ગોલમાલ અગેઇન

કુછ ભી ચલેગા

***

આ બાલિશ ફિલ્મમાં પણ હસવું જ હોય તો તમને કોણ રોકી શકવાનું છે?!

***

રેટિંગઃ ** (બે સ્ટાર)

***

golmal-again-2દિવાળીના દિવસોમાં આપણે ત્યાં ફૂડ સેફ્ટી ખાતું અચાનક હાઇપર એક્ટિવ મોડમાં આવી જાય છે. મીઠાઇની દુકાનો અને રેસ્ટોરાંમાં દરોડા પડે, ભેળસેળિયા વાનગીઓનાં સેમ્પલ એકઠા કરવામાં આવે અને અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આવી વાનગીઓ ઝાપટનારા લોકોને એનાથી કશો જ ફરક પડતો નથી. એમને માવા, ચીઝ, પનીરના નામે કુછ ભી ખવડાવી દો, એ લોકો બડે આરામ સે ખાઈ જશે. દિવાળીના ટાઇમે રિલીઝ થતી ‘ગોલમાલ અગેઇન’ જેવી ફિલ્મોનું પણ એવું જ છે. લોકો માત્ર એટલું જ પૂછશે, ‘કોમેડી છે?’ ‘નંગુપંગુ જોક્સ તો નથી ને?’ ‘લાવો ત્યારે, આપો દસ ટિકિટ!’

ભૂતિયાપા

ફોર અ ચૅન્જ રોહિત શેટ્ટીની આ ફિલ્મ ગોવાને બદલે ઊટીમાં આકાર લે છે (જોકે આ રોહિત શેટ્ટીનું ઊટી છે, એટલે ત્યાં જઇને ખૂણેખૂણો ફેંદી મારશો તોય તમને આ ફિલ્મ જેવું ઊટી તો નહીં જ દેખાય). બી. આર. ચોપરાના ‘મહાભારત’માં હરીશ ભીમાણીએ ‘સમય’ તરીકે જેટલી કોમેન્ટરી કરેલી, એના કરતાં સહેજ જ ઓછી કોમેન્ટરીમાં તબુ આપણને કહે છે કે ઊટીના અનાથાશ્રમમાં પાંચ બાળકો ઊછરીને મોટાં થયાં છે અને હવે અલગ અલગ ટીમો પાડીને બિલ્ડર લોકો માટે જમીનો ખાલી કરાવવાનું કામ કરે છે. તે ગેંગમાં એક છે ‘અંગુલિમાલ’ અજય દેવગણ (સ્પેલિંગ પ્રમાણે ‘દેવજ્ઞ’), અલગ અલગ ઍન્ગલથી આશ્ચર્ય પામતો રહેતો અર્શદ વારસી, જીભને ઊટીનું સાઇટસીઇંગ કરાવતો રહેતો શ્રેયસ તળપદે, માત્ર ‘ગોલમાલ’ સિરીઝની ફિલ્મોમાં અને સૈફના ઘરના પ્રસંગોએ જ દેખાતો કુણાલ ખેમુ અને ગોવિંદા પછી ‘અ આ ઈ’ની ભાષા બોલતો એકમાત્ર એક્ટર(?) તુષાર કપૂર. હજી આમાં ડુંગર પર ડંગરી પહેરીને ફરતી થાકેલી પરિણીતી ચોપરા, પાર્ટ ટાઇમમાં વોઇસ ઓવર આપતી તબુ અને અન્ય અડધો ડઝન કલાકારોનો પણ સમાવેશ થાય છે. એક મોત આ બધાં રખડતાં પાત્રોને એક છત નીચે લાવે છે. ત્યાં ખબર પડે છે કે એ મોતની પાછળ હત્યા અને એક ભટકતી આત્માનો ઍન્ગલ પણ છે.

ચાલો, ભૂત ભૂત રમીએ

આરોપીઓ ધરપકડથી બચવા આગોતરા જામીન મેળવી લે છે, એ જ રીતે રોહિત શેટ્ટીએ પણ ‘ઇસ દિવાલી, લોજિક નહીં, સિર્ફ મેજિક’ જેવી ટૅગલાઇન લખીને આગોતરા મેળવી લીધા છે. એ પછી એમને હસાવવાના નામે કુછ ભી ઠપકારવાની છૂટ મળી જાય છે. માત્ર ટાઇમપાસાર્થે આવેલા લોકોના ખિખિયાટા ઉઘરાવી લે એટલે સર્કિટ પૂરી પણ થઈ જાય છે (આમેય ભેળસેળિયા હવા, પાણી, ખોરાક, રાજકારણીઓ બધું જ પચાવી જતી ઑડિયન્સને બીજું શું જોઇએ, હેં?).

