American Made

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

  • american-made-imax-landscape-1ટૉમ ક્રુઝની લેટેસ્ટ રિલીઝ ‘અમેરિકન મેઇડ’ (American Made) જોતી વખતે સતત એવો વિચાર આવતો હતો કે આવી ફિલ્મ આપણે ત્યાં બની શકે ખરી? એક્ચ્યુઅલ આર્કાઇવલ ફૂટેજ વાપરીને, સરકારની ખોખલી નીતિઓનાં, દંભનાં છોતરાં ફાડી નાખતું જક્સ્ટાપોઝિશન કરી શકે ખરી? અમેરિકન મેઇડ પ્રિસાઇસલી એ જ કરે છે.
  • અમેરિકન મેઇડ રિયલ લાઇફ સ્ટોરી છે બેરી સીલ નામના ‘TWA’ (ટ્રાન્સ વર્લ્ડ એરલાઇન્સ) પાઇલટની. નૅચરલી, બેરી સીલના પાત્રમાં છે ખુદ ટૉમ ક્રુઝ. 117 મિનિટની આ ફિલ્મની ફ્લાઇટ ટૅક ઑફ થાય છે એક ખુરાફાતી પાઇલટની બોરિંગ-મોનોટોનસ લાઇફથી. ત્યાંથી સાહેબ ડ્રગ સ્મગલર બને અને જીવ બચાવવા અમેરિકન સરકારનો પણ હાથો બને. ફિલ્મની અમુક વાતો સતત તમારા દિમાગમાં ફાઇટર પ્લેનની જેમ ચકરાવા મારતી રહે.

ચકરાવો નં. 1. ટૉમ ક્રુઝનો ચાર્મ

આ બંદો અંકે પૂરાં 55 વર્ષનો છે. છતાં આ જ ઉંમરના કોઈ ફદફદી ગયેલા અંકલ જેવો નહીં, બલકે સીધો ફાઉન્ટેનfirst-trailer-tom-cruise-is-american-made-696x464 ઑફ યૂથમાં ડૂબકી મારીને નીકળ્યો હોય એવો યંગ એન્ડ સુપર હૅન્ડસમ લાગે છે. અહીં તો ડાર્ક એવિએટર ગોગલ્સ સાથે એ બિલકુલ એની જ જૂની ફિલ્મ ‘ટૉપ ગન’ના મૉડમાં છે. અતિશય ગંભીર પરિસ્થિતિમાં પણ એ જે રીતે ખંધું હસે છે એ જોઇને લાગે કે આ બંદાના દિમાગમાં ખરેખર શેતાન અટ્ટહાસ્ય કરી રહ્યો છે.

ચકરાવો નં. 2. ફિલ્મનો હળવો ટૉન, બ્લેક હ્યુમર અને સ્માર્ટનેસ

ફિલ્મનું સ્ટાર્ટિંગ જ પેસેન્જર વિમાનની કોકપિટથી થાય છે. ક્રુઝ સાહેબ યુનિફોર્મમાં સજ્જ છે ને જાતભાતનાં કંટ્રોલ્સ સાથે અટખેલિઓ કરી રહ્યા છે. ધેટ્સ હાઉ વી નૉ કે સરજી પાઇલટ છે. પ્લૅન લૅન્ડ થયા પછી એક જ પૉઝમાં હાથ જોડીને વિદાય લઈ રહેલા મુસાફરોને કહી રહ્યા છે, ‘વેલકમ ટુ ફલાણા શહેર, વેલકમ ટુ ઢીંકણા શહેર…’ મીન્સ કે પાઇલટ તરીકે સાહેબની લાઇફ મોનોટોનસ છે. એ જ તબક્કે એક ખેપમાં ચાલુ ફ્લાઇટે કો-પાઇલટ ઘોરી ગયો છે. પેસેન્જર્સ પણ ઘોંટાઈ ગયા છે. એ જોઇને આ મહાશય ઑટોપાઇલટની સ્વિચ સાથે એવું અડપલું કરે છે કે આખું પ્લૅન ભયંકર ઝાટકો ખાય છે. મુસાફરોમાં હાહાકાર, ઑક્સિજનના માસ્ક લબડી પડે છે, કો-પાઇલટ સફાળો જાગી જાય છે, ને આ ભાઈ મોગેમ્બો જેવું હસે છે! યાને કે મહાશય છે બડા ખુરાફાતી.

