર ધીમા તાપે પકાવવા મૂકો. તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરો. જો તમને તીખું ખાવાની ટેવ હોય તો કાળા મરી પણ ઉમેરી શકાય. જો કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય તો થોડું કાયમચૂર્ણ અથવા તો જમાલગોટો પણ ભભરાવો. દસેક મિનિટ પકાવ્યા બાદ આ મિશ્રણને ગેસ પરથી ઉતારીને ઠંડું થવા મૂકો. પછી તેને અવન સેફ બાઉલમાં કાઢો. પછી તેમાં ગાર્નિશિંગ માટે ખાઇ શકાય એવું કશું પણ ઉમેરીને 180 ડિગ્રીએ બે કલાક માટે અવનમાં મૂકી દો. આ રીતે તૈયાર થશે આપણી ઇન્ટરનેશનલ હાફ બેક્ડ ભેળપુરી!

તમને લાગશે કે આ શું ગાંડાઘેલા જેવું ચાલી રહ્યું છે, રાઇટ? એક્ઝેક્ટ્લી આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘મિ. જો બી. કરવાલો’ જોતી વખતે અદ્દલ આવું જ ફીલ થાય છે! જથ્થાબંધ કલાકારો અને સ્ક્રિપ્ટના નામે મનમાં જે આવ્યું તે ઢસડી નાખીને બનાવી નખાયેલી આ ફિલ્મ તદ્દન બેસ્વાદ વિચિત્ર વાનગી છે.

પિંક પેન્થર ગોઝ ગંદા ગોબરા

મિ. જો બી. કરવાલો જેવું દ્વિઅર્થી નામ ધરાવતો અર્શદ વારસી જેના નાક પરથી માખી પણ ન ઊડી શકે એવો નક્કામો પ્રાઇવેટ ડિટેક્ટિવ છે. એક દિવસ એને મિસ્ટર ખુરાના (શક્તિ કપૂર) પોતાની નોકર રામલાલ સાથે ભાગી ગયેલી દીકરીને પકડી લાવવાનું કામ સોંપે છે. બીજી બાજુ ફેસબુક ફ્રોડ જનરલ કોપા ભાલેરાવ કબાના (સ્નેહલ ડાભી) પોતાના સાથીદારો એમ.કે. (વિજય રાઝ), વ્રજેશ હીરજી (હીરા) વગેરેને ગેહના (ગીતા બસરા)ને એના પ્રેમી લોહા સાથે પરણતી રોકવા માટે કામે લગાડે છે. આ ભાંજગડમાં ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ કાર્લોસ (જાવેદ જાફરી) પણ ઉમેરાય છે અને ખાલીખોટો બધે અથડાતો રહે છે. સતત લોલીપોપ ચૂસતો કાર્લોસ મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય છે, જે લોલીપોપ સાથે વાતો કરે છે. કારણ કે એ સમજે છે કે લોલી એની મમ્મી છે અને પોપ એના પોપ યાને કે પપ્પા છે, અને જાવેદ દર થોડીવારે કોમેડી સર્કસમાં ભાગ લેતો હોય એમ ગેટઅપ ચેન્જ કરી કરીને આવતો રહે છે. આ કાર્લોસને પકડવા માટે ઇન્સ્પેક્ટર શાંતિપ્રિયા ફડનિસ (સોહા અલી ખાન) પણ રિવોલ્વર લઇને નીકળી પડે છે. કાયમ શર્ટનાં બે બટન ખૂલ્લાં રાખીને ફરતી શાંતિપ્રિયા ડિટેક્ટિવ જો બી કરવાલોની ભૂતપૂર્વ પ્રેમિકા છે. વર્ષો પહેલાં બંનેનું એક વિચિત્ર એક્સિડેન્ટને કારણે બ્રેકઅપ થઇ ગયેલું. આ બધાં પાત્રો આંધળોપાટો રમતા હોય એમ છેક સુધી એકબીજાં સાથે બાખડ્યા કરે છે અને આપણે માથું ખંજવાળતા રહીએ છીએ કે ‘યે ક્યા હો રહા હૈ, ભાઇ?’

કોમેડી કે નામ પર

જેને દિમાગના નામે ઠળિયો હોય અને દરેક કામમાં કોઇને કોઇ ગરબડો કર્યે રાખતો હોય એવા જાસૂસની ફિલ્મસિરીઝ ‘પિંક પેન્થર’ હોલિવૂડમાં ભારે લોકપ્રિય છે. પીટર સેલર્સ અને સ્ટિવ માર્ટિન (અને એક ફિલ્મમાં ઐશ્વર્યા રાય) જેવાં આલા દરજ્જાના કલાકારોએ આ કોમેડીને એક ઉંચાઇ સુધી પહોંચાડી છે. અગાઉ સંજય દત્તે ‘ચતુર સિંઘ ટુ સ્ટાર’ નામની ગંદી ફિલ્મમાં આ પિંક પેન્થરની કોપી મારેલી. હવે અર્શદ વારસીનો વારો છે. પરંતુ મુર્ખામી કરીને લોકોને હસાવવા માટે પણ બુદ્ધિ જોઇએ, જે આ ફિલ્મમાં ક્યાંય દેખાતી નથી. લેખક મહેશ રામચંદાણી અને નવોદિત દિગ્દર્શક સમીર તિવારી ભૂલી ગયા લાગે છે કે ફિલ્મમાં સ્ક્રિપ્ટ નામની પણ એક વસ્તુ હોય છે.