એક્ચ્યુઅલી, રોહિત શેટ્ટીએ અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતાં પાંચેક પાત્રો સફળતાપૂર્વક ડેવલપ કરેલાં. હવે એ એમને લઇને કુછ ભી રિમિક્સ ખીચડી પકાવ્યા કરે છે. આ સિરીઝની ફિલ્મોની મજા એ છે કે તેની દરેક લેટેસ્ટ રિલીઝને ‘અગાઉની ફિલ્મો કરતાં સારી’નું બિરુદ આપી શકાય છે! અત્યાર સુધીની તમામ ગોલમાલ ફિલ્મો ઉછીની સ્ટોરી પર આધારિત હતી (‘ગોલમાલ-1’ ગુજરાતી નાટક ‘અફલાતૂન’, ‘ગોલમાલ-2’ કિરણ કુમાર સ્ટારર ‘આજ કી તાઝા ખબર’, ‘ગોલમાલ-3’ જૂની હિંદી ફિલ્મ ‘ખટ્ટામીઠા’). હવે આ લેટેસ્ટ ફિલ્મ શેના પર આધારિત છે તેનો પુરાવો ન મળે ત્યાં સુધી તેને ઑરિજિનલ માનવામાં આવી રહી છે. પરંતુ એવું કહી શકાય કે આ ફિલ્મ કંઇક અંશે ‘ગોલમાલ’+‘એન્ટરટેનમેન્ટ’+‘ફિલ્લૌરી’ ટાઇપની ચાઇનીઝ ભેળ જેવું કંઇક છે.

ઑડિયન્સના IQને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઇને હસાવવા માટે રોહિત શેટ્ટી અને લેખકોએ દરેક પાત્રને અલાયદાં સિટકોમ ટાઇપની પર્સનાલિટી આપી દીધી છે. કોઈ આંગળી મરોડે, કોઈ ‘ઉં..આં’માં બોલે, કોઈ વારેવારે ભૂલીને ગાંડા કાઢવા માંડે, કોઈ જીભના વિશિષ્ટ મરોડ થકી ફની ઉચ્ચારો કાઢે વગેરે. બાકી જ્યાં કોમેડીનો મસાલો ઓછો પડતો લાગે ત્યાં ‘જોડકણાં સમ્રાટ’ રાઇટર બેલડી સાજિદ-ફરહાદને કામે લગાડવામાં આવે. જે આવા ‘સાંભાર હૈ તૌ ચટની હૈ, ઝ્યાદા ફૈલોગે તો પેન્ટ ફટની હૈ’, ‘નકલી ભૂતોં કે રામ ગોપાલ વર્મા, ચૂહોં કે જિમી શેરગિલ, ભૂતનિયોં કી બિપાશા બસુ’, ‘વાસ્તા… સડા હુઆ પાસ્તા’, ‘કલ્ટી નહીં, મૈં તો આજ-ટી પીઉંગા…’ ટાઇપની લાઇન્સનું એસેમ્બલી લાઇન પ્રોડક્શન કરી દે છે. આ લાઇનોને ફાસ્ટફૂડ પરના ચીઝની જેમ ભભરાવીને કામ ચલાવવામાં આવે છે.

હજી આ ઑલરેડી ક્રાઉડેડ ફિલ્મમાં ગિર્દી કરવા માટે અન્ય કલાકારો પણ ઠાંસવામાં આવ્યા છે. જેમ કે, પોતે હજી સ્ક્રિપ્ટ વિના પણ હસાવી શકે છે તેની ખાતરી કરાવતો જ્હોની લીવર, હું સિરિયસ એક્ટિંગ માત્ર સાઉથની ફિલ્મોમાં જ કરીશ (અને હિન્દીમાં તો ઑવરએક્ટિંગ જ કરીશ) એવી પ્રતિજ્ઞા લઇને આવેલો પ્રકાશ રાજ, વિશ્વનો એકમાત્ર ઇચ્છાધારી સાપ વ્રજેશ હિરજી, એક ‘મસાન’ એક ‘આંખો દેખી’ની સામે હું દસ ‘ગોલમાલ’ કરીશ એવી થિયરીમાં માનતા સંજય મિશ્રા, ‘મારે જેટલી એક્ટિંગ કરવાની હતી એ મેં પ્રકાશ ઝાની ફિલ્મોમાં કરી લીધી’ એવું સાબિત કરતો ‘વસૂલી ભાઈ’ મુકેશ તિવારી, ‘ગેમ ઑફ થ્રોન્સ’ને બદલે સુરજ બડજાત્યાની ફિલ્મોમાં પોતાનું ટેલેન્ટ પ્રદર્શિત કરનારો ત્રિનામધારી નીલ નીતિન મુકેશ, સરકારી આંખની હૉસ્પિટલમાંથી ચોરેલાં ડાર્ક ચશ્માં પહેરીને ફરતા સચિન ખેડેકર… સહિતના એટલા બધા કલાકારો છે કે ‘ગોલમાલ ઇલેવન’ વર્સસ ‘વર્લ્ડ ઇલેવન’ની મૅચ રમાડો તો ચિયર લીડર્સ અને ઑડિયન્સ સહિતના લોકો ભેગા થઈ જાય!