કૉલ્ડ વૉરના એ સમયમાં એ અમેરિકામાં ચોરીછૂપે ક્યુબન સિગાર પણ ઘુસાડે છે. મતલબ કે એને રાતોરાત રિચ થઈ જવાનો કીડો પણ છે (એની આ જ લાલચનો ઉપયોગ પછી CIA કરે છે). એકપણ શબ્દનો ઉપયોગ કર્યા વિના માત્ર વિઝ્યુઅલ્સથી જ ડિરેક્ટર ડગ લિમન બેરી સીલનું કેરેક્ટર એસ્ટાબ્લિશ કરી દે છે. અઠંગ દાણચોર બન્યા પછી એને અમેરિકન ગેંગસ્ટર અલ કપોનની બાયોગ્રાફી પણ વાંચતો બતાવાયો છે.

ફિલ્મનો સબ્જેક્ટ અત્યંત સિરિયસ છે. કેવી રીતે અમેરિકા માત્ર પોતાના સ્વાર્થ માટે, બિઝનેસ માટે સ્પાઇંગ કરાવે એ તો સમજ્યા, પણ જે તે દેશના વિદ્રોહીઓને હથિયારો-દારૂ-પૉર્ન મેગેઝિન્સ ઍટસેટરા પણ સપ્લાય કરે. સાહેબ પાબ્લો એસ્કોબાર જેવા કુખ્યાત કોલંબિયન ડ્રગ લૉર્ડ પાસેથી કોકેઇન લઇને અમેરિકામાં ઘૂસાડતો હોય (એ પણ સરકારી પ્લેનમાં), ચિક્કાર પૈસા સાથે પકડાય, તોય એને ચુટકિયોંમાં છોડી મૂકવામાં આવે. અમેરિકાના દંભને ઉઘાડો પાડતો એ સીન જબરદસ્ત છે. થોડા સમય પહેલાં જ ડ્રગ ટ્રાફિકિંગમાંથી છૂટેલો બેરી સીલ વ્હાઇટ હાઉસમાં CIAના ઉચ્ચ અધિકારીઓને મળવાની રાહ જોઈ રહ્યો છે. અને બરાબર એ જ વખતે પ્રેસિડન્ટ રિચર્ડ નિક્સન મીડિયા સામે ડ્રગ ટ્રાફિકર્સને જરાય સાંખી લેવામાં નહીં આવે એવી બડાશો હાંકતા હોય! ત્યારે વિચાર આવે કે આ પ્રકારે (કોઈ પક્ષના કે વિચારધારાના ખોળામાં બેઠા વિના) સરકારી દંભને ઉઘાડો પાડતી ફિલ્મ બનાવવાની હિંમત આપણે ત્યાં કોઈ કરી શકે ખરું?