કલાકારો અને ધડમાથાં વિનાની સ્ટોરીનો ત્રાસ ઓછો ન હોય તેમ આ ફિલ્મમાં ડબલ મીનિંગ જોક્સ ને વલ્ગર ડાયલોગ્સનો પણ છૂટથી ઉમેરો કરવામાં આવ્યો છે. જેમ કે, ફિલ્મનું નામ. એક સીનમાં વરિષ્ઠ અભિનેતા રણજિત પણ આવે છે, પણ એ હોમોસેક્સ્યુઆલિટી તરફ ઇશારા કરતા વલ્ગર ડાયલોગ બોલીને જતા રહે છે.

આ ફિલ્મમાં એટલા બધા કલાકારો છે, કે કોણ શું છે એ જ ભૂલી જઇએ. હજી તો રણજિત આવીને ગયા ન હોય ત્યાં, ગાયક બાબુલ સુપ્રિયો શાર્પ શૂટર બનીને આવે, ત્યાં મનોજ જોશી કમિશનર બનીને ત્રાસ વર્તાવે. અરે, નવની પરિહાર પણ ગંદા ડાયલોગ બોલવા માટે અહીં છે. અરે એક શોટમાં તો કુણાલ ખેમુ પણ કૂદકો મારી જાય છે, બોલો!

ખીચડો કરવા માટે આ ફિલ્મમાં શાહરુખની ‘બાદશાહ’ ફિલ્મની મિસ્ટેકન આઇડેન્ટિટી ઉમેરી છે, હિચકોકની ‘સાઇકો’ ફિલ્મનો બાથરૂમ સીન પણ ઠપકાર્યો છે અને ‘જેમ્સ બોન્ડ’ની બોલપેનની ટકાટકી કરો તો બ્લાસ્ટ થાય એવું ગિમિક પણ ભભરાવ્યું છે, ‘કોઇ મિલ ગયા’નો ‘જાદુ’ પણ છે અને ‘થ્રી ઇડિયટ્સ’નો ‘ઓલ ઇઝ વેલ’ બોલો તો બાળક લાત મારે એ સિક્વન્સ પણ છે.

સોહા અને અર્શદ વચ્ચેની કેમેસ્ટ્રી તો ઝીરો છે, પણ સોહા સતત પોતાનું ફિઝિક્સ અને જ્યોમેટ્રી બતાવવા માટે બિકિની અને એનાં જેવાં ટૂંકાં કપડાં પહેરીને અર્શદને સિડ્યુસ કરવાનો પ્રયાસ કરતી રહે છે. અને સોહા માટે અર્શદ બોલે છે, ‘તુમ તો હવસ કા નંગા નાચ કરનેવાલી બાઝારૂ ઔરત હો…!’

લોકોને હસાવવા માટે અહીં બધાએ એટલી બધી મહેનત કરી છે કે પડદાની બહાર હાથ કાઢીને આપણને ગલીપચી કરવાનું જ બાકી રાખ્યું છે. પરંતુ અમુક વનલાઇનર્સને બાદ કરતાં ક્યાંય હસવું નથી આવતું. આપણને હેરાન કરવામાં ફિલ્મમેકર્સને હજી આટલેથી સંતોષ ન થયો હોય એમ ફિલ્મમાં હિમાની શિવપુરી પણ છે, જેમણે અંધ સ્ત્રીનો રોલ કર્યો છે. અને પ્રજ્ઞાચક્ષુઓ પર એટલી ગંદી, સિક મજાકો કરી છે કે આપણને કોલર પકડી લેવાની ઇચ્છા થાય.

ફિલ્મમાં ત્રણેક ગીતો પણ છે. પરંતુ એના શબ્દો ‘આઇ લવ સૈંયાજી કી લેઇટ નાઇટ પાર્ટી, પર પાર્ટી મેં આઇ હેટ ચુમ્મા ચાટી’ જેવા દિમાગ ચાટી જાય એવા છે.

ઇન શોર્ટ

આ ફિલ્મની સૌથી સારી વાત એ છે કે તે માત્ર બે જ કલાકની છે. આટલો કકળાટ વાંચીને તમે સમજી જ ગયા હશો કે આ ફિલ્મથી પચાસ પચાસ કોસ દૂર રહેવામાં જ સાર છે. જો આ વીકએન્ડ પર ફિલ્મ જોવા જ જવું હોય તો બચ્ચાંપાર્ટીને લઇને ‘શોલે થ્રીડી’માં જવું વધારે હિતાવહ છે! બાકી આ ફિલ્મમાં ઘૂસી ગયા તો તમને ખુદ ગબ્બર પણ નહીં બચાવી શકે!

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.