આમ તો લોજિક વાપરવાની મનાઈ છે, તેમ છતાં ભૂલથીયે સહેજ લોજિક વપરાઈ જાય તો ખ્યાલ આવે કે બદલો લોવા માટે ભટકતી પ્રેતાત્માએ ધાર્યું હોત તો તે પાંચેક મિનિટમાં જ વિલનલોગ અને ફિલ્મનો ખેલ ખતમ કરી ચૂકી હોત. પરંતુ એવું થાય તો આ ઑવરક્રાઉડેડ ફિલ્મનું શું થાય? વળી, આ ફિલ્મની ભટકતી પ્રેતાત્મા પણ ગજબ છે. તે ગુજરાતના ‘વિકાસ’ની જેમ માત્ર ‘જુબાં કેસરી’ ધરાવતા લોકોને જ દેખાય છે, બાકીના લોકો માટે તે સાબિતી વિના જ સ્વીકારી લેવાનો પ્રમેય બનીને રહી જાય છે. એક સીનમાં અજય દેવગણને ડરાવવા માટે બાકીના કલાકારો અમેરિકાના રાઇટ વિંગ એક્સ્ટ્રીમિસ્ટ ભાંગફોડિયા ગ્રૂપ ‘કુ ક્લક્સ ક્લાન’નો કોશ્ચ્યુમ પહેરીને આવે છે, જે ઑફેન્ડિંગ બની શકે, લેકિન નો. કારણ? આગોતરા જામીન! આમ તો રોહિત શેટ્ટી પોતે પણ અલગ પ્રકારનો ‘એક્સ્ટ્રીમિસ્ટ’ જ છે. એની આ ફિલ્મમાં (પણ) બધું એક્સ્ટ્રીમ જ છે. એશિયન પેઇન્ટ્સના શૅડકાર્ડ કરતાં પણ વધુ એક્સ્ટ્રીમ રંગો, એક્સ્ટ્રીમલી લાઉડ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, એક્સ્ટ્રીમલી ભંગાર રીતે રિમિક્સ કરાયેલાં ‘આતે જાતે’ અને ‘નીંદ ચુરાઈ મેરી’ જેવાં સોંગ્સ, એક્સ્ટ્રીમ ઑવરએક્ટિંગ અને અઢી કલાક ઉપરની ફિલ્મની એક્સ્ટ્રીમલી લોંગ લોંગર લોંગેસ્ટ લંબાઈ.

રોહિત શેટ્ટીની આ ફિલ્મ ખાસ્સી સેલ્ફ અવૅર પણ છે. એટલે કે તેમાં રિયલ લાઇફનાં, પોતે જે ભવાડા કરે છે તેનાં એક્ચ્યુઅલ રેફરન્સ પણ આવતા રહે. જેમ કે, અજય દેવગણ ‘સિંઘમ’ની સ્ટાઇલો મારે અને બીજા કલાકારો એને રોકે, અજય પરિણીતી પાછળ લટ્ટુ થાય ત્યારે બાકીના કલાકારો એના ઍજ ડિફરન્સને દર્શાવવા માટે ‘ફાધર+ફિગર-‘ચીની કમ’’ના જોક્સ મારે, અજય દેવગણ પોતાની જૂની ફિલ્મોની જેમ બે કાર પર ઊભો રહીને એન્ટ્રી મારે, ટાઇટલ સોંગમાં ખુદ રોહિત શેટ્ટી કાર ડ્રાઇવ કરતો હોય, નાના પાટેકરના જોક્સ+મિમિક્રી આવે… મીન્સ એ લોકોને ખબર છે કે તેઓ માત્ર ટાઇમપાસ મનોરંજન જ પીરસી રહ્યા છે. એટલે આપણે પણ ઝાઝા ઇમોશનલ થવાની જરૂર નથી. કેમ કે, બડી બેશર્મીથી પ્રોડ્યુસર લોકોએ ફિલ્મમાં ‘ઇન્ટેક્સ’, ‘ફિનોલેક્સ’, ‘બ્રાઇટ આઉટડૉર લાઇટ્સ’, ‘ચિંગ્સ સિક્રેટ’, ‘પેટીએમ’, ‘ક્વૉલિટી વૉલ્સ આઇસક્રીમ’, ‘બીઇંગ હ્યુમન બાઇસિકલ્સ’ વગેરેની આપણા માથા પર વાગે એ રીતે જાહેરખબરો લઈ લીધી છે. યાને કે ફિલ્મનો ખર્ચો નીકળી ચૂક્યો છે, આપણે તો બસ તેમને નફો જ કરાવી રહ્યા છીએ!