અમેરિકન બૉર્ડર પોલીસનું વિમાન ક્રુઝની પાછળ પડ્યું હોય, ક્રુઝનું પ્લૅન ક્રેશ થઈ રહ્યું હોય, પોલીસ ગમે ત્યારે રેડ પાડીને ભેજું ઉડાવી દેવાની ફિરાકમાં હોય અને ત્યારે મહાશય પૈસાની થેલી એકઠી કરી રહ્યા હોય, મારી મારીને ઠૂસ કાઢી નાખી હોય ને ત્યારે મહાશયનો એક દાંત ગાયબ થઈ ગયો હોય, ટૂંકા રનવે પરથી પ્લૅન ટેક ઑફ કરાવવાનું હોય અને પ્લેન ઊડશે કે ક્રેશ થઈ જશે એ મુદ્દે સટ્ટો લાગતો હોય, ડ્રગ્સની હેરાફેરીમાં એટલો પૈસો કમાતો હોય કે જ્યાં જુઓ ત્યાં ડૉલર્સની થપ્પીઓ જ દેખાતી હોય (ઘર, ગેરેજ, ગોડાઉન, ઘોડાનો તબેલો, બધે જ. એક તબક્કે તો પૈસા હેઠળ દબાઈ જાય એવી નોબત આવે!). અરે જૂતાં શોધવાં હોય તો પૈસા ભરેલાં બે બૉક્સ ઑપન કરે એ પછી ત્રીજા બૉક્સમાંથી જૂતાં નીકળે! આવી કેટલીયે બ્લૅક કોમેડીથી આખી ફિલ્મ ભરચક છે. ચારેકોર ઊછળતી પૈસાની છોળો અને તે પછીનું બેશરમ બિહેવિયર સહેજે ‘વુલ્ફ ઑફ વૉલ સ્ટ્રીટ’ની યાદ અપાવી દે. એક તબક્કે બેરી સીલને પોતાનું ભવિષ્ય ખબર પડી જાય એ પછીયે એ જરાય અપોલોજેટિક ફીલ નથી કરતો. રાધર, એણે તમામ પરિણામો ભોગવવાની તૈયારી સાથે જ ડબલ ક્રોસ કરવાની ગૅમનો ભાગ બન્યો હોય એવું લાગે.

ચકરાવો નં. 3. કેમેરા અને કલરટોન

‘અમેરિકન મેઇડ’ ખુદ બેરી સીલ એટલે કે ટૉમ ક્રુઝના વોઇસ ઑવરમાં છે. એ પોતે પોતાની લાઇફસ્ટોરી વીડિયો કેસેટ્સ (VHS)માં શૂટ કરી રહ્યો છે અને તેની થપ્પીઓ બનાવી રહ્યો છે. કદાચ એટલે જ આખી ફિલ્મનું કેમેરાવર્ક પણ એ રીતે રખાયું છે કે જાણે કોઈ સતત એની સાથે રહીને હેન્ડિકૅમથી શૂટ કરતું હોય. ડિટ્ટો ફિલ્મનો કલરટોન પણ જૂના જમાનાની વીડિયો કૅસેટ્સ જોતા હોઇએ એવો રખાયો છે. બાય ધ વે, ફિલ્મની સ્ટોરી ઈ.સ. 1978થી 1986 વચ્ચે આકાર લે છે.

‘અમેરિકન મેઇડ’ ગ્રેટ ફિલ્મ નથી. પરંતુ ક્રાઇમ, પોલિટિકલ ક્રાઇમ, વિશ્વના પડદા પાછળ ચાલતી ગંદી રાજરમતો, બે બિલાડાંને લડાવીને મલાઈ ખાઈ જવાની ટિપિકલ અમેરિકન ફિતરત અને અબોવ ઑલ ટૉમ ક્રુઝ માટે આ ફિલ્મ જોવી જોઇએ.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Mission Impossible: Rogue Nation

ગેરન્ટીડ થ્રિલ

***

થોડાં અપ-ડાઉન છતાં પોપ્યુલર ફિલ્મ સિરીઝનો આ પાંચમો હપ્તો તેના નીવડેલા મરી-મસાલાથી ભરપુર અને બેશક જોવા જેવો છે.

***

mission-impossible-rogue-nation-2015-poster-hd-wallpaperજો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ પ્રમાણે તમે નિરાંતે પૉપકોર્ન-સમોસાંનાં પડીકાં લઇને ટહેલતાં ટહેલતાં આ ફિલ્મ જોવા માટે સ્ક્રીનમાં પ્રવેશશો તો નક્કી વાત છે કે આખી ફિલ્મની સૌથી થ્રિલિંગ એક્શન સિક્વન્સ તમે ગુમાવી બેસવાના. રેગ્યુલર ફિલ્મોની જેમ નિરાંતે વાર્તાની માંડણી કરવાનો અહીં ટાઇમ નથી. સ્ટોરી સીધી ચોથા ગિયરમાં જ પડે છે અને ખાસ્સી વારે તમને યાદ આવે છે કે હાયલા, આપણું મોઢું તો ક્યારનું ખુલ્લું રહી ગયું છે.

