Madaari

6zon09j843j21qiz-d-0-irrfan-khan-movie-madaari-poster-first-look

 • વિજિલાન્ટી ડ્રામાની મજા એ હોય છે કે સ્ક્રીન પર જોવાની જબ્બર મજા આવે. દબાયેલો-કચડાયેલો કોમનમેન કાયદો હાથમાં લે અને આતંકવાદીઓ-ભ્રષ્ટાચારીઓના ભુક્કા કાઢી નાખે. પછી એ ‘શહેનશાહ’માં લોખંડી હાથ સાથે ‘રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ’ બનીને આવે, ‘હિન્દુસ્તાની’માં ચામડાના મ્યાનમાંથી છરો કાઢીને ભ્રષ્ટ લોકોના પેટમાં અંગ્રેજી આઠડો બનાવી દે, ‘રંગ દે બસંતી’માં રક્ષામંત્રીનું જ ઢિશ્ક્યાંઉ કરી નાખે, ‘ગબ્બર ઇઝ બૅક’માં કરપ્ટ લોકોને સાઉદી અરેબિયન સ્ટાઇલમાં જાહેરમાં ફાંસીએ ચડાવે, ‘ઉંગલી’માં રિક્ષાવાળાને મુંબઈથી દિલ્હી પાર્સલ કરે – પેટે બોમ્બ બાંધીને ભ્રષ્ટ અધિકારીઓને દોડાવે – લિટરલી પૈસા ખવડાવે, ‘અ વૅન્સડે’ની જેમ શહેરમાં બોમ્બ પ્લાન્ટ કરે અથવા પછી ‘મદારી’માં હૉમ મિનિસ્ટરના દીકરાને કિડનૅપ કરી લે. બે ઘડી તો આપણનેય થઈ જાય કે, ‘વાહ, આ હહરીના ભ્રષ્ટ લોકોની સામે તો આવું જ થવું જોઇએ.’ (કો’ક વળી ધરમિન્દર સ્ટાઇલમાં એવુંય બોલી નાખે કે આના કરતાં તો અંગ્રેજોનું શાસન સારું હતું અથવા તો આપણે લોકશાહીને નહીં સરમુખત્યારશાહીને જ લાયક છીએ.)
 • ઠીક છે, બે-અઢી કલાક ટાઢાબોળ થિયેટરમાં દેશનો કૂડોકર્કટ સાફ થતો જોવો ગમે, લેકિન રિયલ લાઇફમાં લોકો કાયદો હાથમાં લે ત્યારે ક્યાં નક્કી જ હોય છે કે એ નખશિખ પ્રામાણિક ‘સ્ટુપિડ કોમનમેન’ કે ‘મદારી’ની જેમ નાચતો પારેવા જેવો આમ આદમી જ હશે? એ તો પછી ધર્મ-કોમ-આરક્ષણના નામે ટ્રેન-બસ-પૉલીસવૅન પણ સળગાવે ને ગોરક્ષાના નામે દલિતોનેય ઢોરમાર મારે. ફિલ્મમાં તો શું છે કે કરપ્શનનો-કરપ્ટ લોકોનો ચહેરો સ્પષ્ટ હોય એટલે ચાલી જાય, પરંતુ રિયલ લાઇફમાં તો બધું ભેળસેળિયું ચિત્ર હોય. ઇવન અરીસામાં પણ જોવાનું આવે. અને ભલે ગમે તેવા જેન્યુઇન કારણોસર, પણ એકના કાયદો હાથમાં લેવાના કામને જસ્ટિફાય કરો પછી ન્યાયતંત્ર તો બાયપાસ જ થઈ ગયું ને? બસ, પછી તો પોલીસ-કૉર્ટની ક્યાં જરૂર છે? માર બૂધું ને કર સીધું! એટલે પર્સનલી ઍઝ અ કન્સેપ્ટ મને આવી વિજિલાન્ટી ડ્રામા ફિલ્મો ગમતી નથી. આમેય એ ‘યુટોપિયન ડિસ્ટોપિયા’થી વધારે કશું હોતી નથી. (હકીકતમાં કોમનમેન વિજિલાન્ટીગીરી કરવા જાય, તો એની હાલત ‘જાને ભી દો યારો’ના નસિર-રવિ બાસવાની જેવી જ થાય!) ઍની વે…