વ્હોટ્સ યૉર IQ?

એક્ચ્યુઅલી, ‘ગોલમાલ સિરીઝ’ હવે ‘સિક્વલ ફટીગ’થી પીડાવા લાગી છે. તેનાં પાત્રો શું કરશે તે આપણને ખબર જ છે, એટલે એમની હરકતો આપણને હસાવતી નથી. છતાં રોહિત શેટ્ટીની આ ‘બાળફિલ્મ’માં હસવું જ છે એવું નક્કી કરીને ગયા હો તો છૂટક છૂટક દૃશ્યોમાં હસવું આવી શકે. પરંતુ ગંભીરતાથી વિચારીએ તો સમજાય છે કે ઑડિયન્સ તરીકે આપણે વધુ સારી અને મૅચ્યોર કોમેડી ફિલ્મો મેળવવાને હદકાર છીએ, સાવ આવી ફૂવડ, ચાઇલ્ડિશ, ઇમ્મૅચ્યોર ફિલ્મો નહીં. ‘ગોલમાલ અગેઇન’ને અંતે દર્શાવાતી ગૅગ રીલ પત્યા પછી રોહિત શેટ્ટી અને એમની ટીમ જે આત્મવિશ્વાસથી ‘સી યુ સૂન’નું પાટિયું બતાડે છે એ જોતાં ભવિષ્યમાં એ ‘ગોલમાલ વન્સ અગેઇન’, ‘ગોલમાલ વન મોર ટાઇમ’ કે ‘ગોલમાલ ઇન્ફિનિટી’ લઇને આવશે જ!

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ક્યા કૂલ હૈ હમ-૩

‘સસ્તા’ અનાજની દુકાન

***

આ વાહિયાત આઉટડેટેડ ફિલ્મ કરતાં વ્હોટ્સએપમાં ફરતા ગંદા જોક્સ ક્યાંય વધુ ફની હોય છે.

***

01_01_2016_14_59_34kyaa_kool_hain_hum_3_movie_2nd_poster‘ફેશન ટીવી’માં ‘આસ્થા’ ચેનલ જેવા કાર્યક્રમોની, મૅડિકલ સ્ટોરમાં પાંઉભાજીની કે પાકિસ્તાન પાસેથી વફાદારીની અપેક્ષા ન રખાય. એ જ ન્યાયે ‘ક્યા કૂલ હૈ હમ-૩’ જેવી હાડોહાડ વલ્ગર ફિલ્મ પાસેથી બાબા આલોક નાથ જેવા સંસ્કારોની અપેક્ષા રાખીએ તો કોઈ આપણા હાથમાં પાગલખાનાનો એન્ટ્રી પાસ પકડાવી જાય. પરંતુ ‘સૅક્સ કોમેડી’ હોવું એ આ ફિલ્મનો ગુનો નથી. બલકે તેનો સૌથી મોટો ક્રાઇમ છે અત્યંત કચ્ચરપટ્ટી સ્ક્રિપ્ટ, સીધા કમ્પોસ્ટ ખાતર તરીકે વાપરી શકાય તેવા સડી ગયેલા જોક્સ અને બે કલાક ચાલતો ભવાડોત્સવ. જેમાં કોમેડીના નામે મોટું મીંડું છે.