વન મૅન આર્મી

‘મિશન ઇમ્પોસિબલ’ સિરીઝના ચાહકોને ખ્યાલ છે તેમ ઇથન હન્ટ (ટૉમ ક્રૂઝ) અમેરિકાની IMF એટલે કે ‘ઇમ્પોસિબલ મિશન ફૉર્સ’નો જાંબાઝ એજન્ટ છે. જીવના જોખમે એ અત્યંત ખતરનાક એવા નર્વ ગેસનો જથ્થો પકડી પાડે છે. એની પાસે પુખ્તા સબૂત છે કે ‘સિન્ડિકેટ’ નામની હાઈપ્રોફાઇલ ત્રાસવાદી સંસ્થા કંઇક મોટી ભાંગફોડ કરવાની ફિરાકમાં છે. બીજી બાજુ અમેરિકામાં CIA યાને કે ‘સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી’નો ડિરેક્ટર (એક્ટર એલેક બૉલ્ડવિન) સેનેટના સભ્યોને પટાવીને IMF પર પ્રતિબંધ મુકાવી દે છે. પરંતુ IMFનો બીજો વર્તમાન એજન્ટ (જેરેમી રેનર), એક ભૂતપૂર્વ એજન્ટ (વિન્ગ રૅમ્સ), CIAનો કમ્પ્યુટર નિષ્ણાત (સાઇમન પૅગ)ની ઇથનને મદદ મળે છે. મદદગારોના લિસ્ટમાં ઉમેરાય છે એક નમણી રહસ્યમયી નાર (અદાકારા રિબૅકા ફર્ગ્યુસન). એક હાથે આ સુંદરી ઇથનને મદદ કરે છે તો બીજા હાથે એ ડબલક્રોસ પણ કરે છે. હવે સ્થિતિ એવી છે કે એક ભયંકર ષડ્યંત્ર રચાઈ રહ્યું છે અને ઇથન હન્ટ તેને રોકવા માટે મેદાને પડ્યો છે. નેઇલ બાઇટિંગ ઘટનાક્રમ માટે ઑવર ટુ મુવી.

થ્રિલ રાઇડ

સ્પાય થ્રિલર ફિલ્મોના બંધાણીઓ માટે આ ‘મિશન ઇમ્પોસિબલઃ રોગ નેશન’માં પૂરતો મસાલો છે. અગાઉ ‘યુઝવલ સસ્પેક્ટ્સ’ જેવી ઑસ્કરવિનર ફિલ્મ (જેના પરથી આપણે ત્યાં ‘ચોકલેટ’ બનેલી) બનાવી ચૂકેલા ડિરેક્ટર ક્રિસ્ટોફર મૅકક્વેરીએ જ આ ફિલ્મ લખી પણ છે. પરંતુ જોતી વખતે આપણને સતત કોઈ ઇન્ટરનેશનલ સ્પાય થ્રિલર નવલકથા વાંચતા હોઇએ એવી ફીલ આવે છે. દર થોડી વારે આવતી અફલાતૂન ચૅઝ સિક્વન્સ, સતત બદલાતા દેશો, રોમાંચથી આપણે સીટનો ટેકો છોડી દઇએ તેવી થ્રિલિંગ મોમેન્ટ્સ, ટૉમ ક્રૂઝની સાથોસાથ આપણું દિમાગ પણ દોડતું રહે તેવું સસ્પેન્સ અને જાદુગર જે રીતે આખો કુતુબ મિનાર ગાયબ કરી દે તેવું સિક્રેટ… આ બધાનું પર્ફેક્ટ કોમ્બિનેશન અહીં છે. પરંતુ આવાં એલિમેન્ટ્સ તો દર બીજી-ત્રીજી હૉલીવુડ ફિલ્મમાં હોય છે. અહીં છે સમથિંગ એક્સ્ટ્રા.