 • ‘મદારી’નું પહેલું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ક્લિયર હતું કે આ ‘અ વૅન્સડે’ની બાટલીમાં ‘ગબ્બર’નો દારૂ ભરેલી પ્રોડક્ટ જ છે. અને નીકળ્યું પણ એવું જ. ‘મદારી’ ભાગ્યે જ ‘અ વૅન્સડે’ના ફરમામાંથી બહાર નીકળે છે (જ્યારે નીકળે છે ત્યારે ‘હાઇવે’ની બીજી બાટલી રેડી જ હોય છે). ઇવન તમે બંને ફિલ્મોમાં સામસામાં કેરેક્ટર પણ આઇડેન્ટિફાય કરી શકો. આમેય નિશિકાંત કામત મને ગમતા ડિરેક્ટર હોવા છતાં એ પણ હવે રોહિત શેટ્ટીની જેમ રિમેક સ્પેશિયાલિસ્ટ જ બની ગયા છે. (નિશિકાંતની પહેલી અને સરસ ફિલ્મ મરાઠી ‘ડૉમ્બિવલિ ફાસ્ટ’ પણ વિજિલાન્ટી ડ્રામા જ હતી.) ઇન્ટરેસ્ટિંગ વાત પાછી એ હોય કે જે નિશિકાંત કામત ‘મુંબઈ મેરી જાન’માં આંખ સામે આંખની મેન્ટાલિટીનો વિરોધ કરે એ જ પાછા વિજિલાન્ટી જસ્ટિસની વાત પણ કરે!
 • કોઇપણ જાતની ચરબી વિના ‘મદારી’ પર્ફેક્ટ થ્રિલરની નૉટ પર સ્ટાર્ટ થાય છે. સીધી બાત, નો બકવાસ. આ થ્રિલ પહેલા ઓલમોસ્ટ પોણો કલાક સુધી ચાલુ રહે છે. એક તરફ બાળક કિડનૅપ થાય, બીજી બાજુ તંત્ર હરકતમાં આવે અને બાળકને લઇને ચોર-પોલીસની ગૅમ સ્ટાર્ટ થાય.
 • અહીં મજા છે પર્ફોર્મન્સની. ઇરફાન તો કેમેરા સામે દાંત ખોતરે તોય એને માશાઅલ્લાહ ઑસ્કર આપી દેવાનું મન થાય. છતાં મને એની બૅકસ્ટોરીમાં બાપદીકરાના સીનમાં ઇરફાન એટલો અસરકારક ન લાગ્યો, જેટલો એ સૅડ સીનમાં ઇફેક્ટિવ છે. હા, પેલો કિડનૅપ થયેલો ટાબરિયો વિશેષ બંસલ જબરદસ્ત છે. એ જે રીતે મિનિસ્ટરના બગડેલા બચ્ચામાંથી મૅનિપ્યુલેટિવ, ડરેલું બાળક, એની માસુમિયત એ બધા જ કલર વન બાય વન બતાવતો રહે છે, એ જોતાં એ લંબી રેસ કા ઘોડા સાબિત થવાનો.
 • ઇરફાનની બૅકસ્ટોરી દસેક મિનિટમાં પતી જાય એમ હતી, અને સુખવિંદરે ગાયેલા એક નબળા ગીત દરમ્યાન આપણને એ સમજાઈ પણ જાય છે. છતાં મૅલોડ્રામા ઔર દિખાઓ, ઔર દિખાઓ! બબ્બે વાર ગીત પણ ચલાઓ! એ લાંબા ફ્લૅશબૅકમાં અગાઉ બિલ્ડઅપ થયેલી થ્રિલનું પડીકું વળી જાય છે. ‘અ વૅન્સડે’માં જે રૅસ અગેઇન્સ્ટ ટાઇમ ચાલતી હતી એ ઘડિયાળ જ અહીં બંધ પડી જાય છે. સ્ટાર્ટિંગમાં પણ જે રીતે બાળકના કિડનૅપ થવાની પ્રોસેસ બતાવી છે, તે લોજિકની ટૅસ્ટમાંથી માંડ ચઢાવો પાસ થાય છે (જબરદસ્ત સિક્યોરિટી છતાં નાનાં ટેણિયાં ચોકીદારને લાંચ આપીને રોજ રાત્રે એ પણ ૧૨થી ૪ દરમ્યાન હૉસ્ટેલની બહાર કેવી રીતે જઈ શકે?).
 • જિમી શેરગિલના ભાગે ‘અ વેન્સડે’નો રોલ જ રિપીટ થયો છે. અહીં એનો ચહેરો કરડો દેખાય છે, પણ કરવાનું કશું આવ્યું નથી. પરંતુ એ પોલીસ અધિકારી હોય કે નેતાઓ, મીડિયા પર્સન, સરકારી કર્મચારીઓ બધાં જ અહીં ટિપિકલ કૅરિકૅચરિશ અને વન ડાઇમેન્શનલ જ છે.