ડર્ટી પિક્ચર

કન્હૈયા (તુષાર કપૂર) અને એનો દોસ્તાર રૉકી (આફતાબ શિવદાસાણી) બંને કોઈ કામના નથી (હાઉ રિયલિસ્ટિક). નાનીના જન્મ દિવસે પણ અશ્લીલ કૅક લઈ આવે તેવા આ નમૂનાને એના બાપા પી. કે. લેલે (શક્તિ કપૂર) તગેડી મૂકે છે એટલે બંને રિસાઇને પોતાના ત્રીજા એક દોસ્તાર મિકી (ક્રિશ્ના અભિષેક) પાસે બેંગકોક ભાગી જાય છે. મિકી ત્યાં સુપરહીટ હિન્દી ફિલ્મોની અશ્લીલ રિમેક બનાવવાનો ધંધો ચલાવે છે. આ બંને નમૂના પણ એમાં જોડાઈ જાય છે. પરંતુ ત્યાં જ તુષારને શાલુ (મંદના કરિમી) નામની કોમલાંગિની કન્યા સાથે પ્રેમ થઈ જાય છે અને વાત શાદી સુધી પહોંચે છે. પરંતુ સાચાં માતાપિતાને બેંગકોક બોલાવવાને બદલે તુષાર ત્યાં જ રહેલાં પોર્ન એક્ટરોને પોતાનો પરિવાર બનાવીને શાલુના પિતા સૂર્યા કરજાત્યા (દર્શન જરીવાલા) સામે પેશ કરે છે. બસ, આ ભવાડાનો સિલસિલો છેક સુધી અટકતો નથી. વળી, તેમાં સુષ્મિતા મુખરજી, જિમી મોઝેસ, મેઘના નાયડુ અને એકાદા ગેસ્ટ અપિયરન્સ જેવા લોકોનો પણ ઉમેરો થાય છે.

આ તે ફિલ્મ છે કે તુષાર કપૂર રોજગાર યોજના?

હાસ્યના પ્રકારોનો અભ્યાસ એવું કહે છે કે અશ્લીલ જોક્સમાં પણ આપણને તેની અશ્લીલતા કરતાં તેમાં રહેલી સ્માર્ટનેસને કારણે વધારે હસવું આવે છે. મિલાપ ઝવેરી અને મુશ્તાક શેખે લખેલી તથા ઉમેશ ઘાટગેએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં અશ્લીલ હાસ્ય પીરસવાના તમામ નુસખા ટ્રાય કરી લેવામાં આવ્યા છે. લગભગ દરેક સીનમાં શરીરના ઉભાર બતાવતી સેક્સ ભૂખી ઉંહકારા કરતી સ્ત્રીઓ, એમના શરીર પર પટકાતા અને લાળ ટપકાવતા પુરુષો, ડબલ મીનિંગ વાક્યો, નિર્દોષ લાગતા શબ્દપ્રયોગોને પણ તોડી મરોડીને તેમાંથી કઢાતો અશ્લીલ અર્થ, ગૅ જોક્સ, પ્રાઇવેટ પાર્ટ્સને સજેસ્ટિવ રીતે બતાવવા, દર બીજા સીનમાં બ્રા ઊછળવી, મિડલ ફિંગર અને ‘પ્લેબૉય’નો બની દોરેલાં કપડાં પહેરવાં, કેળાં-આઇસક્રીમને પણ અશ્લીલ લાગે તે રીતે ખાવાં, વલ્ગર અવાજો અને ચેનચાળા, હિન્દી ફિલ્મોના ડાયલોગ્સની અશ્લીલ પેરોડી… તમે કલ્પના કરી શકો તે તમામ ગંદા મસાલા અહીં મોજુદ છે. પરંતુ સૌથી ગરીબ બાબત એ છેકે મોટા ભાગના જોક્સ તદ્દન આઉટડેટેડ અને પ્રીડિક્ટેબલ છે. આવી ‘પલંગતોડ’ કોશિશ કરવા છતાં લગભગ ક્યાંય હસવું આવતું નથી. અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે તમને કોઈ કોઈ ઠેકાણે છૂટક હસવું આવી જાય તો તમારા નસીબ.

જો અશ્લીલતાને બાજુ પર મૂકો તો અહીં જે પિરસવામાં આવ્યું છે તે આપણે ઑલરેડી સંખ્યાબંધ ફૂવડ કોમેડી ફિલ્મોમાં અને ‘કોમેડી સર્કસ’ જેવા કાર્યક્રમોમાં જોઈ જ ચૂક્યા છીએ. એટલે વાર્તાની રીતે પણ અહીં કશું જ નવું નથી. એક પછી એક પાત્રો કોઈ કારણ વિના એન્ટ્રી લેતાં જાય અને ભવાડામાં યથાશક્તિ ઉમેરો કરતાં જાય. ઇવન ‘ક્રેઝી કમીની હૂં મૈં’ જેવા શબ્દો ધરાવતાં ગીતોને સંગીતની કેટેગરીમાં મૂકવાં એ સંગીતનું તો ઠીક, ઘોંઘાટનું પણ અપમાન છે.