એક તો ટૉમ ક્રૂઝનો બોયીશ ચાર્મ, એની મસ્ક્યુલિનિટી અને મિનિમમ ડાયલોગ્સ સાથે મૅક્સિમમ પર્ફોર્મન્સ. હા, અમુક સીનમાં એની ઉંમર દેખાય છે, પરંતુ ટૉમ ક્રૂઝની ચપળતા જોઇને લાગે નહીં કે એ મહાશય ૫૩ વર્ષના છે. ‘જેમ્સ બોન્ડ’ જેવા ફીલ્ડ એજન્ટ તરીકે એ એટલો બધો પર્ફેક્ટ લાગે છે કે એના રોલમાં બીજા કોઇને કલ્પી જ ન શકીએ. માત્ર ધબાધબી કરીને ટેન્શન ઊભું કરવાને બદલે અહીં ડાયલોગ્સમાં સતત કોમિક વનલાઇનર્સના ચમકારા આવ્યા કરે છે. સૅમ્પલઃ સૅનેટના સભ્યો IMF કે ઇથન હન્ટ વિશે કંઇપણ પૂછે એટલે અભિનેતા જેરેમી રેનર એક જ વાક્ય ઉચ્ચારે, ‘સોરી સર, સૅક્રેટરીની મંજૂરી વિના હું કોઈ કમેન્ટ કરી શકું નહીં.’ અને આખા હૉલમાં હાસ્યનું મોજું ફરી વળે.

મજા નંબર ત્રણ છે, જેમ્સ બોન્ડની ફિલ્મોને ટક્કર મારે તેવાં ગેજેટ્સ. આસપાસ ફરતા લોકોની ઓળખ આપી દેતા સ્માર્ટ ગોગલ્સ, સામાન્ય પુસ્તકમાંથી કન્વર્ટ થઇને બની જતું લૅપટોપ, ટ્રમ્પેટમાંથી બંદૂક, ફિંગરપ્રિન્ટ રૅકગ્નિશન સાથેના કારના કાચ, ફિંગરપ્રિન્ટ, રૅટિના તથા અવાજ એમ ત્રણ લૅયરમાં લૉક કરાયેલી કમ્પ્યુટર ફાઇલ વગેરે. ચોથી મજા છે એક્શનમાં ક્રિયેટિવિટીની. બીબાંઢાળ મારધાડ હોય તો આખી વાત બોરિંગ થઈ જાય. અહીં ટૉમ ક્રૂઝ એક જાયન્ટ સાઇઝના કાર્ગો પ્લેન સાથે હવામાં લટકતો હોય, આખી કાર સુપર સ્પીડે હવામાં કૂદકો મારે પણ રિવર્સમાં. ક્યાંક ઇથનના પાત્રના ફાળે આવેલી દિમાગી ટૅક્ટિક પણ જલસો કરાવી દે. જેમ કે, એક જ સમયે અલગ અલગ દિશામાંથી આવનારી બે આફતને રોકવાની હોય ત્યારે ઇથન શું કરે? દોસ્ત અને દુનિયા બંનેને એકસાથે બચાવવાં હોય, ત્યારે ઇથન શું કરે?