 • કદાચ રાઇટર રિતેશ શાહ અને ડિરેક્ટર નિશિકાંત કામતને પણ ખબર છે કે પોતાની ફિલ્મ ‘અ વૅન્સડે’ અને ‘હાઈવે’ના ટ્રેક પર જ છે. એટલે જ તે અત્યંત સૅલ્ફ અવૅર છે અને દર થોડીવારે મુખ્ય પાત્રો જ ‘પીડોફિલિયા’, ‘સ્ટૉકહૉમ સિન્ડ્રોમ’, ‘વિજિલાન્ટી’, ‘કાંગારૂ કૉર્ટ’, ‘કોમનમૅન’ની વાત કરે છે (કોઈ કહી જાય એ પહેલાં ડૅલ કાર્નેગી સ્ટાઇલમાં પોતે જ કબૂલી લેવાનું.)
 • ફિલ્મમાં અમુક વનલાઇનરો મસ્ત છે. ‘આઠ સાલ કે બચ્ચે કો ભી પતા હૈ પાવર ક્યા હૈ’, ‘તુમસે પહલે કોઈ કુછ ખરીદ લે તો સમઝો બુરે દિન આ ગયે તુમ્હારે’, ‘(ટ્રેન કે ટોઇલેટ મેં પાની) દેતે કહાં હૈ સેકન્ડ ક્લાસ વાલોં કો?’, ‘જંતર મંતર આના આજકલ ફૅશન બના રખા હૈ’, ‘ભ્રષ્ટાચાર કે લિયે હી સરકાર હૈ યે સચ હૈ’ વગેરે ખરેખર સારી લખાયેલી લાઇન્સ છે. એક જગ્યાએ ‘અચ્છે દિન કિસકે લિયે બુરે દિન લાયે હૈં’ જેવી લાઇન પણ છે (અટૅક!).
 • અહીં હૉમ મિનિસ્ટર પ્રશાંત ગોસ્વામી બનતા એક્ટર તુષાર દળવી સારા એક્ટર છે (મને તો એ ‘ઝી ટીવી’ના શરૂઆતના દિવસોમાં ફાલ્ગુની પરીખ સાથે વાચકોના પત્રો વાંચવાનો પ્રોગ્રામ કરતા ત્યારના એમને જોવા ગમે છે). પરંતુ ‘અ વૅન્સડે’માં નસિરુદ્દીન શાહના મોનોલોગ ટાઇપનો સીન અહીં ઇરફાનને બદલે તુષાર દળવીના ભાગે આવે, તો જનાબ, યે એક્સેપ્ટેબલ નહીં હૈ! આમેય મેસેજમાં આખી વાતનો અડિયોદડિયો દેશની જનતાને માથે જ નાખવાનો હોય (‘રાજા હિન્દુસ્તાની’માં કહે છે એમ ‘ઇસ દેશ મેં સબ હિન્દુ હૈ, મુસલમાન હૈ, બ્રાહ્મન હૈ, હરિજન હૈ, લેકિન હિન્દુસ્તાની કોઈ નહીં હૈ’ અને જેમ ‘ચક દે ઇન્ડિયા’માં કહે છે ‘મુઝે સિર્ફ એક હી નામ સુનાઈ દેતા હૈ, ઇ-ન્ડિ-યા’.) ટૂંકમાં ભ્રષ્ટાચાર પાછળ વાંક આપણો જ છે, કેમ કે આપણે સવાસો કરોડ ભારતીય તો ખાલી પાકિસ્તાન સામેની મૅચ હોય ત્યારે જ છીએ, બાકી તો ધર્મ-કોમમાં વહેંચાયેલા છીએ અને આપણેય તે આપણા નેતાઓ જેટલા જ ભ્રષ્ટ છીએ (અને ‘યથા પ્રજા તથા રાજા’ના ન્યાયે નેતાઓ પણ આપણી વચ્ચેથી જ આવે છેને).
 • ઇન શૉર્ટ, બે સારાં પર્ફોર્મન્સ સાથેની ‘અ વેન્સડે’ની ઠીકઠાક સિક્વલ જોવી હોય, તો આ ફિલ્મ ઇરફાનને લીધે એક વાર જોઈ શકાય. ફિલ્મમાંથી કાયદો હાથમાં લેવાને બદલે એક થવાનો મેસેજ લઇને બહાર નીકળીએ તો ગંગા નાહ્યા. મારા તરફથી આ ફિલ્મને અઢી (**1/2) સ્ટાર. હા, ફિલ્મના અંતે આવતી ફૈઝ અહમદ ફૈઝની ક્લાસિક કવિતા ‘બોલ કિ લબ આઝાદ હૈ તેરે’ ઇરફાનના કંઠે સાંભળવાનું ચૂકશો નહીં.
© Jayesh Adhyaru, Please share with due credits only.
Advertisements