એકતા-શોભા કપૂરે આ ફિલ્મ માત્ર તુષાર કપૂરને કામ આપવા માટે જ બનાવી હોય તેવું લાગે છે. એની કે આફતાબ પાસેથી આમેય કોઇને એક્ટિંગની અપેક્ષા ન હોય, પરંતુ દર્શન જરીવાલા જેવા ઉમદા અભિનેતાને ‘મેરા પોપટ ખડા હો ગયા’ જેવા વલ્ગર ડાયલોગ બોલતા જોઇને સવાલ થાય કે એવી તે કઈ મજબૂરીમાં તેઓ આવી ભૂમિકાઓ સ્વીકારતા હશે? શક્તિ કપૂર હવે પોતાની સ્ક્રીન ઇમેજને બડી બેશર્મીથી વટાવી રહ્યા છે.

આ ફિલ્મ માત્ર અને માત્ર ક્વિક મની કમાઈ લેવા માટે જ બનાવાઈ છે, જેનાં બીજાં એક્ઝામ્પલ્સ છે તેમાં વારેઘડીએ નફ્ફટાઈથી આવતી શક્તિવર્ધક ગોળીઓ, ડાયમંડ, ઑનલાઇન શૉપિંગ, ફેશન બ્રૅન્ડ વગેરેની જાહેરખબરો.

ક્યા આપ કે દિમાગ મેં નમક હૈ?

શેરલોક હોમ્સ, બ્યોમકેશ બક્ષી કે ઇવન જેમ્સ બોન્ડને પણ કામે લગાડીએ તો પણ આ ફિલ્મમાંથી સમ ખાવા પૂરતો એકેય પ્લસ પોઇન્ટ શોધ્યો જડે તેમ નથી. ખરેખર તો સેક્સ કોમેડી પ્રકારની ફિલ્મો ‘ગિલ્ટી પ્લેઝર’ માટે બનતી હોય છે. જેને એકલા કે યાર-દોસ્તો સાથે પ્રાઇવેટ પાર્ટીમાં જોઇને હસી શકાય. પરંતુ આ ફિલ્મ એ કેટેગરીમાં પણ ક્વૉલિફાય થતી નથી. એટલે જો જરા પણ સેન્સ ઑફ હ્યુમર સાબુત બચી હોય, તો આ ફિલ્મથી સલામત અંતર રાખવામાં જ સાર છે.

રેટિંગઃ (ઝીરો સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

બજાતે રહો

પકાતે રહો

***

તમે ખોસલા કા ઘોંસલા જોઇ હોય, તો બજાતે રહો નહીં જુઓ તો ચાલશે!

***

bajatey-raho-first-look-poster-pic-1એમટીવી પર આવતા યુવાનોના શો ‘રોડીઝ’ના બે ટકલુ જુડવા ભાઇઓ (રઘુ-રાજીવ) એના સ્પર્ધકોને ઘણી વાર પૂછતા હોય છે કે આ રૂમમાં જે અષ્ટંપષ્ટં વસ્તુઓ પડી છે, એનો ઉપયોગ કરીને અમારું મનોરંજન કરો. આવું જ કંઇક ‘બજાતે રહો’ ફિલ્મના પ્રોડ્યુસરે એના લેખકને કેટલીક હિન્દી ફિલ્મોની ડીવીડીઝ આપીને કહ્યું હશે કે આમાંથી તમને જે કંઇ સારું લાગે એ બધું ભેગું કરીને એક ફિલ્મ લખી આપો. એટલે રાઇટરના હાથમાં ખોસલા કા ઘોંસલા, સ્પેશિયલ 26, બ્લફમાસ્ટર, લજ્જા, વિક્કી ડોનર, બેન્ડ બાજા બારાત વગેરે ફિલ્મોની ડીવીડી આવી ગઇ હશે અને એમાંથી થોડું થોડું ભભરાવીને આ નબળી ફિલ્મ ‘બજાતે રહો’ ઢસડી નાખી છે.