મજા નંબર પાંચ છે, અભિનેત્રી રિબૅકા ફર્ગ્યુસન. કિલર લુક્સ અને રબરની જેમ વળતા શરીર સાથે અત્યંત આસાનીથી ઍક્શન સીન કરતી આ સ્વીડિશ અભિનેત્રી ઘણે ઠેકાણે ટૉમ ક્રૂઝ પાસેથી સીન રીતસર પડાવી લે છે. જો સામે ટૉમ જેવો ખમતીધર હીરો ન હોત, તો રિબૅકા એને ખાઈ ગઈ હોત. રિબૅકાનું મિસ્ટિરિયસ પાત્ર વિશ્વાસ-શંકા, દોસ્તી-પ્રેમની વચ્ચે ઝોલાં ખાતું રહે છે. મજા નંબર સિક્સ છે, બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને કેમેરાવર્ક. ‘મિશન ઇમ્પોસિબલ’ સિરીઝની સિગ્નેચર ટ્યૂન તો આવી રહેલા એડ્વેન્ચરની છડી પોકારે જ છે, પરંતુ સમગ્ર ફિલ્મમાં થ્રિલનું પમ્પિંગ કરતું સંગીત પણ એટલું જ ઝન્નાટેદાર છે. એમાંય એક તબક્કે તો બૅકગ્રાઉન્ડમાં મ્યુઝિકલ ઑપેરા ચાલે છે અને તેના પડદા પાછળ ખૂની ખેલ ચાલે છે. કહેવાય છે કે આ ઉંમરે પણ ટૉમ ક્રૂઝ પોતાના સ્ટન્ટ જાતે જ કરે છે. જે હોય તે, પરંતુ ફિલ્મને વીડિયો ગેમ બનાવી દે તેવી વધુ પડતી સ્પેશ્યલ ઇફેક્ટ્સને બદલે અહીં મોટાભાગની એક્શન જૅન્યુઇન લાગે છે. એક સૂક્ષ્મ મજાઃ ‘મિશન ઇમ્પોસિબલ’ સિરિઝનો પ્રોડ્યુસર ટૉમ ક્રૂઝ પોતે છે. પરંતુ આ વખતથી તેમાં પૈસા રોકનારાઓની યાદીમાં ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ‘અલીબાબા’નું નામ પણ ઉમેરાયું છે.

સિરીઝનો પાંચમો હપ્તો હોવા છતાં ‘મિશન ઇમ્પોસિબલ’માં ટૉમ ક્રૂઝ (પ્લસ આ વખતે બીજા બે અદાકાર)ને બાદ કરતાં અહીં પાત્રો રિપીટ કરાતાં નથી, જેથી ફિલ્મ ખાસ્સી ફ્રેશ લાગે છે. એટલે જેમણે અગાઉનો એકેય હપ્તો ન જોયો હોય તેઓ પણ પાછલા સંદર્ભોની ચિંતા કર્યા વિના એટલા જ રસથી ફિલ્મ માણી શકે છે. ઉપરથી આ ફિલ્મ એકદમ સાફસૂથરી છે એ લટકામાં.

તો શું આ ફિલ્મ આખું હૉલીવુડ ઓવારી જઇએ એટલી બધી ગ્રેટ છે? નૉટ રિયલી. એક પછી એક થ્રિલિંગ મોમેન્ટ્સ આવતી હોવા છતાં વચ્ચે એવા બ્રેક પડે છે, જ્યાં રોમાંચની રેલ થોડી મોળી પડી જાય છે. ક્યાંક થ્રિલની ચરમસીમા અગાઉથી જ કળી શકાય છે. વળી, અહીં વિલન પણ એટલો દમદાર લાગતો નથી અને ફાઇનલ એક્શન સિક્વન્સ થ્રિલને ઊંચે લઈ જવાને બદલે સહેલાઈથી પડીકું વળી જાય છે. ફિલ્મમાં જેરેમી રેનર અને એલેક બૉલ્ડવિન જેવા નીવડેલા સ્ટાર્સ હોવા છતાં એમના ભાગે લગભગ કશું નક્કર કામ આવ્યું જ નથી અને સદંતર વેડફાયા છે.

મિશન ફિલ્મદર્શન

જુઓ, જે શોખીનો આ સિરીઝના દીવાના છે એમને તો કોઈ રિવ્યૂની જરૂર જ નથી પડવાની. મોટે ભાગે તો અત્યાર સુધીમાં તેઓ હડી કાઢીને જોઈ પણ આવ્યા હશે. પરંતુ તેલ, તેલની ધાર અને તેલની પ્રાઇસ ત્રણેય ચકાસીને જોવા જનારા પણ બેશક આ ફિલ્મ થિયેટરમાં જોવા જઈ જ શકે છે. ભલું હશે તો બહાર નીકળીને ‘બાહુબલી’ની જેમ એવું પણ પૂછશે કે હવે આનો નેક્સ્ટ ભાગ ક્યારે આવી રહ્યો છે? અને હા, ભલે એન્ટિ સ્મોકિંગની એડ જોવી પડે, પણ ટાઇમસર પહોંચી જજો ખરા. નહીંતર નુકસાન તમારું જ છે.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.