ગબ્બર ઇઝ બૅક

ગબ્બર કા નામ પૂરા મિટ્ટી મેં મિલાઈ દિયે

***

કરપ્શન જાણે મચ્છર હોય અને ગબ્બર નામની અગરબત્તી કરવાથી જતું રહેવાનું હોય એવા બાલિશ અપ્રોચવાળી આ ફિલ્મ મુર્ખામીના મહાકુંભ જેવી છે.

***

23-gabbar-new-posterભ્રષ્ટાચાર આ દેશને ઉધઈની જેમ કોરી રહ્યો છે. આખા દેશની સિસ્ટમ સડી ગઈ છે. કાયદો પણ કશું કરી શકે તેમ નથી. એટલે હવે કોમનમેનમાંથી જ કોઈ આગળ આવે અને ભ્રષ્ટાચારીઓને ચુન ચુન કે ખતમ કરવા માંડે એટલે એક દિવસ એવો આવશે કે આખા દેશમાંથી ભ્રષ્ટાચાર મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ થઈ જશે અને બધે સતયુગ પથરાઈ જશે… આ થીમ પર બનેલી ફિલ્મોની યાદી બનાવવા બેસો તો ‘શહેનશાહ’થી લઇને ‘હિન્દુસ્તાની’, ‘અપરિચિત’, ‘નાયક’, ‘સિંઘમ’, ‘ઉંગલી’ અને જો અહિંસક રસ્તાઓને પણ ઉમેરીએ તો ‘મુન્નાભાઈ’ સિરીઝનો પણ સમાવેશ કરી શકાય. પરંતુ ભ્રષ્ટાચાર દૂર કરવાનું જો મૅગી બનાવીને દો મિનટ મેં પેટ ભરી લેવા જેટલું ઇઝી હોત તો, ભ્રષ્ટાચારના નામે ખુરશી પર બેસી ગયેલા અરવિંદ કેજરીવાલે ક્યારનુંય ઝાડું ફેરવી દીધું હોત. આખરે આપણી પાસે રસ્તો બચે છે, ભ્રષ્ટાચાર દૂર કરવાનો આભાસી આનંદ આપતી ફિલ્મો બનાવવાનો. એવી એસ્કેપિસ્ટ ફિલ્મોમાં વધુ એક ઉમેરો છે આ અઠવાડિયે રિલીઝ થયેલી અક્ષય કુમાર સ્ટારર ‘ગબ્બર ઇઝ બૅક’. આ ફિલ્મ છેક ૨૦૦૨માં આવેલી તમિળ ફિલ્મ ‘રામના’ની ચોથી રિમેક છે, અને ત્યાં સુધીમાં ભ્રષ્ટાચારની વૈતરણીમાં ઘણુંયે પાણી વહી ગયું છે.

કિતને કરપ્ટ આદમી થે?

મુંબઈની એક કોલેજમાં ફિઝિક્સ ભણાવતો આદિત્ય (અક્ષય કુમાર) ‘ગબ્બર’નું ખૂફિયા રૂપ ધરીને ભ્રષ્ટાચારીઓને વીણી વીણીને કિડનેપ કરે છે. પછી એમાંથી એક એકને જાહેરમાં ફાંસીએ લટકાવી દે છે. આ કામમાં મદદરૂપ થવા માટે એની એક જવાંમર્દ જુવાનિયાંવની ટોળકી પણ છે. જેમ ગબ્બરનાં કારનામાં વધતાં જાય છે, તેમ ભ્રષ્ટાચારીઓની તો ફેં ફાટવા માંડે છે, પરંતુ ગબ્બરને પકડવા માટે પોલીસ પર સખત પ્રેશર આવે છે. ગબ્બરને ખબર પડે છે કે કરપ્શનની એક મોટી ફેક્ટરી તો શહેરના નામચીન બિલ્ડર દિગ્વિજય પાટિલ (દક્ષિણના કલાકાર સુમન તલવાર) ચલાવે છે. આમેય એ પાટિલ સાથે ગબ્બરને જૂનો હિસાબ ચૂકતે કરવાનો બાકી છે. સવાલ એ છે કે ગબ્બર ચેકરબ્બરની જેમ દેશમાંથી ભ્રષ્ટાચારને ભૂંસી શકશે? એ લોકોની હત્યાઓ કરે છે, તો કાનૂન એને છોડશે? અને બાય ધ વે, એને આ ભ્રષ્ટાચાર સામેના ક્રૂસેડર બનવાની ઈચ્છા ક્યાંથી જાગ્રત થઈ આવી? એના માટે કાં તો તમારે ફિલ્મ જોવી પડે, અથવા તો તમારી જિજ્ઞાસાવૃત્તિની ભ્રૂણહત્યા કરી નાખવી પડે.

હમ અંગ્રેજોં કે ઝમાને સે કરપ્ટ હૈં

ભ્રષ્ટાચારથી છૂટકારો અપાવવાની ‘ફેર એન્ડ લવલી’ ટાઇપની મનોહર કહાનિયાં જેવી ફિલ્મોની ફોર્મ્યૂલા સિમ્પલ હોય છે. લોકો જેનાથી ત્રાસેલા છે તે ડે ટુ ડે લાઇફનું કરપ્શન દૂર કરવાના એકદમ આત્યંતિક ઉપાયોનાં ચારેક એક્ઝામ્પલ પેશ કરવાનાં. ત્યારપછી આખી વાર્તાને હીરોની કોઈ પર્સનલ ટ્રેજેડી સાથે જોડીને ભ્રષ્ટાચારને કોઈ નેતા-બિલ્ડર-ડૉનનું સિમ્પ્લિસ્ટિક સ્વરૂપ આપી દેવાનું, જેથી તેના અંત સાથે લોકોને કૅથાર્સિસનો આનંદ મળે અને ‘વાહ વાહ’ પોકારતાં ઘરભેગા થાય. આપણી આ ‘ગબ્બર ઇઝ બૅક’ આ જ રૅસિપી પર આગળ વધે છે.

ઊલટું અહીં તો ભ્રષ્ટાચારની સાથોસાથ લૉજિકને પણ દેશવટો આપી દેવાયો છે. જેમ કે, ‘ગબ્બર’ બનેલો અક્ષય આખા ગામમાં રેવડી વહેંચતો હોય એમ પોતાના અવાજવાળી સીડીની લ્હાણી કરે છે, હીરોગીરી કરે છે, એની ગેંગ ખુલ્લે આમ લોકોને લટકાવે છે, પણ તોય કોઈ કાકોય એના સુધી પહોંચે નહીં. ગામમાં ગબ્બર એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને નાળિયેરની જેમ વધેરતો હોય, પણ પોલીસ રૂમમાં બેસીને સમોસા ખાવામાંથી ઊંચી ન આવે. એક્ચ્યુઅલી, પોલીસે પોતાના આવા કાર્ટૂનછાપ ચિત્રણ બદલ બદનક્ષીનો દાવો ઠોકી દેવો જોઇએ. ફિલ્મના ડિરેક્ટર ક્રિશભાઈ તેલુગુ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે, એટલે ગ્રેવિટીની તો એમને કશી પડી જ ન હોય. પરંતુ એક સીનમાં તો વિલન ગ્રાઉન્ડ ફ્લૉર પર કાર લઈ આવે છે અને ત્યાંથી જ એક વ્યક્તિને નીચે ફેંકે છે, ત્યારે એ સ્થળ ચમત્કારિક રીતે દસેક માળ ઊંચે જતું રહે છે.

લૉજિકની ગેરહાજરી એકમાત્ર મુદ્દો નથી. ફિલ્મનો મોટો વિલન નંબર વન છે, તે એટલી લાઉડ છે કે તમે કાનમાં રૂનાં પૂમડાં ભરાવીને જાઓ તોય ઈએનટી સર્જન પાસે જવાની નોબત આવી શકે. બીજો વિલન છે, લગભગ બધાં જ પાત્રો ઑવરએક્ટિંગ કરવામાં કંઈ બાકી રાખતાં નથી. ગબ્બરને શોધવાને બદલે પિન ચોંટી ગઈ હોય એમ ‘ગબ્બર કૌન હૈ? કૌન હૈ ગબ્બર?’ ટાઇપના ફાલતુ સવાલો પૂછવામાં (આપણો અને એનો બંનેનો) ટાઇમ બગાડ્યા કરે છે. ઇવન મુખ્ય વિલન બનતા સુમન તલવાર અત્યંત સિરિયસ સીનમાં પણ ‘આયમ અ બ્રૅન્ડ’ બોલી બોલીને આખા સીનને કોમેડીમાં ફેરવી નાખે છે. વિલન નંબર ત્રણ, ૧૩૦ મિનિટની આ ફિલ્મમાં એકેય ગીતની જરૂર નથી. તોય ફાસ્ટફૂડમાં ઘુસાડેલા ચીઝની જેમ ત્રણ ગીત પરાણે ઠૂંસ્યાં છે. એમાંય છેલ્લે આવતું ચિત્રાંગદા સિંઘનું આઇટેમ સોંગ તો વાહિયાતપણાના ક્લાસિક એક્ઝામ્પલ જેવું છે. ફિલ્મમાં શ્રુતિ હાસન પણ છે, પરંતુ એ એક્ટિંગ ઓછી ને ગૂગલિંગ વધારે કરે છે.

ખાસ્સી વાસી લાગતી આ ફિલ્મમાં ગબ્બરનું નામ માત્ર ફિલ્મમાં એક નવું ‘એક્સ ફેક્ટર’ ઊભું કરવા સિવાય કશું જ નથી. એટલે તેને જસ્ટિફાય કરવા માટે પરાણે ગબ્બરસંહિતાના ડાયલોગ્સ ઘુસાડ્યા છે, ‘તેરા ક્યા હોગા, કાલિયા?’ જેવા રેસિસ્ટ જોક સહિત. અને હા, ફિલ્મના સંવાદો રજત અરોરાએ લખ્યા છે. એટલે જ ‘હમારા સિસ્ટમ બચ્ચોં કે ડાયપર કી તરહ હો ગયા હૈ’ અને ‘રિશ્વત નારિયલ કી તરહ હો ગઈ હૈ’ ટાઇપનાં ક્લિશે વનલાઇનર્સ પણ હોય જ.

સરદાર ખુસ હુઆ, સબાસી દિયા

‘શમિતાભ’ની અક્ષરા હાસનની જેમ વારેવારે વાળનાં લટિયાં સરખા કર્યા કરતા અક્ષય કુમારના ફૅન્સને તો જાણે અક્કીભાઈને ગડદા-પાટું ઉલાળતો જોવાની મજા પડવાની જ છે. એની એક્ટિંગ અને ઑવરઑલ પર્સનાલિટી જોવી ગમે છે એટલું તો માનવું પડે. એના સિવાય રસ પડે એવી એક્ટિંગ માત્ર સુનીલ ગ્રોવર (ઉર્ફ ‘ગુત્થી’)એ કરી છે (પણ એને જોઇને હવે સતત બીક લાગ્યા કરે છે કે કોઈ સીનમાં એ સ્ત્રીવેશમાં તાળીઓ પાડતો ને ‘ગુલશન ગુલશન’ ગાતો ટપકી ન પડે). શ્રુતિ હાસનનું કામ તો જાણે રૂપાળી મૅનિકિનથી વિશેષ નથી. એના વિશે માત્ર એટલું જ તમે નોટિસ કરી શકો કે એનો અવાજ પણ ડિટ્ટો એની નાની બહેન અક્ષરા જેવો જ છે. આ ઉપરાંત ફિલ્મની હૉસ્પિટલવાળી એક સિક્વન્સ રસપ્રદ છે (પણ ત્યાંય ડૉક્ટરોનું તદ્દન ચાઇલ્ડિશ ચિત્રણ).

તેરા ક્યા હોગા, ગબ્બર?

‘ગબ્બર ઇઝ બૅક’ ટાઇપની ફિલ્મોમાં ભ્રષ્ટાચારીઓને ચુન ચુન કે મારતા હીરોને જોઇને લોકો તાળીઓ પાડે છે, કારણ કે કરપ્ટ માણસને સજા પામતો જોવાની આપણી અંદરુની ઇચ્છા (ભલે આભાસી રીતે, પણ) સંતોષાય છે. પરંતુ આવી ફિલ્મો એ સિફતપૂર્વક ભુલાવી દે છે ભ્રષ્ટાચાર ઇમ્પોર્ટેડ વસ્તુની જેમ બહારથી નહીં, બલકે આપણી અંદરથી જ આવે છે. ત્રીજો ખતરનાક ટ્રેન્ડ એ શરૂ થયો છે કે દર બીજી-ત્રીજી ફિલ્મનો આડકતરો મેસેજ એ જ હોય છે કે આપણી સિસ્ટમ તો સડી ગઈ છે, એટલે ઉપાડો કાયદો હાથમાં, મારો બૂધું ને કરો સીધું. એટલે તમને જો આવા લોચાવાળા મેસેજ કે એસ્કેપિસ્ટ મનોરંજન સામે વાંધો ન હોય, લોજિક-બોજિક ઠીક મારા ભૈ, આપણે તો બે કલાક એસીમાં બેસીને સીટીઓ મારવા મળે એટલે ભયો ભયો એટલી જ અપેક્ષા હોય અથવા તો તમે અક્ષય નામના કુમારના ફૅન હો, તો ખિસ્સું હળવું કરવા જજો. નહીંતર, ગબ્બર પોતે જ કહે છે એમ આ ફિલ્મથી પચાસ-પચાસ કોસ દૂર રહો તો વધારે સારું.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits

ઉંગલી

સિસ્ટમ કો બદલ ડાલો

***

આ કંગાળ ફિલ્મ એક જ કુ-સંદેશ આપે છે, ભ્રષ્ટાચાર સામે લડવું હોય તો હવે એક જ રસ્તો બચ્યો છે, કાયદાની ઐસીતૈસી કરી નાખો.

***

362256xcitefun-ungli-movie-poster-1લગભગ એક દાયકા પહેલાં પેજ થ્રી ફિલ્મ આવી ત્યારે એવું કહેવાતું કે (દેશની સડી ગયેલી) સિસ્ટમને બદલવી હોય તો સિસ્ટમમાં રહીને જ આ કામ કરવું પડે. પરંતુ હવે આવી રહેલી એક પછી એક ફિલ્મોમાં એવો ડેન્જરસ મેસેજ આપવાનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કે આ દેશની ભંગાર થઈ ગયેલી સિસ્ટમ બદલાશે જ નહીં, માટે એને ભાંગીને ભુક્કો કરી નાખો. આવું જ પોલિટિકલી ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ આ શુક્રવારે રિલીઝ થયેલી ડિરેક્ટર રેન્સિલ ડીસિલ્વાની ફિલ્મ ‘ઉંગલી’. આ ફિલ્મ વિશે સૌથી મોટી પોઝિટિવ વાત એ જ છે કે કે માત્ર ૧૧૪ મિનિટની જ છે.

સિસ્ટમને ઉંગલી કરતી ગેંગ

અભય (રણદીપ હૂડા), માયા (કંગના રનોટ), કલીમ (અંગદ બેદી) અને ગૌતમ ઉર્ફ ગોટી (નીલ ભૂપાલમ), ચાર એવા દોસ્તો છે જે અલગ અલગ ક્ષેત્રોમાં સક્રિય છે, પરંતુ ભારતમાં કેન્સરની જેમ વ્યાપેલા ભ્રષ્ટાચાર અને લાગવગશાહીથી અત્યંત ત્રાસેલા છે. એટલે એ લોકો એક ‘ઉંગલી’ ગેંગ બનાવે છે. ચહેરા છુપાવીને પણ વીડિયો મીડિયામાં મોકલીને આ ગેંગ એવાં કારનામાં કરે છે કે ભ્રષ્ટાચારીઓને તો અડધી રાતે ધગધગતો સૂરજ દેખાઈ જાય. પરંતુ જ્યારે નેતાઓ પણ એમની અડફેટે ચડે છે ત્યારે પોલીસના પેટમાં તેલ રેડાય છે. ઉંગલી ગેંગને પકડવાનું કામ સોંપાય છે ઈમાનદાર એસીપી અશોક કાલે (સંજય દત્ત)ને. સંજય દત્ત આ કામની ખો આપે છે એક ફટકેલ દિમાગના પોલીસમેન નિખિલ અભયંકર (ઈમરાન હાશ્મી)ને. કામ પાર પાડવા આ નિખિલ પણ ઉંગલી ગેંગની જ ફિલોસોફી અપનાવે છે કે ઘી સીધી અને ટેઢી ઉંગલીથી ન નીકળે તો વચ્ચેનો રસ્તો અપનાવવો પડે છે. હવે સવાલ એ છે કે આ ગેંગ પકડાશે? દેશની સિસ્ટમ બદલાશે? અને બીજું કે ઉંગલી ગેંગને આવા ધંધા કરવાની જરૂર શા માટે પડી?

દિમાગને ઉંગલી કરતી ફિલ્મ

આ ફિલ્મના લેખક-ડિરેક્ટર રેન્સિલ ડીસિલ્વાએ અગાઉ કુરબાન જેવી હથોડાછાપ ફિલ્મ બનાવી હતી. એમના બાયોડેટામાં અક્સ, રંગ દે બસંતી અને સ્ટુડન્ટ ઑફ ધ યર જેવી ફિલ્મો પણ બોલે છે. પરંતુ આ ફિલ્મ બનાવતાં પહેલાં કાં તો એમણે ઝાઝું વિચાર્યું નથી અથવા તો કોઈએ એમને સમ આપીને પરાણે આ ફિલ્મ બનાવડાવી હોય એવું લાગે છે. કેમ કે આ ઉંગલીના લગભગ બધા જ ડિપાર્ટમેન્ટમાં આપણા દેશની સિસ્ટમ જેવી જ ઘોર બેદરકારી દેખાય છે.

પહેલી અને સૌથી મહત્ત્વની વાત, આપણા દેશની વર્તમાન સ્થિતિ પ્રત્યે ડોકાતો ભયંકર નિરાશાવાદ. છેક અમિતાભની અંધા કાનૂન કે શહેનશાહ, કમલ હાસનની હિન્દુસ્તાની અને અનિલ કપૂરની નાયકથી લઇને નસિરુદ્દીન શાહની અ વેન્સડે અને તાજેતરની સિંઘમ સુધીની ફિલ્મો ચોખ્ખો એવો મેસેજ આપતી ફરે છે કે હવે આપણા ભ્રષ્ટાચારથી ત્રસ્ત આપણા દેશમાં સામાન્ય લોકો જ્યાં સુધી કાયદો પોતાના હાથમાં નહીં લે ત્યાં સુધી પાંદડુંય હલવાનું નથી. એટલું જ નહીં, આવી ફિલ્મોમાં ગાંધીજીના શાશ્વત વિચારોને પણ છડેચોક ગાળો ભાંડવામાં આવે છે. આવી ફિલ્મો સામાજિક મુદ્દા ઉઠાવવાના નામે માત્ર ટોળાંશાહીને જ ઉત્તેજન આપે છે. બૉક્સ ઑફિસ પર તે કદાચ રૂપિયા રળી આપે, પણ સમાજમાં એવો સ્ટ્રોંગ મેસેજ આપે છે કે આ દેશનું હવે કશું થવાનું નથી. જો આ વાતમાં જરાય દમ હોત તો આપણા દેશની લોકશાહી ક્યારનીયે ભાંગી પડી હોત.

તમે દેશની વર્તમાન સ્થિતિની વાત કરતી ફિલ્મ બનાવતા હો, તો તેમાં લોજિક નામનું તત્ત્વ હોવું જોઇએ. આ ઉંગલીના દર બીજા સીનમાં એક એવી વાત આવે છે જ્યાં કોમનસેન્સના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ આવીને ઊભો રહી જાય છે. જેમ કે સ્પાઇડર મેન કે સુપર મેનની પાછળ હકીકતમાં કોણ છે તે શહેરમાં કોઈ જાણતું ન હોય, તેવું સુપરહીરો મુવીઝમાં ચાલે, પરંતુ મુંબઈમાં નેતાના બંગલામાં ઘૂસીને એની બૅન્ડ બજાવતા લોકો છેક સુધી કોઈની સામે જ ન આવે એ વાત તો કાયમચૂર્ણ લઇને ફિલ્મ જોઇએ તોય હજમ ન થાય.

આ ફિલ્મના એકેય કલાકારે જીવ રેડીને એક્ટિંગ કરી હોય એવું દેખાતું નથી. ઇમરાન હાશ્મી અને રણદીપ હૂડા તો ડિરેક્ટરે ‘કટ’ બોલ્યા પછી ફટાફટ ગાડીમાં બેસીને ભાગી ગયા હોય એવું સતત લાગ્યા કરે છે. ઈવન કંગના-જેણે આખી ક્વીન ફિલ્મ પોતાના ખભે ઉપાડેલી તે-પણ આખી ફિલ્મમાં અલપ ઝલપ દેખાય છે અને માત્ર ઇન્જેક્શનો આપવાનું જ કામ કરે છે. હીરો-હિરોઇન પ્રેમમાં ન પડે તો ફિલ્મ ચાલે જ નહીં એવું માનતા આપણા ફિલ્મમેકરોએ ઈમરાન-કંગનાને મેગી નૂડલ્સ બનાવતા હોય એ ઝડપે પ્રેમમાં પાડી દીધાં છે, જે સંજય દત્ત પ્રામાણિક પોલીસ અધિકારીની ભૂમિકા કરતો હોય એના જેટલું જ કૃત્રિમ લાગે છે. અને સંજય દત્ત આટલો થાકેલો અને ઘરડો તો અગાઉ ક્યારેય નહીં દેખાયો હોય. હા, હજી ફિલ્મમાં નેહા ધૂપિયા, મહેશ માંજરેકર, રીમા લાગૂ, રઝા મુરાદ, અરુણોદય સિંહ જેવાં કલાકારો પણ છે, પણ બધાં જ અનુક્રમે ટિપિકલ ન્યૂઝ ચેનલના પત્રકાર, માફિયા, મા, પોલીસ વડા, બોડી બિલ્ડર જેવા કેરિકેચરિશ રોલમાં છે.

સાવ ઊભડક રીતે શરૂ થઇને પૂરી થઈ જતી આ ફિલ્મમાં પાત્રો તો સરખાં એસ્ટાબ્લિશ થયાં નથી, સાથોસાથ ગીતોમાં પણ કંઈ દમ નથી. એક માત્ર શ્રદ્ધા કપૂરને ચમકાવતું ‘ડાન્સ બસંતી’ ગીત સારું બન્યું છે, પરંતુ ખરેખર તો આ ફિલ્મને ગીતોની જરૂર જ નહોતી. તદ્દન શીખાઉ રીતે લખાયેલી આ ફિલ્મમાં બાકીનો દાટ મિલાપ ઝવેરીના ચાલુ કિસમના સંવાદોએ વાળ્યો છે. સૅમ્પલ, ‘આપ (ઇન્સ્પેક્ટર) કાલે હૈ, તો હમ ભી દિલવાલે હૈં!’

ઉંગલીને બતાવો અંગૂઠો

આ ફિલ્મના કલાકારો મળીને અવનવી રીતે ભ્રષ્ટાચારીઓની જે દશા બગાડે છે એ જોવાની મજા પડે છે. આપણને થાય કે આવા પૈસાખાઉ લોકો સાથે તો આવું જ કરવું જોઇએ. પરંતુ સાથોસાથ એ પણ વિચાર આવે કે બધા લોકો પોતાનો ન્યાય જાતે જ તોળવા માંડશે, તો પછી આપણી કોર્ટો શું કરશે? બે કલાકથી પણ ઓછા મનોરંજન માટે પૈસા બગાડવા હોય તો થિયેટર સુધી લાંબા થજો, બાકી થોડા સમયમાં ટીવી પર તો આવવાની જ છે.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.