ઝેરોક્સની ઝેરોક્સ

દિગ્દર્શક શશાંત સિંહની ‘બજાતે રહો’ એક કોન મુવી છે, મતલબ કે આ આખી ફિલ્મમાં બે પાર્ટીઓ એક બીજાને ચૂનો લગાડવાની જ ફિરાકમાં જ રહે છે. દિબાકર બેનરજીની માસ્ટર પીસ એવી ‘ખોસલા કા ઘોંસલા’ના કાચા માલમાં જાતભાતનો મસાલો ઉમેર્યા પછી એની ઝેરોક્સની પણ ઝેરોક્સ કાઢી હોય એવી આ ફિલ્મ છે. કરોડોપતિ બિઝનેસમેન સબરવાલ (રવિ કિશન) તુષાર કપૂરના પપ્પા જે બેન્કમાં કામ કરે છે એને પંદર કરોડનો ચૂનો લગાવે છે. રોકાણકારોના એ પૈસા ચાંઉ કરી જવાનો આરોપ તુષાર કપૂરના પપ્પા અને એક મહિલા કર્મચારી પર આવી પડે છે. આવા પ્રચંડ આઘાતમાં સરી પડેલા પિતાશ્રી તાબડતોબ વૈકુંઠવાસી થઇ જાય છે. સાઇડમાં કેબલનો પણ ધંધો કરતી એમની પત્ની ‘મમ્મીજી’ (‘વિક્કી ડોનર’ ફેઇમ ડોલી આહલુવાલિયા) અને દીકરો સુખી (તુષાર કપૂર) કસમ ખાય છે કે એ કાળોતરા સબરવાલ પાસેથી પંદર કરોડ રૂપિયા અને પિતાશ્રીની ખોઇ હુઇ ઇજ્જત વાપસ લાવીને જ જંપીશું. એમાં એમને સાથ મળે છે પિતાની સાથે જેલમાં ગયેલી મહિલા કર્મચારીના પતિદેવ મિન્ટૂ હસન (વિનય પાઠક), મિત્ર બલ્લુ (રણવીર શૌરી) અને નમણી નાર એવી વિશાખા (ન્યૂ કમર મનપ્રીત)નો. હા, એક જોરદાર એક્ટિંગ કરતો ‘કબૂતર’ નામનો ટેણિયો પણ એમની મદદે આવે છે. પહેલાં એ લોકો સબરવાલના ચમચા એવા એક સ્કૂલ પ્રિન્સિપાલનું સ્ટિંગ ઓપરેશન કરીને એની પાસેથી બ્લેકમેઇલિંગ દ્વારા પાંચ કરોડ રૂપિયા પડાવે છે. પછી સબરવાલની નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર નકલી ફૂડ એન્ડ ડ્રગ ખાતાના ઓફિસર બનીને રેડ પાડે છે અને પછી એની દીકરીના લગ્નમાં ઘૂસ મારીને એના દહેજના પંદર કરોડ રૂપિયા ગાયબ કરવાનો પ્લાન ઘડે છે.

ઝેરોક્સમાંય પછી સ્પેલિંગ મિસ્ટેક’!

‘બજાતે રહો’ ફિલ્મ ખોસલા કા ઘોંસલા’ સાથે એટલી હદે સામ્યતા ધરાવે છે કે તમારે સરખામણી ન કરવી હોય તો પણ થઇ જાય. એટલે સુધી કે અહીં રવિ કિશન ‘ખોસલા કા…’ના બોમન ઇરાની જેવું પાત્ર ભજવે છે એ તો ઠીક, પણ એના સેક્રેટરીનું પાત્ર પણ અહીં હાજર છે. સામે છેતરપીંડીનો ભોગ બનેલો તુષાર કપૂરનો પરિવાર પણ એઝ ઇટ ઇઝ મૂકી દેવાયો હોય એવો છે. હદ તો ત્યાં થાય છે કે રણવીર શૌરી અને વિનય પાઠકનાં પાત્રો તો ડિટ્ટો ‘ખોસલા કા…’ જેવાં જ છે બોલો!

પરંતુ લોચો એ છે કે નથી રવિ કિશનમાં બોમન ઇરાની જેવી ખંધાઇ દેખાતી કે નથી આખી ફિલ્મમાં એવી થ્રિલ દેખાતી. તુષાર કપૂર એન્ડ કંપની નક્કી કરે કે હાલો લૂંટારાને લૂંટવા, એટલે સૌ મમરાનાં ભાતાં બાંધીને ચોર કે ઘર ચોરી કરવા નીકળી પડે છે. અરે, નાનકડો દસ-બાર વર્ષનો ટાબરિયો પણ બિન્દાસ સ્ટિંગ ઓપરેશન કરી આવે કે નકલી દૂધ બનાવતી ફેક્ટરીમાં છુપા કેમેરા ફિટ કરી આવે એ તો કઇ રીતે દિમાગમાં બેસે? જેમ જૂની ફિલ્મોમાં હિરો માત્ર ગોગલ્સ પહેરીને કે નકલી મૂછ લગાવીને વિલનના અડ્ડા પર ધબાધબી બોલાવી આવે અને વિલન એને ઓળખે પણ નહીં, એવો ચવાઇ ગયેલો ક્લિશે અહીં પણ છે. તુષાર એન્ડ કંપની એના એ જ ચહેરા લઇને કરોડોના કૌભાંડી રવિ કિશનનો બેન્ડ બજાવતા હોય અને કોઇનેય ખ્યાલ ન આવે બોલો!

હોલિવૂડની ફિલ્મ ‘ધ બકેટ લિસ્ટ’ પરથી ‘દસ્વિદાનિયા’ જેવી હૃદયસ્પર્શી ફિલ્મ બનાવનારા શશાંત સિંહે ‘ચલો દિલ્હી’ પછી સતત ત્રીજી વાર વિનય પાઠકને રિપીટ કર્યો છે. પરંતુ વિનય હોય કે રણવીર, એ લોકોએ હવે આવા એકના એક જ પ્રકારના રોલ કરવાનું બંધ કરવું જોઇએ. ‘વિક્કી ડોનર’માં આયુષ્માન ખુરાનાનાં મમ્મી બનેલાં ડોલી આહલુવાલિયા આ ફિલ્મમાં પણ જામે છે. તુષાર એના ચહેરા જેવો બાઘો જ લાગે છે. આના કરતાં તો એ ‘ગોલમાલ’ સિરીઝમાં ‘એંઓં… આ..ઉં..આ..’ કરતો હતો ત્યારે વધારે જામતો હતો! નવી હિરોઇન મનપ્રીત સારી લાગે છે. બસ, સારી જ લાગે છે!

ટૂંકી તોય લાંબી

આ ફિલ્મ પૂરા બે કલાકની પણ નથી, છતાંય એમાં લગભગ અડધો કલાક ચાલે એટલાં ગીતો ઠપકારવામાં આવ્યાં છે. માંડ ફિલ્મમાં જરાક મજા આવવા માંડી હોય ત્યાં એક ગીત આવીને ફિલ્મની ગતિમાં પંક્ચર પાડી દે. ગીતોય પાછાં એવાં કે આપણી પાસે થિયેટરમાં રિમોટ કંટ્રોલ હોય તો ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીએ. હા, ફિલ્મી ગીતની ધૂન પર બનેલી માતાજીની આરતી અને ઢેકા ઉલાળતી કન્યાઓ વાળું આઇટેમ સોંગ ‘નાગિન નાગિન’ ‘ચાલેબલ’ છે. ઉપરથી ફિલ્મનાં પંજાબી પાત્રો એટલું બધું પંજાબી બોલે છે કે આપણને થાય કે આ હિંદી ફિલ્મ છે કે પંજાબી! આખી ફિલ્મ લખ્યા પછી લેખકને થયું હશે કે હાઇલા, આમાં હજી આપણો ફેવરિટ એવો મેલોડ્રામા તો નાખવાનું રહી જ ગયું. એટલે રહી રહીને છેલ્લે ‘નહીંઇઇઇ… પિતાજી…’ ટાઇપનો સીન પણ છે.

કોઇપણ કોન મુવી હોય પછી તે ‘ઓશન્સ ઇલેવન’ કે ‘મિશન ઇમ્પોસિબલ’ હોય કે પછી આપણી ‘ખોસલા કા ઘોંસલા’ કે ‘સ્પેશિયલ 26’ જેવી ફિલ્મો હોય, એ બધામાં છેતરપીંડીનું પ્રોપર પ્લાનિંગ જ્યાં સુધી ન બતાવવામાં આવે, ત્યાં સુધી દર્શકોને એના પર વિશ્વાસ ન બેસે. ‘બજાતે…’માં એવું કશું જ બતાવાયું નથી. વળી, ગીતોને બાદ કરતાં લગભગ દોઢ જ કલાકની હોવા છતાં પણ ફિલ્મ ધીમી ધીમી આગળ વધે છે. હા, ‘રિવેન્જ કોમેડી’ના લટકણિયા સાથે આવેલી આ ફિલ્મ તમને ક્યાંક ક્યાંક હસાવવામાં સફળ થાય છે ખરી.

ઇન શોર્ટ, આ વીકએન્ડમાં ફિલ્મ જોવા જવું જ હોય અને બીજી કોઇ ફિલ્મની ટિકિટ ન મળે, તો આ ફિલ્મ જોઇ નાખવામાં વાંધો નથી. નહીંતર ‘ખોસલા કા ઘોંસલા’ની ડીવીડી તો તમને આસાનીથી મળી જશે!

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements